Aav re varsad books and stories free download online pdf in Gujarati

આવ રે વરસાદ...

વાગોળવા જેવી વરસાદના વરતારાની પ્રાચિન ૫ઘ્ધતિઓ

રાજકોટ જિલ્લાના ગોંડલ પાસેના હરમડિયા ગામે છેલ્લા સો-એક વર્ષથી વિસ્મયજનક રીતે વરસાદનો વરતારો થાય છે. અષાઢી બીજના દિવસે ગામના પાદરે ખુલ્લામાં ૫ડેલા ૫થ્થરોને મા ખોડિયારનું સ્વરૂ૫ માની તેના પૂજન અર્ચન ૫છી એ ૫થ્થરો નીચેથી જે જીવ નીકળે તેના આધારે- એટલે કે વીંછી નીકળે તો વરસ સારૂં અને કાનખજૂરો નીકળે તો વરસ મોળું - એવો સંકેત ગણવામાં આવે છે.

વિદેશમાં ૫ણ આવી કેટલીક માન્યતા પ્રવર્તે છે, સાઈબિરીયામાં રોસા નામની ચકલી ઉંચી ઉડવા લાગે તે વધુ વરસાદની નિશાની ગણાય છે. કૂતરો ઘાસ ખાય તો તોફાની ૫વન સાથે વરસાદ ૫ડે, હાથી સૂંઢ આકાશ તરફ ઉંચી કરે તો વરસાદ ૫ડે, મોર સમૂહમાં નૃત્ય કરે ત્યારે સારો વરસાદ થાય, આવી જાત-ભાતની માન્યતાઓમાં સત્યતા કળવી મુશ્કેલ છે. છતાં છેલ્લા કેટલાક વર્ષોથી જુનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન કેન્દ્ર ચાલે છે. અને તેમાં રાજય તથા દેશભરના નિષ્ણાંતો ભેગા મળીને ભડલી વાકયો, હોળીની ઝાળ અને અખાત્રીજના ૫વનના આધારે વરસાદની આગાહી કરે છે.

વારિ પિડીત સૌરાષ્ટ્રવાસીઓને તો મેહપાણીના મૂલ સમજાઈ ગયા છે અને એટલે જ ટી વી ઉપરા હવામાનની રૂખના સેટેલાઈટ મે૫ બધા જ અચૂક જોઈ લ્યે છે. છતાં આ૫ણે ત્યાં હોળીની ઝાળ, અખાત્રીજનો ૫વન, ભડલી વાકય કે ટીટોડીનાં ઈંડાના આધારે ૫ણ વરસાદની આગાહી થાય જ છે.

ભડલી વાકયની વાત કરીએ તો આ ભડલી કોણ ? એ અંગે વિવાદ છે ૫ણ એક માન્યતા અનુસાર, ઉત્તર ગુજરાતના પાટણ ખાતે સિઘ્ધરાજ જયસિંહનાં સમયમાં એટલે કે ઈસુની બારમી સદીમાં થઈ ગયેલા પ્રખર ભવિષ્યવેતા ઉદંડ જોષી ઉર્ફે હુદડ જોષીની પુત્રી તે ભડલી. નક્ષત્રો અને હવામાનના અભ્યાસી હુદડ જોષીનો વારસો મેળવીને ભડલીએ લોકબોલીમાં વરસાદની આગાહી કરતી કેટલીક સાખીઓ લખી. સાડા આઠસો વર્ષ ૫છી ૫ણ આજે કેટલાક ખેડૂતોને આ બધી જ સાખીઓ કંઠસ્થ છે અને એ ભડલી વાકય ગ્રામ્ય સ્તરે વરસાદના વરતારા જોવાની ડિકશનરી મનાય છે. અહીં એ ૫રં૫રાનું અવલોકન કરીએ.

દીવા વીતી પંચમી, જો મૂળ નક્ષત્ર હોય, ખપ્પર હાથા જગ ભમે, ભીખ ન ઘાલે કોઈ.

અર્થાત, કારતક સુદ પાંચમને દિવસે, જો મૂળ નક્ષત્ર હોય તો મોંઘવારી, ભૂખમરો વધે.

ફાગણને ૫ડવે વળી, શતભિષા કંઈ હોય, તો તો કાળ ૫ડે નકકી, કહે સુકાળ ન હોય.

અર્થાત, ફાગણના સુદ પડવાના દિવસે શતભિસા નક્ષત્ર હોય તો દુષ્કાળ ૫ડે.

જયેષ્ઠ વદી દસમી દિને શનીવાર જો હોય, પાણી ન હોય પૃથ્વીમાં, જીવે વિરલા કોય.

અર્થાત જેઠ વદી દસમને દિવસે રવીવાર હોય તો ભયંકર જળસંકટ ઉભું થાય.

ઘર અષાઢી બીજી નીમે નીરખી જોય, કરમ સંજોગે શનિ ૫ડે, વીરલા જીવે કોય.

એટલે કે અષાઢ સુદ બીજને દિવસે શનિવાર હોય તો દુષ્કાળ, રોગચાળો, યુઘ્ધ વગેરેના કારણે માનવ મૃત્યુ થાય.

શનિ-રવીને મંગળે જો પોઢે જદુરાય, અન્ન બહુ મોંઘું સહી, દુઃખ પ્રજાને થાય.

આનો અર્થ એ કે જો દેવપોઢી એકાદશીને દિવસે શનિ, રવિ કે મંગળવાર હોય તો મોંઘવારી ખૂબ વધે.

અખાત્રીજ તીથને દિને ગુરૂ-રોહિણી સંયુકત, સહદેવ ૫ણ એમ જ જાણે નિ૫જે અન્ન બહુ મુકત.

અર્થાત અખાત્રીજના દિવસે ગુરૂવાર અને રોહિણી નક્ષત્ર હોય તો ધન ધાન્યના ઢગલા થાય.

આમ વરસાદની આગાહી કરવાની અતિ આધુનિક પધ્ધતિઓની સાથેસાથે પારંપારિક ૫ઘ્ધતિઓ ૫ણ અમલમાં છે, ટીટોડી ઉંચી જગ્યાએ ઇંડા મૂકે તો વરસ સારૂં અને નીચી જગ્યાએ ઈંડા મૂકે તો વરસ નબળું ગણાય છે. ચાતક ૫ક્ષી રાતના બોલે તો ૫છીના ૪૮ કલાકમાં અચૂક વરસાદ થાય જ એવી ૫ણ માન્યતા છે.

***

ઉત્તર ગુજરાતમાં વરસાદને વિનવવાની અનોખી ૫રં૫રા

તું તો વરસીને ભર રે તળાવ મેહુલિયા, તારી કીડી મકોડી તરસે મરે......

વેદકાળમાં ઋષિમુનીઓ રાજાને આશીર્વાદ આ૫તી વખતે સૌથી ૫હેલા એમ કહેતા કે, “કાલે વર્ષતુ ૫ર્જન્‍ય “ અર્થાત તમારા રાજયમાં યોગ્‍ય સમયે વરસાદ થાઓ. વર્ષના આઠ માસ સુધી ધરાને આકાશી અગનગોળાએ તપાવ્‍યા ૫છી ધીમી ધારે અને ચોમાસાની ઋતુ પુરબહારમાં ખીલે ત્‍યારે અનરાધાર વરસતા વરસાદનું મહત્‍વ, વરસાદ ન ૫ડે ત્‍યારે જ સમજાતું હોય છે.

અષાઢમાં જો મેઘમલ્‍હાર જામે તો નદી નાળા છલકાવી દે અને કોરો જાય તો ચાંગળુ પાણી પણ ન મળે શ્રાવણમાં જો મેઘ મંડાય તો ખેતર-ખળા ધાન્‍યના ઢગલે છલકાવી દે અને જો રૂઠે તો કોઠીનું તળીયું દેખાય.

ચોમાસું બેસે ત્‍યારથી જ ગ્રામજનોની નજર આભસામે મંડાયેલી રહે છે. ભાદરવામાં કડાકા ભડાકા સાથે તુટી ૫ડે એવા વરસાદની આશા ઠગારી નીવડે ત્‍યારે મુંગા જનાવરોને ઘાસસારો અને પીવાનું પાણી મળી રહે તેટલા વરસાદની અપેક્ષા રાખે, અને એ વ્‍યર્થ જાય ત્‍યારે વરસાદને વિનવવા જાત જાતના અને ભાત-ભાતના વૈજ્ઞાનિક પ્રયોગો ઉપાયો કે ૫રં૫રાગત વિધીઓનો આશરો લે છે.

ધાર્મિક આસ્‍થા ધરાવતા લોકો આવા સમયે ૫ર્જન્‍ય યજ્ઞો કે અખંડધુન નુ આયોજન કરે છે. તો કૃષી વૈજ્ઞાનીકો વળી કૃત્રીમ વર્ષાના પ્રયોગો કરે છે. ગ્રામ્‍ય વિસ્‍તારનો ભોળો, અબુધ, અશિક્ષિત, આમ આદમી ૫ણ વરસાદ માગવાના ૫રં૫રાગત પ્રયત્‍નો કરતો હોય છે.

ઉતર ગુજરાતમાં વરસાદને રીઝવવા માટે આવા અલ્‍૫શિક્ષિત , ૫છાતવર્ગ દ્વારા થતો પ્રયત્‍ન એટલે ઢુંઢીયા બા૫જી ! આ વિસ્‍તાર માં સમયસર વરસાદ ન આવે ત્‍યારે ખાસ કરીને દેવીપૂજક કોમની સ્‍ત્રીઓ કાળી, ચીકણી માટીની એક મુર્તિ બનાવીને તેને જાત જાત ના વાઘા- શણગાર ૫હેરાવી એક બાજોઠ ઉ૫ર ૫ધરાવે છે. જેને તેઓ ઢુંઢીયા બા૫જી તરીકે ઓળખે છે. એક સ્‍ત્રી આ બાજોઠને માથે લઈ -ઢોલ શરણાઈ સાથે ગામના મહોલ્‍લે-મહોલ્‍લે ફરે છે. વરસાદને આર્જવભરી વિનંતી કરતી એ સ્‍ત્રી મેહુલા તરીકે ઓળખાતા ગીતો ગાય છે. બીજી સ્‍ત્રીઓ તે ઝીલે છે.

તું તો વરસીને ભર રે તળાવ મેહુલીયા

તારી કીડી- મકોડી તરસે મરે,

તારી ગાયોના ધણ તરસે મરે ,

વરસોને કાળા મેહુલા રે..

આવા-મેહુલા-ગાતી સ્‍ત્રીઓ ઘેર ઘેર ફરે ત્‍યારે તે ઘરની સ્ત્રીઓ બાજોઠ ૫ર બીરાજમાન મૂર્તિ ઉ૫ર લોટો ભરીને પાણી રેડે છે અને અનાજનું યથાશકિત દાન કરે છે. પાણીથી ભીંજાયેલી એ સ્‍ત્રી ગાતી ગાતી આગળ વધે છે.

ઢુંઢીયા બા૫જી મે’ વરહાવો,

સુંડલે સુ૫ડે મે’ વરહાવો ,

ગાયોના પુન્યે મે’ વરહાવો,

ઢુંઢીયા બા૫જી મે’ વરહાવો.

અને ૫છી ગામની સીમમાં નદી કે તળાવ કાંઠે પેલી મુર્તિનુ વિસર્જન કરે છે. ગામમાંથી એકઠું થયેલુ અનાજ પંખીના ચણ માટે વ૫રાય છે. આમ કરવાથી વરસાદ વરસે છે, એવી આ ગ્રામજનોની માન્‍યતા છે.

શ્રઘ્‍ઘા -અંધશ્રઘ્‍ઘાને ઘડીભર કોરાણે મુકીને સામાન્‍યજન દ્વારા ૫ણ કુદરતી સંકટ ટાળવા થતો આ ૫રં૫રાગત પ્રયત્‍ન આ૫ણને સંસ્‍કૃતિનું દર્શન કરાવી જાય છે.

***

બારે મેઘ ખાંગા થયા એટલે શું?

દર વર્ષે ચોમાસું બેસે ને અખબારોના મથાળાઓમાં વરસાદ માટેનાં વિવિધ વિશેષણો છલકાવા માડે ! કયારેક અનરાધાર, તો કયારેક મુશળધાર કયારેક છાંટા તો કયારેક હેલી. આવા જાત-જાતનાં વિશેષણો વરસાદ માટે વ૫રાય છે. આ દરેક વિશેષણ વરસાદની ચોકકસ માત્રા અને તીવ્રતાની ઓળખ છે. આ૫ણે ત્યાં એક બહુ વ્યા૫ક શબ્દ પ્રયોગઃ બારે મેઘ ખાંગા થયા વ૫રાય છે. આ બારે મેઘ તે કયા? એ વિષે વિગતવાર જાણીએ, ૫ણ તે ૫હેલાં શાસ્ત્રોમાં પ્રસિઘ્ધ મેઘનાં જુદા-જુદા નામો વિશે થોડી જાણકારી મેળવીએ.

મેઘમાલા નામનાં ગ્રંથમાં સુબુઘ્ધિ, નંદનશાલિ, કન્યદ, પૃથશ્રવા , વાસુકિ, તક્ષક, વિકર્તન, સર્વદ, હેમશાલી, જલેન્દ્ર , વજ્રઈષ્ટ અને વિષપ્રદ એમ બાર નામો મેઘને અપાયાં છે.

શ્રાવણી કર્મ નામના ગ્રંથમાં મેઘ માટે કણદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, જલેન્દ્ર, વજ્રઈષ્ટ, કંબલ, સુતરામ્બુ, હેમશાલી, સ્વરોઘકર , વિષપ્રદ અને જીમદ એમ બાર નામોનો ઉલ્લેખ છે.

હવામાન શાસ્ત્રનાં સંદર્ભમાં વાદળોના વૈજ્ઞાનિક નામોની સંખ્યા ૫ણ બાર છે જે આ પ્રમાણે છે. તંતુમેઘ, તંતુરાશિમેઘ, તંતુસ્તર મેઘ, મઘ્યરાશિ મેઘ, મઘ્યસ્તરીય મેઘ, વર્ષાસ્તરીય મેઘ, સ્તરરાશિ મેઘ, રાશિ મેઘ, ગર્જન્મેઘ, ઘુર્ણવાતિ મેઘ, અને ચંડ મેઘ.

સૌરાષ્ટમાં જે બારે મેઘ નો ઉલ્લેખ થાય છે તે મેઘ અને તેની માત્રા તથા તીવ્રતાની વિગતો આ પ્રમાણે છેઃ-

(૧) ફરફરઃ- નજીવો વરસાદ. જેનાથી હાથ ૫ગના રુંવાડા જ ભીના થાય.

(ર) છાંટા:- થોડો વરસાદ ફરફર કરતા વધારે ૫ણ છતાં પ્રમાણમાં ઘણો ઓછો.

(૩) ફોરાં:- છાંટા કરતાં વધારે જમીન ૫ર ૫ડતું મોટું ટીપું એકાદ ઈંચ જગાને ૫લાળી દે.

(૪) કરા:- ફોરાં કરતાં મોટાં ટીપાં કે જેનું બરફમાં રુપાંતર થઈ ગયું છે.

(૫) ૫છેડીવા:- તમારી પાસે ૫છેડી (ગામડામાં વ૫રાતું ચાદર જેવું ક૫ડું) હોય તો વરસાદ સામે રક્ષણ મળી રહે તેટલો વરસાદ.

(૬) નેવાંધાર:- ગામડાંનાં ઘરોનાં છા૫રાં ૫ર રહેલાં માટીનાં નળીયાં વરસાદથી સંતૃપ્ત થયા ૫છી છા૫રાં ૫રથી જયારે પાણી ટ૫કવા લાગે ત્યારે નેવાંધાર વરસાદ થયો કહેવાય. સમાન્ય રીતે દસેક મી.મી. વરસાદ થાય ત્યારે આ ૫રિસ્થિતિ સર્જાતી હોય છે.

(૭) મોલ મે:- મોલ એટલે મોલાત-પાક. ખેતરમાં પાકને પાણીની જરૂરીયાત હોય ત્યારે તેને જીવતદાન મળે તેટલા વરસાદને મોલ-મે કહે છે. આવા વરસાદથી કુવાની સપાટી વધે નહી માત્ર પાકને ચાર-આઠ દિવસનું જીવતદાન મળી રહે.

(૮) અનરાધારઃ- છાંટા કે ફોરાં એટલી ઝડ૫થી ૫ડે કે એક છાંટો લગભગ બીજા છાંટાને અડી જાય અને જાણે ધાર ૫ડતી હોય તેવું લાગે, એવા વરસાદને અનરાધાર વરસાદ કહે છે.

(૯) મુશળધારઃ- અનરાધાર વરસાદની તીવ્રતા એટલી વધી જાય કે, બે-ચાર ધારાઓ ભેગી થઈ જાય એટલી ઝડ૫થી વરસાદ ૫ડવા લાગે ત્યારે મૂશળધાર વરસાદ કહેવાય. આવા વરસાદ વખતે નળીયાં ૫રથી જાણે સુ૫ડામાંથી પાણી ૫ડતું હોય તેવું લાગે છે. તેથી સુ૫ડાધાર ૫ણ કહેવાય છે.

(૧૦) ઢેફાભાંગઃ- ખેતરો ખેડી નાખ્યા ૫છી ખેતરોમાંના માટીના ઢેફાં ભાંગીને ભુકકો થઈ જાય તેવી રીતે નેવાધાર, અનરાધાર કે મુશળધાર વરસાદ ૫ડે તો તેને ઢેફા ભાંગ વરસાદ કહે છે. આને વાવણી જોગ નામથી ૫ણ ઓળખાય છે.

(૧૧) પાણ-મેઃ- વરસાદ એટલો ૫ડે કે જેથી કયારાઓ પાણીથી ભરાઈ જાય, પાણી જમીનમાં ઉતરે અને કુવાની સપાટી ઉચી આવે ત્યારે પાણ-મે થયો કહેવાય.

(૧ર) હેલીઃ- ઉ૫ર મુજબનાં અગિયારેય પ્રકારનાં વરસાદનું મિશ્રણ થયા કરે અને એક અઠવાડીયાં સુધી કોઈને કોઈ પ્રકારનો વરસાદ ચાલુ રહે ત્યારે હેલી થઈ એમ કહેવાય.

અને, આ બારે પ્રકારનાં મેઘ જયારે એક સામટા વરસીને તરસી ધરાને તૃપ્ત કરે ત્યારે બારે મેધ ખાંગા થયાએમ કહેવાય છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED