Madadno anand books and stories free download online pdf in Gujarati

મદદનો આનંદ

   " એ લપેટ.. એ કાપ્યો છે.." જેવી બૂમો સંભળાઈ રહી હતી. ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી હતા. બજારો રંગબેરંગી પતંગો અને દોરીથી છલકાતા હતા અને ખરીદીને લઇને બજારોમાં ખૂબ ભીડ જોવા મળતી. આવનાર તહેવારને લઈને બાળકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળતો હતો પણ આ બાજું શાળાના છેલ્લા પિરિયડમા ભણી રહેલ શંભું થોડો ઉદાસ જણાઈ રહ્યો હતો. પોતાના બધા જ મિત્રો ઉત્તરાયણના પર્વની ખરીદીની વાતો કરતા પણ શંભુંએ તો કંઇ ખરીદી કરી જ નહોતી આ વાતને લઇને તેના મનમાં ગમગીની છવાઇ ગઇ હતી.
                 આઠમાં ધોરણમાં ભણતો શંભું શહેરની નજીકની ચાલીમાં પોતાની મા સાથે રહેતો હતો. તે જ્યારે પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે શહેરની મિલમાં કામ કરતા તેના પિતાનું અગમ્ય કારણોસર મૌત થયુ. શંભુંના કુટુંબ પર જાણે મુસીબતોનો પહાડ તુટી પડ્યો. શંભુની મા જીવીબેન શહેરના ઘરોમાં ઘરકામ કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરવાનું શરૂ કરી દીધું અને શંભુને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી. આમ ને આમ શંભુંના પિતાને મરણ પામ્યાના ત્રણ વરસ વીતી ગયા. એક દિવસ શાળાથી ઘેર આવેલ શંભુંએ જોયું કે તેની મા બીમાર હોય તેવું જણાયું. તરત જ શંભુંએ તેની માને પૂછ્યું, " કેમ, શું થયું મા? તબીયત તો ઠીક છે ને?" જીવીબેન કહ્યું, "બેટા..!" એટલું બોલતા જ એમને ઉધરસ ચડી અને કફ સાથે ગળફુ બહાર આવી ગયું. શંભુંએ તરત જ મા ને પાણી આપ્યું ત્યાં જીવીબેનની ઉધરસ થોડી ઓછી થઈ. એમણે કહ્યું, " આજે સવારથી ઉધરસ આવે છે અને કફ બહાર નીકળે છે. આજે ઘરકામ કરવા માટે પણ નથી ગઈ. "આઠમા ધોરણમાં ભણતો શંભું હવે સમજણો થઇ ગયો હતો તેને પોતાની મા ના બીમારીના લક્ષણો જાણ મનમાં શંકાના વાદળો ઘેરાવા લાગ્યા. શાળામાં વિજ્ઞાનનો વિષય ભણતો શંભું મા ને ટી.બી. તો નહીં હોય ને તેવો ધ્રાસકો પડ્યો. શંભું વિચારી રહ્યો હતો ત્યાં જ મા એ કહ્યું," કેમ, બેટા શું વિચારે છે? હું સવાર સુધી ઠીક થઈ જઈશ. તું ચિંતા ન કર. તું એક કામ કર. તું ભૂખ્યો થયો હોઈશ તો બહારથી તારે માટે જમવાનું લેતા આવ ને મારે માટે મેડિકલમાથી ઉધરસની દવા પણ લેતો આવજે. પૈસા મારા પાકીટમાથી લઈ જા". મા ના બચાવેલા પૈસા કેટલા દિવસ ચાલશે તે વિચારતો શંભું ઘરની બહાર નીકળ્યો.શંભું બજારથી પોતાના માટે જમવાનું અને મા ની દવા લઈ પાછો આવ્યો. તેણે મા ને દવા પીવડાવી અને પોતે જમ્યો. પણ શંભુંના મનમાં ટી.બી. નામનો રોગ જાણે જમાવટ કરી રહ્યો હોય એમ લાગતું હતું. વારંવાર તેને મા ની ઉધરસ અને ગળફાનો વિચાર આવી રહ્યો હતો. પોતાના શાળાના ગૃહકાર્યમાં પણ જીવ ચોંટતો નહોતો. પછી શંભું સૂવા માટે આડો પડ્યો પણ તેને ઊંઘ આવતી નહોતી અને આવી રીતે અચંબામાં શંભુંએ રાત પસાર કરી. સવારે ઊઠી શંભુંએ નાનું - મોટું ઘરકામ પતાવી, મા ને નજીકના સરકારી દવાખાનામાં લઈ જવાનું નક્કી કર્યું. પોતાની બાજુમાં રહેતા અહમદભાઈ રીક્ષા ચલાવતા. તેમની મદદ લઈ શંભું મા ને નજીકના સરકારી દવાખાનામાં લઈ ગયો. ત્યાં પહોંચી કેસ કઢાવી, મા નું ચેકઅપ કરાવી અલગ અલગ રિપોર્ટ કરાવ્યા. જેવા રિપોર્ટ આવ્યા, શંભું ડોક્ટરને બતાવા ગયો. સ્વભાવે સરળને પ્રામાણિક એવા ડો. રાહુલે રિપોર્ટ જોતાં શંભુંના મા ને ટી.બી. થયો છે એવું જાણ્યું. તેમણે શંભુંને પ્રેમથી તેનું નામ, અભ્યાસ અને કુટુંબ વિશે પૂછ્યું. શંભુંએ ઉત્સાહથી તેના જવાબો આપ્યા. પછી ડો. રાહુલે કહ્યું, " જો, શંભું જીવીબેનને ટી.બી.ની બીમારી થઈ છે." આટલું સાંભળતા જ શંભુંને પોતાની શંકા સાચી પડવાનું સમજાયું. શંભું વિચારી રહ્યો હતો ત્યાં તો ડો. રાહુલે કહ્યું, "બેટા, ચિંતા કરવાની જરૂર નથી. તારી મા ને ટી.બી. પ્રથમ સ્ટેજમાં છે. જે નિયમિત દવા લેવાથી મટી શકે છે પણ તારે તેના માટે મા ને લઈ નિયમિત ચેકઅપ અને દવા સમયસર આપવી પડશે." શંભુંએ કહ્યું, "હા, હું નિયમિત દવા આપીશ અને ચેકઅપ માટે પણ લઈ આવીશ." પછી દવાખાનાથી નીકળી શંભું મા ને લઈ ઘેર આવવા માટે નીકળ્યો. 
                       શંભું પર હવે ભણવાની સાથે- સાથે મા ની બીમારી દૂર કરવાની જવાબદારી આવી પડી. બીજી બાજુ જીવીબેન પણ બીમારીને લીધે ઘરકામ કરવા માટે જઈ શકતા નહોતા અને ડોકટરે પણ આરામ કરવા માટે કહેલું. જેથી ઘરની આજીવિકા માટે શું કરવું તેનો પ્રશ્ન પણ શંભુને સતાવી રહ્યો હતો તેમ છતાં શંભું હિંમતવાન હતો. તેણે ભણવાની સાથે સાથે કંઈક કામ કરવા માટે વિચાયુૅ. ત્યાં જ તેને પોતાની ચાલીની નજીક આવેલા ઢાબાનો વિચાર આવ્યો. તરત જ શંભું મા ને દવા આપી, સુવાડી કામની તલાશમાં ઢાબા પર પહોંચ્યો. ત્યાં જઈ તેણે કામ માટે વાત કરી પણ ઢાબાના માલિક ભૂપતભાઈએ કામ માટે આખા દિવસની વાત કરી જે શંભુંના અભ્યાસને કારણે શક્ય નહોતું. શંભું પોતે અભ્યાસ શરૂ રાખી કામ કરવા માગતો હતો. આથી ઉદાસ થઈ શંભું પાછો ફરતો હતો ત્યાં જ ભૂપતભાઈએ શંભુંની ઉદાસી પારખી લીધી અને તેમણે શંભુંના મનની વાત જાણવા તેની જોડે માંડીને વાત કરી ત્યારે ભૂપતભાઈએ પણ એક બાળકની મા પ્રત્યેની લાગણીઓને સમજી શંભુંને ક્હ્યું, "બેટા, કાલે શાળાથી છુટી તું ચાર કલાક માટે નોકરી આવી જજે." બીજા દિવસે શાળાથી છુટી શંભું ઘેર આવીને મા ને પોતાના કામ પર જવાની વાત કરી ત્યારે જીવીબેનની આંખમાંથી આંસુ છલકાઈ ગયા. શંભું ઢાબા પર ખૂબ જ ઈમાનદારી અને હોંશથી કામ કરવા લાગ્યો. ઢાબાના માલિક ભૂપતભાઈ પણ શંભુંના કામથી ખુશ થયા. શંભું ચાર કલાક કામ કરી ત્યાં જ જમી લેતો અને મા માટે પણ લઈ જતો. 
                      ઉત્તરાયણના આડે હવે બે જ દિવસ બાકી હતા ત્યાં શભુંની મા ને ચેકઅપ માટે લઇ જવાનું થયું. શંભું મા ને લઈ સરકારી દવાખાને ગયો. ત્યાં શભુંની મા ને ચેકઅપ કરતાં કહ્યું, "શંભું મા ની તબિયત સુધારા પર છે. આવી જ રીતે નિયમિત ચેકઅપ અને દવા મા ને આપતો રહીશ તો એક દિવસ તારી મા ની બીમારી ઠીક થઈ જશે." આ સાંભળતાં જ શંભુંના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. જીવીબેનના ઘરકામ કરી બચાવેલા પૈસા હવે પૂરા થઈ ગયા હતા અને શંભુંને કામ પર પણ મહિનો થયો નહોતો તો ઉત્તરાયણના માટે દોરી પતંગ કેવી રીતે લાવશે તે વિશે વિચારી રહ્યો હતો. 
                        ઉત્તરાયણના આગલા દિવસે શંભું ઢાબા પર થોડો ઉદાસ જણાતો હતો. ભૂપતભાઈ શંભુંની ઉદાસી પારખી ગયા તેને બોલાવી કહ્યું, "બેટા, કેમ ઉદાસ છે?" શંભું કંઈ બોલ્યો નહીં, પણ ભૂપતભાઈએ પ્રેમથી પૂછપરછ કરતાં શંભુંએ ઉત્તરાયણ માટે દોરી પતંગની વાત કરી. ભૂપતભાઈએ કહ્યું, "અરે! આટલી જ વાત, તું કામ કર અને ઘેર જતી વખતે દોરી પતંગ લેતો જજે." ભૂપતભાઈએ શંભું માટે દોરી પતંગ મંગાવી તેને ઘેર જતાં આપ્યા અને કહ્યું," બેટા, ખૂબ જ ઉમંગથી ઉત્તરાયણ કરજે." શંભું ઘેર જવા નીકળ્યો અને રસ્તામાં જતા એક ઝૂંપડામાં બાળકના રડવાનો અવાજ સાંભળતા તે અટકી પડ્યો. કોઈ મા પોતાના બાળકને મારતી હોય તેવું દૃશ્ય તેના માનસપટ પર ઊભું થયું. બાળક રડતો હતો ને બોલી રહ્યો હતો. "મા, મારે ઉત્તરાયણ માટે પતંગ જોઈએ છે. "આટલું સાંભળતા જ શંભું બાળકની વ્યથા સમજી ગયો. પોતાની કારમી ગરીબીને લીધે બાળકની મા તેને પતંગ લાવી શકવા માટે સમથૅ નહોતી. તેનો અંદાજ શંભુંને આવી ગયો અને શંભુંને સ્કૂલમાં શિક્ષકે ભણાવેલા મદદનો ભાવ યાદ આવ્યો. તરત જ શંભુંએ ત્યાં જઈને પોતાનામાથી થોડા પતંગ પેલા બાળકને બોલાવી આપ્યાં. ત્યાં તો બાળક રાજી-રાજી થઈ ગયો. શંભુંના મનમાં પણ કોઈકને મદદ કયૉનો અલગ આનંદ છવાઈ ગયો. ઘેર પહોંચી મા ને ખવડાવી, દવા આપી શંભું પથારીમાં ઊંઘવા માટે ગયો. આજે તેના ચહેરા પર ખૂબ જ શાંતિ જણાતી હતી. મા નો રિપોર્ટ સારો આવ્યો, ઉત્તરાયણ માટે દોરી-પતંગની વ્યવસ્થા અને એથી પણ વિશેષ આનંદ કોઈને મદદ કયૉનો આનંદ આટલું વિચારી બીજા દિવસની ઉત્તરાયણનો વિચાર કરતો શંભું ઘસઘસાટ ઊંઘી ગયો. 


        

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED