તારી એક આશ Chauhan Harshad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી એક આશ

તારી એક આશ

હર્ષદ ચૌહાણ

સ્ટોરીનું હાર્દ

કુદરતમાં નર અને નારી પરસ્પરના આકર્ષણથી જોડાયેલા રહે છે. પરંતુ આ હોર્મોન્સના જોડાણથી એક અલગ જોડાણ એવું છે, જે કદાચ કુદરતી નથી. આ જોડાણ છે, પ્રેમનું જોડાણ. લવનું જોડાણ. પ્રેમ આકર્ષણ નથી. પ્રેમ જ પ્રેમ છે. આ પ્રેમનો સંબંધ હૈયાથી હોય છે. જ્યારે આકર્ષણ હોર્મોન્સની દેન છે. આકર્ષણ તો હરકોઈને હોય છે. પણ પ્રેમ તો અમુકને જ હોય છે. આકર્ષણ પ્રેમ નથી અને પ્રેમ આકર્ષણ નથી. લાઈક કરવું એ લવ નથી અને લવ કરવું એ લાઈક કરવું નથી. લાઈક તો શરીરનાં બાહ્ય બંધારણથી થાય છે. જ્યારે લવ મનની ચોખ્ખાઈ અને ચહેરાની માસૂમિયતથી થાય છે. મન કોઈ એકને લાઈક કરતું હોય ત્યારે બીજા કોઈ શરીર બંધારણમાં ચાડતાને પણ લાઈક કરી શકે. પણ લવમાં એક અને માત્ર એક જ હોય છે. કોઈ બીજા માટે સ્થાનનું અસ્તિત્વ જ નથી. લાઈક શરીરનાં સૌંદર્યથી થાય છે. જ્યારે લવ મનનાં સૌંદર્યથી થાય છે. લાઇકમાં અહમનો 'હું' સબળ હોય છે. જ્યારે લવમાં 'હું' મટીને 'તું' સ્થાન લે છે. લાઇકમાં એકબીજાનો શરીર સ્પર્શ આનંદ આપે છે. જ્યારે લવમાં એકબીજા ખાતર મેળવેલા ઘા આનંદ આપી જાય છે. લાઇકમાં પરસ્પર ન બનતા સંબંધ તૂટે છે. જ્યારે લવમાં પરસ્પર બને કે ન બને, સંબંધ અતૂટ જ રહે છે. જ્યારે એકબીજા હાથ કસીને હગ કરે ત્યારે લાઈક કરતા બે શરીરોમાં હોર્મોન્સનો પ્રવાહ વહે છે. શરીરે રોમાંચ વળગે છે. પરંતુ લવ કરતા બે શરીર જ્યારે હાથોમાં હાથ પરોવીને હગ કરે ત્યારે હૈયામાં ટાઢક પ્રસરી જાય છે. હૈયાની આગ શમી જાય છે. અંતર કોઈ અગમ્ય આનંદને જ જીવતું હોય છે, હોર્મોન્સને નહીં. આ લવની લાવણ્યતા, આત્મીયતા, વફાદારી અને લવની વાસ્તવિકતા ઉજાગર કરતી, મારા હાર્ટમાં ભળતી એક સ્ટોરી તમારી સમક્ષ મુકું છું. કહેવાય છે કે લાગણીનું લખાણ ક્યારેય ખોખલું નથી હોતું. એ હંમેશા ભરપૂર હોય છે, આત્મસ્થ ભાવથી. આશા રાખું છું કે તમને પસંદ આવશે. જો આ શબ્દો તમારા હૈયાને ન સ્પર્શે , તો હું માનીશ કે મેં શબ્દોરૂપી કચરો સર્જ્યો છે. તો મને જણાવતા રહેજો મારા શબ્દોનું સ્થાન.

***

બપોર ઢળીને સાંજ ક્ષિતિજ પર ઉતરી આવી છે. સૂરજ પોતાની આજની ફરજ બજાવી આથમણે ઢળી ચુક્યો છે. આકાશના વાદળો તો જાણે કોઈએ કેસૂડાંના રંગમાં ઝબોળી ફરી ગગને ભમતા કાર્યા હોય તેમ, કેસરિયા રંગની ચમકથી ચળકી ઉઠ્યા. શહેર અને ઓફિસોમાં લોકો કામ બંધ કરી ઘર તરફ પ્રયાણ કરતા જણાય છે. કેટલાક પોતાના હસતાં ઘર પરિવારને જોવા આતુર છે. જ્યારે કેટલાકને માથે દિનભરનો થાક આળસ બની મન પર અતિક્રમણ કરવા લાગ્યો. કેટલાક પ્રેમી કે પ્રેમિકા સાથે સાંજનું આહલાદક વાતાવરણ માણવા આતુર છે. જ્યારે કેટલાકને તો હજુ બીજું કામ, પતિ વિયોગે રાહ જોતી ભગિનીની જેમ, રાહ જોઈ બેઠું છે.

કંપનીના એમ્પ્લોયરો હવે કામના બોજામાંથી છુટકારો લઈ આરામ જીતવા અધીરા ભાસે છે. ટેકશોપ નામની કંપનીમાં પણ કંઈક આવુ જ દ્રશ્ય જણાય છે. એમ્પ્લોયરો પોતાના ડેસ્ક વ્યવસ્થિત કરી ઘરે જવાની તૈયારી કરે છે. ધીરે ધીરે લોકો ઓફિસની બહાર આવી રહ્યા છે. એક પછી એક ડેસ્ક પરના કોમ્પ્યુટરો બંધ થવા લાગ્યાં. અમુક કામથી કંટાળેલા કર્મચારીઓ તો ડેસ્ક વ્યવસ્થિત કરવાનું માંડી વાળી બહાર નીકળી ગયા. આખરે કામથી છુટકારો મળતા, અંતરે હાશકારો અનુભવતા, આરામ મળશે એવી અપેક્ષાએ અમુક ચહેરાઓ પર થોડો રાજીપો પણ ઝળકે છે.

' હેય ચેતના. શું થયું? કેમ ચહેરાનો રંગ ઉડી ગયો છે?' બાજુનાં ડેસ્ક પર કામ કરતી એક સહકર્મચારીને ચેતના નિરાશ જણાય છે.

' રંગ ઉડેલો એટલે ?' ડેસ્ક વ્યવસ્થિત કરતા ચેતનાએ અજાણ ભજવ્યું.

' અરે બેચાર દિવસથી જોઉં છું. ચહેરો ઉતરેલો જ જણાય છે. આ હંમેશા સ્માઈલ કરતા ચહેરા પર અંધારું કેમ છવાઈ ગયું!? કેમ હમણાં દુઃખી દુઃખી લાગે છે!? '

' એવું કંઇજ નથી. હું ખુશ જ છું. ' ચેતનાએ આ ટૂંકા શબ્દોમાં નિરાશા છુપાવી. ' ચલ બાય. સી યુ લેટર ' કહી પોતાનો ભાવશૂન્ય ચહેરો છુપાવતી ઓફિસની બહાર નીકળી ગઈ. મૌન અને ઝુકેલી નજરો સાથે તે ઘરે જવા નીકળી. એ કોઈ સાથે પણ વાત મંડવા નહોતી માંગતી. અંતરે ક્યાંક વિષાદ ભભકતો હતો. પરંતુ એક હામ ભરી અંતરે રોકી રાખ્યો.

ત્રીજા માળે ઓફિસની સામે આવેલી લિફ્ટ લઈ, હાથમાં એક ફાઇલ અને ખભે પર્સ ટેકવી તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી. ગુમસુમ ચહેરો અને ઝુકેલી નજર સાથે પાર્કિંગના ગેટમાં પ્રવેશી. ટુ વ્હિલ વાહનોની લાંબી હરોળમાં તે પોતાની સ્કૂટી તરફ ચાલી.

' હેય ચેતના, વેઇટ. ' પાછળથી કોઈ સાદ પાડે છે. ચેતનાએ પાછળ જોયું તો પેલી સહકર્મચારી હાથમાં કંઈક લઈને આવી રહી છે. ચેતના પાસે આવીને થોભે એ પહેલાં જ ' આ તારી સ્કૂટીની ચાવી. તું ડેસ્ક પર જ ભૂલી ગઈ. ' કહી ચાવી આપી. એ સહકર્મચારીને ચેતનાના હાવભાવમાં કંઈક અજુગતું લાગ્યું. ' હેય, શું થયું? કોઈ પ્રોબ્લમમાં છો? તબિયત બરાબર નથી? ' હળવા સ્વરે કહ્યું.

' આઈ એમ ઓકે. થેન્ક યુ. ' હળવા સ્વરે કહી ચેતના ફરી એ વિષાદમય આંખો ઝુકાવી સ્કૂટી તરફ ચાલી. સૂરજનાં પ્રથમ કિરણથી ખીલતી મોગરાની કળી જેવો ગોરો ને સુકોમળ ચહેરો, આજે કારમાયેલ જણાતો હતો. મન પ્રફુલ્લિત કરી દેતા વન જેવી જીવનની જુવાનીએ રમતા એ ચહેરા પર વણઉકેલ્ય માસૂમિયત, સૂરજનાં કિરણો સમી ચમકતી હતી. ઇન્દ્રલોકની સુંદરી સમાં એ નમણા ચહેરા પર નિર્દોષભાવસહ એક અગમ્ય નિરાશા છવાયેલ હતી. ચેતના ફરી પોતાની સ્કૂટી તરફ ચાલી.

સ્ફુટીની નજીક પહોંચતા જ ફોન રણક્યો. પર્સમાંથી ફોન કાને રાખતા જ કોઈ જાણીતો અવાજ સંભળાયો. હૈયાની સમીપ અને આત્મસ્થ લાગણીઓ જેના પર ટકાવી હોય, એવુ કોઈ અવાજની મજબૂતાઈ સાથે બોલ્યું,

' ચેતના, થોડી વાત કરવી છે. છેલ્લા અમુક દિવસોથી થતાં ઝગડા અને બોલાચાલીને હું આગળ લઈ જવા નથી ઈચ્છતો. આપણી વચ્ચેનો અવિશ્વાસ કદાચ ક્યારેય દૂર નહીં થાય. સોરી. હું તને મજબુર નહીં કરું. આપણી રિલેશનશિપ શાયદ આગળ નહીં વધી શકે...'

' આ તું શું બોલે છે પાર્થ. તું જરા મને સમજવાની કોશિશ કર. મેં તારા પર હંમેશા વિશ્વાસ કર્યો છે. આઈ લવ યુ, યાર. પ્લીઝ આવું નહિ બોલ. મારી ફીલિંગ્સ ને તો સમજ. ' લાગણીના હુંફાળથી અવાજ નબળો પડ્યો.

' પરંતુ તે મને ક્યારેય સમજવાની કોશિશ નથી કરી. અને કદાચ હું પણ તને સમજી નથી શક્યો. એટલે જ બેટર છે કે આપણે હવે રસ્તા અલગ કરી નાખીએ અને કરિયર પર ફોકસ કરીએ. '

' બટ આઈ નીડ યુ. પ્લીઝ એવું નહીં બોલ. હું કેમ જીવીશ પાર્થ. પ્લીઝ આમ નહીં છોડ.'

' આઈ એમ સોરી ચેતના. હું મજબુર છું.........બાય '

' મારી વાત સંભાળ પાર્થ.......પાર્થ....પાર્થ........' અને હૈયાનાં આસું ભર્યા સંવાદનો અંત આવ્યો.

ચેતનાનું શરીર અચેતન થયેલા વૃક્ષ સમું જડ થઈ ગયું. જાણે કોઈએ શ્વાસ છીનવી લીધો. હૈયું સંતાપથી તપવા લાગ્યું. મન બાવરુ બની વિચાર વંટોળે ચડ્યું. ' તારા વગર હું કેમ જીવીશ? આ તે શું કર્યું? ' લાગણીના સમુંદરે ઝંઝાવાત પેસતા આંખો ભીની થવા લાગી. ભભક્તા અંતરનાં વિષાદને રોકી ન શકી. જે વ્યક્તિને સર્વસ્વ સમજી પ્રેમ કર્યો હોય, જે વ્યક્તિને જીવનનો શ્વાસ જાણી સ્વત્વને પણ ભુલાવ્યું હોય, જેના હસતાં ચહેરામાં જીવન સાર્થક જણાતું હોય, જેના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ અનુભવ્યું હોય, જેના બે પળના સથવારે મુર્જાયેલ હૈયું પણ ખીલી ઉઠે, એ વ્યક્તિ જ્યારે તરછોડી દૂર જવા લાગે ત્યારે શરીરનું કોઈ અંગ દુરી સેવતું હોય તેવું દર્દ હૈયે મહેસૂસ થાય છે.

ચેતનાની સ્થિતિ આવા બદનસીબથી ભિન્ન ન હતી. બે ઘડી બાદ સમયનું ભાન થયું. મન મજબૂત કર્યું. અંતરનાં ઝંઝાવાતને થોડો રોક્યો. આંખોએ આંસુઓનું થર બાજતા દ્રષ્ટિ ધૂંધળી થઈ. ચશ્માં ઉતારી આંસુ લૂછયા અને ફરી ચશ્માં પહેરી સ્ફુટીને ચાવી લગાવી. સ્કૂટી શરૂ થતાની સાથે જ પાર્કિંગની બહાર આવેલા મેઈન રોડ તરફ ગઈ. આખરે એ મેઈન રોડ પર પોતાના ઘરની દિશા તરફ આગળ ધપી.

આંસુઓ થોભ્યા. પરંતુ હૈયાનું રુદન તો અવિરત શરૂ જ હતું. ક્યારેક મનમાં સપનાઓ નજરે ચડી આવે, તો ક્યારેક પાર્થ સાથે વિતાવેલી બેચાર પળો. પાર્થ પર વરસાવેલો પ્રેમ ક્યારેક ઝબકી ઉઠે તો ક્યારેક પોતાની કોઈ ભૂલ થઈ હોવાની શંકા.

તૂટેલા સપનાઓ જ્યારે હૈયામાં ખુંચ્યા ત્યારે આંસુઓ ફરી એ આંખોને ભીંજવી જાય છે. પણ એ ઝંઝાવાત કેમ રોકાય? એ ઊર્મિઓનો ઝંઝાવાત હતો. સ્ફુટીની ઝડપ સાથે અથડાતો પવન, એ માસૂમ ગાલ પર દડતાં આંસુઓને સૂકવી જાય છે. જાણે કુદરત પણ આજે એના સંતાપમાં ભાગીદાર થવા દોડી આવ્યું હોય.

પાછળથી આવતા વાહનો અને તેના હોર્નના ધ્વનિઓથી ચેતનાનો કાન અસંવેદી થયો. વિષાદનો કેફ મસ્તિષ્કે ચડતા ધ્યાન ભટકવા લાગ્યું. સાવધાનીઓ દરકીનાર થઈ. થોડે દૂર એક ગ્રીન ટ્રાફિક સિગ્નલ સ્ફુટીની ઝડપે નજીક આવી રહ્યો છે. મન વિચાર વંટોળે ફસાયું. સ્કૂટી સિગ્નલની નજીક પહોંચી. અચાનક સિગ્નલ રેડમાં તબદીલ થયો. પરંતુ ચેતનાની નજર તો અંતર વંટોળથી સ્થિર છે. સિગ્નલનો બદલાવ ચેતના ભાંખી ન શકી. અને ઝડપનું મુદ્દલ ભાન નહીં. ચેતના થોભવાનું ભૂલી સિગ્નલ સહસા પાર કર્યો. જમણી ને ડાબી બાજુથી આવતા વાહનો સ્કૂટી તરફ ધસવા લાગ્યા. એક વાહનના તેજ હોર્નથી ચેતનાને રોડનું ભાન થયું. સહસા ગતિ ધીમી કરવા જતાં હેન્ડલ આમતેમ ફંગોળાયું. અચાનક ડાબી તરફથી એક કાર હોર્ન વગાડતી પુર ઝડપે નજીક પહોંચી. તુરંત હેન્ડલ ફેરવ્યું. પરંતુ સમય નીકળી ચુક્યો. અને ધડડડ......

ચેતનાનો એ પ્રયાસ સફળતા ન પામ્યો. કાર સાથે ચેતનાનું નિમિત્ત પણ ન થોભ્યું. કારની એ મજબૂત ટક્કરે ચેતના ડામરના રોડ પર પટકાઈ. એ પળ જાણે સમય થોભી ગયો. સહસા લાગેલા એ ઝટકાથી દિમાગમાં કંઈ સમજ ન પેસી. જાણે એક પળમાં અનેક ઘટી ગયું. ઝટકાથી જડ થઈ રોડ પર પડી. શરીરે દર્દ દોડવા લાગ્યું. ઉભું થવું અશક્ય બન્યું. ધીરે ધીરે દ્રષ્ટિ ધૂંધળી થવા લાગી. પરંતુ બહાદુર હૈયું રાખી આંખ ખુલી રાખવા મથી રહી છે. કપાળે હાથ ફર્યો તો રક્ત રંગે ભીંજાયો. આસપાસ લોકોના અસ્પષ્ટ અવાજો સંભળાય છે. આખરે કેવી તે પળ આવી ઉભી આ નમણાશ પર..! હૈયાનાં અણરૂઝાયેલ ઘા પર શરીરનાં ઘા આવી પડ્યા. જાણે આજે નિયતી ક્યાંક ચેતનાને વિસરી ગઈ.

પરંતુ અચાનક એ ધૂંધળી થતી દ્રષ્ટિ સમક્ષ કોઈ જાણીતો ચહેરો ધસી આવે છે. 'ચેતના.......ચેતના..' નો વિષાદી નાદ કરતો એ ચહેરો, સમયનાં વહેણમાં ક્યાંક ઓઝલ થયેલો, અને લાંબા ગાળે નજરે આવ્યો. પરંતુ ક્યારેક ધૂંધળી ક્યારેક સ્પષ્ટ થતી દ્રષ્ટિએ પરખ નથી થતી એ કોણ છે. ચહેરાની પરખ કરે એ પહેલાં જ ચેતનાની આંખો મીંચાવા લાગી. કાને લોકોનાં અવાજો શાંત થવા લાગ્યાં. દર્દનાં સણકા ઓસરવા લાગ્યાં. મસ્તિષ્ક ધીરે ધીરે ભાન ખોવા લાગ્યું. આખરે આંખો મીંચી ચેતનાએ ગઢનિંદ્રાને ઓઢી લીધી. અંતરનો ઝંઝાવાત થોડો શમ્યો. હૈયાને થોડો આરામ મળ્યો.

સમય પણ આપણી સાથે એક અજીબ ખેલ રમે છે. ખંત અને નિષ્ઠાપૂર્વક સપના પાછળ જીવન ખપાવનારના સપનાઓ ક્યારેક અંતમાં એક ઝાટકે પૂર્ણ કરી દે છે. જ્યારે સાકાર થવાની કોરે પહોંચેલ સપનાઓને એક ઝાટકે છીનવી પણ લે. ઊર્મિઓથી અણસમજુ ચોતરફથી પ્રેમના વરસાદથી ભીંજાય છે. જ્યારે પ્રેમ વરસાવવા આતુર ક્યારેક પ્રેમથી જ તરસ્યા રહી જાય છે........

ક્રમશ ભાગ 2 સાથે.