Koina Besanama javani pan ek maza chhe books and stories free download online pdf in Gujarati

કોઈના બેસણાંમાં જવાની પણ એક મઝા છે....!

કોઈના બેસણામાં જવાની પણ એક મઝા છે....!

જગતના બધ્ધાં..... જ આઘાત સહન થાય. પણ કોઈના મૃત્યુના જો સમાચાર મળ્યા તો, ‘ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ‘ વાળો માણસ એકવાર તો હલી જ જાય...! ને પોચકા હૃદયવાળાની તો, ‘ ફેંએએએએ ‘ પણ બોલાય જાય...! બિચ્ચારો એકાદ તબકકે તો શ્વાસ લેવાનું પણ ચુકી જાય....! હું મરી જાઉં, અને બાજુવાળો જીવતો રહે, એ આજે કોણ ચલાવી લે...? સામુહિક મામલો હોય તો અલગ વાત. સહન શક્તિને પહોંચી વળાય....! બાકી મરવાનું એકલાને તો નહિ જ ફાવે....!

એક તો આપણી આદત કેવી....? સમાચાર વાંચતા પહેલાં છાપામાં શ્રધ્ધાંજલિમાં ડાફાં મારવાની. ત્યાં સવારની પહોરમાં જ, કોઈના ઉકલી ગયાંના કાળ સમાચાર આવે. એ સાંભળીને નાહ્યલા/ધોયેલા હોવા છતાં, આપણો આખો દહાડો ચોપટ વળી જાય. યાર....માણસ સહન શક્તિ લાવે, લાવેને પણ ક્યાંથી લાવે....? સહન શક્તિના કંઈ એટીએમ થોડાં છે કે, કાર્ડ નાંખીને ખેંચી લાવીએ...? આપણને એમ જ થાય કે, આ સુનામી દરિયો છોડીને ઘરમાં ઘરમાં ક્યાંથી ઘુસી ગઈ....? કાળઝાળ મોંઘવારીમાં મગજનું બેલેન્સ તો સાવ ‘ ઝીરો ‘ જ થઇ ગયું હોય. ને હૃદય પાછુ એવું પોચકું હોય કે, ઘરનું બલાડું મરી ગયું હોય તો પણ, આપણાથી ચીસ નંખાય જાય. બોસ....! ઢીલા હૃદયવાળાને તો કોઈની કાણમાં તો શું, બર્થ-ડે ની પાર્ટીમાં પણ નહિ લઇ જવાય....! ભરોસો નહિ, ત્યાં પણ પોક મુકીને રડી ઉઠે, ‘‘ કે હાય...મારા મીઠુંડાનું એક વરહ ઓછું થઇ ગયું, હાય હાય...! ‘’ એના કપાળમાં કેક કાપું તે....!

દેશમાં સરકાર જે આવવાની હોય તે આવે, ને જે સરકાર જવાની હોય તે જાય. આપણો તો એક જ મુદ્દાનો કાર્યક્રમ. આપણો શ્વાસ ધબક....ધબક થવો જોઈએ. કોઈપણ સરકાર કંઈ શ્વાસ માટે સબસીડી આપવાની નથી. આપણે તો હજી બુલેટ ટ્રેન જોવાની બાકી છે યાર....! જીવવું તો પડશે જ ને વ્હાલા.....?

ચમનીયો કહે, આ બેસણા રાખે એના કરતાં ઉભણા જ રાખતાં હોય તો...? તેમાં અમારા નાનકાને તો બેસણામાં સમઝ પડે જ નહિ. એને તો એમ જ કે, બેસણામાં જવાનું એટલે, જેને ત્યાં જવાનું હોય, તે યજમાને બારણામાં બે પહેલવાન ઉભાં રાખ્યાં હોય. જે આપણી પાસેથી સુખડનો હાર લઇને, આંસુ નુંછવાનો એક રૂમાલ હાથમાં આપતો હોય. પછી આપણા બંને ખભા, જોરથી દબાવીને એ બેસાડી દેતો હશે....! ને જે કોઈ દિવસ સખણો બેઠો જ નહિ હોય, એવાં નાનકાને બેસણામાં સમઝ જ નહિ જ પડે, એ સાવ સીધી વાત છે. આવાં નાનકાની પણ આપણે ત્યાં ક્યાં ખોટ છે....?

ધરતી ઉપર કેટલાંય આવ્યાં, ને કેટલાય ચાલી ગયાં. આ ‘ બેસણું ‘ શબ્દની ઉત્પતિ કયા ઉત્પાતિયાએ કાઢેલી એને હું શોધું છું. ને ભારત તો આ બાબતે એટલો સ્વાવલંબી કે, વગર હૂંડિયામણે એને પાછો ‘ એક્સપોર્ટ ‘ પણ કરે...! ફોરેનમાં પણ ‘ બેસણા ‘ ચાલે. ને ત્યાં તો ભાષણબાજી પણ કરે કે, ‘ જે ભાઈ અત્યાર સુધી ઓન લાઈન હતાં, એમનો સીમકાર્ડ આજે મોબાઈલ છોડીને ચાલી ગયો છે. તેઓ ભલે માત્ર ફેઇસબુક માં જ જોવાના મળતાં. પણ કોઇપણ બાબતને લાઈક આપતાં. એમના કેટલાય ફ્રેન્ડને તેઓ રઝળતા મુકીને ચાલી ગયાં છે. એમના નિધનથી, આપણે એક ‘ ગુડ મોર્નિંગ ‘ ને ‘ ગુડનાઈટ’ ની શુભેચ્છા ગુમાવી છે. એમનો પરિવાર એમની આ એપ્સને ચાલુ રાખે એવી શુભકામના....! ‘ તારી ભલી થાય તારી....!!

ચમનિયાના મગજમાં ઘૂઘવાતા અનેક જટિલ પ્રશ્નોમાં, આ પણ એક પ્રશ્ન છે કે, માણસ દુનિયામાંથી ‘ એક્ઝીટ ‘ લે ત્યારે ‘ બેસણા ‘ રાખવામાં આવે. એમ ઉપરવાળા ‘ ડીસ્પેચ ‘ કરતી વખતે કોઈ ‘ ઉભણા ‘ જેવા ફંકશન રાખતાં હશે ખરાં કે....? મતલબ કે, ધરતી ઉપર પાર્સલ રવાના કરતી વખતે કોઈ ’ સ્ટેન્ડીંગ ઓવીએશન ‘ જેવું આપતાં હશે ખરાં કે....? બોલ્લો....આવાંના કપાળમાં કાંદા નહિ ફોડાય તો શું, કાકડી ફોડવાની....?

પણ.....સીરીયસમાં સીરીયસ મામલામાં પણ જે હસવાનું શોધી કાઢે, એનું નામ ચમનીયો.....! એવાંને તકવાદી પણ નહિ નડે, અને આતંકવાદી પણ નહિ નડે. પાછો કહે, ‘ ય ધાડ પાડવી હોય તો, કોઈ રઈસના ઘરે જ પડાય. કડકાબાલુસને ત્યાં જઈને પાડીએ તો આપણા હાથમાં શું આવે....? હાસ્ય તો કરુણામાં જ ઝામે. મંગલમાં કરુણતાના છાજીયાં નહિ લેવાય....!

જુઓ ને, બેસણામાં પણ લોકો જાણે રિસેપ્શનમાં આવ્યાં હોય તેમ, કેવાં ઠાઠથી આવે જ છે ને...? કોઈ સ્નેહ સંમેલનમાં આવ્યાં હોય એમ, બેઠાં પછી કોઈની ને કોઈની સળી જ કરતાં હોય ને....? બેસણું દુખદ છે. જેને ત્યાંથી કોઈ ‘ ઉભણું ‘ માણસ કાયમની વિદાય લે, તેને ત્યાં જ બેસણું આવે. બાકી કેટલાન ઉભણા તો એવાં હોય કે, એને ત્યાં કુતરા પણ ઓટલે બેસવા નહિ જાય.....? બેસણાણો મૂળ આશય એવો કે, આવીને બેસે એટલે મરનારના પરિવારને હુંફ મળે. ને આપણને લેશન મળે કે, ભાઈ ગમે એટલું કૂદો, છેલ્લે આજ અંજામ આવે છે બાવા....! બાકી ‘ બેસણું ‘ એટલે, બેસવું, બેઠક લેવી કે પલાંઠીવાળીને ઠરીઠામ થવાની ઉતરક્રિયા નથી. પણ બેસણું એટલે, બેસણામાં કેમ બેસવું, કેમ બોલવું ને જીવનમાં કેમ સખણા રહેવું એ જાણવાની એક વિદ્યાપીઠ પણ

હા.....! બેસણામાં જમાદાર જેવું ‘ પાવરફુલ ‘ મગજ લઈને નહિ જવાય. મગજ પોચું ને સ્વાદિષ્ટ રાખવું પડે. એટલાં માટે કે, ત્યાં આમપણ બધાં સાવ નવરાધૂપ જ બેઠાં હોય, એટલે મગજ ચાટવાવાળા પણ મળવાના. આપણે એની પણ તૈયારી રાખવાની ને...? એમને પણ આપણું મગજ ‘ ટેસ્ટી ‘ તો લાગવું જોઈએ ને....?

મોંઘવારી ને મૃત્યુ ક્યારેય અટકવાના નથી. સોના ચાંદીના ભાવ વધે એમ, ક્યારેક તો મૃત્યુ પણ એટલાં વધે કે, ઢગલાબંધ બેસણામાં જવા માટે આપણે પણ ‘ ટાઈમ ટેબલ ‘ બનાવવું પડે. ને ક્યારેક તો ઓવર ટાઈમ પણ કરવો પડે....! એમાં શિયાળા જેવી ઋતુ ચાલુ થાય, કડકડતી ઠંડી વાવા લાગે, ત્યારે તો જાણે મૃત્યુના જાણે ‘ સેલ ‘ ચાલતાં હોય, એમ બિલાડીના ટોપ ની માફક ‘ બેસણા ‘ ફૂટી નીકળે....! એ તો સારું છે કે, ડાઘુઓને સ્મશાનમાં મફત દાખલ થવા દે છે, નહી તો આપણે તો પાસ જ કઢાવવો પડે ને...? જેને મુકવા ગયાં છે, એ આપણા પોતાના પ્રસંગમાં ક્યારેય આવવાનો નથી, છતાં આપણે કેટલાં બધાં ઉધામા કરવા પડે છે નહિ....? પણ આને જ માનવીય વ્યવહાર કહેવાય....!

પઅઅણ... હવે તો મૃત્યુના મલાજાને પણ, એકવીસમી સદી આભાડવા લાગી છે. બેસણામાં જેવું સામસામેનું ‘ જય/જય ‘ પત્યું, એટલે, બેઠક લઈને ગામગપાટા ચાલુ...! જાણે રમેશ ચાંપાનેરીનો હાસ્યનો કાર્યક્રમ ચાલતો હોય, એમ ખીખી કરવા માંડે. પછી જેવી મરનારની ‘ પ્રીમાઈસીસ ‘ છૂટી, એટલે મરનાર જાય, હાંસિયામાં, ને પછી જીવતાની સળી કરવાનું શરુ થઇ જાય....! એમના ચર્ચાના મુદ્દા પણ જાણવા જેવાં હોય. ઠંડે કલેજે એવાં ગપાટા હાંકે કે, “ આ સર્જીકલ સ્ટ્રાઈકે તો દોસ્ત કમાલની બાજી પલટી નાંખી. પાક શરીફની તો હવા કાઢી નાંખી...! ત્યાં બીજો વળી નવો જ મુદ્દો છેડે. ‘ યાર....! રામદેવજી મહારાજને તો હવે ચાંદી પડી ગઈ....! મતલબ કે, એના પતંજલિના ધંધામાં ચાંદી પડી ગઈ....! યાર....હવે તો પતંજલિએ ઝેર જ બનાવવાનું બાકી રાખ્યું છે....! એ તો સારું છે કે, બાબા આપણી બાજુ આવ્યાં નથી. બાકી ‘ પતંજલિ ઊંધિયુ ને પતંજલિ ઉબાડિયું ‘ બનાવવાનું પણ એ નહિ છોડે. ને હજી જોયાં કરો. ઉતર પ્રદેશમાં હવે ભાજપની સરકાર આવી. એટલે, ધંધા ઉદ્યોગ ને સુખાકારી ત્યાં એટલી વધવાની કે, આપણે ત્યાં પાણીપૂરીવાળો એકેય શોધેલો નથી મળવાનો. પાણીપુરીવાળા બધાં હવે ઉતરપ્રદેશમાં જઈને વેપાર/ઉદ્યોગમાં લાગી જશે. ને એ લાગ જોઈને પછી રામદેવજી અહીં ધંધો ચાલુ કરશે. ‘ પતંજલિ પાણીપુરી, પતંજલિ ભેળપૂરી, પતંજલિ ચટણીપૂરી, પતંજલિ દહીપૂરી ને પતંજલિ રગડા પેટીસ વગેરે વગેરે ....! ‘ આપણને એમ થાય કે, આ બધાં ખરેખર બેસવા આવ્યા હશે, કે જીવતાની કબર ખોદવા....?

બેસણામાં મોટામાં મોટી તકલીફ હોય તો ઘૂંટણની તકલીફવાળા ને....! જ્યારથી જમવામાં બુફેના વાવાઝોડા ફૂંકાવાના શરુ થયાં, ત્યારથી ઘણાંની ઘૂંટણની ઢાંકણી બેફામ બની બેઠી. પલાંઠીવાળીને જમવાની તો હવે સંસ્કારિતા જ ફૂંકાવા માંડી. ને પેલી પલાંઠી માણસની દુશ્મન બની ગઈ. ‘ જેને પીએચડી ‘ કરવાની તડપ છે, અને પીએચડી કરવાનો કોઈ વિષય જડતો ના હોય, તેમણે આ મામલે ટ્રાઈ મારવા જેવી છે. એમાં ગુજરાતીએ તો ખાસ ટ્રાઈ મારવાની....! કારણ ગુજરાતીને ઘૂંટણ સાથે પેટના પટારા પણ બોનસમાં મળેલા છે.

બેસણું એ બેસણું છે, ને બેઠક એ બેઠક છે. બંને વચ્ચે, બોરીવલી, કાંદિવલી, ડોંબીવલી જેટલું છેટું....! બેસણામાં જો કોઈને સરખા બેસવાનું કહીએ તો, એ સામો થાય કે, ‘ મને કંઈ ‘ પાઈલ્સ ‘ નથી થયાં કે, તમારે સલાહ આપવી પડે....! ‘ કોઈ એક માણસ ઉકલી જાય તો જ કોઈનું બેસણું આવે. બાકી કોઈના ઓટલે બેસી ઘરાર બેઠક લઈને ખાડા પાડતું હોય, તો તેને માત્ર ‘ બેઠક ‘ કહેવાય, બાકી બેસણું નહિ કહેવાય.....!

બેસણામાં આવનારો માણસ એટલે નખશીખ અભિનય સમ્રાટ. એ આવે ત્યારે તો એટલો ડાહ્યો લાગે કે, એની સાથે ૭૨ પેઢી સુધીના સંબંધ બાંધવાની આપણને ઈચ્છા થઇ આવે. ઓસામા બિન લાદેન....આઈ મીન ‘ એબીએલ’ આવ્યો હોય, તો એ પણ આપણને શાંતિ સમિતિના પ્રમુખ જેવો લાગે...!

બેસણામાં આવનારની એન્ટ્રી જોઈએ તો, આપણને એનો ચહેરો એવો ભારેખમ્મ લાગે કે, જાણે મરનાર પરિવારના જીવન નિર્વાહ માટે, પાંચ મહિનાનું સીધું માથે ઉપાડીને નહિ લાવ્યો હોય....? એક જન તો આવતાંવેંત મરનારના મુખ્ય માણસના ખભે માથું ટેકવીને એવાં જોરથી પોક મૂકી કે, આજુબાજુના કુતરા પણ ભસતા થઇ ગયાં. પેલા વડીલના ખભે બિચારાને જુનું ફેકચર હોય. પણ શોકસભાના ભર્યા દરબારમાં એવું થોડું કહેવાય કે, “ ઝટ માથું ઊંચકને ભાઈ....! મારા ખભે જુનું ફેકચર છે. તેં તો મારું ફેકચર ચચરાવી નાંખ્યું.....!

જે હોય તે, આજે તો એક શોકસભા જ બચી છે કે, જેમાં વિધાનસભા, લોકસભા, ગ્રામસભા કે ચૂંટણીસભા જેવા ડખા નથી થતાં. કોરમની ચિંતા નથી. એમાં કોઈ એજન્ડા નથી હોતા. ને વિરીધપક્ષ તો હોય જ નહિ, એટલે ખુરશી/ટેબલ પણ નથી ઉછળતાં. પણ.....આપણે જો આપણા વખાણ સાંભળવા હોય તો, આપણે એકવાર મરવું પડે, એ આજની દુનિયાનો શિષ્ટાચાર છે....!

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED