Haay haay ye majburi books and stories free download online pdf in Gujarati

હાય હાય યે મજબુરી

હાય હાય યે મજબૂરી.....

બાદલ પંચાલ

.........મંદારે બારી ખોલી અને આકાશ તરફ નજર કરી. કાળા ભમ્મર વાદળો નાગપુરના આકાશમાં ઝળુંબી રહ્યા હતા. ૪૪°C સુધીનું તાપમાન ખમીને ધરતી ત્રાહિ પોકારી રહી હતી. આ પોકારમાં અવાજ નહોતો; પણ ચિત્કાર હતો. આ અવાજ સંભળાય એવો નહોતો; અનુભવાય એવો હતો. આવી જ કાળઝાળ ગરમીથી તપ્ત વિભા પણ અવાજ વિનાનો ચિત્કાર કરી રહી હતી મંદારને ! અને મંદાર પણ કાળા ભમ્મર વાદળોમાંથી વરસી જવા માંગતો હતો.

બે દિવસ પહેલા બેલગામથી નાગપુર આવતા પરાણે વિભાએ ઝાલી રાખેલો હાથ તો છોડાવેલો ; પણ ત્યારથી અભી હાલ લગી વિભાએ ઝાલી રાખેલું મન ન છોડાવી શક્યો. મંદાર અબુધપણે સંવેદનાઓના આ માયાઝાળમાં ફસાઈ રહ્યો હતો. એને શું થઇ રહ્યું છે એની સુદ્ધા એને ભાન પડ રહી નહોતી. જો કે બેલગામમાં પોતાના ઘરે એ હરવખતે જતો. થોડા દિવસ રહેતો. આઈ- બાબા- જયસિંગ સાથે મન ભરીને વાતો કરતો અને પાછો પોતાના કામે નીકળી જતો. ક્યારેક મુંબઈ, તો ક્યારેક પૂના તો ક્યારેક નાગપૂર!

છેલ્લા ત્રણ વરસથી એ હોટલમાં કામ કરતો. હોટલ મેનેજમેન્ટનું ભણ્યા પછી તરત જ તે પૂનાની 'ધ પ્રાઇડ ' હોટલમાં જોડાયો. ત્યાંથી પછી મુંબઈની ' JW મેરિયેટ' અને હોટલ 'ધ લલિત' અને છેલ્લા છ મહિનાથી નાગપુર ની 'લિ મેરિડીયન ' હોટલમાં....અહીંયા નાગપુરમાં આવવાના નિર્ણય પર મંદારને તેના મિત્રો ખૂબ ઠપકારતા. પણ તે આવ્યો એના બે કારણો હતા: પહેલું, તેનું ગામ - બેલગામ . આશરે ૨૦૦ કિ.મી દૂર. અને બીજું સાનિધ્ય - આઈ, બાબા, જયસિંગ અને ...અ....ને.....વિભા - એની પત્નીનું.

***

વર્ષો પહેલા કોલેજના વેકેશનમાં મંદાર બેલગામ જતો ત્યારે તેના બાબા એને ધકેલી જતા ખેતરે. બાબા અને મંદાર ખરે બપોરે ખેતરમાં કામ કરતા. પરાણે અને ના છૂટકે કામ કરતા મંદાર ગુસ્સામાં કહેતો: 'એકવાર હું મારુ હોટલ મેનેજમેન્ટનું ભણવાનું પતાવી દઉં, પછી તો એશો- આરામ. એરકન્ડીશંડ હોટલ, ખુલ્લું સ્વિમિંગ પુલ , ન્યૂટ્રિશિયશ ફૂડ, જિમ, પૈસા અને બધી સુવિધા. ત્યાં નહિ તડકો, નહિ આવી ગધ્ધામજૂરી !’

બાબા સપનામાં રાચતા મંદારને ટપલી મારતા :' બાળ, જ્યાં સુધી પ્રકૃતિના ખોળે રહીશ. ત્યાં સુધી તારી રોગપ્રતિકારક શક્તિ વધશે. પૌષ્ટિક આહાર પણ ઉગશે તો ખેતરમાં જ ને ? હોટલમાં સગવડો મળશે , સુવિધા મળશે, પૈસા મળશે.....પણ કુદરતનો ખોળો તું ગુમાવી દઈશ.'

મંદાર એકીટશે બાબાને જોઈ રહેતો : બાબાની આંખોમાં ચમક હતી . પાણીદાર ચમક.' હું તો હજુયે કહું છું, છોડી દે આ ભણતર . નથી જરૂર કોઈ હોટલમાં કામ કરવાની.'

બાબાએ મંદારના ગાલ પર પોતાનો હાથ પસવાર્યો, પણ મંદાર બોલ્યા વિના રહી શક્યો નહિ : ' નહિ બાબા, બેલગામની બહાર પણ એક દુનિયા છે.ઝગારા મારતી, રોશનીથી ભરપૂર.' પછી અટકીને ઉમેર્યું :' તડકો નહિ, રોશની......'

..............અને બાબા હસતા.

...........અને ક્યારનુંય મંદારની આંખોના ખૂણે તોળાઈ રહેલું પાણીનું ટીપું ખરી પડ્યું! મંદારે બારીની બહાર જોયું અને કાળા ભમ્મર વાદળોમાંથી ધોધમાર વર્ષા થવા લાગી હતી. મંદારના મોબાઈલમાં વોટ્સઅપ ટોન વાગી. વિભાનો મેસેજ હતો . મંદારે અધીરા થઈને મેસેજ ઓપન કર્યો. વિભાએ ગીત મોકલ્યું હતું. મંદારે ગીત પ્લે કર્યું. લતા મંગેશકરનો રણઝણતો અવાજ એના રૂમમાં ફેલાયો. :

હાય હાય યે મજબૂરી, યે મોસમ ઓર યે દુરી ,

મુજે પલ પલ યે તડપાયે ,

તેરી દો ટકીયે કી નોકરી મેં મેરે લાખો કા સાવન જાયે ......'

મંદારને વિભાનો સોહામણો, નમણો અને લજ્જાશીલ ચહેરો દેખાયો. ગુલાબી ઝાંયવાળો તગતગતો ચહેરો ! જેના પર કાંપતા, સૂકા અને તડ પડી ગયેલા હોઠ, જે મંદારના હોઠ પર લસરવા આતુર હતા. પ્રતીક્ષાની લંબાયેલી પળોએ એમાં તડ પડી નાખેલી. અને આ જ ચહેરા પર પ્રતીક્ષામાં રત બે પહોળી આંખો ! એ આંખોમાં આંજેલું કાજળ જાણે આંખોની એકલતાનો ઘેરો અંધકાર દર્શાવતું હતું. વિભાનો આવો ચહેરો કલ્પીને મંદાર ધબકાર ચૂકી ગયો. અને ત્યાં જ મંદારનો મોબાઈલ રણક્યો. મંદારની તંદ્રા તૂટી. એને ફોન ઉચક્યો : ' મંદાર , વ્હેર આર યુ ? ' સામે એના મેનેજર હતા. મંદારે સ્વસ્થ થતા જવાબ આપ્યો :' સર, આય એમ એટ હોમ . આય એમ કમિંગ ઈન ફિફટિન મિનિટ્સ'

સામે છેડે ફોન કપાઈ ગયો હતો. મંદારે મોબાઈલમાં ટાઈમ જોયો. ૭ વાગીને ૧૫ મિનિટ . મંદારને ધ્રાસ્કો પડ્યો.

સામાન્યરીતે, ૬ વાગ્યાની ડ્યૂટી પર તે સવારે પોણા પાંચે તો પહોંચી જતો. પછી સ્ટાફ રૂમમાં જઈ કપડાં ચેન્જ કરી પહોંચી જતો જીમમાં. સોલ્ડરપ્રેસથી લઈને ચેસ્ટ સુધીની બધી જ કસરતો એક કલાક કરતો અને ૧૦ એક મિનિટ સ્વિમિંગ કરીને ૬ વાગે ડ્યુટી પર !

પણ આજે તો ભયાનક મોડું થઇ ગયેલું. છતાંયે મંદારને હોટલમાં કોઈ જ કઈ ન કહેતું; ન તો એના બોસ, ન તો એના સહકર્મચારીઓ . કારણ સૌ કોઈ જાણતું. મંદારની ધગશ, લગન, પેશન..........રોજની ૮ કલાકની ડ્યૂટી પણ મંદારને ઓછી પડતી ! મંદાર રોજના ઓછામાં ઓછા દસથી બાર કલાક હોટલમાં વિતાવતો. હોટલની સર્વિસ કેવી રીતે વધુ ઈમ્પ્રુવ થઇ શકે થી લઈને હોટલના ડિઝાઇનમાં , ફૂડ ક્વોલિટીમાં , લાઈટિંગ સિસ્ટમમાં ,બધે જ મંદારનો ફાળો હતો . ઈન્ટરવ્યુ વખતે મંદારના બાસે મંદારને પ્રશ્ન કરેલો : " તમને ભવિષ્યમાં આ જોબ છોડવાની આવે ત્યારે એના માટે કયું કારણ કારણભૂત હશે ?"

બૉસના પ્રશ્ન પર કોઈ લાંબો વિચાર કર્યા વિના મંદારે કહેલું : " જે દિવસે હું આ હોટલને અને આ હોટલ મને કંઈ આપવા માં અસમર્થ હોઈશું , ત્યારે હું આ જૉબ છોડી દઈશ"

***

લગભગ સાડા નવ વાગ્યે મંદાર હૉટલ લિ મેરિડિયન પહોંચ્યો. સ્ટાફરૂમ માં જઈ યુનિફોર્મ પહેર્યો . અને તૈયાર થવા અરીસા સામે ઊભો રહ્યો અને અરીસામાંથી ઊપસી આવ્યો એ જ વિભાનો ગુલાબી ઝાયવાળો તગતગતો ચહેરો ! પણ ચહેરા પરનું નૂર છીનવાઈ ગયેલું. ઉદાસીનો ઓછાયો તગતગતા ચહેરા પર જામી ગયેલો. વિભાની આંખોમાંથી એકલતાનું, ખાલીપાનુ, ફરિયાદોનું, પ્રતિક્ષાનું તીર એક પછી એક મંદારના હૃદયનો ચીરીને આરપાર નીકળી રહ્યું હતું. ઘાયલ મૃગની જેમ મંદારની આંખો સુધી લોહી આવી ગયું હતું. આંખો લાલચોળ થઇ ગઈ હતી. એ રાત, એ સ્પર્શ, એ ચુંબન, એ ઉતેજના, એ હુંફાળો આલિગન, એ ચરમસીમા પર પહોંચ્યા પછી કેવું ખૂન કર્યું મંદારે ! મંદાર અંદર સુધી ખળભળી ઊઠયો. એર કન્ડિશન સ્ટાફરૂમ માં પણ મંદાર પરસેવે રેબઝેબ થઇ ગયો. એણે બે હાથે પોતાના ખભા સુધીના વાળ પાછળ કર્યા અને ફસડાઈ પડ્યો સોફા પર ..... મંદારે આંખો મીંચી. તીવ્ર ગતિએ એના શરીરમાં રક્તનો પ્રવાહ વહી રહ્યો હતો. જરાક એવી નસ ચીરો કે લોહીનો ફૂવારો ફૂટે ! એનું શરીર નખશિખ કાપતું હતું. મીંચાયેલી આંખોથી મંદાર સીધો બેલગામ ગયો .ત્યારે તો ઘરની રોનક જ બદલાઈ ગયેલી . બાબાએ ખેતરમાં જવાનું માંડી વાળેલું . આઇએ ચંદન ઘસીને મંદારને નવડાવેલો. મંદારની લાખ આનાકાની છતાંયે શરમાતા મંદારને આઇએ નાના બાળકની જેમ નવડાવેલો . એના ઘઉંવર્ણા શરીર પરપહોળા ખભા, એની વિશાળ ખુલ્લી છાતી, છાતી પરના વાળ, બે હાથમાં સમાય એવી બાહુ જાણે હરિયાણાના કોઈ પહેલવાનનું કસાયેલું શરીર.....બધું જ વિભા છૂપી નજરે રસોડાથી જોઈ રહી હતી. લગ્નની પહેલી રાત તો બેઉ જણા રીતિરીવાજો અને લગ્નની વિધિને લીધે લાગેલા થાકથી માણી શક્યા નહોતા. પણ આજે બંને જણ એ સ્વપ્નમયી અને મધૂરી રાત માણવા તરસતા હતા, તરફડતા હતા. બંને જણ એ રાતે બધા શણગાર ત્યજીને ઠંડી અને સુન્ન પડી ગયેલી લાગણીને ધીમી આંચ પર હૂંફાળી કરી રહ્યા હતા. એકબીજાના આલિંગનમાં ઓગળીને વહી રહ્યા હતા અફાટ સાગરમાં. એ રાતે બંને વચ્ચે ભિન્ન કહી શકાય એવું કઈ જ રહ્યું નહોતું. એ રાત આપીને મંદાર બીજે દિવસે નાગપુર જવા તૈયાર થઈને બહાર નીકળે એ પહેલા જ વિભાએ એનો હાથ ઝાલી રાખ્યો. જેમ તેમ નજર ચોરીને, હાથ છોડાવીને મંદાર નીકળી પડ્યો. બેલગામ બસ સ્ટોપે બસની રાહ જોતી વખતે બાબાએ પૂછેલું :' ક્યાં સુધી આ દોડ-ધામ કરવાની છે મંદાર? છોડી કેમ નથી દેતો આ નોકરી ?' મંદાર પાસે જવાબ તૈયાર હતો : 'આ દોડ-ધામથી થાક નથી લાગતો બાબા. જે દિવસથી થાક લાગશે તે દિવસથી કામનો મોહ નહિ રહે . ત્યારે જોબ હું જાતે જ છોડી દઈશ.'

બાબા અનુભવનો પટારો ખોલતા હોય એ રીતે બોલ્યા : 'મંદાર, પુરુષને કામનો થાક એટલા માટે નથી લાગતો કારણકે દરેક પુરુષ કામ પોતાના પરિવાર માટે કરતો હોય છે. જેથી એના પરિવારની ઈચ્છાઓ પૂરીકરી શકે. અને થાક ક્યારેય કામનો હોતો જ નથી . થાક તો સદાય અધૂરપનો, પ્રતીક્ષાનો, કોઈના સમીપ રહેવા ઝઝૂમતા અસ્તિત્વનો હોય છે. લાગણીઓનો થાક માણસને થકવી નાખે છે.'

બંધ આંખે સફર કરી રહેલા મંદારની આંખોમાંથી અસ્ખલિત આંસુ વહી રહ્યા હતા. એનું સમગ્ર અસ્તિત્વ તરફડી રહ્યું હતું વિભા માટે. વિભાની પ્રતિક્ષાથી તિતિક્ષા સુધી વિસ્તરેલી આંખોથી મંદારની આત્માના કાચની માફક કટકા થઇ ગયા. સ્ટાફરૂમના ઇન્ટરકોમની રિંગ વાગતા વીજળીનો કરંટ લાગ્યો હોય એ હદે મંદાર સોફા પરથી ઉછળ્યો. એની આંખો પહોળી થઇ ગયી હતી. ઘઉંવર્ણો ચહેરો રક્તવર્ણો થઇ ગયો હતો.પોતે ભયાનક પીડાનો અનુભવ કરી રહ્યો હતો. આ પીડા શેની હતી એ મંદાર પોતે પણ સમજવા અસમર્થ હતો. એક એક રક્તબિંદુથી લઈને આજ્ઞાબિંદુ સુધી બધું જ વિભાના કબ્જે થઇ ગયું હતું. શું આ જ છે અધૂરપનો થાક? પ્રતીક્ષાનો થાક? વિરહની પીડા? મંદાર ફરી ઝબક્યો, જયારે સ્ટાફરૂમની બેલ વાગી. ઘડિયાળ બપોરના બે વાગ્યાનો સમય બતાવી રહી હતી. પોતાની શિફ્ટ વગર કામ કરે પૂરી થઇ ગયી હતી. મંદાર એ જ કપડે, એ જ સ્થિતિ માં હોટલ લિ મેરિડીયનથી પોતાની રૂમ તરફ ચાલવા લાગ્યો.

***

આજે કદાચ પહેલી વાર જ એવું બન્યું હશે કે શાર્પ બે વાગે મંદાર હોટલ છોડીને ઘરે આવી ગયો. અને કદાચ એ પણ પહેલી જ વાર બન્યું હશે કે સવારે તે હોટલ મોડો પહોંચ્યો છતાંયે બે વાગ્યા સુધી કઈ જ કામ કાર્ય વગર ભારે હૈયે પાછો આવ્યો. મંદારના મનોમગજમાં વિચારશૂન્યતા વ્યાપી ગયી હતી. હોટલથી ઘરે પોતે સંપૂર્ણ અભાન અવસ્થામાં એ આવી પહોંચ્યો હતો. ઘરે આવીને તેણે ઠંડા પાણીનું શાવર લીધું અને ફરી બેસી ગયો બારીએ ………ધોધમાર વરસીને કાળા ભમ્મર વાદળો આકાશમાં નિરાંતે ઘૂમી રહ્યા હતા. ગરમીથી સંતપ્ત થયેલી ધરતી ઋતુના પહેલા વરસાદથી મઘમઘી રહી હતી. મંદાર પણ પોતાના સંતપ્ત મન પર ધોધમાર વર્ષા ઈચ્છી રહ્યો હતો. પણ એના સંતપ્ત મનને જ્યાં સુધી વિભાને નહિ મળે ત્યાં સુધી શાતા નહિ મળે એ હવે મંદારને સમજવા લાગ્યું હતું. ગઈ કાલથી આજ સાંજ સુધી ઘણી વખત વિભાના વિચારમાંથી મુક્ત થવા તે મથ્યો. પણ થોડી જ ક્ષણોમાં તે ફરી બંધાઈ જતો. સવારથી નાસ્તો, લંચ અને હવે ડિનર બધું જ ચૂકાઈ ગયું હતું, છતાંયે એને ભૂખનો કોઈ અહેસાસ નહોતો થઇ રહ્યો. સવારથી સાંજ સુધી હોટલમાં કંઈ જ કામ નહોતું કર્યું, છતાંયે કોઈ અપરાધીભાવ એના મનમાં ઝબક્યો નહોતો. સવારનું જોગિંગ, જિમ,સ્વિમિંગ , કસ્ટમર બિલિંગ , લંચનું મેનુ અને ડિનરની તૈયારી જેવા બધા જ અગત્યના કામ તે ભૂલી ગયો હતો. આ અવસ્થામાં બાબા સિવાય કોઈ જ મદદરૂપ થઇ શકે નહિ. મંદારે બાબાને ફોન જોડ્યો: 'કેમ છો બાબા? ઘરે આવી ગયા?' સામે છેડે ખેતરના વડલા નીચે પલંગ પર બેઠેલા બાબાએ કહ્યું :'ના રે બાળ, ખેતરે છું. કાલે ધોધમાર વરસાદ પડશે એવું લાગી રહ્યું છે.'

'હા બાબા , નાગપુરમાં વરસાદ આજે પડ્યો છે એટલે કાલે બેલગામમાં વરસાદ પાક્કો.'

'હા બાળ , મારી જેમ જ આ ધરતી, આ વડલો, પેલો મોરલો, આપણો કૂવો, બેલગામની પાલી નદી, વેનગંગા નદી, છોટા નાગપુરની ટેકરીઓ બધા જ મીટ માંડીને બેઠા છે વરસાદની'

મંદારને ફરી વિભાની બેનૂરી, પ્રતીક્ષારત આંખો દેખાઈ અને એ બોલ્યો :' બાબા , મારી આંખો ભારે થઇ ગઈ છે, હાથ પગ જાણે નિષ્ચેતન થઇ ગયા છે, મગજ અને મન જાણે હડતાલ પર ઉતર્યા છે. શરીરની સાથે સાથે મન પણ થાક્યું છે. બહુ બેચેની થાય છે અને દોડીને બેલગામ ભાગી આવવાની ઈચ્છા થાય છે.'

સવારથી એકસાથે, એકશ્વાસે આટલું બોલીને પણ મંદાર જાણે થાકી ગયો હોય એમ હાંફવા લાગ્યો : 'બાબા આંખો પર જાણે કોઈએ મણનો ભાર મૂક્યો હોય એમ એ ઢળી પડે છે. અને એને ફક્ત ને ફક્ત વિભા જ દેખાય છે. સવારથી જાણે ગરમ ભઠ્ઠીમાં બેઠો હોઉં એમ તપ્યા કરે છે આખું શરીર. ધડકનો તેજ થઇ ગઈ છે. લોહી હમણાં નસો ફાડીને બહાર નીકળી જશે એટલું તેજ વહે છે. પલંગની લાલ ચાદર જોઈને વિભાની સાડી યાદ આવે છે. પાણિયારે બંગડીનો અવાજ અને અરીસામાંથી એનો ચહેરો ઉપસે છે. હવાથી ફરફરતા પડદા એના ફરફરતા વાળની યાદ અપાવે છે. અહીં બારીએ બેઠો છું અને એ મને વારંવાર અડે છે ઠંડી લહેરખી બનીને ....'

મંદારે આંખો મીંચી, સામે છેડે બાબા સાંભળતા રહ્યા અને સ્મિત કરતા કહ્યું: ' બાળ આ તો રોગનું લક્ષણ છે.'

મંદાર ચમક્યો: 'રોગ? કયો રોગ?'

'તારી ઉંમરમાં આ રોગ લગભગ બધાને જ થાય છે. આ પ્રેમરોગ છે અને આ બધા પ્રેમવિરહના લક્ષણો છે. '

'બાબા મને કંઈ જ સમજાતું નથી હું શું કરું?'

બાબાએ ખૂબ જ વહાલથી કહ્યું: 'આ જ છે લાગણીઓનો થાક બાળ અને આ થાક તો તને વિભાને મળ્યા પછી જ ઉતરશે'

મંદારે નાના બાળકની કુતુહલતાથી પૂછ્યું :' આનું કંઈ સોલ્યુશન ?'

'હા, વિભા સિવાય બીજું કંઈ જ સોલ્યુશન નથી. વિભાનો વિરહ તને થકવી દેશે, વિભાનો પ્રેમ તને ક્યાંય જંપવા નહિ દે. તારે બધું જ છોડીને વિભા પાસે આવવું પડશે બાળ'

મંદાર હવે બધું જ સમજી ચૂક્યો હતો . એણે ફોન મૂક્યો અને બેગ ખોલી અને કપડાં સરસામાન ભર્યો. મોબાઈલમાં મેસેજ લખ્યો :' સર, મેં કહ્યુ'તું એ પ્રમાણે , હું હવે આ હોટલને અને આ હોટલ મને કંઈ પણ આપવામાં અસમર્થ છીએ એટલે આ હોટલ છોડી જવામાં જ છૂટકો. આને મારુ રેસીંગનેશન સમજજો .....'

મંદાર કાળા ભમ્મર વાદળોની દિશામાં બેલગામ તરફ જવા દોડ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED