I am not pass nor fail books and stories free download online pdf in Gujarati

હું પાસ પણ નથી ફેઈલ પણ નથી.

વર્ષ 2013, માર્ચ મહિનાનો એક નિરાશાજનક દિવસ. મોડી રાતે બંધ કમરામાં ભારે પુસ્તકો સાથે હું બેઠો હતો. ધોરણ 12 સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષા ત્રણ દિવસ બાદ શરૂ થવાની હતી. છેલ્લા ત્રણ સેમેસ્ટરનું પરિણામ ખૂબ જ નબળું આવ્યું હતું. સદનસીબે ફેઈલ થતા બચી ગયો. પરંતુ ચોથા સેમેસ્ટરમાં સદનસીબની સંભાવના ઘણી ઓછી હતી. આ સેમેસ્ટરમાં આવશ્યક પ્રયત્નો અને પરિશ્રમ નહોતા થયા.
અંતરે અનહદ ચિંતા હતી. હૈયે અણદીઠો અજાણ્યો લાગણીઓનો ભાર મહેસૂસ થતો હતો. પરિવારની શૈક્ષણિક આશા અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાનો અનહદ ખેદ હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં હંમેશા આદર્શ પરિણામ મેળવ્યું હતું. પરંતુ સાયન્સ ક્ષેત્રમાં ફેઈલ થવું એ મારી અંતર આત્મા સ્વીકારી નહોતી શકતી. ફેઈલ થવાનો ભય ભયાનક અસહ્ય હતો. વારંવાર મન મસ્તિષ્ક વિચારોના વંટોળમાં ફંગોળાઈ જતું. ઘણા આંસુ સાર્યાં. એકલતાના રણમાં સંવેદના અને સહાનુભૂતિની તરસ મિટાવવા આમતેમ રજળી પડ્યો હતો.
અઠવાડિયાઓના મંથન બાદ અંતરમાં લાગણીઓનો ઝંઝાવાત અસહ્ય હતો. જાણે હવે મારું સંપૂર્ણ જીવન નીરસ થઈ ગયું હોય. આખરે અંતરની પીડામાંથી મુક્ત થવાનો એક જ ઉપાય મને મળ્યો. મેં આખરે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પરિણામ બાદનું જીવન મારા માટે હવે ક્ષુલ્લક નીરસ નિષ્ફળ છે એવી મારી મનોસ્થિતિ હતી. પરંતુ જીવન ટૂંકાવવુ કઈ રીતે ? ટ્રેનનો પાટો, ઝેર, ગળાફાંસો કે હાથની નસ ? આંખરે ઊંઘની ગોળીઓના ઓવરડોઝથી મૃત્યુની પરમ નિંદ્રામાં પોઢી જવાનો નિર્ણય કર્યો. છેલ્લા બે દિવસથી ઊંઘની ગોળીઓનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કઈ ઉપાય સુજયો નહી. ઇન્ટરનેટ પરથી આંખરે એક દવાનું નામ મળ્યું. દવા ખરીદવાનું કાર્ય બાકી હતું.
આખરે મધ્યરાત્રીનો એક વાગ્યો મારી હાર સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ હવે શું ? છેલ્લી બે રાત્રીની જેમ આ રાત્રી પણ વાંચવામાં નાખવી કે આવતીકાલે મૃત્યુની ચાદર ઓઢી લેવી. તન અને હૈયેથી હારી ચૂક્યો હતો. આંખરે નિર્ણય કરવાની પળ આવી ગઈ. પરંતુ એ ક્ષણે કંઈક અજુગતું જ થયું. જાણે મારા અંતરમાંથી એક અવાજ ચીંખી પડ્યો, " બસ હવે બહુ થયું. હવે નહીં. હવે આ નિરાશાનો બોજ મારે નથી જોઈતો. ભાડમાં જાય ભણતર અને પરિણામ. હવે જે ઈચ્છું એ જ શીખીશ. ઈચ્છું એ જ બનીશ. "
તુરંત હૈયું હવા સમુ હળવું થઈ ગયું. મન પરથી નિરાશાનો મેરુ ઉતરી ગયો. તે દિવસ સુધીની સૌથી સારી ઊંઘ મેં એ રાતે કરી. સવારે અંતરમાં હળવાશ હતી. કોઈ જ અફસોસ નહીં. પરીક્ષાનું જે કંઈ પણ પરિણામ આવે તેને હોંશે હોંશે સ્વીકારવા તૈયાર હતો. સાયન્સમાં એવરેજ ૪૭ ટકા મેળવ્યા.
અહીં હું આપ સમક્ષ મારા વિદ્યાર્થી જીવનના એક કડવા અનુભવની પ્રસ્તુતિ કરી રહ્યો છું કારણકે હું જેવી રીતે પસાર થયો, તેમ આપણા સમાજના અનેક વિદ્યાર્થીઓ છે જેઓ આ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે, કરી ચૂક્યા છે અને કરશે પણ. ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યાનો નિર્ણય પણ કરે છે. પરંતુ તમામ આ નિર્ણય પાછી પાની કરી નથી શકતા. અનેક પોતાના અંતર અવાજને સાંભળી નથી શકતા.
આપણા ભારતમાં 2018માં લગભગ 10,159 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. અર્થાત દરરોજ 28 વિદ્યાર્થીઓ એટલે કે ભારતનું યુવાધન ભારતની નવયુવાન પેઢીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આંક ઉંચે જઇ રહ્યો છે. જ્યારે સત્તાધીશોની સહાનુભૂતિનો આંક નીચે સરકતો જણાય છે. કુમળી વયના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે આપણો સમાજ અને શિક્ષણ વ્યવસ્થા કંઈક એવું અયોગ્ય કરી રહ્યું છે કે જેથી યુવાનો અને વિદ્યાર્થીઓ મૃત્યુને પસંદ કરે છે.
પરંતુ અહીં મુદ્દાની વાત એ છે કે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ શું? વાલી અને સમાજની અપેક્ષાઓ? અપેક્ષાઓ મુખ્ય કારણ નથી. સામાન્ય રીતે આપણે વાલીઓની વધુ પડતી અપેક્ષાઓને આત્મહત્યાનું કારણ સમજીએ છીએ. પરંતુ આ આત્મહત્યા પાછળ રહેલું એક ગુઢ અને વાસ્તવિક કારણ વિદ્યાર્થીઓના મસ્તિષ્કમાં રહેલી ઘડેલી કે ઘડાયેલી અમુક માનસિકતા છે. આ માનસિકતાથી આપણે મુખ્યત્વે અજાણ છીએ. જેની ચર્ચા થવી અત્યંત આવશ્યક છે.
શું શાળામાં થતું આંકડાકીય મૂલ્યાંકન વાસ્તવિક છે ? તેની મહત્ત્વતા કેટલી ?
આપણે એક પૂર્વ નિર્ધારીત શિક્ષણ વ્યવસ્થાને અનુસરીએ છીએ. શિક્ષણ વ્યવસ્થાના સત્તાધીશો એક લઘુત્તમ પાર્સિંગ ક્વોટા નક્કી કરે છે. જેમ કે આપણી શિક્ષણ વ્યવસ્થાનો નિર્ધારિત પાસિંગ ક્વોટા 33 માર્ક્સ કે ટકા છે. આ પાસિંગ ક્વોટા સનાતન નથી. શિક્ષણ સત્તાધીશો આ ક્વોટામાં ફેરફાર પણ કરી શકે છે.
ધારો કે વિધાર્થી A 30 ગુણ મેળવે છે. જ્યારે વિદ્યાર્થી B 40 ગુણ મેળવે છે. તો A નાપાસ ફેઈલ કહેવાશે. જ્યારે વિદ્યાર્થી B પાસ કહેવાશે. પરંતુ શું અહીં ખરેખર વિદ્યાર્થી A ફેઈલ અને વિદ્યાર્થી B પાસ છે ? જો પાસિંગ ક્વોટા 20 નિર્ધારિત કર્યો હોત, તો બંને વિદ્યાર્થીઓ પાસ કહેવાશે. પરંતુ શું ખરેખર બંને પાસ છે ? ધારો કે શિક્ષણ સત્તાધીશો વ્યવસ્થામાં પાસિંગ ક્વોટા 50 નક્કી કરે છે. તો બંને વિદ્યાર્થીઓ ( A 30, B 40 ) નાપાસ ફેઈલ કહેવાશે. પરંતુ જો આ બંને વિદ્યાર્થીઓમાંથી કોઈ એક તણાવને કારણે આત્મહત્યા કરશે તો શું એ વિદ્યાર્થી જ જવાબદાર કહેવાશે ?
આપણી શિક્ષણ વ્યવસ્થા આ પૂર્વનિર્ધારીત 33 માર્કસના પાસિંગ કવોટમાં તમામ વિદ્યાર્થીઓના પરીક્ષાના મુલ્યાંકનને બંધ બેસાડવાનો રૂઢિગત પ્રયત્ન કરે છે. જો બંધ બેસે તો તેને પાસનું લેબલ લાગાડાય છે.બંધ ન બેસે તો નાપાસ ફેઈલનું લેબલ લાગાડાય છે. પરંતુ અહીં મુદાની વાત એ છે કે, શિક્ષણ વ્યવસ્થા થકી આપેલા પાસ ફેઈલના લેબલથી શુ ખરેખર કોઈ વિદ્યાર્થી પાસ કે ફેઈલ નાપાસ થાય છે ?
જો કોઈ ત્રિકોણ આકૃતિ પૂર્વ નિર્ધારીત ચોરસ બીબામાં બંધ ન બેસે તો શુ ત્રિકોણ ફેઈલ, અસક્ષમ, બિનઉપયોગી અમહત્વપૂર્ણ સાબિત થાય છે? નહીં, અહીં ત્રિકોણ પાસ પણ નથી ફેઈલ પણ નથી. ખામી પૂર્વ નિર્ધારિત બીબામાં છે. બીબામાં બંધ ન બેસવાથી ત્રિકોણ ની ગુણવત્તા સક્ષમતા અને સામર્થ્યતામાં કોઈ પરિવર્તન નથી થતું. ત્રિકોણ પાસ પણ નથી ફેઈલ પણ નથી. ત્રિકોણ માત્ર ત્રિકોણ છે.
આપણી શિક્ષણ વ્યવસ્થા પૂર્વનિર્ધારીત પાસિંગ કવોટમાં, 33 માર્કસના બીબામાં દરેક વિદ્યાર્થીને સરખાવે છે. જો આ ક્વોટાથી વધુ માર્ક્સ હશે તો તેને પાસનું લેબલ લગાડાય છે. અને જો ઓછા માર્ક્સ હશે તો તેને ફેઈલનું લેબલ ચોંટાડાય છે. તેને અસમર્થ, અસક્ષમ, અને આ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

શું વાસ્તવિકરૂપે આપણે પાસ અને ફેઈલ થઈએ છીએ ?

પાસ અને ફેઈલ એ લેબલ છે, જેને શૈક્ષણિક મુલ્યાંકનના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. લેબલ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચારધારાને આપવામાં આવેલો માનસિક અર્થ, નામ. જેમકે રસ્તા પર ચાલતી ચાર ટાયર અને ધાતુની બનેલી ઘન રચનાને આપણે વાહનનું લેબલ આપ્યું છે. વિદ્યાર્થીઓને જ્ઞાન આપનાર મનુષ્યને આપણે શિક્ષકનું લેબલ આપેલું છે. અન્યનું ખરાબ કરનાર ખરાબ ઇચ્છનારને આપણે દુષ્ટનું લેબલ આપ્યું છે. લેબલ એટલે આપણાં દ્વારા અપાયેલી એક માનસિક નેમપ્લેટ.
પાસિંગ કવોટથી વધુ ગુણ મેળવનારને શિક્ષણ વ્યવસ્થા પાસનું લેબલ લગાડે છે. જ્યારે 33 થી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીને ફેઈલ- નાપાસ નું લેબલ ચોંટાડાય છે. આ લેબલને આપણો સમાજ સર્વેસર્વા સનાતન માની વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ભ્રામક મૂલ્યાંકન કરે છે. અને આ પાસિંગ ક્વોટા કોઈ પણ સમયે બદલી પણ શકે છે.
કોઈ જંગલી જાનવરને માણસનું લેબલ આપવાથી જાનવર માણસ નથી બનતું. વૃક્ષ પર વેલનું લેબલ ચોંટાડવાથી વૃક્ષ વેલ નથી બનતું. ફળ પર શાકભાજીનું લેબલ લાગવાથી શાકભાજીમાં ફળની મીઠાસ નથી આવતી. ચોરને સંત કહેવાથી ચોર સંન્યાસ નથી લેતો. આ ક્ષણે જો તમને હત્યારાનું લેબલ લાગાવાથી શું તમે હત્યારા સાબિત થશો ? નહિ. તમને હત્યારાનું લેબલ આપ્યા બાદ પણ તમે એ જ માણસ વ્યક્તિ છો જે લેબલ આપ્યા પહેલા હતા. તમે તમે જ રહો છો. ફેરફાર માત્ર લેબલનો થયો છે. લેબલથી તમારા વ્યક્તિત્વમાં કોઈ જ બદલાવ નથી આવતો.
આમ કોઈને પાસ કહેવાથી, પાસનું લેબલ લગાવાથી કોઈ પાસ નથી થતું. કોઈને ફેઈલ કહેવાથી કોઈ ફેઈલ નથી થતું. પાસ અને ફેઈલ એ માત્ર વ્યવસ્થા રચિત માનસિકતા, વિચારધારા, લેબલ માત્ર છે. પરીક્ષાના પરિણામ પહેલા જે વિદ્યાર્થી હતો, પાસ ફેઈલના પરિણામ બાદ એ જ વિદ્યાર્થી છે. પરંતુ આત્મહત્યાઓ જેવી ગંભીર સમસ્યાઓ ત્યારે ઉદભવે છે જ્યારે વિધાર્થીઓ આ પાસ ફેઈલના પરિણામ લેબલને પોતાની સ્વજાત અને ક્ષમતાનું વાસ્તવિકરૂપ માની બેસે છે. અન્ય અજાણ્યા પારકા પરાયા લોકો દ્વારા માત્ર વ્યવસ્થાના ભાગરૂપે રચેલા આ માનસિક વૈચારિક લેબલના મુલ્યાંકનને પોતાની જાતનું જ નક્કર સત્ય માની વિદ્યાર્થીઓ પોતાના વાસ્તવિક, સત્ય જીવનને ટૂંકાવે છે. શું અન્યો થકી અપાયેલા બે આંકડા જ આપણું જીવન છે ? માનસિક વૈચારિક ભ્રામક લેબલ અનેક લોકોની વાસ્તવિક ભવિષ્યની સુવર્ણ સંભાવનાઓનો અંત આણે છે.
ચોરસ કાગળના ટુકડા માં છાપેલા આંકડાઓરૂપી પરિણામ શું તમારું તમારી જાતનું વાસ્તવિક મૂલ્યાંકન છે ? તમારા જીવનમાં આ પરિણામોની મહત્વતા કેટલી ?

તમારા વિદ્યાર્થીકાળ દરમ્યાન તમે અનેક પરીક્ષાઓ આપી હશે. આ પરિણામો ના મૂલ્યાંકન પત્રક તમે મેળવ્યા હશે. પરંતુ આ કાગળના ટુકડા પર થયેલું આંકડાકીય મૂલ્યાંકન શું તમારું વાસ્તવિક મૂલ્યાંકન છે ? હવે જરા આ બાબત પર થોડી ગંભીરતાથી વિચાર કરો.
પરીક્ષા તમે આપો છો. પરંતુ આપણી શિક્ષણ વ્યવસ્થા અન્ય એવા લોકોએ નક્કી કરી છે જેઓ ક્યારેય તમને મળ્યા નથી. તમને જાણ્યા સમજ્યા વિના તમારા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમો પણ અન્ય, અજાણ્યા લોકો નિર્ધારિત કરે છે. આ અભ્યાસક્રમ મુજબ શિક્ષક પોતાની નિશ્ચિત અનુકૂળ પદ્ધતિ અનુસાર તમને ભણાવે છે, સમૂહમાં. પરીક્ષાના પેપરોની રૂપરેખા પણ અન્ય લોકો નક્કી કરે જેઓ તમારી માનસિક ક્ષમતા, આવડત,અને સ્વભાવથી મુદ્દલ અજાણ છે. તમારી પરીક્ષાઓ લેવાય છે. તમારા પેપરો પણ અન્ય લોકો તપાસે છે. અને પરિણામના નામે તમને ફક્ત માર્ક્સ, આંકડાઓ જ અપાય છે. તમારા માર્ક્સને પૂર્વનિર્ધારીત લઘુતમ પાસિંગ કવોટના બીબા સાથે સરખાવાય છે. આ પાસિંગ ક્વોટા પણ એ લોકો નક્કી કરે છે જેઓ તમને બિલકુલ જાણતા કે સમજતા નથી.
ત્યારબાદ તમને પાસ કે ફેઈલનું લેબલ ચોંટાડાય છે. અહીં અન્ય લોકો એટલે પારકા, પરાયા, અજાણ્યા લોકો જેઓ તમને ક્યારેય મળ્યા નથી,તમને જાણતા નથી,સમજતા નથી, પરખતા નથી. એવા લોકો જેઓની સાથે તમારે કોઈ જ સામાજિક, પારિવારિક કે મૈત્રીક સંબંધ નથી. શું આ તમામ લોકો દ્વારા થતું તમારું, તમારી જાતનું, તમારા વ્યક્તિત્વ, આવડતનું મૂલ્યાંકન સચોટ,સ્પષ્ટ,સત્ય અને વાસ્તવિક હશે ?
તમારી આવડત,કુશળતા અને ક્ષમતાનું મૂલ્યાંકન એ લોકો જ કરી શકે જેઓ તમને સ્પષ્ટપણે જાણે છે,સમજે છે,પરખે છે, તમારી સાથે સમય વિતાવે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા થકી થતું તમારું મૂલ્યાંકન વાસ્તવિક નથી. સત્ય નથી. તેમ છતાં આપણે આ શિક્ષણ વ્યવસ્થાને અનુસરવી પડે છે એ જ આપણી બદનસીબી છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છે , " દરેક મનુષ્ય આદર્શ કુશળતા ધરાવે છે. પરંતુ જો તમે માછલીને તેની ઝાડ પર ચડવાની ક્ષમતાથી તુલના મૂલ્યાંકન કરશો, તો એ માછલી તેનું સંપૂર્ણ જીવન ખુદને અસક્ષમ અને મૂર્ખ સમજવામાં વિતાવી દેશે. "
એક કડવી વાસ્તવિકતા એ છે કે , જે પરિણામને કારણે હું જીવન ટૂંકાવવા ઇચ્છતો હતો, સાત વર્ષ બાદ પણ આ બે આંકડાના પરિણામથી મારા જીવનમાં કોઈ જ સકારાત્મક કે સહકરાત્મક બદલાવ નથી આવ્યો. આ ચોરસ કાગળના ટુકડામાં છાપેલા આંકડાઓથી મેં નથી સુખ મેળવ્યું, ન દુઃખ, ન પ્રગતિ કે ન દુર્ગતિ, ન સફળતા કે નિષ્ફળતા. પ્રાથમિક, માધ્યમિક અને કોલેજની પરિક્ષાઓના પરિણામો આજે માત્ર મારી ફાઈલોના ફોલ્ડરોને ભરે છે, મારી આવડતના ખાલીપાને નહિ.
પરિણામ અને પરીક્ષા માત્ર ચાવી છે. પરંતુ હું આ બે આંકડાની ચાવીને જ સંપૂર્ણ ઘર સમજી બેઠો હતો. ચાવી તૂટી જવાથી કે ખોવાઈ જવાથી તમે આખું ઘર ગુમાવી નથી બેસતા. દુઃખની વાત એ છે કે માત્ર ચાવી તૂટી જવાથી અનેક યુવાનો તરુણો ભ્રમમાં આત્મહત્યાઓ કરે છે. પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે આ ઘરને કોઈ દરવાજો જ નથી.
આજના પૂર્વગ્રહી માનસિકતાના યુગમાં કદાચ કોઈ કહી બેસે કે, " ......યાર શુ બકવાસ કરે છો. માર્ક્સ નહીં મળે તો એડમિશન નહીં મળે. એડમિશન નહીં મળે તો ગ્રેજ્યુએશન ડિગ્રી નહિ મળે. ગ્રેજ્યુએશન વિના નોકરી નહીં મળે. નોકરી નહીં મળે તો સફળતા પ્રગતિ કેવી રીતે મળશે ?..... "
એટલે કે " સારા માર્ક્સ તો જ પ્રગતિ " એવી સામાન્ય વિચારધારા સમાજમાં પ્રવર્તેલી છે. પરંતુ શું સારા માર્ક્સ ગુણ જ સફળતાની સચોટ બાંયધરી આપે છે ?
અહીં હું એક વિદ્યાર્થીના વિશ્વવિદ્યાલયનું પરિણામ પ્રસ્તુત કરું છું. તેનું આપ ધ્યાનપૂર્વક અવલોકન કરો.

B. A First exam 100 માંથી
અંગ્રેજી 47 , દ્વિતીય ભાષા 76 , ઇતિહાસ 45 , ગણિત 38.
B. A Final exam 100 માંથી
અંગ્રેજી 56, દ્વિતીય ભાષા 43, ગણિત 61 , ઇતિહાસ 56 , દર્શનશાસ્ત્ર 45 .

ઉપરોક્ત પરિણામ પર નજર કરતા, આપ અનુસાર, અંગ્રેજીમાં 100 માંથી 56 અને 47 ગુણ મેળવનાર આ વ્યક્તિ શું જીવનમાં અંગ્રેજી બોલી શક્યો હશે ? દર્શનશાસ્ત્રમાં 100 માંથી 45 ગુણ મેળવનાર આ વિદ્યાર્થીએ શું દર્શનશાસ્ત્રમાં કોઈ નોંધનીય સફળતા પ્રાપ્ત કરી હશે ?
આપને જાણીને આશ્ચર્ય થશે કે , આ એ જ વિદ્યાર્થીનું પરિણામ છે જેણે લગભગ એક સદી પહેલા શિકાગોની ધર્મસભામાં અંગ્રેજીમાં ભાષણ આપી સમગ્ર જગતને મંત્રમુગ્ધ કર્યું હતું. આ એ જ સ્વામી વિવેકાનંદનું પરિણામ છે જેના તત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્રનું અધ્યયન વિશ્વના તજજ્ઞો કરે છે.
પરિણામ, ગુણ, માર્ક્સ એ માત્ર ચાવી છે. વૈચારિક, માનસિક પ્રવેશપત્ર, જે તમને માત્ર પ્રવેશ અપાવે છે, સફળતા નહીં.આજની શિક્ષણ વ્યવસ્થા તમને માત્ર માહિતી અપાવે છે, આવડત નહીં. કોઈ કોમ્પ્યુટરમાં જગતની તમામ ચિકિત્સા પધ્ધતિઓની માહિતી ડાઉનલોડ કરવાથી તેને સ્ટોરેજ કહી શકાય, ડોકટર નહિ. આપણા દિમાગમાં બળજબરીપૂર્વક મહત્તમ બિનજરૂરી સંગ્રહાયેલી માહિતીના જથ્થાનું મૂલ્યાંકન માત્ર એટલે પરીક્ષાનું પરિણામ. તમારી આવડત કુશળતા ક્ષમતાનું મૂલ્યાંકન નથી. પરિણામો એ તમારા શૈક્ષણિક ભૂતકાળનું મૂલ્યાંકન છે, આવનારા ભવિષ્યનું નહીં. તમારું પરિણામ મનુષ્યરચિત બે આંકડા માત્ર છે, એ તમે નથી.વાસ્તવિકરૂપે કોઈ પાસ નથી કોઈ ફેઈલ નથી. પાસ ફેઈલ એ માત્ર અન્ય લોકોના રચેલા લેબલ માત્ર છે.
જરા વિચાર કરો, આ ભ્રમમાં ભટકીને દિવસમાં કેટલાય વિવેકાનંદ, એડિસન, અબ્દુલ કલામ જેવા ભાવી મહાન સક્ષમ યુવાનો પોતાનું જીવન ટૂંકાવી, પોતાની જ હત્યા કરી રહ્યા છે. શું આ આત્મહત્યા જ છે ? કે હત્યા ? આપણે 1947માં ભલે આઝાદ થયા, પરંતુ અંગ્રેજોની આવી અનેક માનસીકતાઓના આપણે હજુ ગુલામ છીએ.
મને મારા 47 ટકાનું કોઈ જ દુઃખ નથી. હરખ પણ નથી. કોઈ જ અફસોસ નથી. કારણકે આ બે આંકડા હું નથી. આ અન્ય પારકા પરાયા અજાણ્યા લોકોનું માઇન્ડસેટ, માનસિકતા, ભ્રમ માત્ર છે. જ્યારે મારુ જીવન પૂર્ણ વાસ્તવિક છે. હું હું છું. હું તેઓ નથી.


આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED