Part-2 - Tulsi Kyaro books and stories free download online pdf in Gujarati

તુલસી ક્યારો - ભાગ ૨ સંપૂર્ણ

તુલસી-ક્યારો

ભાગ-૨

લેખકઃ ઝવેરચંદ મેઘાણી© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.’ચાલો અમદાવાદ’

૨.ક્યાં ગઈ પ્રતિભા!

૩.મરતી માએ સોંપેલો

૪.ભાસ્કરનો ભૂતકાળ

૫.રૂપેરી પરદો

૬.સિદ્ધાંતને બેવફા

૭.અણનમ

૮.ઘાએ ચડાવેલી

૯.કંચનને હમેલ !

૧૦.અસત્ય એ જ સત્ય

૧૧.’બામણવાડો છે ભા!’

૧૨.કેવો નાદાન પ્રશ્ન !

૧૩.’શોધ કરૂં છું’

૧૪.છૂપી શૂન્યતા

૧૫.ભાસ્કરનો ભેટો

૧૬.’બડકમદાર’

૧૭.બાકીનું તપ

’ચાલો અમદાવાદ’

આજે આંહીં સ્ત્રી-જાગૃતિની શાખા ખોલી છે, કાલે ત્યાં સભા રાખી છે, વગેરે વગેરે પ્રકારના સંદેશા છોડતું છોડતું ભાસ્કરભાઈ અને કંચન બહેનનું જોડલું દૂર દૂરનાં શહેરોમાં ઘૂમી રહ્યું હતું અને કંચન ઉપર ભાસ્કરે પોતાની સત્તા એટલી બધી જમાવી દીધી હતી કે કંચનની ટપાલ પણ પહેલી ફોડીને વાંચ્યા પછી જ ભાસ્ક્સર આપતો. શરૂ શરૂમાં થોડો વખત વાંધો લેતી કંચનને એને ખુલાસો કરેલો કે ’તું ન સમજ બાપા ! ન સમજ એમાં. તારા ઉપર કૈક માણસો દુષ્ટ કાગળો લખે, લોહી તપાવનારા કાગળો લખે, તે બધા જો તને આપું તો તો તું ઉશ્કેરાઈને અરધી જ થઈ જા ને!’

’પણ આવું બંધન તો વીરસુતે પણ નહિ રાખેલું.’ એક વાર પોતાનો કાગળ ટપાલમાં નાખવા દેતી વખતે જ્યારે ભાસ્કરે વાંચવા માટે ખોલ્યો ત્યારે કંચને લગભગ રડું રડું થઈને કહેલું.

’હવે એ બેવકૂફના વખતની વાત શીદ કરતી હઈશ? મને મારી રીતે તારૂં શ્રેય કરવા દેને બાઈ!’

એ જવાબ ભાસ્કર તરફથી મળ્યા પછી કંચન વધુ ને વધુ બીતી. ને કયા પ્રકારે ભાસ્કરથી છૂટીને અન્ય સ્નેહીઓનાં ઘર ભેગી

(૧૮૪) થઈ શકાય તેના વિચારો કરતી. પણ ભાસ્કરની ઉઘાડી દુશ્મનાવટ કરવાનું સલામત નહોતું. ભાસ્કર એની ખુશામદ કરે અને એ ભાસ્કરની કરે, એમ પરસ્પર ખુશામદને હલેસે હલેસે જ બેઉની નાવ ઠેલાયે જતી હતી. હવે કોઈ કોઈ વાર કંચનની કલ્પનામાં અણધારી એક તુલના, એક સરખામણી ઊંભી થઈ જતી : હું જ્યાં હતી ત્યાં જેટલી દુઃખી હતી, તેથી હવે ઓછી દુઃખી છું કે વધારે ? વીરસુતે અમુક વખતે અમુક પૂરતી સગવડ મને આપી હોત તો શું આટલું બધું પરિવર્તન કરવું પડયું હોત ? વીરસુતે મને શાંતિપૂર્વક અમુક પ્રસંગમાં સમજાવી લીધી હોત તો શું મારૂં મન કૂણું ન રહ્યું હોત?

’ના રે ના, વીરસુત સાથેનો સંસાર તો કદાપિ ન ચાલી શક્યો હોત. મેં કર્યું છે તે તો કર્યા વિના છૂટકો જ નહોતો ત્યારે જ કર્યુંઃ ને હું હવે મુક્ત જ છું : એ તો હું ભાસ્કરભાઈને મારી સ્વેચ્છાથી મારા પર આ સ્નેહાધિકાર આપી રહી છું, નહિતર એ મને ક્યાં મારી નાખે એમ છે. એને તો હું એક સપાટે ઉઘાડા પાડી દઈ પછાડી શકું. હું તો સ્વાધીન છું.’

મનને આવા હાકોટા મારી મારીને કંચન પોતાના જીવન-પરિવર્તનનો બચાવ કર્યે જતી. અને ’આ બધું પોકળ સાંત્વન શીદ લઈ રહી છે? તું તો હતી તેથી સવાઈ ગુલામ છે?’ એવી કોઈ આતમવાણી અવાજ ધરીને ઉપર આવે તે પૂર્વે જ કંચન, નાનું બાળક બીજાની સ્લેટના લીંટા ભૂંસી નાખે તેમ ભેજામાંથી એ વાણીને ભૂંસવા મથતી.

એક દિવસ ટપાલ આવી તેમાંનો એક કાગળ વાંચેની મોં મલકાવતા ભાસ્કરે એ કાગળ કંચન તરફ ફેંક્યો, ’લે, લેતી જા ! તારૂં સામ્રાજ્ય તો બીજાઓએ સર કરી લીધું ! તું રહી ગઈ ! દોડ દોડ જલદી દોડ !’ (૧૮૫) પણ ભાસ્કરની એ વિનોદધારા એ કાગળ વાંચતી કંચનના મોં પર મસળાતા લોહીના લેપને ન ધોઈ શકી. કાગળ એણે ફરી ફરી વાંચ્યો. ઘડીક મોં પર લોહી ધસી આવ્યાં તો ધડી પછી પાછું હતું તે લોહી પણ ઓટનાં પાણી પેઠે પાછું વળી જઈને એના ગાલની વિસ્તીર્ણ રેતાળ ભૂમિને ઉઘાડી કરવા લાગ્યું.

જે કાગળ કંચન વાંચતી હતી તે અમદાવાદથી આવેલો હતો. એક સખીનો હતો. તેમાં લખ્યું હતું કે -

’વીરસુત કંટાળીને નોકરી છોડી નાસી જશે અથવા તને શોધતો આવશે એવી આપણી ધારણા ખોટી પડી છે. કોણ જાણે કઈ રીતે તારો બંગલો તો જીવતો બની ગયો છે. તારા ઘરની પાસે ફરવા જતાં અમે ત્યાં બે ડોસાઓને બેઠા બેઠા ચોગાનમાં તડાકા મારતા જોઈએ છીએ. એક મોટી ઉંમરનો છોકરો એક નાની છોકરીને રમાડયા કરે છે. ને બેતો જુવાન બૈરાંઓ ત્યાં નજરે પડે છે. એમને બેઉને સાથે લઈને વીરસુતને કાંકરીઆ તળાવે મોટરમાં આવેલો પણ અમે જોયો હતો. અમને લાગલી જ શંકા ગયેલી કે આ બેમાંની એકે જે સાડી પહેરેલી તે તારી જ હશે. પછી તો અમે તારા ઘરની ચાકરડીને બોલાવીને ખાનગીમાં બધું પૂછી જોતાં જાણી શક્યાં છીએ કે તારાં કબાટો ને ટ્રંકો, તારી બેગો ને પેટીઓ ખોલી ખોલી બધાં કપડાં ઉપાડી જવામાં આવ્યાં છે. વીરસુત પણ કૉલેજના કામકાજમાં ખૂબ ચિત્ત પરોવીને કામ કરે છે તેથી સૌને કશુંક અનિષ્ટ થયું હોવાની શંકા પડી છે. એના વર્ગના છોકરાઓ પણ વાતો કરે છે કે વિજ્જ્ઞાનનો એ પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર વિષે શીખવતો શીખવતો વૃક્ષોનાં કુટુંબ-જીવનની સાથે માનવીના કુટુંબ-જીવનની ઝીણી ઝીણી સરખામણી કરવા માંડે છે. આટલો મોટો આનંદ એ ક્યાંથી મેળવે છે? તારા પરના જુલમોની વાત ઉચ્ચારતં જ એ ખિજાઈ સળવી ઊંઠતો તેને

(૧૮૬) બદલે હવે કેમ એ પરવા કર્યા વગર સાંભળી લે છે? કોઈ કહે છે કે એનાં એક વિધવા ભાભી તારા ગયા પછી એ ઘરમાં એકલાં રહ્યાં હતાં, તેની સાથે વીરસુતનો સંબંધ સારો બોલાતો નથી. આ તો સહેજ જ લખ્યું છે. તારે ને આ વાતને શો સંબંધ છે? આનંદ કરજે ને જ્યાં જાય ત્યાં ક્રાંતિ કરજે.’

કાગાળ વાંચી રહ્યા પછી મોંની કરચલીઓનો તંગ ઢીલો કરીને એણે ભાસ્કર પ્રત્યે કાગળ સામો ફગાવ્યો, ભાસ્કરે ટોળ કર્યું"

’કાં...આં ! લેતી જા !’

’મારે એમાં શું લેતા જવાનું બળ્યું છે? મારે એ સાથે શો સંબંધ છે?’

એટલું બોલીને એ પાછી પેન્સીલ લઈ પોતાનો નવો કાર્યક્રમ કાગળ પર ગોઠવવા લાગી. ને ભાસ્કર પોતાની બીજી ટપાલ પર નજર ફેરવતો ફેરવતો સહેજ આટલું બોલી ગયો -

’ને એને એની ભોજાઈ મળી ગઈ તોય શું ખોટું છે? આ જગતનો મોટામાં મોટો પ્રશ્ન જે એકબીજા માણસોએ ગોઠવાઈ જવાનો જ છે. જેઓ સરખાં ગોઠવાઈ શકતાં નથી તેઓ જ સમાજ જીવનને કાયમ માટે સંક્ષુબ્ધ કર્યા કરે છે.’

એ બોલતો હતો ત્યારે કંચન એની સામે તાકી રહી હતી. પણ ભાસ્કરે તો કાગળ-વાચનમાંથી માથું કર્યા વગર જ એ ડહાપણની વાત ચલાવ્યે રાખી -

’સારૂં થયું. હું તો આ વાંચીને રાજી થયો. વીરસુત જો ઠેકાણે પડી ગયો હશે તો તારો પીછો કે તારા નામની ચૂંથાચૂંથ છોડી દેશે. આપણે એટલાં હળવાફૂલ બની જશું. તારા પર હજુ પણ એનો જે માલિકી-ભાવ રહ્યો છે તે ટળી જશે.’

(૧૮૭) ’એક માલિકના હાથમાંથી છૂટીને...’

એટલા બોલ કંચનથી બોલી જવાયા. પણ એ વાક્ય ભાસ્કરે કાં સાંભળ્યું નહિ ને કાં સૂણ્‌યું નહિ ને સૂણ્‌યું અણસૂણ્‌યું કર્યું. બાકીની ટપાલ એણે વાંચી, જવાબો લખ્યા. વાંચી લીધેલા કાગળો, પોતે જાણે કશુંક રચનાત્મક કાર્ય કરી રહ્યો હોય તેટલી ઠાવકાઈ, સુઘડતા, સફાઈથી સરખે ટુકડે ફાડયા, એ ફાડેલા કાગળોની ગુલાબી, વાદળી તેમ જ સફેદ રંગની ઝીણી ઝીણી કચૂંબરનો ઢગલો પોતે એકાગ્ર દૃષ્ટે જોઈ રહ્યો. અને તે દિવસે જેમની જેમની સાથે વાતચીતો કરવાનો પ્રસંગ આવ્યો તે બધાને એણે જાણે કે અજાણે, બીજી ભિન્ન ભિન્ન વાતોમાંથી એક જ વાત પર લીધા, કે ’ભાઈ જીવનમાં મોટામાં મોટો પ્રશ્ન ગોઠવાઈ જવાનો છે, ને જીવનનું જો કોઈ રૌરવ નરક હોય તો તે ગોઠવાઈ ગયા હોવાની ભ્રાંતિમાં પડયે પડયે વણગોઠવાયેલ દશાની બેહાલી ભોગવ્યે જવામાં છે.’

એકલાં પડયાં પછી ભાસ્કરને કંચને કહ્યું, ’તમે કેમ મને દરેક માણસ સાથેની વાતોમાં એનાં એ જ ટોંણા માર્યા કરો છો? મારે એ બાબત સાથે શો સંબંધ છે? મારે ને એ બંગલાને શું...?

’મેં ક્યારે ટોણાં માર્યાં? ને તું પણ કેમ વારંવાર એનું એ પોપટ-વાક્ય પઢ્‌યા કરે છે?’

’હું ક્યારે પઢી ? મારો એવો ક્યો સંબંધ...’

’જો, જો, બોલી કે નહિ?’

કંચનને તે વખતે તો બહુ ચીડ ચડી. પણ પછી પોતાને ઊંંઘ નહોતી આવતી ત્યારે પહેલું ભાન એ થયું કે પોતે જે સંબંધમાંથી મુક્તિ મળી ગઈ માને છે તે સંબંધ જાણે કે એના પગમાં વેલો બનીને અટવાતો થયો છે. રાતે એની આંખો મળી ત્યારે એને

(૧૮૮) એવું સ્વપ્નું આવ્યું કે પોતે પોતાની જેઠાણી ભદ્રાનું ખૂન કરીને ભાગી રહી છે, ને પાછળ એ આખો બંગલો પોતાના બે હાથ લાંબા કરી, હાથમાં ફાંસીનો ગાળીઓ લઈ, એની પાછળ દોડી રહ્યો છે.

’આપણે અમદાવાદમાં બેસીને જ કેમ કામ ન કરીએ?’ કંચને વળતા દિવસથી વાદ લીધો. ’ત્યાં કામ કરવાની અનુકૂળતાઓ કેટલી છે ! ત્યાં રહીએ તો કોઈ કશી નબળી સબળી વાતો ન કરી શકે. ત્યાં રહીએ તો ભાસ્કરભાઈ, તમે પણ મને એકને જ સંભાળવાને બદલે બીજાં અનેક કામો સંભાળી શકો.’

’તારી તો વાત જ નાદાની ભરી છે.’ ભાસ્કરે કંચનને એક ઝટકે ખતમ કરવા ઈચ્છયું; પોતાના ગામમાં તું તારી છાતી પર આ આખી કર્મ-કથાનો ભાર લઈ શું કામ કરવાની હતી? એ ને એ જ બાબતો, એ જ બંગલો,એ જ બધાં...’

’એ બધાં સાથે મારે કશો સંબંધ નથી.’ કંચને ઝટ ઝટ કહી લીધું.

’ત્યારે આપણે આંહી બહારગામ શું દુઃખ છે? દુઃખ હતું - વીરસુત તરફથી માસિક રૂપિયા અનિયમિત મળતા હોવાનું, તે પણ હવે તો ટળ્યું છે. છેલ્લા ત્રણ માસથી તો દર મહિનાની બરાબર દસમીએ મનીઓર્ડર આવીને પડે છે.’

’એ વાત સાથે- ’

’એ વાત સાથે આપણે પૂરેપૂરો સંબંધ છે. તેના પૈસા મળે એવું કોર્ટ મારફત તને કરાવી દીધું તો જ આ મુસાફરીઓ થાય છે ને આ સાડીઓ પહેરાય છે.’

કંચન સામો જવાબ ન વાળી શકી કે ’તારાં મુસાફરી ખરચો પણ તેમાંથી જ ઊંપડે છે.’ પણ કંચનને પહેલી જ વાર આટલું ભાન

(૧૮૯) થયું કે વીરસુતનાં મનીઓર્ડરોની અનિયમિતતા એકાએક મટી જવાનું કશુંક કારણ અમદાવાદના એ બંગલામાં બન્યું હોવું જોઈએ; તે સાથે બીજું પણ એક ભાન ઊંઘડતું હતું કે પોતાની આજીવિકા પોતે હજુ રળી લેતી નથી થઈ. ત્રીજું ભાન એ થયું કે પોતાનો રક્ષણહાર ભાસ્કર પણ પરોપજીવી જીવડો જ બનીને પડયો છે.

’ચાલો આપણે એકવાર અમદાવાદ જઈ આવીએ.’ કંચને વારંવાર વાત મૂકવા માંડી. ને દરેકે વખતે ભાસ્કર ’તું નાદાની કાં કરે છે!’ એ જ બોલ બોલવા લાગ્યો. એક વાર તો એણે કહ્યું ’તારા કાકા પાસે આંટો જઈ આવ, જા હું આડો નહિ પડું.’

કાકા પાસે જવાની જે ઝંખના આટલા મહિના સુધી રોજેરોજ ભાસ્કરના શબ્દમાં ચાંભા (ડામ) ખાઈ ખાઈને લોહીલોહાણ પડી હતી, એ ઝંખનાને આજે ભાસ્કરની રજા મળવાની સાથે જ અવસાન મળ્યું. હવે આફ્રિકા નથી જવું, હવે તો જવું છે અમદાવાદ.

’ચાલો અમદાવાદ !’ ની આ મોંપાટ ભાસ્કરને અસહ્ય થઈ પડી. ’ચાલો અમદાવાદ !’ નો નાદ શા કારણે ઊંપડયો હતો તે એને સમજાયું. ભાસ્કરને પોતાની ભૂલ માલુમ પડી. કંચનની ટપાલ ઉપર ચોકી રાખનારા ભાસ્કરે એક ગફલતનું ગડથોલું ખાધું. એણે કંચનને જે કાગળ નહોતો દેવો જોઈતો તે વાંચવા દીધો. કંચનને અમદાવાદ જવાની ધૂન પોતાનાં કપડાં લતાં ને દરદાગીના હાથ કરવાની છે એટલું જ પોતે સમજી શક્યો. પોતાને શિરે જ એ કામનો બોજો આવી પડયો. કંચન નહોતી સ્પષ્ટ કરતી છતાં સ્વયં-સ્પષ્ટ એ બાબત હતી. અમદાવાદ જતી ટ્રેનમાં બેઠાં બેઠાં એણે કંચનને કહ્યું, ’તું ભલેને છુપાવે, પણ તારો જીવ એ ટ્રંકો કબાટો પર ગયો છે. પણ જોઈ લેજે, ભાસ્કર એ તારાં લૂગડાં ને ઘરેણાં તને જોતજોતામાં

(૧૯૦) અપાવે છે કે નહિ ! માત્ર હું કહું તેમ કરતી આવજે. મારી બાજી બગાડતી નહિ બાપુ!’

કશો જવાબ વાળ્યા વગર ઊંઠીને કંચન કમ્પાર્ટમેન્ટની બંધ બારીઓ ઉઘાડવા લાગી. એના શરીરમાં સ્પષ્ટ અકળામણ હતી.

’પણ આ તો શિયાળાનો પવન સૂસવે છે, તું બારી ઉઘાડે છે શામાટે ?’ ભાસ્કરે પોતાના મોં આડા હાથ દઈ પવનને રોકતાં રોકતાં ચીડ બતાવી,

’મને ગરમી થાય છે.’

રેલવેના બીજા મુસાફરો આ ઊંતરતા પોષમહિનાની ટાઢમાં ગરમી અનુભવતી સ્ત્રીને કૌતુકભર જોઈ રહ્યાં. કંચન બારી ઉપર જ ઊંભી થઈ રહી. કમભાગ્યે ઘઉંના લીલા મોલ મોટા થઈ ગયા હતા, ને તેના ક્યારામાં જબ્બર સારસ પંખીઓની જોડીઓ ફરતી ફરતી ચણતી હતી. કંચનની એ વખતની મનોદશાને માટે આ દૃશ્યો અનુકૂળ નહોતાં.

મને તો આશ્ચર્ય થાય છે કંચન!’ ભાસ્કર ધીમે અવાજે કહેવા લાગ્યો; ’કે તારો જીવ એ જૂના સંસારની સાડીઓમાં ને દરદાગીનામાં કેમ પરોવાઈ રહ્યો છે ! હજુ તો કાલે જ તું સ્ત્રીઓમાં ભાષણ કરતી હતી કે સ્ત્રીજાતિની ગુલામબુદ્‌ધિનું કારણ જ આ ઘરેણાં ને લૂગડાંની લાલસા છે.’

ભાસ્કર કશો જવાબ ન મેળવી શક્યો . કંચન જેવી શિક્ષિતા ને પ્રાણવંત સ્ત્રી ઘરેણાં લૂગડાંમાં મોહાઈ રહે એ એનું આશ્ચર્ય જૂઠું જ હતું એ કંચનને ખબર હતીઃ શણગાર કરીને સાથે બેસતી કંચન ભાસ્કરને ગમતી હતી. ને ’જુઓ, આ કેવું લાગે છે?’ એમ પોતે

(૧૯૧) પૂછતી તે ભાસ્કરને બહુ ગમતું. નહોતું ગમતું ફક્ત ત્યારે જ કે જ્યારે કંચન શણગારો કરીને બીજા કોઈ લોકો જોડે ફરવા નીકળતી. ત્યારે ભાસ્કર બોલી ઊંઠતો કે ’ આ વધુ પડતા ઠાઠમાઠ લોકોની નજરમાં ખૂંચતા હશે હો કંચન !’ પણ ભાસ્કરને ખબર હતી કે સભાઓમાં પોણા ભાગનાં લોકો કંચનની વેશભૂષણની છટા પર જ લટુ થઈને આવતાં હતાં. એટલું જ નહિ પણ કેટલાંય ગામોમાં તો કંચન જોડે પરિચિત થઈ જનારાં કુટુંબો કંચનને પોતાનાં ઘરેણાં-વસ્ત્રોથી શણગારવાનો શોખ કરતાં. સારાં શહેરોના ’સ્ટોલ’ પર જઈને વસ્તુઓ પસંદ કરી કારવીને તેનાં બંડલો લઈ પગથિયાં ઊંતરતી કંચન પોતાની જોડેના કોઈ ને કોઈ સાથીને કહી દેતી કે ’એને જરા પૈસા ચૂક્વી દેજો ને, હું પછી આપી દઈશ.’ પછી કોની મગદૂર હતી કે આનાકાની કરી શકે! એથી ઊંલટું એ સાથી આવી તક મળવા બદ્દલ પોતાને બડભાગી માની પૈસા ત્યાં ને ત્યાં ચૂકવી દેતો.

થોડાક જ મહિનાના આવા જીવનનો કંચનને થાક લાગ્યો હતો તે સત્ય હતું. ભાસ્કરને એ સત્ય દેખાયું નહિ. ભાસ્કરનો માનેલો સાડીઓનો શોખ નહો પણ બનાવટીપણાનો થાક જ પોતાને અમદાવાદ તરફ લઈ જતો હતો. એમ કંચન માનતી હતી. કંચન અને ભાસ્કર બેઉ જ જૂઠાં હતા. કંચનના હૃદયમાં જે સળગી રહ્યો હતો તે તો વીરસુત પરનો રોષ હતો. વીરસુત ’ગોઠવાઈ ગયો!’ એ શબ્દો ભાસ્કરના હતા. એ શબ્દો બોલી ભાસ્કરે કંચનના હૈયામાં ઈર્ષ્યાનો હુતાશન ચેતવ્યો હતો. ’વીરસુત ગોઠવાઈ ગયો! એ ગોઠવાઈ જ કેમ શકે ? એ તો અસહ્ય છે ! અક્ષમ્ય છે ! મારા પ્રત્યે આચરેલા અન્યાયો ઉપરવટની આ તો કિન્નાખોરી છે ! ચોરી માથે શિરજોરી છે. મને બાળી ખાખ કરવાની જ આ તો બાજી છે ! એણે જે આચરણ કર્યું છે તેથી તો લજ્જિત બનીને

(૧૯૨) જગતમાં મોં છુપાવી દેવા જેવું હતું. એને બદલે એણે તો આખા કુટુંબને મારી પીઠ પાછળ બંગલામાં વસાવી લઈ મને ઘા કર્યો છે.વગેરે વગેરે.’

વીરસુત પર લાગેલી એની રોષ-ઝાળો આગળ ચાલીને ભદ્રા પર, ગાંડી યમુના પર, દેવુ પર, સસરા પર, મામા પર, અરે નાનકી અનસુ પર સુદ્ધાં ફરી વળી. બધાં જ લુચ્ચા ! બધાં જ પહોંચેલાં ! ચુપચાપ પેસી ગયાં. રાહ જોઈને જ બેઠાં હશે.

ક્યાં ગઈ પ્રતિભા !

પણ તું સીધુ સામો જોઈને તો ચાલ ! આમ ચકળવકળ શું જોયા કરે છે ? આંહીં સ્ટેશન છે એટલું તો ધ્યાન રાખ.’

પણ ભાસ્કરના એ ઠપકાની કશી અસર કંચન પર ન થઈ. અમદાવાદ સ્ટેશન પર એ ઊંતરી કે તરત જ એની આંખો ચોમેર શોધાશોધ કરી રહી; ક્યાંઈ વીરસુત છે ? ક્યાંઈ દેવુ છે ? ક્યાંઈ ભદ્રા કે સસરો છે ? શૂન્ય નજરે જોતી એ રઘવાયા જેવી, બાઘોલા જેવી બની રહી.

પ્રેમીજનો ને શત્રુજનો, બન્નેની આવી લાગણી રેલવે-સ્ટેશનો પર એક સમાન હોય છે. તેઓ કશી સંભાવના વગર પણ પોતાનો પ્રેમ વા શત્રુતાનાં પાત્રોને સ્ટેશન પર શોધતાં હોય છે.

દરવાજા પર ટિકીટ આપી દેવાની હતી. ટિકીટોની શોધ માટે કંચને પોતાનાં સ્વેટરનાં ખિસ્સાં, નીચે પોલકાનાં ખિસ્સાં, હાથની બેગ વગેરે ઘાંઘી બનીને તપાસ્યાં, આખરે પોતાની બગલમાંથી નીચે સરી પડેલી ડીટેક્ટીવ નવલક્થાના બેવડમાંથી ટિકીટો બહાર આવી. (હમણાં કંચનને જાસુસી વાર્તાઓ જ બહુ ગમતી.)

(૧૯૪) ’વાહ રે વાહ ઢંગ !’ ભાસ્કરે વ્યંગ કર્યો, તે દરવાજે ઊંભેલા ત્રણ ચાર ટિકીટ-કલેક્ટરોએ ને પોલીસે સાંભળ્યો.

મોટર કરીને ભાસ્કરના મકાને પહોંચતા સુધીમાં તો ભાસ્કરનો કંટાળો કંઠ સુધી આવી ગયો. એના સ્પષ્ટ મુરબ્બીભાવના ઠપકા સામે કંચન બૂમબરાડા પાડતી થઈ એટલે ઉઘાડા ઠપકાને બદલે મેંણા ટોણાં માર્યાં, પણ એ સર્વના માર્મિક જવાબો આપી ન શકવાથી કંચન વારે વારે આંસુ સારતી થઈ.

પહેલો જ સવાલ કંચનને ક્યાં રહેવું તેનો ઊંઠ્‌યો. ભાસ્કરથી ત્રાસી ગયેલી એ તરૂણીએ પોતાની સ્નેહી સંબંધી સ્ત્રીઓમાંની કેટલીએકને ઘેર રહેવાની ઈચ્છા આગળ કરી, પોતાના પ્રત્યે સન્માન ધરાવતા પુરૂષ સ્નેહીઓને પણ ઈસારો કરી જોયો, પણ એને પોતાના ઘરમાં આશરો દેનાર કોઈ સ્નેહી કુટુંબ નીક્ળ્યું નહિ.

સ્ત્રીઓએ એકાંતે જવાબ આપ્યો :’શું કરીએ બા ? પુરૂષોનો કંઈ ભરોસો નહિ. વખત છે ને તારૂં અપમાન કે તારી બેઅદબી કરી બેસે તો અમે શું મોં બતાવીએ ?’

પુરૂષોએ પોતાની ટોપીઓ ચંચવાળતે ચંચવાળતે જવાબ દીધો કે ’ઘરની સ્ત્રીઓ વહેમીલી ને ઈર્ષાળુ કંઈ ઓછી છે ? જીવનને ઝેર બનાવી દેતાં વાર નહિ લગાડે. બાકી તમારે જે કંઈ મદદ જોશે તે અમે આપીશું, મૂંઝાશો નહિ.’

’તમારા પાડોશમાં કોઈ મકાન ખાલી હોય તો...’ કંચને એક કરતાં વધુ સ્નેહીઓને પૂછી જોયું. જવાબમાં એ પ્રત્યેકનું મોં ઝંખવાયું. જવાબો એકંદરે ઉડાઉ મળ્યા. કોઈએ કહ્યું કે મકાનો છે જ નહિ; ને જેમની નજીક મકાનો ખાલી હતાં, તેમણે ઘરમાલિકો કજિયાળા હોવાનું કારણ આપી વાતને તોડી પાડી. આખરે એ

(૧૯૫) ભાસ્કરને ઘેર જ સંઘરાઈ અને ભાસ્કરે પોતાને માટે બીજે રહેવાની ગોઠવણ કરી.

સ્નેહી પુરૂષો એને ત્યાં આવીને મળી જતા, ખબર કાઢી જતા, જોતું કરતું આપી પણ જતા; ને રમાનો વર, લલિતાનો વર, મંગળાગૌરીનો વર, નેનીનો વર, પ્રત્યેક ત્યાંથી ઊંઠીને જતી વેળા એક વાત ’મ્અ ંરી હ્વઅ’ કહી લેતા કે ’હું આંહીં આવું છું તે રમાને કહેવાની જરૂર નથી’ ’લલિતાને કહેવા જરૂર નથી’ ’મંગળાને...’ ’નેનીને કહેવા જરૂર નથી.’

આવનારો પ્રત્યેક પરણેલ પુરૂષ ફફડતો હતો, કેમ કે કંચનને કશું મદદ કરવાપણું હોય જ નહિ અને હોય તો તે મદદ સ્ત્રીઓએ જ કરવાની હોય એવું એ પ્રત્યેકની પત્ની મક્કમપણે માનતી. એવું એ પત્નીઓ માનતી તેમાં તેમની માન્યતાનો દોષ નહોતો. દોષ હતો કંચનની મુખ-મુદ્રામાં મઢેલી મોહભરી બે આંખોનો. ભાસ્કરે રડાવી રડાવી નીચોવી નાખેલી છતાં પણ એ આંખોમાં ઝલકતું જાદુ અખંડિત હતું. કંચનનું સ્ત્રીત્વ એટલાં ઊંંડાં મૂળિયાં વડે એના દેહમાં બાઝેલું હતું કે એના જીવનનો આવો પ્રચંડ પ્રકમ્પ પણ એને ઉખેડી શક્યો નહોતો. પુરૂષોનાં કાર્યો કરવા લાગતી સ્ત્રીઓના કંઠ બદલી જાય છે, લાવણ્‌ય લુછાઈ જાય છે, આંખો પણ નૂર અને નમણાઈ હારી બેસે છે એ ખરૂં, પણ કંચન તો કંચન જ રહી હતી. આઠ દસ મહિનાની ક્રાંતિદશા એના નારીત્વનો નાશ કરી મરદાઈનો એક પણ મરોડ એને આપી શકી નહોતી.

એટલે જ પરણેલી સ્ત્રીઓને પોતાના ઘરસંસારમાં એની હાજરી ચિંતાજનક લાગતી હતી. કંચન એમને ખપ્પરજોગણી જેવી દેખાતી. પુરૂષોને ભરખી જવાની ગુપ્ત શક્તિ એ ધરાવતી હતી એમ માનનારી સ્ત્રીઓ, કંચન જ્યારે પોતાને ઘેર આવે ત્યારે

(૧૯૬) પતિઓને કાં નહાવા, કાં ખાવા, કાં બહાર કશુંક ખરીદ કરવા વિદાય કરી દેતી.

પણ કંચનની તો કસ્તુરી-મૃગ જેવી દશા હતી. એને ખબર જ નહોતી કે પોતાની પાસે મોહિની છે. એ મોહનાસ્ત્રથી પરપુરૂષોનો વિજય કરવા પણ નીકળી નહોતી. એનો સંગ્રામ જુદો જ હતો. એને વિષે જે મોટી મોટી માન્યતાઓ બાંધવામાં આવી હતી તેને તે સાચી પાડી બતાવી ન શકી. આઠ જ દિવસમાં એણે સ્ત્રીસેવાસંઘે સોંપેલાં સાત કામ બદલ્યાં, એક પણ કામ એને માફક ન આવ્યું ને દરેક કામ પર એ નાની મોટી ભૂલો કરી બેઠી.

’બસ, મને તો ખાનપુરના લતામાં જ નવું બાલમંદિર ખોલી આપો.’

એ કંચનની હઠ હતી અને બાલમંદિર ચલાવવાને માટે પોતાનામાં જે ગુણો છે તેનાથી વધુ લાયકાત હોવી જોઈએ એમ પોતે માનતી નહિ. વાત પણ ખરી હતી. વિધવા હોવું, ત્યક્તા હોવું કે ભાગેડુ હોવું, એ પ્રત્યેક સ્ત્રીને માટે બાલમંદિર ચલાવવાની ગનીમત લાયકાત ગણાતી.

પણ ખાનપુરનું બાલમંદિર તો ખોલી શકાયું નહિ, ને કંચનને છેવટે નિરૂપાયે મજૂર-લત્તાની સંસ્થા ઉપર સંચાલક નિમાવું પડયું. આ નિમણૂક કરતી વેળા સ્ત્રીસેવાસંઘના સંચાલકો બબડતા તો હતા જ કે ’નહિ ચાલી શકે !’ ’કોણ જાણે ક્યાં ચાલી ગઈ એની પ્રતિભા !’ ’પોતાને વિષે ઘણું વધુ પડતું માની બેઠેલ છે !’ વગેરે.

’એ તો તમારી આખી જાતિનો જ ગુણ છે ને !’ એક પુરૂષ સંચાલકે ટોંણો મારી લીધો હતો, ને પરિણામે ત્યાં મોટો ટંટો મચી ગયો હતો. આખર એ પુરૂષને માફી માગવી પડી હતી.

(૧૯૭) મજૂર બાળકોની શાળા ચલાવવાનું બહાનું કંચનના સંતપ્ત આત્માને ઝાઝા દિવસ ઠેકાણે રાખી શક્યું નહિ. એની બુદ્‌ધિહીનતા જોતજોતામાં ઉઘાડી પડી ગઈ. એની સાથે કામ કરતો સ્ટાફ એની મશ્કરીઓ કરતો થઈ ગયો. ઘણો ખરો સમય એ ટેલીફોન પર જ કાઢવા લાગી. એ આને ટેલીફોન કરતી ને તેને ટેલીફોન કરતી. એ કોઈ સ્નેહીને ’કાર’ લઈને આવવા કહેતી ને કોઈને ટેલીફોનમાં પોતાની અગવડો તેમ જ માનભંગ સ્થિતિનાં રોદણાં સંભળાવતી. એ બધાં રોદણાંનું ધ્રૂવપદ આ હતું કે ’જો મને પહેલેથી આવી ખબર હોત તો...’

વાક્ય અધૂરૂં મૂકીને એ ટેલીફોનનું રિસીવર પછાડતી ને કોઈ કોઈ વાર જ્યારે એ વાક્ય અધૂરૂં મૂક્યા પછી રિસીવર કાને ઝાલી રાખતી ત્યારે સામી વ્યક્તિનો બોલ સંભળાતો : ’કેમ જાણે અમારા વાસ્તે જ બાએ ઘર છોડયું હોય !...આવી ખબર હોત તો...’

એટલું બોલીને સામી વ્યક્તિ રિસીવર છોડી દેતી ને આંહીં રિસીવર પકડી રાખીને પલભર સ્તબ્ધ બની બેસી રહેતી કંચનની આંખોમાં છલછલ પાણી ઉભરાઈ આવતાં. જલદી જલદી એ આંસુ લૂછી લેતી, કેમ કે પોતાનાં સાથીઓની નજરે એણે પોતાની છેલ્લી નબળાઈ -આ આંસુ- હજુ નહોતી ચડવા દીધી. અત્યાર સુધી એનાં સાથીઓ તથા નોકરો ટેલીફોન પરથી પાછા આવતા એના લાલ લાલ ધગેલા ચહેરાનો ને એની સોઝી ગયેલી આંખોનો જ તમાશો જોવાની રાહ જોઈ બેસતા.

એક દિવસ એણે રિસીવર ઉપાડી નંબરનું ચક્ર ફેરવવા માંડયું. પ્રત્યેક આંકડાના ઘુમરડા સાથે આંગળી ઝણેણાટ અનુભવી રહી. છેલ્લો આંકડો ઘૂમી રહ્યો ત્યારે ઝણેણાટ વધ્યો. કાનમાં શબ્દ પડયો :

(૧૯૮) ’આ...લા...વ-કોણ છો ? કોનું કામ છે ?’ એ અવાજ કૉલેજના બુઢ્‌ઢા પટાવાળા કરરૂણાજીનો હતો. કંચને પૂછ્‌યું-

’પ્રોફેસર વીરસુત છે કે નહિ કરણાજી !’

’કરણાજી’ એ પરિચિત શબ્દ બોલ્યા પછી એને પોતાની ભૂલ જડી. કરણાજી કૉલેજના પટાવાળાઓનો બુઢ્‌ઢો જમાદાર, જે આઠ મહિના થયાં આ કંઠનો સમાગમ હારી બેઠો હતો, તેને ઓચીંતો આ પરિચિત સ્વરનો સંપર્ક થયો, કરણાજીનું નામ ટેલીફોનમાં બીજું કોઈ પ્રોફેસર-કુટુંબ કદી લેતું નહિ.

’હા બા !’ કરણાજીએ ઝટ ઝટ કહ્યું : ’ઊંભાં રહો, બોલાવી લાવું છું.’

કરણાજી દોડતો પ્રોફેસરોના ઓરડામાં ગયો. વીરસુત ત્યાં નહોતો. કરણાજી રોજની રસમ છોડીને વીરસુત જે વર્ગ લેતો હતો ત્યાં ધસ્યો. વીરસુતને શ્વાસભેર ધીરે રહીને કહ્યું, ’ટેલીફોન છે.’

’પછી.’ વીરસુતે કરડું મોં કરીને કહી દીધું.

’જરૂરી ટેલીફોન છે.’ કરણાજીએ તાકીદ કરી.

વીરસુત દોડાદોડ ટેલીફોન પર આવ્યો ને રિસીવર લઈ ઘણું ઘણું ’અલાવ’ અલાવ’ પુકાર્યું, પણ સામે કોઈએ જવાબ દીધો નહિ.

’કોણ હતું કરણાજી ?’ વીરસુત ચિંતાતુર સ્વરે પૂછતો હતો.

’સાહેબ !’ કરણાજી સ્પષ્ટ કરવા મથ્યો, ’મારૂં નામ કોઈ બીજું કદી ટેલીફોનમાં લેતું નથી. કોણ જાણે કેમ થયું. લાઈન કપાઈ ગઈ......પણ સાહેબ હું જૂઠું નથી બોલતો. મેં કાનોકાન સાંભળ્યું; ને મારી આંખે ભલે ઝાંખપ આવી, મારા કાન તો ઠાકરની દયાથી એવા ને એવા સરવા છે.’

(૧૯૯) ’અરે ઘેલા !’ પ્રો. વીરસુત હસ્યા : ’તને મેં એ ક્યાં પૂછ્‌યું છે ? હું તો પૂછું છું કે ફોન કોનો, ઘેરથી કોઈનો હતો ?’

’ઘેરથી જ હતો સાહેબ ! એજ ગળું. મેં ભૂલ નથી ખાધી સાહેબ !’

વીરસુતે પોતાના બંગલાની નજીક એક શેઠ કુટુંબનો ફોન હતો ત્યાં જોડીને ઘેરથી કોઈકને તેડાવવા કહ્યું. દેવુ તો નિશાળે ગયેલો ને દાદજી સૂતેલા એટલે ભદ્રા ભાભી ફોન પર આવ્યાં. કોઈ કોઈ વાર વીરસુત કહાવતો ત્યારે એ આવતી, ને એ આવતી તે બંગલાવાસી સ્ત્રીપુરૂષોને ગમતું.

’હાં...કોણ, ભૈ ?’ ભદ્રાએ કશી શહેરી છટા વગર, તેમ જ કશી ગ્રામ્ય જડતા કે બનાવટી સંકોચ વગર સ્વાભાવિક લહેકે જ રિસીવર કાને માંડીને જવાબો વાળ્યા.

’ના ભૈ ! અમે કોઈએ તો ફોન કરેલો નથી...ના ભૈ-અંઈ તો કોઈ આજે આવેલું પણ નથી...નારે ના ભૈ ! એવું તે હોય કંઈ ભૈ !...કશું મનમાં ન રાખજો ભૈ ! ...કશું મનમાં ન રાખજો ભૈ ! ...અરે એમ કંઈ હોય ભૈ. અંઈ આવે તો હું ન બેસારૂં એમ કંઈ બને કે ભૈ !...ના, ના, ના ભૈ ! એવો રોષ ના રાખીએ... ના મારા ભૈ ! પોતાનું ઘર છે, પોતાનો વિસામો છે, ન આવે તો ક્યાં જાય મનુષ્ય ?...સારૂં ભૈ, વેળાસર આવજો !’

રિસીવર પાછું મૂકવાની છટા માણસે માણસે જુદી હોય છે. કોઈ જોરથી પડતું મૂકે છે, કોઈ હીરામાણેકનું ઘરેણું હોય તેવી કાળજીથી મૂકે છે, કોઈ વળી ટેલીફોન કંપની પર ઉપકાર કરતા હોય તેવા તોરથી મૂકે છે, તો કોઈ પ્રણયી કેમ જાણે પોતાનું પ્રેમીજન સામે

(૨૦૦) જોતું હોય તેના દિલ પર સારી છાપ પડે તેવી અદાથી મૂકે છે. મૂકવાની રીત પરથી માણસો વચ્ચે થયેલી વાતચીતનો પ્રકાર ને માણસના મિજાજનાં પરિવર્તનો અનુમાની શકાય છે. ને વાતો ચાલી રહી હોય તે વખતના મોં પરના હાવભાવ ને હાથપગની ચેષ્ટાઓમાં તો માણસનું સ્વરૂપ અવનવી વિચિત્રતાઓ બતાવતું હોય છે.

બંગલાવાસી ટેલીફોન કરતી વખતે ભદ્રાને અજબ રસથી નિહાળી રહ્યા હતા; ને ભદ્રાની મુખમુદ્રા પર સ્થિર ગતિ ને અખંડ ધારે રેલ્યે જતા ભાવ-રંગો એક સ્વસ્થ આત્માની કથા કહી રહ્યા હતા. બંગલાવાસીઓનાં હૃદયોને અકલિત ખેંચાણ કરતી ભદ્રા ઘેર ચાલી ગઈ, કૉલેજના ફોન પરથી ઊંઠીને વીરસુત કરણાજી ડોસા સામે કંટાળાની નજર નાખતો વર્ગમાં ચાલ્યો ગયો, ને ભોંઠો પડેલો કરણાજી પોતાનું નામ દઈને બોલાવનાર એ નારી-કંઠના નવા ’કૉલ’ની આશા સેવતો ત્યાં ને ત્યાં ઊંભો થઈ રહ્યો.

પણ કંચને આકૂળવ્યાકૂળ બનીને છોડી દીધેલું રિસીવર ફરી વાર તે દિવસે ઉપાડયું નહિ. મજૂરશાળાથી ઘોડાગાડી ભાડે કરીને ઘેર જતી કંચન થડક થડક હૈયે કલ્પના કરતી હતી કે વીરસુત સામે ફોનમાં આવ્યો હોત તો શું થાત ! પોતે શું પૂછત ? શું બોલત ? કઈ વાત કરત ? સાડીઓની ને પોલકાંની ? ’મારાં કપડાં ને મારી ચીજો કેમ બગાડવા આપો છો ?’ એવા પ્રશ્નના જવાબમાં એને અપમાન સાંભળવું પડત તો ? અપમાન કર્યા વગર એ રહેત ખરો ? અત્યારે તો એની વારી છે ! એનું ઘર ભર્યું છે ! એને હવે કોની પરવા છે ! એને તો ભદ્રા જેવી.....’

એટલા વિચારે એણે ઘોડાગાડીમાં બેઠે બેઠે દાંત ભીંસ્યા ને એના મનમાં ઉચ્ચાર થયો, ’હું તો બધી બાજુથી લટકી પડી.’

(૨૦૧) ને એ વિચારની છેલ્લી કોદાળી વાગતાં જ એના આંસુનો ડાર ભેદાયો. આંખો છલ છલ થતી હતી એટળે ઘોડાગાડીની બાજુમાં સહેજ પાછળ કોઈક સાઈકલ-સવાર છોકરો ગાડીને પકડીને પેડલ હલાવ્યા વગર ચાલતો હતો તે એને કળાયું નહિ. પણ એકાએક એણે ’બા’ એવો શબ્દ સાંભળ્યો, તે સાથે જ ઓચીંતો ગાડીએ એક ગલ્લીમાં વળાંક લીધો. સામે એક મોટર ધસી નીકળી. બરાબર ખૂણા પર મોટરગાડી અને ઘોડાગાડી, બેઉની વચ્ચે આવી ગએલી પેલા ’બા’ કહેનારની નાનક્ડી બાઈસીકલ ભીંસાઈ અને લોકોની તીણી, કારમી ચીસો પડી; ’ઓ...ઓ...છોકરો મૂવો...અરરર !’

મરતી માએ સોંપેલો

મોટરગાડી અને ઘોડાગાડીની વચ્ચે પટકાઈ પડેલી સાઈકલનો કુચ્ચો થઈ ગયો હતો, ને તેની આગળ જે સાઈકલ-સવાર છોકરો પછડાયો હતો તેના માથામાં ઊંંડો ચીરો પડી લોહીધાર ચાલી હતી. એ લોહી નીકના પ્રવાહની ઝપટમાં ઓચીંતાં આવી પડેલાં કીડી મંકોડા અંદર તરફડતાં તરફડતાં બહાર નીકળવા ફાંફાં મારતાં હતાં.

પડેલા છોકરાની આસપાસ ચોપડીઓ વેરાઈ ગઈ હતી. ખુલ્લી પડેલી ચોપડીઓનાં ઉઘાડાં પાનાંમાં કોઈ ઠેકાણે કવિતા હતી, કોઈકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું તલવારધારી ચિત્ર હતું, તો ત્રીજી ચોપડી ગણિતના કોઈક વિચિત્ર કોયડાવાળું પાનું ખુલ્લું કરી પડી હતી. એક ચોપડી તો હજુ ય એ પડેલા કિશોરની બગલમાં દબાયેલ હતી.

’ચાલવને તું તારે.’ એમ કંચન કહેવા ગઈ, ત્યાં તો લોકોએ છોકરાના ઊંંધા પડેલા દેહને ચતો કર્યો. પછી કંચન ’ચલાવને’ ન કહી શકી. એણે ચહેરો ઓળખ્યો. ’બા’કાર યાદ આવતાં અને ચહેરો પ્રકટ થતાં એણે પોતાની સામે ચગદયેલો પડેલો દેવુ દીઠો. એની આંખોના ડોળા ફાટ્‌યા. એ નીચે ઊંતરી. દેવુના હોઠ વચ્ચે હજુ ય જાણે ’બા’ શબ્દ, અધૂધડા દ્વારના ઊંંબરમાં ઊંભેલા કોઈ નાના બાળ

(૨૦૩) શો, થોડુંક અંતર રાખી રહ્યો હતો. મોં બંધ થવાની વેળા નહોતી રહી. એની આંખો બિડાઈ ગઈ હતી. બાળક બેભાન બન્યો હતો.

એ દેવુને તપાસવા નીચે વળી. એની સફેદ સાડીની સોનેરી કિનાર લોહીનીનીકમાં ઝબકોળાઈ.

લોકોના ટોળામાંથી બોલાશ ઊંપડયા -

’આ બાઈનો કોઈક લાગે છે. બિચારો વિદ્યાર્થી લાગે છે.’

’નવો આવ્યો હશે શહેરમાં. સાઈકલ ખોટી બાજુ હાંકતો હતો.’

’મેં મારી દુકાનમાંથી બેઠે બેઠે જોયું ને, એ ગાડીની બાજુએ ચડી આ બેનને કાંઈક કહેવા ગયો.’

’શું ભણતો હતો છોકરો ? ક્યાંથી, બહારગામથી આવો છો બાઈ?’

’આ રહી અંગ્રેજી ચોપડી ત્રીજી.’ એક માણસે વેરાયેલી ચોપડીઓમાંના એક ઉઘાડા પાઠ્‌યપુસ્તક પર વાંચવા માંડયું. ’ને નામ પણ છે. દેવેન્દ્ર વીરસુત દવે. ખાનપુર.’ એણે વાંચ્યું.

મોટરવાળાએ પોતાની મોટરમાં એ મૂર્છિત દેહને મુકાવરાવ્યો. એણે કંચનને પૂછ્‌યું ’તમારો છે ને ? ચાલો જલદી ઈસ્પિતાલે પહોંચીએ.’

કંચન પાછલી આખી બેઠકમાં દેવુના મૂર્છિત દેહને ખોળામાં લઈ ગુમસુમ બેસી ગઈ ને મોટર માલિકે આગળની બેઠકમાં બેસી પાછળ જોતો જોતે પ્રશ્નો પૂછવા માંડયું, ’એ તમારો પુત્ર છે ? કે કદાચ નાનો ભાઈ હશે ?’

કંચનના મોં પર વધુ તપાસતાં એને લાગ્યું કે બાર વર્ષનો પુત્ર આવડી સ્ત્રીને ન હોઈ શકે.

(૨૦૪) કંચન કશો જવાબ આપ્યા વગર દેવુના મોં પરથી લોહીભીની માટી લૂછતી હતી. ને સાથે સાથે એની નજર દેવુની ચોપડીઓ પર ભમતી હતી. ચોપડીઓ એને દેવુના મોં કરતાં વધારે જીવતી લાગતી હતી. ચોપડીઓ દેખી એની આંખોમાં પાણી આવતાં હતાં. ચોપડીઓના હાંસીઆ પર સુંદર ફૂલગોટા ચીતરેલા હતા. કોઈ કોઈ ખૂણે કોઈ સ્ત્રીમુખની અણઘડ રેખાઓ ખીંચેલી હતી.

ઈસ્પિતાલ આવી ગઈ. ઝોળી (સ્ટ્રેચર)માં દેવુનું શરીર ઓપરેશન-થીએટરની અંદર લેવાયું ને ડોકટરે તેને તપાસ કરીને તરત કહ્યું, ’લમણાનો ભાગ જોખમાયો છે. એટલે ટેભા જલદી લેવા પડશે એ માટે વાઢકાપ પણ કરવી પડશે...’ એમ બોલતે બોલતે એણે ઊંંચે જોઈ પૂછ્‌યું :’કોણ છે આની સાથે ?’

’આ કોઈક બેન છે.’ મોટરના માલિકે કંચનને બતાવી.

’ઓ....હો’ ! તમને તો હું ઓળખું છું.’ કહેતા ડૉક્ટરે કંચનને વધુ વિમાસણમાં પાડી. કંચન કશો જવાબ નહોતી દઈ શકતી. ’આ કોણ છે, તમારો કોઈ સગો છે ? ટેલીફોન કોઈને કરવો છે ? જલદી કરો, હાં કે ?’

એમ કહેતા જ એ બાંયો ચડાવી હાથ ધોતા ધોતા હથિયારોને શુદ્ધ કરવા ગરમ પાણી મુકાવવા ને બીજી સૂચનાઓ છોડવા લાગ્યા.

ને કંચન હજુ ય બાઘોલા જેવી એ આરસના મેજ પર સુવાડેલા અચેતન દેહ તરફ જોઈ રહી હતી.

’આખરે એ મૂકી દીધેલ ટેલીફોન ફરી વાર આજને આજ જ જોડવો પડશે ? પણ હું શું કરીશ ? કોને કહીશ ? મેં આ બાળકને ચગદાવી નાખ્યો એમ જ મનાશે તો ?’ બાવળની સાંકડી કાંટાળી

(૨૦૫) ઝાડીમાં ચાલતા મુસાફરને શરીરે ઉત્ર્ડા ચાલે તેમ કંચનના વિચારો ચાલ્યા.

મુંઝાતી એ ટેલીફોન પર ગઈ ને એણે નંબર જોડયો. પાડોશી શેઠઘરના કોઈ કુટુંબીએ પૂછ્‌યું, ’કોણ છો ? કોનું કામ છે ?’

પલવાર એ બોલી ન શકી. પછી કહ્યું ’તમારી પાડોશમાં પ્રોફેસર રહે છે.....’

’હા, તેનું શું છે? તમે કોણ છો ?’

’ઈસ્પિતાલનું માણસ છું. એન કહોને જલદી ઈસ્પિતાલે આવે.’

’કેમ ?’

’એનો પુત્ર દેવેન્દ્ર ચગદાઈ ગયો છે-’ આંહીં કંચને ટેલીફોન છોડી દીધો. કેમ કે એનો કંઠ રૂંધાતો હતો.

હિંમત કરીને એ ઓપરેશન-હૉલને બારણે ઊંભી રહી. ડૉક્ટરે ધોયેલાં દેવુનાં લમણાં પર એણે જખમ દીઠો. મોટરના મડ-ગાર્ડે એનું લમણું ચીરી નાખ્યું હતું. ને લોહી બંધ થવાને પરિણામે એ ઊંંડો ઘા વધુ ભયાનક ભાસતો હતો. અને દેવુના લલાટનો વિશાળ પટ વધુ વિશાળ લાગતો હતો. એ કપાળ પર લાંબા કેશની લટો નહોતી. એ કાઠિયાવાડમાં રહેતો ત્યાં સુધી એને ઝીણા વાળ કરાવી માથું બને તેમ ચોખ્ખું ને હળવું રાખવાની ટેવ હતી. અમદાવાદ આવ્યે પાંચ મહિના વીત્યા હતા, પોતે બાઈસિકલ શીખી જઈને નિશાળે બાઈસિકલ પર જતો થયો હતો, કોટ અને પાટલુન પણ પહેરતો, પણ વાળ લાંબા નહોતો વધારતો. ને એના મોંની ભરાવદાર સુંદરતાને ને સ્વચ્છ કાંતિને કેશના શણગારની જરૂર પણ ક્યાં હતી ? એનું ખરૂં રૂપ એની પાણીદાર આંખોમાં ઝલકતી મોતી જેવી કીકીઓમાં હતું.

(૨૦૬) એ રૂપ જોવાની નિરાંત કંચનને કઢંગી વેળાએ મળી. ’બા’ ઉચ્ચાર એણે આ છ મહિનામાં બીજી વાર સાંભળ્યો હતો, પહેલી વાર એ રાતરાણીના ઝાડને છાંયે પેલી કાળમુખી રાત્રિએ બોલ્યો હતો ’બા’; ને બીજી વાર એ બોલવા આવ્યો હતો પણ બોલી નહોતો શક્યો - ગુજરાતના પેલા ગામમાં.

બારણા પાસે લપાતી લપાતી કંચન ઘડીક દેવુના દેહ સામે ને ઘડીક ઈસ્પિતાલના દરવાજા સામે જોતી હતી. વીરસુત આવતો હશે : હમણાં આંહીં મોટર લાવીને ઊંભી રાખશે : મેં દિવસો સુધી મારા હાથે ચલાવેલી જ એ મોટર હશે !

એ મને આંહીંથી હટી જવાનું કહેશે તો ? કહેશે કે તારે આ છોકરાના મૃત્યુ સાથે શી નિસ્બત છે, તો ? એનો ચીડિયો, ઊંતરી ગયેલો, શંકાશીલ આંખોએ અળખામણો બનેલો ચહેરો ક્યાં ! ને ક્યાં આ એના જ બાળકની મુખમુદ્રા !

પણ એનું ધ્યાન જ્યારે આમ તેના પરિચિત રંગની મોટરની રાહમાં હતું, ત્યારે ઈસ્પિતાલની લાંબી પરશાળ ઉપર એક ડોસો ઊંપડતે પગલે આવતો હતો તે એને કળાયું નહિ. ડોસો છેક પાસે, તે ઑપરેશન-રૂમના દરવાજા પાસે આવી પહોંચ્યો, ને એણે પૂછ્‌યું-કોને પૂછ્‌યું એ પ્રશ્ન મહત્વનો નહોતો - જે કોઈ ઊંભું હોય તેને પૂછ્‌યું : ’ક્યાં છે દેવુ ? ક્યાં છે...’

પૂછતાં પૂછતાં જ એણે સહેજ આડે જોઈ ઊંભેલી કંચન તરફ જોયું ને કંચન કેવળ યંત્રની પૂતળી જવાબ આપે તેમ બોલી નાખ્યું, ’અંદર છે.’

એ ડોસા હતા દેવુના દાદાજી. એના માથા પર કાળી ટોપી હતી. શરીર પર પહેરંણ અન પહેરણ પર એક બગલથી બીજા ખભા સુધી

(૨૦૭) લપેટેલી પછોડી : હાથમાં સીસમની લાક્ડી. કપાળે ત્રિપુંડ : ત્રિપુંડ નીચે સળવળતી કરચલીઓ.

’અંદર છે.’ કહેનારી એ યુવાન સ્ત્રી પરથી ડોસાની નજર ઝપટમાં ફરી ગઈ ને એ પરિચિત ચહેરો કોનો છે તેટલી યાદ આવે તે પહેલાં તો એણે દેવુના દેહને ટેબલ પર દીઠો. જોતાં વેંત એણે હાક દીધી, ’કાં બેટા, કેમ છે ? શું થયું ?’

દેવુ બેભાન હોવાની એને ક્યાં ખબર હતી ? ડોક્ટરે નાકે આઅંગળી મૂકીને એને ચ્પ રહેવા કહ્યું.

’તમે કેમ ?’ બાંયો ચડાવી હાથમાં શસ્ત્ર લેતા ડોક્ટરે આ વૃદ્ધને ઓળખ્યા નહિ; ’તમારે આ શું થાય ?’

’મારો પૌત્ર.’ એટલો ઉચ્ચાર જ આ વૃદ્ધ પુરૂષના શિક્ષક-સંસ્કારને ઓળખાવવા બસ હતો.

ડોસા નજીક જઈ દેવુના હાથને પોતના હાથમાં લેવા લલચાયા, પણ ઓચીંતું એને પોતાના વર્તનનું ગેરવ્યાજબીપણું ખ્યાલમાં આવ્યું. એની આંખો, આટલા સ્પર્શની રજા માગતી, ડોક્ટર તરફ ફરી. ડોક્ટરે હસતે હસતે કહ્યું :

’અડકી શકો છો. ચિંતા કરશો નહિ. બ્રેઈન પર અસર થઈ જણાય છે. માટે એ મારે ખોલવુંપડશે. પણ ચિંતા ન કરશો. તમે કોણ, પ્રોફેસર વીરસુતના પિતા થાઓ છો ?’

એ પ્રશ્નમાં ડોક્ટરનો અવાજ આ વૃદ્ધ પ્રત્યે સન્માનવૃત્તિ દાખવી રહ્યો. કાઠિયાવાડની શાળાનો એક સાધારણ પેન્શનર માસ્તર, પોતાના સ્વજનની આ દશા સામે જે ધૈર્ય દાખવી રહ્યો હતો તે ધૈર્યે એના વ્યક્તિત્વને એની સન્માનપાત્ર ભવ્યતા દીધી.

(૨૦૮) ડોસાએ માથું હલાવ્યું ને કહ્યું ’મારો આ પૌત્ર છે. અમે દેશમાં હતા, દીકરાએ આગ્રહ કરી આંહીં આણ્‌યાં. મારો દેવુ સાઈકલે ચડી સ્કૂલે જતો. ભૂલ કરે તેવો તો નહોતો. હરિ જાણે શું થયું ?’

’પેલાં બેનને બધી ખબર છે. એ સાથે જ હતાં. આપ હવે બહાર બેસો. હું ઓપરેશન શરૂ કરૂં છું, ફિકર ન કરશો. આપ કેટલા પ્રશાન્ત છો ! બીજા હોત તો દરવાજેથી રોકકળ કરતા આવત, બ્રેવ મેન !’

ડોસાનું માથું નીચે ઢળ્યું હતું એટલે એની પાંપણો પલળેલી હતી તે કોઈને દેખાયું નહિ. એ બહાર નીકળી ગયા. ઘડીક એણે સીસમની લાકડી પર ટેકો લઈ આંખો બીડી રાખી. પછી એણે પોતાની જમણી બાજુએ મોં અદીઠ રાખીને ઊંભેલી કંચન તરફ જોયું.

ઘરમાં કંચનનો ચહેરો કદી જોયો નહોતો. જોયો હતો ફક્ત ગુજરાતના પેલા ગામની જાહેરસભાના વ્યાસપીઠ પર. પણ સભાસ્થાનોમાં દીઠેલા ચહેરાનાં દમામ અને દીપ્તિ ઔર હોય છે.વ્યાસપીઠો વામનોને ને વેંતીઆંને વિરાટરૂપે બતાવી જનતાની આંખોમાં જાદુ આંજતાં હોય છે. બુઢ્‌ઢાની યાદદાસ્તમાં કેટલાક અસ્પષ્ટ સળવળાટો થયા પણ એ યાદદાસ્તના સ્ક્રુને બુઢ્‌ઢાપાએ તેમ જ કૌટુંબિક દુઃખોએ કંઈક ઢીલા પાડયા હતા. એણે બીતે બીતે, શરમાતે શરમાતે, ઉપકારભાવ દાખવતા શબ્દોમાં કહ્યું ’આને આંહી તમે લઈ આવ્યાં બાપા ! તમારૂં કલ્યાણ થજો બેટા ! ક્યાંથી ઊંંચક્યો ? કેમ કરતાં પડી ગયો ? તમારી કૃપા થઈ બાઈ !’

સસરાના આ શબ્દોમાં કંચનને વ્યંગ લાગ્યો. સસરાએ પોતાને ઓળખી નથી, સસરા કેવળ ત્રાહિત ભાવે જ આ આભાર માની રહેલ છે, એ કંચન શાની સમજે ? એણે પોતાનું મોં વિશેષ પાછળ ફેરવી લીધું ને ભાંગ્યાં તૂટ્‌યાં વેણ ઉચ્ચાર્યાં :’કાળુપુર પાસે, મારી ગાડી ને

(૨૦૯) બીજી મોટર વચ્ચે -મને શો ખ્યાલ-મારી ગાડીને ઝાલીને આવતા હતા-’

’કાંઈ નહિ બાઈ ! તમારો એમાં શો દોષ ? દોષ તો અમારાં પ્રારબ્ધનો. તમારી આશિષ દેજો - એ જીવશે- જીવી જશે મારો દેવ. મારો તો દેવ છે દેવ, બાપા ! બીજું તો કંઈ નહિ, એને મા નથી. એ પણ એક રીતે સારૂં જ છે હો બેટા ! માનું હૈયું આવા ટાણે ફાટી જ પડત ના !’

આ શબ્દોમાં કંચનને વ્યંગ વધતો લાગ્યો. પણ આ વ્યંગ એવો હતો જેની સામે ધિઃકાર ન જાગી શકે. આ વ્યંગમાં કરૂણતા અને લાચારી હતી.

’એની માએ મરતે મરતે મને સોંપ્યો’તો!’ ડોસા હવે જે બોલતા હતા તે જાણે કંચનને સંભળાવવા નહિ પણ પોતાનાં હૈયાનાં પડો ઉખેળી, તેની નીચે બધું સલામત છે કે કેમ તે તપાસી જોવા બોલતા હતા : ’દેવની બાએ પથારીએ પડયાં પડયાં, મને પાસે બોલાવી, પોતે પોતાનું મોં ઢાંકી રાખીને જ મને કહ્યું હતું કે બાપુજી, તમારો પગ મારા ખાટલા માથે લાવો, હું કહું છું ને, તમ તમારે મૂકો મારા ખાટલા માથે તમારો જમણો પગ : પરાણે મુકાવીને પછી એ માંડ માંડ મારા પગને અડકી’તી, બે હાથ જોડીને પગ અડકાડી રાખ્યા’તા : પછી કહ્યું’તું કે બાપુજી, દેવુની પળોજણ એમને, તમારા પુત્રને ન સોંપવી હો-આહા ! ’પુત્ર’ શબ્દ એ મરતી મરતી પણ જેવા શુદ્ધ બ્રાહ્‌મણોચિત ઉચ્ચારે બોલી’તી ! બોલી’તી કે તમારા પુત્રને પૂરૂં ભણવા દેજો, ને એ ભણી રહે તે પછી પણ બાપુજી ! એમના નવા સંસાર પર દેવુનો ભાર નાખતા નહિ. બાપુજી, કોઈ બાપડી કોડભરી આવે તેને પારકા છોકરાની પળોજણ ન

(૨૧૦) ભળાવાય. એને બાપડીને આવતાં વેંત હાથે પગે બેડી પડયા જેવું થાય હો બાપુજી ! એને પરણ્‌યાનો લા’વો શો ? ને એ બાપડી ગમે તેટલો સાચવશે તોય એનું ગણ્‌યામાં નહિ આવે, દેવનું આંખમાથું દુઃખશે તો એને બાપડીને-નવી આવનારને લોકો પીંખી મારશે. માટે બાપુજી ! તમારા પુત્રને ને નવી આવનારને દેવલાની પળોજણમાં ન પાડજો. નહિ પાડોને ? તમારી ચરણરજ લઈને કરગરૂં છું કે નહિ પાડોને ? તમે જ સાચવશોને બાપુજી ! - લો આમ કહીને એની મા ભેળવી ગઈ છે મને. એટલે જ મારા પેટમાં ફાળ પડે છે. તમે મને ને મારા દેવુને આશિષ દેજો હો બાઈ ! ને તમે બાપુ, હવે શીદ ખોટી થાઓ છો ? પધારો બેટા, તમારો શો અપરાધ ?’

ભાસ્કરનો ભૂતકાળ

મુડદાલ છે આ બધીઓ : આપણને હાંસીપાત્ર બનાવે તેવી છે આ તકવાદી નવીનાઓ.’

ભાસ્કરના ભેજામાં આ શબ્દો તે દિવસના નમતા પહોરે પછડતા હતા. એ પોતાને ઘેર ફક્ત નહાવા ધોવા ને કપડાં બદલવા જઈને પાછો ફર્યો હતો. કંચન હજૂ ઘેર નહોતી આવી, સારૂં થયું. એટલી રાહત મળી. છોકરીઓની હોસ્ટેલમાં સવારે ગયો હતો ત્યાંથી જબરો કંટાળો લઈને આવેલ હોવાથી એને કોઈ પણ સ્ત્રીને મળવા તે દિવસ ઈચ્છા નહોતી. સ્ત્રીઓ સામે વાદ કરવા બહુ બેસે છે ! ચિબાબલાઈ બહુ બતાવતી જાય છે! હું જાઉં છું ત્યારે ફક્ત મારો વિનોદ કરવા માટે જ વિકટ પ્રશ્નો પૂછે છે. ને આજે તો આ છોકરીઓએ મારા પોતાના પૂર્વજીવનની માહિતીઓ માગી !

પોતાનું પૂર્વજીવન ! એ વિનોદનો વિષય નહોતો. એ ચર્ચવાનો પણ વિષય નહોતો. એ તો મૂંગાં મૂંગાં ભોગવવાની જ વેદના હતી.

પોતાનું નાનપણમાં થયેલું વેવિશાળ એણે પોતે જ અઢાર વર્ષની ઊંંમરે છોડી દીધું હતું. સસરા પર કાગળ લખીને જણાવ્યું હતું કે

(૨૧૮) ’તમારી પુત્રી તારાનો ભવ બગાડવા હું નથી માગતો, હું પુરૂષાતનહીન છું.’

તે પછી એકાએક બાવીશમા વર્ષે એને ભાન થયું હતું કે પોતે પૂર્ણ પુરૂષત્વમાં છે. એ ભાન અતિ મોડું હતું. તારા બીજે પરણી ગઈ હતી. ને પોતાની પુરૂષાતનહીનતા જ્જ્ઞાતિમાં તેમ જ સમાજમાં છતી થઈ ચૂકી હતી. પોતે સાબાશી પણ પામેલો કે એક બાળાના સંસારનું નિકંદન ન નીકળી જાય તે માટે થઈને આ ભાસ્કરે તો કોઈ ન કરે તેવું કરી દેખાડયું. પોતાની નાલેશી પોતે જ પ્રકટ કરી નાખી તેનું દુઃખદ ભાન ભાસ્કરને બાવીસમા વર્ષથી થયું.

પુરૂષાતન હતું અને ચાલ્યું ગયેલું ! કે ચાલી ગયેલું તે પાછું વળ્યું હતું ! કે શું કોઈ માનસિક ક્ષોભના માર્યા એણે પોતાને વિષે આવું માની લીધેલું ! એ ખબર એને પોતાને નહોતી પડી. તારા બાર વર્ષની થઈ ત્યારથી જ સીંગાપૂર એનાં માતાપિતા સાથે ચાલી ગઈ હતી. ભાસ્કર ત્યારે પંદર વર્ષનો હતો. નાનકડીને નબળા દેહવાળી તારાને પોતે જોઈ હતી. નજીકપણું પણ અનુભવ્યું હતું, ને ત્યારથી જ એની તારા પ્રતિની વૃત્તિ વિરામ પામી હતી. પછી તો તારા ત્રણ વર્ષ પછી લગ્ન માટે દેશમાં ઊંતરી ત્યારે તેનો દેહ કોણ જાણે ક્યાંથી છલોછલ જોબન-છાબ લઈ આવ્યો હતો ! તારાને જોઈને કોઈ પણ અચ્છો કવિ મસ્ત વાણીપ્રયોગોની ખુમારી અનુભવત, કહેત કે આ તે શું જોબન ટપકી રહ્યું છે? કે શું રૂપ નીતરી રહ્યું છે ? કે શું હમણાં જ કોઈનો ઊંનો હાથ અડકતાં ઓગળીને રેલો બની જાય એવી આ કોઈ મીણની પૂતળી છે?

આવો કોઈ ભાવ અઢાર વર્ષના ભાસ્કરે અનુભવ્યો નહોતો. એને તો તારાને જોતાં વેંત જ બીક લાગી હતી, ફાળ પડી હતી, કે આનો ઉષ્માવંતો સ્પર્શ જેને ન સળસળાવી શકે એવું કંઈક થીજેલું તત્ત્વ

(૨૧૯) મારામાં ઠસાઈ ગયું છે. ભય-કેવળ ભય જ એ અઢાર વર્ષના યુવાન ઉપર જીવનભર ન ભુલાય તેવી મૂઠ નાખી ગયો. ભાસ્કર હેબતાઈ જ ગયો. હેબતે એને વધુ વધુ ધ્રૂજાવ્યો. એની નસેનસમાં રામ ઓલવાતા ચાલ્યા. એવી મનોવસ્થામાં એણે લગ્નની ના પાડી દીધી ને પોતે ગામડું છોડી દીધું.

બાવીશ વર્ષની ઉમ્મરે એણે તારાને શોધી : તારા કોને ત્યાં પરણી ગયેલી છે ? પત્તો મેળવ્યો. છાનામાના એનાં સાસરિયાંને ગામ જઈ તારાને જોવાની તક લીધી ને તળાવની પાળે આભો બન્યો. તારા અલમસ્ત હતી. ચાર વર્ષોના લગ્ન-સંસારે તારાના દેહ ઉપર તો લાવ્યણ્‌યનાં એલીભરપૂર ચાર ચોમાસાં વરસાવી દીધાં હતાં. તળાવને આરે અસ્તવ્યસ્ત વસ્ત્રે લૂગડાં ચોળતી તારા, ધોઈ કરીને ધૂબકા મારી મારી નહાતી તારા, નહાઈ કરીને નવે વસ્ત્રે આરા પર પગ માંડીને ઠીકરા વડે મેલ ઉખેડતી તારા, આરા પરની દેરીએ દીવો કરી પગે લાગતી તારા, ને પછી પોતાની સામેના જ રસ્તા પર ગામ-ભણી જતી તારા અત્યારે પોતાની હોત ! હાય હાય ! આજે એ તારા પારકી છે.

એને માર્ગને કાંઠે ઊંભેલો તારાએ દેખ્યો હતો. દેખતાં જ એ હેબત ખાઈ ગઈ, ગભરાઈ, ઉતાવળે પગલે ચાલી ગઈ હતી.

એ શા માટે બીની ? હું એને સતાવવા ક્યાં આવ્યો હતો ? મારે તો એને ધરાઈ ધરાઈને, નયનો ઠારીને નિહાળી લેવી હતી; મારે એને એને એટલું જ બસ પૂછવું હતું કે ’કેમ સુખી તો છે ને !’ મારે એની પાસેથી જાણવું હતું કે ’મને ઓળખે તો છે ને ?’

છતાં શા માટે એ બીને ભાગી ? મેં એના સુખ ખાતર આબરૂ ગુમાવી તેની કોઈ ભીનાશ એના અંતરમાં નહિ હોય ?

(૨૨૦) પછી ભાસ્કરે એના સાસર-ઘરે જવાની પણ હિંમત કરી હતી. એ ગયો ત્યારે કોઈ અપરાધી આવ્યો હોય, કોઈ કોહેલો સડેલો, કોઈ કોઢીઓ રક્તપીતીઓ આવ્યો હોય, કોઈ કાવતરાબાજ આવ્યો હોય, એ રીતે સૌ તેની સાથે (ઉપરછલો વિવેક રાખીને બેશક) વર્ત્યાં હતાં. ને એણે તારાના પતિને જ્યારે પૂછ્‌યું કે ’કોઈ કોઈ વાર એને મારી ધર્મબહેન તરીકે મળવા આવતો રહીશ’ ત્યારે એણે જવાબ વાળેલો કે ’આજે આવ્યો તે આવ્યો, ફરી વાર આવ્યો તો ઢીંઢું જ ભાંગી નાખીશ.’

ભાસ્કરે કહેલું ’શું મારો એના ઉપર હક્ક નથી ? એક વખત એ શું મારી...’

જવાબમાં એણે તારાના વરની સમસમતી થપાટ ખાધેલી.

તેના જવાબમાં ભાસ્કરે ઘણા પત્રો લખેલા, જેની પહોંચ પણ મળી નહોતી.

પણ તે અનુભવે ભાસ્કરને હૈયે એક હુતાશન ચેતવી મૂક્યો હતો. એ હતો પારકી સ્ત્રીઓ પર સ્વામીત્વ મેળવવાનો ઈચ્છાગ્નિ. ને તેણે વીરસુતને માર મારવામાં વૈર વાળ્યું હતું - પેલા તારાના વરે મારેલ તમાચાનું.

કંચનથી કંટાળેલો ને નવા યુગની છોકરીઓથી ખીજે બળેલો ભાસ્કર એ દિવસની સાંજે જ્યારે અંદરથી કરકોલાઈ રહ્યો હતૉ, ત્યારે એકાએક એને વીરસુતના ઘર તરફ આંટો મારવાનો મનસૂબો ઊંપડયો.

આ મનસૂબો સાવ એકાએક ઊંપડયો એ તો ન કહી શકાય. અમદાવાદમાં પાછા આવ્યા પછી એને કાને પણ વીરસુતની વાતો પડયા કરતી હતી. વીરસુતના સળગેલા સંસારમાં નવપલ્લવિત સ્થિતિ આણનાર પેલી વિધવા ભાભી ભદ્રા હતી તે જાણ્‌યા

(૨૨૧) પછી ભદ્રાને જોવાનું એને દિલ થયું હતું. એ ગામડિયણ, મૂંડેલા માથાળી, ભીરૂ અને ભડકણ વિધવાને પોતે ચાર પાંચ વાર જોઈ તો હતી, પણ ચહેરો બરાબર યાદ નહોતો રહ્યો. ચહેરાની રેખાઓ યાદ કરવા એનું મગજ શા માટે મથ્યા કરતું હતું તે તો એના પોતાના મનથી જ એક કોયડો હતો. મૂંડાવાળી રૂઢિચુસ્ત ગ્રામ્ય રાંડીરાંડના મોંમાં કોઈ ખાસ આકર્ષણ હોઈ શકે નહિ. સળગી ગયેલા ઝાડના ઠૂંઠાને કશું વ્યક્તિત્વ હોઈ શકે નહિ. કંચન જેવી સુંદર અને ભણેલી યુવતીનું સ્થાન એક યુવાન વિદ્વાનના ઘરમાં આવી રંડવાળ્ય કઈ રીતે રોકી બેસે ? ને વીરસુતની મુખમુદ્રા પર આવા પ્રફુલ્લિત રંગો એક રસહીન શુષ્ક વિધવા કઈ રીતે પૂરી શકી હોય ?

વીરસુતને પોતે મળ્યો નહોતો, પણ જોયો હતો બે ત્રણ વાર. એ જાણે જૂનો વીરસુત જ નહિ ! મોં ઉપર પ્રસન્ન સ્વાસ્થ્યના પૂંજેપૂંજ ! કેમ કરીને, કયા જાદુઈ સ્પર્શથી વીરસુત આટલો બધો ઠેકાણે પડી ગયો ? ચાલ જીવ, જઈને જોઉં તો ખરો ? જોઈ કરીને રાજી થઈશ. ગમે તેમ તોય વીરસૂત મારો મિત્ર, મારા શિષ્ય સમો, મારો આશ્રિત; મેં જ એને સ્કોલરશિપો અપાવી હતી ને મેં જ એને લગ્ન કરાવી આપ્યું હતું. એનું સુખ નિહાળીને નયનો ઠારવાનો તો મારો ધર્મ છે ને !

ભાસ્કર ત્યાં ગયો તે એ જ સાંજ હતી, જે સાંજે દેવુ ઈસ્પિતાલે પડયો હતો. પુરૂષો ઘેર નહોતા. મકાનની બહાર બારણા પાસે પાણીનાં ને ચણનાં કૂંડાં લટકાવેલાં હતાં. તે પર બેઠાં બેઠાં એક સૂડો ને બે કાબર સામસામાં માથાં ઉછાળતાં, પાણીમાં ચાંચ બોળતાં, ને પરસ્પર કોણ જાણે કેવાં ય મેણાંટોણાં મારતાં કૂંડાંને ઝુલાવી રહ્યાં હતાં

(૨૨૨) પંખીડાંને પાણી પીવા માટે તો ચોગાનમાં નળની આખી કૂંડી ભરેલી રહેતી, છતાં આ નાનાં કૂંડાં લટકાવવાનો શોખ કોનો હતો ? ભદ્રાનો જ હોવો જોઈએ.

સૂડાઓ ને કાબરોએ જે ચાવળી વાણી કાઢીને માથાં ઉલાળ્યાં તે ભાસ્કરને ગમ્યાં નહિ. એને છાત્રાલયની છોકરીઓએ ખીજે બાળ્યો હતો તેનો રોષ હજુ શમ્યો નહોતો. કાબરો પણ જાણે એના ઉપર જ કશોક કટાક્ષ કરતી હતી. જુવાન છોકરીઓ અને કાબરો એની કલ્પનામાં એકરૂપ બની ગયાં. ને એને લાગ્યું કે આ સૂડો કાબરો સામે બેઠો બેઠો બેવકૂફ બની જતો હોવો જોઈએ ! કાબરો સામે એ આટલો લટુ શા વાસ્તે બનતો હશે !

સૂડાએ પોતાની ભીની પાંખો ફફડાવી અને તેની ફરફર ભાસ્કરના મોં પર પડી.

ભાસ્કરે ટકોરીનું બટન દાબ્યું. બારણું ઊંઘડયું. ઉઘાડનાર સ્ત્રી જ છે એટલો આછો આભાસ આવતાં જ ભાસ્કરે મોં પર સ્મિત આણ્‌યું. એક જ ક્ષણમાં એ સ્મિત, ચૂલાની આંચ પર પાપડ શેકાય તે રીતે સંકોડાઈ ગયું. પોતાની સામે ઊંભી હતી તે ભદ્રા નહોતી, બીજી જ એક સ્ત્રી હતી. જાણે ધરતી ભેદીને, જાણે દિવાલ ફાડીને, જાણે બારણાંના લાકડાની પોલમાંથી બહાર નીકળીને એ સ્ત્રીની આકૃતિ ખડી થઈ હતી.

એ યમુના હતી. યમુના કાંઈ પૂછેગાછે તે પહેલાં તો કોઈ ન સમજાય તેવી લાગણીના આવિર્ભાવમાં ભાસ્કરની સામે સ્તબ્ધ બની ગઈ. બેઉની આંખો એકમેકમાં ખીલાની પેઠે ખૂતી રહી. અમાસની અરધી રાતે ભૂતિયા-કૂવામાંથી પાણી લેવા ગયેલો કોઈ ગામડિયો બહાદુર, એકાએક પોતાની પિછોડીનો છેડો જેમ કોઈ ઝાડની ડાળખીમાં ભરાઈ જતાં જીવલેણ હેબત ખાઈ જાય તેમ ભાસ્કર હેબતાઈને ત્યાં જડવત્ બન્યો. (૨૨૩) યમુનાના સૂકા શરીર પર ધગધગતો લોહીપ્રવાહ ચડતો હતો ને ભાસ્કરની દેહલાલી દોડાદોડ કોઈ ઊંંડી ગુફામાં ઊંતરી જતી હતી. છ મહિનાના તાવલેલા જેવો એ ત્યાં બે જ મિનિટમાં બની રહ્યો.

યમુનાની આંખો પ્રથમ તો તાકી રહી. પછી આંખોના ડોળા ચક્કર ચક્કર ફરવા લાગ્યા. એના પાતળા હોઠ પર પ્રકમ્પ ઊંઠ્‌યો. એના દાંત બહાર નીકળ્યા ને દાંતના કચરડા બોલ્યા : ’એ...જ-એ...જ-એ..જ આવ્યો ! છાજિયાં લઉં એનાં ! ઠાઠડી કાઢું એની!’ એવી ચીસાચીસ પાડતી યમુના, છાતી પર ધડાક ધડાક પંજા મારતી પાછી દોટ કાઢી ગઈ, અને ભાસ્કર ત્યાંથી ખસી શકે તે પહેલાં તો ભદ્રા આવી પહોંચી.

ભાસ્કરને જોતાં જ ભદ્રા તો ઓળખી ગઈ.ભાસ્કરને ભદ્રાએ યંત્રવત્ કહ્યું :’આવો ભૈ .’

ભાસ્કર હજુ યમુનાના ખ્યાલમાંથી છૂટી નહોતો શક્યો. એ જવાબ ન આપી શક્યો. પણ એને નવાઈ લાગી કે દેરનું ઘર ભાંગનારને આ વિધવા આવકારો કાં આપે !

’એ તો જરી ગંડપણ છે એમને.’ યમુના અંદરથી આવતા હાકોટા પર હાકોટાથી ચોંકી રહેલા ભાસ્કરને ભદ્રા ખુલાસો કરતી હતી. પણ ભાસ્કર તો યમુનાની બૂમો તરફ જ ધ્યાનમગ્ન હતો. આ માણસની આવી રીતભાત વિચિત્ર લાગવાથી ભદ્રા કંઈક સંદેહમાં પડીને બોલી :

’તમારે કોનું, ભૈનું કામ છે ? એ તો બહાર ગયા છે.’

’મારે કોઈનું કામ નહોતું.’ ભાસ્કર બોલ્યો ત્યારે એના કંઠે ખરેડી પડી. થૂંકનો ઘૂંટડો ગળીને એણે વિશેષ પૂછ્‌યું : ’એ કોણ છે ?’

(૨૨૪) ’મારાં નણંદ છે. તમારે કોનું કામ હતું?’ ભદ્રા સહેજ કડક બની.

’કોઈનું નહિ. હું તો ખબર કાઢવા આવ્યો હતો. એ તમારાં નણંદને ક્યાં પરણાવ્યાં છે ?’

’જેપૂર. તમે દેવુની ખબર કાઢવા આવ્યા હો તો દવાખાને જાવ ભૈ. અહીં કોઈ નથી.’

’ના હું તો તમારી સૌની ખબર કાઢવા આવેલો હતો. બધાં મઝામાં છો ને ? કંચન આવે જાય છે કે ?’

’એ વાત કાઢશો નહિ ભૈ. એ વાત આંહીં અમે કરતાં નથી.’ ભદ્રા બારણું બંધ કરવાની તૈયારી કરતી હતી.

ત્યાં તો ભાસ્કરે ’થોડું પાણી લાવશો ?’ એમ કહી દિવાનખાનામાં એક ખુરસી પર આસન લઈ લીધું.

મને કમને ભદ્રા અંદર ગઈ ત્યારે એનો સ્વર સંભળાયો : ’યમુનાબેન ! આ શું કહેવાય બેન ! ડાહ્યાં થઈને કોઈને ઓળખ્યા પાળખ્યા વગર ગાળો દેવાય ?’

’ઓળખું છું...હું-હું-ઉં-ઉં-ઉં’ યમુનાએ રૂદન માંડયું.

’પણ તમે તો કદી અમદાવાદ આવેલ નથી, જોયેલ નથી, એણે બીજાંને જે કર્યું તેમાં તમને આટલી શી દાઝ ?’

ભદ્રા એવા ખ્યાલમાં હતી કે યમુનાએ આ માણસને કંચન પ્રત્યેનાં આચરણને લઈને ગાળો કાઢી છે. એ માન્યતા યમુનાએ ભેદી -

’જોયો છે, જાણ્‌યો છે, જેપૂરમાં જોયો છે - મારૂં નસીબ ફોડનાર

(૨૨૫) છે, એ મને યાદ છે.’ બોલતી બોલતી યમુના માવિહોણા નાના બાળકની ચીસો જેવી ચીસો પાડતી હતી.

એ શબ્દો ભાસ્કરને કાને પડયા. ભાસ્કરને પોતાની સ્થિતિ ભયમાં લાગી. ભેદ ફૂટવાની તૈયારી લાગી. એ ત્યાંથી ઊંઠ્‌યો, ને ભદ્રા પાણી લઈ પાછી આવે તે પહેલાં ઝડપભેર ત્યાંથી નીકળી જઈ બાજુની ગલીમાં અદૃશ્ય બની ગયો.

જતો જતો એ ભદ્રાનો ચહેરો યાદ કરવા મથતો હતો, પણ એ ચહેરાની રેખાઓને ભૂંસી નાખતું યમુનાનું મોં આડે આવી ઊંભું રહેતું હતું. એ ભૂતકાળનું એક છૂપું પાનું ઉકેલતો હતો.

જયપુરવાળી આ કોણ ? જગદીશવાળી યમુના તો નહિ ? જેનો મેં મનુ વેરેનો વિવાહ તોડી નખાવ્યો હતો તે તો નહિ ! એના બાપ જયપુરમાં દાક્તર હતા ને !

દસ વર્ષ વીતી ગયાં હતાં એટલે યાદદાસ્ત સ્પષ્ટ થવામાં વાર લાગતી હતી.

પણ યમુના ગાંડી શા માટે થઈ ગઈ ? ને અહીં વીરસુતને ઘેર ક્યાંથી ? યમુનાને મનુ જાની સાથે પ્રેમ હતો, વેવિશાળ જેવું પણ કાંઈક થયું હતું. પણ મનુ તો આઈ.સી.એસ. થવા જવાનો હતો. એ સીવીલીઅન થઈને આવત ત્યારે બ્રાહ્‌મણની એ સાદી ગામઠી છોકરીની સાથે સંસાર કેમ કરી માંડી શકત ? યમુનાને મેં તે દિવસોમાં રોજેરોજ સમજાવી હતી. છેવટે એની પાસે મેં હા પડાવેલી, કે ભલે, મનુ જાનીનો ’કરીઅર’ બગડતો હોય તો હું મારો પ્રેમ ભૂલી જવા તૈયાર છું. એ હા પડાવ્યા બદલ મેં યમુનાના નામ પર મનુ પાસેથી રૂ. આઠસો મૂકાવેલા, ને જગદીશ જેવો વકીલ વર શોધી આપ્યો હતો. તે પછી શું થયું હશે ? પોતે

(૨૨૬) ખબર રાખી નહોતી, પણ ઊંડતા ખબર સાંભળ્યા હતા કે મનુ સીવીલીઅન થઈને પાછો આવેલો તે પછી એકાદ વર્ષમાં કોણ જાણે શું થયેલું કે જગદીશ વકીલે એની સ્ત્રી યમુનાને ત્યજી દીધી હતી. એની ખોરાકી પોશાકીનો કશોક કેસ પણ થયેલો ખરો !

પણ યમુના ગાંડી કાં થઈ ગઈ ? એમાં એટલી બધી ’સેન્ટીમેન્ટલ’ (લાગણીપ્રધાન) બનવા જેવું શું હતું ? સીવીલીઅન થઈને મનુ પાછો આવ્યો ત્યારે એની પાછળ ગાંડી બનવાનું શું પ્રયોજન હતું ? જગદીશ વકીલ શું ખોટો હતો ? પહેલી વારના ઉદ્‌ભ્રાંત આવેશોને ન ભૂલી શકનારી સ્ત્રીઓ દુઃખી થાય તેમાં નવાઈ પણ શી ?

પણ યમુના આને ઘેર ક્યાંથી ? વીરસુત તો હળવદનો રહીશ છે; ને યમુનાનો પિતા તો વર્ષોથી જયપુરમાં જ રહેતો. બેઉને કોઈ દિવસ કશી ઓળખાણ પણ હોવાનું મેં જાણ્‌યું નથી. છોકરી જન્મીને ઉછરી હતી પણ જયપુરમાં. કશા પરિચય વગર એ વીરસુતને ઘેર ક્યાંથી ?

ભાસ્કરને ખબર નહોતી કે યમુના વીરસુતના પિતાના દૂરદૂરના બનેવીની દીકરી હતી. ને બનેવીની પુત્રી અનાથ બની ગઈ હતી તે એક જ વાત એ અર્ધજૂના અર્ધનવા એવા મિશ્ર સંસારી માસ્તરને પીગળાવવા બસ હતી. દેવુના દાદાએ યમુનાને ગટરમાંથી ઉઠાવી લીધી હતી. વીરસુતને જ્યારે જ્યારે ’પારકી પળોજણ ઘરમાં ઘાલવા’ વિષે પિતાને ઠપકો આપેલ ત્યારે પિતાએ એક જ જવાબ વાળેલો તે વાચકને યાદ તો હશે, કે ’કોને ખબર ભાઈ, કોના પ્રારબ્ધનો દાણો આપણે સૌ ખાતા હશું !’

ભાસ્કર એ આખા પ્રકરણને ઊંર્મિહીન, સ્વસ્થ આદમીની અદાથી સંકેલી લેતો લેતો ચાલ્યો જતો હતો, ત્યારે સંકેલવાની ક્રિયા બરાબર થઈ શકતી નહોતી; ઘડીઓ બગડી જતી હતી; યમુનાની

(૨૨૭) ગાળો ગાજતી હતી; ને એને એમ પણ લાગ્યા કરતું હતું કે યમુના આજે પણ તે દિવસે હતી તેવી ને તેવી નમણી તો છે જ. પણ આ ખબર જો ભદ્રાને પડશે તો ? યમુના ભદ્રા પાસે ધડાબંધી વાત મૂકશે તો ? તો ભદ્રા મારા વિષે શો મત બાંધશે ? કંચનનું પ્રકરણ હું કેમ કરીને ભદ્રાની સમજમાં ઊંતરાવીશ ?’ભદ્રા શું ધારશે ? આ પ્રશ્ન ભાસ્કરના મનમાં એકાએક કશા કારણ વગર ઊંઠ્‌યો. ભદ્રાના અભિપ્રાયની ચિંતા પોતાને એકાએક કેમ જન્મી ? પોતે હસ્યો. પાછો વળી એ જ વિચારે ચડયો. બે ચાર વાર એણે ’ભદ્રા શું ધારશે’ની લાગણીની હાંસી કરી. પણ હાંસી લાંબી ન ચાલી. મંથન ચાલું થયું.

રૂપેરી પરદો

ઓપરેશન પછી પહેલી વાર દેવુએ જ્યારે દવાખાનાના ઓરડામાં આંખો ઉઘાડી ત્યારે એનાં ઓશીકા પર ભદ્રા ભાભુનું વાળ વગરનું માથું દેખાયું ને એના કપાળ પર ચૂડલી વગરના સ્વચ્છ, ભૂરી રૂંવાટીવાળા ઘઉંવરણા હાથ ફરતા હતા તે દેખાયા.

ઊંંચકેલી પાંપણો નીચી કરીને એણે બાજુએ જોયું તો ભદ્રાના કરતાં ય વધુ શ્વેતવરણી, દક્ષિણી નર્સ એક હાથે એના હાથની નાડ દબાવતી ને બીજા હાથે થર્મામીટર મોંમાં મૂકતી ઊંભી હતી.

ઘણી લાંબી મંજિલ ખેંચીને પોતે અનંત વેરાનમાંથી જાણે સૃષ્ટિમાં પહોંચ્યો હતો. આ દવાખાનાની દુનિયા એણે કદી દીઠી નહોતી. દવાખાનાનાં માનવીઓ, રૂપે રસે ને ગંધે સ્પર્શે સામાન્ય જગતથી જુદાં પડતાં હતાં. માંદગી અને અશક્તિને બિછાને પડયાં પડયાં આટાલા હસતા ચહેરા, આટલો ઉજાસ, આટલી રસાએલી સંધ્યા, ને આટલી, ઊંજળી, સમદરનાં ફીણ શી પથારી મળે છે એવો અનુભવ અગાઉ કદી માંદા ન પડેલા દેવુને પહેલી જ વાર થયો.

પણ તેણે ફરીફરીથી ચોમેરે જોવા માંડયું. બારણા બહારથી પરશાળમાં પસાર થતી સ્ત્રીઓના ચહેરા શોધતો એ આંખો ખેંચવા લાગ્યો.

(૨૨૯) ’શું જોઈએ છે દેવ ? આ રહી હું તો.’ ભદ્રાએ ઊંઠીને એની બાજુએ બેસી કહ્યું.

’ક્યાં-ક્યાં ગયાં ?’દેવુનો દુબળો સ્વર નીકળ્યો.

’કોણ, હેં ભૈ ?’

પોતાના અંતરમાં જે નામ રમતું હતું તે લેવામાં કોઈ અપરાધ હતો ? કે પછી પોતાને જે યાદ આવતું હતું તે કોઈ ભ્રમણાજન્ય માનવી હતું ? તેની ખાત્રી હજુ થતી ન હોય તેમ ભદ્રાના પ્રશ્નનો જવાબ દીધા વગર દેવુએ ચોમેર જોયે રાખ્યું ને પોતાના સુકાએલા હોઠ જીભ વડે વારંવાર ભીંજાવ્યે રાખ્યા.

રાત પડી. યાદ કરવા મથતો દેવુ માથાનો દુઃખાવો અનુભવતો અનુભવતો ઊંંઘી ન શક્યો. રાતવાસો રહેવા આવેલા દાદા, ભદ્રા વહુ વહેલા પ્રભાતે દવાખાને આવી પહોંચ્યાં એટલે એને હવાલો સોંપીને ઘેર જવા નીકળ્યા. નીકળતે નીકળતે એણે ભદ્રાને ’આ તરફ આવજો તો બેટા !’ કહી બહાર બોલાવી, લાજ કાઢેલ વિધવા પૂત્રવધૂ પ્રત્યે પોતાની અરધી પીઠ વાળીને કહ્યું, ’હમણાં એને કશું પૂછતાં નહિ. કેમકે નહિ તો માથામાં લીધેલ ટેભા પર બોજો થશે.

’વારૂ !’ ભદ્રાએ કહ્યું.

કોણ જાણે શાથી પણ એ વૉર્ડની તેમ જ અન્ય વૉર્ડોની નર્સ બાઈઓ આ દેવુના ખંડમાં અકેક આંટો દઈ જવા લાગી. જુવાન અને આધેડ ડાક્ટરો પણ પોતાની ડયુટી હોય કે ન હોય તો પણ એ ખંડની આંટો મારી આવવાની ફરજ માનતા થઈ ગયા. એ સર્વને કૌતુક કરાવનાર પોતાનું વૈધવ્યવીંટ્‌યું રૂપ છે એવી ખબર ભદ્રાને જો પડી હોત તો એ કદાચ દવાખાને ફરી વાર આવવા ન ઈચ્છત. પણ ભદ્રાનું એ સુખ હતું. પોતાના રૂપમાં આટલા બધા માણસોને જોવા

(૨૩૦) જેવું કાંઈ હોઈ શકે તેમ એ સ્વપ્ને પણ ખ્યાલ કરતી નહોતી. આવેતુ દાકતરો ને નર્સો-સૌ એને તો પોતપોતાની ફરજ જ બજાવતાં લાગતાં હતાં.

દવાખાના સાથે તબીબી વિદ્યાલય પણ જોડાએલું હતું ને તેમાંથી ટોળાબંધ મેડીકલ વિદ્યાર્થીઓ આંહીં ઘૂમતા હતા. આ દેવુના માથાના ફ્રેક્ચરનો સાદો કિસ્સો કોણ જાણે કેમ પણ તેમને ’વેરી ઈન્ટરેસ્ટીંગ કેઈસ’ લાગી ગયો ને તેઓ આ ખંડમાં આવી આવી દેવુ કરતાં ભદ્રાનું વિશેષ નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા. ત્યાં ઊંભા ઊંભા અને બહાર જતે જતે તેમાંના બે ત્રણ જણાએ અંદર અંદર અંગ્રેજી વાતો કરી. એ વાતો આ વિધવાને વિષે જ હતી. એ વાતોમાં ભદ્રાએ પ્રો. વીરસુતનું નામ સહાસ્ય લેવાતું સાંભળ્યું. વાતોનો મર્મ એટલો જ હતો કે પ્રોફેસર વીરસુતની સ્ત્રી ચાલી ગયા પછી એના હૃદયનું સ્નેહસ્થાન લેનાર જ એની ગામડિયણ ભાભી છે ને, તે પોતે જ આ !

આ રહસ્ય-કથામાં વિદ્યાર્થીઓને રસ હતો તે સકારણ હતો. તેઓ કૉલેજમાં વીરસુતના હાથે રસાયણશાસ્ત્ર ભણીને હજુ તાજા જ આ લાઈનમાં આવેલા હતા. પ્રો. વીરસુતની ભણાવવાની શૈલીમાં નવીન રસ તેમ જ ઊંંડાણ નીપજાવનાર જે એક નારી વિષે તેમણે સાંભળ્યું હતું તે આ પોતે જ હતી ! પણ એ નારીને પોતાને ખબર જ નહોતી, કે પોતાને આટલી બધી મહત્તા આ હાડચામ ચૂંથનારા નિર્મમ દાક્તરી જગતમાં પણ અંકાઈ ગઈ છે.

વીરસુત આવીને જોઈ ગયો. સાંજે ડોસાએ આવી ભદ્રાને છૂટી કરી. ફરી પાછી ભદ્રાએ બપોરે આવી ડોસાને ઘેર મોકલ્યા. બપોર પછી મુલાકાતો શરૂ થઈ ત્યારે પાછો દેવુ બારણા બહાર ચાલી જતી માનવ-ધારા પર નજર ખેંચતો રહ્યો. ભદ્રા દેવુના આ મૂંગા તલસાટનું કારણ સમજતી નહોતી તેથી દેવુને વારતી રહી.

(૨૩૧) મુલાકાતનો સમય પૂરો થવા આવ્યો. ટોળાંના પૂર ઓસરતાં ગયાં. ભદ્રાને ધરાઈ ધરાઈને જોઈ ગયેલા દાક્તરો પણ ચાલ્યા ગયા. દીવા પેટાયા. દૂર કે નજીકના ખંડોમાં કોઈ કોઈ રોગી-ચીસો દિવાલોમાંથી ગળાઈને આવતી હતી. ’મેતરાણી’ ’મેતરાણી’ની કોઈક કોઈક બૂમો પડતી હતી. ’વોર્ડબોય’ને બોલાવતી અથવા તો પરસ્પર સાદ કરતી નર્સોના, કોઈક મોટા વાજીંત્રમાંથી છૂટા પડી ગયેલા સૂર સમા સ્વરો છૂટતા હતા. તેમ જ તેમનાં બૂટ ચંપલના ટપાકા લાંબી લાંબી પરશાળની ફરસબંધી પર વાણી કાઢતા કાઢતા ચાલ્યા જતા હતા. એ ટપાકા પૈકીના ક્ટલાક થાકેલા હતા, બીજા કેટલાક નવું કૌવત પુકારતા હતા. થાકેલા પગો દિવસભરની આકરી નોકરી પરથી ઊંતરીને પોતપોતાની ઓરડીએ જતા હતા, ને જોરદાર ટપાકા કરતા પગો દિવસભરની નિવૃત્તિ પામ્યા હોવાનું સૂચવતા હતા.

એ અસૂરી વેળાએ જે એકાકિની સ્ત્રીનું મોં આ બારણામાં દેખાયું તેને જોવા દેવુ જાગતો નહોતો, થાકીપાકીને સહેજ જંપી ગયેલો. ખંડનો દીવો ઓલવી નાખીને ભદ્રા પણ સામી બારીએ ઊંભી ઊંભી, સામે ઝુલતા આકાશના ચંદરવા ઉપર એક પછી એક ટંકાતા તારાને નિહાળી રહી હતી. આકાશ પરથી ઊંતરતી ઊંતરતી એની આંખો દૂરનાં મકાનોની મેડીઓમાં થંભી રહી. કોઈ કોઈ ઓરડામાં વીજળી-દીવા ચેતતા હતા, કોઈકમાં બળી બુઝાતા હતા, કોઈ કોઈ એકાએક અજવાળાતા ખંડોનાં પતિપત્નીનાં યુગલો પાસોપાસ ઊંભેલાં નજરે પડતાં હતાં, તે કોઈ કોઈ ઠેકાણે એવાં મિલનોને બધુ પ્રગાઢ બનવાનું હોઈ દીવા ઓલવાતા હતા. ક્યાંઈક પલંગોની સજાવટ થતી હતી, ક્યાંઈક સંધ્યાના શણગાર ચાલુ હતા.

કોઈ કોઈ નાની ઓરડીમાં બહારથી આવેલો પતિ કપડાં ઉતારતો હતો ને છોકરૂં એને ખભે ચડી બેસવા ધમપછાડા કરતું હતું

(૨૩૨) તેથી અધૂરા ઊંતરેલ પાટલૂને બાળકને તેડી લેવાની એને ફરજ પડતી. કોઈ ઠેકાણે બહારથી આવેલા પતિ અને એની સામે ઊંભેલી સ્ત્રી વચ્ચે, સામસામા જુસ્સાભેર હાથ લંબાતા હતા તે બતાવતા હતા કે બે વચ્ચેનું આખા દિવસની જુદાઈ પછીનું મિલન પણ સમરાંગણ પરનું શત્રુ-મિલન હશે. દૂર દૂરનાં મકાનોની અંદર ચાલતી ક્રિયાઓના અવાજો નહોતા સંભળાતા, પણ દૃશ્યોની દરેક નાની મોટી ચેષ્ટા સ્પષ્ટ દેખાતી હતી. જાણે એ જગતનો સાચો ને સર્વશ્રેષ્ઠ રૂપેરી પરદો હતો.

કોઈ દિવસ ન જોવા મળેલું આ એકસામટા અનેક ગૃહસંસારોનું આંતર્દૃશ્ય નિહાળવામાં ભદ્રા એટલી તો તલ્લીન થઈ હતી કે તેણે પોતાની પીઠ પાછળ પ્રવેશ કરનારી સ્ત્રીનાં હળવાં પગલાંની મખમલિયા ચંપલો સાંભળી નહિ. એ સ્ત્રી છેક બિછાના પાસે આવીને સૂતેલા દેવુને નિહાળતી નિહાળતી, ભદ્રા જે દૃશ્ય જોતી હતી તે પોતે પણ જોવા લાગી.

એક મેડીમાં મચેલા મામલા પર બેઉની આંખો ખૂતી ગઈ. પત્ની એક લાંબા અરીસા સામે ઊંભી ઊંભી શણગાર કરી રહી છે : પતિ તેની પાછળ તેનાં ખભાં ઝાલી ઊંભો ઊંભો, પોતે ઊંંચો હોઈ કરીને, આયનામાં પોતાનું પ્રતિબિંબ ભરચક કરી મૂકે છે : પત્ની એ તોફાન કરનાર ઊંંચા મોંને પાછળથી બે હાથે ઝાલી, મચરક દઈ, પોતાના ગાલ પર નમાવે છે.

’હા-હા-હા-માડી રે !’ ભદ્રા આંહીં ઊંભી ઊંભી હસી પડે છે. પણ પાછળ જોતી નથી. ત્યાં સુધી સલામત ઊંભેલી પાછળની સ્ત્રી પણ એકીટશે જોઈ રહી છે એ જ દૃશ્ય, પણ તેના મન પર એ જોવાની અસર ભદ્રાને થયેલ અસરથી ઊંલટી છે. એના મોંમાંથી

(૨૩૩) નિઃશ્વાસ ઢળી પડે છે; ને ભદ્રા ચોંકીને બારી પરથી પાછી ફરી જાય છે ત્યારે બીજી સ્ત્રીની હાજરી જોઈ પોતે લજ્જિત બને છે. પછી પૂછે છે ’કેમ ?’ પૂછતી પુછતી પોતે ઓલવી નાખેલ દીવાની ચાંપ દબાવે છે, ને કંચનની મુખમુદ્રા સ્પષ્ટ થાય છે. પણ દિગ્મૂઢ ઊંભેલી એ બેઉ સ્ત્રીઓની વચ્ચે કશો વ્યવહાર થાય તે પૂર્વેજ ખંડમાં બે જણા પ્રવેશ કરે છે; ડોસા સોમેશ્વર અને વીરસુત : પિતા અને પુત્ર.

સિદ્ધાંતને બેવફા

બાપ દીકરો દાખલ થયા-અને સાંજે ત્રણ ક્રિયાઓ એકી સાથે બની.

ભદ્રાએ સાડીનો છેડો ખેંચી સસરાની આછી લાજ કાઢી, કંચન ચમકીને આવનાર પુરૂષોની સન્મુખ થઈ ગઈ, અને ઊંંઘતા દેવુએ આંખો ઉઘાડી.

બાપ દીકરાની આંખોએ કંચનનું મોં જોઈ લીધું. ઝડપભેર કંચન પાછી દેવુના પલંગ તરફ ફરી ગઈ. દેવુ એ કંચનને દીઠી. દેવુનો દુબળો સ્વર બોલી ઊંઠ્‌યો ’બા !’

વધુ એ બોલી શક્યો નહિ. એના માથાનો પાટો દડ દડ પડતાં અશ્રૂજળે પલળવા લાગ્યો.

દેવુના પલંગના સળીઆ પકડી લઈને કંચને આધાર મેળવ્યો. બોલ્યા વગર એ દેવુ તરફ જોઈ રહી.

ભદ્રા ક્યારની દેવુને બિછાને પહોંચીને નીચે બેસી ગઈ હતી. સસરા તરફ સહેજ અંતર્પટ કરી રાખીને કંચન તરફ તાકતી હતી ને કહેતી હતી ધીમા સાદે, કે ’આંહીં આવો ને !’ પણ કંચન

(૨૩૫) જ્યાં ઊંભી હતી ત્યાં જડાઈ ગઈ હતી. પલંગના સળીઆ છોડવાનું કામ સહેલું નહોતું, સળીઆમાં જાણે કોઈએ વીજળીનો પ્રવાહ વહેતો મૂક્યો હોય.

કંચનના મોં પર બાધોલામંડલ ચિતરાયું હતું. એ મોં પર પ્રેમ નહોતો, લાગણી નહોતી, મમતા કે બીક નહોતી, મૂંઝવણ કે મનોવેદના નહોતી, રોષ કે વિષાદ નહોતો; હતું ફક્ત લાગણીહીન દશાનું બાઘોલામંડળ. બાઘોલી દશાનો બોજો અસહ્ય હોય છે.

’કોણ એ !’ વીરસુતના પિતા બોલી ઊંઠ્‌યા, ’કાલે આવેલાં તે જ બેન લાગ્યાં. મારી આંખે ઝાંખપ ખરી ના, એટલે ઓળખાણ ઝટ પડે નહિ !’

વૃદ્ધનો આ ફક્ત એક પ્રયત્ન જ હતો, એ ઓરડામાં મચી ગયેલી વિચિત્ર મૂંઝવણમાં કશોક માર્ગ કાઢવાનો. એને વહેમ પડી ગયો હતો-દેવુએ ’બા’ એવો ઉચ્ચાર કર્યો તે સાથે જ. એ સંશય પાકો બન્યો હતો-ભદ્રા વહુએ કંચનને ઘૂંઘટની આડશ આડેથી મમતાભર્યું ’આંહીં આવોને’ કહ્યું ત્યારનો જ.

પણ અકથ્ય અવસ્થા તો વીરસુતની હતી. એનાથી તો કંચન થોડી જ અણઓળખાઈ હતી ! એના મોંમાંથી તો થોડો જ કોઈ સ્વાગત -શબ્દ નીકળી શકે તેમ હતો ! એને થોડી જ ખબર હતી કે કંચનના અંતરમાં કઈ લાગણી ઘોળાવા લાગી છે ! ને એને ક્યાં ખબર હતી કે દેવુને થયેલા અકસ્માતનું નિમિત્ત પણ કંચન હતી ને દેવુને બચાવી લાવનાર પણ કંચન હતી !

કંચનું મોં ફક્ત એક જ પળ ઝબકી ગયા પછી અત્યારે તો એની સમક્ષ દેખાતી હતી કંચનની પીઠ.

(૨૩૬) કાલે દૂરથી દીઠી હતી તે જ એ પીઠ ! ક્ષીણ થઈ ગયેલી : ત્રેસર ગૂંથ્યા છૂટા ચોટલાને બદલે અંબોડો વાળેલો કેશકલાપ : અંબોડામાં પણ ફૂલ કે ફૂલવેણી નહોતાં. ઝીણી સાડીની આરપાર એ બધું જોઈ શકાતું હતું.

એ શું દુઃખી હતી ? શણગાર શું રોળાયા હતા ? ફૂલો શું કરમાયાં હતાં ? કેમ આવી હતી ? ફરી વાર પાછો નવો વર્તમાન શરૂ કરવા ? ભૂતકાળ પર પરદો નાંખી દેવા ? કે કોઈ ભૂલથી ? કોઈ ભ્રમણાથી ? કોઈના મોકલાવાથી ? કેવળ વ્યવહાર કરવા સારૂ ?

ઝબક ! ઝબક ! ઝબક ! મેઘલી રાતમાં વીજળી સબકી સબકીને ચાલી જાય તેમ પ્રશ્નમાળા ઝબૂકી ગઈ. પણ ભૂલો પડેલો પ્રવાસી વીજળીના ઝબુકાટથી તો ભાળવાને બદલે ઊંલટાનો વધુ અંજાય ને અંધ બને, તેમ વીરસુત ભ્રાંતિગ્રસ્ત બન્યો, ને શું કરવું તે ન સૂઝવાથી, નબળાઈની ક્ષણ આવી પડશે એ ભયથી પાછો ફર્યો, બહાર નીકળ્યો, ને ’ચાલો ત્યારે ભાભી ! હું નીચે છું.’ એમ બોલતો એ નીચે ઉતરી જઈ મોટરમાં બેઠો. ચક્ર હાથમાં લીધું. પણ તે દિવસ એને ડર લાગ્યો કે કદાચ આજે ’વ્હીલ’ પર હાથનો કાબૂ ઘર સુધી સાચવવો અઘરો થઈ પડશે.

ક્યાં સુધી પોતે ’સ્ટીઅરીંગ વ્હીલ’હાથમાં ઝાલીને બેસી રહ્યો તેનો ખ્યાલ ન રહ્યો. ગઈ તો હતી પાંચ જ મિનિટ, પણ ભદ્રા આવીને પાછલી બેઠકમાં બેસી કરીને જ્યારે બોલી કે ’લ્યો ચાલો ભૈ !’ ત્યારે એને લાગ્યું કે ભાભીએ જાણે સવાર પાડયું હતું, ને પોતે જાણે એક સપાટે નીંદર લઈ લીધી હતી.

એણે પાછળ નજર કરી. પાછળની બેઠકમાં એક નહિ પણ બે બૈરાં બેઠાં હતાં એવા પ્રથમ દૃષ્ટિના વિભ્રમ પછી ખાત્રી થઈ કે નહિ,

(૨૩૭) ભાભી એકલાં જ હતાં. બહાર ડોકું કાઢી આગળ જોયું. કોઈ નહોતું. હોઠ પર પ્રશ્ન પૂછું પૂછું થઈ રહ્યો ’કોઈ આવે છે ભાભી ?’ પણ મહેનત કરીને પ્રશ્ન રૂંધ્યો. ગાડી દવાખાનામાંથી બહાર નીકળી, રસ્તે ચડી, તોય પોતે વેગ ન વધાર્યો.

કોઈ આવે છે ? કોઈ અફળાય તેમ તો નથી ને ? કોઈ આગળ પાછળ છુપાઈને જોવા તો ઊંભું નથી ને ? કોઈ હડફેટે આવીને ચગદાઈ તો જશે નહિ ને ?

કોઈ ? કોઈ એટલે કોણ ? કોઈ એટલે એક જ માણસ : કંચન.

પણ કંચન ત્યાં નહોતી. કંચન હજુ દેવુની દર્શનલાલસાને પેટ ભરી ભરીને સંતોષાવા દેતી હતી. દેવુનો હાથ એણે પોતાના હાથમાં લીધો હતો. દેવુ એને પૂછતો હતો જાણે-સેંકડો ગાઉ છેટેથી એ પ્રશ્ન કરતો હતો : ’બા, હાથ...માં...ચૂ...ડી કેમ.. ન...થી ?’

પણ ત્યાં દવાખાને એવું શું શું બની ગયું તે સંબંધે ભદ્રા ચૂપ જ હતી. કાંઈક બોલશે, કાંઈક બોલશે, એવી વીરસુતની આશા રસ્તા પર વેરાયે જતી હતી.

ભદ્રા તરફ ગાડી વાળવાને વખતે એણે જોયું કે ગાડીની આગળ એક માણસ દોડતો જાય છે. પોતે હોર્ન વગાડ વગાડ કર્યું, પણ દોડતો માણસ ફરીને રસ્તા પર સામે જ ઊંભો. ગાડી પણ કચરડડડ... કરતી રોષભરી ઊંભી રહી. ઊંભેલો માણસ, ગાડીની સખ્ત રોશનીના ઝળહળાટમાં અંજાઈ ગયો હતો. એણે કશી ઓળખાણ કર્યા વગર,હજુ તો અંજાયેલી આંખે જ કશું પૂરૂં ભાળ્યા વગર, આગળ દરવાજા પાસે આવીને હાંફળા ફાંફળા સ્વરે કહ્યું, ’મહેરબાની કરીને મને જરા બેસારી લેશો ? હું સંકટમાં છું. વાત કરવા વખત નથી. ખાનપૂર ઊંતરી જઈશ.’

(૨૩૮) એને વીરસુત કશો જવાબ આપે તે પૂર્વે તો એ બારણું ખોલી વીરસુતની બાજુની બેઠક પર ચડી બેઠો. હા ના કશું કહેવાની વેળા મળે તે પહેલાં તો બેઉએ પરસ્પરને પિછાન્યા, ને એ ચડી બેઠેલા ભાસ્કરે કહ્યું ’ઓહો ! તું જ છે કે ભાઈ ? સારૂં થયું. હાંક જલદી, પછી વાત કરૂં છું.

વીરસુતે ભાસ્કરને છેલ્લો જોયેલો તે પ્રસંગ એને તાદૃશ થયો : પોતાને ભાસ્કરે એને ઘેર ગડદા પાટુએ મારી અધમૂવો કરેલો તે પ્રસંગ : પોતાની પત્ની કંચનના હાથે એ માથામાં તેલ ઘસાવતો હતો એ પ્રસંગ : તે પ્રસંગ યાદ આવતાં વીરસુત ગાડી હાંકતે હાંકતે રોમે રોમ થરથરી ઊંઠ્‌યો. બાજુએ ચડી બેઠેલો આ અસુર પડખામાં ચપ્પુ કે છૂરી ઘોંચી દેવા તો નહિ આવ્યો હોય ? પણ અટકી જવાની એનામાં હિંમત નહોતી. મોટરને ચલાવતા એના હાથ યંત્રવત્ બની ગયા હતા.

’હું જોખમમાં છું, વીરસુત !’ ભાસ્કરના શબ્દો નીકળ્યા. ’હું કદાચ પકડાઈ જઈશ, મારે જેલમાં જવું પડશે. ને મારે જામીન પર છૂટવું નથી.માટે જ મારે થોડો સમય મેળવવો હતો વીરસુત ! મારે તારે ઘેર જ આવવું હતું, પણ મારે તને નહિ, તારાં ભાભીને મળી લેવું હતું. તું કદાચ મળવા દે કે ન દે એમ સમજી હું તારે ઘેર તું આવી પહોચે તે પહેલાં જ પહોંચી જવા દોડયો જતો જતો.’

પ્રત્યેક શબ્દ વીરસુતનાં આંતરડાંને જાણ કે શૂળી પરોવી ઊંંચાં કરતો હતો. આ હેવાનને ખતમ કરવા ખાતર મોટરને ઊંંચી વાળવાનું વીરસુતને મન થતું હતું. મારી પત્નીને છીનવી ગયાથી સંતોષ ન વળ્યો તે હવે મારી ભાભીને પણ ઝૂંટવવા, ફસાવવા, ભોળવી જવા મારે ઘેર ભમતો હશે !

(૨૩૯) ’તને ખબર નહિ હોય વીરસુત, પણ હું તારે ઘેર તારી ગેરહાજરીમાં આવી ગયો છું,’ ભાસ્કર જાણે કે વીરસુતના મનમાં ચાલી રહેલ વિચારની સાથે સાથે જ ચાલી રહ્યો હતો, ભાસ્કર જાણે કે પારકા ઉરપ્રદેશની હરિયાળીમાં સરર સરર ચાલતો છૂપો સાપ હતો. ’મારે તારાં ભાભીને કહી જવું છે એટલું જ વીરસુત !’ ભાસ્કરે વીરસુતના બંગલાનો વળાંક આવ્યો ત્યારે પણ ચાલુ રાખ્યું :’કે આજે હું મારી પ્રકૃતિ વિરૂદ્ધનું, મારા જીવનભરના સંસ્કારના વિરૂદ્ધનું કામ કરી આવ્યો છું. મેં ક્લ્બમાં એક મોટા ગૃહસ્થને...શું કર્યું કહું ? તને મેં શું કરેલું યાદ છે ? તને મેં તે દિવસે જે લજ્જતથી ટીપ્યો હતો, તે જ લજ્જતથી એ ગૃહસ્થને ટીપેલ છે. ફેર એટલો કે તને લોહી નહોતું નીકળ્યું જ્યારે આને તો લોહીની નાખોરી ચાલી જાય છે. એ પડયો ક્લબમાં. એ તરફડે ગંભીર જખ્મોની વેદનામાં.’

આમ કહેતો કહેતો એ મોટરમાંથી ઉતરતો હતો. વીરસુત મોટરને ચાવી મારી લાઈટ ઓલવતો હતો. ને ભદ્રા થર થર કાંપતી પાછલે બારણેથી ઊંતરતી હતી. એને એમ હતું કે પોતાને ભાસ્કરે જોઈ નથી. એ સરકી જવા લાગી ત્યારે ભાસ્કરે એને કહ્યું, ’હવે થોડી જ વાત બાકી છે. ન ભાગો. સાંભળતાં જાઓ. ક્લબમાં ભજીઆં ને ચહા ખાતાં ખાતાં એ ગૃહસ્થે મને જોઈ વીરસુતની વાત કાઢી, ને એણે લહેરથી કહ્યું કે વીરસુતને તો વહુના બદલામાં ભોજાઈ મળી ગઈ છે. મેં કહ્યૂં, જુઠી વાત છે. મેં શા આધારે કહ્યું તેની ખબર તો મને પણ રહી નથી. મેં તો આટલાં વર્ષો સુધી હંમેશાં એક જ સિદ્ધાંત પાળ્યો છે, કે એ સ્ત્રીએ ને પુરૂષે ગમે તેવા સંજોગોમાં પણ ગોઠવાઈ જવું; ગોઠવાઈ જનારાંના મેં સુચરિત્ર અને દુશ્ચરિત્ર એવા ક્રુત્રિમ ભાગ કદી પાડયા નથી. પણ આજે અરધા કલાક પહેલાં હું મારા સિદ્ધાંતને

(૨૪૦) બેવફા બન્યો. મેં ગૃહસ્થની એ દલીલને, એ જીદને, તારી ભાભી માટેના અપશબ્દો બોલતી ચૂપ કરેલ છે. ને એ બેભાન પડયો છે. પોલીસને ટેલીફોન થઈ ચૂકેલ છે. બસ, જાઉં છું. આંહીં તારે ઘેર પોલીસની ખૂંદાખૂંદ ન ચાલવી જોઈએ. આંહીં તારી ભાભી વસે છે, ખબર છે!’

એમ કહીને એ સડસડાટ બંગલાની બહાર ચાલ્યો ગયો.

અણનમ

ચાલી નીકળેલા ભાસ્કરનું છેલ્લું સફેદ ટપકું અદૃશ્ય થયું તે પછી પણ વીરસુત બંગલાના ચોગાનમાં ઊંભો હતો. એના દિલમાંથી સુખનું ચકલું ઊંડી જઈ ને બહાર નીકરી ગયું હતું. ભાસ્કર જે કહી ગયો તે વાત એને ખોટી કે બનાવટી નહોતી લાગી. સાચી લાગી માટે જ એના મનમાં સંતાપ ઊંપડયો. ભાસ્કર આવો સારો માણસ બની ગયો તે એનાથી સહન ન થયું. ભાસ્કર દુષ્ટ અને ખલ રહ્યો હોત તો એ રાજી થાત.

ને ભાસ્કરમાં આ સુજનતા પ્રગટવાનું નિમિત્ત કોણ બન્યું હતું ? ભદ્રા ભાભી ? ભદ્રાની પવિત્રતા વિષે આટલું અભિમાન કરવાનો હક્ક ભાસ્કરને ક્યાંથી મળ્યો?

ભાસ્કર કહી ગયો કે પોતે અહીં આવતો હતો. ક્યારે ? કેટલી વાર ? કેવો પરિચય બાંધ્યો હશે ? ભદ્રાના સ્ત્રીત્વનો ગર્વ કરવાની જાહેર હિંમત એ ત્રાહિત, એ દુર્જન કરી જ કેમ શકે ?

વીરસુતના મનમાં ઈર્ષ્યાએ વાસો કરી લીધો. પોતાના સંસારસુખ પર ફરી વાર દુશ્મનના હાથનો પંજો પડયો છે, પોતાના નવા બાંધેલા માળામાં ફરી વાર જૂનો સાપ પ્રવેશી ગયો છે, એવા દિલડંખ અનુભવતો એ ઘરમાં પેઠો.

(૨૪૨) એ જાણતો હતો કે પોતાનો ને ભદ્રાનો સંબંધ બહારની દુનિયામાં ચકચારનો વિષય થઈ પડયો હતો, પોતે એ પણ સમજતો હતો કે પોતે જે માટીનો બનેલો હતો તે માટી નબળી હતી. ભદ્રા એ જો સહેજ નબળાઈ બતાવી હોત અને સિવિલ મેરેજનાં બંધનોથી પોતે ન બંધાઈ બેઠો હોત તો પોતે ભદ્રા સાથે લગ્ન પણ કરી બેસત તેવી એના અંતરની કામનાને એ નહોતો ઓળખતો એમ કાંઈ થોડું હતું ! પોતાની કમજોરી શંકાને પાત્ર બની હતી તેનો તેને અફસોસ નહોતો. પણ પોતાનો ગર્વ ફક્ત એક જ હતો કે ભદ્રાની શક્તિ અપરાજીત હતી.એવી અજીત નારીની અણઝંખવાયેલી નિર્મળતા પર લોકો સંદેહ લાવતા ત્યારે એને આનંદ થતો. કેમકે એ દુનિયાની તુચ્છતા, પામરતા, ક્ષુદ્રતાની ખદબદતી ખાઈ વચ્ચે એક અણડૂબ કાળમીંઢ ખડક પર ઊંભા હોવાનો પોતાના અંતરમાં આનંદ હતો. આ ગુપ્ત આનંદ અને છાનો ગર્વ જ એની એક માત્ર જીવન સંપત્તિ રહી હતી. એ સંપત્તિમાં આજે કોઈ ચોર પડયો એમ એને લાગ્યું. એ ખડક ખળભળ્યો હોય એમ એને લાગ્યું. એ કરતાં તો વધુ એને એ વાત લાગી કે પોતે એકલો જે ખડક પર ઊંભો હતો ત્યાં બીજો પણ એક માણસ ચડી ગયો ને ડૂબતો બચી ગયો.

કપડાં બદલાવી અને હાથપગ મોં ધોઈ વીરસુત પાછલી પરશાળમાં જઈ હિંડોળે બેઠો બેઠો આ વેદનામાં બળબળતો હતો ત્યારે એ રસોડાની બાજુએ વારેવારે કાન સ્થિર કરતો હતો. રસોડામાં સ્ટવ ચાલતો હતો. તેના અવાજ ઉપર ભદ્રાના બોલ સ્પષ્ટ અને સાફ છપાતા હતા. સ્ટવના ધમધમાટ પાસે બોલતી એ યમુના ને ભદ્રા બન્ને નિઃસંકોચ હતી કારણકે પોતાનું બોલ્યું ત્રીજું કોઈ નથી સાંભળી શકતું એવી સ્ટવ પાસે બેઠેલાં લોકોની ભ્રમણા હોય છે. એથી ઊંલટું સ્ટવ પાસે બોલાતા શબ્દો ઘરની બીજી જગ્યાઓમાં ચોખ્ખા ફૂલ જેવા પહોંચતા હોય છે.

(૨૪૩) ભાભીના મન પર ભાસ્કરની વાતો એ કેવી અસર પહોંચાડી છે તે જાણવા વીરસુત થનગની ઊંઠ્‌યો. પણ ભદ્રાએ યમુના પાસે કરેલી વાતોમાં એ વિષે શબ્દ પણ ન પડયો.

ભદ્રા યમુના જોડે રોજની ખુશમિજાજી રાખીને તડાકા મારતી હતી. વચ્ચે વચ્ચે એનું હસવું કોઈ એકાકી ઊંડી જતી ફૂલચકલીના ફરફરાટ જેવું રૂપ ધરી રહ્યું.

ભાભીને ક્ષોભ નહિ થયો હોય ? હુ એને ને ભાસ્કરને માટે કોણ જાણે શું યે ધારી બેઠો હોઈશ એમ નહિ ભય લાગ્યો હોય ? મને શંકામુક્ત કરવા કેમ હજી આવ્યાં નહિ હોય ? શાક દાળમાં મીઠું વધુ ઓછું થયું હોય તો યે દયામણું મોં કરીને ખુલાસો આપવા ઊંભી રહેનાર ભાભી આ બનાવ પરત્વે કાં બેતમા ?

વિચારે વિચારે વીરસુતના પગ હેઠળથી પૃથ્વી સરતી ગઈ. હિંડોળાનાં કડાં હવામાં જડેલાં ભાસ્યાં

ભદ્રા આવી - કોફી ને શાક પુરીઓની થાળી લઈને. એને દેખી વીરસુત સ્વસ્થ બન્યો. ભદ્રા વાત કાઢે તો તેનો શો જવાબ દેવો તે પોતે મનમાં ગોઠવવા લાગ્યો. મનને પોતે ભલામણ કરતો હતો : ભાભી પ્રત્યે ઉદાર અને અશંકિત બનજે. ગમે તેમ પણ હજુ એ બાપડાંની ઉમ્મર કેટલીક ? ભાસ્કર સરીખા પાજી લોકો એને ભોળવવા પહોંચી જાય એમાં નવાઈ શી ?

પણ ભદ્રાની તે રાતની અક્કડાઈ અણનમ જ રહી. રોજના ક્રમ પ્રમાણે એણે મેજ લાવીને હિંડોળા પાસે મૂક્યું, ઉપર પાથરણું બિછાવી થાળી મૂકી. પાણીનો લોટો પવાલું પણ રોજ મુરાદાબાદી બનાવટનાં જ પોતે જે મૂકતી તે જ મૂક્યાં. ને દિયરના શાકમાં લીંબુની ફાડ પણ પોતે જ નીચોવી. પછી પોતે ઓરડાનાં બારણાં

(૨૪૪) પાસે આસનીઉં પાથરીને રોજની અદાથી વીરસુતની સામે બેઠે બેઠી દેર માટે પાનપટ્ટી બનાવતી રહી. બેઠે બેઠે એણે ચોખાની કમોદ મંગાવવાથી માડીને ’તમે કાલે વીશ કેરી ખાધી હતી ને આજે પંદર ખાવ છો એમ કેમ ચાલે !’ ત્યાં સુધીની વાતો કરી. પણ કંચનના કે ભાસ્કરના બની ગયેલા પ્રસંગો વિષે એણે ધરાર હોઠ સીવી રાખ્યા.

તૈયાર કરી રાખેલી પાનપટ્ટી અને ચૂરો કરી રાખેલ સોપારી એણે ખાઈ રહેલા દેરને હંમેશની અદાથી રૂપાની રકાબીમાં પીરસી લીધાં. હાથ લૂછેલો નેપકીન ઠેકાણે મૂક્યો, માટલીમાં પાણી નવું ભરેલું છે કે કેમ તે પણ તપાસી લીધું ને પોતે થાળી લોટો ઉપાડીને પાછી જવા લાગી. ત્યાં સુધી વીરસુતે આશા છોડી નહોતી. પણ ભોજાઈ ચાલતાં થયાં ત્યારે એની ધીરજ ન રહી શકી. એણે ધીરેધીરે વિષયની પ્રસ્તાવના કે પૂર્વતૈયારી કરવાનો પણ વખત વિચાર્યા વગર સીધું કહ્યું, ’પેલો ભાસ્કરીઓ જોયો ના ભાભી ! તમને ય સંડો...’

એ વધુ બોલી શકે તે પહેલાં તો ભદ્રા માથાનો ઘૂમટો નજીક ખેંચતી પાછી ફરીને બોલી, ’હોય ભૈ ! કેવા કેવા દખીઆ, કેવાય હૈયાના દાઝ્‌યા આ સંસારમાં પડયા છે ભૈ ! એ તો અકળાય ભૈ ! સૌને વિસમવા ઠેકાણાં ક્યાંથી મળે ભૈ ! હોય એ તો.’

બસ, એમ બોલીને એ જ્યારે ઊંભી થઈ રહી ત્યારે એની દૃષ્ટિ એણે પરશાળ બહાર સીધી દેખાતી ક્ષિતિજ પર ઠેરવી. અંધારી બીજનો ચંદ્રમા ઊંગતો હતો. ખુલ્લી પરશાળ નવા ચંદ્રતેજે છલકાતી હતી. એ અજવાળાંની ઝાલકમાં ભદ્રા વિધવા કરતાં ગૌરી સમી સુંદર ભાસી. એની આંખોના ચકચકતા કાચ ઉપર પરશાળ બહારના ચોકનો મોટો વીજળી-દીવો જાણે કે કિરણો પાથરતો હતો.

(૨૪૫) દેરે ઉચ્ચારેલા વિષયને ચાતરી-છટકી જવાનો જાણે કે ઈરાદો જ નહોતો. એવો ઈરાદો કલ્પનાર દેરની શંકાને જાણે પોતે વરતી ગઈ હતી. હજુય કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લ્યો એવું જાણે પોતે સૂચવતી હતી. વીરસુત હિંડોળા પર સ્થિર થઈ ગયો. એણે ભદ્રાની સામે જોઈ રાખ્યું પણ ભદ્રાએ ચંદ્રનું દર્શન કરતે કરતે જમણી જ ગમથી પોતાનો રસ્તો લઈ લીધો.

વીરસુતની રાત્રિભરની નીંદને ઉતરડી નાખતી એ વેદના ચાલુ રહી. ભાસ્કર દખિયો, હૈયાનો દાઝેલ ને વિસામા વગરનો માણસ છે એ ભદ્રાએ શા પરથી જાણ્‌યું ! કેવડોક પરિચય ? મુરખાને માલૂમ નહોતું કે પાણીકળો જેમ ધરતી પર કાન માંડીને કહી આપે છે કે ઊંંડા તળમાં અખૂટ જળપ્રવાહ કયે ઠેકાણે વહ્યો જાય છે , તેમ નારી ફક્ત સાનથી સમજી જાય છે કે પુરૂષના જીવનમાં વસમાણ (વિષમતા) કેટલેક ઊંંડાણે પડી છે.

ભદ્રા જ્યારે ધારે ત્યારે વિચારોની તમામ પેટીઓ બંધ કરીને ઘોરી શકતી હતી, ને વિચારોની કોઈ એકાદ પેટી ઉઘાડીને એકાદ પ્રહર પડી પડી જાગવા ધારે ત્યારે જાગી પણ શકતી. એ એકાદ પહોરનું જાગરણ તે રાત્રિએ એને ભાસ્કર વાળા બનાવે કરાવ્યું. દેરની ને પોતાની વચ્ચેનો સંબંધ લોકોની- અર્થાત્ નવરા, ઊંજળિયાત બંગલાવાસીઓની જીભ પર ચડેલો છે તે તો ભદ્રા જાણતી હતી. પણ એ લોકાપવાદ એને નહોતો નડતો. ટેલીફોન કરવા એ પાડોશી શેઠને બંગલે જતી ત્યારે એની અદબ કેવી જળવાતી ! એનો સહવાસ સૌ કેટલો કેટલો બધો ઈચ્છતા! તેમ સસરાજીની એક માન્યતા નિર્મળ હતી ત્યાં સુધી અન્ય કોટિ લોકોની એને શી પડી હતી ! પણ એ ઈર્ષ્યાનું આકર્ષણ જ કંચનને કોઈક દિન દેરના ઘેર પાછી લઈ આવશે એવી એને આશા હતી. એ

(૨૪૬) આશાએ ને દેરની પોતા પ્રત્યેની અદબભરી મમતાએ ભદ્રાને ઔર રંગભરી બનાવી દીધી હતી.

આજે એને જીવનની આ બધી સાર્થકતામાં એક અજબ ઉમેરો દેખાયો : એક લબાડ અને નફટ મનાતા માણસે પોતાના જેવી અજાણી નારીના સુનામ પર જિંદગી ધોળી કરી છે. કેવી અદ્‌ભૂત કથા ! એક ગ્રામ્ય રંડવાળ્યના જીવનમાં કેવો એ રોમાંચકારી ઈતિહાસ ! વૈધવ્યને-બામણીના વૈધવ્યને માથે કાંઈ જેવી તેવી વિભૂતિ ચડી ! માડી રે ! હું શું ખરેખર એટલી બધી ઊંજળી રહી છું ? માડી રે ! નહિ બોલું, નહિ બોલું. ઈશ્વર જેની લાજ રાખે છે તેનીજ રહે છે. હે નારણ ! મારે ઝેરનાં પારખાં નથી જોવાં. મારૂં માપ કોઈ દિ’નો કાઢજો હે તુલસી મા ! ભૈની બાપડાની પાસે જતાં કેટલી કેટલી વાર મારા પ્રાણના ફફડાટનો પાર નથી રહેતો ! એવી મારી, ખાસડે માર્યા જેવી જાત સાટુ કોઈનું લોહી રેડાય, ને કોઈ વળી કેદમાં જાય. ઓ મા ! મને તો અંધારે અંધારે હસવું આવે છે મૂઈ !અને ભેળાભેળ રડવું ય આવે છે મૂઈ રાંડી ! ગોદડાને ચોમેરથી દબાવીને સૂઈ જા મૂઈ ! રાંડી ! ઝટ ઝટ સૂઈ જા ! ઘડી પછી એનાં નસ્કોરાંના પાવા બજતા હતા.

ઘાએ ચડાવેલી

દેર અને ભોજાઈ, બેઉની રાત કૈં કૈં વલોપાતમાં વીતી. સવારે ભદ્રા ચૂલા પર ચહાપાણી માટે બેઠી હતી ત્યારે એના ઉજળા ચહેરામાં રાતી આંખો, દેવીના મંદિરમાં હનુમાન ગણપતિના બે સિંદુરિયા ગોખલા જેવી હતી.

દૂધ ચહા પતાવીને એ દવાખાને ગઈ તે પછી એના સસરા દવાખાને રાતવાસો કરીને પાછા આવ્યા; આવીને એણે પાછલી ઓરડીમાં અંધ વેશધારી સાળો બેઠો હતો ત્યાં જઈ આટલા દિવસે પહેલી વાર આસન જમાવ્યું. અંધા જ્યેષ્ઠારામનો અમદાવાદના બંગલા ખાતેનો નિવાસ સ્વચ્છ અને સુઘડ બન્યો હતો. કેમ કે નહિતર વીરસુત કાઢી મૂકશે એવી એને ધાસ્તી હતી.

’ત્યારે બોલ્ય જાની !’ બનેવીએ સાળાને પૂછ્‌યું : ’વહુ સ્વેચ્છાથી આવતી હોય તો પાછી ઘરમાં ઘાલવી કે નહિ ?

’હું તો કહી ચૂક્યો છું કે સળેલું ધાન નાખી દેવાય, સળેલું માનવી નહિ.’ સાળો બોલતો બોલતો સુરજના તેજને જાણે કે ચીપી નાખવા માટે પાંપણોના પડદા પટપટાવતો હતો.

’પણ એક શરત હોય તો ?

(૨૪૮) ’શી ?’

’એને આવવું છે - પણ જો દેવુની સાથે રહેવાનું હોય તો; વીરસુત સાથે એને નથી રહેવું.’

’કારણ ?’

’લેણદેણ; ૠણાનુબંધ; કુદરતી અણગમો.’

’કોણ કહી ગયું ?’

’પોતે જાતે જ. ગરીબ ગાય જેવી બની ગઈ છે. થોડા દિનમાં વધુ પડતું ભોગવી ચૂકી લાગે છે. દેવુની પથારીએ બેઠી બેઠી પોકેપોક રોઈ છે. નર્સો બધી ભેગી થઈ ગઈ, બાજુનાં દરદી જાગી ઊંઠ્‌યાં, માણસો દોડી આવ્યાં. એક જ વેણ કહ્યા કયું કે ’દેવુભાઈ, દાદા રજા આપે, તો તું ને હું આપણે ગામ જઈ ને રહીએ. આંહીં તો હું પગ નહીં મૂકી શકું. દાદા નહિ સંઘરે તો હું......’ વૃદ્ધ બોલતા બોલતા થોથરાયા.

’શું, હં....... ! શું કરશે ?’ સાળાએ પૂછ્‌યું.

’એટલું કહીને અટકી ગયેલી.’

’શું સમજાણું ?’

’આપઘાત કરશે.’

’બીજું કાંઈક પણ કાં ન કરે ?’

’શું ?’

’વેશ્યા ય બને !’ અંધ જ્યેષ્ઠારામ લહેરભર્યા ગળે બોલ્યો.

’જા જા, દુષ્ટ !’

(૨૪૯) ’હું ઠીક કહું છું. એને પાછા આવવાનું મન થયું છે તે ઉપરથી કહું છું. ભૂલી ગયા તે દિવસની સભા ! એને માનપાન મળ્યું તે યાદ છે ?’

’યાદ છે. તેથી શું ?’

’એટલાં બધાં માન સન્માન પામેલીનો અત્યારે કોઈ ભાવ પણ નથી પૂછતું ને ?’

’ના.’

’તો હાઉં.’

’શું હાઉં, તારૂં કપાળ, અંધા !’

’મારૂં નહી, તમારૂં કપાળ - સસરા તરીકે તમારૂં ! પ્રારબ્ધની લેખણ જો દીકરાની વહુનું વેશ્યાપણું લખશે તો તે તમારે લલાટે લખશે. એ બાયડીને ઉપેક્ષાનો ડંખ લાગ્યો છે. ઉપેક્ષા કરનાર એની દુનિયા છે. એ દુનિયા પર હવે એ વેર વાળવાની. ને વેશ્યા બની જવા જેવું બીજું કયું મીઠું વેર દુનિયાને માથે દુનિયાની ઉપેક્ષીતા વાળી શકે ?’

આટલું બોલી રહેલો અંધો એવી સિફતથી અટક્યો કે જાણે એક હરફ પણ બોલ્યો ન હોય. કેટલાક માણસો નિરંતર વાતો કર્યા કરવા છતાં મૌન જ ભજતા લાગે, ને કેટલાક પરાણે મૂંગા રહી રહીને છેવટે એકાદ વાક્ય જ સંભળાવે એટલે બોલ બોલ જ કરતા ભાસે છે.

’તારો શો મત છે ?’ સોમેશ્વરે પૂછ્‌યું.

’ન કહ્યું મેં ? આપઘાત કરતી હોય તો મરવા દેવી, વંઠવા માગતી હોય તો રક્ષા કરવી.’

(૨૫૦) ’એ અવાજમાં જાણે કોઈ ઊંર્મિ જ નહોતી; આપઘાતની વાત જાણે એને નજીવી, ધ્યાન ન દેવા જેવી લાગતી હતી. એણે વિશેષમાં ઉમેર્યું, બેશક જરા ધીરેથી -

’એવી તો બેને આ હાથે ફેંસલ કરી નાખી છે. એ પણ કરતાં આવડે છે. આ તો અટાણે સહેજ સમો બદલ્યો. નીકર એમાં શું ? પણ તમારો ને મારો મત ન મળે. તમે છો વહુઓના પગ ધોઈ પીનારા નીકર એ કામ કરતાં ય મને ક્યાં નથી આવડતું?’

’ચુપ થા, રાક્ષસ ! ચુપ થા ! સોમેશ્વરે સાળાનું મૂંડો કરવેલ માથું ઝાલીને, જેમ ઝાડની ડાળીને ઝંઝેડે તેમ હલાવ્યું. ’તું શું લવરી કરી રહ્યો છે તેનું કાંઈ ભાન છે ?’

’ના, એ તો હું સહેજ કહું છું, એમાં ક્યાં મેં બાંયો ચડાવી નાખી છે ! આ તો એમ કે વીરસુતને માટે એ રીતે પણ રસ્તો ઊંઘડે ખરો, છોકરો ફરીથી લગન કરી શકે ખરો. પણ એનું નવું લગન એટલે વળી પાછા નવા ગૂંચવાડા ને નવા ધમરોળ. એને એક આંખમાં અમીને બીજીમાં રતાશ બતાવતાં થોડું આવડવાનું છે ? સાત જન્મેય આશા રાખવી નહિ ને ? માટે જ આંહીં મેં કહ્યો તે રસ્તો ગ્રહણ કરવાની વાત નથી. માટે જ કહું છું કે આપમેળે જીવ કાઢતી હોય તો જુદી વાત છે, બગડતી હોય તો બચાવો. સરવાળે કો દિ’ સંધાશે.’

’તો તો તારા મોંમાં સાકર, જ્યેષ્ઠા !’ સોમેશ્વર માસ્તર એવી અદાથી બોલ્યા કે કેમ જાણે વહુ પાછી ઘરમાં આવી બેસી ગઈ હોય !

’ને પાછી મારી મતિ તો એમ પણ કહે છે દવેજી ! અંધાએ આગળ ચલાવ્યું : ’કે આ વાંદરીને - ’

(૨૫૧) જીભ સંભાળજે હો જાની !’

’ઠીક લ્યો. આ છોકરીને જો વંઠવું હોત તો તો ક્યારની વંઠી ગઈ હોત; આપણી વાટ શીદ જોવત ? પણ વંઠી જવું એમ રસ્તામાં નથી પડયું. શક્તિ જોયેં છે ભાઈ! વંઠવામાં ય શક્તિ જોયેં. અમારી જુવાનીના સમામાં અમારા ગામની બામણી રંભડી યે વહુવારૂ હતી, કમળાય વહુવારૂ હતી; બેય એક જ ઘરના બે દીકરા વેરે દીધેલી હતી; પણ જે દુઃખની મારી કમળા કૂવે પડી, એ જ દુઃખની દાઝેલ રંભડી પ્રથમ બાવાને ગઈ, પછી મેરને, તે પછી એક મિંયાણાને, અને અટાણે ઓ ફકીરણ બનીને છેલુશા પીરને તકીએ પચાસ વરસની ફાટલ આંટા મારે જૂનાગઢમાં. હવે એ દુઃખના મરને ડુંગરા ખડકાણા હોય, એક છોકરૂં થાત ને જો એ રંભડીને, તો ટાઢીબોળ બની બેસી રે’ત. એમ દવે મા’રાજ ! આ તમારી વાં - ભૂલ્યો ! વહુને પણ જોવે છે ખોળામાં છોકરૂં. એને બદલે આપણા વીરસુતે દીધો એના હાથમાં એકલો મોટરનો ડાંડો, ને આ ભણેલાંએ ભેળાં થઈને દીધાં એને દેવીનાં પદ. જોવે છોકરૂં, ને સાંપડયાં સભા સભલાં ! મેં તો તે દિ’જ નહોતું કહ્યું ! ને બાપલા મારા ! સભાને લાયક આ ડાચું નોય : ને આ બાઈ ને સૌ મળી સરોજની નૈડુ બનાવે છે તે આંધળા હશે ! મોઢું નથી જોતા ? ચાલાકી છે કાંઈ ? અંબાડ છે તેજના ? બોલી શકતી’તી કાંઈ? મોંયેથી જે માખ ન ઉડાડી શકે, એને ચડાવી સરોજની નૈડુને ધાએ. ધાએ જ ચડાવી દીધી છે એને બાપડીને, દવેજી ! બધા ભણેલાઓએ ભેળા થઈને તેજ કે વિભૂતિ જોયા ભાળ્યા વગર ધાએ જ ચડાવી દીધી. ને હવે સૌને એનો મોહ ઘટી ગયો. હવે એને જોવે છે ખોળામાં છોકરૂં. સીધેસીધી, કશા જ વાંકધોંક વગરની વાત છે. આજ તો એને દેવુથી રડશે, પણ પાંચ દા’ડે પાછું એનું હૈયું પેટનું છોકરૂં માગશે; દોટ દેતી આવશે તારા દીકરા પાસે, મનાવવા જાવું નહિ પડે. એક સાડી ય નહિ માગે.’

(૨૫૨) સોમેશ્વર ડોસા તો આ અંધાની વાત પર સ્તબ્ધ થઈ ગયા; ભમરડો ઊંંઘે એમ ઊંંઘી ગયા. અંધાએ બોલવાનું પૂરૂં કર્યું ત્યારે માસ્તરને થયું કે એ વધુ વાતો કરે તો સાંભળતાં થાકું નહિ. ઉપરથી જંગલી ને નિષ્ઠુર ભાસતી આ વર્ણન-છટાની વચ્ચે મઢાઈ ગયેલું કંચન વહુનું ચિત્ર વધુ ને વધુ કરૂણાર્દ્ર, વધુ ને વધુ વાસ્તવિક, વધુ ને વધુ સુંદર બનતું ગયું. આજ પર્યંત એ અપરાધિની લાગતી, આજે એ ’ધાએ ચડી ગયેલી’, નિરપરાધી દેખાઈ. ને એને ધાએ ચડાવવાની પહેલ કરનારો કોણ ? પોતાનો જ પુત્ર !

’ઉતાવળ ન કરવી દવેજી !’ માસ્તર જ્યારે ત્યાંથી ઊંઠ્‌યા ત્યારે અંધે ચેતવણી આપી; ચૈત્ર વૈશાખનાં દનૈયાં જેમ જેમ તપે છે ને ભાળ્યું, તેમેતેમ જ મે વધુ વરસે છે. માણસના હૈયાનું પણ એવું જ સમજવું. અમારે જુવાનીમાં વીરસુતની મામી રિસાતી, ત્યારે હું દનૈયાં તપવા દેતો, જો દવેજી ! મારા બાપા જ વીરસુતની મામીને એને પિયરે મૂકી આવતા ને પછી દનૈયાં તપવા દેતા; પણ પાછા ઘોડીએ ચડીને વખતોવખત ખબર કાઢી આવતા : ભેંસના દૂધના ખાસા દૂધપેંડા વળાવીને ડબરો દઈ આવતા, એ બધું જ કરતા, પણ તેડી આવવાની વાત કરતા નહિ. સામેથી કહે તો જવાબ વાળે કે ’એવી તે શી ઉતાવળ છે ! હજુ તો બાપડી નાની છે, ભલેને માવતરના ખોળામાં બે મહિના વિસામો ખાતી !’ આખર વીરસુતની મામી પોતે ઘૂમટો કાઢી, બહાર રંગ ઊંખડેલી ચૂડલિયાળા ને હાથ કાઢી, મારા બાપને હાથ જોડીને પગે લાગીને બોલી કે ’બાપુજી ! આવવું છે’ - આ ત્યારે પછી લઈ આવ્યા. ને એમ પાછી આવેલી વીરસુઅતની મામી ઉમળકાની અટાણે હું શી વાત કરૂં ! કેવી સુખી થઈને રહેતી ! પણ મેં ય જો ધાએ ચડાવી હોત તો ? તો શું થાત ? કોણ જાણે ? વિશંભરનાથ જાણે.’

(૨૫૩) અટાણે તો એ આંહીં નથી, ઈશ્વરને ધામ જઈ બેઠી છે, પણ યાદ કરૂં છું ત્યારે સુખના શીળા શેરડા પડે છે, દવેજી ! અમે કાંઈ માણ્‌યું’તું !’ ’ઓ-હો-હો-હો-’

’લે હવે વાયડો થા મા વાયડો , જાની ! મારાં સાળાંની જાની માતર વાયલ ! એક રેલોય નહિ હોય, ત્યાં સો સાપ જોયાની વાતું કરનારા ! ઠેક, પત્યું. જો ત્યારે, હું ઉતાવળ નહિ કરૂં.’

’તેમ પછા ટાઢાબોળ થઈને ચકલી ઊંડી જાવા ય ન દેતા.’

’ડાયો કાંઈ !’

’આવડવું જોયે ભાઈ, દેખાવ કરવો સમતોલ ડાંડીનો, ને જોખી આપવી પાશેર ઓછી ધારણ, એજ ખૂબી છે ને ધંધાની.’

સોમેશ્વરે ચાલ્યા જઈ છાનામાનાં લપાઈને જોયું તો અંધાનાં નેત્રો આકાશ ભણી ઊંંચાં થઈને બેઉ લમણે આંસુની દડ દડ ધારો વહાવી રહ્યાં હતાં.

માણસ જેવું માણસ : બગડેલું , સડવા માંડેલું ને ગંધ મારતું, તોયે માણસ : રખડુ ઢોર નહિ પણ રખડુ માણસ : અને પાછું મારા ઘરનું માણસ : અને તેય પાછું બાઈ જેવું બાઈ માણસ : એને હું સાજું નરવું કરીશ.

આવા વિચાર લઈને, બુઢ્‌ઢા સોમેશ્વર જ્યેષ્ઠારામ સાથે વાતો કર્યા પછીના વળતા સવારે દેવુની ઈસ્પિતાલનાં પગથિયાં ચડતા હતા.

બદબો આવતી હતી. પરૂ પાસનાં ડબલાં લઈ રૂપાળી નર્સોના સ્વચ્છ સુગંધી હાથ પસાર થતા હતા. મરવાની અણી પર સૂતેલાં રોગીઓને ઉપાડી ઝોળીઓ આવતી ને જતી હતી. ચીસો ઊંઠતી હતી.

(૨૫૪) રોગી સ્વજનોનાં બિછાનાં પાસે ઊંભાં કે બેઠાં આપ્તજનો આંસુડાં પાડતાં હતાં. સુવાવડીઓના વેદના-સ્વરો, અકળ બિમારીમાં પિડાતાં બાળકોના આર્તસ્વરો, અને કેન્સર જેવાં અસાધ્ય દર્દોની વેદનામાં ’મારી નાખો ! ઝટ મને મારી નાખો ડાકટર !’ એવો છુટકારો પોકારતાં બિમારોના હાહાકારો :-

તેની વચ્ચે દાક્તરો અને નર્સોના પ્રસન્ન ચહેરા ચાલ્યા જાય છે : સ્વસ્થતાપૂર્ણ પગલાં મડાયે જાય છે : બગડેલા હાથો ધોવાય છે : નાક મચકોડાતાં નથી : મોં સુગાતાં નથી : ચીડ ચડતી નથી : બદબો અકળાવતી નથી : અને મરતાંને પણ આશ્વાસનો અપાય છે કે ’મટી જશે હો કાકા ! હવે તો દર્દ નાબૂદ થઈ જવા આવ્યું છે. ગભરાઓ ના હો કાકા !’.

ડોસો સોમેશ્વર જરાક ફિલસૂફ ખરો ને ? એટલે એણે આ દેહના રોગવાળી વાત માનસિક રોગોને તત્કાળ લાગુ પાડી દીધી. પગથિયાં ચઢી રહ્યો તેટલી વારમાં તો એને કોણ જાણે કેવું ય અભિમાન ચડી ગયું કે એની વળેલી કમ્મર ટટ્ટાર થઈ. ને રોજ પોતાની રમૂજ કરનારી નર્સોને એણે આજ સુધી બહુ મન મોં નહોતું દીધું તેના બદલે આજે એ હાથ પગ જોડી પગે લાગ્યો : ને કહ્યું, ’હદ કરો છો માતાઓ ! તમે પણ અવતાર ધન્ય કરો છો. સડેલાંને સુધારો છો, મૂવેલાંને જિવાડો છો. અને અમે -અમે તો જરાક વહેમ પડયો કાંઈક-કાંઈક -થયું કે ભાગી છૂટીએ.’

‘્‌રીર્ ઙ્મઙ્ઘ દ્બટ્ઠહ જીીદ્બજ ર્ં રટ્ઠદૃી ર્ખ્તહી ષ્ઠટ્ઠિડઅ, ર્દ્ગ ન્ૈડડઅ !’એક ખ્રિસ્તી નર્સ, બીજાને કહેવા લાગી. (આ બુઢ્‌ઢાનું આજે ચક્કર ભમી ગયું છે, નહિ લીઝી ?)

’નહિ, ર્દ્ગ ષ્ઠટ્ઠિડઅ. મ્ટ્ઠિર્દૃ ર્ં ર્એ ટ્ઠઙ્મઙ્મ ! ’ પોતાના ગામમાં પંદર વર્ષ પૂર્વે અંગ્રેજી પહેલી ચોપડી એ ભણવતા ડોસાએ તેનું કાળ

(૨૫૫) કટાયેલું અંગ્રેજી માંડ માંડ પોતાની મદદે આણીને કહ્યું, અને ધન્યવાદ દર્શાવવા બે હાથના પંજા એ નર્સોના ખભા સુધી લઈ જઈ અડક્યા વગર પાછા ખેંચી લીધા.

’થેન્ક યુ દાદા ! એ થાઉઝન્ડ થેંન્ક્સ !’ કહેતી નર્સે તો ડોસાના ખભા પર પોતાનો હાથ થાબડી નાખ્યો ને ડોસા ’નહિ, નહિ, હાં હાં.’ કહેતા દૂર થઈ શકે તે પૂર્વે તો એક બીજી એન્ગ્લોઈન્ડિયન નર્સ ડોસાને ’લેટમી કીસ યુ ઓલ્ડ મેન !’ કહેતી પાછળ દોડી, - એ વિપત્તિમાંથી આ વૃદ્ધ વિધુર બ્રાહ્‌મણે પોતાના દેહને મહામહેનતે બચાવી લીધો.

પણ પોતે દેવુના ઓરડા પાસે ગયો કે તરત ખસિયાણો પડયો. દ્વારમાં જ ઊંભી ઊંભી કંચન આ તમાશો જોઈ ચૂકી હતી. એણે મોં ફેરવી લીધું. પણ પથારીમાં પડેલો દેવુ એ મોં પરની દીપ્તિને દેખી ક્ષીણ સ્વરે પૂછતો હતો કે ’દાંત કેમ કાઢો છો બા ?’

’તોબા બાપ ! તોબા આ વાંદરીઓથી તો !’ બોલતા બોલતા દાદા દેવુના ખંડમાં આવી પહોંચ્યા; અને પોતાની ખસિયાણી હાલતનો બચાવ કંચન પાસે કરવા માટે એની જીભ થોડાં ફાંફાં મારવા લાગી : ’છે કાંઈ સૂગ એને ! સૂગાય તો કાંઈ માણસોને જિવાડાય છે બાપુ ! ધન્ય છે એની સહનશીલતાને ! રંગ છે એના મનની મોકળાશને. ફૂલફ્ટાકીઆ જેવી, પણ કેવી નરકમાં પોતાની જાતને રગદોળે છે!’

પછી તો દાણો દાબી જોવાની શરૂઆત માંડી : ’દેવુ ! તારી બા બહુ સુકાઈ ગયાં છે. મને કાંઈ આવું ગમતું નથી બાપુ ! જુવાનજોધ માણસે સમાયેં ખાવું પીવું જોઈએ. આવું શરીર કરી નાખીને આંહીં પડયાં રહે એનો ઠપકો પાંચ માણસ મને જ આપે

(૨૫૬) ને ! એને કોઈ નહિ કહે, કહેશે તો સૌ મને ને, કે તું ઘરડો આખો ઊંઠીને પોતાના ઘરના માણસનું શરીર ન સાચવી શક્યો ! તુંને શંભુ એ ઘડપણ દીધું છે શા સાટુ, પડયા પડયા વહુવારૂના હાથની ફળફળતી રસોઈ જ ખાઈ બગાડવા સારૂ ! તું ઘરડો આખો શું આંધળો હતો, કે દીકરાની વહુના શરીરની સુકવણી થતી’તી તોય જોઈ ન શકયો !’

દાદાના આ શબ્દોની જે રંઘોળી કંચનના ગાલ પર અને આંખોમાં પુરાયે જાતી હતી તે દેવુ પડયો પડયો નીરખતો રહ્યો. ને દાદા પોતાની પૂત્રવધુના મનોભાવોનું પ્રતિબિમ્બ, દેવુંની પથારીની પાંગતે બેઠા બેઠા, દેવુની આંખોમાંથી જ ઉકેલતા હતા.

દેવુની આંખો કહેતી હતી કે, નવી બા કોણ જાણે શાથી પણ ચમકી ઊંઠેલ છે.

ડોસાની આંખો પણ કંચનના દેહ પર દોડી દોડી ચોમેરે તપાસ ચલાવ્યે જાતી હતી, ખૂણે ખાંચરે પણ પ્રવેશીને પાકી ચોકસી કરતી હતી, કંચનની સાડીનું ઝીણું પોત જેટલું જોવા દઈ શકે તેટલું જોઈ લેવામાં ડોસાનું દુન્યવી ડહાપણ લગીરે શરમ લેખતું નહોતું. આંખો એ શરીર પર એક જ સંદેશો વાંચી આવી કે કંચન કશીક ધાસ્તી સેવે છે.

’કહે તારી બાને દેવુ,’ ડોસા પોરસવંતા સાદે પડકારી ઊંઠ્‌યા, ’કે કંઈ ડર ન રાખે. કોઈના બાપની ઓશિયાળ નથી. આપણે તો આપણા ગામમાં ખાસું મજાનું ખડકીબંધ ખોરડું છે. તે હું ત્યાં તુળસીનું આખું વન ખડું કરી દઈશ. બસ, પછી એ તુળસી માતાની મંજરીઓ ગળાઈને મળનારી હવા - શી વાત કરવી એ હવાની બેટા ! મડાં પણ બેઠાં થાય. કોઈ તમને ટુંકારો ન કરી શકે. તુળસી માની રક્ષા હજો તમને, ને શરીર નરવું કરીને પછી તમે તમારે ઠીક પડે ત્યાં રહેજોને !’

(૨૫૭) કંચનના મુખ ઉપર આ વૃદ્ધને વેણે વેણે કોઈ અકળ કાળી છાયા ઘોળાતી હતી. એ હા કે ના ક્શું કહી શકતી નહોતી.એણે ફક્ત દેવુના મોં સામે જ ગર ટગર નિહાળ્યા કર્યું. દેવુ એને પૂછતો હતો તેનો એ જવાબ આપતી નહોતી. એના મોં પર બાઘામંડળ છવાઈ ગયું. તે દિવસ તો એ જવાબ આપ્યા વગર જ ચાલી ગઈ.

ત્રણ ચાર દિવસો ગયા, ડોસા રોજેરોજ એની એ વાત મૂકે, નિયમિત હાજરી આપતી કંચન એ સાંભળીને મૂંઝવણભર્યા મોંએ બેસી રહે. ન હા કહે, કે ન ના કહે.

પાંચમે દિવસે કંચન ફક્ત એટલું જ બોલી. ’એમની રજા લીધી છે ?’

’કોની વીરસુતની ?’ ડોસા હસી પડયા : ’એમાં એની રજા શા માટે ? મારે ઘેર - તમારે પોતાને ઘેર - તમને લઈ જવાં એમાં એની રજા ! ના. ના. હું એવો પડી પેપડીનો ખાતલ બાપ નથી. હું કાંઈ એની કમાણી પર નીભતો નથી. ઘણું જીવો મારી સરકાર ! તે મને પંદર રૂપિયાનું પેન્શન પૂરે છે. મારા ઘરનો હું મુખત્યાર, એના ઘરનો એ ભલે માલિક રહેતો. પૂછ્‌યું છે મારા ગામમાં કોઈ બે પગે હાલતલ માણસને, માસ્તર કેવા ગર્વિષ્ઠ માણસ છે ? પૂછો તો ખરાં, તમારો સસરો પોતાના ગામમાં કેવો માનતંગી ગણાય છે ! અરે આપણે સ્ટેશને ઊંતરશું ને, કે તરત જ તમને જણાઈ આવશે, હું મજુરને એક આના વગર ઘા ન કરૂં! હું બીજા બ્રાહ્‌મણોની પેઠે મફત ન ઉપડાવું હો વહુ ! હું દાગીને દાગીને ફદિયું ચૂકવવાની ધડ ન કરૂં. હું પેટમાં ભલે કોરૂં ખાઉં, પણ સ્ટેશનના મજૂરને તો ધડ દઈને દાગીને આનો ફગાવી દઉં. જોજોને તમે, સ્ટેશને સોમેશ્વરદાદાનો સામાન ઉપાડવા પચીસ બાઈઓની પડાપડી થાય છે કે નહિ ?’

(૨૫૮) કંચનને સસરાની આ બાલકવત્ બડાઈખોરી બહુ જ ગમી ગઈ. ડોસો એને વધુને વધુ વહાલો થયો. પોતે પણ એવી જ ગમાર હતી તેથી ? કે પોતે એક મા બનવા સર્જાયેલી સ્ત્રી હતી તેથી ? પોતાના દેહમાં એવું શું સળવળતું કે જેના કારણે આ વૃદ્ધના બબડાતો એને પ્રિય લાગ્યા.

ડોસાએ ફક્ત એટલું જ જોયું કે કંચનનો દેહ જેમ સસલું કમ્પે તેમ સાડીની અંદર કમ્પતો હતો.

’હું તો કહું છું કે થઈ જાઓ તૈયાર !’ ડોસાએ તડાકા ચાલુ રાખ્યા; ’દેવુને આંહીંથી રજા મળે કે પરબારા આપણે પહોંચીએ સ્ટેશને. હું તો કહું છું કે એક વાર તમારા આ અડીખમ સસરાનો કેવો છાકો પડે છે તે તો જોઈ જાઓ ! મારે કાંઈ દીકરાની સાડીબાર નથી, મને ઓરતો તો એટલો જ છે કે મારા દીકરાની વહુવારૂઓ મારી જાહોજલાલી અને મારી જમાવટ જોઈને આંખો ઠારતી નથી.’

કંચનને હમેલ !

કંચન તે દિવસે પણ ચાલી ગઈ. અને સાંજે જ્યારે ડોસા ઘેર જમવા ગયા, ત્યારે તેણે એક પોલીસ ઓફિસર જેવા દેખાતા મણસને ઘરની બહાર નીકળતો જોયો.

’આ તમારા પિતા કે ?’ બહાર નીકળતે નીકળતે એણે વીરસુતને પૂછ્‌યું.

’હા.’

’એમને પણ ચેતાવી રાખજો.’

’વારૂ.’

વીરસુત એને વળાવીને પાછો ફર્યો ત્યારે ડોસાએ હાથપગ ધોઈ કરીને પાછલી પરશાળની બેઠકમાં બેઠ બેઠે પુત્રને વાત કરી.

’તેં સાંભળ્યુંને ભાઈ, વહુ હમણાં હમણાં દવાખાને રોજ બે વાર આવે છે.’

’હા !’

’શરીર બહુ નખાઈ ગયું છે.’

(૨૬૦) ’હશે !’

’મેં કહ્યું કે હવાફેર કરવા દેશમાં ચાલો, તો કહે વીરસુતની રજા જોઈએ.’

’તમારે શા માટે એ વાતમાં ઊંતરવું જ જોઈએ ?’

’ના-એમ કાંઈ નહિ- મારે તો કંઈ નથી - પણ-નરમ ઘેંસ જેવી થઈ ગઈ છે હો ભાઈ ! ને તારો જનમારો આમ એકલ પંડે ક્યાં સુધી કપાશે ?’

’બાપુજી, એની વાત પર ચોકડી મારો.’

’એકડો મૂકી શકાય એવી મને આશા છે ભાઈ !’

’વધુ વાત નથી કરવી. આંહીં હમણાં જ પોલીસ અમલદાર અવેલો. તેણે શું કહ્યું ખબર છે ?’

’શું ?’

’ભયાનક ! બાપુજી, છેટે રહેજો એ સ્ત્રીથી, નીકર ફસાઈ પડશો.’ વીરસુતે પોતાના બે હાથનો ખોબો વાળી મોં પર ઢાંકી દીધો.

’પણ શું છે એવડું બધું.’

’એને ઓધાન છે ચાર મહિનાનું. ને એ પડાવવા મથે છે.’

વૃદ્ધનું મસ્તક, ગરદન પર કોઈકે ઝાટકો લગાવ્યો હોય તેમ, છાતીએ ઢળ્યું.

એકાએક આંખો પરથી હાથ ઉઠાવી લઈને વીરસુતે ઊંંચે જોયું. એના મોં પર કુટિલ ઉલ્લાસ હતો. એ ઊંભો થઈ ગયો. એણે ખીંતી પરથી કોટ ઉતારી પહેરવા માંડયો.

(૨૬૧) ’ક્યાં જવું છે ભાઈ ?’ પિતાએ ચિંતાભેર પૂછ્‌યું.

’વકીલ પાસે. હવે મોકો આવી ગયો બાપુજી ! મારા છુટકારાની ઘડી આવી પહોંચી. હું એની સાથેના લગ્નબંધનથી હવે કાયદાની મદદ લઈ છૂટો થઈ શકીશ. છુટાછેડાનો કાયદો જે એક જ વાત માગે છે તે મને મળી ગઈ.’

’ઊંભો રહે, જરા થોભ. થોડી વાર હેઠો બેસ ભાઈ !’

’શું છે, કહો. ’

’આપણે વિચાર કરીએ.’

’વિચાર તો હું એક વર્ષથી કરતો હતો.’

’એક બે દિવસ વધુ વિચાર કરીએ. આનાં પરિણામ વિચારીએ. આમાં કોની જાંઘ ઉઘાડી થાય છે, આપણી પોતાની કે બીજા કોઈની, તે વિચારીએ.’

’સડેલી જાંઘ હરકોઈની હોય, આપણી પોતાની હોય તો પણ ઉઘાડી કર્યે જ આપણું શ્રેય છે.’

’તારી ભૂલ છે ભાઈ ! સડેલી જાંઘના ભવાડા ને દેખાડા ન કરાય. એના ઉપચાર એકાંતે અને ગુપ્તપણે જ શોભે.’

’હું આવાં લગ્નોની આખી સંસ્થા પર જ આક્રમણ કરવા માગું છું, બાપુજી ! હું મારી જાતને જ દૃષ્ટાંત બનાવીને સૌને ચેતવનાર છું. આ સ્વયંવરની માછલાંજાળ, આ મિત્રધર્મની હરામખોરી, આ મુક્ત જીવનની દાંભિકતા, એ તમામને હું ઊંઘાડાં પાડીશ.’

’રહેવા દે ભાઈ, રહેવા દે, એ વીરતા અહીં ઘરની અંદર જ સારી છે. દુનિયા વચાળે જઈને જેવો તું ઊંભો રહીશ ને, તેવાં જ

(૨૬૨) તારાં શૌર્ય હેઠાં બેસી જશે. ને મને તું મારી રીતે કામ લેવા દે, તારા જ્યેષ્ટારામ મામાને પણ પૂછી જોવા દે. એ ડાહ્યું માણસ છે; એ માર્ગ દેખાડશે. બાકી બાંધી મૂઠી ઉઘાડી પડી ગઈ, પછી દુનિયા તો ફરી તારી છાતી માથે જ ચડી બેસશે ભાઈ! એક વર્ષ પૂર્વેનો અનુભવ યાદ કર. આપણે જ્યેષ્ટારામને પૂછીને પાણી પીએ.’

પાછલી પરશાળના જમણા પાર્ટીશન પાછળથી એક અવાજ આવ્યો. ’ગમ ખાવાની ટેવ નહિ ના ! હે-હે-હે-હે-બધી વાતમાં તડ ને ફડ કરવાની જ ટેવ હે-હે-હે-હે.’

આ હાસ્યભર્યો સ્વર અંધા દવે જ્યેષ્ટારામ મામાનો હતો.

’ઓ જો બોલ્યો તારો મામો. સાંભળી ગયો લાગે છે. બોલાવું ? અલ્યા જાની, જરા આંહીં આવ તો.’

જ્યેષ્ટારામે હળવે પગલે, કશી જ ઉતાવળ વગર ખોટેખોટો હાથ દીવાલે મૂકતે મૂકતે, ને એક બે લથડિયાં ખાતે ખાતે, આવી પહોંચીને નીચે બેસી જઈ, અંધાપાનો વેશ કરતી આંખોના મચકારા મારીને પરભારી એક વાર્તાની જ શરૂઆત કરી દીધી-

’અમારા ગામમાં જુગલકિશોરની દીકરા-વહુને, દીકરો પાંચ વર્ષથી આફ્રિકા ગયેલો, તેની ગેરહાજરીમાં, આ જ રીતે પગલાં આઘાંપાછાં પડી ગયેલાં. પછી મને તેડાવેલો. આવી બાબતમાં આંધળા માણસનું ધ્યાન વધારે પોંચે. મને તેડાવ્યો ફાગણ શુદ પાંચમની રાતે, મારે જે સલાહ દેવી’તી તે દેઈને હું ઘેરે આવ્યો, ને વળતા દિ’ને પરોડિયે તો ભાઈ વીરસુત, તારી મામીને બાયડીઓ તેડવા આવી કે હાલો આભડવા, જુગલકિશોરના દીકરાની વહુ પાછી થઈ ! મેં ઉચ્ચાર્યું કે ’શિવ ! શિવ ! કેવી દૈવગતિ ! બાપડીને પૂનમે તો ધણી પાસે આફ્રિકા મોકલવી હતી. પોટુગરાપ પણ લેવરાવી લીધો’તો, ને પાસપોટ

(૨૬૩) પણ કઢાવી વાળ્યો’તો. આમ બોલીને હું પણ જુગલકિશોરને ઘેર જઈ પોકેપોકે રડયો’તો. બાઈ બાપડી મારેય નજીકની ભત્રિજી થતી’તી ! શું કરીએ ભાઈ ! માનવ-દેહ તો રામચંદ્રજીના કાળમાં ય ક્ષણભંગુર હતો ને ! જુગલકિશોરને પકડારીને મેં ઊંભો કર્યો’તો તે દા’ડે, કે દીકરા જેવી વહુનું જીવતર જેવું ઊંજળું હતું તેવું જ હવે તું બાપ ઊંઠીને તેનું મૃત્યુ ઉજાળ મૂરખા ! ખબરદાર, જો વહુની ચેહ પર છાણું પણ લગાડયું છે તો. ઘીએ ને સુખડે બાળવાં છે. અને પુણ્‌ય કરવામાં પાછું ન જોતો હો જુગલા જાની ! આ એમ કહી બે ડબા બાઈની ચિતા પર બળાવ્યા મેં, ને બે ડબા પોલીસ-થાણે પોંચાડયા. તેરમાને દા’ડે તો આફ્રિકે બેઠેલ દીકરાનું મોં સરખું ય જોયા વગર પચીસ ઘરનાં શ્રીફળ આવી ઊંભાં. આમ, ભાઈને કહું કે રસ્તા તો અનેક છે, સમતાનાં ફળ મીઠાં છે, મૂળ વાત તો આપણા ઘરના માણસને હાથ કરી લેવાની છે. તે પછી આપણા ઘરને ખૂણે આપણે શું કરવું ને શું ન કરવું તે તો આપણા હાથની વાત છે ને ! રસ્તા તો અનેક છે- એક જ રાતમાંય માર્ગ નીકળે, ને પંદર વીસ દા’ડાની મુદ્દત પણ નાખી શકાય.’

આટલું વ્યક્તવ્ય, બજારની વસ્તુના ભાવતાલની વાત કરતા વેપારીની ઠાવકાઈથી, એકસામટું પૂરૂં કરીને જ્યારે જ્યેષ્ટારામ મોંના દાંત ભીડીને હસતો હસતો ઊંંચે જોઈ રહ્યો, ત્યારે એનાં ગલોફાંમાં દેખાતા રહ્યાસહ્યા દાંત ભોંયરામાં લપાયેલા ડાકુઓ જેવા ભીષણ ભાસ્યા.

’ઠીક જાની ! બહુ થયું ! જા ભા જા !’ વીરસુતના પિતાએ મૂંગો ઠપકો દઈને સાળાને વળાવ્યો.

’ના રે ના, કાંઈ ફીકર નહિ, એમાં ક્યાં હું દૂબળો પડી જાઉં છું બાપા ! ને વળી મેં એક નીંદર તો કરી પણ લીધી છે. જરૂર

(૨૬૪) પડે તો બોલાવજો. હું તો નાખોરાં ઘરડતો હોઉં ત્યારેય સાદ સાંભળી શકું છું. બિલાડીનાં પગલાંય મને ભરનીંદરમાં સંભળાય છે. ને કશી ફીકર નહિ. માણસને માણસનું કામ ન પડે ત્યારે કોનું, ઢોરનું પડે ? સાદ કરજો તમતમારે. મારી ઊંંઘની ચંત્યા કરશો નહિ.કહી રાખું છું.’

’ચાલ ભાઈ ચાલ, તને ઠેકાણે પહોંચાડી જાઉં, નીકર ક્યાંય અથડાઈ પડીશ.’

એમ કહીને સોમેશ્વર સાથે ગયા. પોતાને સ્થાને પહોંચીને અંધાએ બનેવીને કહ્યું :

’નરાતર જૂઠ હો દવે જી ! અક્ષરે અક્ષર ગોઠવી કાઢેલો. પણ ભાણાને તો મધ જેવું લાગ્યું હશે ને !’

’જા જા રાક્ષસ ! ભણેલા ગણેલા એ તારા ભાણેજમાંથી મનુષ્યત્વ જ નીકળી ગયેલું કલ્પછ ?’

’કલ્પતો નથી. એ ભણેલો છે એટલે જાતે હત્યા કરી કે બીજા પાસે કારસ્તાન કરાવી શકતો નથી. પણ એના અંતરમાં તો ખૂન જ વરસતું હશે દવેજી ! પૂછો જઈને કરો ખાતરી.’

’પછી ?’

’ફકત કોરટે જતો અટકાવો, આપણે વહુને લઈને વતનમાં પહોંચીએ, પછી જોયું જશે.’

’તારી મતલબ શી છે ?’

’પુત્રવધૂને પાછી સ્વસ્થાને સ્થપાયેલી જોવાની.’

’પણ આ એનું પાપ ?’

(૨૬૫) ’આ કાંઈ પૃથ્વી ઉપર પહેલું જ પાપ થોડું છે જાનીજી ? મનુ મહારાજે સમાજરચના બાંધી તે પછીનું તો એક કરોડને એકમું પાપ હશે. એમાં ય પાછાં ઘણાંખરાં તો બામણવાડા ખાતે જ જમે સમજવાં. વધુ પાપમાંથી બચીએ છીએ તે તો અકસ્માત છે, સંજોગોના અભાવનું પરિણામ છે; સાંજોગો મળે તો તો તારો વીરસુત પણ વિચારવા રોકાય તેમ નથી.’

’શું કહે છે જૂઠાડા ?’

’ઠીક કહું છું, દવેજી ! મારી આંખોનો ઉજાસ કુદરતને હવાલે કરી મેં ખોટનો વેપાર નથી કર્યો. શંભુએ મને અન્ય પ્રકારે જરૂર કરતાં વિશેષ ઉજાસ દીધો છે. હું જાણું છું કે, તારી ભદ્રામાં જો જરીકે કચાશ આવી જશે તો તે દિવસે વીરસુત શું કરી બેસશે.’

’શું કહે છે ?’

’ચમકવું શીદ પડે છે ? મેં કાંઈ દુનિયાને પૂરી જોયા તપાસ્યા વગર આંખ મીંચી હશે ! મેં ન કહ્યું તે દા’ડે, કે કંચન વેશ્યાના ગોખે નથી પહોંચી એ જ એની બલિહારી છે ! એને હમેલ રહી ગયા એ તો મારા બાપલા ! એક કુદરતના ઘરનો અકસ્માત છે. બાકી તો તું ને હું પણ કાંઈ ઓછા ઉતરીએ તેવા નથી.’

’અધમ નહિ તો ?

’અધમપણાની તો હું વાત જ કરૂં છું ને!’

’મુદ્દાની વાત કરને ઝટ ભાઈ ! શું કરવું ? તું શું ત્યારે એમ ઈચ્છે છે કે વહુને હજુય બચાવવી ?’

’જો એ ફરીને સાચેસાચ વહુ બનતી હોય તો.’

(૨૬૬) ’ને વીરસુતનો વિફરાટ ન શમે તો ?’

’એટલે એ શું કરે ?’

’અદાલતે ચડે.’

’તો આપણે સાહેદી દઈએ.’

’કે ?’

’કે આ બાળક બીજા કોઈનું નહિ પણ અમારા વીરસુતનું જ રહ્યું છે.’

’જૂઠી સાહેદી ?’

’જગતમાં કશું જ સત્ય છે ખરૂં ? આપણે તો વીરસુતને આટલો ડારો જ દેવાનો છે ને ?’

’હું પૂછું છું હે જાની ! તને કંચન વહુની આટલી દયા કેમ આવે છે ?’

’દયા મને કદી આવે એમ તમે મારાં કામો ઉપરથી કલ્પી શકો છો દવેજી ?’

’નહિ.’

’તો હાઉં ! આ તો બધા બાપા ! દિલને બહલાવવાના ખેલ છે. બાકી તો તમને ખબર નહિ હોય દવેજી, પણ એક વાત કરૂં, પેટમાં રાખજો એમ કહેવાનું કાંઈ કારણ નથી, કેમ કે ઘણા જાણે છે. વીરસુતની મામીને હું પરણી આવ્યોને, તે દા’ડે બાપડીને ત્રણ મહિના ચડેલા હતા. મારા બાપે જ મને કહેલું કે મૂંગો મૂંગો પરણી આવને ભાઈ ! બામણીની દીકરીનો આત્મા આશિષ દેશે તો ઘરનાં (૨૬૭) તુળશી લીલાં રહેશે. આ એમ છે બધી બાબસ્તા. મને કે એને જાણે કોઈએ માર્યાં ઝૂડયાં ? વગોવ્યાં ? ગાળભેળ દીધી ? નાતમાંથી તારવ્યાં ? ચોળીને ચીકણું તો આપણે જ કરીએ છીએ ને પછી કહીએ છી એ અધધધ...........!

’ઠીક ! મૂંગો મરી રે’જે હવે ભાઈ ! ને વીરસુત ન માને તો મારી ભેરે રે’વા તૈયાર બેસજે.’

’બીજી કઈ તૈયારી મારે કરવી છે ? આંહીં થૂંકું છું તેને બદલે હવે વળી તું લઈ જઈશ તે જગ્યાને બગાડીશ. મારે થોડું ઉપાડવું છે ! મને ક્યાં મૂતરાળાં ગોદડામાં નીંદર નથી આવતી ? તૈયાર છું.’

અસત્ય એ જ સત્ય

દેવુને દવાખાનું છોડવાના પ્રભાત પૂર્વેની સાંજ આવી પહોંચી. તે દરમ્યાન એ અને કંચનબા બેઉ દોસ્તો જેવાં બની ગયાં હતાં. કંચન પોતાની નોકરી છોડી દઈને દવાખાને જ પડી પાથરી રહેતી હતી. પગથિયે પગ મૂકતાં જ એના ટાંટિયા ધ્રૂજતા, છતાં ત્યાંને ત્યાં જ આવ્યા કરતી. કારણ કે એને જવાનું કોઈ ઠેકાણું નહોતું. ઉપરાંત એને એમ જ લાગ્યા કરતું કે અમુક ચોકસ ચહેરાનો માણસ એ જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ ભમી રહ્યો છે.

સ્નેહીઓનાં ને શુભચિંતકોનાં ઘરોને ઊંંબરે એનું જવું અણપવડતું બની ગયું હતું તેનું પણ એક કારણ તો આ જ હતું. જે ઘરમાં એ પેસતી એની સામેના ઓટલા પર, કોઈક ઝાડની છાંયડી નીચે, અથવા સામી સડક પર એનો એ આદમી આંટા દેતો.

જે સ્નેહી કુટુંબો કંચનની શરીરસ્થિતિથી અજાણ હતાં, તેમને કંચનની પાછળ કોઈ મવાલીઓ ભમત લાગ્યા, પણ તેમણે એ માનેલા મવાલીને ઠેકાણે લાવવાની હિંમત બતાવવાને બદલે કંચનનો જ સત્કાર ઓછો કરી નાખ્યો. ’આવો !’ એટલો બોલ બોલાતો બંધ પડયો એ તો ઠીક પણ ’તમે છો જાણે નવરાં ! એટલે

(૨૬૯) અમે ય શું હાથપગ જોડીને બેઠા રહીએ !’ એટલી હદ સુધીનો જાકાર સાંભળ્યો.

જેને પોતે ગાઢ સ્નેહીસંબંધી સમજતી તેવા એક દિલખુશભાઈના કુટુંબમાં જઈને કંચને ધ્રૂસકાં મેલી રડતે રડતે પોતાની સ્થિતિ પ્રગટ કરી.

આ ઘરનાં સ્ત્રી પુરૂષ બેઉ શહેરના અનાથ-આશ્રમ સાથે સંબંધ ધરાવતાં હતાં અને તેના સમારંભોમાં આવાં ભાષણો પણ કરતાં હતાં કે ’માતાએ ગુહનો કીધો હોય, પિતાએ ગુહનો કીધો હોય, પણ નિર્દોષ જે બાળક ગર્ભમાં આવી બેઠું હોય તેનો શો અપરાધ ! એવાં બાળકોની ગર્ભધારિણીઓએ તો છાતી કાઢીને પ્રકટ થઈ જવું જોઈએ. એવી સભર્ગાઓને કલંકિત કહી કહી બાળહત્યાને માર્ગે ધકેલવાને બદલે આશ્રય આપી પ્રસવ કરાવવો જોઈએ.’ વગેરે વગેરે.

’હું પ્રક્ટ થઈ જવા માગું તો ?’ કંચને વરવહુનાં ઊંતરી ગયેલાં મોં સામે દયામણી આંખે તાકીને પૂછ્‌યું :

’તે તો તમે જાણો બા ! અમે કશી યે સલાહ ન દઈએ !’ ઘરધણીએ બેઉ હાથને બની શક્યા તેટલા પહોળાવીને કહી દીધું.

’હું બીજું કશું નથી માગતી.’ કંચને ગદ્‌ગદદિત કંઠે કહ્યું, ’મને આ પોલીસના છૂપા પહેરામાંથી બચાવો.’

’અમે શી રીતે બચાવીએ !’ સ્ત્રી પણ અકળાઈને બોલી ઊંઠી : ’અમને જ તરત છાંટા ઊંડે કે બીજું કંઈ !’

’હું જરા બહાર જઈ આવું.’ કહીને દિલખુશભાઈ પોબાર ગણી ગયા. ને સ્ત્રી નાવા ગઈ ત્યાંથી કલાકે પણ પાછી નીકળી નહિ.

(૨૭૦) કંચને એ ઘર છોડયું ત્યારે પાછાં પતિપત્ની મળીને પોતાનું વ્યાવહારિક જ્જ્ઞાન મીંડવવા લાગ્યાં : એ વાતો કંચને બારી પાસે ઊંભીને સાંભળી. પતિએ કહ્યું :

’આપણને કંઈ બીજો વાંધો નથી, આપણે કંઈ એને પાપિણી કહેતાં નથી, પણ આપણી સાથેનો જૂનો સંબંધ રહ્યો, એટલે તો આપણે જ ઝપટાઈ જઈએ ને !’

પત્ની બોલી : ’અરે, તમે લગાર વધારે રસ લેવા લાગો એટલે સૌ એમ જ માની લેશે કે તમે જ જવાબદાર હશો !’

’બીજા તો ઠીક પણ તું પોતે ય વહેમાઈ પડે ને ક્યાંક ! મને કંઈ બીજાનો ડર નથી.’

’બળ્યું ! આપણે સ્નેહીસંબંધીઓના પ્રશ્નોથી છેટા જ રહેવું સારૂં. સેવા કરવી તો અજાણ્‌યાંની જ કરવી.’

’એ તો મેં પહેલેથી જ એ ધોરણ રાખેલ છે. જે આવે તેને કહી દઉં છું કે હું કશું ના જાણું. તમને સૂઝે તેમ કરો. ઓ રહ્યો અનાથાશ્રમનો રસ્તો. બીજી કશી લપછપ નહિ. ધરમ કરતાં ધાડ થાય બા !’

વાત પૂરી થઈ એટલે કંચને પોતાના દેહને ધકેલી ધકેલી રસ્તે ચાલતો કર્યો.

ધરમ કરતાં ધાડ થાય માટે ધરમ કરવો તો આવડતભેર કરવો, એવા સ્નેહી જનોના સિદ્ધાંતની નક્કર ભૂમિને આશરેથી પાછી વળેલી કંચન દેવુની પાસે જતી, અને દાદા તથા ભદ્રા બેઉ જ્યારે સાંજે ઘેર ચાલ્યાં ગયાં હોય ત્યારે દેવુના બિછાનાને પાછલે ખૂણે બેસીને પોતાની થેલીમાંથી છાનીમાની કંઈક ખાતી. એ વખતનો એનો

(૨૭૧) દેખાવ કોઈ નીંભર, આત્મવિસ્મૃત, જડ ખાઉધરીનો બની જતો. જાણે કોઈ દુકાળિયું !

પોતાની પાછળના ખૂણામાંથી દેવુને કોઈ વાર જમરૂખની વાસ આવતી તો કોઈ વાર મૂળાની. કોઈ કોઈ વાર ભજિયાં પણ ફોરતાં. ખાતી કંચનના મોંના ભયાનક બચકારા સંભળાતા.

દેવુને નવી બાના આ વિલક્ષણ સ્વાદોનું કુદરતી રહસ્ય સમજવાને વાર હતી. દાદા કે ભદ્રાબા આવે ત્યારે દેવું છાનોમાનો કહી દેતો કે ’કંચન બા બહુ ભૂખ્યાં થતાં લાગે છે.’

ડોસાનું મગજ જ્યેષ્ટારામની સલાહ અને કંચન પ્રત્યેના તિરસ્કારની વચ્ચે ડામાડોળ હતું. એમાં જ્યારે એણે દેવુ પાસેથી આ સમાચાર જાણ્‌યા ત્યારે એને કાળ પણ ચડી ગયો. આટલી બધી નિર્લજ્જ ! આંહીં બેઠી બેઠી આવી ચીજો ચાવે છે ! પોતાના આચરણની એને લજ્જા કે સંતાપ પણ નહિ હોય ?

પણ એક દિવસ ડોસા કવેળાએ આવી ચડયા. કંચન ખૂણામાં પીઠ વાળીને બેઠી બેઠી કશુંક બુચકાવતી હતી, ડોસા સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા. એણે જગતની સકળ કરૂણતાઓની અવધિ દીઠી. ગર્ભધારિણી યુવતી જાણે કોઈ ચોર , બદમાશ, ડાકણ જોય તેમ ચકળવકળ જોતી જોતી, ફડકો ને ફળ ખાતી ખાતી શું ચાવતી હતી ? ગાજર ને મોઘરી.

એકાએક એણે ડોસાનો શ્વાસ સાંભળ્યો. ઝબકીને પાછળ ફરી. ડોસાએ સન્મુખ નિહાળી. કંચન સીધી સટ સામે જોતી બેસી રહી. એના ચહેરા પર જે શૂન્યતા હતી, જે જડતા ને નિષ્પ્રાણતા હતી, જે મરણિયો ભાવ હતો, તેણે જ ડોસાને પરાસ્ત કર્યો.

(૨૭૨) વૃદ્ધ સોમેશ્વરે તે દિવસ રાતે વીરસુતની ગેરહાજરીમાં ઘર આગળ ભદ્રા વહુને પોતાની નજીક બોલાવીને બનાવટી હાસ્ય છોડતે છોડતે કહ્યું :

’તમે આટલાં ડાહ્યાં, આટલાં સુજાણ, પણ મને તો વાતે ય કરતાં નથી ના?’

’અનસુ !’ ભદ્રાએ લાજનો ઘૂમટો આડો રાખીને, દૂર રમતી, પૂરી બોલી ન પણ જાણતી અનસુના ઓઠાને આશરે સસરાને જવાબ વાળ્યો : ’પૂછ તો દાદાજીને, શેની વાત ?’

’વીરસુત કંચન વહુને આંહી ક્યારેક ક્યારેક બોલાવે છે તેની ! બીજા શેની વળી ! તમે જ બેઉનાં મનનો મેળ જોડો છો ને મને પાછાં છેતરો છો કે બેટા ? હે-હે-હે-હે.’

ભદ્રાને ખબર ન પડી કે સસરાના ઉદ્‌ગારો પાછળ શી મતલબ છે, શું તથ્ય છે, ઠપકો છે કે ધન્યવાદ છે !’

’ના, અહીં તો કોઈ દા’ડો કંચન આવ્યાં નથી.’ એણે હેબતાઈને કહ્યું.

’નાદાન છો નાદાન, બેટા !’ સસરા પોરસ ચડાવી રહ્યા : ’તમે તો ઊંંઘણશી છો કુંભકરણની બેન જેવાં ! ઠીક, મૂકો હવે એ વાત, ને મન સંકોડયા વગર મને વધામણી આપો બચ્ચા !’

’પણ શાની, વધામણી બાપુને પૂછને અનસુ !’

’વહુને મહિના ચડે છે, છુપાવો છો શીદને ! એમ મારાથી છુપાવ્યું છૂપશે કે ? મારી તો શકરા-બાજની આંખો છે બચ્ચા ! તમારે તો ઘણીય દેરાણીને ગાજતે વાજતે ઘેર લાવી કરીને પછી મને કહેવાની ગણતરી હશે, પણ હું કાંઈ ઓછો ખેપાન છું ! હું તમારો બાપ : જેવી દીકરી દુત્તી એવો જ બાપ ખેપાન ! હે-હે-હે-હે-હવે

(૨૭૩) જુવો જાણે, મારા મનમાં જે છે તે તમને કહી દઉં છું. મારા હૈયામાં એક સજ્જડ વહેમ ગયો છે કે, કંચનની આગલી બે કસુવાવડો આંહીં થઈ ગઈ છે, આ ત્રીજીયે મારે બગડવા નથી દેવી. મને આ ઘરનો વહેમ છે. ગમે તેમ તોય બે ય જણાં અણસમજુ કહેવાય. વીરસુતની ય વિદ્વતા તો પોથંપોથા પૂરતી, કેમ વર્તવું કેમ પાળવું એ એને રેઢિયાળને કાંઈ સૂઝે નહિ. માટે તો હું વહુને ઘરમાં પગ પણ મુકાવ્યા વગર કાલે બારોબાર આપણે ગામ લઈ જવાનો છું. છોકરાને મારા માથે ખિજાવું રિસાવું હોય તો છો ખિજાય, ખવરાવજો બે રોટલીઓ વધારે અહીં રહીને; કંચનનું તો મારે બાકીના પાંચ છ માસ શાસ્ત્રીય પદ્ધતિપૂર્વક જતન કરવું છે. જરૂર પડશે એટલે તમને તાર મૂકીશ. તે પૂર્વે તમારે આવવાનું નથી. મને ફક્ત એને માટે ઓસડીઆં તૈયાર કરવાનો ખરડો ઉતારી દો એટલે હું મારી જાણે બધું કર્યા કરીશ. બાકી તો કહી રાખું છું તમને ને વીરસુતને, કે આવેલી વહુને મારે ખોઈ નાખવી નથી. મારે હજુ દેવુ ને અનસુને વરાવવાં પરણાવવાં છે. મારે આપણી આબરૂ ઉપર થૂકનારી જ્જ્ઞાતિની આંખો અમીથી આંજવી છે. ભલે ને બધા સ્ટેશનથી માંડી દવે-ખડકી સુધી ફાટી આંખે જોઈ રહેતા કે દીકરાની વહુને ક્ષેમકુશળ લઈને આવ્યો છે સોમેશ્વર ડોસો ! ભલે સૌ આંખો ઠારતાં. દીકરાની વહુ મશલમાનને ગઈ ને કિરસ્તાનને ગઈ વગેરે ગપ્પાં ઉરાડનારાં આપણાં વાલેશરી બધાં ભલેને ખાતરી કરી લેતાં, કે મારી દીકરાવહુને તો તુલસીમા એ સમા હાથે દીધું છે. ને વંઠે ફીટે તે મારી પૂત્રવધૂ નહિ, કોઈક બીજાની.’

સસરાના વિચિત્ર લપસીંદરે ભદ્રાની જીભ જ તાળવે ચોંટાડી દીધી. ભદ્રાને સસરા પાસેથી પહેલી જ વાર આ સમાચાર લાધ્યા. એની અસર ભદ્રાના અંતર પર જુદા જુદા કૈંક પલટા લગાવી ગઈ.

(૨૭૪) પ્રથમ તો એના કપાળ પર કરચલીઓના લિસોટા પડયા. કંચનને વીરસુતને સુમેળ ? કોણે કરાવ્યો ? ક્યારે ? રાતમાં કંચનનો ઘરમાં પ્રવેશ ? હોઈ જ કેમ શકે ? હું કદી એવી કુંભકરણ-નિદ્રામાં ઘોંટી નથી બૈ ! દેર તો એને મકાને નહિ ગયા હોય ? ગયા વિના આમ બને પણ કેમ ?

બનાવટ ? બનાવટ હોય તો સસરા જેવો સસરો કેમ સપડાય ? સસરા છેતરાયા હશે ? દેરે છેતર્યા હશે ? દેરને એવી શી જરૂર ? પોતાની આબરૂ ઢાંકવાની ?

મારે કંઈ નૈ બૈ ! મંછા ભૂત ને શંખા ડાકણ ! મારે રાંડી મૂંડીને વળી આ બધી લપાલપ શી ? સસરો ઢાંકતા હોય, દેર પણ ઢાંકતા હોય, કંચન પોતે જ ઢાંકતી હોય, તો તારે રાંડને ઉધેડીને શી કમાઈ કરવી છે મૂઈ ! ઉઘાડાં ઢાંકિયે,ઢાંકયાં તે કોઈનાં કાંઈ ઉધેડાય મૂઈ ! ઉધેડયાં કેનાં સુધર્યાં છે જે ! ઉધેડયે શી બહાદુરી બળી છે બૈ !

ધૂમટાની આડશે પટ પટ થતા ભદ્રાની આંખોના પાંપણ-પડદા જોતો ડોસો, પોતે જેમાં ચાલી રહેલ છે તે પાણી કેટલાંક ઊંંડાં છે તેનું જાણે માપ લઈ રહ્યો હતો. મનમાં તો ફડક ફડક થતું હતું. પોતે વેશ ભજવતો હતો તેનું ભાન જો આ યુવાન વિધવાને સવળી રીતે થઈ જાય તો તો તરી જવાશે, પણ એ જો અવળી રીતે વિચારશે તો તો પછી ઘરના સુખ સંરક્ષણનો રહ્યો સહ્યો ખૂણો પણ જમીંદોસ્ત થશે તેની પોતાને ખબર હતી.

’એમાં ઉચાટ શા માંડી દીધા તમે, દીકરા !’ ડોસાએ વાતને બીજા પાટે ચડાવી : ’વીરસુત ધંવાંફુંવાં થશે તેનો ડર રાખો છો ? રાખ્યો રાખ્યે એવો ડર ! એ બેવકૂફ તો બધું પરવારી કરીને જ બેઠો હતો. એ તો તમે પાછું છાદ્યું બૂર્યું. એને કયાં સંસારનું ભાન છે ? એ થોડો કબૂલ પણ કરવાનો કે જે બન્યું તે બન્યું

(૨૭૫) જ છે ! વટમાં ને વટમાં મરડાઈ જશે મરડાઈ ! તીન પાંચ કરે તો કહી દેજો એને, કે હવે ઢાંકણ ઢાંકવાની તક જડી છે તો ઢાંકવા દે બાપ ! હવે ઉઘાડવું રહેવા દે . અત્યારથી મારા દેવુના અને મારી અનસુના સંસારમાં આગ લગાડ મા. ઢાંક્યે લાભ છે તેટલો ઉઘડયે નથી દીકરી ભદ્રા ! સાચું કહેજે .’

કડી મળી ગઈ. સસરો ઢાંકવા જ મથી રહેલ છે. ડોસો પોરસના પૂરમાં તરી રહેલ છે !-

’ગામની બજારમાં ઘોડાગાડી કરીને વહુને લઈ જઈશ ત્યારે અદાવતીઆના ડોળા ખેંચાઈને બહાર નહિ નીકળી પડે ! વાર ક્યાં છે ઝાઝી, કાલ સાંજે ભલેને આભના તારા જેટલી આંખો કાઢીને ગામ જોવે. મારે મોંએ શું હું શાહી ઢોળીને ગામ સોંસરો નીકળીશ ? વાર છે વાર! એક વાર જેણે મને ગામમાંથી નીકળતે ગાળ સંભળાવી છે, તેને ખોંખારો સંભળાવું ત્યારે જ હું ખરો તારો સસરો બચ્ચા ! બાકી તો ઢાંક્યામાં જ બધો સાર છે.’

સસરો અને પૂત્રવધૂ, બેઉએ સમજી લીધું કે આખી ઘટના બનાવી કાઢેલી હતી. ભદ્રા સસરાની બનાવટ પામી ગઈ છતાં અજાણી અને અનુમોદન દેનારી બની રહી. સસરો પણ સમજીને જ બેઠો હતો કે વહુ પોતાની બનાવટને પામી ચૂક્યા પછી જ સહમત બની રહી છે. આ રીતે બેઉ પક્ષે છેતરપીંડી તો રહી જ નહિ. સાચી વાતનો બેઉ પક્ષે સમજે પડી ચૂક્યા પછીનો જ આ સભાન તમાશો હતો. જીવનનો આખરી નિષ્કર્ષ જ આ તમાશો હતો. કોઈ કોઈને છેતરતું નહોતું, બન્ને પાઠ ભજવતાં હતાં, ને બન્ને પરસ્પર એ કયો પાઠ ભજવાય છે તે જાણતાં હતાં : પ્રવંચના પોતે જ વસ્તુસ્થિતિ બની રહી. છેતરપીંડી પોતે જ પ્રમણિકતા બની રહી.

’બામણવાડો છે ભા !’

વળતા દિવસે વીરસુત સૌને વળાવવા સ્ટેશને ગયો, પણ કંચન એના દીઠામાં આવી નહિ. ગાડી રવાના થયા પછી બીજા સ્ટેશને બુઢ્‌ઢા સોમેશ્વર કંચનને બાજુના ડબામાંથી પોતાના ખાનામાં લઈ આવ્યા.

અમદાવાદમાં ડોસા એ ભદ્રા પાસે બડાઈ તો મારેલી પણ દિવસ છતાં જન્મભૂમિમાં દાખલ થવાની એની હામ ચાલી નહિ તેથી તેણે વચમાં એક જંક્શન પર ઉતરી જઈ, કંચનને વિશેષ મન-મોકળ કરાવી અને તે પછીની રાતની ગાડી પકડી. રાતને વખતે વતનમાં આવીને ડોસાએ ઘર ઉઘાડયું. પરોડ નહોતું પડયું ત્યાં એ ઊંઠ્‌યો. ઝાડૂ કાઢવા માટે પોતે સાવરણી હાથમાં લીધી તે કંચને આવીને ઝૂંટવી લઈ વાળવા માંડયું.

’તમે વાળવા બેસશો તો પછી દેવુની પાસે કોણ રહેશે ભા ?’ ડોસાએ બડબડ કરતે કરતે ફાનસ નજીક લટકાવીને એક પટારો ઊંઘાડયો, ને પટારામાંતી એક પેટી બહાર કાઢી, અને તેમાંથી પણ નાનક્ડી દાબડી કાઢીને કંઈક કાઢ્‌યું.

’આંહીં અવી જજો ભા જરા !’ કહીને એણે કંચનને પાસે તેડાવી, કંચનને લાજ કાઢવાની ટેવ જ મૂળે નહિ હોવાથી એ પટારા પાસે આવીને પીઠ વાળી ઊંભી રહી.

(૨૭૭) ’આમ સામે ફરો ભા !’ ડોસાએ દુભાયેલા સ્વરે કહ્યું : ’હું કોઈ વાઘ દીપડો નથી. ગમે તેવો તોય માણસ છું. આ લ્યો. આ તમારૂં છે તે સંભાળી લ્યો. આંહીં અડવા રહેવું નહીં પાલવે. માણસો સવારે મળવા આવશે અને પાછાં જઈને કહેશે કે સૂમના પેટનો સસરો પહેર્યા ઓઢ્‌યા જેવડી વહુને સાધુડી બનાવી ને બેઠો છે.’

કંચને પોતાની સામે સોનાના દાગીનાની ડાબલી મુકાયેલી દીઠી. એને ગમ ન પડી કે ડોસો શું સૂચવે છે. એ તો દિગ્મુઢ બનીને ઊંભી. એટલે ડોસા ફરી વાર કરડો સ્વર ધારણ કરીને બોલ્યાઃ-

’આ તમારા દીકરા દેવુનું છે. તમારે એની સાચવણ કરવી જોશે. ને પટારામાં બીજી જે જે ચીજ વસ્તુ હોય તેની પણ નોંધ કરી લ્યો. અજાણ્‌યાં ને આંધળાં બન્ને બરોબર કહેવાય. પોતાના દીકરાની માલમતા જો મા નહિ સાચવે તો કોને પાડોશીને ભળાવવા જવું પડશે ?’

કંચન નીચે બેસીને દાગીના બહાર કાઢી જોવા લાગી. એ જ એ દાગીના, જે પહેરવાની ત્રણ વર્ષ પર ના પાડીને દેવુનું અને ભદ્રાનું મોં તોડી લીધું હતું. તે પછી અમદાવાદના સુશિક્ષિત સ્નેહી મંડળમાં તો સોનારૂપાના દાગીનાને અંગ પર ધરવાના જંગલીવેડાથી એને દૂર રહેવું પડેલું, અને ખોટાં એરિંગો, ખોટી બંગડીઓ વગેરે શણગારો એની અણપૂર લોલૂપતાના ખાડા કદી પૂરી શક્યા નહોતા. આજે આ ઘરેણાં દેખી એનું બાળક જેવું નારીહૃદય નિઃશ્વાસ નાખી ઊંઠ્‌યું. આ દાબડીને કેવી રીતે સાચવવાની છે તેવો પ્રશ્ન કરી ન શકવાથી કંચન એને બંધ કરવા જ ચાળા કરતી હતી.

’એ તો મને આવડે છે.’ ફરી દુભાયેલા સાદનો ડોળ કરીને સસરા બોલ્યા. ’ને મને જો ઈશ્વરે બૈરૂં બનાવ્યો હોત ને, તો હું કાંઈ તમને આ

(૨૭૮) સાચવવા આપવા આવ્યો ન હોત. મારે ય ડોક છે, કાંડાં છે, પગ છે; ને ઓઢવા પેરવાની ઈચ્છા ય શું નહિ હોય અમારે ? પણ શું કરીએ ? જખ મારીને તમારી જાન આગળ રગરગવા આવવું પડે છે, એ કાંઈ ગમતી વાત નથી.’

તો પણ કંચન નિષ્ક્રિય રહી ત્યારે સસરાએ હાકોટો માર્યો. ’કહું છું કે કૃપા કરીને પહેરી લ્યો.’

’ખરો ! દવે ખરો !’ એવો સાદ કાઢતો એક ઘોઘરો પડઘો ઘરની પાછલી પરશાળેથી પડયો, ને પછી તરત ’જીભલડી રે તુંને હરિગુણ ગા...આ...તાં’ એવું પ્રભાતિયું મંડાયું. એ સ્વર અંધા જ્યેષ્ટારામનો હતો.

દાદાનો ઉગ્ર અવાજ સાંભળીને દેવુ પથારી છોડીને આવી પહોંચ્યો. એને આવેલો જોઈ ડોસાએ કહ્યું : ’દેવ, તારી બાને એમ હશે કે તારી મૂઈ માના દાગીના આપી દેવાનો મને શાનો હક્ક ! ખરૂં છે, હું તો હવે આ ઘરમાં બધા જ હક્કો પરવારી બેઠો. મારી તો જાણે કોઈ ચીજ ઉપર સત્તા જ ન રહી. ખેર ભાઈ, તો પછી તું પહેરાવ તારી બાને, તું વાલો થઈ જા,મારા હાથમાં તો જશની રેખા જ ક્યાં છે !’

’બા-બા-બા-પહેરો તો બા-બહુ સરસ લાગશે હો બા !’દેવુને એની નવી ઉર્મિઓ આવાં ત્રૂટક વેણો જ બોલવા દેતી હતી.

’અત્યારે જ પહેરૂં ? પછી કાલે...’

કંચનના એટલાજ શબ્દો સામે સસરા તડુકી ઊંઠ્‌યા : ’હં-હં-એમ કે ? બહારથી હમણાં જ આડોશીપાડોશી મળવા દોડયાં આવશે તેની સામે તમારે મારી આબરૂના તો કાંકરા જ કરાવવા છે ને ?

(૨૭૯) દીકરાની વહુને કાંઈ હું રઝળતી ભટકતી આંહીં હાંકી નથી લાવ્યો બાપ ! દીકરાની વહુને કંઈ નધણિયાતા ઢોરની જેમ નથી ક્યાંઈથી હાથ કરી. દીકરાની વહુને તો મોંઘા પાડની તેડી લાવ્યો છું. ને હું તો ભરી આશાએ લઈ આવ્યો છું. મારો દેવુ એકનો એક છે તે દિનરાત જીવ ફફડયા કરે છે. હું આખો દિવસ કામધંધા વગર નિરૂદ્યમી બનીને બેઠો રહી શકતો નહોતો એટલે તો તમને હું મોંઘાં કરીને તેડી લાવ્યો છું. સરકારનાં પેન્શન તો મારે દાઝ કાઢીને ખાવાં છે બાપા ! બેઠા બેઠા વિચારવાયુનો ભોગ થઈ પડીને ઝટ ઝટ મરી નથી જવું મારે, પેલા ત્રિપુરાશંકરની પેઠે. મૂવો બાપડો ! પારકાં છોકરાં રમાડી રમાડીને કદી જીવી શક્યો છે કોઈ પેન્શનર, તે ત્રિપુરો જીવે ! એની દીકરાવહુનો દેહ કોઈ દા’ડો જવાબ જ ન દઈ શક્યો તો ભોગ એના ! એમાં મારો શો દોષ ! હું કાંઈ તમને રૂપાળાં જાણીને નથી લાવ્યો, મારે કાંઈ તમારા હાથના ફૂલકા નથી જમવાં, મારે તો પાંચ વરસ પેન્શન ચાવવા થાય તે માટે ખાલી ખોળો ખુંદનારૂં જોતું હતું તેથી જ તમને લાવ્યો છું ભા ! આ લ્યો, તમને પેટની વાત ચોખ્ખે ચોખ્ખી કહી દીધી. બીજી એકેય બાબતે મારે તમારી ગરજ નહોતી.’

સસરાના આ શબ્દો પડતા હતા તે દરમ્યાન કંચનનું પ્રત્યેક રોમ ધ્રૂજી રહેલું. પોતાને આંહીં લાવનાર બુઢ્‌ઢો માણસ પોતાની શારીરિક સ્થિતિ જાણતો નથી તેથી જ આ ભૂલ કરી રહ્યો છે, અને એ જાણવા પામે તે પહેલાં જ પોતે તો અહીંથી ક્યાંઈક છટકી જનાર છે અથવા તો માર્ગ કાઢી લેનાર છે, એવી ગુપ્ત ગણતરી કરીને જ કંચન સસરા સાથે આવી હતી. માર્ગ નીકળશે કે નહિ તેનો એણે વિચાર જ કર્યો નહોતો. એને તો કેવળ છૂટવું હતું -એક સ્થિતિમાંથી છૂટીને બીજી સ્થિતિમાં દાખલ થઈ જવું હતું.

(૨૮૦) એનું પ્રયાણ કેવળ આંધળું જ હતું. એનો મદાર સસરાના, પોતાની શારીરિક હાલત સંબંધેના અજ્જ્ઞાન ઉપર હતો.એન તો ખાતરી હતી કે પોતે સગર્ભા છે એવી જો જાણ હોય તો તો સસરો એની છાંય પણ ન લે, અથવા કદાચ ખલાસ પણ કરી નાખે. પણ આ તો સલામતીની જે કલ્પના-ડાળ પર પોતે અવલંબી હતી તે જ ફસકી પડી ! અને એનો જીવ ઊંડી ગયો. આઠ મહિનાથી પોતે ઘર છોડી ભાગેડુ બની છે એ વાતનું બરાબર જ્જ્ઞાન ધરાવતો સસરો એવી ભ્રમણામાં કદી હોય જ શાનો, કે આ ગર્ભ એના પુત્રથી રહેલ છે ! તો પછી આ શી કરામત ચાલી રહી છે ! મારા પર હજુ શા શા સંસ્કારો આ અજાણ્‌યા સ્થાનમાં થવાના હશે !

કંચનના હાથમાં દાબડી થીજી રહી હતી. કંચનને એનાં વિચાર વમ્મળો આડે પૂરૂં ભાન પણ નહોતું રહ્યું કે દેવુ એ દાબડીમાંથી ચંદનહાર કાઢીને બાને કંઠે પહેરાવતો બેઠો છે. અને ડોસા તો પાછા પટારાની ચીજો ઊંથલાવવામાં રોકાયા હતા. અંદરથી મોતીના વીંઝણા કાઢતા હતા, ભરેલાં તોરણો અને ગાલીચા બહાર ફેંકતા હતા-કહેતા હતા કે ’લ્યો ભા ! મૂકો ઠેકાણે, પડયાં પડયાં સડી જશે આ બધાં.’

એમ કહેતો કહેતો ડોસો પાછો ફરીને જોતો હતો કે વહુના ઉપર આ તર્કટની શી અસર થઈ છે. વહુના દેહ પરનો ગભરાટ એણે વાંચી લીધો, એ ગભરાટને મિટાવવાની તક જલદી લેવી જોઈએ એટલે એણે દેવુને ’દેવ ! તું માંદો માંદો આંહીં ન બેસ. નહિ ખોવાઈ જાય તારી બા ! જા બિછાને જઈ બેસ.’ એમ કહી મોકલી આપ્યો અને પછી પટારાની વસ્તુઓ ઠેકાણે પાડતે કહ્યું-

’મારા તો શ્વાસ અધ્ધર ચડી ગયેલા. સારૂં થયું કે શંકરે મને સન્મતિ આપી કે, તમને ધૂત્કારી કાઢતાં પહેલાં મેં વીર-

(૨૮૧) સુતને પૂછી જોયું. એ બેવકૂફ તો છે જ, પણ આટલો બધો હેવાન ! પોતાની વહુ પાસે પોતે આવે જાય, અને અમને જ ભ્રમણામાં રાખે ! હેવાન મને કહેતાંય ન લાજ્યો કે ’બાપુ, વાત કરતાં મને ભોંઠામણ થતું’તું !’ એના ભોંઠામણમાં ને ભોંઠામણમાં મારા તો બાર જ વાગી જાત ને ! મારી પૂત્રવધૂને કૂલટા કહી ધુત્કારી કાઢ્‌યા પછી હું તો સદાય હાથ ઘસતો જ થઈ રહેત ને! મારાથી એને ભોંઠામણ આવ્યું, જોવો તો ખરાં ! કલહ કરીને વહુને કાઢી મૂકી ત્યારે ભોંઠામણ નહોતું આવ્યું, કોર્ટે ચડેલો તેનું ભોંઠામણ નહોતું આવ્યું, અને ભોંઠામણ આવ્યું આવી કલ્યાણકારી બાબતનું ! કેમ જાણે અમે તમારાં ને તમારાં પેટનાં દુશ્મન હોઈએ. કેમ જાણે મને પાંચ દસની વેજા વળગી ગઈ હોય ! અમે જેના સારૂ તલખી તલખીને મરતાં હોઈએ તેના જ માટે અમારાથી દિલચોરી ! એ તો ઠીક, પણ તમને હું આંહીં ન લઈ આવત તો એ હેવાનને હાથે હજુયે કોણ જાણે કેવી બરદાસ્ત થાત, અને આગલી બે વાર બની ગયું તેવું જ કાચું કપાત. ભલેને કૂટે હવે માથું ! હું તો ધરાર લઈ આવ્યો !’

કંચન આ બધું સાંભળતી સાંભળતી, એક બાજુ પીઠ વાળીને બેઠી બેઠી હાથમાં ને પગમાં, કાનમાં ને ડોકમાં દાગીના ચડાવતી હતી. ભદ્રાની ચાતુરી એનામાં નહોતી એટલે એણે તો સસરાના કહેવા પરથી સાચું માની લીધું કે આ ગર્ભાધાન માટેની જવાબદારી વીરસુતે પોતાના શિરે ઓઢી લીધી છે. એનો બધો ફફડાટ શમી ગયો. એણે હોંશે હોંશે શણગારો સજી લીધા.

ખાલી દાબડી જોઈને સસરાએ સમજી લીધું અને દૂત્તી નજરે પૂત્રવધૂની સાડીની આરપાર કંઠ સુધીની મુખમુદ્રા નિહાળી લઈ સંતોષ અનુભવ્યો કે દાગીના પહેરાઈ ગયા છે.

(૨૮૨) ’ઠીક ભા ! ઉપકાર કર્યો મોટો ! જાવ હવે.’ એણે તોરથી કહ્યું ’એઈને લહેરથી કામકાજ કરો, ને મળવા આવે તે બધાને તડાકાબંધ જવાબ દેજો. કોના બાપની મગદૂર છે કે આપણામાં રામ હોય ત્યાં લગી કોઈ એલફેલ વાતો પૂછી શકે ! પૂછનારનાં મોઢાં રંગાઈ જાય એવા પાણકા જ ન છોડીએ મોંની ગોફણમાંથી ! આ તો બ્રાહ્‌મણવાડો છે ભા ! તાડુકતાં ય શીખવું જોશે. ફુંફાડો ય મેલી દેનારો તો ફણીધર પણ સૌને ઠેબે ચડયો’તો ભા ! બમણવાડો છે આ તો બાપા ! આપણે જ જો કાચા કાળજાનાં થઈએ તો તો બામણો ઠોલી જ ખાય. આતો બામણવાડો છે ભા !

કેવો નાદાન પ્રશ્ન !

આઠ જ દિવસ માટે દેવુને માતાજીને પગે લગાડવાની માનતા કરવા જઈએ છીએ, એવું કહીને ગયેલા પિતાનો વીરસુત પર પંદરેક દિવસે કાગળ આવ્યો કે દશેરાનાં નિવેદ પણ ભેગાભેગ પતાવી આવીએ છીએ. દશેરા ગયા. દીવાળી પણ વતનમાં જ ઉજવી, છતાં પિતા અને દેવુ પાછા વળતા નથી. બીજી બાજુ વીરસુત છૂપી રીતે તો કંચનને પણ શહેરમાં ગોતાવી રહ્યો છે. એટલી જ ગંધ આવી કે હમણાં ક્યાંઈક બહારગામ છટકી ગઈ છે.

કોને પૂછે ? મિત્રોસ્નેહીઓને પૂછતાં હામ કેમ હાલે ? પોલીસમાં તપાસ કરૂં ? પેલા બાતમી દઈ જનાર અમલદારને પોતે શોધતો હતો. થોડા દિવસે એ અમલદાર જ આવી ચડયો, ને બળાપા કાઢવા લાગ્યો : ’આવો આકરો ઠપકો મને ખવરાવવો હતો ને સાહેબ ! આપે સારા માણસે ઊંઠીને મારી આટલી હદે ઠેકડી કરાવી, ને માર ઉપરીની આંખે ચડાવ્યો !’

’શી બાબત ?’ વીરસુતની કલ્પના કામ ન કરી શકી.

’આપે મને ચાહીને તપાસ રાખવા ન કહ્યું હોત તો હું આવા

(૨૮૪) કામમાં રસ ન લેત, મારા ધરમના સોગાન ખાઈને કહું છું હો સાહેબ, મને આવી બાબતનો શોખ નથી. પણ હું તો ઉલ્લુ બની બેઠો.’

’શાની વાત કરો છો ?’

’આપનાં વાઈફની જ તો ! બીજા કોની ? જે દિવસે એ આંહીંથી આપના ડોસા જોડે આપને ગામ ગયાં......’

’શું કહો છો તમે ?’

’હજુ ય મશ્કરી કાં કરો સાહેબ ? તે દિવસે તે ટ્રેનમાં જ હું તો ચડયો, આપને ગામ પહોંચી આપના પિતાને વળતે દા’ડે મળ્યો અને વાત કાઢી ત્યાં તો ડોસા મારી માથે કાંઈ ઊંતરી પડયા છે ! મારા તો માથાના વાળ જાણે ખરી પડયા એટલા મને લેતા પડયા, કે જોતો નથી, હું મારા ઘેર પહેલા પ્રથમનો અવસર આવે છે તે ઉજવવા આંહી આવેલ છું ! હું તો માફ માગી પાછો નહાસી આવ્યો, પણ ડોસાએ ઉપરમાં લખાણ કરી મને એક હાથ લાંબા તુમારીઆનો સરપાવ બંધાવરાવ્યો મારા સાહેબ કનેથી .’

વીરસુતને એ આખી વાત પોલીસે જોડી કાઢેલી પરીકથા લાગી, એના મોં પરની એકેય રેખા પોચી ન પડી. એ કશો જવાબ વાળે તે પહેલાં તો અમલદાર ઊંઠ્‌યો અને બોલ્યો, ’રજા લઉં છું સાહેબ, પણ આવી આકરી મશ્કરી કોઈની ના કરશો હું તો જિંદગાનીમાં પહેલી જ વાર ભરાઈ પડયો.’

’ભાભી !’એણે જમ્યા બાદ પાછલી પરસાળમાં પાન સોપારી દેવા આવી ઊંભેલી ભદ્રાને પૂછ્‌યું, ’આ સાચી વાત છે ? કંચનને બાપુજી ઘેર તેડી ગયેલ છે?’

’હા ભૈ, તુળસીમાએ સંધાં સારાં વાનાં કર્યાં. ભૈ ! ઈશ્વરે સામું જોયું.’

(૨૮૫) ’તમે પણ આ તર્કટમાં ભળેલાં છો ભાભી ? મને કેમ કોઈ કશી સ્પષ્ટતા કરતાં નથી ? આ બધો મેળ અને મેળાપ ક્યારે, કેવી રીતે, ને ક્યાં થઈ ગયો ?’

’મને ઘેલી કાં બનાવો છો ભૈ?’ ભદ્રાનું તાજું મૂંડાવેલ માથું આ બોલ બોલતી વેળા સહેજ ખુલ્લું પડી ગયું. ’બાપુજીએ તો બધી વાત તમારી કનેથી જાણી પછી મને કહી હતી. તમારી છૂપીચોરીનો તો ઊંલટો બાપુજીને ધોખો થતો હતો ભૈ !’ બોલીને યુવાન ભદ્રા બાજુએ વળી ગઈ.

’કંઈ જ સમજાતું નથી. કોઈ મને સ્પષ્ટ કરીને કહેતું નથી. મારી સામે આ કયું કારસ્તાન રચાઈ રહ્યું છે ! હું આ કારસ્તાનને ભેદવા કોની કને જાઉં?"

’કોઈ કારસ્થાન નથી ભૈ ! બાપુજી કંઈ અબૂધ છે કે ભોળવાઈ ગયા હોય ?’ ભદ્રાએ એને એકસરખા સ્વરે સમતાપૂર્વક કહ્યું.

’કઈ બુદ્‌ધિ કામ કરી રહી છે, તે તો કહો !’ વીરસુતના મગજમાં ધમધમાટ હતો.

’એબ ઢાંકવાની બુદ્‌ધિ ભૈ ! માણસ જેવું માણસ ઊંઘાડું પડે એથી કોને લાભ ભૈ !’

’માણસ જેવું માણસ ? કે સડેલું મુડદું?’

’બાપની બુદ્‌ધિએ તપાસી જોયું અને જીવતું જાણ્‌યું. છોને બાપુ ગંદવાડ ધોતા, ભૈ ! નિર્મળ ને નિરોગી બની શકશે તો સંસારમાં એટલી સુગંધ વધશે ને ભૈ ! નરક અને વિષ્ટા તો સૌ રોજ વધારીએ છીએ ! એમાં શી નવાઈ છે ભૈ !’

’અને એના પેટનું એ પાપ...’

(૨૮૬) ’એને બાપડાને પાપ કાં કહો ભૈ ? જ્જ્ઞાની થઈને કાં ગોથું ખાવ છો બહિ ?’

’પૂછું છું કે ’બાપ’ કોને કહેશે ભાભી ?’ વીરસુતના દાંત કચડાટી બોલાવતા હતા.

’તમે તમારે ન કહેવા દેજો ભૈ ! અમે ય નહિ શીખવીએ. પણ એક વાત પૂછું ભૈ ? ખિજાશો નહિ ને બાપા ! પાપનું એવું ફળ અસ્ત્રીને બદલે પુરૂષને લાગતું હોત તો ક્યાં મૂકી દેત ? એ તો ભેળું જ ભેળું. બાપજી તો બે જીવને જીવાડી રહ્યા છે કે બીજું કશું ? તમારે ના પોસાય તો ઘરમાં ના લેતા ભૈ ! પણ ભવાડો કર્યે શો લાભ ? તમે જ જગબત્રીશીનો માર ખમી નહિ શકો બાપા ! અમને સર્વેને તો તમારા જ જીવની ચિંતા લાગી છે, એથી જ બાપુ ઢાંકવા લાગી પડયા છે.’

થંભાવેલા હીંડોળાને ફરી થોડીવાર કિચુડાટે ચડાવીને વીરસુત વિચારે ચડયો. પછી એણે પૂછ્‌યું, ’કંચન તમને મળી છે ભાભી ?’

’દરરોજ મળતાં - છેલ્લા પંદર દિવસથી.’

’ક્યાં?’

’દવાખાને.’

’તો મને વાત કેમ કહેતાં નથી ?’

’પૂછો ત્યારે કહું ને ભૈ ? વણપૂછી વાત ક્યાંક ન ગમે તો ?’

પછી ભદ્રાએ દેવુને કેવા સંજોગોમાં અકસ્માત થયો ત્યાંથી પ્રારંભ કરીને પૂરી સમજ પાડી. વીરસુતનું હૃદય વિસ્મયના તરંગો પર ડોલી રહ્યું.

(૨૮૭) ’તમને લાગે છે ભાભી, કે મારો સંસાર ફરીથી મીઠો થશે ?’ વીરસુત કૂંણો પડયો હતો.

’તુલસી માએ જ મીઠો કરવા ધાર્યો છેને ભૈ ! નીકર બાપુજી આટલી આપદા ઊંઠાવે કદી ! બાપુજીને પેટના પુત્રનો અવતાર બગાડવો થોડો ગમતો હશે ! પણ એકલદોકલ કાંઈ આખો અવતાર ખેંચાય છે ભૈ!"

’તમારા જેવી ગુણવાન કોઈ આપણી જ્જ્ઞાતિમાંથી મને ન મળી રહેત , હેં ભાભી ?’

વીરસુતના આ પ્રશ્ન સામે ભદ્રા નીચે જોઈ ગઈ. ઘણી વારે એણે કહ્યું,’સમો બદલી ગયો છે ભૈ ! ને તમે છો ભલા, હદ બેહદ ભલા હો ભૈ !ફરી ફરી આવું ને આવું થાય, તો તમારી દેઈ કંતાઈ જ જાય કે બીજું કંઈ? અસ્ત્રીની જાત જ ન્યારી છે ભૈ, ને એને કેળવવાની કળવકળ કોઈમાં હોય, કોઈમાં ન યે હોય; બધામાં કંઈ થોડી હોય છે ભૈ ! ને એ કંઈ શીખવી થોડી શીખાય છે ભૈ ? એ તો બપુજી બધું ય સરખું કરી દેશે, તમે શીદ મૂંઝાવ છો ? પીડા બધી તો આંખનાં ઝેર છે. ઝેર નીકળી જાય એટલે પછે શું રહે છે ભૈ ? મીઠપ જ ને !’

યૌવનનાં દ્વારે જ ઊંભેલી ભદ્રા, જેણે પૂર્વે કદી વીરસુત સાથે આટ્‌લો લાંબો વાર્તાલાપ કર્યો નહોતો, તેણે કેમ જાણે ઈરાદાપૂર્વક જ લાંબા વાર્તાલાપને માટે સુરક્ષાકારી એવું વાર્ધક્ય ધારણ કરી લીધું. બત્રીસે દાડકમળી શા દાંતવાળું એનું એ જ મોં ઘડીભર બોખું ભાસ્યું.ચકચકિત લાલ ગાલો જાણે કરચલીઓ ઓઢી ગયા. મોટી બે આંખો મનનશીલ બની રહી.

’ત્યારે તમને શું આશા છે ભાભી, કે આ ઘર ફરી વાર વસશે ? એનો જીવ અહીં પાછો ઠરીને ઠામ થશે ?’

(૨૮૮) ’નહિ કેમ થાય ભૈ ? બાપુજી બાજુએ જ છે ને !’

’ને તમે પણ ખરાંને ?’

’મારૂં તો શું ગજું ભૈ ! પણ તમે પોતે......’

’કેમ ખચકાયાં ?’

’તમને ફાવટ આવી જાય ને ભૈ !’

’શાની ફાવટ ?’

’છે તે - પોતાનાં માણસને ઠેકાણાસર રાખવાની .....’

વીરસુત ચુપ થઈ ગયો. એને કંઈ સમજ પડતી નહોતી. એ તો માનતો હતો કે સારી ગૃહિણીઓ જ્જ્ઞાતિમાં ને સમાજમાં તૈયાર કેરીઓ જેવી, દાબે નાખીને પકવેલી તૈયાર મળે છે. પુરૂષને સ્ત્રીનો જીવનદોર રસ્તાસર રાખવાને માટે આવડત, કૌશલ્ય, કળવકળ, વ્યવહારજ્જ્ઞાન કે પાટવ જેવું કંઈ જોઈએ છે એવી એને ગમ જ નહોતી. બે શરીરોના સંલગ્ન થવા સાથે જ ઉર અને ઉર્મિની એકતા સંધાઈ જાય છે એવું માની બેઠેલો એ અલ્પજ્જ્ઞ માનવી હતો. મોંમાગ્યાં સાધનોની સહેલી પ્રાપ્તિ અને પતિના પગારની રકમનો પ્રત્યેક માસે અપાઈ જાતો કબજો, એ જ એને મન જાણે કે સ્ત્રીની આત્મીયતા સ્થાપી દેવા માટે પૂરતાં થતાં સાધનો હતાં.

’કહો કહો તો ખરાં મને ભાભી !’ વીરસુતે વધુ હિંમત કરી :’ઘરનું માણસ કઈ રીતે રીઝે ?’

’જુવો તો ખરા !’ એટલું બોલીને, મોં મલકાવીને, ને તે પછી તરત ગંભીર બનીને, બાળક જેવા દેરની દયાએ ઓગળતી ભદ્રા જવાબ વાળ્યા વગર જ ઘરની અંદર ચાલી ગઈ. એની સમજશક્તિ પણ અંધકારે ઘેરાઈ ગઈ.

(૨૮૯) ઘરની સ્ત્રી કેમ કરીને રીઝે ?

કેવો નાદાન પ્રશ્ન ?

સ્ત્રી પુરૂષનો જીવન-પ્રશ્ન શું રંજનનો છે ?

એનું મન ગોથાં ખાઈ રહ્યું. એને એનો ત્રણ વર્ષ પર મૂએલો પતિ સાંભર્યો. વીરસુતને મુકાબલે તો અભણ લેખાય એવો પતિ, છતાં આજે એનાં મૃત્યુ પછી ત્રણ વર્ષે, એ જાણે જંગબારની ખેપે ગયો હોય ને પલેપલ પાછા આવવાની વાર હોય એવું કેમ થતું હતું ? ’આવું છું’ એવા શબ્દો પવનમાંથી સંભળાતા હતા. જીવનભર ન આવે તો પણ ’આવું છું, બિછાનું પાથરી રાખજે ! એ સુરો લોપાશે નહિ.

શા માટે આમ ?

એણે શું રિઝાવી હતી મને? એણે તો ઘણી વાર લાલ આંખો બતાવેલી. એક વાર કહ્યું હતું કે ’લે આ કમાડ ઊંઘાડી આપું છું, જા ત્યારે જ્યાં જવું હોય ત્યાં ! ને એક વાર મને તમાચો ચોડયો હતો. ને યાદ આવે છે મૂઈ ! એક વાર તો મેં ય એને ધમકાવીને એક લાપોટ લગાવી દીધી હતી, તોય એ ગરીબડા ગુનેગારની જેમ ગુપચુપ બેસી રહ્યા હતા ! પ્રસંગ શાનો હતો એ? હાં-હાં-યાદ આવ્યું, બાપુજીની પાસે એમણે મારો ચંદનહાર મને પહેરાવવા માગેલો; બાપુજીએ કહેલું કે વીરસુતની વહુની ડોકમાં નાખવા હું કંઈક કરાવી શકું એટલી વાટ જો. હું એ જોગ કરી જ રહ્યો છું. ચાર મહિનાનું પેન્શન આવી રહેશે એટલે પૂરો વેંત થઈ રહેશે. આમ છતાં એમણે બપુજી પાસે હુજ્જત કરી, મને ચંદનહાર લાવી આપ્યો, ને ઉપર જાતે બાપુજીનું મારી પાસે ઘસાતું બોલી પોતાની બડાઈ મારેલી. તે વખતે રાતના બે વાગેલા. યાદ છે મને, (૨૯૦) તે વખતે મેં એમને બરાબર ખિજાઈને લાપોટ ચોડેલી. ને કેવાં કડવાં વેણ સંભળાવેલાં ! ને એણે સવારે ઊંઠીને મને બે હાથ જોડીને એવું કાંઈ જ નહોતું કહ્યું એ ’તારી વાત સાચી છે, હું ક્ષમા માગું છું.’ એણ તો ચંદનહાર જ પાછો બાપુજી પાસે લઈ જઈ બાપુજીને પગે હાથ નાખેલો. પછી એ રાતે મેં એમને કેવા લાડ લડાવેલા ! કેવી રસની હેલીમાં ભીંજવેલા ! દરિયામાં જેમ મોટો મગરમ્ચ્છ ડૂબકી મારી જાય ને માથે પાછું જાણે કાંઈ બન્યું જ નથી એમ પાણી ફરી વળે, એવું જ થયું’તું અમારા તે દિ’ના સંસારમાં હેં મૂઈ ! તે દિ’ ફરીથી જાણે આવું આવું થઈ રહ્યો છે. જાણે એનાં જ પગલાં ગાજે છે ’આવું છું ! આવું છું !’ એ અમારૂં એમ કેમ, ને આ દેરનું આમ શા માટે? કોણ કહી શકે ? હું જ એને કહેત - જો મારા શરીર પર સૌભાગ્ય હોત તો : તો તો હું દેરને મારી પાસે બેસારીને અમારા સંસારની ખૂબીઓ સંભળાવત. તો તો હું એને એક પછી એક બધી જ ચાવીઓ -અસ્ત્રીનાં અંતરના તાળાં ઉઘેડવાની- બતાવત. પણ આજે મારા મોમાં વધુ સ્પષ્ટતા શોભે નહિ.આજે તો હું ડરૂં છું બૈ ! ડગલે ને પગલે ફફડું છું !

’શોધ કરૂં છું’

વળતે દિવસે સોમવારે કોઈક બાઈ માણસનો ટૌકો દ્વારમાં પડયો : ’કાં, અલી ભદ્રી ઓ ! ક્યાં મૂઈ છો તું તે બાઈ ?’

’આ મૂઈ આ, કોણ છે એ ભદ્રીવાળું !’એમ કહેતી રસોડામાંથી બહાર નીકળેલી ભદ્રાએ પરોણાં દીઠાં. ને એ હાથ પહોળાવતી ચોગાનમાં દોડી.

’ઓહોહો ! શરશતી બૈજી ! રોયાં તમે તે આંહીં ક્યાંથી મૂવાં?’

’ક્યાંથી તે જમપુરીમાંથી તો થોડાં જ તો બૈ !’ એમ કહેતી એ જર્જરિત વૃદ્ધા રસોડાને ઓટલે બેસી ગઈ અને હાથના લાંબા લહેકા કરતી બુલંદ સાદ છૂટો મૂકીને છલોછલ છાતીએ બોલવા મંડી : ’તું તે મૂઈ ખડકીને શૂનકાર કરી મૂકીને ચાલી ગઈ, ને અમે તો રોજ પીપળા-ઓટે બેસીએ પણ તારા વન્યાની તો જાણે કશી ગમ્મત જ ના આવે. મારૂં તો કોણ જાણે શું થયું તે મારાથી તો બળ્યું રોઈ જવાતું’તું તારા વન્યા. ઓટો તો ઉજ્જડ મશાણ શમો બની ગયો, ખડકી યે ખાવા ધાય; તાં તો હમણેં ફરી કંઈ ગમ્મત જામી છે મૂઈ ! તે હું તને કહેવા આવ્યા વના ન રહી શકી. તારો સસરો આવ્યા, દેવુ આવ્યો, નાની વહુ

(૨૯૨) પણ આવ્યાં, તુળસી માએ સમા દિ’ દેખાડયા, ને મારો તો કોઠો ઠરી હીમ થ્યો બા ! મલક કંઈની કંઈ વાત કરતું કે મઢ્‌યમડી વહુ, ને મશલમાનને ગઈ, ને’ - ધીમેથી -’છોકરૂં પડાવ્યું -ને વાતો જ વાતો ! પણ એ તો બધું જ તર્કટ. કંચન તો રૂપાળી અમારા જોડે બેસે છે. અમને અક્કેક રૂપિયાનું પગેપરણું કર્યું, ને અમારી જોડે તારી જેમ જ લાંબા હાથ કરી મધરાત લગી એવા તો તડાકા મારે છે બૈ ! કે અમે તો હસી હસીને ઢગલો ! ને એનું તો ડીલ વળે છે બૈ કંઈ ડીલ વળે છે ! કુવાકાંઠે જાય તો ત્યાંયે સાને હસાવે, શિવાલયે આવે તો ત્યાં સઘળા બામણોની અચરજનો પાર નથી રિયોઃ ડા’પણનો તો ભંડાર છે બૈ ! હું ન’તી કહેતી તુંને રાંડી ! કે બાપુ, તારી દેરાણીને કાંઈક નડતર હશે, કાં ગોત્રીજ નડતા હશે ને કાં બેચરા માના દોષમાં આવેલ હશે, બાકી કશો જ વાંધો નહિ હોય. વિજુડી કાકી કૈક સાંધા કરતી’તી ને રાંડ જૂઠી પડી, ને હું રાંડ સાચી પડી કે નહિ ? કેવી તો ગામની વાલી થઈ પડી છે તારી નવી દેરાણી ! મન તો બીક જ લાગી કે એ બાપડી માથે મારી મૂઈની ક્યાંય ભારે નજર ન પડે ! એટલે પછી મને થયું કે એક વાર તારી આગળ આવીને કોઠો ઠાલવી જઉં તો પછી મારી દૃષ્ટિનો ભાર નીકળી જાય. એટલા સારૂ જાતે થઈને અહીં મારી ભણેજની ખબર કાઢવાને બા’ને નીકળી આવી. લે હાઉં ? હવે મારો આતમો હળવો ફૂલ થઈ ગયો બૈ !’

એવી એવી વાતો કરીને વતનની પડોશણ સગી સરસ્વતી ડોશી જ્યારે ’હવે તું જો આવી પોંચે તો તો પીપળાને ઓટે ખરી ગમ્મત જામે ને શેત્રુંજીમાં ગાગડીઓ ભળે - હે - હે - હે’ એવા છેલ્લા બોલ લલકારીને ચાલી ગઈ ત્યારે વીરસુત રસોડા બાજુ નીકળ્યો.

ભદ્રાને ખબર હતી કે દેર ઘરમાં જ હતો, ને ’શરશતી બૈજી’નો

(૨૯૩) ઘાંટો પણ કોઈ લડાયક દેશના સરમુખત્યારની ઈર્ષ્યા ઊંપજાવે તેવો હતો, એટલે દેરે શબ્દેશબ્દ સાંભળ્યો હોવો જ જોઈએ. એટલે ભદ્રા કશું જ ન બોલતાં દેરના જ બોલવાની રાહ જોઈ રહી.

’ભાભી,’ વીરસુતે કહ્યું : ’ત્યારે તો મારી જ મતિ ભીંત ભૂલી ને ?’

’કેમ ભૈ ?’

’બામણવાડાની દવે-ખડકીને પીપળા ઓટે જેનું સાચું સ્થાન હતું, તેને મેં અમદાવાદની સડક પર મોટરનું સ્ટીઅરીંગ વ્હીલ પકડાવ્યું હતું.’

ચૂલો ફૂંકીને ભદ્રા એ દેર સામે જોયું. એ તાપે તપેલા હેમ સમા ચહેરા પર પ્રસન્ન અનુમોદનનો ભાવ સૂતો હતો.

’તો આપણે પણ હવે ઘેર જશું ભાભી ?’ વીરસુતને અધીરાઈ આવી, પીપળાના ઓટા પર ચાલતી રાત્રિની ’ગમ્મત’ની ઈર્ષ્યા આવી, શિવમંદિરના બામણોને અચરજ પાત્ર થઈ પડેલી કંચન પર મીઠો ગુસ્સો ચડયો.

’હવે બાપુજી લખશે ત્યારે જ જવાશે ને ભૈ ! નહિ તો ક્યાંઈક કાચું કપાશે !’

’સાચું ભાભી !’

એટલું જ કહીને વીરસુત પોતાના ખંડમાં ચાલ્યો ગયો અને ત્યાંથી આખી જિંદગીમાં કદી નહિ ગાયેલ એવી હલકે એણે કંઈક ગાયું - ગાયું કહીએ તો વૈજ્જ્ઞાનિકને અપમાન્યો કહેવાય - એણે કંઈક આરડયું; જગતનું એક વિનાપરાધે તિરસ્કૃત થયેલું ચોપગું પ્રાણી આરડે છે તેવી જ રીતે અને તેટલું જ લાગણીભેર.

(૨૯૪) અને એ ચોપગા પ્રાણીની તે વખતની લાગણી હર્ષની હોય છે કે શોકની, તેની તો કોઈને ગમ પડતી નથી, છતાં તેમાં પ્રાણ સમસ્તનું મુક્તકંઠીલું ગર્જન હોય એ. વીરસુતનું ગાન પણ તે પ્રકારનું હતું.

પણ અધીરાઈ અંકુશમાં ન રહી એટલે વીરસુતે ભાભી ન જાણે તેમ ઘેર કાગળ લખ્યો. ટપાલીએ કાગળ પિતાના હાથમાં મૂક્યો. સરનામું ’શ્રીમતી કંચનગૌરી’ એ નામનું હતું. પિતાએ પત્ર પોતાની પાસે મૂકી રાખ્યો. વીરસુતે ઘણી રાહ જોયા પછી બીજો, ને બીજાનો જવાબ ન આવ્યો એટલે ત્રીજો, એમ ત્રણ કાગળો લખ્યા. અને એ ત્રણે કાગળોને સંઘરી મૂકનાર પિતા પર ચોથો કાગળ ઠપકાનો લખ્યો, કે મારા ત્રણ ત્રણ કાગળનો જવાબ કેમ કોઈ દેતું નથી ?

પિતાએ એકાંતે બેસીને લમણે હાથ મૂક્યા. ને પછી એણે હસી લીધું. એણે કાગળનો જ્વાબ વાળ્યો : ’ચિ. ભાઈ, તારા ચારે કાગળો મળ્યા છે. પહેલા ત્રણ મેં સાચવી રાખેલ છે. કેમ કે સરનામાવાળું માણસ હજુ મને પૂરેપૂરૂં મળ્યું નથી. હું એની શોધમાં જ છું. એનો પાકો પત્તો લાગશે અને મને ખાતરી થશે કે કોઈ ભળતું માણસ તારા કાગળોનું ધણી નથી બની બેસતું, મને પાકે પાયે જ્જ્ઞાન થશે કે તારા કાગળનું સાચું માલિક પુરવાર થઈ ચૂકેલ છે, ત્યારે હું વિના સંકોચે એને એ કાગળ સુપરત કરીશ.

’કાગળના એવા સાચા ધણીની ગોતણ કરવામાં હજુ કદાચ એકાદ વર્ષ વીતી જશે. તે દરમ્યાન તું ફોગટની લાગણીઓ ન ખરચી નાખે તે ઈચ્છું છું. તને કોઈ તક મળતી હોય ને ભારતવર્ષનાં સારામાં સારાં વિદ્યાલયોમાં, ભવનોમાં, અને વિજ્જ્ઞાનવીરો પાસે આંટો મારી આવ તેને પણ હું ઈષ્ટ ગણીશ. તું તો છેલ્લામાં છેલ્લી ઢબનો વિજ્જ્ઞાનવેત્તા છે, એટલે અનેક વૈજ્જ્ઞાનિક રહસ્યો જાણતો હઈશ.હું તો જૂના જમા- (૨૯૫) નાનો પંતુજી છું એટલે વિજ્જ્ઞાનનાં થોડાં મૂળતત્ત્વો કરતાં વિશેષ ભણ્‌યો નથી. વીજળી એક મહાશક્તિ છે, પણ એ ક્યારે અજવાળે છે ને ક્યારે બાળી ખાખ કરે છે તેટલી મને ખબર છે. ભાઈ ! તારો અલ્પજ્જ્ઞ પિતા આવાં આવાં ચવાયેલાં સત્યોના ચૂંથા ચીતરીને તારી અધતન વિદ્યાનું અપમાન કરે છે એમ ન ગણીશ.

’જેને તેં મિત્રો અને જીવનના પથદર્શકો માનેલા તેમના શાસન તળે તેં તારો સંસાર શ્રદ્ધાપૂર્વક મૂક્યો હતો. આજે જેને તું પિતા માની રહ્યો છે (કેમ કે જીવનમાં બધો જ આધાર માન્યતા પર છે) તેને એક છેલ્લી વારનું મિત્રકાર્ય, બંધુકાર્ય, જે કંઈ કહેવાતું હોય તે કરવા દે. વધારે નહિ, એકાદ વર્ષની જ મુદ્દત હું મારા પ્રયોગ માટે માગું છું. તું પ્રવાસે જવાની તક મળે તો લેજે. અમદાવાદમાં જ રહેવું હશે તો એક વર્ષની મુદ્દત માટે કાગળો લખવાની કે મળવાની ઊંર્મિ કાબૂમાં રાખવી પડશે. કદાચ એ તને મુશ્કેલ પડે માટે જ લાંબા દેશાટનની ભલામણ કરૂં છું.’

ભદ્રા જોતી હતી કે જમતાં કરતાં દેર કંઈક ને કંઈક છણકા કરતો હતો. પિતાના કાગળે એને માટે પ્રકટ કોઈ ફરિયાદ કરવાની સ્થિતિ રહેવા દીધી નહોતી. ભાભી પણ દેરની આપદાનું કશું કારણ પૂછતી નહોતી. તેથી દેરને ભાભી પર ઘણીયે રીસ ચડી પણ ભદ્રાએ પણ ભદ્રાએ એટલુંય ન પૂછ્‌યું ’કેમ કંઈ તબિયત સારી નથી ભૈ ? હેં ભૈ, શું કંઈ થયું છે ?’

’હેં ભૈ’ કહીને ભાભી જે લહેકાભર આવો સવાલ પૂછશે તે લહેકો પણ વીરસુતે હૈયામાં ગોઠવી રાખ્યો હતો. ભાભીનું મોં એ પ્રશ્ન પૂછતી વેળા જે ભાવોની ચુમકિયાવાળી ભાત ધારણ કરશે તે પણ પોતે કલ્પી રાખેલું; પણ આઠ આઠ દિવસ થયા તોય જ્યારે ભદ્રા મૂંગી મૂંગી પોતાનો રોજિંદો વહેવાર ચલતી રહી, ત્યારે પછી

(૨૯૬) વીરસુત કૉલેજે જતી વખતે ’લ્યો ભાભી ! વાંચી રાખજો આ બાપુજીનો કાગળ !’ એમ કહેતે કહેતે કાગળ ભદ્રા તરફ ફગાવી પોતે ચાલ્યો ગયો.

સાંજે પણ ભદ્રા વગરપૂછી કશું બોલી નહિ. વધુ જુસ્સો સંઘરતો વીરસુત છેવટે પોતે જ પ્રશ્ન કરવાની સ્થિતિમાં મુકાયો :

’બાપુએ મને દેશવટો દીધો છે, જોયું ને ?’

’જઈ આવો ભૈ ! બાપુ ઠીક લખે છે ભૈ ! મન મોકળું થશે.’

’હા જ તો ! તમારી મુક્તિ થશે, સૌનો મારાથી છુટકારો થશે.’

’જઈ આવો ભૈ ! મને ય એ એક જ મારગ સૂઝે છે. ક્ષેમકુશળ દેશાટન કરી આવો ભૈ ! બધાં રૂડાં વાનાં થઈ રહેશે.’

’ને રહીશ તો ? તો શું બૂરાં વાનાં થશે ?’

વીરસુતના એ દાઝેભર્યા શબ્દોથી ભદ્રા જરીકે ન તપી, ન બોલી. વીરસુતે ફરી પૂછ્‌યું :

’કહોને શું બૂરાં વાનાં થશે ?’

’કહીને શું કરૂં ભૈ ! તમને ક્યાં કોઈનું કહ્યું પોસાય છે ?’

એ બોલમાંથી ભદ્રાનો કંટાળો ખર્યો. વીરસુતને બીક લાગી. ભદ્રાના મનની મીથપ એ એક જ એને ખાડી તરવાની નાવ રૂપ હતી.

’ના, એમ કેમ કહો છો ભાભી?’ વીરસુતે ભયના માર્યા પોતાનો રંગ બદલ્યો; ’તમે કહો તે મુજબ કરવા માટે તો હું પૂછું છું.’

’ત્યારે તો જઈ આવો દેશાટને ભૈ !’ ભદ્રા પોતાના લાલ લાલ નખનાં પદ્‌મોમાં પોતાનું પ્રતિબિમ્બ જોતી જોતી એકશ્વાસે એ વાક્ય બોલી ગઈ. એકશ્વાસે એટલા માટે કે એને વાક્ય વચ્ચેથી ત્રૂટી

(૨૯૭) પડવાની બીક લાગી. એ બોલવાના વેગમાં ગુપ્ત વ્યથા હતી. જાણે કોઈ ઘોડાગાડીના વેગના સપાટામાં આવી ગયેલા નાના કુરકુરીઆનું આક્રંદ એ બોલમાંથી સંભળાયું.

’હવે થોડું પૂછી જ લઉ ભાભી ! કે આમ શા માટે ? મને પ્રવાસે કાઢવાથી શો અર્થ સાધવો છે ?’

’ભૈ!’ ભદ્રા બોલતાં પહેલાં ખૂબ ખચકાઈ; ’સ્ત્રીનો સ્વભાવ જ એવો રહ્યો ને ભૈ ! તેમાં કોઈ શું કરે ? બાપુજી બીજું શું કરે ?’

’સ્ત્રીનો સ્વભાવ ! કેવો સ્વભાવ ?’

’કંઈ નહિ હવે એ તો ભૈ ! કંઈ કહેવા જેવી વાત નથી એ. તમે તમારે જઈ આવો. તુળસીમાના આશિર્વાદ હજો તમને ભૈ !’

એટલું જ કહીને ભદ્રા પાછી વળી ગઈ. ને વીરસુતને યાદ આવ્યું.

પોતાનું વધુ અભ્યાસ માટે બહાર જવાનું પરિયાણ બે વર્ષથી કંચનના ધમરોળને કારણે મુલતવી રહેલું. વીરસુત ભાભીના વારંવાર આગ્રહની અસરમાં મુકાયો. એણે જૂની યોજનાને ખંખેરી કરીને ગતિમાં મૂકી. એને વળાવવા માટે પિતા અમદાવાદ સુધી પણ ન આવ્યા. પણ એણે અમદાવાદ છોડયું તે પૂર્વેના પંદર દિવસમાં ડોસાએ ઘરની અંદરનું વાતાવરણ આવડતભેર તૈયાર કરી નાખ્યું હતું. કંચને જ્યારે દેવુની દ્વારા સસરા પાસે પોતાનો વીરસુતને મળવા જવાનો ઈરાદો આડકતરી રીતે જણાવ્યો ત્યારે પિતાએ કહ્યું,’તમે જાણે કે છો કુમળાં હૈયાનાં, ને ત્યાં લાગણીને કાબૂમાં રાખી નહિ શકો. દીકરો પણ અતિ પ્રેમાળ છે. તમારાં આંસુ દેખીને ક્યાંક ફસકી પડશે. હું ય છું પોચા હૈયાનો, મારથી પણ વિદાય દઈ શકાશે નહિ. હું પણ નથી જવાનો. જો વિદાયમાં વ્યથા થશે તો એ બાપડો ત્યાં જઈ ભણતરમાં મન શે પરોવી શકશે !’

છૂપી શૂન્યતા

પ્રવાસે જતા દેરને વળામણાં દઈને ભદ્રા યમુના અને અનસુ સાથે કાઠિયાવાડ ચાલી. આટલા મહિનાથી સાચવેલું દેરનું ઘર એને આખી વાટ યાદ આવ્યા કર્યું. પોતે દેરના ઘરનો કયો કયો સામાન ઠેકાણે પાડવામાં ભૂલ કરી હતી, કઈ કઈ ચીજો બંધ ઘરમાં સાચવીને મૂકતાં ચૂકી હતી, તે ઉપરાઉપરી યાદ આવવા લાગ્યું. જે કપડાં એને પોતને કદી પહેરવાનાં નહોતાં, તેની પેટીઓમાં ને કબાટોમાં ડામરની ગોળીઓ નાખવી રહી ગઈ તેથી ભદ્રા પરિતાપ પામી. કંચનને વાપરવા જેવી ચીજો પોતે સાથે લીધી હતી તેમાં પણ અમુક શણગાર ત્યાં ભુલાઈ ગયા હતા. ’મૂઈ રે હું તો હૈયાફૂટી !’ એમ બોલીને મનમાં મનમાં બળ્યા કરી. ’હૈયું જ કોણ જાણે કેમ ફૂટી ગયું રાંડીનું ! દેરનો સામાન પેક કર્યો તેમાં ખમીસનાં બટન મુકાયાં કે વીસરી ગઈ ? દેરનાં બીજી જોડ ચશ્માં બહાર તો નહિ પડયાં રહ્યાં હોય ! દેરને રસ્તે તાવ માથું કંઈ થાય નહિ અને દેરનું સર્વ પ્રકારે ક્ષેમકુશળ રહે તે માટે તુળસીમાની બાધાનો મેં દોરો કરાવેલો તે તો દેરને આપવાને બદલે મારી પાસે નથી રહી ગયો ને !’

(૨૯૯) સંભારી સંભારીને શંકા પડતાં ભદ્રાએ રેલ ગાડીમાં પોતાની ટ્રંક પીંખી, બીસ્તર ફેંદ્યું, પોતાના કબજાનાં ગજવાં પાંચ વાર ફરી ફરીને, અને છઠ્‌ઠી વાર અવળાં કરીને તપાસ્યાં. દોરો ક્યાંઈ ન મળે. એક કલાક ખુવાર મળી. સામે બેઠી યમુના દાંત કાઢ્‌યા કરે પણ એને ગાંડીને ક્યાં ખબર હશે એવું તો હૈયે ક્યાંથી જ ચઢે ? છતાં છેવટે ભદ્રાએ અનસુને પૂછ્‌યું, ’અનસુડી તેં તો ક્યાંઈ નો’તો મૂકી દીધોને દોરો ? એ પછી યમુનાને પણ પૂછ્‌યું, ’યમુની ! તને કંઈ ભાન છે દોરાનું !’

આવી તોછડાઈથી ભદ્રા નાની અનસુને ને ગાંડી યમુનાને કોઈક જ વાર બોલાવતી. એવી તોછડાઈ ભદ્રાના મોંમાંથી નીકળે ત્યારે એમ સમજાય કે આજે ભદ્રાબાની માનસિક અકળામણનો કોઈ પાર ન રહ્યો હોવો જોઈએ. આટલી તોછડાઈ સિવાય ભદ્રાના સંતાપને માપવાનું કોઈ પણ ચિહ્‌ન નજરે પડતું નહિ. કારણ કે એ બરાડો કદી પાડતી નહિ, આંખો તે એની છૂપી રીતે રડી હોય ત્યારે જ લાલ બનતી, ને હાથ તો એ કોઈ પર ઉપાડતી નહિ.

’બોલ તો ખરી ઓ ગાંડી ! ઓ જમની !’ મૂંગી યમૂનાને ભદ્રા એ એમ કહેતે કહેતે જરી હાથ અડકાડયો.

’કેમ મારો છો વળી !’

યમુનાએ ગાડીનો ડબો ગજવવાની તૈયારી કરી હોય તેવી બનાવટ ધારણ કરી. એણે તો એક સપાટે મોં ર્રડવા જેવું કરી નાખ્યું.

’બાપુ ! મારો દોરો...’ ભદ્રા ઢીલી પડી ગઈ.

’મને ગળે ફાંસો દેવો છે શું દોરો લઈને ?’ યમુના હસવા લાગી.

’શીનો દોરો ?’

(૩૦૦) ’વીરસુત ભાઈને કાંઠે બાંધવાનો.’

’તમે એકને જ વાલા હશે કાં ને ?

’ના બેન ના,’ ભદ્રાની આંખો જળે ભરાવા લાગી; ’સાને વાલા છે, માટે તો તુલસીમાની મેં રક્ષા મંતરાવી’તી. હીમખીમ એ પાછા આવે, પાછા આપ્ણે અમદાવાદ રે’વા જઈએ.......’

’આવશે જ તો ?"

’દોરા વગર ?’

ભદ્રાના હૃદયમાં એવી જ એક છોકરવાદી વહેમજડતા ઘર કરી ગઈ કે પોતે કરવેલો દોરો જો વીરસુતને નહિ પહોંચ્યો હોય તો વીરસુતનું ક્ષેમકુશળ ખંડિત થયા વિના રહેશે જ નહિ.

’ તો તો આવશે જ ! લ્યો હું કહું છું કે આવશે.’ યમુના વિચિત્ર હર્ષચેષ્ટાઓ કરવા લાગી.

’પણ બેન ! તને શું ખબર પડે ! મેં જ રાંડીએ એમને દેશાટને જવા કહ્યું. મેં જ મૂઈએ એમને એમના ઘરમાંથી જાકારો દીધો. મેં જ મૂઈએ એમની ને એમના પિતાની વચ્ચે વછા પડાવ્યા, મેં જ એમને કંચનને મેળવી ન આપ્યાં, મારી તે કેવી ગફલતી !’

પછી એની વાણી પ્રકટપણું ત્યજી દઈને હૃદયના નેપથ્યમાં કમ્પવા લાગી. કોઈ બીજાને કાને ન પડવા દેવાય તેવી એ ગુહ્ય વાણી હતી. માનવ- હૃદયનાં, તેમાં પણ સ્ત્રીહૃદયનાં રહસ્યો જે વીણા પર ઝંકાર કરે છે - તે વીણા ઘનઘોર અંધકારની જ બનેલી છે. ચિદાત્માના દરબારને ઊંંબરે એ વીણાનો બજવૈયો બેઠો છે. કલ્પના ત્યાં પહોંચી શકી નથી તો કાન ક્યાંથી પહોંચે ? ભદ્રાના મનમાં મજુલ મૃદુ કોઈ રવ ઊંડતો હતો :

(૩૦૧) ’આજે કેમ રડું રડું થઈ રહ્યું છે ! એ ચીડીઆ, નાદાન, ધડા વગરના દેરનું ઘર ચલાવવા જવાની ભૂલ હું ક્યાં કરી બેઠી ? એનું સાન્નિધ્ય મને રાત ને દિવસ ડરામણું ભાસતું તે છતાં આજે કાં એ સન્નિધ્યમાંથી મળેલા છૂટકારાને હું અંતરમાં અનુભવી શકતી નહિ હોઉં ! ચિડાતો, અપમાન કરતો, ભય પમાડતો, ભૂલો કાઢતો, ને કદી કદી તો બેહદ અકળાઈને જાકારો પણ બોલતો એ દેર દૂર થતાં મારૂં આખું જીવન પૂર્વે કદી જ ન અનુભવેલી એવી શૂન્યતાને અવનવી વિકલતા કેમ અનુભવે છે ! હે પ્રભુ, હે તુળસીમા, મને આમ કેમ થાય છે ? કે જાણે દેરનું પ્રયાણ કોઈ કારણે અટકી પડે. તુલસીમા, મને એટલું બધું કાં થાય કે દેરને કોઈક અકસ્માત નડે તોય સારૂં !’

’અકસ્માત’ના વિચારે કલ્પનાની આખી પરંપરા ઊંભી કરી :’મુંબઈમાં જ રેલગાડી પર જતે જતે કોઈ ટેક્સીમાંથી પછડાય, પછડાય પણ પાછું વાગે બહુ થોડું હો તુલસીમા ! થોડું એટલે કેટલું? તે વખતે તો ન જ જઈ શકે તેટલું. એમનો તાર મળે, એ મને તેડાવે, હું મુંબઈ જઈ લઈ આવું પાછા. એના ઘરમાં રહી એને સાજા કરૂં, પણ પછી તો એને જવાનું જ ન બને તેવું કરી આપું : એને ને કંચનને હું ભેટાડી જ દઉં. પછી તો જવાનું કારણ જ શું રહે ? એ જો કહે કે ભાભી ! કોઈ રીતે મને દેશવટે મોકલતાં અટકો, તો હું શરત મેલું કે કંચનનો અને એના નાના બાળક સાથે જ સ્વીકાર કરી લો. એ જો હા પાડે તો હું બાપુજીને મનાવી લઉં. પણ પછી કંચન મને ઘરમાં રહેવા દે ખરી ? દેર મને જ પૂછી કરીને પાણી પીવે તો કંચનને ઈર્ષ્યા ન આવે ? પણ હું દેરને એમ કહું કે મને તમારે કશું ન પૂછવું, બેઉ જણાંએ સમજીને બધું કરવવું કારવવું, તો? તો મને ગમશે ખરૂં ? શા માટે ન ગમે ? મારે ને એને શું ? હું તો મારી અનસુને ઉછેરીશ, મારા દેવુને મોટો કરીશ, મારા સસરાનું ઘડપણ સંભાળીશ.’ (૩૦૨) એ કરવા તો પોતે પાછી વળી રહી હતી. છતાં દેરનું ઘર પાછળ પાછળ દોડયું આવતું હતું, પોતાની પાછળ જાણે કબાટો ને હિંડોળા, રસોડું ને પાણીના નળ હડી કાઢતા હતા. એ બધાંને પાછાં એકઠાં કરીને કોઈક બંગલામાં પૂરી દેતું હતું. ’આવતે સ્ટેશને જ દેરનો તાર મળે, કે ભાભી આવજો, મને તાવ ચડયો છે......તો ?’

તરત દોરો યાદ આવ્યો. દોરો દેરને દેવાનું ભૂલી ગઈ છે પોતે, તેથી શું થાય ને શું ન થાય ! ’હાશ, દોરો ભૂલી ગઈ હોઉં તો તો બહુ સારૂં; તો તો કશુંક થશે ય તે - પણ થોડુંક જ થજો, હો તુળસીમા !’

દેરના ક્ષેમકુશળની અને પોતાના સ્વાર્થી સુખની, આ બે લાગણીઓ વચ્ચે તોફાન ચાલતાં પોતે પોતાની નબળાઈ અને વિચારહીનતા પર હૈયું ઠેરવ્યું. પોતે આવી આકુલતાના અનુભવ પર નિઃશ્વાસ નાખ્યો, અને જાણે દેવ પોતાના જીવનમાં પહેલી જ વાર કોપ્યો હોય એવો મનોનુભવ થતાં ચોબાજુથી ઘેરાઈ ગયેલ કોઈ વિષાદ્‌ગ્રસ્ત ધેનુની માફક અંતરમાં ભાંભરડા દેવા લાગી. રડી પડી. ત્યાં તો યમુના બોલીઃ

’દીઠાં બહુ ડાયાં ! રડવા બેઠાં. તમારો દોરો તો લઈ જઈને હું જ બાંધી આવું છું.’

’ક્યાં ?’

’ભાઈને કાંડે.’

સામાન્ય સંજોગોમાં માનવીને આવા સમાચાર મુક્તિની ને ચકિત આનંદની લાગણી કરાવે, પણ ભદ્રાના સંજોગો ક્યાં સામાન્ય રહ્યા હતા ?

એને ન ગમ્યું. દોરો તો દેરને કાંડે પહોંચી ગયો હતો, દેરની યાત્રા ક્ષેમકુશળ બનશે. એક વર્ષ સુધી તો દેર પાછા નહિ વળે !

(૩૦૩) સાબરમતી નદી આવી - પુલ ઉપરથી ભદ્રાએ એક શ્રીફળ અને એક ચકચકતો નવો પૈસો નીચે વહી જતાં નીરમાં નાખ્યાં. એનો ઘા કરવામાં પૂરી કાળજી હતી. રમતમેદાન પરના કોઈ ખેલાડીએ કદી કોઈ સન્નારી સામે આટલી હળવાશથી રબરના દડાનો ’કેચ’ નહિ નાખ્યો હોય. નદી એને મન સજીવ સત્ત્વ સમાન હતી. ’મા ! ભાઈની રખ્યા કરજો !’ એવી ટુંકી પ્રાર્થના એ શ્રીફળ અને પૈસાની સાથે સાબરમતીનાં જંપતાં જળ ઉપર ઝિલાઈ. પણ એના અંતરના અણવદ્યા બોલ જુદા હતા, ’ભાઈને કંઈક, થોડુંક કંઈક કરીને પાછા વાળજો. ભાઈને મેં કંચનથી વછા પડાવ્યા છે. હું અદેખી છું. ભાઈ પાછા અવે તેમાં મારો શો સવારથ છે ? સવારથ તો છે જ ને રાંડી ! જૂઠું બોલ છ કે ? જૂઠું બોલતી હોઉં તો લો ખાતરી કરાવી આપું. ભાઈ જો પાછા આવે તો હું એને મારૂં મોં ય ન બતાવવા બંધાઉં છું.’

પણ સાબરમતીનો નિષ્પ્રાણ પુલ એવી એવી માનસિક લવારી સાંભળતો પાછળ રહ્યો. ગાડી સાબરમતી સ્ટેશને પહોંચી. યમુના રખે દેખી જાય તેટલા માટે જ ભદ્રા બારી પર મોં દબાવીને બેસી રહી. એની આંખોનાં પાણી વરસાદનાં ટીપાં સાથે મેળ કરીને બારીના પોલાણમાં ઊંતરતાં હતાં.

ભાસ્કરનો ભેટો

એનો ડબો જ્યાં ઊંભો રહ્યો તેની સામે જ બે પોલીસની વચ્ચે એક માણસ કેદી વેશ વગર પણ કેદીની દશામાં ઊંભો હતો. એ ડબો ઊંભો હતો ત્યાં દીવા ઝાંખા હતા. કેદીને લઈને પોલીસે એ જ ડબાનું કે ખાનું રોકી લીધું.

કોઈ નીચે ઊંભેલી સ્ત્રી એક બીસ્તર અને એક ખાવાનો ડબો ઊંંચો કરીને એ ઊંજળાં લાગતાં કપડાંવાળા સંસ્કારી કેદીને કહેતી હતી : (ને એના બોલ પરથી સ્પષ્ટ થતું હતું કે એ બુઢ્‌ઢી હતી, બોખી પણ હતી;) ’લે ભાઈ, બેટા લઈ લે આ પાથરવાનું ને ભાથું.’

’નહિ બા, જરૂર નથી.’ કેદી જવાબ વાળતો હસતો હતો.

ભદ્રાને કાને અવાજ અફળાયો. એનાં આંસુ થંભ્યાં. એનું મોં બારીનો ટેકો ત્યજી ઊંંચું થયું.

’પણ બેટા, લાંબી મુસાફરી છે. હાડકાં દુઃખશે.’ નીચે ઊંભેલી બોખલી બુઢ્‌ઢી કેદીને ફરી ફરી આગ્રહ કરતી હતી.

’જનેતાઓનો આ જ તો ત્રાસ છે ના !’ કેદી પોતાના સાથી સિપાહીને કહી રહ્યો હતો; ’ભોંયમાં ભંડારી દઈએ, ઊંપર પાંચ

(૩૦૫) પચીસ વર્ષોની માટી વાળી દઈએ, તો પણ કોણ જાણે ક્યાંથી ધરતી ફાડીને એ નીકળી પડે છે.’

ભદ્રા પોતાની સામી બાજુના છેવાડા ખાનામાં ચલી રહેલ આ વાર્તાલાપ તરફ વધુ ને વધુ ખેંચાતી ગઈ. એને સ્વર કંઈક પરિચિત લાગ્યો. થોડો ફેર પડયો હતો, કંઠમાં દુર્બળતા હતી, પણ બોલવાનો ઠસ્સો બદલાયો નહોતો. કોનો હતો આ કંઠ ? સામાન્ય સો સો કંઠથી જુદો પડી રહે તેવો એ ભરેલો હતો.

’લે દીકરા લે ,’ બિસ્તરનો ભાર ન સહેવાતાં ઘડીક નીચે મૂકતી ને પાછું ઉપાડી ઊંંચું કરતી એ બુઢ્‌ઢીની ગામડિયણ જેવી ભાષા હતી.

’લઈ લોને યાર !’ પોલીસ પોતાના કેદીને કહેતો હતો :’એ ડોકરીનો જીવ રાજી રાખો ને ! એ દુવા દેશે તો તમે છૂટી જશો.’

’નહિ રે ભાઈ, નથી છૂટવું. છૂટીશ એટલે પછી શું હું આ માની સામે ય જોવાનો છું ! એ ક્યાં પડી સડે છે તેની પણ ભાળ લેવા જવાનો છું ! જા બા, મારે તારી આશિષો નથી જોઈતી.’

’લે ભાઈ લે...’

’બાઈ માણસનું માન રાખો ને યાર !’ પોલીસનું જીગર દુબળું પડતું હતું.

’ત્યારે તમને ખબર નથી નાયક.’ એ કેદી એ રણકો કરતા સ્વરે કહ્યું : ’મેં આખી જુવાની બાઈ માણસોને રાજી રાખ્યા સિવાય બીજું કામ નથી કર્યું. ને હવે પાછો છૂટું તો એ કામ વગરનું બીજું કોઈ કામ મને સૂઝવાનું પણ નથી. પણ એ બાઈઓ આ બાઈથી બધી રીતે જુદી હતી. આ તો બુઢ્‌ઢી ને બોખલી મા છે. એને હું કદી રાજી રાખી શકું નહિ. એવો દંભ હું ઘડીભર કરૂં તો આ

(૩૦૬) માને છેતરવા જેવું થાય. ને છેતરવું એ મારા સ્વભાવમાં નથી.’ એમ કેતો કહેતો એ તોરમાં ને તોરમાં એક ટૂંકું અંગ્રેજી વાકય બકી ગયો : ‘ર્‌ ંરઅર્ ુહ જીઙ્મક હ્વી કૈહટ્ઠઙ્મઙ્મઅ િંેી.’

’લે ભાઈ લે.’ ડોશીનું રટણ ચાલુ જ હતું.

ત્યાં તો ગાડી ઊંપડી. એ કેદીની કઠોરતામાં કશો ફેર પડયો નહિ. બુઢ્‌ઢીએ બિસ્તર અને ભાતાનો ડબો લઈ ને ચાલતી ટ્રેન સાથે દોડવા માંડયું. દોડતી દોડતી એ કરગરતી હતી : ’ઓ ભાઈ ! લેતો જા ઓ બેટા, લેતો જા ઓ ભાસ્કરીઆ - ઓ રડયા ! ઓ દન ફરેલા ! ઓ પથ્થર જેવા દીકરા !’

પણ વેગ પકડતી ગાડીના એ ડબાના છેવાડા ખાનામાં બેઠેલો એ કેદી જાણે કોઈ સ્થિતપ્રજ્જ્ઞતાની મૂર્ત્િા હતો. એણે ગાડીમાંથી ડોકું કાઢીને પાછળ પણ જોયું નહિ. બાજુનાં મુસાફરોમાં જે કટાક્ષયુક્ત ટીકાઓ ચાલુ થઈ તેની પણ કશી અસર એણે મોં પર દેખાડી નહિ. ને વિદ્વત્તાયુક્ત ટીકા ન કરી શકતા પોલીસ નાયકે ’અરે શું તમે તે યાર ! ઈન્સાન છો કે નહિ’ એવી જે ગૌરવભરી વાણી ઉચ્ચારી તેનો પણ જવાબ વાળ્યો નહિ. નજર પોતાની સન્મુખ ટેકવીને એ બેસી રહ્યો. મોં છુપાવવાની પણ એણે જરૂર ન માની. એના ચહેરા પર એક જ ભાવ લખાઈ ગયો હતો, કે મેં કશું જ નિંદ્ય કામ કર્યું નથી. મારો આમાં કાંઈ પણ દોષ થયો નથી. હું મારી જાતને વફાદાર એક પ્રામાણિક માણસ છું. હું દલીલો કરવાની જરૂર જોતો નથી.

’લઈ લે રોયા ભાસ્કરીઆ !’ એવા એ બુઢીના આક્રંદ-શબ્દો ભદ્રાને કાને પડયા કે તરત એ કંઠ પરખાયો. યમુના અને અનસુ બેઉએ ઊંંઘવું આદરી દીધેલું તેથી ભદ્રાને એકલીને આ ડબામાં ભાસ્કર હોવાનો (૩૦૭) તાત્કાલિક તો કશો ભય લાગ્યો નહિ. એકીટશે એ ભાસ્કર સામે જોઈ રહી. પંદરેક દિવસ પૂર્વેની રાતે ભાસ્કર વીરસુતની મોટર પર ચડી બેઠો હતો ને પછી બંગલે આવી જે વાત કહી ગયો હતો તેનું ભદ્રાને સ્મરણ થયું. ભાસ્કર પકડાયો હતો એ વાત ઘરમાં એને કોઈએ કરી નહોતી. દેરને તો ખબર હોવી જ જોઈએ, પણ વીરસુત ભદ્રા પાસે ભાસ્કરની વધુ વાત કરવા ન ઈચ્છે એ દેખીતું હતું. એ તો ઠીક, પણ અમદાવાદમાં મોટો ને મહતવનો ગણાવો જોઈએ તેવો એ બનાવ હતો છતાં અમદાવાદની સંસ્કારપ્રેમી જનતામાંથી કેમ કોઈ કરતાં કોઈ અહીં આ કેદીને કશું આપવા, સાંત્વન દેવા કે વળાવવા હાજર નહોતું ? એને કેમ કોઈ જામીન પર છોડાવનારૂં પણ જડયું નહોતું? ભદ્રાને ભારી કૂતુહલ થયું. બિસ્તર દેવા આવેલી તે શું ભાસ્કરની મા જ હતી ! મા ક્યાંથી આવી ચડી ? આને પોલીસ ક્યાં લઈ જાય છે ? ભદ્રાનું કૂતુહલ પ્રબલ બન્યું, પણ ભાસ્કર એ છેવાડા ખાનાંમાં ચૂપ હતો.

વચ્ચેનાં ખાનાંમાં મુસાફરોએ આજના જમાના પર પ્રચંડ મીમાંસા માંડી દીધી હતી. આજના જમાનાના દીકરાઓ પર ફિટકાર તૂટી પડયો હતો ને માના ઉદરમાં નવ માસ વેઠાતા ભારવાળા મુદ્દા પર એટલો બધો ભાર મુકાઈ રહ્યો હતો કે ભદ્રાને હસવું આવતું હતું. એનં અંતર છાનું છાનું કહેતું હતું કે ’નવ માસ ભાર વેઠવાની આટલી બધી નવઈ તે શી છે બૈ ! વેઠે એ તો-કૂતરાં ય વેઠે ને બલ્યાડાં ય વેઠે.’

ઉતારૂઓએ જમાનાને નામે બોલીને ભાસ્કરને જેટલી ગાળો દઈ શકાય તેટલી દીધી. ભાસ્કર અબોલ રહ્યો તે પરથી વાતો કરનારાઓએ અટકળ કરી કે આ ઠપકો તેના પર અસર કરી રહ્યો છે. એટલે તો પછી બે પાંચ જણ એની સામે ફરીને ’માને તો આમ રાખીએ ને તેમ સાચવીએ’ એવી મતલબની શિખામણો આત્મીયજનોની જેમ દેવા મડી પડયાં.

(૩૦૮) ’હવે વધુ કહેવું રહેવા દો.’ એક બેસારૂએ કહ્યું : ’એ બાપડો રડી પડશે. કોને ખબર છે બાપડાને પારકી જણીએ જ બગાડયો હશે.’

પછી સૌ પરોપકારી લોકો કર્તવ્ય અદા કર્યાના સંતોષે નીતરતી પહેલી નિદ્રાનાં ઝોલાં ખાવા લાગ્યાં અને પોલીસો તથા ભાસ્કર વચ્ચેનો વાર્તાલાપ ત્રુટક ત્રુટક ભદ્રાને કાને પડવા લાગ્યો.

નાયકે કહ્યું : ’બીજું કોઈ તમારો જામીન થવા ના અવ્યું ને આ ડોકરી આવી ! એનો જમાન સરકાર શાની કબૂલે?’

સિપાહીએએ કહ્યું :’અરે યાર, ત્રણ દિવસથી એ ડોકરી જેલને દરવાજે પડી હતી. જામીન કેમ આપવો એની કશી ખબર ન પડે, ને એ તો એક જ જીદ લઈને બેઠી કે મારા દીકરાને બદલે મને કેદમાં રાખો.’

’માણસને બદલે માણસને તો કોણ રાખે ?’ નાયકે કહ્યું :’જમાન તો રૂપિયામાં જ જોવે ને ?’

’ડોકરી પાસે કંઈ રૂપિયા રડા કે ઈસ્કામત તો હશે ને ! હેં માસ્તર ?’

’નહિ રે !’

’કેમ, તમે આવું જબરૂં માણસ, અને માને કંઈ મૂડી નહિ રળી દીધી હોય ?’

’એક પૈસો પણ નહિ.’

’ઓ તારીની ! એક પૈસો પણ નહિ ? તાણે મા ગુજારો કેમ કરતી હતી ?’

’દળણાં દળીને.’

(૩૦૯) ’અલ્લા ! અલ્લા !’ પોલીસે ઉદ્‌ગાર કાઢ્‌યો.

’તે આ વળી રાજકોટમાં વળી તમે બીજી શી બલા ખડી કરી છે યાર ? એ નલિની કોણ છે ?’ નાયકે પૂછ્‌યું.

’વકીલની દીકરી છે.’ ભાસ્કરે કશા વિલંબ વગર જવાબ આપ્યો.

’એમાં તમે ક્યાંથી સપડાયા ?’

’ભણેલી હશે એટલે સપડાવે જ ને ? પોલીસે અમર સત્ય ઉચ્ચાર્યું.

’મને કોઈ સપડાવી શકે જ નહિ.’ ભાસ્કરે ખુલાસો કર્યો. પણ નાયકે પોતાની ધૂનમાં જ બોલવું ચાલુ રાખ્યું -

’એના માથેના તારા કાગલ પકડાયા એ બહુ બૂરી થઈ યાર ! બીજું ચાય તે કરીએ, કાગલ તો કદી જ ન લખીએ. કાગલ જ મોંકાણ કરે છે ને ! મોંની હજાર વાતો કરી હોય તોય કહી શકાય, કે સાલો જાણે છે જ કોણ સુવ્વરનો બચ્ચો ! લેકિન કાગલના ટુકડા પર ચીતરામણ કર્યું કે માર્યા ગયા !’

’અરે યાર ! નાયક સાબ !’ સિપાહીએ કહ્યું :’કાગલ તો કૈકના દાટ વાલી દે છે. કાગલ લખવા બેઠો ઈશ્કી, એટલે પછી પૂરપાટ ઘોડો મારી મૂકે હો યાર ! શરાબ જ પીધો જાણે. અગમનીગમની વાતો અડાવે. દિલની તમામ દાઝ કાઢી નાખે કાગલ ઉપર. આટલા વાસ્તે તો હું ખુદાને દુવા દઉં છું કે આપણી જાત ઓછું ભણે છે એ જ બહેતર છે.’

’એ તો ભૈ, હું બધું જાણું છું. રૂબરૂ મલીને વાતો કરી હોય, તોય મારાં બેટાં સવાર ના પડવા દે, બસ, બેસે કાગલ લખવા. પથારીમાં ગોદડું ઓઢીને લખે, બાથરૂમમાં લખે, આગગાડીને ટ્રોલીમાં બેસીને લખે, લખે લખે ને લખે જ. પોતાના હાથે જ પોતાની વિરૂદ્ધનો

(૩૧૦) પુરાવો બાળે ! મેં તો એવા કૈંક કાગલો વાંચ્યા છે આપની હાફીસના છૂપા દફ્તરમાં. કેવા કેવા આબરૂદારો, કેવા કેવા ખાદીવાલાઓ, કેવા કેવા આશરમવાલાઓના કાગલો ! અહહહ ખુદા ! ઓ ખુદા ! તોબાહ !’ એમ કહેતે કહેતે નાયકે આંખે હાથ દઈ દીધા : ’વાંચીએ તો જીગર કામ ન કરે. આપણે વાંચતાં શરમાઈએ, ને એ બચ્ચાંઓ લખતાં ન લાજે, કેમ ભાસ્કરભાઈ, ખોટું કહું છું ? કહેતો હોઉં તો મારૂં મોં ને તમારી ચંપલ !’

ભાસ્કરે ફક્ત મોં મલકાવ્યું.

’યાર પણ તમે પૂરા પક્કા આદમી આ શી બેવકૂફી કરી બેઠા ?’

છૂપા પ્રેમપત્રોના વ્યવહાર પર નાયક અને સિપાહીના એ હાસ્ય કટાક્ષોનું નિશાની બની ગયેલો ભાસ્કર કશું જ બોલતો નહોતો, કશા ખુલાસા આપતો નહોતો. એની દૃષ્ટિ ડબાની બહાર ઘાટા બનતા જતા અંધકાર તરફ હતી. પોલીસોએ ફાવે તેવું બોલ્યે રાખ્યું. અને ગ્રામ્ય વિધવામાં ભાગ્યે જ સંભવે એવી હામ બીડીને ભદ્રા પોતાની બેઠકેથી ઊંઠીને સામી બારી પર જતી, બહાર ડોકું કાઢતી, ને ધીમે ધીમે એક પછી એક બારી વટાવી ભાસ્કરવાળા ખાનાનાની સામેની (રસ્તા પરની) બારી સુધી પહોંચી હતી તેનું આ ત્રણમાંથી કોઈને ધ્યાન ન રહ્યું.

મોં બતાવ્યા વગર ભદ્રા પીઠ ફેરવીને ઊંભી ઊંભી પોલીસના તડાકા સાંભળતી હતી અને એ એક પછી એક ચકિત કરનારી વાતોની ભાસ્કરના મોં પર શી અસર થાય છે તે ચપળતાથી મોં ફેરવી જોઈ લેતી હતી. ભાસ્કરના ચહેરા પર અપમાન અને બેઈજ્જતીની નિસ્તેજી હતી, પણ એ નિસ્તેજીમાં ય એક પ્રકારની શોભા હતી. ભાસ્કરનો ચહેરો પૂર્વે જોયેલો ત્યારે

(૩૧૧) ખાડાખબડીઆવાળો, ધામીઆંના દાગોથી ખરડાએલો ને ક્યાંઈક ક્યાંઈક ઊંપસી આવેલી નસોથી ડુંગરાટેકરાવાળો દીસેલો. પણ એ રાત્રિએ આગગાડીના ડબામાં દીઠેલ ચહેરા પર, બોરડીનાં જાળાં ખોદીને કોઈ ખેડૂએ સમથળ કરેલા ખેતરની સપાટી સમી કુમાશ હતી.

ઘડીભર તો ભદ્રાના મનમાં ગડમથલ ચાલી રહી : ’આ માણસ પારકી બૈરીઓને ફસાવે એવો છે ખરો ? અમારી બૈરીની જાત પણ ઓછી છે કંઈ બઈ?’

વિચાર આવ્યો કે તત્કાળ ભદ્રાએ પડતો મૂકી દીધો. એ વિચારવાટ એને વિકરાળ હિંસ્ર પશુઓથી ભરેલી લાગી. ને એણે પોલીસ નાયકનો નવો ઉદ્‌ગાર સાંભળ્યો : ’ઓરત તો દગલબાજની પૂતળી છે હો માસ્તર ! ઓરતનો કદી ઈતબાર ન કરવો.’

ઘીના રેવેલ ડબામાં કસ્ટમના સિપાહી સોયો ઘોંચે તેવી રીતે ભદ્રાના હૃદયમાં એ શબ્દો ઘોંચાયા. પલભર તો એ સંકોડાઈ ગઈ. પછી એણે તરત ભાસ્કરના મન પર એ શબ્દોની અસર નિહાળવા મોં ફેરવ્યું. ભાસ્કરે પણ એ વખત પહેલી જ વાર પોતાનું મોં બહારના અંધકાર તરફથી ફેરવી લીધું.એનો ચહેરો જોનાર કોઈ પણ કહી શકે કે એ મોં ફેરવવાની ક્રિયામાં કોઈ ચગદાતો કીડો દેહ આમળતો હોય તેવી વ્યથા હતી.

ફરેલી આંખોને એ કોનું દર્શન મળ્યું? અમદાવાદની ઓળખીતી આખી આલમ શું કોઈ એક જ નારીનું સ્વરૂપ ધરીને ખડી થઈ છે ઠપકો ને ધિઃકાર દેવા? મેણાંટોણાંને પથ્થરો મારવા? પોલીસની હાંસીમાં શામિલ થવા ? કે કંચન અને યમુનાના જીવન-વિનાશ બદલનું કોઈ નવું તહોમતનામું પોલીસ પાસે દાખલ કરવા?

(૩૧૨) ભાસ્કર હેબતાયો. એ ભદ્રા હતી. પણ પૂર્વે વીરસુતને ઘેર દીઠેલી તેવી ભદ્રરૂપિણી સૌમ્યા નહોતી. એની આંખો, પોતાની સમસ્ત શીતળતા સાચવીને પણ પોલીસોની આંખોનાં તળિયાં ઉચકાવી રહી. પોલીસનો પરિચય કે પ્રસંગ એને કદાપિ નહોતો પડયો. ઘરની ખડકી એણે અમદાવાદ આવ્યા પછી જ, દેવુના દવાખાને જવા પૂરતી વળોટી હતી. પુરૂષ જાતિના એક પણ માણસ જોડે એ ઊંંચે અવાજે બોલી નહોતી. એવા સંસ્કારોમાં પોષાએલી ભદ્રાનું હૈયું ’કંઈક કહું ! કંઈક કહું!’ એવા શબ્દોએ ધબકતું ધબકતું, એક ઉચ્ચાર પણ કરી ન શક્યું.

પોતે કંઈ કહી નથી શકતી એ બાબતનો એને મનમાં આત્મતિરસ્કાર આવ્યો. પણ એને વધુ વેદનાની અગ્નિઝાળો વેઠવી ન પડી. એ આશ્ચર્યચકિત બની. ભાસ્કરને એણે સામે હાથ જોડી શિર નમાવતો જોયો.

ભદ્રા શરમીંદી બની. આવું નમન. પોતાનાથી પણ મોટી વયના પુરૂષ પાસેથી પામવાનો આ પહેલો જ બનાવ એને ગૂંગળાવી રહ્યો. એની લજ્જાએ એના મૂડેલ મસ્તકને લાલ લાલ કરી મૂક્યું.

’સારૂં થયું કે તમે આંહીં મળી ગયાં.’ ભાસ્કરે ભદ્રાને પ્રસ્તાવનાના સંતાપમાંથી બચાવી લેવાની બુદ્‌ધિથી આમ પરબારી જ શરૂઆત કરી લીધી; ને સ્તબ્ધ બનેલા, બાઘોલા જેવા પોલીસોને વિચાર કરવાનો પણ સમય આપ્યા વગર એણે ભદ્રાને કહેવા માંડયું -

’નલિની નામની એક રાજકોટની વિદ્યાર્થ્િાની અમદાવાદમાં મારા રક્ષણ તળે હતી. એના પિતા પણ નલિની પરની મારી દેખરેખ માગતા હતા. એ પરણી તે પછી તેના પતિએ પણ નલિની સાથે મારો સહવાસ ચાલુ રહેવા ઈચ્છા બતાવી હતી. પછી નલિની પતિને ઘેર ગઈ, ત્યાં જેવું કંચનને વીરસુતના ઘરમાં બન્યું તેવું નલિનીને બન્યું. મારી એણે કાગળ લખીને સલાહ પૂછી. મેં એને પતિનો ત્યાગ

(૩૧૩) કરવાની સલાહ લખી, પણ પતિ પત્ની વચ્ચે મનામણાં થયા. મનામણાં કરવાની રીત રમૂજી હતી.પતિએ કહ્યું કે નલિની ! તું તો નિર્દોષ ને ભોળી નારી છે. તું નિષ્પાપ છે. પણ ભાસ્કરે જ દુષ્ટે તને ફસાવી દીધી. એટલે નલિનીએ સંતુષ્ટ થઈને એના પતિ પાસે મારા કાગળો પ્રકટ કરી દીધા છે. મારા સામે નલિનીને ભગાડી જવાની કોશીશનો કેસ થયો છે. મને ત્યાં લઈ જાય છે. હું તમારા આશીર્વાદ માગું છું.’

’આશીર્વાદ-’ ભદ્રાને ગળે થૂંકનો ઘૂંટડો ઊંતરી ગયો. એ માંડ બોલી શકી : ’આશિર્વાદ શેના ભૈ ?’ એ ’ભૈ’ સંબોધનના ઉચ્ચારમાં એનો એ જ થડકાર હતો, એજ રણકો અને કમ્પાયમાન ઝણકાર હતો, જે સગા દેર વીરસુત પ્રત્યેના સંબોધનમાં ગૂંજી ઊંઠતાં. ખુદ ભદ્રાએ જ પોતાનો એ બોલ સાંભળ્યો, ને એને પોતાને જ નવાઈ લાગી. વીરસુત સિવાયના કોઈ પ્રત્યે આવો ઝંકાર એના કંઠે કદી કર્યો નહોતો.

’આશિર્વાદ એટલા જ કે મેં જેને મારી સચ્ચાઈ માની છે તેને હું છોડી ન દઉં.’

ભાસ્કરની વાણી ભદ્રાની સમજમાં ઊંતરી નહિ. ’સચ્ચાઈ’ શબ્દ પારકી સ્ત્રીઓના સંસાર ભંગાવનાર પુરૂષના મોંમાં વિચિત્ર જણાયો. ઓછામાં પૂરૂં પેલા બેઉ પોલીસ ખડખડ દાંત કાઢવા લાગ્યા ને દાંત કાઢતે નાયકનો જૂનો દમ ઊંખ્ળી પડયો. એની ભયાનક ખાંસીનો એ હુમલો પાંચ મિનિટ સુધી ચાલુ રહ્યો, અને કેમ જાણે કોઈ બાકી રહેલા કામની વચ્ચે વિક્ષેપ પડયો હોય, એવી ભ્રાંતિથી ભદ્રા ત્યાં થંભી રહી, પણ નાયકનો દમ સહેજ શમતો હતો ત્યાં તો પોલીસે ફરી હસવું શરૂ કરી ’દેખ લો નાયકસાબ ઈનકી ’સચ્ચઈ !’ એમ કહીને નાયકને ફરી વાર બેફામ બનાવ્યો.

(૩૧૪) ’એક વાત સાંભળી લો ભાઈ નાયક ને ભાઈ કોન્સ્ટેબલ !’ ભાસ્કરે શાંત શબ્દોમાં પિછાન દીધી : ’ આ કોણ છે તે જાણો છો ? લો હું તમને જણાવી દઉં, એટલે તમારે કેટલું હસવું તે નક્કી થઈ શકે. આ એ ઓરત છે કે જેના નામની ગંદી વાત કરનાર માંધાતાને મારે મહાવ્યથા કરવી પડી ને આ કેદમાં આવી તમને સૌને તકલીફ આપવી પડી. મારૂં ચાલે તો હું તમને વધુ તકલીફ દેવા નથી માગતો. તમે ના પાડશો તો હું એની સાથે વાત કરતો અટકી જવા રાજી છું. પણ હું ને એ વાત કરીએ એવી જો તમારી મરજી હોય તો એમની જાતની અદબ પાળવી તમારી ફરજ છે. નહિ તો પછી પછળથી મને એમ કહેવાની વેળા ન લેશો કે અરે યાર, અરે માસ્તર, તમે તે યાર શું બદલી બેઠા ને ધડોધડ બસ અમને લાફા જ લગાવવા લાગી પડયા !’

ભાસ્કર સંપૂર્ણ સ્વસ્થતાથી બોલી ગયો. પોલીસો ખસિયાણા પડી સાંભળી રહ્યા. ભાસ્કરની કદાવર કાયા અને લાફાના ધમધમાટા સંભળાવતી એની ટાઢીબોળ વાણી આ બે જણાનો વધુ મશ્કરી કરવાનો ઉત્સાહ ઉતારી નાખવા માટે બસ હતી.

’ના રે યાર ! ખુસીસેં કર લો ને બાતાં. અમારી તો માબેન બરાબર છે. બેસો બેન બેસો !’ એમ કહીને પોલીસનાયકે ભદ્રાને જગ્યા કરી દીધી.

’બેસશો ઘડીવાર ?’ સત્તાની વાણીમાં બોલવા ટેવાએલ ભાસ્કરે ભાગ્યે જ આવી કાકલૂદી અન્ય કોઈને કરી હશે.

ભદ્રાએ પોતાની સાડી સંકોડી. એક વાર પોતાના ખાનાં ઊંંઘતી યમુના અને અનસુ તરફ જોઈ લીધું, તે પછી એ ત્યાં બેઠી. કદી ન અનુભવેલી સંકોચની ને સંક્ષોભની લાગણી ભાસ્કરે તે વખતે

(૩૧૫) અનુભવી. એણે પોતાની બેઠક પર પોતાનાં કપડાં સંકોડયાં. ને એણે કહ્યું, ’હું તો કંચનને ઠેકાણે ન પાડી શક્યો. મને લાગે છે કે એ રઝળી રઝળીને પાછી તમારે જ ઘેર આવશે. એને તરછોડશો નહિ.’

’કંચન તો ઘેર ક્યારનાં આવી ગયાં. અમારે ગામ રહે છે મારા સસરા પાસે.’ ભદ્રાએ માણસને માર વાગે એવા શબ્દોમાં કહ્યું. શબ્દો તો સાદી વાત કહેનારા હતા, પણ બોલવાનો લહેકો ને બોલતી વેળાનો સીનો ભાસ્કરને ડાંભે તેવાં હતાં.

’તે તો હું અત્યારે જ જાણવા પામું છું. હું જેલમાં હતો ખરોને.’

’ને કંચનગૌરી સભર્ગા છે.’ ભદ્રાએ એ કૃત્ય ભાસ્કરનું ગણેલું એટલે આ કોરડો વીંઝવાની તક જતી ન કરી.

’તે તો આનંદના સમાચાર.’ ભાસ્કર જે સરલતાથી બોલ્યો તે ભદ્રાને નિષ્પાપ લાગી. ભાસ્કર તો જરીકે થોભ્યા વગર આગળ વધ્યો : ’એ બાપડી એટલી અપંગ છે કે બાળકનો ઉછેર પણ કરવો એને વસમો બની જશે. તમે એની સહાયે જ રહેજો.’

ભદ્રા અંદરખાનેથી ચીડે બળી રહી. આ માણસ નફ્ફટ હશે તેથી શું ચમક્યો નહિ હોય ? કે નિર્દોષ હશે તેથી ? એ તે શું પોતાની બહેન કે દીકરીની ભલામણ કરી રહ્યો છે ? ને કેમ જાણે મારા પર એનો અધિકાર પહોંચતો હોય એવી રીતે ભલામણ કરે છે !

’એ ઘેલીને - એ મૂરખીને મારા સમાચાર તમારે આપવા કે ન આપવા એનો મને વિચાર થાય છે.’

ભાસ્કર ધૃષ્ટતાથી બોલતો હતો. પણ કેટલાક લોકોને ઘૃષ્ટતા કોઈ ગુણ સમી શોભે છે. નમ્રતા જો તેઓ ધારણ કરે તો તેઓનું સ્વરૂપ ઊંલટાનું બિહામણું લાગે. ભાસ્કરની ધૃષ્ટતા ભદ્રાને ગમી. (૩૧૬) ’કંઈ નહિ.’ ભાસ્કર બે ઘડી વિચારીને બોલ્યો : ’કહેશો નહિ. અને હું જેલમાં પકડાયો ત્યારે એ મને મળવા પણ ન આવી ? બેવકૂફ છે બેવકૂફ !’

’દેવી બનાવવી’તીને ?’ ભદ્રા લાલચોળ થઈને બોલી. પણ બોલ્યા પછી પલમાં જ એ સ્તબ્ધ બની. એનું મન બોલ્યું : આટલી છૂટ આ કોની સાથે ? આ બેઆબરૂ, કેદ પકડાએલા, પરસંસારના ભાંગણહાર ભાસ્કર સાથે ?

’હું તો હજુ ય થાક્યો નથી.’ ભાસ્કરે ભદ્રાનો ટોણો સમજ્યા વગર કહ્યુંઃ ’હું તો એનું ઘડતર કરતાં કદી ન થાકત. એ તો એ થાકી ગઈ.’

ભદ્રા ત્યાંથી ઊંભી થઈ ગઈ એટલે ભાસ્કરે કહ્યું : ’હા, હવે તો તમે સુખેથી જાઓ. હમણાં વીરમગામ આવી પહોંચશે. આપણી બેઉની ગાડીઓ પણ જુદી પડશે. વીરસુતને કહેજો, કે મેં એને મારેલો એનો બદલો લેવા જેવી શરીર-શક્તિ એ જમાવે તો હું ખૂબ ખુશ બનું. એક વાર એ પણ મને મારી મારી લોથ બનાવે એવો દિવસ કાં ન આવે ! હે- હે- હે !’ એ હસ્યો.

’એ તો ગયા સમુદ્રપાર.’ ભદ્રાના મનમાં બાકી રહેલો શબ્દ હતો ’તારે પ્રતાપે !’ ત્યાં તો ભાસ્કર બોલી ઊંઠ્‌યો :-

’તો તો હું સાચો પડીશ. એ શરીર સુધારીને આવશે, ને હું થોડાં વર્ષોને માટે જીવનપાર જાઉં છું. બહાર નીકળીશ ત્યારે મારૂં શરીર વીરસુતની લાતો અને થપાટો ખાવા જેવું ક્ષીણ તો થઈ જ ગયું હશે એમ કહેજો - અરે લખજો વીરસુતને.’

એટલું કહી એણે ફરીથી વિદાયનું વંદન કર્યું. ઝડપભેર ચાલી ગયેલી ભદ્રાએ યમુનાને અનસુને જગાડી બિસ્તર પાગરણ બાંધતે

(૩૧૭) બાંધતે અંતરમાં ઝણઝણાટી અનુભવી. એ ઝણેણાટ અનુકમ્પાનો હતો, ધિઃકારનો હતો, કે તાજ્જુબીનો હતો ? ભદ્રા ન સમજી શકી. એને આવો જીવનપ્રસંગ કદી સાંપડયો નહોતો. આ માનવીની વિચિત્રતા પણ વ્યવસ્થિત હતી. આ પુરૂષના માનસિક કુમેળમાં પણ કશોક સુમેળ હતો. આ રોગીને રોગ શું કોઠે પડી ગયો હતો ? એના જીવનમાં શું કોઈ રસતત્ત્વ ખૂટતું હતું જેને પરિણામે આ રોગ થયો હશે ! પાપનો પણ શું પ્રતાપ હોય છે ?

રાતના અગ્િાયાર વાગે ગાડી બદલાવતે બદલાવતે આ ગામડિયણ વિધવાને ભાસ્કરની સમસ્યાએ વ્યથિત કરી મૂકી અને એની જૂની સ્મૃતિ કડીબંધ જાગી ઊંઠી. પોતે અમદાવાદ ગઈ તેના પહેલા જ દિવસની રાતે દેરના નિર્જન ઘરમાં ભાસ્કર ઓવરકોટ લેવા ઘૂસેલો ને પોતે ફફડી ઊંઠેલી છતાં ભાસ્કર પગલું ય ચાતર્યો નહોતો. ફરી પાછો ઘણા મહિને ભાસ્કર સાંજ ટાણે ઘરમાં આવ્યો, યમુનાએ ચીસો પાડી, ભાસ્કર શાંતિથી ચાલ્યો ગયો, તે પ્રસંગ પણ નજર સામે તરવરી ઊંઠ્‌યો. ભાસ્કરની આંખ બદલી નહોતી. પછી કેદ પકડાવાની રાત્રિએ એણે દેરની મોટરમાં ચડી ઘેર આવવાની ધ્રષ્ટતા કરી તે પ્રસંગમાં પણ કોઈ મેલું તત્ત્વ હતું ? ને આજે ટ્રેનમાં થયેલો મેળાપ પણ એટલો બધો સ્વચ્છ હતો !

ત્યારે શું આ માનવી ઘાતકી ને પ્રપંચી નહિ ? પ્રામાણિકતા આટલાં વિલક્ષણ રૂપો ધારણ કરતી હશે ? ને કંચનના સગર્ભાપણાની વાત એણે સાવ સ્વાભાવિક ગણી સ્વીકારી લીધી તે વિચારમાંથી ન ખસી શકે તેવું દૃશ્ય હતું. એ પોતે જો કંચનની આ દશા માટે જવાબદાર હોત, તો ચમકી ન ઊંઠત ! વીરસુતનો ત્યાગ કરી બેઠેલી કંચન આ દશાને પામે તેનો સીધો જુમ્મેદાર બીજો ગમે તે હો, પણ તેનો મૂળ જવાબદાર તો પોતે જ છે, એ વિચારે પણ એ કેમ ન

(૩૧૮) ચોંકી ઊંઠ્‌યો ? કે શું કંચનના ગર્ભાધાનની મુદ્દ્‌તનો હિસાબ જ એના મગજમાં નહોતો? શું એ જડતા હશે ? કે નિર્દોષતા ?

નવી ગાડીમાં ગોઠવાએલી ભદ્રાએ પાછલી રાજકોટ જનાર ગાડીની રાહ જોતા પ્લેટફોર્મ પર ઊંભેલા ભાસ્કર તરફ ધીરીધીરીને બારીમાંથી જોયા કર્યું. ભાસ્કર એના તરફ જોતો નહોતો. એક વાર એ જુએ, જોઈને એક વાર પાછો નજીક આવે, તો હજુ એકાદ માર્મિક પ્રહાર કરી લેવાનું ભદ્રાનું દિલ હતું. ચાલતી ગાડી પરથી ગાળ કે ઠપકો દેવાની અથવા પથ્થર લગાવવાની વૃત્તિ ઘણામાં હોય છે. કેમકે એમાં સલામતી છે. ભદ્રાની અંદરનું ગ્રામ્ય સ્ત્રીત્વ એ તક દેખી સળવળી ઊંઠ્‌યું. પણ ગાડી ભદ્રાને લઈ ચાલી નીકળી. ખેપેખેપે હજારો નિગૂઢ માનવ-સમસ્યાઓના બોજ ખેંચી જતી ગાડીને ભદ્રાનો એકનો આજનો અંતર-બોજ ભારી પડયો હોય કે નહિ, પણ ભદ્રાને ગાડીનાં પૈડાં માંડ ફરતાં લાગ્યાં. એણે આખી રાત અજંપો અનુભવ્યો. ભાસ્કર જેવા અજાણ્‌યા, અન્ય પંથે વળેલા, લગાર પણ નિસબત વગરના માનવીનું આ ચિંતન અકારણ હતું છતાં કેમ એ ચિંતન કોઈ રાત્રિકાળે દીવો બળતાં ઘરમાં ભૂલથી આવી પડેલ ચામાચીડિયાની જેમ આમ તેમ ગોથાં ખાતું હતું ! કયા સ્નેહદાવે કે સંબંધદાવે ભાસ્કરે નલિનીના કિસ્સા વિષેનો ખુલાસો મારી પાસે ઠાલવી નાખ્યો ? અથવા મારી નજરે ખાનદાન ને નિર્દોષ ઠરવાની આ વૃત્તિ લોખંડ જેવા ભાસ્કરને કેમ થઈ?

રાત્રિનાં હૈયામાં જેટલાં ચાંદરણાં હતાં તેટલા જ નાનકડા ને અલ્પપ્રકાશીત વિચારો ભદ્રાના અંતરને ભરી રહ્યા. એ બધા મળીને જો કે અંતરના તિમિરપટને અજવાળી ન શક્યા, તો પણ એણે ભદ્રાને રાત્રિ જેવી શાંત, સુંદર ને રહસ્યમય તો જરૂર બનાવી.

’બડકમદાર !’

સ્ટેશને દેવુ સામે લેવા આવેલો. એના મોં પર લાલી ચડી હતી.’ઓ અનસુ !’ એક કહી એણે અનસુને બાથમાં લઈ એ ચીસ પાડે ત્યાં સુધીની ચીપ દીધી ને અનસુને રીઝવવા એ ભાત-ભાતની પશુ-વાણી કરવા લાગ્યો. એણે યમુના બહેનની પાછળ છાનામાના જઈને ચીંટી ખણી. કોપેલી યમુના પાછળ ફરી જૂએ તો દેવુ મોં ફેરવીને સાવ અજાણ બની ઊંભેલો. યમુનાનો કોપ મસ્તીરૂપમાં ફેરવાઈ ગયો. યમુનાએ દેવુના બરડામાં એક ધબ્બો દીધો.

સામાન ઉપડાવતી ભદ્રાએ આ તોફાન મસ્તીમાં દેવુનું ને યમુનાનું નવું જીવન નાદ કરતું દીઠું. કોઈકને ધબ્બો મારવાનું દિલ તો એને ય થઈ આવ્યું. પણ એનો ધબ્બો સુસ્થાને શોભે તેવો કોઈ બરડો ત્યાં નહોતો. કિશોર છોકરો કે ગાંડી બૈરી બની જવા એનું મન ઝંખી ઊંઠ્‌યું.

’ફટવ્યો લાગે છે તારી બાએ !’ રસ્તે ટપામાં ભદ્રાએ દેવુને અભિનંદન આપ્યાં

’ફટવે જ તો ! શા માટે ન ફટવે ?’ દેવુનાં ગલોફા ફૂલ્યાં.

(૩૨૦) ભદ્રાએ અંતરથી આશિષો દીધી ને કહ્યું : ’મારી ગેરહાજરીમાં ઘી ગોળ કેટલાં ઉડાવી ગયો તેનો હિસાબ દેજે જલદી ઘેર જઈને, રઢિયાળા !’

’ચોરીને ખાધું તેનો હિસાબ હું શાનો દઉં ? ચોરને પકડવા આવનારે જ એ તો શોધી કાઢવું રહ્યું.’

ભદ્રાને આ જવાબો સુખના ઘૂંટડા પાતા હતા. ’હાશ બૈ ! છોકરાંના મોં માથેથી મારી કે કોઈની ઓશિયાળ તો ગઈ ! હું કેટલું ખવરાવતી તો ય કદી લોહીનો છાંટો ય ડીલે ચડયો’તો ! હે તુળસી મા ! મારો ભાર તમે ઉતાર્યો.’

એણે પૂછ્‌યું : ’ બા શું કરે છે ?’

’નજરે જોજો ને ! ઘર ક્યાં દૂર છે ? જોઈ જોઈને દાઝજો !’

’જોઉં તો ખરી ! મને દઝાડે એવો તે કયો અગ્નિ પેટાવેલ છે તારી બાએ ?’

એમ કહેતી ભદ્રા ઘરમાં દાખલ થઈ ત્યાં તો એણે અનાજની ગુણીઓ ઠલવાએલી દીઠી. ચોખા ને ઘઉંના ડુંગરા થયા હતા. સોવાનું ને ઝાટકવાનું કામ ધમધોકાર ચાલતું હતું. સાફ થયેલા અનાજને એરડિયું ચડાવવાની ક્રિયા થઈ રહી હતી.બે મજૂરણોના હાથમાં સૂપડાં ને ચાળણીઓ ચાલી રહ્યાં હતાં. ને એ ઓરડો વટાવી ભદ્રા બીજામાં ગઈ તો એણે ’બડકમદાર ! બડકમદાર !’ એવા શબ્દો સસરાના ગળામાંથી પૂર્ણ છટા સાથે છૂટતા સાંભળ્યા ને ત્યાં એણે પીંજારાની તાંત ચાલતી દીઠી.

બાપુજી ત્યાં બેઠા બેઠા ઘરનાં જરીપુરાણાં ગાદલાં ઉખેળાવી અંદરનું રૂ પીંજાવતા હતા. એણે ઊંઠીને તરત કહ્યું : ’પહોંચ્યાં ને તમે?

(૩૨૧) વાહ ! બડકમદાર...! હાશ, હવે હું તો છૂટવાનો. આ કંચને તો મારા માથે કેર ગુજાર્યો છે. લાવી દો એરંડિયું ! લાવી દો સામટા દાણા ! લાવી દો નવું રૂ ! આ રૂ સારૂં નથી, ને આ એરંડિયું દાણામાં ચડાવવા નહિ ખપ લાગે ! આ ખાટલાની પાટી ભરનારને તેડાવો ને પેલા ખાટલાને વાણ ભરાવી દો. મને તો પગે પાણી ઉતરાવ્યાં છે, બાપ ! આ તે દીકરાની વહુ કે કોઈ નખેદ દીકરો ! મને બેસવા દેતાં નથી. તેમે હતાં તો કેવું સુખ હતું મારે ! દસ દસ વરસ પહેલાનાં દેવુના મૂતરેલા ગાભા જેવાં ગાદલાં, એઈને મઝાષાથી ચાલતાં. ને પંદર વરસથી પાટી ધોયા વગરના ઢોલિયામાં ય ઘસઘસાટ ઊંંઘ આવી જતી. ને વળી મહિને મહિને દાણો લાવીને ખાતા તેને ઠેકાણે આ તો ઘરમાં મોટી રાજક્રાંતિ થઈ રહી છે ! મને શી ખબર કે તમારી દેરાણીને તમે આવડાં પહોંચેલાં કરી નાખ્યાં હશે ! નહિતર તમને હું દૂર રાખત શા માટે ? હવે તો બાઓ, તમારી સત્તા આ ઘર માથેથી ગઈ છે. ઘરનાં ખરાં માલિક આવી પહોંચ્યાં છે. હું સાચવવાનું કહેતો, ત્યારે આકરૂં લાગતું તો હવે લેતાં જાઓ, તમારી સત્તા જ ઝૂંટવાઈ ગઈ. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં.’

’દેવુ !’ ભદ્રાએ પીઠ ફેરવી સસરો સાંભળે તેમ કહ્યું; ’બાપુજીને કહે કે મને બનાવો છો શાને ? તમે જ ઉપર રહીને કંચનની મદદથી મારી સામે આ કાવતરૂં રચ્યું છે ના ! એટલા માટે જ એને લઈને તમે આંહીં આવ્યા હતા. પણ એ ગઈ ક્યાં?’

એમ કહેતી ભદ્રા બીજે ઓરડે દોડી, ને ત્યં એણે કંચનને પીંએલા રૂના પૉલ પાછળ છુપાએલી પકડી પાડતાં સામસામી હસાહસ મચી રહી. ’કાવતરાબાજ !’ કહી ભદ્રાએ એના કાન આમળ્યા. ભર્યો ભર્યો કંચનનો દેહ અંદરથી કોઈ અજબ સ્ફૂર્ત્િાથી ઊંછળી રહ્યો. એના અંગેઅંગમાં જીવન કોઈ લાસ્ય-નૃત્ય ખેલી રહ્યું. તેની માછલી જેવી

(૩૨૨) ગતિમાન કાયા ભદ્રાના હાથમાંથી સરી જવા લાગી. પીંજેલું રૂ પડયું હતું તેના સફેદ સુંવાળા પૉલને બથમાં લઈને કંચન બોલી ઊંઠી : ’ખરેખર ભાભીજી, આજ સુધી બબે મોટાં ગાદલાંમાં સૂતાં છતાં આ તો કદી ખબર જ નહોતી. મને તો એવું થાય કે રોજેરોજ નવાં ગાદલાં ભરાવ્યા જ કરૂં, રોજેરોજ નવું નવું રૂ પીંજાવ્યા જ કરૂં. ને સાંભળો તો, આ પીંજારાની તાંત શું બોલે છે ?’ એમ કહેતે એણે તાંતના ઢેં-ઢેં-ઢફ-ઢફ-ઢફ એવા અવાજોના ચાળા પાડી હાથની ચેષ્ટા માંડી.

ભદ્રા સમજી ગઈ. આ સર્વ સ્ફૂર્ત્િાની ભૂખ એના શરીરની ગર્ભવતી સ્થિતિને આભારી છે. ભદ્રાએ એને મસ્તકે હાથ મૂકીને ફક્ત એટલું જ કહ્યું : ’હિલોળા જ કર તું તારે બેન ! હિલોળા જ કર. આ ઘર તારૂં જ છે.’

’ને બાપુજી તો કાંઈ છે ને ભાભીજી !’ કંચને વાત આદરી ! ’હું જે કહું તે કરવા કડે પગે બડકમદાર ! ગાદલાં માટે નવું કાપડ લાવો, તો કહે કે બહુ સારૂં, બડકમદાર ! જે મગાવું તે લઈ આવી દેવા માટે બસ બડકમદાર ! એ બોલે છે ત્યાં તો મારાથી હસી પડાય છે. એ ’બડકમદાર’ બોલે છે ને મારા તો પેટમાં જ ભાભીજી, કંઈક ઊંછળવા લાગે છે.’ એમ બોલતી કંચન, જેણે ત્રણ ત્રણ કસુવાવડો જ જોઈ હતી, જેને સાતમા ને આઠમા મહિનાની સગર્ભાવસ્થાએ અનુભવાતો સ્વાદ કદી ચાખ્યો નહોતો, તે આ નવા અનુભવની કથા કહેતાં નીચે જોઈ ગઈ. એના પેટમાં બાળકનું સ્પન્દન ચાલતું હતું.

ભદ્રાએ એનું મોં ઊંચું કર્યું ને એથી આંખોમાં પલ પૂરર્વેના થનગનાટને બદલે ગ્લાનિ ને વિષાદ, ભય ને ચિંતા નિહાળ્યાં. એનો પણ મર્મ ભદ્રા પારખી ગઈ.કંચનનાં નેત્રો એકાદ મહિના

(૩૨૩) પછીની કટાકટી પર મીટ માંડી બેઠાં હતાં. એ ટાણે, એ પ્રસવની ચીસો ટાણે, એ શિશુના પહેલા રૂદનને ટાણે, આના આ જ સસરાના કાનમાં શું થશે ? આ ભદ્રા, આ પાડોશીઓ, સુયાણી વગેરે સૌ શું કરશે ? કોઈને કંઈ આડું અવળું કરવાની સૂચના તો નહીં થાય ? એ કલંકનો નિકાલ તો કોઈને નહિ ભળાવાય ?

એ એકેએક મનોવેગને ભદ્રાએ પકડી પાડયો. ને એણે કશું જ બોલ્યા વગર, કંચનના રૂના પૉલ પર ઢળેલા ચહેરાની જમણી આંખને ખૂણે આવેલું આંસુનું ટીપું હળવી આંગળીએ ઉપાડી લીધું.

ત્યાં તો સસરાનો શબ્દ સંભળાયો : ’બડકમદાર ! હું શાક લેવા જાઉં છું. ગાદલાના ગલેફનું કાપડ લેતો આવું છું. બીજું કાંઈ જોવે છે બડકમદાર ? ઠે...ક ! અત્યારે યાદ ન આવતું હોય તો પછી કહેજો - બડકમદાર ! કરમીની જીભ અને અકરમીના ટાંટીઆ ! અલી ઓ અનસુ ! બડકમદાર ! યમુના, બદકમદાર !’ એમ બોલતા સોમેશ્વર માસ્તર રૂપેરી હાથાવાળી સીસમલાકડી વીંઝતા, ઘરમાં છુપાઈને હસતી યમુનાના માથા પર લાકડી અડાડતા કહેતા ગયા કે ’બડકમદાર ! કોણ કહે છે તું ગાંડી ? - બિલકુલ ગાંડી નહિ, બડકમદા...ર !’

’બડકમદાર’ શબ્દ કોઈ મંત્ર કે સ્તોત્ર સમો બન્યો હતો. એ ઉચ્ચાર આખા ફળીમાં જીવન પાથરતો હતો. એ શબ્દ વાટે એક વૃદ્ધની સ્ફૂર્ત્િા ને શક્તિ હવામાં લહેરીઆં પાડતી હતી. ચાલ્યા જતા સસરાની પાછળ શેરી પણ ગાજતી ગઈ - ’બડકમદાર !’

ભદ્રાએ એનો મર્મ પણ કલ્પી લીધો, કે સસરા જાણે કોઈક અપૂર્વ આપત્તિના કસોટીકાળને માટે કૃત્રિમ હિંમતનો સંચય કરી રહેલ છે. એવો અર્થહીન ઉચ્ચાર પગલે પગલે કાઢવાનો એ વગર બીજો હેતુ ન હોય. ને કસોટીનો કાળ ક્યાં દૂર હતો ?

(૩૨૪) એક મહીના પછી એક પ્રભાતે કંચનની એ પ્રસવ-ચીસોનો પ્રારંભ થયો. એના ખાટલાને ઝાલીને ભદ્રા સુયાણીની સાથે બે રાતથી બેઠાબેઠ હતી. વેદના અસહ્ય હતી. કંચનને વેદના પીવાની ટેવ નહોતી, એને તો જાણે કોઈએ અગ્નિકુંડમાં ઝીકી દીધી. એને ચીસોને દાબવાની શક્તિ હતી તેટલી ખરચી. પણ છેવટે હોઠની ભોગળો ભેદતો ભેદતો સ્વર છૂટ્‌યો, - કોના નામનો સ્વર ? કોને તેડાવતો પોકાર ? કોને બોલાવતી ચીસ ? એનું કોણ હતું ? એને મા નહોતી, બહેન નહોતી, ભાઈ નહોતો, ને એક પણ એવી બહેનપણી નહોતી - એક પણ નારીસન્માનનક પુરૂષમિત્ર નહોતો; ભરથાર હતો પણ નહતા જેવો, દરિયાપાર બેઠેલો, રૂઠેલો, પોતે જ ફગાવી દીધેલો. કોનું નામ પોકારે ? કોના નામનો આકાર ધર્યો એ વેદનાની આર્તવાણીએ ?

’બાપુજી ! બાપુજી ! ઓ મારા બાપુજી.. જી - જી !’ એમ પુકારત એના દાંતની કચરડાટી બહાર બેઠેલા સસરાએ સાંભળી. કંચનને મન પોતાનો પરિત્રાતા, પોતાને માટે જમની જોડે પણ જુદ્ધ માંડનાર આ એક જ પુરૂષ હતોઃ સસરો સોમેશ્વર હતો; એણે પુકાર્યું -

’બાપુજી ! ઓ મારા બાપુજી...ઈ...ઈ ઈ -’ને દાંતની કચરડાટી પર કચરડાટી.

’તુલસી મા ! હે તુલસી મા ! તુલસી મા સારાં વાનાં કરશે બેન !’ બેઠી બેઠી ભદ્રા, કંચનના લથડતા, કકળતા, ભાંગી ટુકડા થતા શરીરને ટેકવતી બોલતી હતી.

સોમેશ્વર માસ્તરનો એ સૌથી વધુ કપરો કસોટીકાળ હતો. ગઈ કાલ સુધી એણે વૈદ્યને બોલાવેલા, ઓસડિયાં ખવડાવેલાં, સુવાવડનો ઓરડો સ્વચ્છ કરાવી ત્યાં ઢળાવવાના ખાટલામાંથી વીણી વીણીને માંકડ કાઢેલા, ધૂપ દેવરાવેલો, ઓરડાને ગૌમૂત્ર છંટાવેલાં ને પૃથ્વી પર

(૩૨૫) મહેમાન બનનારા મટે નાની મંચી, પોચી ગાદલી, અરે બાળોતિયાંના ટુકડા પણ પોતે ચીવટ રાખીને તૈયાર કરેલા.

એ જ ડોસાએ જ્યારે પ્રસવ સામે દીઠો ત્યારે એક ધ્રૂજારી અનુભવી. એનું હૈયું પાછું પડયું. એની અંતર-ગુહામાં બેઠેલો સંસારી બોલી ઊંઠ્‌યો : અલ્યા એઈ ! પણ આ બાળક કોનું? ને આ શી વાત ! અલ્યા આ દીકરાની નામરદાઈનાં નગારાં વગડાવછ ! અલ્યા આ ચીસો પાડનારી લગીરે લજવાતી નથી !

ઝાઝા વિચારોએ એને જાણે કે પીંખી નાખ્યો. એને સ્વેદ વળી ગયો ને આજના એક મહિનાથી જે શૌર્ય-શબ્દ ’બડકમદાર’ એના મોંને જંપવા નહોતો દેતો તે એના ગળાની નીચે રોકાઈ ગયો.

’બાપુજી ! બાપુજી ! ઓ મારા બાપુજી ઈ-ઈ-ઈ.’ ચીસો ઊંઠતી રહી, ચીસ પાડનારી રાહ જોતી રહી કે હમણાં પડકારશે ડોસા, ’બડકમદાર !’ એટલે હું માનીશ કે મારા સસરા મારી વહાર કરવા, મને દાનવોથી રક્ષવા આંહીં જ બેઠા છે, પણ કોઈ ન બોલ્યું ’બડકમદાર !’

સોમેશ્વરને લજજાએ, નબળા વિચારોએ ને આ ચીસોની નફટાઈએ ભાંગી નાખ્યો. એણે કાન આડી હથેળીઓ દીધી. એણે વહુના પ્રસવ-ખંડની પરશાળ છોડી દીધી. એ જાણે કે નાઠો, પણ નાસીને જાય ક્યાં ? નાસીને જવાનું એક જ ઠેકાણું હતું : પાછલી પરશાળે પડેલો અંધા જયેષ્ઠારામનો લબાચો.

સોમેશ્વર સરકીને ત્યાં પહોંચ્યા, એણે જઈને જયેષ્ઠારામના હાથ ઝાલી લીધા, એના મોંમાંથી ’કરમ ! કરમ !’ એવા ઉદ્‌ગાસર નીકળ્યા.

જયેષ્ઠારામે ઘરમાં જાણે કશું જ બનતું નથી એવા મિજાજે કહ્યું : ’કાં દવેજી ! આજ તમારૂં ’બડકમદાર’ ક્યાં તબડકાવી ગયું ?’

(૩૨૬) ’ચુપ રહે ભાઈ! બોલ મા !’ સોમેશ્વરે સાળાનો પંજો દાબ્યો. ’હું હાર્યો છું. મેં આ શું કર્યું ? હેં જ્યેષ્ઠા !તેં આ શી સલાહ દીધી’તી મને ?’

’શું છે ?’ જ્યેષ્ઠારામ હસ્યો.

’આ કોનું સંતાન ! હેં ? આ કોનું હશે ?’

’એ તો ખબર નથી દવેજી ! પણ તમને કંઈ ખબર છે કે હું મારી માને પેટે કોનો જન્મ્યો હતો ? હેં દવે, પાકી ખબર છે તમને કે હું મારા બાપનો જ છું, હેં?’

એવા બોલનાં તાળાં સોમેશ્વરની જીભને દેવાય તે પૂર્વે તો અંધાએ આગળ પ્રશ્ન કર્યો, ’ને તું પંડે તારી માને પેટે કોનાથી, તારા બાપથી જ પાકેલ તેની તને ખાતરીબંધ ખબર છે કે દવે ! એંશી એંશી વરસના આપણા ન્યાતીલાને પૂછી જોશું હેં દવે, કે મારી ને તારી માના પેટે હું ને તું કોનાથી પાક્યા’તા ?’

સોમેશ્વર ચૂપ બન્યો - થોડી વાર એ મૌન ટક્યું - એ મૌનને વીંધીને બૂમ પડી ’ઓ બાપુજી ! ઓ મારા બાપુજી ! ઓ...ઓ...ઓ...’

’જાઓ દવે !’ અંધાએ કહ્યું, ’ને મને ય લેતા જાવ. કોઈએ સંતાન કોનું છે એવું પૂછવા જેવું નથી.તે પૂર્વે આપણે આપણી જાતને પૂછવું કે હું પોતે કોનો હોઈશ ? માટે ચાલો. એને હિંમત આપો પરશાળમાં બેસીને.’

બીજાને હાથે દોરાતો અંધ તે ટાણે સોમેશ્વરને દોરી પ્રસવ-ખંડ પાસે લઈ ગયો ને ઊંભો રહ્યો તે પછી પ્રસવની ભયંકર વાણ્‌ય આવી. ચીસ પડી !’બાપુજી, ઓ મારા.......’

’હો બચ્ચા ! આ રહ્યો હું બચ્ચા ! બડકમદાર !’

(૩૨૭) એ શબ્દો કંચને સાંભળ્યા. ને તે પછી બીજી જ ક્ષણે વિશ્વની પરશાળે, બ્રાહ્‌મણવાડાને ઓરડે, તુલસીને ક્યારે, પ્રભુધરના પરોણલા શી એક બાલિકા ઊંતરી પડી. સુયાણીએ બહાર આવી ખબર દીધા : ’દાદાને ઘેર લેણિયાત આવી !’

’બડકમદાર !’ એ બોલ બોલી સોમેશ્વર માસ્તર ગદ્‌ગદિત બન્યા. એ તુલસી-ક્યારે ગયા. ત્યાં યમુના અનસુને લઈ ચુપચાપ બીડેલી આંખે બેઠી કંઈક પ્રાર્થના લવતી હતી; અનસુને પણ એણે હાથ જોડાવ્યા હતા.

બાકીનું તપ

૧૯૩૯ના ઓક્ટોબર મહિનામાં લડનની પાસપોર્ટ-કચેરીમાંનાં પગથિયાં ચડનાર એક ઓવરકોટમાં લપેટાએલા યુવાનને તમે જોયો હોય તો તમે તો શાના ઓળખો ! અરે ભદ્રાએ જોયો હોય તો ભદ્રા પણ પહેલી નજરે તો ભાગ્યે જ ઓળખી શકે કે એ પોતાનો દેર પ્રોફેસર વીરસુત છે. ને ભદ્રા તો એને ભાળે તે પળે જ બોલી ઊંઠે કે ’આ હા હા ભૈ ! આ તો તમને ચોખ્ખે-ચોખ્ખી ભાસ્કર ભૈની આશિષો ફળી છે હોં ભૈ. પણ આપણે કોઈની જોડે બાઝવું કરવું નથી. હોં ભૈ !’

દારૂગોળા અને દાવાનળના ઝેરી ઘુમાડાથી ખરડાયા પહેલાંની ઈંગ્લાંડની આબોહવાએ ને ધરતીમૈયાએ, પોતાની નિત્યની ખાસિયત અનુસાર આ સુકલકડી હિંદી યુવાનના દેહને પણ પોતાની તંદુરસ્તી ને સુરખીમાં લેટાવ્યો હતો. પાંચ મહિનાના એ વસવાટે એના ગાલના ખાડા, આંખોના ગોખલા, મોં પર પડેલી દાઝો, અને કરચલિયાળી ચામડી પર ગુલાબોની જાણે પૂરણી કરી દીધી હતી.

પાસપોર્ટ-કચેરીનાં પગથિયાં ચડતાં ચડતાં એને પોતાને જ પોતાના દેહ પ્રત્યે આશ્ચર્ય ઊંપજી રહ્યું હતું. હિંદમાં હતું ત્યારે જે

(૩૨૯) શરીર ફાટેલી સાદડી પેઠે અથવા જર્જરિત છત્રીની જેમ કાગડો બનીને કઢંગી ઢબે ઊંડવા જેવી ચાલે ચાલતું તે જ શરીર હવે તો પૂરા નીરમે દરિયાનાં નીર પર મલપતા જતા વહાણ જેવો આનંદ પોતાની તોલદાર ગતિમાં અનુભવી રહ્યું હતું.

ને એ પગથિયાં ચડતાં ચડતાં એને ઘેલી એક બીક પણ લાગતી હતી : હું હિન્દમાં ઊંતરીને ઘેર પહોંચીશ તે દરમિયાનમાં આ લાલી, આ ગુલાબી, આ સીનો ને આ દેહ-ભરપૂરતા કોઈ માયવી સૃષ્ટિની માફક વિલય તો નહિ પામી જાય ને ?

એમ વિચારતો વિચારતો એ પોતાના કોટના ઊંંડા ગજવામાં ડાયરીની અંદર દાબી મૂકેલા એક કાગળ પર મીઠાશથી પંજો ચાંપતો હતો.

પાસપોર્ટ-અમલદારની મુલાકાત મળતાં પહેલાં એને બહાર લાંબો સમય ઊંભા થઈ રહેવું પડયું. હિંદમાં પાછા જવાની પરવાનગી મેળવવા મુલાકાતે આવેલાઓની સંખ્યા ક્યાંય માતી નહોતી. દરેકને વારાફરતી મુલાકાત મળતી હતી. ત્યાં જામેલી કતારમાં કેટલા ય ચહેરા પર વ્યગ્રતા, શૂન્યતા અને પાસપોર્ટ પર સહી મળવાની નિરાશા લખાએલી હતી. ત્યારે એની વચ્ચે વીરસુત મલકાતો ઊંભો હતો.

એની નજીકમાં બેઠેલાં અન્ય ગોરાં સ્ત્રીપુરૂષોની વચ્ચે જે હળવી વાતચીતો ચાલી રહી હતી તે સાંભળ્યા પછી તો એની આશાનો પારો એકદમ ઊંંચે ઊંતરી જવા લાગ્યો ને એને અતિ હર્ષાવેશમાં એવું લાગ્યું કે રખે ક્યાંક પોતે પ્રાપ્ત કરેલૂં ગુલબદન એકાએક ઓગળી જાય.

એને કાને બીજાંઓનું કલ્પાંત પડતું હતું. કોઈ બાઈનાં છોકરાં હિંદમાં હતાં, ને એમાંના એકને ટાઈફૉઈડ થયો હતો એટલે

(૩૩૦) એટલે જલદી જઈ પહોંચવું હતું. કોઈનો ધણી ટ્રેનના અકસ્માતમાં ચગદાઈ મૂઓ હતો. પોતાનો જર્મન પતિ હિંદમાં કેદ પકડાયો છે એ જાણીને એક આયરીશ યહુદી સ્ત્રી હિંદને કિનારે પહોંચવા તલસતી હતી.

એવાં તો કૈંક ત્યાં રૂંધાઈને ઊંભાં હતાં. કેમ કે ટ્રાફીક ખેડનારાં જહાજો ઓછાં થયાં હતાં, પાસપોર્ટો મંજૂર કરવા પર સખત કાબૂ મૂકાયો હતો.પાસપોર્ટ અધિકારીની ઑફિસમાંથી એક પછી એક બહાર નીકળતાં મોઢાં પર નિરાશા હતી, આંસુ હતાં, ગુસ્સોને રીસ હતાં. અંદર બેઠેલો માણસ કેવો શાપિત હશે ? કોઈનો કિસ્સો રાજકારણી શંકાને પાત્ર ગણીને એ અધિકારી પાસપોર્ટ કરી આપવાની ના કહે છે, કોઈને એકેય જહાજમાં જગ્યા મળેલી નથી તેથી એને બહાર ધકેલે છે.

ધરપત ફક્ત એક વિરસુતને હૈયે છે. એ અઠવાડિયે જ ઊંપડતી ચોક્કસ સ્ટીમરમાં એક જગ્યા એને માટે મુકરર થઈ ચૂકી છે.પેસેજની ટિકીટ પોતાના ખિસ્સામાં છે, પોતે સરકારી કૉલેજનો અધ્યાપક છે. બિનરાજદ્વારી માણસ વિદ્યાને માટે દેશાટને નીકળેલો હોવાનાં પોતાનાં ગજવામાં પ્રમાણો છે. પછી કોણ એને પાછા વળવાની મના કરી શકે તેમ છે ?

ચાર દિવસ પછી સ્ટીમર ઊંપડશે. તે પછી વીસેક દિવસે પોતાના પગ માતૃભૂમિ પર હશે, ને મુંબઈથી પોતાનું ગામ પૂરા ચોવીસ કલાકને પલ્લે પણ નથી. કંચન ત્યાં દયામણું મોં લઈને, ચરણે ઝૂકતી, પ્રયશ્ચિતનાં આંસુ પાડતી તે જ રાત્રિએ મને એકાંતે મળશે.. એ આખો ચિતાર નજરમાં ગોઠવી વીરસુત ઊંભો હતો. એ ચિતારને રજેરજ આધાર આપતો એક કાગળ એની ડાયરીના બેવડમાં પડયો હતો. એનો પંજો ફરી ફરી એ કાગળવાળી જગ્યા પર જતો હતો.

(૩૩૧) પણ પોતાનો વારો આવવાને વાર લાગતી ગઈ તેમ તેમ વીરસુતને આ નિરાશ પગલે બહાર નીકળી ચાલ્યાં જનારાંઓ પરની સરસાઈની મીઠાશ કંઈક કંઈક ઓછી થતી ગઈ. એનું કારણ બહુ વિચિત્ર હતું.

એ ઈમારતના માથા પરનું વાદળ વેદનાભર્યું હતું. વિમાનોની પાંખો ગાજતી હતી. દૂર દૂરના ધડાકા વાયુમંડળને કમ્પાવતા હતા. જગતનો વ્યવહાર તૂટતો હતો. માનવપ્રેમના કેડા રૂંધાતા હતા. દુર્ભાગીઓની સંખ્યા વધી રહી હતી. ને સેંકડો ભાગ્યહીનો હતભાગીઓની વચ્ચે એકાકી સુભાગી બનવામાં બિલકુલ રસ નથી બળ્યો હોતો એનું ભાન વીરસુતને આંહીં થતું આવતું હતું.

આમ જ્યારે વીરસુતે પોતાના જીવનને બીજા હજારો લાખો જનોની સરખામણીમાં નિહાળવું શરૂ કર્યું ત્યારે એને આખા જીવનમાં કશુંક નવીન લાગ્યું. લડાઈનો એ કાળ એક નાની બારી જેવો બની ગયો. એ બારીમાંથી જાણે વીરસુત બહાર ડોકિયું કરતો હતો. પોતે ઊંંચો અને સલામત ઊંભો હતો, બીજાં સેંકડો નીચે ભીડાભીડમાં ચાલ્યાં જતાં હતાં, એકબીજાંથી ચગદાતાં ને વિખૂટા પડતાં. જાણે દોડાદોડ મચી હતી, ને મા બાળકોથી, પતિ પત્નીથી, બાપ બેટાથી છૂટાં પડીને એ બેશુમાર ગીરદીમાં અલોપ થતાં હતાં.

મનના તરૂવર પર એક મોરલો થનગનતો હતો - ત્ર્ ઘેર પહોંચી સ્વજનોને ભેટવાનો ઈચ્છામોરલો. કોઈએ જાણે એ મોરલાને પાણો મારીને ઉડાડયો. પછી એ મોર પાછો એની એ જ તરૂ-ડાળે આવીને સ્થિર ન બન્યો. ચોખ્ખાચણાક ઉર-આભને છેલ્લે આરે તલના દાણા જેવડી જાણે કાળી વાદળી વરતાઈ. વીરસુત વ્યથિત બન્યો.

એણે આજુબાજુ નજર કરી. પોતાની જેવો એક જુવાન ઊંભો હતો. કપડાં મેલાં હતાં. સુકાએલાં મોં પર વધુ પડતો

(૩૩૨) ચળકાટ મારતી ભયાનક લાલી હતી. ડોળા ઊંંડા ગયેલા. પણ વધુ નિહાળીને જોતાં બે વાતની શક્યતા લાગે : થોડા જ વખત પૂર્વે એ શરીરે ને સંસારે સુખી હોવો જોઈએ. વીરસુતનો રસ તીવ્ર કૌતુકની પરિસીમાએ પહોંચ્યો. એણે સવાલો પૂછ્‌યા. પહેલાં તો યુવાને વાર્તાલાપમાં ઊંતરવાની દાનત ન બતાવી, પણ છેવટે વીરસુતે આટલો જવાબ મેળવ્યો :-

’હિંદી છું, મુસ્લિમ ડૉક્ટર છું. આંહીં અભ્યાસ વધારવા આવેલો એમાં એક શ્રીમતનંદિની ગોરી સ્ત્રીનો મેળાપ થયો. ઘેર બુઢ્‌ઢા બાપ છે, મા છે ને બે બાળકોવાળી બીબી છે. બીબીને તો આંહીં બેઠે તલાક દઈ દીધા ને આ ધનિક ગોરી સ્ત્રી સાથે નિકાહ કર્યા. મને મનથી ને શરીરથી ચૂસી લઈને મને તલાકની હાલતમાં ઉતારી મૂક્યો છે. આંહીં પ્રેક્ટીસ સારી ચાલતી, પણ હવે તો જવા ચાહું છું. મેં તલાક આપેલી બીબી બીજે ક્યાંય પરણી નથી ગઈ. મારા પિતા એને પાળે છે. મારી એક બેટી અને એક બેટો મેં છેલ્લાં છોડયાં ત્યારે બહુ નાનાં ને અણસમજણાં હતાં. આજે દીકરો દસ વર્ષનો થયો હશે. સાત વર્ષથી આંહીં છું. બેટાના હસ્તાક્ષરનો પહેલો કાગળ, એની માએ લખાવેલો, તે મને મળ્યો તે પછી અહીં દિલ ઠેરતું નથી. લાગે છે કે હું મરી જઈશ તો એક કામ બાકી રહી જશે. એ કામ બીબીના કદમોમાં પડી માફી માગવાનું છે.’

આમ કહીને એણે પહેલી જ વાર મોં મલકાવ્યું. એટલા નાના હાસ્યમાં એના ચહેરા પરની ખાડો, દાઝો, કરચલીઓ વગેરે થોડી ઘણી ડૂબી જઈને પાછી વધુ ઉઘાડી પડી ગઈ. વીરસુતે પૂછ્‌યું -

’કેમ કહો છો કે તમે મરી જશો ?’

’હું દાકતર છું તેથી.’

(૩૩૩) ’શું છે ?’

’મને ક્ષય છે. એને ઘોડાપુર સ્વરૂપ ધરવાને હવે વાર નથી. મને વહેલું જવા મળ્યું હોત તો બીબીના પગે પડીને પછી બીજી જ પલે મરવા તૈયાર રહેત, પણ એવા કોલ પર કોઈ સ્ટીમર કે વિમાન કંપની થોડી જ પેસેજ આપે છે !’

એમ કહીને બીજી વાર હસ્યો ને તેણે ખાંસીને રૂમાલથી દાબી. રૂમાલ તેણે પાછો ગજવામાં નાખ્યો ત્યારે એ લોહીમાં રંગાયો હતો. વીરસુતને ખાતરી થઈ કે આ માણસને પૂરપાટ વધતો ક્ષય છે.

એટલી વાર થઈ ત્યાં મુલાકાત માટેનો વીરસુતનો વારો આવ્યો. અંદર જઈને એ થોડી મિનિટે પાછો આવી પેલા ક્ષયગ્રસ્ત મુસ્લિમ ડોક્ટરને પોતાની સાથે અંદર લઈ પાછો ગયો. ત્યાંથી બહાર નીકળી એ બેઉ બહાર નીચે ઊંતર્યા ત્યારે બેઉની સ્થિતિ બદલાઈ ગઈ હતી. વીરસુતની માગણી મંજૂર રાખી પાસપોર્ટ અધિકારીએ વચન આપ્યું હતું કે, પોતાના નામનો પેસેજ જો પોતે આ મુસ્લિમ ડોક્ટરના નામ પર કરાવી શકે તો એ ડોક્ટરના પાસપોર્ટ પર સહી થતાં વાર નહીં લાગે. પણ સાથે સાથે વીરસુતને અધિકારીએ પ્રશ્ન કર્યો હતો કે ’તમારો પેસેજ ગુમાવીને તમે ફરી શૂં જલદી નવો મેળવવાની આશા રાખો છો ?’ એનો જાવાબ વાળતાં પહેલાં વીરસુતની આંખે અંધારાં આવેલાં; પોતે આ શું કરી રહ્યો છે ! ઘેર જવાની તાલાવેલીને કેટલીક દબાવી શકશે ! કાલે પસ્તાશે તો ?

પણ એણે આંખો ખોલીને ઝટપટ કહી દીધું : ’કંઈ ફિકર નહિ.’

’સંસારથી કંટાળ્યા છો કે શું ? પરણ્‌યાંને ઘણાં વર્ષો થઈ ગયાં છે ? ડઝનેક છોકરાં છે ?’ એવી થોડીક મજાક અમલદારે કરી લીધી.

વીરસુત એ પી ગયો હતો.

(૩૩૪) ’ચાલો .’ વીરસુતે બહાર આવીને એ હિંદીને કહ્યું, ’આપણે એ સ્ટીમર કંપનીની ઓફિસે જઈ આવીએ. મારા પેસેજની બદલી તમારા નામ પર કરાવી દઉં. પછી તમારો મુકામ જોઈ લઉં એટલે ચોથે દિવસે હું તમને ડૉક પર લઈ જઈશ.’

મુસ્લિમ ડોક્ટરે વીરસુતનો હાથ પકડયો. પણ તરત પાછો છોડી દઈ કહ્યું ’દરગુજર કરજો. હું ક્ષયરોગી છું, ભૂલથી હાથ લેવાઈ ગયો. પણ હું પૂછું છું, તમારી રાહ જોનારાં ઘેર હશે તેનું શું થશે ?’

’રાહ જોનારાં તો સાત સાત વર્ષ પણ રાહ જોઈ શકે છે ને ?’ વીરસુત ડોક્ટરની જ કહેલી આત્મકથાને ઉદ્દેશીને બોલ્યો. એ બોલ ડોક્ટરના ક્ષયગ્રસ્ત મોં પર ફૂલોની ઢગલી પાથરી રહ્યા.

’પણ ભાઈ !’ ડોક્ટર બોલ્યો : એની સિંધી જબાનના મરોડો અંગ્રેજીમાં અનોખી રીતે ઊંતરી રહ્યા : ’તમને આથી શું રસ પડે છે ?’

’નવા મળેલા સુખને થોડી કરૂણતા વડે ભીંજવવાનો રસ.’

’લડાઈના સંયોગો વિફરી રહેલ છે,જાણો છો તમારે કેટલું ખેંચવું પડશે ?’

’કદાચ વર્ષ બે વર્ષ. કદાચ એ દરમિયાન કંઈ થાય તો અનંતકાળ !’ વીરસુત બોલતે બોલતે દિવ્ય બન્યો. ચાલો ચાલો.’ એણે પોતાના ઉપકારપાત્રને ટેક્સીમાં લઈને વધુ વાત કરતો રોક્યો ને રસ્તામાં કહ્યું, ’તમે ત્યાં જઈ સાજા થાઓ એટલે એક કામ કરજો ને ! મારે ગામ કાઠિયાવાડમાં જઈ મારી બીબીને મળી આવજો, ને કહેજો કે મેં વધુ હકદારને ન્યાય કરવા મારી તક જતી કરી છે.’

ચોથા દિવસે પોતે જાતે ડોક્ટરને ઘેર જઈ, એનો સામન બાંધી આપી, એને સ્ટીમરમાં વિદાય દીધી. વીરસુત પાછો વળ્યો ત્યારે

(૩૩૫) એને ઘડીભર એવી ભ્રમણા થઈ કે જાણે રસ્તે ચાલતાં તમામ માણસો એની પાસે આવી, એની સાથે હાથ મિલાવી, એને ધન્યવાદ દેતાં હતાં.

એક રેસ્ટોરાંમાં ખૂણાની કૅબીન ખોળીને એ બેઠો, ને એણે પોતાના ગજવામાં દબાઈ રહેલો કંચનનો કાગળ લગભગ પંદરમી વાર વાંચ્યો. એમાં છૂટક છૂટક આવું આવું લખ્યું હતું કે -

’બાપુજીની પરવાનગી મળ્યા પછી જ આ લખું છું. બાપુજીએ તમારા પાંચ છ સામટા કાગળો મને ગઈ કાલે જ આપ્યા. પોતે સ્પષ્ટ કર્યું કે પોતે જ એ કાગળને રાખી લીધા હતા. પોતે સાચા ધણીની ગોત કરતા હતા. કાગળનું ધણી પોતાને મળી ગયું છે એટલે હવે તો આપણ બેઉની વચ્ચે એકલો ટપાલી જ હશે એમ પોતે મને કહી દીધું. ટપાલનાં કવરો ટિકીટો પણ લાવી આપ્યાં છે.

’પણ પ્રથમ મને કહો તો ખરા વહાલા, કે તમે આટલી બધી શક્તિને અંદર ક્યાં સંઘરી રાખી હતી ? આટલી શક્તિ હતી તો મને વેળાસર કેમ ન બચાવી લીધી ? મને ભેખડાવા દીધી કેમ ? મને રસાતાળ મોકલી જ શાને ?

’બાપુજીને અને ભદ્રા ભાભીને જે ભ્રમણા તમે કરાવી છે, તે કોઈ દિવસ ભાંગશો તો નહિ ને ? નવું બાળ તમારૂં જ છે એવી એ ભ્રમણા તમે જો ન કરાવી ગયા હોત તો હું આજે ક્યાં હોત ? કદાચ જીવનને પાર હોત. હું આ જીવતા જગતમાં, ને જેટલું વાંચ્યું છે તે સાહિત્ય જગતમાં, વાર્તામાં, કવિતામાં, બધે ય તપાસી રહી છું, કે પોતાની બગડી ગયેલી પત્નીને માટે આવી રક્ષણકારી ભ્રમણા કોઈ પતિએ ઊંભી કરી છે ખરી ?’

(૩૩૬) આંહીં વીરસુતથી થંભ્યા વગર ન રહેવયું. આંખોનાં પાણીએ ચશ્માના કાચ બગાડયા હતા ને પોતે વિચારતો હતો. બાપુજીએ ને ભદ્રા ભાભીએ મને મહાનુભાવ બતાવવા માટે પોતાના અજાણપણાનું કેવું અદ્‌ભૂતત તર્કટ આ સ્ત્રીના અંતરમાં ઊંભું કર્યું છે. એ તર્કટનો ભેદ કંચન સમક્ષ ખુલ્લો કરીને હું મારી મહાનુભાવતાને ભોગે બાપુજીની અને ભાભીની ભવ્યતા પ્રકટ કરી શકીશ ખરો કોઈ દિવસ ?

ચશ્માં લૂછીને એણે કાગળ આગળ વાંચ્યો -

’એ ભ્રમણા કરાવીને તમે સદાને માટે તો નથી ગયા ને ? પાછા આવવું તો છે ને ? ક્યારે આવવું છે ? મને કે વાર ધરાઈ ધરાઈને રડી લેવા ક્યારે દેવી છે ?

’પણ અરેરે ! ઘણી વાર એમ થાય છે કે તમે પોતે એ ભ્રમણા કરાવનાર, તમે તો સત્યના જાણભેદુ છો, એટલે કેમ કરીને આંહીં આવી સુખ પામી શકશો ?

’છોકરી - મારૂં પાપ, કમભાગ્ય જે કહો તે -ને ખોળામાં લઈને ભદ્રાભાભી જ્યારે જ્યારે બોલે કે ’અસ્સલ જાણે ભૈનું જ મોં !’ ત્યારે મને શું થતું હશે, કલ્પી શકો છો?

’છોકરીને ધવરાવવાનું દિલ થયા વગર તો શાનું રહે ? થોડાક દિવસ તો મનને દબાવી દબાવી મારાં સ્તનો સૂકવી નાખવા મથેલી, પણ બાપુજીએ એવી ભ્રમણા પાથરી દીધી છે કે હું જ ભાન ભૂલી ગઈ છું. બાપુજી એવું એવું બોલે છે કે મને કલાકે કલાકે પાનો ચડે છે. ને છોકરી તો રાભડી રાભડી બની રહી છે.

’તમે એને જોશો ત્યારે શું થશે, એ બીકે કમ્પું છું. આ કંપારીનો સારો કે માઠો અંત ઝટ આવે તો સારૂં. માટે જ માગું છું કે વહેલા પાછા વળો !

(૩૩૭) ’દેવુને માટે મેં એક કન્યા ગોતી રાખી છે. દેવુને તો ખબર પડવા દીધી નથી. બાપુજીને પણ મારે કોઈક દિવસ એ ક્ન્યા બતાવીને ચમકાવવા છે. અત્યારે તો હું ભદ્રા ભાભીને પણ કહી દેતી માંડ માંડ મહાપ્રયત્ને બચી છું. પણ એ કન્યાને માટે થઈને મેં એનાં માવતર સાથે ખૂબ સંબંધ કેળવવા માડેલ છે. ભલે ને છ વર્ષ પછી વેવિશાળ કરીએ ! તમે આવો તો હું તરત બતાવું.

’યમુના બહેનને તેડવા એના વર કોણ જાણે ક્યાંથી ઓચીંતા ફાટી નીકળ્યા ! આવીને કહે એ ગાંડી હશે તો યે હું મારાં આંખ માથાં પર રાખીશ. કોણ જાણે કેમ થયું તે ત્રણ દિવસમાં આંહીં બેઉનાં મન મળી ગયાં, તો પણ બાપુજી જમાઈને કહે કે એમ હું નહિ ફસાઈ જાઉં. તું અહીં એક મહિનો મારા ઘરમાં રહે, ને હું ઝીણામાં ઝીણું પણ દુઃખ જો ન જોઉં તો જ મારી યમુનાને મોકલું. કારણ કે કોને ખબર હું મારી યમુનાના જ પ્રારબ્ધનું ખાતોપીતો હઈશ તો ! યમુનાને હું ધકેલી મોકલું ને પાછળથી મારા ઘરમાંથી સૌભાગ્યદેવી પણ પલાયન કરે તો ? માટે નહિ મોકલું : બડકમદાર ! બડકમદાર શબ્દ તો બાપુજી ડગલે ને પગલે બોલે છે હો ! એને એ બોલ સાંભળવા તો આવો. તમે ગમે તેટલું મથો તોય બાપુજી જેવું ’બડકમદાર’ ન જ બોલી શકો ને ? જો બોલી શકો ને, તો તમે કહો તે હારૂં ! ઠીક ઠીક, હું તો ઘેલી બીજી વાતે ચડી ગઈ. એક મહિને બાપુજી સંતોષ પામ્યા. ને યમુના બહેને વિદાય લીધી ત્યારે અમારાં કોઈનાં હૈયાં હાથ નહોતાં રહ્યાં. એણે તો જતાં જતાં તુલસીનો ક્યારો આંસુડે ભર્યો હતો.

’ભદ્રા ભાભી કોઈ કોઈવાર શૂન્યકાર બની જાય છે, ને ગણ્‌યા કરે છે : એક, બે, ત્રણ , ચાર, પાંચ ને છ. મને લાગે છે કે તમને ગયાને જેટલા મહિના થયા તે પોતે ગણે છે.

(૩૩૮) ’પણ હું નથી ગણતી. ગણવાનો મને હક્ક નથી. મળવાની હું અધિકારિણી નથી. મને તો હજુ પણ મનમાં ખાતરી થતી નથી કે તમારો મેળાપ વહેલો વાંચ્છું કે મોડો ! કેટલું તપ તપું તો ફરીથી મારે, તમારે, દેવુને ને એની ભવિષ્યમાં આવનારી વહુને, ભદ્રાબાને, યમુનાબાને, બાપુજીને, ને મામજીને પણ આવાં વીતકો વેઠવાં ન પડે ?

’રાતમાં ઝબકું છું. ઝબકે ઝબકે તમે આવ્યા હોવાના ભણકારા ઊંઠે છે. ખાટલાની ઓશીકાની બાજુએ તમે જાણે આવીને બેસો છો. પણ હું સવારે ઊંઠીને તુલસીક્યારે એટલું જ પ્રાર્થું છું કે એ બધું હું જ વેઠીશ : પણ ફરી વાર અમારે આવા વિજોગ ન પડે તેટલું તપ તો મારી પાસે જરૂર તપાવી લેજો હો તુલસીમા !

લી. તમારી છું

એમ કહેતાંય લજવાતી

કંચન’

* * *

તે પછીથી ઘેરથી નિયમિત અનિયમિત બીજા પણ કાગળો આવતા રહ્યા. યુદ્ધ વધુ દારૂણ બન્યું. પોતાની તક એ મુસલમાન ડૉક્ટરને આપ્યા પછી બીજી તક મેળવતાં વીરસુતને મહિના પર મહિના વીતવા લાગ્યા. વીરસુતે પણ પોતાના હૃદયને તુલસીક્યારે કંચનની જ પ્રાથના રટ્‌યા કરી કે ’હે જગજ્જનની ! જેટલું તપાવવું હોય તેટલું તપ અત્યારે સામટું તપાવી લેજો. પણ મારા દેવુના સંસારમાં અમારી વિષવેલડીનું ઊંંડે ય મૂળિયું ન રહી જાય એવું કરજો.’

સંપૂર્ણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED