શાયર - પ્રકરણ ૧૪. Rekha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાયર - પ્રકરણ ૧૪.

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૪.

મુંબઈને મારગે

એ ગમગીન અને જીર્ણ મકાનની અંદર વિષાદ અને ગ્લાનિની પ્રતિકૄતિ સમા આશા અને ગૌતમ એકલાં જ રહ્યાં . કોઈએ શબ્દ કહ્યો ન હતો. છતાં છાપખાનાવાળાઓને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ

હતી કે મયારામના આપઘાતની સાથે કવિની કવિતાઓ પણ રામશરણ થઈ ચૂકી હતી.

મુંબઈના સોનાપુરમાં જે બે શબોના અગ્નિસંસ્કાર થયા હતા, તેમાં કવિની કવિતાની પ્રસિધ્ધીની

તમામ સંભાવના પણ સાથે જ ખાક થઈ ચૂક્યાં હતાં. એટલે એમને હવે કાંઈ બોલવાનું નહોતું. કાંઈ સાંભળવાનું ન હતું. એઓ આવ્યા હતા પૂરી ધાંધલથી, ગયા પૂરી ચૂપકીથી. આ ઘરમાં મોતના

સમાચાર સાપની જેમ સરકી આવ્યા હતા. ને પોતાના માર્ગમાં ફણિધરને અચાનક જોઈને માણસ

જેમ મૂઠીઓ વાળીને નાસે તેમ તેઓ જાણે જીવ લઈને ભાગતા હતા.

થોડે દૂર જઈને ધનજીએ પોતાના મનોમંથનને વાચા આપી ઃ ' આપણે બચી ગયા ! શેઠ કામ હાથમાં લીધું હોત ને પછી આવું બન્યું હોત તો આપણે ક્યાંયના ન રહેત. '

ધનજીની ફરજ હતી કે પોતાના શેઠનું હિત વિચારવું. અને પોતાની આસપાસ બનતા તમામ બનાવોને પોતાના શેઠના હિતાહિતનાં ચશ્મામાંથી જ જોવા. પારસી શેઠ એની કોમના સાહજિક

લક્ષણે સહ્રદય હતો. પોતાના ધંધાને એણે પોતાનું અંતઃકરણ સાંગોપાંગ વેંચી નાખ્યું ન હતું. એણે

કહ્યું ઃ ' બહુ માઠું થયું. મયારામ શેઠ માણસ સારા, હાથ રાખી જાણનારા હતા. એના

પગરખાંમાં આપણો પગ ન હોય, ભાઈ ! '

કારીગરે બીડી કાઢી, સળગાવી. એક લાંબી ફૂંક લઈને ટીકા કરી ઃ ' દિવાળું ફૂંકતાં ન આવડે ને

સટો કરવો એ તો ઝેરી નાગને દૂધ પાઈને ઉછેરવા જેવી વાત છે. '

મયારામના અકાળ અવસાન ઉપરની આ ટીકાઓ જેના કાન ઉપર નહોતી પડી, એવો ગવરીશંકર તો આશા અને ગૌતમ પ્રત્યેની પોતાની હમદર્દીને દબાવીને પ્રભુરામના ઘર ભણી મુઠીઓ

વાળી દોડ્યો હતો. શેઠને કામ હોય ત્યારે ગરીબ માણસને પોતાની લાગણીઓ પંપાળવી પાલવે નહિ. પોતાની લાગણીઓ પછી, પોતાની ભાવનાઓ પછી. પોતાના સંબંધો પછી, પહેલાં નોકરી. ગવરો તો ઊભી વાટે દોડ્યો હતો. જનારાઓ ચાલ્યા ગયા. કોઈ સોહામણા બાગ ઉપર અંધારું છાયું હોય એવા ઘરને પાછળ મૂકતા ગયા. ને એ ઘરમાં પરસાળમાં લાકડાની પૂતળી પડી હોય એમ બેભાન આશા પડી હતી.

ક્ષણ માત્રમાં જગત માત્રની સર્વ અસહાયતા પોતાની બની ગઈ હોય એવો હતચેતન ગૌતમ પડ્યો હતો. ક્યાંય સુધી ગૌતમ પડ્યો રહ્યો. આખરે ઊઠ્યો. આખું મકાન માથે તૂટી પડ્યું

હોય ને એના આટકાટ નીચે દટાયેલો માણસ જેમ બહાર નીકળે એમ એ પોતાની ઉમેદોના ભંગારમાંથી બહાર નીકળ્યો. થોડીવાર તો જાણે એને કાળી શારીરિક પીડા થઈ. જાણે એનું માથું

ફૂટ્યું હોય, એના હાથ ભાંગ્યા હોય, એના પગ ભાંગ્યા હોય એમ એને ભ્રમણા થઈ. ક્ષણભર શું થયું એની એને સૂઝ ન પડતી હોય એમ એ બહાવરા જેવો આસપાસ જોઈ રહ્યો. એના

અંગેઅંગમાં જાણે લોહી થીજી ગયું હતું. એના હાડેહાડમાં જાણે ભારે શીત સતાવતાં હતાં.

ધીમે ધીમે એનામાં ચેતનનો સંચાર થવા લાગ્યો. ધીમેધીમે એણે પોતાની આંખો આસપાસ ફેરવવા માંડી. આશાને એણે બેભાન જોઈ. નીચે પડી ગયેલો કાગળ એણે જોયો. કાગળ એણે હાથ

માં લીધો. જીવતા વીંછીને પકડતો હોય એમ કાગળ પકડતાં એના આંગળા ધ્રુજી રહ્યાં. કાગળમાં

સહી ઇચ્છાશંકરની હતી. ઇચ્છાશંકર જયારામનો મુનીમ હતો.

ત્યારે આ વાત સાચી. સાચી જ. ખોટી શા માટે હોય ? પોતાની મશ્કરી કોઈ શા માટે કરે? મશ્કરી કરવા જેવુંયે એનામાં હતું શું ? વાત સાચી. મયારામભાઈ ગયા.....એનો સટ્ટો અવળો ઊતર્યો

....મયારામભાઈ ગયા....આપઘાત કર્યો મયારામભાઈએ ને એમની પત્નીએ.

ધીમે ધીમે એ ઊભો થયો. એના આખા અંગમાં કાળાં કળતર થતાં હતાં ને જાણે એને જમીન સાથે જકડી રાખતાં હતાં. આશાનો સહારો ગયો ! આશાની ઓથ ગઈ ! બિચારી આશા આજ સાવ

એકલી થઈ ગઈ. આશાના જીવનમાં હવે કાંઈ ભાવિ ના રહ્યું. સોમથીયે ન ભેદાય એવો ધોર

અંધકાર. એની નજર ભીંત ઉપર પડી. ભીંત ઉપર એની દિલરૂબા પડી હતી. એ એણે ઉપાડી. આશા પાસે આવીને એ બેઠો. આશાના કોઈ ઉપચાર કરવા જોઈએ ? એને આમ જ પડી રહેવા દેવી

એજ એનો ઉત્કૄષ્ટ ઉપચાર નહોતો ?

ધીમે ધીમે એની આંગળી તાર ઉપર રમવા લાગી. મૄત્યુની ગોદમાં સૂવા જવાને તત્પર બનેલા માનવીના આખરી શ્વાસ જેવા એના તાર ઝણઝણવા લાગ્યા. આત્મહત્યા કરવાને કૄતનિશ્વય

બનેલા માનવીના અંતિમ વિચારો જેવી અકળામણ જાણે પરસાળમાં સજીવ કંપ લઈ રહી.

ધીમે ધીમે...ધીમે દિલરૂબા ઉપર એની આંગળીઓ રમવા માંડી. ધીમે ધીમે વાતાવરણમાં છવાયેલી ગ્લાનિને, અસહાયતાને જાણે સુરાવળ સાંપડવા માંડી.

ધીમે ધીમે હવામાં જાણે ધ્વનિ ઓતપ્રોત થવા લાગ્યો. ધ્વનિમાં વાતાવરણ ઓતપ્રોત થવા લાગ્યું. બેભાન બનેલી આશા પાસે કવિ નિરાશાનું અનહત ગાન ગાઇ રહ્યો.

જળસિંચનથી કરમાયેલા ફૂલરોપમાં જેમ તાજગી આવતી જાય તેમ ધીમે ધીમે આશાના મૃતઃપ્રાય અંગોમાં ચેતનનો સંચાર થવા લાગ્યો. ચિતા ઉપરથી મડું જેમ બેઠું થાય એમ એ સફાળી

ઊઠી ને ફાટી આંખે ચોપાસ જોવા માંડી. ધીમે ધીમે એના દેહમાં ભાન આવતું ગયું. એની આંખોમાં પિછાન આવતી ગઈ.

અને પછી એ મોકળે સાદે બે હાથમાં માથું નાંખીને રડી પડી. દિલરૂબાકારની દિલરૂબા તો ધૂપદાનીમાંથી જેમ ધૂપ ઊંચો ચડે એમ પોતાના તારમાંથી ગ્લાનિ અને પરાજયની સુરાવળ છેડતી

જ રહી. આખરે આશા ઊઠી. એણે મોઢું ધોયું. રોઇ રોઇને જાસુદનાં ફૂલ જેવી એની આંખો લાલ રંગની બની ગઈ હતી. ચહેરા ઉપરનો ઓપ માત્ર જાણે આંસુથી ધોવાઈ ગયો હતો. એ

ગૌતમની સામે જોઈ રહી. માત્ર આંગળીમાં જ એનો જીવ રહ્યો હોય ને શેષ કાયા જડ બની ગઈ હોય એમ ગૌતમ પથ્થરનાં પૂતળાં જેવો બનેલો એને લાગ્યો. એનો ચહેરો શ્યામ બની ગયો

હતો. એની આંખો બંધ હતી.

' ગૌતમ ! ગૌતમ ! ' આશાએ ચીસ જેવા અવાજે સાદ દીધો.

તંતુવાદ્ય બજતું જ રહ્યું. ચહેરો પહેલાં જેટલો જ જડવત રહ્યો. એની એક રેખા પણ બદલાઈ નહિ. શેષ જગતને માટે જાણે એના કાન મરી પરવાર્યા હતા.

ધીમે ધીમે આશાએ ગૌતમના હાથમાંથી દિલરૂબા સેરવવા માંડ્યું-- સેરવી લીધું. ગૌતમની આંગળીઓ ખાલી જ ફરી રહી. દિલરૂબાને દૂર મૂકીને આશા ગૌતમના ખોળામાં માથું નાખીને પડીઃ

' ગૌતમ ! ગૌતમ ! '

ગૌતમના ખોવયેલા પ્રાણને શોધવાને આશાનો અવાજ ધરના ખૂણેખૂણામાં ફરી વળ્યો. ' ગૌતમ ! મારી સામે જરા તો જો. ગૌતમ ! '

ભોંયે લીધેલો માનવી જેમ સ્વજનનું કલ્પાંત સાંભળીને મહાપ્રયાસે આંખ ઉઘાડે એમ ગૌતમે આંખ ખોલી. એણે આશાને જોઈ અને પછી આશા જાણે સરી જવાની હોય અને પોતે એને બળથી

પકડી રાખવા માગતો હોય એમ આશાના દેહની આસપાસ એના હાથ મડાંગાંઠના જોરથી બિડાઈ

ગયા.શહેર ઉપર મુંબઈના સમાચાર ભયંકર બોજા સાથે પડ્યા હતા--જાણે નાણાવટ ઉપર

આકાશમાંથી ખરતો તારો પડ્યો હોય એમ.

સટ્ટાના શોખીનો માટે, સટ્ટામાંથી આજીવિકા શોધનાર માટૅ, સટ્ટામાંથી ધન ખેંચવા માંગનારાઓ માતે એ દિવસો ભારે ભયંકર હતા. સોનાનો ખેલો થયો હતો. ભારે મોટો વાયદો હતો. ખેલો

કરનારાઓ બે ત્રણ આસામી હતા ને એમણે મોં માંગ્યા ભાવે સોનું ખરીદ કરવા માંડ્યું હતું. સોનું વેચવું હોય તો તે મોં માગ્યા દામે ખરીદવા તૈયાર હતા. ન વેચવું હોય તો વાયદાને દિવસે--

એક જ દિવસે વેચી ન જ શકાય એવા લખત સામે પણ તેઓ દામ ચુકવતા હતા. એટલો બધો ખેલ થયો કે વાયદાને દિવસે ક્યાંય સોનું વેચવા નીકળ્યું જ નહિ. ખેલો કરનાર આસામી

ઓમાંથી એકે ખેલો કરનાર બીજા આસામીને વાયદાને દિવસે રૂપિયા છપ્પનના ભાવે માત્ર એક તોલો સોનું વેચ્યું. ને આમ તે દિવસના ભાવ રૂ. ૫૬ નક્કી થયો.

વેચવાળીવાળા કાં તો સોનું આપે, કાં તો બજાર ભાવે ખંડી આપે. કેટલાક વેચવાળીવાળાઓએ પરદેશથી બોટમાં સોનું મંગાવ્યું હતું . પરંતુ બોટ વખતસર આવી નહિ. ને ચોમેર ભયંકર

કાગારામ મચી રહી. એમને ફાવ હતી તેમણે પાઘડી ફેરવી. જેમને ફાવ નહોતી એમાંથી કોઈએ વાત પૂરી, તળાવ પૂર્યાં, ઝેર ખાધાં.

એ શયતાની ચક્કરમાં સુરત ને મુંબઈની નાણાવટ મોટે ભાગે બરબાદ થઈ ગઈ. મયારામભાઇ એ ચક્કરમાં ચવાઈ ગયા. એમની સાથે એમનાં પત્ની પણ ગયાં. એની સાથે આશાની આશા

પણ ગઈ. એની પાછળ કવિની કવિતા પણ ગઈ.

આ ભયંકર દિવસોમાં આશા ને ગૌતમ એકલાં જ રહ્યા હતા. જીવતાં જેનાં અન્નજળ હરામ કર્યા હતાં એ ભાઈના અકાળ અવસાન પછી પ્રભુરામે પોતાને ધેર સાથરો માંડ્યો હતો, ધર્મ વિધિ

કરી હતી ઃ ને આ બધામાં ગવરીશંકરને કાંઈ ફુરસદ મળતી ન હતી.

ને એમાં એક શૂળ પણ પેઠું હતું ઃ પ્રભુરામે પોતાના ભાઈને એના અવસાન પછી માફ કર્યું કે નહિ એ તો ખબર નથી. ભાઈની ઉત્તરક્રિયા એના હ્રદયના અંતરતમ પશ્ચ્યાતાપમાંથી ઉદભવી

હતી કે લોકલાજમાંથી પેદા થઈ હતી એ તો પ્રભુરામ જાણે ને એનો અંતરાત્મા જાણે ઃ પણ પ્રભુરામે આશા કે ગૌતમને ક્ષમા આપી જ નહોતી. એને તો પોતાનો મમત બતાવવાની અને

કઠણ હૈયાના માણસ તરીકેની પોતાની છાપ પાડવાની તક જ લીધી. અકાળ મોતના સાનિધ્યમાં એ માનવીનું હૈયું કોમળ બનવાને બદલે વધારે રૂક્ષ થયું હતું.

ડરતાં ડરતાં, શબ્દે શબ્દે પોતાની પરમ પામરતાના આત્મભાનમાં ગારદ થતાં થતાં પણ ગવરીશંકરે એક તક તો ઝડપી. પ્રભુરામભાઈને એણે બે હાથ જોડીને, પોતાની ધ્રુષ્ટતા માતે ક્ષમા માગી ને આશાની યાદ આપી.

' એ નાફરમાન છોકરીનું મારી પાસે નામ કેમ લીધું તેં ? ' પ્રભુરામ ગર્જ્યા. ' મારે છોકરી જ નથી સમજ્યોને ? '

' મુરબ્બી..... '

' તુંય એ રવાડે ચડ્યો કે ? મયારામની જેમ ? ' પ્રભુરામના અવાજમાં ધમકીનો રણકો સાંભળીને ગવરીશંકર તો થરથરી ગયો.

' જી, ના. જી, ના. જી, ના જી, ના.....'

' તને મેં એક- બે વાર જોયો હતો પેલાનાં ઘર તરફ. ' પ્રભુરામ ગૌતમનું નામ જ લેતા નહિ. ' તું છો સાવ સાવ ભોળો. વળી તારે ત્રણ ત્રણ સાપના ભારા છે. ક્યાંય કથોડે ભરાઈ જઈશ ને,

તો તારેય ક્યાંક ઝેર ખાવાનો વારો આવશે. '

ગવરીશંકર તો આ શબ્દોથી હેબત જ ખાઈ ગયો. પ્રભુરામે પોતાનો વિચાર પૂરો કર્યો ઃ ' એ કવિતાઓ લખે એ કવિ, ને ભાટ ચારણ ને તરગાળા ને નાટકિયા બધાય લફંગા. મને સાહેબ

કહેતા હતા કે પેલાએ એક નાટક પણ લખ્યું છે. નાટકિયાના તે ભરોસા હોય ? '

પ્રભુરામ ખાલી તિરસ્કાર બતાવતા હતા કે એનાથી વિશેષ કાંઇક કહેતા હતા એનો વિચાર કરવાનીયે બિચારા ગવરીશંકરમાં ખેવના ના રહી. નાટક લખનારા ને નાટક ભજવનારા બેય એકજ પીંછાનાં પંખી કહેવાય કે જુદીજુદી નાતના કહેવાય એની ગવરીશંકરને સૂઝ નહોતી. ને ત્રણત્રણ સાપના ભારાના બોજથી અકાળ

વૄધ્ધ બનેલા આ માણસને એની તારવણી કરવાને અત્યારે વૄત્તિયે નહોતી. પરંતુ પ્રભુરામને જરાયે નારાજી આપવાનું કારણ આપવાની એના મનમાં રહીસહી વૄત્તિ હોય તો તે પણ નાશ પામી. સિંહ કે વાઘની બોડને જેમ માણસ ચાતરે એમ એણે ગૌતમના ઘરની શેરી પણ છોડી દીધી.

ધરતીકંપ તો શમે છે ખરો, પણ એના ઉત્પાતના સ્થળમાં તો ખતરનાક ખુવારી મૂકતો જ જાય છે.

મયારામનું અવસાન ગૌતમના ઘરમાં ચિરંતન ગ્લાનિ મૂકતું ગયું. દિવસોના દિવસો સુધી

તેમણે ખાધું છે કે નહિ એની પણ એમને સરત ના રહી. દિવસોના દિવસ સુધી પતિ ને પત્ની

એકબીજા સાથે ક્યારે શું વાત કરે છે એનો પણ એમને ખ્યાલ ના રહ્યો.

એક દિવાસ ગૌતમે આશાને બોલાવી. બોલાવીને કહ્યું ઃ ' આશા ! મારી વાત સાંભળ. મેં હવે પાકો ઠરાવ કરી દીધો છે. '

' જી. '

' હું મુંબઈ જાઉં છું. ત્યાં નોકરી શોધી કાઢીશ. '

' તમે નોકરી કરશો ? '

' હવે એની આપણે જરાય ચર્ચા કરવી જ નથી.... સમજી. તને ગમે કે ન ગમે તોય હુ મુંબઈ જવાનો છું અને નોકરી કરવાનો છું. પોતાની જિંદગી સાથે સટ્ટો ખેલીને મયારામ કાકાએ પોતાના

પ્રાણ ગુમાવ્યાં ને એની પાછળ કાકીને પણ જવું પડ્યું. મારે તને એ પંથે મોકલવી નથી. '

' મને ? '

ગૌતમનો અવાજ એકદમ તરડાયો ઃ ' મેં કહ્યુ નહિ કે મારે કશી જ ચર્ચા કરવી જ નથી તો ? મેં મારા બાપના જાન સાથે ખેલ કર્યો. પણ તારા જાનની સાથે મારે ખેલ કરવો નથી. જગતને

કવિતા જોઈતી નથી, ને મારે કવિતા હવે લખવી નથી. જગતને કારકુન ને ગુમાસ્તા જોઈએ છે, તો મારે હવે કારકુન ને ગુમાસ્તા થવું છે. હું આવતી કાલે મુંબઈ જઈશ. ને ત્યાં આભપાતાળ

એક કરીને નોકરી મેળવીને તને પણ મુંબઈ બોલાવી લઈશ. '

આશા ગૌતમ સામે જોઈ રહી. ગૌતમે કહ્યું ઃ ' જો આશા, હવે સ્ત્રીહઠ કરવાની નથી ને કરીશ તોય હું હવે રોકાવાનો નથી. જુવાનીમાં સ્વપ્નાં હતાં. જુવાની સાથે ગયાં. હવે તુ કાંઈ નાની નથી ને હુંય નાનો નથી. મારે મારા કુટુંબનું જોવું જોઈએ. '

વળતી સવારે એક ખડિયાના એક ખાનામાં પોતાના આંછાં પાતળાં લૂંગડાં અને બીજા ખાનામાં પોતાના કાગળો લઈને ગૌતમે તૈયારી કરી. ગૌતમે કહ્યું ઃ ' બાવા મૂળભારથીના પૈસામાંથી રૂ.

પાંચ વધ્યા છે. એમાંથી રૂ. બે હું લઈ જાઉં છું ને રૂ. ત્રણ તારી પાસે રાખજે. હું ત્યાં પહોંચીને તને બોલાવી લઈશ.'

સુરત ને મુંબઈ વચ્ચે તાજી જ અગનગાડી થયેલી. સુરત અને મુંબઈ વચ્ચે તો ગાડી રસ્તો જાગતો થયો હતો. ગૌતમ સ્ટેશન તરફ ગયો. સ્ટશનની બહાર ગાડીમાં બેસવાની ટિકિટ લેવાની હતી. ટિકિટબારી આગળ જઈને એણે ગજવામાં હાથ નાખ્યો. એના ગજવામાં એક પૈસો પણ ન હતો ! ખિસ્સામાં ફરીને આંગળી ફેરવતાં એને જણાયું કે ખિસ્સામાં મોટું કાણું હતું.

હવે શું ? ઘેર તો પાછા જવાય નહીં. ત્યારે.... મુસાફરોનુમ ટોળું હોહો કરતું જતું હતું. ગૌતમ પણ એ ટોળા ભેગો મળી ગયો. ડબ્બામાં એણે જગ્યા લીધી.

ગાડીએ સિસોટી વગાડી. ગાડી સરી. મુંબઈને મારગે ભભૂકવા લાગી. ને સૂરતના સ્ટેશનનું પ્લેટફોર્મ સરતું સરતું પાછળ અને વધારે પાછળ હઠી ગયું . ગાડીએ વેગ પકડ્યો. ને ગૌતમ પાટિયાંને અઢેલીને આંખો બંધ કરીને પડી રહ્યો.

(ક્રમશઃ)