સાધુત્વ Chauhan Harshad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાધુત્વ

સાધુત્વ

'સાધુ' એવુ નામ કાને પડતાં જ કોઈ આધ્યાત્મિક કે ધાર્મિક વ્યક્તિની છબી મનમાં ચિત્રાઈ જાય. કોઈ એવી વ્યક્તિ જે ઇશપ્રેમી છે. સાધુનાં વર્ણનમાં મુખ્યત્વે તેનો શારીરિક દેખાવ જ ઉલ્લેખાય છે. હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળાઓ, લાંબી ને માથે બાંધેલી જટાઓ, શરીર પર કેસરીયુ વસ્ત્ર, લાંબી દાઢી ને ચહેરા પર ક્રોધભાવ ભરેલું માનવચિત્ર નજર સમક્ષ તરી આવે.શહેરની બજારો, મંદિરો કે કોઈ ધાર્મિક સ્થળે સાધુઓને આપણે એકજ રંગરૂપમાં ઢાળએ.સાધુની પરિસ્થિતિનું વર્ણન પેટથી ભૂખ્યો,ભટકતો ને તેની દરિદ્રતાથી થતું હોય છે. અવારનવાર ટીવી પર ટેલિકાસ્ટ થતી પ્રાચિન ધારાવાહિકોમાં સાધુને વારંવાર શાપ આપતા માણસ તરીકે પ્રદશિત કરાય છે.વધારે તિખળ કરશો તો શાપ આપી દેશે, દુર રહો. પરંતુ વાસ્તવમાં સાધુનો સ્વભાવ નાળિયેરના બાહ્ય કઠોર કવચ રૂપી હોય છે.આપણે હજુ અંદરની ભાવભીની કોમળતાથી અજાણ છીએ. જો અે ભાવભીની કોમળતાનો સુમધુર સ્વાદ ચાખવો હશે તો પ્રથમ સાધુત્વને જાણવું પડશે.

આપણે મન સાધુ એટલે કઠોર, મૌની, અસંવેદનશીલ અને ઘરસંસારનો પ્રખર વિરોધી માણસ. હાલની વાત કરીએ તો, સાધુ અને ભિખારીને સમાન તોલવામાં આવે છે. જો આપણી દુકાને 'અલખ નિરંજન' ના ઉચ્ચારણ કાઢતો કોઇ સાધુ ચડી આવે ત્યારે ગલ્લાનાં ખૂણામાં આમતેમ રખડતા, ન કોઇને દેવાય કે ન કોઈથી લેવાય એટલી કિંમતનો લાંબાગાળાથી ધુળ ખાતો સિક્કો ધરવી દઇએ. જેના મુલ્યનું અંકન પણ ક્યારેય ના કર્યું હોય.

તમે સાધુ કહો કે સંત કહો. લોકોનાં હૈયા પર લોભ,ઈર્ષા,દંભ,અભિમાન વગેરે કાળા વિકારોને પ્રભુપ્રેમ રૂપી વર્ષાથી સ્વચ્છ ને સુંદર બનાવવાનું બીડું ઉઠાવનાર વ્યક્તિ એટલે સાધુ. ટૂંકમાં ,મનુષ્યના હ્રદયની અસ્વચ્છતા દુર કરવાવાળો સફાઇ કામદાર. અંતરઆત્માનાં સાગરમાં ડુબકી લગાવી હૈયાનાં ઉંડાણમાં કઇંક શોધતો વ્યક્તિ.

આપણા શાસ્ત્રો,પુરાણો,કથાઓ અને ઘણી લોકવાર્તાઓમાં સાધુઓનો ઉલ્લેખ થયો છે. ગુણ,રૂપ,કર્મોથી સાધુઓમાં સમત્વ તરી આવતું. સાધુઓ સમાન રીતે અભિવ્યક્ત થયા છે. પરંતુ હાલનાં સાધુઓની વાત કરીએ તો તમને ઘણી ભિન્નતાણ નજરે ચડશે.

એક છે સુખ-સુવિધાઓ ભોગવતો,પ્રવચન ને ઉપદેશો આપતો સાધુ. ત્રણેય ટંકનું ભાણુ એક ઇશારે જ પ્રસ્તુત થઈ જાય. ચક્ષૂઓ લોભાય તેવા ઘરો જેને આશ્રમથી સંબોધવામાં આવે. આરામદાયક ઓરડામાં આરામદાયક પથારી. માંગે તે હાજરા હજુર. શિયાળામાં હિટર,ઉનાળે એ.સી ને ચોમાસે મહેલ સમી છત જેમની સેવામાં ચોવીસે કલાક હાજર હોય તેવા સાધુઓ. સરકાર જેના પર દયાવાન હોય તેવી ટેક્ષ ફ્રિ સંપતિ. દર્દીને સારવાર અર્થે ડોક્ટર પાસે જવું પડે. પરંતુ ડોક્ટર અહિ જેમની સારવાર અર્થે દોડી આવે તેવા સર્વશક્તિ સંપન્ન સાધુઓ તમે જોયા હશે.

પણ આ કળિયુગી લોકે સાધુની એક બિરાદરી એવી પણ છે જેને આપણે નિમ્ન ગણી તિરસ્કૃત કરીએ છીએ. જો કોઈ ભટકતો સાધુ સુંદરતાની સોડમ ફેલાવતા આપણા આંગણે આવી ઉભો રહે તો ઘૃણાત્મક ભાવે નકારી દઇએ. અથવા તો બચ્યુબચેલું અન્ન અર્પણ કરી ઇશ્વરના ચોપડે બે પુણ્ય નોંધાવ્યાનાં ભાવે વિદાય કરી મુકીએ. આપણો અણમોલ પ્રેમ સાધુના આંગણા વટાવતાની સાથેજ મૃતપાય થાય છે. પરંતુ જો તમે આ સાધુઓનાં જીવન પર એક જીણી નજર ફેરવશો તો સત્ય જાણશો.

ન કોઈ આશ્રય કે ન કોઈ આશા. ટંક બે ટંકના રોટલા માટે ભમતા,કોઇ સેવાભાવી સંસ્થાની દયાએ પેટની આગને શમાવતાં સાધુઓ.લોકોની તોછડી વાણીને હસતાં મુખે સહેતા.પોતાની અનુભવોની સંપતિમાંથી સત્ય વચનો ઉચ્ચારી ભલમનસાઈ દર્શાવતા સાધુઓ. પણ આખરે ભટકતા ભમતાનું કોણ સાંભળે ?! બેચાર પૈસા સારુ દુકાનો ને ઘરો સુધી રજળી થાકથી તરબોળ શરીરને ફુટપાથ,નિર્જન રોડ કે બંધ દુકાનનાં ઠરતા ઓટલા પર ઉંઘના સથવારે શરીરને લંબાવતા સાધુઓ.આવાસ રૂપી કોઇ સ્થાન હોય ગામનાં પાદરનો ઓટલો કે કોઇ બંધ દુકાનનું પગથીયું,નહિ તો રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનની બાંકડી જો ત્યાંનો કર્મચારી રાઝી હોય તો. શિયાળે શિકારી ઠંડીથી બચવા કોઈએ પહેરી કાઢેલા બેચાર લૂગડાં નહીતો બચ્યાબચેલા ભગવા વસ્ત્રથી જ કામ ચલાવવાનું અથવા તો અગ્નિદેવના સહારે જ ટકી રહેવું. ઉનાળે કોપ વરસાવતા સૂર્યદેવથી બચવા સડ઼ક કિનારનાં વૃક્ષો જ તારણહાર. સુખ હોય કે દુઃખ એકલા જ જીરવી જવાનું. ન કોઈ દોસ્ત કે ન કોઈ દુશ્મન. જો તંદુરસ્તીમાં શરીર લથડે તો સરકારી ચિકિત્સક બાબુઓ પર જ નભી રહેવું. મોત બાદ પણ જેમના માટે આઘાતનાં આંસુઓનો દુષ્કાળ વરસતો હોય તેવા સાધુઓ પણ આપણી વચ્ચે જીવીત છે.

ભુતકાળમાં તમામ સાધુઓ ગુણ કર્મમાં સમત્વ ધરાવતાં. પણ હાલ વર્તમાની સાધુત્વમાં સમતા મળવી મુશ્કેલ છે.જેમ ખાણમાં મળતા તમામ રત્નોનું મુલ્ય સમાન નથી હોતું. ગુણ રૂપથી રત્નો એકબીજાથી ચડતાં ને ઉતરતાં હોય છે. માનવ સ્વભાવનું પણ આવું જ છે. કોણ કર્તવ્યોમાં ચડતું કે ઉતરતું છે તે પારખવું મુશ્કેલ થઇ બન્યું છે. અમુક ગણ્યાગાઠ્યા સાધુઓના વિષય આસક્ત પરાક્રમોથી તમામ સાધુસમાજ પર પાખંડની મુંહર લગાવાઈ રહી છે. ભક્તિમાર્ગનું મહોરું પહેરી ઘણા વિષયમાર્ગ ભોગવી રહ્યા છે. પવિત્રતા અને પ્રિ-પ્લાન્ડ ચમત્કારોથી પોતાને આશાનું કિરણ બતાવી લોકભાવના મેળવતા હોય છે. અવારનવાર ટેલીવિઝન પર બ્રેકિંગ ન્યૂઝની હેડલાઇન સાથે ચમકતા ને 'પ.પૂ.ધ.ધૂ...' વગેરે વગેરે બિરૂદથી સંબોધાતા અનેક સાધુઓની પાખંડલીલા સાંભળી બેચાર શબ્દો ઉચ્ચારતા હશો.

પણ જો તમે અમુક બેચારને કારણે સમગ્ર સંતસમાજને પાખંડની ઉપમા થી સંબોધતા હશો તો, તમારી નફરત નિઃશંકપણે અજ્ઞાની છે તેમ સાબિત થશે.ગામનાં ચાર ચોરને કારણે આખું ગામ ચોર નથી ઠરતું તેમ અમુક પાખંડલીલાનાં પ્રેમીઓથી તમામને કલંકિત ન જાણવા જોઈએ. પરંતુ આ જાણી તમારા મનમાં એક પ્રશ્ન જરુર ફૂદકશે કે ' તો પછી ખરો સાધુ કોણ ? એના ગુણો કયાં કર્મો કયાં ? '

તમારા મનના અાવા કેટલાક પ્રશ્નો અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણને પુછ્યા હતા જેનાં પ્રત્યુત્તર ગીતામાં રજૂ થયેલ છે. ગીતાનાં બીજા અધ્યાયનાં ૬૭માં શ્ર્લોક મુજબ, ' જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનથી વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી. જે આસક્તિ ભય તથા ક્રોધ થી મુક્ત છે. તે જ ખરો મુનિ અથવા સાધુ છે. '

આમ જોઇએ તો આ શ્ર્લોકને સાધુત્વની પૂર્ણ ને સચોટ વ્યાખ્યા કહી શકાય.

ઇશપ્રેમથી જેનું હૈયું તરબોળ હોય. શુદ્ધ સાધુઓ પોતાના તમામ સુખ,દુઃખ,સિદ્ધિ,અસિદ્ધિ,સંપતિ અને પોતાના શરીરને પણ એ પરમતત્વને સહારે છોડી મુકે. તેઓ શું મેળવે છે ને શું ગુમાવે છે તેનું એક માત્ર કારણરૂપ ઇશ્વર છે તેવી શ્રધ્ધા ધરાવતાં હોય છે. એટલા માટે તે પ્રગતિમાં ખુશ કે દૂર્ગતિમાં નિરાશ થતાં નથી. હંમેશા ' સચ્ચિદાનંદ' હોય છે કે જેના મન અને શરીર હંમેશ આનંદિત હોય. જ્ઞાતિ,જાતિ,દેશ,દુનિયા પ્રત્યે ભેદદ્રષ્ટિ તોડી સૌને એક પ્રેમદ્રષ્ટિથી ભીંજાવતા હોય છે સાધુઓ. કોઇ રાજા હોય કે રંક, સડ઼ક કિનારે સુતો કોઈ ભિખારી હોય કે કોઈ વિસ્તારનો મહામૂલો મંત્રી તમામ માટે સમદ્રષ્ટિ રાખે. અેમને ન કોઈ પોતિકું કે ન કોઈ પરાયું. આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માં ઘણા સાધુ સંતો થયાં કે જેની ભક્તિના વખાણ અાજે પણ લોકોના શબ્દોમાં ભળે છે.

પણ આવો કોઇ શુદ્ધ સાધુ કદાચ આજે ઘરો ને દુકાનોએ ભટકતો મજબૂર હાથ લંબાવતો હશે. અથવા તો કોઈ બાકડી પર સુતો હશે. નહીતો સડક કિનારે કોઇ મઢીમાં પોતાના પ્રભુને ભજતો હશે. પણ આખરે કોણ પારખે સત્યને?! શા માટે?. આપણે તો હરવું છે ફરવું છે પૈસા કમાવવા છે. બાળકોને સારી શાળાકોલેજોમાં એડમિશન લેવડાવવું છે. યુવાનોને સારી સેલેરીવાળી નોકરી મેળવી પૈસા બનાવવા છે. અને જો પૈસા બની ગયા હોય તો શોખને પૂરા કરવા છે. અંતે પૂરી જિંદગી ભાગદોડને કુરબાન કરી મુકવી છે. ખરા સાધુત્વને પરખવાનો સમય કોની પાસે છે. આપણે તો પચ્ચીસ-પચાસ પૈસાનો સિક્કો અર્પણ કરી પુણ્ય નોંધાવા છે. અથવા તો બેત્રણ સંભળાવી જતા કરી મુકવા છે. જે ઇશ્વરને પ્રેમ કરે છે એમને પ્રેમ આપવા સમય જ કોની પાસે છે.!?!

કહેવાય છે કે જેનું કોઈ નથી એનું ભગવાન છે. હા, કદાચ તમે મંદિરમાં હજારો રૂપિયા ખર્ચી પૂજાપાઠ કરાવો, દેશના તમામ યાત્રાધામોએ માથું નમાવી આવો અથવા તો કોઈ કર્મકાંડ કે યજ્ઞ કરો. કે કોઈ સેવાભાવી સંસ્થામાં લાખોનું દાન કરી તક્તિમાં સુવર્ણ અક્ષરે નામ ઉકેરાવો. કંઇ પણ કરો. પરંતુ જો તમારો ઉદેશ્ય ઇશ્વર પાસેથી કંઇક મેળવવાનો હશે તો એ એક બિઝનેસ ડિલ રૂપી એક બની રહેશે. બિઝનેસમાં રિક્વારમેન્ટ પ્રમાણે ચૂકવણું થાય છે. તેમાં લાગણી ભાવ નથી હોતો.જો તમારામાં હૈયામાં ઇશ્વર પ્રત્યે પ્રેમ હશે. દ્રષ્ટિએ સમત્વ હશે, ઇર્ષા દંભ દ્વેષ અભિમાન વિહોણું હૈયું હશે તો તમને તમામ યજ્ઞો ને કર્મકાંડોનું ફળ મળી જશે. પછી તમે ધોતી ઝભ્ભો પહેરતા સાધુ હોય કે જીન્સ ટી શર્ટ વાળા આધુનિક વ્યક્તિ. ઇશ્વરને લાગણીથી મતલબ છે નહિ કે પહેરવેશથી.અને ખરો મોક્ષતો પ્રેમથી જ મળે,નહિ કે કર્મોથી.