પ્રેમની પરિભાષા
વિનય પટેલ 'સહજ'
યાદ તમારી આપે છે
આ ભમરાનું ગુંજન, આ કોયલનો ટહુકો
મને યાદ તમારી આપે છે, મને યાદ તમારી આપે છે
વર્ષો વહી ગયા છતાં
એ કિસ્સા મને હજુ યાદ છે
તમારી મારી ફરજ કઈ નહોતી
તોયે યાદોના સ્મારક રચાઈ ગયા
આ ઝરણાનું વહેતું પાણી
મને યાદ તમારી આપે છે, મને યાદ તમારી આપે છે
દદૅની મહેફિલોમા જીવું છું સદા
ક્યાંક ખોવાયેલો રહું છું સદા
તમે મળ્યા નહીં એનો અફસોસ નથી
મારું કિસ્મત મને રડાવી ગયું
મારી પંક્તિઓના શબ્દો
મને યાદ તમારી આપે છે, મને યાદ તમારી આપે છે.
જોઈને તમોને
પથ્થર બન્યો હું એમ જ
બસ જોઈને તમોને
પીગળી ગયો હું એમ જ
બસ જોઈને તમોને
પીતો રહ્યો હું એમ જ
જાણે મધનો મધુર રસ
સુધરી ગયો હું એમ જ
બસ જોઈને તમોને
વિરહની વેદના
ક્યાં હવે રહેવાય છે
ક્યાં હવે સહેવાય છે,
વિરહ કેરી વેદના
ક્યાં હવે જિરવાય છે?
તડપું છું હર ક્ષણ
જોવા માટે એમને,
હૈયાની તડપ
એમને ક્યાં સમજાય છે ?
સાવ સસ્તો સમજ્યા
પ્રેમને એ,
સાચા પ્રેમની કિંમત
ક્યાં હવે પરખાય છે ?
યાદોના સહારે જીવતા
શીખી લીધું છે હવે,
નસીબની જોડીઓ
ક્યાં હવે બદલાય છે?
ચાહત
આંખો મળતા જ કોઈ ગમી જાય
એ ચાહત છે,
ઇશારાથી દિલ સરી જાય
એ ચાહત છે.
દિવસના ઉજાગરા થવા લાગે
રાતોના સપનાઓ જોવા લાગે
એ ચાહત છે.
વાતોમાં વ્હાલ ઉભરાઈ જાય
કારણ વગર નામ બોલાઈ જાય
એ ચાહત છે.
સાવ સૂનું જગ લાગે એમના વગર
એમના હોવાથી સ્વર્ગ લાગે
એ ચાહત છે.
રહેશે સદાય દિલમાં ચાહત એમની
શ્વાસ અટક્યા પછી હૈયું બોલી જાય
એ ચાહત છે.
હું નથી
પ્યાસ છે પણ પાણી નથી
આગ છે પણ જ્વાલા નથી
દિલ છે પણ પ્રેમ નથી
માણસ છે પણ ભાવ નથી
ભગવાન છે પણ ભક્તિ નથી
મન છે પણ વિચાર નથી
રાગ છે પણ લય નથી
તું છે પણ હું નથી
ક્યાંક હશો
મારી યાદોના અંતરપટ પર વિચરનારા
તમે ક્યાંક હશો,
હ્રદયના હર એક સ્પંદને ધબકનારા
તમે ક્યાંક હશો
સવાલો છે ઘણાયે જિંદગીમાં
એ બધાના જવાબ એવા,
તમે ક્યાંક હશો
ક્યારેક તો મળશો આ જીવનમાં
એવી આશા અપાવનારા,
તમે ક્યાંક હશો
સંગાથ કયા જનમમા હશે ઈશ્વરને ખબર
એવા સપનાને હકીકત કરનારા,
તમે ક્યાંક હશો
એમના વગર
ઉપવન જાણે વેરણ લાગે
એમના વગર
જીવન જીવવું નિરસ લાગે
એમના વગર
મારા સપનાઓમાં આવતા
રહે છે એ કાયમ
ભરપૂર વરસાદે કોરું લાગે
એમના વગર
મીટ માંડી રહી છે આંખડી
એમના આગમનની
મિષ્ટાનો પણ બેસ્વાદ લાગે
એમના વગર
યાદોમાં મારી તડપો છો કે
નહીં ખબર નથી
પણ હું તડપતો રહીશ
એમના વગર
સંગાથ
ના કેવળ આજનો હું તો જન્મોજન્મનો
સંગાથ ચાહું છું
વાતો વગર વ્હાલ ઉભરાય
એવો હું પ્રેમ ચાહું છું
છું સાવ અધૂરો આપના વગર
મન મળતા જ તૃપ્ત થઈ જાય
એવો હું અહેસાસ ચાહું છું
મિલન આપણું કેટલું અદ્ભુત હશે
એટલે જ પૂનમની ચાંદની રાતમાં
મિલનની પળો ચાહું છું
સસ્તી નથી પ્રેમની આ દુનિયા
જો તમે રાધા થાઓ તો
હું શ્યામ થવા ચાહું છું
પહેલી નજરે
પહેલી નજરે જ એ અમને ગમી ગયા
દિલના હર ખૂણે ખૂણે એ વસી ગયા
આછું મલકાતું સ્મિત ઘાયલ અમને કરી ગયું
પ્રેમ તણા બીજ હૈયામાં એ રોપી ગયા
તમારા રૂપથી એટલા અમે અંજાઈ ગયા કે
દરિયામાં તરનારા આંખોમાં તમારી ડૂબી ગયા
યૌવન તણા ઉંબરે થનગનાટ તમે ભરી દીધો
શ્વાસે શ્વાસે તમારું નામ લેતા થઈ ગયા
ભીની ભીની લાગણીઓમાં તમે યાદ આવો છો
પોતાનું હતું જે દિલ એને પારકુ તમે કર ગયા
પ્રેમની પાનખર
પ્રેમ કર્યો એમણે ને તડપી રહ્યા અમે
શ્વાસ લીધો એમણે ને હાંફી રહ્યા અમે
અંધારી રાતમાં અજવાળું મંજૂર નહોતું એમને
દીવો પ્રગટાવી દિલમાં જાગી રહ્યા અમે
આશ અમને હતી વસંતના વૈભવની
ને તેઓ પાનખર તણો વિનાશ વેરી ગયા
સુખ રુપી જીવનની કલ્પના કેવળ સપનામાં રહી ગઈ
દુઃખો રુપી જીવનની ભેટ તેઓ ધરી ગયા
તું આવે !
સૂઈ હું જાવું ને
સ્વપ્નમાં તું આવે
જોઇને તમોને
ગઝલ મને યાદ આવે !
છો તમે મારા મનનાં માણિગર
શ્વાસે શ્વાસમાં સદા નામ તમારું આવે !
મળશો તમે તો છે ઉજળી દુનિયા
બાકી હૈયામાં તમારા સિવાય ક્યાં કોઈ નામ આવે !
તમારી હયાતી જ જીવાડે છે મને
કોઈ દવા ક્યાં હવે કામ આવે !
નિઃસ્વાર્થ પ્રેમનું કંઇક મૂલ્ય જરુર હશે
એમ જ ઈશ્વર થોડો ધરતી પર આવે !
ચાલ્યા ક્યાં તમે?
મારા દિલમાં,
લાગણીઓનો વરસાદ કરીને
ચાલ્યા ક્યાં તમે?
મારા અંતરમાં,
ઝંકાર તણો રણકાર કરીને
ચાલ્યા ક્યાં તમે?
રુપ બન્યું છે કાતિલ
મધહોશ બનાવે મુજને,
યૌવન અર્પી દીધું
સઘળું ખુદાએ તુજને
મારી આંખોમાં,
ચહેરો તમારો મઢાવી
ચાલ્યા ક્યાં તમે?
અરમાનો મુજ જીવનના
તમે જગાવી દીધા,
દિલના અંધારામાં
દીવા તમે કીધા
મારા સૂતેલા સપનાઓને,
સાકાર કરીને
ચાલ્યા ક્યાં તમે?
દિલની વાત
દિલમાં હતી જે વાતો અમે કહી ના શક્યા,
તમારા વિરહની વેદના અમે સહી ના શક્યા
મારા રણની વિરાનીઓમાં
તમે વૃક્ષ બન્યા ' તા,
દુષ્કાળ સમા ચોમાસામાં
તમે વરસાદ બન્યા' તા
પ્રેમ જીવનની વાતો તમે સમજી ના શક્યા
હૃદય ઝરુખે યાદો તમારી
કાયમ રહેશે,
તમને નહીં પામી શકવાનો
અફસોસ સદા રહેશે
મારા શ્વાસોમાં નામ તમારું તમે સાંભળી ના શક્યા
***