જૈન સંઘની વ્યવસ્થા shreyansh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જૈન સંઘની વ્યવસ્થા

જૈન સંઘની વ્યવસ્થા્



દરેક તીર્થંકર પોતાના સમયમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.

1. સાધુ
2. સાધ્વી
3. શ્રાવક અને
4. શ્રાવિકા - આ ચાર સંઘ કહેવાય છે.

?કામદારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ આદિના સંઘથી આ સંઘ તદ્દન નોખો અને અનોખો છે. જૈન સંઘની માંડણી તેની વિશિષ્ટ આચાર સંહિતા પર થયેલી છે. તેમાં સત્તાને કોઈ સ્થાન નથી.

?વગર બંધારણે, વગર ચૂંટણીએ, વ્યક્તિગત સૂઝ-સમજ અને વિવેકથી સંઘ પોતાના ફાળે સ્વીકારેલી જવાબદારીઓનું પ્રસન્ન ચિત્તે વહન કરતો આવ્યો છે.

?વ્યક્તિગત આત્મસાધના એ તેની મુખ્ય અને મહત્વની પ્રવૃત્તિ છે. તેના નાયક શ્રી તીર્થંકર પરમાત્મા છે.

?તેમણે આત્મસાધનાનો રાહ ચીંધ્યો છે તે રાહે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા ચાલે છે.


➡ *સાધુ-સાધ્વી*

?જૈન સંઘમાં સાધુ-સાધ્વીનું વણલખ્યું માનવંતુ અને આદરણીય ઉચ્ચ સ્થાન છે. શ્રાવક અને શ્રાવિકાના તે આદર્શ અને આરાધ્ય છે.

?જે કોઈ સ્ત્રી કે પુરુષ ઘરસંસારનો, કંચન અને કામિનીનો ત્યાગ કરીને પાંચ મહાવ્રત અંગીકાર કરે છે અને પોતાના માટેની નિયત આચારસંહિતાનું પાલન કરે છે તેઓ જૈન સાધુ અને જૈન સાધ્વી ગણાય છે.

?તેમના જીવનનું ચરમ અને પરમ ધ્યેય મોક્ષ-પ્રાપ્તિનું હોય છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા તેઓ પ્રતિપળ સજાગપણે પ્રવૃત્ત રહે છે.

?વ્યક્તિગત આત્મસાધનાની સાથોસાથ તેઓ ધર્મોપદેશ આપીને વિશાળ જનસમાજને સદાચાર તરફ વાળે છે. માનવહૈયે રહેલા શુભ ભાવોને તેઓ જાગ્રત કરે છે. માનવ મનની નબળાઈઓને ખંખેરી નાંખવા માટે પ્રેરણા કરે છે.

?તેમના બધા જ ભાવ અને પ્રયત્ન માણસને ધર્મમય અને સંસ્કારમય બનાવવાના હોય છે. સંક્ષેપમાં કહીએ તો જૈન સાધુ-સાધ્વી નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કરે છે.

?તેમનું પોતાનું જીવન સાદું, સંસ્કારી અને સંયમી હોવાથી, સ્વયં નિઃસ્પૃહ અને નિરપેક્ષ હોવાથી તેમના ઉપદેશની અસર
જનસમાજ ઉપર સચોટ હોય છે.

?પ્રવચન, વાર્તાલાપ, શિક્ષણ-શિબિર, ધ્યાન-શિબિર, જાપ, અનુષ્ઠાન, મહોત્સવ આદિ માધ્યમોથી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ચારિત્ર્યનિર્માણનું પ્રશસ્ત કામ કરે છે.


➡ *શ્રાવક-શ્રાવિકા*

?શ્રી તીર્થંકર પરમાત્માઓએ પ્રરૂપેલ બાર વ્રતનું પાલન કરનાર સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા કહે છે.

?તેમની ભાવના પણ સકલ કર્મનો ક્ષય કરીને મુક્તિ પામવાની હોય છે. પરંતુ આ માટે ઘરસંસારનો ત્યાગ કરી સંપૂર્ણપણે આત્મભાવ અને આત્મધ્યાનમાં રહેવાની શક્તિ અને ક્ષમતા ન હોવાથી બાર વ્રતોનું યથાશક્ય પાલન કરે છે.

?તેઓ સાધુ-સાધ્વીની પ્રેમપૂર્વક અને આદરથી ભક્તિ કરે છે. સાધુ-સાધ્વીની જ્ઞાનસાધના તેમજ આત્મ-સાધના માટે જરૂરી સામગ્રીઓ ઉમળકાથી પૂરી પાડે છે.

?આ ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓ ધર્મની આરાધના માટેની સંસ્થાઓ જેવી કે દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ગુરુમંદિર, પાઠશાળા, આયંબિલશાળા, પાંજરાપોળ વગેરેની વ્યવસ્થાઓ પણ સંભાળે છે.

?શ્રાવક-શ્રાવિકાઓ એક બીજાને સાધર્મિક માને છે. જે સાધર્મિકોની આર્થિક સ્થિતિ નબળી હોય તેવાઓને જરૂરી ચીજ-સામગ્રી સ્વમાનપૂર્વક આપીને તેમની ભક્તિ કરે છે. સાધર્મિક ભક્તિ કરીને તેઓ દુઃખી સાધર્મિકોને અશુભ ધ્યાનમાંથી બચાવી લે છે.

?પોતાના જૈન ધર્મના પ્રચાર માટે તેઓ શક્ય તમામ સમ્યક્ પ્રવૃત્તિઓ જેવી કે પુસ્તક પ્રકાશન, શોભાયાત્રા, પ્રવચનો વગેરે કરે છે.

?કુદરતી આફતોના પ્રસંગે કરૂણાથી મન મૂકીને દાન આપે છે. કસાઈવાડે જતાં પશુઓને છોડાવીને જીવદયા પણ કરે છે.

જૈન દેરાસર-1


➡દરેક ધર્મ-સંપ્રદાયના ભગવાનનું પોતાનું સ્થાનક હોય છે. એ દરેકને પોતાનું વિશિષ્ટ નામ હોય છે. હિન્દુઓનું મંદિર, મુસલમાનોની મસ્જીદ, શીખોનું ગુરુદ્વારા, ખ્રિસ્તીઓનું ગિરજાઘર, વૈષ્ણવોની હવેલી હોય છે. *તે જ પ્રમાણે જૈનોના ભગવાન તીર્થંકર, જિનેશ્વર કે વીતરાગ માટેના મંદિરને દેરાસર કે જિનાલય કહે છે.*

➡આ દેરાસર શિખરવાળું, ઘુમ્મટવાળું કે ધાબાવાળું પણ હોય છે. શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ વિશિષ્ટ બાંધણી અને માંડણીથી જૈન દેરાસર અન્ય મંદિરોથી તરત આગવું તરી આવે છે. દેરાસર મોટા ભાગે પત્થર કે આરસનું બનેલું હોય છે.

➡દેરાસરમાં એકથી વધુ જિનપ્રતિમાઓ હોય છે. મુખ્ય પ્રતિમાના નામે દેરાસર ઓળખાય છે. એ મુખ્ય પ્રતિમાને મૂળનાયક કહે છે. દેરાસરમાંની મોટા ભાગની જિનપ્રતિમાઓ પદ્‌માંસનમાં ધ્યાનસ્થ મુદ્રામાં હોય છે.

➡દરેક દેરાસર ઓછી-વત્તી નકશીકામથી કલાત્મક હોય છે. વિશ્વભરમાં જૈન દેરાસરો તેની અનોખી અને અદ્‌ભૂત તેમજ બારીક કલાકારીગરીથી મશહૂર છે. આબુ, દેલવાડાના દેરાસરોની કીર્તિ દિગદિગંત સુધી પ્રસરેલી છે

➡દેરાસરમાં મુખ્યત્વે ગભારો અને રંગમંડપ હોય છે. ગભારામાં જિન-પ્રતિમાઓ હોય છે. ભાવિકો ત્યાં જઈને ભીના ચંદનથી ભગવાનની પૂજા કરે છે. અને રંગમંડપમાં બેસીને પ્રભુની સ્તુતિ-સ્તવના, મહોત્સવ આદિ કરે છે. પ્રભુ સામે જોઈને તેમનું ધ્યાન ધરે છે. તેમના નામનો જાપ કરે છે. વિશિષ્ટ વંદના કરે છે.

➡સૂર્યાસ્ત પછી દરેક દેરાસરમાં વીતરાગ પરમાત્માની આરતી ઉતારવામાં આવે છે અને મંગળદીવો કરવામાં આવે છે.

➡દેરાસર બંધાઈ ગયા પછી તેમાં પરમાત્માની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હોય છે. આ માટે વિશિષ્ટ મહોત્સવ કરાય છે. તેને “અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ” કહે છે. આ વિધિ આચાર્યભગવંતો-સાધુભગવંતો કરે છે.

➡જિન-પ્રતિમાજીને સોના-રૂપા-હીરાના અલંકારોથી સજાવવામાં આવે છે. તેને “આંગી' કહે છે. આ આંગી ફૂલોથી પણ કરવામાં આવે છે.

➡કેટલાક સુખી સમૃદ્ધ ભાવિકો પોતાની રહેવાની જગામાં દેરાસર બનાવે છે. તેને “ઘર-દેરાસર' કહે છે.

➡ભારતભરમાં જૈનોના નાના મોટાં દેરાસર છે. અને તેમાં મનહર અને મનભર, આત્મભાવપ્રેરક અને પોષક હજારો જિન પ્રતિમાજીઓ છે.

➡આ પ્રતિમાઓ આરસ ઉપરાંત ધાતુની પણ હોય છે. કેટલીક જગ્યાએ સ્ફટિક-પન્ના-માણેક જેવા કીમતી પથ્થરોની મૂર્તિઓ પણ દર્શન માટે રાખવામાં આવે છે.

જૈન ઉપાશ્રય*

?આરાધકોને ધર્મની આરાધના કરવા માટેના તેમજ જૈન સાધુ-સાધ્વીઓને કામચલાઉ કે ચાતુર્માસમાં સ્થિરવાસ કરવા માટેના મકાનને ઉપાશ્રય કહે છે.

?સાધુ અને સાધ્વી માટેના ઉપાશ્રય અલગ હોય છે. એક ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી ને સાથે કે ઉપર-નીચે રહેવા પર શાસ્ત્રમાં પ્રતિબંધ છે.

?સાધુઓ માટેના ઉપાશ્રયમાં સાધ્વીઓ કે બહેનો અને સાધ્વીઓ માટેના ઉપાશ્રયમાં પુરુષોની આવનજાવન પર પણ સમયની મર્યાદા મૂકવામાં આવી છે.

?સૂર્યાસ્ત પછી સાધુઓના ઉપાશ્રયમાં સાધ્વીજીને તેમજ બહેનોને અને સાધ્વીઓના ઉપાશ્રયમાં સાધુએ તેમજ પુરૂષોને જવાની મનાઈ છે.

?ઉપાશ્રયમાં ઉતરવા માટે ઓછામાં ઓછા બે સાધુ કે બે સાધ્વીજી હોવા અનિવાર્ય છે.
ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી વ્યાખ્યાન (પ્રવચન) આપે છે. તેમાં સામુદાયિક કે વ્યક્તિગત સામાયિક, પ્રતિક્રમણ આદિ વિવિધ ધર્મ-આરાધના કરવામાં આવે છે.

?ઉપાશ્રયનું વાતાવરણ જ્ઞાનમય અને તપમય હોય છે. સાધુ-સાધ્વીઓ જ્ઞાનાભ્યાસમાં રત રહે છે. શ્રાવક-શ્રાવિકાઓ પણ સાધુ-સાધ્વીઓ પાસે ધર્માભ્યાસ કરે છે. જ્ઞાનગોષ્ઠીઓ યોજાય છે. તત્ત્વજ્ઞાનના વર્ગો ચાલે છે.

?ચાતુર્માસના સમયમાં ઉપાશ્રય આરાધકોની સતત આરાધનાથી ગૂંજતો અને ગાજતો રહે છે.

?સુખી અને સંપન્ન ભાવિકોના દાનથી ઉપાશ્રય બાંધવામાં આવે છે. સ્થાનિક સંઘ તેનો વહીવટ કરે છે .

જૈન જ્ઞાનમંદિર*


➡પુસ્તકાલય, ગ્રંથાલય માટે જૈનો “જ્ઞાનમંદિર” શબ્દનો ઉપયોગ કરે છે. જ્ઞાનમંદિર માં શબ્દની યથાર્થતાનો અનુભવ થાય છે.

➡તેમાં સમય પસાર કરવા માટેના કે મનોરંજન માટેના પુસ્તકો નહિ, પરંતુ તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિ, જીવનચરિત્ર વગેરે જ્ઞાનની વિવિધ શાખાઓના પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ હોય છે.

➡પહેલાં પુસ્તકો તાડપત્રો પર લખાતા હતા. વિશિષ્ટ કાગળ પર વિશિષ્ટ શાહીથી પુસ્તકો લખાતા. આ જ્ઞાનમંદિરોમાં એવા તાડપત્રો અને હસ્તપ્રતોનો કાળજીપૂર્વકનો સંગ્રહ હોય છે. ખંભાત, લીંબડી, ડભોઈ, અમદાવાદ, પાટણ, જેસલમેર, બિકાનેર આદિ શહેરોમાં એકથી વધુ જ્ઞાનમંદિરો કે જ્ઞાનભંડારો છે.

➡તે દરેકમાં પ્રાચીનતમ ગ્રંથો, તાડપત્રો, હસ્તપ્રતો ઉપલબ્ધ છે. તેમાં ઇસુના હજારેક વરસ પૂર્વેની પણ પ્રતો પ્રાપ્ત છે. જૈન સંસ્કૃતિના ગ્રંથો અને પ્રતો તો તેમાં છે જ, ઉપરાંત વેદ સંસ્કૃતિ અને બૌદ્ધ-સંસ્કૃતિના પણ અલભ્ય ગ્રંથો અને પ્રતોનો સંગ્રહ છે.

➡સાધુ-સાધ્વીજીની પ્રેરણાથી, આવા જ્ઞાનમંદિરો ઊભા થયા છે અને થાય છે. સ્થાનિક સંઘ તેની સંભાળ રાખે છે. કેટલાંક વ્યક્તિગત માલિકીનાં પણ જ્ઞાનમંદિર કે જ્ઞાનભંડાર છે.

જૈન સંસ્કૃતિને સમગ્રતયા જાણવા સમજવા માટે આ જ્ઞાનભંડારો મહત્ત્વની અને મબલખ સામગ્રી પૂરી પાડે છે. અમદાવાદ ખાતેનું લાલભાઈ દલપતભાઈ ભારતીય પ્રાચ્ય વિદ્યામંદિર એક વિશિષ્ટ જ્ઞાનમંદિર છે. તેમાં સંશોધન અને પ્રકાશનનું કાર્ય પણ થાય છે. દેશ અને વિદેશના વિદ્વાનો આ જ્ઞાનભંડારોની મુલાકાત લે છે.

*જૈન પાઠશાળા*

➡જ્યાં બાળકો, કિશોરો અને યુવાનોને ધર્મના જૈન શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે, એ સ્થળને જૈન પાઠશાળા કે જૈન જ્ઞાનશાળા કહે છે.

➡ધાર્મિક શિક્ષક-શિક્ષિકા અભ્યાસ કરાવે છે. જૈન સૂત્રો શીખવે છે. ધર્મની ક્રિયાઓની પ્રાયોગિક તાલીમ આપે છે. જૈન ઇતિહાસ પણ ભણાવે છે.

➡જૈન તત્ત્વજ્ઞાન વિશાળ છે. જૈનો માટે બે પ્રતિક્રમણ કે પાંચ પ્રતિક્રમણનું જ્ઞાન હોવું જરૂરી છે. પ્રતિક્રમણ એ જૈનોની રોજિંદી ધાર્મિક ક્રિયા છે. જિનપૂજા પણ નિત્યની ક્રિયા છે. પાઠશાળામાં મુખ્યત્વે એ ક્રિયા-સૂત્રોનો અભ્યાસ કરાવાય છે.

➡બાળકો જૈન ધર્મનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત બને તે માટે ઉદારદિલ જ્ઞાન પ્રેમીઓ તેમને વિવિધ ઇનામો પણ આપે છે. વરસમાં ક્યારેક ધાર્મિક પરીક્ષાઓ પણ લેવાય છે.

➡ખંભાત, અમદાવાદ, મહેસાણા, મુંબઈ જેવાં મોટા શહેરોની પાઠશાળામાં વિદ્વાન પંડિતો પાસે સાધુ-સાધ્વીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરે છે.


*આયંબિલ શાળા*

➡વિવિધ જૈન તપોમાં આયંબિલ તપનું આગવું સ્થાન છે. આ તપ માંગલિક અને પ્રભાવિક સાબિત થયેલું છે. ચૈત્ર અને આસો મહિનાના નવ દિવસ ઘણાં ભાવિકો નવ દિવસના આયંબિલ તપ સાથે નવપદની ઓળીની આરાધના કરે છે. ઘણાં ભાવિકો વર્ધમાન તપ પણ કરે છે. આ તપમાં પણ આયંબિલની મુખ્યતા છે. ઘણાં લોકો પર્વ તિથિએ પણ આયંબિલ કરે છે. આયંબિલ-તપનું પ્રચલન વિશેષ છે.

➡આયંબિલનું તપ ઘરે કરવા માટે સુગમ અને સરળ નથી બનતું, કારણ આ તપમાં લુખ્ખું-સુક્કું મીઠાં મરચાં વિનાનું તેમજ તેલ-ઘી વગરનું ભોજન એક ટંક કરવાનું હોય છે. ઘરે આવી રસોઈ કરવાની દરેકને અનુકૂળતા નથી હોતી.

➡આથી સંઘે આ તપને આરાધકો માટે આયંબિલશાળાની વ્યવસ્થા કરી છે. તેમાં આયંબિલ તપમાં ખાઈ શકાય એવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. આરાધકો અહીં આવીને આયંબિલ કરે છે. આ તપ કઠિન છે. પરંતુ સમુહમાં અહીં આરાધકો આયંબિલ કરતા હોવાથી આરાધકોને પ્રેરણા અને બળ મળી રહે છે. આયંબિલ ખાતામાં પીવા માટેના ગરમ પાણી (ઉકાળેલું પાણી) ની પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે.

➡આયંબિલ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. તેના સંચાલન માટે દાન સ્વીકારાય છે. ઘણાં ઉદારદિલ તપપ્રેમીઓ એક દિવસની તિથિ લખાવીને તપની અને તપસ્વીઓની અનુમોદના કરે છે. આવી આયંબિલ શાળાઓ મોટા શહેરોમાં કે જ્યાં પણ વધુ જૈનો વસતાં હોય ત્યાં હોય છે.