Coffee House - 40 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ , પાર્ટ-૪૦

કોફી હાઉસ પાર્ટ – ૪૦

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે પ્રેયની વાત માનીને ઓઝાસાહેબ બીજે દિવસે મહોત્સવમાં જવા માટે રાજી થઇ જાય છે. પ્રતાપભાઇને આવતા મોડુ થઇ જતા ઓઝાસાહેબ અને બધા ત્યાંથી નીકળી જાય છે, પ્રતાપભાઇના ફોનથી દાસભાઇ તેમને લેવા ફરી કોફીહાઉસ પહોંચે છે ત્યાં રસ્તામાં તેને માન્યતા મળે છે અને બધા સાથે મહોત્સવ સ્થળે પહોંચે છે. એકબીજાને મદદ કરી બધા ખુશી અનુભવે છે. હવે વાંચીએ આગળ.....)

“સાલા ઓઝા, તુ આજે બહાર આવ, તારી ખેર નથી આજે.” પ્રતાપભાઇએ આવતા જ ઓઝાસાહેબને ધમકાવતા કહ્યુ પણ ઓઝાસાહેબ તો છાનામાના બેઠા જ રહ્યા. તેમણે કાંઇ પ્રતિકાર કર્યો નહી. “એ ઓઝા, શું થયુ તને? કેમ નિમાણો થઇને બેઠો છે?” દાસભાઇએ પુછ્યુ. “શું દાહળા, અહી આવવાની મહેનત માથે પડી, આજે તો માન્યતા નામની છોરીનો કાંઇ કાર્યક્રમ જ નથી.” “તો હવે??? હવે શું કરવાનું?” “હવે શું કરે? ચાલો આપણે જઇએ. પ્રવીણ્યો તો ક્યારનો બહાર નીકળી ગયો. હું તમારી રાહ જોતો અહી બેઠો.” “હા એ સાચી વાત છે, ચાલો આપણે તેની પાસે જઇએ, નહી તો એ પણ દેવદાસની જેમ ન કરવાનું કરી ન બેસે?” બોલતા બધા ઉભા થઇ બહાર નીકળતા થયા. “કાકા, સાચે જ મારી કિસ્મત મારાથી એક કદમ પાછળ છે, તેથી જ કુંજન મને મળતા પહેલા જ મારાથી દૂર થઇ જાય છે.” “બસ હવે આમ નાસીપાસ થવાનું છોડ, આપણે અહી કોઇને પુછીએ અને માન્યતા વિષે જાણીએ, તે ક્યાં ઉતરી છે? ક્યાંથી આવી છે, એ બધુ જાણીએ તો કાંઇક આપણી વાત આગળ વધે.” પ્રતાપભાઇએ સુઝાવ આપતા કહ્યુ. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં જ એક ગૃપ સામેથી આવતુ બધાએ જોયુ. તેમના પહેરવેશ પરથી જણાઇ આવતુ હતુ કે તેઓ પરફોર્મર જ છે. તેઓ બધા વાતો કરતા ઉભા હતા ત્યાં જ ઓઝાસાહેબ તેમની પાસે પહોંચી ગયા. “દિકરાઓ, એક વાતનો જવાબ આપશો મને?” “કહો ને કાકા, શું હેલ્પ કરીએ તમારી?” “ગઇકાલે આ સ્ટેજ પર માન્યતા મુખર્જીએ નૃત્ય કર્યુ હતુ, મારે તેને મળવુ છે. તેના નૃત્યનો હું......, પેલુ તમે યુવાનો શું કહો????” “ફેન.... કાકા, ફેન........” “હા એ જ, હું ફેન બની ગયો માન્યતાનો.” “કાકા, આજે તો માન્યતા મેડમનો કોઇ ડાન્સ છે નહી પરંતુ તે અને તેમનુ ગૃપ પ્રેસિડેન્ટ હોટેલમાં ઉતર્યા છે તે અમને ખબર છે.” “પ્રેસિડેન્ટ હોટેલનું નામ સાંભળતા જ ઓઝાસાહેબની આંખો ચમકી ગઇ. તેઓ ખુબ રાજી થઇ ગયા અને દોડતા તેઓ નાના ભૂલકાઓને ભેટી પડ્યા પોતાની પાસે કાંઇ હતુ નહી તેથી તે યુવાનોને પ્રોત્સાહિત કરવા પોતાના ઝભ્ભા પર બધાના ઓટોગ્રાફ મેળવી તે દોડતા ત્યાં આવી પહોંચ્યા જ્યાં દાસભાઇ અને બીજા બધા ઉભા હતા. “એય ઓઝા, આ શું વાંદરાવેળા આદર્યા છે?” “અરે દાહળા, મારી વાત સાંભળીશ તો તું પણ આમ જ વાંદરાવેળા કરવાનુ શરૂ કરી દઇશ.” “કેમ? એવુ તે શું જાણી આવ્યો તું? કાંઇ કુબેરના ખજાનાનાઓ રાઝ મળી ગયો?” “હા દાહળા હા, આપણા પ્રવીણ્યાનો કુબેરનો ખજાનો, મતલબ પેલી માન્યતા પ્રેસિડેન્ટ હોટેલમાં જ ઉતરી છે. પ્રવીણ્યાના કોફીહાઉસની સામે જ. આ તો એવુ બન્યુ કે કાંખમાં છોકરુ ને ગામમાં ઢંઢેરો. માન્યતા નજીકમાં જ રોકાઇ હતી અને આપણે તેને અહી છેક શોધવા આવી પહોંચ્યા.”

ઓઝાસાહેબની વાત સાંભળી બધા ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા, દાસભાઇ પ્રતાપભાઇ અને ઓઝાસાહેબ મંડલાકારે નાચવા ગાવા અને ઝુમવા લાગ્યા.

“ચાલો હવે અહી કાંઇ કામ નથી, આજે તેનો ડાન્સ નથી એટલે સાયદ તે હોટેલમાં જ હશે. આપણે તેને ત્યાં જ મળી આવીએ. આપણે ઓટોગ્રાફનું બહાનુ કરી તેને મળવા જઇશું એટલે કાંઇ પ્રોબ્લેમ ન થાય.” ઓઝાસાહેબે સુઝાવ આપ્યો.

***

“આઇ એમ સોરી શ્યામા.સ્માઇલ પ્લીઝ.” માન્યતાએ પોતાની ભૂલ સ્વિકારતા કાન પકડતા કહ્યુ. “ઇટ્સ ઓ.કે. યાર, તુ અહી આવી એ જ મારે મન તો બહુ મોટી ખુશી છે. હું ભલે તારા પર ગુસ્સે થઇ પણ મારો ઉદ્દેશ્ય તને ખુશ કરવાનો જ હોય છે. તારી સાથે જે બની ગયુ ત્યાર બાદ તુ મારી પાસે જ છે, મે તને ક્યારેય હસતા જોઇ નથી. ધીમે ધીમે તને મે સંગીત તરફ વાળી અને તારુ મન ડાઇવર્ટ કરવાની કોશિષ કરી તેમા પણ હું સંપુર્ણ સફળ ના જ રહી. તુ જ્યારે નૃત્ય કરતી હો ત્યાં સુધી તુ તારુ બધુ ભૂલી જાય છે પણ ત્યાર બાદ બીજી જ ક્ષણે તુ તારા દુઃખના સાગરમાં ડુબતી જ રહે છે.

“માન્યતા, હજુ તારી એટલી ઉંમર નથી કે તુ એકલી જીંદગી પસાર કરી શકે, આપણા જીવનને હંકારવા માટે પ્રેમરૂપી હુંફ અને હમસફરના સહારાની જરૂર પડે જ છે. હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું પણ ન તો તને એ હુંફ આપી શકું કે ન તારી હમસાયા બની શકું, તેના માટે જીવનસાથીની જ જરૂર રહે. હું જાણું છું કે તારે મન કોઇ બીજાનો વિચાર કરવો તેના કરતા મૃત્યુને વધુ પસંદ કરીશ પણ માન્યતા એવુ નથી કે બધા આ દુનિયામાં ખરાબ જ હોય છે, કદ્દાચ તને કોઇ દિલોજાનથી ચાહવાવાળુ મળી પણ જાય. મારી સલાહ પર વિચાર કરજે. તુ આજીવન મારી જોડે રહે તો પણ મને કોઇ પ્રોબ્લેમ નથી પરંતુ જે હુંફ તને તારા જીવનસાથી સાથે મળશે તે હુંફ હું તને નહી આપી શકું.”

“ઠીક છે, હું જરૂર તારી આ વાત પર વિચારીશ પરંતુ એ પહેલા મારો એક વિચાર છે, દ્વારીકા જવાનો. તે પવિત્ર ભૂમિમાં જઇ હું આ બાબતે પુનઃવિચાર કરવાની સરૂઆત કરવા ઇચ્છું છું. નેક્ષ્ટ બે દિવસ તો આપણા ગૃપના જ પરફોર્મન્સ છે, તો આપણે બન્ને દ્વારીકા જઇ આવીએ. છેલ્લા દિવસે મારુ પરફોર્મન્સ છે ત્યારે તો આપણે આવી જશું.” “હવે આ બાજુ તો હું ક્યારે પાછી આવું? આવુ કે નહી તે પણ મને ખબર નથી તો છેલ્લી વખત ભગવાન દ્વારીકાધીશને નમી મારા નવા જીવનની સરૂઆત કરવાના આશિર્વાદ મેળવવા ઇચ્છું છું, તેમા તુ મને સાથ આપીશ.” “તુ જો તારા જીવનની નવી સરૂઆત કરવા જઇ રહી છે તો મારા શ્વાસ તને આપી દઉ. ચાલ કાલે વહેલી સવારે જ આપણે નીકળી જઇએ દ્વારીકા જવા માટે. હું રોઝી અને બીજા બધા મેમ્બર્સને સમજાવી દઇશ.” “થેન્ક્સ શ્યામા.” આંખ ભરાઇ ગઇ બન્ને સખીઓની અને એકબીજાને ભેટી પડતા બન્ને રડી પડી. “બસ કર માન્યતા, આ આંસુ તુ મારી પાસેથી વિદાય લે તેના માટે બાકી રાખ, અત્યારે જ બધા આંસુને વહાવી દેવા છે કે શું? દિકરી તેના મા-બાપના ઘરેથી વિદ્દાય લે ત્યારે તેને અઘરૂ લાગે છે જ્યારે તુ મારા ઘરેથી વિદ્દાય લઇશ ત્યારે એ વેળા આપણા બન્ને માટે કપરી થશે. હવે આંસુ પોંછ અને આપણે બન્ને હોટેલ જતા રહીએ, થોડુ પેકીંગ પણ કરવુ પડશે અને આરામ પણ. તુ અહી રાહ જો, હું રોઝીને બધુ સમજાવીને આવુ જ છું.” “ઓ.કે.”

***

“કાકા અત્યારે રાત્રીના અગિયાર વાગ્યા છે, અત્યારે હોટેલમાં જવુ યોગ્ય જણાશે?” પ્રેય બોલ્યો. “આ વખતે યોગ્ય-અયોગ્ય કાંઇ મારે નથી વિચારવું. તુ કહે તો ભલે અને ના પાડે તો ભલે, હું તો માન્યતાનો ફેન બની અત્યારે જ હોટેલ જવાનો છું. બોલ તારે આવવાનુ છે કે???” ઓઝાસાહેબે પોતાનો નિર્ણય જણાવ્યો અને હોટેલની અંદર જવા તેના કદમ ઉપાડ્યા. “ચાલ માન્યતા આપણે નીકળીએ. મે રોઝીને બધુ સમજાવી દીધુ છે. આવતીકાલે સવારે પાંચ વાગ્યે આપણે અહીથી નીકળી જઇશું.” શ્યામાએ બહાર આવતા જ કારમાં બેસતા કહ્યુ અને બન્ને હોટેલ તરફ રવાના થઇ ગઇ. “એક્સક્યુઝ મી, માન્યતા મુખર્જી ક્યા રૂમમાં ઉતર્યા છે? અમે તેમને મળવા આવ્યા છીએ.” ઓઝાસાહેબે રીશેપ્શન કાઉન્ટર પર પુછ્યુ. “રૂમ નં ૨૫ સેકન્ડ ફ્લોર.” સામેથી લેડીએ જવાબ આપ્યો અને બધા બીજા માળે જવા દોડી નીકળ્યા. “સારૂ છે અત્યારે ટ્રાફીક ન હતો, નહી તો આ રસ્તો પાર કરવામાં ભારે પડી જાય. દસ મિનિટનો રસ્તો પાર પાડતા અડધી કલાક તો આરામથી જતી રહે.” પાર્કીંગ ઝોનમાં કાર પાર્ક કરતા શ્યામા બોલી. “હા યાર, ચાલ જલ્દીથી ફ્રેશ થઇ સુઇ જઇએ મને પણ બહુ જ થાક છે અને વળી કાલે વહેલુ ઉઠવાનુ થશે.” બન્ને વાતો કરતી અંદર જવા લાગી.

“આજે તો પ્રવીણ્યાના પ્રશ્નનો જવાબ લીધે પાર, આજે ખબર પડી જ જશે કે એ છોરી કુંજન છે કે માન્યતા. બરોબર ને દાહળા???” ઓઝાસાહેબ પગથીયા ચડતા બોલ્યા. “ઓઝા તને તો શું ઉત્તાવળ આવી છે એ જ કાંઇ સમજાતુ નથી, લિફ્ટ હતી પણ કોઇનું કાંઇ સાંભળ્યા વિના મંડ્યો પગથીયા ચડવા અને તારી પાછળ અમારે પણ પગથીયા ચડવા પડે છે.” દાસભાઇએ પરસેવો લુંછતા કહ્યુ. “તુ દાહળા વૃધ્ધ થઇ ગયો છે. મારી જેમ સવાર સાંજ કસરત કરતો જા એટલે આ ઘુંટણ નહી દુખે, સમજ્યો?” કહેતા ઉત્સાહથી સૌની પહેલા દોડતા પગથીયા ચડવા લાગ્યા. “યાર, આજે તો પગ બહુ દુખે છે, લિફ્ટમાં જઇએ હો.” શ્યામા બોલી ઉઠી. “અરે યાર, શરિર માટે કસરત જરૂરી છે. ચલ ફટાફટ મારી સાથે પગથીયા ચડવાનું શરૂ કરી દે.” કહેતી માન્યતાએ પગથીયા ચડવાનુ શરૂ કર્યુ અને શ્યામા પણ પાછળ પાછળ મોઢુ વકાસતી પગથીયા ચડવા લાગી. “હે ભગવાન, પ્રવીણ્યા તુ ખરેખર માઠો જ છે. ડોર તો લોક્ડ છે.” ઓઝાસાહેબે તાળુ જોતા કહ્યુ. “ઓઝા, આ બધુ તારા કારણે જ થયુ છે. નીચે વ્યવસ્થિત પુછ્પરછ કરીને ઉપર હાલતુ થવાય ને? કારણૅ વિનાના આટલા પગથીયા ચડ્યા.” દાસભાઇ ભંવા ચડાવીને બોલી ઉઠ્યા. “માફ કરજે ભાઇ.” “કાકા જો લિફ્ટ નો દરવાજો ખુલ્યો, ચાલો અત્યારે આપણે અહીથી નીકળીએ. નીરાંતે કોફીહાઉસમાં બેસીને ચર્ચા કરીએ.” પ્રવીણે કહ્યુ અને બધા લિફ્ટમાં અંદર જતા રહ્યા. “હાશ..... આ પગથીયા તો મને હિમાલય ચડવા જેવા કપરા લાગ્યા આજે.” શ્યામા અને માન્યતા હોટેલ રૂમ પાસે પહોંચ્યા અને આ બાજુ લિફ્ટનો દરવાજો બંધ થયો.

“કાકા, તમે આ રીતે ટેન્શનમાં ન આવી જાઓ. આપણે એક કદમ આગળ તો આવ્યા. આપણને ખબર તો પડી કે માન્યતા સામેની હોટેલમાં જ રોકાઇ છે. અત્યારે આમ પણ બહુ મોડુ થઇ ગયુ છે, હોટેલ ક્યાં દૂર છે? આપણે આવતીકાલે સવારે તેને મળી આવીશું.” ઓઝાસાહેબ અને બધાને કોફી આપતા પ્રેય બોલ્યો. “હા સાચી વાત છે પ્રવીણની. આપણે કાલે ચઢતા પહોરે માન્યતાને મળવા જઇશું.”

“વાહ, તો એ વાત પર ચાલો ગરમાગરમ ગાઠીયા જલેબી ખાઇએ.” ઓઝાસાહેબ રાજી થતા બોલી ઉઠ્યા. “ઓઝા જરાક સમય તો જો. હજુ તને પેટમાં નાખવાની ઇચ્છા છે? કાંઇક લીમીટ હોય પછી, આ તો જ્યારે જોઇએ ત્યારે બસ ગાઠીયા જલેબી પકોડા પાણીપુરી..... બીજુ કાંઇ સુઝે કે નહી?” પ્રતાપભાઇએ કહ્યુ. “સાચી વાત છે. ચાલો હવે સૌ સૌના ઘરે નીકળીએ અને કાલે આઠેક વાગ્યે પાછા અહી જ મળીએ. બરોબર ને ઓઝા?” “હા બરોબર. ચાલ પ્રવીણ્યા, જય દ્વારીકાધીશ. કાલે ભેગા થશું.” કહેતા આખી ટોળકી વીખેરાઇ પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. “હે ભગવાન, હવે મારી કસોટી ન લેજો. આ લોકો સાથે હોઉ છું ત્યારે હું ચહેરા પરથી મક્કમ હોવાનો ઢોંગ કરું છું પણ હવે હું મનથી ભાંગી પડ્યો છું. દરેક વખતે હું કુંજથી એક કદમ દૂર રહી જાંઉ છું. મૃગજળની જેમ કુંજ મને સામે હોય તેમ જ ભાસ થાય છે પણ બીજી જ ક્ષણે તે મારાથી હજારો કિલોમીટર દૂર હોય તેમ લાગે છે. એક રીતે જોઇએ તો આ બધુ જે થાય છે તે મારી સજા જ છે. જ્યારે હું કુંજને કાંઇ કહ્યા વિના તેનાથી દૂર જતો રહ્યો ત્યારે તેની મનોસ્થિતિ પણ સાયદ આવી જ કાંઇક થઇ હશે. મારી સાથે તો ખેર આ વયોવૃધ્ધ અનુભવી મિત્રો છે પણ કુંજ સાથે તો એ વખતે કોઇ તેને આધાર આપવાવાળુ પણ ન હ્તુ તો તેની શું હાલત થઇ હશે??? હું જાણું છું કે આ બધી હાલત માટે હું જ જવાબદાર છું પણ ભગવાન હવે બસ કરો. હવે મને અને કુંજને મળાવી દ્યો. હવે આ છુપાછુપીની રમત રમવાનુ રહેવા દ્યો મારા નાથ હવે બસ પ્રભુ હવે બસ.”

“હે ભાગ્યવિધાતા, શું કામ દિલ જેવી નાદાન ચીજ તે બનાવી??? મનથી વિચારુ તો મગજ સાથ આપતુ નથી અને મગજની વાત માનુ તો મન કાંઇક અલગ કહેવા લાગે છે. મારુ મગજ મને સાથ નહી આપે તો સમાજ મને પાગલ માનશે અને જો દિલ સાથ નહી આપે ત્યારે તો શરિરમાં પ્રાણ જ નહી રહે. દિલ અને દિમાગ વચ્ચેની આ લડાઇમાં એવી તે દ્વિધામાં ફસાઇ છું કે કઇ બાજુ જાંઉ તે કાંઇ સુઝતુ જ નથી એટલે જ હવે તારા દ્વારે આવી રહી છું ભગવાન. ખુલ્લા પગે આપની વસાવેલી દ્વારીકાનગરીમાં મારે મનના બધા પ્રશ્નોના જવાબ મેળવવા છે. શ્યામા કહે છે, નૃત્યને જ મારુ જીવન બનાવી હું આગળ વધુ પણ મારુ મન કાંઇક બીજુ કહે છે. કોઇપણ ઇમારતની મજબુતી તેના પાયા પર નિર્ભર હોય છે તેવુ જ જીવનનું છે, જ્યારે મારા જીવનના આધારસ્તંભ જ મારી સાથે નથી તો જીવનરૂપી મારી ઇમારતનું શું અસ્તિત્વ??? કાં તો મારા મનમાં ઘુઘવી રહેલા પ્રશ્નોના જવાબ મને આપજો અન્યથા હવે મારા જીવનનો અંત આણવા મને તાકાત આપજો પ્રભુ.” હોટેલના રૂમની બાલકનીમાં ઉભેલી માન્યતા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી જ્યારે બીજી બાજુ નીચે કોફીહાઉસના દ્વારે ઉભો પ્રેય ભગવાનને વિનવી રહ્યો હતો.

To be continued……

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED