Dadaji ni Vato (Doshimani Vato) Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Dadaji ni Vato (Doshimani Vato)

દાદાજીની વાતો

ઝવેરચંદ મેઘાણી

(ડોશીમાની વાતો)


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Matrubharti.


Matrubharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

દોસ્ત, હાલો !

હાં રે દોસ્ત, હાલો દાદાજીના દેશમાં.

એ... પ્રેમસાગર પ્રભુજીના દેશમાં

હાં રે દોસ્ત, હાલો દાદાજીના દેશમાં.

મધુર મધુર પવન વાય,

નદી ગીતો કૈં ગાય,

હસી હોડી વહી જાય,

મારા માલિક રાજાજીના દેશમાં. - હાં રે દોસ્ત.

સાગર સાગર વીંધીને વ્હાણ હાલશે,

નાગકન્યાના મ્હેલ રૂડા આવશે,

એની આંખોમાં મોતી ઝરતાં હશે,

હાં રે દોસ્ત, હાલો મોતીડાંના દેશમાં. - હાં રે દોસ્ત.

સાત વાદળ વીંધીને વ્હાણ લૈ જશું,

ત્રીસ કોટિ તારાની સાથ ખેલશું,

ચંદ્ર સૂરજ ખીસામાં ચાર મેલશું,

હાં રે દોસ્ત, હાલો ચાંદરડાંના દેશમાં. - હાં રે દોસ્ત.

સમી સાંજે દાદાને દેશ પ્હોંચશું,

એના પાંખાળા ઘોડા ખેલાવશું,

પછી પરીઓને ખોળે પોઢી જશું,

હાં રે દોસ્ત, હાલો પરીઓના એ દેશમાં - હાં રે દોસ્ત.

ભલે હોય ઘણું તાણ,

ભલે ઊઠે તોફાન,

આજ બનશું બેભાન,

થવા દાખલ દાદાજીના દેશમાં. - હાં રે દોસ્ત.

(આ લેખકના બાલગીતસંગ્રહ ‘વીણેનાં ફૂલ’માંથી)

ડોશીમાની વાતો

ગુજરાતની તરુણ માતાઓ !

‘ઓ બા ! વાર્તા કહે ને !’ એમ ઝંખી ઝંખીને તમારાં બચ્ચાં તમને સતાવતાં હશે. નાનપણમાં દાદીને મોંયે સાંભળેલી વાર્તા તમને સાંભરતી યે નહિ હોય. કાં તો વાર્તા કહેવાની તમને નવરાશ નહિ હોય. વઢી વઢીને કે ધબ્બો મારીને તમે બચ્ચાંને સુવાડી દેતાં હશો.

આ વખતે ડોશીમા ઘરમાં હોત તો કેવું સુખ થાત ! કીકાકીકીને વાર્તા કીધા જ કરત. પણ અરે રે ! કાં તો ડોશીમા મરી ગયાં હશે. ને જીવતાં હોય તો કજિયા કરીને તમે એમને આઘાં કાઢ્યાં હશે ! ડોશીમા ટક ટક કર્યા કરે એ તમારાથી શે’ સહેવાય !

હવે પસ્તાવો થાય છે ? તો, લ્યો હું પાછી આવું છું - ટક ટક કરવા નહિ, કીકાકીકીને વાર્તા કહેવા. તમેય સાંભળશો ને ? એક વખત તમારે પણ દાદી થવું પડશે, હો !

લિ.

તમે તરછોડેલી

ડોશીમા

નિવેદન

દાદાજીની વાતો

(પહેલી આવૃત્તિ)

અસલ શૈલીમાં ઊતરી આવેલી આ વાર્તાઓ ગુજરાત વિદ્યાપીઠ, શામળદાસ કૉલેજ તથા દક્ષિણામૂર્તિ ભવનના વિદ્યાર્થી સમુદાય સમક્ષ અને ખાસ કરીને તો જ્યાં આ તમામ લોકસાહિત્યની પ્રથમ અજમાયશ કરવાની તક મળે છે તે ભાવનગરના મહિલા વિદ્યાલયની અંદર કહી બતાવવામાં આવેલી છે. ત્યાંનાં શિક્ષક બંધુ-બહેનોએ તેમજ નાનાં મોટાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ વાર્તાઓ સાંભળતાં નિર્મળ તન્મયતા અનુભવેલી છે. તે પરથી પ્રતીતિ થઈ શકી છે કે આ વાર્તા-સમૂહને શિક્ષણની દુનિયા સાથે પણ પ્રાણસંબંધ છે.

બાકી તો આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે. એટલે જ હર્ષભેર પ્રગટ કરીએ છીએ.

રાણપુર : (૧૯ર૭)

(બીજી આવૃત્તિ)

‘દાદાજીની વાતો’ લોકસાહિત્યના મેદાનમાં નવા જ સાહસરૂપે ઝુકાવેલી. અને તે સાહસ સફળ બન્યું છે. ઘણા વાચકોએ એને એક જ બેઠકે પૂરી કરી હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે. નાનાં મોટાં બાળકોએ પણ છટાદાર ચારણી જોશ સાથે એ વાતો મોટા અવાજે વાંચી શુદ્ધ બદલાયી કલ્પનાના વિહાર માણ્યા છે.

બીજા ભાગ માટે તો આથી પણ અધિક પ્રેમશૌર્ય ને સાહસ પ્રબોધનારી, ગુર્જર વાણીને સમૃદ્ધ બનાવે તેવી શૈલીવાળી અદ્‌ભુતની અદ્‌ભુત છતાં યે વ્યવહારુની વ્યવહારુ વાતો તૈયાર છે, પણ છાપવાને સમય નથી મળતો. પણ મારા નાના દોસ્તો ! હવે બહુ વાટ નહિ જોવરાવું.

ભાદરવી અમાસ : સંવત ૧૯૮૩ (૧૯ર૭)

(ચોથી આવૃત્તિ)

છેલ્લાં બે વર્ષોથી ત્રીજી આવૃત્તિ ખલ્લાસ થયેલી, નવેસર છપાવવામાં આનાકાની એટલા સારુ થતી હતી કે બાલસાહિત્યની અંદર પરીકથાઓ અથવા રૂપકથાઓનું સ્થાન નવી દૃષ્ટિએ ઉપકારક છે કે કેમ, તે પ્રશ્ન છેડાઈ રહ્યો હતો. પરંતુ એ સવાલનું નિરાકરણ આપણા બાલશિક્ષણકારો હજુ કરી નથી શક્યા. એટલું જ નહિ પણ સર્વમાન્ય બાલસાહિત્યકારો તરફથી પણ આવું સાહિત્ય બહાર પડતું રહ્યું છે.

મારો મુખ્ય દાવો તો આ વાર્તાઓના એક વિશિષ્ટ પ્રકારના નમૂના તરીકે જ સંઘરવાનો હતો - ને છે. એ દૃષ્ટિએ જ પુનઃ પ્રકાશન કરાવું છું; બાલસાહિત્ય તરીકે નહિ.

બોટાદ : ૧૧-૧૧-’૩ર

(છઠ્ઠી આવૃત્તિ)

આવી વાર્તાઓની બીજો ખંડ ‘રંગ છે, બારોટ !’ એ નામે તાજેતરમાં મેં પ્રસિદ્ધ કર્યો છે; લોકવાર્તાના વિષય પર એક સવિસ્તર પ્રવેશક પણ એમાં મૂકેલ છે. આ મારી ‘દાદાજીની વાતો’નો બીજો ભાગ આપવાનું ઘણાં વર્ષોનું જૂનું વચન પાળ્યું છે. ‘દાદાજીની વાતો’ના પ્રેમીઓ ‘રંગ છે, બારોટ !’નું વાચન કર્યા વિના ન રહે.

બોટાદ : દેવદિવાળી : સં. ર૦૦ર (૧૯૪પ)

ઝવેરચંદ મેઘાણી

(આઠમી આવૃત્તિ)

આજથી બત્રીસ વર્ષ પૂર્વે ૧૯રરમાં મારા પિતાશ્રી ‘સૌરાષ્ટ્ર’ કાર્યાલયમાં જોડાવા રાણપુર ગયા ત્યારે ‘ડોશીમાની વાતો’નું લખાણ પોતાની સાથે લઈ ગયા હતા. એમના લેખક-જીવનની પહેલી પરોડનું એ સર્જન ૧૯૪૬માં સાતમી આવૃત્તિમાં પ્રવેશતું હતું ત્યારે ‘ડોશીમાની વાતો’ની મોટા ભાગની વાર્તાઓની અંદર રહેલી કરુણતાના અતિ ઘેરા રંગો તરફ એમનું ધ્યાન મેં દોરેલું; કિશોરાવસ્થામાં ને પછીથી એ ચોપડી જ્યારે જ્યારે વાંચી ત્યારે એના જે ભીષણ ઓછાયા મારા મન ઉપર છવાઈ ગયેલા તેનો સ્વાનુભવ કહેલો. અને આ જાતની વેદનાભરપૂર વાર્તાઓનું વાંચન બાળકો-કિશોરોને માટે કેટલે અંશે ઉપકારક હશે તેવો પ્રશ્ન કરી એ ચોપડીને હવે રદ કરવાનું સૂચન એમની પાસે ધરેલું.

પોતાની ઉત્તમમાં ઉત્તમ કૃતિઓને વિશેના અદનામાં અદના વાચકના અભિપ્રાયોને પણ સદા આદરથી સત્કારનારા એ લેખકને આ ફરિયાદ વાજબી લાગી અને એ સાતમી આવૃત્તિ ખતમ થાય તેની સાથે જ પુસ્તકને નામશેષ બનાવવાનું એમણે સ્વીકાર્યું. એમની એ સૂચના મુજબ જ, વર્ષોથી એ અપ્રાપ્ય હોવા છતાં ને બજારમાં એની માંગ ઊભી જ હોવા છતાં, ‘ડોશીમાની વાતો’નું પુનર્મુદ્રણ અમે આપી શક્યા નથી.

હમણાં, ‘દાદાજીની વાતો’ની આ નવી આવૃત્તિ વેળા, મારા પિતાશ્રીનાં નેવું જેટલાં પુસ્તકોમાંથી ઉપરની રીતે બાતલ કરાયેલી ‘ડોશીમાની વાતો’ની પંદર વાર્તાઓ હું ફરી ફરીને જોઈ ગયો. એના કારુણ્યની નિષ્કારણ રેલમછેલ અને ચમત્કારોની પ્રયોજનહીન પરંપરા વચ્ચેથી પાંચેક વાર્તાઓ ઉગારવા જેવી લાગી, અને તે અહીં ‘દાદાજીની વાતો’ની આ નવી આવૃત્તિમાં સામેલ કરી દીધી છે. ‘ડોશીમાની વાતો’ સ્વતંત્ર ચોપડીરૂપે હવે લુપ્ત થાય છે.

૯ એપ્રિલ, ૧૯પ૪

મહેન્દ્ર મેઘાણી

ડોશીમાની વાતો

એક-બે વાતો

બાળવાર્તાઓથી ભરપૂર ખજાનો આપણા દેશની ડોશીમાઓ પાસે પડ્યો હતો. ધીરે ધીરે ડોશીઓ મરી ખૂટી. જે રહી તેનો બુઢ્ઢાપણનો રસ ઘરના કંકાસ તરફ ઢળી જઈ મલિન બન્યો. બાળકોના કિલકિલાટ બંધ પડ્યા. આજ બાળકોએ વાર્તાને અભાવે, જીવનમાંથી કેટલું જવાહિર ગુમાવ્યું છે તેનો આંકડો અદૃશ્ય કે અગમ્ય ભલે હોય ! એક દિવસ સમજાશે કે એ નુકસાની બેસુમાર છે.

બાળકેળવણી કે બાળસાહિત્યની યોજના એવાના હાથમાં સોંપાઈ કે જે બાળકોના મનોભાવ સમજી શકે નહિ. પરિણામે બાળસાહિત્ય જેવું કાં ગુજરાતી ભાષામાં કહ્યું જ નહિ. એક દિવસે આપણી આંખ ઊઘડી, જાગ્યા, બાળ-સૃષ્ટિ પર નજર માંડી. બાળકોના ચહેરા પર વહેલી વહેલી વૃદ્ધાવસ્થા દેખી, દુનિયાદારીનાં ડહાપણ દેખ્યાં. પણ કલ્પનાની મસ્તી ક્યાં ઊડી ગઈ ? મનોરથોનાં મોજાં ક્યાં શમી ગયાં ? સાહસ કરવાની આતુરતા, શૂરાતનના તનમનાટ, એ બધાં ક્યાં સંતાયાં ? આપણને લાગ્યું કે બાળસૃષ્ટિમાંથી કાંઈક ખોવાયું છે - કાંઈક રસભર્યું, રમતભર્યું, અદ્‌ભુત અને આકાશગામી.

બાળ કેળવણીનો ક્રમ ઉથલાવી પાડવા, ને નવી દુનિયા રચવા આજ કોશિશો થાય છે. પણ હજુ એ-ની એ જડબાંતોડ ભાષા, એ પાધરો બોધ દેવાની ઘેલછા, અગમ્ય વાતોને નાનાં ભેજાંમાં ખોસી ખોસીને ભરી દેવાની ઉતાવળ - આજ નવા બાલસાહિત્યમાં નજરે પડે છે. કંઠસ્થ સાહિત્ય તરફ લક્ષ્ય ખેંચાયું છે. પણ એને નવી ભાષાનાં અને નવા ભાવોના શણગાર પહેરાવીને બગાડી નાખવામાં આવે છે. નદી કિનારે કાદવમાં કે પાણીમાં મસ્તી ખેલતાં છોકરાંને જરીનો વજનદાર પોશાક જ પહેરાવ્યા જેવું એ ગણાય.

એ ભય સાચો સમજાયો આપણા ગિજુભાઈને. કંઠસ્થ બાળસાહિત્યની સાચી ચાવી એમને જડી ગઈ. એમની સંગ્રહેલી બાળવાર્તાઓ આજે બાળકોને નચાવી રહી છે, અને મોટા નરનારીઓને ફરી એક વાર બાલ્યાવસ્થાના હાસ્યઆનંદમાં ઉપાડી જાય છે.

ગિજુભાઈની વાર્તાઓ હાસ્યમય, વિનોદમય, બુદ્ધિચાતુર્યવાળી, શબ્દચાતુર્યવાળી રમતભરી છે. આ સંગ્રહમાં ભેળી થયેલી વાર્તાઓમાં અદ્‌ભુત રસ છે, કરુણરસ છે, કલ્પનાના ખેલ છે, ગાંભીર્ય છે. એવી વાતોથી આપણું લોક સાહિત્ય છલોછલ ભર્યું છે. અંગ્રેજીમાં એને ‘ફેરી-ટેલ્સ’ કહેવામાં આવે છે.

આમાંની કેટલીએક વાતો બંગાળાની લોકકથામાંથી લીધેલી છે. એ વાંચતાં જ આપણી જૂની સ્મૃતિ જાગે છે, ને યા દઆવે છે કે એની એ વાતો આપણે ત્યાં પણ હતી. હું માનું છું કે લગાર પ્રસંગોમાં ફેરફાર બાદ કરતાં ભૂમિકા એકની એક જ છે. કેમ જાણે એકનાં એક ડોશીમા બંને પ્રાંતમાં આથડીને એની એ વાતો કહી આવ્યાં હોય ! ચારસો-પાંચસો ગાઉને અંતરે પડેલા પ્રાંતોનાં હૈયાનાં ઊંડાણમાં તો એક જ ધબકારા બોલી રહ્યા છે. ભારતવર્ષની એકરાષ્ટ્રતાનો આ પણ એક સબળ પુરાવો કાં ન હોય ? બંગાળાની અંદર બાળ-સાહિત્યની વાડી આજ આપણા રાષ્ટ્રજીવનને ખરે ઉનાળે ઊગી નીકળી છે. એની લીલી ક્યારીઓ ભાળીને આપણને ગુજરાતીઓને આપણાં ઉજ્જડ ખેતરોને માટે લજ્જા જ આવે.

સોનબાઈ, નિર્દયાળુ અપ્સરા, નીતિવાન ચોર, રાજકુમારરાજકુમારીએ - એ ચાર વાર્તા આપણાં ડોસાં-ડોસી પાસેથી મળી. બીજી મેળવવા દસબાર ડોસીમાઓ પાસે કરગર્યો. પણ એ છિન્નભિન્ન સ્મૃતિઓમાંથી સળંગ વાર્તાઓ શોધવી મુશ્કેલ પડી. તથાપિ તપાસ ચાલુ છે. મેળવીને ફરી એક વાર એ આપણા નાનાં ભાઈ-બહેનોને ભેટ ધરીશું. જેને જેને જડી આવે તે આહીં લખી મોકલે તો કેવું સારું !

ભાષા તો ડોશીમાની જ રાખવા કાળજી કરી છે. છતાં હું શિક્ષક નથી, બાળકોને નિત્ય-સંગી પણ નથી. શંકા રહે છે કે સીધેસીધી આ વાતો વાંચીને નાનાં ભાઈ-બહેનો કદાચ પૂરેપૂરી ન સમજે, તેથી જ આ અર્પણ થઈ છે આપણી ભણેલીગણેલી યુવાન માતાઓને. એ બહેનો રસભેર વાંચી શકશે તેની મને અનુભવપૂર્વક ખાત્રી છે. અને પછી તો, પોતાનાં બાળકની પાસે પોતાની ઢબે એ વાતો કહેવાનું જ બાકી રહે છે.

મારી તો આશા છે કે નાનાં કે મોટાં, નર કે નારી, સહુને આ વાતોમાં રસ પડવાનો. ડહાપણ, ડગલે ને પગલે તર્ક, દરેક કાર્યમાં બુદ્ધિ, જુક્તિ, અને આડમ્બર - એ નિત્યના જીવનક્રમથી આપણે કેટલીયે વાર થાકી જઈએ છીએ. ધરતીના સીમાડા વટાવીને ઊંચે ઊડવા આપણી કલ્પના તલસે છે. ફરી બાળાપણની રમ્ય સૃષ્ટિમાં મ્હાલવાનું મન થાય છે. તે વેળા આવી અસંભવ જણાતી વાતોમાં પણ આપણે તલ્લીન બનીએ, હસીએ, ને રડીએ પણ ખરાં. અને પશુપંખીઓ ઉપર પણ પ્રીતિ આવે.

બાળકોનાં હૈયાંમાં ન ઊતરે એવી કેટલીએક બીનાઓ કે પ્રસંગો આવે ત્યાં સમજાવટ કરવી ઘટે. એ પણ બાળકો શળામાં જઈને શીખે તેના કરતાં આવી વાતોમાંથી જ સમજી લ્યે. એટલે જીવનની ઝીણી ઘટનાઓ પણ એની નજરે આવે. શબ્દો પણ બાળકોને શીખવાય.

મારી આજીજી તો માતાઓની પાસે જ છે. એનાં પ્રેમલ અંતરમાંથી જ ધાવણની પેઠે આપોઆપ ઊછળેલી આ વાર્તાની ધારાઓ છે. કોઈ સાક્ષરે, કવિએ કે પંડિતે નથી જોડેલી. એમાં તો જનેતાનું હૃદય નીતરી રહ્યું છે. જે જનેતા ખોળામાં બેસાડીને ધાવણ પાય, તે જ જનેતાએ, પડખામાં ઘાલીને પોતાના સમજણા બચ્ચાંને સૂવાટાણે આ હૃદયના ધાવણની ધારાઓ પણ પાવી જોઈએ. માતાઓને ક્યારે માલૂમ પડશે કે, વાર્તા સાંભળવાને કાજે બાળકનો પ્રાણ કેટલો બધો તરફડે છે ?

ચિત્રોને માટે, તેમજ એ ચિત્રોવાળી વાર્તાઓને માટે, બંગાળનાં એક બાળકપ્રેમી બહેન શ્રીમતી સુખલતાનો આપણે સહુ અહેસાન માનીએ. બંગાળની લોકવાર્તાઓના બે-ત્રણ સંગ્રહ બહાર પાડી, પોતાની જ પીંછીથી ચિત્રો ઉપજાવી, આ અપરિચિતા બહેને બાળકોની કેટકેટલી સેવા કરી ગણાય !

સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર, રાણપુર.

ઝવેરચંદ મેઘાણી

૧૮-ર-૧૯ર૩

(પાંચમી આવૃત્તિ)

આ પુસ્તકનું લખાણ હું ૧૯રરમાં ‘સૌરાષ્ટ્ર’માં જોડાવા આવ્યો ત્યારે સાથે લઈ આવ્યો હતો. મારા લેખક-જીવનની વહેલી પરોડનું આ સર્જન આજે પાંચમી આવૃત્તિ નિહાળે છે. ઘણા વખતથી એની ચાલુ માગ છતાં એ અપ્રગટ રહ્યું હતું.

રાણપુર ઝવેરચંદ મેઘાણી

૩-૧-’૩૮

લોકસાહિત્યની નવી દુનિયા

(પ્રવેશક)

બલિ રાજાને ઘરે તે દિવસે પ્રભુ વામનરૂપે પધાર્યા અને ત્રણ ડગલાંમાં એ વિરાટે આકાશ, ધરતી ને પાતાળ માપી લીધાં.

માનવીને આંગણે પણ એ જ વિરાટ શક્તિ રોજ રોજ આવીને ઊભી રહે છે : કરોડો વામનોને વેશે : સવા વેંતમાં શિશુઓને રૂપે.

પરંતુ આ સૃષ્ટિ એ વિરાટોને સાંકડી પડે છે. એના મનોરથો આ મૃત્યુલોકની શેરીમાં સમાતા નથી, એના તરંગો આકાશ-પાતાળનો બાથ ભરવા મથે છે. એનાં માવતરોને મૂંઝવણનો પાર નથી રહ્યો.

રૂપકકથાઓ

દેશદેશમાં દાદાઓએ અને દાદીઓએ આ દુઃખ એક જ સરખું અનુભવ્યું. એટલે એમણે પોતાનાં બચ્ચાંઓ માટે નવી નવી, નિત્યનવપલ્લવિત સૃષ્ટિઓ સરજી. એ સૃષ્ટિમાં સંતાનોને રમતાં મેલી દીધાં. મોટેરાંઓ, દુનિયાદારીનાં ડહાપણદારો, નક્કર સત્યોની સાથે જ રમનારાઓ પણ આ સૃષ્ટિમાં લોભાયા અને તેઓએ પણ રોજરોજ રાત્રીએ, દુનિયાદારીમાં ચોળાયલા સાજ ઉતારી નાખી, કલ્પનાના વાઘા સજી, બાલકોચિત બેવકૂફી ધારણ કરી, આ અનંત ખંડોવાળી દુનિયાની અંદર બાલવિહાર માણ્યો. એ દુનિયા તે આ રૂપકકથાઓની અથવા પરીકથાઓની.

અને ત્યાં શું શું જોયું ?

આભમાંથી ઊડતા આવતા રથો અને પાંખોવાળા ઘોડાઃ બાર બાર ગાઉમાં ઝેર પ્રસારે એવા ફણીધરોઃ વાવકૂવાના ઠંડા નીરમાંથી નીકળતી અગ્નિજ્વાળાઓઃ માનવીની ભવિષ્યવાણી ભાખતાં ગરુડ-પંખીના કે હંસ-હંસલીનાં જોડલાંઃ હીરાજડિત વીંટીમાંથી ખડા થતા સર્પોઃ સામસામા અથડાતા જીવભક્ષી ડુંગરાઓઃ આપોઆપ પડી જતી દરવાજાની કમાનોઃ ગુપ્ત વાત કરતાં પથ્થર બની જતી માનવ-કાયાઓઃ ભૂતકાળની વાર્તાઓ ભાખતી કાષ્ઠની પૂતળીઓઃ અધરાતે છઠ્ઠીના લેખ લખવા આવતી વિધાતાદેવી અને ચોરીના માટલા ઉપરના ચિત્રામણમાંથી સજીવન બનતા સિંહોઃ સાત કોટડી માયાવાળા રાફડા ઉપર બેસીને માનવીની ભાષામાં વાતો કરતા, માનવસ્વરૂપો ધરતા સર્પો અને વાવનાં બિલોરી નીરમાં મૃત્યુલોકની રમણીઓની પેઠે જ વિલાપ કરતી ઊભેલી નાગપત્નીઓઃ સાગરને તળિયેથી ડૂબેલા વહાણને બહાર કાઢનાર દરિયાપીર અને મરેલા ભક્તોને જીવતાં કરનારી દેવી કાળકાઃ દરિયાને તળિયે બેસીને ઈંડાં સેવતાં દેવાંશી હંસ-પક્ષીઓઃ સર્પોની વિષફૂંકે સળગતી કે અમૃત-ફૂંકે લીલીછમ બની જતી વનસ્પતિઓઃ અને મરેલી કાયાના કટકા ઉપર અંજલિ છાંટતાં જ સજીવન કરે તેવા અમીના કૂંપા.

વિશ્રામસૃષ્ટિ

આવા આવા ચમત્કારોથી ભરપૂર ને બાલ-દુનિયા કોને લોભામણી નહિ લાગી હોય ? સત્ય જગતને ખેડતાં ખેડતાં કલ્પના જગતમાંથી પ્રાણબળ મેળવવું એ તો માનવીની પ્રકૃતિ છે, માનવજીવનનો વિસામો છે. દુકાને ત્રાજવાં તોળનારો, દુકાનીભાર પણ નમતું ન દેનારો, અધરાતના દીવા બાળીને પણ પાઈ યે પાઈનો હિસાબ માંડનારો, લાગણી કે ઊર્મિને પોતાના જાગૃત જીવનમાં જરાયે સ્થાન ન આપનારો હાડચામડીનો બનેલો મનુષ્ય પણ ઘડિયાળના કાંટા જેવા પોતાના જીવનક્રમમાંથી વારંવાર કંટાળે છે. આવતી કાલે જ જેની આસામી ધૂળ મળવાની છે એવો મૂડીદાર આજે કોઈ ઈશ્વરી અકસ્માતની આશા નોતરતો હોય છે. આજે જેણે કરોડો ગુમાવી નાખ્યા છે તે આવતી કાલના ગર્ભમાં રહેલી કોઈ માયાવી સમૃદ્ધિના મનોરથો રચે છે. સ્વપ્નમાં એ રૂપિયાની થેલીઓ ઠાલવે છે. તેજુરીઓની ચાવી ખખડાવે છે. મહેલ-મોલાતો ચણે છે. એનેય મનોરથો વિના ન ચાલ્યું. એનેય પોતાનાં આશ્વાસન, આશીર્વાદ અને જગતના રણસંગ્રામમાં ઝૂઝવાનાં જોર કલ્પનામાંથી મેળવવાં પડ્યાં. ત્યારે પછી કુદરતને જ ખોળે રમતાં માયાવિહારી બાળકોનો બોજો શો ઈલાજ ?

માનવીની મહત્તા

અને આ કલ્પના-સૃષ્ટિ શું કેવળ બાળકોના વૈભવની ફૂલવાડી સરખી જ છે ? બાળકોની નાજુક કુતૂહલવૃત્તિને બે ઘડી નચાવીને જ શું એની ઉપયોગિતા ખતમ થાય ? શું આ અસંભવના ભુવનમાં વિચરતાં બાળકો વહેમી, દરિદ્ર, તરંગી અને સ્વપ્નાધીન બની જાય છે ? શું દૈવી કે આસુરી અકસ્માતો વાટે વહી જતી આ કલ્પનાની જિંદગી જોઈ જોઈને બાળકની દૃષ્ટિ દૈવાધીન, પ્રારબ્ધાધીન બની જાય છે ? નહિ, એક મત એવો પણ છે કે બાળકોની દૃષ્ટિ તો એ બધી મંત્રમાયાની ઉપર મંડાય છે. એ કુદરતી તેમ જ આસુરી સંકટોની વચ્ચે પોતાની અક્કલ યા ભુજા વાપરીને માર્ગ કાપતાં બહાદુર મનુષ્યો જ બાળકોની આદર્શમૂર્તિઓ બને છે. આ કથા-પ્રસંગોનાં ઘોર જંગલ-ઝાડીઓ વચ્ચે માનવ-શૌર્યના ચમકારા થાય છે. માર્ગ ભૂલીને અઘોર વનમાં મૂર્છાવશ પડેલા રાજાને જોઈ કે અગ્નિના ભડકા ફૂંકતા નાગને જોઈ અંતરમાં ભયનો થડકારો અનુભવનારો બાળક, બીજી જ ક્ષણે જ્યારે મનસાગરા પ્રધાનને તલવાર ઉઘાડીને છલંગ મારતો અને યુક્તિ-પ્રયુક્તિ યા હાજરજવાબીથી પોતાના મિત્રને સાપના ઝેરમાંથી ઉગારતો નિહાળે છે, ત્યારે તુરત જ એ બાળક સુખનો શ્વાસ મેલે છે, ને પોતે મનસાગરો બનવા તલસે છે. મનસાગરો પથ્થર બની જાય છે, તે ઘટનાની કરુણાજનક ભીષણતા, મનસાગરાના મૂંગા બલિદાનની મહત્તા આગળ ઝાંખી પડી જાય છે. વિક્રમરાજાના પેટમાં નાગ પેસી જાય તે દુઃખમય વિચાર, એ આશરા-ધર્મનો બિરદધારી રાજા સાપને ન મારવા માટે કસુંબો ત્યજે એ આત્મભોગના આદર્શ સામે ટકતો પણ નથી. માતા કાળકાની બધી ભૈરવતા એની દયાર્દ્ર વત્સલ્યતાની સામે અને ખાસ કરીને તો છેલ્લી વેળાએ ત્રણેય મરેલાઓને ચૂંદડી ઓઢાડી સજીવન કરનાર કરુણામય દેવી-સ્વરૂપની સામે વિસરાઈ જાય છે. ફૂલવંતી સતીના ચોધાર વિલાપમાં પોતાનો સૂર મેળવનારાં બાળકો, એ સતીને, પોતાના સ્વમીના પગ આંસુડે ધોતી ને ચોટલે લૂછતી ભાળીને ધન્યવાદ ઉચ્ચારે છે; ખૂંધાળી નણંદની ક્રૂરતા પર કે કઠિયારણના ઘાતકીપણા ઉપર સતીના શિયાળનું જ્યોતિમંડળ છવાયેલું જુએ છે. કસોટીના મેઘાડમ્બર ઉપર વી-વીરાંગનાઓનાં બલિદાનનું ઇંદ્ર-ધનુષ અંકાયેલું નિહાળી બાળ-શ્રોતાઓ આ કલ્પનાસૃષ્ટિની ભયાનકતામાં પણ માનવઆત્માનો વિજય સમજે છે. આ ઘટનાઓમાંથી બાળકો બીકણ બનીને નહિ પણ બહાદુરીના પૂજક બનીને નીકળે છે. અને એ સીણાની ખાઈ પાર કરનાર વીરાજી કે મોટાં જંગલો ખૂંદનાર મનસાગરો, જાણે પોતપોતાની વાતો વર્ણવી વર્ણવીને આપણાં સંતાનોને કહેતાં જાય છે કે ‘નન બટ ધ બ્રેવ ડિઝર્વ ધ ફેર’ : સુંદરીઓના હાથ તો શૂરવીરોને જ સાંપડી શકે; સાહસને કંઠે જ સૌંદર્યની વરમાળા શોભે.

નવો પ્રવાહ

લોકસાહિત્યની આ એક નવી દિશા આજે ખુલ્લી થાય છે. શૂરાઓની ઇતિહાસ-ઘટનાઓને લોકોએ પોતાની વાણીમાં વહેતી કરી, તે આપણે ‘રસાધાર’ આદિ ગ્રંથોમાં જોયું. રામાયણ-મહાભારતની પુરાણ-કથાઓને પણ લોકોએ પોતાની શૈલીમાં સ્વાંગ પહેરાવી એક કંઠેથી બીજે કંઠે, એક જીભને ટેરવે થઈ બીજી જીભને ટેરવે રમતી મૂકી. વ્રતોની, ઉખાણાંની, રમૂજની, ઠાવકાઈની, પશુની, પંખીની કૈં કૈં કથાઓમાં લોક-આત્માએ અનુભવરૂપી દૂધ દોહી લીધાં. તારા-મંડળો, પક્ષીના સાંકેતિક સ્વરો, પશુઓની કે વૃક્ષોની કૈં કૈં વિચિત્રતાઓ, એ તમામની સાથે કોઈ બલિદાનની, સત્યની કે સાદીસીધી માનવ-ઊર્મિની ઘટનાઓ લોકોએ જોડી દીધી તેને ‘કંકાવટી’માં સંઘરેલ છે. ને બીજો એક આખો ઝરો, લોકહૃદયમાંથી ‘લોકગીતો’ને નામે રેલાયો તે ‘રઢિયાળી રાત’ અને ‘ચૂંદડી’નાં છ પુસ્તકોમાં ઠાલવેલ છે. આજ આ નવો પ્રવાહ નીસરે છે. આપણાં અભણ ભાંડુઓને અંતરે સુંદર કલાવિધાનમાં સજ્જ થઈને આ વાર્તાઓ મોટાં મોટાં લોકવૃંદોની વચ્ચે એની સંગીતવાણીમાં લલકારાઈ છે. કેટલાંક કેટલાં અટ્ટહાસ, નિઃશ્વાસ, ધન્યવાદ અને અશ્રુ-બિંદુઓ એ વાર્તાઓની સજીવતાની સાક્ષી દઈ ગયાં છે.

ઇતિહાસ કે હકીકતના કશાયે આધાર વિનાની આ કલ્પિત કથાઓ માનવ-જીવનના મહિમાની અજરામર ગાથાઓ છે. એ કોણે રચી ? કોઈ કર્તાનું નામ એમાં નથી અંકાયેલું; માટે જ એ રચાઈ નથી. કુદરત ધરતીકંપ જગાવીને જેમ ઘાટીલાં નદી-સમુદ્રો, સુંદર ગુફાઓ કે પર્વતો સરજાવે, તેમ લોક-જીવનનાં મંથનોમાંથી આ કૃતિઓ આપોઆપ સરજાઈ હશે. જનતાએ મિત્રભક્તિ અને બલિદાનનાં દૃષ્ટાંતો દેખ્યાં. તેનો સંચય કરીને મનસાગરો અને વીરોજી ઘડ્યા. જનતાએ ઘેર ઘેર શિયળવંતી અબળાઓને સંદેહનો ભોગ થઈને પાપી કુટુંબીજનોથી પિડાતી ભાળી : તે તમામનાં આંસુ નિતારીને અક્કેક ફૂલવંતી સરજાવી. ને ત્યાર પછી એમાં વીર-વીરાંગનાઓની આસપાસ, એનાં સત્ય, શિયળ કે શૂરાતનને કસવાને માટે, દૈવી કે આસુરી, પશુ કે પંખીની દુનિયા વસાવી દીધી. છતાંયે એ વાર્તાઓની ઉપર, દેવ કે દાનવનો, પશુ અથવા પંખીનો, કોઈનો આખરી અધિકાર નથી. એ હજારો ચમત્કારો મનુષ્યના મનુષ્યત્વને ઢાંકી દેતા નથી. એ અસંભવિતતાનું વાતાવરણ માનવીની મહત્તાને મૂંઝવી મારતું નથી. ચમત્કારોને ખસેડી લો, અને તમે એ જ વીરવીરાંગનાઓને જેવાં ને તેવાં માનવસહજ, જેવાં ને તેવાં શૌર્યવંત, જેવાં ને તેવાં સબળ-નિર્બળ જોશો. ચમત્કાર તો બલિદાનનાં, પ્રેમશૌર્યનાં ને શિયળનાં સેવકો થઈ ભમે છે.

પશુપંખીની આત્મીયતા

ઊલટું મનુષ્યનો મહિમા તો એ રીતે ઉજ્જવળ બની રહ્યો છે. આસુરી તત્ત્વો સત્યધર્મને રિબાવી રિબાવીને આખરે નમી પડે છે. સિંદૂરિયા નાગની ઘટના જુઓઃ દૈવી તત્ત્વો તો મનુષ્યના સાહસનાં સાથી બનીને ચાલે છે. વીરાજીની વહારે કાળકા ધાય છે, ને ફૂલવંતીનાં આંસુ નાગપદ્મણી લૂછે છે. પશુપંખીએ તો મનુષ્યને માટે જ સ્વાર્પણ કર્યાં, જાગરણ કર્યાં, માનવ-જીવનના અભિલાષ પોષ્યા. રાજાની છ ઘાતો બતાવનાર ગરુડ-બેલડી, ફૂલસોદાગરને વૈશાખી પૂર્ણિમાએ દીકરો દેવાડનાર હંસ-હંસલી કે વિક્રમને અમીનો કૂંપો દેનાર નાગ-પદ્મણીઃ એ બધાં જાણે પક્ષી-જગત અને માનવી-જગત વચ્ચેનાં અંતર સાધી લે છે. એકબીજાં પરસ્પરને અપનાવે છે.

ભાષાવૈભવ

આ બધું લોક-રસનાએ જે લોકવાણીમાં ઉતાર્યું, એ લોકવાણી જ એને જગત-સાહિત્યમાં કાયમી આસન અપાવી રહી છે. એ લોકવાણીની કલાત્મકતા નમૂનારૂપે જ અત્રે આ વાતો અસલી શૈલીમાં મૂકી દીધેલી છે. એની સ્વાભાવિકતા, પ્રાસાદિકતા, વર્ણન-છટા ને ભાવભરપૂરતા તપાસોઃ

‘મેઘલી રાતઃ ગટાટોપ વાદળાંઃ ત્રમ ! ત્રમ ! ત્રમ ! તમરાં બોલે છે’ઃ આટલા ટૂંકા વર્ણનમાં હૂબહૂ ભાવ ખડો થાય છે.

‘સોળ કળાનો ચંદ્ર આકાશે ચડ્યો છેઃ અજવાળાં ઝોકાર છે’ઃ એટલા શબ્દોની અસર, વાર્તા સાંભળનાર બાળકો ઉપર ઊંડી પડે છે.

‘રાજાની કાયામાં બત્રીસે કોઠે દીવા થઈ ગયા’ઃ એ શબ્દરચનાની ને એ રૂપકની સચોટતા વિલક્ષણ છે.

‘ધો...મ તડકો ધમી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાં અંગારા વરસે છે. ગુલાબનાં ફૂલ જેવાં પગનાં તળિયામાં ઝળેળા પડવા મંડ્યા, ગળે કાંચકી બંધાઈ ગઈ.’

શબ્દો વીણી વીણીને યોજેલાં આ મિતભાષી વર્ણનો આપણને લોકભાષાની કલામય સમૃદ્ધિનું ભાન કરાવે છે. અને જ્યાં જ્યાં એવાં ટૂંકાં ટૂંકાં વર્ણનોની વચ્ચે, અપવાદરૂપે, કોઈ રાજસભાનાં, ઝાડીનાં, સજેલી સુંદરીનાં, શસ્ત્રધારી શૂરવીરનાં, કોઈ યોગીનાં કે ગાંગલી ઘાંચણનાં લાંબાં વર્ણનો આવે છે. ત્યાં પણ એનાં બધા શબ્દાડંબરની અંદર, સજીવ ઝીણવટ, મસ્ત રૂપકો, પદ્યાત્મક ગદ્યના રણકારા અને તોલદાર શબ્દ-પ્રયોગો આપણને લોકવાણીની પ્રભુતાનું દર્શન કરાવે છે. એ વાતોમાં નથી ‘કાદમ્બરી’ની એકધારી ક્લિષ્ટતા, નથી ‘અરેબિયન નાઈટ્‌સ’ની નરી સાદાઈ, કે નથી પૌરાણિક અલંકારોનો ઠઠારો. એ તો નિત્ય નવલ છે, વિવિધતાથી ભરપૂર છે. સગવડ પ્રમાણેનાં ટૂંકાં કે લાંબાં સચોટ શબ્દચિત્રો છે.

એ સચોટતામાં પુરવણી કરનારા સ્વરપ્રધાન શબ્દો, જેવાં કે મધરાતનાં ઘડિયાળાં ટણણન ટણણનઃ ઝળળળળ તેજનાં પ્રતિબિમ્બઃ કીચડૂક કીચડૂક હીંડોળા ખાટઃ ઘરરરર આકાશને માર્ગેઃ ઝકાક, બકાક, ગમ ખરરર ઘોડો જાય છેઃ કડડડ મેડી હલબલીઃ ઝાળ ધરના જેવી દોમ દોમ સાયબીઃ એવા સ્વરપ્રધાન શબ્દો કંઠસ્થ વાર્તાસાહિત્યની વાણીમાં શ્રવણનો વૈભવ પૂરે છે.

વસ્તુસંકલના

જેવી સજીવતા એના ભાષા-પ્રવાહમાં છે તેવી જ સ્વાભાવિક સચેતનતા એની વસ્તુ-સંકલનમાં ધબકારા કરે છે. ઘટનાઓની પરંપરા પૂરા વેગમાં ધસતી જાય છે. નવા ન ધારેલા છતાંયે જાણે કે પરસ્પર તદ્દન સ્વાભાવિક રીતે સંકળાયેલા પ્રસંગો એક પછી એક ફૂટતા જાય છે, ને આખરે તમામ છેડા એકમેકને મળી જાય છે. એમાં આલેખાયલાં પાત્રો નિર્જીવ પૂતળાં નથી. એ તો ક્ષણે ક્ષણે જીવનના સાહસમાં ઝંપલાવનારાં ઓછાંબોલાં, હસતાં ને રડતાં, ભૂલતાં ને પસ્તાતાં, મૂંઝાતાં ને માર્ગ ઉકેલતાં જીવન્ત માનવીઓ છે. વાર્તાના વસ્તુ-ગૂંથણમાં મર્મ-કટાક્ષોનાં, બુદ્ધિ-ચાતુરીના, ઠાવકાઈના સુંદર પ્રસંગોની ભાત ઊપડતી આવે છે. માટે જ એ આખો જાદુનો નહીં પણ જીવનનો પ્રવાહ છે. જાદુ તો માત્ર નદીના પ્રવાહને બન્ને કિનારે ઊગેલાં લીલાં વૃક્ષો કે ગાયન ગાતાં નવરંગી પંખી કે સંધ્યા-ઉષાના ખીલતા રંગો જેવો જ ભાગ આ વાર્તાઓના કિનારા પર લઈ રહ્યું છે. પ્રવાહને એ શોભાવે છે, પોતાના પડછાયાથી રમ્ય બનાવે છે, પણ પ્રવાહને રોકતું નથી.

લોક-નીતિ

લોક-નીતિની કેટલીક ભાવનાઓ આ વાર્તાઓ પર અંકાયેલી છે. કસોટીના અગ્નિ સોંસરવી ચાલી જતી એ ફૂલવંતી લોક-નીતિની સાચી સીતા છે. પોતાના જ પ્રભાવ વડે રાજાને પરણાવનારો અને છેક શયનગૃહ સુધી પણ જઈને મિત્ર રાજવીને બચાવનારો મનસાગરો લોકજીવનનો લક્ષ્મણજતિ છે. પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ જાગ્યા પછી છ-છ મહિના સુધી એ પરદેશી સ્વામીના જાપ જપતી તેમ જ મિલાપ થયા પછી પણ સ્વયંવરે પરણતી પદ્માવંતીમાં લોકદ્રૌપદીનાં પુણ્યદર્શન થાય છે. પોતાનાં વ્રત પૂરાં કરનાર બેપરવા વીરપુરુષ વીરાજીની પાછળ એકલવાઈ અને ઉઘાડે પગે ચાલી નીકળનાર રજપૂત-પુત્રી પણ એ લોકનીતિની પ્રતિનિધિ છે.

મુક્ત લહરીઓ

અને તેમ છતાં આ લોક-નીતિને ગૂંગળાવે તેવું પૌરાણિક પવિત્રતાનું આડંબરી વાતાવરણ આ કથાઓમાંથી બાતલ રહ્યું છે. બ્રાહ્મણોનાં ફરમાનો છૂટે તે પ્રમાણે અદબ વાળીને આ વીર-વીરાંગનાઓ નીતિની કવાયત નથી કરતાં, શિયળનાં ભાષણો નથી કરતાં, ઘૂમટા કાઢીને મોં નથી સંતાડતાં, પુરોહિતનાં મંત્રોચ્ચારની વાટ નથી જોતાં. વીરાજીની પાછળ રાજપૂતાણી કોઈની યે રજા લીધા વગર દોટ કાઢે છે, છલંગ મારીને એની પછવાડે ઘોડા પર ચડી બેસે છે, ધુતારાના ઘરમાં પોતાના ગાફલ પતિને ફિટકાર આપે છે, રાજસભામાંપતિ સામે અભિયોગ પોકારે છે; ને છતાં એટલી જ પતિપરાયણ બનીને લગ્નની પ્રથમ રાત્રીથી માંડીને છ છ મહિના સુધી એકલવાઈ નિર્જન રાત્રીઓ વિતાવે છે. પદ્માવંતી પણ પોતાની મુન્સફીથી જ પેલાં પ્રાચીન દેવળો પાસે સાંકેતિક સગપણ કરી લેવામાં પોતાના ધર્મનો લોપ નથી માનતી. કેમકે એનો ધર્મ કોઈ શાસ્ત્રાજ્ઞાઓમાં નથી, અંતરાત્માની અંદર છે. વીરત્વ એનો ધર્મ છે. વીરત્વને એણે કનકાવતી નગરી શોધી કાઢવાની કસોટીએ ચડાવ્યા પછી જ સ્વયંવર-લગ્ન કીધાં. એ જ રીતે એ સ્વામીભક્ત મનસાગરો

ઌક્રદ્યધ્ પક્રઌક્રબ્ૠક્ર ઙ્ગેંશ્વસ્ર્ળ્થ્ૠક્રૅ

ઌક્રદ્યધ્ પક્રઌક્રબ્ૠક્ર ઙ્ગેંળ્દ્ય્ભ્ૐૠક્રૅ

એવો કશોય શ્લોક બોલવાને બદલે, પોતાના બાંધવને બચાવવા માટે તો છેક મિત્ર-દંપતીના શયન-ગૃહમાં સંતાઈને રાણીના ગાલ પરથી ઝેર ચૂસવા જેટલો શાસ્ત્ર-નીતિનો લોપ દાખવે છે, છતાં એની આંતરિક નીતિ ઉજ્જવલ રહે છે. માતાને શરીરે સ્પર્શનાર બાળકનો જ એ મધુર ભાવ હતો.

નીતિની એવી ઉન્મુક્ત, સુગંધમય, નિર્મળ લહરીઓ લોક-જીવનમાં વાતી હતી. જીવન સ્વાભાવિક માનવ-ધર્મની સુવાસે મહેકતું હતું, શાસ્ત્ર-ધર્મના તાપથી કરમાતું નહોતું. સાત સમુદ્રો વીંધીને દેશાટન કરનારા ફૂલસોદાગરની સાહસિકતાના સરજનહાર એ યુગને ‘સમુદ્ર-ઉલ્લંઘન મહાપાપ’ની પંડિત-સત્તા હજુ પહોંચી નહીં હોય. મનુષ્યો સાહસિકતાની છલાંગો ભરતાં હશે.

એટલા પ્રાચીન સમયથી ચાલી આવતી, અને શાસ્ત્રાજ્ઞાઓના વિધિ- નિષેધોથી મુક્ત જીવનનું પ્રતિબિમ્બ પાડતી આ વાર્તાઓ માતાઓએ કહી ને પુત્રીઓએ સાંભળી, વૃદ્ધોએ કહી ને યુવાનોએ સાંભળી. કોઈએ કશો યે સંકોચ નથી અનુભવ્યો. હંસારાજા ફૂલસોદાગરને વૈશાખી પૂર્ણિમાએ એની સ્ત્રી પાસે એક પહોર રાત્રી ગાળવા લઈ ગયો, કે ફૂલવંતીનું હૈયું ઉત્તર દિશામાં ઊઘડતાં જ એનાં થાનેલાંમાંથી દૂધની ધારા વછૂટી, કે રાજા-રાણીની છેલ્લી ઘાત વેળાની જે શયન-ગૃહની ઘટના બની, એવી એવી વાતોમાં લોક-નારીઓએ કૃત્રિમ લજ્જા નથી બતાવી. એનાથી આપણી માતા-બહેનો ભડકીને ભાગેલી નથી, કેમકે એ પ્રસંગો કાં તો માતૃત્વના છે, કાં નિર્દોષ દામ્પત્યના છે. અને શૃંગારના હોય તોપણ એ શૃંગાર જીવનના સાચા સ્વાભાવિક અંશરૂપ હતા.

વાનગી

કલ્પનાને રમાડતી, બલિદાનને પ્રબોધતી, સાહસ, શૌર્ય, અને શિયળના લોક-આદર્શો ઊભા કરતી, અને કલાવિધાનથી વિભૂષિત આવી રૂપકથાઓનો મોટો ખજાનો આપણા સૌરાષ્ટ્રના કોઈકોઈ વૃદ્ધ દાદાજીઓની સ્મૃતિઓનાં ખંડેરો નીચે દટાયેલો પડ્યો છે. કૈં કૈં નવી નવી ઘટનાઓનાં એમાં ગૂંથણકામ છે. એનો લોપ થઈ જવાને હવે ઝાઝી વાર નથી. એનાં ઊંડાણમાં આપણો વાચક-વર્ગ કેટલો ઊતરી શકે છે તે માપવા આટલા નમૂનાઓ આજે રજૂ થાય છે. આપણા કંઠસ્થ સાહિત્યમાં આ સહુથી પહેલો પ્રયાસ છે. વિક્રમ રાજાની વાતો પણ સોરઠી શૈલીમાં ને સોરઠી ભાવોમાં રંગાઈને બીજે બહાર નથી પડી.

બંગાળી રૂપકથાઓ

બીજા પ્રાંતો પૈકી બંગાળાએ તો પોતાની રૂપ-કથાઓને સાંગોપાંગ હાથ કરી લીધી છે. એ કથાઓનાં નિરનિરાળાં પાઠાન્તરોના કંઈ નહિ તો દસેક સંગ્રહો ત્યાં બહાર પડી ગયા છે. અને ‘દાદાજીની વાતો’ માફક, અસલી દાદાશૈલીને આબાદ સ્વરૂપે રજૂ કરનારો સંગ્રહ ‘ઠાકુરદાર્‌ ઝુલી’ નામનો ગણાય છે.

આટલું જ બસ નથી. આ રૂપકથાઓનું સાચું મૂલ્ય તો બંગાળાએ સંશોધનશાસ્ત્રની દુનિયામાં મૂલવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીએ રાય બહાદુર દિનેશચંદ્ર સેનને ‘ડૉક્ટર ઑફ લિટરેચર’ની પદવી એનાયત કરીને, ‘રામમરતન લાહિરી ફેલો’ તરીકે બંગાળનું લોકસાહિત્ય વિવેચવા માટે નિયુક્ત કરેલા છે. એ વિદ્વાને આ રૂપકથાઓ ઉપર રસની, સાહિત્યની, જીવનની અને પુરાતત્ત્વની દૃષ્ટિએ જે તલસ્પર્શી વ્યાખ્યાનો અનુસ્નાતક વર્ગની સમક્ષ આપેલાં હતાં, તે વ્યાખ્યાનો ‘ધ ફોક લિટરેચર ઑફ બેંગાલ’ નામના પુસ્તકરૂપે કલકત્તા યુનિવર્સિટીએ પ્રગટ કરેલાં છે.

બંગાળી રૂપકથાનો સંગ્રહ અને આ પુરાતત્ત્વની મીમાંસા વાંચતાં જ્ઞાન થયું કે બંગાળમાં પણ આ-ની આ જ કથાઓ, કેટલાએક પ્રાંતોચિત પ્રસંગાન્તરો સાથે જન્મ પામી છે, અને જનતાની નસોનાં રુધિરમાં રેડાઈ ગઈ છે. બંગાળી રૂપકથાઓ કંઈક વધુ વિશુદ્ધ, વિપુલ વસ્તુભરી, અને શુદ્ધ સંસ્કારોથી સોહામણી ભાસે છે. ‘ફૂલસોદાગર’ની આપણી રૂપ-કથા મને અપૂર્ણ લાગવાથી બંગાળી ‘શંખમાલા’ની ઘટનાઓ મેં આંહીં અપનાવી લીધી છે. એટલું જ બસ નથી. આ મીમાંસાકાર તો અંગ્રેજી રૂપકથાઓ ટાંકી ટાંકીને પૂર્વ-પશ્ચિમની આ દૌલતને એક જ સ્થળેથી ઉદ્‌ભવેલી બતાવે છે. અને એ તો બાહ્યા તેમ જ આંતરિક એવા અનેક જાતના પુરાવાઓનું દોહન કરીને એટલે સુધી સિદ્ધ કરે છે કે બંગાળાની જ આ રૂપકથાઓ, પ્રાચીન કાળમાં પરદેશ ખેડતાં આપણાં જહાજોમાં ચડીને, આપણાં મલમલ કે મશરૂની સાથે જ દેશવિદેશને કિનારે ઊતરી - એટલે કે ખલાસીઓની જીભેથી કહેવાઈને પરદેશીઓને કાને પડી, તેમાંથી એ વાર્તાઓએ ત્યાંના યુરોપી સ્વાંગ સજ્યા ને પછી ‘ગ્રિમ બ્રધર્સ ટેઈલ્સ’ને નામે પ્રગટ થઈને યુરોપી રમણીઓ બની પાછી હિન્દમાં આવી !

ઝવેરચંદ મેઘાણી

ક્રમ

નિવેદન

લોકસાહિત્યની નવી દુનિયા (પ્રવેશક)

ડોશીમાની વાતો

•સાચો સપૂત

•સોનાની પૂતળી

•મયૂર રાજા

•અજબ ચોર

•ચંદ્ર અને બુની

સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો

૧. સાચો સપૂત

રાજમહેલમાં રાણી એક દિવસ બેઠેલી. એની આંખોમાંથી આંસુ ચાલ્યા જતાં હતાં.

રાજાજી આવી ચડ્યા. પૂછ્યું કે “રાણીજી, રોવું શીદ આવે છે ?”

રાણી બોલ્યાં : “જુઓ, સામેના ગોખલામાં ચકલા-ચકલીનો માળો જોયો ? એ માળામાં બે નાનાં બચ્ચાં છે. ચકલો બેઠો બેઠો જોયા કરે છે.”

રાજા પૂછે છેઃ “એ ચકલી બચ્ચાંને શા માટે મારે છે ?”

રાણી બોલ્યાંઃ “ચકલાંની સગી મા મરી ગઈ છે. આ ચકલી તો એની નવી મા.”

“તેથી તમને શું થયું ?”

રાણી કહેઃ “રાજાજી, હું મરી જઈશ, પછી મારાં બચ્ચાંની પણ આવી દશા થશે, એવું મનમાં થાય છે; માટે મને રડવું આવ્યું.”

રાજા કહેઃ “ઘેલી રાણી ! એવું તે કાંઈ બને ? હું શું એ ચકલા જેવો નિર્દય છું?”

રાણી કહેઃ “રાજાજી, વાત કરવી સહેલી છે.”

રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે ‘ફરીવાર કદી હું પરણીશ જ નહિ.’

રાણી માંદાં પડ્યાં. મરવું હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે કે, “તમારો કોલ સંભારજો હો ! મારાં કુંવરકુંવરીની સંભાળ રાખજો.” એટલું બોલી રાણી મરી ગયાં.

રાજાએ પંદર દિવસ શોક પાળ્યો. મોટાં મોટાં રાજની કુંવરીઓનાં કહેણ આવ્યાં. રાજાજીએ પરણી લીધું.

નવી મા ઘરમાં આવી. રાણી રાજાના કાન ભંભેરવા લાગી. રાજાજી તો પોતાનું વચન વીસરી ગયા. કુંવર અને કુંવરીને દુઃખનો પાર ન રહ્યો.

ભાઈ-બહેન જ્યારે બહુ જ મૂંઝાયાં ત્યારે શું કરે ? રાજમહેલમાં એનો એક રખેવાળ હતો; એનું નામ ભૈરવ. ભાઈ-બહેન એ ભૈરવભાઈની પાસે જઈને બેસે અને આંસુ ખેરે.

રાણીએ રાજાના કાન ભંભેર્યા. બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઈ. કુંવર-કુંવરીને છાતીએ ચાંપીને ભૈરવ ખૂબ રોયો. પછી ચાલી નીકળ્યો.

એમ કરતાં કરતાં થોડાંક વરસ વીત્યાં.

એક દિવસ મધરાત હતી. તે વખતે રાણીના ઓરડામાં એક બુઢ્ઢો પુરુષ ઊભેલો. એ પુરુષ રાજાનો વજીર હતો. બેય જણાં શી વાત કરતાં હતાં ?

રાણી કહેઃ “જુઓ આ હીરામાણેકનો ઢગલો, તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો.”

વજીર કહેઃ “શું કામ ?”

રાણી કહેઃ “ખૂન.”

વજીર કહેઃ “કોનું ?”

રાણી કહેઃ “રાજકુમારનું.”

વજીર તો ચમકી ઊઠ્યો ને બોલ્યો કે “અરેરે ! રાણી માતા ! એ કુંવરને તો મેં મારે બે હાથે રમાડ્યો છે. એ જ હાથે હું એને મારું ?”

રાણી બોલીઃ “નહિ મારો તો હું તમારો પ્રાણ લઈશ.” ધ્રૂજતો ધ્રૂજતો

વજીર બોલ્યોઃ “શી રીતે મારું ?” રાણી કહેઃ “આ કટારથી.”

વજીર ધ્રૂજી ઊઠ્યો. એ બોલ્યો કે “ના, ના, કટાર મારતાં મારો હાથ થરથરે. હું એને ઝેર પાઈને મારીશ.”

રાજકુમારી આ બધી વાત સાંભળી ગઈ. એ તો દોડતી દોડતી જંગલમાં ગઈ. ત્યાં એક શંકરની સ્તુતિ કરવા લાગી.

ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો. એનું મોઢું બહુ વિકરાળ. માથે મોટા મોટા વાળ. લાંબી દાઢી અને રોતી રોતી આંખો. રાજકુમારી તો દોડીને એને વળગી પડી ને બોલીઃ “ભૈરવભાઈ, ઓ ભૈરવભાઈ !”

એ પુરુષ પૂછે કે “અરે છડી, તું કોણ છો ? તું મને ઓળખતી નથી. હું તો આ જંગલનો બહારવટિયો છું. તને મારી બીક નથી લાગતી ?”

રાજકુમારી બોલીઃ “ના ! તું ખોટું બોલે છે, તું તો મારો ભૈરવભાઈ. પાંચ વરસ પહેલાં અમે ભાઈ-બહેન તારા ખોળામાં રમતાં તે તું ભૂલી ગયો, ભૈરવભાઈ ?”

ભૈરવ ગળગળો થઈ ગયો. એણે પૂછ્યુંઃ “બહેન, ભાઈ ક્યાં છે ? એને કેમ છે?”

રાજકુમારી રોઈ પડી ને બોલી કે “ભાઈને તો આજ આ મંદિરે લાવીને મારી નાખશે.”

બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો. રાત પડી ત્યાં રાજકુમારને લઈને વજીર આવી પહોંચ્યો.

વજીર કહેઃ “રાજકુંવર, લ્યો આ શરબત પી જાવ.”

રાજકુંવર બોલ્યોઃ “વજીરજી, હું જાણું છું કે એ શરબત નથી, ઝેર છે; છતાં લાવો પી જાઉં.”

એમ કહીને રાજકુંવર પ્યાલો હોઠે માંડે છે, ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો. વજીરને ઝેર ચડ્યું. જમીન પર એ પડી ગયો. મરતાં મરતાં બોલ્યો કે “રાજકુંવર અહીંથી પરદેશ ભાગી જજો; નહિ તો તમારો પ્રાણ જશે.”

રાજકુંવર અને ભૈરવ મળ્યા. ત્રણેય જણાં પરદેશ ઊપડ્યાં. રસ્તામાં રાત પડી. ઉજ્જડ જંગલ હતું, બહેન-ભાઈના પગમાં કાંટા વાગતાં જાય છે, શરીરે ઉઝરડા પડે છે, ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યાં જાય છે.

એવામાં વરુઓની એક ટોળું દોડતું આવે છે. ભૈરવભાઈ પાસે એક તલવાર. પણ એકલો કેટલાં વરુને મારી શકે ? પછી એણે કહ્યુંઃ “તમે ભાઈબહેન ભાગો. મને એકલાને મરવા દો.”

પોતાની તલવારથી ભૈરવે પોતાના શરીરમાંથી માંસના લોચા કાપ્યા, કાપી કાપીને વરુઓનાં મોં આગળ ફેંકતો જાય ને ભાગતો જાય. વરુઓ માંસ ખાવા રોકાય, ત્યાં ત્રણે જણાં આઘાં આઘાં નીકળી જાય. વળી વરુઓ દોડતાં દોડતાં આવી પહોંચે. ફરી વાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે. એમ કરતાં ભૈરવે આખું શરીર વરુને ખવરાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર દૂર નીકળી ગયાં.

સવાર પડ્યું. એક મોટી નગરી આવી. એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું. પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું તે કેમેય ચડે નહિ, વાંકું વળી જાય. રાજાને બ્રાહ્મણો કહે કે, ‘કોઈ બત્રીસલક્ષણા માણસનો ભોગ આપો.’

રાજકુંવર ત્યાં આવી ચડ્યો. બ્રાહ્મણો કહેઃ ‘આ જ બત્રીસલક્ષણો માણસ, આપી દ્યો એનો ભોગ.’

રાજકુંવર કહેઃ “મને મારો છો શા સારુ ? જીવતો રહીને જ હું એ ઇંડું ચડાવી દઈશ.” એમ કહીને એણે દોરી ખેંચી. ઇંડું વાંકું હતું તે સીધું થઈને ચડી ગયું, માણસો વાહ વાહ કરવા લાગ્યા.

ભાઈ-બહેન ત્યાંથી આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતાં બીજી એક નગરી

આવી. તે દિવસે તે નગરીની રાજકુંવરીનો સ્વયંવર થતો હતો. દેશ-દેશના રાજાઓ ભેગા થયા હતા.

બહુ મોટી સભા ભરાયેલી. બધા રાજાઓ વચ્ચે હાથણી ઉપર બેસીને રાજકુંવરી આવી પહોંચી. હાથણીની સૂંઢમાં કળશ ભર્યો હતો. રાજાજીએ હાથણીએ કહ્યું કેઃ ‘હે દેવી! જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેને મારી દીકરી પરણાવીશ ને અરધું રાજપાટ આપીશ.’

હાથણી આખી સભામાં ફરી વળી. પણ કોઈના ઉપર એનું મન ઠર્યું નહિ. ચાલતી ચાલતી હાથણી મંડપની બહાર ગઈ, ત્યાં એણે કળશ ઢોળ્યો. કોના ઉપર ? એક ભિખારી જેવા છોકરા ઉપર. આ છોકરો તે આપણો રાજકુમાર.

બધા ય બોલી ઊઠ્યાઃ “હાથણી ભૂલી. હાથણી ભૂલી. આ ભિખારીની સાથે કંઈ રાજકુમારી પરણે ખરી કે ?”

બધા કહે કે “હાથીને બોલાવો.”

હાથી ઉપર ચડીને રાજકુમારી આવી. હાથી પણ આખા મંડપમાં ફરીને બહાર ગયો. પેલા રાજકુંવરને ભિખારી માનીને આઘો કાઢી મૂકેલો; હાથી ત્યાં પહોંચ્યો, ને એના ઉપર કળશ ઢોળ્યો.

રાજકુમારી પોતાના બાપને કહેઃ “બાપુ, મારા નસીબમાં ગમે તે માંડ્યું હોય, હું તો એ ભિખારીની સાથે જ પરણવાની. બીજા મારા ભાઈ-બાપ.”

પછી બેઉ પરણ્યાં. રાજકુંવર અરધા રાજપાટનો ધણી બન્યો છે, અને લીલા લહેર કરે છે. પોતાની બહેનને એણે એ રાજાના ભાઈ વેરે પરણાવી છે.

પણ રાજકુમારના મનમાં સુખ નહોતું. એને એનો દેશ સાંભરતો. પોતાના બુઢ્ઢા બાપુ સાંભરતા. કોઈ કોઈ દિવસ એની આંખમાં પાણી આવતાં. પછી એણે પોતાના સસરાની રજા માગી; કહ્યું કે છ મહિને પાછો આવીશ.

રાજાએ દીકરીને તૈયાર કરી બાર ગાઉમાં ગાડાં ચાલે એટલો કરિયાવર દીધો. હાથીઘોડા દીધાં. ડંકાનિશાન દીધાં. આખો રસાલો લઈને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો.

આંહીં તો બાપુ બુઢ્ઢા થઈ ગયા છે. કુંવર અને કુંવરી ચાલ્યાં ગયાં ત્યારથી એને ઠીક લાગ્યું નહોતું. રાણી એને રીઝવ્યા કરે; પણ દેવનાં બાળક જેવાં પોતાનાં બે છોકરાંને કાંઈ ભુલાય ? રાજા તો ઝૂરી ઝૂરીને રાતદિવસ કાઢે. રાણી ઘણું ય મનાવે, છોકરાંનાં વાંકાં બોલે, પણ રાજાનું મન માને નહિઉ એણે રાણી સાથે અબોલા લીધા.

રાજ્યના કામમાં રાજાનું મન ઠરતું નહિ. આખો રાજકારભાર બગડ્યો. સારા માણસો ભાગી ગયા. ખરાબ માણસોનું જોર વધ્યું. ખજાના ખાલી થયા, પરદેશના રાજાએ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું.

રાજાજી તો ઝંખે કે ‘ક્યાં હશે મારાં કુંવર ને કુંવરી ? એને કોણ ખવરાવતું હશે? કોણ સુવાડતું હશે ?’

એક દિવસ સાંજ પડી. આકાશમાં ધૂળના ગોટેગોટા ઊડે છે. ચાકરો આવીને કહે કે, કોઈ પરદેશી રાજા ચડી આવે છે, એની પાસે અપરંપાર સેના છે.

રાજાની પાસે સેના નહિ, હથિયાર નહિ. રાજા શું કરે ? મોઢામાં ખડનું તરણું લીધું, હાથમાં અવળી તલવાર ઝાલી અને એ તો પરદેશી રાજાને શરણે ચાલ્યો.

પરદેશી રાજાએ આ જોયું. જોતાં એ સામો દોડ્યો. દોડીને બુઢ્ઢા રાજાના પગમાં પડી ગયો ને બોલી ઊઠ્યોઃ “બાપુ, બાપુ, મને પાપમાં કાં નાખો ?”

રાજાએ કુંવરને ઓળખ્યો. કુંવરને છાતી સાથે દાબીને રાજાજી ખૂબ રડ્યા. કુંવરની આંખોમાં પણ આંસુ માય નહિ.

ગાજતેવાજતે બધાં નગરમાં ગયાં. કુંવરને જોવા આખું ગામ જાણે હલકી ઊઠ્યું.

નવી માને ખબર પડી. એના પેટમાં ફાળ પડી. એણે તાંસળી ભરીને અફીણ ઘોળ્યું. જ્યાં મોઢે માંડવા જાય છે ત્યાં તો કુંવર પહોંચ્યો. તાંસળી પડાવી લીધી. માના ખોળામાં માથું મેલીને કુંવર ખૂબ રડ્યો. માનું હૈયું ઊભરાઈ આવ્યું. મા માફી માગવા મંડ્યા. કુંવર કહેઃ “માડી ! કાંઈ બોલો તો તમને ઈશ્વરની આણ.”

કુંવર ગાદીએ બેઠો. રાજારાણી વનમાં તપ કરવા ગયાં. રાજ આખું આબાદ થયું. ખાધુંપીધું ને રાજ કીધું.

૨. સોનાની પૂતળી

એક હતી રાજકુમારી. એનું નામ હીરા. પોતે બહુ રૂપાળી. પોતાના રૂપનો એને બહુ જ અહંકાર. કોઈની વાત સાંભળે નહિ, મનમાં આવે તેમ કરે અને રાતદિવસ શણગાર સજ્યા કરે.

એને સાત સખી હતી. એક સખી અંબોડો બાંધી આપે, બીજી સખી હાથપગ ચીતરી આપે, ત્રીજી સખી શણગાર સજી આપે, ચોથી સખી અરીસો ધરીને ઊભી રહે, પાંચમી પંખો ઢાલે, છઠ્ઠી વાજું વગાડે ને સાતમી નાચ કરે. સાતે જણી મળીને હીરાને મોઢે હીરાના વખાણ જ કર્યા કરે.

પહેલી સખી કહેઃ “આહા, કુંવરીબા તો જાણે કંચનની પૂતળી.”

બીજી બોલે કેઃ “વાહ, એનો રંગ તો જાણે ચોખ્ખા સોના સરખો.”

ત્રીજી ટાપસી પૂરે કેઃ “આહા ! બાનું નાક જાણે બંસી !”

ચોથી ચડાવી મારે કેઃ “અરે, બાની આંગળી તો અસલ જાણે ચંપાની કળી !”

અને પાંચમી બોલે કેઃ “બહેન ! તમારી આંખો તો બરાબર હીરાના જ કટકા!”

આવું આવું સાંભળીને કુંવરીબા તો મદમાં ને મદમાં ફુલાયા કરે.

એનો મદ તો એટલો બધો ચડ્યો કે પછી પરીઓથી સહેવાયું નહિ. પરીઓને મનમાં થયું કે આને કંઈક શિખામણ દેવી જોઈએ.

સોનાના અરીસા સામે ઊભી ઊભી રાજકુંવરી પોતાનું મોઢું જોતી હતી. ત્યાં તો અચાનક અરીસામાં કોઈનું મોઢું દેખાયું. પાછી ફરીને કુંવરી જુએ ત્યાં તો એક પરી ઊભેલી. પરી બોલીઃ “હીરા, તું રૂપાળી છો, પણ એટલો મદ રાખ નહિ. એથી તારું સારું નથી થવાનું.”

રાજકુંવરી કહેઃ “મારું રૂપ તારાથી દેખી શકાતું નથી, એટલે જ મારી સાથે વઢવાડ કરવા આવી લાગે છે, ખરું ને ?”

પરી કહેઃ “ના, જેને આટલો બધો અહંકાર હોય, તેનું સારું થાય જ નહિ માટે હું તો તને ચેતવવા આવી છું, બહેન !” આટલું બોલીને પરી ચાલી ગઈ.

પછી તો હીરાનો મદ ક્યાંય માય નહિ. એના મનમાં એમ થયું કે હું એટલી બધી રૂપાળી કે પરીઓ પણ મારી અદેખાઈ કરે !

હીરાની પાસે ઘેરો વળીને સાત સખીઓ બેસે ને એનાં ખોટેખોટાં વખાણ કરે!

એક જણી કહેઃ “કુંવરીબાના હોઠ તો અસલ પરવાળા જેવા જ !”

બીજી બોલેઃ “બાના દાંત તો જાણે અસલ મોતી !”

બધી વાતો સાંભળીને હીરા તો હસ્યા જ કરે.

એકાએક એક સખી બોલીઃ “અરે આ શું ! બાના દાંત સાચોસાચ મોતી જેવા કેમ લાગે છે ?”

વાત ખરી હતી. રાજકુંવરીના રાતા મોઢાની અંદર એકે ય દાંત ન મળે. દાંતને બદલે ગોળ ગોળ મોતીની બે હાર ચળક ચળક થાય છે. સખીઓ સમજી ગઈ કે આ કામ પેલી પરીનું હશે. એને મનમાં ફાળ પડી, પણ રાજકુમારીને મોઢે કોઈ બોલ્યું નહિ. હીરા તો મનમાં બહુ રાજી થઈ. એણે વિચાર્યું કે “ખાવા-પીવામાં લગાર અડચણ તો આવશે, પણ એની કાંઈ ફિકર નહિ, મોતીના દાંત તો નસીબદારને જ મળે.’

એક દિવસ સવારે હીરા પથારીમાંથી ઊઠતી નથી. એની સાત સખીઓ ઉઠાડે છે. પણ હીરા તો પડખું ફેરવીને કહે કે, “ઓહો, હેરાન કરો મા બાપુ, અત્યારમાં ઊઠીને શું કરવું છે ?”

સખીઓ કહેઃ “તમને અત્યાર લાગે છે, પણ જુઓ તો ખરાં, કેટલું ટાણું થઈ ગયું છે ?”

હીરા કહેઃ “કાં, હજી તો અંધારું છે !”

સખીઓને લાગ્યું કે હીરા ઊંઘમાં ને ઊંઘમાં આમ બોલે છે. એટલે એને ઢંઢોળીને કહ્યુંઃ “આમ જુઓ તો, તડકા કેટલા બધા ચડી ગયા છે !”

ત્યાર પછી હીરાના પેટમાં ફાળ પડી. એ તો આંખો ઉઘાડીને જોતી હતી, પણ અજવાળું દેખાતું જ નહોતું. બે હાથે આંખ ચોળી ફરીથી જોયું, તો ય અંધારું ઘોર ! હાય, હાય, એ આંધળી બની ગઈ હતી !

રાજાના મહેલમાં તો પોકાર થઈ ગયો. વૈદ્યને બોલાવવા માણસો દોડ્યાં.

વૈદ્ય આવીને જુએ ત્યાં તો આંખો એવી ને એવી જ. ઊલટી વધુ ચકચક થતી હતી. કેમ જાણે આંખો સળગી ઊઠી હોય ને ! વૈદ્યે આંખો ઉપર ધીરે ધીરે ફૂંક મારી, પણ હીરાની આંખ જેમ હતી તેમ જ રહી બિડાઈ ન ગઈ. પછી વૈદ્યે આંખમાં આંગળી નાખી તો યે આંખો હલીચલી નહિ. પછી અંદર છરી ઘોંચી, પણ આંખ ઉપર છરીનો ડાઘ પણ પડ્યો નહિ. આંખોને બદલે હીરાના બે કટકા બની ગયા છે !

આંખો ગઈ, એટલે પહેલાં તો રાજકુંવરીને બહુ જ વસમું લાગ્યું. પણ સાત સખીઓ કહેવા લાગી કે, “એમાં શું થઈ ગયું ? તમે ભાળશો નહિ તો અમે તમારું બધું કરી દેશું. પણ તમારી આંખો કેવી રૂપાળી બની ગઈ છે ! એની શી વાત કરવી, બા ?” રાજકુંવરી બહુ રાજી થઈ. એને તો રૂપાળા થવું હતું ! બીજી કાંઈ વાત નહિ.

વળી એક દિવસ સવારે ઊઠીને હીરા બોલવા જાય, પણ બોલાયું નહિ. ફરી વાર વૈદ્ય આવ્યા. ખૂબ તપાસીને વૈદ્ય બોલ્યા કે, “કુંવરીબાની જીભ અને હોઠ બધાંય પરવાળાંનાં બની ગયાં છે.”

મૂંગા થવું એ તો ખરેખર બહુ જ વસમું, પણ સાત સખીઓ હીરાને કહેઃ “ઓહો બા ! રાતા રાતા પરવાળાના હોઠની અંદર મોતીના દાણા જેવા દાંત કેવા શોભીતા લાગે છે ! તમારા જેવી સુંદરી હવે તો આખા જગતમાં ન મળે.’

ધીરે ધીરે રેશમ જેવા કાળા એનાવાળ પણ સાચેસાચ રેશમના જ થઈ ગયા, ને એની આંગળીઓ પણ ચંપાની કળીઓ બુની ગઈ. પછી પરીઓએ વિચાર્યું કે ચાલો, ફરી વાર હીરાની પાસે જઈએ. હવે કદાચ એનો મદ ઊતરી ગયો હશે.

સોનાના આસન ઉપર હીરા બેઠી છે. સાત સખીઓ એને વીંટળાઈ વળી છે. એ વખતે પરીએ આવીને હીરાને પૂછ્યુંઃ “હીરા ! હવે તને કાંઈ અક્કલ આવી કે ? તારો ગર્વ ઊતર્યો કે ? બોલ, મને જવાબ દેવો હશે તો તારાથી બોલી શકાશે.”

ક્રોધમાં હીરાનું મોઢું રાતુંચોળ થઈ ગયું. રાડ પાડીને હીરા બોલીઃ “હું કદી યે તારી પાસે હાર કબૂલ કરવાની નથી. મારા મહેલમાંથી હમણાં જ ચાલી જા !”

પરી કહેઃ “ઓહો હજી યે આટલો મદ ? ઠીક, તને બધાં ય કંચનની પૂતળી કહીને બોલાવે છે તો હવે સાચેસાચ તું કંચનની પૂતળી બની જા !”

ત્યાં તો જોતજોતામાં રાજકુંવરીનો રંગ સોના જેવો થઈ ગયો ને આખું શીરર ચળક ચળક થવા માંડ્યું. ધીરે ધીરે એના હાથપગ પણ કઠણ બની ગયા. હીરા સોનાની પૂતળી બની ગઈ.

રાજમહેલમાં, એક સૌથી સુંદર ઓરડાની અંદર એ સોનાની પૂતળી બેસાડી રાખી. એને જોઈને બધાંયને બીક લાગતી. પછી એ દેશમાં માણસો અભિમાન કરતાં જ મટી ગયાં.

૩. મયૂર રાજા

એક હતો રાજા અને એક હતી રાણી. એને બે નાના દીકરા હતા. થોડા વખત પછી એને એક રૂપાળી કુંવરી અવતરી. દેશના મોટા મોટા માણસોને અને બધી પરીઓને બોલાવી રાજારાણીએ કુંવરીનું નામ પાડ્યું મણિયાળા. બધાં જવા લાગ્યાં તે વખતે રાણીએ પરીઓને પૂછ્યું કે, ‘મારી દીકરીનું નસીબ કેવું છે ?’ પરીને આ વાત કહેવાનું મન નહોતું. પણ રાણીએ બહુ જ આજીજી કરી. રાણી કેમે ય જાવા દે નહિ. એટલે પરીઓએ કહ્યું કે, ‘તમારી કુંવરીને લીધે તમારા દીકરાઓને માથે બહુ દુઃખ પડશે. કદાચ એ મરી યે જાય.’ રાણી તો આ વાત સાંભળીને કલ્પાંત કરવા લાગી. પણ એણે કોઈને કાંઈ કહ્યું નહિ.

ત્યારથી રાણી બરાબર ખાય નહિ, પીએ નહિ. છાનીમાની બેસી રહે.

રાજા કહેઃ “રાણીજી, બોલો શું થયું છે તમને ? મોઢું કેમ ઊતરી ગયું છે ?”

રાણી ખોટું ખોટું કહે કે, “તળાવમાં નહાવા ગઈ’તી ત્યાં એક જોડ હીરાની બંગડી પાણીમાં પડી ગઈ.”

રાજાજી કહેઃ “ બસ, આ જ વાત છે ? બોલાવો સોનીને અને ઘડાવો બીજી છ જોડ હીરાની બંગડી.”

છ જોડ હીરાની બંગડી ઘડાવી, તો યે રાણીજી ખાય નહિ, પીએ નહિ, રાતે પાણીએ રોયા કરે.

રાજા કહેઃ “રાણીજી, વળી શું થયું ?”

રાણી કહેઃ “બગીચે ફરવા ગઈ’તી ત્યાં કાંટા ભરાણા ને સોનેરી સાડી ફાટી ગઈ.”

તરત જ રાજાએ હુકમ દીધો કે, “બીજી પચાસ મણિમોતી-જડેલી સાડીઓ કરાવો.” પચાસ સાડીઓ આવી.

તો ય રાણી ખાય નહિ, પીએ નહિઃ ડળક ડળક રોયા કરે. રાજાજી કહેઃ “રાણીજી, ખરેખર તમે કંઈ વાત સંતાડી રાખી છે. સાચું કહો, શું થયું છે ?” રાણીએ પરીઓની વાત કહી બતાવી. સાંભળીને રાજાને ફાળ પડી. એણે કહ્યું કે “કુંવરીને મારી નાખીએ.” રાણી તો છાતીફાટ રોતી રોતી બોલીઃ “ના ના, એ બને નહિ.” પછી બેય જણાંએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવીને તેમાં મણિમાળાને રાખવી. રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું. ત્યાં મોટી મોટી દીવાલોવાળો એક કિલ્લો બંધાવ્યો, ને રાજકુંવરીને એમાં રાખી. રોજ સાંજે રાજા-રાણી બે કુંવરને લઈને કુંવરીને મળી આવે.

એમ કરતાં ઘણાં વરસ વીત્યાં. રાજારાણી મરી ગયાં, એટલે મોટો કુંવર ગાદીએ બેઠો છે. એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું, “બહેન મણિમાળા બિચારી બહુ દુઃખી થાય છે. નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે ? ચાલો આપણે એને અહીં લઈ આવીએ.” એમ કહીને બન્ને જણા બહેનને તેડવા ચાલ્યા.

મણિમાળાનો આનંદ તો ક્યાંય માય નહિ. એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું. પછી ત્રણેય જણાં વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યાં.

રસ્તામાં કેટલાં કેટલાં ફળફૂલનાં ઝાડ ને કેવાં રૂપાળાં પંખી નજરે પડ્યાં ! મણિમાળાએ તો એવાં પંખી કોઈ દિવસ જોયેલાં નહિ. જોઈ જોઈને મણિમાળા હસતી જ જાય ને પૂછતી જાય કે ‘આ શું ?’ ‘આનું નામ શું ?’ પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી છે. એક ઠેકાણે એણે જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે. એનાં સુંદર પીછાં સૂરજનાં તેજમાં ચળક ચળક થયા છે. મણિમાળા તો થંભીને ઊભી રહી. પછી બોલીઃ “ઓહો, કેવું રૂપાળું પ્રાણી ! આ શું કહેવાય ?” ભાઈઓ કહેઃ “એ એક જાતનું પંખી. એનું નામ મયૂર.” તરત જ મણિમાળાએ હઠ લીધી કે “આ મયૂર બહુ સુંદર. હું પરણું તો એ મયૂરોના જ રાજાને. બીજા બધા મારા ભાઈ-બાપ.”

એના ભાઈઓ કહેઃ “અરે બહેન, ગાંડીના જેવી વાતો કાં કરે ? માનવી તે વળી પંખીની સાથે પરણે ખરાં ? મયૂરોને તે વળી રાજા હોય ? અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ ?” મણિમાળા તો એક જ વાત કહે કે, “પરણું તો એ પંખીના રાજાને જ પરણું.”

ભાઈઓએ નક્કી કર્યું કે, ચાલો ત્યારે, મયૂર રાજાને ગોતીએ. બહેનને કહે કે, “બહેન, અમે જાશું મયૂર રાજાને ગોતવા. તું અહીં રહીને રાજપાટ સંભાળજે.” પછી એ દેશના અકે બહુ જ હુશિયાર ચિતારાની પાસે પોતાની બહેનની છબી ચીતરાવ. છબી એવી તો બની કે જાણે મણિમાળા પોતે જ બેઠી હોય ને ! હમણાં જાણે એ આંખનો પલકારો મારશે અને એના હોઠ ફફડશે ! છબી લઈને બન્ને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા.

પણ ક્યાં આવ્યો હશે એ મોરનો દેશ ? કોને ખબર ? બેય જણા કેટલાં કેટલાં દેશ ભટક્યા, કેટલા કેટલા પહાડ વળોટી ગયા, કેટલા વન વીંધ્યાં. પણ ક્યાંય પત્તો મળે નહિ. બેય ભાઈ રસ્તે ચાલતા ચાલતા વિચાર કરે છે કે મયૂરોનો રાજા નહિ મળે, તો તો આપણી બહેન પરણશે નહિ !

એટલામાં તો ભરર ! ભરર ! ભરર ! એવો અવાજ સંભળાયો. જુએ ત્યાં તો આકાશમાં ટીડડાંનાં ટોળેટોળાં ચાલ્યાં. એ કહેઃ “ભાઈઓ, આંહીં શું કામ આવ્યા છો ?”

મોટો ભાઈ કહેઃ “મોર પંખીનો દેશ ક્યાં આવ્યો, ભાઈ ?” ટીડ કહેઃ “ચાલો તમને એ દેશમાં લઈ જઈએ. પણ એ તો બહુ જ આઘે છે. તમારાથી પહોંચાશે ?”

બેય ભાઈઓએ પોતાની બધી વાત કરી, એટલે તીડ ભેગાં થયાં. એક ઝાડની ડાળ ભાંગી ને તેના ઉપર એ બે ભાઈઓને બેસાડ્યા, પછી ડાળ ઉપાડીને બે ભાઈઓને લઈ ટીડ મોર પંખીને દેશ ચાલ્યાં.

નેવું હજાર ગાઉ આઘે એ દેશ. ત્યાં જઈને જુએ તો ઠેકાણે ઠેકાણે મોર ! ધરતી ઉપર મોર, આકાશમાં યે મોર કોઈ મોર રમત કરે છે, કોઈ નાચે છે અને બધા ય એવા ટહુકાર કરે છે કે ત્રણ ગાઉ આઘેથી પણ એ ઓાજ સંભળાય. મોર પંખીના દેશમાં તો આવ્યા, પણ એના રાજા આગળ શી રીતે જવાય ? ટીડ બોલ્યાં કે, ‘ચાલો, તમને રાજા પાસે લઈ જઈએ.’

રાજદરબારમાં જઈને જુએ ત્યાં તો, બરાબર માનવી જેવાં માનવી જ બેઠેલાં. એ માણસોનો પોશાક મોરપીંછાંનો બનાવેલો. દેખાવ બહુ રૂપાળો. બધાયની અંદર વધુમાં વધુ સ્વરૂપવાન રાજા. રાજા સોનેરી મોર ઉપર બેઠેલા. એને માથે મોરપીંછનો મગટ ઝળહળી રહ્યો છે.

નાનો રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યોઃ “અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ.” એમ કહીને પોતાની બહેન મણિમાળાની છબી રાજાની આગળ ધરી. છબી જોઈને મયૂર રાજા એટલા ખુશી થયા કે એ તો બોલવા મંડ્યા કે, “કેવું સુંદર! વાહ ! કેવું સુંદર ! માનવીને શું આટલું બધું રૂપ હોય ?”

મણિમાળાના ભાઈ કહેઃ “આ અમારી પોતાની બહેનની જ છબી. આ મારા મોટા ભાઈ છે. આપની જેમ એ પણ એક દેશના રાજા છે.”

એ સાંભળીને મયૂર રાજાએ બેઉ ભાઈની બહુ જ મહેમાનગતી કરી. પછી તે બોલ્યા કે “પરણું તો આપની બહેનને જ પરણું. બીજી બધી મા-બહેન. પણ યાદ રાખો, જો તમારી બહેનનું રૂપ બરાબર આ છબી જેવું નહિ હોય તો હું તમને મારી નાખીશ.”

ભાઈઓ કહેઃ “ભલે.”

પછી બહેનને તેડવા પોતાના રાજમાં માણસો મોકલ્યા.

ત્રણ દરિયા વળોટીને મયૂર દેશનાં માણસો મણિમાળાને દેશ પહોંચ્યા. મણીમાળાને માટે એક સુંદર નૌકા સાથે લીધેલી. એ નૌકાની ચારે તરફ મોરનાં જ ચિત્રો. એમાં બેસીને મણિમાળા મોર પંખીના દેશ તરફ ચાલી નીકળી. સાથે પોતાની ધોળી બિલાડીને પણ લીધેલી. બીજી એક બુઢ્ઢી દાઈ અને એ બુઢ્ઢીની એક દીકરી પણ સાથે હતી.

નૌકામાં બેસીને મણિમાળા વિચારે છે કે ઓહો ! ક્યારે એ મોર

પંખીના દેશમાં પહોંચું ! બુઢ્ઢી દાઈના મનમાં થાય છે કે, ‘મારી દીકરીને મયૂર રાજાની રાણી કેવી રીતે કરું !’ બુઢ્ઢીના પેટમાં આવી દાનત હતી એની મણિમાળાને શી ખબર ?

એક રાતે મણિમાળા સૂતી છે. એની સફેદ બિલાડી પણ એના પલંગ ઉપર સૂતેલી. એ સમયે બુઢ્ઢી દાઈ અને એની દીકરી બેઉ ઊઠ્યાં. બેઉ જણાએ રાજકુંવરીનો પલંગ ઉપાડ્યો ને નૌકામાંથી દરિયામાં મેલી દીધો. કોઈને ખબર પડી નહિ.

બીજે દિવસે નૌકા મોર પંખીને દેશ પહોંચી. રાજાજીએ પાલખી મોકલી. રસ્તામાં બેઉ બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા માથાં ઊંચાં કરીને જોઈ રહેલા કે ઓ કન્યા આવે ! ઓ આપણા રાજાજીની રાણી આવે ! એટલામાં ઝળક-ઝળક થતો પોશાક પહેરીને બુઢ્ઢીની દીકરી નૌકામાંથી ઊતરી.

બધા મોર તો જોઈ રહ્યા.

એક મોર બોલ્યોઃ ‘શું જોઈને આ ડાકણે આવો રૂપાળો પોશાક પહેર્યો હશે ?’

બીજો મોર બોલ્યોઃ ‘અરેરે ! આપણા રાજાજીની દાસી શું આટલી બધી કદરૂપી હશે ?’

ત્રીજો મોર ચીસ પાડતો આવ્યો કે ‘ભાઈઓ ! એ જ આપણા રાજાજી !’

એ સાંભળીને બધા મોર ‘કેહૂક, કેહૂક’ કરતાં દુઃખની બૂમો પાડવા લાગ્યા.

બુઢ્ઢીની દીકરીને બહુ જ ખીજ ચડી. એ બોલી કે “પીટ્યાઓ ! પહેલાં એક વાર મને રાણી થઈ જવા દો. પછી તમારી વાત છે.”

કન્યાનું રૂપ જોવા મયૂર રાજા પણ આવ્યા. એણે તો કન્યાને જોઈ કે તરત એનું મોઢું રાતુંચોળ થયું. રાજા કહે કે “અરરર ! મારી મશ્કરી ! જાઓ. લઈ જાઓ એ બે ભાઈને બંદીખાનામાં સાત દિવસ પછી ગરદન મારજો !”

રાજકુમારો તો કાંઈ યે ભેદ સમજ્યા નહિ અને અફસોસ કરવા લાગ્યા.

આ તરફ મણિમાળાનું શું થયું ? એનો પલંગ તો તરતો તરતો ચાલ્યો. મણિમાળા અને એની બિલાડી બેઉ હજુ તો ઊંઘતાં હતાં. થોડી વારે બિલાડી જાગી. જુએ તો ચારે બાજુ પાણી ! એ તો મ્યાંઉં મ્યાંઉં કરવા લાગી. પલંગની ચારે બાજુ મોટાં માછલાં વીંટળાઈ વળ્યાં, ત્યાં તો રાજકુંવરી પણ જાગી. જુએ તો ક્યાં નૌકા ? ક્યાં એના માણસો ? ક્યાં પોતે ? પલંગ ઉપર એકલી એ પાણીમાં તણાતી જાય છે ને ચારે તરફ મોટાં માછલાં ! એવાં મોટાં માછલાં કે આખા પલંગને ગળી જાય.

બે દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો. છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો. મછવા ઉપર એક ડોસો બેઠેલો. હાથીદાંતની નકશીવાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને એના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રી જોઈને ડોસાએ એને મછવા ઉપર લઈ લીધી, ખાવાનું આપ્યું. મણિમાળા ખાઈપીને તાજી થઈ. એણે બધી વાત ડોસાને કહી. ડોસો કહેઃ “રડશો નહિ. આ એ જ મોર પંખીનો દેશ છે.”

રાજકુમારી અને બિલાડી મછવામં જ રહ્યાં.

રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલે અને કહે કે ‘રાજાની થાળી ઉપાડી લાવજે.’

બિલાડી રોજ દરબારમાં જાય. ખાવાની થાળી તૈયાર થાય, રાજાજી જમવા પધારે, ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને પલાયન કરી જાય. મછવામાં જઈને ત્રણે જણાં એ ભોજન જમે.

એક દિવસ ! બે દિવસ ! રાજાજીનો થાળ રોજ ગૂમ થવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. એક દિવસ રસોયો સંતાઈ ગયો. બિલાડી થાળી

ઉપાડીને ભાગી, એટલે રસોયો પાછળ પાછળ ચાલ્યો મછવામાં સંતાઈને જુએ

ત્યાં તો બધો ભેદ સમજાયો.

રાજાજીને એણે બધી વાત કરી. રાજાજીએ ત્રણે જણાંને તેડાવ્યાં. આંખો રાતીચોળ કરીને પેલા બુઢ્ઢાને ધમકાવવા જાય ત્યાં તો એની નજર રાજકુમારી ઉપર પડી. રાજા હેબતાઈ ગયો. આ તો પેલી છબીમાં ચીતરેલી રાજકુમારી ! અરે ! છબીનાં કરતાં પણ કેટલું બધું રૂપાળું એનું મોઢું ! ટગર ! ટગર ! રાજા જોઈ રહ્યો. રાજકુમારી હસતી હસતી અબોલ ઊભી રહી.

રાજા કહેઃ “બોલો કુમારી ! ક્યો તમાોર દેશ ? શી રીતે આંહીં આવ્યાં ?”

મણિમાળાએ બધી વાત કહી. રાજાએ બંદીખાનામાંથી રાજકુમારોને તેડાવ્યા. આજ બરાબર સાતમો દિવસ છે. રાજકુમારોએ જાણ્યું કે હાય ! હાય ! મરવાનું ટાણું થઈ ગયું, ત્યાં તો માણસોએ આવીને સલામ કરી. ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા. જઈએ જુએ ત્યાં તો બહેનને દેખી ! ત્રણેય ભાંડું ખૂબ રડ્યાં પછી હસ્યાં.

મયૂર રાજા પણ ત્રણેય જણાંને પગે પડ્યો.

પછી તો ધામધૂમ સાથે મયૂર રાજા મણિમાળા સાથે પરણ્યા. અને પેલી બુઢ્ઢીની કદરૂપી છોડી ક્યાં ? એ તો ક્યાંયે પલાયન કરી ગઈ.

૪. અજબ ચોર

એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહિ.

એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો.

ચોર કહેઃ “શેઠજી, પૂરું પાણી તો પી લ્યો !”

વાણિયો કહેઃ “બસ ભાઈ, મારે વધારે નથી પીવું.”

ચોર કહેઃ “શેઠ, તમે ભડકો મા. હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.”

વાણિયે પાણી પીધું. ચોર કહેઃ “શેઠ ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.”

વાણિયાના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એ બોલ્યોઃ “ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહિ. લાકડીને ટેકેટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ?”

ચોરે કાલડી ઝૂંટવી લીધી, અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્ન નીકળ્યાં.

દાંત કાઢડીને ચોર કહે કે, “શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો યે તમે મારી પાસે ખોટું બોલ્યા ! લ્યો તમારાં રત્ન. મારે એ ખપે નહિ. તમે ક્યે ગામ જાઓ છો?”

શેઠ કહેઃ “ઉજેણી નગરી.”

ચોર કહેઃ “ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજ રાતે હું ચોરી કરવા આવીશ, માટે હુશિયાર રહે.”

વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા.

રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો ! આવો બહાદુર ચોર કોણ હશે? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે !

રાજાએ હુકમ કર્યો કે “આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાઈને રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય.”

રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામમાં માણસો પણ સૂઈ ગયાં. નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા.

રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે આંહીંથી ચોર ઊતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે. એટલે તે પાછો ઊતરવા મંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી.

ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે. એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે, “ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારાં ઠેકાણાં બતાવું.”

બન્ને જણા ચાલ્યા. ચાલતાં ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય, ત્યાં શેઠ ‘શેઠાણી ભર ઊંઘમાં સૂતેલાં. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યાં કે, “કોણ એ, ભાઈ !”

આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે “ચાલો બીજે ઘેર. આંહીં ખાતર નથી પાડવું.”

રાજા કહે, “કાં ?”

ચોર બોલ્યોઃ “શેઠાણીએ મને ‘ભાઈ’ કહ્યો. બહેનને તો કાંઈક દેવાય.” એમ કહીને પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો.

પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા.

ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલાં. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો.

રાજા કહેઃ “કેમ થયું ?”

ચોર બોલ્યોઃ “ભાઈ ! આ ઘરનું લૂણ (મીઠું) મારા પેટમાં પડ્યું. મારાથી લૂણહરામ થવાય નહિ, ચાલો, બીજે ઘેર !”

રાજાને થયું કે ‘આ તે ચોર કે સંત !’

ત્રીજે ઘેર ગયા; રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે, “ભાઈ ! શુકન તો સારાં થયાં. જાર હાથમાં આવી. પણ જે ઘરમાં શુકન થયાં તે ઘરને કાંઈ લૂંટાય ? એ શુકન તો હવે ફળવાનાં. ચાલો, બીજે ઘેર.”

રાજા કહેઃ “ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ.”

બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા; ત્યાં એક પણ ચોકીદાર ન જોયો.

ચોર પૂછે છેઃ “ભાઈ ! આ તે શું ? ગામમાં કોઈ ચોકીદાર જ નહિ ! દરબારગઢમાં યે કોઈ માણસ નહિ. રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને !”

રાજા કહેઃ “અરે ભાઈ ! એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. આંહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતા.”

મહેલમાં રાણીજી હીંડોળાખાટ ઉપર સૂતેલાં. રાજા ચોરને કહે કે “આ ખાટના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ. એટલે છોકરાંનાં છોકરાં બેઠાં બેઠાં ખાય.”

પણ ખાટ શી રીતે કાઢવી ! રાણીજી જાગી જશે તો !

પછી ચોર એ ખાટ હેઠળ ઉપરાઉપરી ગાદલાં ખડકવા મંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાંખી. એટલે રાણીજીનું શરીર, નીચે ગાદલાં હતાં તેના ઉપર રહી ગયું.

પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. એને વીંખીને ચાર પાયા જુદા કાઢ્યા, અને ચારેય પાયા લઈને બન્ને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા.

પેલો ચોર કહેઃ “લે ભાઈ ! આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ.”

રાજા કહેઃ “હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે.”

ચોર કહેઃ “ના, તેં જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે.”

ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી.

તરત ચોરે રાજાને કહ્યુંઃ “ઓળખ્યા તમને. શાબાશ છે, રાજા ! માથે રહીને ચોરી કરાવી કે ?”

રાજા હસી પડ્યા અને પૂછ્યુંઃ “તેં શી રીતે જાણ્યું કે હું રાજા છું ?”

ચોરે કહ્યુંઃ “રાજાજી ! હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો આંહીં જ ઊભો છે !”

રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું. એની નીતિનાં વખાણ કર્યાં. એને રાજમાં નોકરી દીધી.

૫. ચંદ્ર અને બુનો

ચીન દેશમાં એક રાજા રાજ કરે. તેને હતો એક પ્રધાન. આ પ્રધાન બહુ સેતાન. રાજાના રાજમાંથી ખૂબ ખાઈ જાય. રાજા ભોળો, એટલે પ્રધાનનું કપટ સમજે નહિ.

રાજાએ એક બીજા દેશના રાજની કુંવરી સાથે લગ્ન કર્યાં. નવી રાણી જેવી સ્વરૂપવાન તેવી જ ચતુર. રાજાજીના રાજના કામકાજમાં પણ એનું ધ્યાન પડે. રાજની બધી યે વાત સમજે. એને પરણીને રાજા બહુ સુખમાં દિવસો ગુજારતા, પણ પ્રધાનની લુચ્ચાઈ હવે ચાલતી નહોતી કેમકે રાણીની આંખમાં ધૂળ નાખીને કાંઈ થઈ શકે તેવું નહોતું.

પ્રધાન તો ખટપટ આદરી. રાજાજીના કાન ભંભેર્યા કે રાણી તમને મારી નાખીને પોતાના ભાઈને રાજગાદીએ બેસાડશે. ખોટા સાક્ષી ઊભા કર્યા. બનાવટી કાગળિયા બનાવ્યા અને ઝેરના લાડવા પણ તૈયાર કરાવ્યા.

ભોળો રાજા ભરમાઈ ગયો અને હુકમ કર્યો કે રાણીને વનમાં મૂકી આવો.

રાણી તો ચોધાર આંસુ પાડતી વનમાં ચાલી સાથે નાનાં બાળક અને નિમકહલાલ નોકર.

ઘોર જંગલ ! રાત પણ પડી ગઈ.

નોકર કહે કે “માજી ! તમે આંહીં બેસો તો હું વનમાંથી થોડાં લાકડાં વીણી આવું. રાતે ટાઢ વાશે. વળી જંગલી જનાવર પણ આવે. લાકડાંનું બળતું કરશું તો જ રાત નીકળશે.” એમ કહીને નોકર ગયો વનમાં લાકડાં વીણવા.

રાજાની રાણીઃ ફૂલ જેવા તો એના પગઃ મહેલ બહાર કોઈ દિવસ પગ નથી મૂક્યો. ટાઢ-તડકો દેખેલ નથી. આજ આખો દિવસ ચાલી ચાલીને એ થાકી ગયેલી, એટલે ઊંઘ આવી ગઈ. પડખામાં બે બાળકો પણ ધાવતાં ધાવતાં સૂઈ ગયાં.

થોડી વારે રાણી જાગી અને જુએ ત્યાં તો એણે ચીસ પાડી. એણે શું જોયું ? એક રીંછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી જાય છે. ચીસો પાડતી પાડતી રાણી એ રીંછની પાછળ દોડી. દોડતાં દોડતાં કેટલે ય આઘે નીકળી ગઈ.

આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીક હતો. ત્યાંથી એનો ભાઈ વનમાં શિકારે નીકળેલો. એ રાજા ત્યાં આવી પહોંચ્યો. ઝાડની નીચે જુએ ત્યાં તો એક સુંદર બાળક સૂતેલું. રાજાને થયું કે ઓહો ! આ તો કોઈ દેવાંગનાનો દીકરો લાગે છે. એમ કહીને એ છોકરાને પોતાના દેશ લઈ ગયો.

હવે રાણી તો ખૂબ ભટકી, પણ રીંછ હાથ ન આવ્યું. ત્યાં તો એને સાંભર્યું કે અરેરે ! મારું બીજું બાળક એ ઝાડ નીચે પડી રહ્યું છે. વળી ત્યાંથી એ પાછી દોડી, અને આવી એ ઝાડ નીચે ત્યાં તો બીજું બાળક પણ ન મળે. હાય હાય ! મારા બેય છોકરાને ઉપાડી ગયા ! એમ કહીને તે ખૂબ રોઈ. એવી જુવાન સુકોમળ રાણીને છાતીફાટ રોતી સાંભળીને જંગલનાં ઝાડવાં પણ જાણે એની દયા ખાતાં હતાં. પવન પણ થંભી ગયો અને આકાશમાં પૂનમનો ચંદ્રમા એકીટશે એની સામે જોઈ રહ્યો હતો.

નોકર પણ આવી પહોંચ્યો. એણે કહ્યુંઃ “માજી, તમારા ભાઈનો દેશ આંહીંથી આઘે નથી. ચાલો, ત્યાં જશું ?” રાણીએ કહ્યુંઃ “ભલે.” પણ તેના દુઃખનો પાર ન હતો. થોડીવારમાં તો એક લોઢાના દાંતવાળો ને લોઢાના હાથપગવાળો રાક્ષસ આવ્યો. એ નોકરને ગદાથી મારીને રાણીને ઉપાડી ગયો.

હવે આ તરફ રીંછ એ છોકરાને પોતાની બખોલમાં લઈ ગયું. ત્યાં એનાં બચ્ચાંની પાસે એ બાળકને મૂક્યું. બચ્ચાં ભૂખ્યાં હતાં, પણ કોણ જાણે શું થયું કે બચ્ચાં એ બાળકને ખાય નહિ. ઊલટાં એને શરીરે ને મોંએ ચાટવા મંડ્યા. એ બાળકને પણ બહુ જ આનંદ થતો હતો એટલે તે હસવા લાગ્યો. હાથ લાંબા કરીને રીંછનાં બચ્ચાંની ડોકે વળગવા લાગ્યો. રીંછણને પણ બહુ જ હેત ઊપજ્યું. પછી પોતાનાં બચ્ચાંની સાથે સાથે એ છોકરાને પણ રીંછણ ધવરાવવા લાગી. એ છોકરો મોટો થવા મંડ્યો.

ઓહો ! શું એ છોકરાનું જોર ! જંગલના કોઈ જનાવરને જુએ કે તે દોડીને એનો જીવ લ્યે. મોટાં મોટાં રીંછ સાથે કુસ્તી કરે, આખા જંગલના જનાવર એની પાસે ગરીબ ગાય જેવાં. એક તો રાજાનો છોકરો, તેમાં વળી રીંછનું ધાવણ ધાવ્યો. દિવસ જતા ગયા તેમ તેમ એનો ત્રાસ વધતો ગયો. જંગલમાં કોઈ માણસ પગ મેલી ન શકે. એના લાંબા લાંબા વાળઃ મોટી દાઢીઃ હાથપગના નહોર વધેલાઃ અને નાગોપૂગો ! આખા વનને ધ્રુજાવે. લોકોએ એનું નામ પાડ્યું બુનો.

બીજી તરફ એવું બન્યું કે બીજા છોકરાને રાજા ઉપાડી ગયો ને એનું નામ પાડ્યું ચંદ્રઃ કેમકે તે દિવસ પૂનમની રાત હતી. ચંદ્રને રાજા પોતાના દીકરાની જેમ રાખે.

ચંદ્ર દિવસે ન વધે એવો રાતે વધે, અને રાતે ન વધે એવો દિવસે વધે. એનું રૂપ તો ક્યાંય માય નહિ. રાજાએ એને ભણાવ્યો. મહારથીનાં પણ માન મુકાવે એવો ચંદ્રકુમાર થયો.

દેશમાં પોકાર થયો કે જંગલમાં કોઈ માનવીના રૂપવાળું રીંછ રંજાડ કરી રહ્યું છે, મોટા રસ્તા બંધ થયા છે, ગામડાં ઉજ્જડ થયાં છે ને માણસો ખોવાયાં છે.

રાજાજી સભા ભરીને કહે કે “રીંછને મારવા કોણ જાય છે ?” સભામાં બધાયનાં મોઢાં ઊતરી ગયાં. કોઈ બીડુંય ઝડપે નહિ. ત્યાર પછી ચંદ્રકુમાર કહે કે “એ તો મારું કામ.”

જંગલમાં ચંદ્રકુમાર એકલો ચાલ્યો. ઢાલ-તલવાર બાંધેલી. એટલામાં તો ‘હૂહૂ’ કરતો બુનો આવી પહોચ્યો. કોણ જાણે કેમ ચંદ્રકુમારના મનમાં હેત ઊપજ્યું. એને થયું કે અહા ! આ પ્રાણીને મારી નખાય નહિ, એને પકડીને રાજમાં લઈ જઈશ.

બુનાએ તરાપ મારી, ઘડી એક પલમાં તો ચંદ્રકુમારના પ્રાણ જાત, પણ એ બહાદુર કુમારે તરત જ પોતાની ચકચકતી ઢાલ આડી ધરી. એકદમ બુનો પાછો હઠ્યો. એ ચકચકતી ઢાલમાં એણે પોતાનું રૂપ જોયું. એને થયું કે ‘ઓહો ! શું હું માણસ જેવો છું ?’ એકદમ એનું ઝનૂન ઓછું થઈ ગયું. ચંદ્રકુમાર ફાવ્યો. એણે બુનાને તરવાર ભોંકી. થાકીને બુનો પડી ગયો. ચંદ્રકુમાર કહે કે “ચાલ, મારી સાથે.” બુનોના મનમાં માનવીના જેવી મમતા વછૂટી. એ ચંદ્રકુમાર સાથે પાળેલા પ્રાણીની પેઠે ચાલયો ગયો.

રાજમાં આવ્યા, ત્યાં તો લોકોની દોડાદોડ. મા છોકરું મૂકીને ભાગે. ધણી બાયડી મૂકીને પલાયન કરે. વેપારી દુકાન છોડી દોટ કાઢે. ચંદ્રકુમાર બુનોને લઈને જ્યાં રાજદરબારમાં જાય, ત્યાં તો બૂમાબૂમ થઈ રહી. ચંદ્રકુમારે કહ્યુંઃ “બીશો નહિ, બુનો આપણો દોસ્ત બન્યો છે.” પછી તો નાનાં નાનાં છોકરાં પણ બુનોની પાસે આવે ને એને પંપાળે. બુનો એનાં મોઢાં ચાટે. કોઈ નઠોર છોકરું વળી એને લાકડી પણ મારી જાય. પણ બુનો તો બોલે નહિ, ચાલે નહિ ને બેઠો બેઠો હસ્યા કરે.

આમ દિવસો સુખમાં કાઢે છે, ત્યાં વળી માણસોનાં ટોળાં ને ટોળાં પોકાર કરતાં આવ્યાં કે “એક લોઢો રાક્ષસ આવીને માણસોને મારી જાય છે. કોઈ રક્ષા કરો ! રક્ષા કરો!”

લોઢા રાક્ષસને કોણ મારવા જાય ? સૌ કહે કે ‘મોકલો આ બુનોનેઃ બેઠો બેઠો ખાધા જ કરે છે. અને આ રાજકુમારને પણ મોકલો એને આવડો મોટો પગાર છે ને વળી પોતાના પરાક્રમનું એને બહુ જ ગુમાન છે. હવે જોઈ લેશું કે એનામાં કેટલું પાણી છે.’

બુનો ને ચંદ્રકુમાર તૈયાર થયા. મંડ્યા ચાલવા. કેટલાં કેટલાં વન વીંધ્યાં, કેટલા ડુંગરા ચડ્યા, કેટલી યે મોટી મોટી નદીઓ તર્યા. પછી આવ્યો એક લોઢાનો પહાડ. આખો પહાડ લોઢાનો. ઝાડનું એક તરણું યે નહિ. સૂરજના તાપમાં તપી તપીને પહાડ રાતોચોળ થયેલો. એ પહાડની અંદર લોહપુરી નામે નગરી. નગરીને દરવાજે રાક્ષસોની ચોકી અને મોટા મોટા ઘંટ બાંધેલા. આ બે ભાઈઓ પહોંચ્યા, ત્યાં તો ઘંટ ‘ટણણ ટણણ’ વગડવા લાગ્યા. ઘડી વારમાં તો લોઢો રાક્ષસ આવી પહોંચ્યો. આ બે જણાને જોઈને તે ખૂબ હસ્યોઃ “હા ! હા

! તમે મને મારવા આવ્યા છો ! ઠીક, આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે છે એને જરા ઉપાડો તો ! કેટલુંક જોર છે તમારામાં ?”

ચંદ્રકુમાર ઢાલને ઉપાડવા ઊઠ્યો, પણ ઢાલ જરાયે ચસ્કે જ શેની ! ભોંઠા પડીને ભાઈસાહેબ પાછા વળ્યા. રાક્ષસે કહ્યુંઃ “આવો બેટાજી તમે.”

બુનોએ આખા ઝાડને ઝાલીને હલાવ્યું. કડકડ કરતું ઝાડ નીચે પડ્યું. ઢાલ નીચે પડી. આખો લોઢાનો પહાડ ધ્રૂજી ઊઠ્યો. રાક્ષસના શરીરમાંથી જોર ચાલ્યું ગયું રાક્ષસ મરવા જેવો થયો. મરતાં મરતાં બોલ્યો કે, “મારું મોત આ ઢાલમાં હતું. આ ઢાલને ઉપાડનાર કોઈ જેવો તેવો ન હોય. મને વરદાન હતું કે જંગલના જાનવરને ધાવીને જે માણસ ઊછર્યો હશે તેને હાથે જ હું મરીશ.”

રાક્ષસ મરી ગયો. ચંદ્રકુમાર અને બુનો એ નગરીમાં ગયા. ત્યાં તો મોટાં મોટાં બંદીખાનામાં અપરંપાર માણસોને પૂરેલાં જોયાં. બધાને ચંદ્રકુમારે છોડ્યાં. એક ઠેકાણે એક સુંદર બાઈ બેઠી બેઠી રડતી હતી. એના હાથપગમાં બેડીઓ બાંધેલી. કુમારે બેડીઓ છોડીને પૂછ્યું કે “માડી, તમે કોણ છો ?”

બાઈએ કહ્યું કે “હું ચીન દેશના રાજાની રાણી છું, મારા પતિએ મને વનવાસ દીધો, મારાં છોકરાં જંગલમાં ખોવાણાં, આજ વીસ વરસ થયાં હું આંહીં પડી પડી રડું છું. આંહીં એક વામનજી પણ છે. તેને તમે છોડાવો.”

આઘે એક પથ્થરની મોટી મૂર્તિ ઊભી હતી. ત્યાં એક વામનજી બેઠેલા. એણે કહ્યું કે “તમે મને છોડાવો છો, તેથી હું પણ તમને એનો બદલો દઈશ.” એમ કહીને એણે પથ્થરની મૂર્તિને ટકોરા માર્યા ને પૂછ્યુંઃ “હે મૂર્તિ ! કહે, આ કોણ છે ?”

મૂર્તિને વાચા થઈ, એણે ચંદ્રકુમારને કહ્યુંઃ “તને ખબર છે તારાં માબાપ કોણ ?”

ચન્દ્રકુમાર કહેઃ “ના, ઓ દેવી ! મને બધાં ય નમાયો કહે છે.”

મૂર્તિ કહેઃ “આ સામે ઊભી એ તારી મા, તારો ભાઈ બતાવું ? આ સામે ઊભેલો બુનો તારો ભાઈ.”

પેલી બાઈ કહેઃ “ઓ દેવી મૂર્તિ ! મને બધો ભેદ સમજાવો.”

પછી મૂર્તિએ બધી વાત કહી.

મા અને બે દીકરા ખૂબ ભેટ્યાં. ત્રણે જણાં રાજમાં ગયાં. ત્યાં ખબર મળી કે આ તો આપણા મામાનું રાજ. મામા પણ બેઉ ભાણેજોને ખૂબ ભેટ્યા, બેય કુમારોને લઈને રાણી ચીનમાં ગયાં.

ચીનના રાજાએ પણ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી પ્રધાનને દેશનિકાલ કર્યો હતો. તેણે તો પોતાની રાણીને મરી ગયેલી જ માનેલી. ‘રાણી ! ઓ રાણી!’ એવા પોકારો કરીને એ ઝૂરતો હતો ત્યાં એને રાણી આવ્યાના સમાચાર મળ્યા. જઈને રાણીના પગમાં પડી ગયો. કુંવરોને રાજ સોંપીને પોતે ઈશ્વરનું ભજન કરવા મંડ્યો.

સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો

અંજવાળી તોય રાત : જેમ રાત્રિ ચંદ્રના પ્રકાશવાળી હોય છતાં પણદિવસ જેટલી ભયમુક્ત નથી, તેમ સ્ત્રી ચાહે તેવી શૂરવીર હોય છતાં તે સ્ત્રી જછે - એનાં સ્ત્રીપણાંને સહજ નિર્બળતા કે જોખમ તો છે જ.

આજની ઘડીને કાલ્યનો દી : સદાને માટે એ સમય તો ગયો તે ગયો.

આંસુડાંના શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય : શ્રાવણ - ભાદરવાનોવરસાદ વરસતો હોય, તેવી અવિરત અશ્રુધારા બેય આંખમાંથી વરસે.

ઊગ્યો એને આથમતાં વાર લાગશે : યૌવનનો હજુ આરંભ જ થયોછે. કટોકટીના એ કાળને વીતતાં વાર લાગશે. વાસનાઓ સંતાપશે.

કુંભાર દોરી ચડાવીને ચાકડેથી માટલું ઉતારી લે એમ માથું વાઢી લીધું : માથું કાપવામાં શૂરવીરોને જે સહેલાઈ પડે છે, તેનો સચોટ ખ્યાલ આઉપમાંથી મળે છે.

કૂડનાં ધૂડ : દગો કરનારનાં યત્નો ધૂળ જ મળે.

કેડિયાની કસો તૂટવા મંડે : મનુષ્યને અતિહર્ષ થતાં છાતી ફુલાય, અનેતેથી અંગરખો ખેંચાતાં કસો તૂટે : અતિ આનંદની ઊર્મિ.

કોઈકોઈનાં કપાળમાંથી બે આંકડા ભૂંસી ન શકે : તકદીરમાં નિર્માયુંહોય તેમાંથી લગાર પણ લોપાતું નથી સહુ પોતપોતાના તકદીર ભોગવે છે.

ગોળની કાંકરી ખાવી : વેવિશાળ કરવું. (વેવિશાળ કરતી વખતે ગોળ ખાવાનો નિયમ છે.)

ઘેંસનાં હાંડલાં કોણ ફોડે ? : ઘેંસ હલકું અનાજ ગણાય છે, માટે ભાવએ છે કે યુદ્ધમાં સામાન્ય સૈનિકને શીદ મારવો ? મારવો તો સરદારને મારવો.

(વિધાતા) ચપટી મીઠું નાખતાં ભૂલી ગઈ : વિધિએ (એ માણસને)જરા પણ અક્કલ-હોંશિયારી ન બક્ષ્યાં.

(પનિયારી) ચિત્રામણમાં લખાઈ ગઈ : આશ્ચર્યમાં એટલી બધી સ્તબ્ધબની ગઈ કે જીવતી સ્ત્રીઓ હોવાને બદલે જાણે ચિત્રની પૂતળીઓ હોય તેવુંલાગે છે. અત્યંત આશ્ચર્યચકિતતા સૂચવનાર રૂપક.

ચોળિયું પારેવું ત્રણ વિસામા ખાય : કોઈ ઈમારતની અતિ ઊંચાઈ કોઈકૂવાનું અતિ ઊંડાણ બતાવવાનો આ વાક્યપ્રયોગ છે. એની ટોચ કે તળિયે એકજ ઝપટે કબૂતર ન પહોંચી શકે પણ પહોંચતાં પહોંચતાં એને ત્રણ વાર વિશ્રામલેવો પડે.

જીભ વાઘરીવાડે જાય : દિલ ક્ષુદ્ર (વાઘરીઓના જેવું) બની જાય.

ઢોલ ઢમકે પાણી : મારવાડ દેશઃ મારવાડના કૂવાઓ અત્યંત ઊંડાહોવાથી કોસ ચલાવનાર આદમીને એટલે બધે દૂર બળદ હાંકી જવું પડે છે કે એક માણસ કૂવે ઊભો રહીને, જ્યારે કોસ નીકળે ત્યારે ઢોલ વગાડે તો જ કોસહાંકનારને પાછા વળવાની ખબર પડે.

થાળીનો ઘા કર્યો હોય તો ધરતી માથે ન પડે : લોકોની અતિશયગીરદી સૂચવનારા શબ્દો - એટલી બધી ભીડાભીડ કે થાળીનેય નીચે પડવાની જગ્યા નહિ.

બાર બાર મૂઠ્ય કેફના તોરા ચડ્યા : અફીણ ખાવાથી સારી પેઠે મસ્તી ચડી ગઈ.

રૂંઝ્‌યું કુંઝ્‌યું વળે છે : સૂર્યાસ્તનાં અજવાળાં સંકેલાતાં જાય છે.

વિધાતાનાં લેખમાં મેખ મારી : વિધિનાં નિર્માણ મિથ્યા કર્યાં.

સગો હાથ ન દેખાય એવી અંધારી રાત : માણસ પોતાના હાથને પણન જોઈ શકે, એ અંધકારની અતિશય ગાઢતા બતાવે છે.

સમી સાંજે સોપો પડી ગયો : કેમ જાણે મોડી રાત થઈ હોય નેમાણસો સૂઈ ગયાં હોય તેવો સૂનકાર વ્યાપી ગયો.

સવામણની તળાઈમાં સૂઈ રહેવું : નિશ્ચિંત રહેવું.

સંજવારીમાં સાચં મોતી વળાય : સમૃદ્ધિ બતાવે છે.

(બાવાનો જીવ) સાતમી ભોમકાને માથે : સમાધિ ચડાવી (બાવાએ)ધ્યાન ધર્યું.

સાંસો ખાલ્ય મેલે એવી ઝાડી : ઝાડી એવી ગીચ કે સસલું પણ અંદરપેસવા જાય તો એની ચામડી ઊતરડાઈને જુદી પડી જાય.

સોનાનાં નળિયાં થવાં : પ્રભાતના તડકા ચડી જવા. (તડકામાં નળિયાંસોનેરી દેખાય છે.)