‘તારે ઘરે જવું જોઈએ હવે...’ ઘડિયાળમાં અગિયાર પરથી સરકીને મોટો કાંટો છેક નવ પાસે આવી ચુક્યો ત્યારે મેં કહ્યું. સ્વરા વિષે લગભગ બધું જ કહ્યા પછી હજી સુધી, હું એના વિચારોમાં જ ખોવાયેલો હતો. પણ લગભગ પંદરેક મિનીટ વીતી ત્યાં સુધી પણ જીનલ મારી લગોલગ બેડમાં સુઈ રહી હતી.
‘આપણે કઈક તો કરવું જ જોઈએ. એવું નથી લાગતું તને?’
‘પણ, કઈક શું?’
‘તને નથી ખબર?’ એની આંખોમાં અજાણ્યું તોફાન દેખાતું હતું. એના ચહેરા પરના ભાવ સમજવા મુશ્કેલ હતા.
‘સ્વરા વિષે હવે તો બધું જાણે છે ને તું...?’ મેં બેફીકરાઇ પૂર્વક મારી વાત દોહરાવી.
‘મને કોઈ અન્ય વિષે જાણવા કરતા, માત્ર તારા વિષે જાણવું વધુ ગમશે.’ પગની પાની પર ઢીંચણભેર ઉભા થઇને એણે મારા પર જંગલી સીહણના જેમ છલાંગ લગાવી દીધી.
‘આ શું કરે છે?’ હું ત્યારે ઓચિંતા ત્રાટકેલા સિહને જોઇને હરણ ફરફડી ઉઠે એમ વિચાર શૂન્ય બનીને ઉભો રહી ગયો હતો. એની આ હરકતથી હું સંપૂર્ણ થોથવાઈ ગયો હતો.
‘જે બધું તું મારા વિષે વિચારતો હોવા છતાંય નથી કરી શકતો, એ જ.’
‘એટલે...?’
‘શરૂઆત... લેટ્સ ગોન બી વાઈલ્ડ વિમલ.’
‘તું અંગ્રેજીમાં...!!!’
‘ક્યાંક સાંભળેલું છે. હીરો હિરોઈન પલંગમાં પડતી વખતે, કઈક એવું જ સંબોધન કરે છે ને...’
‘હા કદાચ, પણ આ કોઈ મુવી નથી. હું ઘરમાં એકલો છું અને જરા ઘડિયાળમાં પણ જો રાતના બાર વાગવા આવ્યા છે. છતાં તું હજુ સુધી મારા ઘરમાં છે.’
‘તું એકલો છે અને રાતના બાર વાગ્યા છે, એટલે જ તો હું અહી છું.’
‘પણ તારે અત્યારે, અહી ન હોવું જોઈએ.’
‘તો તારા મતે ક્યાં હોવું જોઈએ મારે...?
‘તારા ઘરે..’
‘એમ...?’
‘હા હવે જા જલ્દી, તારા ઘરેથી કોઈ બોલવા આવી જશે તો સારું ન લાગે.’ હું એને સમજાવવામાં ધ્યાન આપતો હતો અને એ કોઈ ફિલ્મી રોમેન્ટિક સીનની જેમ હળવા ચુંબનો વરસાવવામાં જાણે ધ્યાનસ્થ હતી. એવો કયો પુરુષ જીવ હોય જેને આ બધું ન ગમે, એ જેટલી નટખટ હતી એટલી જ આકર્ષક પણ હતી. મને એની સાથે હોવાનો અહેસાસ પણ ત્યારે આનંદ આપતો હતો, તો પછી આ સ્થતિ મને શા માટે ન ગમે? પણ કદાચ ત્યારે આમ ઓચિંતા...!! આઈ મીન હું એ સમયે તૈયાર જ ન હતો, આ પરિસ્થિતિ માટે. અને બીજી તરફ એના ઘરેથી કોઈ આવી જાય તો શા હાલ થાય આ બધું મનોમન વિચારીને જ મારું મન તો થરથરી રહ્યું હતું.
‘કેટલો અનરોમેન્ટિક અને સોળમી સદીનો માણસ છે તું યાર, કોઈ છોકરી મારા જેવી મુર્ખ જ હોય જે સામેથી શરૂઆત કરે છે. અને છતાય એને પણ તું...’ એણે મોઢું મચકોડ્યું અને સીડીઓ તરફ ચાલવાનું શરુ કર્યું.
‘તું અહીંથી જઈશ...?’ આટલું કહેતા કહેતા મારું મો ખુલ્લુજ રહી ગયું.
‘હાસ્તો, દરવાજાથી ફરીને જઈશ તો આખા મહોલ્લાને ખબર પડી જશે કે હું આ સમયે તારા ઘરેથી, અને પાછું મારું ઘર અંદરથી લોક છે.’
‘પણ તારા ઘરે અહીંથી, આ સમયે...’ હું એને મારા ઘરની સીડીઓ તરફ આગળ વધતા રોકવા ઈચ્છતો હતો, એને કહેવું જોઈતું હતું મારે, એમ કરને જીનલ આજે શક્ય હોય તો અહી જ રોકાઈ જા, મારી પાસે, મારી નજીક, મારા બહુપાસમાં, મારા ઘરેજ, પણ મારું મન એને અહી રહી જવા કહી શકતું ન હતું. છેવટે મજબુરીવશ હું બસ ત્યારે મારાથી દુર જતી જીનલને જ જોઈ રહ્યો હતો.
‘તારી વાતનો અર્થ હું સમજી.’ એણે પાછા ફરીને મારી સાવ નજીક આવીને કહ્યું. ‘શાંતિ રાખને બાપા, મારા ઘરે આજે મારા ભાઈ સિવાય કોઈ જ નથી. એ પણ આખા દિવસભરની નોકરીથી કંટાળીને આવ્યો છે, એટલે સુઈ ગયો છે. તું માને તો આજે મોડા સુધી અહી જ રહી જવું હતું, અને એટલે જ તો હું તારી પાસે ઉપરની સીડીઓથી આવી હતી. પણ તું તો એકાંતના મામલે એનોય ભાઈ નીકળ્યો.’ એણે કડવું કારેલું કાચું જ ખાઈ લીધું હોય એમ મોઢું બગાડીને કહ્યું. અને પછી વેધક નજરે મારી સામે જોયું, એની એ નજર મારા આંખોથી પછડાઈને દિલના આરપાર ઉતરી ગઈ. પળવાર તો મેં એને રોકી લેવાનો નિશ્ચય કરી લીધો, પણ પછી ફરી મારા વિચારો એના વિરોધે ચડ્યા અને એણે પાછળ જોયા વગર જ ચાલતી પકડી.
***
‘મારે નીકળવું પડશે?’ મેં સહેજ અસ્વસ્થતા પૂર્વક એ દિવસે કહ્યું હતું ત્યારે વિમલ મારી સામે સહેજ વખત જોઈ રહ્યો હતો. કદાચ મારા મોબાઈલ ફોન પર થયેલી વાતચીત એને ભેદી લાગી હતી. આવતાની સથે જ વાત કર્યા વગર હું નીકળી જાઉં એવું આ પ્રથમ વખતે જ બની રહ્યૂ હતું. પણ વિમલે મને આપેલી ડાયરીમાંથી રાત્રી દરમિયાન વાંચેલા પ્રસંગો મારા મનમાં ઘુમરાઈ રહ્યા હતા.
‘પણ અચાનક...’ વિમલ વધુ ન બોલ્યો.
‘હા, થોડુક અંગત કામ છે.’ હું આટલું બોલીને ત્યાંથી નીકળી ગયો હતો. મહેસાણા આવ્યા પછી આ બીજો દિવસ હતો. મારે પાછું અમદાવાદ જવાનું હતું. જીનલ અને નિકિતા વિષે જાણવા.
***
‘યુ નો વિમલ મારે તમને એક વાત જરૂર કહેવી જોઈએ.’ મેં પાણીનો ગ્લાસ હાથમાં લઈને બીજા ઘૂંટડે ખાલી કયો. પણ આ વાત મારે કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ મૂંઝવણો સતત મનમાં ઘેરાતી હતી.
‘હા, કહો...’ વિમલે હકારમાં ડોકું ધુણાવ્યું. અને એ સમયે એણે હાથમાં બંને આંગળા વચ્ચે ખોશેલી સળગતી સિગાર ફર્સ પર નાખીને પગના ભાર વડે બુજાવી દીધી.
‘મેં કહ્યું એમ હું લેખક છું, એ તો તમે જાણો છો.’
‘હા, અને હવે મને લાગે છે મારી વાતમાં તમને રસ પડે છે. અથવા કદાચ તમને એમાંથી કોઈ અન્ય વાર્તા મળવાની પીપાંસા છે, એટલે તમે મારી વાત આગળને આગળ સાંભળવા ઉતાવળા થઇ રહ્યા છો. એમ આઈ રાઈટ...?’ વિમલે મારી સામે સહસ્મિત હકારાત્મક હાવભાવની આપ-લે કરી, પછી આંખના ઈશારે એણે સાથે ચાલવા કહ્યું. મહેસાણાની હાઈનેશ હોટલમાં ત્યારે બુક કરાવેલા રૂમ તરફ હું વિમલની સાથે આગળ વધી રહ્યો હતો.
‘એ તો છે જ, પણ...’
‘એક્ચ્યુલી, મારે આજે હાલ જ મીટીંગ છે અહી. તમે કહો તો આપણે કલાક પછી માંડીને વાત કરી શકીએ છીએ.’ એને આટલું કહેતા કહેતા ફોનમાં સમય ચેક કરી લીધો હતો. થોડીક વાર નજરો આમતેમ દોડાવી અને પછી એણે પોતાનો આઈફોન સેવન ખિસ્સામાં સરકાવ્યો.
‘વાંધો નથી.’
‘આવો...’ એણે લગભગ બીજા માળ પરના છેલ્લા રૂમનો દરવાજો ખોલીને મને પણ અંદર આવવા માટે સુચન આપ્યું.
‘હું તમારી જ સ્ટોરી પર બુક લખવાનું વિચારું છું.’
‘ધેટ્સ ગ્રેટ, આ તો મને પણ ગમશે.’ એણે આશ્ચર્ય અને હસતા ચહેરા સાથે જવાબ વાળ્યો હતો. હું જે વાત કરવા માટે આટલા સમયથી વિચાર મગ્ન હતો એ વાતને સ્વીકારતા વિમલે એના હજારમા ભાગનો પણ વિચાર કર્યો ન હતો.
***
‘તો આપણે શરુ કરીએ હવે.’ ત્રણ બીયર અને સિગારના બોક્ષને ટેબલ પર મુકીને એ બરાબર મારી સામેના સોફામાં ગોઠવાયો. મીટીંગ પતાવીને આવ્યો ત્યારે એના ભાવમાં એક વિચિત્ર અલગતા મને અનુભવાઈ રહી હતી. ‘હું સામાન્ય રીતે મારી પસંદગી બીયર પર જ ઉતારું છું. પણ પેલા દિવસે સ્કોચ પાછળના બે કારણો હતા. એક તો ટેન્શન થોડું વધારે હતું એટલે કઈક તો જોઈતું હતું અને એમાં ખાખીના થોડાક નખરામાં બીયર મળી ન શકી.’ એણે મને કદાચ થોડાક વિચિત્ર ભાવે પોતાની સામે જોઈ રહેલો જોઇને જ આ બધું કહ્યું હશે.
‘મને લાગ્યું તો હતું.’
‘મીટીંગ સારી રહી હવે લગભગ દશ દિવસ હું સાવ ફ્રી છુ. તમે ઈચ્છો તો આપણે વાત કરી શકીએ.’
‘હા જરૂર.’
‘ઓકે તો શરુ કરીએ.’ એણે એક ગ્લાસ મારી તરફ સરકાવ્યો અને બીજો એમ બન્ને ગ્લાસમાં ત્રીજા ભાગનું બીયર રેડ્યું. ‘પણ બરફ ક્યાં...?’ એની બીયરમાં બરફના ટુકડા નાખવાની આદત યાદ આવતા સહસા વિચારી રહ્યો હતો. હું કાઈ બોલું એ પહેલા એક માણસ બરફના ટુકડા લઇ આવ્યો હતો. એણે બે ટુકડા પોતાના ગ્લાસમાં નાખીને ડીશ મારી તરફ સરકાવી, મેં પણ એના જેવું જ કર્યું.
‘હું પણ એક લેખકની અદાથી કહું? હું લેખક નથી પણ લખવાનો શોખ મને પહેલા હતો કદાચ નોટ પરફેક્ટ પણ હું કોશિશ કરીશ.’ એણે ઈંગ્લીશ ગુજરાતી ભેળવી એટલે એ તરત જ હસ્યો.
‘જે રીતે યોગ્ય લાગે.’
‘એને સહસ્મિત વાતની શરૂઆત કરી.’
લગભગ આજથી ૭ વર્ષ પહેલાની વાત છે. મારવાડ જંકશનથી ત્રીસેક કિલોમીટર દુરના જંગલોથી ઘેરાયેલા ઉપવન જેવા વિસ્તારમાં આવેલ એ રોતક ગામમાં લગ્નની તૈયારીઓ પુર જોશમાં જામી હતી. જાનૈયાઓના ઉતારા માટે અને નાસ્તા પાણીની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગયા બાદ હવે મંડપની તૈયારી માટે એ લોકો તૈયાર હતા. ઉતારને આખરી ઓપ આપાઈ ગયો હતો ત્યારે હજુ જાન અંદાઝે કલાકના અંતરે ગામથી દુર હતી. વ્યવસ્થાના સમયસર પતવાથી દીકરીના પિતા અને ગામના મુખી ઘનંજય દેવડાના ભરાવદાર મુખ પર મૂછો નીચે મરક મરક સ્મિત છલકાતું હતું. દીકરીના બાપનું જીવન અને ધ્યેય વિચિત્ર હોય છે. એણે પોતાના દિલનો ટુકડો બીજાને આપવાનો હોવા છતાં હરખભેર અને હસતા ચહેરે જાનૈયાઓને અવકારવાના હોય છે. લગભગ એમણે તૈયરીઓ ફરી એક વાર જોઈ લીધી અને પછી દીકરા સુરેન્દ્રને ઉતારાનું સાચવવાનું સુચન કરી તેઓ ઘર તરફ નીકળ્યા હતા. જ્યાં પોતાના ઘર આંગણે રાત્રીના એક વાગ્યે પોતાના કાળજાના ટુકડાના લગ્નની ચોરી મંડાવાની હતી. ગામના મુખી અને ઘનવાન પરિવાર હોવાથી અંદાજે ૬૦ ઘરના નાનકડા ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો.
પાંચેક વાગ્યાના સુમારે ગામના પાદરે સંભળાયેલા ત્રણેક હોર્નના અવાજો સાથે બે સ્કોર્પીઓ ધસી આવી અને એના પાંચ મિનીટ પછી પાછળ એક એસી કોચ વોલ્વો પણ રોકાઈ. સવારે સાત વાગ્યે રવાના થયેલી જાન છેક સાંજના સાડા પાંચ વાગ્યે મંજિલ સુધી પહોચી હોવાથી જાનૈયા આવતાની સાથે જ આયોજનમાં ગોઠવાઈ રહ્યા હતા. લગ્ન છેક એક વાગ્યા આસપાસ હતા એટલે અત્યારે નાસ્તો અને આરામ સિવાય બીજું કોઈ ખાસ કાર્ય પણ ન હતું. સ્કોર્પિયોના આગળના દરવાજેથી ઉતરેલા વરરાજા અને એની સાથેના યુવાને એટલે કે વિમલે એટલે કે મેં પણ વરરાજાની સાથે આગળ ચાલવા પગ ઉપડ્યા ત્યારે એ છોકરીની આંખો પ્રથમ વખત મારી નજર સાથે ટકરાઈ હતી.
એની પ્રથમ નજરથી જ મારા અંદર ભાગે કઈક તો અનુભવાઈ રહ્યું હતું. સમય સાથે નસીબનો પલટો થાય એમ મારા નસીબે પણ પલટો મારવાની તૈયારી કરી એનો મને ખ્યાલ આવી જ ન શક્યો. આખર નિયતિ અને ભવિષ્યને કોણ જાણી કે સમજી શક્યું છે.
***
‘શા માટે એ છોકરી તને ઘૂરકતી હશે.’ બાજુમાં ઉભેલા મારા ભાઈએ મને પૂછ્યું હતું.
‘મને શું ખબર? પણ એ છોકરી સારી છે.’ મેં જવાબમાં કહ્યું.
‘પણ આ ગામ આપણું નથી.’ એણે ફરીથી કહ્યું ત્યારે એના ચહેરા પર ચિંતા હતી.
‘ચલ છોડ બધું.’ મેં કહ્યું ત્યારે અમે લોકો હવે ગામના રસ્તાથી લગ્ન વાળા ઘર તરફ જઈને પાછા ઉતારના સ્થાને પહોચ્યા હતા. અમારા ગ્રામયાત્રના અનુભવ મુજબ અમે જાની શક્યા હતા કે, નાનકડું ગામ હતું એટલે માંડ એકાદ કિલોમીટરના ગીચોગીચ ઘરોના ઘેરાવામાં લગભગ સોએક ઘર અને પરિવારો વસેલા હતા. આમ તો ગામનો વિસ્તાર વસ્તી ગીચતા કરતા પાંચ ગણો વધુ જ હતો. પણ દરેક નાનકડા ગામમાં હોય એમ ૮૦% વિસ્તાર માત્ર ખેતી માટેના ભૂ-ભાગથી રોકાયેલો હતો.
‘કઈક તો છે જ...’ ફરીથી માસીના છોકરાએ કહ્યું ત્યારે અમે રાતના સુવાના આશય સાથે મોટા વિશાલ લીમડાના ઝાડ નીચે સમાંતર ઢાળેલા ત્રણ ખાટલાઓમાં બેઠા હતા. રાતનું સુવાનું આયોજન પણ ત્યાં જ હતું, એટલે થાક અને મુસાફરી તમજ ગામના આંટાફેરાના આળસને ઉતારવા નિરાતે બેઠા રહ્યા હતા.
‘તને બહુ ચિંતા છે નહી...?’ મેં એના બરડામાં ધબ્બો મારીને હસવાનું શરુ કર્યું. આ હાસ્ય માત્ર દેખાડવા પુરતું જ હતું, કારણ કે એની વાતોમાં મને ક્યાય હસવા જેવું લાગ્યું ન હતું. હું એના વિચારોમાં પહેલેથી ખોવાયેલો હતો અને એમાં આ વારંવાર એની જ વાતો મને એની યાદોમાં વધુ ખેંચતી હતી. મારા મનસપટ પર સ્કોર્પિયો માંથી ઉતરતાની સાથે ટકરાયેલી બંને આંખો કોઈ મહોરની જેમ અંકિત થઇ ગઈ હતી. આ છોકરીના શબ્દે શબ્દો મારા મનસપટલ પર ઘુમરાઈ રહ્યા હતા. એની આંખોની નિખાલસતા, એના ચહેરાની સહજતા, એની વાતોની મધુરતા અને આંખોમાં છવાયેલી વિસ્મયની અચરજતા મને એના વિચારોમાં વધુ ઉલજાવતી જઈ રહી હતી. એણે મને એના ઘરમાં જતા જે કહ્યું એ દરેકે દરેક શબ્દ મને બરાબર યાદ હતા. ‘તમારી એન્ટ્રી હજુ માન્ય નથી થઇ આ ઘરમાં, આ સમય માત્ર વરરાજા માટે છે.’ એણે ત્રણેક સખીઓ સાથે આવીને મારા સામે નજર નાખીને કહ્યું. અમે ત્યાં પાંચ જણા હતા છતાં મને એમજ લાગ્યા કરતુ હતું, જાણે એ માત્ર મારી સાથે જ આંખોના સંવાદ કરી રહી હતી. હું એના વિચારોમાં ખોવાતો જઈ રહ્યો હતો.
‘ક્યાં બાત હે વિમલજી...’ મિલને મશ્કરીભર્યો ઉદગાર કર્યો અને બધા હસી પડ્યા.
‘શું છે.’ મેં તરત પૂછ્યું.
‘હું તો બસ એમજ.’ મિલન મારા ખભા પર હાથ મુકીને સહેજ મલક્યો.
‘મને લાગે છે, લગ્નમાં આપણે કદાચ હાજર નહિ રહી શકીએ. એટલે આપણે સુઈ જવું જોઈએ.’ મેં કહ્યું.
‘કેમ...?’
‘વરરાજા અને અનવર જ મંડપમાં જઈ શકે છે. આ નિયમો છે આ ગામના.’ મેં અચાનક સ્વરાની વાતોને યાદ કરીને કહ્યું. એણે અમને વરરાજાને ઘરે મુકવા ગયા ત્યારે આ વિષે કહ્યું હતું.
‘ભલે હોય.’ મિલને આટલું કહીને પલંગમાં પગ લંબાવ્યા. ધ્રુવ અને એના જીજાજી પહેલા જ બાજુના ખાટલામાં થાકના કારણે ઊંઘ્યા હતા. મિલનનીની આંખો પણ ઘેરાયેલી હતી. ત્રણેય જણા લગભગ સુઈ ગયા હતા પણ મારા વિચારોમાં માત્ર અને માત્ર એ ચહેરો અને એમાં ચકળવકળ કરતી બે આંખો જ ફર્યા કરતી હતી. કઈક તો જરૂર છે. ધ્રુવના આ શબ્દોમાં જરૂર કઈક હતું, જે સમજાતા મને ખાસ્સો લાંબો સમય લાગ્યો હતો. એ શું હતું એ આજે મને બરાબર સમજાઈ રહ્યું છે, અથવા સમજાયું હતું. જીવનની આ જ તો કઠિનાઈ છે કે ‘સમય અને અવસર એની ગતિએ આપણી પાસે આવે છે જરૂર, પણ આપણી અનુકુળતા માટે રોકાતા નથી.’. શા માટે એ પહેલી નજર મળતી વખતે જ મેં એને ન કહી દીધું કે તમે સુંદર લાગો છો. આમ પણ આપણે આ સમાજમાં રહીને એટલા સંકુચિત માનસિકતાને વરી ચુક્યા છીએ કે જીવેલા પળને ખુલીને કોઈને કહી પણ નથી શકતા. ખરેખર મારે એ માનસિકતામાંથી ત્યારે બહાર આવવું જોઈતું હતું, અને કહી દેવું જોઈતું હતું કે ‘તમારી આ બે આંખો જોયા પછી મને બીજા કોઈની આંખોને જોવાની, એના ઊંડાણમાં પડવાની કે ડૂબવાની ઝંખનાઓ રહી જ નથી. કૃષ્ણની ભક્તિમાં કૃરૂક્ષેત્રના મેદનમાં જેમ અર્જુન સંશય રહિત બની જાય છે. એજ અસર મારા પર થઇ હતી. કદાચ પ્રેમને કૃષ્ણ એટલે જ કહી શકાય છે, પ્રેમમાં અસ્થા જીવનના દરેક સંશયોમાંથી મુક્તિ આપે છે. મારી આંખોમાં હજુય એનો ચહેરો અને મનમાં એની સાથેનો સંવાદ જીવી રહ્યો હતો.
‘તમારું નામ...?’ એણે મારી નજીક આવીને પૂછ્યું. પણ એણે મને ઓચિંતા બોલાવ્યો જ શા માટે એજ મને સમજાયું નહિ. છતાય મારા આકર્ષણના કરને મેં હિંમ્મત કરીને પણ એમના ઘરની નજીક એને મળવાનો મોકો છોડ્યો નહી. એ સાવ એકલી મારી પાસે ઉભી હતી, એની ત્રણમાંથી એકેય સખી ત્યારે એની સાથે ન હતી.
‘વિમલ...’ મેં જવાબ આપ્યો.
‘તમેં વરરાજાના...?’
‘ઉમરમાં મોટા હોવા છતાં, એ સબંધમાં મારો ભત્રીજો છે.’ મેં જવાબ આપ્યો.
‘સરસ, તો પછી મળીએ.’ એણે કહ્યું અને એ કોઈકના બોલવાથી ઘરમાં જતી રહી.
દરવાજામાં પ્રવેશતી વખતે છેલ્લી દ્રષ્ટીએ એણે મારી તરફ નાખેલી નજરમાં જાણે એક રુહાની શક્તિ હતી, જે મને એનામાં ખોવાઈ જવા મજબુર કરી ગઈ હતી. એણે કહેલો એક એક શબ્દ, એના ચહેરા પર આવેલો એક એક ભાવ મારી આંખો સામે સ્પષ્ટ હતો. મારી આંખો બંધ હોવા છતાં એ મારી સામે જ હતી, મારી આંખો ખુલી ગઈ પણ ઉપર લીમડાનું ઝાડ અને આસપાસ દોડાદોડ કરતો પવન એના સિવાય કઈ ન હતું. છેવટે પ્રયત્ન પૂર્વક એ રાત્રે મેં આંખો મીચી દીધી, થાકના કારણે અને વિચારોના ચક્રવાતોમાં ક્યારે ઊંઘ આવી ગઈ હશે એ મને યાદ નથી.
***