ભૂતભાવનઃ Chauhan Harshad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

ભૂતભાવનઃ

ભૂતભાવનઃ

હર્ષદ ચૌહાણ

જ્યારે કોઈ નવજાત શિશુ આ જગતે જન્મ લે છે ત્યારે એ શિશુ આ માયાવી જાગતથી તદ્દન અચ્યુત હોય છે. અચ્યુત એટલે બાહ્ય પરિબળોથી વિચલિત ન થનાર. તેનું મસ્તિષ્ક અને મન કોરું કટ્ટ હોય છે.તેની પાસે ન સમજણશક્તિ ન પરખબુદ્ધિ ન સ્પષ્ટ દ્રષ્ટિ કે ન વાણી હોય છે. એ તો મુદ્દલ અજાણ આ જગતથી. જે માંના શરીરમાં ખુદનું શરીર સૂક્ષ્મથી સાકાર થયું એ માંને પણ નથી ઓળખતું. ફક્ત મહેસૂસ કરી શકે છે. માંનું નામ શું છે? સરનેમ શું છે? ધર્મ કયો છે? જ્ઞાતિ કઈ છે? આસપાસ શોરબકોર માચાવનારા કોણ છે? ક્યાં દેશના છે ? ક્યાં પ્રાંતના છે ? ....... એ ઝીણુંકડા બાળશિશુને કઈ જ જ્ઞાત નથી. બસ એટલી ભાન છે કે તેને રડવાનું છે. જાણે આ જગતમાં ખુદના આગમનથી નાખુશ હોય તેમ હિબકે હિબકે રડી પોતાનો વિષાદ પ્રગટ કરતું જણાય છે. એક પછી એક હાથોમાં ફરતા ફરતા જ્યારે તે પોતાની માં પાસે પહોંચે છે ત્યારે થોડી રાહત વળે છે. જાણે કોઈ ભટકેલાને ભેરુનો સહારો મળે તેમ માં સમીપે થોડો હાશકારો અનુભવે છે. થોડી આશા જાગે છે માં સમીપ જઈને.. ચારેબાજુ બાપ,દાદા,દાદી,ચાચા,ચાચી,દીદી વગેરેનો ઘોંઘાટીયો જમાવડો લાગી વળે છે. એ શિશુના અંતરનું કુદરત તેને જીવિત રાખવા સતત ધબકાવતું રહે છે. જેમ કોરો કાગળ કોઈ પણ વર્ણ કે માહિતી નથી ધરાવતું તેમ આ શિશુનું માનસ પણ કોરું નક્કોર હોય છે. કઈ જ સમજણ નહીં, કઈ જ જ્ઞાન નહીં.

એ અણસમજુ શિશુના જન્મના દિવસે જ તેના બર્થ સર્ટિફિકેટમાં રાષ્ટ્રીયતા, ધર્મ, જ્ઞાતિ, જાત, પ્રાંત વગેરે માહિતી લખાવી દેવાય છે. પરંતુ એ શિશુ તો હજુ એની માં અને પોતાના કુમળા ધબકારા સિવાય કંઈજ નથી જાણતું. સમયાંતરે એ શિશુ એક બાળક બને છે. એ બાળમાનસ કોઈ કોરા કાગળની સમું કોરું હોય છે. કોઈ પણ માનુષવર્ણ એ બાળમાનસ પર અસ્તિત્વ ધરાવતું નથી. ધીરે ધીરે પરિવારના સભ્યોની વાતચીત કે વાદવિવાદને શ્રવણ કરી કરી એ બાળ એક પછી એક માનુષવર્ણને પોતાના બાળમાનસ પર ઉતારવા લાગે છે. પરિવાર અને માતાપિતા થકી મળતી આ માહિતી જ એ બાળના વ્યક્તિત્વને આકાર આપશે.

બાળમાનસ એક સ્પોન્જ જેવું હોય છે. જે સારા ખરાબ કે કોઈ પણ રંગનાં દ્રવ્યોને શોષી એ દ્રવ્યનાં રંગ જેવો જ રંગ ધારણ કરે છે. જેમ કોરા કાગળ પર લખાતી માહિતીને તે કાગળ દલીલ કે વિરોધ વિના સ્વીકારી લે છે, તેમ આ કોરું બાળમાનસ પણ માતાપિતા કે પરિવાર થકી કહેવાતા શબ્દો,વિચારો,સંસ્કારોને સ્વીકારી લેશે. જો એ બાળને 'આપણે હિન્દૂ છીએ ' એમ કહેવાશે, તો એ કહેશે 'હું હિન્દૂ છું'. જો એ બાળને 'આપણે મુસ્લિમ છીએ' એમ કહેવાશે, તો એ બાળ કહેશે ' હું મુસ્લિમ છું'. જો એ બાળને પરિવાર કહેશે 'આપણે બધા ક્રિશ્ચન છીએ', તો એ કહેશે ' હા,હું પણ ક્રિશ્ચન છું'.

આમ એક બાળમાનસ વિના અનુમતિ, જેમ કોઈ નવી હાર્ડડિસ્કમાં ડેટા ટ્રાન્સફર કરવામાં આવે તેમ, સદીઓથી વિસ્થાપિત થઈ આવતી ધર્મ, જ્ઞાતિ, ઈશ્વર, પ્રાંત, અહમ, દુશ્મનાવટ, નિચતા, કુટિલતા, સત્ય, અસત્ય, ધર્મ, અધર્મ, મિત્રતા, વિનમ્રતા, શ્રેષ્ઠતા વગેરે સંસ્કારિતા અને ગુણીતારૂપી માહિતી કોરા બાળમાનસ પર થોપી તેની ઓળખ અને વ્યક્તિત્વ ઘડી કાઢવામાં આવે છે. જેવો સમાજ, જેવો પરિવાર,જેવા માતાપિતા તેવું જ એ બાળક બને છે. સદીઓથી સર્જન થઈ આવતી આ સાંકળમાં એક કડી વધુ ઉમેરાઈ છે. એ બાળની જ્ઞાતિ,જાતિ, ધર્મ, ઈશ્વર, ખુદ થકી નહિ પરંતુ અન્યો થકી નક્કી કરાય છે. તેમાં ન તો એ બાળની અનુમતિ લેવાય છે કે ન તેની સમજણ વિકસિત થવાની રાહ જોવાય છે. એ બાળની સ્વતંત્રતા ખુદના જ લોકોની સ્વચ્છંદતાનો શિકાર બને છે.

તો સવાલ એ છે કે, આપણી વાસ્તવિક ઓળખ કઈ? જ્ઞાતિ,જાતિ, ધર્મ તો મારા પરિવારે આપ્યો. આ ભિન્નતા માનવસર્જિત છે. તો હું કઈ જ્ઞાતિ કયો ધર્મ લઈને જનમ્યો ? સત્ય એ છે કે હું ફક્ત એક જ ધર્મ લઈને જનમ્યો, માનવધર્મ. ધર્મ એટલે તમે જેને ધારણ કરો છો, જેવું આચરણ કરો એ તમારો ધર્મ. મેં માનવ શરીર ધારણ કર્યું અને મારું આચરણ માનવ જેવું છે એટલે મારો મૂળ અને વાસ્તવિક ધર્મ, માનવધર્મ. તો મારી જ્ઞાતિ કઈ? આ જ્ઞાતિ જાતિનું ભ્રમિક વસ્ત્ર માનવે ખુદના સ્વર્થાર્થે રચેલું છે. જન્મ થતાં જ એ વસ્ત્ર પહેરાવી દેવામાં આવે છે. પરંતુ હું એ ભ્રમિક વસ્ત્ર સાથે નથી જનમ્યો. મારી કોઈ જ જ્ઞાતિ કે જાતિ નથી. મારુ આચરણ માનવ જેવું છે, મારુ સ્વરૂપ માનવ સ્વરૂપ છે અને મારો ધર્મ માનવધર્મ. હા, હવે હું કહી શકું કે હું મારું સત્ય અને વાસ્તવિક ઓળખને જાણું છું. હું અન્યોની જેમ ભ્રમમાં નથી.

જો આ તમામ જ્ઞાતિ, જાતિ, પ્રાંત, માનવે સર્જ્યા હોય, તો શું દરેક ધર્મ માટે જે પરમનિયંતા છે તે ઈશ્વર પણ માનવસર્જિત ભ્રમ માત્ર છે ? આજના અરબો લોકો જે ઈશ્વર પર શ્રધ્ધા અને આધ્યાત્મિક અભિગમ ધરાવે છે, તે શું સદીઓથી પેઢી દર પેઢી અપાતો વિચાર માત્ર છે ? ઈશ્વર ભ્રમ છે કે સત્ય ?

જે ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે તેને આસ્થિક અને જે ઈશ્વરના અસ્તિત્વને જ મૂળથી વખોડી કાઢે તેને આપણે નાસ્તિક કહીએ છીએ. નાસ્તિક અને આસ્થિક બંને પાસે પોતપોતાની દલીલ,પુરાવાઓ,અને વલણો છે. આસ્થિકો અનુસાર, ઈશ્વર એટલે પરમનિયંતા. જ્યારે નાસ્તિકો મુજબ, ઈશ્વર એટલે આસ્થિકોનો ભ્રમ. આમ નાસ્તિકો અને આસ્થિકોની દલીલોના દલદલમાં ઈશ્વરનું સત્ય ક્યાંક અંધકારમાં રહી જતું જણાય છે. વેદો,પુરાણો અને ઉપનિષદોમાં જે ઈશ્વરનો અભિગમ રજુ કર્યો છે તેનાથી દુર્લક્ષ સેવવું મુશ્કેલ છે. જ્યારે આજનું વિજ્ઞાન અને પ્રાયોગિક પુરાવાઓ પણ વૈચારિક સબળતા ધરાવે છે. તો વિજ્ઞાન અને અધ્યાત્મમાં સત્ય કોણ અને ભ્રમ કોણ ?

જો તમે કોઈ આસ્થિક પરિવારમાં જન્મ્યા હશો તો તમારું માનસ ઈશ્વરીય શ્રદ્ધાથી આવૃત હશે. અને જો તમે નાસ્તિક કે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પરિવારમાં જનમ્યા હશો તો તમે તમારી તાર્કિકબુદ્ધિથી ઈશ્વરને અસ્તિત્વ આપશો. કદાચ ઈશ્વરને ભ્રમ માનશો. તો ઈશ્વરનું સત્ય શું? તમે ક્યારેય જેને જોયા નથી,સાંભળ્યા નથી, ક્ષણભરની મુલાકાત નથી થઈ,જેનો કોઈ અનુભવ પણ ન કર્યો હોય તેવા ઈશ્વરીય વ્યક્તિત્વ પર કઈ રીતે શ્રદ્ધા રાખવી ?. જો શ્રદ્ધા રાખીએ, તો એ શું ભ્રમ છે?.

ઈ. સ પૂર્વે મધ્ય યુરોપમાં વાઈકિંગ્સ નામના લોકો રહેતા. તેઓ એક અદ્રશ્ય શક્તિમાં શ્રદ્ધા ધરાવતા. પ્રકૃતિને ઈશ્વર માની તેની પૂજા કરતા. એ સ્વાભાવિક છે કે જે તમને જીવન ટકાવવા અન્ન,પાણી,ખોરાક અને આશરો આપે તેના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરશો. આપણે માતાપિતાનો આદર સત્કાર કરીએ છીએ કારણ કે એમના થકી જ આપણે જીવિત છીએ. વાઈકિંગ્સ લોકો પણ પ્રકૃતિનો આદર સત્કાર કરતા. તેઓની તિક્ષ્ણ પરખબુદ્ધિ એ જાણતી હતી કે જીવિત રહેવા માટે જરૂરી ખોરાક,પાણી,હવા,આશરો આ પ્રકૃતિ થકી જ પ્રાપ્ત થાય છે. તેઓ પ્રકૃતિને માતા અને સૂર્યને એક દેવતા તરીકે પૂજા કરી આભાર વ્યક્ત કરતા.

તેઓ એક એવી માન્યતા ધરાવતા કે આકાશમાં એક રાક્ષસી વરૂ રહે છે, જે સૂર્યગ્રહણના દિવસે પોતાના સૂર્યદેવને ગળી જાય છે. અને ચોતરફ અંધકાર પ્રસરી જાય છે. સુર્યગ્રહણના દિવસે તમામ લોકો,બાળકો,મહિલાઓ વૃદ્ધો અને યુવાનો ઘર બહાર આવી હાથોમાં હથિયારો સાથે જોરશોરથી ચીસો બૂમ અને શોરબકોર કરી એ રાક્ષસને હથિયારો બતાવી ડરાવી ભગાડવાની કોશિશ કરતા. થોડી ક્ષણો બાદ વાઇકિંગ્સ પોતાના સૂર્યદેવને અંધકારમાંથી બહાર નીકળી પ્રકાશિત થતા જોતા. ત્યારબાદ પુરી વસાહત પોતાના દેવને એ રાક્ષસથી બચાવવાની ખુશીમાં જશ્ન મનાવતા. મદિરા અને નૃત્યોનું આયોજન થતું.

પરંતુ આજે તમે સૂર્યગ્રહણનું સત્ય જાણો છો, જે વાઇકિંગ્સ નહોતા જાણતા. જો એ વાઇકિંગ્સ વસાહત બૂમ,બરાડા, ચીસો ન પાડે તો પણ સૂર્ય ફરી અંધકારમાંથી બહાર આવી પ્રકાશિત થવાનો જ હતો. અહીં તમે કહી શકો કે વાઇકિંગ્સ ભ્રમમાં હતા. કાળક્રમે જેમ જેમ વિજ્ઞાન પ્રકૃતિ પર પડેલા પડદાઓને ઉથલાવતું ગયું તેમ તેમ આપણી સમક્ષ ખરું સત્ય પ્રગટ થતું ગયું. જે પરિબળોને પ્રાચીન યુગમાં ઈશ્વરીય સત્તા માનવામાં આવતી તેને આજે લોકો પ્રાકૃતિક ઘટનાઓ અને પદાર્થોથી વિશેષ માન્યતા નથી આપતા. તો હાલની જે ઈશ્વરીય માન્યતાઓ છે, એ શું ભૂતકાળની માનવની કોઈ ગેરસમજણ છે ? કે જે પેઢી દર પેઢી આગળ ધકેલાતી આવી ?

હાલની વાસ્તવિકતા એ છે કે, આજનું વિકસિત અને બહોળા પ્રમાણમાં ફેલાયેલા વિજ્ઞાન પાસે પણ કોઈ એવા નક્કર પુરાવાઓ નથી કે જે ઈશ્વરીય સત્તાને જડમૂળથી નકારી શકે. આજના અધ્યાત્મવેતાઓ પાસે પણ કોઈ તરકીબ કે અનુભવી જ્ઞાન નથી કે ઈશ્વર સાથે આપણી એક નાનકડી મુલાકાત કરાવી આપે. વિજ્ઞાનવેતાઓ અને અધ્યાત્મવેતાઓ આજે સત્યથી સહસ્ત્ર કદમ દૂર જણાય છે.પરંતુ મૂળ વાત એ છે કે, આ વિજ્ઞાન કે અધ્યાત્મ ઈશ્વરીય સત્તાને સાબિત કરે કે ન કરે, આ વાદવિવાદથી તમારા અને મારા જેવા સામાન્ય લોકોને શું મળશે? ઈશ્વર ભ્રમ હોય તો શું આપણે પૂજાપાઠ,ભજન,દાન અને મંદિરોની મુલાકાતોમાં સમયનો વ્યય કરીએ છીએ? આ સવાલોનો અભિપ્રાય નક્કી કરતા પહેલા અમુક વિચારકો અને તજજ્ઞોના અભિપ્રાયો પર એક નજર કરીએ.

વર્તમાનના ભૌતિકવિદ અને ઇતિહાસના તમામ મહાન ભૌતિકશાસ્ત્રીઓમાં જેની ગણના થાય છે તેવા સ્ટીવન હોકિંગ્સનું કહેવું છે, ' આ બ્રહ્માંડ અને કુદરતના રહસ્યોને પૂર્ણતઃ સમજી શકે તેવી તીવ્ર વિકસિત બુદ્ધિ હજુ માનવ પાસે નથી. અને કદાચ તમામ રહસ્યોનું સત્ય માનવજાતિ ક્યારેય જાણી પણ ન શકે'. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ એક આસ્થિક વ્યક્તિ હતા. તેઓએ પણ બ્રહ્માંડની કાર્યબદ્ધતા માટે જવાબદાર કોઈ સત્તાને માન્યતા આપી હતી. આઇઝેક ન્યુટને પણ કોઈ ઈશ્વરીય સત્તાને અનુમોદન આપતા કહેલું કે, આ બ્રહ્માંડ અને પ્રકૃતિનું આટલું વ્યવસ્થાબદ્ધ સર્જન કોઈ સંજોગનું પરિણામ ન હોઈ શકે. આ સર્જન ઉપર કોઈ એવી સત્તા હોવી જોઈએ જે પ્રકૃતિને તાલબદ્ધ કાર્યરત રાખે છે... આમ આજના અને ઇતિહાસના મહાન વિજ્ઞાનવેતાઓ પણ એ શક્તિને જડમૂળથી નકારી નથી શક્યા.

વિજ્ઞાનનું કહેવું છે, આ સમગ્ર અનંત અથાહ બ્રહ્માંડ ઉર્જાના રૂપાંતરણથી કાર્યરત છે. તમારી આસપાસ જે કઈ ગતિશીલ કે ચલિત છે એ ફક્ત એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં થતું રૂપાંતરણ માત્ર છે. જ્યારે અધ્યાત્મવેતાઓ બ્રહ્માંડની કાર્યશીલતા માટે આત્મા કે બ્રહ્મને કારણભૂત ગણે છે. વિજ્ઞાનના ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ઉર્જાને નષ્ટ પણ ન કરી શકાય કે સર્જન પણ ન થઈ શકે. તેને ફક્ત એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય. જ્યારે બ્રહ્મ અને આત્માની બાબતમાં અધ્યાત્મ કહે છે, આત્માનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. આત્માને નષ્ટ પણ ન કરી શકાય કે સર્જન પણ ન કરી શકાય. પરંતુ આ ઉર્જા મૂળરૂપે છે શું? એ આજનું વિજ્ઞાન નથી જાણતું. અને આ આત્માનું બંધારણ શું? એ આજનું અધ્યાત્મ નથી જાણતું.

હવે એક એવી ઘટના પર નજર કરીએ જેને વિજ્ઞાન પણ અનુમોદન કરે છે અને આધ્યાત્મ પણ સમર્થન આપે છે. આ ઘટના પાછળનું વિજ્ઞાન અને તર્કશાસ્ત્રને કોઈ નકારી નથી શકતું. બ્રહ્માંડના સર્જનથી આજના આધુનિકયુગ સુધીની આ ઘટનાઓની શ્રેણી જાણીને તમારા વૈચારિક અવઢવને દિશા જરૂર આપી શકશો. ઈશ્વરીય સત્તાના અભિગમ પર થોડી દૃઢતા જરૂર કેળવશો.

વાત છે આ બ્રહ્માંડના સર્જન પહેલાની. વૈજ્ઞાનિકો દ્વારા જ પ્રતિપાદિત થયેલ એક તથ્ય કે જેને બિગબેંગ થિયરી કહે છે. આ થિયરી મુજબ આજથી 15 અબજ વર્ષ પહેલાં આ વિશાળ અને અનંત બ્રહ્માંડ એક સૂક્ષ્મ બિંદુ પર સ્થિર હતું. એક સૂક્ષ્મ ઉર્જા જે પરમાણુના કદ કરતા પણ સૂક્ષ્મ હતી. અચાનક તેમાં એક વિસ્ફોટ થાય છે, એ વિસ્ફોટને બિગબેંગ કહે છે. એ વિસ્ફોટમાંથી અનંત ઉર્જા મુક્ત થાય છે. શરૂઆતની એ શુદ્ધ ઉર્જા ગરમી અને પ્રકાશના સ્વરૂપમાં હતી. અમુક ક્ષણો બાદ એ ઉર્જા આઈન્સ્ટાઈનના સૂત્ર E=mc2 મુજબ સૂક્ષ્મ કણોમાં( હાઇડ્રોજન) રૂપાંતરિત થાય છે. જો એ ઉર્જા ઠંડી ન પડી હોત તો આજે કોઈ પણ તત્વોનું અસ્તિત્વ ન હોત. ગ્રહો,તારાઓ,પૃથ્વી,તમે કે હું, કોઈ પણ અસ્તિત્વ ન હોત.

બ્રહ્માંડનું પ્રથમ તત્વ હાઇડ્રોજન હતું. એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓ ગુરુત્વાકર્ષણબળ ને કારણે નજીક આવી એકઠા થવા લાગ્યા. હાઇડ્રોજન વાયુનો એ ગોળો પરમાણુ સંલયન પ્રક્રિયાથી ગરમી અને પ્રકાશ મુક્ત કરવા લાવ્યો. આ હાઈડ્રોજનના ગોળાઓને આપણે તારાઓ કહીએ છીએ. જો હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે અંતર વધુ હોત, તો ગુરુત્વાકર્ષણબળથી એ ક્યારેય એકઠા થયા ન હોત અને આજે આ બ્રહ્માંડનું કોઈ જ અસ્તિત્વ ન હોત.

એક પછી એક તારાઓનું નિર્માણ થવા લાગ્યું. અસંખ્ય તારાઓ એકઠા થઇ તારાસમુહો બન્યા, જેને ગેલેક્સિ કહીએ છીએ. આપણી ગેલેક્સિ દુધગંગા(milkeyway) માં આપણું સૂર્યમંડળ આવેલું છે. આશરે 5 અબજ વર્ષ પહેલાં દુધગંગાના કેન્દ્રથી દૂર ધૂળ અને ગેસના વાદળોમાંથી આપણા સૂર્યનો ઉદભવ થાય છે. જો આપણા સૂર્યનું નિર્માણ આકાશગંગાના કેન્દ્રની નજીક થયું હોત, તો બીજા તારાઓ સાથે ટકરાઈને સૂર્ય નાશ પામ્યો હોત.

સૂર્ય બની ગયા બાદ આસપાસ બચેલી ધૂળ અને બીજા તત્વોથી ગ્રહો બને છે. અને આ ગ્રહોમાં 4 અબજ વર્ષ પહેલા આપણી પૃથ્વી બને છે. આપણા સૂર્યનો આકાર અન્ય તારાઓની સરખામણીમાં મધ્યમ છે. જો સૂર્યનો આકાર થોડો વિશાળ હોત તો તમામ ગ્રહો સૂર્યમાં સમાઈ ગયા હોત. જો સૂર્યનો આકાર નાનો હોત તો તમામ ગ્રહો કક્ષામાંથી ભટકીને એકબીજા સાથે ટકરાઈને નાશ પામ્યા હોત.

ત્યારબાદ નવી નિર્માણ પામેલી પૃથ્વી વિનાશક લાવારસથી આવૃત હતી. સમયાંતરે એ લાવા ઠંડો પડ્યો અને ઉપરનો પોપડો સખત થયો. પૃથ્વી પર આટલા વિશાળ જથ્થામાં પાણી ક્યાંથી આવું એ આજે પણ એક રહસ્ય છે. વૈજ્ઞાનીકોનું માનવું છે કે , પૃથ્વીનો પોપડો ઠંડો થયા બાદ પૃથ્વી ધૂમકેતુઓના એક વિસ્તારમાંથી પસાર થઈ અને પૃથ્વી પર અસંખ્ય ધૂમકેતુઓ ટકરાયા. ધૂમકેતુઓ મુખ્યત્વે 60-70% બરફના બનેલા હોય છે. આમ પૃથ્વી પર પાણી આવ્યું. પરંતુ જો પૃથ્વીનો ઉપરનો પોપડો ઠંડો પડ્યા પહેલા ધૂમકેતુઓ ટકરાયા હોત તો આજે એક બુંદ પાણીનું પણ અસ્તિત્વ ન હોત.

સૂર્યમંડળમાં આપણી પૃથ્વીનું સ્થાન ત્રીજું છે, જ્યાં સૂર્યની ગરમી મધ્યમ છે. જો પૃથ્વી થોડી નજીક હોત તો અત્યંત ગરમીથી પાણી વરાળ સ્વરૂપે અને દૂર હોત તો ઠંડીથી બરફ સ્વરૂપે હોત. જેમાં જીવોનું જીવિત રહેવું મુશ્કેલ છે. દ્રવ્ય સ્વરૂપ પાણીના સમુંદરમાં બે એમિનો એસિડના પરમાણુઓ સંજોગવશત અથડાઈને પ્રથમ એકકોષી જીવ બને છે. એ જીવમાં અનુક્રમે ઉત્ક્રાંતિ થઈ બહુકોષી જીવ બને છે. ત્યારબાદ એ બહુકોષી જીવો કરોડો વર્ષોમાં ઉત્ક્રાંતિ પામી ડાયનોસોર જેવા મહાકાય અને ભયાનક જીવો બન્યા. પરંતુ આશરે સાડા છ કરોડ વર્ષ પહેલા અવકાશમાંથી એક દસ કિલોમીટર વ્યાસની એક ઉલ્કા પૃથ્વી સાથે ટકરાઈને તમામ વિશાળકાય સરીસૃપોનો નાશ કરે છે. પરંતુ એ મહાવિનાશમાં નાના કદના અમુક પ્રાણીઓ બચી જાય છે. અને વર્તમાનમાં તમે આસપાસ જે જીવોને જોવો છો, માનવ સહિત, એ તમામ જીવો મહાવીનાશમાં બચી ગયેલા એ નાના કદના પ્રાણીઓમાંથી ઉત્ક્રાંતિ પામી ઉદ્ભવેલ છે. જો એ ઉલ્કા ન પડી હોત તો આજે માનવનું પણ અસ્તિત્વ ન હોત.

બ્રહ્માંડના જન્મથી આજ સુધીની આ તમામ ઘટનાઓ સંજોગવશ ઘટેલી જણાય છે. પરંતુ જયારે તમે આ તમામ ઘટનાઓની સંભાવનાનો(probabilty) હિસાબ કરશો તો તમારી આંખો પહોળી થઇ જશે, ભવાં ઉંચા ચડી જશે અને ' how ia this possible?.." આવા કંઈક ઉદગારો મનમાં ચમકશે.

અમેરિકાના એક ગણિતજ્ઞ, હ્યુ રોઝે પૃથ્વી પર જીવનના ઉદ્ભવની તમામ સંભાવનાઓની ગણતરી કરી. જો બ્રહ્માંડ અને આ જીવસૃષ્ટિ સંજોગવશાત અસ્તિત્વમાં આવી હોય તો , બ્રહ્માંડના જન્મથી આજ સુધી, 501 પરિબળોને ધ્યાનમાં રાખી લાંબી અને થકાવી દે તેવી સંભાવનની ગણતરી કરી. તમે વિદ્યાર્થી જીવનમાં ગણિતમાં આવતા સંભાવનાનાં ચેપ્ટરને ભણી ગયા હશો. સામાન્યતઃ સંભાવના એટલે કોઈ ઘટના ઘટવાની શક્યતા. ધારો કે અગાશી પરના દાદર ચડતી વખતે તમારો પગ લપસીને પડવાની સંભાવના 10 માંથી 1 (1/10) છે. તો દાદર ચાડવાના 10 પ્રયત્નોમાંથી એક પ્રયત્ને તમે લપસીને ઈજાગ્રસ્ત થશો. જ્યારે 9 પ્રયત્ને તમે આરામથી આગાસી પર જઈ ઠંડી હવાનો આનંદ માણશો.

હ્યુ રોઝની ગણતરી મુજબ, બ્રહ્માંડનું સંજોગવશાત સર્જન અને આજની વિવિધતા ભરી જીવસૃષ્ટિ સુધીની સંભાવના 10311 માંથી 1 છે. એટલે કે 1 ની પાછળ 311 શુન્યો મુકો અને જે સંખ્યા મળે તેટલા માંથી એક જ વખત આ વિશાળતમ સર્જન થઈ શકે. આ આંકડો અકલ્પનીય છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે, આજના ગણિતજ્ઞો અને વૈજ્ઞાનિકો મુજબ, જે ઘટનાની સંભાવના 1070 માંથી 1 હોય તે ઘટના ક્યારેય ઘટી ન શકે . એટલે કે એ ઘટનાનું ઘટવું જ અશક્ય છે. મતલબ કે આજનું બ્રહ્માંડ,તારાઓ,ગ્રહો,પૃથ્વી,સમુદ્રો,વનસ્પતિઓ,પ્રાણીઓ,તમે અને હું અને આ સૃષ્ટિનું સંજોગવશાત સર્જન થવું જ અશક્ય છે.

આ ગણતરી અને તથ્યોને સમજ્યા બાદ કોઈ પણ સામાન્ય વ્યક્તિ નિઃશંકપણે કહી શકશે કે આપણી વચ્ચે કોઈ અગમ્ય શક્તિ કે સત્તા રહેલી છે જે અશક્યને શક્ય બનાવવા કારણભૂત છે. જે લોકો તર્ક અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે તે પણ આ બાબતને નકારી નહીં શકે.

હા, એક સત્તા છે, તમારી અને મારી વચ્ચે, આ સૃષ્ટિ વચ્ચે જે આ સર્જનને કાર્યરત રાખે છે. એ અગમ્ય શક્તિને ભિન્ન ભિન્ન ભાષાઓ અને ધર્મો પ્રમાણે ભિન્ન ભિન્ન નામો આપવામાં આવેલ છે. હિંદુઓ એ શક્તિને ઈશ્વર કહે છે, મુસ્લિમો અલ્લાહ અને ક્રિશ્ચનો ગોડ કહે છે. ઈશ,ગોડ,અલ્લાહ આ ત્રણ શબ્દો એક જ શક્તિનો નિર્દેશ કરે છે. હિંદુઓ ઈશ્વરને, મુસ્લિમો અલ્લાહને અને ક્રિશ્ચનો ગોડને આ સૃષ્ટિના રચિયતા માને છે. પરંતુ અહીં સવાલ એ છે કે, જો આ દરેક ધર્મના વિભિન્ન સર્જનકારે પોતાના બંદાઓ માટે ભિન્ન સૃષ્ટિ રચી હોય તો આજે વિભિન્ન બ્રહ્માંડ,ભિન્ન પૃથ્વી, ભિન્ન જમીન અને ભિન્ન અન્ન પણ તમારી સમક્ષ હોત.પરંતુ ચોતરફ એક નજર ફેરવશો તો જણાશે કે, દરેક ધર્મના બંદાઓ એક જ સૃષ્ટિમાં રહે છે. એક જ અન્ન,ખોરાક,પાણી આરોગે છે. એક જ હવા શ્વાસમાં લે છે. મોત બાદ પણ એક જ માટીમાં ભળી જાય છે. તો પછી આ સૃષ્ટિને આકાર આપનારી એ પરમ શક્તિ ભિન્ન કઈ રીતે હોય શકે ....?

જે માતાના ગર્ભમાં એક સૂક્ષ્મ કોષ એક અદભૂત બાળશિશુમાં સર્જન પામે છે જેના માટે જવાબદાર એ શક્તિ અનન્ય છે. એ માતા હિન્દૂ હોય મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય, ગર્ભમાં શિશુનાં શરીરનું સર્જન સમાન જ થાય છે. જન્મ બાદ દરેક ધર્મનું એ બાળશિશુ શ્વાસમાં એક જ હવા લે છે. સંપૂર્ણ જીવન દરમિયાન એક જ પાણી એક જ અન્નથી પોષણ મેળવે છે. આમ અનંત અને અકલ્પિત વિશાળતા ધરાવતા બ્રહ્માંડને સર્જનારી એ શક્તિએ આ સૃષ્ટિ અને માનવના સર્જનમાં કોઈ પક્ષપાત નથી કર્યો, તો આ છએક ફૂટની ઊંચાઈ ધરાવતો, એક એક ધબકારે જીવવા સંઘર્ષ કરતો,બે ટંકના રોટલા પર જીવિત રહેનારો, સોએક વર્ષ જેટલું ક્ષણિક આયુષ્ય જીવનાર આ અગણ્ય માનવી શા માટે ધર્મ,જ્ઞાતિ,જાતિ ના ભેદ રચી ગર્વિત બની એ અચિંત્ય શક્તિને અપમાનિત કરતો હશે..?

આ પૃથ્વી પરનો જે માણસ ખુદને કોઈ નિશ્ચિત ધર્મ કે સંપ્રદાયનો બંદો માનતો હશે, તો મારા મત મુજબ એ નિઃશંકપણે ભ્રમમાં છે. એ શક્તિ એક જ છે. અનન્ય અને અદ્વિતીય છે. ધાર્મિક અને સામાજિક ભિન્નતાનું ભ્રમિક વસ્ત્ર આ માનવે સર્જ્યું છે. ભ્રમિક જીવનને અણસમજુ જીવન કરતા વધુ ચડિયાતું કહી શકાય. એ શક્તિ તમારી અને મારી વચ્ચે સમાનપણે આવૃત છે. મારી અને તમારી અંદર,બહાર,માટીમાં,હવામાં,ફ્લફુલમાં,અન્નમાં,આ શબ્દો વાંચતી તમારી આંખોમાં,તમારા સેલફોનમાં ફરતી વિદ્યુતમાં.

હા, એ શક્તિનો સાક્ષાત્કાર તમે નહિ કરી શકો,મહેસૂસ કરી શકશો. મેં આ જગતમાં એક શરીર સાથે જન્મ લીધો. આ શરીર મારી માલિકીનું છે.આ શરીરનાં અંગો મારા ખુદના છે. તો એ અંગો મારા નિયંત્રણમાં શા માટે નથી ? મારા ફેફસા મારી અનુમતિ વિના શા માટે શ્વાસ લે છે? હું મારા હૃદયને કેમ રોકી નથી શકતો? મારા શરીરમાં જ્યારે શક્તિની ઉણપ વર્તાય ત્યારે જ કેમ ભૂખનો અનુભવ થાય છે? પાણીની કમી થાય ત્યારે જ કેમ તરસ મહેસૂસ થાય છે? જ્યારે હું શ્વાસને રોકવા પ્રયત્ન કરું તો કોણ મને ફરી શ્વાસ લેવા બળજબરીપૂર્વક મજબુર કરે છે? હું ઊંઘમાં હોય ત્યારે પણ મારુ દિમાગ શા માટે સક્રિય રહે છે? મારુ પાચનતંત્ર મારા નિયંત્રણમાં શા માટે નથી? જે પરિબળોથી મારુ મોત થઈ શકે એ પરિબળોથી જ શા માટે હું ભય અનુભવું છું? જમીન પર પડેલ એક પથ્થર જે સલ્ફર,સિલિકોન,આયર્ન,ફોસ્ફરસ,કેલ્શિયમ વગેરે તત્વોનો બનેલો હોય છે. મારી ચામડી સિલિકોન, વાળ સલ્ફર,લોહી આયર્ન, હાડકા કેલ્શિયમ તત્વોના બનેલા છે. તો હું શું કોઈ નિર્જીવ

પથ્થર સમો તત્વોનો જથ્થો માત્ર છું? જો હું એ પથ્થર જેમ નિર્જીવ હોય તો ખુશી, દુઃખ, કરુણા, ક્રોધ, પ્રેમ, એકલતા અને ઈચ્છા શા કારણે અનુભવું છું?

હા, હું એ શક્તિને મહેસૂસ કરું છું. જે મને હરેક પળ કહી રહી છે,' જા, તું તારી જિંદગીનો ભરપૂર આનંદ લે. તારા શરીરને હું સંભાળું છું'. એ શક્તિના આ ઉપકાર માટે હું અત્યંત આભારી છું અને હંમેશા આભારી રહીશ. હા, હું એ શક્તિને જાણું છું અને હું ભ્રમિત નથી.

*****