Tamara aatmano awaj ae j tamaru astitva books and stories free download online pdf in Gujarati

તમારા આત્માનો અવાજ એ જ તમારું અસ્તિત્વ !

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: |
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: |

ભગવદગીતાનો આત્મતત્વને સમજાવતો આ શ્લોક છે. ‘આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો નથી. તેને અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી. માણસ શરીરથી મરે છે પણ આત્મા તો અમર હોય છે એવી ઠાલી ઠાવકી વાતો આપણે સાંભળી છે અને બીજાને સમજાવતા હોઈએ છીએ. પણ ખરેખર આત્મા સુધી પહોંચવાનો આપણો કોઈ પ્રયાસ હોય છે ? આત્મતત્વના અવાજને આપણે ક્યારે સુણ્યો છે ? અનુસર્યો છે ? આત્મા વિશે આપણે કંઈ જ જાણતા નથી, એને જોઈ નથી, અનુભવી નથી અથવા આપણને ક્યારે મળી નથી છતાંયે તેની કલ્પનામાં આપણે રાચીયે છીએ. મન, આત્મા, ઈશ્વર , પુણ્ય - પાપ, સ્વર્ગ - નરક , ધર્મ - અધ્યાત્મ આ બધા જ શબ્દો આપણને ગમે છે અને આપણા જીવનનો બહુ મોટો હિસ્સો આ બધા શબ્દોએ રોકી રાખ્યો છે. પણ એના પર ચર્ચા - વિચારણા , મનઘડંત કહાનીઓ , શાસ્ત્રાર્થ વગેરે બહુ કરીએ છીએ પણ સત્યથી આપણે સૌ અનભિજ્ઞ રહી જતા હોઈએ છીએ અંતે !

આપણે સૌ વિચારીયે છીએ મગજથી પણ વર્તીએ છીએ મનથી. આપણા અસ્તિત્વને આકાર આપે છે એ છે મન . નરસિંહ મહેતા કહે છે ' જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહિ, ત્યાં સુધી સર્વ સાધના જૂઠી' આમ જુઓ તો આ વ્યંગ છે એવા લોકોને જે તપ સાધનાના નામ પર ભવભવની ભવાઈઓ મંડી રહ્યા છે લોકો સામે. આત્મતત્વને જ્યાં સુધી પામ્યા ન હોઈએ , જ્યાં સુધી આત્માનો અવાજ ઓળખ્યો ન હોય ત્યાં સુધી કરેલી બધી જ સાધના ફોક છે. આપણે બાહ્યવ્યક્તિત્વોના માનવો છીએ. બહારથી રૃડુંરૂડું, ઉજળુંઉજળું લાગે એવો સમય છે ત્યારે સંભવિત છે કે માણસ આત્માનો અવાજ ખોઈ બેસે. બહારનો ઘોંઘાટ એટલો ભયંકર હોય છે કે આપણે અંદરના નીરવ શાંતિમાં ગુંજારવ કરતા અવાજને ઓળખી શકતા નથી. મીરાંબાઈ પણ કહે છે

'આત્માને ઓળખ્યા વિના રે, ભવના ફેરા નહિ તો ટળે રે જી’

આ આત્માને પામવું/ ઓળખવું એટલે જ આપણા જ અસ્તિત્વને ઓળખવું / પામવું. કહે છે કે દરેક જીવનું અસ્તિત્વ બ્રહ્માંડ સમક્ષ એક બિન્દુથી વિશેષ કંઈ નથી. જેમ સાગરમાં પાણીના અસંખ્ય ટીપાઓ હોય એમ બ્રહ્માંડમાં આપણા જેવા અસંખ્ય જીવો બિન્દુરૂપે વિહરે છે. બહુ ઓછા ટીપા જેમ છીપમાં મોતી બને એમ બહુ ઓછા જીવો બિન્દુથી સિંધુ બની શકે છે. ભગવદગીતાનો અધ્યાય ત્રીજાનો ૩૫મો શ્લોક કહે છે

શ્રેયાન્સ્વધર્મો વિગુણ : પરધર્માત્સ્વનુષ્ઠિાત્ ।

સ્વધર્મે નિધનં શ્રેય : પરધર્મો ભયાવ : ॥

અર્થાત : બીજાના સહેલા ધર્મને આચરવો સહેલો અને પોતાનો ધર્મ વિગુણ હોય છતાં પોતાનો ધર્મ આચરવો વધારે સારો છે. પોતાના ધર્મમાં રહેતા મોત આવે તે પણ કલ્યાણકારક છે. પરંતુ બીજાના ધર્મને અનુસરવો ભયપ્રદ છે.

કૃષ્ણએ આમાં સ્વધર્મની વાત કરી છે. આ સ્વધર્મ એટલે શું? સ્વધર્મ એટલે જ આપણને સોંપેલો ધર્મ. આપણી આત્માને ઉચિત લાગે એવો ધર્મ. સ્વધર્મ એટલે પોતાના નિયત કર્તવ્યોનુ પાલન.. પોતાના માનેલા કર્મોની પૂર્તિ...અગ્નિનો ધર્મ છે હૂંફ આપવી, ગરમી આપવી. પવનનો ધર્મ છે શ્વાસ આપવો. પાણીનો ધર્મ છે તરસ છીપાવવી અને આગ બુઝાવવી. જો આમાંથી કોઇપણ પોતાના ધર્મ વિરુધ્ધનું આચરણ કરે તો?? પાણી નાખવાથી જો આગ લાગી જાય તો??... જો અગ્નિ અન્ન પકાવે જ નહીં તો?? તો શું?? ત્યારે આ ધર્મ વિરુધ્ધનું કર્મ ભયપ્રદ છે..માનવ તરીકેનો જન્મ આપણને મળ્યો એટલે માનવધર્મ એ આપણો સ્વધર્મ. માણસ તરીકે રહેવું, જીવવું, વિચારવું, વર્તવું, બોલવું અને માણસ તરીકે મરવું એ જ સ્વધર્મ છે!! માનવ પશુભર્યુ આચરણ કરે તો તેણે માનવધર્મ ખોઇને પશુના ધર્મને સ્વીકાર્યો છે. તો આવો પરધર્મ હિતકારી નથી. ધર્મની સાથે જ આવે છે કર્મ...ગીતામાં સ્વધર્મરુપકર્મની મહાનતા આલેખાઇ છે. કર્મ પણ સ્વધર્મને જોડાયેલું હોવું જોઇએ.

માનવનો આકાર ભલે તેનું શરીર હોય પણ અસ્તિત્વ એનું મન અને આત્મા છે. આત્મા મનુષ્યને સજીવ બનાવે છે , ધબકતી રહે છે, લોહીને વહેતી રાખે છે, મગજને સતેજ રાખે છે. ઈશ્વર સમક્ષ ક્યારેય શરીર પહોંચતું જ નથી. આત્મા જ પહોંચે છે. આત્મા જ પરમાત્મા સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં તો 'આતમરામ' શબ્દ વાપરે છે. આત્મા જ રામ છે , આત્મા જ પરમાત્મા છે અને જયારે આપણે આત્માને અનુસરતા નથી ત્યારે જીવનને આપણે અંધાધૂંધીમાં જીવતા હોઈએ એવું લાગે છે. ભવિષ્યના ગોખમાં શું સચવાયેલું છે એવું કોઈ જ જાણતું નથી પણ હા, આપણું અંતરમનસદાયે આપણા કર્મોના પરિણામ સ્વરૂપનું એક કાચું લાગતું પરિણામ દર્શાવે જ છે. માણસને ક્યાંક ક્યાંક, ખૂણેખાંચરે પોતે જે કરે છે , જે કર્યું છે અને જે કરવાનો છે એના પરિણામનો અંદાજ હોય જ છે. જેને આપણે સિક્સ્થસેન્સ કહીએ છીએ. આપણને આપણી આત્મા હંમેશા દરેક કાર્ય પહેલા અવાજ આપતી હોય છે, ટોકતી હોય છે, રોકતી હોય છે, ઈશારા કરતી હોય છે, માર્ગ દેખાડતી હોય છે. પણ આપણે આપણો જ કક્કો ખરો કરવામાં પડ્યા હોઈએ છીએ કે આપણને બીજા માર્ગ દેખાતા નથી. આપણી આત્મા આપણા જીવનનો ઉત્તમ ભોમિયો છે. પણ આપણે આપણી આત્મા સાથે ક્યારે સંવાદ સાધ્યો છે ? કયારે સ્વનિરીક્ષણ કર્યું છે ? પોતાની જાતને વફાદાર રહીને જાતને કેળવવાનો પ્રયાસ કર્યો છે ?આજના અરસામાં જ્યાં કમ્યુનિકેશનના પુષ્કળ સાધનો છે. ત્યારે જ અસ્તિત્વમાં આવેલો એક શબ્દ છે : કમ્યુનિકેશન ગેપ . વિરોધાભાસ છે. છતાંયે સ્પષ્ટતા એટલી જ કે આપણા વચ્ચે વાતચીત થાય છે , ચેટિંગ થાય છે પણ સંવાદ થાય છે ખરો? આપણા પડોશીથી લઈને રોજબરોજ મળતા માણસો સાથે પણ આપણે સોશિયલ મીડિયાથી કનેક્ટેડ છીએ. પણ પ્રત્યક્ષ મળે તો આપણે સ્માઈલ આપીને કે પછી નજરઅંદાજ કરીને નીકળી જઇયે છીએ. આના કરતા રસ્તામાં મળતા કે પછી રોજ મળતા લોકો સાથે પ્રત્યક્ષ થોડી વાત કરીએ તો કદાચ સંબંધોમાં સંવાદ થશે. બર્થડેવિશથી લઈને ખબરઅંતર પૂછવા પણ આપણે સામે ચાલીને જઇયે તો કેવું ?

આજની લાઈફસ્ટાઈલને જોશો તો ખ્યાલ આવશે કે કેટલી સરળતાથી આપણે વર્ચ્યુલ લાઇફના ડેથવેલમાં લપસતા જઇએ છીએ. એક દિવસ પણ સેલફોન, આઈ-પૉડ કે આઈફોન વગર આપણે રહી શકતા નથી. ચારેકોરથી ઘેરાઇ ગયા છીએ આપણે ડિજિટલ સાધનોથી....

આ સાધનો આપણા કામ સરળતાથી અને ઝડપથી થઈ શકે એના માટેના છે. જ્યારે આપણે સવારથી રાત એના ગુલામ બનીને એમાં ડૂબી ગયા છીએ!! કમ્યુનિકેશનના સાધનો વધી ગયા છે પણ અનુભવી શકાય એવું કમ્યુનિકેશન ક્યાં છે?? રોજ વૉટસએપ પર આપણે કનેક્ટેડ છીએ બધા સાથે. રોજ વાતો કરીએ છીએ, પણ ‘સંવાદ’ ક્યાં છે?? અફાટ સાગર જેટલી માહિતીનો સંગ્રહ ઈન્ટરનેટ પર છે છતાંયે આપણું નૉલેજ કેટલું છે?? ત્યારે એમ થાય છે કે આપણે આ ઈલેક્ટ્રોનિક સાધનોમાં ગૂંચવાઇ ગયા છીએ. પણ મજા તો ગૂંથાઇ જવામાં છે, ગૂંચવાઇ જવામાં નહિ!!

ડિજિટલ લાઇફ કેટલી કુત્રિમ ભાસે છે એમાં માણસ સહજ નથી રહી શકતો. એમાં ‘આત્મીયતા’ કરતા ‘જોડાણ’ વધારે હોય છે!! કોઇના મિત્ર બનવું હોય તો ‘રિક્વેસ્ટ’ મોકલવી પડતી હોય છે!! વહેવાર ખાતર લોકોના ન ગમતા ફોટા પણ ‘લાઇક’ કરવા પડતા હોય છે!! સૌથી મોટી કરુણા એ છે કે આપણે શું ફીલ (અનુભવીએ) છીએ એ પણ ઍનિમેટેડ કે સ્થિર લાગતા સ્માઇલી દ્વારા લોકોને બતાવવા પડે છે!!

કૂદકે ને ભૂસકે વધતી ટેકનોલોજીના ક્ષેત્રમાં જે આપણે ગુમાવી રહ્યા છીએ એ છે પ્રકૃતિનો સ્પર્શ!! બધા જ સ્માર્ટફોન અને ગેજેટ્સ તમને લોકો સાથે જોડવા મથી રહ્યા છે. પણ પોતાની જાત સાથેનું અનુસંધાન કરી આપવાનો દાવો કોઇ જ ગેજેટ્સ કરતા નથી. ખરેખર જોવા જઇએ તો ડિજિટલ સાધનોથી કંઇ જ અટકતું નથી. આપણા જીવની લગોલગ પહોંચી ગયેલા સ્માર્ટફોનથી એક ક્ષણનો પણ વિરહ આપણને સહ્ય નથી. (વાત ટીનેજર, યુવાનો, વડીલો અને વૃધ્ધો સૌને લાગુ પડે છે.) લોકો ત્યારે પણ જીવતા જ હતા જ્યારે આ ડિજિટલાઇઝેશનનો મારો ન હતો. આપણા વડીલો અને પૂર્વજોએ તો ટેલિફોન અને પત્રવ્યવહારમાં જ સંબંધો કેળવ્યા અને નિખાર્યા છે. જ્યારે આજે આપણી પાસે પૂરતી સુવિધા અને ગેજેટ્સની ભરમાર છતાં આપણે સંબંધોમાં તળિયા ઘસતા થઇ ગયા છીએ. વિરોધ આધુનિકતાનો (મોર્ડનાઇઝેશન)નો છે જ નહીં, પણ તેના થઇ રહેલા અતિરેકનો છે. એનાથી જન્મતી એકલતાનો છે!

આપણે વસ્તુઓને જરુરિયાત માટે ઓછી અને દંભ, દેખાડો, આડંબર અને આપણા સ્ટેટસ અને ઇર્ષ્યાને પોષિત કરવા વધુ ખરીદતા હોઇએ છીએ. આપણને આપણા ઘરમાં નવી કાર આવ્યાનો આનંદ એટલો નથી આવતો જેટલો પડોશીને આપણી કાર દેખાડી જીવતાજીવ બાળી નાખવાનો આવે છે!!

સવાર સવારમાં વૉટસએપ પર જીવન જીવવાની વાતો ફૉરવર્ડ કરી દેતા લોકો પોતે સુધ્ધા એ વાંચવાની તસ્દી નથી લેતા! ગુગલ બુક્સ, પીડીએફ ડેટા, રિસર્ચ પેપર્સ, પ્રેઝન્ટેશન, ડૉક્યુમેન્ટસ, ઇ-બુક્સ જેવી વાંચનની પુષ્કળ સુવિધા છતાં વાંચનની રુચિ આપણે ગુમાવી બેઠા છીએ.

વસ્તુની જરુરિયાત પહેલા આપણને વસ્તુ ખરીદી લેવી છે. પછી ભલેને આપણા ઘરનાં ખૂણામાં પડી પડી સડી જાય! આપણી ઇચ્છાઓનું અને જોઇતી વસ્તુઓનું લાંબુ લચક લીસ્ટ છે. પણ એના પર ઉઘાડી આંખે વિચાર કરીએ તો સમજાશે કે એમાં ખરેખર જરુરતની વસ્તુ તો ગણીને એક-બે જ છે. બાકી બધી તો........???!!

બે બે સ્માર્ટફોન, ૩૨’’ એલઇડી ફ્લેટ ટીવી, શહેરના રસ્તા પર સડસડાટ દોડતી કાર, કંપનીએ આપેલું સોફિસ્ટીકેટેડ લેપટૉપ, બ્રાન્ડેડ એક્સેસરીઝ અને વૉશિંગ મશીનથી લઇને માઇક્રોવેવ ઑવન સુધીની ટોટલ મોર્ડન સુવિધા ધરાવ્યા બાદ પણ માણસના મનને શાંતિ નથી. સતત ઉચાટ, ઉકળાટ, વ્યગ્રતા, ટેન્શન અને જાતજાતની અસહજ લાગતી હરકતો કેટલાય કારણો અને તારણો આપે છે.

બે ઘડી મોબાઈલમાં ગેમ રમી લેવી, ફાજલ સમયમાં વૉટસએપના ફોટોસ્ અને વિડિયોસ્ જોવા, એકલતામાં મ્યુઝિક સાંભળી મન હળવું કરવું પરવડી શકે.....પણ આસપાસ જીવતા લોકો તરફ દુર્લક્ષ સેવી, કામના સમયે મોબાઈલ પકડી બેસી રહેવું કેટલું યોગ્ય છે??

સમાજમાં તમે નજર કરશો તો સ્કૂલના મિત્રો અલગ, કૉલેજના મિત્રો અલગ, સ્પેશ્યલ કોસૅ કયૉના મિત્રો અલગ, બિલ્ડિંગમાં સાથે રહેનારા મિત્રો અલગ, સમાજમાં પોતાની ઉંમરના મિત્રો અલગ, અલગારી અને ફક્કડ મસ્તીના મિત્રો અલગ, gaગંભીર સમજણ ધરાવતા મિત્રો અલગ, નવરી પંચાત કરવાના મિત્રોયે અલગ.......અને હા, ગલૅફ્રેન્ડ કે બોયફ્રેન્ડની સાઈડના મિત્રોયે અલગ.......

સમયનાં ચકરડાએ સુદશૅન ચક્ર બનીને બધી અખંડ વસ્તુઓને વિભાગોમાં વહેંચી નાખી છે. વડીલોએ મરતા મરતા બધા છોકરાઓને પોતપોતાના હિસ્સા વહેંચી નાખ્યા છે. સમૂહમાં રહેતા આપણને ભાગ્યે જ આપણા વડીલો શીખવી શક્યા છે: અથવા આપણે ભાગ્યે જ શીખી શક્યા છીએ.

આજના યુવાનોની દ્રષ્ટિ, વીતી ગયેલા યુવાનો (એટલે કે આપણા વડીલો) જેવી ફેલાયેલી નથી. છૂટીછવાયેલી નથી. પણ કેન્દ્રિત છે. જેને આપણે યુવાનોની ભાષામાં કહીએ તો....’focused’.

આજના યુવાનોને કેન્દ્રમાં રહેવુ ગમે છે.તેઓને આ કેન્દ્રની આસપાસ પોતાનું જ વર્તુળ કરીને જીવવુ ગમે છે. અને અંતે આ વર્તુળના કેન્દ્રમાંથી જ વિવિધ ખૂણે પસાર થતી ત્રિજયા કરીને વિભાગોમાં જીવવુ ગમે છે. અને આ બધા વિભાગોના કેન્દ્રમાં એક જ વ્યક્તિ હોય છે: તે પોતે. આપણે સૌ કદાચ આવા જ વિભાગો પાડીને જીવીએ છીએ. આપણને ફાવી ગયા છે આ વિભાગો. પોતાના મૂડ પ્રમાણે આપણે કોઇ ગ્રુપમાં વધુ રહીએ છીએ તો કોઇ ગ્રુપને ઓછુ પ્રાધાન્ય આપીયે છીએ. છતાયે ગ્રુપથી છૂટાં પડતા નથી. આપણને એ ગ્રુપમાં આપણું અસ્તિત્વ જાળવી રાખવું હોય છે. અહીયાં તો ફક્ત મિત્રજૂથની વાત થઈ છે પણ એવી જ રીતે સંબંધોમાં આપણે કેટકેટલા જૂથો બનાવી દીધા છે.અને આ જૂથમાં જીવતાં આપણે પોતાની જાતના પણ ટુકડેટુકડા( sorry ભુક્કેભુક્કા) કરી નાખ્યા છે.

આજનો યુવાન આ જ ટુકડામાં ફાવી ગયો છે. જેમ એક જાદુગર નાનકડા ચોરસ બોક્સમાં ફાવટથી બેસી જાય એમ......એને પારકી પંચાત કરતા પોતાના વર્તુળના માણસોના જીવનમા વધુ રસ છે. આજના મોટાભાગના વડીલોની એક કોમન ફરિયાદ છે કે મારા દીકરા / દીકરી ને સમાજની પડી નથી. એને સમાજમા રસ નથી. એ એની મા ની કે બાપની તરફના વ્યવહારોમાં ભળતો નથી. સમાજના કહેવાતા નામી અને મોભાદાર લોકોને ભાવ દેતો નથી. વગેરે વગેરે......સમાજમાં ચારેકોર આપણે નજર કરીએ તો સમજાશે કે માણસો કેટલા સ્ટ્રેસમાં, જવાબદારીઓમાં, પૈસામાં, પ્રતિષ્ઠામાં ગુંચવાયા કરે છે. દરેક દિવસ એના માટે રણમેદાનનો સંઘર્ષ છે. વીતી રહેલો સમય અને પગ તળે રેતીની જેમ સરકતી ઘેલછાઓમાં માણસ કચવાતો જાય છે. સંવેદનાઓની સપાટી પણ ખરબચડી બની જાય ત્યારે માણસ હારી જાય છે, થાકી જાય છે . પછી કામ નથી આવતા મોટિવેશનલ લેક્ચર , આત્મવિશ્વાસ વધારતા પુસ્તકો , કોઈ આદર્શ કે કોઈ નિષ્ફળ માણસનો વિચાર ! ત્યારે માણસને જે બેઠો કરે છે એ છે એની જાત માટેની લાગણી,જાત માટેનો પ્રેમ, જાત માટેની જરૂરિયાતો અને જાત માટે ધારેલી ઈચ્છાઓ. આ બધું એટલા માટે છે કે સમાજ તેની આત્માને સ્પર્શી શક્યો નથી. જે માણસ આપણને ગમતો નથી, એ માણસને આપણે આપણા જીવનમાં પ્રવેશવાની છૂટ આપતા નથી. અને જે માણસોને આપણે આપણા જીવનમાં પ્રવેશવાની છૂટ આપીયે છીએ અને એ લોકોની આપણે જીવન પર પ્રખર અસર થાય છે. આપણી આત્મા અને આપણું અસ્તિત્વ પણ એ રીતે ઘડાતું જાય છે. આપણા અસ્તિત્વ પાછળ આપણા જીવનની લાંબી સફર છે. અનુભવોથી ઘડાયેલી આપણી જીવનશૈલી તૈયાર થાય છે. અને એક તડકતુ- ફડકતુ જીવન તૈયાર થાય છે. આજનો યુવાન પ્રાયોરિટીમાં જીવે છે. સેલ્ફ અને સેલ્ફીમાં જીવે છે. લોકોનાં વર્તુળમાં આપણે ક્યાં છીએ એ નથી જોતો પણ પોતાના વર્તુળમાં કેટલા લોકો છે એ એ જરુર જુએ છે. આ વિભાગોમાં એણે દરેક પ્રકારના માણસોને સમાવ્યા છે એમાં કામનાં અને નકામનાય છે, જોઈતા અને વણજોઈતા છે, લુચ્ચા, ઠગારા અને સિધ્ધાંતવાદીઓયે છે, ક્યારેક ક્યારેક દેખાતા ધૂમકેતુ જેવા અને રોજેરોજના સૂરજ જેવાય છે. આ બધાની જોડે એણે જીવવાનું છે. અને એ પણ જુદાજુદા રુપે, જુદાજુદા વિચારપ્રવાહ સાથે, જુદીજુદી કેળવણી રુપે અને જુદાજુદા સ્વભાવ સાથે....

હા.....વરવુ અને કડવુ સત્ય તો હવે આવે છે. બધાને જુદાજુદા જૂથમાં વહેંચ્યા પછી સ્વયં એ માણસે પોતે વહેંચાઈ જવુ પડે છે. એ પ્રોફેશનલ લેવલ પર કામનાં ભારથી ઠરડાઇને જુદો બિહેવ કરે છે. પરિવાર સામે જવાબદારીનો પોટલો ઉંચકેલો કુલી જેવો છે, તે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં રમમાણ ફક્કડ ગિરધારી છે તો સમાજમાં ક્યાંય તરછોડાયેલો, વિખૂટો પડેલો છે. દરેક વિભાગમાં, દરેક સ્તર પર તે જુદો વર્તે છે. દરેક હિસ્સાને જુદી સ્પેસ (જગ્યા) આપી છે એણે. અને આજે એવી જ સ્પેસ દરેક યુવામન ઇચ્છે છે. એને કેન્દ્રમાં રહીને પણ દરેકના જીવનમાંથી પસાર થવું છે. આ જ સ્વતંત્રતા છે એને માટે.... અને આ સ્વતંત્રતામાં બાધક બનનાર તેના વર્તુળમાંથી બહાર ફેંકાઈ જાય છે.

અંતે આત્માને સમજી શકનાર જ ખરેખર જીવનને સમજી શક્યો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED