લગ્ન - સંબંધ પવિત્રતાથી વિચિત્રતા સુધી Badal Sevantibhai Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્ન - સંબંધ પવિત્રતાથી વિચિત્રતા સુધી

લગ્ન - સંબંધ પવિત્રતાથી વિચિત્રતા સુધી

અનામી સંબંધ હમેશા વિવાદોથી ત્રસ્ત થતો રહ્યો છે. આપણે સૌ સંબંધોને બદનામીથી બચાવવા તેના નામ શોધતા હોઈએ છીએ. છતાયે નામ વગરના સંબંધ હજુયે સમાજમાં જીવી રહ્યા છે!! (સંબંધને નામ આપવું શું હંમેશા જરૂરી છે?) લગ્નને આપણે સંબંધોનું સૌથી ઊંચું શિખર માની લીધું છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આ સંબંધોના શિખર પર પહોચ્યા પછી એમાં જીવવાની થ્રિલ રહેતી નથી . પ્રેમથી શરુ થયેલો સંબંધ પ્રેમથી વિસ્તરતો ભાગ્યે જ જોવા મળે છે. અને ઘણા કેસમાં તો પ્રેમ પણ મરીમરીને જીવતો રહે છે, આવું કેમ???.....અધૂરામાં પૂરું, સમાજની યુવાપેઢીનો આ લગ્નસંસ્થા પરથી ભરોસો ઓસરતો જોવા મળે છે. યુવાપેઢીને આ સંબંધમાં ઢગલો બંધનો જણાય છે અને એ આ બંધનોમાં ગૂંગળાઈ રહેવા માંગતી નથી. સામાન્યતઃ એવા જ સંબંધો લાંબાગાળા સુધી ટકી રહેતા હોય છે જેમાં પ્રમાણિક મંજુરી હોય છે

હવે આ પ્રમાણિક મંજૂરી એટલે શું???

આજની વડીલપેઢી પોતાના છોકરા કે છોકરીની લગ્નની ઉંમર થતા જ એના ઝટપટ લગ્ન કરાવવા ગોળધાણા લઈને એની પાછળ પડી જતા હોય છે !!! પણ આ લગ્ન કરવાની સાચ્ચી ઉંમર કઈ ?? અને એની સાચી ઉંમર કોણ નક્કી કરે??.....મા- બાપ ? , ઘરના વડીલ? સમાજ ? સરકાર? કે પછી લગ્ન કરનાર કપલ??......મારું હંમેશા માનવું છે કે ઉંમર અને પરિપક્વતાને કોઈ સંબંધ જ નથી!! વડીલપેઢીને પોતાના સંતાનોને ઠરીઠામ કરીને (કે પછી લાકડે માંકડા વળગાડીને!!) પોતાની જવાબદારીઓથી પરવારી જવું છે !! સંયુક્ત કે પછી વિભાજીત કુટુંબમાં આજે પણ લગ્ન જેવા ગંભીર વિષય પર નિર્ણય છોકરા- છોકરી કરતા તેના મા-બાપ અને ઘરના વડીલ લે છે. જેમણે પોતે આ સંબંધમાં જોડાવાનું (કે 'બંધાવાનું ') છે, એમના નિર્ણયને કે એમની માંગને તો કોઈ સંભાળવા તૈયાર જ નથી .

આધુનિક સમાજમાં હજુ પણ આપણે પછાત જિંદગી જીવી રહ્યા હોય એવું લાગે છે. હરિયાણા જેવા રાજ્ય માં આજે પણ પરણવાલાયક સ્ત્રીઓની 'ખરીદી' થાય છે. પૈસાના અભાવે મા-બાપ પોતાની છોકરી વેચવા તૈયાર થઇ જાય છે. વુમન સ્ટડી સેન્ટર ના ડો. અનીતા યાદવે જણાવેલું કે હરિયાણા રાજ્ય ના ૬૦૦૦૦ ગામડાઓમા છોકરીની ‘આયાત’ થાય છે. ૨૫,૦૦૦-૩૦૦૦૦ રૂપિયા માટે થતી આ દલાલી છે. અભણ, બિચારી લાગતી છોકરી મા-બાપની દયા ખાઈને પોતાની તમામ જિંદગી રોળી નાખે છે. (સારું છે દહેજ ની પ્રથા બાબતે સમાજ થોડો ઘણો જાગૃત છે.....!!!!!)

મોટાભાગના પ્રતિષ્ઠિત ઘરાનાના લોકો આજે પણ લવ મેરેજની તરફેણ કરતા નથી. લોકશાહી સરકારમા આવી ગઈ, પણ હજુ ઘરોમાંથી ‘સરમુખત્યારશાહી’ ગઈ નથી. પોતાના જીવનસાથીની પસંદગી પણ પોતે કરી શકે, એટલી સ્વતંત્રતા પણ આપણે નથી આપી શક્યા???

ચંદ્રકાંત બક્ષી બહુ સાચું કહેતા: "આપણા સમાજમાં બાળકની ૭૦% જિંદગી એના મા- બાપ જીવતા હોય છે. એમનો છોકરો કઈ છોકરીને પરણશે થી લઈને, હનીમૂન પર ક્યાં જશે બધું જ મા- બાપ નક્કી કરતા હોય છે." આ સ્થિતિ હજુ પણ યથાવત છે.

ઇસ્લામ સમાજમાં 'મહેર' ની પ્રથા છે, જે સ્ત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવાયેલો ઉત્તમ રીવાજ છે. જેમાં વર પોતાની વધુને કમીટમેન્ટ આપે છે જેમાં વધુ પોતાની ઈચ્છામુજબ ની માંગણી કરી સકે છે. આજના સમય મા તો સ્ત્રીઓ ભણતર પણ મહેરમા માંગે છે . અને આ મહેર લગ્ન સમયે કે લગ્ન પછી પણ આપવા પુરુષ બાધ્ય છે. લગ્ન સમયે નિકાહનામું (ઇન સોર્ટ મેરેજ કોન્ટ્રકટ!! ) વરવધુ એ સાઈન કરવું પડે છે અને પોતાની મરજી હોય તો જ 'કબુલ હૈ' બોલીને પોતાની સંમતિ વ્યક્ત કરવી પડે છે. જો સ્ત્રી આ નિકાહને કબુલ ના કરે તો કોઈ જબરદસ્તી થી આ નિકાહ થઇ સકતા નથી !!! આટલી સ્વતંત્રતા સ્ત્રીને આપવામાં આવી છે.

લગ્ન કરાવીએ એટલે સેટલ થઇ જાય કે પછી સેટલ થયા પછી લગ્ન કરાવવા ?? (ક્વેશ્ચન માર્ક ?).

આમ જોવા જઈએ તો લગ્નમાં થતા વહેવારો, લગ્નનો ખર્ચો, મૂળ જમાવી બેઠેલા રીતિરીવાજો બધું જ ભપકો, દેખાવો અને આડંબર નથી લાગતા ? લગ્નનો આ પ્રસંગ જે ઘરનો છે, જે વ્યક્તિઓનો છે એ લોકો ટેન્શનના મારે લગ્નને ફટાફટ પતાવવાની માથાકૂટમાં પડ્યા રહે છે. પ્રસંગ માણવા પર તો કોઈનું ધ્યાન જ નથી !!! ઉલટા આ પ્રસંગો ‘લોકોના’ સંતોષ માટે હોય છે, જાતના સંતોષ માટે નહિ !! એવું ચોખ્ખું દેખાઈ આવે છે.

છતાયે આ લગ્નસંસ્થા પર લોકોને બહુ ભરોસો છે. કારણ એના રીવાજો જોડે જોડાયેલા તથ્યો .......જે કદાચ સમાજ સ્પષ્ટતાથી સમજી શક્યો નથી કાં તો પોતાના યુવાન સંતાનોને સમજાવી શક્યો નથી....લગ્ન એ પ્રસંગ કરતા ઉત્સવ વધુ છે...જેમાં પીઠી ના પીળા રંગથી લઈને મહેંદી નો ઘેરો રંગ છે, વરઘોડામા સંગીત અને નૃત્યની રેલમછેલ છે, વરનું સ્વાગત થી લઈને તેને કન્યાદાન સુધીનો સુગંધિત સમય છે, જેમાં રીવાજો જ બોલે છે અને સૌ એને સાંભળે છે. પાણીગ્રહણમા પુરુષ સ્ત્રીની જવાબદારી સ્વીકારે છે. એને સુરક્ષા અને સુખ બક્ષે છે. હસ્તમેળાપ એ જીવનભરના સાથ ની વાત કરે છે. અગ્નિની હાજરી ઈશ્વરીય તત્વની હાજરી છે. ચાર ફેરા (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ) . જેમાં ચોથા ફેરામાં સ્ત્રી આગળ છે. જે દર્શાવે છે કે સ્ત્રી વગર પુરુષ મોક્ષ પ્રાપ્ત કરવા સક્ષમ નથી. અહી સ્ત્રી શક્તિની વાત છે. સપ્તપદી ના સાત વચનો એ શરીર થી લઈને આત્મા સુધી પહુચવાના વચનો છે. ઘણી જગ્યાએ તો આ વચનો કપલ પોતે બનાવે છે . ક્રિશ્ચન ધર્મમાં તો વચનો ની યાદી કપલ બનાવે છે. જે તેમણે નક્કી કરેલા છે . છેલ્લે સૌથી ભારે સમય છે વિદાયનો......કેટકેટલા ઈમોશન્સ જોડાયેલા છે આ પ્રસંગોમા.......અવિનાશ વ્યાસ ના શબ્દો છે

"આમ જુવો તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી"...

જો આ રીવાજોના ગુઢ અર્થ નવી પેઢી સુધી પહુચે તો નક્કી જ નવી પેઢી એને વધાવશે....આજે પણ ઘણા લવ મરેજ પૂર્ણ રીતીરીવાજોથી કરે છે યુવાનો....

આજની નિખાલસ પેઢીને આડંબરમાં નિ:સંદેહ મજા પડતી નથી. તમને નથી લાગતું વર્ષોથી આપણા રિવાજોમાં કોઈ જરૂરતમુજબના, સમયમુજબના ફેરફાર થયા નથી? હજુયે એ જ તાનસેનના સૂરો લગ્નમાં વાગ્યા કરે છે, એ જ સપ્તપદીના વચનો (જે મોટેભાગે યાદ નથી અને પળાતા પણ નથી !!!), એ જ વર્ષોથી યાદ રાખેલા ૫૧, ૧૦૧, ૫૦૧ ના ચાંદલાના વહેવારો, એ જ કુળદેવતાના નામથી શરુ થયેલી કંકોત્રી અને સંબંધીઓના નામ પર પૂર્ણ થતી કંકોત્રીઓ......(જેમાં સહેજે ફેરફાર થયા નથી !!!).

સમય બદલાઈ ગયો, વિચારધારા બદલાઈ ગઈ, પેઢીઓ બદલાઈ ગઈ પણ આપણા રીવાજો, પ્રથાઓ, વહેવારો જડના જડ જ રહ્યા !! તસુભર ફેરફાર કરીને કોઈ નવો ચીલો ચાતરવો નથી આપણે??!! લગ્ન પછી પણ નવયુગલ પર સમાજની ચાંપતી નજર છે. શા માટે, સંબંધને આટલો કેદમાં રાખવામાં આવે છે ???શા માટે આપણને દીવાલની તિરાડોમાંથી જોવાની આદત પડી ગઈ છે ??

મોટાભાગના સંતાનો મા-બાપની ઈચ્છાને (કે જીદને ?) વશ થઈને પોતાના ફ્યુચર સાથે રમવા તૈયાર થઇ જાય છે. પરાણે મા-બાપે શોધેલા જીવનસાથીને પરણી જાય છે!! આજની પેઢી વંઠેલ છે, ઉચ્છૃંખલ છે, સ્વચ્છંદ છે એવું તો જરાયે નથી !!આ પરાણે બંધાયેલા સંબંધો જયારે લગ્ન પછી ગૂંગળાઈ મરે છે અને વાત છૂટાછેડા સુધી પહોચે છે , ત્યારે લગ્ન કરાવનાર (માબાપ )કે પછી લગ્નમાં હાજર સગાસંબંધીઓ માંથી કોઈ ફરકતું સુદ્ધાં નથી. સૌ પોતપોતાની જવાબદારીઓમાંથી છટકી જવા માંગે છે!! છેવટે પીડા ભોગવવાનું તો યુગલના જ નસીબમાં આવે છે !! પોતાના સંતાનોની ઇચ્છાઓને માન ના આપીને, પોતાનું જ ધાર્યું કરાવીને વડીલો અંતે પસ્તાય છે .

આમ જોવા જઈએ તો લગ્નસંબંધ એ બે બરાબરીના, બે સમાનતાના, બે સરખા વિચારધારા ધરાવતા વ્યક્તિ વચ્ચે થતા હોય છે. છતાયે આપણા સંબંધોમા છોકરી, છોકરા કરતા વધુ ભણેલી, વધુ કમાતી સ્વીકાર્ય નથી. છોકરીની ઉંમર, છોકરીની ઉંચાઈ, છોકરીનું ભણતર બધું જ છોકરા કરતા ઓછું અને ઉતરતી કક્ષાનું હોવું જોઈએ. લગ્નનો બધો જ ખર્ચો, સુવાવડનો ખર્ચો છોકરીના મા-બાપ પર ઢોળી દેવાનો !! (કેવો ઘાતકી વિચાર છે !!) લગ્ન પછી છોકરી પોતાના પિયરથી કેટલું સોનું લાવી અને કેટલો વહેવાર લાવી એ જોવાનું પણ એ શું અને કેટલું છોડીને આવી એ કોણ જોશે? .....

આ સંબંધમા સમાનતા ક્યાં છે ??

સંબંધોની દુનિયામાં યુવાદ્રષ્ટિકોણ કેવો છે ચાલો જાણીએ :

મુંબઈનો આદિત્ય ચાવડા કહે છે : " આપણા સમાજમાં ગ્રંથી બંધાય ગઈ છે કે વડીલોએ ગોઠવેલા સંબંધો જ ટકી રહે છે. પણ એવું નથી. સંબંધોનો પાયો પ્રેમ અને વિશ્વાસ છે. યુવાનો સાવ આગલી પેઢીની વિરોધ માં નથી. કેટલાક યુવાનો માને છે કે લગ્ન કરવાથી સ્વતંત્રતા હણાઈ જાય છે. તો કેટલાક માને છે લગ્ન કરવાથી એક સુરક્ષા અને સાથ મળે છે. આવો બેવડાઈ ગયો છે દ્રષ્ટિકોણ!!!" બીજી બાજુ મુંબઈની અશ્વિની જાધવ કહે છે :" બે જણ એકબીજા સાથે પોતાની ઈચ્છાથી રહી શકે છે. આપણા સમાજનો દ્રષ્ટિકોણ બહુ સાંકડો છે. અને તે કદાચ સ્ત્રીની અસુરક્ષિતતા માંથી જન્મ્યો છે. ક્યારેક ક્યારેક તો ભાઈ- બહેન સાથે ચાલતા હોય તો પણ લોકો તેમને કંઈક બીજા જ એન્ગલથી જુવે છે. બીજું આપણા સિનેમાએ, સ્ત્રી પુરુષ ના સંબંધને ફક્ત મિત્રતાથી કંઈક વિશેષ જ જોયું છે અને દેખાડ્યું છે. આપણા સમાજના વડીલોની એક પીડા છે કે એમનો છોકરો વહુઘેલો થઇ જશે અને બીજું ઘરમાં નવી આવેલી વહુને કાબુમાં રાખવી અને એને કહ્યામાં રાખવી .આવા અપરિપક્વ તત્વો સંબંધોને મારી નાખે છે. હર વખતે ઘરમાં નવા દાખલ થયેલા વ્યક્તિ એ જ કેમ સમાધાન કરવું પડે?" મુંબઈથી રાજ શાહ કહે છે : " સંબંધોમાં તમે એકબીજા પર કેટલો વિશ્વાસ કરી શકો છો અને તમે એકમેકને કેટલા સમજી શકો છો એ જરૂરી છે. આ બંને તમારા સંબંધને કોક્રીટ, સિમેન્ટની જેમ ટકાવી રાખશે. આ સંબંધ પછી કોઈ પણ હોઈ શકે. છોકરા છોકરીની મિત્રતા પણ આપણા સમાજની આંખમાં ખુંચે છે અને તેમની ડીગ્રેડ થયેલી માનસિકતા આ સંબંધને કંઈક બીજા જ રવાડે ચઢાવી દે છે. આપણે સૌ પરફેક્ટ પાર્ટનરની તલાશમાં છીએ. પણ પરફેક્ટ જેવો કોઈ જ શબ્દ નથી સંબંધોમાં...!!! આપણે સંબંધોની શરૂઆતમાં એકબીજાને ઈમ્પ્રેસ કરતા હોઈએ છીએ. આપણા સ્વભાવને કંટ્રોલ કરીને, આપણા દેખાવને લઈને, આપણા વસ્ત્રોને લઈને......પણ સંબંધોમાં આડંબર વધુ ટકતા નથી. સંબંધોમાં એકબીજાને માન આપવું જરૂરી છે. જ્યાં માન - સન્માન નથી ત્યાં સંબંધોમાં ખટાશ આવી જાય છે ..…

*****