ગયા આર્ટીકલથી આપને શિક્ષણની બોજારૂપ ગાંસડી સમા કેટલાક પ્રશ્નોને આપણી સામાન્ય વિચારધારાથી સમજવાનો પ્રયત્ન કર્યો. શિક્ષણ મેળવતો વિદ્યાર્થી હોય કે શિક્ષણ મેળવવા મથતો સામાન્ય માનવી હોય ; એને પ્રશ્નો થવા જ જોઈએ. અને એ પ્રશ્નોના વ્યાજબી ઉત્તરો પણ એણે શોધવા જોઈએ. તો જ શિક્ષણનું ખરું મૂલ્ય થાય.
ન્યુટનની ગતિનો બીજો નિયમ છે
કોઈ પણ વસ્તુના પ્રવેગમાં આવેલો બદલાવ એ વસ્તુ પર આરોપિત બળ અને આરોપિત દિશા પર આધારિત હોય છે.
એટલે બળની સાથે સાથે દિશા અનિવાર્ય છે.
ભારતની શિક્ષણપદ્ધતિ હંમેશા અર્જુનને દેખાતી ચકલાની આંખની જેમ નિશાન બની છે. આવતો જતો દરેક માણસ ભારતની શિક્ષણપદ્ધતિને ફૂટબોલની જેમ લાત મારીને નકરા વાતોના વડા તળ્યે જાય છે. પણ એને સમજવાની કે એમાં સુધારા કરવાની ત્રેવડ જન્માવી નથી શકતો. એવા જ બાકી રહી ગયેલા પ્રશ્નો સાથે ફરી શરુ કરીએ.
પ્રશ્ન: ભણતર કેવા પ્રકારનું હોવું જોઈએ ?
ઉત્તર : સર્કસમાં તૈયાર કરેલા સિંહ, વાઘ, હાથી, જેવું આપણું ભણતર છે. આપણે એની ઓરીજીનાલીટી જ ગુમાવી દઈએ છીએ. બધા જ વિદ્યાર્થીઓને આપણે એકસરખા હોશિયાર બનાવી દેવા છે. પણ એ કેવી રીતે શક્ય બને? કુદરતમાં પણ ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી, સુરજમુખી બધા ફૂલોની વિવિધતા છે. જયારે આપણું ભણતર બધાને ગુલાબ જ બનાવવા મથી પડ્યું છે!!
બાળક અઢી થી ત્રણ વરસનું થાય કે તેના માથે શિક્ષણના નામે એનું બાળપણ છીનવી લેવા આપણે મચી પડીએ છીએ . મોરારી બાપુ કહે છે તેમ " બહાર ધોધમાર વરસાદ વરસતો હોય અને ક્લાસરૂમમાં બાળકને આપણે 'મેહુલો ગાજે ને માધવ નાચે' કવિતા સમજાવતા હોઈએ કે પછી 'રેઇન રેઇન કમ અગેઇન' પોએમ શીખવતા હોઈએ ત્યારે શિક્ષણ પર દયા કાર્ય શિવાય બીજું કઈ ના થાય" આવા સમયે બાળકોને છોડીને વરસાદમાં નહાવા મોકલાય અને નહાતા નહાતા વરસાદનું ગીત ગુંજન થાય તો કંઈક જામે. પ્રાચીન ગુરુકુળ પદ્ધતિ નિસર્ગની સમીપ રહીને સ્થૂળથી સુક્ષ્મ સુધીની યાત્રા કરાવતી શિક્ષણપદ્ધતિ હતી . બંધ ક્લાસરૂમમાં આપણે બાળકનું પોતાનું આકાશ, પોતાની આભા, પોતાનું બાળકપણું અને બાળમાનસના પ્રશ્નો બધું જ છીનવી લીધું છે. મનુભાઈ પંચોલી કહેતા "આ અભણ, આ ભણેલા, આ પાસ, આ નાપાસ. એવા ધોરણો કેટલા તકલાદી અને તુચ્છ છે ! ઔરન્ઝેબ કઈ સાલમાં મરી ગયો એ વિદ્યાર્થીને યાદ ના હોય તો એ વિદ્યાર્થી જીવનમાં હારી નથી ગયો. એને નાપાસ કે ઠોઠ ગણી તેની આત્મશ્રદ્ધાનો નાશ ના કરો !! \
પ્રશ્ન : શિક્ષણ કેવો હોવો જોઈએ ?
ઉત્તર : એનો સ્ટ્રેટફોરવર્ડ જવાબ એટલે જેને વર્ષો પછી રસ્તે મળીયે તો સામેથી મળવાનું મન થાય એવા !!! આમ તો શિક્ષક એ બાળકનો સૌથી પહેલો આદર્શ છે. શિક્ષક ની ભાષા, વિચાર, વર્તવાની રીત , સમજાવવાની રીત, તેનો પ્રેમ અને વહાલ બધું જ બાળક સીસીટીવી કેમેરાની જેમ રેકોર્ડ કરે છે. શિક્ષકે સતત પોતાના જ્ઞાનને, પોતાની બુદ્ધિને, પોતાના વિદ્યાર્થીઓને અપડેટ કરતા રહેવું જોઈએ. સીલાબસના એક જ માળખામાં વર્ષોથી ગોખેલી કવિતા ભણાવી ભણાવીને શિક્ષક વિદ્યાર્થીઓની ચેતનાને મારી નાખે છે. ફાધર વાલેસ કહેતા કે " હું દર વર્ષે નવી નોટ્સ બનાવીશ. કોર્સ ના બદલાય તો કઈ નહિ પણ નોટ્સ તો બદલાય . દર વર્ષે નવી નોટ્સ લખતા શક્ય છે કે કૈક નવું મળી આવે."
આજકાલના શિક્ષણમાં પુસ્તક શિવાય, તેની ગાઈડ્સ, વધારાના પ્રશ્નોની પોથી જેવા સપ્લીમેન્ટસ પુસ્તકો રેડીમેડ મળે છે. જે બસ ગોખી નાખવાના ; સમજવાની તસ્દી નહિ લેવાની! જો આમ જ ભણવાનું હોય તો શિક્ષકની જરૂર શું ?? જે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સામે પ્રમાણિક નથી કે જે શિક્ષક ને આત્મનિરીક્ષણથી પોતાની જાત ‘શિક્ષક’ માટે યોગ્ય નથી લાગતી.....એમને દેશ ખાતર પણ ભણાવવું છોડી દેવું જોઈએ. (વિનંતી, ચેતવણી જે સમજવું હોય તે ...). શિક્ષક માટે તેનો દરેક વિદ્યાર્થી, તેનો દરેક બેચ, તેનો દરેક વિષય સરખા હોવા જોઈએ. દ્રોણાચાર્ય જેવો વિદ્યાર્થી ભેદ ના હોવો જોઈએ. આપના કવિ કૃષ્ણ દવે લખે છે
" એક હતો અંગુઠો ,એ પણ માંગી બેઠા દ્રોણ ,
એક્લવ્યનું કોણ બોલો ,એક્લવ્યનું કોણ ? "
સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ તેમના સ્કુલનો એક પ્રસંગ ટાંકતા લખ્યું છે કે એક દિવસ કેળવણીખાતાના ઇન્સ્પેકટર જાઈલ્સ જયારે તેમની નિશાળે આવેલા. ત્યારે તેમણે પાંચ શબ્દ લખાવેલા. જેમાં એક શબ્દ 'કેટલ' હતો. જેની જોડણી ગાંધીજીએ ખોટી લખેલી. ત્યારે તેમના શિક્ષકે તેમને બૂટની અણી મારી ચેતવ્યો અને પાસેના છોકરાની પાટીમાં જોઈ જોડણી સુધારી લેવાનો ઈશારો કર્યો. આમ એ પ્રસંગ લખીને ગાંધીજીએ શિક્ષણપદ્ધતિમાં ભણાવનાર શિક્ષકોના છોતરા ફાડી નાખ્યા. આજે પણ કોલેજોમાં કે સ્કુલોમાં ભણાવતા શિક્ષકો અને પ્રોફેસરો દબંગ બનીને વિદ્યાર્થીઓને સતાવતા જોવા મળે છે!!!
ક્લાસમાં એટેનડંસ ના આપવી, પરીક્ષામાં ના બેસવા દેવું, જર્નલ્સ અને વર્કબૂક ના તપાસવી, મહત્વના ડોક્યુમેન્ટ્સ પર એમની મામુલી સહી માટે દસ દિવસ રખડાવવું જેવા અઢળક કિસ્સા શાળા અને કોલેજોની દીવાલમાં દબાયા છે. યાદ છે ને થ્રી ઇડીયટ્સ મુવીના જોયનો કિસ્સો !!!!
પ્રશ્ન : વિદ્યાર્થી કેવો હોવો જોઈએ ?
ઉત્તર : વિદ્યાર્થી શબ્દ જ કહે છે જે વિદ્યાનો અર્થી હોય. વિદ્યા, જ્ઞાન, નોલેજ મેળવવા માટે તલપાપડ હોય, તરસ્યો હોય ....જો કે કોઈ અઢી વરસનું કોઈ બાળક જ્ઞાન માટે તરસ્યું હોતું નથી. છતાયે એ જિજ્ઞાસુ તો હોય છે. આપણી પરીક્ષાપદ્ધતિએ વિદ્યાર્થીને પરીક્ષાર્થી બનાવીને ગોખણપટ્ટીથી ચપચપ કરતો પોપટ બનાવી દીધો છે. રવીન્દ્રનાથ ટાગોરનું એક મજાનું કાવ્ય છે શુકેરશિક્ષા....એક પોપટને રટ્ટા મારતો પંડિત બનાવતી વ્યંગાત્મક કવિતા!! વિદ્યા જ શું કામ, કઈ પણ મેળવવા માટે માણસે નમ્ર બનવું પડે, જીહજૂરી કરવી પડે, પ્રશ્નો પૂછવા પડે, જવાબ માટે રાહ જોવી પડે. રામાયણના એક પ્રસંગ મુજબ રાવણના અંતિમ શ્વાસ વખતે રામ લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન મેળવવાનું કહે છે ત્યારે લક્ષ્મણ રાવણના મુખ પાસે આવીને જ્ઞાનપ્રાપ્તિ ની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે રાવણ જ્ઞાન આપવાની ના પાડે છે. લક્ષ્મણ રામને વાત કરે છે ત્યારે રામ લક્ષ્મણને સુંદર સલાહ આપતા કહે છે કે રાવણના ચરણ આગળ જઈને ઈચ્છા વ્યક્ત કર. માંગનારે હંમેશા ચરણ આગળ રહેવું જોઈએ!!
વિદ્યાર્થીમાં નવું જાણવાની જીજીવિષા હોવી જોઈએ. જે મેળવવા માટેનું એકસાઈટમેન્ટ જ ના હોય એ માથે પડેલું છે !! બાર વરસની ઉંમરે કંસને મારીને કૃષ્ણએ મથુરાની ગાદી ના સ્વીકારતા સંદીપની ઋષિ ના આશ્રમ આગળ દોટ મૂકી ; જ્ઞાન મેળવવા !!!
ભારતના પ્રવાસે આવેલા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહેલું કે "નોલેજ ઈઝ ધ કરન્સી ઓફ ટ્વેંટી ફર્સ્ટ સેન્ચુરી." નોલેજ જરૂરી નથી કે શાળામાં જવાથી જ આવે, પુસ્તકો વાંચવાથી આવે….. નોલેજ આપણી ક્ષિતિજો વિસ્તારવા માટે છે. અને નોલેજ આવતા જ આપણે આપણી જાતને વધુ સુરક્ષિત, વધુ વિચારશીલ, વધુ પ્રભાવી બનાવી શકીએ. ઘણી સ્કુલોમાં વિદ્યાર્થીઓ અને કોલેજોમાં યુવાપેઢી ટીચર્સની ટીખળ કરતા જોવા મળે છે. નબળો શિક્ષક ૬૦ થી ૮૦ વિદ્યાર્થીઓના વર્ગમાં ભાંગી પડે છે. આવા વિદ્યાર્થીઓ સુધી સચોટ જ્ઞાન પહોચતું નથી. આજની યુવાપેઢી પાસે બધી જ સવલતો હોવાથી તે થોડી ડાંગ થઇ ગઈ છે. શિક્ષકોની પ્રતિભા પર હસીને, તેમને અબ્યુસ કરીને ઘણા લોકો મજા લુટે છે. એવા લોકોનું જ્ઞાન તેમને વધુ સાથ નથી આપતું. હવે તો શિક્ષકો મારે કે વઢે તો બાળકના માતાપિતા શિક્ષકોનું જીવવું હરામ કરી નાખે છે. બાળકને વઢવાનો કે મારવાનો હક તો શિક્ષકોને આપવો જ રહ્યો. નહિ તો તેના મનમાં કોઈ ડર રહેશે જ નહિ. અને એ અભ્યાસ માં વધુ ઉકાળી નહિ શકે.
પ્રશ્ન : શિક્ષણ સાથે ધસી આવેલી મુલ્યાનાશક વાતો કઈ છે ?
ઉત્તર: એજ્યુકેશન વર્લ્ડમાં પ્રવેશતા બાળક રણમેદાનમાં ચક્રવ્યૂહ વચ્ચે ઘેરાયેલા અભિમન્યુ જેવી સ્થિતિમાં આવી જાય છે. મા- બાપ, શિક્ષક બધા જ તેના માથે પુસ્તકોના ઢગલા કરી નાખે છે. અને એ પુસ્તકોના ઢગલામાં બાળક પણ 'ઢ' ઢગલાનો 'ઢ' થઇ જાય છે. સરખા યુનિફોર્મમાં બેઠેલા બાળકને સરખા લેવેલ પર ટ્રીટ નથી કરી શકાતાં. સરખામણીની ગંદી નીતિ વાપરીને બાળકોને રેટ રેસમાં દોડાવવામાં આવે છે. ગળાકાપ સ્પર્ધામાં તેને જોતરી દેવામાં આવે છે. મગજની ગ્રહણશક્તિ કરતા વધારે તેના પર હેમરીંગ (હથોડા ઠોકવામાં) આવે છે. પછી એ ઉલટી જ કરે ને?!!
દસમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી - ત્રણ ભાષા, બે ગણિત, બે વિજ્ઞાન, સમાજશાસ્ત્ર (એમાં ૪ વિષય), કોમ્પ્યુટર,આઈ.ટી, પર્સનાલીટી ડેવલોપમેન્ટ જેવા દુનિયાભરના વિષયો !!
પછી તેના પર સારા ટકા (૮૦ થી ઉપર જ ) લાવવાનું કોન્સટન્ટ પ્રેશર. વિધ્યાર્થીજગતમાં નાપાસ થવાને લીધે થનારી આત્માહત્યાના પુષ્કળ કેસ છે.
પાસ થવાના ધખારા મારવા અને પાછું મગજમાં કઈ પેસે નહિ એવી બેધારી મુસીબતમાં બાળક નકલ ઉતારવાનું ચાલુ કરે છે, પૈસા ખવડાવવાનું, નકલી સર્ટીફીકેટ બનાવવાનું.....શક્ય એવા બધા જ ભ્રષ્ટાચાર ચાલુ થઇ જાય છે.
શિક્ષણને આપને ગંભીરતાથી લેવાની જરૂર છે. એ જ આપણું, આપણા રાષ્ટ્રનું, આપણા દેશનું, આપણી દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે.