Vividhata Ashish Kharod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vividhata

વિવિધતા

આશિષ ખારોડ

ashishkharod@gmail.com


COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એક યાદગાર મુલાકાત

૨.પરંપરા

૩.શિખર ભણીના સોપાન

૪.કારકિર્દી આયોજન

૫.ચૂડી

૬.વાગોળવા જેવા વર્તારા

૭.હેમુ ગઢવી

૮.ભાષાને લીધે છે સધળું નૂર !

૯.પટ્ટ ચિત્રો

૧૦.છત્રીની છેલછબીલી વાતો

૧૧.ભીંત ચિત્રો

૧. એક યાદગાર મુલાકાત

ઉત્તમ પરિયાણ હો જો આતમના...

લોકકલા-સંસ્કૃતિ અને સાહિત્યનું લાખેણું નામ : શ્રી ખોડીદાસ પરમાર

ખોડીદાસ પરમાર... લોક સંસ્કૃતિ, લોકકલા કે લોક સાહિત્ય વિશે થોડી-ઘણી જાણકારી ધરાવતા સહુ માટેનું પરિચિત નામ... રોજે-રોજ નભના કેન્વાસ પર ઉષા-સંધ્યાની વિધવિધરંગી રંગોળી ચિતરતા પરમેશ્વર નામના ચિતારાને એની આ રંગપુરણીમાં સાથ દેવા કોઇક હાથની જરૂર પડી હશે, અને એમણે તા.૩૧ માર્ચે આપણી વચ્ચેથી ખોડીદાસભાઇને તેડાવી લીધા. ધરતી માતાને પોતાના પ્રથમ આલેખનો કેન્વાસ બનાવનાર ખોડીદાસભાઇ આખી જીંદગી ચિત્રકલા અને લોક સંસ્કૃતિના સંશોધનોના વારસાને સતત ધબકતો રાખી હવે નભના કેન્વાસ પર ચિત્રો દોરવા પહોંચી ગયા છે.

પંદરેક દિવસ પૂર્વે જ આકાશવાણી રાજકોટ માટે એક ઇન્ટરવ્યુ વેળાએ મિત્ર ચિત્રકાર શ્રી પ્રતાપસિંહ જાડેજાએ પૂછેલા એક પ્રશ્નનો ઉત્તર આપતા ખોડીદાસભાઇએ વાત વાતમાં કહયું હતું કે ‘હાર્ટ એટેટથી મૃત્યુ થાય તો ગમે’ અને બરાબર એમજ ઇચ્છા મૃત્યુથી તા.૩૧મી માર્ચે સ્વર્ગે સિધાવેલા ખોડીદાસભાઇ એમની સમૃધ્ધ ચિત્રકલાનો વારસો અને શિષ્યોનો - ભાવિ ચિત્રકારોનો એક મોટો સમૂહ મુકી ચિત્રકલાના ક્ષેત્રમાં અમર બની ગયા છે.

તા.૩૧ જુલાઇ, ૧૯૩૦ના દિવસે ભાવનગર નજીકના વાળુકડ ગામના કારડીયા રાજપૂત પરિવારમાં જન્મેલા અને પછીથી ભાવનગરમાં સ્થાયી થયેલા ખોડીદાસભાઇએ ધરતીની ધૂળમાં ચિત્રકામની શરૂઆત કરી. કોઇ કલાશાળાના વિધિવત અભ્યાસ વગર માત્ર સ્વ.ચિત્રકાર શ્રી સોમાલાલ શાહના માર્ગદર્શનમાં એમની કળાને નિખાર મળ્યો. તળપદ ભૂમિ સાથેનો નાભિનાળ સંબંધ અને તીવ્ર નિરીક્ષણને કારણે એમના ચિત્રોમાં લોકપરંપરાઓ જાણે જીવંત થવા લાગી.

૧૯૫૧માં ખોડીદાસભાઇના એક ચિત્રને ત્રીજું ઇનામ મળ્યુ. અહીંથી શરૂ થયેલી સન્માનોની પરંપરા આજીવન ચાલતી રહી. અનેક એવોર્ડઝ, વન મેન શો, ગૌરવ પુરસ્કાર, ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ મેળવનાર આ હસ્તીને મળવાનું સદ્‌નશીબ જેમને મળ્યુ હોય તે એમની સરળતા, ૠજુતા અને ઉંડાણપૂર્વકના અભ્યાસથી પ્રભાવિત થયા વગર રહી શકે નહીં.

૧૯૯૧માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશને પ્રકાશિત કરેલા પુસ્તક ધરતીના ચિત્રકાર - ખોડીદાસ પરમારના સંસ્મરણો’ માં તો એમણે સ્વ-રચિત શોકગીત- છાજીયું પણ મૂકયું છે, તેઓ કહે છે,...

દાદા ! મોરા ઝીલજો સલામ

જો ને, ભવના ફેરા મારા પુરા થિયા,

કીધાં તે અક્ષરના આરાધ જોને,

હોંશે આરાધ્યા છે વર્ણ રૂપને,

અંતરની ઉજમાળી આશિષ જોને,

તે ઉત્તમ પરિયાણ હોજો આતમના..

ચિત્રકલાના ક્ષેત્રમાં પુષ્કળ પ્રદાન કરનારશ્રી ખોડીદાસભાઇએ લોકપરંપરાનો ધબકાર ઝીલીને તેને પુસ્તકો સ્વરૂપે અક્ષરદેહ આપવાનું નોંધપાત્ર કામ કર્યુ છે. લોકકલા, ગીતો, વાર્તાઓના સંપાદન અને ઉપરાંત છૂંદણા, નથ, પાઘડી, લોક સાહિત્યમાં પંખીઓ વગેરે જાત જાતના વિષયો પર અભ્યાસપૂર્વકનું લેખન પણ કર્યુ છે. એમના સંપાદનમાં તૈયાર થયેલા અને રાજય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તકો સંદર્ભગ્રંથોની કક્ષાના છે.

સાવ સામાન્ય કુટુંબમાં જન્મી, ઉછરીને એમ.એ. સુધીનો અભ્યાસ કરી, પ્રાધ્યાપક તરીકે સેવા આપીને નિવૃત્ત થનાર ખોડીદાસભાઇ પરમાર માત્ર પ્રાધ્યાપક કે ચિત્રકાર જ નહીં, લેખક, વાચક, કલાકાર અને નિતાંત સજ્જન તરીકે પણ અવિસ્મરણીય રહેશે.

આપણી પારંપરિક કલાઓને જીવંત રાખનાર કલાકારો આંગળીને વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં છે ત્યારે, ચિત્રણ કાર્યમાં દેખાતા ઝીણવટભર્યા કૌશલ્યને જ યોગ માનતા ખોડીદાસભાઇ જેવા કલાકારની ખોટ હંમેશા રહેશે.

ભાવનગરમાં પાંચ દાયકાથી ચાલતી કલાયાત્રાના સારથિ : શ્રી ધરમશીભાઇ શાહ

૦૦૦૦૦૦

ભાવનગરના શ્વાસોચ્છ્‌વાસમાં કલા, સાહિત્ય અને સંગીત ધબકે છે, આ નગરના સદ્‌નસીબે એને રાજવીઓ પાસેથી શિક્ષણ અને કલાનો સમૃધ્ધ વારસો તો મળ્યો છે પણ એને સાચવનારા કલાકારો પણ સાંપડયા છે. ભાવનગરના આવા કલાગુરૂઓ પૈકીના નૃત્ય ક્ષેત્રે છેલ્લા પાંચ દાયકા કરતા વધુ સમયથી સતત પ્રવૃત્ત એવા શ્રી ધરમશીભાઇ શાહને આવો, આજે મળીએ...

૦૦૦૦

પ્રશ્નઃ ધરમશીભાઇ, આપ ભાવનગરના જ વતની છો? આપનુ જન્મ સ્થાન ?

ઉત્તરઃ મારો જન્મ તો તા.પ-૪-૧૯૨૦ના રોજ માંડવી, કચ્છમાં, પણ કારકિર્દીનો ઘણો લાંબો સમય ભાવનગરમાંજ વિતાવ્યો એટલે હવે તો ભાવનગર જ વતન બની ગયું છે.

પ્રશ્નઃ ભાવનગર સાથેનું આપનું અનુસંધાન કેવી રીતે?

ઉત્તરઃ કચ્છના વણિક પરિવારમાં જન્મેલો. એ સમયમાં એટલે કે આજથી આઠ-નવ દાયકા પહેલા કચ્છ ખૂબજ પછાત હતું, કચ્છનો વિકાસ નો‘તો થયો, એટલે અહીંથી લોકો આજીવિકા માટે બહાર જતા. કેટલાક લોકો મુંબઇ તો વળી કોઇ પરદેશ પણ જતું. એમ હું પણ મારા મોટાભાઇની સાથે રંગુન (બર્મા) ગયેલ અને ત્યાં ભણતો ત્યારે ભાવનગરથી રંગુન આવેલા દ્રક્ષિણામૂર્તિના સ્થાપક સ્વ.નાનાભાઇ ભટૃે પોતાની વિશિષ્ટ શિક્ષણ પધ્ધતિની વાત મારા મોટાભાઇને કરી અને મોટાભાઇએ મને ભાવનગર દ્રક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરવા મોકલ્યો, મારી ઉંમર ત્યારે પંદરેક વર્ષની. ત્યારથી થયેલું ભાવનગર સાથેનું અનુસંધાન આજ દિન સુધી અકબંધ છે અને દિવસે દિવસે મજબૂત થતું રહયું છે.

પ્રશ્નઃ આપને નૃત્ય કલામાં કેવી રીતે રસ પડયો?

ઉત્તરઃ લગભગ સાઇઠેક વર્ષ પહેલા જયારે નૃત્યને કલા પ્રકાર તરીકે આજની જેવો પ્રતિષ્ઠિત દરજ્જો નહોતો મળ્યો ત્યારની વાત છે. મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ નૃત્યકાર ઉદયશંકરને એમના વૃંદ સાથે ભાવનગર બોલાવેલા. આમજનતા,સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે તેમના કાર્યક્રમો યોજાયેલા અને એ કાર્યક્રમમાં દ્રક્ષિણામૂર્તિના વિદ્યાર્થી તરીકે હું પણ હાજર હતો. ઇ.સ.૧૯૩૫ની એ સાલ. ઉદય શંકરના વૃંદનું નૃત્ય જોયું એ ક્ષણેજ નક્કી કરી લીધેલું કે, હવે હું થઇશ તો નર્તક જ! બીજો કોઇ વ્યવસાય નહીં કરું.

પ્રશ્નઃ આપના એ નિર્ણયને વળગી રહેવામાં કોઇ અવરોધ નડેલા?

ઉત્તરઃ જન્મે હું જૈન વાણીયો, અમારા લોહીમાં વેપાર સિવાય બીજું કશું જ ન હોય. એમા મેં ચીલો ચાતર્યો, એ સમયે નૃત્યને ખાસ માનની નજરે જોવાતું નહીં, બલ્કે ધૃણાની નજરથી જોવાતું. વળી એ ક્ષેત્રમાં પુરૂષોની સંખ્યા ખૂબજ ઓછી. એમાંયે ગુજરાતમાં તો નહીંવત્. એટલે થોડું મુશ્કેલ કામ હતું, છતા મારા નિર્ણયમાંથી હું ચલિત ન થયો, તો આ પ્રવૃત્તિએ મને ઘણું માન-સ્થાન આપ્યું છે.

પ્રશ્નઃ આપે નૃત્યની તાલીમ કયાં લીધી?

ઉત્તરઃ દ્રક્ષિણામૂર્તિમાંથી હું મેટ્રીક થયેલો, ત્યાંથી શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવ્યો. શાંતિનિકેતનના અભ્યાસકાળ દરમિયાન નૃત્ય-સંગીતનું મનગમતું વાતાવરણ મળ્યું. શાંતિનિકેતનનો અભ્યાસ પૂર્ણ કરી અલમોડામાં ઉદયશંકર કલ્ચરલ સેન્ટરમાં પ્રવેશ લીધો. એ સમયના દિગ્ગજ ફિલ્મી કલાકારો પણ ત્યાં તાલીમ માટે આવતા. સ્વ.ગુરૂદત્ત ત્યાંના મારા સહપાઠી હતા, એ સમયગાળો મારે માટે યાદગાર બની રહયો, સને.૧૯૪૩ માં એ કેન્દ્ર બંધ થયું. ત્યારપછી વિવિધ શાષાીય નૃત્યની તાલીમ લેવા માટે કથકલી માટે મલબાર, ભરત નાટયમ માટે મદ્રાસમાં સુશ્રી રૂકમણિદેવી અરૂંડેલ પાસે ઓડીસી માટે ઓરિસ્સામાં શ્રી કેલુચરણ મહાપાત્ર પાસે અને કથ્થક માટે વડોદરામાં શ્રી સુંદરલાલજી ગાંગાણી પાસે તાલીમ લઇને વિવિધ શાષાીય નૃત્ય પધ્ધતિઓનો પરિચય કરતો ગયો.

પ્રશ્નઃ આપે નૃત્યની તાલીમ આપવાનું કયારથી શરૂ કર્યુ?

ઉત્તરઃ લગભગ ૧૯૪૫ની સાલથી ભાવનગરમાં નૃત્ય તાલીમ આપવાનું શરૂ કર્યુ, એ દરમિયાન વચ્ચે-વચ્ચે મારો પોતાનો પણ અભ્યાસ ચાલુ રહેતો.

પ્રશ્નઃ આપે તાલીમ આપવા માટે ભાવનગરની જ પસંદગી શા માટે કરી?

ઉત્તરઃ સૌથી પહેલી વાત, મારા વ્યકિતગત વિકાસમાં ભાવનગરના સ્વર્ગસ્થ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનું ખૂબ મોટું યોગદાન છે. એમના પ્રત્યેના આદર ભાવથી ભાવનગર પસંદ કર્યુ, વળી અહીંજ રહીને મેં અભ્યાસ કરેલો ગુરૂવર્ય પૂ.મૂળશંકરભાઇ મો.ભટૃે મને પ્રેરણા આપેલી કે, પ્રદેશમાં રહીએ તેનું પણ આપણા પર ૠણ હોય છે. આ ૠણ અદા કરવા અહીં કામ શરૂ કર્યુ અને ભાવનગર જેવી કલા નગરીના વાતાવરણનો મને ખૂબ લાભ મળ્યો.

પ્રશ્નઃ હાલ આપની પ્રવૃત્તિ?

ઉત્તરઃ ’ ભાવનગરમાં કલા ક્ષેત્ર ’ નામથી કલાવર્ગનું સંચાલન કરૂ છું. અહીં ગાયન, વાદન અને નર્તન ત્રણેની તાલીમ અપાય છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયનું આ માન્ય કેન્દ્ર છે. અહીંથી ૧૪૦ જેટલા તાલીમાર્થીઓ સ્નાતક કક્ષાની વિશારદ્‌, ૨૦ વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાની અલંકાર, ૫૦ વિદ્યાર્થીઓ બી.એડ. સમકક્ષ શિક્ષા વિશારદ અને ૦૩ વિદ્યાર્થીઓએ એમ.એડ. કક્ષાની શિક્ષા પારંગતની ઉપાધિઓ પ્રાપ્ત કરી છે.

પ્રશ્નઃ આપના વિદ્યાર્થીઓની કક્ષાથી સંતોષ છે?

ઉત્તર : ખૂબ જ સંતોષ છે. મારી સંખ્યાબંધ વિદ્યાર્થીનીઓ રાજય અને રાષ્ટ્રીય કક્ષાના યુવા મહોત્સવોમાં વિજેતા થઇ છે. ’ કલ કે કલાકાર ’ શિર્ષકથી રજુ થતા રાજય સરકાર આયોજિત કાર્યક્રમમાં ભાવિ આશાસ્પદ કલાકારોને તક અપાય છે, તેમાં પણ ઘણી વિદ્યાર્થીનીઓ કલા પ્રદર્શન કરી ચૂકી છે, અને ઘણી બધી વિદ્યાર્થીનીઓ પોતે પણ હવે નૃત્યના તાલીમ વર્ગો ચલાવી રહી છે.

પ્રશ્નઃ આપની કોઇ વિશિષ્ટ પ્રવૃત્તિ?

ઉત્તરઃ વિદ્યાર્થીઓને ગાંધર્વ મહાવિદ્યાલયની પરીક્ષાઓ માટે તૈયાર કરતી વખતે મેં જોયું કે નૃત્યને લગતું કોઇ અધિકૃત પાઠય પુસ્તકની કક્ષાનું પુસ્તક નથી, આથી નૃત્યના શાષાોકત અભ્યાસ માટે ’ નર્તન દર્શન ’ નામનું પુસ્તક તૈયાર કર્યુ છે અને બધીજ ભાષાના રસિકોને તે ઉપયોગી બની રહે એટલા માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણે ભાષાઓમાં તૈયાર કર્યુ છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયે તેને માન્ય પણ કર્યુ છે. આગામી દિવસોમાં નર્તન દર્શનનો બીજો ભાગ (ત્રણે ભાષાઓમાં) અને નૃત્ય સાથે સંકળાયેલા ટેકનીકલ શબ્દોની ડીકશનેરી (અંગ્રેજી-હિન્દી-ગુજરાતીમાં) પણ તૈયાર કરી રહયો છું.

પ્રશ્નઃ આપની આ કલા સાધના બદલ કોઇ પ્રોત્સાહન કે પુરસ્કારો મળ્યા છે?

ઉત્તર : ભાવનગરની અને ગુજરાતની કલાપ્રેમી પ્રજાના હૃદયમાં જે સ્થાન મળ્યું છે તે સૌથી મૂલ્યવાન પુરસ્કાર છે. એ સિવાય દસેક વર્ષ પહેલા રાજયનો ગૌરવ પુરસ્કાર અને સને.૨૦૦૨ માં કલાના ક્ષેત્રનો શ્રેષ્ઠ ગણાતો રૂા. એક લાખનો પં. ઓમકારનાથ એવોર્ડ મળ્યા છે.

ભાવનગર અને સમગ્ર ગુજરાતમાં શાષાીય નૃત્યની કળાને જીવંત રાખતા સ્થાનકો પૈકીનું કલાક્ષેત્ર અને તેના સંચાલક શ્રી ધરમશીભાઇ શાહ ગુજરાતનું ઘરેણું છે.

........

૨. પરંપરા

ઉત્તર ગુજરાતમાં વરસાદને વિનવવાની અનોખી પરંપરા...

તુ તો વરસીને ભર રે તળાવ મેહુલિયા,

તારી કીડી-મકોડી તરસે મરે...

વેદકાળમાં ૠષિમુનિઓ રાજાને આશીર્વાદ આપતી વખતે સૌથી પહેલા એમ કહેતા કે, કાલે વર્ષતુ પર્જન્ય : અર્થાત, ‘તમારા રાજયમાં યોગ્ય સમયે વરસાદ થાઓ.’ વર્ષના આઠ માસ સુધી ધરાને આકાશી અગનગોળાએ તપાવ્યા પછી ધીમીધારે અને ચોમાસાની ૠતુ પૂરબહારમાં ખીલે ત્યારે અનરાધાર વરસતા વરસાદનું મહત્વ વરસાદ ન પડે ત્યારે જ સમજાતું હોય છે.

અષાઢમાં જો મેઘમલ્હાર જામે તો નદીનાળાં છલકાવી દે અને કોરો જાય તો ચાંગળું પાણીએ ન મળે, શ્રાવણમાં જો મેઘો મંડાય તો ખેતર-ખળાંને ધાન્યના ઢગલે છલકાવી દે અને જો રૂઠે તો કોઠીનું તળીયું દેખાય.

ચોમાસુ બેસે ત્યારથી જ ગ્રામજનોની નજર આભ સામે મંડાયેલી રહે છે. ભાદરવામાં કડાકા-ભડાકા સાથે તૂટી પડે એવા વરસાદની આશા ઠગારી નીવડે ત્યારે મૂંગા જનાવરોને ઘાસચારો અને પીવાનું પાણી મળી રહે તેટલા વરસાદની અપેક્ષા રાખે, અને એ પણ વ્યર્થ જાય ત્યારે વરસાદને વિનવવા જાત-જાતના અને ભાત-ભાતના વૈજ્ઞાનિક પ્રયોગો ઉપાયો કે પરંપરાગત વિધીઓનો આશરો લે છે.

ધાર્મિક આસ્થા ધરાવતા લોકો આવા સમયે-પર્જન્યયજ્ઞો કે અખંડધૂનનું આયોજન કરે છે, તો કૃષિ વૈજ્ઞાનિકો વળી કૃત્રિમ વર્ષાના પ્રયોગો કરે છે. ગ્રામ્ય વિસ્તારનો ભોળો, અબુધ, અશ્રિક્ષિત આમઆદમી પણ પોતાની રીતે વરસાદ- માગવાના પરંપરાગત પ્રયત્નો કરતો હોય છે.

ઉત્તર ગુજરાતમા વરસાદને રીઝવવા માટે આવા અલ્પશ્રિક્ષિત, પછાતવર્ગ દ્વારા થતો પ્રયત્ન એટલે ઢુંઢીયા બાપજી- આ વિસ્તારમાં સમયસર વરસાદ ન આવે ત્યારે ખાસ કરીને વાઘરી કોમનીસ્ત્રીઓ કાળી, ચીકણી માટીની એક મૂર્તિ બનાવીને તેને જાત જાતના વાઘા- શણગાર પહેરાવી એક બાજોઠ ઉપર પધરાવે છે. જેને તેઓ ઢુંઢીયા બાપજી તરીકે ઓળખે છે. એકસ્ત્રી આ બાજોઠને માથે ઉંચકીને ઢોલ-શરણાઇ સાથે ગામના મહોલ્લે-મહોલ્લે ફરે છે. વરસાદને આર્જવભરી વિનંતી કરતી એસ્ત્રી- મેહુલા- તરીકે ઓળખાતાં ગીતો ગાય છે. અને બીજીસ્ત્રીઓ તે ઝીલે છે.

‘તુ તો વરસીને ભર રે તળાવ મેહુલીયા, તારી કીડી-મકોડી તરસે મરે,

તારી ગાયોના ધણ તરસે મરે, વરસોને કાળા મેહુલા રે!’

ષાીઓ ઘેર-ઘેર ફરે ત્યારે તે ઘરનીસ્ત્રીઓ બાજોઠ પર બિરાજમાન મૂર્તિ ઉપર લોટો ભરીને પાણી રેડે છે. અને અનાજનું યથાશકિત દાન કરે છે. પાણીથી ભીંજાયેલી એસ્ત્રી ગાતી ગાતી આગળ વધે છે.

ઢુંઢિયા બાપજી મે’ વરહાવો, સુંડલે સુપડે મે’ વરહાવો,

ગાયોના પૂન્યે મે’ વરહાવો, ઢુંઢિયા બાપજી મે’ વરહાવો.

અને પછી ગામની સીમમાં નદી કે તળાવ કાંઠે પેલી મૂર્તિનું વિસર્જન કરે છે. ગામમાંથી એકઠું થયેલું અનાજ પંખીના ચણ માટે વપરાય છે. આમ કરવાથી વરસાદ વરસે છે, એવી આ ગ્રામજનોની માન્યતા છે.

શ્રધ્ધા- અંધશ્રધ્ધાને ઘડીભર કોરાણે મૂકીને સામાન્ય જન દ્વારા પણ કુદરતી સંકટ ટાળવા થતો, આ પરંપરાગત પ્રયત્ન આપણી સંસ્કૃતિનું દર્શન કરાવી જાય છે.

૩. શિખર ભણીના સોપાન

આપણામાંના ઘણા મિત્રો પોતાના વ્યવસાયમાં અસંતોષની કે અભાવની ફરીયાદ કરે છે. પરંતુ આવા સમયે ઘણીવાર વાંક આપણા વ્યવસાયનો નહીં, આપણો પોતાનો જ હોય છે. સફળ રીતે વ્યવસાયમાં ઝળકી ઉઠવા માટે, સફળતા મેળવવા માટે નિષ્ણાતોએ ત્રણ પાયાના સિધ્ધાંતો દર્શાવ્યા છે. આપણે આજે એ ત્રણે વિશે વિગતવાર ચર્ચા કરીએ અને કયા પ્રકારની કામગીરી આપણને સફળતાના શિખર સુધી લઇ જઇ શકે તે જોઇએ.

સફળતાની પહેલી શરત છે : તમારા વ્યવસાયને પૂર્ણ સ્વરૂપમાં ઓળખો અને શકય તેટલી વિશાળ દ્રષ્ટિથી એને વ્યાખ્યાયિત કરો.

આનાથી ફાયદો એ થશે કે તમે વિશાળ દ્રષ્ટિકોણથી નિર્ધારીત કરેલા કામો કદાચ નહીં કરી શકો તો પણ ઘણું કામ થઇ ગયું હશે, કારણ કે પહેલેથી જ તમારું લક્ષ્ય વિશાળ હતું. પણ જો તમે એની વ્યાખ્યા જ સાંકડી કે ટૂંકી કરી હોય તો તમારુ એ સંકુચિત લક્ષ્ય સધાઇ ગયા પછી પણ ઘણું કામ બાકી રહેશે.

વિશાળ નજરે વ્યવસાયને નિરખતાં કમ-સે-કમ તમને તમારુ કૌશલ્ય દાખવવાની વધુ તકો મળશે. તમારા પોતાના માટે જ પડકારો ઉભા કરી એને ઝીલવાના માર્ગો મળશે.

સામાન્ય રીતે આપણે બે પ્રકારના લોકોને જોઇએ છીએ. એક એવા કે જેને તમે ગમે તેટલું અગત્યનું કામ સોંપો એ લોકો એને ઘરેડમાં ઢાળી દઇ સામાન્ય બનાવી દેશે, અને આરામથી કામ કરશે. ઘણી સંસ્થાના મુખ્ય અધિકારીપદે પણ એવા માણસો જોવા મળે છે કે તેઓ એક સરખી જ બીબાંઢાળ રીતે કામ કર્યે જાય છે અને પછીથી એવી ફરિયાદ કરતા સંભળાય છે કે આટલા મોટા હોદ્‌ા પર હોવા છતાં પોતાના ભાગે માત્ર કારકુન જેવું જ કામ આવે છે. હકીકતમાં એ લોકોને હોદ્‌ાની રુએ રોજે રોજ નવા નવા પડકારરૂપ કામો કરવાનો મોકો મળતો હોવા છતા લઇ શકતા નથી અને એટલે જ વિદ્વાનોએ આવા લોકો માટે કહયું છે કે, તકના ટકોરા સાંભળીને આ લોકો ઘોંઘાટની ફરિયાદ કરે છે, બીજા પ્રકારના લોકો એવા છે કે જેમને તમે ગમે તેવું તુચ્છ કામ આપો તેને જીવંત કરી બતાવે છે. તેવા વિચારો અને નવી દ્રષ્ટિથી કામનું આખું મૂલ્ય બદલાવી નાખે છે. તમે એમને રવાનગી કે સ્ટેશનરી વિભાગમાં મૂકો (જે સર્વસ્વીકૃત રીતે બિનઉપયોગી વિભાગો ગણાય છે) તો ત્યાં પણ એ પોતાની પુરતી શકિતનો ઉપયોગ કરીને, કાર્યક્ષેત્રનો વિસ્તાર કરીને છેવટે પોતાના કામની કદર થાય એવી કક્ષાએ પહોંચશે. આ પ્રકારના લોકો જ સફળ થાય છે.

સફળતાનો બીજો સિધ્ધાંત છેઃ પોતાના વ્યવસાયને તેના વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો- દરેક નાની બાબતને તેની સાથે સંકળાયેલી મૂળ વિશાળ વાતના સંદર્ભે વિચારીએ તો જ આપણા કામનું મૂલ્ય આપણે સમજી શકીએ.

બેંકનો લેજર કીપર માત્ર ખાતાવહીમાં જમા-ઉધાર જ નથી કરતો, પણ એનું આ નાનકડું કામ બેંકીંગનો એક અતિ મહત્વનો ભાગ છે એવું એ વિચારશે ખરો? એના આ નાનકડા કામથી થતાં બેંકીંગ ધ્વારા સમગ્ર રાષ્ટ્રના વિકાસમાં એ ભાગીદાર બને છે એની એને ખબર પણ છે?

આ જ રીતે તમે કોઇ કંપનીના એકાઉન્ટસ ઓફિસર હો, ત્યારે પણ તમે માત્ર બેલેન્સશીટ સાથે લમણા ફોડ કરો છો- આવે વખતે તમે કદી એમ વિચાર્યુ છે ખરૂં કે તમારૂં આ કામ જ કંપનીના નફા કે નુકશાનનું- એના ઉત્કૃષ્ટ દેખાવનું મૂળ છે? જો આવું વિચારીએ તો અવશ્યપણે કામમાં દિલચશ્પી જાગે અને કામ દીપી ઉઠે.

ટૂંકમાં, તમારી સીધી કે અંગત જવાબદારી ભલે બહુ નાની બાબત પરત્વેની હોય, તમારે તો સમગ્ર કામગીરીને સુંદર બનાવવાના પરિણામલક્ષી વિચારથી જ કામ કરવું જોઇએ. વિશાળ દ્રષ્ટિથી તમારા મર્યાદિત કાર્યક્ષેત્રની ગુણવત્તામાં પણ અવશ્ય સુધારો થશે. જે તમને વ્યકિતગત રીતે તો ફાયદાકારક થશે જ પણ સંસ્થાના પણ ફાયદામાં થશે.

અને ત્રીજી વાત તમે જે કંઇ કરો છો તેમાંથી આનંદ મેળવો.

આ કદાચ સૌથી અગત્યનો સિધ્ધાંત છે, સફળતા માટેનો. તમને કોઇ એક કામમાં રસ જ ન પડતો હોય તો તમે એ છોડીને બીજુ મનગમતું કામ સ્વીકારો તેની સામે કોઇને વાંધો ન હોઇ શકે. જે કામમાંથી તમને આનંદ ન મળતો હોય, મનને સુખ કે સંતોષ ન મળતા હોય એવું શા માટે કરવું? પણ એ વાતનો ખ્યાલ રાખો કે કોઇપણ કામ વ્યવસ્થિત વિચારીને સ્વીકાર્યા પછી તેમા વેઠ ન ઉતારો. અધકચરા મનથી કે મનમાં અવઢવ સાથે થયેલું કામ તમને સંતોષ નહીં આપી શકે અને સંતોષ વગર થયેલું કામ ગુણવતાવાળુંતો કયાંથી હોય?

ચાર્લ્‌સ ડિકન્સે એક ખુબ સરસ વાત લખી છે. ‘મે જે કંઇ કામ કર્યુ’ છે એ સુંદર રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે મે જે કોઇ કાર્યમાં મન પરોવ્યું છે તે પુરા રસપૂર્વક કર્યુ છે.

આ જ છે સફળતાનું શાષા! પુરી દિલચશ્પી હોય, ખુશી મળતી હોય તેવું કામ કે વ્યવસાય પસંદ કરો, હાથમાં લીધા પછી પૂરા રસપૂર્વક, ઉત્સાહથી, સમજણપૂર્વક પુરૂં કરો. અને જુઓ કે સફળતા તમારા સ્વાગત માટે તૈયાર હશે. એક વાત આપણે સ્પષ્ટપણે સમજી લેવાની જરુર છે કે, સફળતા કદી ઉતાવળે મળતી નથી અને અકસ્માતે મળી જાય તો એ ટકતી નથી. આથી એને માટે રઘવાયા ન થશો. એ માટે તમારા કામની ગુણવત્તા બોલશે, અને એટલે ગુણવત્તા માટે પ્રયત્નશીલ રહો, સફળતા તમને શોધતી આવશે.

૦૦

૪. કારકિર્દી આયોજન

વ્યવસ્થાતંત્ર એટલે શું? માત્ર પધ્ધતિઓનું- પ્રવૃત્તિઓનું એકત્રીકરણ? ના-વ્યવસ્થાતંત્ર એટલે એવી વ્યકિતઓનું પણ એકત્રીકરણ જે સાથે મળીને પોતાની સંસ્થાના ધ્યેયોને સિધ્ધ કરવા તરફ પ્રગતિશીલ હોય.

વાસ્તવિક દ્રષ્ટિએ જોતાં તો દરેક વ્યકિત પોતાની સંસ્થા સાથે એક કરાર કરે છે. દરરોજ પોતાની જિંદગીનો અમુલ્ય સમય-હિસ્સો-શકિત કે બુધ્ધિ સંસ્થાને આપે છે અને બદલામાં કશુંક મેળવે છે. આ કશુંક એટલે માત્ર બે ટંકનો રોટલો જ નહી. પરંતુ આગળ વધવાની, પ્રગતિ કરવાની, વિકાસ સાધવાની તક મેળવે છે.

એક અંગ્રેજી વાકય મુજબ સારા વહીવટકર્તાઓ જન્મતા નથી- બને છે. જન્મજાત કોઇ સારું વહીવટકર્તા હોય તેવું સાંભળ્યું કે જોયું નથી પણ વ્યવહાર-ધંધાના અનુભવથી ઘડાઇને માણસ સારો વ્યવસ્થાપક બને છે. આ વ્યવસ્થાશકિત તેઓ કંઇ પરિક્ષાઓ પસાર કરીને, પુસ્તકો વાંચીને કે વાતો સાંભળીને નથી મેળવતા. રોજબરોજની મુશ્કેલીઓ અને સંપર્કમાં આવતી વ્યકિતઓ સાથેના અનુભવોથી તેમની આ શકિતઓ વિકાસ પામે છે.

માનવીની રોજીંદી જરુરીયાતો પૂરી કરવાનું એક માત્ર સાધન છે- વ્યવસાય. પણ એ માત્ર જરુરીયાતો પૂરી કરવાનું સાધન જ નથી. જીવનને જીવવા જેવું રાખવા માટે પણ પસંદગીનો વ્યવસાય હોવો જરુરી છે. આજે સમાજમાં કેટલીયે વ્યકિતઓ એવી છે કે જે પોતાની રુચિ વગરના વ્યવસાયમાં જોડાઇને પોતે આનંદ મેળવી શકતા નથી અને એ વ્યવસાયનું પણ સત્યાનાશ વાળે છે. તમે પણ કારકિર્દીનું આયોજન કરતા પહેલા વિચારજો. અને જો તમે વ્યવસાયમાં પડી ચૂકયા હો અને ઉપર વર્ણવેલી પરિસ્થિતિમાંથી પસાર થતા હો તો જરા ભૂતકાળ તરફ પાછું વાળીને જુઓ કે જયાં તમે ખૂબ સારો દેખાવ કરીને શ્રેષ્ઠ સાબિત થયા હતા અને જાતે પણ સંતોષ મેળવ્યો હતો. તમે જો એ ક્ષેત્રમાં ઝળકી ઉઠયા હો તો વર્તમાનમાં કેમ નહી? એવી પુરી શકયતાઓ છે કે, તમે તમારી કુદરતી શકિતઓને જુદે માર્ગે વાળી દીધી હોય પણ એ પુનઃપ્રાપ્ત કરવી એ બહુ આસાન કામ છે- જરુર છે માત્ર સ્વમૂલ્યાંકનની. તમે હાલમાં જે વ્યવસાયમાં છો તે માટે તમે યોગ્ય છો કે નહી તે જાણવા તમારી જાતને માત્ર આટલા પ્રશ્ન પૂછો!

આવતીકાલના કામની વિગતો જાણવા તમે આજ સાંજથી આતુર બની જાવ છો?

તમે તમારા મદદનીશો કે સમોવડીયાઓ ઉપર બહુ જલ્દી ગુસ્સે થઇ જાઓ છો?

તમે તમારું કામ જાણી જોઇને મોડું કે ખોટું કરો છો? તમારે તમારુ મહત્વ બતાવવા આવું કરવું જરૂરી છે? અથવા તો તમને જરુર કરતા વધારે કામ સોંપાયું છે એમ તમે માનો છો?

તમે તમારા વ્યવસાયથી સંતુષ્ટ છો? તમને ખબર છે એમાં પ્રગતિની કેટલી તકો છુપાયેલી છે અને તમે કયાં સુધી પહોંચી શકો તેમ છો?

તમને તમારા મિત્રો પોતાના વ્યવસાયની વાત કરે ત્યારે ઇર્ષ્‌યા થાય છે? શાની ઇર્ષ્‌યા થાય છે એમની સ્વતંત્રતાની? જવાબદારીની? મુસાફરી કરવાની તકોની? કે પગારની?

તમને ભાગી છુટવાનું મન થાય છે? તમે તાણ અનુભવો છો?

તમારા વ્યવસાયને લીધે તમારે તમારા શોખ- ગમા- અણગમાને તિલાંજલી આપવી પડશે. ડરી ન જાવ. ગભરાવ નહી. એવું પણ બને કે તમે જયાં છો ત્યાં જ પરિસ્થિતિમાં સુધારો લાવી શકો અને નોકરી બદલ્યા વગર સુખી થઇ શકો. માટે જુઓ કે તમારે જોઇએ છે શું?

વધારે પૈસા? નીતિ-નિયમોમાં બાંધછોડ? તમારા કામની વધારે કદર ? શોખ-મનોરંજન માટે વધારે સમય ? મદદનીશ? વધારે પડકારરૂપ કામો? વધારે જવાબદારી? કે તમારા કામમાં વિવિધતા?

અને પછી હવે વિચારો કે તમારો વર્તમાન વ્યવસાય તમારી જરુરીયાતોને અનુલક્ષીને કેવી રીતે કરી શકાય?

અને તેમ છતાં જો કોઇ ઉકેલ ન દેખાતો હોય તો વ્યવસાય બદલવામાં મુંઝાવાની કશી જ જરુર નથી. નજર નાખો તમારામાં લાયકાત હોય તો તમારે અનુરુપ વ્યવસાય સામેથી આવીને મળશે. નોકરી બદલતા ગભરાશો નહી. કારણ કે પડકારોનો સામનો તો જીવન પર્યંત કરવાનો છે. શાળા કોલેજ છોડયા પછી તમે જગતમાં તમારી જાતને ઉભી રાખવા માટે અનેક મુશ્કેલીઓ સહન કરી હશે. પછીથી કદાચ રપ થી ૩૦ વર્ષ સુધીની ઉંમરે તમે તમારી નોકરી, તમારી અંગત જિંદગી અને લાગણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરુ કર્યુ હશે. ૩૦ વર્ષ સુધીમાં ભલે ને તમે વ્યવસાયો બદલ્યા હોય તો પણ સારી રીતે ગોઠવાઇ ગયા હશો અને પછી તમારી જરુરીયાતોની યાદીમાં સૌથી મોખરે આવે છે- સલામતી.

તમે જો તમારી શરૂઆતની જિંદગીના ઝંઝાવાતોથી ટેવાયેલા હશો તો જ બીજા તબક્કામાં કરવી પડતી બાંધછોડ માટે સક્ષમ બની શકશો. કારણ કે નિવૃત્તિ તમારી સામે જ ઉભી હશે. પછી પ્રશ્નો એવા થશે કે હું કેટલું જીવીશ? હું કેવી રીતે વધુ બચત કરી શકું? નવરાશનો સમય મારે કેવી રીતે ગાળવો? વગેરે વગેરે.

ટૂંકમાં એમ કહી શકાય કે તમારી જાતને ઓળખીને એને અનુરૂપ રીતે સજજ થવા માટે યોગ્ય વ્યવસાય પસંદ કરવો એ કંઇ ખાવાના ખેલ નથી.

એ જરુરી છે કે તમારી શકિતઓનો ઉપયોગ તમારા વ્યવસાયની જરુરત મુજબ થાય પણ યાદ રહે- કંપનીને (માલિકને) ખરેખર શું જોઇએ છે તે જાણવું ખૂબ અઘરું છે. માત્ર માહિતી પુસ્તિકા એ વ્યવસાયની વાસ્તવિકતાનું નબળું પ્રદર્શન છે. કંપનીનું મકાન, બાંધકામ, ઓફીસ કે મેનેજમેન્ટ પરથી કદાચ તેનો સાચો અંદાજ બાંધી શકાય. નોકરીઓ બદલવી એ ખરેખર તો તમારી કારકિર્દીનો માપદંડ છે. કારણ કે જીવન પર્યતની નોકરી હોય તો સારુ. એ દિવસો હવે ગયા છે. આ ખ્યાલ બહુ જૂનો છે. બલ્કે હવે તો કેટલાક ક્ષેત્રોમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ કરેલી નોકરી એ ગેરલાયકાત ગણાય.

કેટલીયે સંસ્થાઓ એવી છે કે જે પોતાને ત્યાં વધુ નોકરીઓ ફેરવેલ અથવા તો દેશવિદેશમાં ઘુમેલ વ્યકિતઓ ને જ ઉચ્ચ સ્થાનો માટે પસંદ કરે છે. વ્યવસ્થાતંત્રનું વૃક્ષ આરોહણ કરવું અને એ પણ સફળતાપૂર્વક એ બાબતને તકના ભરોસે મુકીને બેઠા રહયે ન પાલવે. તમને તમારી જાતે જ તમારી શકિતઓ, નબળાઇઓ, અભિલાષાઓ અને સિંધ્ધાતોનો ખ્યાલ હોવો જોઇએ. માત્ર એટલું જ નહીં વ્યવસ્થિત રીતે આયોજન અને અમલ થતો હોય તેવો ભવિષ્યનો નક્કર નકશો તમારી નજર સમક્ષ હોવો જોઇએ.

વ્યવસાય માટે માત્ર સુંદર કામ અને કારકિર્દીની વ્યવસ્થા એ પુરતું નથી. તમારે એવું ચોક્કસ વ્યકિતત્વ અને સમાજમાં એવી છાપ પણ ઉભી કરવી જોઇએ કે જે ક્ષેત્રમાં તમે સફળ થવા ઇચ્છો તેને યોગ્ય તમે છો.

તેજસ્વી કારકિર્દી બહુ ઓછા કિસ્સાઓમાં સીધી-સાદી-સરળ હોય છે. બાકી તો મોટે ભાગે કારકિર્દીના વૃક્ષની એક ડાળથી બીજી ડાળ કુદતા કુદતા ટોચે પહોંચી શકાય, અને ટોચે પહોંચવું એટલે પૂર્ણ વિરામ? ના.. ટોચે પહોંચવું એટલે વધુ વિસ્તૃત રીતે સતત વિકાસને ઝંખવું અને નદીના વહેણની જેમ સતત વહેતા રહેવું....

૦૦

૫. ચૂડી

કૂણા માખણ કાંડા પર શોભતી કચકડાની ચૂડી

ભાવનગર-મહુવાની ચૂડી દેશ-વિદેશમાં વખણાય છે

બંગડી, કંગન, ચૂડી, ચૂડલો, બલોયા, પાટલા આ બધા નામ છે મહિલાઓના હાથ પર શોભતા એક આભૂષણનાં... નારીના સોળ શણગારમાં જેનો સમાવેશ થાય છે અને સૌભાગ્યવતીસ્ત્રીઓ માટે તો અનિવાર્ય માનવામાં આવે છે તેવા કંકણનો એક વિશિષ્ટ પ્રકાર એટલે ચૂડી.

નારી જીવનમાં આ આભૂષણ એટલું મહત્વનું સ્થાન ધરાવે છે કે, પ્રાચીન લોકપરંપરાથી માંડીને આધુનિક સાહિત્ય સુધી દરેક સમયે તેનો ઉલ્લેખ હોય તેવા લોકગીતો, લોકકથાઓ, વાર્તાઓ અને કવિતાઓનું સર્જન થતું રહયું છે. વિકાસના વહેણમાં આજે જેનું અસ્તિત્વ ઝાંખું પડતુ જાય છે એવી એક મણિયારા કોમની તો આજીવિકાનું સાધન એક જમાનામાંસ્ત્રીઓનું આ માનીતું ઘરેણું રહયું છે. મણિયારા જ્ઞાતિનો પેઢી- દર પેઢીથી ચાલ્યો આવતો મુખ્ય વ્યવસાય જ ચૂડી-ચૂડલા બનાવવાનો હતો. યાંત્રિક ઉત્પાદનનો સમય શરૂ નહોતો થયો ત્યાં સુધી મણિયારાઓની બોલબાલા હતી. ભાવનગરના રાજવી પરિવાર માટે પણ ચૂડી-ચૂડલા બનાવનાર મણિયાર કુટુંબના વંશજો હજુ આજે પણ ભાવનગર અને મહુવામાં આ જ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મહુવાના દીપકકુમાર મણિયાર અને પાંચ પેઢીથી આ વ્યવસાય સાથે જ સંકળાયેલા ચંદુભાઇ મણિયારની મુલાકાત લઇને એમની સ્મૃતિ સંકોરતા કંઇ કેટલીયે રસપ્રદ વાતો જાણવા મળે છે.

ગ્રામીણ વિસ્તારની ખાસ કરીને ખરક ભરવાડ અને કોળી જ્ઞાતિની મહિલાઓ હાથમાં પાતળી બંગડી નહીં પણ જાડા બલોયા પહેરે છે. પહેલાના જમાનામાં સીસમના લાકડાના બલોયા બનતા અને ધનાઢય પરિવારનીસ્ત્રીઓના બલોયા હાથીદાંતના રહેતા.

સામાન્ય બંગડી પર કોતરણી કરીને તેના પર ધાતુની ચીપ વીંટાળીને બનાવાય તેને ચૂડી અને હીરા જેવા આકર્ષણો લગાવીને બને તેને ચૂડલો કહે છે. ચૂડી-ચૂડલો પણ હાથીદાંતના જ વખણાય, પણ હાથીદાંતના આભૂષણો બનાવવા માટે થતી હાથીઓની કત્લેઆમ રોકવા માટે સરકારે હાથીદાંત પર પ્રતિબંધ મૂકયા પછી હવે ચૂડી, ચૂડલા બલોયા બધુ જ પ્લાસ્ટીક કે કચકડાનું બને છે એટલે જ તો કોઇ વર્તમાન કવિએ લખ્યું છે કે, કચકડાની ચૂડી રે, મારૂં કૂણું માખણ કાંડું.

ગ્રામીણ વિસ્તારની મહિલાઓ હાથમાં પહેરેલ ચૂડલો કે બલોયા સામાન્ય રીતે પોતાનો પતિ જીવંત હોય ત્યાં સુધી કાઢવાનું પસંદ કરતી નથી.

હાલ મહુવામાં ત્રણેક દુકાનો ઉપરાંત ભાવનગરની રાધનપુરી બજારની બે-ત્રણ દુકાનોમાં મણિયારા પરિવારો દ્વારા બનાવાતી ચૂડીઓ દેશ-વિદેશ સુધી પહોંચી છે. અલબત રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ પણ ચૂડી બને છે ખરી પણ તેમ છતાં મહુવા-ભાવનગરની ચૂડીઓ વખણાય છે.

લગ્ન જેવા માંગલિક પ્રસંગે કન્યાના અસબાબમાં ચૂડી અનિવાર્ય ગણાય છે. હિન્દી ચલચિત્રોમાં પણ ચૂડીને કેન્દ્ર સ્થાને રાખીને ચૂડી મઝા ન દેગી..., મેને હાથો મેં નૌ-નૌ ચૂડીયાં રે... જેવા ગીતો રચાયા છે. હવે ભાવનગરની રાધનપુરી બજાર કે મહુવાની મણિયારા બજારમાં જવાનું થાય તો રંગબેરંગી ચૂડીઓ જોવાનું ચૂકશો નહીં...

૦૦૦૦

૬ વાગોળવા જેવા વર્તારા

વાગોળવા જેવી વરસાદના વરતારાની

પ્રાચિન પધ્ધતિઓ......

રાજકોટ જિલ્લાના ગોંડલ પાસેના હરમડિયા ગામે છેલ્લા સોએક વર્ષથી વિસ્મયજનક રીતે વરસાદનો વરતારો થાય છે. અષાઢી બીજના દિવસે ગામના પાદરે ખુલ્લામાં પડેલા પથ્થરોને મા ખોડીયારનું સ્વરુપ માની તેના પૂજન અર્ચન પછી એ પથ્થરો નીચેથી જે જીવ નીકળે એટલે કે વીંછી નીકળે તો વરસ સારું અને કાનખજૂરો નીકળે તો વરસ મોળું એવો સંકેત ગણવામાં આવે છે.

વિદેશમાં પણ આવી કેટલીક માન્યતા પ્રવર્તે છે, સાઇબિરીયામાં રોસા નામની ચકલી ઉંચી ઉડવા લાગે તે વધુ વરસાદની નિશાની ગણાય છે. કૂતરો ઘાસ ખાય તો તોફાની પવન સાથે વરસાદ પડે, હાથી સૂંઢ આકાશ તરફ ઉંચી કરે તો વરસાદ પડે, મોર સમૂહમાં નૃત્ય કરે ત્યારે સારો વરસાદ થાય, આવી જાત-ભાતની માન્યતાઓમાં સત્યતા કળવી મૂશ્કેલ છે છતાં છેલ્લા કેટલાંક વર્ષોથી જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન કેન્દ્ર ચાલે છે અને તેમાં રાજય તથા દેશભરના નિર્ષ્‌ણાતો ભેગા મળીને ભડલી વાકયો, હોળીની ઝાળ અને અખાત્રીજના પવનના આધારે વરસાદની આગાહી કરે છે.

વારિ પિડીત સોૈરાષ્ટ્રવાસીઓને તો મેહપાણીના મૂલ સમજાઇ ગયા છે અને એટલે જ દૂરદર્શન ઉપર હવામાનની રુખના સેટેલાઇટ મેપ બધા જ અચૂક જોઇ લ્યે છે. છતાં આપણે ત્યાં હોળીની જાળ, અખાત્રીજનો પવન, ભડલી વાકય કે ટીટોડીનાં ઇંડાના આધારે પણ વરસાદની આગાહી થાય જ છે.

ભડલી વાકયની વાત કરીએ તો આ ભડલી કોણ? એ અંગે વિવાદ છે પણ એક માન્યતા અનુસાર, ઉત્તર ગુજરાતના પાટણ ખાતે સિધ્ધરાજ જયસિંહના સમયમાં એટલે કે ઇસુની બારમી સદીમાં થઇ ગયેલા પ્રખર ભવિષ્યવેતા ઉદ્‌ંડ જોષી ઉર્ફે હુદડ જોષીની પુત્રી તે ભડલી. નક્ષત્રો અને હવામાનના અભ્યાસી હુદડ જોષીનો વારસો મેળવીને ભડલીએ લોકબોલીમાં વરસાદની આગાહી કરતી કેટલીક સાખીઓ લખી. સાડા આઠસો વર્ષ પછી પણ આજે કેટલાક ખેડૂતોને આ બધી જ સાખીઓ કંઠસ્થ છે અને એ ભડલી વાકય ગ્રામ્ય સ્તરે વરસાદના વરતારા જોવાની ડિકશનરી મનાય છે. અહી એ પરંપરાનું પુનરાવર્તન કરીએ.

દીવા વીતી પંચમી, જો મૂળ નક્ષત્ર હોય, ખપપર હાથા જગ ભમે, ભીખ ન ઘાલે કોઇ.

અર્થાત, કારતક સુદ પાંચમને દિવસે જો મૂળ નક્ષત્ર હોય તો મોંઘવારી, ભૂખમરો વધે.

ફાગણને પડવે વળી, શતભિષા કંઇ હોય, તો તો કાળ પડે નકકી, કહે સુકાળ ન હોય.

અર્થાત, ફાગણ સુદ પડવાના દિવસે શતભિષા નક્ષત્ર હોય તો દુષ્કાળ પડે.

જયેષ્ઠ વદી દસમી દિને શનિવાર જો હોય, પાણી ન હોય પૃથ્વીમાં, જીવે વિરલા કોય.

અર્થાત જેઠ વદી દસમને દિવસે રવીવાર હોય તો ભયંકર જળસંકટ ઉભું થાય.

ઘર અષાઢી બીજી નીમે નીરખી જોય, કરમ સંજોગે શનિ પડે, વીરલા જીવે કોય.

એટલેકે અષાઢ સુદ બીજને દિવસે શનિવાર હોય તો દુષ્કાળ, રોગચાળો, યુધ્ધ વગેરેના કારણે માનવ મૃત્યુ થાય.

શનિ -રવીને મંગળે જો પોઢે જદુરાય, અન્ન બહુ મોંઘું સહી, દુઃખ પ્રજાને થાય.

આનો અર્થ એ કે જો દેવ પોઢી એકાદશીને દિવસે શનિ, રવિ કે મંગળવાર હોય તો મોંઘવારી ખૂબ વધે.

અખાત્રીજ તીથને દિને ગુરુ-રોહિણી સંયુકત, સહદેવ પણ એમ જ જાણે નિપજે અન્ન બહુ મુકત.

અર્થાત અખાત્રીસજના દિવસે ગુરુવાર અને રોહીણી નક્ષત્ર હોય તો ધન ધાન્યના ઢગલા થાય.

આમ વરસાદની આગાહી કરવાની આ અલબત્ત પારંપારિક પધ્ધતિઓ પણ અમલમાં છે, ટીટોડી ઉંચી જગાએ ઇંડા મૂકે તો વરસ સારું અને નીચી જગ્યાએ ઇંડા મૂકે તો વરસ નબળું ગણાય છે. ચાતક પક્ષી રાતના બોલે તો પછીના ૪૮ કલાકમાં અચૂક વરસાદ થાય જ એવી પણ માન્યતા છે.

-----------

૭. હેમુ ગઢવી

નામ રહંતાં ઠાકરા, નાણાં નહીં રહંત,

કીર્તિ કેરાં કોટડાં, પાડયાં નહીં પડંત

.....

લોક સાહિત્યનો ઘેઘૂર વડલો : સ્વ. હેમુ ગઢવી

ચોટીલા પંથકના માંડ બસો માથાની વસ્તી ધરાવતા ઢાંકણીયા નામના ગામમાં નાનભા ગઢવી નામના સામાન્ય સ્થિતિના ચારણને ત્યાં ૧૯૨૯ની ચોથી સપ્ટેમ્બરે જન્મેલા હેમુ નામના સંતાને માત્ર એ કુળ કે ગામને નહીં, સમગ્ર સૌરાષ્ટ્રને અને લોકસાહિત્યને ઉજાળ્યું- દુનિયા આખીમાં એની નામના કરી.

દેશી નાટક કંપનીથી શરૂ થયેલી સ્વ. હેમુ ગઢવીની કલાયાત્રા આકાશવાણીમાં વિરામ પામી તે પહેલા તો લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, શૌર્ય ગીતો, શૌર્ય કથાઓ, લોકગીતો, ભજનો અને એવાનો કેટ-કેટલાય ફલકોને દૈદિપ્યમાન કરી ચૂકી હતી.

આર્થિક સંકડામણને કારણે અભ્યાસ અધૂરો છોડીને ખેતીકામમાં જોતરાયા પણ હેમુભાઇના હૈયામાં ધરબાયેલ કલાપ્રીતિ એમને જંપવા દે તેમ નહોતી. રોકડા રૂપિયા પંદરના પગારદાર તરીકે મામા શ્રી પથુદાન તથા કરણીદાન અને શંભુદાનની નાટક કંપનીમા જોડાયા. સૌ પ્રથમવાર હેમુભાઇએ મોરલીધર નામના નાટકમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને પ્રેક્ષકોનો એક આગવો ચાહક વર્ગ ઉભો કરી લીધો હતો. આ કંપનીમાં ત્રણ વર્ષ કામ કરીને અનુભવનું ભાથું બાંધ્યું અને સાથે સાથે અભિનયમાં પણ કાઠું કાઢયું અને રાજકોટની તરૂણ નાટક કંપનીમાં રૂા.૫૧ ના માસિક પગારે જોડાયા.

નાટકના જુદા જુદા પાત્રોમાં ઓળઘોળ થઇને અભિનય કરતા આ જુવાનીયાનો મધુર, બુલંદ કંઠ એને હીરાપારખુ ઝવેરીઓ મારફત આકાશવાણી સુધી લઇ ગયો અને તે દિવસથી હેમુભાઇએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામાં પાછું વાળીને જોયું નહીં.

કસુંબલ કેફના ગાયક, નાદબ્રહ્મના આરાધક, સૌરાષ્ટ્રના લોક સંગીતના સૂર-સાધક અને સૂર-શબદના સોળવલા સોના જેવા આ ગાયકના ગળાની તાકાત અને એના સ્વરનો જાદુ તો જુઓ કે અવાજને સાચવવાના વિકસતા જતા વિજ્ઞાન સાથેના તમામ ઉપકરણોએ એમને હોંશે-હોંશે સાચવ્યા છે. લોંગ પ્લે રેકોર્ડ, આકાશવાણીના સ્પૂલ્સ, ઓડીયો કેસેટો અને હવે કોમ્પેકટ ડીસ્ક પણ સ્વ.હેમુભાઇના અવાજથી અલિપ્ત રહી શકયાં નથી.

રાજકોટ ખાતે ગુજરાત સરકાર ધ્વારા તૈયાર થયેલા ઓડીટોરીયમ સાથે સ્વ.હેમુ ગઢવીનું નામ સાંકળવાનું સ્તુત્ય પગલું લઇને સરકારે આ કલાકારની ખૂબ યથોચિત કદર કરી છે એટલું ન નહીં અનેક સૂર ચાહકો- કલાપ્રેમીઓ અને કલા સંસ્થાઓની માંગણી પણ સંતોષી છે.

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, બાર બાર વરસે નવાણ ગળાવ્યા, રૂડીને રંગીલી રે વાલા તારા વાંસળી આવા કેટ-કેટલા ગીતોની યાદી કરીએ? કવિ દાદ એ સ્વ. હેમુભાઇને બહુ સુંદર અંજલિ આપી છે.

મોંઘામૂલી સૌરાષ્ટ્રની રસધાર જે રચતો ગયો,

ઇ કલમની વાચા બની તું ગીતડાં ગાતો ગયો,

એ લોકઢાળો પરજના, કોઇ દાદ કંઠે ધારશે,

તે વખત આ ગુજરાતને, હા યાદ હેમુ આવશે.

વીસમી ઓગષ્ટ ૧૯૬૫ ની જન્માષ્ટમીનો દિવસ ગુજરાતની જૂની રંગભૂમિથી માંડીને લોકસાહિત્ય સૌ માટે ગોઝારો નીવડયો. કાનુડાની વાંસળીમાં ખૂટતા હેમુ ગઢવી નામના એક સૂરે તે દિવસે પડધરી મુકામે રજપૂત જ્ઞાતિના રાસ-ગીતોનું રેકોડગ કરતાં-કરતાં જ સ્વર્ગારોહણ કર્યું.

આવા લોકરતન સ્વ.હેમુભાઇ ગઢવીની પુણ્યતિથી નિમિતે સ્વરાંજલી આપવા ભાવનગરમાં ગુજરાતના લોક સાહિત્યના દિગ્ગજોનો કસુંબલ ડાયરો યોજાઇ રહયો છે ત્યારે મૃત્યુના આગલા દિવસેજ આકાશવાણી રાજકોટના તે સમયના લોકપ્રિય કાર્યક્રમ અબાજી-ગબાજીમાં સ્વ.હેમુભાઇ એ જે દોહો રજુ કર્યો હતો તેનું સ્મરણ થયા વગર રહેતું નથી.

નામ રહંતા ઠાકરા, નાણાં નહીં રહંત,

કીર્તિ કેરાં કોટડાં, પાડયાં નહીં પડંત

૦૦૦૦૦૦

૮. ભાષાને લીધે છે સઘળું નૂર !

આપણા રોજ-બ-રોજના વ્યવહારનો આધાર જેના પર છે એવી ભાષાના મહત્વ વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. આપણા જ્ઞાની કવિ અખાએ કહી તો દીધુ કે, ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર, પણ આ વિશાળ સંસારમાં ભાષાના શષા વિના કોઇપણ જીતનો સંભવ જ નથી. આજે ભાષા સંવાદિતા દિવસે જ ભાષાના ગૌરવનો મહિમા કરીએ એમ નહીં, કાયમ એનો મહિમા કરતા રહીએ.

આપણી સભ્યતા અને સંસ્કૃતિનો બધોજ આધાર ભાષા ઉપર નિર્ભર રહેલો છે. માનવ જાતિએ ભાષાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથીજ એ માનવ બનવા માંડી, એ પહેલા નહીં, આવું એક ભાષા વિજ્ઞાનીએ નોંધ્યું છે તે સાવ સાચુ છે. કોઇ કારણસર આપણી ભાષા છીનવાઇ જાય તો શું હાલત થાય? એનો આપણે વિચાર કરીશું ત્યારે ખ્યાલ આવશે કે આવો વિચાર પણ આપણે ભાષામાંજ કરીએ છીએ. ભાષા ન હોય તો વિચાર પણ ન હોય. જ્ઞાન-વિજ્ઞાનની શાખા પ્રશાખાઓ, ઇતિહાસ, તત્વજ્ઞાન, સાહિત્ય, માહિતી, પરસ્પરના વિચારોની આપ-લે... આવી અસંખ્ય બાબતો ભાષાના માધ્યમથીજ શકય બને છે. દંડી નામના આપણા વિચારકે આ જગત ભાષારૂપી જયોત વડે પ્રકાશમાન છે એમ યોગ્ય કહયું છે. સૂર્ય વિના ચાલે તો ભાષા વિના ચાલે! આપણી સભ્યતાનો ઇતિહાસ એટલે પાંચેક લાખ વર્ષ પૂર્વે ઉત્પન્ન થયેલી આપણી ભાષાનો ઇતિહાસ.

ભાષાનું કામ જોડવાનું છે, સંવાદનું છે. ભાષા વિવાદનું સાધન કયારેય ન હોઇ શકે. આપણા દેશની જ માત્ર માન્ય ભાષાઓ ઉપરાંત પણ પ્રાંત-પ્રાંતની બોલીઓનો વિચાર કરીએ તો દેશમાં પ્રવર્તતું ભાષા વૈવિધ્ય ચકિત કરી દે તેવું છે. ભિન્ન-ભિન્ન ભાષા બોલતો દેશ એક સૂત્રે બંધાઇ રહે એ પણ ભાષા-સંવાદનું એક ઉદાહરણ જ ગણવું જોઇએ. બાર ગાઉએ બોલી બદલાય કહેવત આપણે જાણીએ છીએ, બોલી બદલાય પણ બોલનાર તો જોડાતા રહે. ભાષાવાર રાજય રચનાઓ આપણે ભલે કરી, પણ આપણે જે ભાષા બોલીએ છીએ તેની ગંગોત્રી એક જ છે એવું આપણે જાણતા હોઇએ તો ઘણા પ્રશ્નો હલ થઇ જાય.

આપણી ગુજરાતી ભાષા જે ક્રમમાં અપભ્રંશ, પ્રાકૃત અને સંસ્કૃતમાંથી ઉતરી આવી એ ક્રમમાં આપણી ભાષાનું મૂળ ગોત્ર યુરોપની ભાષા સાથે છે. આપણી ભાષાનું કુળ દુનિયાનું સૌથી મોટું ભાષાકુળ છે એને ભારત-યુરોપીય ભાષાકુળ કહેવામાં આવે છે. બે અબજથીયે વધુ લોકો જે બોલે છે એવી ભાષાઓનું એક કુળ છે. દ્રક્ષિણ ભારત સિવાયની ભારતની તમામ અર્વાચીન ભાષાઓ ગુજરાતી, હિંદી, મરાઠી, પંજાબી, બંગાળી, સિંધી..વગેરે ઉપરાંત સ્વીડીશ, આયરિશ, પોર્ચુગીઝ, ડચ, ઇટાલીયન, સ્પેનિશ, રુસી, ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉત્તર તથા દ્રક્ષિણ અમેરિકાખંડ અને સમગ્ર યુરોપની બધીજ ભાષાઓ એકજ ગોત્રની છે. અંગ્રેજીમાં કોઇ ફાધર કહે તો બીજી કોઇ ભાષામાં એને પેટર કહે એજ પેટરનું પિતર્‌ અને પિતા થતું હોય તો ભાષા સંવાદની આખી શૃંખલા આપણને કેટલું આર્ય પમાડે? આપણે જેને અસૂર કહીએ એને ઇરાનીઓ અહુર કહે. માતેર્સ ઘૃઘોઇ એસ્ક્યેતિ એ આપણી આદિમ ભાષાનું રૂપ છે- માતા ગૃહ અસ્તિ પછી મા ઘરે છે એવા પડાવ પર આપણે પહોંચ્યા છીએ. કહેવાનો આશય એ કે આપણા પંથકમાં બોલાતી બધીજ ભાષાઓનું ગોત્ર એક છે એટલે ભાષા વિવાદનું કેન્દ્ર કયારેય ન હોવું ઘટે. સર્વભાષા સરસ્વતીનું સૂત્ર આપણે અપનાવવા જેવું છે. જિહવાનો અર્થ થાય છે, જીભ અને લેંગ્વેજ શબ્દ જેના પરથી ઉતરી આવ્યો છે તેશબ્દ છે લિંગ્વા એનો પણ અર્થ છે જીભ અર્થાત વાણી. આપણે ત્યાં કહેવાયું છે કે જેણે જીભ જીતી એણે સઘળુ જીત્યું.

ભાષા સંવાદનું માહાત્મ્ય કરીને કવિ મનોજ ખંડેરીયાના શબ્દો ટાંકીએ-

- મને સદ્‌ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઇ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.

ભાષાનું સામર્થ્‌ય વિદ્વાનોના મતે

આ જગત ભાષારૂપી જયોત વડે પ્રકાશમાન છે - દંડી.

ભાષા સંસ્કૃતિનું વાહન અને અંગ છે - રામવિલાસ શર્મા.

કોઇપણ સમાજને અનિવાર્યપણે પોતાની ભાષામાંજ જીવવું પડશે નહીંતર એમની અસ્મિતા બુઠૃી થઇ જશે - અજ્ઞેયજી.

આપણે ભાષાને બનાવતા નથી, ભાષા આપણને બનાવે છે - અજ્ઞેયજી.

ભાષાની બે ખાણ છે, એક પુસ્તકોમાં અને બીજી પ્રજાની જીભ પર - રામધારીસિંહ (દિનકર)

ભાષા કલ્પવૃક્ષ છે, જે એની પાસેથી આસ્થાપૂર્વક માગે છે, ભાષા તે આપે છે - અજ્ઞેયજી.

એક સ્થળની ગાળ બીજા સ્થાનની બોલી પણ હોઇ શકે - ઉડીયા લોકોકિત.

ભાષા મગજની પ્રયોગશાળા છે - કોલરિજ.

ભાષા વિચારનું વષા છે- જહોન્સન.

ભાષા મનનો પ્રકાશ છે - જહોન સ્ટુઅર્ટ મિલ.

ભાષા ઇતિહાસનું સંગ્રહ સ્થાન છે - ઇમરસન.

ભાષા આત્માનો અરીસો છે - પ્યુ બ્લીલસ સાયરસ.ુ

૯. પટ્ટ ચિત્રો

પટૃચિત્રોની સદીઓ જૂની પરંપરા

પાલીતાણામાં હજુ જીવંત છે..

૦૦૦

ધર્મ સાથે કલાના સમન્વય સમા તીર્થ પટૃો દુનિયાભરમાં પ્રસિધ્ધ

- આશિ ખારોડ,

માહિતીખાતું, પાલીતાણા.

પાલીતાણાના એક ચિત્રકારના ચિત્રો દેશ અને દુનિયાભરમાં વેચાયા છે, એ ચિત્ર લઇ જનાર તેને પોતાના બેઠક ખંડની શોભા વધારવામાં નહીં, પરંતુ પોતાના પૂજાઘરની દિવ્યતા વધારવાના ઉપયોગમાં લે છે. ભાવનગર, અમદાવાદ, મુંબઇ અને છેક અમેરીકા સુધી વસતા સંખ્યાબંધ શહેરના જૈનોના દેરાસરોમાં આ કલાકારે તૈયાર કરેલા તીર્થપટૃોને વંદન થાય છે અને તેનું પૂજન થાય છે.

દેવેન્દ્રભાઇ મૂળજીભાઇ ચૌહાણ નામના આ ચિત્રકાર છેલ્લી ચાર પેઢીથી તીર્થ પટૃો બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને માત્ર જૈન ધર્મના તીર્થ પટૃો બનાવવા સિવાયનું બીજું કોઇ કામ કરતા નથી. સામાન્ય રીતે કેનવાસ પર જૈન તીર્થધામો પાવાપુરી, અષ્ટાપદ, શંખેશ્વર, ગિરનાર, તાલધ્વજ કે શેત્રુંજયના તીર્થ પટૃો તૈયાર કરતા આ કલાકારના જણાવ્યા મુજબ હવે કેનવાસ ઉપરાંત કાષ્ટ, માર્બલ અને કાચ પર પણ તીર્થપટૃ બને છે.

તીર્થ પટૃ તરીકે ઓળખાતો ચિત્રકળાનો આ પ્રકાર આમ તો સદીઓ જૂનો છે, પટૃ ચિત્ર તરીકે શરૂ થયેલી આ પરંપરા મૂળ તો કથા ચિત્રની છે અને તે ભીંત ચિત્રોમાંથી ઉતરી આવી હોવાનું મનાય છે. પ્રાચીન કાળમાં આ પરંપરા પ્રચલિત હશે તેવો સંકેત સાંચીના તોરણ પર કોરાયેલી કાથના છેડે જે આંટા છે તેના પરથી મળે છે.

પટૃ ચિત્રની પરંપરા મહદંશે બંગાળમાં અને બિહારમાં વિકસી અને હજુપણ જીવંત છે, પરંતુ ત્યાં ફુટ-બે ફુટ પહોળા અને દસ-વીસ ફુટ લાંબા પટૃ પર કોઇ કથાનક ચિતરાયેલું હોય છે અને પટૃઆ તરીકે ઓળખાતો ચિત્રકાર પટૃના વીંટાને ક્રમે-ક્રમે ખોલીને પ્રસંગો કહેતો જાય તેવી પરંપરા છે.

એ જ પ્રમાણે જૈન ધર્મમાં જૈન મુનિને ચાતુર્માસ ગાળવાની નિમંત્રણ પત્રિકા જેવો પત્ર એકાદ ફુટ પહોળો અને ત્રીસ-ચાલીસ કે એથી વધારે ફુટ લાંબો બનાવી તેને વીંટારૂપે લપેટાય. એમા મુનિ જયાંથી વિહાર શરૂ કરે ત્યાંથી યજમાની સ્થળનો સઘળો માર્ગ યાત્રા તરીકે ચિત્રિત થાય. નકશો નહીં પણ એ પધ્ધતિએ રસ્તામાના પવિત્ર સ્થળો, ગામ, લોક વ્યવહાર, ભૌગોલિક પ્રદેશો બધુ ક્રમે-ક્રમે આલેખાયું હોય એવા પટૃ ચિત્ર પણ આલેખાતા.

આજની વાત કરીએ તો પાલીતાણામાં શ્રી ચૌહાણ અને બીજા ત્રણ-ચાર કલાકારો ધ્વારા નાનામાં નાનો તીર્થ પટૃ ત્રણ બાય ચાર ફુટનો બનાવાય છે. હાલ બનતા તીર્થ પટૃના ઓછામાં ઓછા રપ વર્ષના આયુષ્યની ગેરંટી તો ચિત્રકાર આપે છે અને તેમા સોનેરી રંગમાં સોનાના વરખનો ઉપયોગ થતો હોવાનો દાવો કરે છે.

સૌથી વધુ માંગ શ્રી શત્રુંજય તીર્થ પટૃની રહે છે તેમા ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓ અને પાદુકાઓનું ચિત્રણ થાય છે. અથવા શ્રી શતે્‌રુંજય તીર્થાધિરાજની નવટૂક, દાદાનો દરબાર અને અન્ય દેરાસરોનું ચિત્રણ થાય છે. અમદાવાદ, મુંબઇ સહિત અન્ય કેટલાક સ્થળે તીર્થ પટૃો બને છે પણ પાલીતાણાના તીર્થ પટૃનું કામ સમગ્ર દેશમાં ઉત્તમ કક્ષાનું હોવાનું જૈનો માને છે.

ખાસ કરીને ધાર્મિક ઉત્સવો વેળાએ જે લોકો તીર્થ સ્થાનોએ જઇ શકે તેમ ન હોય તેઓ પોતાના ગામના દેરાસરજીના તીર્થ પટૃના દર્શન કરી યાત્રાની ભાવના પૂર્ણ કરે છે.

છેક આદિમાનવના ગુફા ચિત્રોથી શરૂ થયેલી અને અજંટાના ભીંત ચિત્રોમાં વિકસેલી ચિત્રકલાનો આ વિશિષ્ટ પ્રકાર હાલ બહુ ઓછી જગ્યાઓએ જીવંત રહેલો જોવા મળે છે, પણ ભાવનગર જિલ્લાનું પાલીતાણા તે પૈકીનું એક છે.

........

૧૦. છત્રીની છેલછબીલી વાતો...

ચોમાસાની મોસમ એટલે ખીલી જવાની અને ખૂલી જવાની મોસમ... વરસાદના છાંટા પડે કે તરતજ ખુલી જવાનું તો મોટે ભાગે છત્રીના કિસ્સામાં બને છે, એક કવિએ લખ્યું છે,

મને કાનમાં કહયું પુરાણી છત્રીએ,

ચાલો, ઉઘડી જઇએ કંઇ વરસાદ જેવું લાગે છે

ચોમાસું શરૂ થાય એટલે છત્રીનો મહિમા વધી જાય. જાત જાતની અને ભાત ભાતની રંગબેરંગી છત્રીઓ દેખાવા લાગે. છત્રીની શોધ કોણે કરી હશે એ બાબત તો વિવિાદનો વિષય છે પણ, પ્રાચીન કાળમાં રાજા-મહારાજાઓના સિંહાસનની સાથેજ છત્રી આકારના શિરછત્ર રહેતા એટલે કે ભારતમાં છત્રી એટલા જૂના સમયથી અસ્તિત્વમાં છે.

છત્રી માટે વિવિધ ભાષાઓમાં જુદા જુદા નામો પ્રયોજાય છે તેના પર એક નજર કરીએ તો, ગુજરાતીમાં છત્રી અને ઉર્દુ, પંજાબી, બંગાળી, હિન્દીમાં તેને છાતા કહે છે, સંસ્કૃતમાં છત્ર, કન્નડમાં કોડે અથવા છત્રિ, મલયાલમમાં કૂટ, તમિળમાં કુડૈ, તેલુગુમાં ગોડુગુ, ઓડિયામાં છતા, અસમિયામાં છાતિ, કશ્મીરીમાં છર્તુર્ય, સિંધીમાં છટી અને અંગ્રેજીમાં અમ્બ્રેલાથી ઓળખાય છે.

અંગ્રેજી અમ્બ્રેલા શબ્દ ઇટાલીયન ભાષાના અમ્બ્રા, શબ્દ પરથી બન્યો છે. અમ્બ્રાનો અર્થ છાંયડો થાય છે.

પ્રાચીન કાળમાં નેતર-વાંસની પટૃીથી બનાવાયેલ છત્રીથી માંડીને આજની અદ્યતન રંગબેરંગી સ્વરૂપ સુધીની મજલ કાપીને છત્રીએ ખાસ કરીને વરસાદ અને તડકાથી રક્ષણ માટેના સાધન તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે.

એક સમયે માત્ર રાજાના ીશર પરજ ધરાતા છત્રથી આજે રસ્તા પર બેસતા શ્રમજીવી મોચી સુધીના સહુ માટે છત્રી સહજ પ્રાપ્ત સાધન બની ગઇ છે. દરિયા કિનારા પર છત્રી નીચે બેસીને કોલ્ડ્રીંકસ પીવાથી માંડીને છત્રીમાં ગોઠવીને હાથરૂમાલ કે મોજા વેચવા સુધી તેનો ઉપયોગ વિસ્તર્યો છે.

ગુજરાતી વિશ્વકોષમાં જો કે છત્રી શબ્દનો જુદોજ અર્થ જોવા મળે છે, તેમા છત્રીનો વરસાદ કે તાપથી બચવા માટેના સાધન તરીકે ઉલ્લેખ નથી. પરંતુ સ્તંભના આધારે સ્થાપત્ય કલા સ્વરૂપે મહાનુભાવોની યાદગીરીમાં ઉભી કરાતી ઇમારત તરીકે છે એ અર્થમાં પણ કચ્છની છતરડી જગ વિખ્યાત છે.

ભારતમાં કાલીકટ, ચેન્નઇ, કોચીન, મુંબઇ, બેંગ્લોર અને અમદાવાદ છત્રીના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો છે. દિલ્હી, કલકત્તા, લખનૌ અને હૈદ્રાબાદના મ્યુઝીયમોમાં અને ઇરાન, ગ્રીસ તથા ચીનના સંગ્રહસ્થાનોમાં મૂલ્યવાન અને પુરાણી છત્રીઓનો કિંમતી સંગ્રહ છે.

.......

૧૧. ભીંત ચિત્રો

રાજાશાહીની અમૂલ્ય નિશાની સમા મહુવાના ભીંતચિત્રો

અઢારમી સદીમાં ગોહિલ વંશના રાજવીએ ભાવનગર સ્થાપીને તેને ગોહિલવંશની રાજધાનીનું શહેર બનાવ્યું તે પછી કળાપ્રેમી રાજવીઓ, સંસ્કારી દિવાનો અને શ્રેષ્ઠીઓ અને કલાપ્રેમી જનતાએ ભાવનગરને સાહિત્ય, કળા અને સંસ્કૃતિથી ધમધમતું બનાવી દીધું હતું. આજે કલાનગરી તરીકે મળેલી ઓળખમાં આપણા આ વારસાનો ફાળો પણ ખૂબ મોટો છે.

આજે ભાવેણાના કલાપ્રેમી રાજવીઓના ચિત્રકામ પ્રત્યેના અનુરાગને કારણે મહુવામાં બનાવાયેલા ભીંતચિત્રોની વાત કરવી છે. અજન્તાની ગુફાથી માંડીને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની પીઠોરા શૈલીનું ચિત્રકામ આપણી ભીંતચિત્ર પરંપરાનો સમૃધ્ધ વારસો દર્શાવે છે. આ પરંપરા પૈકીની એક પધ્ધતિ એટલે સલાટી-શિલાવત શૈલી, અઢારમી સદીના ઉત્તરાર્ધ પછી સૌરાષ્ટ્રમાં આલેખાયેલા ભીંતચિત્રોમાં સ્થાનિક પ્રાદેશિક અસર જોવા મળે છે, શ્રી રવિશંકર રાવળે આ ચિત્ર પરિપાટીને સલાટી-શિલાવત શૈલી કહી છે.

સૌરાષ્ટ્રમાં મહેલ કે મંદિરોના બાંધકામ માટે રાજસ્થાનથી આવતા કુશળ સલાટો ચણતર પૂરૂં થયા પછી ચિત્રો પણ કરી દેતા એમની સાથે કામ કરતા સ્થાનિક સલાટોએ રાજસ્થાની અસર સાથેની જે સ્થાનિક ચિત્ર શૈલી શરૂ કરી તે સલાટી-શિલાવત કહેવાઇ.

વિખ્યાત ચિત્રકાર શ્રી ખોડીદાસભાઇ પરમારે ભાવનગર જિલ્લાના ભીંતચિત્રોનો વિશદ્‌ અભ્યાસ કરીને સંકલિત કરેલા ભાવનગર જિલ્લાનાં સલાટી-શિલાવત, કમાંગરી અને લોકશૈલીનાં ભીંતચિત્રો નામક પુસ્તકમાં આ અંગે વિસ્તૃત છણાવટ કરી છે. મુ.ખોડીદાસભાઇના સૌજન્ય સ્વીકાર સાથે મહુવામાં આલેખાયેલા સલાટી-શિલાવત શૈલીના ભીંતચિત્રોનો પરિચય કરીએ.

વાજા રાજપૂતોના કબજામાંથી ઇ.સ.૧૭૮૪માં ભાવનગરના વખતસિંહજીએ મહુવા જીતી લીધા પછી આશરે ઇ.સ.૧૮૯૦ થી ૧૮૯૨ના સમયગળામાં મહારાજા તખ્તસિંહજીએ મહુવાના વાસીતળાવ વિસ્તારમાં એક ઉતારાનું બાંધકામ કરાવ્યું, જે હાલ સહકારી હાટના ડેલા તરીકે જાણીતું છે. આ ઉતારામાં દાખલ થતાંજ ડાબી બાજુ દાદર પાસે અને જમણી બાજુ વહીવટ ખંડની પરસાળમાં સુંદર ભીંતચિત્રો છે. મહારાજા તખ્તસિંહજી, વિજયસિંહજી, જસવંતસિંહજી ઉપરાંત દિવાન ગૌરીશંકર અને ચિતારાનું પોતાનું - સૈલફ પોટ્રેટ પણ છે. દશાવતાર, શ્રી લક્ષ્મી, ગણેશ, અંગ્રેજી મઢમો, નાગદમન અને શિવસ્તુતિ કરતા ૠષિઓને પણ ચિતારાએ જીવંત કર્યા છે.

આ જ રીતે મહુવામાં આવેલ નાના ગોપનાથજી મંદિરના પૂજારીના ઘરની પરસાળમાં પણ ધાર્મિક, પૌરાણિક અને વ્યકિતચિત્રોનું આલેખન છે તેમા રામપંચાયત, શિવ-પાર્વતી, વષાાહરણ, ગજેન્દ્ર મોક્ષ તથા વિકટોરીયામાં સવાર ભાવનગરના રાજવી ચિત્રિત છે.

અલબત્ત, કાળનો કરાળ પંજો આ સુંદર ચિત્રો પર અને એ રીતે આપણા કલાપ્રેમી રાજવીઓના અમૂલ્ય વારસા પર ફરી વળવાની તૈયારીમાં છે. મહુવામાં બહુ ઓછા સ્થાનિક લોકો આ ચિત્રો કે આ પ્રકારની ચિત્રપરંપરા અને તેના મૂલ્યથી વાકેફ છે, પરંતુ આ કલા વારસાને સાચવી રાખવા સ્થાનિક કક્ષાએ પ્રયત્નો થાય તે ખૂબ જરૂરી છે.

.......