ખેડૂતની ચતુરાઈ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેડૂતની ચતુરાઈ

બાળવાર્તાઓ

રાકેશ ઠક્કર

ભાગ-૩

ખેડૂતે ચતુરાઈથી ચોરને પકડયો

એક ગામમાં રમણ નામનો એક ખેડૂત રહેતો હતો. તે સીધો સાદો હતો. પણ ચતુર ઘણો હતો. તે પોતાની પત્ની રમીલા સાથે શાંતિથી રહેતો હતો.

આ ગામમાં છેલ્લા ઘણા મહિનાથી ચોરનો આતંક હતો. મોટાભાગના ઘરોમાં તેણે હાથ સફાઈ કરવામાં સફળતા મેળવી હતી. પણ રમણના ઘરમાં ચોરી કરવાની તેની હિંમત ચાલતી ન હતી. કેમકે રમણ બહુ સજાગ ખેડૂત હતો. તે ચોરને કોઈ તક આપતો ન હતો. ચોર પણ ઓછો હોંશિયાર ન હતો.

એક દિવસ સાંજના સમયે રમીલા ઘર પાછળ કામ કરતી હતી ત્યારે રમણ આવે એ પહેલાં ચોર ઘરમાં ઘૂસી ગયો. અને રમણના પલંગ નીચે છુપાઈ ગયો.

સાંજે જમી પરવારીને રમણ પોતાના ઓરડામાં આવ્યો ત્યારે તેને અજીબ લાગ્યું. ઓરડામાં કોઈ હોય એવો અહેસાસ થયો. તેણે ચાલાકીથી આખા ઓરડામાં નજર નાખી. ચોર સંતાઈ શકે એવી એક જ જગ્યા હતી. અને એ તેનો પલંગ હતો. રમણે ચાલાકીથી નીચા નમીને પલંગ નીચે જોઈ લીધું. તેને ખ્યાલ આવી ગયો કે ચોર આજે તેને શિકાર બનાવવા આવી ગયો છે. પણ તે ચોરને મારામારી કર્યા વગર આસાનીથી પકડવા માગતો હતો. એટલે કરતબ વિચારી લીધો.

ઘરનું કામકાજ પરવારીને રમીલા ઓરડામાં સૂઈ જવા આવી ત્યારે રમણે કહ્યું,:''રમીલા, હું તારા વિશે જ વિચારી રહ્યો હતો.''

રમીલાને નવાઈ લાગી. તે બોલી.''શું વાત છે! આજે મારા વિશે વિચાર આવી રહ્યા છે.''

રમણ કહે,''હું એ વિચારતો હતો કે તું બહુ ડરપોક મહિલા છે. ગામની બીજી મહિલાઓ બહુ સાહસી છે.''

આ સાંભળીને રમીલા ગુસ્સાથી બોલી.''હું તમને ડરપોક લોગું છું? કોઈની સાથે ઝઘડો થાય ત્યારે જોઈ લેજો. કેવી રીતે તેને ધૂળ ચાટતી કરી દઉં છું તે.''

રમણ કહે,''મને ખબર જ છે. તું બહુ ઝઘડા કરતી મહિલા છે. રોજ કોઈ ને કોઈ સાથે ઝઘડતી જ હોય છે. પણ હું તો સાહસી થવાની વાત કરી રહ્યો છું.''

''સમય આવે ત્યારે તમે જોજો ને કે હું કેટલી સાહસી છું. અત્યારે હવે સૂઈ જાવ. સવારે વહેલા ઉઠી ઘણા કામ પતાવવાના છે.''

પલંગ નીચે સૂતેલો ચોર બંનેની વાતો મજાથી સાંભળી રહ્યો હતો. અને તેમના ઉંઘવાની રાહ જોઈ રહ્યો હતો.

રમણ પોતાની વાતને પડતી મૂકવા માગતો ન હતો. ''રમીલા, તું સાહસી હોવાનો મને પરિચય આપે તો જ હું માનીશ. મને તો તું ડરપોક જ લાગે છે.''

રમીલા કહે,''મારે શું સાબિત કરવાનું છે?''

રમણ કહે,''માની લે કે કોઈ દિવસ તું ઘરમાં એકલી હોય અને ચોર આવી જાય તો તું શું કરે?''

ચોરની વાત સાંભળીને રમીલા ગભરાઈ ગઈ. તેને ચોરથી બહુ ડર લાગતો હતો. તેણે સાંભળી રાખ્યું હતું કે ચોર બહુ ખતરનાક હોય છે. ચોર ચોરી કરવા ના મળે તો મારી પણ નાખતા હોય છે.

રમણ કહે,''કેમ કંઈ બોલતી નથી. ડરી ગઈ ને?''

રમીલાએ પોતાનો ડર છૂપાવીને જવાબ આપ્યો.''હું...કંઈ ચોરબોરથી ડરતી નથી. એને પકડી લઉં એવી છું...''

રમણે નવાઈથી પૂછયું,''તું એને પકડીશ? એટલી હિંમત છે તારામાં ?''

રમીલા કહે,''ચોરને પકડી તો ના શકું. પણ તેને પકડવા બૂમો પાડીશ. જેથી અડોશપડોશમાંથી લોકો આવીને તેને પકડી લે.''

રમણે તેને ચિઢાવતા કહ્યું,''મને તો લાગે છે કે તું ડરની મારી બૂમો પણ પાડી શકશે નહિ.''

રમણ તેના ઉપર હસવા પણ લાગ્યો. તેથી રમીલાને પોતાની હિંમત બતાવવાનું મન થયું.

''હું હમણાં જ બૂમો પાડું છું.'' આમ કહી તે 'ચોર...' ની બૂમો પાડવા ગઈ ત્યાં રમણે તેના મોં પર હાથ મૂકી દીધો. અને કહ્યું,''ઘરમાં નહિ બહાર જઈને બૂમો પાડ તો લોકો સાંભળી શકે.''

રમીલાએ પોતાને સાહસી સાબિત કરવા બહાર જઇ બૂમો પાડવા માંડી.''ચોર! ચોર! પકડો! પકડો!''

રમીલાની બૂમો સાંભળી આસપાસમાંથી ઉંઘમાંથી ઉઠીને લોકો હાથમાં જે હથિયાર આવ્યું તે લઈ આવી પહોંચ્યા. અને પૂછવા લાગ્યા,''કયાં છે ચોર?''

રમીલાએ સંકોચથી કહ્યું,''ચોર નથી. હું તો મારા પતિના કહેવાથી બૂમો પાડી રહી હતી.''

આ સાંભળી ગામના લોકોને તેના ઉપર ગુસ્સો આવ્યો અને ''આટલી રાત્રે ખોટા પરેશાન કર્યા. ચોરનું નામનિશાન નથી ને બૂમો પાડે છે'' એમ કહી સંભળાવવા લાગ્યા અને પોતપોતાના ઘરે જવા પગ ઉપાડયા. ત્યાં રમણ બહાર આવ્યો અને દરવાજા વચ્ચે ઉભા રહીને કહ્યું,''ભાઈઓ, ચોર છે... હું તમને એનું ઠેકાણું આપું છું. જુઓ, મારા પલંગ નીચે બેઠો છે.''

લોકોએ તરત જ અંદર જઈ પલંગ ઊંચો કર્યો, તો ખરેખર ચોર સંતાયેલો હતો. લોકો તેના પર તૂટી પડયા અને મારી મારીને તેના હાડકાં ખોખરા કરી પોલીસમાં સોંપી દીધો. પછી જ્યારે લોકોને રમણના ચોર પકડવાના નાટક વિશે ખબર પડી ત્યારે તેની ચતુરાઈથી ખૂબ પ્રભાવિત થયા અને ચોર પકડાવ્યો એ માટે તેને ગામ તરફથી ઈનામ પણ આપ્યું.

***

ગુરૂએ શિષ્યોને આપ્યું જ્ઞાન

એક વખત ગુરૂ જ્ઞાનાનંદ પોતાના ચાર શિષ્યો માધવ, મહેશ, ચિન્મય અને ચંદ્રપ્રકાશ સાથે તીર્થયાત્રાએ નીકળ્યા.

ગુરૂ આગળ ચાલતા હતા અને શિષ્યો તેમની પાછળ-પાછળ ચાલી રહ્યા હતા. તેમને પગપાળા ચાલવાનો બહુ આનંદ આવતો હતો. ચાલતાં-ચાલતાં તે શિષ્યોને જ્ઞાન પણ આપી રહ્યા હતા.

ધીમે ધીમે સૂર્ય માથા ઉપર આવી ગયો. લૂ લાગવા લાગી. અને પવનને કારણે ધૂળ ઉડવા લાગી. ગરમ ધૂળની આંધીથી શિષ્યો પરેશાન થવા લાગ્યા હતા. તેમને યાત્રા કઠીન લાગવા લાગી હતી. રસ્તો પણ ખાડાટેકરાવાળો હતો. ભીષણ ગરમીથી રાહત મેળવવા શિષ્યો કોઈ વૃક્ષ દેખાય તેની રાહ જોઈ રહ્યા હતા.

થોડીવાર પછી ચિન્મયે ગુરૂને કહ્યું,''ગુરૂજી, હવે યાત્રા કઠીન બની રહી છે. તાપથી અમે બેહાલ થઈ ગયા છે. આગળ એક વટવૃક્ષ છે. તેની નીચે બેસી થોડો વિરામ લઈએ.''

ગુરૂ જ્ઞાનાનંદ શિષ્યની વાત સાંભળી મંદમંદ મુસ્કુરાયા અને વટવૃક્ષ નીચે બેસીને બોલ્યા,''બાળકો, સંકટથી કયારેય હાર માનવી ના જોઈએ. સંકટમાં જ માણસની સાચી પરીક્ષા થાય છે.'

થોડીવાર સુધી વટવૃક્ષ નીચે વિશ્રામ લઈને રાહત અનુભવી બધા ફરી આગળ ચાલી નીકળ્યા.

પછી તો સતત દિવસો સુધી ભ્રમણ ચાલુ રહ્યું. મહિનાઓ વીતી ગયા. એ દરમ્યાન વિવિધ તીર્થ સ્થળોની મુલાકાત લીધી. અને ઘણી જાણકારી મેળવી.

હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. એટલે એક દિવસ ગુરૂ બોલ્યા,''બાળકો, આપણે અનેક તીર્થ સ્થળોનું દર્શન કર્યું છે. અને ઘણો લાંબો સમય આ યાત્રામાં વ્યતીત કર્યો છે. હવે ચોમાસુ નજીક છે. આપણા પાછા ફરવાનો સમય થઈ ગયો છે.''

ગુરૂ પોતાના ચારેય શિષ્યો સાથે ઘણા દિવસોની તીર્થયાત્રા કરીને આશ્રમમાં પાછા ફર્યા.
બીજા જ દિવસે આકાશમાં કાળા વાદળો ઘેરાયા. અને મોતીના દાણા જેવા વરસાદના છાંટા શરૂ થઈ ગયા.

પહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. માટીની સુગંધ ચારેબાજુ અનુભવાવા લાગી.
વાહ! વરસાદના આગમનથી કેટલું સુંદર અને આહલાદક વાતાવરણ છે.'' ચિન્મય ખુશ થઈને બોલી ઉઠયો: ''ગુરૂજી, આપણે જયારે તીર્થયાત્રાએ નીકળ્યા ત્યારે ધૂળ અને લૂથી કેટલી ખરાબ હાલત હતી. આજે એ જ જમીન મધુર સુગંધથી મન પ્રફુલ્લિત કરી રહી છે. કેટલો આનંદ આવી રહ્યો છે.''

ત્યારે ગુરૂ જ્ઞાનાનંદ પ્રેમથી બોલ્યા,''હા, શિષ્ય, સાચી વાત છે. આ રીતે પ્રકૃતિ આપણાને સંદેશ આપી રહી છે. થોડા મહિના પહેલાં જે પૃથ્વી અગનઝાળ લગાવીને ધૂળ ઉડાવી રહી હતી એ પરિસ્થિતિ બદલાઈ જતાં મીઠી સુગંધ ફેલાવી રહી છે. જે આનંદ આપે છે.''

ગુરૂએ વધુ વિસ્તારથી સમજાવતાં કહ્યું,''હકીકતમાં આ પૃથ્વીની બે જ વૃત્તિ છે. એક સારી અને એક ખરાબ. એ જ રીતે માનવીની અંદર પણ બે વૃત્તિઓ નિવાસ કરતી હોય છે. હવે એ માનવી પર આધાર રાખે છે કે તે કઈ વૃત્તિને પોતાનામાં સ્થાન આપે.''

શિષ્યો ગુરૂજીની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા.

''પ્રિય શિષ્યો, ધ્યાન આપો. જે વ્યક્તિ ખરાબ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તે દુર્જન હોય છે. અને સમગ્ર જીવ સૃષ્ટિને તે પ્રચંડ ધૂળભરી આંધી જેવો લાગે છે. પરંતુ જે વ્યક્તિ સદવૃત્તિઓને અપનાવે છે મતલબ કે સારો સંગ અને સદાચાર કરે છે તે પહેલા વરસાદ જેવો આહલાદક હોય છે.''

પોતાની વાતનું સમાપન કરતાં તેમણે કહ્યું,''પ્રિય શિષ્યો, આ તીર્થયાત્રા પછી તમે સાર તરીકે આ શિક્ષા ગ્રહણ કરી લેશો તો વેદ અને પુરાણ વાંચવાની જરૂર નથી. કેમકે સદાચાર અને સારી વૃત્તિ જ તમને સદા અગ્રેસર રાખશે.''

શિષ્યોએ ગુરૂની શિક્ષા ગાંઠે બાંધી લીધી અને તેને જીવનમાં ઉતારવાનું વચન આપ્યું.

**********