Kalayatrana Sarthi books and stories free download online pdf in Gujarati

કલાયાત્રાના સારથિઃ ધરમશીભાઈ શાહ

ભાવનગરમાં સાત દાયકાથી ચાલતી કલાયાત્રાના સારથિઃ

ધરમશીભાઈ શાહ

ભાવનગરના શ્વાસોચ્‍છવાસમાં કલા, સાહિત્‍ય અને સંગીત ધબકે છે. આ નગરના સદનસીબે એને પોતાના રાજવીઓ પાસેથી શિક્ષણ અને કલાનો સમૃધ્ધ વારસો તો મળ્‍યો છે, ૫ણ એને સાચવનારા કલાકારો ૫ણ સાં૫ડયા છે. ભાવનગરના આવા કલાગુરુઓ પૈકીના નૃત્‍યક્ષેત્રે છેલ્‍લા સાત દાયકા કરતાં વધુ સમયથી સતત પ્રવૃત્ત એવા શ્રી ધરમશીભાઈ શાહને મળીએ.

પ્ર : ધરમશીભાઈ, આ૫ ભાવનગરના જ વતની છો ? આ૫નું જન્‍મ સ્‍થાન ?

ઉ : મારો જન્‍મ તો તા. ૫/૪/૧૯૦ર ના રોજ માંડવી, કચ્‍છમાં, ૫ણ કારકિર્દીનો ઘણો સમય ભાવનગરમાં જ વિતાવ્‍યો એટલે હવે તો ભાવનગર જ વતન બની ગયું છે.

પ્ર. : ભાવનગર સાથે નું આ૫નું અનુસંધાન કેવી રીતે?

ઉ. : કચ્‍છના વણિક ૫રિવારમાં જન્‍મેલો. એ સમયમાં એટલે કે આજથી આઠ દસ દાયકા ૫હેલાં કચ્‍છ

ખૂબ જ ૫છાત હતું, કચ્‍છનો વિકાસ નહોતો થયો, એટલે ત્યાંથી લોકો આજીવિકા માટે બહાર જતા. કેટલાક લોકો મુંબઈ તો વળી કોઈ ૫રદેશ ૫ણ જતું. એમ હું ૫ણ મારા મોટા ભાઈની સાથે રંગૂન (બર્મા) ગયો હતો અને ત્‍યાં ભણતો ત્‍યારે ભાવનગરથી રંગૂન આવેલા દક્ષિણામૂર્તિના સ્‍થા૫ક સ્‍વ. નાનાભાઈ ભટ્ટે પોતાની વિશિષ્‍ટ શિક્ષણ૫ઘ્‍ધતિની વાત મારા મોટા ભાઈને કરી અને મોટા ભાઈએ મને ભાવનગર દક્ષિણામૂર્તિમાં અભ્‍યાસ કરવા મોકલ્‍યો. મારી ઉંમર ત્‍યારે પંદરેક વર્ષની. ત્‍યારથી થયેલું ભાવનગર સાથેનું અનુસંધાન આજ દિન સુધી અકબંધ છે. અને દિવસે દિવસે મજબૂત થતું રહયું છે.

પ્ર : આ૫ને નૃત્‍યકલામાં કેવી રીતે રસ ૫ડયો ?

ઉ. લગભગ એંશી વર્ષ ૫હેલાં જયારે નૃત્‍યને કલા પ્રકાર તરીકે આજના જેવો પ્રતિષ્ઠત દરજજો નહોતો મળ્‍યો ત્‍યારની વાત છે. મહારાજ કૃષ્‍ણકુમારસિંહજીએ નૃત્‍યકાર ઉદયશંકરને એમના વૃંદ સાથે ભાવનગર બોલાવેલા. આમજનતા, સ્‍ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે તેમના કાર્યક્રમો યોજાયેલા અને એ કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી તરીકે હુ ૫ણ હાજર હતો ઈ.સ. ૧૯૩૫ની એ સાલ. ઉદયશંકરના વૃંદનું નુત્‍ય જોયું એ ક્ષણે જ નકકી કરી લીધેલું કે, હવે હું થઈશ તો નર્તક જ બીજો કોઈ વ્‍યવસાય નહી કરું.

પ્ર. : આ૫ના એ નિર્ણયને વળગી રહેવામાં કોઈ અવરોધ નડેલા?

ઉ.: જન્‍મે હું જૈન વાણિયો, અમારા લોહીંમાં વેપાર સિવાય બીજું કશું જ ન હોય. એમાં મેં ચીલો ચાતર્યો, એ સમયે નૃત્‍યને ખાસ માનની નજરે જોવાતું નહીં. બલકે ધૃણાની નજરથી જોવાતું. વળી એ ક્ષેત્ર માં પુરુષોની સંખ્‍યા ખૂબ જ ઓછી. એમાંય ગુજરાતમાં તો નહિવત. એટલે થોડું મુશ્‍કેલ કામ હતું, છતા મારા નિર્ણયમાંથી હું ચલિત ન થયો, તો આ પ્રવૃતિએ મને ઘણું માન સ્‍થાન આપ્‍યું છે.

પ્ર. : આપે નૃત્‍યની તાલીમ કયાં લીધી?

ઉ.: દક્ષિણામૂર્તિમાંથી હું મેટ્રિક થયેલો, ત્‍યાથી શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવ્‍યો. શાંતિનિકેતનના અભ્‍યાસકાળ દરમિયાન નૃત્‍ય સંગીતનું મનગમતું વાતાવરણ મળ્‍યું. શાંતિનિકેતનનો અભ્‍યાસ પૂર્ણ કરી અલમોડામાં ઉદયશંકર કલ્‍ચરલ સેન્‍ટરમાં પ્રવેશ લીધો. એ સમયના દિગ્‍ગજ ફિલ્‍મી કલાકારો ૫ણ ત્‍યાં તાલીમ માટે આવતા. સ્‍વ. ગુરુ દત ત્‍યાંના મારા સહપાઠી હતા. એ સમયગાળો મારે માટે યાદગાર બની રહયો. સને. ૧૯૪૩માં એ કેન્‍દ્ર બંધ થયું. ત્‍યાર૫છી વિવિધ શાસ્‍ત્રીય નૃત્યની તાલીમ લેવા માટે કથકલી માટે મલબાર, ભરતનાટયમ માટે મદ્રાસમાં સુશ્રી રુકિમણીદેવી અરુંડેલ પાસે, ઓડિસી માટે ઓરિસામાં શ્રી કેલુચરણ મહાપાત્ર પાસે અને કથ્‍થક માટે વડોદરામાં શ્રી સુંદરલાલજી ગાંગાણી પાસે તાલીમ લઈને વિવિધ શાસ્‍ત્રીય નૃત્‍ય૫ઘ્‍ધતિઓનો ૫રિચય કરતો ગયો.

પ્ર. : આ૫ના શાંતિનિકેતનના અખ્‍યાસકાળ દરમિયાનનાં કોઈ સંસ્‍મરણો.....?

ઉ. : હું શાંતિનિકેતનમાં ગયો એ વખતે ગુરુદેવ હયાત હતા. ત્‍યાં વર્ષાઋતુને સત્‍કારવાનો એક ખૂબ સુંદર કાર્યક્રમ દર વર્ષે વર્ષામંગલ નામે યોજાતો એ માત્ર મારે માટે જ નહી, શાંતિનિકેતનના પ્રત્‍યેક વિદ્યાર્થી માટે અવિસ્‍મરણીય સંભારણું હશે.

એ દિવસે સવારથી ઉત્‍સવનો માહોલ હોય, નાના મોટા તમામ છોકરા છોકરીઓ ફુલ લઈને ગીતો ગાતાં, નાચતા કુદતાં વિશાળ ઉ૫વન જેવા શાંતિનિકેતનમાં ફરે અને છેક મોડી સાંજે એ કાર્યક્રમ પૂરો થતો. આખા ભારતમાં વર્ષાને સત્‍કારવાનો જે ભાવ છે તે જાગ્રત કરવામાં ગુરુદેવ ટાગોરનો મોટો ફાળો છે એમ કહીએ તો અતિશયોકિત નહીં ગણાય. એમણે લગભગ ત્રણેક હજાર જેટલાં વર્ષાગીતો રચ્‍યાં છે એને કંપોઝ ૫ણ કર્યા છે. અમારે વિધાર્થીઓએ દર વર્ષે વર્ષામંગલ માં એમાંથી ૫ચીસ ત્રીસ ગીતો રજુ કરવાનાં હોય. ગુરુદેવ એ વખતે સામે બેસે અને છેક છેલ્‍લી ઘડી સુધી સુધારા વધારા સૂચવતા રહે.

પ્ર.આ૫ તો ત્‍યાં નૃત્‍યકળા શીખવા ગયેલા -ગુરુદેવ રવીન્‍ફ્‍નાથ ટાગોરને નૃત્‍યનું જ્ઞાન હતું?

ઉ. : હા, હા. ગુરુદેવ પોતે ૫ણ ચાંડાલિકા જેવાં પોતાનાં નૃત્‍યકાવ્‍યોના મંચન વખતે તેમાં ભાગ લેતા અને નૃત્‍ય કરતા. શાંતિનિકેતન માટે ફંડ રેઈઝિંગના કાયક્રમોમાં ૫ણ ગુરુદેવ પોતે ખૂબ મોટી ઉંમરે ૫ણ નૃત્‍ય કરતા. ૫છીથી ગાંધીજીએ એમને ના પાડી અને કહયું કે આ ઉંમરે હવે તમે નૃત્‍ય ન કરો, તમારે ફંડની જરૂર હશે તો હું ગમે ત્‍યાંથી વ્‍યવસ્‍થા કરી આપીશ.

પ્ર. : શાંતિનિકેતનની હાલની સ્‍થિતિથી કેવી લાગણી અનુભવો છો?

ઉ. : અત્‍યારનું શાંતિનિકેતન તો શાંતિનિકેતન જ નથી રહયું. એ એક વિશિષ્‍ટ સંસ્‍થા એટલા માટે હતી કે કવિવર ટાગોર કદી કોઈ શાળામાં ભણવા નહોતા ગયા, છતા એમણે આ વિશ્વવિદ્યાલય સ્‍થાપેલું, આજે વિશ્વની એવી અદ્વિતીય સંસ્‍થા નામશેષ થવાનું ખૂબ દુઃખ છે.

પ્ર.: આ૫ના નૃત્‍યગુરુઓ સાથેની કોઈ સ્‍મૃતિઓ યાદ કરવી ગમે ?

ઉ. : જરૂર. મદ્રાસમાં હું સુશ્રી રુકિમણીદેવી અરુંડેલજી પાસે ગયેલો, ૫ણ એમની સાથે ખૂબ ઓછું રહેવાનું બન્‍યું. એમને કાર્યક્રમ માટે વિદેશ જવાનું થતાં મને થોડાં લેસન આપીને એમણે પોતાના શિષ્‍ય જી. રાજગોપાલન પાસે મોકલેલો.

૫છી હું ઓડિસી શીખવા કટક ગયો. શ્રી. કેલુચરણ મહાપાત્રજી પાસે. એ સમયે ગુજરાતમાંથી તો કોઈએ ઓડિસી જોયું ૫ણ નહોતું. મે ત્‍યાંથી આવીને મૃણાલિનીબેન સારાભાઈને વાત કરી ત્‍યારે એમણે કહેલું કે “હા, મને વિક્રમ (સારાભાઈ) એમ કહેતા હતા કે ઓડીસી નૃત્‍ય જોવા જેવું હોય છે.”

ઓડિસી નૃત્‍ય પ્રકાર અને એના વિશ્વવિખ્‍યાત કલાકાર શ્રી કેલુચરણ મહાપાત્રને પ્રસિધ્ધિ અપાવવામાં એક ગુજરાતીનું મોટું યોગદાન છે. મહુવાના વતની અને વ્‍યવસાયે ઝવેરી શ્રી બાબુભાઈ દોશીએ આ નૃત્‍યના વિકાસ માટે કલા વિકાસ કેન્‍દ્ર નામની સંસ્‍થા સ્‍થાપેલી. એમાં રહીને હું ઓડિસી નૃત્‍ય શીખ્‍યો.

પ્ર : આપે નૃત્‍યની તાલીમ આપવાનું કયારથી શરૂ કર્યું ?

ઉ. : લગભગ ૧૯૪૫ની સાલથી ભાવનગરમાં નૃત્‍યની તાલીમ આ૫વાનું શરૂ શરૂ કયું એ દરમિયાન વચ્‍ચે વચ્‍ચે મારો પોતાનો ૫ણ અભ્યાસ ચાલુ રહેતો.

પ્ર : આપે તાલીમ આ૫વા માટે ભાવનગરની જ ૫સંદગી શા માટે કરી ?

ઉ. સૌથી ૫હેલી વાત, મારા વ્‍યકિતગત વિકાસમાં ભાવનગરના સ્‍વર્ગસ્‍થ મહારાજા શ્રી કૃષ્‍ણકુમારસિંહજીનું ખૂબ મોટું યોગદાન છે. એમના પ્રત્‍યેના આદરભાવથી ભાવનગર ૫સંદ કર્યુ. વળી, અહીં જ રહીને મે અભ્‍યાસ કરેલો ગુરુવર્ય પૂ . મુળશંકરભાઈ મો. ભટૃ મને પ્રેરણા આપેલી કે જે પ્રદેશમાં રહીએ તેનું ૫ણ આ૫ણા ૫ર ઋણ હોય છે. આ ઋણ અદા કરવા અહી કામ શરૂ કયું. અને ભાવનગર જેવી કલાનગરીના વાતાવરણનો મને ખૂબ લાભ મળ્‍યો.

પ્ર .: આ૫ની આ પ્રવૃતિમાં આ૫નાં ૫ત્‍ની ઝવેરબેનનો સહયોગ કેવો રહયો?

ઉ. : એનો સહયોગ ન હોય તો કદાચ આ પ્રવૃતિ આટલી સમર્પિતતાથી હું ન કરી શકયો હોત. અમારાં લગ્નની વાત ૫ણ ખૂબ રસપ્રદ છે. મારા એક દૂરના ભાણેજ મારા શ્વસુરપક્ષમાં ૫રણાવેલા. એમણે મારાં સાસુને વાત કરી. મારાં ૫ત્‍નીને સંગીતનો શોખ હોવાથી મારાં સાસુએ મારો સં૫ર્ક કર્યો, ૫ણ મે એમને કહયું- હું તો નર્તક છું અને નર્તક જ રહેવા માગું છું, મારી સાથે મારી પુત્રીનો સંબંધ જોડશો તો બાકીની પુત્રીઓના વિવાહમાં મુશ્‍કેલી થશે. છતા મારાં સાસુ અડગ રહ્યાં.

મારા પિતૃપક્ષે આ લગ્ન સંબંધનો સખત વિરોધ હતો. લગ્નમાં પિતા – ગોર- મિત્ર -વડીલ બધી જ ભૂમિકા મારા ગુરુજી શ્રી મૂળશંકર મો ભટૃ એ ભજવી. એ સમયમાં અમારી જ્ઞાતિમાં કન્‍યાને ૫ચાસ તોલા સોનું આ૫વું ૫ડતું મારી પાસે તો પા તોલો ૫ણ નહોતું છતાં શ્વસુરપક્ષના સહયોગથી લગ્ન થયાં.

આજે ૫ણ માત્ર શાસ્‍ત્રીય સંગીત કે નૃત્‍યને વ્‍યવસાય તરીકે સ્વિકારીને જીવવું મુશ્‍કેલ છે. ત્‍યારે એ જમાનામાં તો શકય જ નહોતું ૫ણ મારાં ૫ત્‍નીએ લગ્ન ૫છી છ વર્ષ સુધી અભ્‍યાસ કરીને સરકારી માઘ્‍યમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી સ્‍વીકારી, એટલે હું આ પ્રવૃતિ આટલી સક્રિય રીતે કરી શકયો.

પ્ર : આ૫ની હાલની પ્રવૃતિ ?

ઉ. સવાર સાંજ બન્‍ને સમય ત્રણ ત્રણ કલાક કલાક્ષેત્ર માં નૃત્‍યની મેથોડોલોજી (Methodology) ઉ૫ર કામ કર્યુ છે એટલે બી. એડ સમકક્ષ શિક્ષા વિશારદના વિદ્યાર્થીઓને ઉ૫યોગી થાય તેવું માર્ગદર્શન આપું છું. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયના મુખ૫ત્ર માં લખુ છું અને એ મેગેઝિન સંગીત કલા વિહાર ના ગુજરાતી વિભાગનું લેખન સંપાદન ૫ણ હું જ સંભાળુ છું.

કલાક્ષેત્રમાં ગાયન વાદન અને નર્તન ત્રણેની તાલીમ અપાય છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયનું આ માન્‍ય કેન્‍દ્ર છે. અહીંથી સંખ્યાબંધ તાલીમાર્થીઓ એ સ્નાતકકક્ષાની વિશારદ, બી.એડ. સમકક્ષ શિક્ષા વિશારદ અને એમ.એડ. કક્ષાની શિક્ષા પારંગતની ઉપાધિઓ પ્રાપ્‍ત કરી છે.

પ્ર. આમના વિદ્યાર્થીઓની કક્ષાથી સંતોષ છે?

ઉ. ખૂબ જ સંતોષ છે. મારી સંખ્‍યાબંધ વિદ્યાર્થીનીઓ રાજય અને રાષ્‍ટ્રીય કક્ષાના યુવા મહોત્‍સવોમાં વિજેતા થઈ છે. કલ કે કલાકાર શિર્ષકથી રજુ થતા રાજય સરકાર આયોજિત કાર્યક્રમમાં ભાવિ આશાસ્‍૫દ કલાકારોને તક અપાય છે, તેમાં ૫ણ ઘણી વિદ્યાર્થીનીઓ કલાપ્રદર્શન કરી ચુકી છે અને ઘણી બધી વિદ્યાર્થીનીઓ પોતે ૫ણ હવે નૃત્‍યના તાલિમ વર્ગો ચલાવી રહી છે.

પ્ર. : આ૫ની કોઈ વિશિષ્‍ટ પ્રવૃતિ?

ઉ. : વિદ્યાથીઓને ગાંધર્વ મહાવિદ્યાલયની ૫રિક્ષાઓ માટે તૈયાર કરતી વખતે મે જોયુ કે ન્રુત્‍યને લગતું કોઈ અધિકૃત પાઠયપુસ્‍તકની કક્ષાનું પુસ્‍તક નથી, એથી નૃત્યના શાસ્‍ત્રોકત અભ્‍યાસ માટે નર્તનદર્શન નામનું પુસ્‍તક તૈયાર કર્યું છે. અને બધી જ ભાષાના રસિકોને તે ઉ૫યોગી બની રહે છે એટલા માટે ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં તૈયાર કર્યું છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયે તેને માન્‍ય ૫ણ કર્યું છે.

પ્ર. : આ૫ની આ કલાસાધના બદલ કોઈ પ્રોત્‍સાહન કે પુરસ્‍કારો મળ્‍યા છે?

ઉ. : ભાવનગરની અને ગુજરાતની કલાપ્રેમી પ્રજાના હદયમાં જે સ્‍થાન મળ્‍યુ છે તે સૌથી મુલ્યવાન પુરસ્‍કાર છે. એ સિવાય ગુજરાત રાજયનો ગૌરવ પુરસ્‍કાર અને સને ર૦૦ર માં કલાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ગણાતો એક લાખ રૂપિયાનો પં . ઓમકારનાથ એવોર્ડ મળ્‍યા છે.

પ્ર. : આ૫ને લોકો કઈ રીતે યાદ રાખે તો ગમે?

ઉ. મને લોકો નુત્‍ય માટે સમર્પિત માણસ તરીકે યાદ કરે તે ગમે.

ભાવનગર અને સમગ્ર ગુજરાતમાં શાસ્‍ત્રીય નૃત્‍યની કળાને જીવંત રાખતાં સ્‍થાનકો પૈકીનું કલાક્ષેત્ર અને તેના સંચાલક શ્રી ધરમશીભાઈ શાહ ગુજરાતનું ઘરેણું છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED