વીરોજી Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીરોજી

વીરોજી

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


વીરોજી

એક દિવસને સમે રાજા વિક્રમ દરબાર ભરીને બેઠા છે. કચેરી હેકડાઠઠ જામી છે. ગજ-ગાહરના ચામર ઢળી રહ્યા છે. પાતળી જીભોવાળા કવિઓ છંદો લલકારે છે. શરણાઈઓ ચોઘડિયાં ગાય છે. મલ ગડદે આવી રહ્યા છે. અરણા પાડા આટકે છે. એક બીજાને કંધુર ન નમાવે એવા, અવળી રોમરાઈવાળા, ગરેડી જેવાં કાંધવાળા, શાદુળા સામંતો-પટાવતો વીરાસન વાળીને બેઠો છે, મોઢા આગળ માનિયા વાઢાળાની સજેલી હેમની મૂઠવાળી તલવારો અને હેમના કૂબાવાળી ગેંડાની ઢાલો પડી છે. ખભે હેમની હમેલ્યો પડી છે.

એવે સમયે આથમણી દશ્યેથી ‘વિયાઉ ! વિયાઉ ! વિયાઉ !’ એવી શિયાળિયાંની લાળ્ય સંભળાણી.

પોતાને જમણે પડખે કાળિદાસ પંડિત બેઠા હતા, એમને રાજાએ કહ્યું કે “અરે હે કાળિદાસ પંડિત ! તમે તો થઈ થવી અને થાશે એવી ત્રણે કાળનીવાતો જાણનારા છો. બોલો, આ જાનવરની વાણીનો ભેદ બતાવો.”

માથાના મોળિયામાં ટીપણું ખોસેલું હતું તે કાઢીને કાળિદાસ પંડિતે કચેરીમાં રોડવ્યું. આખું ફીંડલું ઊખળી પડ્યું. અને ટીપણાનો છેડો કચેરીના કમાડ સુધી પહોંચી ગયો. રાજાજી જુએ છે તો ટીપણામાંથી ત્રણ ચીજ નીકળી પડીઃ એક કોદાળી, એક નિસરણી, એક જાળ.

સડક થઈને રાજા વિક્રમ બોલી ઊઠ્યાઃ “અરરર ! કાળિદાસ પંડિત ! બામણના દીકરા થઈને ટીપણામાં જાળ રાખો છો ! શું માછલાં મારો છો !”

“ના મહારાજ !” કાળિદાસ પંડિત બોલ્યાઃ “એનો મરમ ઊંડો છે. હું તો રાજા વિક્રમનો જોષી ! હું જો કોઈ દી કહું કે ‘અટાણે મૂરત નથી’ તો તે વિક્રમની સભાનું મારું બેસણું લાજે. મૂરત ધરતીમાં સંતાઈ ગયાં હોય તો હું આ કોદાળીએ ખોદીને કાઢું, આભમાં ઊડી જાય તો નિસરણી માંડીને નવલખ ચાંદરડાંમાંથી ઉતારું અને પાણીમાં પેઠાં હોય તો આ જાળ નાખીને ઝાલું. સમજ્યા મહારાજ ?”

કે’ “શાબાશ ! શાબાશ કાળિદાસ પંડિતને.”

કપાળે કરચલીઓ પાડીને કાળિદાસ પંડિત આંગળીના વેઢા ઉપર અંગૂઠો મેલતા ગણતરી કરવા મંડ્યા. ગણતરી કરીને ડોકું ધુણાવ્યું.

“કેમ પંડિત ! ડોકું કાં ધુણાવ્યું ? કહી નાખો જે હોય તે.”

“ખમા ! ખમા બાણું લાખ માળવાના ખાવંદને ! ખમા પરદુઃખભંજણાને. હે મહારાજા, જાનવર બહુ કથોરું બોલ્યાં છે. શું કહું ? કહેતાં જીભ કપાય !”

“ફિકર નહિ કાળિદાસ પંડિત ! જેવાં હોય તેવાં જ ભાખજો.”

“હે રાજા ! જાનવરની વાણી ભાખે છે કે આજથી સાડાત્રણ દીએ

રાજા વિક્રમનો દેહીકા...ળ !”

“સાચું કહો છો ?”

“મારાં ભાખ્યાં ખોટાં પડે તો જનોઈને ઠેકાણે ડામ દઉં.”

“ઓહોહોહો ! ભલે આવ્યાં. મરતુક ભલે આવ્યાં. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય, કે આવે ઊજળે મોઢે માતાજીના ધામમાં પહોંચી જવાશે. હવે અમારે જીવતરમાં કાંઈ અબળા નથી રહી. અલક મલક ઉપર આણ વર્તાવી. બાવન વીર અને ચોસઠ જોગણી સાધ્યાં, હવે મોજથી મરશું.”

“હાં, કોઈ છે કે ?”

કે’ ‘એક કહેતાં એકવીસ ! ખમા !’ કરતા ચોપદારો માથાં ઝુકાવી ઊભા રહ્યા.

“જાવ, આજ અટારીને માથે ચડીને પડો વજડાવો, પરગણે પરગણે ઢોલ પિટાવો, કે રાજા વિક્રમનો દરબાર લૂંટાય છે. આવજો, લૂંટી લેજો. કોઠી

કોઠાર ભરી લેજો, આગળ જાતાં મળશે નહીં.”

શેરીએ શેરીએ ડાંડી પિટાણી. ખજાનાનું સાત સાત કોટડી દ્રવ્ય રાજાએ ખુલ્લું મેલાવ્યું.

માણસો ! માણસો ! માણસો ! દરબારગઢની દોઢીએય માણસો તો દરિયાનાં પાણીની જેમ ઊમટ્યાં છે. થાળીનો ઘા કર્યો હોય તો ધરતી ઉપર ન પડે, માણસોનાં માથાં ઉપર થઈને હાલી જાય, એવી ઠઠ જામી છે. ઝરૂખે બેઠા બેઠા રાજાજી પોતાના ખજાનાની લૂંટાલૂંટ જુએ છે. વાહ ! વાહ ! વાહ ! વિક્રમના અંગરખાની કસો તૂટવા મંડી.

ત્રીજે દિવસે કચેરી મળી. સહુને આખરના રામરામ કરી લેવા રાજા વિક્રમ આવી પહોંચ્યા. ત્યાં તો ફરીવાર શિયાળિયાંએ ઉગમણી દિશામાંથી લાળ કરીઃ વિયાઉ ! વિયાઉ! વિયાઉ !

“અરે હે કાળિદાસ પંડિત ! આજ વળી જાનવર શું બોલી રહ્યા છે ?”

ફરી ટીપણું ઉખેળીને ભવિષ્યના આંકડા માંડી કાળિદાસ પંડિત બોલી ઊઠ્યાઃ “ખમા ! ખમા ઉજેણીના ધણીને ! બાણું લાખ માળવો આજ રંડાપાથી ઊગરી ગયો. હે મહારાજ ! જાનવર બોલે છે કે વિક્રમને ચૌદ મહિનાનું નવું આયખું મળ્યું.”

“પંડિતજી, તમે રોજ રોજ સાંબેલા રોડવવા કેમ મંડ્યા ? સાડા ત્રણ દીમાંથી પરબારા ચૌદ મહિના શી રીતે વિંયાણા ?”

“મહારાજ, પુણ્યે પાપ નાસતાં !”

“એટલે શું ?”

“સાડા ત્રણ દી ખજાનો લૂંટાવ્યો તેના પુણ્યના થર ઉપર થર ચડી ગયા.”

“એમ ?”

“હા મહારાજ ! મારાં ભાખ્યાં ખોટાં પડે તો હું બ્રાહ્મણનો દીકરો

લાકડા લઉં - જીવતો સળગી મરું.”

ઉજેણી નગરીને આંગણે આંગણે ધોળ-મંગળ ગાજવા લાગ્યાં. મંદિરોમાં ઝાલરોના ઝણકાર ગુંજવા મંડ્યા.

(ર)

અધરાતનો પહોર થતો આવે છે. રાજા વિક્રમને ઊંઘ આવતી નથી. હેમનાં કડાંવાળી હીંડોળાખાટે બેઠા બેઠા ગુડુડુડુ ! ગુડુડુડુ ! ઝંજરી પી રહ્યા છે. રાણીજી બેઠાં બેઠાં હીરની દોરી તાણે છે. કીચડૂક ! કીચડૂક ! હિંડોળા ખાટ હાલી રહી છે. આખી ઉજેણી બીજા પહોરની ભરનીંદરમાં પડી છે. એવે સમે -

આવ્યે હે રાજા વિક્રમા !

આવ્યે હે માળવાના ધણી !

આવ્યે હે પરદુઃખભંજણા !

એવા વિલાપ થવા મંડ્યા. ઝબકીને રાજા વિક્રમ ઊભા થઈ ગયા. ‘અહોહો ! આવે ટાણે મારા નામના આવા રુદન્ના કોણ કરે છે ? અધરાતેય ઉજેણીમાં જેને જંપ ન મળે એવું દુખિયારું કોણ હશે ?’

ત્યાં તો ફરી વાર વિલાપના સૂર નીકળ્યા. રાજા વિક્રમનું કલેજું વિંધાવા મંડ્યું. અંધારપછેડો ઓઢી, ત્રણસે ને સાઠ તીરનો ભાથો ખભે બાંધી, ગેંડાની ઢાલ ગળે નાખી, હાથમાં ઝંજરી લઈ કટ ! કટ ! કટ ! મેડીનાં પગથિયાં ઊતર્યા અને ઊભી બજારે વિલાપના અવાજને માથે પોતે પગલાં માંડ્યાં.

બરાબર માણેકચોકમાં આવીને જુએ ત્યાં તો કોઈ માનવીયે નહિ, કૂતરુંયે ન મળે, કાળું ઘોર અંધારું ! માણસને પોતાનો સગો હાથ પણ ન દેખાય એવી મેઘલી રાત. વાદળાંનો ઘટાટોપ બંધાઈ ગયો છે. ત્રમ ! ત્રમ ! ત્રમ ! તમરાં બોલે છે.

‘કોઈ નથી. અભાગિયો જીવ જ એવો છે કે દુઃખના પોકારના

ભણકારા સાંભળ્યા કરે છે ! હાલો પાછા.’ એટલું કહીને વિક્રમ જ્યાં પાછું પગલું ભરે છે ત્યાં તો વળી પાછા

આવ્યે હે બાપ વિક્રમા !

આવ્યે હે માળવાના ધણી !

આવ્યે હે પરદુઃખભંજણા !

-એવા વિલાપ સંભળાણા. ‘અ હો હો ! આ તો ગઢને દરવાજે કોઈક વિલાપ કરે છે,’ એમ કહીને એ ખાવા ધાય તેવી સૂનસાન બજારમાં રાજા ચાલ્યો. દરવાજે જઈને જએ તો કોઈ ન મળે ! ન કાળા માથાનું માનવી કે ન એકેય કૂતરું.

‘ફટ રે અભાગિયા જીવ ! આવા ઉધામાં ક્યાંથી ઊપડે છે ?’ એમ બોલીને પાછા ફરવા જાય ત્યાં તો ફરી વાર પોકાર સાંભળ્યા. રાજા કાન માંડીને સાંભળે છે : ‘હાં ! આ તો સફરા નદીને સામે કાંઠે, ગંધ્રપિયા માણસને ઓલ્ડે પડખે માતા કાળકાના મંદિરમાંથી રુદન્ના થાય છે.’

સફરા નદી બે કાંઠે સેંજળ હાલી જાય છે. એનાં છાતી સમાણાં પાણી વીંધીને રાજા સામે કાંઠે પહોંચ્યા. મંદિરમાં જઈને જુએ ત્યાં સવા મણ ઘીની મહાજ્યોત ઝળળ! ઝળળ ! બળી રહી છે. માતા કાળકા કોરું ખપ્પર લઈને ઊભાં છે. એની બેય આંખોમાંથી આંસુડાંની ધાર હાલી જાય છે.

વિક્રમે હાથ જોડીને પૂછ્યુંઃ “હે માડી ! મારા નામના રુદન્ના આ મંદિરમાંથી કોણ કરતું’તું ?”

“ખમા ! ખમા, મારા બાપ ! ઈ તો હું કાળકા કરું છું.”

“તું ! અરે, તું ચાર જગની જોગમાયા મારા નામના વિલાપ કરીશ તો પછી સારાવાટ ક્યાંથી રહેશે, માડી ?”

“આમ જો બાપ ! મારાં ખપ્પર ખાલી થઈ ગયાં અને તારા વિના ઇ ખપ્પર કોણ ભરે ?”

“બોલ મા, શું ધરું ?”

“બાપ, બત્રીસલક્ષણાનું લોહી !”

“ગાંડી થા મા ! ધરતીને માથે બત્રીસલક્ષણા કાંઈ વેચાતા મળે છે ?”

“તું પોતે જ છો ને !”

“વાહ વાહ ! રૂડું કહ્યું. તૈયાર છું, માડી ! બોલ, હમણે જ માથું વધેરી દઉં ?”

“અરરર ! હાય હાય ! બાણું લાખ માળવો રાંડી પડે. દુનિયા વાતો કરશે કે કાળકા દેવી નહોતી, ડાકણ હતી. બાપ ! ગોહિલવાડમાં મુંગીપરનો ધણી શાળવાહન છે. એને ચાર દીકરા છે. ચારેય બત્રીસલક્ષણાઃ હાથપગમાં પદમ કમળની રેખાઓ છેઃ ચારે શંકરના ગણઃ એમાં નાનો વીરોજી તારે સાટે માથું આપે તેવો છે.”

ખડ ! ખડ ! ખડ ! હસીને રાજા વિક્રમ બોલ્યોઃ “અરે મા ! મારે કારણે પારકાના દૂધમલિયા દીકરા ભરખવા કાં ઊભી થઈ ? એના માવતરને વીરોજી કેવો વા’લો હશે ? એ મારે માટે લોહી આપે અને હું એને ઊભો ઊભો જોઉં ? ધિક્કાર ! ધિક્કાર છે આ જનમારાને !”

“બાપ વિક્રમ ! ઘરે જા. તું ધરતીનો ધણીઃ આભનો થાંભલોઃ તારી થાળીમાં લાખનો રોટલોઃ તું જાતં કેટલી દીકરીઓ રંડાશે ! અને મારે માથે મેણું ચડશે. તું જા ઘેર વીરાજીને હું જ જઈને પૂછું છું.”

એમ કહી, સમળાનું રૂપ લઈને માતા કાળકા અંધારી રાતે પોતાની પાંખો ફફડાવતી ખ ર ર ર ર આકાશને માર્ગે ઊડી. ઘટાટોપ વાદળાંને પાંખોની થપાટો મારીને પછાડતી જાય છે અને એ પાંખોનો માર વાગતાં પવન તો સૂસવાટા મારે છે.

અગર ચંદણનાં આડસર, બિલોરી કાચનાં નળિયાં, અને હેમની ભીંતોઃ એવા રંગમહેલમાં મુંગીપર નગરીનો રાજકુંવર વીરોજી બેઠા છે. મધરાતનાં ઘડિયાળાં ટનનન ! ટનનન ! વાગ્યાં તોયે ઊંઘ આવતી નથી. સામે બેઠી બેઠી એની રાણી કીચૂડ ! કીચૂડ ! હિંડોળાખાટ તાણી રહી છે. બેયને ભરજોબન હાલ્યાં જાય છે. આંખોમાં હેતપ્રીત સમાતાં નથી. નેણેનેણે સામસામાં હસે છે.

ત્યાં તો ઘ ર ર ર ! સમળાને રૂપે માતાજી મેડીને માથે બેઠાં અને કડડડ કરતી આખી મેડી હલમલી ગઈ.

“અરે થયું શું ! આભનો કટકો પડ્યો કે શું !” એમ કહીને વીરોજી હાથમાં તીરકામઠી લઈને મેડીએથી અગાસીમાં કૂદ્યો, કેસરીસિંહના જેવી છલાંગ દીધી, અને જ્યાં મેડીના છાપરે માથે નજર કરે ત્યાં તો વિકરાળ રૂપ !

“બોલ ! ઝટ બોલ ! તું કેણ છો ? ડાકણ છો ? કોણ છો ? બોલ ઝટ, નીકર એક તીરડા ભેળી વીંધી નાખું છું.”

“ખમા ! ગંગાજળિયા ગોહિલ, ખમા ! ખમા ! બાપ વીરાજી, ખમા ! દીકરા, હું ડેણ નથી. ડાકણેય નથી. હું તો દેવી કાળકા !”

“ઓ હો હો હો !” તીરડો ઉતારી, પાઘડીનો છેડો અંતરવાસ નાખી, હાથ જોડીને વીરોજી બોલ્યોઃ “ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી મારાં, કે ઘેર બેઠાં કાળકા દર્શન દેવા આવ્યાં ! અને ધન્ય ભાગ્ય રાજા વિક્રમનાં કે બારે પહોર તું જેને બોલે બંધાણી ! ભલે ! રાજા વિક્રમ, ભલે ! માડી, વીર વિક્રમ ખુશીમાં છે ને ?”

“બાપ ! વિક્રમનું તો આજકાલ્ય કાચુંપોચું સમજવું.”

“કેમ માડી ?”

“ચૌદ મહિને એનો દેઈકાળ !”

“એકાએક ?”

“શું કરું ? મારું ખપ્પર ઠાલું ! મારે બત્રીસો જોવે.”

“હે દેવી ! દુનિયામાં બત્રીસાની ખોટ પડી કે તું વિક્રમ જેવા આભના

થાંભલાને તોડી નાખીશ ?”

“બાપ વીરાજી ! તુંયે બત્રીસલક્ષણો. તારાયે હાથપગમાં પદમ કમળની રેખાઉં છે. તું તારું માથું આપ તો રાજા વિક્રમ અગિયારસો વરસ જીવે.”

“વાહ માડી ! અટાણથી જ આ માથું વિક્રમને અર્પણ કરું છું. શું કરું ? એક જ માથું છે. પણ રાવણની જેમ દશ માથાં હોત તો દશ વાર વધેરીને તારા ખપ્પરમાં મેલી દેત. ધરતીને માથે વિક્રમનાં આયખાં અમર કરી આપત. એ મા ! વિક્રમ જેવા ધર્માવતારને માટે ડુંગળીના દડા જેવડું માથું વાઢી દેવાનું છે એમાં તો તમે આટલાં બધાં કરગરી શું રહ્યાં છો ?”

“પણ ઉજેણી બહુ છેટી છે બાપ ! પહોંચીશ બહુ મોડો.”

“તમે કહો એમ કરું.”

“લે બાપ, આ ચપટી ધૂપ. સવારે તળાવમાં જઈને ઘોડાને ધમારજે. પછી આ ધૂપ દેજે. તારા ઘોડાને પાંખો આવે તો જાણજે દેવી કાળકા આવી’તી. નીકર કોઈક ભૂત બોલ્યું જાણજે.”

એટલું કહીને ફડ ! ફડ ! ફડ ! પાંખો ફફડાવીને માતાએ ઉજેણીના મારગ લીધો. અધરાતના આભમાં એનો વેગ ગાજવા મંડ્યો. નવલખ ચાંદરડા જાણે કે આ અંધારા આભમાં ઝળળળ જ્યોતનો ગોળો ઘૂમતો જોઈને ફાટી આંખે જોઈ રહ્યાં.

મરક મરક મોઢં મલકાવતો વીરોજી મેડીમાં ગયો. એના હૈયામાં હરખ માતો નથી. પોતે માથું દઈને વિક્રમને જીવાડશે એ વાતનો ઉછરંગ આવવાથી એના અંગરખાની કસો તૂટી પડી છે. ત્યાં તો રજપૂતાણીનાં નેત્રોમાંથી ડળક ડળક આંસુડાં દડવા મંડ્યાં. વીરોજી કહેઃ “કેમ રે રજપૂતાણી ?”

“ઠાકોર ! આમ માથાં દેવાના કોલ કોને દીધા ? કોને બોલે

બંધાણા ? પરણેતરનો ચૂડલો ભંગાવવા કેમ તૈયાર થયા ? એમ હતું તો પરણ્યાં શીદને ?”

“ફટ રે ફટ રજપૂતાણી ! નક્કી તારા પેટમાં કોઈ ગોલીના દૂધનું ટીપું રહી ગયું. નીકર આવા વેણ રજપૂતાણીના મોંમાંથી નીકળે ? હે અસ્ત્રી ! વિક્રમ જેવો ધરતીનો થાંભલો બચતો હોય ત્યાં તને તારો ચૂડલો અને તારી જુવાની વહાલાં લાગ્યાં ? મેં તો માનેલું કે હું માથું વાઢીશ અને તું હસતી હસતી એને પાલવમાં ઝીલીશ. અસ્ત્રી ! અસ્ત્રી! નવખંડ ધરતીમાં જુગોજુગ નામના રહી જાય એવો જોગ આવ્યો તે ટાણે પાંપણ્યું પલાળવા બેઠી છો !”

રજપૂતાણી આંખો લૂછી નાખી, દોટ દઈને ભરથારને ભેટી પડી. હાથ જોડીને બોલી કે “ઠાકોર ! હું ભૂલી. સુખેથી સિધાવો. પણ હું કેમ કરીને જાણીશ કે તમારી શી ગતિ થઈ છે ? મારે ને તમારે ક્યાંઈક છેટું પડી જાય તો ?”

“હે રાણી ! લ્યો આ બે બી. એને વાવજો, પાણી પાતાં રહેજો, એના છોડવા ઊગશે. બેય છોડવા લીલા કંજાર રહે ત્યાં સુધી જાણજો કે વીરાજીને ઊનો વાયે નથી વાયો અને કરમાય એટલે સમજી જાજો કે વીરાજીની કાયા પડી ગઈ છે. પછી તમારો ધરમ કહે તેમ કરજો.”

સવાર પડ્યું. સ્નાન કરીને અરધે માથે બત્તી ઝુકાવીઃ ઊતરિયું દુગદુગાઃ કાનમાં કટોડાઃ પગમાં હેમના તોડાઃ દોઢ હથ્થી માનાસાઈ તંગલ ખંભાનાં વારણાં લઈ રહી છેઃ સાવજના નહોર જેવો ગુસબી જમૈયો ભેટની માલીપા ધરબ્યો છેઃ વાંસે રોટલા જેવડી ઢાલઃ સાતસો-સાતસો તીરનો ભાથોઃ નવરંગી કમાન ગળાં વળુંભતી આવે છેઃ એક હાથમાં ભીણનો પાયેલ બે સેડ્યવાળો ચાબૂક રહી ગયો છેઃ બીજા હાથમાં ભાલો આભને ઉપાડતો આવે છે.

એવા ઠાઠમાઠ કર્યા. રજપૂતાણીએ કંકાવટીમાં કંકુ ઘોળીને કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. પતિના પગની રજ લીધી, ત્યાં તો ચોળાફળીની

શીંગો જેવી દસેય આંગળીઓમાંથી પરસેવાનાં ટીપાં ટપક્યાં, આંખડીમાં મોતી

જેવાં બે આંસુડાં જડાઈ ગયાં. “લ્યો રજપૂતાણી ! જીવ્યા મુવાના જુવાર છે.”

(૩)

એવી છેલ્લી વારની રામરામી કરીને હંસલા ઘોડાને માથે પલાણી રજપૂત મોતને મુકામે હાલી નીકળ્યો. સરોવરની પાળે ઘોડાને ધમારી, જે ઘડીએ ધૂપ દીધો તે ઘોડીએ ખરરર ! કરતી ઘોડાના પેટાળને બેય પડખેથી સોનાવરણી પાંખો ફૂટી નીકળી.

“જે જુગદમ્બા !” કહેતોક રજપૂત કુદીને હંસલાની પીઠ માથે ગયો. દેવતાઈ વિમાનની જેમ ગાજતો ઘોડો આસમાનમાં ઊડવા મંડ્યો. ઘોડાના પગની ઝાંરી અને એની ઝૂલ્યને છેડે ટાંકેલી ઘૂઘરીઓ ગગનમાં રણણ ઝણણ ! રણણ ઝણણ ! થાતી જાય છે. નીચે નાની મોટી કૈં કૈં નગરીઓ હાલી જાય છે. ઘોડો હણણાટી દઈ દઈને આસમાનના ઘુમ્મટમાં પડછંદા પાડતો આવે છે.

બપોરની વેળા થઈ ત્યાં નીચે એક કાળઝાળ કિલ્લો દેખાણો. કિલ્લામાં સાતસાત ભોંની મેડીઓ ભાળી. એ ધુકાર શહેર ઉજેણી તો ન હોય ! એમ વિચારીને વીરાજીએ ઘોડાને ઉતાર્યો. પાંખો સંકેલતો સંકેલતો ઘોડો ઊતરવા મંડ્યો. બરાબર તળાવની પાળે આવીને ઘોડો ઊભો રહ્યો.

નગરીની સાહેલીઓ પાણી ભરવા આવી છે. અસવારને ભાળતાં જ જાણે કે પનિહારીઓ ચિત્રામણમાં લખાઈ ગઈ.

“ઓહોહોહો ! બાઈયું ! ઘોડો જુઓ ! ઘોડાનો ચડનારો જુઓ ! એનાં રૂપ જુઓ! એનો મરોડ જુઓ ! એના મોઢા ઉપર કેવી કાંતિ નીતરી રહી છે ! ઓહોહો ! એના ઘરની અસ્ત્રી કેવી ગુણિયલ હશે !” એવી વાતો કરતી કરતી હોઠે આંગળી માંડીને પનિયારીઓ જોઈ રહી. ત્યાં તો ઘોડેસવાર બોલ્યો કે “બાઈયું ! બેનડિયું ! આ ઉજેણી નગરીને ?”

“હા...હા...હા...હા...હા..” એમ સામસામી તાળીઓ દઈ પનિહારીઓ ખડખડાટ હસવા મંડી પડી. “અરે બાઇયું, મૂંગો રહ્યો હતો ત્યાં સુધી જ માત્યમ હતું હો કે ! બોલ્યો ત્યાં તો બધાય રંગઢંગ કળાઈ ગયા. અહાહાહા ! વિધાતાએ રૂપરૂપના અંબાડ આપ્યા, પણ ચપટીક મીઠું નાખતાં ભૂલી ગઈ ! હા-હા-હા-હા !”

ઝંખવાણો પડીને વીરોજી કહેવા મંડ્યોઃ “બાઈયું, બેનડિયું ! અમે પરદેશી છીએ. અમારી હાંસી કાં કરો ? અમને જેવું હોય એવું કહી નાખોને !”

પનિહારીઓએ વહાલભરી વાણીમાં જવાબ દીધોઃ “વીરા ! બાપ ! ઉજેણી નગરી તો અઢીસો ગાઉ વાંસે રહી ગઈ. અને આ તો નવમો કોટ છે અવળચંડ રાઠોડનો. ખમા મારા વીર ! જો આ સામે રાઠોડુંની કચારી બેઠી.”

બાર હજાર રાઠોડોની કચારી જામી છે. માટીઆરા માટી, ઢાલરા ત્રસીંગ, અવળી રોમરાયવાળા, એકબીજાને કંધૂર ન નમાવે એવા વીર વીરાસન વાળીને બેઠા છે. એક જોઈએ ત્યાં બીજાને ભૂલીએ એવા શૂરવીર ! શૂરવીરાઈ જાણે ડિલને આંટો લઈ ગઈ છે.

વીરોજી વિચારે છેઃ ‘હવે જો પાદર થઈને હાલ્યો જાઈશ અને રાઠોડોને ખબર પડશે તો મેણું દેશે કે, ગોહેલવાડનો ધણી અંજળી કસુંબાની ચોરીએ મોં સંઘરીને પાદરમાંથી હાલ્યો ગયો ! માટે હાલ્ય એક દી રહી, રાઠોડોના દાયરાને કસુંબે હેડવી, પછી વળી નીકળું.’

ઘોડો દોરીને દાયરામાં જાય ત્યાં કચારીમાંથી માણસો દોડ્યાં આવ્યાં, ઘોડો ઝાલી લીધો, પધારો ! પધારો ! કરતા પરોણાને દાયરામાં મોખરે દોરી ગયા, નામઠામ જાણ્યું ત્યાં તો ‘ઓહોહોહો ! મુંગીપરનો કુંવરડો આજ અમારે ઘેરે એકલઘોડે અસવાર ! ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય !’ એવા બોલ બોલાવા લાગ્યા.

“આંજળી દોણોપાણી મોટી વાત છે,” એમ કહીને વીરાજીએ પોતાના ખડિયામાંથી માળવી, કોંટાઈ, બીલેસરી, આગ્રાઈ અને મિસરી એવાં પાંચ જાતનાં અફીણ કાઢીને રાઠોડોની સામે ધર્યાં. ખરલમાં કસરક ભુટાક ! સરક ભુટાક ! કસુંબો ઘૂંટાવા મંડ્યો. આંગળી જેવી જાડી ધાર થાય તેવો કસુંબો ગરણીમાં ગળાવા મંડ્યો.

સામસામી અંજળી ભરાવી, હેતુમિત્રને રંગ છાંટી આખે દાયરે કસુંબો પીધો.

રાઠોડોએ પૂછ્યુંઃ “ઘરેથી ક્યારે નીકળ્યા’તા ?”

“આજ સવારે.”

રાઠોડો સામસામા મરકવા મંડ્યાઃ ‘સેંકડો ગાઉને માથે મુંગીપર ! મારે વા’લે સાંબેલું રોડવ્યું !’

ચતુર સુજાણ વીરોજી કહે કે “રાઠોડભાઈઓ, આ ગપાટો નથી. આમ જોઈ લ્યો, જુગદમ્બાએ ઘોડાને પાંખો આપી છે. જાઉં છું વિક્રમને સાટે માથું ચડાવવા.”

રાઠોડોની પાસેથી રજા માગી લઈને રોંઢે વીરોજી ચડી નીકળ્યા. સીમાડે જાય ત્યાં એકદંડિયો રાજમહેલઃ અને રાજમહેલને ફરતી સાત મથોડા સીણાની ખાઈ. મહેલની અંદર ઝોકાર જ્યોત બળે છે અને કોઈક મીઠી જીભવાળું માનવી જુગદંબાના નામના જાપ જપી રહ્યું હોય એમ લાગ્યું.

‘સીણો’ : રાજગરો અગર રાઈ જેવું ઝીણું ખડ-ધાન્ય.

“ભાઈ ચોકીદાર !” વીરોજીએ ઘોડો થંભાવીને પૂછ્યુંઃ “રણવગડામાં આવો મહેલ શેનો ? અને આ સીણાની ખાઈ શા માટે ?”

“ઠાકોર ! અવળચંડ રાઠોડની કુંવરી આ એકલદંડિયા મહેલમાં જુગદમ્બાની માળા જપે છે. પુરુષ નામે દાણો જમતી નથી. એણે વ્રત લીધાં છે કે આ સીણાની ખાઈ વળોટે એને જ વરું બીજા બધા ભાઈ-બાપ.”

“તે શું અટાણ લગી કોઈ રજપૂતનો દીકરો નથી જડ્યો ?”

“ઠાકોર, અહીં તો કૈંક આવ્યાં. પણ પગ મૂકતાં જ આ સીણામાં

ગપત થઈ ગયા, તે આજની ઘડી ને કાલ્યનો દી ! ક્યાંય પત્તો નથી. પાણી હોય તો તરી જાય, અગ્નિ હોય તો માથે જીવતાં માનવીનાં શરીર પાથરીને ઓળંગી જાય પણ આ તો સીણો !”

“જે જોગમાયા !” કહીને વીરોજી ઘોડેથી ઊતર્યો. ચોકીદારને કહ્યું કે, “ભાઈ, અમારે કાંઈ કુંવરીને વરવાની અબળખા નથી. અમારે ઘરે ઠકરાણાં બેઠાં છે. વળી અમે તો જાયેં છયેં મોતને મારગે. પણ આ તો રજપૂતાણીની કૂખ લાજે છે એટલે અમે હોડમાં ઊતરીએ છીએ.”

એક કહીને જે ઘડીએ વીરાજીએ સીણામાં ડગલું દીધું, ત્યાં તો જાણે કે વીસ ભુજાળી હથેળી દીધી. બીજું, ત્રીજું, ચોથું એમ ડગ ભર્યાં ત્યાં તો ડગલે ડગલે માતા હથેળીઓ દેતાં આવે છે. કટ કટ કટ કરતો વીરોજી સીણાની ખાઈ વળોટી ગયો.

“લ્યો ભાઈ, રામ રામ,” કહીને વીરાજીએ ઘોડો મારી મૂક્યો. ‘ઓ જાય ! ઓ જાય અસવાર ! ઓ જાય ખાઈનો વળોટનારો !’ એવા હાકલ પડ્યા.

રાજકુંવરીને જાણ થઈ કે કોઈક રજપૂત એનાં વ્રત પૂરીને જાય છે. ઝરૂખેથી એણે એક ઘોડાના અસવારને જોયો. ડુંગર જેવડો ઊંભો ઘોડો માથે ઝગારા કરતો બખતરિયો જોદ્ધો, અને ત્રીજો, ઘોડાના પૂંછનો ઝુંડોઃ એમ જાણે ત્રણ ત્રણ અસવારનું જૂથ જાતું લાગ્યું.

“હાં, છોડિયું ! પાલખી લાવો.”

પાલખી હાજર થઈ. કુંવરી અંદર બેઠી. ખડદાવેગી, ઢોલ્યફાડ્ય, લવિંગડી અને છોકરાંફોસલામણી, એવી ચાર બાનડીઓએ પાલખી કાંધે ચડાવીને દોટ કાઢી.

પણ ધોમ તડકો ખધી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાંથી અંગારા વરસે છે. બાનડીઓ દોડી શકતી નથી, અને અસવાર તો ધૂળની ડમરી ચડાવતો ચડાવતો ઓ જાય! ઓ જાય ! ઓ અલોપ થાય !

અસવારને અલોપ થતો જોઈ જોઈને રાજકુંવરીનું અંતર ચિરાય છે. એ હાકલ કરે છે કે “છોડીઉં ! ઝટ આંબી લ્યો, નીકર મારે જીવતે રંડાપો રે’શે.”

ધબ દેતી પાલખી ધરતી પર મેલીને બાનડીઓ બોલી ઊઠી કે, “બાઈ, ઈ રાજાને તારે પરણવો છે, અમારે નથી પરણવો. અમારે તો અમારો કાનિયો, પીતાંબરો અને ભોજિયો બાર બાર વરસના બેઠા છે. ઘણી ખમ્મા એને ! તારે એકલીને દોડવું હોય તો માંડ્ય દોડવા.”

એટલું બોલીને ટીડનો ઘેરો જાય એમ ઘરરર બાનડીઓ પાછી વળી ગઈ.

અંતરિયાળ રાજકુંવરી એકલી થઈ ગઈ. પણ એનાં ઘટડામાં તો બસ, પરણું તો એને જ, બીજા બધા ભાઈ-બાપ, એમ રઢ્ય લાગી ગઈ છે.

એણે દોટ કાઢી. ગુલાબનાં ફૂલ જેવાં પગનાં તળિયાંમાં ઝળેળાં પડવા માંડ્યા. ગળે કાંચકી બંધાઈ ગઈ.

“ઊભો રે’જે ઘોડાના અસવાર ! ઊભો રે’જે રજપૂતડા ! ઊભો રે’જે ચોર !” એવી ધા નાખતી રાજકુંવરી રણવગડો વીંધી રહી છે.

આઘે આઘે વીરાજીને કાને ભણકારા પડ્યા. ઘોડો થંભાવીને પછવાડે નજર કરે તો અંધરિયાળ એક અબળા ધા દેતી આવે છે.

આવીને રાજકુંવરી ભર્યે શ્વાસે બોલી કે “હે રજપૂત ! અબળાનાં વ્રત પૂરાં કરીને આમ ચોરની જેમ ચાલી નીકળ્યો ? દયા ન આવી, ઠાકોર ? એમ હતું તો પછી કોણે કહ્યું હતું કે ખાઈ વળોટજે ?”

રજપૂતાણીની આંખોના ખૂણામાં લોહીના ટશિયા આવી રહ્યા છે. વીરોજી ખસિયાણો પડીને બોલ્યોઃ “હે રજપૂતાણી, હું તો પાંચ દીનો પરોણો છું. આ તો ક્ષત્રિયકુળનું નાક વઢાતું હતું તેથી ખાઈ વળોટ્યો. પણ તમે મારી વાંસે શીદને મરવા આવો છો ? હજુ તો જુવાન છો, ઊગ્યો છે એને આથમતાં ઘણી વાર લાગશે. માટે જાવ, પાછાં વળો કોઈક સારો જુવાન જોઈને વીવા કરી નાખજો અને જુવાનીનાં સુખ ભોગવજો.”

કાનના મૂળ સુધી કુંવરીનું મુખારવિંદ લા... આ...લઘૂમ થઈ ગયું. એની કાયા કંપી ઊઠી. એ બોલીઃ “બસ થયું રજપૂત ! રૂડાં વેણ કહ્યાં ! હવે ઝાઝું બોલશો મા. નીકર આ જોઈ છે ? હમણાં મારાં આંતરડાં કાઢીને તમારા ગળામાં પહેરાવી દઈશ.”

રજપૂતાણીના હાથમાં કટાર ઝળક ઝળક થવા માંડી. વીરોજી અજાયબ થઈ ગયોઃ “હે કુંવરી ! હું તમને શી રીતે સાથે લઉં ? આપણે કુંવારાં છીએ. ચાર મંગળ વરત્યાં નથી. તમારો છેડો અડે તો મને કેટલુું પાતક ચડે !”

“સાચું કહ્યું રાજા ! પણ આપણા જ વડવા આવા સમયને માટે મરજાદો બાંધી ગયા છે કે પથારી કરવી તો વચ્ચે ખાંડું ધરવું અને બેલાડ્યે બેસવું તો આડી કટાર રાખવી.”

એમ કહીને હરણિયું કૂદે એમ છલંગ મારતી રાજકુંવરી વીરાજીની વાંસે ચડી બેઠી, વચ્ચે કટાર ઝાલી. અને બે ય જણાને ઉપાડીને ઝકાક ! બકાક ! ધમ ! ખરરર ! કરતો જાતવંત ઘોડો ચાલી નીકળ્યો.

રસ્તામાં બે રાત રોકાઈને ત્રીજે દિવસે પહોર દી ચડ્યે ઉજેણીના પાદરનાં ઝાડવાં જોયાં. એમ કરતાં પાસે પહોંચ્યાં ત્યાં એક ફૂલવાડી દીઠી. નારંગીના તંબૂ જેવો લેલુંબ વડલોઃ અને વડલાની ઘટામાં મોટો દાયરો બેઠેલો.

વીરાજીએ માન્યું કે નક્કી રાજા વિક્રમનો દાયરો.

વીરાજી બોલ્યા : “હે સ્ત્રી ! ઊતરો હેઠાં. તમને કાંઈ બેલાડ બેસારીને દાયરામાં નહિ જવાય.”

“હે રાજકુંવર ! હું ક્યાં જાઉં ?”

“આ નેરામાં બેસો. હું હમણાં તમારી સગવડ કરીને તેડવા આવું છું.”

“રજપૂત ! ભૂલી જાવ નહિ હો ! ગમે તેમ તોય હું અબળા છું. એકલી છું. અંજવાળી તોય રાત કહેવાય હો !”

સાંભળ્યું, ન સાંભળ્યું, અને વીરાજીએ તો દાયરાને માથે ઘોડો હાંક્યો. અને એને જોઈને એક આદમી દાયરામાંથી ઊઠીને ચાલ્યો ગયો.

“ઓહોહોહો ! વીરાજીભાઈ આવ્યા, બાપ આવ્યા. વા’લા સગા આવ્યા.” એમ કહીને દાયરાના આદમી બાથ લઈ લઈને મળ્યા.

“વીરાજીભાઈ ! રાજા વિક્રમ તમારી વાટ જોઈને અબઘડીએ જ પધાર્યા. ચાલો હવે અમે તમને તેડી જઈએ. કોઈ બીજું હાર્યે છે ?”

નીચું જોઈને વીરાજી બોલ્યાઃ “હા ઠકરાણાં હાર્યે છે. ઓલ્યા નેરામાં...”

“ઠીક ઠીક, ગોર ! તમે જાઓ, રથ જોડીને તેડી આવો આપણા બોનને. ઉતારામાં રાખજો. અમે ગામમાં વીરાજીભાઈનું મુકાન નક્કી કરીને ખબર દઈએ છીએ.”

એમ કહીને બે આદમી વીરાજીને તેડી નગરમાં ચાલ્યા. ઉજેણીની બજારમાં તો માણસે માણસ ભિંસાઈ મરે એવો મનખો મળ્યો છે. હૈયેહૈયું દળાય છે. મેદનીમાં જઈને ઓલ્યા આદમીએ વીરાજીનો હાથ મેલી દીધો. ‘અરે ભાઈ ! ક્યાં ગયા !’ કરતા વીરાજી ગોતતા રહ્યા. પણ ભાઈ કેવા ! ને વાત કેવી !

મેદનીને વીંધીને માંડમાંડ વીરાજી વિક્રમ રાજાના દરબારમાં પહોંચ્યા. શરમના માર્યા કંઈ વાત કીદી નહિ. અને રાત પડી ત્યાં બધુંય ભૂલી ગયા.

આંહીં શું થયું ? ગોરનો વેશ કાઢીને વેલડું લઈ આદમી આવ્યો. કુંવરીને ઉપાડી પડખેની હવેલીમાં તેડી ગયો. સાતમે મજલે ચઢાવી તાળું વાંસી દીધું.

જાળિયામાંથી ડોકાઈ ડોકાઈને કુંવરી નજર કરે છે. પણ કોઈ માનવી ન મળે. નીે ઊતરવા જાય તો કમાડને તાળું ! કાળો કાગડોયે દેખાતો નથી. આ શું કૌતુક !

સાંજ પડી. મેડી નીચે જાણે લગનનાં ગીત ગવાય છે. કોણ જાણે કોઈક પરણે છે.

રાતનો પહોર વીયો. બારણું ઊઘડ્યું. ખભામાં તલવાર, વરરાજાનો પોષાક, અને દીનાનાથ નવરો હશે તે દી કોયલાનાં ભુકામાંથી ઘડેલ હોય એવા કાળામશ શરીરવાળો આદમી અંદર આવ્યો.

કાષ્ટની પૂતળી સંચો દાબતાં જ કૂદકો મારે તેમ છલંગ મારીને રાજકુંવરી ઊભી થઈ ગઈ.

આવનાર પુરુષને પૂછ્યું, “બોલો છો ? કે મારા કાકાને બોલાવું ?’

“તમે કોણ છો ?”

“તમારા સ્વામીનાથ ! બીજું કોણ ! મારા કાકાએ મને કહી મેલ્યું’તું

કે જે દી હું ખૂબ ધન ધૂતી આવું તે દી મને પરણાવે. તે આજ મને તમારી સાથે પરણાવ્યો.”

“તે મતે ગોર નહિ ?”

“ગોર ખરા, પણ ધુતારા ગોર.”

ચતુર રજપૂતાણી બધીયે બાજી સમજી ગઈઃ હવે સ્ત્રીચરિત્ર કર્યા વગર ઊગરવાનો આરો નથી રહ્યો.

‘આવો આવો, સ્વામીનાથ !’ એમ કહીને એ સીસમના પૂતળાને પોતાની પાસે બેસાર્યો.

ધુતારો તો ગાંડોતૂર થઈ ગયો.

“અને આ શું ?” એમ કહીને કુંવરીએ તરવાર સામી આંગળી ચીંધી.

“ઇ તરવાર ! તમે જો ના પાડી હોત તો આમ કરીને આમ તમારું ડોકું

વાઢી નાખત, ખબર છે ?”

“અરરર ! માડી રે ? તો તો હું તમારી પાસે આવતાં બીઉં છું. આઘી મૂકી દ્યો.”

“હાં ! ત્યારે એમ બોલોને !” એમ કહીને ધુતારાએ તરવાર ખીંતીએ ટિંગાડી. કુંવરીએ એને વાતોએ ચડાવ્યો. ધુતારો તો અગ્નિમાં મીણ ઓગળે તેમ ઓગળી ગયો. ભાન ભૂલી ગયો.

સિંહણની જેમ કૂદીને કુંવરીએ ખીંતીએથી તરવાર ખેંચી. ‘જે જોગમાયા’ કહીને ઠણકાવી. ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માથું ઉતારી લ્યે તેમ માથું ઉતારી લીધું ! ધખ ! ધખ ! લોહી વહ્યું જાય છે.

થર ! થર ! થર ! થર ! રણચંડી જેવી રજપૂતાણી જાગી ગઈ. પણ હજુ લીલા બાકી હતી. જો જાણ થાશે તો મને મારીને દાટી દેશે.

ધુતારાની લાશના કટકા કર્યા. બારીમાં અને બારણામાં ટુકડા ટિંગાડ્યા. માતાના જાપ જપતી જાગી. સવારે કમાડ ઉપર કોઈએ સાંકળ ખખડાવી કે “ઊઠ્યને ભાઈ ! સોનાનાં નળિયાં થઈ ગયાં.”

કમાડ ઉઘાડીને કુંવરીએ ધડ રોડવ્યું. ધડબડ ! ધડબડ ! થાતું નીચે ગયું. ‘વોય બાપ રે !’ કરતા માણસો ભાગ્યા.

બહાર નીકળીને બારીમાં જુવે ત્યાં તો હાથ, પગ ને માથું લટકે છે !

“ફરિયાદ ! ફરિયાદ ! એ રાજા વિક્રમ, ફરિયાદ ! અમારા દીકરાને ડાકણ ખાઈ ગઈ.” એવો પોકાર થઈ પડ્યો.

“હાં, છે કોઈ હાજર ?”

‘એક કહેતા એકવીસ !’ એક કહેતાં કસળોભી ને ગુમાન સંગભી ને મેરામણભી જેવા રજપૂતો ઢાલ તરવાર લેતા દોડ્યા. આવીને નજર કરે ત્યાં તો

‘વોય બાપ રે ! એક મડું ! પાંચ મડાં ! સો મડાં !’ એમ કરતાં ભાગ્યા. શરીરે રેબઝેબ પરસેવો છૂટી ગયો.

“હાં, છે કે કોઈ !” રાજા વિક્રમે હાકલ કરી.

‘એક કહેતાં એકવીસ !’ એમ કહીને મિંયાં ફેંકણે ફેં, ફલાદીદૌલત, હાંડીબૂચ ને મલકલેરિયા દાઢી ઉપર હાથ નાખતા ઊપડ્યા.

“અરે સાલે રજપૂતડે ક્યા કર સકે !”

જ્યાં ધુતારાની મેડી સામે જાય ત્યાં તો - “યા મેરે અલ્લા ! યા ખુદા ! યા બની! સાલી મડે પર મડે ફેંકતી હે. ચલો બીબીયાંકી પાસ પહોંચ જાવે” એમ કહીને ભાગ્યા.

રાજાની કચેરીમાં હાહાકાર મચી ગયો. બીડદારે બીડું ફેરવ્યું. આખી કચેરીએ ધરતી સામાં મોં ઢાળ્યાં.

ત્યારે વીરાજીએ ઊભા થઈને બીડું ઝડપ્યું. હથિયાર બાંધીને પોતે હાલી નીકળ્યો.

ધુતારાના મહેલની બારીમાંથી રાજકુંવરીએ વીરાજીને આવતો જોયો. હૈયે ધબકારા બોલી ગયા. તરવાર હેઠી મેલી દીધી. ઘૂમટી ખેંચ્યો. પાછો ફરીને ઊભી રહી. વીરોજી કટ કટ કરતો મેડીએ ચડી ગયો. એણે પડકારી કે, “બોલ ! બોલ ! બોલ ! તું કોણ છે ?”

ઘૂમટામાંથી કુંવરીએ મેણાં કાઢ્યાંઃ “ધન્ય છે ! વડા જળસાપ, ધન્ય છે તને ! કોઈનું પાડરું ખોવાય છે તો યે ધણી સાંજ પડ્યે ખોળવા નીકળે એને કોળિયો ધાન ન ભાવે સુખે નીંદર ન આવે. પણ તું ! ક્યાં તારી અસ્ત્રી ! ક્યાં તારો ઘોડો ! વિચાર ! વિચાર! હે રાજા ! વિચાર તો કર ! હે રજપૂત ! તેં મારા માથે ડાભડો ઉગાડ્યો !”

ઝબ દઈને વીરાજીએ તરવાર ખેંચી. “ડાકણ ! વગડામાં મને ભરખવા આવી’તી, અને હું છટક્યો એટલે આ પારકા જણ્યાને ચાવી ગઈ ? થઈ જા મોઢા આગળ !”

ધ્રુસકે ધ્રુસકે રોતી એ રાજકુંવરી મોઢા આગળ, અને વાંસ ઉઘાડી તરવારે વીરોજીઃ બેય ઉજેણીની ઊભી બજારે હાલ્યાં જાય છે. લોકોની મેદની વચ્ચે કેડી પડી ગઈ છે. નગરીમાં સમી સાંજે સોપો પડ્યો છે.

ભરકચેરીમાં રાજા વિક્રમ ન્યાય તોળવા બેઠા. એણે કહ્યુંઃ “બહેન, તું મારી દીકરી છો. ઘૂમટો કાઢી નાખ.”

ઘૂમટો ઊંચો કરતાં તો ઝળળળ ! તેજની કણીઓ છવાઈ ગઈ. રાજકુંવરીની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો મંડાણા. છાતીફાટ ધ્રુસકાં મેલીને અબળાએ વિલાપ આદર્યા. રોતાં રોતાં પોતાની આખી કથની કહી બતાવી.

વિક્રમે વીરાજીની સામે જોયું. વીરોજી અદબ વાળીને નીચે માથે ઊભા રહ્યા. એણે કહ્યુંઃ “મહારાજ ! હું ઘોર અપરાધી છું. મને સજા કરો.”

વિક્રમ રાજાએ બેય જણાંને પોતાનાં બેટાબેટી કરીને પરણાવ્યાં. અલાયદો મહેલ કાઢી દીધો.

(૪)

અધરાત છે, પોષ મહિનાનો પવન સૂસવાટા મારે છે. વિક્રમ રાજા અને રાણી સૂતાં સૂતાં ટૌકા કરે છે. એ વખતે રાણીએ મેણું દીધુંઃ “રાજા, માથું દેવા આવનાર બધા આવા જ હશે કે ?”

“કેમ રાણીજી ?”

“આજ અટાણે તમારું માથું લેવા માતાનો સાદ પડે તો ક્યાં તમારો વીરોજી આડો ફરવા આવવાનો હતો ? નવી અસ્ત્રીની સોડ્ય શે તજાય ?”

“બોલો મા, બોલો મા રાણી ! વીરાજીને માટે એવાં વેણ ન છાજે. બારીએ જઈને જરા સાદ તો પાડો !”

રાણીએ બારીએ જઈને સાદ દીધોઃ “વીરાજીભાઈ !”

“હાજર છું, માતાજી !” ખોંખારો ખાઈને વીરાજીએ અંધારામાંથી જવાબ દીધો.

“ક્યારથી ચોકી કરો છો ?”

“માતાજી, ઉજેણીમાં આવ્યો ત્યારથી.”

“ઘેરે નથી ગયા ?”

“કેમ જાઉં ?”

“કાં ?”

“રાજાના ઓચિંતાં તેડાં આવે તો શું કરું ?”

પલંગમાંથી ઊછળીને વિક્રમ પણ બહાર આવ્યા. “વાહ, વીરાજી ! રંગ છે રજપૂતની જનેતાને ! વીરાજી, ઘેર જાઓ.”

“ના બાપુ, મારે માથું પછાડીને મરવું પડે. મુંગીપરનું બેસણું લાજે.”

“જા ભાઈ વિક્રમના સોગંદ ! જોગમાયાની દુહાઈ ! એક રાત ઘેર રહી આવ.”

વીરોજી ઘેર ગયો. પરણ્યા તે દિવસથી રજપૂતાણી રોજ રોજ રાતે વાટ જુએ છે. સવારોસવાર જગદમ્બાના જાપ જપે છે. આંખની પાંપણ પણ બીડતી નથી. આજે તો રજપૂત ઘેરે આવ્યો. રજપૂતાણીએ

મોથ વાણી, એલચી વાણી,

ખળખળતે પાણીએ ના’ઈ,

ઘટ સમાણો અરીસો માંડી,

વાળે વાળે મોતી ઠાંસી,

શણગાર સજ્યા. હાલે તો કંકુકેસરનાં પગલાં પડે, બોલે ત્યાં બત્રીસ પાંખડીના ફૂલ ઝરે, પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે, એવી હામ કામ લોચનાઃ ત્રાઠી મૃગલીનાં જેવાં નેણ, ભૂખી સિંહણના જેવો કડ્યનો લાંક. જાણે ઊગતો આંબો, રાણ્યનો કોળાંબો, બા’રવટિયાની બરછી, હોળીની ઝાળ, પૂનમનો ચંદ્રમા, જૂની વાડ્યનો ભડકો, અને ભારદવાનો તડકો, સંકેલી નખમાં સમાય, ઉડાડી આભમાં જાય, ઊગમણા વા વાય તો આથમણી નમે, આથમણા વાય તો ઊગમતી નમે, ચારે દિશાના વાય તો ભાંગીને ભૂકો થાય. એવાં રૂપ લઈને,

થાળ પીરસી, સુંદરી ત્રણસેં ને સાઠ પગથિયાં ચડી, ત્યાં તો આવો, આવો, આવો, એવા ત્રણ આવકાર મળ્યા. માનસરોવરનો હંસલો જેમ મોતી ચરે, એમ સ્વામીએ ત્રણ નવાલા લીધા. એમ રંગના ચાર પહોર વીત્યા. રજપૂતાણીને આશા રહી. નવ મહિને દેવના ચક્ર જેવો દીકરો અવતર્યો. અજવાળિયાના ચંદ્રની જેમ સોળ કળા પુરાવા માંડી. દીકરો દીએ ન વધે એટલો રાતે વધે, ને રાતે ન વધે એટલો દીએ વધે.

બે મહિનાનું બાળક થયું ત્યાં તો વીશભુજાળી આવી પહોંચી.

“એ બાપ વીરાજી, તૈયાર છો ?”

“તૈયાર છું, માતાજી.”

“પણ બાપ ! વિક્રમના રક્ષણહારને મારતાં જીવ નથી ઊપડતો.”

કોચવાઈને વીરોજી બોલ્યોઃ “માતાજી, તમે તો છોકરાંની રમત કરતાં લાગો છો.”

“વીરાજી ! તારો છોકરો ય બત્રીસલક્ષણો છે. આપીશ ?”

“માડી, પૂછો જઈને નવ માસ ઉદરમાં વેઠનારીને. મારો અધિકાર નથી.”

માતાજીએ અધરાતે વીરાજીના ઘરનાં કમાડ ખખડાવ્યાં. રજપૂતાણી શ્રીફળ લઈને દોડી. માતા પૂછે છેઃ “દીકરી, ચૂડલો વહાલો છે કે દીકરો ?”

“મા, વિક્રમને જોઈએ તો એકેય નહિ.”

“તારો ચાંદલો ન ભૂંસું તો દીકરો ચડાવીશ ?”

“માડી, કરાર કરવાના નો’ય, ફાવે તે ઉપાડી લેજો. મારે ક્યાં બે ભવ જીવવું છે ?”

“કાલ બેય જણાં દીકરો લઈને દેવળે આવજો.”

બીજી રાતે બરાબર બે પહોર જવા દઈને પછી સ્ત્રી-પુરુષ દીકરાને તેડી હાલી નીકળ્યાં. સફરા નદીમાં જનેતાએ દીકરાને માથાબોળ ઝબકોળ્યો.

“હાં ! હાં ! હાં ! અસ્ત્રી ! આ શું ? જીવતો જીવ ઠરીને હીમ થઈ જાય એવી ટાઢમાં આ કેસૂડાંના ફૂલને પાણીમાં બોળ્યું ?”

“સ્વામીનાથ ! બાળકનો દેહ ગંદો હોય તો પાતક લાગે.”

મંદિરમાં માતાની ભેંકાર મૂર્તિ ઊભી હતી. ઝાકઝમાળ જ્યોતો બળી રહી છે. વીરાજીએ તરવાર ખેેંચી. રજપૂતાણીએ બાળકને ઝાલી રાખ્યું. દેવળના ઝોકાર દીવા જોઈને અને બાપના હાથમાં ઝળહળતી તરવાર ભાળી કુંવર ખિલખિલાટ હસવા મંડ્યો. રમત રમવા માટે હાથપગ ઉછાળવા લાગ્યો.

વીરાજીએ તરવાર ઠણકાવી. બાળકનું ડોકું માતાના ચરણોમાં જઈ પડ્યું. ધડ જનેતાના હાથમાં રહી ગયું.

જનેતાથી આ દેખાવ ન જોવાયો. બાળક જાણે કે ધાવવા માટે બોલાવે છે. એણે ચીસ પાડીઃ “ઠાકોર, મને - મને - મને ય મારો. રાજાનાં આયખાં વધશે !”

“આ લે ત્યારે !” એમ કહીને વીરાજીએ તરવાર ઝીંકી. સ્ત્રીનું ડોકું રડી પડ્યું.

“રજપૂતાણી ! ધીરી ! હું યે આવું છું હો ! માતાજી ! રાજાને લાંબું આયખું દેજો. અમારા રામરામ કહેજો.”

એમ કહીને પોતે પોતાની ડોકે તરવાર ઘસી. માથું જઈ પડ્યું સ્ત્રીબાળકનાં માથાંની સાથે.

“હે માણસ ભરખનારી ! હે ડાકણ ! ધિક્કાર છે તને,” એવી ત્રાડ દેતો વિક્રમ રાજા વાંસેથી અંધારપછેડો ઓઢીને હાજર થયો.

“આ લે, આ લે આ ચોથો ભોગ !” એમ કહીને કટાર પોતાની છાતી ઉપર નોંધી ત્યાં તો

“મા ! મા !” કરતો કોઈએ હાથ ઝાલ્યો.

“મૂકી દે ! મૂકી દે રાક્ષસાણી ! એલી, મારાં ત્રણ માણસ મરાવીને હવે હાથ ઝાલવા આવી છો ? સવાર પડ્યે દુનિયાને હું મોઢું શું બતાવીશ ?”

સોળ વરસની સુંદરી બનીને દેવી પ્રગટ થયાં. પોતાની ચૂંદડીનો છેડો ઓઢાડીને ત્રણે મરેલાંને માથે હાથ ફેરવ્યો. ચાર પહોરની નીંદરમાંથી આળશ મરડીને જેમ બેઠાં થાય તેમ ત્રણે માનવી જાગી ઊઠ્યાં.

કે’ “બાપ વિક્રમ ! માગ માગ !”

“હું શું માગું માડી ? માગે તો આ વીરોજી, જેણે ત્રણ ત્રણ ભોગ ચડાવ્યા.”

“વીરાજી ! બાપ ! માંગી લે.”

વીરોજી બોલ્યોઃ “દેવી ! હું શું માગું ? મારે શી ખોટ છે ? મારે માથ વિક્રમનું છત્ર છે. તું જેવી વીસભુજાળી બેઠી છો. પણ જો આપતી હો તો એટલું જ આપજે કે જેમ મરતાં સુધી હું મારા ધણીનું રક્ષણ કરવા એની મોઢા આગળ ડગલાં માંડું છું, તેમ મર્યા પછીય એના નામની મોઢા આગળ મારું નામ પણ ચાકર બનીને ચાલ્યા કરે.”

“તથાસ્તુ, દીકરા !”

ત્યારથી આજ દિવસ સુધી દુનિયા જ્યારે જ્યારે વિક્રમનું નામ લે છે ત્યારે

વીર વિક્રમ

કહે છે : આગળ વીર (વીરોજી) ને પાછળ વિક્રમ !