કોફી હાઉસ પાર્ટ – ૪૩
વિષય – લવ સ્ટોરી
રૂપેશ ગોકાણી
“કુંજન...... કુંજન........કુંજન...... પ્લીઝ રોકાઇ જા કુંજન......” કહેતો પ્રેય તેની તરફ દોડ્યો ત્યારે બધા ઉભેલા લોકો તેને રોકવા લાગ્યા પણ આજે પ્રેય રોકાય તેમ ક્યાં હતો.
માન્યતાને શોધતા શોધતા શ્યામા અને ઓઝાસાહેબ અને બધા લોકો દરિયાકિનારે આવી ગયા ત્યારે આ દ્રશ્ય જોઇ તેઓ સ્તબ્ધ રહી ગયા.
કુંજ..... પ્લીઝ ડોન્ટ ગો. આઇ લવ યુ યાર..... આજે પણ હું તને એટલો જ પ્રેમ કરુ છું જેટલો પહેલા હતો. કુંજ પ્લીઝ કમ બેક. આઇ વોન્ના સે સમથીંગ........” કહેતો બૂમો પાડતો પ્રેય પણ પાણીમાં આગળ વધવા લાગ્યો. “એ કોઇ તો બચાવો આ’ને. આ પાગલને કોઇ રોકો. દાહળા, આ પાગલને કાંઇક સમજાવ. કુંજની યાદમાં પાગલ થઇને બેઠો છે કે શું??? પ્રવીણ્યા...... એય પ્રવીણ્યા........” બોલતા ઓઝાસાહેબ પાણીમાં આગળ વધવા ગયા ત્યાં હરદાસભાઇ પ્રતાપભાઇ બધાએ તેને પકડી લીધા. “ઓઝા પાગલ ન બન. આગળ જાવામાં કાંઇ માલ નથી. બધુ આ કાળીયા ઠાકોર પર છૉડી દે. આંખો બંધ કર અને તેને પ્રાર્થના કર કે આજે પ્રવીણ આવે તો સજોડે આવે.” “હે નાથ, તારી લીલા અપરંપાર છે પણ આજે પ્રવીણ્યાને પાછો લાવવો જ પડશે તારે નહી તો આ ઓઝો ક્યારેય તારા પગથીયા નહી ચડે. કહી દઉ છું તને દ્વારકાના નાથ. ભલે તુ આખા જગતનો નાથ હોય પણ આ ઓઝો તને હંમેશા ધીક્કારશે. તારા દ્વારે મારો જીવ ન દઉ તો મારુ નામ ઓઝો નહી.” હવામાં લહેરાતી દ્વારીકાધીશની ધજા સામે આંગળી ચીંધતા ઓઝાસાહેબ દહાડી પડ્યા ત્યાં ઓઝાસાહેબના શ્વાસ અધ્ધર થવા લાગ્યા.
“ઓઝા શાંત થા મારા બાપ...... કોઇ પાણી લાવો જલ્દી.” હેમરાજભાઇએ ઓઝાસાહેબને સુવાડ્યા અને પ્રતાપભાઇ પાણી લેવા દોડ્યા. ઓઝાસાહેબનું ધ્યાન દૂર દરિયામાં ઝોલા ખાતા પ્રવીણ પર હતુ, ડુબતા સુરજની જેમ ધીમે ધીમે ઓઝાસાહેબની બંધ થતી નજરે પ્રેય હતો. સમય થંભી ગયો, માન્યતાથી બસ થોડે જ દૂર રહેલો પ્રેય થંભી ગયો. સુર્ય પણ ક્ષીતીજે અટકી ગયો આ દ્રશ્યને જોવા માટે. પવન પણ તેના વેગને અટકાવી દીધો પણ મંદપવને પણ ભગવાનની ધ્વજા પુરજોશમાં લહેરાઇ રહી હતી. હવે જીવન અને મોત વચ્ચે બસ એક જ ભરતીના મોજાની દેર હતી. ભરતીનું એક મોજુ હવે પોતાની પ્રિયતમાને હંમેશાને તેનાથી દૂર લઇ જશે એ નક્કી જ હતુ. આંખ પણ હવે પલાકારો મારવા માટે સક્ષમ ન હતી ત્યારે ગળામાં અટકી ચુકેલા સ્વરને બહુ જોશથી બહાર લાવવા પ્રેય મથ્યો અને તેના મોઢામાંથી પ્રચંડ સ્વરે એક નામ નીકળ્યુ...... “કુંજનનનનનનનનનનનનનનાનનન.......” આટલી પ્રચંડ સ્વરે દિલથી ઉઠેલો પ્રેયનો અવાજ દૂર રહેલી માન્યતાના દિલ સુધી પહોંચ્યો અને એ નામ કે જેને તે ઘણા વર્ષોથી પાછળ છોડીને આવી હતી તે નામ સાંભળતા જ તે ઉભી રહી પાછી વળીને જોયુ ત્યાં સામે ઉભેલો પ્રેય તેને દેખાયો. પોતાની તરફ આવતો પ્રેય તેને પોંકારી રહ્યો હતો. પ્રેયના મોઢે કુંજ નામ સાંભળતા જ માન્યતા હરખાઇ ઉઠી. બહુ ઘણા વર્ષોથી ખોઇ બેઠેલી પોતાની અસલી પહેચાન આજે પ્રેયના મુખેથી સાંભળી તેની આંખોમાંથી હરખની સરવાણી ફુટી નીકળી.ઘુંટણથી ઊંચે આવેલા પાણીમાં ઉભી કુંજન બસ હરખથી પ્રેયને જોતી જ રહી, પ્રેય ઊંચા હાથ કરી તેને પરત ફરવા માટે પોંકારી રહ્યો હતો. તેને પ્રેય પાસે આવવું હતુ પણ હરખની મારી કુંજનથી એક ડગ પણ આગળ આવી શકાતુ ન હતુ. તેણે પ્રેય સામે હાથ ઊંચો કર્યો.
“કુંજનનનનનનનાનનનનનન.......” પુરા જોશથી પ્રેયે બૂમ પાડી પણ હજુ કુંજન કાંઇ સમજે વિચારે ત્યાં દરિયાની એક મોટી લહેર કુંજન સાથે અથડાઇ અને કુંજન દરિયામાં ફસડાઇ પડી. “કુંજન....... કુંજન....... કુંજ.......” બૂમો પાડતો પ્રેય પણ કુંજન તરફ દોડ્યો પણ આજે દરિયો માજા મુકી ચુક્યો હતો. મોટી મોટી લહેરો પ્રેયને તેની કુંજથી મળવા માટે રોકી રહી હતી પણ આજે પ્રેય ઝાલ્યો રહે એમ ન હતો. સામે દરિયાની લહેરોમાં સમાતી પોતાની પ્રિયતમાનો હાથ પકડવા તે ઉઠતા મોઝાની સામે બાથ ભીડવા લાગ્યો.
બે-ચાર મછુઆરા તેની મદદ માટે આવતા તેણે જોયા. દોરડાની મદદથી તે કુંજનને બચાવવાની કોશિષ કરતા હતા પણ કુંજન દોરડુ પકડી શકવા અસમર્થ રહેતી હતી, હવે બસ ડુબતી કુંજનના હવામાં ઉઠતા હાથ જ પ્રેયને દેખાઇ રહ્યા હતા. હવે તો બસ ચાર કદમની જ દૂરી હતી બન્ને વચ્ચે.
અચાનક જ પોતાના જાનની પરવા કર્યા વિના પ્રેયે એક મોટી છલાંગ લગાવી. બન્ને એકબીજાનો હાથ થામવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં અચાનક જ પ્રવીણે કુંજનો હાથ પકડી લીધો અને તેને બહાર લાવવા મથવા લાગ્યો. થોડી જ વારમાં મછુઆરાઓ નજીક આવતા તેણે ફેકેલુ દોરડુ પ્રવીણે પકડી લીધુ અને તેમની મદદથી પ્રેય અને કુંજ બન્ને કિનારે આવવા લાગ્યા. થોડી જ વારમાં બન્ને કિનારે આવી પહોંચ્યા. ડુબવાને કારણે પાણી નાકમાં અને મોઢામાં પાણી જતુ રહેવાથી કુંજ બેભાન થઇ ચુકી હતી. આ બધુ દ્રશ્ય જોઇ શ્યામા પણ અવાચક જેવી બની ગઇ હતી. તે કાંઇ બોલી શકવા સમર્થ ન હતી. “કાકા, જલ્દી કોઇ રીક્ષાને બોલાવી લો, આપણે કુંજ અને ઓઝાકાકાને લઇને દવાખાને જઇએ.” પ્રવીણે આવી વિકટ પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખ્યુ. “હા બેટા, હમણા જ બોલાવી લાવું.” કહેતા દાસભાઇ દોડતા રીક્ષાને બોલાવવા નીકળી ગયા. પ્રતાપભાઇ અને હેમરાજભાઇ બન્ને ઓઝાસાહેબને હોંશમાં લાવવા મથી રહ્યા હતા જ્યારે પ્રેય તો બસ તેની કુંજને જોઇ જ રહ્યો હતો. થોડી જ વારમાં રીક્ષા આવી જતા બધા દવાખાને જવા નીકળી ગયા. દવાખાને પહોંચતા જ ડોક્ટર્સે બન્નેની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. બધા બહાર ઉભી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે કાંઇ દુઃખદ ઘટના ન બની જાય. “ક્યાં મારો પ્રવીણ્યો??? જલ્દી બોલાવો તેને. મારે એને મળવું છે.” અડધી કલાક બાદ ઓઝાસાહેબ હોંશમાં આવતા જ તે બોલી પડ્યા. “કાકા, હું અહી જ છું. તમે આરામ કરો. બોલવાની ના કહી છે ડોક્ટર્સે તમને.” પ્રવીણ તેમના માથા પર હાથ પસવારતા બોલ્યો. “તેલ લેવા જાય ડોક્ટર્સ. તને ક્યાં મારા જીવની કાંઇ પડી છે? કાંઇ જોયા જાણ્યા વિના આમ તે કોઇ દરિયામાં પડતુ હશે અને એ પણ એના માટે કે જેને તે હજુ જોઇ પણ નથી અને ગાંડાની જેમ કુંજન કુંજન કરતો દોડી નીકળ્યો તો તેની પાછળ. બેટા, હજુ કહું છું તને કે તુ ભ્રમમાં જીવે છે. એક બાપના મોઢેથી સાંભળ્યા પછી પણ તને હજુ વિશ્વાસ છે કે તારી કુંજન જીવતી હશે?? “કાકા આમ ન બોલો. એ સાચે જ મારી કુંજ છે. કાકા, ભગવાને મને મારી કુંજન પાછી આપી દીધી. મે તેને બચાવી લીધી કાકા મે તેને બચાવી લીધી. મારી કુંજ હજુ જીવે છે કાકા. આજે મારા માટે દિવાળી, હોળી બધા તહેવાર ભગવાને એક જ દિવસમાં મને આપી દીધા. મારા અંધારીયા જીવનને રોશન કરનારી કુંજ જીવે છે કાકા. હું તમને કહી શકું એમ નથી કે હું કેટલો ખુશ છું આજે.” પ્રવીણ ઓઝાસાહેબ અને બધાની સામે પોતાની વાત રજુ કરતો ખુશીથી ઝુમી ઉઠ્યો ત્યાં અચાનક જ તેની નજર પાછળ ઉભેલી શ્યામા પર પડી. “શ્યામાજી, તમે જ આ વડિલોને સમજાવો કે તમારી ફ્રેન્ડ માન્યતા એ જ મારી કુંજન છે નહી તો આ લોકો મારી વાત ક્યારેય નહી માને.” પ્રેય દોડતો શ્યામા પાસે ગયો અને તેને વિનવવા લાગ્યો.શ્યામા પાસે કાંઇ શબ્દો ન હતા, તે બસ પ્રેયને જોતી જ રહી. જે વ્યકિતને પોતે કુંજના શબ્દોમાં જોયો હતો, તેને આજે તે રૂબરૂ પોતાની સામે જોઇ રહી હતી.
“શ્યામાજી, પ્લીઝ કાંઇક તો બોલો, નહી તો આજે આ લોકો મને પાગલ ઠેરવી દેશે.” પ્રવીણે શ્યામાના બન્ને હાથ હચમચાવતા બોલ્યો પણ શ્યામા કાંઇ બોલી શકી નહી, બસ આંખમાં આંસુઓ સાથે ત્યાંથી દોડીને નીકળી ગઇ.
“બેટા સાચે જ એ તારી કુંજન છે?” ઓઝાસાહેબ પણ આંખમાં આંસુ સાથે પ્રેયને પુછી બેઠા. “હાસ્તો કાકા, સાચે જ એ મારી કુંજન જ છે. આ રહ્યો તેનો મોટામાં મોટો સબુત.” પ્રવીણે બ્રેસલેટ બતાવતા કહ્યુ. “કાકા આ P&K લખેલુ બ્રેસલેટ મને દરિયાકિનારે પાણીમાંથી મળ્યુ. આ એ જ બ્રેસલેટ છે જે મે કુંજનને બર્થડે પર આપ્યુ હતુ અને તેણે મને વચન આપ્યુ હતુ કે આજીવન તે આ બ્રેસલેટને પોતાની કલાઇ પર સજાવી રાખશે.” બ્રેસલેટને બધા એકીનજરે જોઇ રહ્યા.
“એક્સકુઝ મી, પેલા મેડમ હોંશમાં આવી ગયા છે, શી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ.” “ નર્શ આવીને પ્રેયને જાણ કરીને ત્યાંથી નીકળી ગઇ. આ સાંભળી પ્રેય અને ઓઝાસાહેબ અને બધા હરખી પડ્યા. પ્રેય આ સમાચાર સાંભળતા જ કુંજને મળવા દોડતો જવા લાગ્યો. “એય પ્રવીણ્યા, ક્યાં એકલો ભાગે છે? અમનેય લેતો જા.” ઓઝાસાહેબ હરખથી બોલ્યા ત્યાં પ્રેય આવીને તેમને ગોદમાં ઉંચકી લીધા અને કુંજને મળવા બધા નીકળ્યા.
“કુંજ........” દરવાજે ઉભા રહી પ્રવીણે પોતાની પ્રિયતમાને પોંકારી. પ્રેયને જોતા જ કુંજની આંખમાં આંસુ આવી ગયા અને તે પોતાનું મો ફેરવી ગઇ. “પ્લીઝ કુંજ, આ રીતે મોં ફેરવી ન લે. મારુ જીવન મારાથી મોં ફેરવી લે તો ચાલશે પણ તુ મારી સામે એકવાર નીહાળ. આ રીતે મારી અવગણના ન કર તુ કુંજ.” પ્રેય બે હાથ જોડી કુંજને વિનંતી કરી. “તો આટલા વર્ષ સુધી એ પ્રેય ક્યાં હતો? એ પ્રેય આજ સુધી ક્યાં હતો જ્યારે કોઇ તેના માટે ગલી ગલી ભટકતુ હતુ? એ પ્રેય ત્યારે ક્યાં હતો જ્યારે પિતાજીએ તેના લગ્ન કોઇ બીજા સાથે નક્કી કરી દીધા હતા જ્યારે કુંજ તો પ્રેયના નામની જોગણ બની બેઠી હતી, એ પ્રેય ત્યારે ક્યાં હતો જ્યારે કુંજનો દુન્યવી પતિ તેના પર સિતમ ગુજારતો હતો? એ પ્રેય ત્યારે ક્યાં હતો ????? તમારી પાસે આ એકપણ પ્રશ્નનો જવાબ છે મિસ્ટર પ્રેય ????” શ્યામાએ પ્રેયને પ્રશ્નોથી ઘેરી લીધો. “બસ શ્યામા બેટા બસ. હું તને કહું છું કે પ્રેય સાથે શું થયુ હતુ?” ઓઝાસાહેબ આગળ આવી બોલ્યા ત્યાં પ્રવીણે તેમનો હાથ પકડી લીધો અને આંખના ઇશારે તેમને કાંઇ ન બોલવા દીધા. “શ્યામા, હું અને કુંજ જ્યારથી અલગ થયા ત્યારથી આજ સુધીની અક્ષરશઃ વાત હું તમને અને કુંજને કહેવા માંગુ છું, મારી પાસે મારી વાત સાબિત કરવાના કોઇ પુરાવા તો નથી પણ એક માત્ર હું અને બીજા મારા ભગવાન જ જાણે છે કે હું જે કહીશ એમાં એક પણ શબ્દ ખોટો નથી. મૃત્યુદંડ મળનાર આરોપીને પણ પોતાનો પક્ષ રાખવા માટે એક મોકો આપવામાં આવે છે તો હું ઇચ્છું કે મને પણ કુંજ એક મોકો આપે. થોડીવાર કોઇ કાંઇ બોલ્યુ નહી ત્યારે પ્રેય અંદર આવ્યો અને પોતાની સાથે બનેલી ઘટનાને બયાન કરવાનુ સરૂ કરી દીધુ. ધીમે ધીમે બધા તેની વાત સાંભળવા લાગ્યા. પોતાના દાદાજીની બિમારી, તેમનું અવસાન, તેના પિતાજીની લથડતી તબિયત, ક્રોધી સ્વભાવને કારણે તેના માતા સાથે થતા ઝઘડા, તેમની સારવાર માટે જમનગર આવવું ત્યાં તેની માતા સાથે ઘટેલી દુર્ઘટના, ત્યાર બાદ તેના પપ્પાનો વલોપાત અને દુઃખના કારણે થયેલુ તેનું અવસાન, ત્યાર બાદ એક ચાની લારીમાં નોકર તરીકે રહેવું, નોકરમાંથી માલિક બનવું, ચાની દુકાનમાંથી કોફીહાઉસની રચના અને એ પણ કુંજના જન્મદિવસે, ત્યાર બાદ તેના અનુભવી મિત્રોની મદદથી કુંજની શોધ, સુરત કુંજના પિતાજીને મળવું, તેના મોઢેથી કુંજ આ દુનિયામાં નથી તે સમાચાર મળવા, ત્યાર બાદ કલા મહોત્સવ અને પછીની ઘટના અક્ષરશઃ પ્રેય બયાન કરી ગયો. “બસ આ છે મારી કહાની, આ વાતમાં કુંજ તને એકપણ શબ્દ ખોટો જણાતો હોય તો હું મોતને ભેટવા પણ તૈયાર છું. આમપણ તારા વિનાનું મારુ જીવન મોતથી પણ બદ્તર જ છે.” બોલતો પ્રેય કુંજની સામે માથુ ઝુંકાવી બેસી રહ્યો. “બસ પ્રેય બસ, ડૉન્ટ સે લાઇક ધીસ. આઇ લવ યુ સો મચ ટીલ ધ એન્ડ ઓફ માય લાઇફ. આઇ લવ યુ પ્રેય આઇ લવ યુ. આજે પણ મારુ તન મન બધુ તને જ સમર્પિત છે. ભલે પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા હતા પણ મારુ મન હંમેશા તારી પાસે જ હતુ. જ્યારે મારા શરિરને પામવા તેણે કોશિષ કરી ત્યારે મારાથી સહન ન થયુ અને મે મરવાનુ નક્કી કરી લીધુ.” કુંજ પ્રેયને ભેંટી પોતાની વાત કહેતી રડી પડી. “ત્યારે કુંજને પોતાની વાત મને કરી. મે તેને આત્મહત્યા ન કરવા ઘણું સમજાવી પણ તે વિવેકના ત્રાંસ અને તેની પહોંચથી એટલી હેબતાઇ ગઇ હતી કે તેને બસ આ એક જ રસ્તો નજરે આવતો હતો.છેવટે મે તેને એક આઇડિયા આપ્યો. નક્કી થયા મુજબ હું અને કુંજન બન્ને કાર લઇને નીકળી ગયા અને મુંબઇ પુના હાઇ-વે પર, નક્કી થયા મુજબ કારનો અકસ્માત કરવાનો હતો અને કાર ખાઇમાં પડી જાય તેવુ ગોઠવવાનુ હતુ. અગાઉથી રચેલા પ્લાન મુજબ જ કાર ખાઇની નજીક ગોઠવી અને ટ્રક દ્વારા કારનો અકસ્માત કરાવ્યો અને કાર ખાઇમાં પાડી દીધી. નીચે પડતા જ કાર સળગી ઉઠી અને અમે બન્ને ત્યાંથી મારા ઘરે નીકળી ગયા. થોડા દિવસ મારા ઘરે કુંજને રાખી પણ એ ખબર જ હતી કે ઇન્ડિયામાં રહેવુ બેટર નથી એટલે જીદ્દ કરીને પરાણે હું તેને અમેરિકા મારા ભાઇને ત્યાં લઇ ગઇ ત્યાં મે તેને એક નવુ નામ આપ્યુ માન્યતા મુખર્જી. લીગલી તેના બધા ડોક્યુમેન્ટ્સમાં હજુ તે કુંજન જ છે પણ દુનિયાની નજરમાં મે તેને માન્યતાની ઓળખ આપી. “પ્રેય, તારા પ્રેમમાં અપાર શકિત છે, કેમ કે મે તેને માન્યતા તો બનાવી દીધી પરંતુ દિલથી તે ક્યારેય તને દૂર કરી શકી નહી. અમેરિકામાં તે બધાને એમ જ કહેતી કે તેના પતિ એકદિવસ ફરી તેના જીવનમાં આવશે જ. તેને દિલથી વિશ્વાસ હતો જ કે જીવનમાં એક વાર તો તમે બન્ને મળશો જ. તારી યાદમાં ગુનગુનાતી કુંજને મે ગાયકી તરફ આગળ વાળી, જેથી તેનુ મન ડાઇવર્ટ થઇ શકે. ગાયકી અને નૃત્યને પોતાના જીવનમાં અપનાવી કુંજ ખુશ તો હતી પણ તેના સુર, તાલ, અને લચકમાં તારો ઓછાયો જરૂર આવી જ જતો. અહી આવ્યા ત્યારે હું જીદ્દ કરીને મહોત્સવમાં તેને લાવી, એ બહાને માતૃભૂમિમાં આવી શકીએ. અમેરીકા ગયા ત્યારથી મહોત્સવના પહેલા દિવસ સુધી તેણે તારા નામનો સિંદુર માંગમાં સજાવેલો જ હતો,પણ જ્યારે મારી અવારનવારની જીદ્દ અને ગુસ્સાથી તેને બધુ ભૂલી આગળ વધવાનુ કહેવુ એ સાયદ તેને ગમ્યુ નહી અને પોતાના પાવન શરિરને તારા સિવાય કોઇને ન સોંપવાના દ્રઢ નિશ્ચય સાથે તેણે આજે આ કદમ ઉઠાવી લીધુ, આ તો ભગવાનની કૃપા કે તુ સમયે ત્યાં આવી પહોંચ્યો નહી તો આજે હું મારી વ્હાલસોયી બેનને ખોઇ બેઠત.
પ્રવીણ્યા, જેને આજ સુધી તારા શબ્દોમાં જ અમે જોઇ છે , તેને અમને પણ મળવા દે બેટા. અમે પણ નિહાળીએ એ કુંજ દિકરીને જેણે તારા જેવા પાગલ સાથે પ્રેમ કર્યો.” બોલતા ઓઝાસાહેબ અને બીજા બધા અંદર પ્રવેશ્યા. “અરે બેટા, કેમ છે?” હરદાસભાઇ કુંજને જોઇને બોલી ઉઠ્યા ત્યાં બધા તેની સામે વેધક નજરે જોઇ જ રહ્યા કે આ દાસભાઇ કેમ ઓળખે કુંજનને? “પ્રતાપ, કુંજનને જોઇને કાંઇ યાદ આવે છે?” દાસભાઇએ પ્રતાપભાઇને પુછ્યુ.
“અરે હા, યાદ આવી ગયુ. ઓઝા તે દિવસે તુ મને લીધા વિના નીકળી ગયો હતો અને દાસ મને તેડવા આવ્યો ત્યારે કુંજન દિકરીને મહોત્સવ સુધી અમે જ લિફ્ટ આપી હતી અને સ્થળ પર કુંજને જ અમને પાસ આપ્યા હતા અને અમે અંદર આવી શક્યા હતા.” પ્રતાપભાઇએ કુંજને ધારીને જોયા બાદ બોલ્યા. “જે થયુ તે સારૂ થયુ. આજે એમ થાય છે કે પ્રવીણનું જીવન જે અટકી ગયુ હતુ તે આજથી પુનઃ શરૂ થશે. તેના જીવનને ઉજાગર કરનારી હવે તેની પાસે જ છે.” હેમરાજભાઇએ પ્રેય અને કુંજ પર હાથ મુક્યો અને બોલી ઉઠ્યા. “ડફ્ફર, તારે તારુ આખુ જીવન આ પ્રેયને જ સોંપવાનુ હતુ તો મને સાફ સાફ કહી દેવાયને? આમ દરિયામાં પડતા તને એક વાર પણ મારો વિચાર ન આવ્યો??? તુ ભલે મને તારી ફ્રેન્ડ જ માનતી હોય, પણ મારા માટે તુ મોટી બહેન જ છે, સમજી????” શ્યામા કુંજન પર ઉકળી ઉઠી. “સોરી ડીઅર. પ્લીઝ લેટ મી ફરગીવ પ્લીઝ.” કુંજન રડતા રડતા બોલી. “અરે મેરા બચ્ચા. ડોન્ટ ક્રાય.હવે તો ખુશ છે ને? ભગવાને તને તારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા કે હજુ કાંઇ બાકી છે?” શ્યામા કુંજને ભેંટી પડી અને બોલી. “મને પ્રેય મળી ગયો, હવે મારે શું જોઇએ?”
“પણ દિકરા, એક વાત તને પ્રવીણ્યાએ કીધી નથી, લાગે છે મારે જ કહેવી પડશે.” ઓઝાસાહેબે લટકો કરતા વચ્ચે મમરો મુક્યો. “શું વાત કાકા?” કુંજને પુછ્યુ અને પ્રવીણ પણ તેની સામે જોઇ જ રહ્યો. “તારા પિતાજી પાસેથી તારા ખરાબ સમાચાર મળ્યા બાદ પહેલા તો એ પણ દેવદાસ બનીને જ ફર્યો પણ પછી અમે બહુ આગ્રહ કર્યો ત્યારે........” જાણીજોઇને ઓઝાસાહેબે વાક્ય અધુરૂ છોડી દીધુ. “ત્યારે શું કાકા.......?”
“ત્યારે બીજું શું, લગ્ન કરી લીધા બીજી છોકરી સાથે.” બોલતા બોલતા જ ઓઝાસાહેબ ખડખડાટ હસી પડ્યા. “માફ કરજે દીકરી, આ ગમગીન વાતાવરણને હળવુ બનાવવા માટે જરા મજાક કરી બેઠો બાકી તારો આ પ્રેય પણ જોગી બનીને જ આજ સુધી તારા નામની માળા જપતો ફર્યો છે અને જોવાની ખુબી પણ જુવો કે તેને બીજી વખત પ્રેમ થયો પણ કોની સાથે? માન્યતા સાથે જ કે જે બીજુ કોઇ નહી કુંજન જ હતી.”
“હા બેટા, તને પહેલી વારનૃત્ય કરતી જોઇ ત્યારે જ પ્રવીણ્યાએ કહી દીધુ હતુ કે એ જ મારી કુંજન છે પણ અમે કોઇ તેનુ માન્યા ન હતા. છેવટે તને એકવખત જોવાની લાલસાએ અમે આજે સવારે હોટેલ ગયા ત્યારે ખબર પડી કે તમે બન્ને દ્વારીકા આવી છો અને તારી પાછળ અમે પણ બધા અહી આવ્યા.” હેમરાજભાઇ બોલ્યા. “હા બેટા, હજાર હાથવાળો મારો ઠાકોર પોતાના નીજધામમાં તમને મળાવવા ઇચ્છતો હશે એટલે તો અહી સુધી આવ્યા આપણે બધા. જેમ પોતે જ સ્વ-ઇચ્છાથી સોનાની દ્વારીકાને દરિયામાં ડુબાડી દીધી હતી તેમ આજે પોતાની જ ઇચ્છાથી પ્રવીણ્યાને સમયસર મોકલ્યો અને પ્રવીણ્યાની જીંદગીને દરિયામાં ડુબતી બચાવી મારા કાળીયા ઠાકોરે.” “બોલો જય દ્વારીકાધીશ........”
કોફીનો છેલ્લો મગ હવે આવતા અઠવાડિયે.......