મયૂર રાજા
ઝવેરચંદ મેઘાણી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
મયૂર રાજા
એક હતો રાજા અને એક હતી રાણી. એને બે નાના દીકરા હતા. થોડા વખત પછી એને એક રૂપાળી કુંવરી અવતરી. દેશના મોટા મોટા માણસોને અને બધી પરીઓને બોલાવી રાજારાણીએ કુંવરીનું નામ પાડ્યું મણિયાળા. બધાં જવા લાગ્યાં તે વખતે રાણીએ પરીઓને પૂછ્યું કે, ‘મારી દીકરીનું નસીબ કેવું છે ?’ પરીને આ વાત કહેવાનું મન નહોતું. પણ રાણીએ બહુ જ આજીજી કરી. રાણી કેમે ય જાવા દે નહિ. એટલે પરીઓએ કહ્યું કે, ‘તમારી કુંવરીને લીધે તમારા દીકરાઓને માથે બહુ દુઃખ પડશે. કદાચ એ મરી યે જાય.’ રાણી તો આ વાત સાંભળીને કલ્પાંત કરવા લાગી. પણ એણે કોઈને કાંઈ કહ્યું નહિ.
ત્યારથી રાણી બરાબર ખાય નહિ, પીએ નહિ. છાનીમાની બેસી રહે.
રાજા કહેઃ “રાણીજી, બોલો શું થયું છે તમને ? મોઢું કેમ ઊતરી ગયું છે ?”
રાણી ખોટું ખોટું કહે કે, “તળાવમાં નહાવા ગઈ’તી ત્યાં એક જોડ હીરાની બંગડી પાણીમાં પડી ગઈ.”
રાજાજી કહેઃ “ બસ, આ જ વાત છે ? બોલાવો સોનીને અને ઘડાવો બીજી છ જોડ હીરાની બંગડી.”
છ જોડ હીરાની બંગડી ઘડાવી, તો યે રાણીજી ખાય નહિ, પીએ નહિ, રાતે પાણીએ રોયા કરે.
રાજા કહેઃ “રાણીજી, વળી શું થયું ?”
રાણી કહેઃ “બગીચે ફરવા ગઈ’તી ત્યાં કાંટા ભરાણા ને સોનેરી સાડી ફાટી ગઈ.”
તરત જ રાજાએ હુકમ દીધો કે, “બીજી પચાસ મણિમોતી-જડેલી સાડીઓ કરાવો.” પચાસ સાડીઓ આવી.
તો ય રાણી ખાય નહિ, પીએ નહિઃ ડળક ડળક રોયા કરે. રાજાજી કહેઃ “રાણીજી, ખરેખર તમે કંઈ વાત સંતાડી રાખી છે. સાચું કહો, શું થયું છે ?” રાણીએ પરીઓની વાત કહી બતાવી. સાંભળીને રાજાને ફાળ પડી. એણે કહ્યું કે “કુંવરીને મારી નાખીએ.” રાણી તો છાતીફાટ રોતી રોતી બોલીઃ “ના ના, એ બને નહિ.” પછી બેય જણાંએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવીને તેમાં મણિયાળાને રાખવી. રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું. ત્યાં મોટી મોટી દીવાલોવાળો એક કિલ્લો બંધાવ્યો, ને રાજકુંવરીને એમાં રાખી. રોજ સાંજે રાજા-રાણી બે કુંવરને લઈને કુંવરીને મળી આવે.
એમ કરતાં ઘણાં વરસ વીત્યાં. રાજારાણી મરી ગયાં, એટલે મોટો કુંવર ગાદીએ બેઠો છે. એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું, “બહેન મણિયાળા બિચારી બહુ દુઃખી થાય છે. નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે ? ચાલો આપણે એને અહીં લઈ આવીએ.” એમ કહીને બન્ને જણા બહેનને તેડવા ચાલ્યા.
મણિયાળાનો આનંદ તો ક્યાંય માય નહિ. એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું. પછી ત્રણેય જણાં વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યાં.
રસ્તામાં કેટલાં કેટલાં ફળફૂલનાં ઝાડ ને કેવાં રૂપાળાં પંખી નજરે પડ્યાં ! મણિયાળાએ તો એવાં પંખી કોઈ દિવસ જોયેલાં નહિ. જોઈ જોઈને મણિયાળા હસતી જ જાય ને પૂછતી જાય કે ‘આ શું ?’ ‘આનું નામ શું ?’ પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી છે. એક ઠેકાણે એણે જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે. એનાં સુંદર પીછાં સૂરજનાં તેજમાં ચળક ચળક થયા છે. મણિયાળા તો થંભીને ઊભી રહી. પછી બોલીઃ “ઓહો, કેવું રૂપાળું પ્રાણી ! આ શું કહેવાય ?” ભાઈઓ કહેઃ “એ એક જાતનું પંખી. એનું નામ મયૂર.” તરત જ મણિયાળાએ હઠ લીધી કે “આ મયૂર બહુ સુંદર. હું પરણું તો એ મયૂરોના જ રાજાને. બીજા બધા મારા ભાઈ-બાપ.”
એના ભાઈઓ કહેઃ “અરે બહેન, ગાંડીના જેવી વાતો કાં કરે ? માનવી તે વળી પંખીની સાથે પરણે ખરાં ? મયૂરોને તે વળી રાજા હોય ? અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ ?” મણિયાળા તો એક જ વાત કહે કે, “પરણું તો એ પંખીના રાજાને જ પરણું.”
ભાઈઓએ નક્કી કર્યું કે, ચાલો ત્યારે, મયૂર રાજાને ગોતીએ. બહેનને કહે કે, “બહેન, અમે જાશું મયૂર રાજાને ગોતવા. તું અહીં રહીને રાજપાટ સંભાળજે.” પછી એ દેશના એક બહુ જ હુશિયાર ચિતારાની પાસે પોતાની બહેનની છબી ચીતરાવ. છબી એવી તો બની કે જાણે મણિયાળા પોતે જ બેઠી હોય ને ! હમણાં જાણે એ આંખનો પલકારો મારશે અને એના હોઠ ફફડશે ! છબી લઈને બન્ને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા.
પણ ક્યાં આવ્યો હશે એ મોરનો દેશ ? કોને ખબર ? બેય જણા કેટલાં કેટલાં દેશ ભટક્યા, કેટલા કેટલા પહાડ વળોટી ગયા, કેટલા વન વીંધ્યાં. પણ ક્યાંય પત્તો મળે નહિ. બેય ભાઈ રસ્તે ચાલતા ચાલતા વિચાર કરે છે કે મયૂરોનો રાજા નહિ મળે, તો તો આપણી બહેન પરણશે નહિ !
એટલામાં તો ભરર ! ભરર ! ભરર ! એવો અવાજ સંભળાયો. જુએ ત્યાં તો આકાશમાં ટીડડાંનાં ટોળેટોળાં ચાલ્યાં. એ કહેઃ “ભાઈઓ, આંહીં શું કામ આવ્યા છો ?”
મોટો ભાઈ કહેઃ “મોર પંખીનો દેશ ક્યાં આવ્યો, ભાઈ ?” ટીડ કહેઃ “ચાલો તમને એ દેશમાં લઈ જઈએ. પણ એ તો બહુ જ આઘે છે. તમારાથી પહોંચાશે ?”
બેય ભાઈઓએ પોતાની બધી વાત કરી, એટલે તીડ ભેગાં થયાં. એક ઝાડની ડાળ ભાંગી ને તેના ઉપર એ બે ભાઈઓને બેસાડ્યા, પછી ડાળ ઉપાડીને બે ભાઈઓને લઈ ટીડ મોર પંખીને દેશ ચાલ્યાં.
નેવું હજાર ગાઉ આઘે એ દેશ. ત્યાં જઈને જુએ તો ઠેકાણે ઠેકાણે મોર ! ધરતી ઉપર મોર, આકાશમાં યે મોર કોઈ મોર રમત કરે છે, કોઈ નાચે છે અને બધા ય એવા ટહુકાર કરે છે કે ત્રણ ગાઉ આઘેથી પણ એ અવાજ સંભળાય. મોર પંખીના દેશમાં તો આવ્યા, પણ એના રાજા આગળ શી રીતે જવાય ? ટીડ બોલ્યાં કે, ‘ચાલો, તમને રાજા પાસે લઈ જઈએ.’
રાજદરબારમાં જઈને જુએ ત્યાં તો, બરાબર માનવી જેવાં માનવી જ બેઠેલાં. એ માણસોનો પોશાક મોરપીંછાંનો બનાવેલો. દેખાવ બહુ રૂપાળો. બધાયની અંદર વધુમાં વધુ સ્વરૂપવાન રાજા. રાજા સોનેરી મોર ઉપર બેઠેલા. એને માથે મોરપીંછનો મગટ ઝળહળી રહ્યો છે.
નાનો રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યોઃ “અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ.” એમ કહીને પોતાની બહેન મણિયાળાની છબી રાજાની આગળ ધરી. છબી જોઈને મયૂર રાજા એટલા ખુશી થયા કે એ તો બોલવા મંડ્યા કે, “કેવું સુંદર! વાહ ! કેવું સુંદર ! માનવીને શું આટલું બધું રૂપ હોય ?”
મણિયાળાના ભાઈ કહેઃ “આ અમારી પોતાની બહેનની જ છબી. આ મારા મોટા ભાઈ છે. આપની જેમ એ પણ એક દેશના રાજા છે.”
એ સાંભળીને મયૂર રાજાએ બેઉ ભાઈની બહુ જ મહેમાનગતી કરી. પછી તે બોલ્યા કે “પરણું તો આપની બહેનને જ પરણું. બીજી બધી મા-બહેન. પણ યાદ રાખો, જો તમારી બહેનનું રૂપ બરાબર આ છબી જેવું નહિ હોય તો હું તમને મારી નાખીશ.”
ભાઈઓ કહેઃ “ભલે.”
પછી બહેનને તેડવા પોતાના રાજમાં માણસો મોકલ્યા.
ત્રણ દરિયા વળોટીને મયૂર દેશનાં માણસો મણિયાળાને દેશ પહોંચ્યા. મણીમાળાને માટે એક સુંદર નૌકા સાથે લીધેલી. એ નૌકાની ચારે તરફ મોરનાં જ ચિત્રો. એમાં બેસીને મણિયાળા મોર પંખીના દેશ તરફ ચાલી નીકળી. સાથે પોતાની ધોળી બિલાડીને પણ લીધેલી. બીજી એક બુઢ્ઢી દાઈ અને એ બુઢ્ઢીની એક દીકરી પણ સાથે હતી.
નૌકામાં બેસીને મણિયાળા વિચારે છે કે ઓહો ! ક્યારે એ મોર
પંખીના દેશમાં પહોંચું ! બુઢ્ઢી દાઈના મનમાં થાય છે કે, ‘મારી દીકરીને મયૂર રાજાની રાણી કેવી રીતે કરું !’ બુઢ્ઢીના પેટમાં આવી દાનત હતી એની મણિયાળાને શી ખબર ?
એક રાતે મણિયાળા સૂતી છે. એની સફેદ બિલાડી પણ એના પલંગ ઉપર સૂતેલી. એ સમયે બુઢ્ઢી દાઈ અને એની દીકરી બેઉ ઊઠ્યાં. બેઉ જણાએ રાજકુંવરીનો પલંગ ઉપાડ્યો ને નૌકામાંથી દરિયામાં મેલી દીધો. કોઈને ખબર પડી નહિ.
બીજે દિવસે નૌકા મોર પંખીને દેશ પહોંચી. રાજાજીએ પાલખી મોકલી. રસ્તામાં બેઉ બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા માથાં ઊંચાં કરીને જોઈ રહેલા કે ઓ કન્યા આવે ! ઓ આપણા રાજાજીની રાણી આવે ! એટલામાં ઝળક-ઝળક થતો પોશાક પહેરીને બુઢ્ઢીની દીકરી નૌકામાંથી ઊતરી.
બધા મોર તો જોઈ રહ્યા.
એક મોર બોલ્યોઃ ‘શું જોઈને આ ડાકણે આવો રૂપાળો પોશાક પહેર્યો હશે ?’
બીજો મોર બોલ્યોઃ ‘અરેરે ! આપણા રાજાજીની દાસી શું આટલી બધી કદરૂપી હશે ?’
ત્રીજો મોર ચીસ પાડતો આવ્યો કે ‘ભાઈઓ ! એ જ આપણા રાજાજી !’
એ સાંભળીને બધા મોર ‘ટેહૂક, ટેહૂક’ કરતાં દુઃખની બૂમો પાડવા લાગ્યા.
બુઢ્ઢીની દીકરીને બહુ જ ખીજ ચડી. એ બોલી કે “પીટ્યાઓ ! પહેલાં એક વાર મને રાણી થઈ જવા દો. પછી તમારી વાત છે.”
કન્યાનું રૂપ જોવા મયૂર રાજા પણ આવ્યા. એણે તો કન્યાને જોઈ કે તરત એનું મોઢું રાતુંચોળ થયું. રાજા કહે કે “અરરર ! મારી મશ્કરી ! જાઓ. લઈ જાઓ એ બે ભાઈને બંદીખાનામાં સાત દિવસ પછી ગરદન મારજો !”
રાજકુમારો તો કાંઈ યે ભેદ સમજ્યા નહિ અને અફસોસ કરવા લાગ્યા.
આ તરફ મણિયાળાનું શું થયું ? એનો પલંગ તો તરતો તરતો ચાલ્યો. મણિયાળા અને એની બિલાડી બેઉ હજુ તો ઊંઘતાં હતાં. થોડી વારે બિલાડી જાગી. જુએ તો ચારે બાજુ પાણી ! એ તો મ્યાંઉં મ્યાંઉં કરવા લાગી. પલંગની ચારે બાજુ મોટાં માછલાં વીંટળાઈ વળ્યાં, ત્યાં તો રાજકુંવરી પણ જાગી. જુએ તો ક્યાં નૌકા ? ક્યાં એના માણસો ? ક્યાં પોતે ? પલંગ ઉપર એકલી એ પાણીમાં તણાતી જાય છે ને ચારે તરફ મોટાં માછલાં ! એવાં મોટાં માછલાં કે આખા પલંગને ગળી જાય.
બે દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો. છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો. મછવા ઉપર એક ડોશો બેઠેલો. હાથીદાંતની નકશીવાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને એના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રી જોઈને ડોશાએ એને મછવા ઉપર લઈ લીધી, ખાવાનું આપ્યું. મણિયાળા ખાઈપીને તાજી થઈ. એણે બધી વાત ડોશાને કહી. ડોશો કહેઃ “રડશો નહિ. આ એ જ મોર પંખીનો દેશ છે.”
રાજકુમારી અને બિલાડી મછવામાં જ રહ્યાં.
રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલે અને કહે કે ‘રાજાની થાળી ઉપાડી લાવજે.’
બિલાડી રોજ દરબારમાં જાય. ખાવાની થાળી તૈયાર થાય, રાજાજી જમવા પધારે, ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને પલાયન કરી જાય. મછવામાં જઈને ત્રણે જણાં એ ભોજન જમે.
એક દિવસ ! બે દિવસ ! રાજાજીનો થાળ રોજ ગૂમ થવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. એક દિવસ રસોયો સંતાઈ ગયો. બિલાડી થાળી
ઉપાડીને ભાગી, એટલે રસોયો પાછળ પાછળ ચાલ્યો મછવામાં સંતાઈને જુએ
ત્યાં તો બધો ભેદ સમજાયો.
રાજાજીને એણે બધી વાત કરી. રાજાજીએ ત્રણે જણાંને તેડાવ્યાં. આંખો રાતીચોળ કરીને પેલા બુઢ્ઢાને ધમકાવવા જાય ત્યાં તો એની નજર રાજકુમારી ઉપર પડી. રાજા હેબતાઈ ગયો. આ તો પેલી છબીમાં ચીતરેલી રાજકુમારી ! અરે ! છબીનાં કરતાં પણ કેટલું બધું રૂપાળું એનું મોઢું ! ટગર ! ટગર ! રાજા જોઈ રહ્યો. રાજકુમારી હસતી હસતી અબોલ ઊભી રહી.
રાજા કહેઃ “બોલો કુમારી ! ક્યો તમારો દેશ ? શી રીતે આંહીં આવ્યાં ?”
મણિયાળાએ બધી વાત કહી. રાજાએ બંદીખાનામાંથી રાજકુમારોને તેડાવ્યા. આજ બરાબર સાતમો દિવસ છે. રાજકુમારોએ જાણ્યું કે હાય ! હાય ! મરવાનું ટાણું થઈ ગયું, ત્યાં તો માણસોએ આવીને સલામ કરી. ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા. જઈએ જુએ ત્યાં તો બહેનને દેખી ! ત્રણેય ભાંડું ખૂબ રડ્યાં પછી હસ્યાં.
મયૂર રાજા પણ ત્રણેય જણાંને પગે પડ્યો.
પછી તો ધામધૂમ સાથે મયૂર રાજા મણિયાળા સાથે પરણ્યા. અને પેલી બુઢ્ઢીની કદરૂપી છોડી ક્યાં ? એ તો ક્યાંયે પલાયન કરી ગઈ.