સમજી લેજે
સસ્તી નથી આ જિંદગી
સમજી લેજે !
મસ્તી નથી આ જિંદગી
સમજી લેજે!
સહેવા પડે છે કેટલાંય આઘાતો
જીવન જીવતાં-જીવતાં,
લપસી પડે તું કયાંરેક
સમજી લેજે!
કામ કરજે એવા કે
ઈશ્વર પણ મલકી ઊઠે,
તરી જશે જિંદગી
સમજી લેજે!
મનની મથામણ
જિંદગીની સફરમાં તું ક્યાં ને હું ક્યાં,
સંબંધોની માયાજાળ રેલાય છે
બાકી તો આતમના સંબંધ જળવાય છે
એક છતાં જુદા બનીને જીવતાં ,
એવા મનોબળના પારખા થાય છે
પાથરે છે જાળ એવી કે જે,
સ્વાથઁના સંબંધોમાં બદલાય છે
સત્ય અગત્યની પરખ કયાઁ વિના
જે દોષો દેવાય છે
તેથી જ તો માનવીની પરખ,
સજ્જન - દુજઁનથી થાય છે
નિખાલસતાથી જીવીને જે
ઈશ્વરને પ્યારો થાય છે,
તે જ તો ' વિનય' ને મન મહાન છે.
ઉલ્ઝન
ઉલ્ઝન એવી છે કે
કોઈને કહીના શકું,
મારા મનમાં ચાલતા એ
વિચારોના વનરાવનમાં
આવતા અવરોધો છે ;
કોઇને ન સમજાવી શકાય
એવી આ ઉલ્ઝન છે.
અને જો એ સમજાવવા
જાવું તો મારે ઈશ્વરની
મદદ લેવી પડે એમ છે,
લોકોને મન મારી ઉલ્ઝન
તો એક ટાઈમપાસ છે
પણ મારે મન તો એ
ઉલ્ઝન જ રહેવાની છે,
પણ ઉલ્ઝનને આશામાં
ફેરવવાની મારી કળા જ
મને અત્યાર સુધી જીવાડી રહી છે.
શોધતો ફરુ છું
સ્વાર્થની આ દુનિયામાં પ્રેમને શોધતો ફરું છું
હ્રદયના અંધકારમાં તેજ ને શોધતો ફરું છું
મમતા નથી કેળવાતી મા ના જેટલી એટલે,
દરેકના દિલમાં ભાવ ને શોધતો ફરું છું
અભિમાન નથી મને કે હું બહું સારો છું,
બાકી દુઃખિયાના ચહેરા પર હાસ્યને શોધતો ફરું છું
નારાજ છું ખુદથી એ કહી નથી શકતો
એટલે જ મારામાં હું ખુદને શોધતો ફરું છું
જીવન શક્ય નથી આપણું એના વિના
એટલે જ કણ-કણમાં ઈશ્વરને શોધતો ફરું છું.
જિંદગી
સુખ અને દુઃખ વચ્ચે જિવાય છે જિંદગી
નિઃસ્વાર્થ સંબંધોમાં મહેકાય છે જિંદગી
ક્યાંક ખુશીના આંસુઓમાં મલકાય છે જિંદગી
સપનાઓના સ્મરણોમાં સચવાય છે જિંદગી
મિલન અને વિરહ વચ્ચે અનુભવાય છે જિંદગી
ક્યાંક સ્વાથૅ ભર્યાં પ્રેમમાં વેડફાય છે જિંદગી
ક્યારેક અણમોલ ભેટ મનાય છે જિંદગી
તો ક્યાંક અધવચ્ચે કરમાય છે જિંદગી
સજ્જનોને જોતાં પરખાય છે જિંદગી
ઈશ્વરને યાદ કરતાં બદલાય છે જિંદગી
માણસ
સુખ અને દુઃખને હવે ઓળખાતા નથી
શ્વાસ લેવાય છે છતાં પરખાતા નથી
સમય અને ટાઈમ વચ્ચે ફેર જાણે પડ્યો છે,
સમજણ હોવા છતાં આચરણ થાતા નથી
વિત્ત અને વૈભવ વચ્ચે સગપણ મનને થયું છે
અંતરાત્માના અવાજને હવે ઓળખાતો નથી
મારા-તારાના ભેદ વચ્ચે સ્વાથૅને ફાવી ગયું છે,
કરમ થાય છે પણ ધરમ થાતા નથી
સ્વાથૅના સંબંધને સગપણ નવું મળ્યું છે
નિઃસ્વાર્થ સંબંધો હવે બંધાતા નથી
કેટલાય મળે છે માણસો જિંદગીના પ્રવાસમાં,
પણ કામ વગર મળનારા હવે દેખાતા નથી.
મળવું છે
સૂયૅ સમું તેજ લઈને અજવાળાને મળવું છે
ચંદ્ર તણી શીતળતા લઈને રાતને મારે મળવું છે
ફૂલ તણી સુગંધ લઈને ભમરાને મળવું છે
માટી તણી સુગંધ લઇને વરસાદને મારે મળવું છે
મેઘધનુષી રંગો લઇને આભને મારે મળવું છે
વૃક્ષોની વનરાજી લઇને વસંતને મળવું છે
પંખીઓનો કલરવ લઇને સવારને મળવું છે
હ્રદય તણા શ્વાસ લઇને જીવનને મારે મળવું છે
સ્વાથૅ વિનાનો પ્રેમ લઇને માણસને મારે મળવું છે
માણસની અંદર છુપાયેલા ભગવાનને મારે મળવું છે.
ક્યાંથી ?
વાત વગર વિવાદ ક્યાંથી ?
જીવન વગર મરણ ક્યાંથી ?
પંખી વગર પાંખ ક્યાંથી ?
જીત વગર હાર ક્યાંથી ?
વાણી વગર વચન ક્યાંથી ?
ભમરા વગર ગુંજન ક્યાંથી ?
પ્યાસ વગર પાણી ક્યાંથી ?
હ્રદય વગર સ્પંદન ક્યાંથી ?
સ્વાદ વગર રસ ક્યાંથી ?
મા વગર મમતા ક્યાંથી ?
દોસ્ત વગર મદદ ક્યાંથી ?
તડકા વગર વરસાદ ક્યાંથી ?
ફૂલ વગર ફોરમ ક્યાંથી ?
પ્રેમ વગર ત્યાગ ક્યાંથી ?
આભ વગર વિશાળતા ક્યાંથી ?
તારા વગર હું ક્યાંથી ?
રાધા વગર કૃષ્ણ ક્યાંથી ?
ઈશ્વર વગર જીવ ક્યાંથી ?
મજા છે
કારણ વગર કોઇને ચાહવામાં મજા છે
નડ્યા વગર કોઇને જિંદગી જીવવામાં મજા છે !
ભૂલો તો બધાં જ કરે છે આ દુનિયામાં ,
કોઇની ભૂલોને ભૂલવામાં મજા છે !
થતું નથી બધું જ આપણું ધાર્યું અહીં
જે મળ્યું છે એને માણવામાં મજા છે !
જીવનનો આ પ્રવાસ ક્યારે અટકી જશે ખબર નથી ,
શ્વાસ છે ત્યાં સુધી હસવામાં મજા છે !
થશે એને ગમતું બધું જ દુનિયામાં
ઈશ્વરને યાદ કરી જીવવામાં મજા છે !
જિંદગી
હસતી રહી જિંદગી રડતા ચહેરા પર ,
ખિલતી રહી જિંદગી હસતા ચહેરા પર
મહેંકી ઊઠી છે જિંદગી સજ્જન ચહેરા પર ,
કાતિલ બની છે જિંદગી દુજૅન ચહેરા પર
તારણ બની છે જિંદગી સત્કર્મો પર ,
મારણ બની છે જિંદગી દુષ્કર્મો પર
શરુ થાય છે જિંદગી ઈશ્વરના આદેશ પર ,
ખતમ થાય છે જિંદગી રાખના ઢગલા પર
- વિનય પટેલ