Shayar - 13 books and stories free download online pdf in Gujarati

શાયર - 13

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૩.

મુંબઈથી કાગળ આવ્યો

રાતમાં એકબે વાર આશા ઊઠી હતી. જ્યારે ઊઠી હતી ત્યારે એણે ગૌતમનો ઊંઘમાં ઘેરાયેલો ચહેરો જોયો હતો. ઊંઘમાં યે ગૌતમને કેવાં સ્વપ્નાણ આવતાં હશે ! જાણે મા શારદા એને ચામર

ઢોળતી હોય. અવર્ણનીય પ્રભા એ કોમળ અને ઊર્મિલ ચહેરાને ગુલાબની પાંખડીના રંગથી રંગી રહી હતી. એના સ્વચ્છ કપાળ પર અપાર્થિવ દીપ્તિ છાઈ હતી. અજુનના ગાંડીવની રેખા સમી

એની હોઠની રેખાઓના ખૂણા તો અવર્ણનીય અભિલાષાઓથી જાણે આછું સ્મિત કરી રહ્યા હતા.

એનો ગૌતમ ! એનો કવિ ! આજ કેવો સોહામણો લાગતો હતો ! આજ એની કપરી મંઝિલનો આખરી દિવસ હતો ! આજથી એવી કીર્તિની સોપાનનો આરંભ થતો હતો. આવતી કાલે....

કાલે....ભવિષ્યમાં જે કીર્તિ એની થવાની જ હતી એનું પહેલું પગલું મંડાવાનું હતું, કાલે એના મહાભાગ્યનો આરંભ થવાનો હતો. બધું જ--બધી જ આપદા અને ઉપાધિઓ પાછળ રહી ગઈ

હતી. નાનાં મોટાં કૂતરાંઓ ભસતાં જ રહી ગયાં હતાં, ને હાથી તો એની મસ્તીમાં ચાલ્યો જ ગયો હતો. કાલે એના ઉપર સોનાની અંબાડી ચડવાની હતી !

એની કીર્તિ દેશવ્યાપી બનશે. લોકો એની કવિતા વાંચશે અને બળવાના ભયંકર પરાજયનો વિષાદ ભૂલી જશે. લોકો એની કવિતા વાંચશે ને પરચક્રનાં શૂળ નવેસરથી અનુભવશે. વિષાદ.

ગમગીની, કાયરતા, પામરતા, બધું જ પરહરીનો એક નવા જ પુરુષાર્થનો પંથ પકડશે. કુરૂઢિઓનાં પ્રેતો શમશે. કુરિવાજની શૄંખલાઓ તૂટી પડશે. હજારો વર્ષની પરંપરાના મરેલા બોજા

ફેંકી દેશે અને કમરમાંથી ટટ્ટાર, સીનામાંથી ટટ્ટાર એક નવી જ મજલ આરંભશે....

જેની પહેલી ખાંભી પ્રેમ...શૂહર....

બીજી ખાંભી સ્વમાન,

ત્રીજી ખાંભી સ્વદેશાભિમાન....

ને એકદા-એકદા અચૂક આ દેશમાંથી પરચક્રનો ઓથાર દૂર થશે. ત્યારે હિમાલય આપણો થશે.

ત્યારે ગંગા આપણી થશે. ત્યારે સૂરજ આપણો થશે. ચંદ્ર આપણો થશે. મુલક આપણો

થશે. તે દિવસ પાછલી મજલનાં પહેલા યાત્રી તરીકે જનતા એના ગૌતમને સ્થાપશે. પાવનકર ગંગાનાં મૂળ તો હિમાલયના પહાડો અને જંગાલોની પરમ ભવ્ય ભયંકર શાંતિમાંથી

સસ્તી એક નાની જ જળધારા છે. એ જળધારા એના હિમાલય જેવો અડગ ગૌતમે સીંચી હતી. એમ જનતા યાદ કરશે....અહો ! એ સુભગ દિવસના સ્વપ્નામાં પાછલી મજલનો સંતાપ

કોને છે ? વિષાદ કોને છે ? કાલનાં વહન પાછાં ફરે ને ફરીને એની પસંદગીની વેળા આવે તો. એ ગૌતમ સિવાય અન્ય કોઈ પસંદગી ના કરે ને ગૌતમને માટે બીજા કોઈ પુરૂષાર્થની કલ્પના સરખી

પણ ન કરે.ભૂતકાળની થઈ ચૂકી એ મજલ, કેવી કપરી મજલ હતી એ. ને એણે એ કેમ કાંપી હતી ? ઘરમાં પૈસા ન હોય. ઘરમાં અન્ન ન હોય, પહેરવાનાં કપડાં ન હોય....કોઈનેય એણે કમાવા નથી

દીધું. ગૌતમને ય નહિ. એના હસતા ચહેરા પાછળ છૂપાયેલી ચિન્તાઓમાંથી કોઈને ય એણે ભાગ આપ્યો નથી...... ના. કોઈને ય નહિ એમ તો નહિ. ગવરીશંકર તો ભોળો, દબાયેલો,

હીણપત અનુભવતો, પ્રભુરામના સંભાવ્ય રોષના ખ્યાલથી છળી મરતો છતાં સમજુ હતો. સંબધરખુ હતો. એ અદાલતના કાગળોની નકલો કરવા લાવતો ને પૈસા લાવી આપતો. વારતહેવાર

નું બહાનું કાઢીને કાંઈક મૂકી જતો. ગામમાં એક નવલશા હીરજી રહેતો હતો. મશહૂર સોદાગર રણમલ લાખાની સુરતની પેઢીનો માણસ હતો. અને એની બૈરીને છેલછબીલી કરવાના કોડ

હતા. છલછબીલી બનાવવી હોય તો વાંચતાં લખતાં શીખવવું જોઇએ. કાંઇક ગોટપીટ કરતાં શીખવવું જોઈએ. ને ગવરીશંકરે આશા માટે એ કામ શોધી આપ્યું હતું. થોડાક મહિના એ ઠીક

ચાલ્યું....થયું...મજલ પૂરી થઈ. હવે એની રણવાટ, વનવાટ, વસમીવાટ સંભારવી શા માટે ? ગૌતમનો આ પ્રસન્ન ચહેરો એની તમામ વિટંબનાઓનો પૂરતો બદલો મળી રહેશે. મયારામ

કાકાનો કાગળ આવ્યો હતો ગવરીશંકર ઉપર કાગળમાં શુભ વર્તમાન હતા. છાપખાનાનું કામ શરૂ કરો. પોતે ગૌતમ ઉપર, આશા ઉપર સીધો પત્ર લખશે. કાગળના પૈસા મોકલશે.... આશા

ને ઊંઘ ન જ આવી.

સવારના પહોરમાં એણે ગૌતમને વહેલો વહેલો સ્નાનવિધિથી મુક્ત કર્યો. માતા શારદાની છબી આગળ એને પાયે લગાડ્યો. સારી દુનિયા જાણે આજે નવેસરથી રંગાઈ હતી. જૂનાં ધરની

શ્યામ બનેલી દિવાલો ઉપર જાણે સોનાની ઝાંય ચડી હતી. સૂરજ હજુ બહુ ચડ્યો ન હતો. ત્યાં બે- ત્રણ જણા આવ્યા. એક પારસી હતો. એક વાણિયા જેવો હતો એક કારીગર જેવો હતો.

' આ જ ગૌતમ શોભારામનું ઘર કે ?' ' વાણિયા જેવા લાગતા માણસે પૂછયું.

' હા. આવો. છાપખાનામાંથી આવો છો કે ?'

' હાજી.' પારસી શેઠે ખાટ ઉપર બેઠક લીધી. ' અમોને મુંબઈથી મયારામ શેઠનો કાગળ છે. એમાં તમારે કાંઇક છપાવવું છે એવી વાત લખી હતી. ગવરીશંકરે અમોને આ ઘેર આવવાનું

કહ્યું.'

'બરાબર છે. મારે એક પુસ્તક છપાવવું છે.'

' છાપી આપીએ. છાપવા તો બેઠા જ છીએ. વળી મયારામ શેઠની ભલામણ છે. શેઠ અમારો મુરબ્બી છે. અમોને છાપખાનું ઊભું કરવામાં ખૂબ મદદ કરી છે. એમનું કામ તો કરી આપવું

જોઈએ. કેમ ખરું ને ધનજી ? '' કેટલાંક પાનાં હશે ? ' ધનજીએ પૂછ્યું. '

' હવે એ તો મને કેમ ખબર પડે ? ' ગૌતમે કહ્યું, ' પરંતુ મારા હાથના લખેલાં હજારેક પાનાં છે. '

' તો જરા શેઠ એમ કરોને. ' પારસી ગૄહસ્થ વચમાં બોલ્યા ઃ ' તમે ધનજીને થોડાંક પાનાં બતાવો ને ? '

' હા.' ગૌતમ ઊઠયો ને થોડાં પાનાં લઈ આવ્યો. ધનજીના હાથમાં એણે મૂક્યાં. ' આ કવિતા ઓ છે. એટલે લીટીએ લીટી છપાવી જોઇએ હો. આગળ પાછળ ઉપર નીચે જગા મૂકવાની. '

ધનજીએ પાનાં જોયાં કારીગર જેવા માણસને જોવા આપ્યાં. કારીગરે પારસી શેઠને જોવા આપ્યાં. પારસી શેઠે ગૌતમને પાછાં આપ્યાં.

' વાહ મજેનું. અમે તો જરા આપની પિછાન કરવા આવ્યા હતા. આપના અક્ષરો જોવા આવ્યા હતા. અક્ષર જોયા હોય તો ઠીક ને ? છાપખાનું નવું છે. કારીગર બધા શીખાઉ છે તે કહ્યું

અક્ષર ગરબડિયા હોય તો ફરીથી સારા અક્ષરે લખાવીએ. '

સ્વાગતની પરાકાષ્ઠા સમા ચાહના ચાર કપ અંદરથી લાવીને આશાએ મૂક્યાં.

' અરે, અરે બહેન, આ તસ્દી શા માટૅ ? ' પારસી શેઠે તો શિષ્ટાચાર કર્યો. ધનજી અને એના સાથી કારીગરે તો ચાહના પ્યાલા પોતાના તરફ ઝડપથી ખેંચી જ લીધા.

સુરત ને મુંબઈ વચ્ચે હમણાં જ અગનગાડી થઈ હતી. એનું વરાળિયું એંજિન પાવો વગાડતું. એ સાંભળવાનું અનેકોને કૌતુક થતું. એ એંજિન ભૂલું પડીને ગૌતમના ઘરમાં આવ્યું હોય એમ

થોડી વાર ત્યાં સૂસવાટા બોલી રહ્યા. બધા ચા પીવા મંડ્યા હતા. ચાર ચાર જણના સૂસવાટાની પરંપરામાં કોઈને વાત કરવાનો કે સાંભળવાનો અવકાશ ન હતો. આશા આનંદથી હસતી

આંખે ચારે જણને ચાહ પીતાં જોઈ રહી.

ચાહ પતાવીને પારસી શેઠે કહ્યું ઃ ' અમોને ગવરીશંકર કહેતો હતો કે કાગળનું રોકાણ તમો કરવાના છો. એટલે બીજી વાત તો શું કરવાની હોય ? ભાવની વાતમાં તો એમ છે કે અમોને

માટે પણ આ ધંધો નવો છે. તો થોડું કામ થશે એટલે બધો હિસાબ ગણીને તમોને એક પાનાનો પાકો ભાવ આપશું. બરાબર છે ને ? '

' બરાબર. '' તમો પહેલીવાર છપાવો છો. અમો પહેલીવાર છાપીએ છીએ. બસ, તમો સો પુસ્તકો છપાવો ને અમો સો પુસ્તકો છાપીએ એ મારી તમોને દુઆ છે ને તમો પણ અમોને એવી દુઆ આપજો ! '

' એમાં બીજું કહેવાનું જ શું હોય ? '

' બાકી તો મયારામ શેઠ વચમાં છે. એમને અમારાથી નારાજ તો નહિ કરાય. પણ હાં, એક વાત પૂછું. તમારી કવિતામાં કાંઇ સરકાર વિરુધ્ધ તો નથી ને ? '

' કેમ પૂછવું પડ્યું આપને ? '

કાંઇ નહિ અમસ્તુ. તમો તો એક સ્વતંત્ર મિજાજના આદમી રહ્યા ને અમો રહ્યા વેપારી. એટલે જરા પૂછયું હોય તો સારું ! '

' તમે ચિન્તા ન કરો. '

' બસ શેઠ બસ. તમે કહો છો પછી શું વાંધો છે? ને એમ કરતાંય ક્યાંક હાથની ભૂલ થઈ હોય તો સુધારતાં ક્યાં નથી આવડતું ? કેમ બોલ્યા નહિ, શેઠ ? '

' એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. '

આશા બહાર આવી. પારસી શેઠને વંદન કરીને બોલી ઃ ' નકલો તો તમારે છાપવી હોય તેટલી છાપજો. '

' હજાર છાપશું પહેલા. કેમ બોલ્યો નહિ ધનજી ? '

'બરાબર . હજાર જ.' ધનજીનું કામ સૂર પૂરવાનું હતું ને એ એ કરતો હતો. બાકી તો એની છાતી હજી ગરમાગરમ ચાહને ઝડપથી પી લેવાનાં પરિણામ ભોગવી રહી હતી. ને એણે મનમાં

નક્કી કર્યું હતું કે ચાહ એ ઘણું ગરમ પીણું છે. ગોરા લોકનો મુલક ઠંડો એટલે એમને આવું ગરમ પીણું ફાવે. બાકી આપણે જો રોજ પીએ તો તો ફૂટી નીકળે. ચાહ તો પાશેર સૂઠના ઉકાળા

થીએ ગરમ. છાતીમાં જાણે લ્હા લાગી છે જોને.

આશાએ કહ્યું ઃ ' હજાર સહી. પણ હું તો આપને એમ કહું છું કે એક નકલ તો અમોને ઝટઝટ આપશો ને ?'

' હા. અરે એક નકલ તો એક દિવસમાં . આપણે ક્યાં હાથે છાપવું છે ? સંચાને છાપવું છે ને ? '

અત્યારસુધી ચૂપ રહેલા કારીગરને હવે વચમાં પડવા જેવું લાગ્યું ઃ' બેન, એક નકલ એમ તરત ન નીકળે. હજારે સામટી જ નીકળે. '

પારસી શેઠે ફેરવી નાખ્યું ઃ ' એ બાબત તો તને ખબર અમોને તો હજી આ એક નકલ ને હજાર નકલ્નો ફીરકો માલુમ નથી. '

ત્યાં ગવરીશંકર દોડતો આવ્યો. પરસાળમાં માણસનું ગળું જોઈ એ જરા અચકાયો. પછી એણે ગૌતમને કહ્યું ઃ ' લો ભાઈ ! મુંબઈનો કાગળ આવ્યો છે. પ્રભુરામભાઈ ઉપર પણ એક કાગળ

આવ્યો છે ને આશા બહેન ઉપર કાગળ હતો એ મેં લઈ લીધો ને દોડતો તમને પહોંચાડવા આવ્યો ! '

' બેસો શેઠ, જરાક બેસો ! ' ગૌતમે કહ્યું ઃ ' આ કાગળમાં કાગળ સંબંધે વાત છે--- હશે જરા જોઈએ ! આશા ! મયારામ કાકાનો કાગળ આવી ગયો છે. લે તું જ વાંચ પહેલાં.'

ગૌતમે આશાના હાથમાં કાગળ આપ્યો. આતુર હાથે આશાએ કાગળ ફોડ્યો. આતુર નયને ગૌતમ આશા સામે તાકી રહ્યો.

આશાએ અંદરથી કાગળ કાઢ્યો. ઘડી ઉઘાડી વાંચ્યો---એક ક્ષણ....એક ક્ષણ એના વદન ઉપર સફેદ રંગની ફિક્કાશ છવાઈ ગઈ, ને બીજી ક્ષણે એ બેભાન થઈને જમીન ઉપર ઢળી પડી.

' અરે....અરે... આશા ! ' ગૌતમ આશા તરફ દોડ્યો. આશાને આ શું થયું ? કાગળમાં શું એવું હતું ?

ગૌતમે કાગળ લીધો. વાંચ્યો.

' ચિ. બેન આશા,

' તમને ગામમાંતી ખબર પડે એના કરતાં હું જ લખું છું, લખતા જીવ નથી ચાલતો, પણ લખ્યા વગર ચાલતું નથી. સટ્ટામાંમ જબર ખોટ આવતાં મયારામ શેઠે આજે સવારે ઝેર ખાઇને

આપઘાત કર્યો છે,--- તમારી કાકીએ પણ. '

કાગળ, કાગળના અક્ષરો; મકાનની દીવાલો ઉભેલા માણસો ગૌતમને જાણે ભયાનક ચક્રાવે ચડ્યા લાગ્યા. એના ધ્રુજતા હાથમાંથી તારો ખરે એમ કાગળ ખરી પડ્યો. બીજી ક્ષણે બેભાન

બનેલી આશાના દેહ ઉપર માથું નાખીને એ પણ પડ્યો.

પ્રભુરામને ત્યાં આજ ખબર આવ્યા હશે ને પોતાના નામની હમણાં બૂમ ઊઠશે એમ સમજીને બહાવરા જેવો ગવરો બહાર દોડ્યો. ને છાપકામની તમામ વાતો સંકેલાઈ ગઈ છે એમ સમજીને પારસી શેઠ, ધનજી અને એનો કારીગર સાથી બહાર નીકળી ગયા. ને જાણે વીજળીના ઝાટકાથી પાયામાંથી હચમચી ઊઠ્યું હોય

એવા, અચાનક અકાળ મોતના સમાચારથી પોતાની આજ સુધીની આખીય મંજિલ હારી ચૂકેલા લાગતા ઘરમાં બેભાન આશા ને આવાક ગૌતમ એકલાં જ રહ્યાં.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED