A Story... [ Chapter -9 ] Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

A Story... [ Chapter -9 ]

મોબાઈલમાં નોટીફીકેશન ટોન સાથે કંટાળેલી અર્ધખુલ્લી આંખે મેં જોયું તો અચાનક મારા મોબાઈલમાં ઝળકેલો મેસેજ કોઈ અજાણ્યા નંબરથી આવ્યો હતો. ‘હેલ્લો વિમલ...’ એ આઠની સીરીજ વાળો અજાણ્યો નંબર મને આજે પણ બરાબર યાદ છે. જો કે ખાસ કરીને ત્યારના સમયે તો છેક મેસેજના એક મહિના સુધી પણ મને એ નંબર વિષે કોઈ જાણ સુદ્ધા ન હતી. એ કોણ હતું એ વિષે મારા મનમાં કોઇ જ પ્રકારની સ્પષ્ટતા ત્યારે ન હતી.

હમેશની જેમ એ દિવસે પણ હું અજાણ્યા નંબરના કોલ અથવા મેસેજના જવાબ ન આપવાના મારા જાતે બનાવેલા નિયમ પર મક્કમ હતો. અને કદાચ એજ કારણો સર એ વ્યક્તિની ચોક્કસ ઓળખાણ વગર મેં એના હાય હેલોનો કોઈ જ જવાબ આપ્યો ન હતો. ત્યાર પછી પણ સમય જાણે કેટલાય વિચારોમાં ઘેરાતો જઈ રહ્યો હતો. મમ્મીની યાદ મને એ દિવસોમાં ખુબ આવતી હતી. સામાન્ય રીતે તમે કોઈપણ નાનીમોટી સમસ્યામાં પણ અટવાઈ જાઓ ત્યારે તમારું એકલાપણું તમને ખટકે છે. ‘એકાંતમાં રહેવા જેવી મજા જ નથી...’ એવા તમારા જ બોલેલા શબ્દો તમને સાવ નકામા લાગવા લાગે છે. અત્યારે મારા હાલચાલ કે ખેરખબર પૂછનાર કોઈ ન હતું. મારા મનમાં ઘોટે ચડતા વિચારોને વાળવા મેં ફ્રેશ થવાનું વિચાર્યું છેવટે નાહી ધોઈને મેં નાઈટ્શૂટ પહેર્યો અને સાથે જ રસોડામાં જઈને ગેસ સ્ટવ પર ચા મૂકી દીધી. હું મારી ઈચ્છા મુજબ કઈ પણ કરતો એનું મૂળ કારણ કચરા પોતા જેવા કામ માટે મારે ચિંતા કરવાની જરૂર રહેતી નહિ. સામાન્ય રીતે પાસેની કોલોનીમાંથી ઘરના કામ માટે આવતા કૈલાશ માસી જ સ્વચ્છતાને લગતું બધું સંભાળતા. સામાન્ય રીતે મહેસાણામાં આંટી કહેવાનો રીવાજ પ્રચલિત ન હોવાથી દરેક સ્ત્રીને માસીનું પ્રેમભર્યું બિરુદ મળતું રહે છે અને માં જેવા સ્થાનનું ગૌરવ પણ. આંટી શબ્દ માતૃભાષાના મીઠા શબ્દોથી બનેલો ન હોવાથી સમાનર્થી હોવા છતા પરાયા ભાવને જ દર્શાવે છે જ્યારે માસી પોતીકાપણા ભર્યો છે. છતાય ક્યારેક એ રજા પર હોય ત્યારે મારા સગા માસી જ સાંભળી લેતા. મારા ભાગે કદી આવું હાડમારીભર્યું કામ આવતું ણ હતું. સહેજ વારે ચા બની એટલે કપમાં ચા ભરતાની સાથે જ વાસણોનો ઢગલો પ્લેટફોર્મની વોશબેસીન સાઈટ સરકાવીને હું બેડમાં પડ્યો. ફરીવાર ચાની લસરકી સાથે મોબાઈલ હાથમાં લીધો ત્યારે એ જ નંબરથી અન્ય ચાર જેવા મેસેજ આવેલા હતા. મેં ફરી એનો રીપ્લાય આપ્યા વગર જ ચા સાથે મોબાઈલ સાઈડમાં મુકી દઈ પુસ્તકના નાશાને ભેળવી દીધો હતો. પરીક્ષાઓ એના અઠવાડિયા પહેલા જ પૂરી થઇ હોવાથી મારી પાસે ત્યારે સમયની જરાય અછત ન હતી.

તમને ખબર છે એ મેસેજ અને એના પાછળનો ચહેરો મારા જીવનમાં કેટલાય ઓચિંતા બદલાવનો સાક્ષી બની જશે એવી તો મેં ક્યારેય આશા સુદ્ધા રાખી ન હતી. અને વ્યક્તિગત રીતે કહું તો હું શું કામ એવા વિચાર પણ કરું કે આ અજાણી વ્યક્તિ મારા જીવનમાં આવશે અને પોતાની છાપ છોડશે. તેમ છતાય પાછળથી એની ઘણી અસરો મારા જીવનના પ્રસંગો પર પડી હતી. છેવટે એ દિવસના અંત સુધીમાં આવેલા ૯ મેસેજમાંથી એકનો પણ જવાબ મેં આપ્યો ન હતો. મને ફોન કરવાનો વિચાર આવ્યો હતો ત્યારે પણ મેં એ વિચાર મનમાંથી તરત કાઢીને વાંચવામાં જીવ પરોવવા પ્રયત્ન કર્યો. આ એજ વ્યક્તિ હતી જેને એની સાથેના બ્રેકપના બે મહિના પછી મને ભડાકે દેવાનું મન થવા લાગ્યું હતું. એને જોઇને મને મારૂ ભવિષ્ય દર્દમાં કણસતું નજરે પડતું હતું. ઘણીવાર મને થતુ કે જો હું કોતવાલ હોતતો બે આતંકવાદી એના ઘરમાં છુટા મૂકી એન્કાઉન્ટરના નામે એને પણ વીંધીને કેસની ફાઈલ તરત બંધ કરી મળીયે ચડાવી દેત. ખેર હું એવું કઈ કરી શક્યો નહી અને સદભાગ્યે એ પહેલા એણે પ્રભુતામાં પગલા માંડી દીધા હતા. હું ન ગયો પણ મને એના લગ્નદિવસે આનંદ થયો હતો એવો કદાચ દુનિયાના કોઈ પુરુષને પોતાની સાથે અમુક રાતો વિતાવનાર સ્ત્રીના લગ્ન દિવસે ન થઇ શકે.

***

‘એ મારી વાતો નથી સમજતી તો મારે શું કરવું.’ ત્રીજા દિવસની સવારે પણ મારું મન બાથરૂમના કાચમાં સામે એજ દ્રશ્ય જીવંત દર્શાવતું હતું. મારી સામે ઉભેલો વિમલ મારા પક્ષમાં ન હોઈ મારા વિરુદ્ધ બોલી રહ્યો હતો. એણે મારી લાગણી અને મારી ઝંખનાઓમાં નિહાળેલા ચહેરાને માત્ર સત્ય માની લીધું હોય એમ એ મારી સામે ઉભો હતો.

‘તું તારી જાતને આખર સમજે છે શું...?’ એ મારો જ એક માત્ર અંશ હોવા છતાં મારા સાવ વિરોધમાં દલીલ કરતા વકીલની જેમ બકવાસ કરતો હતો.

‘કેમ શું સમજુ છું, એટલે...?’

‘એને ના કહેવાનો વિચાર કયા કારણે આવી રહ્યો છે...?’

‘હું એની પ્રત્યે એવી રીતે નથી વિચારી શકતો જે રીતે એ વિચારે છે.’

‘પણ એની લાગણીઓ, ભાવનાઓ અને વિચારો... એનું શું...?’

‘મને પરવા નથી.’

‘સ્વરાએ પણ કદાચ આ જ રીતે તારી જેમ વિચાર્યું હશે ને?’

‘એનો દોષ નથી અમારી પરિસ્થિતિઓ એ સમય દરમિયાન કઈક એવી જ વિચિત્ર પ્રકારની હતી.’ સ્વરાનું નામ લઈને કદાચ એ મને ચુપ કરવા ઈચ્છતો હતો.

‘પણ અત્યારે એ નથી.’

‘મારા વિચાર અને યાદોમાં તો છે.’

‘એ તને ભૂલી ચુકી છે. અને આ જ વાસ્તવિકતા છે મી. વિમલ. જે કદાચ આજ દિન સુધી તમે સ્વીકારી લેવા નથી ઈચ્છતા.’

‘આ કોઈ ગેમ નથી કે રાઉન્ડ પતે એટલે નવા સ્ટેજમાં રમી લેવાનું હોય.’

‘પણ આ કોઈ સ્ટોરીલાઈન પણ નથી જ કે ગમે ત્યારે તું એમાં સુધાર વધાર કરીને સ્વરાને પાછી મેળવી શકે.’

‘તો હું શું કરું...? સ્વરાને ભૂલી જાઉં...?’

‘અત્યારે એ નથી તો પછી જીનલ કેમ નહિ...?’

‘પ્રેમ માત્ર એક જ વાર થાય.’

‘પણ તારું દિલ તો એને એટલી જ ત્રીવ્રતાથી ચાહતું હોય એમ લાગે છે.’

‘પુરુષ સહજ એવું આકર્ષણ તો હોય પણ પ્રેમ...?’

‘એમાં ખોટું શું છે તો પછી જે તારું દિલ કહે એમ કર.’

‘પણ આ તો પ્રેમની કક્ષામાં નથી.’

‘કેમ નથી...?’

‘હું સ્વરાને જ ચાહું છું આજ પણ અને હવે એને...’

‘પ્રેમનો અર્થ એક જ વાર કરવો એ નથી. પણ પ્રેમનો અર્થ જે દિલને ગમે એમ કરવું છે. અને જ્યારે તારા કારણે કોઈને તું દુઃખી નથી કરતો. તું જીનલને મેળવવા સ્વરા ને નથી છોડી રહ્યો અથવા તું એની સાથે રહીને જીનલને નથી અપનાવી રહ્યો એટલે કે અત્યારે જીનલને દુઃખ ના પહોચાડવું અને તારા દિલનું માનવું એ જ સાચો પ્રેમ છે. પણ તારી ના કદાચ જીનલને જરૂર દુઃખ પહોચાડશે.’

‘અને સ્વરાનું શું...?’

‘તું એને અંધારામાં નથી રાખી રહ્યો એટલે તું કાઈ ખોટું નથી કરતો. તું કોઈને ચીટ કરે એ યોગ્ય નથી પણ અહિયાં તો એવું કાઈ છે જ નહિ. અને રહી વાત સ્વરાની તો એ તારી સાથે છે જ નહિ તો પછી જીનલ સાથે આગળ વધવામાં તને વાંધો શું હોઈ શકે. કદાચ સ્વરા પણ એવું જ ઈચ્છતી હોય કે તું ખુશ રહે.’

‘મારી પાસે એનો જવાબ નથી.’

‘તારી પાસે જવાબ તો છે જ પણ વાસ્તવિકતા એ છે કે તારે જવાબ આપવો નથી. પણ હવે એમ નહિ ચાલે તારે જવાબ આપવો પડશે. એ દિવસે તારું એના હોઠ પર ચૂમવું, પહેલા જ દિવસથી એને ઘૂર્યા કરવું, મિત્રાને બહાને એને મળવું, એના આવવાની ધાબે બેસીને રાહ જોવી અને સૌથી વધુ તો એને આવતી હિચકીઓનું કારણ બનવું. આ બધું... આખર શું છે આ બધું જો તું એને જીવનમાં નથી મહત્વ આપતો તો પછી.’

‘હું એની કલ્પના પણ સ્વરાના સ્વરૂપે જ કરી શકું છું.’

‘કલ્પનાઓ કરે તો છે ને...?’

‘કદાચ હા... પણ સ્વરાના સ્વરૂપે.’

‘તો સ્વરા સમજીને એના પ્રસ્તાવને સ્વીકારી લે.’

‘એ મારા કરતા નાની છે.’

‘એ કોઈ અસરકારક બહાનું નથી વિમલ એનાથી છૂટવાનું.’

‘એટલે...’

‘પ્રેમમાં ઉમરને મહત્વ નથી હોતું અને તમારા બંને વચ્ચે ૬ વર્ષ જેટલો ફર્ક છે ભારતમાં આ સામાન્ય ગણાય છે.’ એણે ફરી કહ્યું. ‘અને વિદેશમાં તો આને કદી મહત્વ અપાયું જ નથી.’

‘મારે કોઈ વાત નથી કરવી...’ મારા મનમાં હજુય પ્રશ્નો તો હતા છતાં મેં ગુસ્સામાં મોઢા પર પાણી છાંટીને મો લૂછતાં ફરી એ કાચમાં નજર ન પડે એમ ત્રાંસુ જોઇને બહાર ચાલતી પકડી. પણ, એ હજુ ત્યાં ઉભો રહીને બબડ્યો. ‘તું ઉમર જેવા બહાના કાઢીને તારી જાતને છેતરી નહી શકે. તારા દિલમાં ઘૂંટાયેલી પ્રેમની વ્યાખ્યા પણ હવે જડ થઇ ગઈ છે.’ બસ એના પછી એ ક્યારેય મારો વિરોધી નથી બન્યો. એ છેલ્લો દિવસ હશે કદાચ જ્યારે હું પોતે જ મારો દુશ્મન બન્યો હતો.

આખો દિવસ એજ વિચારોમાં ફરતો રહ્યો હતો. શા માટે વારંવાર હું એને વિચાર્યા કરતો હતો...? શા માટે પેલો અરીસામાં સામે છેડે ઉભેલો મારો જ આત્મા મને સાથ આપતો ન હતો...? કદાચ... મારી પાસે ત્યારે કોઈ ચોક્કસ જવાબો ના હતા. માત્ર લાગણીના કેટલાક ઉભરા સિવાય મારી પાસે કોઈજ સ્પષ્ટ રજૂઆત માટે શબ્દો પણ ન હતા. છેવટે એ દિવસથી ફરી મેં એનાથી દુરી બનાવી લીધી. હું ખરેખર હું એને સ્વીકારી ના બેસું અથવા અમારી વચ્ચે ન થવાનું કાઈ થઇ ન જાય એ વાતથી ડરતો હતો.

‘તમે બીજી પેગ લેશો...?’ વિમલે ભૂતકાળના વિચારોની દુનિયામાંથી વાસ્તવિકતામાં આવતા આવતા મને પૂછી લીધું. બીયરનો ગ્લાસ ખાલી હતો. મારા હાથમાં પણ ગ્લાસ ખાલી જ હતો. એણે ફરી થોડીક બીયર ગ્લાસમાં ખાલી કરીને મારી સામે ધરતા કહ્યું ‘રાત થઇ ગઈ છે.’

‘હા.’ મેં ટૂંકો જવાબ આપ્યો અને સામેના ટેબલ પર પડેલો મોબાઈલ ફોન હાથમાં લીધો. આફ્ટર ઓલ લગભગ રાતના સાડા ત્રણ થઇ રહ્યા હતા. ઘડિયાળમાં નજર નાખવાની જરૂર ન હતી વીતેલા સમયની ગતી મને પળવારમાં વર્ષ જેવી લાગતી હતી.

‘તમને ઊંઘ આવે તો અહી જ રોકાઈ જાવ.’ વિમલે ધીમા સાદે જ પૂછ્યું.

‘ના ના સવારે તો મારે નીકળી જવાનું છે. અને જતા પહેલા બીજા પેકિંગને લગતા અન્ય કામો પણ છે. લગભગ દશ દિવસ પછી મારી પાસે પંદરેક દિવસનો ફ્રી ટાઈમ હશે. સમય મળે તો ત્યાં આવજો આગામી સમયમાં મારા એક પુસ્તકનું લોન્ચિંગ પણ છે.’ મેં આટલું કહી મારી હોટેલ તરફ જવાની તૈયારી કરી ત્યારે એના હાથમાં મેં મારૂ વિસિટીંગ કાર્ડ મુકીને આવો ત્યારે યાદથી કોલ કરવાનું સુચન પણ કર્યું. અને કહ્યું ‘કદાચ આગળની વાતો ત્યાં જ થશે.

‘જી...’ વિમલ ફરી મને જોઈ ગ્લાસ ટેબલ પર મુકી ઉભો થઈને બોલ્યો. એ પણ મારી સાથે ઉભો થઈ મને છોડવા રૂમના દરવાજે પણ આવ્યો હતો. મારા મનમાં આબુ પર્વતના એ રસ્તા પર ચાલતા ચાલતા એક નવી જ રચનાના પાયા નંખાયા હતા. આબુનું વાતાવરણ હાર્ડ ધ્રુજાવી નાખતું ઠંડુગાર હતું અને હું હોટેલ માઉન્ટેઇન હિલથી બ્લુ ડાયમંડના રસ્તે ચાલતા નીકળ્યો હતો. અને એ ૫૦૦ મીટરનું અંતર ઠંડીના કારણે મને વધુ મુશ્કેલ લાગતું હતું. શું આબુપર્વત વર્ષના દરેક દિવસે એટલું ઠંડુ હોય છે જેટલું ઠંડુ આજે હતું. આવો પ્રશ્ન પણ મારા મનમાં ત્યારે ઘૂંટાઈ રહ્યો હતો. શિયાળાની કલ્પના કરીને હું મારા શરીરને વધુ કંપાવવા માંગતો ન હતો. છેવટે મેં નક્કી લેક પાસેથી હોટલ બ્લુ ડાયમંડમાં પહોચી તરત જ બિસ્તર પર લંબાવી દીધું હતું. હજુ સુધી મારી આંખો સામે સ્વરા, જીનલ અને વિમલની વાતના કાલ્પનિક પાત્રો આકાર લઇ રહ્યા હતા. અને એમનું જીવન વિચિત્ર પ્રકારના કાળા આભાસી ઓળાઓમાં કાલ્પનિક સંસારે ચિત્રિત થઇ રહ્યું હતું. એ ઓળાઓના સંસારમાં મારી ભવિષ્યની રચના મને જીવંત થતી દેખાઈ રહી હતી. ઘડિયાળ અત્યારે ચારને વિશનો સમય બતાવી રહ્યી હતી અને સવારે વહેલા નીકળવાનું હોવાથી મેં આંખો મીચી દીધી.

***

‘સ્વરા... સ્વરા... સ્વરા...’ એની વાતોનું હાર્દ જાણે માત્ર અને માત્ર સ્વરા હતું. પણ તો પછી આ જીનલનો એના વાસ્તવિક હોવામાં શું ફાળો હતો. કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિના હોવાનો આધાર કેવી રીતે હોઈ શકે. વિમલના ઘરેથી આવ્યા પછી પણ મારા માટે બધું મનમાંથી ખંખેરીને આગળ વધી જવું મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું. લગભગ બે વખત પુછવા છતા પણ વિમલ સ્વરા વિશે કઈ કહેવા તૈયાર ન હતો. પણ સમય આવ્યો કહેવાનો એનો એ અપેક્ષિત વાયદો મને એની આગળની વાતો સાંભળવા માટે પ્રેરકબળ પૂરું પડતો હતો. એની જીવનગાથા વધુ રસ પડે એ પ્રકારની હતી એક નવી દિશા જેને દુનિયા પણ જાણવાની અને પુસ્તક રૂપે માનવાની હતી.

હજુ સુધીની સપાટ કહાનીમાં કોઈ ખાસ વળાંક આવ્યો ન હતો. પણ સ્વરા નામનું રહસ્ય હજી સુધી અકબંધ હતું. જીવનમાં માત્ર લખવું જ મહત્વ નથી હોતું ક્યારેક જાણવું અને માનવું પણ અગત્યનું થઇ પડે છે. રાતનો અંધકાર ધીરે ધીરે કમરાના ખૂણા સુધી વિસ્તરી રહ્યો હતો. હવે ટેબલ લેમ્પના વિસ્તાર સિવાયનો ભાગ અંધારાની ઝપટમાં આવી ચુક્યો હતો. અત્યારે શહેરમાં ફેલાયેલા અંધકારમાં ટેબલ ફાનસ એના માટે આશાની કિરણ સમાન હતો. એ જ પ્રકારે સ્વરા નામનું પાત્ર નવી કહાની માટે પ્રકાશિત દિશા બનતી લાગતી હતી.

*****