મિત્રો, આ લેખોની એક શ્રેણી આપની સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. કારણકે આ લેખોનો ઉદેશ્ય માત્ર સેલ્ફ ઈમપૃવમેન્ટ અને સેલ્ફ રીઅલાઈઝેશન છે. આપના જીવનમાં ઘણી એવી સમસ્યાઓ છે જેનાથી તમે છુટકારો મેળવવા ઈચ્છો છો. પરંતુ કોઈ જ ઉપાય નથી મળતો. ઘણી સમસ્યાઓ એવી હોય છે જેના મૂળથી તમે સંપૂર્ણ અજાણ છો. તમે ખુદને બદલવા માંગો છો. અને અમુક ટેવો અને આદતો દૂર કરવા ઈચ્છો છો. આથી આપ મિત્રો માટે આ શ્રેણી આપ સમક્ષ રજુ કરી રહ્યો છું. આશા છે કે આપને પસંદ આવશે અને તમારી અમુક સમસ્યાઓને સમજવા અને દૂર કરવા મદદરૂપ થશે. આભાર.
ભૂતકાળમાં ઘણા એવા પ્રસંગો બન્યા હશે જ્યારે જીવનમાં તમે કંઈક પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય પરંતુ પ્રાપ્ત ન કરી શક્યા .બાળ, વિદ્યાર્થી અને યુવા અવસ્થામાં આપણી ઘણી ઈચ્છા,મહેચ્છા,આશા અને અભિલાષાઓ હોય છે જે સમયાંતરે આપણી અપેક્ષાઓની પેટર્નમાં બંધ બેસતી નથી.અનેક શોખ અને સપનાઓ કાળક્રમે ઝાંખા પડી ઝીણી ઝંખનાઓ સ્વરૂપે સ્મૃતિઓમાં સચવાઈ રહે છે. અમુક લક્ષ્યો અદ્રશ્ય થઈ જાય છે. સપનાઓના મૂળ સુકાવા લાગે છે. ઘણું પ્રાપ્ત કરવાનું રહી જાય છે. ઘણું બનવાનું અટકી જાય છે. પરંતુ શા માટે?
હાલ જો કોઈ વ્યક્તિને પૂછીએ કે, " તમારા સપનાઓ અને લક્ષ્યો પ્રાપ્ત ન થયા, શા માટે? ઈચ્છાઓ અને શોખ પુરા ન કરી શક્યા એનું કારણ શું ?" આ અપમાનિત મહેસુસ કરાવતા સવાલના જવાબમાં સદીઓથી વપરાતા અને ઘસી ઘસીને રજૂ કરતો એક ખોખલો શબ્દ મળશે, ' નસીબ'. " અરે ભાઈ , આપણાં નસીબમાં ન હતું એટલે ના મળ્યું", અથવા તો આવો કંઈક જવાબ હશે, " યાર, સમય અને પરિસ્થિતિ એવા હતા કે કઈ ન થઈ શક્યું." અથવા " હા બ્રધર, ઈચ્છા તો ઘણી હતી. પણ આ સ્ટડી પણ કરવાની હતી એટલે પછી ન થઈ શક્યું. ભણું કે પછી શોખ પુરા કરું.....!" કદાચ આવા ઉતરો ન મળે પણ એક ઉત્તર તો ચોક્કસપણે હોય જ ," અરે ભાઈ,સપનાઓ તો બધા જુએ, પણ દરેકના સપના થોડા સાકાર થાય. એ તો નસીબની વાત છે. ક્યારેક સાકાર થાય ક્યારેક ન પણ થાય. બધું કંઈ ઈશ્વર ન આપે. જિંદગી છે બકા.... ચાલ્યા કરે.." આવા કંઈક હોય છે લોકોના સફળ ન થવા પાછળના અભિપ્રાયો. જો તમે આવા કોઈ અભિપ્રાય ધરાવતા હોય, તો આપને જણાવી દઉં કે આપ જગતના સૌથી નમાલા, અશક્ત અને અણસમજુ લોકોની બિરદારીમાં સ્થાન ધરાવો છો. ના, મારુ ચસકી નથી ગયું. આ નક્કર સત્ય છે જેનાથી તમે અજાણ છો.
કુદરતની તમામ ઘટનાઓ પાછળ કોઈ ન કોઈ કારણ રહેલું હોય છે. કોઈ કારણ કે પરિબળ વિના કોઈ ઘટના ઘટી ન શકે. આ સનાતન સત્ય છે. તમારા જીવનની તમામ અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓ માટે કોઈ કારણ જવાબદાર હોય છે. પરંતુ અહીં મુદ્દાની વાત એ છે કે તમારી તમામ સફળતા કે નિષ્ફળતા પાછળ પણ કોઈ કારણ રહેલું હોય છે. જેને અમુક પરખી લે છે જ્યારે મહત્તમ લોકો જીવનભર અજાણ રહે છે. અહી સૌ પ્રથમ નિષ્ફળતાના કારણોની વાત કરવી છે કે જેથી તમે તમારા ભૂતકાળ અને વર્તમાનને વધુ સ્પષ્ટપણે પરખી શકશો.
જીવનમાં દરેક વ્યક્તિ કોઈ ન કોઈ ક્ષેત્રે સફળ થવા ઈચ્છે છે. સામાન્ય રીતે, સફળતા એટલે ઇચ્છીત પરિણામ, લક્ષ્ય કે વસ્તુની પ્રાપ્તિ. જો તમે એ પ્રાપ્ત ન કરી શકો તો તમે નિષ્ફળ કહેવાશો. લગભગ સો અરબ ન્યુરોન્સ અને સાડા ત્રણ પાઉન્ડ વજન ધરાવતું આ માનવ મસ્તિષ્ક ક્યારેય સ્થિર નથી રહેતું. હંમેશા નાની, મોટી, યોગ્ય,અયોગ્ય,પ્રામાણિક, અપ્રમાણિક ઈચ્છાઓ ઉદ્દભવ્યા કરે છે. અમુકને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ. પરંતુ પ્રયત્નો કરવા છતાં ક્યારેક પ્રાપ્ત ન થાય. સપનાઓ અધૂરા રહી જાય. અંતે ખુદને નિષ્ફળ સ્વીકારી જગતથી છુપાવી રાખીએ. (છાની છુપી રીતે અંતરમાં ). તો જ્યારે આપણે લોકોને પોતાની નિષ્ફળતાના કારણો આપતા સાંભળીએ ત્યારે તેઓ મુખ્યત્વે ત્રણ બાબતોને જવાબદાર ઠેરવે છે, નસીબ,સમય અને પરિસ્થિતિ( આર્થિક, પારિવારિક કે માનસિક). તો હવે આપણે આ ત્રણ પરિબળોને સમજીએ.
* નસીબનું વળગણ
સૌ પ્રથમ વાત કરીએ નસીબ,લક કે કિસ્મતની. આ નસીબ એટલે શું? સામાન્ય રીતે નસીબ એટલે કોઈ "ઈશ્વરીય શક્તિ દ્વારા આપણા સંપૂર્ણ જીવનની લખાયેલી સ્ક્રીપ્ટ, જે અનુસાર અપણે જીવન જીવીએ. જીવનની તમામ ઘટનાઓ આ લખાયેલા નસીબ અનુસાર ઘટે." આવો કંઈક અભિપ્રાય સામાન્યતઃ લોકો ધરાવે છે. અર્થાત " આપણું સંપૂર્ણ જીવન ઈશ્વર નિયંત્રિત કરે છે. આપણું કોઈ જ નિયંત્રણ નથી. આપણા જીવનમાં ઘટતી તમામ ઘટનાઓ ઈશ્વર ઈચ્છાથી ઘટે છે.જેની વિરુદ્ધ આપણે કંઈજ ન કરી શકીએ." પરંતુ ખરેખર પ્રશ્ન એ છે કે શું આ માન્યતા ખરેખર સત્ય છે? શું આપણા જીવનની તમામ બાબતો ઈશ્વર થકી નિયંત્રીત થાય છે ? આ મુદ્દા પર નિર્ણય કરતા પહેલા નીચેની અમુક બાબતો પર એક નજર કરીએ..
એક વિદ્યાર્થી દસમુ ધોરણ પાસ કરી અગિયારમા ધોરણમાં એડમિશન લેવા તેના પિતા સાથે શાળાએ ગયો. ત્યાં પ્રિન્સિપાલ અને પિતાએ તેને આર્ટસ,કોમર્સ અને સાયન્સ માંથી કોઈ એક માધ્યમ સ્વતંત્રપણે પસંદ કરવા કહ્યું. એ છોકરાએ સાયન્સ પસંદ કર્યું. ભણતર આગળ ધપ્યું.પરંતુ અમુક સમય બાદ તેને સમજાયું કે તેની કુશળતા અને આવડત સાયન્સ માધ્યમમાં નહિ પરંતુ કોમર્સમાં વધું છે. અંતે તે સાયન્સમાં સારું પ્રદર્શન કરી ન શક્યો. ઇચ્છીત કારકિર્દી ન પ્રાપ્ત કરી શક્યો. તો અહીં કારકિર્દીની નિષ્ફળતાનું કારણ શું ? નસીબ કે નિર્ણય ?
એક પર્વતરોહી ઊંચા પહાડ પર ચઢાઈ કરી રહ્યો હતો.પરંતુ એક મજબૂત અને વિશાળ ચટ્ટાન અવરોધ બની રહી હતી. ચટ્ટાનની કોર બાજુએ તેણે એક નાનો ખડક જોયો. ખડકની પરિસ્થિતિ અને ક્ષમતાનો વિચાર કર્યા વિના પર્વતરોહીએ તેના પર પગ મૂક્યો.ખડક ખસ્યો અને સંતુલન ગુમાવતા નીચે તળ પર પટકાયો. મૃત્યુ પામ્યો. તો આ મોત પાછળ જવાબદાર કોણ? નસીબ કે નિર્ણય?
એક પ્રેમી યુગલ હતું. બન્ને વર્ષોથી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. અંતે બન્ને એ લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ બન્નેનો પરિવાર લગ્નની વિરુધ્ધ હતો. પરિવારનો સખત વિરોધ હોવાથી આ યુગલ પરિવાર સમક્ષ મજબૂત અને હિંમતભરી રજુઆત ન કરી શક્યું.( હા, માતા પિતાની સહમતી હોવી જોઈએ.પરંતુ માતાપિતાનું કર્તવ્ય માત્ર પોતાના સંતાનોને સદગુણ,સંસ્કાર અને એવી સમજણશક્તિ આપવાનું છે કે જેથી સંતાનો પોતાને યોગ્ય, સંસ્કારી અને સમજદાર જીવનસાથી પસંદ કરી શકે. પોતાના માટે જીવનસાથી પસંદ કરવાનો હક્ક સ્વયં સંતાનોનો છે. માતાપિતાનો નહીં.) અંતે યુગલે પરિવારનો વધુ વિરોધ ન કરતા અન્યે લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્યારે વર્ષો બાદ બન્ને મળ્યા ત્યારે કહ્યું, " કદાચ ઈશ્વરે આપણા નસીબમાં સાથે રહેવાનું નહિ લખ્યું હોય." તો આ યુગલનો પ્રેમ અધુરો રહેવાનું કારણ શું? નસીબ કે નબળી હિંમત?
એક યુવાન કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં કારકિર્દી બનાવવા અમદાવાદ ગયો.એક પછી એક અનેક કમ્પનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા. એક કમ્પનીમાં ઇન્ટરવ્યૂ આપતી વખતે તેને અપાયેલી એક પ્રોગ્રામિંગ કવેરી સોલ્વ કરી ન શક્યો. જ્યારે તેની સાથે જ એક ક્લાસરૂમમાં ભણતો એક સહાધ્યાયી પેલી કવેરી સોલ્વ કરીને ઇન્ટરવ્યૂ પાર પાડે છે. કાળક્રમે એ કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં કારકિર્દી બનાવે છે. આ યુવાન , કે જેના થકી લખાયેલા શબ્દો તમે વાંચી રહ્યા છો, એ જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે તેની માંએ કહ્યું, " કઈ વાંધો નહિ બેટા, આપણા નસીબ થોડા નબળા." તો આ નિષ્ફળતા પાછળ જવાબદાર કોણ? નબળું નસીબ કે અધૂરું જ્ઞાન? તો શું પેલા સહાધ્યાયીનું નસીબ મજબૂત હતું? કે તેનું જ્ઞાન?.
આ બાબતો અને તમારા જીવનની અમુક બાબતો પર તમે થોડી ગંભીરતાપૂર્વક વિચાર કરશો તો એક નક્કર સત્ય સ્પષ્ટ થશે જે હંમેશા નસીબના ભ્રામીક પડદા પાછળ છુપાયેલું રહે છે. સત્ય એ છે કે, આપણું જીવન કોઈ ઈશ્વરીય સ્ક્રિપ્ટ કે કોઈ નસીબના લેખને આધારે નહિ, પરંતુ આપણા નિર્ણયો,પ્રયત્નો અને સમજણશક્તિ અનુસાર અસ્તિત્વ ધરાવે છે. તમારા જીવનના તમામ સુખ,દુઃખ, સફળતા,નિષ્ફળતા માત્રને માત્ર તમારા નિર્ણયો, પ્રયત્નો અને સમજણશક્તિ અનુસાર પ્રાપ્ત થાય છે. આ ત્રણ બાબતો પર સંપૂર્ણ સ્વયં આપણું નિયંત્રણ હોય છે. જેમાં ન તો ઈશ્વર કોઈ હસ્તક્ષેપ કરે છે. ન તો કુદરત નિયંત્રિત કરે છે. ઈશ્વરનું કાર્ય માત્ર યોગ્ય માધ્યમ અને સુલભ તકો ખડી કરવાનું છે. પ્રયત્નો તો આપણે જ કરવાના હોય, ઈશ્વરને નહિ. ઈશ્વર કઈ આપણો નોકર નથી...!!!
જો પેલા વિદ્યાર્થીએ સાયન્સ માધ્યમ પસંદ કરતાં પહેલાં પોતાની કુશળતા અને આવડતને પરખી, કોઈ વડીલ, સમજદાર વડીલ(ખાસ કરીને) પાસેથી અભિપ્રાય અને યોગ્ય માર્ગદર્શન લીધા બાદ સમજદારીપૂર્વક કોમર્સ પસંદ કર્યું હોત તો એ કારકિર્દીમાં નિઃશંકપણે સફળ થાત.
પર્વતરોહીએ બાજુના ખડકની પરિસ્થિતિ અને બનાવટને જાણી પરખી યોગ્ય નિર્ણય લીધો હોત તો આજે કદાચ મોતને બદલે પરિવાર સાથે જીવનનો આંનદ માણતો હોત. જો પેલા યુગલે થોડી સમજદારી અને હિંમતપૂર્વક પરિવારને રજુઆત કરી હોત તો કદાચ યુગલ પોતાનું બે માંથી ત્રણ થવાનું સપનું જરૂર સાકાર થયું હોત.
જો પેલા યુવાને કોલેજ કેન્ટીનમાં સિગરેટો ફૂંકવાને બદલે ક્લાસરૂમમાં આવશ્યક એકાગ્રતા અને પૂરતા પ્રયત્નો કરી પ્રોગ્રામિંગમાં કુશળતા વિકસાવી હોત, તો આજે કદાચ લેખક નહિ પરંતુ સોફ્ટવેર એન્જિનિયર હોત. ( આમ તો લેખક હોવું વધારે પસંદ છે).
આમ તમારી સફળતાની સફર સંપૂર્ણરીતે તમારા નિયંત્રણમાં હોય છે. કોઈ નસીબ કે વિધિના વિધાનને સહારે નહીં. નસીબ એ મહદઅંશે ભ્રષ્ટ થયેલો શબ્દ છે. લોકો પોતાની નબળાઈ, અણઆવડત,અણસમજણ અને નમાલા પ્રયત્નોને જગતથી કે સ્વયંથી છુપાવવા નસીબને એક પડદારૂપે ઉપયોગ કરે છે. પરંતુ સત્ય એ છે કે નિષ્ફળ કારકિર્દી, નિરાશાજનક લગ્નજીવન, નબળી આર્થિક પરિસ્થિતિ, વણસતા સબંધો, બેરોજગારી, બિઝનેસમાં ખોટ વગેરે નિષ્ફળતાઓ માત્રને માત્ર લોકોના અણસમજુ નિર્ણયો, અનિયંત્રિત સ્વભાવ, અપૂરતા પ્રયત્નો અને નબળી કુશળતાને કારણે જન્મે છે. જેના માટે કારણરૂપ અન્ય કોઈ નહિ, પરંતુ સ્વયં પોતે જ હોય છે. રિલાયન્સ કમ્પનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના શબ્દો છે , " જો તમે ગરીબ કુટુંબમાં જન્મો તો તમારો દોષ નથી.પરંતુ જો તમે જીવનના અંતે એ જ ગરીબીમાં મૃત્યુ પામો તો નિઃશંકપણે તમે જ દોષિત છો "
જે વ્યક્તિ નસીબમાં શ્રદ્ધા ધરાવે છે તેના માટે આ ખજાનારૂપી જગત એક નાની સીમારેખામાં સીમિત થઈ જાય છે. એ વ્યક્તિ ન તો પોતાની આવડત કુશળતા બહાર લાવી શકે છે, ન તો એ જીવનમાં કઈ પ્રાપ્ત કરી શકે છે. એ મનુષ્ય સ્વયં ખુદની કુશળતા અને હિંમત કરતા એક ભ્રામીક તથ્ય ' નસીબ' માં વધુ શ્રદ્ધા ધરાવે છે. જેનું કોઈ જ અસ્તિત્વ નથી. પોતાની જવાબદારી અને દોષોથી બચવા નસીબ,લક કે કિસ્મતનો ખોખલો સહારો લેવાય છે. જે એક છટકબારી છે, 24×7 કલાક અવેલેબલ. ન કોઈ નસીબ વિરુદ્ધ પ્રશ્ન કરશે, ન કોઈ નસીબને નકારશે. અ સેફ ઝોન. અંધેરી નગરીના તમામ આંધળા.
માનવ ઇતિહાસના એક મહાન વિચારક રાલ્ફ વાલ્ડો ઈમર્સનને કહ્યું છે, " Shallow Men Believe In Luck, Strong Men Believe In Cause And Effect." નબળો અને ખોખલો માણસ નસીબમાં શ્રદ્ધા ધરાવે છે. જ્યારે મજબૂત માણસ કારણ અને પરિણામમાં વિશ્વાસ કરે છે. આથી જો તમે જીવનમાં સફળતા અને સપનાઓ સાકાર કરવા ઇચ્છતા હોય તો આ નસીબના વળગણને તિતાંજલી આપી દો. તમારા જીવનમાં આવેલી તમામ સમસ્યાઓ અને નિષ્ફળતાઓની જવાબદારી સહૃદય સ્વીકારી લો. ભૂતકાળને ફરી રિવાઇન્ડ કરી ગંભીરતાપૂર્વક ચકાસો. યોગ્ય સમજણ અને કુશળતા વિકસાવી, નક્કર નિર્ણય કરીને ભવિષ્યમાં પૂરતા પ્રયત્નો કરો. સફળતા તમારી ગુલામ બની જશે. ઈશ્વરને દોષ દેવાનું બંધ કરો, કારણકે ઈશ્વર પાસે ઓલરેડી આપણા દોષોનું લાબું લિસ્ટ તૈયાર છે...............
આવતા અંકમાં સમય અને પરિસ્થિતિના વળગણની ચર્ચા આગળ ધપાવીશું.........આ લેખ વિશે આપના મંતવ્યો રેટિંગ અને કમેન્ટમાં જરૂર જણાવજો........ આભાર.