Ksumbino Rang books and stories free download online pdf in Gujarati

Ksumbino Rang

કસુંબીનો રંગ

(ચૂંટેલા સ્વરચિત ગીતો અને સંપાદિત લોકગીતો-ભજનો)

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

સ્વરચિત ગીતો

•અમે ખતેરથી, વાડીઓથી

•આગે કદમ! આગે કદમ! આગે કદમ!

•આભમાં ઉગેલ ચાંદલો (શિવાજીનું હાલરડું)

•આવજો આવજો, વા’લી બા!

•આષાઢી સાંજના અંબર ગાજે

•ઓતરાદા વાયરા, ઉઠો ઉઠો

•કોઈ દી સાંભરે નૈ (માની યાદ)

•ગરજ હોય તો આવ ગોતવા

•ગાજે ગગને મેહુલિયા રે

•ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ

•ઘણ રે બોલે ને એરણ સાંભળે

•છેલ્લો કટોરો ઝેરનો આ : પી, જજો, બાપુ!

•૧૩. તારે આવડી લાલપ ક્યાંથી રે

•તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં(ઝંડાવંદન)

•તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે (એકલો)

•દરિયાના બેટમાં રે’તી (હું દરિયાની માછલી)

•દરિયો ડોલે રે માઝમ રાતનો

•દીવડો ઝાંખો બળે

•ધરતીને પટે પગલે પગલે (કવિ, તને કેમ ગમે?

•ધીરા વાજો રે મીઠા વાજો

•ર૧. નાના થૈન, નાના થૈન, નાના થૈને રે

•બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે

•ભેટ્યે ઝૂલે છે તલવાર

•મારે ઘેર આવજે, બેની!

•મોર બની થનગનાટ કરે

•રક્ત ટપકતી સો સો ઝોળી (કોઈનો લાડકવાયો)

•લાગ્યો કસુંબીનો રંગ

•લીલા છે મોર, કાળી વાદળી રે

•વીરા મારા! પંચ રે સિંધુને સમશાન

•સાવજ ગરજે! (ચારણ કન્યા)

•સૂના સમદરની પાળે

•સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે

•હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

•હળવાં હળવાં લોચન ખોલો

•હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં

•સંપાદિત લોકગીતો

•અડવડ દડવડ નગારાં વાગે

•આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો

•આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

•આવી રૂડી અંજવાળી રાત

•ઉભી ઉભી ઉગમણે દરબાર

•એક વણજારી ઝીલણ ઝીલતી’તી

•કાન, તારી મોરલીએ જી રે, મારાં મન હેર્યાં

•કાંગ ખેતર ગ્યાં’તાં રે, ગોરી, કાંગ લ્યો!

•કુંજલડી રે સંદેશો અમારો

•કૂવા કાંઠે ઠીકરી (મોરબીની વાણિયાણ)

•ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ

•ચાંદો ઉગ્યો ચોકમાં

•છલકાતું આવે બેડલું

•જોડે રહેજો, રાજ

•જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

•ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!

•તમે મારાં દેવનાં દીધેલ છો

•દાદા તે દીકરી વઢિયારે નો દેજો જો

•ના છડિયાં હથિયાર

•બાર બાર વરસે નવાણ ગળાવિયાં

•મને કેર કાંટો વાગ્યો

•માડી! બાર બાર વરસે આવિયો

•મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ

•મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો

•મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં

•મેંદી તે વાવી માળવે

•મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ

•રાધાજીનાં ઉંચાં મંદિર નીચા મો’લ

•લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો!

•લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું

•વનમાં બોલે ઝીણા મોર

•વા વાયા ને વાદળ ઉમટ્યાં

•વેલ્યું છૂટિયું રે, વીરા, વાડીના વડ

•શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો!

•શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને!

•સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ

•સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ

•સોનલા વાટકડી ને રસપલા કાંગસડી

•સોના ઈંઢોણી રૂપા બેડલું રે

•સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા

•હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ!

•હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે

•અઘોર નગારાં તારાં વાગે

•સંપાદિત ભજનો

•અજરા કાંઈ જર્યા નહીં જાય

•અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે

•એ જી, તમે મારી સેવાના શાલીગરામ!

•એ જી, મનષા માયલી જી રે

•કલેજા કટારી રે

•કાયાના ઘડનારાને ઓળખો રે

•કે’જો સંદેશો ઓધા કાનને રે

•ગુરુ! તારો પાર ન આયો

•છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં

•જી રે લાખા! મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી

•જેને દીઠે નેણલાં ઠરે

•જેસલ, કરી લે વિચાર

•નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્યારી ન્યારી

•પાપ તારાં પરકાશ, જાડેજા!

•બાણ તો લાગ્યાં જેને

•બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે

•૯પ. ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

•૯૬. ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા ગોપીચંદણ

•૯૭. મન માંયલાની ખબરું લાવે રે

•મારે પૂરવની છે પ્રીત્યું રે

•મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે

•મેં તો સધ રે જાણીને તમને સેવિયા

•મૈયા મારો મનવો હુવો રે વિરાગી

•મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે

•રોઈ રોઈ કેને સંભળાવું રે

•લાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે

•વચન વિવેકી જે નરનારી, પાનબાઈ

•વનમાં તે મેલી મુંને એકલી રે, વણઝારા!

•વાગે ભડાકા ભારી ભજનના

•વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ!

•વેરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે

•શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!

•સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે

જીવન ઝાંખી

સ્વરચિત ગીતો

કાળ-સૈન્ય આવ્યાં

અમે ખેતરથી, વાડીઓથી

જંગલને ઝાડીઓથી

સાગરથી, ગિરિવરથી,

સુણી સાદ આવ્યાં.

અમે કંટકનો પુનિત તાજ

પહેરી શિર પરે આજ,

પીડિત દલિતોનું રાજ

રચવાને આવ્યાં.

અમે જુગજુગ કેરાં કંગાલ

ભાંગી નરકોનાં દ્વાર

દેતાં ડગ એક તાલ

ધરણી પર આવ્યાં.

અમે નૂતન શક્તિન ભાન

નૂતન શ્રદ્ધાનું ગાન

ગાતાં ખુલ્લી જબાન

નવલા સૂર લાવ્યાં.

દેખ દેખ, ઓ રે અંધ!

કાળ-સૈન્ય આવ્યાં.

૧૯૩૪

આગે કદમ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

આગે કદમ : પાછા જવા રસ્તો નથી;

રોકાઓ ના - ધક્કા પડે છે પીઠથી;

રોતાં નહિ - ગાતાં ગુલાબી તોરથીઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

બેસી જનારા! કોણ દેશે બેસવા!

આ હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;

આશા ત્યજો આરામ-સેજે લેટવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમઃ દરિયાવની છાતી પરે.

નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;

પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરેઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે;

પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે;

રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે?

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આવે ન આવે સાથીઓ સાથે છતાં,

ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,

વૈરીજનોનાં વૈરનેયે ભેટતાંઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

ક્યાં ઉભશો! નીચે તપે છે પથ્થરોઃ

બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;

અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આ તો બધા છેલ્લા પછાડા પાપના;

હોશે ખતમ - જો, ભાઈ, ઝાઝી વાર ના!

પૂરી થશે તારીય જીવનયાતનાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

જવાલામુખીના શૃંગ ઉપર જીવવા

તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં!

માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

૧૯૩૧. ‘લાવા’ શબ્દ અંગ્રેજી છે : જ્વાળામુખીમાંથી ઝરતો

અગ્નિરસ

આગે કદમ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

આગે કદમ : પાછા જવા રસ્તો નથી;

રોકાઓ ના - ધક્કા પડે છે પીઠથી;

રોતાં નહિ - ગાતાં ગુલાબી તોરથીઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

બેસી જનારા! કોણ દેશે બેસવા!

આ હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;

આશા ત્યજો આરામ-સેજે લેટવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમઃ દરિયાવની છાતી પરે.

નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;

પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરેઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે;

પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે;

રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે?

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આવે ન આવે સાથીઓ સાથે છતાં,

ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,

વૈરીજનોનાં વૈરનેયે ભેટતાંઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

ક્યાં ઉભશો! નીચે તપે છે પથ્થરોઃ

બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;

અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આ તો બધા છેલ્લા પછાડા પાપના;

હોશે ખતમ - જો, ભાઈ, ઝાઝી વાર ના!

પૂરી થશે તારીય જીવનયાતનાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

જવાલામુખીના શૃંગ ઉપર જીવવા

તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં!

માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

૧૯૩૧. ‘લાવા’ શબ્દ અંગ્રેજી છે : જ્વાળામુખીમાંથી ઝરતો અગ્નિરસ

શિવાજીનું હાલરડું

(કાચબા-કાચબીના ભજન પરથી ઘડેલો ઢાળ)

આભમાં ઉગેલ ચાંદલો ને

જીજાબાઈને આવ્યાં બાળ

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે!

શિવાજીને નીંદરુ ના’વે

માતા જીજાબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે

રામ-લખમણની વાત

માતાજીને મુખે જે દિ’થી

ઉડી એની ઉંઘ તે દિ’થી. - શિવાજીને

પોઢજો રે, મારાં બાળ!

પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળાં જુદ્ધ ખેલાશે

સૂવા ટાણું ક્યાંય નૈ રે’શે. - શિવાજીને.

ધાવજો રે, મારાં પેટ!

ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રે’શે નહિ, રણઘેલુડા!

ખાવા મૂઠી ધાનની વેળા. - શિવાજીને

પે’રી ઓઢી લેજો પાતળાં રે!

પીળાં લાલ પીરોજી ચીર

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે. - શિવાજીને.

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી

ફેરવી લેજો આજ!

તે’દિ તારે હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની. - શિવાજીને.

લાલ કંકુ કેરા ચાંદલા ને

ભાલે તાણજો કેસર-આડ્ય

તે’દિ તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા. - શિવાજીને.

આજ માતા ચોડે ચૂમીયું રે, બાળા!

ઝીલજો બેવડ ગાલ

તે દિ’ તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે. - શિવાજીને.

આજ માતાજીની ગોદમાં રે

તુંને હૂંફ આવે આઠ પો’ર

તે દિ’ કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે. - શિવાજીને.

આજ માતા દેતી પાથરી રે

કૂણાં ફૂલડાં કેરી સેજ

તે દિ’ તારી વીર-પથારી

પાથરશે વીશ-ભુજાળી. - શિવાજીને.

આજ માતાજીને ખોળલે રે

તારાં માથડાં ઝોલે જાય

તે દિ’ તારે શિર ઓશીકાં

મેલાશે તીર-બંધૂકાં.-શિવાજીને.

સૂઈ લેજે, મારા કેસરી રે!

તારી હિંદવાણું જોવે વાટ

જાગી વે’લો આવ, બાળુડા!

માને હાથ ભેટ બંધાવા.

જાગી વે’લો આવજે, વીરા!

ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઈ ઝુલાવે.

૧૯ર૮. ભાવનગર મુકામે. સ્વ. મિત્ર અમૃતલાલ દાણી વગેરે સ્નેહીજનોની હૂંફમાં બાલ-કિશોરોને માટે ગીતો રચવાના ઉર્મિપ્રવાહમાં ભીંજાયેલો હતો ત્યારે, અમારા આંગણામાં ચૂનો કૂટતી રજૂરણો એક ગીત ગાતી હતી :

પરભાતે સૂરજ ઉગિયો રે

સીતા રામની જોવે વાટઃ

શેરડીએ સંતો આવે

ભિક્ષા તેને કોઈ નો લાવે.

એ પરથી ઢાળ સૂઝ્‌યો. આ ઢાળ ‘કાચબા-કાચબી’થી જુદો પડે છે. રચનામાં પણ એ ભજનની કડીથી એક મોટું ચરણ આમાં કમતી છે. દસમી કડીમાં ‘બંધૂકાં’ એ ‘બંધૂકો’નું ચારણી બહુવચન રૂપ છે.

આવજો, વા’લી બા

(મરતા બાળકનો સંદેશો)

આવજો આવજો, વા’લી બા!

એક વાર બોલઃ ભલે ભાઈ, તું જા!

પાછલી તે રાતને પહેલે પરોડિયે

ઝબકીને તું જયારે જાગે

રે મા! ઝબકીને તું જયારે જાગે,

ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને

પડખું ખાલી લાગે, હો મા!

માડી, મને પાડજે હળવા સાદ,

પડઘો થઈ હું દૈશ જવાબ - આવજો.

તારા હૈયા પરે ખેલવા ને ગેલવા

આવું બની હવાનો હિલોળો;

રે મા! આવું બની હવાનો હિલોળો

લાંબી લટોમાં રમું ઓળકોળાંબડે

ગૂંથશે તું જયારે અંબોડોહો

મા, તારો ઝાલ્યો હું નહિ રે ઝલાઉં

ચાર-પાંચ ચૂમી ભરી ચાલ્યો જાઉં - આવજો.

ચંદન તળાવડીનાં નીર મહીં ના’તી

જોઈ જૈશ હું તને જ્યારે;

મોજું બનીને તારે અંગેઅંગ મ્હાલીશ

તોય મને કોઈ નહિ ભાળેહો

મા, મારી છલ છલ છાની વાત

સાંભળીને કરજે ના કલ્પાંત - આવજો.

અષાઢી રાતની મેહુલિયા-ધારનું

ઝરમર વાજું વગાડું;

બાબુડા બેટડાને સંભારી જાગતી

માડી, તને મીઠડી ઉંઘાડુંહો

મા, હું તો વીજળીનો ઝબકારો

કે જાળીએથી ‘હાઉક’ કરી જઈશ હું અટારો - આવજો.

આકાશી ગોખમાં ટમટમ તારલો

થૈને બોલીશ : ‘બા, સૂઈ જા!’

ચાંદાનું કિરણ બની લપતો છે છપતો હું

ભરી જૈશ બે તને બકા -

હો મા, તું તો ફેરવીને ગાલે હાથ

નાખજે નવ ઉંચો નિઃશ્વાસ - આવજો.

ઝબલું ટોપી લઈને માશીબા આવશે,

પૂછશે, ક્યાં ગયો બચુડો?

કે’જે કે, બેન, બચુ આ રે બેઠો

મારી આંખ કેરી કીકીઓમાં રૂડો -

હો બેન, મારે ખોળલે ને હૈયા માંય,

બાળ મારો બેઠો છે સંતાઈ!

આવજો આવજો, વા’લી બા!

એક વાર બોલ : ‘ભલે ભાઈ, તું જા!’

૧૯૩૬. રવીન્દ્રનાથના કાવ્ય ‘વિદાય’ ઉપરથી ભજનના પદબંધમાં ઉતારેલું, શ્રોતાજનમાં અત્યંત પ્રિય થઈ પડેલું ગીત.

આષાઢી સાંજ

(‘અંધારી રાતના ડુંગર ડોલે’- એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ)

આષાઢી સાંજના અંબર ગાજે

અંબર ગાજે, મેઘાડંબર ગાજે! - આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે

ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. - આષાઢી.

ગરવા ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે, સૂતી ગોપી જાગે. - આષાઢી.

વીરાની વાડીઓમાં અમૃત રેલે,

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. - આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. - આષાઢી.

આષાઢી સાંજના અંબર ગાજે

અંબર ગાજે મેઘાડંબર ગાજે!

ઔતરાદા વાયરા, ઉઠો!

(‘અંધારી રાતના ડુંગર ડોલે’- એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ)

ઓતરાદા વાયરા, ઉઠો ઉઠો હો તમે -

ઓતરાદા વાયરા, ઉઠો!

કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી

ઓતરાદા વાયરા, ઉઠો!

ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે

હાકલ દેતા, હો વીર, ઉઠો!

ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે

પૂરપાટ ઘોડલે છૂટો! - ઓતરાદા.

ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ

સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;

જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગઃ

ઝંઝાના વીર, તમે ઉઠો! - ઓતરાદા.

કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ!

કરમાતી કળીઓને ચૂંટો;

થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડાઃ

ચોર-ધાડપાડ ભલે લૂંટો! - ઓતરાદા.

છો ને છુંદાય મારી કૂણેરી કૂંપળોઃ

સૂસવતી શીત લઈ છૂટો;

મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,

ચીરો ચમકાટ એનો જૂઠો! - ઓતરાદા.

ઉઠો, કદરૂપ! પ્રેતસૃષ્ટિના રાજવી!

ફરી એક વાર ભાંગ ઘૂંટોઃ

ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા

હુહુકાર-સ્વરે કાળ, ઉઠો! - ઓતરાદા.

કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ!

રહેજે ચંદનની ગોદ સૂતો;

નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજઃ ઘોર

વિપ્લવના ઢોલડા ધડૂકો! - ઓતરાદા.

૧૯૩૪. બેસતા વર્ષને દિવસે રચાયું. કાર્તિક-માગશરથી પવન પલટાઈને ઉત્તરદક્ષિણ વહે છે. વિશુદ્ધીકરણની પાનખર ઋતુ મંડાય છે. નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઈએ છે.

માની યાદ

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા

કાનમાં ગણગણ થાય;

હુતુતુતુની હડિયાપાટીમાં

માનો શબદ સંભળાય -

મા જાણે હીંચકોરતી વઈ ગઈ,

હાલાંના સૂર થોડા વેરતી ગઈ. - કોઈ દી.

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં

સાંભરી આવે બા -

પારિજાતકની મીઠી સુગંધ લઈ

વાડીએથી આવતો વા,

દેવને પૂજતી ફૂલ લૈ લૈ

મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ. - કોઈ દી.

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી

આભમાં મીટ માંડું.

માની આંખો જ જાણે જોઈ રહી છે મને

એમ મન થાય ગાંડું.

તગમગ તાકતી ખોળલે લૈ,

ગગનમાં એ જ દૃગ ચોડતી ગૈ.

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

૧૯૪૪. રવીન્દ્રનાથના કાવ્ય ‘મને પડા’ પરથી.

ગરજ કોને?

(ભજન)

ગરજ હોય તો આવ ગોતવા,

હું શીદ આવું હાથ, હરિ!

ખોજ મને જો હોય ખેવના

હું શીદ સ્હેલ ઝલાઉં, હરિ! - ગરજ.

ગેબ તણી સંતાકૂકડીમાં

દાવ તમારે શિર, હરિ!

કાળાન્તરથી દોડી રહ્યા છો

તોય ન ફાવ્યા કેમ, હરિ! - ગરજ.

સૂફીઓ ને સખી-ભક્તો ભૂલ્યા,

વલવલિયા સહુ વ્યર્થ, હરિ!

‘સનમ! સનમ!’ કહીને કો રઝળ્યા,

કોઈ ‘પિયુ! પિયુ!’ સાદ કરી. - ગરજ.

પોતાને પતિતો દુષ્ટો કહી

અપમાને નિજ જાત, હરિ!

એ માંહેનો મને ન માનીશ,

હું મસવડ રમનાર, હરિ! - ગરજ.

તલસાટો મુજ અંતર કેરા

દાખવું તો મને ધિક્‌. હરિ!

પતો ન મારો તને બતાવું

હું-તું છો નજદીક, હરિ! - ગરજ.

મારે કાજે તુજ તલસાટો

હવે અજાણ્યા નથી, હરિ!

હું રિસાયલને તું મનવે

વિધવિધ રીતે મથી, હરિ! - ગરજ.

પવન બની તું મારે દ્વારે

મધરાતે ઘૂમરાય, હરિ!

મેઘ બનીને મધરો મધરો

ગાણાં મારાં ગાય, હરિ! - ગરજ.

વૈશાખી બળબળતાં વનમાં

દીઠા ડાળેડાળ ભરી

લાલ હીંગોળી આંગળિયાળા

તારા હાથ હજાર, હરિ! - ગરજ.

માછલડું બનીને૧ તેં મુજને

ખોળ્યો પ્રલયની માંય, હરિ!

હું બન્યો કાદવ, તું બની ડુક્કર

રગદોળાયો, શરમ, હરિ! - ગરજ.

પથ્થર લક્કડ પશુ પંખી થૈ

નજર તમારી ચુકાવી, હરિ!

માનવ થઈ પડું હાથ હવે, તો

જગ કહેશે, ગયો ફાવી, હરિ! - ગરજ.

લખ ચોરાશીને ચકરાવે

ભમી ભમી ઢૂંઢણહાર, હરિ!

ડાહ્યો થૈ કાં દાવ પૂરો દે,

કાં તો હાર સ્વીકાર, હરિ! - ગરજ.

૧. ‘માછલડું બનીને...’ઃ પુરાણભાખ્યા દસ પ્રભુ-અવતારો, અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ (થિયરી ઓફ એવોલ્યૂશન) અહીં સૂચિત છે.

આ પદ ભાવનગર સાહિત્યસભાના આશ્રયે તા. ર૧-૯-૪૦ સાંજના સમારંભ પાસે ગાયા પછી, તે સભાના પ્રમુખશ્રી નટવરલાલ સૂરતીએ ‘ચોરાશી વૈષ્ણવની વારતાઓ’માંથી પ્રભુની ને ગોવિંદસ્વામીની વાર્તા બતાવી. વાર્તા આમ છે કે શ્રીનાથજી પ્રભુ પોતાના ભક્ત ગોવિંદસ્વામી સાથે દડે રમતા હતા, દાવ શ્રીનાથજીને માથે હતો. એવામાં મંદિરમાં પ્રભુ-દર્શનની ટકોરી વાગી. શ્રીનાથજી ચમક્યાઃ પોતે હાજર થઈ જવું જોઈએ, એટલે મંદિર તરફ નાઠા! ‘પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં!’એમ કહીને પાછળ દોડેલા ગોવિંદસ્વામીએ પ્રભુની પીઠમાં દડો માર્યો. પૂજારીઓએ આવીને ગોવિંદસ્વામીને પીટ્યા. પછી ભોગ ધરવા ટાણે પ્રભુ થાળ જમ્યા નહિ, રુદન કરતા બેઠા. પૂજારીઓએ કારણ પૂછતાં કહ્યું કે ગોવિંદસ્વામીને તમે વગર વાંકે માર્યા છે, એ ભૂખ્યાદુખ્યા બેઠા છે; દોષ તો હતો મારો કે હું અધૂરે દાવે અંદર દોડ્યો આવ્યોઃ એને જમાડો તે પછી જ જમીશ. મેં જીવનમાં પહેલી જ વાર સાંભળેલો. આ પ્રસંગ અહીં બરાબર બંધ બેસે છે. હરિને મેં માનવનો પ્રેમી મિત્ર કલ્પ્યો છે. માનવને પોતાના પૂર્ણત્વમાં તદાકાર કરવા માટે કિરતાર સર્જનના પ્રારંભથી તલસતો મથી રહ્યો છે.

સોના-નાવડી

(ભજન)

ગાજે ગગને મેહુલિયા રે,

વાજે વરસાદ ઝડી,

નદી-પૂર ઘુઘવિયા રે,

કાંઠે બેઠી એકલડી

મારા નાના ખેતરને રે,

શેઢે હું તો એકલડી!

મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,

ડૂંડાં ગાંસડી ગાંસડીએ ભરિયાં;

ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં.

ભીંજું ઓથ વિનાની રે,

અંગે અંગે ટાઢ ચડી;

મારા નાના ખેતરને રે,

શેઢે હું તો એકલડી.

સામે કાંઠે દેખાયે રે,

વા’લુ મારું ગામડિયું;

ગોવાલણ-શી વાદળીએ રે

વીંટ્યું જાણે ગોકળિયું.

મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યાં,

આખી સીમેથી લોક અલોપ થયાં,

દિનાનાથ રવિ પણ આથમિયા.

ગાંડી ગોરજ ટાણે રે

નદી અંકલાશ ચડી,

એને ઉજ્જડ આરે રે

ઉભી હું તો એકલડી;

મારા નાના ખેતરને રે

શેઢે હું તો એકલડી.

પેલી નૌકાનો નાવિક રે

આવે ગાતોઃ કોણ હશે?

મારા દિલડાનો માલિક રે

જૂનો જાણે બધું દીસે.

એની નાવ ફૂલ્યે શઢ સંચરતી,

એની પંખી-શી ડોલણહાર ગતિ,

નવ વાંકીચૂંકી એની દૃષ્ટિ થતી,

આવે મારગ કરતી રે

પ્રચંડ તરંગ વિષેઃ

હું તો દૂરેથી જોતી રેઃ

જૂનો જાણે બંધુ દીસેઃ

પેલી નૌકાનો નાવિક રે

આવો ગાતોઃ કોણ હશે?

કિયા દૂર વિદેશે રે

નાવિક, તારા ગામતરાં?

તારી નાવ થંભાવ્યે રે

આંહી પલ એક જરા!

તારી જ્યાં ખુશી ત્યાં તુ જજે સુખથી,

મારાં ધાન દઉં તુને વા’લપથી,

તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી!

મારી લાણી લેતો જા રે

મોઢું મલકાવી જરા,

મારી પાસ થાતો જા રે

આંહીં પલ એક જરા.

કિયા દૂર વિદેશે રે,

નાવિક, તારાં ગામતરાં!

લે લે ભારા ને ભારા રે!

- છલોછલ નાવડલી;

‘બાકી છે?’ - વા’લા મારા રે!

હતું તે સૌ દીધ ભરી,

મારી જૂની પછેડી ને દાતરડી,

મારાં ભાતની દોણી ને તાંસળડી,

તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી.

રહ્યું લેશ ન બાકી રે,

રહ્યું નવ કંઈયે પડી;

રહી હું જ એકાકી રે,

આવું તારી નાવે ચડી;

લે લે ભારા ને ભારા રે!

- છલોછલ નાવડલી.

હું તો ચડવાને ચાલી રે,

નાવિક નીચું જોઈ રહે;

નવ તસુ પણ ખાલી રે,

નૌકા નહિ ભાર સહે.

મારી સંપત વહાલી રે,

શગોશગ માઈ રહે.

નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,

ગગને દળ-વાદળ ઘેરી વળ્યાં;

આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં.

સૂની સરિતાને તીરે રે,

રાખી મુંને એકલડી.

મારી સંપત લૈને રે,

ચાલી સોના-નાવડલી.

મારા નાના ખેતરને રે,

શેઢે હું તો એકલડી.

ગોરજ=ગોધૂલિ. અંકલાશ=આકાશ. લાણી=લણણી, લણેલ ધાન્ય. ભાતની દોંણી=ખેતરે કામ કરના માટે લઈ જવાનાં ભોજન ભાત)ની છાશની મટુકી. તાંસળડી=તાંસળી, કાંસાનો વાડકો. ૧૯૩૧. માનવીઃ ખેડૂતના નાનકડા ઉદ્યમ-ક્ષેત્રનું સર્વ ઉત્પન્ન આખરે તો, ઘોર આપત્તિમાં ઓરાયેલ માનવી પોતે ન વાપરી શકતાં, કર્મદેવતા રૂપી નાવિક હરએક જન્મે આવી આવીને પોતાની સુવર્ણ-નૌકામાં છલોછલ ભરી લઈ જાય છે, સંસારના શ્રેયાર્થે વાપરે છે, પણ ખુદ માનવીને એ પોતાના વાહનમાં ઉઠાવી લઈ કાળપ્રવાહમાંથી ઉદ્વરી આપતો નથી. માનવીને તો વિલુપ્ત જ બનવાનું છે.

રવીન્દ્રનાથના ‘સોનાર તરી’ પરથી ઉતારવાનું ‘કુમાર’ના સંપાદકે સોંપ્યું હતું. ભાઈ રવિશંકર રાવળે શ્રી ક્ષિતિમોહન સેન પાસેથી જાણેલું ગીતનું રહસ્ય આ હતું. ભાઈ રાવળની આ સમજને કારણે અનુવાદમાં મેં કલ્પેલું સ્ત્રીપાત્ર એમને મુનાસબ નહોતું લાગ્યું. વળી, બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી મૂળ કાવ્ય પણ કશો દિશાદોર સૂચવતું નહોતું. મેં તો આગ્રહ જ રાખ્યો છે કે આ પાત્ર બરાબર છે. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. આ ગીત રવિબાબુના કાવ્યનો શબ્દશઃ અનુવાદ નથી. બલકે, કેટલેક ઠેકાણે મૂળ અર્થ આબાદ ન રહે તેવા ફેરફારો પણ મારે હાથે થયેલા કેટલાકને લાગશે. એ સ્થિતિમાં એક મહાકવિના પ્રિય કાવ્ય ઉપર મારા અનુવાદની જવાબદારી ન નખાય તો પણ મને અફસોસ નથી.

મૂળ કાવ્ય રવિબાબુની કાવ્ય સંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય છે. ઐતિહાસિક એટલા માટે કે કવિવરે ‘સોનાર તરી’ પૂર્વેની પોતાની કાવ્યકૃતિઓ કાચી ગણી છે અને પોતાની કવિતા-સંપત્તિની સાચી ગણના ‘સોનાર તરી’ પછીથી જ થવી જોઈએ એમ મે માનતા હોવાનું મેં સાંભળ્યું છે. અહીં યોજેલ ‘શીખ દે સાસુજી રે’ના ઢાળમાં વચ્ચે ત્રણ-ત્રણ ચોસલાના ગાળા મૂકવાના પદ્ધતિનો પ્રારંભ મેં કરેલ છે.

તરુણોનું મનોરાજ્ય

(ઢાળ : ચારણી કુંડળિયાનો)

ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ;

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે

વિશ્વભરના યુવાનોની આંખો અડે;

પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,

ગરુડ-શી પાંખ આતમ વિષે ઉઘડે.

કેસરિયા વાઘા કરી જોબર જુદ્ધ ચડે;

રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહીં!

યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહીં!

કેસરી વીરના કોડ હરશો નહીં!

મત્ત યૌવન તણી ગોત કરશો નહીં!

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;

લાતો ખાધી, લથડિયાં - એ દિન ચાલ્યા જાય;

લાત ખાવા તણા દિન હવે ચાલિયા,

દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;

માગવી આજ મેલી અવરની દયા,

વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,

સતની સીમો લોપવા, જોબન માંડે જાગઃ

લોપવી સીમ, અણદીઠને દેખવું,

તાગવો અતલ દરિયાવ - તળિયે જવું,

ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવુંઃ

આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

ઘણ રે બોલે ને -

(ઢાળ : ભજનનો)

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જીઃ

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો...જી.

એ જી સાંભળે વેદનાની વાત -

વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો...જી.

બહુ દિન ઘડી રે તલવાર,

ઘડી કાંઈ તોપું ને મનવાર;

પાંચ-સાત શૂરાના જયકાર

કાજ ખૂબ ખેલાણા સંહારઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો...જી

પોકારે પાણીડાં પારાવારનાં હો...જી.

જળ-થળ પોકારે થરથરીઃ

કબરુંની જગ્યા રહી નવ જરીઃ

ભીંસોભીંસ ખાંભિયું ખૂબ ભરી,

હાય, તોય તોપું રહી નવ ચરીઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

ભઠ્ઠિયું જલે રે બળતા પો’રની હો...જી.

ધમણ્યું ધમે રે ધખતા પો’રની હો...જી.

ખન ખન અંગારે ઓરાણા,

કસબી ને કારીગર ભરખાણા;

ક્રોડ નર જીવંતા બફાણા -

તોય પૂરા રોટા નવ શેકાણાઃ

હો એરણ બેની ! - ઘણ રે બોલે ને.

હથોડા પડે રે આજ જેના હાથના હો...જી.

તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો...જી.

સોઈ નર હાંફીને આજ ઉભો,

ઘટડામાં ઘડે એક મનસૂબોઃ

બાળ મારાં માગે અન્ન કેરી દેગઃ

દેવે કોણ - દાતરડું કે તેગ?

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

આજુથી નવેલા ઘડતર માંડવાં હો...જીઃ

ખડગખાંડાને કણ કણ ખાંડવાં હો...જી.

ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ!

ઝીણી રૂડી દાતરડીનાં રાજ,

આજ ખંડખંડમાં મંડાય,

એણી પેરે આપણ તેડાં થાયઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

ઘડો હો બાળક કેરાં ઘોડિયા હો....જી

ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો...જી

ભાઈ મારા! ગાળીને તોપગોળા,

ઘડો સૂઈ-મોચીના સંચ બો’ળા;

ઘડો રાંક રેંટુડાની આરો,

ઘડો દેવ-તંબૂરાના તારોઃ

હો એરણ બેની! ઘણ રે બોલે ને.

ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો...જીઃ

પાવળડાં ઘડો, હો છોરુંડાંનાં દૂધનાં હો...જી

ભાઈ મારા લુવારી! ભડ રે’જે,

આજ છેલ્લ્‌ વેળાના ઘાવ દેજે;

ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,

ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાંઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

૧૯૩ર. ‘ફૂલછાબ’ માટે રચાયું હતું. ભજનના ઢાળમાં નિઃશસ્ત્રીકરણનો વિષય ઉતાર્યો છે. ‘જેસલ, કરી લે વિચાર’ નામે ભજનના જોશીલા આંતરાનો ઢાળ બેસાડ્યો છે.

છેલ્લો કટોરો

(ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને)

છેલ્લો કટોરો ઝેરનો આઃ પી જજો, બાપુ!

સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારુઃ

ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારુંઃ

શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારુંઃ

આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!

કાપે ભલે ગર્દન! રિપુ-મન માપવું, બાપુ!

સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,

શી છે ગતાગમ રત્નના કામી જનોને?

તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!

હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!

ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ!

કહેશે જગતઃ જોગી તણા શું જોગ ખૂટ્યા!

દરિયા ગયા શોષાઈ? શું ધન-નીર ખૂટ્યાં?

શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?

દેખી અમારાં દુઃખ નવ અટકી જજો, બાપુ!

સહિયું ઘણું, સહીશું વધુઃ નવ થડકજો, બાપુ!

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,

જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,

થોડાઘણા છંટકાવ ગોળીબારના -

એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!

ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!

શું થયું- ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો!

બોસા દઈશું - ભલે ખાલી હાથ આવો!

રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!

દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!

હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!

જગ મારશે મે’ણાંઃ ન આવ્યો આત્મજ્ઞાની!

ના’વ્યો ગુમાની - પોલ પોતાની પિછાની!

જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!

આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!

તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!

જા, બાપ! માતા આખલાને નાથવાને,

જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,

જા સાત સાગર પાર સેતુ બાંધવાને -

ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!

વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!

ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!

છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!

૧૯૩૧. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કહેલું સંબોધન. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું. ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ’ ‘બંધુ’ શબ્દોને સ્થાને ‘બાપુ’ ‘બાપુ’ શબ્દો સૂચવ્યા. ગીત નએમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઉપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી - સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે. બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઈતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનાં રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રૂર કટાક્ષ-ગીત છે. એમનાં હૃદયો દુભાયાં તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઉઠ્યાં.

‘‘કુડીબંધ તારો અને કાગળસો આવેલા તે (આગબોટમાં) વાંચવા માંડ્યા... મેઘાણીનો ‘છેલ્લો કટોરો’ (વાંચીને) બાપુ કહે, ‘મારી સ્થિતિનું આમાંવર્ણન થયું છે તે તદ્દન સાચું છે. ’ કાવ્ય વાંચતા તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે... જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને - અંધારપછેડો ઓઢીને - જોયા કીધું હોય એમ લાગે છે.’’ (મહાદેવ દેસાઈ)

લાલપ ક્યાંથી?

(જુદા જુદા ઢાળોમાંથી નવો રચેલો ઢાળ)

તારે આવડી લાલપ ક્યાંથી રે

મારા લાડકવાયા લાલ!

તારે આવડી કૂંણપ ક્યાંથી રે

મારા લટકાળા હો લાલ!

તારી હાથ હથેળી

પગની રે પેની

ગુલ ફૂલ સરીખા ગાલ;

એને આવડાં રંગ્યાં શાથી રે

મારા બોલકણા હો બાળ! - તારે.

માડી! હું ને હરિ બે રમતા રે

એક મેઘ-ધનુષ મોજાર;

અમેુ લથબથ કુસ્તી કરતા રે

ઘન ગાજતું ધમધમકાર;

મારો પગ ગયો પલટી

પડ્યો ગગનથી

ઉતર્યો આંબા-ડાળ;

તું તો નીર-નીતરતી ના’તી રે

એક સરવરિયાની પાળ;

તું તો જળ-ઝીલણિયાં ગાતી રે

તારી ડોકે ફૂલની માળ;

મને જુગતે લીધો ઝીલી રે

મારાં અંગ હતાં ગારાળ;

તારા અંતરમાં ઝબકોળી રે

મને નવરાવ્યો તતકાળ;

તારા ઉરથી ઢળી ગઈ લાલી રે

મને રંગ્યો લાલમલાલ;

તું તો બની ગઈ કાળી કાળી રે

મને કરિયો લાલ ગુલાલ.

તારે આવડી લાલપ ક્યાંથી રે

મારા લાડકવાયા લાલ!

ઝંડાવંદન

તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં;

પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં -

ઝંડા-અજર અમર રે’જેઃ

વધ વધ આકાશે જાજે.

તારે મસ્તક નવ મંડાઈ ગરુડ તણી મગરૂરી;

તારે ભાલ નથી આલેખ્યાં સમશિર-ખંજર-છૂરીઝંડા!

દીન કબૂતર-શો

ઉરે તુજ રેંટીડો રમતો.

જગ આખા પર આણ ગજવતી ત્રિશૂલવતી જળરાણી.

મહારાજ્યોના મદ પ્રબોધતી નથી તુજ ગર્વનિશાની -

ઝંડા! ગભરુ સંતોષી

વસે તુજ હૈયામાં ડોશી.

નહિ કિનખાબ-મુખમ્મલ-મશરૂ કેરી તારી પતાકા;

નહિ જરિયાની હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા -

ઝંડા! ભૂખરવો તોયે,

દિલો કોટિ તુજ પર મોહે!

પરભક્ષી ભૂતળ-નૌદળના નથી તુજ ધ્વફફડાટા;

વનરમતાં નિર્બલ મૃગલાં પર નથી નથી શેરહુંકાટા -

ઝંડા! ઉડજે લહેરાતોઃ

વ્હાલના વીંઝણલા વાતો.

સપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે;

ખંડખંડની આશિષછોળો ઉદધિતરંગો છાંટે -

ઝંડા! થાકેલા જગનો

દીસે છે તું આશાદીવડો.

નીલ ગગનથી હાથ ઝુલાવી વિશ્વનિમંત્રણ દેતોઃ

પીડિત જનની બાંધવતાના શુભ સંદેશા કહેતો -

ઝંડા- કરજે જગતેડાંઃ

પ્રજા સઘળીના અહીં મેળા

નીલ ગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી;

અરુણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી -

ઝંડા! શશી-દેવે સીંચી,

ત્રિલોચન! ધવલ આંખ ત્રીજી.

એ ત્રણ આંખ ભરી તેં દીઠાં તુજ ગૌરવ-રખવાળાં;

શ્રીફળના ગોટા સમ ફૂટ્યાં ફટફટ શીશ સુંવાળાં -

ઝંડા! સાહિદ રહેજે, હો!

અમારા મૂંગા ભોગ તણો.

કુમળાં બાળ, કિશોર, બુઝર્ગો - સહુ તુજ કાજે ધાયાં,

નર-નારી નિર્ધન-ધનવંતો - એ સબ ભેદ ભુલાયા;

ઝંડા! સાહિદ રહેજે, હો!

રુધિરનાં બિન્દુ બિન્દુ તણો.

કો માતાના ખાલી ખોળે આજ બન્યો તું બેટો;

કપાળનાં કંકુડાં હારી તેને પણ બળ દેતો -

ઝંડા! સાહિદ રહેજે, હો!

હજારો છાનાં સ્વાર્પણનો.

તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠાં ટાબરિયાં;

તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ-તરસ વીસરિયાં -

ઝંડા! કામણ શાં કરિયા!

ફિદા થઈ તુજ પાછળ ફરિયાં.

આજ સુધી અમ અવળી ભક્તિઃ જૂઠા ધ્વજ પર ધાયાં;

રક્તપિપાસુ રાજફુલોના નેજા કાજ કપાયાં -

ઝંડા! નિમકહલાલીનું

હતું એ કૂડ-બિરદ જૂનું.

પંથ પંથ ને દેવ દેવની પૂજી ધજા નિરાળી;

એ પૂજન પર શીશ કપાવ્યાંઃ હાય! કથા એ કાળી -

ઝંડા! વીત્યા યુગ એવા,

સકલ વંદનનો તું દેવા.

તું સાચું અમ કલ્પતરુવરઃ મુક્તિફળ તુજ ડાળે;

તારી શીત સુગંધ નથી કો માનસ-સરની પાળે -

ઝંડા! જુગ જુગ પાંગરજે;

સુગંધી ભૂતલ પર ભરજે!

રાષ્ટ્ર-દેવના ઘુમ્મટ ઉપર ગહેરે નાદ ફરુકે;

સબ ધર્મોના એ રક્ષકને સંતનૃપાલો ઝૂકે -

ઝંડા! આજ ન જે નમશે,

કાલ તુજ ધૂલિ શિર ધરશે!

આઠે પહોર હુંકારા કરતો જાગ્રત રહે, ઉમંગી!

સાવધ રહેજે, પહેરો દેજે, અમે ન રહીએ ઉંઘી -

ઝંડા-સ્વરાજના સંત્રી!

રહો તુજ ઝાલર રણઝણતી!

૧૯૩૧

એકલો

તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે,

પણ જમજે અશ્રુની થાળ એકલો;

હોંશીલા જગને હસવા તેડું કરજેઃ

સંઘરજે ઉરની વરાળ એકલો.

તુજ દ્વારે દ્વારે દીપકમાલ ચેતવજેઃ

ગોપવજે દિલ-અંધારા એકલો;

બીજાંને આંગણ અમૃત-ઝરણાં રેલવજેઃ

પી લેજે વિષ તારાં તું એકલો.

તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે,

ને સહેજે સર્પોના દંશ એકલો;

કીર્તિની કલગી સહિયારે કર દેજેઃ

ભોગવજે બદનામી-અંશ એકલો.

દિલદિલની દુઃખ-વાતો દિલસોજીથી સુણજથેઃ

ચૂપ રહેજે કાપી જબાન એકલો;

કો થાકેલા પગની કાંકર ચૂમી લેજેઃ

કદમો ભરજે કંટક પર એકલો.

૧૯૩૪

હું દરિયાની માછલી

માછલી. - દરિયાના.

છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે

મોં ઉઘાડી મોતીડાં રૂપાળાં,

હું દરિયાની માછલી. - દરિયાના.

દરિયાના દેશથી વિછોડી

દુનિયાસું શીદ જોડી!

હું દરિયાની માછલી.

૧૯ર૮

દરિયો

(ઢાળ : ‘નાણું નાખ્યે દાદુભા નૈ મળે’)

દરિયો ડોરે રે માઝમ રાતનો,

ઝુલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજાં ને છોળો મારતાં,

ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની,

પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળમાછલી,

ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

ઉઘડે ઉઘડે ને બિડાય તારલા,

ઉઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,

ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

દરિયા ગાજે રે માઝમ રાતનો,

માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા

રાતા વીરાની દોરી તાણતી.

દરિયો મલકે ને ડોલર ફીણ વળે,

મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

૧૯ર૮

દીવડો ઝાંખો બળે

(રાગ : બિહાગ)

દીવડો ઝાંખો બળે -

રે મારો દીવડો ઝાંખો બળે.

આજે ઘેર અતિથિ આવેઃ

પલ પલ પડઘા પડે;

સકળ નગર સૂતું છે, સ્વામી!

તારાં સ્વાગત કોણ કરે. - દીવડો.

તારો રથ ગાજે છે ગગનેઃ

ધરતી ધબક્યા કરે;

હે પરદેશી! પોઢણ ક્યાં દેશું!

નયને નીર ઝરે. - દીવડો.

‘સાંજ પડ્યે આવું છું, સજની!’

એવું કહીને ગયો;

આજ યુગાંતર વીત્યે, વ્હાલા!

તારાં પગલાં પાછાં વળે. - દીવડો.

સાંજ ગઈ, રજની ગઈ ગુજરી;

હાય, પ્રભાત હવે;

ક્યાં રથ! ક્યાં અતિથિ! ક્યાં પૂજન!

નીંદમાં સ્વપ્ન સરે.

દીવડો ઝાંખો બળે -

રે મારો દીવડો ઝાંખો બળે.

૧૯૧૮. મારું પહેલવહેલું ગીત.

કવિ, તને કેમ ગમે?

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરેઃ

અહોરાત કરોડ કરોડ ગરીબના પ્રાણ ધનિકોને હાથ રમે -

ત્યારે હાય રે હાય, કવિ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે!

લથડી લથડી ડગલાં ભરતી,

લાખો નાર ગલીગલીએ ફરતી

સારી રાત ભૂખે મજૂરી કરતીઃ

‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે -

ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે!

મન! છોડ નિહાળવા તારલિયા,

કાળાં કેદખાનાં કેરા જો સળિયા -

એનાં ક્રંદન શું નથી સાંભળિયાં?

એની ભીતર મૌન એકાકી રિબાઈ રિબાઈ હજારોના પ્રાણ શમે -

ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે!

મહારોગ ને મૃત્યુના સાગરમાં

લાખો ચીસ-નિઃશ્વાસભર્યા જગમાં,

સિતમે સળગંત ધરા-તલમાંઃ

રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને -

ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે!

દિનરાત જેઓની નસેનસમાં

પડે ઘોષ ભયંકર યંત્ર તણા,

પીએ ઝેરી હવા જે દમેદમમાં,

એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે!

ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,

ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,

પૂરી રોટી પ્રતિજનને જડશેઃ

કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને, તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે! ૧૯ર૯. ‘કાલ જાગે’ વાંચીને શ્રી બચુભાઈ રાવતે મોકલેલા ‘બોમ્બ ક્રૉનિકલ’ના તાજા અંકમાં આવેલા શ્રી હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે રચેલા ‘બિહાઈન્ડ ધ માસ્ક’ નામક કાવ્ય પરથી.

ખલાસીના બાળનું હાલરડું

(‘‘ઓધવજી! મેં આવડું નો’તુ જાણ્યું’’ એ ઢાળ)

ધીરા વાજો

રે મીઠા વાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

ધીરા ગાજો

રે ધીરા ગાજો

મેહુલિયા હો, ધીરા ધીરા ગાજો!

બાળુડાના બાપ નથી ઘરમાં

આથડતા એ દૂર દેશાવરમાં

લાડકવાયો લોચે છે નીંદરમાં

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

વીરા! તમે દેશેદેશે ભટકો

ગોતી એને દેજો મીઠો ઠપકો

લખ્યો નથી કાગળનો કટકો!

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

મેઘલ રાતે ફૂલ મારું ફરકે

બાપુ! બાપુ! બૂમ પાડી થડકે

વિજોગણ હુંય બળું ભડકે

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

સૂતી’તી ને સ્વામી દીઠા સ્વપને,

’વા’ણે ચડી આવું છું’ કે’તા મને,

ચાંદલિયા! વધામણી દૈશ તને,

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

મીઠી લે’રે મધદરિયે જાજો

વા’લાજીના સઢની દોરી સા’જો

આકળિયા નવ રે જરી થાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

રાતલડીનાં તેજ રૂપાવરણાં

ફૂલ્યાં રે એવા સઢડા વા’લજી તણા

ભાળું હું કાગાનીંદરે નાવ ઘણાં

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

બેની મારી લેર્યો સમુદરની!

હળવે હાથે હીંચોળો નાવડલી

હીંચોળે જેવી બેટાની માવડલી

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

પાછલી રાતે આંખ મળેલ હશે

ધીરીધીરી સાંકળ રણઝણશે

બેમાં પે’લો સાદ કેને કરશે?

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

ધીરા વાજો

રે મીઠા વાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

૧૯ર૯

નાના થૈને રે!

નાના થૈને, નાના થૈને, નાના થૈને રે

બાપુ! તમે નાના થૈને રે

મારા જેવા નાના થૈને રે

છાનામાના રમવા આવો! નાના થૈને રે.

નાના કેવી રીતે થાવું

આવો, બાપુ! રીત બતાવું

ઢીંકા, પાટુ, પીવું, ખાવું

પાડા થઈને રે. - નાના.

શેરી વચ્ચે નાચવા આવો

ઓળકોળાંબે હીંચવા આવો

બોથડ મોટી મૂછ બોડાવો

પૈસા દૈને રે. - નાના.

સૂરજ ભૈની નાનકી છોડી

કૂરડિયે કંકુડા ઘોળી

દા’ડી દા’ડી આવે દોડી

દરિયે થૈને રે. - નાના.

ડુંગર ઉપર જઈ બોલાવો

ઉષા બેની, આવો આવો!

એની પાસે ગાલ રંગાવો

ગોઠ્યણ થૈને રે. - નાના.

નાને માથે નાનકડી પાંથી

દૈશ ઓળી મીંડલા ગૂંથી

જોજો રાતે નાખતા ચૂંથી

ગાંડા થૈને રે. - નાના.

ઝભ્ભે ઝાઝાં રાખજો ખીસાં

માંહી પાંચીકા વીણશું લીસા

કાગળ, બાગળ, રૂપિયા પૈસા

ફેંકી દૈને રે. - નાના.

ખેંચી દોરી ખૂબ હીંચોળે

થાકેલી બા જાશે ઝોલે

ભાગી જાશું બેઉ ભાગોળે

સાંકળ દૈને રે. - નાના.

વેળુ વચ્ચે વીરડા ગાળી

વાંકે ઘૂંટણ પીશું પાણી

ગોવાળ આવે ગાડર જાણી

ડાંગર લૈને રે. - નાના.

લીંબોળીના લૂમખા લેવા

ઝૂલશું ઝાડે વાંદર જેવાં

પંખીડલાંના ખાશું મેવા

જંગલ જૈને રે. - નાના.

ખેતર કોતર ખીણ ઓળંગી

જોઈ વાદળીઓ રંગબેરંગી

ઘૂમશું ડુંગર જંગી જંગી

ઘેલા થૈને રે. - નાના.

નાની આંખે નાનકાં આંસુ

બાની સાથે રોજ રીસાશું

ખાંતે એના ધબ્બા ખાશું

ખોળે જૈને રે.

નાના થૈને, નાના થૈને, નાના થૈને રે!

૧૯૩ર

તકદીરને ત્રોફનારી

(‘બાઈ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે જંગલ બીચ હું ખડી રે જી’-એ ભજન-ઢાળ)

બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારીઆવી રે,

ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી;

છૂંદાવો આછાં છૂંદણાં હો જી.

બાઈ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,

ત્રોફાવો નીલાં ત્રાજવાં હો જી!

છૂંદાવો ઘાટાં છૂંદણાં હો જી!

નાની એવી કુરડી ને, માંહી ઘોળ્યા દરિયા;

બાઈ! એણે કમખામાં સોય તો સંતાડી રે,

પાલવ ઉંચા નો કર્યા હો જી. - બાઈ! એક.

આભને ઉરેથી એણે આઘી કરી ઓઢાણી,

બાઈ! એણે નવ લાખ ટીબકી બતાડી રે;

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

રામને રુદેથી એણે કોરે કરી પાંભરી,

બાઈ! એણે કીરતિની વેલડિયું ઝંઝેડી રે

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

ભર રે નીંદરમાં સૂતેલા ભરથરી,

બાઈ! એના લલાટેથી લટડી ખસેડી રે

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

પીઠ તો ઉઘાડી એણે જોગી ગોપીચંદની૧,

બાઈ! એની જનેતાને આંસુડે ઝરડેલી રે

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

મનડાં મોહાણાં મારાં, દલડાં લોભાણાં ને,

બાઈ! મેં તો કાયાને કીધલ ત્યાં ઉઘાડી રે,

લાડુડાર એણે મૂકિયા હો જી. - બાઈ! એક.

સુરતા૩ રહી નૈ મારી, સૂતી હું તો લે’રમાં;

બાઈ! એણે સોયુંની ઝપટ જે બોલાવી રે

ઘંટીના પડ જ્યું ટાંકિયાં હો જી. - બાઈ! એક.

ગાલે ટાંક્યાં ગલફૂલ, કાંડે ટાંકી કાંકણી૪;

બાઈ! મારી ભમ્મર વચાળે ટીલ તાણી રે

ત્રોફ્યાં ને ભેળાં ફૂંકિયાં હો જી. - બાઈ! એક.

કલેજા વચાળે એણે કોર્યો એક મોરલો,

બાઈ! મેં તો અધૂરો ત્રોફાવી દોટ મારી રે

કાળજડાં કોરાં રિયાં હો જી. - બાઈ! એક.

ડેરે ને તંબૂડે ગોતું, ગોતું વાસે ઝૂંપડે;

બાઈ! મારાં તકદીરની ત્રોફનારી રે

એટલામાં ચાલી ગઈ કિયાં હો જી. - બાઈ! એક.

૧. જોગી ગોપીચંદની પીઠ : રાજમહેલના ચોકમાં ગૌડ બંગાળના યુવાન રાજા ગોપીચંદ નાહતા હતા. રાણીઓ અને મર્દન કરતી હતી. તે વખતે ઉપરના ગોખમાં બેઠેલી માતા મેનાવતી રડતી હતી. તેનું ઉનું આંસું ગોપીચંદની પીઠ પર પડ્યું. ચમકીને ઉંચું જોયુંઃ એણે માતાને રડતી દીઠી, કારણ પૂછ્યું. માએ કહ્યું, આવી કંચનવરણી કાયાનો આખરે નાશ થશે એ વિચારે આંસુ આવ્યાં, માટે એ નાશમાંથી બચવા ભેખ લઈને અમરત્વ પ્રાપ્ત કર. ને તેમાંથી જ ગોપીચંદને જોગી બનાવવાના સંજોગો પેદા થયા હતા. અહીં ગોપીચંદની પીઠ માતાનાં આંસુએ ઝરડેલી, કાંટા પેઠે ઉઝરડેલી કહી છે.

ર. લાડુડા=ત્રાજવા પાડવા માટે રંગનાં ટપકાં ૩. સુરતા =નજર. ૪. કાંકણી=કંકણ.

૧૯૪૦. જેણે આકાશની છાતીનો બરાબર મધ્ય ઉરભાગ છૂંદણે ટાંક્યો, જેણે પુરાતન પુરુષ રામચંદ્રના તકદીરમાં કીર્તિની વેલડીઓ ત્રોફી, રાજયોગી ભર્તૃહરિના લલાટમાં જ્ઞાનવૈરાગ્યનો અમર યશ ટાંક્યો, ને બાલુડા ગોપીચંદની પઠમાં તેની જનેતાનાં આંસુ વડે જગદ્વંદ્ય ભેખ ત્રોફ્યો, એવી એક નિગૂઢ વિદ્યાત્રીના હાથમાં નીલા રંગની કુલડી છે તો નાની, પણ એમાં એણે દરિયાના દરિયા ઘોળ્યા છે. માનવીને ફકત પોતે ત્રોફેલાં ત્રાજવાંનાં સુંદર નમૂના જ બતાવ્યા, પણ ન બતાવી એની સોય (એની સંતાપીતલ શક્તિ) કે જે વડે એણે કોઈકનું કલેજું ને કોઈકનાં કપાળ ત્રોફ્યાં છે. ખોલી ખોલીને એ બતાવે છે પોતાના કરુણોજ્જવળ કારમાં ત્રોફણો; ને...હાય, એનાં ત્રોફણાંનું કીર્તિસૌંદર્ય કામી લેવાની અણસબૂરીમાં માનવીને નજરે નથી પડતી ‘કમખામાં સંતાડેલ સોય’ નામની કૃર્તિ-ત્રોફણ કસોટી. વિધાતા છૂંદનારીની પાસેથી માનવીને રૂપ જોઈએ છે. પ્રસિદ્ધિ ખપે છે પણ કલેજાના મર્મભાગ ઉપરનાં, સાચા સંવેદનનો રંગ પકડતાં, તકદીરનાં ત્રોફણો ખમી ખાવાની તૈયારી નથી.

તલવારનો વારસદાર

(ઢાળ : ‘શેના લીધા, મારા શ્યામ, અબોલડા શાને લીધા રે!’)

ભેટ્યે ઝૂલે છે તલવારઃ

વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!

ભીંતે ઝૂલે છે તલવારઃ

બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!

મારા બાપુને બહેન! બે બે કુંવરિયા,

બે વચ્ચે પાડ્યા છે ભાગ;

૧હાં રે બેની! બે વચ્ચે પાડ્યા છે ભાગ,

વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!

મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડીઓ,

નાને માગી છે તલવાર

હાં રે બેની! નાને માગી છે તલવાર

- વીરાજી.

મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી,

નાનો ખેલે છે શિકાર - વીરાજી.

મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ,

નાનેરો ઘોડે અસવાર - વીરાજી.

મોટો કાઢે છે રોજ કાવા કસુંબલા,

નાનેરો ઘૂમે ઘમસાણ - વીરાજી.

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે,

નાનો ડુંગરડાની ધાર - વીરાજી.

મોટો મઢાવે વેઢ વીંટી ને હારલા,

નાનો સજાવે તલવાર - વીરાજી.

મોટાને સોહે હીર-ઝરિયાની આંગડી,

નાનાને ગેંડાની ઢાલ - વીરાજી.

મોટો સંતાય સુણી શત્રુના રીડિયા,

નાનેરો દ્યૈ છે પડકાર - વીરાજી.

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં,

નાનેરો ઝીંકે છે ઘાવર - વીરાજી.

મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો,

નાનેરો સૂતો સંગ્રામ - વીરાજી.

મોટેરે, માડી! તારી કૂખો લજાવી,

નાને ઉજાળ્યા અવતાર - વીરાજી.

મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં,

નાનાની ખાંભી પૂજાય - વીરાજી.

ભેટ્યે ઝૂલે છે તલવારઃ

વીરાજી કેરી ભેટ્યે ઝુલે રે!

ભીંતે ઝૂલે છે તલવારઃ

બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!

૧૯ર૮

વેણીનાં ફૂલ

(ઢાળ : ‘મારે ઘેર આવજો માવા, ઉનાં ઉનાં ઢેબરાં ખાવા’)

મારે ઘેર આવજે, બેની!

નાની તારી ગૂંથવા વેણી.

આપણા દેશમાં નીર ખૂટ્યાં ને

સળગે કાળ દુકાળ;

ફૂલ વિના મારી બેનડી! તારા

શોભતા નો’તા વાળ. - મારે.

બાગબગીચાના રોપ નથી, બેની,

ઉગતા મારે ઘેર;

મોગરા ડોલર જાઈ ચંબેલીની

મારે માથે નહી મ્હેર. - મારે.

રૂપ સુગંધી હું કાંઈ નો જાણું

ડુંગરાનો ગોવાળ;

આવળ બાવળ આકડા કેરી

કાંટ્યમાં આથડનાર. - મારે.

ડુંગરાની ઉંચી ટોચ ઉભેલાં

રાતડાં ગુલેનાર;

સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી

બેન સાટુ વીણનાર. - મારે.

પ્હાડ તણે પેટાળ ઉગેલાં

લાલ કરેણીનાં ઝાડ;

કેશૂડલાં કેરી વાંકડી કળીઓ

વીણીશ છેલ્લી ડાળ. - મારે.

ખેતર વચ્ચે ખોઈ વાળીને

ફૂલ ઝીણાં ખોળીશ;

વાગશે કાંટા દુઃખશે પાની

તોય જરીકે ન બ્હીશ. - મારે.

સાંજ વેળા મારી ગાવડી ઘોળી

આવીશ દોટાદોટ;

ગોંદરે ઉભીને વાટ જોતી બેની

માંડશે ઝૂંટાઝૂંટ. - મારે.

મોઢડાં નો મચકોડજે, બાપુ!

જોઈ જંગલનાં ફૂલ;

મોરલીવાળાને માથડે એ તો

ઓપતાં’તાં અણમૂલ. - મારે.

શિવ ભોળા, ભોળાં પારવતી એને

ભાવતાં દિવસરાત

તુંય ભોળી, મારી દેવડી! તુંને

શોભશે સુંદર ભાત. - મારે.

ભાઈ-ભાભી બેય ભેળાં બેસીને

ગૂંથશું તારે ચૂલ;

થોડી ઘડી પે’રી રાખજે વીરનાં

વીણેલ વેણી-ફૂલ!

મારે ઘેર આવજે બેની,

લાંબી તારી ગૂંથવા વેણી!

૧૯ર૮

નવી વર્ષા

મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે.

ઘરઘોર ઝરે ચહું ઓર, મારું મન મોર બની થનગાટ કરે.

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.

મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે.

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,

નદીયું નવજોબન ભાન ભૂલે,

નવ દીન કપોતની પાંખ ખૂલે.

મધરા મધરા મલકાઈને મેડક મેહસું નેહસું બાત કરે.

ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે.

મારા લોનમાં મદઘેન ભરે.

વન-છાંય તળે હરિયાળી પર

મારો આતમ લ્હેર-બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે.

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે,

ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે

ઉંભી મેઘ-મહોલ અટારી પરે!

અને ચાકચમૂર બે ઉર પરે

પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઉભેલ અરે!

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે!

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે!

એની સૂનમાં મીટ સમાઈ રહી,

એની ગાગર નીર તણાઈ રહી,

એને ઘેર જવા દરકાર નહીં.

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!

પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!

ઓલી કોણ હિંડોળ ચગાવત એક ફૂલ બકુલની ડાળ પરે,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે!

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,

દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,

શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે,

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!

મોર બની થનગાટ કરે

આજે મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજ,

નવ બાદલને ઉર આગ બૂઝે,

નદીપૂર જાણે વનરાજ ગુંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,

ઘનઘોર ઝરે ચહું ઓર, મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે.

ચહું ઓર = ચારે બાજુ. મધરા મધરા=ધીરે રવે. નેહસું=સ્નેહથી. બાત=વાત. ઘેઘૂર=ચકચૂર. ઓલી=પેલી. મોકળિયું=મોકળી, છૂટ્ટી (બહુવચન). ચાકમચૂર બે ઉર =મસ્ત બે સ્તનો. સૂન=શૂન્ય. નીંડોળ=ઠેલો. ગુંજે=ગરજે. દેવડીએ=દરવાજે.

૧૯૪૪. કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષામંગલ’માં ઘણું કરીએ ૧૯ર૦માં સાંભળેલું. અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઉતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઉજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઈ છે.

કોઈનો લાડકવાયો

(ઢાળઃ મરાઠી સાખીનો)

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવેઃ

ઘાયલ મરતાં મરતાં રે

માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,

શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,

મુખથી ખમા ખમા કરતી

માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઉમટતા રણજોદ્ધા જોવાને,

શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાનેઃ

નિજ ગૌરવ કરે ગાને

જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,

છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલોઃ

અણપૂછ્યો અણપ્રીછેલો

કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી,

એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવીઃ

કોઈના લાડકવાયાની

ન કોઈએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,

સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતીઃ

કોઈના લાડકવાયાની

આંખડી અમૃત નીતરતી.

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,

આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાંઃ

આતમ-દીપક ઓલાયા,

ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,

હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજોઃ

પાસે ધૂપસળી ધરજો,

કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,

એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરેઃ

સહુ માતા ને ભગિની રે!

ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયાં એ જુલ્ફાંની મગરૂબ હશે કો માતા,

એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતાઃ

રે! તુમ ચુંબન ચોડાતાં

પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,

એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,

ઉરની એકાન્તે રડતી

વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરતા,

એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતાઃ

વસમાં વળામણાં દેતા,

બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,

જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,

અધબીડ્યાં બારણિયાંથી

રડી કો હશે આંખ રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,

એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢેઃ

કોઈના લાડકવાયાને

ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,

એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;

લખજોઃ ‘ખાક પડી આંહી

કોઈના લાડકવાયાની.’

૧૯૩૦. કારાવાસમાં. સાબરમતી જેલમાં અબ્બાસ સાહેબની વિદાયની સાંજરે સ્નેહ-સંમેલનમાં શ્રી દેવદાસ ગાંધીએ જૂન રોયલ રીડરમાંથી મેરી લા કોસ્ટે નામનાં કોઈ અજાણ બાઈનું રચેલું કાવ્ય ‘સમબડીઝ ડાર્લિંગ’ વાંચી સંભળાવેલું. તેણે પેદા કરેલા મંથનનું પરિણામ. અત્યારના આપણા સમયને અનૃરૂપ ભાવ આપેલો છે. મારી આંખોના ખીલ ઠોલાવેલાં તે દિવસે જ લગભગ આંધળા આંધળા લખેલું હતું. મારું ઘણું જ લાડકવાયું ગીત, મારા કંઠના મુકરર સૂરોમાંથી જ ઉદ્‌ભવેલું અને એ જ સૂરો વડે સતત સીંચાયેલું, તેને જ્યારે હું કાલીંગડા અને મરાઠી સાખીના મૂળ સૂરને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું, ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના મને થાય છે.

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ -

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા

પીધો કસુંબીનો રંગ;

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ

પામ્યો કસુંબીનો રંગ. - રાજ.

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં

ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ

ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ.

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં

ભભક્યો કસુંબીનો રંગ - રાજ.

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં

મહેક્યો કસુંબીનો રંગ. - રાજ.

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર

ચાખ્યો કસુંબીનો રંગ. - રાજ.

વહાલી દિલદારાના પગની મેંદી પરથી

ચૂમ્યો કસુંબીનો રંગ. - રાજ.

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ

ગાયો કસુંબીનો રંગ;

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે

પાયો કસુંબીનો રંગ. - રાજ.

પીડિતની આંસુડાધારે-હાહાકારે

રેલ્યો કસુંબીનો રંગ;

શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે

સળગ્યો કસુંબીનો રંગ. - રાજ.

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે

છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે

મલકાયો કસુંબીનો રંગ. - રાજ.

ઘોળી ઘોળી પ્યાલા ભરિયાઃ રંગીલાં હો!

પીજો કસુંબીનો રંગ;

દોરંગાં દેખીને ડરિયાંઃ ટેકીલાં હો!

લેજો કસુંબીનો રંગ! - રાજ.

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -

લાગ્યો કસુંબીનો રંગ.

‘યુગવંદના’નું પ્રારંભગીત : ૧૯૩૪. સોરઠમાં ને ગુજરાતમાં નવવધૂની કસુંબલ ચૂંદડી. શૌર્ય પ્રેમની કસુંબલ આંખ, બહારવટિયાનાં ‘લાલ કસુંબલ લૂગડાં’ અને ‘ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમશૌર્યઅંકિત’ એ કવિ નર્મદની ગીતપંક્તિ પ્રચલિત છે. સુગંધે મહેકતો, ન ભડકા જેવો કે ન આછો, પણ લાલપમાં કાળાશ ઘૂંટી કરેલો હોય તેવો આ કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે. જીવનનો પણ એવો જ કસુંબલ રંગઃ હૃદયના સર્વ ભાવો જેમાં નિચાવાયા હોય તેવો રંગ જીવનકસુંબીનો. એવી સકલ ઉર્મિઓના રંગે રંગાયેલા કોઈ વિરલાને નિર્દેશી રચ્યું છે.

ઉભાં રો’, રંગ વાદળી!

(ઢાળ : ‘‘સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર ઉભા રો’, રંગ રસિયા!’’)

લીલા છે મોર કાળી વાદળી રે

એક વાર ઉભાં રો’, રંગ વાદળી!

વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે

એક વાર ઉભાં રો’, રંગ વાદળી!

ઝૂરે બાપૈયાઃ ઝૂરે ઝાડવાં રે - એક વાર.

તરસ્યા નદીઓ તે કેરા તીર રે - એક વાર.

ઝાઝા દા’ડાના દીધા વાયદા રે - એક વાર.

બેઠાં આશાએ બાર માસ રે - એક વાર.

ઉંચા આકાશની અટારીએ રે - એક વાર.

ઉભાં શાને વિખેરી વેણ્ય રે - એક વાર.

ઓઢી છે ઈંદ્ર-ધનુ ઓઢણી રે - એક વાર.

મેલ્યા બે છેડલા ઢળંત રે - એક વાર.

આષાઢી બીજની આડ્યો કરી રે - એક વાર.

તારાની ટીલડી લલાટ રે - એક વાર.

કાંડે તે વીજ કેરી કાંકણી રે - એક વાર.

વાદળ-ગંગાનો ગળે હાર રે - એક વાર.

લાંબા તે કાળની વિજોગણી રે - એક વાર.

કાઢો છો કોને કાજ દોટ રે - એક વાર.

જળ રે દેવીની તમેદીકરી રે - એક વાર.

દાદા રૂડા તે રવિ ભાણ રે - એક વાર.

જનનીની પ્રીત ક્યમ વીસર્યા રે. - એક વાર.

દાદાના તાપ શે સે’વાય રે - એક વાર.

આવો આકાશની અધીશ્વરી રે - એક વાર.

પૃથ્વીના પંખીડાં પોકારે રે - એક વાર.

ટાંપી ટાંપીને મોર ટૌકિયા રે - એક વાર.

આવો, અમીની ભરેલ બેન રે - એક વાર.

ફૂલમાળ

(ઢાળ : ‘તોળી રાણી! તમે રે ચંપો ને અમે કેળ્ય’)

વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,

રોપાણાં ત્રણ રૂખડાં૧ હો...જી.

વીરા- એની ડાળિયું અડી આસમાનઃ

મુગતિનાં ઝરે ફૂલડાં હો...જી.

વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીરઃ

ઈંધણ તોય ઓછાં પડ્યાંર હો...જી

વીરા મારા! સતલજ નદીને તીર,

પિંજર પૂરાં નો બળ્યાં હો...જી

વીરા! તારી ચિતામાં ધમધખતી વરાળ

નવ નવ ખંડે લાગિયું હો...જી;

વીરા! તારી નહિ રે જંપે પ્રાણઝાળઃ

ઠારેલી ભલે ટાઢિયું હો...જી.

વીરા! તારા પંથડા વિજન ને અઘોરઃ

ઓરાણો તું તો આગમાં હો...જી;

વીરા! તારા વસમ જિગરનાં જોરઃ

લાડકડા! ખમા ખમા હો...જી.

વીરા! તારે મુખલડે માતાજી કેરાં દૂધ,

ધાવેલાં હજી ફોરતાં હો...જી;

વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત,

જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી.

વીરા! તારા ગગને ઉછળતા ઉલ્લાસ,

દુનિયાથીદૂરે દોડવા હો...જી;

વીરા! તારે અચળ હતા વિશ્વસ,

જનમીને ફરી આવવા હો...જી.

વીરા! તારે નો’તા રે દોખી૩ ને તો’તા દાવ૪

તરસ્યોયે નો’તો રક્તનો હો...જી.

વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ,

માભૂમિ કેરા ભક્તનો હો...જી.

વીરા! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળઃ

પે’રીને પળ્યો પોંખણે હો...જી;

વીરા! તારું વદન હસે ઉજમાળ

સ્વાધીનતાને તોરણે હો...જી.

૧. ત્રણ રૂખડાં=ત્રણ વૃક્ષોઃ ત્રણ જણાને ફાંસી આપી સતલજ નદીને કિનારે બાળેલા.

ર. ઈંધણ તોય ઓછાં પડ્યાં...પિંજર પૂરાં નો બળ્યાં = ઘાસલેટ છાંટીને બાળ્યા છતાં તેમનાં મૃતદેહનું પૂરું દહન ન થયું હોવાની ફરિયાદ હતી.

૩. દોખી= દુશ્મન

૪. દાવ=વિરોધી.

૧૯૩૧. સ્વ. ભગતસિંહને ફાંસી અપાઈ તેની વેદનાને વહેતું ભજન.

ચારણ કન્યા

સાવજ ગરજે!

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિગરજે

કડ્ય પાતળિયો જોદ્ધો ગરજે

મોં ફાડી માતેલોગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે!

ક્યાં ક્યાં ગરજે?

બાવળનાં જાળામાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઉગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે!

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે

આંખે ઝબૂકે!

કેવી એની આંખ ઝબૂકે!

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઉગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઉભું મોત ઝબૂકે

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચાં ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઉઠે!

બડકંદાર બિરાદર ઉઠે

ફરસી લેતો ચારણ ઉઠે

ખડગ ખેંચતો આહીર ઉઠે

બરછી ભાલે કાઠી ઉઠે

ઘર ઘરમાંથી માટી ઉઠે

ગોબો હાથ રબારી ઉઠે

સોટો લઈ ઘરનારી ઉઠે

ગાય તણા રખવાળો ઉઠે

દૂધમલા ગોવાળો ઉઠે

મૂછે વળ દેનારા ઉઠે

ખોંખારો ખાનારા ઉઠે

માનું દૂધ પીનારા ઉઠે

જાણે આભ મિનારા ઉઠે!

ઉભો રે’જે!

ત્રાડ પડી કે ઉભો રે’જે!

ગીરના કુત્તા ઉભો રે’જે!

કાયર દુત્તા ઉભો રે’જે!

પેટભરા! તું ઉભો રે’જે!

ભૂખમરા! તું ઉભો રે’જે!

ચોર-લૂંટારા ઉભો રે’જે!

ગા-ગોઝારા ઉભો રે’જે!

ચારણ-કન્યા!

ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદશ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો!

સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મુછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!

૧૯ર૮. ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઈ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂકયો હતો.

‘‘તુળસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા, ત્યાં રીડ થઈ. સાવજ ડણક્યો. હાકોટા થાવા માંડ્યા. રોળકોળ વેળા થઈ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઈ કરી એક ચારણ બાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. વીસેક જણા હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની યે ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણકન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ સાવજને આવાવ ન દીધી.... એ વખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.’’(દુલા કાગ)

સૂના સમદરની પાળે

(દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે. સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે એક જ જીવતો સાથી ઉભો છે. મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.)

સૂના સમદરની પાળે

રે આઘા સમદરની પાળે,

ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે

સૂના સમદરની પાળે

નો’તી એની પાસ કો માડી,

રે નો’તી એની પાસ કો બેનીઃ

વ્હાલાના ભાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે

સૂના સમદરની પાળે

વેગે એનાં લોહી વ્હેતાં’તાં

રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,

બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઉભો રે

સાથી સમદરની પાળે

ઝૂકેલા એ વીરને કાને

રે એકીલા એ વીરને કાને,

ટૂંપાતી જીભનાં ત્રૂટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે

સૂના સમદરની પાળે

વીરા!મારો દેશડો દૂરે,

રે વીરા! મારું ગામડું દૂરે,

વાલીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે

સૂના સમદરની પાળે

એ ને એંધાણી કે’જે

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે

સૂના સમદરની પાળે

લીલૂડા લીંબડા હેઠે

રે લીલૂડા લીંબડા હેઠે

ભેળા થૈ પૂછશે ભાંડું, રણઘેલૂડો કેમ રોકાણો રે

સૂના સમદરની પાળે

માંડીને વાતડી કે’જે

રે માંડીને વાતી કે’જે

ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે

સૂના સમદરની પાળે

કે’જે સામા પાલ ભીડન્તા

રે કે’જે સામા ઘાવ ઝીલન્તા

ઉભા’તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે

સૂના સમદરની પાળે

કે’જે એવાં જુદ્ધને જોતો

રે કે’જે એવા જુદ્ધને જોતો

ઉગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે

સૂના સમદરની પાળે

કે’જે ભાઈ!આરતી-ટાણે

રે કે’જે, ભાઈ! ઝાલરું-ટાણે

લાખેણા વીરની સો સો લોથ સૂતી સંચારવિસામે રે

સૂના સમદરની પાળે

કે’જે એવે શોભતે સાથે,

રે કે’જે એવે રૂડલે સાથે,

પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઉગતે જોબન મીટ માંડીને રે

સૂના સમદરની પાળે

કે’જે એવા ભાંડરુ ભેળો

રે કે’જે એવા મીંતરું ભેળો,

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમસું પોઢ્યો રે

સૂના સમદરની પાળે

બીજું મારી માતને કે’જે

રે બીજું મારી માતને કે’જે,

રોજો મા, માવડી મોરી! ભાઈ મોટેરા પાળશે તુંને રે

સૂના સમદરની પાળે

માડી! હું તો રાન-પંખીડું

રે માડી! હું વેરાન-પંખીડુંઃ

પ્રીતિને પીંજરે મારો જંપિયો નો’તો જીવ તોફાની રે

સૂના સમદરની પાળે

માડી! મેં તો બાપને ખોળે

રે માડી! મેં તો બાપને ખોળે,

બેસીને સાંભળ્યા સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણા રે

સૂના સમદરની પાળે

બાપુ કેરે મોત-બિછાને

રે બાપુ કેરે મોત-બિછાને,

વ્હેંચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે

સૂના સમદરની પાળે

ભાઈયું મારા સોનલાં માગે

રે ભાઈયું મારા રૂપલાં માગે,

માગી’તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે

સૂના સમદરની પાળે

દા’ડી એને ટોડલે ટાંગી

રે દા’ડી એને ટોડલે ટાંગી,

સંધ્યાનાં તેજસું રૂડી ખેલતી જોતો બાળ હું ઘેલો રે

સૂના સમદરની પાળે

એવાં એવાં સુખ સંભારી

રે એવાં એવાં સુખ સંભારી,

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે

સૂના સમદરની પાળે

ત્રીજું મારી બે’નને કે’જે

રે ત્રીજું મારી બે’નને કે’જે.

બેની બા! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજે મા રોજા રે

સૂના સમદરની પાળે

સામૈયાની શોભતી સાંજે

રે સામૈયાની શોભતી સાંજે,

બેનીબા! વીરવિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે

સૂના સમદરની પાળે

જેવંતા એ રણજોદ્ધાને

રે જેવંતા એ રણજોદ્ધાને,

ઉભાડી આપણે આંગણ, ઉજળાં મોંનાં મીઠડાં લેજો રે!

સૂના સમદરની પાળે

જોજે બેની! હામ નો ભાંગે

રે જોજે બેની! વેદના જાગે,

તુંયે રણબંકડા કેરી બેનઃ ફુલાતી રાખજે છાતી રે!

સૂના સમદરની પાળે

બેની! કોઈ સોબતી મારો

રે બેની! કોઈ સોબતી મારો,

માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે

સૂના સમદરની પાળે

બેની મારી, ફાળ મા ખાજે!

રે બેની!ઝંખવૈશ મા લાજે!

માયાળુ! મન કોળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!

સૂના સમદરની પાળે

બેનીબા! આ તેગ બાપુની

રે બેનીબા! આ તેગ બાપુની,

ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે

સૂના સમદરની પાળે

એવાં વા’લાં ધામ સંભારી

રે એવાં મીઠાં નામ સંભારી,

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે

સૂના સમદરની પાળે

બંધુ મારા! એક છે બીજી

રે બંધુ મારા! એક છે બીજી,

તોફાની આંખ બે કાળીઃ ઓળખી લેજે એ જ એંધાણે રે

સૂના સમદરની પાળે

બંધુ! એનું દિલ મસ્તાનું

રે બેલી! એનું દિલ મસ્તાનું,

મસ્તાના ફૂલ-હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાવું રે

સૂના સમદરની પાળે

કે’જે એને રાત આ છેલ્લી

રે કે’જે એને વાત આ છેલ્લી,

કે’જે કે ચાંદલી આઠમ રાતના ઉડ્યાં પ્રેમ-પંખેરું રે

સૂના સમદરની પાળે

કે’જે મારું સોણલું છેલ્લું

રે કે’જે મારું સોણલું છેલ્લુંઃ

રેવાને કાંઠડે આપણ જોડલે ઉભાં દિન આથમતે રે

સૂના સમદરની પાળે

રેવા ઘેરાં ગીત ગાતી’તી

રે રેવા ઘેરાં ગીત ગાતી’તી,

ગાતાં’તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે

સૂના સમદરની પાળે

શીળી એવી સાંજને હૈયે

રે મીઠી એવી સાંજને હૈયે,

ડોલરિયા ડુંગરા દેતા ઘોર હોંકારા આપણે ગાને રે

સૂના સમદરની પાળે

પ્હાડેપ્હાડ આથડ્યાં ભેળાં

રે ખીણેખીણ ઉતર્યા ભેળાં,

કે તારી આંખડી પ્યાસી શુંય પીતી’તી મુખડે મારે રે!

સૂના સમદરની પાળે

કૂણી તારી આંગળી કેરા

રે કૂણી તારી આંગળી કેરા

ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે

સૂના સમદરની પાળે

એવાં એવાં સોણલાં જોતો

રે એવાં એવાં સોણલાં જોતો

રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે

સૂના સમદરની પાળે

લાગ્યો એનો કંઠ રૂંધાવા

રે લાગી એની જીભ ટૂંપાવા,

ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે

સૂના સમદરની પાળે

સાથી એની આગળ ઝૂકે

રે સાથી એનું શિર લ્યે ઉંચે;

બુઝાણો પ્રાણ-તિખારો, વીર કોડાળો જાય વિસામે રે

સૂના સમદરની પાળે

ચાલી આવે આભમાં ચંદા

રે ચાલી આવે આભમાં ચંદા,

ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે

સૂના સમદરની પાળે

ઠારોઠાર ખાંદણાં રાતાં

રે લારોલાર ઢૂંઢ ને માથાં;

કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઉભી રે

સૂના સમદરની પાળે

ઉભી ઉભી ન્યાળતી આઘે -

રે ઉભી ઉભી ન્યાળતી આઘે,

રોજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે

સૂના સમદરની પાળે

૧૯૩૦. કારાવાસમાં. જૂની રોયલ રીડરમાંથી મળેલા કેરોલીન શેરીડાન નોર્ટનના અંગ્રેજી કથાગીત ‘બીન્જન ઓફ ધ ર્‌હાઈન’ પરથી. જર્મનીના પ્રાણસમી ર્‌હાઈન નદીને બદલે ગુજરાતી હૃદયધારા રેવા - નર્મદા - ને બેસારેલ છે. પણ રાજેસર ગામ તો કેવળ કલ્પિત જ છે.

છેલ્લી સલામ

(ઢાળ : ‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ’ - એ ભજનનો)

સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે,

ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી!

મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને

રુદિયામાં રાખી અમને રે’જો હો...જી!

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,

પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી -

એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,

દિલડાનાં ડુંગર સળગ્યા - ઠરશે ન જી!

સો-સો રે સલામું.

કીધાં ખાખ ખાંડવવનને૧ પાંડું તણા પુત્રે તે દી

નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જીઃ

આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં,

પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી

- સો સો રે સલામું.

રઘુપતિર રામ મારા રુદાનો વિસામો - એણે

ઋષિઓને વચને ખાધેલ પોટ્યું હો...જી

પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે

એનું ઘોર પઅતક આજે ઉમટ્યું હો...જી!

- સો સો રે સલામું.

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને

અસૂરો કહીને કાઢ્યા વનવાસ જીઃ

જીવતાં ને કાજે જુદી નરકું બંધાવિયું, ને

સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.

- સો સો રે સલામું.

સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,

કુડિયા ગુરુની કૈં કૈં કરામાત જીઃ

એની૩ તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને

ભાડું કેરે રગતે રંગી ભલી ભાત જી.

- સો સો રે સલામું.

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને

ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો...જીઃ

રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા’લાં

હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.

- સો સો રે સલામું.

રથના સારથિડા - સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,

કડાકા કરે છે રથની ધરીઓ હો...જીઃ

જુઓ જુઓ જુગનો ભેરવ ઉભો વાટ ખાળી આજે,

ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો..જી.

- સો સો રે સલામું.

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને

ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જીઃ

સતને ત્રાજવડે૪ મારાં કલેજાં ચડાવિયાં મેં,

શીશ તો નમાવ્યું શાસનદંડે હો...જી

- સો સો રે સલામું.

હરિ કેરાં તેડાં અમને - આવી છે વધામણી રે,

દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;

હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લા!

રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી!

- સો સો રે સલામું.

૧. અૂજેન ખાંડવવન સળગાવીને સર્પોને નહિ, પણ ‘નાગ’ નામની અનાર્ય માનવજાતિને ભસ્મીભૂત કરી હતી - કેવળ એ આદિ-નિવાસીઓનો પ્રદેશ પચાવી પાડવા સારુ જ.

ર. બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યોકે શમ્બૂક નામના એક શુદ્રે તપશ્ચર્યા માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો.

૩. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે - એ ભાવાર્થ.

૪. મહાત્માજીના શબ્દોઃ ‘આઈ હેવ લેઈડ ડાઉન માય લાઈફ ઈન ધ સ્કેઈલ્સ ઓફ જસ્ટિસ’.

૧૯૩૩. બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ યરોડા જેલમાં અનશન વ્રત લીધું ત્યારે. આ ગાંધીજીને મોકલ્યું હતું તેના જવાબમાં એમનું એક પત્તું મળેલું કે ‘તમારી પ્રસાદી મળી. કવિતા સમજવાની મારી શક્તિ નહિ જેવી છે. પણ તમે મને ગોળમેજીમાં જતી વખતે જે પ્રસાદી (‘‘છેલ્લો કટોરો’’)મોકલેલી તે મને બહુ ગમેલી. તેની જોડે હું આને મૂકી શકતો નથી.’

છેલ્લી પ્રાર્થના

(ઢાળ : ‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ’ - એ ભજનનો)

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાંનાં રુધિરને જીવતાંનાં આંસુડાંઓઃ

સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિઃ આમીન કે’જે!

ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!

વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!

અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું -

અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!

દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઉભેલું.

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,

ખબર છે આટલી કે માતની હાકલ પડી છે,

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છેઃ

ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,

જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,

જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારાઃ

સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી - આપ દીવો લૈ ઉભા જો!

ભલે રણમાં પથારી - આપ છેલ્લાં નીર પાજો!

લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!

મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઉંચા આપણા આશા-મિનારા,

હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા;

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

૧૯૩૦. આયરિશ વીર સ્વ. મેક્સ્વીનીના એક ઉદ્‌ગાર પરથી સૂઝેલું. સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મારા પર પાયા વગરના આરોપસર મુકદ્‌મો ચાલેલો, ત્યારે, બે વર્ષની સજા કરનાર મેજિસ્ટ્રેટ મિ. ઈસાણીની ધંધુકા ખાતેની અદાલતમાં એમની અનુજ્ઞાથી ગાયેલું તે.

‘સૌરાષ્ટ્ર’ના તા. ૩-પ-૧૯૩૦ના અંકમાં પ્રગટ થયેલો ધંધુકાની અદાલતનો અહેવાલઃ

શ્રી મેઘાણીએ પોતાનું નિવેદન વાંચ્યું...ત્યારબાદ તેમણે કોર્ટની પરવાનગી માગી કે ‘મારે એક પ્રાર્થના ગાવી છે, પરવાનગી હોય તો ગાઉં. કોર્ટે રજા આપી. શ્રી મેઘાણીની છાતીના બંધ આજે તૂટી ગયા હતા. આર્તસ્વરે એમણે પ્રાર્થના ગાઈઃ

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓઃ

સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુઓ!’

...જેમ જેમ પ્રાર્થના આગળ ચાલી, તેમતેમ એ માનવમેદની પૈકીની સેંકડો આંખો ભીની થવા માંડી. અને એ પ્રાર્થના માંડ અડધી ગવાઈ - ગવાઈ નહીં પણ શ્રી મેઘાણીનો આર્તનાદ અડધો સંભળાયો, ત્યાં તો સેંકડો ભાઈબહેનોની આંખો રૂમાલ, પહેરણની ચાળો અને સાળુના પાલવો નીચે છુપાઈ, અને પછી-

પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું -

એ પંક્તિઓ આવી ત્યાં તો કોર્ટનો ઓરડો, ઓરડાનાં દ્વારોમાં ખડકાયેલાં ને ચોમેર ઓસરીમાં ઉભેલાં ભાઈ-બહેનોનાં ડૂસકાં પથ્થરને પણ ચીસો પડાવે તેવી રીતે હીબકવા લાગ્યાં ને પછી તો મોંછૂટ રુદનના સ્વરો ગાજવા માંડ્યા અને છેલ્લે

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

એ પંક્તિઓ આવી (એ પછી) શ્રી મેઘાણી...પોતાના આસને બેઠા, ત્યારે તો ખરેખર એ માનવ-મેદની રોતી જ હતી. દસેક મિનિટ તો કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોથી કંપતું રહ્યું.

ધંધૂકાની અદાલત એ પ્રસંગ

ધીમાં ધીમાં લોચન ખોલો

(‘ગરનારીના ઉતારા રે ભાઈ! વેલાના ઉતારા’-એ ભજન-ઢાળ)

હળવાં હળવાં લોચન ખોલો

ધીમાં ધીમાં લોચન ખોલો રે

સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.

ભમ્મરથી ભૂકમ્પોને ખેરજો હો જી.૧

દેવા! પાંપણને સૂપડલે

સ્વામી! પાંપણને સૂપડલે રે

સોજો ધરતીનાં કસ્તર ઝાટકી હો જી.

મીટુંમાં માંડો, માલિક! ત્રાજવાં હો જી.ર

ત્રણે ખંડોને લ્યો તોળી

ચૌદે બ્રહ્માંડોને તોળી રે

સાંધણ નવ રાખો એકે વાલનાં હો જી.

દૃગ રે ટાડી ને હેમાળે ભરીહો જી.૩

દીઠે દાવાનળ ચેતાવ્યા

ચોગમ હુતાશન ચેતાવ્યા રે

સળગ્યા સિંધુ ને સળગ્યાં સાયરાં હો જી.૪

ભીતર ભોરિંગો ફૂંફાડે

જાગ્યા વસંગી ફૂંફાડે રે

ભાગ્યા વાદીને ભાગ્યાગારુડી હો જી.

ભીડી પલાંઠી અવધૂ બેસિયા હો જી.

એનાં અણચલ છે યોગાસન

એનાં મૂંગાં મૂંગાં શાસન રે

શબદ વિણ, હાકમ! સત્તા હાલતી હો જી.

કેને નવ મેલ્યા કેને મેલશે હો જી.

સ્વામી સૌનાં લેખાં લેશે રે

વારાફરતી લેખાં લેશે રે

ખાતાં સૌ સૌનાં ખતવી રાખજો હો જી.

સંહારના સ્વામી! તારોવાંક શો હો જી.

તમને ઢંઢોળી જગાડ્યા

ધૂણી ધફોડી જગાડ્યા રે

જગવણહારાને જુગતે ઝાલજો હો જી.

સંહારના સ્વામી! તુંને વંદના હો જી.

તું છો શિવ અને છો સુંદર

તું છો સત્ય અને છો મંગળ રે

આખર તોએવા રૂપે રાજ્જો હો જી.

ઘેરાં ઘેરાં લોચન ખોલો

ગાઢાં પાંપણનાં પડ ખોલો રે

સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.

૧. ‘ભમ્મર’ : સંહાર-સ્વરૂપ વિરાટનો ભ્રૂભંગ થાય તો ભૂકમ્પો ચાલે. એની પાંપણ હલે તે જાણે વિરાટનું સૂપડું સોવાઈને સૃષ્ટિરૂપી અન્ન ઝટકાઈને મહીંથી પાપ-દુષ્ટતા રૂપી ફોતરી-કાંકરી ઝટકાઈ જુદી પડે.

ર. ‘મીટુંમાં માંડો...’ઃ એની નયન-મીટને વિરાટ તુલા કલ્પી છે. એમાં ચૌદ બ્રહ્માંડોનું વજન તોળાય છે. સાંધણ=બેઉ પલ્લાં વચ્ચે અણસમતોલતા.

૩. દૃગ રે ટાઢી...ઃ એની દૃષ્ટિ હિમાચલ-શી શીતળ છે છતાં એ દૃષ્ટિપાત થતાં તોદરિયામાં પણ આગ લાગે છે. એ તો આજના મહાયુદ્ધનું તાદૃશ સત્ય છે. ૪. ધણી=માલિક. ભોરિંગો ને વાસંગીઃ લોકક્ષય કરનાર હિંસાવૃત્તિઓ રૂપી ફણીધર સાપો ને વાસુકિઓ; એને વશ રાખવાનો દાવો કરનારા શાસકો ને રાજનીતિજ્ઞોરૂપી વાદીઓ ને ગારુડીઓ.

૧૯૪૦. દેવીપ્રસાદ રાયધૌધૂરીની. ‘મોડર્ન રિવ્યૂ’ના જુલાઈ ૧૯૪૦ના અંકમાં આવેલી, શિલ્પકૃતિ ‘શિવ, ધ ડિસ્ટ્રોયર’ (ધ્વંસેર દેવતા) પરથી.

દાદાજીના દેશમાં

હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં,

પ્રેમસાગર પરભુજીના દેશમાં. - હાં રે.

મધુર મધુર પવન વાય,

નદીગીતો કૈં ગાય,

હસી હોડી વહી જાય,

મારા માલિક રાજાજીના દેશમાં. - હાં રે.

સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,

નાગ-કન્યાના મ્હેલ રૂડા આવશે,

એની આંખોમાં મોતી ઝરતાં હશે,

હાં રે દોસ્ત! હાલો મોતીડાંના દેશમાં. - હાં રે.

સાત વાદળ વીંધીને વ્હાણ લઈ જશું,

ત્રીશ કોટિ તારાની સાથ ખેલશું,

ચંદ્ર સૂરજ ખીસામાં ચાર મેલશું,

હાં રે દોસ્ત! હાલો ચાંદરડાંના દેશમાં. - હાં રે.

સમી સાંજે દાદાને દેશ પ્હોંચશું,

એના પાંખાળા ઘોડા ખેલાવશું,

પછી પરીઓને ખોળે પોઢી જશું,

હાં રે દોસ્ત! હાલો એ પરીઓના દેશમાં. - હાં રે.

ભલે હોય ઘણું તાણ

ભલે ઉઠે તોફાન

આજ બનશું બેભાન

થવા દાખલ દાદાજીના દેશમાં!

હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં

પ્રેમસાગર પરભુજીના દેશમાં

૧૯રર.

સંપાદિત લોકગીતો

બંગલો

અડવડ દડવડ નગારાં વાગે,

હર હર ગોમતી ગાજે રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે ઈંટું મંગાવી.

ઈંટુંના ઓરડા ચણાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે સોપારી મંગાવી,

સોપારીની પૂરણી પુરાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે કંકુ મંગાવ્યાં

કંકુની ગાર્યું કરાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે લવિંગ મંગાવ્યાં

લવિંગનાં જાળિયાં મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે એળચી મંગાવી,

એળચીની બારિયું મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

સ્વપનાં

(સાસરિયાના કુટુંબ-સુખથી વંચિત એવી કોઈ અતિ દુખિયારીએ અથવા તો લગ્નજીવનના ઉમળકા અનુભવતી કુમારિકાએ સ્વપ્નસૃષ્ટિ (ડે ડ્રિમિંગ) સરજી દીસે છે. સસરાને ભવ્ય ડુંગર સ્વરૂપે દેખ્યો. એ ડુંગરામાંથી નીસરતી સ્નેહ-સરિતામાં સાસુજીને નાહતાં કલ્પ્યાં. કુટુંબને રસકસ વડે પોષનારા જેઠનેવલોણાની ઉપમા દીધી. અનેવડીલપદે બેઠેલાં જેઠાણીને એ રસકસમાંથીમોટો હિસ્સો માણતાં આલેખ્યાં. દિયર તો હંમેશાં ઝીણકો ને જરા તીખો, લવિંગની લાકડી જેવડો અને દેરાણી તો નાનું બાળ એટલે ઢીંગલેપોતિયે જ રમતીહોયઃ નણંદનો પતિ તો જોગી સરીખો દેશાટને ભટકતો હોય અને પિયરમાં રહેતીલાડકવાયી નણંદ તો સોનાની થાળીમાં જ જમે. પોતાના ગુરુજીને પારસ-પીપળાની પવિત્રતા અર્પી.ગુરુ-પત્નીને તુળસીનો ક્યારે પૂજતાં કલ્પ્યાં. અને સુખી જીવનની છેલ્લી ટોચ તો બીજી કઈ હોય! પતિને ગુલાબના ટોટા જેવા કલ્પે છે. અને એ ફૂલની ફોરમો પોતે પોતાની સૌભાગ્ય-ચૂંદડીમાંથી મહેકતી કલ્પે છે.)

આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,

ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે

આજ રે સ્વપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો,

દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,

ઢીંગલા૧ ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે

આજ રે સ્વપનામાં મે ંતો જટાળો જોગી દીઠો જો,

સોનાની થાળીર રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે ં તો પારસપીપળો દીઠો જો,

તુળસીનો ક્યારો રે સાહેલી મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો,

ફૂલડિયાંની ફોર્યું૩ રે, સાહેલી, મારા સ્વપનામાં રે

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,

ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો,

દહીં-દૂધના વાટકા૪ રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,

ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,

સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.પ

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો,

તુળસીનો ક્યારો રેગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,

ફૂલડિયાંની ફોર્યું,૩ સાહેલી, મારી ચૂંદડીમાં રે.

૧ બીજો પાઠ : ‘ટાચકડા ચૂસણિયું...’ ર. બીજો પાઠ : ‘ઘીવડિયાની વાઢી...’

૩. બીજો પાઠ : ‘અત્તરની શીશી’ ૪. બીજો પાઠ : ‘માખણને વાટકડે’ પ. નણંદ-નણદોઈવાળા ચોથા સ્વપનાને આમ પણ ગવાય છ

આજ રે સ્વપનામાં મેં તો ગોખલામાં ગોરબાઈ દીઠાં જો,

વાડીનો વાંદરો રે સાહેલી મારા સ્વપનામાં રે.

નૈ જાવા દઉં ચાકરી રે

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે!

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,

કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! - આભમાં.

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે,

કે ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! - આભમાં.

તમને વા’લી દરબારી ચાકરી રે,

કે અમને વા’લો તમારો જીવ

ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે! - આભમાં.

રિસામણાં

(અજવાળી રાતે ગોરી રાસડા રમવા ગયાં. મોડું થયું. સ્વામીને એકલાં ન ગોઠ્યું. સીધેસીધા તો શી રીતે બોલાવાય? એટલે ચાકરીએ જવું છે એવું બહાનું કાઢીને તેડાવી. ગોરી જાણે છે કે જૂઠું બહાનું છે. હૈયે ખાતરી છે એટલે નથી જતી. ત્યાં તો સાચેસાચ સાયબોજી રિસાઈને ચાકરીએ ચાલ્યા. રાસડો વીંખાયો. દોડીને સ્વામીની ઘોડીની લગામ પકડી. ‘રજપૂતાણી છુંઃ જવાની ના નથી પાડતીઃ જાવ ભલેઃ પણ અબોલે નહિ.’ રજપૂત ન માન્યો. અબળાને બળ શું? રિસાયેલા કંથને રીઝવવાનો એક ઈલાજઃ પોતાના વસ્ત્રાભૂષણની પસંદગી એની કને કરાવવી. ‘ચૂંદડીનાં મૂલ કરો’ઃ ‘ના,ના.’ઃ ‘અરે પણ તમારા વિના બોલીશ કોની સાથે?’ મહેણાનું છેલ્લું તીર કાળજમાં મારીને રજપૂત ચાલ્યો ગયો.)

આવી રૂડી અંજવાળી રાત,

રાતે તે રમવા સાંચર્યા રે માણારાજ.

રમ્યાં રમ્યાં પો’ર બે પો’ર,

સાયબોજી તેડાં મોકલે રે માણારાજ.

ઘેરે આવો ઘરડાની નાર!

અમારે જાવું ચાકરી રે માણારાજ.

આવો રૂડો સૈયરુંનો સાથ

મેલીને, સાયબા, નહીં આવું રે માણારાજ.

સાયબાજીને ચડિયલ રીસ,

ઘોડે પલાણ નાખિયાં રે માણારાજ.

રોઝી ઘોડી પિત્તળિયાં પલાણ,

અલબેલો ચાલ્યા ચાકરી રે માણારાજ.

ધ્રોડી ઝાલી ઘોડલાની વાઘ,

અબોલે જાવા નૈ દઈએ રે માણારાજ.

મેલો મેલો ઘોડલાની વાઘ,

લશ્કર પૂગ્યું વાડીએ રે માણારાજ.

મારે, સાયબા, ચૂંદડીની હોંશ,

ચૂંદડી મોંઘા મૂલની રે માણારાજ.

રિયો રિયો આજુની રાત,

ચૂંદડી તમે મૂલવો રે માણારાજ.

મેલો મેલો ઘોડલાની વાઘ,

લશ્કર પૂગ્યું સીમડીએ રે માણારાજ.

ઘરે નથી નણદી કે સાસુ,

કોની રે સાથે બોલશું રે માણારાજ.

તમારે છે રે સૈયરુંનો સાથ,

એની રે સાથે બોલજો રે માણારાજ.

હોકો ફોડ્યો ડેલીને દરબાર

ચલમ ફોડી ચોકમાં રે માણારાજ.

વળી વળી હીરલાની ગાંઠ,

તૂટે પણ છૂટે નહિ રે માણારાજ.

પડી પડી દલડામાં ભ્રાંત,

અબોલા ઓ ભવ ભાંગશે રે માણારાજ.

વેરણ ચાકરી

(રાજ્યના ગરાસ ખાતા કોઈ ઠાકોરને, પોતાના કુટુંબમાંથી એક જણને દરબારી ચાકરી પર મોકલવાનો સાંકેતિક હુકમ આવે છે. દીવાને અજવાળેતો કાગળ ઉકલે પણ નહિ એવા કોઈ ગુપ્ત રસ વડે અક્ષરો લખેલા. અંતે પ્રભાતે કાગળ વાંચી શકાયો. વચેટ દીકરાને ઉપડવાની આજ્ઞા મળી. એની વિજોગ પામતી પત્ની અન્ય સહુને મોકલીને પણ પોતાના સ્વામીને રોકવાની કરુણ આજીજી કરે છે. સહુને ન જવાનાં કંઈક ને કંઈક કારણો છે. પણ એની એકની દયા કોઈ ખાતું નથી. ઉંડા ઉંડા કરુણ ઢાળે આ ગીત ગવાય છે)

ઉભી ઉભી ઉગમણે દરબાર,

રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!

ઉઠો, દાસી, દીવડિયા અંજવાસો

રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!

શેની કરું દીવડિયાની વાટ્યું

રે શેણે રેદીવો પરગટું રે લોલ!

અધમણ રૂની કરી છે વાટ્યું

રે સવા મણ તેને પરગટ્યો રે લોલ!

બાળ્યાં બાળ્યાં બાર ઘાણીનાં તેલ

રે તો યે ન કાગળ ઉકેલ્યો રે લોલ!

ઉગ્યો ઉગ્યો પૂનમ કેરો ચંદર

રે સવારે કાગળ ઉકેલ્યો રે લોલ!

કોરે મારે લખિયું છે સો સો સલામું

રે વચાળે વેરણ ચાકરી રે લોલ!

ચાકરીએ મારા સસરાજીને મેલો

રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

સસરા ઘેરે દરબારી છે, રાજ

રે દરબારી પૂરા નૈ પડે રે લોલ!

ચાકરીએ મારા જેઠીડાને મેલો

રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

જેઠે ઘેરે જેઠાણી ઝીણાબોલી

રે ઉઠીને ઝઘડો માંડશે રે લોલ!

ચાકરીએ મારા દેવરજીને મેલો

રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

દેર ઘેરેદેરાણી નાનું બાળ

રે મો’લુંમાં એકલ નૈ રહે રે લોલ!

આવશે રે કાંઈ શિયાળાના દા’ડા

રે ટાઢડિયું તમને લાગશે રે લોલ!

સાથે લેશું ડગલા ને કાંઈ ડોટી

રે ગોરાંદે ટાઢ્યું શું કરે રે લોલ!

આવશે રે કાંઈ ઉનાળાના દા’ડા

તડકલિયા તમને લાગશે રે લોલ!

સાથે લેશું છતરી ને કાંઈ છાયા

રે ગોરાંદે તડકા શું કરે રે લોલ!

આવશે રે કાંઈ ચોમાસાના દા’ડા

રે મેવલિયા તમને ભીંજવે રે લોલ!

સાથે લેશું મીણિયા ને કાંઈ માફા

રે ગોરાંદે મેવલા શું કરે રે લોલ!

લીલી ઘોડી પાતળિયો અસવાર

રે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ!

ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું

રે અલબેલા! ક્યારે આવશો રે લોલ!

ગણજો ગોરી પીપળિયાનાં પાન

રે એટલે તે દા’ડે આવશું રે લોલ!

ગોરી મોરી આવડલો શો હેડો

રે આંખોમાં આંસુ બહુ ઝરે રે લોલ!

ઝીલણિયાં

એક વણજારી ઝીલણ ઝીલતી’તી,

મેં તો પે’લે પગથિયે પગ દીધો,

મારી ખોવાણી નવરંગ નથ, માણારાજ

વણજારી ઝીલણ ઝીલતી’તી.

મારા સસરાનાં ઝીલણ ઝીલતી’તી

મારી ખોવાણી નવરંગ નથ, માણારાજ. - વણજારી.

મેં તો બીજે પગથિયે પગ દીધો,

મારો તૂટ્યો તે નવસરો હાર, માણારાજ. - વણજારી.

મારી સાસુનાં ઝીલણ ઝીલતી’તી,

મારું ખોવાણું મોતીડું લાખ, માણારાજ. - વણજારી.

મેં તો ત્રીજે પગથિયે પય દીધો,

મારી ખોવાણી હાથ કેરી વીંટી, માણારાજ. - વણજારી.

મારી નણદીના ઝીલણ ઝીલતી’તી,

મારી ખોવાણી કાંડા કેરી કાંકડી હો રાજ. - વણજારી.

મેં તો ચોથે પગથિયે પગ દીધો,

મારો મચકાણો કેડ કેરો લાંક, માણારાજ. - વણજારી.

મારા પરણ્યાનાં ઝીલણ ઝીલતી’તી,

મારે ઉગ્યો તે સોળરંગો સૂર, માણારાજ. - વણજારી.

ક્યાં રે વાગી!

કાન, તારી મોરલીએ જી રે, મારાં મન હેર્યાં,

સમી સાંજની જી રે, વજોગણ ક્યાં રે વાગી!

ગૂઢા રાગની જી રે, મોરલી ક્યાં રે વાગી!

મધરાતની જી રે, અભાગણી ક્યાં રે વાગી!

સરવા સાદની જી રે, મોરલી ક્યાં રે વાગી!

કાન, તારી મોરલીએ જી રે ગરબો ઘેલો કીધો - સમી સાંજની.

કાન, તારી મોરલીએ જી રે સૈયરું નો સાથ મેલ્યો. - સમી સાંજની

કાન, તારી મોરલીએ જી રે મા ને બાપ મેલ્યાં - સમી સાંજની.

કાન, તારી મોરલીએ જી રે રોતાં બાળ મેલ્યાં. - સમી સાંજની.

કાન, તારીમોરલીએ જી રે કોઠીએ કણ ખૂટ્યાં. - સમી સાંજની.

કાંગ લ્યો

(ખેતરમાં કાપણીનું આ રમત-ગીત છે. બાળકો એમાં વર્ણવેલી દરેક ક્રિયાની ચેષ્ટાઓ કરતાં કરતાં ગાય છે.)

કાંગ ખેતર ગ્યાં’તાં રે, ગોરી, કાંગ લ્યો!

ઉભાં ઉભાં કાંગ લ્યો

બેઠાં બેઠાં કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

ચાલતાં ચાલતાં કાંગ લ્યો

ધબડ ધોબા કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

ટોપલો ભરી કાંગ લ્યો

ખોબલો ભરી કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

સુપડી ભરી કાંગ લ્યો

ખોઈ ભરી કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

કુંજલડી રે

(‘મેઘદૂત’ માં ચિત્રકૂટના શિખર પર ઝૂલતા યક્ષે પોતાની પ્રિયાને આષાઢને પ્રથમ દિવસે એક વાદળાની સાથે સંદેશો કહાવ્યો હતો. તેમ ગુજરાતની કોઈ વિજોગણે પણ વિદેશ રહેતા સ્વામી પર પોતાની જ જાતની અર્થાત્‌ સ્ત્રીજનની વેદના સમજે તેવી કુંજલડીને સંદેશો લઈ જવા કહ્યું. લાંબી ડોક માંડતાં એ પંખીઓ જાણે કે બહુ જ લાંબે પંથે સાગરપાર પળતાં હોય એવું ભાસે છે. પરદેશે બેઠેલા પતિને બીજું કોણ પહોંચી શકે? પંખી કહે છે કે હું માનવી હોત તો મોઢોમોઢ બોલીને સંદેશો દેત, પણ મારે વાચા નથી. મારી પાંખ પર લખી આપો. અને સંદેશો તો બીજો શો હોય? પ્રીતમરૂપી સાગર વગર હું પંખણી જેવી સૂની છું. વહેલા વહેલા ઘેર આવજો ને થોડાં વસ્ત્રાભૂષણો લેતા આવજો.)

કુંજલડી રે સંદેશો અમારો

જઈ વા’લમને કે’જો જી રે!

માણસ હોય તો મુખોમુખ બોલે

લખો અમારી પાંખડલી રે - કુંજલડી રે.

સામા કાંઠાનાં અમે પંખીડાં

ઉડી ઉડી આ કાંઠે આવ્યાં જી રે. - કુંજલડી રે.

કુંજલડીને વા’લો મીઠો મેરામણ

મોરને વા’લું ચોમાું જી રે. - કુંજલડી રે.

રામ-લખમણને સીતાજી વા’લા

ગોપિયુંને વા’લો કાનુડો જી રે. - કુંજલડી રે.

પ્રીતિકાંઠાનાં અમે રે પંખીડા

પ્રીતમસાગર વિના સૂનાં જી રે. - કુંજલડી રે.

હાથ પરમાણે ચૂડલો રે લાવજો

ગુજરીમાં રતન જડાવજો જી રે. - કુંજલડી રે.

ડોક પરમાણે ઝરમર લાવજો

તુલસીએ મોતીડાં બંધાવજો જી રે. - કુંજલડી રે.

પગ પરમાણે કડલાં લાવજો

કાંબિયુંમાં ઘૂઘરાં બંધાવજોજી રે. - કુંજલડી રે.

મોરબીની વાણિયાણ

(એવોયે વખત હશે, જયારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદૃષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી, ત્યારથી ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.)

કૂવા કાંઠે ઠીકરી, કાંઈ ઘસી ઉજળી થાય,

મોરબીની વાણિયાણ મછુ પાણી જાય;

આગળ રે જીવોજી ઠાકોર,

વાંસે રે મોરબીનો રાજા,

ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારા બેડલામાં તારા હાથીડા બે ડૂલ. - મોરબી.

કર્ય રે, વાણિયાણી, તારી ઈંઢોણીનાં મૂલ;

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારી ઈંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ. - મોરબી.

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ. - મોરબી.

કર્ય રે, વાણિયાણી તારી પાનિયુંનાં મૂલ

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ - મોરબી.

કર્ય રે, વાણિયાણી, તારા અંબોડાનાં મૂલ.

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ. - મોરબી.

મોટાં ખોરડાં!

(ગામમાં જ પિયર હતું. દુખિયારી વહુએ માતાની પાસે જઈને સાસરિયાનાં દુઃખો સંભળાવ્યાં. જાસૂસ બનીને પાછળ આવેલી નણંદે આ વાત ઘેર જઈને કહી. સાસરિયામાં સહુને થયું કે વહુએ આપણાં મોટાં આબરૂદાર ઘરની નિંદા કરી! વરને સહુએ ઉશ્કેરી મૂક્યો. સોમલ ઘૂંટીને એણે સ્ત્રીને કહ્યું કે, કાં તું પી, કાં હું પીઉં! ‘મોટા ખોરડાં’ની આબરૂ ખાતર સ્ત્રીએ ઝેર પી લીધું.)

ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ,

દીકરી કે’જો સખદખની વાત જો,

કવળા સાસરિયામાં જીવવું રે લોલ.

સખના વારા તો, માતા, વહી ગયા રે લોલ.

દખનાં ઉગ્યાં છે ઝીણાં ઝાડ જો,

કવળા સાસરિયામાં જીવવું રે લોલ.

પછવાડે ઉભી નણદી સાંભળે રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

નણદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ.

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

સાસરે જઈ જેઠને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

પરણ્યે જઈ તેજી ઘોડો છોડિયો રે લોલ,

જઈ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

અધશેરો અમલિયાં તોળાવિયાં રે લોલ,

પાશેરો તોળાવ્યો સુમલખાર જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

સોનલા વાટકડે અમલ ઘોળિયાં રે લોલ,

પીઓ ગોરી, નકર હું પી જાઉં જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ,

ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

આટકાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,

ખોખરી હાંડીમાં લીધી આગ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,

બીજો વિસામો ઝાંપા બા’ર જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

ત્રીજો વિસામો ગામને ગોંદરે કે લોલ,

ચોથો વિસામો સમશાન જો,

વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ.

સોનલા સરખી વહુની ચે’બળે રે લોલ.

રૂપલા સરખી વહુની રાખ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,

હવે માડી મંદિરિયે મોકળાણ જો.

ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.૧

૧ બીજો પાઠ : હવે મોડી દેજો દોટાદોટ જો,

સહુનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.

ઘાયલ

(કોઈ પ્રેમિક ગોવાળ અરજણિયાને એની પરણેલી પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોધી રહી છે.)

ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઉગ્યો ચોકમાં,

એ લેરીડા! હરણ્યું૧ આથમી રે હાલર૩ શે’રમાં, અરજણિયા!

ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ! રે ઝાંપે તારી ઝૂંપડી,

એ લેરીડા! આવતાં જાતાંનો નેડોર લાગ્યો રે, અરજણિયા!

ભેસું તારી ભાલમાં, ઘાયલ! ભેસું તારી ભાલમાં,

એ લેરીડા! પાડરું પાંચાળમાં૩ ઝોલાં ખાય રે, અરજણિયા!

ગાયું તારી ગોંદરે, ઘાયલ! રે ગાયું તારી ગોંદરે,

એ લેરીડા! વાછરું વઢિયારમાં૩ ઝોલાં ખાય રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા,

એ લેરીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે, અરજણિયા!

ચીતું રે લગાડ્ય મા, ઘાયલ! ચીતું લગાડ્ય મા,

એ લેરીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા!

બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ! રે બખિયાળું, કડીઉં,

એ લેરીડા! તેદુનુ ંછાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!

ખંભે તારે ખેસડો ઘાયલ! રે ખંભે તારે ખેસડો,

એ લેરીડા! તેદુનો છાંડેલ અમારો નેસો૪ રે, અરજણિયા!

રૂપાળી મોઈશ મા, ઘાયલ! રે રૂપાળી મોઈશ મા,

એ લેરીડા! રૂપાળી બાવડાં બંધાવશે રે, અરજણિયા!

કુંવારીને મોઈશ મા, ઘાયલ! રે કુંવારીને મોઈશ મા,

એ લેરીડા! કુંવારી કોરટું દેખાડશે રે અરજણિયા!

ખોળામાં બાજરી ઘાયલ ! રે ખોળામાં બાજરી,

એ લેરીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા!

ખોળામાં ખજૂર છે ઘાયલ! રે ખોળામાં ખજૂર છે,

એ લેરીડા! તારા જેવા માટે મજૂર છે રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા,

એ સેલુડા! પાવો સાંભળીને પ્રાણ વીંધાય રે, અરજણિયા!

તારે મારે ઠીક છે, ઘાયલ, રે તારે મારે ઠીક છે,

એ લેરીડા! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા!

લીલો સાહટિયોપ, ઘાયલ! રે લીલો સાહટિયો,

એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું, અરજણિયા!

૧. હરણી નક્ષત્ર. ર. નેડો : નેહડો, સ્નેહ ૩. હાલાર, પાંચાળ, વઢિયાર એ પ્રદેશોનાં નામ છે. ૪ નેસડો : નેસ, વનવાસીઓનું નાનું જંગમ ગામડું. પ સાહટિયો : ઉનાળુ જુવારના મોલ. મૂળ શબ્દો ‘છાસઠિયો’ઃ છાસઠ દિવસમાં પાકનારું ધાન્ય.

મારી સાહેલીનું બેડલું

(આ ગરબા લેનારીઓને પોતાનાં ગામની સમાજરચનાનું કેટલું તીવ્ર ભાન હતું તે આ ઉઘડતા રાસમાંથી જોવાય છે. પોતાનો એક ગરબો તૈયાર કરવા માટે એ ગામના બધા કારીગર ‘વીરા’ઓને બોલાવે છે. આ રીતે સુતાથી માંડી ગામના સમસ્ત કારીગર સમાજને હાથે તૈયાર થતાં એ માંડવી અને એ ગરબો પરસ્પર સંકળાયેલા આજા સમાજજીવનનાં સૂચક પ્રતીકો હતાં. અને આખરે એ ગરબે રમવા ગામની સ્ત્રીઓને સાદ કરે છે. તેમાંય વહુવારુઓ ને દીકરીઓ જેવા સ્પષ્ટ ભેદ પાડે છે. વહુઓથી ગરબો ગવડાવાય નહિ, એકલા સ્વર કાઢતાં મલાજો તૂટે; માટે એ તો ઝીલે; અને ગવરાવે દીકરીઓ.)

છલકાતું આવે બેડલું,૧

મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના સુતારી રે વીરા તમને વીનવું,

મારી માડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના લુહારી રે વીરા તમને વીનવું,

મારી માંડવડી મઢી લાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું,

મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના કુંભારી રે વીરા તમને વીનવું,

મારે ગરબે કોડિયાં મેલાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના પિંજારી રે વીરા તમને વીનવું,

મારા ગરબે દિવેટ મેલાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના ઘાંચીડા રે વીરા તમને વીનવું,

મારેગરબે દિવેલ પુરાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના મોતીઆરા રે વીરા તમને વીનવું,

મારોગરબો ભલેરો શણગાર રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામની દીકરિયું રે બેની તમને વીનવું,

મારો ગરબો ભલેરો ગવરાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામની વહુવારુ રે ભાભી તમને વીનવું,

મારોગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

૧. ગુજરાતની ઠકરાણીઓ આ પ્રમાણે ગાય છેઃ

ઝલકાતું આવે બેડલું

મલપાતી આવે નાર રે મારી લાલ રંગીલીનું બેડલું.

જોડે રહેજો, રાજ

(લગ્ન પછીની મધુરજનીનું સ્નેહગીત ગુજરાતમાં ગવાય છે.)

જોડે રહેજો, રાજ,

કિયા ભાઈની ગોરી રે કેવી વહુ

જોડે રહેજો, રાજ!

જોડે નહિ રહું, રાજ,

શિયાળાની ટાઢ પડે ને!

જોડે કેમ રહું, રાજ!

જોડે રહેજો, રાજ,

ફૂલની પછેડી સાથે રે, હો લાડવઈ

જોડે રહેજો, રાજ! - જોડે.

જોડે નહિ રહું, રાજ,

ઉનાળાના તાપ પડે ને

જોડે કેમ રહું, રાજ!

જોડે રહેજો, રાજ,

ફૂલના પંખા સાથે રે, હો લાડવઈ

જોડે રહેજો, રાજ! - જોડે.

જોડે નહીં રહું, રાજ,

ચોમાસાની ઝડીઓ પડે ને

જોડે કેમ રહું, રાજ!

જોડે રહેજો, રાજ,

મોતીના મોડિયા સાથે રે, હો લાડવઈ

જોડે રહેજો, રાજ! - જોડે.

જોબનિયાને રાખો

(ટીપણી ટીપતાં મજૂરોગાય છેઃ હે માનવીઓ! જોબનિયું સાચવીને રાખો, જીવતરના હુલ્લાસને વેડફો ના.)

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને માથાના અંબોડામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને આંખ્યના ઉલાળામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને હૈયાના હિલોળામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને હાથની હથેળીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને પગ કેરી પાનીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

રાજાના કુંવર

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!

હાલો ને જોવા જાયેં રે

મોરલીવાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર

પીતળિયા પલાણ રે. - મોરલી.

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર

દસેય આંગળીએ વેઢ રે. - મોરલી.

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,

કિનખાબી સુરવાળ રે. - મોરલી.

પગે રાઠોડ મોજડી રે, રાજાના કુંવર,

ચાલે ચટકતી ચાલ્ય રે. - મોરલી.

દેવનાં દીધેલાં

(માતા ગાય છે કે હે બેટા! તું તો દેવની દીધેલ દોલત છે. તું તો મારા ઘરનું સુગંધી ફૂલ છે. તું તો મારું સાચું નાણું છે. તારા માટે તો મેં શિવપાર્વતીને પ્રસન્ન કર્યા , અને હનુમાનજીને પણ તેલ ચડાવ્યાં. એવો તું તો મહામૂલો છે. માટે તું આ સંસારમાં દીર્ઘાયું ભોગવજે!)

તમે મારા દેવનાં દીધેલ છો,

તમો મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ;

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ.

તમે મારું નગદ નાણું છો,

તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર;

પારવતી પરસન થિયા ત્યારે આવ્યા હૈયાના હાર

- તમે મારું નગદ.

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ;

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર

- તમે મારું નગદ.

તમે મારાં દેવનાં દીધેલ છો,

તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો’!

*

ચીચણ૧ પાસે પાલડી ને ત્યાં તમારી ફઈ;

પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રહી. - તમે મારાં.

ભાવનગર૧ ને વરતેજ૧ વચ્ચે રે’ બાળુડાની ફઈ;

બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા-ટોપીમાંથી ગઈ.

- તમે મારાં

બાળડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રઈ! - તમે મારાં.

૧ ગમે તે નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે.

વઢિયારી સાસુ

(પિયરના પુરુષો દીકરીને તેડીને ચુપચાપ ન ચાલ્યા ગયા. પણ પુત્રી ઉપરના સિતમને સૂચવતું પેલું પાણીનું ભર્યું બેડું સાસુને આંગણે પછાડીને પોતાની બધી દાઝ કાઢ્યા પછી જ તેઓ સિધાવ્યા! આખા ગીતો મર્મવેધી કરુણ રસ નિર્દોષ વિનોદમાં સમાઈ ગયો.)

દાદા તે દીકરી વઢિયારે નો દેજો જો.

વઢિયારી સાસુડી, દાદા, દોયલી.

દિ’એ દળાવે મને રાતડીએ કંતાવે જો,

પાછલે ને પરોડિયે પાણીડાં મોકલે.

ઓશીકે ઈંઢોણી, વહુ, પાંગતે સીંચણિયું જો,

સામે ને ઓરડીએ, વહુ, તમારું બેડલું.

ઘડો બૂડે નૈ, મારું સીંચણિયું નવ પોગે જો,

ઉગીને આથમિયો કૂવાકાંઠડે.

ઉડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજે જો.

દાદાને કે’જે દીકરી કૂવે પડે.

દાદાને૧ કે’જે, મારી માતાને નો કે’જે જો.

માતા છે માયાળુ, આંસુ ઝેરશે.

કૂવે નો પડજો, ધીડી! અફીણિયાં નો ખાજો જો,

અંજવાળી આઠમનાં આણાં આવશે.

કાકાના કાબરિયા મામાના મૂંઝડિયા જો,

વીરાના વાગડિયા વઢિયારે ઉતર્યા.

કાકે સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું જો,

વીરે ને ફોડાવ્યું વઢિયારને આંગણે.

૧. સરખાવો રાજસ્થાની ગીતઃ

માતા તો સુણતૈ વીરા, મત કહ્યે

ઝુરસે વરસાળેરી રાત, મેહાં ઝડ માંડિયો

બાપજી તો સૂણતાં વીરા ભલ કહ્યો,

માંડૈ રે કર હે પલાણ, મેહાં ઝડ માંડિયો.

(શ્રાવણી ત્રીજના મશહૂર તહેવાર પ ભાઈ સાસરવાસી બહેનને તેડવા આવે છે. સાસુ મોકલતી નથી. ચાલ્યા જતા ભાઈને બહેન કહે છે. માનેમારું દુઃખ કહીશ ના, નહિ તો એ ચોમાસાની રાત જેમ ઝૂરશે. પિતાને કહેજે, કે જેથી તે તુરત ઉંટ પર ચડીને આવશે)

(રાજસ્થાની લોકગી (પૂર્વાર્ધ : ગીત ૩૩))

ના છડિયાં હથિયારુ

ના છડિયાં હથિયાર અલાલા બેલી!

મરણેજો હકડી વાર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં હથિયાર,

પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે,

કીને ન ખાધી માર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

હેબલ લટૂરજી મારું રે ચડિયું બેલી!

ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર

જાટો રફલ હણેં છાતીએ ચડાયો નાર,

હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

ડાબે તે પડખે ભેરવ બોલે, જુવાનો!

ધીંગાણેમેં લોહેંજી ઘમસાણ, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

(‘‘સોરઠી બહારવટિયા’’ના ‘જોધો માણેકઃ મૂળુ માણેક’ વૃતાંતમાંથી)

જળદેવતાને બલિદાન

બાર બાર વરસે નવાણ ગળાવિયાં,

નવાણે નીર નો આવ્યાં જી રે!

તેડાવો જાણતલ તેડાવો જોશી,

જોશીડા જોશ જોવરાવો જી રે!

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,

દીકરો ને વહુ પધરાવો જી રે!

ઘોડા ખેલવતા વીર રે અભેસંગ!

દાદાજી બોલાવે જી રે!

શુ રે કો’છો, મારા સમરથ દાદા?

શા કાજે બોલાવ્યાં જી રે!

જાણતલ જોશીડો એમ કરી બોલ્યોઃ

દીકરો નેવ હુ પધરાવો જી રે

એમાં તે શું મારા, સમરથદાદા!

પારકી જણીને પૂછી આવો જી રે!

બેટડો ધવરાવતાં હવુ રે વાઘેલી વહુ!

સાસુજી બોલાવે જી રે!

શું કો’છો મારો સમરથ સાસુ!

શા કાજે બોલાવ્યાં જી રે!

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,

દીકરો ને વહુ પધરાવો જી રે

એમાં તે શું મારા સમરથ સાસુ,

૧ જે કે’શો તે કરશું જી રે!

ઉઠો ને રે મારા નાના દેરીડા!

મૈયર હું મળી આવું જી રે!

આઘેરાક જોતાં જોશીડો મળિયો,

ક્યાં વાઘેલી વહુ ચાલ્યા જી રે!

ખરે બપોરે મરવાનાં કીધાં,

મૈયર હું મળી આવું જી રે!

મરવાનાં હોય તો ભલે રે મરજો,

એનાંવખાણ નો હોયે જી રે!

ભાઈ રે જોશીડા! વીર રે જોશીડા!

સંદેશો લઈ જાજે જી રે!

મારી માતાજીને એટલું કે’જે,

મોડિયો ને ચૂંદડી લાવે જી રે!

ઉઠો ને રે, મારા સમરથ જેઠાણી,

ઉનાં પાણી મેલો જી રે!

ઉઠો ને રે, મારા સમરથ દેરાણી,

માથાં અમારાં ગૂંથો જી રે!

ઉઠો ને રે મારા સમરથ દેરી,

વેલડિયું શણગારો જી રે!

ઉઠો ને રે મારા સમરથ નણદી,

છેડાછેડી બાંધો જી રે!

ઉઠો ને રે મારા સમરથ સસરા,

જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે!

આવો આવો, મારા માનસંગ દીકરા!

છેલ્લાં ધાવણ ધાવો જી રે!

પૂતર જઈને પારણે પોઢાડ્યો,

નેણલે આંસુડાની ધારું જી રે!

ઝાંઝ પખાજ ને જંતર વાગે,

દીકરો નેવહુ પધરાવે જી રે!

પાછું વાળી જોજો, અભેસંગ દીકરા!

ઘોડલા કોણ ખેલવશે જી રે!

ઈ રે શું બોલ્યા, સમરથ બાપુ!

નાનો ભાઈ ખેલવશે જી રે!

પાછું વાળી જોજો, વહુ રેવાઘેલી વહુ!

પૂતર કોને ભળાવ્યા જી રે!

કોણ ધવરાવશે, કોણ રમાડશે,

કેમ કરી મોટાં થાશે જી રે!

દેરાણી ધવરાવશે, નણદી રમાડશે!

જેઠાણી ઉઝેરશે જી રે!

પે’લે પગથિયે થઈ પગ દીધો,

પાતાળે પાણી ઝબક્યાં જી રે!

બીજે પગથિયે જઈ પગ દીધો,

કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે!

ત્રીજે પગથિયે જઈ પગ દીધો,

કડ્યકડ્ય સમાં નીર આવ્યાં જી રે!

ચોથે પગથિયે જઈ પગ દીધો,

છાતી સમાં નીર આવ્યાં જી રે!

પાંચમે પગથિયે જઈ પગ દીધો,

પરવશ પડિયા પ્રાણિયા જી રે!

એક હોંકારો દ્યો રે, અભેસંગ!

ગોઝારાં પાણી કોણ પીશે જી રે!

પીશે તે ચારણ પીશે તે ભાટ,

પીશે અભેસંગનો દાદો જી રે!

એક હોંકારો દ્યો રે, વાઘેલી વહુ!

ગોઝારાં પાણી કોણ પીશે જી રે!

પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,

પીશે વાળુભાનાં લોકો જી રે!

તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો,

તર્યા અભેસંગના મોળિયાં જી રે!

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,

ઓરડા અણોસરા લાગે જી રે!

વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,

દવલાંને પાતાળ પૂર્યાં જી રે!

૧. બીજો પાઠ :

મેલો મૈયરિયે સંપતરાયજી રે!

ઈ રે સંપેતરામાં એટલે કે’જો

ચૂંદડી ને મોડિયો લાવે જી રે!

(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિશે બોલાતી આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું, જળદેવતા ભોગ માગે છે. ગામનો ઠાકોર પોતાનાં દીકરાવહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ-સુખ કાજે સ્વાર્પણ એ ત્રણેય ભાવથીવિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોકજીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઈ લાગે છે.)

કેર કાંટો

હાં કે રાજ!

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તાં

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

વડોદરાના વૈદડા તેડાવો!

મારા કાંટડિયા કઢાવો!

મને પાટડિયા બંધાવો!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ધોરાજીના ઢોલિયા મંગાવો!

માંહી પાથરણાં પથરાવો!

આડા પડદલા બંધાવો!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ઘરમાંથી રાંધણિયાને કાઢો!

મારી ધુમાડે આંખ્યું દુખે!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ઓશરિયેથી ખારણિયાને કાઢો!

મારા ધબકે ખંભા દુખે

મને કેર કાટો વાગ્યો.

હાં કે રાજ!

આંગણિયેથી ગાવડલીને કાઢો!

એનાં વલોણાને સોતી!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

સસરાજીને ચોવટ કરવા મેલો!

મને ઘૂંઘટડા કઢાવે !

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

નણંદડીને સાસરિયે વળાવો!

એનાં છોરુંડાને સોતી!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ફળિયામાંથી પાડોશણને કાઢો!

એના રેંટિયાને સોતી!

મને કેર કાંટો વાગ્યો.

(પ્રેમની મસ્તીએ ચડેલી નાદાન સ્ત્રી સ્વતંત્ર જીવનનો આંદન માણવા માટે સંયુક્ત કુટુંબની જંજાળોથી કેવી રીતે મુક્ત બનવા મનોરથ કરે છે, તેનું ટોળ-ચિત્ર કોઈ લોક-કવિએ આ ગીતમાં આબાદ ખૂબીથી ઉતાર્યું છે. કેરડાનો કાંટો ઘણો બારીક હોય છે.)

નો દીઠી

(બાર વરસે રજપૂત ઘરે આવે છે. મેડીમાં ઝોકાર દીવો બળે છે. પણ પાતળી પરમાર ક્યાં? પોતાની પત્ની ક્યાં? માતાએ બહુ બહુ બહાનાં બતાવ્યાં. રજપૂત ઠેર ઠે રશોધી વળ્યો, આખરે ભેદ પ્રગટ થયો. હત્યારી માએ જ એને તાજેતરમાં મારી નાખેલી. નેવાં ઉપર એ એ લોહીલોહાણ ચૂંદડી સુકાતી જોઈ. રડતા સ્વામીએ સ્ત્રીનો બચકો વીંખ્યો. પોતાની ગેરહાજરીમાં સ્ત્રીએ કદીયે નહોતા પહેર્યાં તે કોરાં વસ્ત્રાભૂષણ જોઈ જોઈને સ્વામી છાતીફાટ રડ્યો.!

માડી! બાર બાર વરસે આવિયો,

માડી! નો દીઠી પાતળી પરમાર્યૃ રે, જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડ્યા રે, કલૈયા કુંવર!

પાણી ભરીને હમણાં આવશે રે.

માડી! કૂવા ને વાવ્યું જોઈ વળ્યો રે,

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડય રે, કલૈયા કુંવર!

દળણાં દળીને હમણાં આવશે રે.

માડી! ઘંટિયું ને રથડા જોઈ વળ્યો રે,

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર!

ધાન ખાંડીને હમણાં આવશે રે.

માડી! ખારણિયા ખારણિયા જોઈ વળ્યો રે.

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર!

ધોણ્યું ધોઈને હમણાં આવશે રે!

માડી! નદિયું ને નેરાં જોઈ વળ્યો રે,

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

એના બચકામાં કોરી બાંધણી, રે,

એની બાંધણી દેખીને બાવો થાઉં રે, ગોઝારણ મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

બેના બચકામાં કોરી ટીલડી રે,

એની ટીલડી તાણીને તરસૂળ તાણું રે, ગોઝારણ મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

૧. ‘નેવે તે નવરંગ ચૂંદડી રે’ એમ પણ કહેવાય છે. વહુને મારી નાખીને એની લોહીવાળી ચૂંદડી ધોઈ સાસુએ નેવાં પર તાજી સૂકવેલી.

કોઈ દેખાડો

(પ્રભુની બંસી સાંભળીને મિલન-આતુર રાધિકા ભાન ભૂલી દોડે છે, પણ પ્રભુ જડતા નથી. વેલ્ય જોડાવી પાછળ પડે છે, પ્રભુના નગરમાં જઈ મીઠાં ભોજન રાંધે છે : પરંતુ અતિથિદેવ ન જ આવ્યા ને રાધાને ગળે કોળિયો ન ઉતર્યો. આવી નિષ્ઠુરતા દેખીને રાધાને જીવન અસહ્ય જણાયું)

મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ,

મુખેથી મોરલી બજાવતા રે લોલ.

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ.

ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ.

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ.

ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ.

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,

નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ.

જઈને અમરાપરમાં છોડિયા રે લોલ.

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ.

મેં તો જાણ્યું કે હરિ આંહીં વસે રે લોલ.

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ,

ત્શ્રાંબાળું ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ.

હું તો જમવા બેઠી ને જીવણ સાંભળ્યા રે લોલ,

કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ.

મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ,

કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ.

હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ,

ચારેય દૃશ્યે નજર ફેરતી રે લોલ.

એક છટેથી છેલવરને દેખિયા રે લોલ,

હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ.

મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ,

ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ.

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ.

મોતડિયાં નથી આવતાં રે લોલ.

મને હીંચકતા નવ તૂટ્યો હીંચકો રે લોલ,

નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ.

મારી માતા તે મૂરખ માવડી રે લોલ,

ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ.

અદલાબદલી

(કજોડાનાં દુઃખની પડખોપડખ જ સરખે સરખી જોડીનાં સુખી ચિત્રો ઉભાં છે. વેવિશાળ પછીના અને વિવાહ પહેલાનાં સમયમાં, અસલી લોકસમાજની અંદર પણ પતિ પોતાની થનારી પત્નીને વીંટી, રૂમાલ વગેર ેપ્રીતિની એંધાણી મોકલી શકતો અને કન્યા સાટામાં પોતાનું હૃદય દેતી. રૂમાલ અને હૃદય : વિનિમયની બે વસ્તુઓ : સ્નેહનું અર્થશાસ્ત્ર અજબ છે!)

મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.

મારી નાની નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.

દેતા જાજો રે, દિલ લેતા જાજો. - મારી.

વાણીડાના હાટનો લીલો રૂમાલ મારો દેતા જાજો.

દેતા જાજો રે, દિલ લેતા જાજો. - મારી.

ચોકસીના હાટનો પીળો રૂમાલ મારો દેતા જાજો.

દેતા જાજો રે, દિલ લેતા જાજો. - મારી.

અબોલા ભવ રહ્યા

મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં,

મેં તો આભનાં કર્યાં રે કમાડ

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો અગરચંદણનો ચૂલો કર્યો,

મેં તો ટોપરડે ભર્યો રે ઓબાળ

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો,

તમે જમો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો દાતણ દીધાં ને ઝારી વીસરી,

દાતણ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો નાવણ દીધાં ને કૂંડી વીસરી,

નાવણ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો ભોજન દીધાં ને થાળી વીસરી,

ભોજન કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો મુખવાસ આલ્યાં ને એલચી વીસરી,

મુખવાસ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો પોઢણ દીધાં ને ઢોલિયા વીસરી,

પોઢણ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

(સ્વામીના અબોલડા ભંગાવવા માટે સ્નેહાળ સ્ત્રીએ ઘણાં ઘણાં વલખાં માર્યા. કેમેય કરીને બોલે! એમ સમજીને યુક્તિપૂર્વક અધૂરી ચીજો આપી. પણ ભવ બધાના અબોલા લેનાર હઠીલા ભરથારે કશી પણ ચીજ મંગાવવાને બહાને મોં ઉઘાડ્યું નહીં.)

માનેતી આંખ

(ભોજાઈને સુંદર બનાવવા દિયરના મનોરથ હશે. પણ પ્રેમાળ નારી પોતાના કંથની ગેરહાજરીમાં મેંદી પઠે હાથ રંગીને કોને દેખાડે? સતીના શણગાર તો પતિને ખાતર જ હોય. પતિ સાંભર્યો. વિધવિધ બહાનાં આપી તેડાવ્યો. પણ ભાઈબહેનનાં લગ્નની કે માતાના મોતની એ યુદ્ધઘેલડા પરદેશીને બહુ તાણ નથી. છેલ્લા ખબર ફક્ત માનેતીની આંખો જ દુઃખવાના પહોંચે છે. એટલે પછી તો એનું હૈયું હાથ રહેતું નથી. એ પાછો આવે છે.)

મેંદી તે વાવી માળવે,

એનો રંગ ગિયો ગુજરાત

મેંદી રંગ લાગ્યો રે.

નાનો દેરીડો લાડકો ને

કાંઈ લાવ્યો મેંદીનો છોડ. - મેંદી રંગ લાગ્યો રે.

વાટી ઘૂંટીને ભર્યા વાટકા,

ભાભી, રંગો તમારા હાથ. - મેંદી રંગ લાગ્યો રે.

હાથ રંગીને, દેરી, શું રે કરું,

એનો જોનારો પરદેશ. - મેંદી રંગ લાગ્યો રે.

લાખ ટકા આલું રોકડા,

કોઈ જાવ જો દરિયાપાર. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો

તારી બેની પરણે, ઘરે આવ્ય. - મેંદી રંગ લાગ્યો રે.

બેની પરણે તો ભલે પરણ,

એની ઝાઝા દી રોકજો જાન. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલેં કે’જો

તારો વીરો પરણે ઘરે આવ્ય. - મેંદી રંગ લાગ્યો રે.

વીરો પરણે તો ભલે પરણે,

એની જાડેરી જોડજો જાન. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો,

તારી માડી મરે ઘરે આવ્ય. - મેંદી રંગ લાગ્યો રે.

માડી મરે તો ભલે મરે,

એને બાળજો બોરડી હેઠ. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો,

તારી માનેતીની ઉઠી આંખ. - મેંદી રંગ લાગ્યો રે.

હાલો સિપાઈઓ, હાલો હાઈબંધીઓ

હવે હલકે બાંધો હથિયાર. - મેંદી રંગ લાગ્યો રે.

સૈયર મેંદી લેશું રે!

(ઘરકામથી ત્રાસેલી વહુના અંતરની ગુપ્ત અવળચંડાઈના આ ચિત્રમાં સાસુએ જે કહ્યું હોય તેથી ઉલટું જ સમજવાની આવડત બતાવી છે. મેંદી લેવાની ક્રિયાનું પ્રારંભિક ચિત્ર મસ્તીભર્યું છે.)

મેંદી લેશું, મેંદી લેશં, મેંદી મોટાં ઝાડ,

એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ્ય,

મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય,

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે પાણીંડા ભરી મેલ્ય,

મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય,

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ્ય,

મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય.

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે કોડ૧માં દીધો મેલ્ય,

મેં ભોળીએ એમ માન્યું કે સોડમાં દીવો મેલ્ય.

સૈયર! મેંદી લેશું રે.

૧ કોડ : કોઢ, બળદને બાંધવાનું ઘાસથી ભરેલું સ્થાન.

નિમંત્રણ

(ગરબા ગાવાના સ્થળનું વર્ણન : ગાવા આવનારીઓનું સૌંદર્ય : એક પછી એક સાહેલીનાં મધુર શબ્દચિત્રો)

રાધાજીનાં ઉંચા મંદિર નીચા મો’લ,

ઝરૂખડે દીવા બળે રે લોલ.

રાધા ગોરી! ગરબે રમવા આવો!

સાહેલી સહુ ટોળેવળે રે લોલ.

ત્યાં છે મારા રૂપસંગ૧ ભાઈની ગોરી

હાથડીએ હીરા જડ્યા રે લોલ.

ત્યાં છે મારા માનસંગ ભાઈની ગોરી

પગડીએ પદમ જડ્યાં રે લોલ.

ત્યાં છે મારા ધીરસંગ૧ ભાઈની ગોરી

મુખડલે અમી ઝરે રે લોલ.

રાધાજીનાં ઉંચા મંદિર નીચા મો’લ

ઝરૂખડે દીવા બળે રે લોલ.

રાધા ગોરી! ગરબે રમવા આવો!

સાહેલી સહુ ટોળે વળે રે લોલ.

૧. જુદાં જુદાં નામ લઈને ફરી ફરી આ ત્રણેય કડીઓ ગવાય છે.

સંતાકૂકડી

(પતિ-પત્ની અરસપરસ આમોદ કરતાં કરતાં કલ્પનાની અંદર સંતાકૂકડીની રમત રમે છે. સ્વામીપોતાની પ્રિયતમાને હરકોઈ સ્થળે, ચાહે તે વેશમાં પણ પકડી પકડીને મીઠી ખીજ ઉપજાવવા મથે છે.)

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો!

ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો!

રામ! તમારે બોલડીએ હું નદીએ નાળું થઈશ જો!

તમે થશો જો નદીએ નાળું હું ધોબીડો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો૧!

તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટૂલોર થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!

તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું રણની રોઝડી થઈશ જો!

તમે થશો જો રણની રોઝડી, હું સૂડલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું જળ-માછલડી થઈશ જો!

તમે થાશો જો જળ-માછલડી, હું માછીડો૩ થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું આકાશ-વીજળી થઈશ જો!

તમે થાશો જો આકાશ-વીજળી, હું મેહુલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો!

તમે થશો જો બળીને ઢગલો, હું ભભૂતિયો થઈશ જો!

૧. બીજો પાઠ : પરઘેર ઘંટી થઈશ જો!

ર. બીજો પાઠ : હું ટંકારો થઈશ જો!

૩. બીજો પાઠ : ‘માછીડો’ કરતાં ‘જળ-મોજું’ વધુ દીપે છે.

દીકરાની ઝંખના

(પુત્રહીન માતાથી હવે તો મહેણાં સહેવાતાં નથી. રાંદલ માની પાસે એ કેવો દીકરો માગી રહી છે! ઘરની લીલી લીલી ગાર ઉપર પોતાની નાની નાની પગલીઓ પાડનારો, રોટલા ઘડતી વખતે નાનકડી ચાનકી માગનારો, દળતીવખતે ઘંટીના થાળામાં લોટની જે શગ ચડતી હોય તે પાડી નાખનારો, ખોળો ખૂંદી ખૂંદીને ધોયેલો સાડલો બગાડનારો ને છાશ કરતી વખતે માખણ માગનારો; આ પ્રત્યેક કામ કરતી વખતે એને એનો દીકરો સાંભરે છે. નાના મસ્તીખોર ને લાડકવાયા બાળકનું આ સર્વસ્પર્શી ચિત્ર છે. લગન અથવા સીમંત પ્રસંગે ઘરમાં રન્નાદે માતાની સ્થાપના કરી ગવાય છે.)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;

પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મે’ણાં,માતા, દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;

પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મે’ણાં, માતા, દોહ્યલાં.

મહીંડા વલોવી ઉભી રહી;

માખણનો માગનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મે’ણાં, માતા, દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;

છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે!

વાંઝિયા-મે’ણાં, માતા, દોહ્યાલાં.

રોટલા ઘડીને ઉભી રહી;

ચાનકીનો માગનાર દ્યોને, રન્નાદે!

વાંઝિયા-મે’ણાં, માતા, દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલોઃ

ખોળાનો ખુંદરનાર દ્યોને, રન્નાદે.

વાંઝિયા-મે’ણાં, માતા, દોહ્યલાં.

એ પ્રમાણે પુત્રકામના ફળ્યાની કલ્પનારૂપે આખું ગીત ફરી આમ ગાય છે કેલીપ્યું

ને ગૂંપ્યું મારું આંગણું;

પગલીનો પાડનાર દીધો રન્નાદે!

અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

વગેરે વગેરે.

ક્યાંક આમ પણ ગવાય છેઃ

ઘરને પછવાડે રૂડું ઘોડિયું,

પારણાનો પોઢનાર દીધો, રન્નાદે

વાંઝિયા-મે’ણા માએ ભાંગિયાં

ક્યારે આવે!

(નીચેનાં ત્રણેય ગીતોમાં વર્ષાઋતુ ગવાયેલી છે. મોર, કોયલ અને મોરલીના નાદ ઉઠે છે. મેઘાડમ્બરમાંથી વીજળી ઝબૂકે છે. સૂસવતા વાયરા કોઈ ભરસાગરે તોફાન મચાવીને વેપારીઓનાં વહાણોને ડોલાવી રહેલ છે. વિદેશ ગયેલા પતિની ચિન્તાભેર વાટ જોવાય છે. દેશ-પરદેશથી નવલી વસ્તુઓ વેચાવા આવે છે. પણ છોગાળા છેલ વિના - રસિક સ્વામી વિના - એનાં મૂલ કોણ મૂલવી જાણે? વિરહ-ઉદ્દીપન બરાબર જામેલ છે. હાલારની અંદર જામનગર અને મોરબી જેવાં માતબર રાજ્યો હાથી માટે વિખ્યાત હતાં. ઘોઘાનાં ઘોડાં વખણાતાં. વાળાક પ્રદેશમાં કાઠફઓ વસતા હોવાથી ત્યાંથી ત્યાંની વેલડીઓ(કાઠિયાણીના રથો) મશહૂર હતી. ચિત્તળમાં ચૂંદડીઓની રંગાટ જોશભેર ચાલતો. આ રીતે લોકગીતો ભૂગોળ પણ શીખવી જાય છે.)

વનમાં બોલે ઝીણા મોર

કોયલ રાણી કિલોળ કરે રે લોલ.

ઝીણા ઝરમર વરસે મેઘ

વાદળડી વાયે વળે રે લોલ. - વનમાં.

બેની મારો૧ ઉતારાનો કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ!

આવશે સાતમ ને સોમવારે

આઠમની અધરાતે રે લોલ!

બેની મારો દાતણનોર કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ!

આવશે સાતમને સોમવારે

આઠમની અધરાતે રે લોલ. - વનમાં.

૧. તારો ર. નાવણ, ભોજન, પોઢણ ઈત્યાદિ.

ડોલરિયો દરિયાપાર

વા વાયા ને વાદળ ઉમટ્યાં,

મધદરિયે ડૂલેરાં વા’ણ, મોરલી વાગે છે.

એક હાલાર શે’રના હાથીડા,

કંઈ આવ્યા અમારે દેશ, મોરલી વાગે છે.

છેલ છોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયાપાર, મોરલી વાગે છે.

એક ઘોઘા તે શે’રના ઘોડલાં,

કાંઈ આવ્યાં અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક વાળાક શે’રનીવેલડી,

કાંઈ આવી અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક દખણ શે’રના ડોળિયા,

કાંઈ આવ્યા અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક ચીતળ શે’રની ચૂંદડી,

કાંઈ આવી અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક મુંબઈ શે’રના મોતીડાં

કાંઈ આવ્યાં અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક સૂરત શે’રની બંગડી,

કાંઈ આવી અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

ઓળખ્યો

વેલ્યું છૂટિયું રે, વીરા, વાડીના વડ

ધોળીડા બાંધ્યા રે વડને વાંકીએ.

ચાર પાંચ સૈયરું રે, વીરા, પાણીડાની હાર્ય,

વચલી પાણિયારે વીરને ઓળખ્યો.

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર

બાપની બોલાશે વીરને ઓળખ્યો.

વીરા, ચાલો રે દખણી બેનીને ઘેર,

ઉતારા દેશું ઉંચા ઓરડા.

વેલ્યું છોડજો રે, વીરા! લીલા લીંબડા હેઠ,

ધોળીડા બાંધજો રે વચલે ઓરડે.

નીરીશ નીરીશ રે, વીફરા, લીલી નાગરવેલ્ય,

ઉપર નીરીશ રાતી શેરડી.

રાંધીશ રાંધીશ રે, વીરા, કમોદુંના કૂર,

પાશેર રાંધીશ કાજુ ખીચડી.

પાપડ શેકીશ રે, વીરા, પૂનમ કેરો ચંદ,

ઉપર આદુ ને ગરમર આથણાં.

જમશે જમશે રે મારો માડીજાયોવીર,

ભેળી બેસશે રે એક જ બેનડી.

ઉંચી મેડી રે, વીરા, ઉમગણે દરબાર,

તિયાં રે ઢળાવું તારા ઢોલિયા.

પોઢશે પોઢશે રે મારો માડીજાયો વીર,

પાસે બેસે રે એક જ બેનડી.

કરજે કરજે રે, બેની, સખદખની વાત,

ઘેરે જાશું તો માતા પૂછશે.

ખાવી ખાવી રે, વીરા, ખોરુડી જાર,

સૂવું રે માડીના જાયા સાથરે.

બાર બાર વરસે રે, વીરા, માથડિયાં ઓળ્યાં,

પેર વરસે રે તેલ નાખિયાં,

મેલો મેલો રે, બેની, તમારલા દેશ,

મેલો રે, બેની, તમારાં સાસરાં.

વીરા વીરા રે, બેની, માસ છ માસ,

આખર જાવું રે બેનને સાસરે.

ભરવાં ભરવાં રે, વીરા, ભાદરુંનાં પાણી,

ભાદરની રેલે બેની તણાઈ ગયાં.

આ ને કાંઠે રે, વીરા રહ રહી રુએ,

ઓલ્યે કાંઠે રુએ એવી માવડી.

(બાર-બાર વરસ થયાં સાસરે વળાવેલી અને વચમાં એકેય વાર ઘેર ન આવેલી બહેનને એનો ભાઈ તેડવા જાય છે. નાનપણનાં સ્મરણો ભૂલેલી એ બહેન ભાઈને કેમ કરીને ઓળખી લે છે? પોતાની માતાની આંખો જેવી એની આંખો દેખીને, અને પિતાના અવાજ જેવો એનો અવાજ સાંભળીને. (માતાના જેવી આંખોવાળો ને પિતાના જેવા સ્વરવાળો પુરુષ પંકાય છે) ભાઈને પોતાનાં દુઃખો સંભળાવતી બહેન ભાઈના નિમંત્રણને નકારે છે. એ સમજે છે કે ભાઈઓ તો ભાભીને વશ હોય, બધું દુઃખ ઠલવીને બહેન ડૂબી મરે છે.)

માતા અને સાસુ

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયાો!

માતાજી રમવા દ્યો રે રંગ ડોલરિયો!

રમી ભમી ઘેર આવિયાં રંગ ડોલરિયો!

માતાજી ભોજન દ્યો રે રંગ ડોલરિયો!

માતાએ પીરસી લાપસી રંગ ડોલરિયો!

મહીં પળી એક આલ્યાં ઘી રે રંગ ડોલરિયો!

માતાએ ગૂંથ્યાં માથડાં રંગ ડોલરિયાો!

ઓશીકે નાગરવેલ્ય રે રંગ ડોલરિયો!

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો!

સાસુજી રમવા દ્યો રે રંગ ડોલરિયો!

રમી ભમી ઘેર આવિયાં રંગ ડોલરિયો!

સાસુજી જમવા દ્યો રે રંગ ડોલરિયો!

બાઈજીએ પીરસ્યું બાજરિયું રંગ ડોલરિયો!

મહીં ટીપું આલ્યાં તેલ રે રંગ ડોલરિયો!

બળ્યું બાઈજી, તારું બાજરિયું રંગ ડોલરિયો!

તારા તેલમાં ટાંડી મેલ્ય રે રંગ ડોલરિયો!

સાસુએ ઢાળી ખાટલી રંગ ડોલરિયો!

ઓશીકે કાળો નાગ રે રંગ ડોલરિયો!

ઘરે આવોને!

શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને!

આંગણીએ વેરું ફૂલ, મારે ઘેર આવો ને!

ઉતારા આપીશ ઓરડા, ઘરે આવો ને!

મેડીના મો’લ જ દૈશ, મારે ઘરે આવો ને. - શેરી વળાવી.

દાતણ આપીશ દાડમી, ઘરે આવોને!

કણેરીની કાંબ જ દૈશ, મારે ઘરે આવો ને! - શેરી વળાવી.

નાવણ આપીશ કૂંડિયું, ઘરે આવો ને!

ઝીલણિયાં તળાવ દૈશ, મારે ઘરે આવો ને! - શેરી વળાવી.

ભોજન આપીશ લાપશી, ઘરે આવો ને!

સાકરિયો કંસાર દૈશ, મારે ઘરે આવોને! - શેરી વળાવી.

મુખવાસ આપીશ એલચી, ઘરે આવોને !

પાન બીડલાં દૈશ પચાસ, મારે ઘરે આવો ને! - શેરી વળાવી.

પોઢણ આપીશ ઢોલિયા, ઘરે આવોને!

હીંડોળા ખાટ જ દૈશ, મારે ઘરે આવોને! - શેરી વળાવી.

ઘણી ઘણી હામો

સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ,

સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ.૧

સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,

સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે.

સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળાં રે લોલ,

સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે. - સાયબા મુને.

સાયબા, મારે જેઠ ભલા પણ વદેગળા રે લોલ,

સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે. - સાયબા મુને.

સાયબા, મારી જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,

સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને.

સાયબા, મારો દેર ભલા પણ વેગળા રે લોલ,

સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને.

સાયબા, મારી દેરાણી ભલાં પણ વેગળાં રે લોલ,

સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે. - સાયબા, મુને.

૧ બીજો પાઠ :

સાયબા, તમે મુંબઈ બંદર મોલ માણજો રે લોલ.

(ગ્રામ્ય કુલવધૂઓને નવા નવા કુટુંબજીવનની અંદર લાજ કાઢવામાં રસ પડતો. ઘૂમટો ખેંચવામાં તેઓ આંગળીઓનું અને પોશાકનું કલાવિધાન વાપરતાં. ઝીણું બોલવામાં માત્ર મર્યાદાનો ખ્યાલ નહોતો. માધુર્ય પણ ઝરતું. અવિભક્ત કુટુંબના કોઈ કોઈ સુખી સમયમાં દેરાણી-જેઠાણી વચ્ચેનો વાદ પણ દેર-ભોજાઈ વચ્ચેના હાસ્ય વિનોદ જેવો મીઠો બની જતો. કૌટુમ્બિક જીવનમાં આ જૂનાં પ્રેમપોષક તત્ત્વો હતાં. સાથોસાથ ‘મુંબઈના મો’લની વિનાશક મોહિની મંડાઈ ગયાનો સમય પણ આંહી સૂચવાયો દીસે છે.)’

વીડી વાઢનારાં

(સમાન હકદાર અને સ્વતંત્ર એવાં શ્રમજીવી ધણી-ધણિયાણીની વાત છે. ધણીએ પોતાનો ભારો ન ચડાવ્યો અને સ્વાર્થી બનીને ચાલ્યો ગયો. એટલે પત્ની પોતાને ભારો ચડાવનાર વટેમાર્ગુ વીરાને પોતાની કમાઈમાંથી જમાડીને વેર વાળે છે.)

સાવ રે. સોનાનું મારું દાતરડું રે લોલ (ર)

હીરનો બંધિયો૧ હાથ, મુંજા વાલમજી લોલ!

પરણ્યે વાઢ્યા રે પાંચ પૂળકાર લોલ (ર)

મેં રે વાઢ્યા છે દસ વીસ, મુંજા વાલમજી લોલ. - હવે.

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ (ર)

હું રે ઉભી વનવાટ, મુંજા વાલમજી લોલ. - હવે.

વાટે નીકળ્યો વાટમારગુ રે લોલ (ર)

ભાઈ મુને ભારડી૩ ચડાવ, મુંજા વાલમજી લોલ. - હવે.

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ (ર)

મારે આવેલ માણું ઘઉં, મુંજા વાલમજી લોલ. - હવે.

પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ (ર)

મેં રે જમાડ્યો મારો વીર, મુંજા વાલમજી લોલ

હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.

૧. બંધિયો : રસી ર. પુળકા : પૂળા ૩ ભારડી : ભારો.

બાળુડો જોગી

(ગોડ બંગાળનો તરુણ રાજા ગોપીચંદ મહારાજા ભર્તૃહરિનો ભાણેજ થાય. ભોગવિલાસમાં ગરક થયેલા એ પુત્રને માતા મેનાવતીએ એક સુંદર સમસ્યા વડે ભેખ લેવરાવ્યો. બરાબર સ્નાનો સમય થયો જોયો. એની ઉઘાડી કાયા ઉપર મૂંગું આંસુ ટપકાવ્યું. આવી કંચનવરણી અને મહેકતી કાયાનો પણ એક દિવસ લય થશે એ એના પિતાનું મૃત્યુ યાદ કરાવીને પલકમાં સમજાવ્યું. બાળુડો જોગી પોતાના જોગની કસોટી કરવા બહેનીબાને દેશ પહોંચ્યો. બહેનનાં ચોધાર રુદન જેને ન ચળાવી શકે તે જ ત્યાગ સાચો.)

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

હાથપગ ચોળે એના ઘરની અસતરી,

વાંસાના મોર ચોળે માડી રે ભરથરી.

મોર ચોળતાં એનું હૈડું ભરાણું જો,

નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી,

ઓચિંતા નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

આવી કાયા રે તારા બાપની હતી જો,

એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી.

કો’ તો, માતાજી, અમે દુવારકાં જાયેં જો,

દુવારકાંની છાપું લઈ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો,

હિંગળાજના ઠુમરા લઈ આવું રે ભરથરી.

કો’તો માતાજી, અમે કાશીએ જાયેં જો,

કાશીની કાવડ્યું લઈ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો,

કો’તો લઈએ ભગવો ભેખ રે ભરથરી.

બાર વરસ, બેટા, રાજવટું કરો જો,

તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.

બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો,

આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.

દેશ જોજે ને, દીકરા, પરદેશ જાજે જો,

એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.

આંબાની ડો ને સરોવરની પાળે જો,

ઉતરી છે જોગીની જમાત રે ભરથરી.

નણંદની દીકરી ને સોનલબાઈ નામ જો,

સોનલબાઈ પાણીડાં હાર્ય રે ભરથરી.

કો’તો, મામી, તમારો વીરોજી દેખાડું જો,

કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.

સાચું બોલો તો, સોનલભાઈ, સોનલે મઢાવું જો,

જૂઠું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.

હાલો દેરાણી ને હાલો જેઠાણી જો.

જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી.

થાળ ભરીને શગ મોતીડે લીધો જો.

વીરને વધાવવાને જાય રે ભરથરી.

બેની જોવે ને બેની રસ રસ રોવે જો,

મારો વીરોજી જોગી હુવો રે ભરથરી.

કો’તો, વીરાજી મારા, પાલખી મંગાવું જો,

પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જોયેં જો,

કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

ઉભા રો’, રંગ રસિયા!

સોના ઈંઢોણી રૂપા બેડલું રે

નાગર, ઉભા રો’ રંગ રસિયા!

પાણીડાં ગઈ’તી તળાવ રે,

નાગર, ઉભા રો’ રંગ રસિયા!

કાંઠે તે કાન ઘોડાં ખેલવે રે - નાગર.

કાન મુને ઘડુલો ,ડાવ્ય રે - નાગર.

તારો ઘડો તે, ગોરી, તો ચડે રે - નાગર.

તું જો મારા ઘરડાની નાર રે - નાગર.

ફટ રે ગોઝારા ફટ પાપિયા રે - નાગર.

તું છો મારો માડીજાયો વીર રે - નાગર.

અરડી મરડીને ઘડો મેં ચડ્યો રે - નાગર.

તૂટી મારા કમખાની કસ રે - નાગર.

ભાઈ રે દરજીડા, વીરા, વીનવું રે - નાગર.

ટાંકય મારા કમખાની કસ રે - નાગર.

કરો તે ટાંક્ય ઘમર ઘૂઘરી રે - નાગર.

હૈયે તે લખ્ય ઝીણા મોર રે - નાગર.

જાતાં વાગે તે ઘરમ ઘૂઘરી રે - નાગર.

વળતાં ઝીંગોરે નીલા મોર રે - નાગર.

રંગમાં, રોળ્યાં, વાલમિયા

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,

લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઈં, વાલમિયા

કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા

કેડ પરમાણે રે ઘાઘરો સોઈં, વાલમિયા,

ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોંઈ, વાલમિયા,

ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે ઝરમર સોઈં, વાલમિયા,

તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા.

કાન પરમાણે રે ઠોયિાં સોઈં, વાલમિયા

વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા.

નાક પરમાણે રે નથડી સોઈં, વાલમિયા,

ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાસમ, તારી વીજળી!

(‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઈ જતાં રસ્તામાં મહુવાની નજીક ડૂબી ગઈ. તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાા નાથબાવાઓ તો આ ગીત ગાઈને શ્રોતાજનોને રડાવે છે. ‘વીજળી’ જેવી સમર્થ આગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઈ પરણવા જતા કેસરિયા વરરાજાઓ : ત્યારપછી એ મધદરિયાનાં વાવાઝોડાંઃ બેસુમાર પાણી : ડૂબવા સમયની ડોલાડોલ : ખારવાઓની દોડાદોડ : દેવદેવીઓને માનતા કરતાં મુસાફરોના કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ : મુંબઈને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં બેદક કલ્પાંતઃ અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું હૈયાફાટ આક્રંદઃ એ તમામ ચિત્રો સચાોટ છે.)

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ!

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ!

ભુજ અંજારની જાનું રે જૂતી

જાય છે મુંબઈ શે’ર - કાસમ, તારી.

દેશપરદેશી માનવી આવ્યાં,

જાય છે મુંબઈ શે’ર - કાસમ, તારી.

દસ બજે તો ટિકટું લીધી

જાય છે મુંબઈ શે’ર - કાસમ, તારી.

તેર તેર જાનું સામટી જૂતી

બેઠા કેસરિયા વર. - કાસમ, તારી.

ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા

છોકરાંનો નૈ પાર - કાસમ તારી.

અગિયાર બજે આગબોટ હાંકી

જાય છે મુંબઈ શે’ર - કાસમ તારી.

બાર બજે તો બરોબર ચડિયાં

જાય છે મુંબઈ શે’ર - કાસમ તારી.

ઓતર દખણના વાયરા વાયા

વાયરે ડોલ્યાં વા’ણ - કાસમ તારી.

મોટા સાહેબની આગબોટું મળિયું

વીજને પાછી વાળ્ય. - કાસમ તારી.

જહાજ તું તારું પાછું વાળ્યે,

રોગ તડાકો થાય. - કાસમ તારી.

પાછી વાળું, મારી ભોમકા લાજે!

અલ્લા માથે એમાન. - કાસમ તારી.

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.

વીજને પાછળ વાળ્ય. - કાસમ તારી.

મધદરિયામાં મામલા મચે

વીજળી વેરણ થાય. - કાસમ તારી.

ચહમાં૧ માંડીને માલમી જોવે

પાણીનો ના’વે પાર. - કાસમ તારી.

કાચને કુંપે કાગદ લખેર

મોકલે મુબઈ શે’ર - કાસમ, તારી.

હિન્દુ મુસલમીન માનતા માને

પાંચમે ભાગે રાજ. - કાસમ તારી.

પાંચ લેતાં તું પાંચસે લેજે

સારું જમાડું શે’ર - કાસમ તારી.

ફટ ભૂંડી તું વીજળી! મારાં

તેરસો માણસ જાય - કાસમ તારી.

વીજળી કે’ મારો વાંક નૈ, વીરા

લખિયલ છઠ્ઠીના લેખ - કાસમ તારી.

તેરસો માણસ સામટાં બૂડ્યાં

બૂડ્યાં કેસરિયા વર. - કાસમ તારી.

ચૂડીએ કોઠે દીવા જલે ને

જુએ જાનનું કેરી વાટ. - કાસમ તારી.

મુંબઈ શે’રમાં માંવા નાખેલ

ખોબલે વે’ચાય ખાંડ. - કાસમ તારી.

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે

જુએ જાનુંની વાટ - કાસમ તારી.

સોળસેં કન્યા ડુંગરે ચડી

જુએ જાનુંની વાટ - કાસમ તારી.

દેશદેશેથી તાર વછૂટ્યા

વીજળી બૂડી જાય. - કાસમ તારી.

વાણિયા વાંચે ને ભાટિયા વાંચે

ઘર ઘર રોણાં થાય. - કાસમ તારી.

પીઠી ભરી તો લાકડી રુએ

માંડવે ઉઠી આગળ. - કાસમ તારી.

સગું રુએ એનું સાગવી રુએ

બેની રુએ બાર માસ. - કાસમ તારી.

મોટા સાહેબે૩ આગબોટું હાંકી

પાણીનો ના’વે પાર. - કાસમ તારી.

મોટા સાહેબે તાગ જ લીધા

પાણીનો ના’વે પાર - કાસમ તારી.

સાબ મઢ્યમ બે દરિયો ડોળે

પાણીનો ના’વે તાગ. - કાસમ તારી.

૧. ચશ્માં ર. પૂવે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા. ૩. પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા. ‘વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઈને જ એણે વીજળી નાછી ન વાળી.

સાંભર્યા

હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે,

મારાં મનડાં ઉદાસી થાય રે,

ઢોલે રમું ને હરિ સાંભરે રે.

હું તો દાતણ કરું ને હરિ સાંભરે રે,

મારાં દાતણિયાં પડી પડી જાય રે. - ઢોલે.

હું તો નાવણ કરું ને હરિ સાંભરે રે,

મારી કૂંડિયું ઢળી ઢળી જાય રે. - ઢોલે.

હું તો ભોજન કરું ને હરિ સાંભરે રે,

મારા કોળિયા ઢળી ઢળી જાય રે. - ઢોલે.

હું તો મુખવાસ કરું છે હરિ સાંભરે રે,

મારી એળચિયું ઢળી ઢળી જાય રે. - ઢોલે.

હું તો પોઢણ કરું ને હરિ સાંભરે રે,

મારી સેજડી ઢળી ઢળી જાય રે. - ઢોલે.

સંપાદિત ભજનો

(ભજન-સમારંભનો પ્રારંભ સાખીથી થાય છે)

સદા ભવાની! સા’ય રો, સનમુખ રહો ગણેશ!

પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

દૂંદાળો દુઃખભંજણો, સદાય બાળે વેશ,

પરથમ પે’લો સમરિર્યે, ગવરીનંદ ગણેશ.

ગવરીઃ તમારા પુત્રને, મધુરા સમરે મોર,

દી’એ સમરે વાણિયા, રાતે સમરે ચોર.

અઘોર નગારાં તારાં વાગે

અઘોર નગારાં તારાં વાગે

ગરનારી વેલા! અઘોર નગારાં તરાં વાગે!

ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે

ચોય દશ વડલો બિરાજે. - ગરનારી.

ગોમુખી ગંગા ભીમકંડ ભરિયા

પરચે પાણીડાં પોંચાડે - ગરનારી.

ચોસઠ જોગણી બાવન વીર રે

હોકાર્યો મોઢાં આગળ હાલે રે - ગરનારી.

વેલનાથ ચરખે બોલ્યા રામૈયો ધાણી

ગરનારી ગરવે બિરાજે. - ગરનારી.

રામૈયો

થોડે થોડે પિયો!

અજરા કાંઈ જ્યાં નહીં જાય.

એ જી વીરા મારા ! અજરા કાંઈ જ્યાં જહીં જાય.

થોડે થોડે સાધ પિયોને હાં.

તન ઘોડો મન અસવાર.

તમે જરણાંનાં જીન ધરોને જી.

શીલ બરછી સત હથિયાર,

તમે માયલાસે જુદ્ધ કરોને હાં.

કળીયુગ કાંટા કેરી વાડ્ય,

તમે જોઈ જોઈને પાંઉ ધરોને હાં.

ચડવું મેર અસમાન,

ત્યાં આડા અવળા વાંક ઘણાં છે હાં.

બોલિયો કાંઈ ધ્રુવ ને પ્રેહલાદ

તમે અજંપાના જાપ જપોને હાં

શીદને સંતાપો રે!

અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે,

સઘળું કુટુંબ મળીને.

મારે છે કાંઈ હાં....સાંઈને સમર્યાનું રે હેત,

મારે છે કાંઈ હાં... હરિને ભજ્યાનું હેત. - અવળાં.

ઘરણાં વગોણાં રે મારે મન અતિ ઘણાં રે,

તેમાં તમો કડવાં મ બોલોને વેણ. - અવળાં.

કાચી છે હે કાયા રે કુંપો વીરા કાચનો રે,

તેને તો કાંઈ ફૂટતાં નહીં લાગે વાર. - અવળાં.

ઝેરના પિયાલા રે સિકંદર સુમરો મોકલે રે,

પી લે પી લે હેતેથી તું એલા દાસ. - અવળાં.

ઝેરના પિયાલા રે હોથી સુમરો પી ગયા રે,

આવ્યા છે કાંઈ અમી તણા ઓડકાર. - અવળાં.

મોરારને વચને રે હોથી સુમરો બોલિયા રે,

દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. - અવળાં.

હોથી

એ જી તમે મારી સેવાના શાલીગરામ!

એ જી તમે મારી સેવાના શાલીગરામ!

મીરાં, તમે ઘેર જાવને!

તમે રે રાજાની કુંવરી ને અમે છૈયેં જાતના ચમાર,

જાણશે તો મેવાડો કોપશે ને ચિત્રોડો ચોંપે દેશે ગાળ,

મીરાં, તમે ઘેર જાવને!

કાશી રે નગરના ચોકમાં રે ગુરુ મને મળ્યા રોઈદાસ,

મીરાં, તમે ઘેર જાવને!

રોઈદાસ

એ જી, મનષા માયલી જી રે

એ જી, મનષા માયલી જી રે,

ગોરખ, જાગતા નર સેવીર્યે.

જાગતના નર સેવીયેં

તુંને મળે નિરંજન દેવ. - મનષા.

પથર પૂંજ્યે હર મિલે તો

મેં બી પૂજું પ્હા’ડ જી

ઓહી પ્હા’ડકી ચકી બનત હૈ

પીસ પીસ જગ ખાત. - મનષા.

માલણ લાવી ફૂલડાં એ

ધર્યાં હરિની પાસ જી

એ દેવમાં જો સાચ હોય તો

કેમ ન આવે વાસ. - મનષા.

ગોરખનાથ

કલેજા-કટારી

કલેજા કટરી રે

રુદિયા કટારી રે

માડી! મુંને માવે લૈને મારી.

વાંભું૧ ભરી મુજને મારી,

વાલે મારે બહુ બળકારી,

હાથુંની હલાવી રે. - માડી! મુંને.

કટારીનો ઘા છે ભારી,

પાટા બાંધું વારી વારી,

વૈદ ગિયા હારી રે. - માડી! મુંને.

કટારીની વેદના ભારી,

ઘડીક ઘરમાં ને બા’રી;

મીટ્યુંમાં મોરારી રે. - માડી! મુંને.

દાસ જીવણ ભીમને ભાળી;

વારણાં લીધાં વાળી વાળી;

દાસીને દીવાથી રે-

માડી- મુંને માવે લૈને મારી.

દાસી જીવણ

પવન-ચરખો

કાયાના ઘડનારાને ઓળખો રે

રામ! અભિયાગતને નરખો રે

રામજીને બનાયા પવન-ચરખો.

જિયાં જુઓ તિયાં સરખો

રે રામ સરખો.

દેવળ દેવળ દેવે હોંકારા

પારખુ હોઈ નર પરખો રે

રામજીને બનાયા પવન-ચરખો.

ધૂડના ઢગામાંય જી, જીવો રામજી,

જ્યોત જલત હૈ;

અંધા મટ્યો કાલા દલ કો

રામ દલ કો.

એને અજવાળે રામ અગમ ન સૂઝ્‌યો તેને

ભેદ મળ્યો નૈ એના ઘરકો

રામજીને બનાયા પવન-ચરખો.

પાંચ તતવ કેરા જી, જીવો રામ જી,

સંઘ ચલાય જી

એકેક દોય દોય નરખો.

પવન પૂતળી રમે ગગનમાં

નૂરતે સૂરતે નરખે-ચરખો.

કે’ રવિ સાબ સંતો સદ્‌ગુરુ સાચા

મેં ગુલામ એના ઘરકો,

આ રે કાયાનો તમે ગરવ ન રાખજો!

ચરખો નહીં આ તો સરખો

રામજીને બનાયા પવન-ચરખો.

રવિ સાહેબ

સંદેશ

કે’જો સંદેશો ઓધા કાનને રે

તમે છો માયલા ઓધાર રે. - કે’જો.

રત્યું પાલટીયું વન કોળિયાં રે

બોલે બાપૈયા ઝીણા મરો રે

પિયુ! પિયુ! શબદ સુણાવતાં

હૈયું રિયલ નૈ મારું ઠોર રે. - કે’જો.

આપે કાળા ને વળી કૂબજા રે

જોતાં મળી છે એને જોડ રે

તાળી દૈને તરછોડિયાં રે

તુંને ઘટે નૈ રણછોડ રે. - કેજો.

આવું જો જાણું તો જાવા દેત નૈ

રાખત ગોકળિયા મોજાર રે

મુવલને નવ મારીએં રે

મોહન મનથી વિચાર રે. - કે’જો.

એટલી અરજ વ્રજ-નારની

વાંચીને કરજો વિચાર રે,

દરશન દેજો દેજો દેવીદાસને

હરિવર રે’જો પાસ રે. - કે’જો.

ઓળખો

ગુરૂ! તારો પાર ન પાયો

એ જી! તારો પાર ન પાયો

પૃથવીના માલિક! તારો જી-હો-જી.

હાં રે હાં! ગરવીનો નંદ ગણેશ સમરીએ જી-હો-જી.

એજી! સમરું શારદા માત

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી-હો-જી.

એ જી, થંભ વિણ આભ ઠેરાયો

એ વારી! વારી! વારી! -

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી-હો-જી.

એ જી! માખણ વિરલે પાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

હાં રે હાં સુન રે શિખર પર અલખ અખેડા જી-હો-જી.

એ જી વરસે નૂર સવાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

ગગન-મંડળમાં બે બાળક ખેલે જી-હો-જી.

એ જી બાળકનો રૂપ સવાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી-હો-જી.

એ જી સાધુડાંનો બેડલો સવાયો

એ વારી! વારી! વારી!

અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

દેવાયત પંડિત

દાઝેલ દેહનાં દુઃખિયાં

છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં

મારો દાઝલ દેયુંના અમે છયેં દુઃખિયાં

વાને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા!

સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં - મારી.

છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા!

ઉંડા રે જળનાં અમે છયેં મછિયાં. - મારી.

પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા!

નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં.- મોરી.

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!

ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં

મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.

મૂળ વચન

ઉપર જેને ‘શબદ’ કહેલ છે તેને સોરઠની સ્ત્રીસંત લોયણ, પોતાના શિષ્ય લાખાને પ્રબોધતાં ‘મૂળ વચન કહીને ગાય છે.’

જી રે લાખા! મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી

એને સંત વિરલા જાણે હાં!

જી રે લાખા! વચન થકી જે કોઈ અધૂરા જી

તે તો પ્રેમરસને શું માણે હાં!

જી રે લાખા! વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી

વચને પૃથવી ઠેરાણી હાં.

જી રે લાખા! ચૌદ લોકમાં વચન રમે છે જી

તેને જાણે પુરુષ પુરાણી હાં.

જી રે લાખા! એવા રે વચનની જેને પરતીત આવે જી

એ તો કદી ચોરાશી ન જાવે હાં.

જી રે લાખા! વચનના કબજામાં જે કોઈ વસે જી

એની સૂરતા શુનમાં સમાવે હાં.

જી રે લાખા! એ રે વચન શિરને સાટે જી

એ ઓછા માણસનતે ન કહેવું હાં.

જી રે લાખા! સદ્‌ગુરુ આગળ શીષ નમાવી જી

એના હુકમમાં હંમેશાં રે’વું હાં.

જી રે લાખા! આદ ને અનાદમાં વચન છે મોટું જી

એને જાણે વિવેકી પૂરા હા.

જી રે લાખા! શેલણશીની ચેલી લોયણ બોલિયાં જી

એને નેણે વરસે નૂરા હાં!

લોયણ

જેને દીઠે નેણલાં ઠરે

જેને દીઠે નેણાલાં ઠરે

બાયું! અમને એડા એડા સંત મળે.

ઉરમાંથી એક બુંદ પડે નૈ,

ભગત નામ નવ ધરે;

નરક છોડાવીને ન્યારા રે’વે

અમર લોકને વરે. - બાયું.

ચાલતાં નર ધરતી ન દુવે,

પાપ થકી બહુ ડરે;

શબ્દે વિવેકી ને ચાલે સુલક્ષણા

પૂછી પૂછીને પાઉં ધરે. - બાયું.

ત્રિગુણ પૂતળી રમે સુનમાં,

અનઘડ ઘાટ જ ઘડે;

ગુરુજીના શબ્દો એવા છે ભાઈ,

ખોજે તેને ખબરું પડે. - બાયું.

કાયાવડાીનો એક ભરમલો,

સંધ્યાએ ઓથ ધરે;

આરે સંસારમાં સંત સુહાગી,

બેઠા બેઠા ભજન કરે. - બાયું.

વર્ષાઋતુનો એક હિમ-પોપટો,

નીર ભેળાં નીર ભળે;

લખમાના સ્વામીની સંગે રમતાં

સ્વાતિનાં બિન્દુ ઠરે,

બાયું! અમને એડા એડા સંત મળે.

લખમો માળી

જેસલ, કરી લે વિચાર

તોળલ નામનાં સ્ત્રી-સંતે, લૂંટારા જેસલ જાડેજાની સાથે જઈ તેનો મદ ગાળી નાખી, તેને માનવ-જીવનનું રહસ્ય સમજાવ્યું છે.

જેસલ, કરી લે વિચાર

માથે જમ કેરો માર

સપના જેવો છે સંસાર

તોળી રાણી કરે છે પોકાર

આવો જેસલરાય!

આપણ પ્રેમ થકી મળીએં જી

પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી!

આવ્યો અમુલખ અવતાર

માથે સતગુરુ ધાર

જાવું ધણીને દુવાર

કાયા બેડી ઉતારે ભવપાર

આવોન જેસલરાય. - આપણ.

ગુરુના ગુણનો નહીં પાર

ભગતી છે ખાંડાની ધાર

નુગરા ક્યા જાણે સંસાર

એનો એળે જાય અવતાર

આવોને જેસલરાય. -આપણ.

જીવની ગતિ જીવની પાસ

જેવી કસ્તૂરીમાં વાસ

ધણી તારા નામનો વિશ્વાસ

સેવકોની પૂરો હવે આશ

આવોને જેસલરાય. - આપણ.

છીપું સમુદરમાં થાય

તેનીયું સફળ કમાઈ

સ્વાતના મેહુલા વરસાય

ત્યારે સાચાં મોતીડાં બંધાય

આવોને જેસલરાય. - આપણ.

મોતીડાં એરણમાં ઓરાય

માથે ઘણ કેરા થાય

ફૂટે તે ફટકિયાં કે’વાય

ખરાની ખળે ખબરું થાય

આવોને જેસલરાય. - આપણ.

ચાંદો સૂરજ વસે છે આકાશ

નવલખ તારા તેની પાસ

પવન પાણી ને પરકાશ

સૌ લોક કરે તેની આશ

આવોને જેસલરાય. - આપણ.

નવ લાખ કોથળિયું બંધાય

તે તો ગાંધીડો કે’વાય

હીરામાણેક હાટોડે વેચાય

તે દી એનાં મૂલ મોંઘાં થાય

આવોને જેસલરાય. - આપણ.

નત્ય નત્ય ઉઠી નાવા જાય

કોયલા ઉજળા ન થાય

ગુણિકાને બેટડો જો થાય

બાપ કેને કે’વાને જાય

આવોને જેસલરાય. - આપણ.

પ્રેમના પાટ પ્રેમના થાટ

ઝળહળ જ્યોતુંના ઝળળાટ

આગળ નમણ્યું જ્યાં થાય

આવોને જેસલરાય. - આપણ.

૧મનની માંડવીયું રોપાય

તન કેરા પડદા બંધાય

જતિસતી મળી ભેળાં થાય

સતીયુંના પંજા જ્યાં મેળાય

આવોને જેસલરાય. - આપણ.

દેખાદેખી કરો તે મત ભાઈ!

હાથમાં દીવડિયો દરશાય

અંતરે અંજવાળા થાય

ચાર જુગની વાણી તોરલ ગાય.

આવોને જેસલરાય. - આપણ.

તોરલ

આ દેહમાં બેઠા

નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્યારી ન્યારી,

આ દેવમાં મારો સતગુરુ બેઠા. - નાથ નિરંજનધારી.

નાવે ધોવે ને કરે ચતુરાઈ, ચોકા કરે ઓલા બ્રહ્મચારી,

જગતમુક્તિનો ભેદ ન જાણે, પાખંડ પૂજે સંસારી;

આ દેવમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

મન મારીને સુરતા લગાઈ લે, કરો ગુરુજી સેં યારી,

ભૂલેલ નરને જ્ઞાન બતાવે, અધર હાલે અહંકારી;

આ દેહમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

આ કાયામાં પાંચ ચોર વસે, પાંચેની સુરતા હે નારી,

પાંચ પકડ કે એક કરો તો હો જાવે હીરલા હજારી;

આ દેહમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

બિનરાબનકી કુંજગલીમેં વાલો ખેલે ખેલ હજારી,

કહે ગુરુપદ તમે સુનોને વિનંતિ, પાર ઉતરે સંસારી;

આ દેહમાં મારો સતગુરુ બેઠા. - નાથ.

કાળથી ડર્યો

પાપ તારાં પરકાશ, જાડેજા!

ધરમ તારો સંભાળ જી;

તારી બેડલીને બૂડવા નહીં દઉં

તારી નાવડીને ડૂબવા નહીં દઉં

જાડેજા રે... એમ તોળલ કે’ છે જી.

હરણ હણ્યાં લખ ચાર તોળી રાણી!

હરણ હણ્યાં લખ ચાર જી,

વનના મોરલા મારિયા,

મેં તો વનના મોરલા મારિયા,

તોળાંદે રે... એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

ફોડી સરોવર પાળ, તોળી રાણી

ફોડી સરોવર પાળ જી!

ગોંદરેથી ગૌધણ વાળિયાં

મેં તો ગોંદરેથી ગૌધણ વાળિયાં

તોળાંદે રે...એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

લૂંટી કુંવારી જાન તોળી રાણી!

લૂંટી કુંવારી જાન જી,

સાત વીસ મોડબંધા મારિયા

મેં તો સાત વીર મોડબંધા મારિયા,

તોળાંદે રે...એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

જતા મથેજા વાળ તોળી રાણી!

જતા મથેજા વાળ જી

એટલા અવગણ મેં કર્યા

એટલા અવગણ મેં કર્યા

તોળાંદે રે...એમ જેસલ કે’છે જી. - પાપ તારાં.

પુણ્યે પાપ ઠેલાય જાડેજા!

પુણ્યે પાપ ઠેલાયજી.

તારી બેડલીને બૂડવા નહીં દઉં

તારી નાવડીને ડૂબવા નહીં દઉં

જાડેજા રે...એમ તોળલ કે’છે જી. - પાપ તારાં.

તોરલ

જેને લાગ્યાં શબદુંનાં બાણ

શબ્દનાં, એટલે કે ભક્તિનાં બાણ જેને વાગ્યાં હોય તેની મનોવસ્થા કેવી બની જાય? રવિ સાબેહ નામના સંત કહે છે કે -

કેબાણ

તો લાગ્યાં જેને

પ્રાણ રે વિંધાણા એનાં

નેણાંમાં ઘૂરે રે નિશાણ

જીવો જેને લાગ્યાં ભજનુંનાં બાણ,

જીવો જેને લાગ્યાં ભજનુંનાં બાણ.

પરતિવંતા જેના પિયુ પરદેશમાં

એને કેમ રે જંપે વ્રેહની ઝાળ;

નાથ રે વિનાની એને નિંદરા નો આવે ત્યારે

સેજલડી સૂનકાર. - જીવો જેને.

હંસ રે સાયરિયાને સનેહ ઘણેરો રે

મીનથી વછોયા રે મેરાણ.

થોડા થોડા જળમાં એના પ્રાણ તો ઠેરાણા તે

પ્રીતું કરવાનાં પરમાણ. - જીવો જેને.

દીપક દેખીને અંગડાં મરોડે તો

પતંગિયાંનાં પરમાણ,

કે’ રવિસાબ સંતો ભાણને પરતાપે

સપના જેવો છે સંસાર. - જીવો જેને.

રવિસાહેબ

ભીતર સદગુરુ મળિયા

બેની! મુંને ભીતર સતગુરુ મળિયા રે.

વરતાણી આનંદલીલા : મારી બાયું રે,

બેની! મુંને ભીતર સતગુરુ મળિયા રે.

કોટિક ભાણ ઉગિયા દિલ ભીતર

ભોમ સઘળી ભાળી;

સૂન-મંડળમાં મારો શ્યામ બિરાજે,

ત્રિકોટીમેં લાગી મુંને તાળી : મારી બાયું રે.

ઘડી ઘડીનાં ઘડિયાળાં વાગે

છત્રીશે રાગ શીની,

ઝળકત મો’લને ઝરૂખે જાળિયાં

ઝાલરી વાગી ઝીણી ઝીણી : મારી બાયું રે.

- બેની મુંને.

બાવન બજારું ચોરાશી ચોવટા,

કંચનના મોલ કીના,

ઈ મોલમાં મારો સતગુરુ બિરાજે,

દોય કર આસન દીના : મારી બાયું રે.

- બેની મુંને.

સત નામનો સંતાર લીધો,

અને ગુણ તખત પર ગાયો;

કરમણ ચરણે લખીરામ બોલ્યા,

ગુરુજીએ લુપત પિયાલો અમને પાયોઃ મારી બાયું રે.

- બેની મુંને.

લખીરામ

ગારુડી

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

ગોકુળ ગામડાનો ગારડી રે, કાન કોયેં!

કાનુડો બતાવે એને નવનધ્ય આલું બેની!

આલું મારા હૈયા કેરી હારડી રેઃ કાન કોયેં - ભાળેલ રે બેની!.

ટચલી આંગળીએ વા’લે ગોરધન તોળ્યો વા’લા!

ગૌધન ગાવડી ઉગારડી રેઃ કાન કોયેં - ભાળેલ રે બેની!

કાળીનાગનાં કરડ્યાં, બેની! કોઈ નવ ઉગરે વા’લા,

ઝીણી આવે મુને લેરડી રે૧ઃ કાન કોયે - ભાળેલ રે બેની!

પતાળે પેસીને વા’લે કાળીનાગ નાથ્યો બેની!

ઉપર કીધી છે અસવારડી રેઃ કાન કોયે - ભાળેલ રે બેની!

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા,

તમને ભજીને થૈ છું ન્યાલડી રે : કાન કોયેં - ભાળેલ રે બેની!

મીરા

ભૂલ્યો રે ભૂલ્યો

ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા ગોપીચંદણ

પિયા પરદેશે ન જાનાં એ જી.

એ રે સેજડિયે અમને નીંદરા ન આવે રે

સૂતાં સેજડિયે અમને નીંદરા ન આવે રે

મારે મન રાજ ન ભાવે હો જી.

શાને રે કારણિયે રાજા મુંડ રે મુંડાવીને

શાને કારણ પે’રી કંથા હો જી?

શાને કારણીએ રાજા ખપર ધરાયો ને,

શાને કારણ લીધા ડંડા હો જી?

મુગતિને કારણ મૈયા, મુંડ તો મુંડાવી ને,

કાયા ઢાંકણ પે’રી કંથા હો જી?

વસ્તી માગણકું મૈયા, ખપર ધરાયો ને

કાળ મારણ લીના ડંડા હો જી.

કોણ કોણ રાજા, તેરી સંગ મેં ચલેગી ને

કોણ રે કરેગી દો દો બાતાં હો જી?

કોણ કોણ, રાજા, તેરા ચરણ પખાળશે ને

કિયાં જઈ જમશો દૂધ ને ભાતાં હો જી.

૧ચંદા ને સૂરજ મેરી સંગ મેં ચલેગી ને

રેન કરેગી દો દો બાતાં હો જીઃ

ગંગા ને જમના મારા ચરણ પખાળશે ને,

ઘેર ઘેર જમશું દૂધ ને ભાતાં હો જી.

૧ પાઠાન્તર : ધૂણી ને પાણી મેરી સંગ મેં ચલેગી.

કોઈ નૂરીજન નજરે આવે!

મન માંયલાની ખબરું લાવે રે,

કોઈ કામ કરોધને હટાવે રે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, રૂડા ભરમોના ભેદ બતાવે,

રામનામની રટણાયું રટી લે, અંધિયારો મટી જોવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

સંસાર-સાગર મહાજળ ભરિયો, હરિજન વા’ણ હોકારે,

એના માલમીને પકડ વશ કર લો, પાર ઉતરી જાવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

નિજ નામનાં નાંગળ નાખીને, પવન-પુરુષ પધરાવે,

અસલ જુગની અમર વાદળી, મોતીડે વરસાવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી.

સતકી રોટી, સબસે મોટી, પ્યાસ હોય સો પાવે,

દોઈ કર જોડી જેઠીરામ બોલ્યા, કર્યા કરમ કંહીં જાવે;

કોઈ એવા નૂરીજન નજરે આવે...જી.

જેઠીરામ

પૂર્વની પ્રીતિ

મારે પૂરવની છે પ્રીત્યું રે

બાળાપણની પ્રીત્યું રે

ઓધા! મંદિર આવજો રે.

દાસી માથે શું છે દાવો,

મારે મો’લ નાવે માવો

આવડલો અભાવો રે. - ઓધા.

વાલે મળ્યે કરીએ વાતું,

ભાંગે મારા દિલની ભ્રાંત્યું,

આવી છે એકાંત્યું રે. - ઓધા.

જોઈ જોઈ વોરીએં જાત્યું,

બીબા વિનાના પડે ભાત્યું,

ભાર ઝીલે ભીંત્યું રે. - ઓધા.

દાસી જીવણ ભીમને વાળી

વારણાં લીધાં વારી વારી

દાસીને દીવાળી રે. - ઓધા.

દાસી જીવણ

મન નો ડગે

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે

મરને૧ ભાંગી રે પડે ભરમાંડર રે;

વિપદ પડે પણ વણસે નહીં,

ઈ તો હરિજનનાં પરમાણ૩ રે. - મેરુ રે.

ભાઈ’રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને

શીશ તો કર્યા કુરબાન રે,

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,

જેણે મૈલયાં અંતરનાં માન રે. - મેરુ રે.

ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને

જેને આઠે પો’ર આનંદ રે,

સંકલપ વિકલપ એકે નહીં ઉરમાં,

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. - મેરુ રે.

ભાઈ રે! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!

રાખજો વચનુંમાં વીશવાસ રે,

ગંગાસતી એમ બોલિયાં

તમે થાજો સતગુરુજીનાં દાસ રે. - મેરુ રે.

ગંગાસતી

જીવન ભલે જાગિયાં

મેં તો સધ રે જાણીને તમને સેવિયા

મારે રુદિયે દિવસ ને રાત

જીવન ભલે જાગિયાં.

મેં તો પુન્યના પાટ મંડાવિયા

મારે પધાર્યા પીર જસો રે વળદાન

જીવન ભલે જાગિયાં

મેં તો કરુણાના કળશ થપાવિયા

જ્યોતું જગાવે દેવીદાસ

જીવન ભલે જાગિયાં

સતિયું મળિયું મારા સમ તણી

સતી અમર અમૂલાં માંગલબાઈ

જીવન ભલે જાગિયાં.

નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં

કોળી પાવળ પીર શાદલને હાથ

જીવન ભલે જાગિયાં

ગરવાં દેવંગી પરતાપે અમર બોલિયાં

તારા સેવકુંને ચરણુંમાં રાખ

જીવન ભલે જાગિયાં

અમરબાઈ

મૈયા મારો મનવો હુવો રે વિરાગી

મૈયા મારો મનવો હુવો રે વિરાગી,

મારી લે’ તો ભજનમાં લાગી રે,

મૈયા, મારો મનવો હુવો રે વેરાગી.

સંસાર વેવાર મને સરવે વિસરિયો,

બેઠો સંસારિયો ત્યાગી રે - મૈયા.

કામ ને કાજ મુને કડવાં લાગે,

મારા મનડાની મમતા લાગી રે. - મૈયા.

મંત્ર સજીવન શ્રવણે સાંભળિયો,

માંહીં મોરલી મધુરી ધૂન વાગી રે - મૈયા.

રાજ મોરારને રવિ ગુરુ મળિયા,

ભગતી ચરણની માગી રે - મૈયા.

મોરાર સાહેબ

આવડાં તે રૂપ!

મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે;

મોરલો મરતલોકમાં આવ્યો.

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,

વર થકી આવે વેલો,

સતી રે સુહાગણ સુંદરી રે;

સૂતા તારો શુ’ર જગાયો રે,

મોરલો મરતલોકમાં આવ્યો. - મોર તું તો.

ઈંગલા ને પીંગલા મેરી અરજું કરે છે રે,

હજી રે નાથજી કેમ ના’વ્યો;

કાં તો શામળિયે છેતર્યો ને કાં તો,

ઘર રે ધંધામાં ઘેરાયો રે

મોરલો મરતલોકમાં આવ્યો. - મોર તું તો.

દાસી જીવણ

રુદિયો રુવે

રોઈ રોઈ કેને સંભળાવું રે, જેસલજી કે’ છે

ઉંડા દુઃખ કેને સંભળાવું રે જાડેજો કે’ છે

રુદિયો રુવે રે મારો ભીતર જલે.

અમે હતાં, તોળી રાણી! ખારી વેલ્યે તુંબડાં,

તમ આવ્યે મીઠડાં હોય રે જાડેજો કે’ છે. - રોઈ.

અમે હતાં, તોળી રાણી! ઉંડે જળ બેડલાં,

તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે’ છે - રોઈ.

કપડાં લાવો, તોળી રાણી, સાબુએ સુધારું,

નિંદા થકી ઉજળાં હોય. જાડેજો કે’ છે. - રોઈ.

તમે જાવ, તોળી રાણી, વડે સુંધે વાયકે,

તમ વિના દિનડા નવ જાય, જાડેજો કે’ છે. - રોઈ.

દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો

સંભળાવ્યે મુગતિ હોય, જાડેજો કે’ છે. - રોઈ.

જેસલ

કાગળ

લાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે

એવો શિયો રે અમારલો દોષ, ન આવ્યા ફરીને રે.

જાદવ ઉભા રયોને જમનાને તીર, પાલવડે બંધાણા રે.

વા’લે દૂધ ને સાકરડી પાઈ ઉઝેરેલ અમને રે

એવાં વખડાં ઘોળી ઘોળી પાવ, ઘટે નૈ તમને રે. - લાવો.

વા’લો હીરના હીંડોળા બંધાવી હીંચોળેલ અમને રે

એવાં હીંચોળી તરછોડો મા મા’રાજ! ઘટે નૈ તમને રે. - લાવો.

વા’લે પ્રેમનો પછેડો ઓઢાડી રમાડેલ અમને રે

એવા ઓઢાડી ખેંચોમાં મા’રાજ! ઘટે નૈ તમને રે. - લાવો.

વા’લે અંધારા કૂવામાં આજ ઉતારેલ અમને રે

એવા ઉતારી વ્રત વાઢો મા મા’રાજ! ઘટે નૈ તમને રે. - લાવો.

ગુણ ગાય રે રવિ ને ભાણ ગુરુગમ ધારો રે.

એવી પકડેલ બાંય મા’રાજ! ભવસાગર તારો રે. - લાવો.

મોરાર સાહેબ

વચનનો વિવેક

વચન વિવેકી જે નરનારી, પાનબાઈ,

તેને બ્રહ્માદિક લાગે પાય;

તથારથ વચનની સાન જેણે જાણી, પાનબાઈ!

તેને કરવું હોય તેમ થાય. - વચન વિવેકી.

વચનમાં સમજે તેને મહાસુખ થાય રે

ઈ તો ગત ગંગાજી કહેવાય,

એકમના થૈને આરાધ કરે તો તો

નકળંગ પરસન થાય. - વચન વિવેકી.

વચને થાપ ને વચને ઉથાપ. પાનબાઈ!

વચને મંડાય જોને પાઠ,

વચનના પૂરા તે તો નહીં રે અધૂરા

વચનનો લાવો જોને ઠાઠ. - વચન વિવેકી.

વસ્તુના વચનમાં છે પરિપૂરણ, પાનબાઈ!

વચન છે ભક્તિનું જોને અંગ;

ગંગા રે સતી એમ બોલિયાં રે,

કરવો વચનવાળાનો સંગ. - વચન વિવેકી.

ગંગાસતી

સોદાગર હંસાજી

વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા!

જી હો! મુંને મેલી મત જાજો બાળા વેશમાં, સોદાગર હંસા જી.

કાગળ જેસી કોથળી રે વણઝારા!

જી હો! એને ગળતાં નૈ લાગે વાર રે. સોદાગર હંસા જી.

ડુંગર માથે દેરડી રે વણઝારા!

જી હો! હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે. સોદાગર હંસા જી.

ફાલી ફૂલી રે ઓલી પીપળી રે વણઝારા!

જી હો! ઓલી ફળ વિના ઝૂલે નાગરવેલ રે. સોદાગર હંસા જી.

આંબો જાણીને મેં તો સેવિયો રે વણઝારા!

જી હો! એ તો કરમે ઉગ્યો છે ભંભૂર રે. સોદાગર હંસા જી.

હીરા માણેકની કોટડી રે વણઝારા!

જી હો! મને વેપારી મળ્યા સવા લાખના. સોદાગર હંસા જી.

કાજી મહમદશાની વિનતિ રે વણઝારા!

જી હો! તમે માની લિયો ગરીબનવાજ રે. સોદાગર હંસા જી.

કાજી મહમદશા

વાગે ભડાકા ભારી ભજનના

વાગે ભડાકા ભારી ભજનના

વાગે ભડાકા ભારી રે...હોજી.

બાર બીજના ધણીને સમરું

નકળંક નેજાધારી,

ભજનના વાગે ભડાકા ભારી રે હો....જી.

હરજી ભાટી

(સોરઠી સંતવાણીના પ્રવેશકમાં આ ભજનની માત્ર પહેલી કડીનો જ ઉલ્લેખ છે.)

દેખાડું એ દેશ

વીજળીનેચમકારે મોતી પરોવવું, પાનબાઈ!

નહીંતર અચાનક અંધાર થાશે,

જોતજોતામાં દિવસ વયા ગયા, પાનબાઈ!

એકવીશ હજાર છસો૧ને કાળ ખાશે-

ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે, પાનબાઈ!

આ તો અધૂરિયાંને નો કે’વાય,

આ ગુપત રસનો ખેલ છે અટપટો,

આંટી મેલો તો પૂરણ સમજાય. - વીજળીને.

ભાઈ રે! નિરમળ જૈને આવો મેદાનમાં, પાનબાઈ!

જાણી લિયો જીવની જાત;

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને

બીબે પાડી દઉં બીજી ભાત. - વીજળીને.

ભાઈ રે! પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઈ!

તેનો દેખાડું હું તમને દેશ,

ગંગા રે સતી એમ બોલિયાં રે

ત્યાં નહીં માયાનો જરીએ લેશ. - વીજળીને.

ગંગાસતી

વૈરાગ્યનાં વિછોયાં

વેરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.

સાધનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.

વેલ્યેથી વછૂટ્યું રે, સખી! એક પાંદડું રે,

ઈ રે પાંદડું ભવે રે ભેળું નહીં થાય. - વૈરાગનાં.

બેલીડાનાની સંગે રે, બજારુંમાં મા’તા રે,

એ જી બેલીડા થિયા છે બેદિલ હવે આજ. - વૈરાગનાં.

હૈયામાં હોળી રે ખાંતીલો ખડકી ગિયો રે,

એવી હોળી પ્રગટી છે આ પંડમાંય;

ઝાંપે ઝાળું લાગી રે સખી! એને દેખતાં રે,

ઈ રે અગનિ કેમ રે કરી ઓલાય. - વૈરાગનાં

મેરામણ માયાળુ રે, બચળાં મેલ્યાં બેટમાં રે,

ઈ રે પંખીડાં ઉડી રે હાલ્યાં પરદેશ;

આઠ નવ માસે રે, આવી બચ્ચાં ઓળખ્યાં,

સૌએ સૌની આવીને લીધી સંભાળ. - વૈરાગનાં.

પાટાનો બાંધનારો રે, ઈ શું જાણે પીડ ને રે,

એવી પીડા પ્રગટી છે આ અંગ માંય;

લખમો માળી કે’છે રે આપવીતી વીનવું રે,

દેજો અમને સાધુને ચરણે વાસ. - વૈરાગનાં.

લખમો માળી

સાધુની સંગત

શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!

જેનાં બદલે નહીં વ્રતમાન૧ રે

ચિત્તની વરતીર જેની સદાય નિરમાળી

જેને મા’રાજ૩ થયા મે’રબાન રે-

ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહીં ઉરમાં

જેને પરમારથમાં પ્રીત રે,

મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને

રૂડી પાળે એવી રીત રે - શીલવંત.

ભાઈ રે! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે

જેને જાગી ગયો તુરિયાનો૪ તાર રે

નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને

સદાય ભજનનો આહર રે - શીલવંત

ભાઈ રે સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને

ત્યારે ઉતરશો ભવપાર રે

ગંગા સતી એમ બોલિયાં ને

જેને વચનુંની સાથે વેવાર રે. - શીલવંત.

ગંગાસતી

જંગલ બીચ

સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે,

જંગલ બીચમેં ખડી હો જી

સરોવર કાંઠે બેઠો એક બગલો

હંસલો જાણીને કર્યો મે સંગ રે

મોઢામાં લીધેલ માછલી હો જી. - સાંયા.

ઉડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી,

બાયું! મારો પિયુડો ગિયો પરદેશ રે

ફરુકે મારી આંખડી હો જી. - સાંયા.

બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા,

બાયું! મારો શામળિયો રૂડો ભરથાર રે

બીજા રે વરની આંખડી હો જી. - સાંયા.

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા!

શરણુંમાં રાખો મારા શામ રે

ભજન કરીએં ભાવથી હો જી. - સાંયા.

મીરા

ઝવેરચંદ મેઘાણી સાહિત્યજીવન

૧૮૯૬ જન્મઃ ૨૮ ઓગસ્ટ, ચોટીલ (જિ. સુરેન્દ્રનગર.)

૧૯૧૨ અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં.

૧૯૧૭ કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલ વહેલું ગીત ‘દવડો ઝાંખો બળે’ રચાયું.

૧૯ર૧ વતનનો ‘દુર્નિવાર સાદ’ સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા.

૧૯રર રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક ‘સૌરાષ્ટ્ર’માં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના ‘કથા ઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યુંઢ લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ‘ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું.

૧૯ર૩ ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછ લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. ૧૯ર૭ સુધીમાં ‘રસધાર’ના પાંચ ભાગ પૂરા થયા.

૧૯ર૮-ર૯ બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે ‘પ્રિયતર’ ગણેલાં ગીતોના સંગ્રહો ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યા.

૧૯ર૯ લોકસહિત્યના સંશોધન બદલ પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯ર૮) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં.

૧૯૩૦ સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ બહાર પડ્યો, તે સરકોર જપ્ત કર્યો. તેની હસ્તલિખિત કાનૂન-ભંગ આવૃત્તિની સેંકડો નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સાજ થઈ. અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું ત્યારે મૅજિસ્ટ્રેટ સહિત સેંકડોની મેદનીની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત ‘કોઈનો લાડકવાયો’ રચાયું. બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહાર પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અરવીન કરારને પરિણામે માર્ચ ૧૯૩૧માં જેલમાંથી છૂટ્યા.

૧૯૩૧ ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું, એ જોઈને ગાંધીજીએ કહ્યુંઃ “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.” હવે પછી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.

૧૯૩૪ ‘જન્મભૂમિ’ દૈનિક મુંબઈથી શરૂ થયું તેના સંપાદક-મંડળમાં જોડાયા. રવીન્દ્રનાથ સામે મુંબઈમાં મિલન; સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી એમને કંઠેથી કવિવ્રે સાંભળી; શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.

૧૯૩૬ ‘જન્મભૂમિ’ છોડીને સૌરાષ્ટ્રમાં ‘ફૂલછાબ’ અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.

૧૯૪૧ શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.

૧૯૪ર સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં ‘લોકસાહિત્યઃ પગદંડીનો પંથ’ એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.

૧૯૪૩ મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી

વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ થઈ, બેકાબૂ બની.

૧૯૪પ ‘ફૂલછાબ’ના તંત્રીપદેથી મુકત થઈ ર૩ વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા’ પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક ‘માણસાઈના દીવા’ લખ્યું.

૧૯૪૬ ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ‘માણસાઈના દીવ’ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક’નું ગૌરવદાન મળ્યું.

૧૯૪૭ ભજન-સાહિત્યના સંશોધકનું પુસ્તક ‘સોરઠ સંતવાણી’ પૂરું કર્યું. ‘કાળચક્ર’ નવલકથા લખાતી હતી. માર્ચની ૯મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો