Khane khane pe likha hai... marnewale ka naam books and stories free download online pdf in Gujarati

ખાને ખાને પે લીખા હૈ.... ‘મરનેવાલે’ કા નામ

સાંભળ્યું છે બજારમાં હમણાં પ્લાસ્ટિકના ચોખા બહાર પડ્યા છે. સરસ, ચલો હવે પ્લાસ્ટિકના ભાત, મમરા, ઇડલી, ડોસા બધું ખાવા મળશે. હવે એમ નહીં કહેતા કે પ્લાસ્ટિક તો વળી ખવાતું હશે? પ્લાસ્ટિક શું, પ્લાસ્ટિકથીયે બદ્તર (નિમ્ન કક્ષાનું) આપણે રોજેરોજ આપણા પ્રિય પાચનતંત્રને ધરાવીએ છીએ. આપણે જીભના ટચકડાની પ્રજા.....જે મળ્યું એ ‘લાવ, લાવ ને લાવ’ કરતા ભૂખડીબારશની જેમ તૂટી પડીએ છીએ. થોડા સમય પહેલા ‘મેગીબબાલ’ થયો. નૅસ્લે કંપનીની બે મિનીટમાં તૈયાર થઇ જતી, ઇન્સ્ટંટ અને સ્વાદિષ્ટ એવી મેગીમાં મોનો સોડિયમ ગ્લુકામેટ અને સીસાનું પ્રમાણ (સૉરી, વધુ પ્રમાણ) મળી આવતા સમાધિમાં સૂતેલું તંત્ર ઊઠતાવેંત ઉપાધિમાં આવી ગયું છે! જેથી ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇંડિયા મેગી ન્યૂડલ્સના સેમ્પલ લઇને લેબોરેટરીમાં દોડ્યા છે. સાથે સાથે મેગી ન્યૂડલ્સની આસપાસ વિચરતા બીજા જંકફૂડ અને રેડી ટુ ઇટ ફૂડ પણ આડેહાથ ધરાઇ ગયું!!! એમાંય ગોવામાં સેમ્પલ પાસ થઇ ગયાં અને ઉત્તરપ્રદેશમાં નહીં થયાં એટલે જોવાનું એ છે કે ચકાસવાવાળા પર ભરોસો કરવો કે નહીં?! રહેવા દો આ વાત......પણ સૌથી વધુ ખવાતું રેકડીવાળું, લારીવાળું અને હૉટેલવાળું ખાવાનું ક્યાં ચકાસાય છે?? રેકડી પર ખવાતી પાણીપુરીનું પાણીયે ક્યાં મિનરલ વૉટર હોય છે!! (આમેય આપણને મિનરલ વૉટર સદતું નથી!!) લારી પર વેચાતા અલગ અલગ ભાવનાં ફ્રુટ્સ દર્શાવે છે કે ઓછી કિંમતવાળું કાં તો સડેલું છે કાં તો પકવેલું છે. શેરડીના જ્યુસવાળાની ત્યાં અઢળક ઊડતી માખીઓનો ક્યારે એ શેરડીની સાથે કસ અને રસ બંને નીકળી જાય એ આપણે ક્યાં જોઇએ છે?(બસ, ગટગટાવી જાઓ). કાચા તળેલા સમોસા, ભજીયા, વડા ગ્રાહક આવતા ફરી તળીને ગરમાગરમ પીરસાવાય છે!! અને ગ્રાહકો લાળ ટપકાવતા ચપાચપ ગટકી જાય છે. આમેય આપણી જીભ પેલી વૉટરપાર્ક સ્લાઇડ જેવી છે; ખોરાક આવતાંવેંત લપસીને અંદર!!! રસ્તા પર મળતી ચાઇનીઝ ભેલ, મંચુરિયન, પીઝા જેવા ફૂડમાં માપદંડ વગરનો આજીનોમોટો વાપરવામાં આવે છે. એને રોકવા માટે આપણી સરકારના હાથ ટૂંકા પડે છે. રેલવેસ્ટેશન પર મળતું હલકી ક્વોલિટીનું ફૂડ આપણને શી રીતે પચે છે; એ જોવા જેવું છે. ત્યાં મૂકાયેલી પાણીની પરબો પર પાનમાવા થૂંકીથૂંકીને કરાયેલી ગંદકીવાળું પાણીયે આપણે ગટગટાવી જઇએ છીએ ને !!! બજારમાં શુધ્ધ ઘી મળતું હોવા છતા આપણે ડાલડાવાળા !! હાઇક્વોલિટીનું ફૂડ મોંઘુ મળે એટલે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાંયે આપણને કોઇ શરમ નહીં. આમેય આપણે હેલ્થ કોન્સિયસ પ્રજા નથી. ગઇકાલનો વાસી ખોરાક આપણે આજે અને આવતીકાલ સુધી ફ્રીજમાં​ સાચવી રાખીએ છીએ અને વખત આવે ખાઇ જઇએ છીએ. પછી ભલેને કીડની, જઠર, આંતરડા, ફેફસા કે પછી આખું શરીર બગડે. આપણા પેટનું પાણીયે હલતું નથી. મુંબઇમાં રેલવેટ્રેક પાસે ત્યાં જ વહેતી ગટર જેવી નીકમાંથી મેથી, કોથમીર, પાલક જેવા ભાજીપાલા ઉગાડવામાં આવે છે. આ લીલા શાકભાજી ખાઇને તમારી હાલત લાલ ટામેટા જેવી નહીં પણ કાળા કંકોળા જેવી થશે એ નક્કી!!!

એમાંય પાછી ઇન્સટંટ ફૂડની બોલબાલા !! પાણીપુરીથી લઇને રસગુલ્લા, ગુલાબજાંબુ, ભજીયા, ઢોકળા, ખમણ બધાને આવરી લઇને છેવટે આઇસ્ક્રીમ, જ્યુસ, મિલ્કશેક બધાના તૈયાર મસાલેદાર પેકેટ્સ આવી ગયા છે. આજુબાજુ જોયા વગર આ પાવડરની જોઇએ એ વાનગી બનાવી દો એટલે શાંતિ. આ ઇન્સટંટ ફૂડથી ગૃહિણીઓનો ટાઇમ બચી ગયો. કચકચ કરતા બાળકોને તૈયાર વેફર(એમાં ૮૦% હવાના ગણો)નું પેકેટ ફોડી આપો એટલે એ પણ બોલતું બંધ!!! કોલ્ડ સ્ટોરેજમાંથી આવતા શાકભાજી પર હવે ગૃહિણીઓને પૂરો ભરોસો છે. પણ આવા પેક્ડ ફૂડ તમને ગેસ્ટ્રો, અલ્સર જેવી બિમારી કરી આપે છે (પણ આપણે તો જન્મરોગી પ્રજા) બીજે દહાડે જ ડૉક્ટરના દવાખાને પગ ઘસવા માંડીયે.

પ્રોસેસિંગ કરેલા અને પેક્ડ ફૂડમાં ભરપૂર માત્રામાં મીઠુ, મસાલા, તેલ, ફેટ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેમાં વિટામીન્સ, પ્રોટીન અને મિનરલ્સ હોતા નથી. જે શારીરિક તેમજ માનસિક વિકાસ રુંધે છે. પણ આપણે તો ભીમસેનની ઓલાદ!!! સવાદિયા અને ભૂખાવરા લોકો એટલે આડેધડ ઠૂંસી જઇએ છીએ જે મળ્યું એ.

ગાંધીવાદી વિચાર ધરાવતા લોકો પણ ગાંધીવિચારને પૂર્ણપણે અપનાવી શક્યા નથી. ઘરમાં કે વાડીમાં કે ઘરઆંગણમાં ઊગાડવામાં આવતા શાકભાજી હવે અદ્રશ્ય થઇ ગયા છે. મૉલ કે બિગબજાર જેવા મોટા બજારોમાં આકર્ષક પેકિંગ અને માપતોલ કરેલા શાકભાજી મળે છે એટલે કોણ ઝંઝટ કરે ઘરમાં શાકભાજી ઊગાડવાની?? કોલ્ડ સ્ટોરેજમાંથી ખરીદાયેલા શાકભાજીમાં સાયટ્રિક ઍસિડ પ્રિઝર્વેટિવ્હસ્ તરીકે ઉમેરવામાં આવે છે જે આંતરડામા ચાંદા માટે જવાબદાર છે.(ઑન્લી ફોર યોર ઇન્ફોર્મેશન).....

આજના ફાસ્ટ દોડતા માણસો માટે અને સમયની બચત માટે ઇન્સટંટ ફૂડ બજારમાં પોપ્યુલર છે. યુવાનોમાં ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ જેવી ડિશ ફેમસ છે. ભણેલાગણેલા હોવા છતા આ ડિશ અને તેની બનાવટથી આજની પેઢી અજાણ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇંડિયા દ્વરા કરાયેલા ૨૦૧૧ ના સર્વે મુજબ ૨.૪ લાખ ખાધપદાર્થોમાંથી ૧૩% પદાર્થો લેબોરેટરીમાં ફેઇલ થયાં છે. આનાથી ભારત અનસેફ ફૂડની બાબતમાં પહેલા ક્રમાંકે પહોંચી ગયું છે.(થ્રી ચીઅર્સ ફૉર ઇંડિયા !!!) વિદેશની જેટલી વાનગીઓ ઝડપથી ભારતમાં ઘૂસી ગઇ છે એટલી ઝડપથી ભારતની વાનગીઓ વિદેશમાં પહોંચી શકી નથી. મેગડૉનાલ્ડનાં બર્ગરથી લઇને પેપ્સી સુધીની આઇટમો એ સૂક્ષ્મ આતંકવાદી છે. જે ધીરે ધીરે ધીમું ઝેર આપણને આપે છે અને રાષ્ટ્રહાનિ કરે છે. પેલા બૉમ્બ બ્લાસ્ટમાં એકીઝાટકે મારી નાખનારા આતંકવાદીઓની કક્ષાએ આ કંપનીના ફૂડ આવે છે!!!!

આપણા સમાજમાં ખોરાક એ ઔષધિની કક્ષાએ રહેલો છે. પહેલાના સમયના(આજે પણ) ડૉક્ટરો અને વૈદો આપણને બિમારીમાં શું ખાવું અને શું ન ખાવું એની ચોક્કસ માહિતી આપે છે એટલે દ્રશ્યરીતે એ તો નક્કી જ છે કે ખોરાકની આપણા શરીર પર અને આપણા આચારવિચાર પર શું અસર થઇ શકે?? પેલા બુલેટટ્રેનની માફક દોડતા જતા સમયમાં આપણા પોષ્ટિક ખોરાક દટાઇ ગયા છે. ઊનાળામાં બનતી બટાટાની વેફરો, ખીચીયા પાપડ અને સાબુદાણાની કાતરી ….દિવાળીમાં બનતા સક્કરપારા, નાનખટાઇ અને મિઠાઇઓ ……..શિયાળામાં તલમાંથી પીસેલા તેલમાં બનાવેલા વસાણા બધું જ કાં તો ગાયબ થઇ ગયું છે કાં તો ચકચકિત પેકેટમાં બંધ થઇ ગયું છે. કેરીની સિઝન પહેલાં જ કેરી આવી જાય છે(અને કેટરિના કૈફ તો બારેમાસ કેરીના સ્વાદવાળા પીણાની એડવ્હર્ટાઇઝ કરે છે). કાર્બાઇડથી પકવેલી કેરી મોટેભાગે આપણે આરોગીએ છીએ જેમાં કુદરતી સ્વાદ નથી હોતો છતાંયે આપણને કેરી ખાધાનો સંતોષ હોય છે.

આપણી સ્વાદગ્રંથીઓ પણ બહેર મારી ગઇ હોય એમ આપણે નીરક્ષીરનો વિવેક ગુમાવી બેઠા છીએ. ખોરાકની પસંદગી આપણે હવે કરતા નથી. અરે ભાઇ, આટઆટલી સ્વાદ અને સોડમની રસઝરતી વાનગીઓ હોય ત્યાં ‘જી લલચાયે રહા ન જાય’ જેવી સ્થિતી તો ઉગમવાની જ !!! ઉપવાસ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શરીરને આંતરરીતે નિર્મળ કરવાની રીત છે. પણ આપણે તો ઉકરડો જ ગણી લીધો છે પેટને..?!

જૈન ધર્મમાં ખોરાકની અસર આપણા માનસ પર પણ થાય છે એવું માનવામાં આવે છે. કાંદા, લસણ. ગાજર, બીટ જેવા જમીનની અંદર ઊગતા શાક, ફળો વગેરે તામસિક વૃત્તિના હોય છે. જે આરોગતા જ માનવીના વિચારો થોડા આક્રમક અને હિંસક થઇ જાય છે. સાચા ખોટાના વિવાદમાં ન પડીએ છતાંયે ખોરાકની આપણા તંદુરુસ્તીની સાથે સાથે જીવનશૈલી પર પણ અસર પડે છે એ તો માનવું જ રહ્યું !!

એવું નથી કે ખોરાક જ આપણા સ્વાસ્થ્યને હાનિ કરે છે પણ તેના સિવાય પણ ઘણા એવા ઘટકો છે જે આપણા શરીરની પત્તર ઠોકવા બેઠા જ છે.

લેટ્સ હેવ અ લુક

ઘરમાં વાપરવામાં આવતા પી.વી.સી અને સી.પી.વી.સીના પાઇપમાં લૅડ સ્ટીઅરેટ (ડાયબેસિક અને ટ્રાયબેસિક) સ્ટેબિલાયઝર તરીકે વાપરવામાં આવે છે. જે બીજું કાંઇ નહીં પણ મેગીમાંથી મળી આવેલું લૅડ (સીસુ) જ છે. જે ઘણીવાર પીવાના પાણીમાં ભળીને આપણા ઘરમાં આવતું હોય છે.

બાળકોને રમવામાં આવતા પી.વી.સીના રમકડામાં ડાયઑક્ટાઇલ થાયલેટ ઉમેરવામાં આવે છે. જે બ્રેસ્ટ કેન્સર, અસ્થમા, વ્યંધત્વ, પ્રોસ્ટેટ કેન્સર, શુક્રાણુ ઘટવા જેવા ગંભીર રોગો માટે કારણભૂત છે.

૨૦૧૩ ના સર્વે મુજબ બ્યુરો ઑફ ઇંડિયન સ્ટાન્ડર્ડે અન્ય વિકસિત દેશોની જેમ ભારતમાં પણ લૅડનું પ્રમાણ ૯૯ પીપીએમ હોવું જોઇએ એ સ્પષ્ટ કર્યુ હતું તે છતા તેનું પ્રમાણ ૨૦૩૦૦ પીપીએમ જેટલું અમુક રંગ બનાવતી કંપનીઓમાં જોવા મળે છે.

એ સિવાય દૂધમાં પાણી ભેળવવાની રીત તો જૂની થઇ હવે તો ફૉરમાલિન દૂધ ની શેલ્ફ લાઇફ વધારવા વાપરવામાં આવે છે. દૂધમાં ફૉમિંગ (ફીણ) માટે સોપ (સાબુ) વાપરવામાં આવે છે.જે કીડની અને પેટની વાટ લગાડી દે છે.

આવા તો અનેક ઉદાહરણો છે ભાઇ. તમારું મગજ ચકરાવે ચઢી જાય અને વહેલી તકે ચારપાઇ પર સ્મશાન પહોંચાડી દે તેવા.......

હવે તમને પ્રશ્ન થશે કે બધે જ ગોલમાલ અને ભેળસેળ છે તો સાલુ શું ખાવું ને શું ન ખાવું..? તો સાહેબ આપણે આપણા આંખ, કાન, નાક, મગજ બધું જ ખુલ્લું રાખવું પડશે. થાય એટલી આરોગ્યની જાળવણી કરવી પડશે. જીભનો ટેસડો કંટ્રોલમાં લાવવો પડશે. પેલી ગાય, ભેંસની જેમ વાગોળવાનું મૂકીને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર ખોરાકને પસંદ કરીને પેટને ભોગ ચઢાવવો પડશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED