તુલસી ક્યારો - ભાગ ૧ સંપૂર્ણ Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુલસી ક્યારો - ભાગ ૧ સંપૂર્ણ

તુલસી-ક્યારો

ભાગ-૧

લેખકઃ ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.કોના પ્રારબ્ધનું

૨.જબરી બા

૩.ભદ્રા

૪.સસરો

૫.દેરાણી

૬.ભાસ્કર

૭.જુગલ-જીવન

૮.માણી આવ્યાં

૯.ભાસ્કરની શક્તિ

૧૦.લગ્નઃજૂનું અને નવું

૧૧.દેવુનો કાગળ

૧૨.નિર્વિકાર

૧૩.તુલસી કરમાયાં

૧૪.બારણાં ઉઘાડયાં

૧૫.’સુકાઈ ગયા છો!’

૧૬.સસરાને દીઠા

૧૭.સમાધાન

૧૮.પુત્રવધુની શોધમાં

૧૯.ડોળાયેલાં મન

૨૦.જગરબિલાડો

૨૧.કોણ કાવતરાખોર?

૨૨.જનતાને જોગમાયાં

૨૩.દિયરની દુઃખભાગી

૨૪.માતા સમી મધુર

૨૫.’હવે શું વાંધો છે?’

૨૬.અણધાર્યું પ્રયાણ

કોના પ્રારબ્ધનું?

સોમેશ્વર માસ્તરના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. સોમેશ્વર માસ્તરની પચીશેક વર્ષની ભત્રીજી યમુના ગાંડી હતી. ઘરથી થોડે દૂર નળની ટાંકી પાસે ઊંભી ઊંભી લાંબા હાથ કરીને રોષેભર્યા અસ્પષ્ટ શબ્દો કાઢતી કાઢતી, કોઈ મવાલી પણ જાહેરમાં ઉચ્ચારવા હિંમત ન કરી શકે તેવી અશ્લીલ ગાળો કોણ જાણે અંતરીક્ષમાં કોને ભાંડી રહી હતી.

પચાસ વરસના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા ને યમુનાને ફોસલાવા લાગ્યા; યમુના એ એને પણ અપશબ્દો કહ્યા. આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીરસુતે એક સોટી સાથે દોટાદોટ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડયા, ત્યારે પછી આડા હાથ દેતી, ચમકતી ને ડરતી યમુના રડતી રડતી ઘરની અંદર ચાલી ગઈ.

યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓરડીમાં પૂરીને પણ વીરસુત જયારે મારવા ને ત્રાડ દેવા લાગ્યો ત્યારે એક દસેક વર્ષનો છોકરો ત્યાં ઊંભો ઊંભો કહેતો હતો : ’બાફોઈ, બોલો મા, બા, ફોઈ,

(૨) ચુપ રહો તો બાપુ નહિ મારે.. બાપુજી, હવે બાફોઈને ના મારો, એ કશું બોલતાં નથી, હો બાપુજી !’

જબરી બા

તારી બા બહુ જબરૂં માણસ હતાં." દાદા દેવુને સાંજ સવાર એની બાના જબરાપણાનું સ્મરણ કરાવતા. પણ દેવુ એ ’જબરી’ શબ્દના આધારે બેવડીઆ ને ઊંંચા પડછંદ દેહવાળી કોઈક બાઈની કલ્પના કરતો. એવી બાના પુત્ર હોવું એને ગમતું નહિ.

’જબરી હતી તેમાં શું?’ દેવેન્દુ ચિડાઈને મોં બગાડતો.

’એણે જ મને હંમેશા કહાવ્યા કરેલું-’

’શું?’

’કે બાપુજી, કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનો રોટલો ખાતા હશું?’

’એટલે શું દાદાજી?’

’એટલે એમ કે આપણા ઘરમાં બાફોઈ યમુના ફોઈ છે. તારા બાપથી મોટેરા ભાઈ ગુજરી ગયા છે તેનાં વિધવા વહુ તારાં ભદ્રા ભાભુ છે. તેની નાની દીકરી અનસૂયાને બરડામાં હાડકું વધે છે. પછી બીજાં આપણાં ઘરમાં તારાં દાદીમા જે મરી ગયાં છે તેમના નાના ભાઈ એટલે

(૮) તારા બાપુના મામા જ્યેષ્ઠારામ મામા છે. એ બાપડા આંધળા છે. હવે એ બધાં આપણી સાથે રહે છે, પણ એ તો કશું કમાઈ લાવતાં નથી. કમાય છે તો એકલા તારા બાપ ને બીજું આવે છે મારૂં પંદર રૂપિયા પેન્શન. પણ તારા બાપને એ ભણીને આવ્યા કે તૂર્ત મોટી નોકરી શાથી મળી ગઈ હશે? જાણે છે? ના, હું યે જાણતો નથી. પણ બીજા તો કૈક તારા બાપની જોડેના રખડે છે. તો કોને ખબર છે કે આ આપણા ઘરનાં બધાંમાંથી કોના નસીબનું તારા બાપ નહિ રળતા હોય?’

’કહું દાદા ? કહું, મને ખબર છે, કહું ? એ... એ યમુના ફોઈના નસીબનું... ના, કહું દાદા, એ...એ જ્યેષ્ઠારામ મામાના નસીબનું. ના, ના, ના, રહો હું કહું, એ અનસૂયા બેનના... એ ના, ના, ના, દા દા ! તમે તો સમજો નહિ ને ? હવે ચોક્કસ ને ચોક્કસ કહી દઉં છું, હવે ફરવાનું નથી હે દાદા ! અ... એ.. કહું? બધા કરતાં બધાના નસીબનું.’

’બસ, તારી બા એમ જ કહેતાં.’

’મારી જબરી બા ને?’

’હા.’

’જબરી બા મને નથી ગમતી.’

’પણ મને એ બા બહુ ગમતી.’

’તમારી પણ બા ? લો......ઓ ! હો-હો ! હિ...હિ. દાદા તો છે ને કાંઈ? તમારી પણ બા ?’

’હા મારી પણ બા. મારા વીશ જ રૂપિયાના પગારમાંથી એ આખા કુટુંબનું ચલાવતી, ખબર છે?’

’ને પોતે જબરી હતી તોય શું ઓછું જમતી?’

(૯) ’અરે મહિનામાં દસ તો ઉપવાસો કરતી. આખું ચોમાસું તો એકટાણાં જ કરતી.’

’તો પછી જીવતી શી રીતે?’

’જીવતી ન રહી તે એ જ કારણે ને? એ આજ જીવતી હોત તો યમુના ફોઈને ગાંડાની ઈસ્પિતાલે તારા બાપને તો શું, તારા બાપના બાપને પણ ન લઈ જવા દેત. સિંહણ હતી એ તો.’

’ઓ બાપ ! જબરી અને પાછી સિંહણ?’

’તારા જેવી જ આંખો. બહુ દયાળુ હતી એ બા.’

’બા’ બોલની, ડોસાના કંઠના તાર પર કશીક ધ્રૂજારી ઊંઠી એવું દેવુને લાગ્યું. તેણે પડતી રાતની ભૂખરી પ્રભામાં ડોસાની આંખો પર દીઠાં - બે જળબિન્દુઓ.

દાદા અને દેવુ આથમતા દિવસના ગોધૂલિ-ટાણે ઘરની નાનકડી ડીમાં બેઠાબેઠા આમ એક મૂવેલા સ્વજનની વાતો કરતા હતા ત્યારે આઘેથી તેમણે કોઈકના બિભત્સ બૂમબરાડા સાંભળ્યા; પસાર થતા રાહદારીમાંથી કોઈકે કહ્યું કે, ’માસ્તર, તમારી જમનાને ઘરમાં લઈ લો.’

સોમેશ્વર માસ્તરે અને દેવુએ દોડાદોડ બહાર આવી આઘે ઉભેલી યમુનાને દેખી ધ્રાશકો અનુભવ્યો. એના શરીર પર પૂરાં કપડાં નહોતાં. એને આખે દેહે ચાલ્યા જતા લોહીના રેગડા ફાનસના અજવાળે રાતા તો ન દેખાયા પણ ભીના ને રેલાતા તો જણાયા.

’તેં-તેં-તેં-તારાં-તારાં છાજિયાં લઉં - તેં મને માર ખવરાવવા મોકલી’તી!’ એમ બોલતી યમુના સોમેશ્વર દાદાને મારવા દોડીઃ ’હં-અં. તારે મારી માયાનો ખજીનો લઈ લેવો છે. હં-અં. તારે

(૧૦) મને ત્યાં ઠાર રખાવવી હતી. હં-અં, મને બધીય ખબર છે-મારી માયા લેવી છે તારે-’

એને ફોસલાવવા જનાર સોમેશ્વર દાદાને એણે બે ચાર લપાટો ને ધુંબા મારી લીધા પછી દેવુ એની પાસે જઈને બોલ્યો : ’બાફોઈ, હશે બાફોઈ ! ચાલો ઘરમાં.’

ને ગોવાળ પાછળ ગાય ચાલી આવે એમ યમુના ફોઈ દેવુની પાસે ઘરમાં પ્રવેશ કરી ગઈ. ત્યાં જતાં જ એ પોતાની નગ્નતાના ભાને છુપાઈ ગઈ. કપડાં એની પાસે ફેંકવામાં આવ્યાં તે પહેરીને અત્યંત શરમાળ પગલે યમુના નાની અપંગ છોકરી અનસૂયા પાસે આવી. બેસીને રમાડવા લાગી. રમાડયા પછી એણે પોતાની જાણે જ રસોડામાં જઈ ઢેબરાંનો લોટ બાંધી ઢેબરાં વણવા માંડયાં. જાણે એને કશો ય રોગ નહોતો.

દેવુ રસોઈ કરતી યમુનાની પાસે જઈ બેઠો ને પૂછવા લાગ્યોઃ ’બાફોઈ, કોઈએ માર્યાં હતાં ત્યાં તમને?’

’બા મારે.’

’કોણ મારે?’

’બધાય-ખાવા ન દ્યે.’

’શા માટે બાફોઈ? તમે કાંઈ તોફાન કર્યું હતું?’

’દેવને જોવો છે : અન્સુને જોવી છે : નથી ગમતું : અન્સુને અડવી છે : મારી-મારી-મારી-’

એમ કહેતી યમુના રડી પડી.

એના ત્રુટક ત્રુટક વાક્યોનો સળંગ અર્થ દેવુ સમજી શક્યો.

(૧૧) યમુના ફોઈને દેવુ ને અનસૂયા બહુ વહાલાં હતાં. તેને મળવાનું વેન લીધું હશે તેથી માર-પીટ કરી હશે ઈસ્પિતાલવાળાઓએ.

’હેં દાદા !’ દેવુ ગરમ પાણીના તપેલા જેવો ઊંકળતો ને ખદખદતો સોમેશ્વર માસ્તર પાસે ગયોઃ ’હેં દાદાજી, એ ઈસ્પિતાલમાં શું ગાંડાંને લગાવે છે?’ ’લગાવે’ એ શબ્દ એ રૂવાબથી બોલ્યો.

’હા ભાઈ, બહુ માર મારે.’

’તો પછી તમે મને પહેલેથી કહ્યું કેમ નહિ? આપણે બાફોઈને ત્યાં મોકલત જ શા માટે?’

’ભાઈ, તારા બાપુની ઈચ્છા એને મૂકી આવવાની હતી.’

’પણ તમારે મને તો કહેવું હતું ને ! મને એવી શી ખબર કે નિશાળોમાંય મારતા હોય છે તેવું મંદિરોમાં ય મારતા હોય છે ને તેવું ઈસ્પિતાલોમાં ય મારતા હોય છે ! મને આવી શી ખબર ! તમારે મને કહેવું તો હતું દાદાજી !’

દેવુના આ બધા બોલ બળબળતા હૃદયના હતા છતાં હસવું જ ઉપજાવી રહ્યાં હતા. દેવુ પોતાની જાતને જે મહત્ત્વ-મોટાઈ આપી રહ્યો હતો તે ભારી રમૂજી હતી.

’તો હવે શું કરશું દેવ? લે હવેથી તને પૂછીને જ પાણી પીવું, પછી છે કાંઈ?’

’કરવું શું બીજું ! બાફોઈને ક્યાંય નથી મોકલવાં. આંહીં જ રાખીશું. હું ખરૂં કહું છું દાદાજી, તમે ખરૂં જ માનજો હો દાદાજી. કે કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનું ખાતા પીતા હશું ! હું ખરૂં જ કહું છું.’

(૧૨) ’ચાલ ચાલ હવે પાજી, એ તો મેં જ તને કહ્યું હતું.’

’તેની હું ક્યાં ના કહું છું? હું પણ તે જ કહું છું ને ! હું કહું છું તે જ તમે કહો છો. તમે મને જે કહ્યું છે તે જ હું તમને કહું છુ ને !’

છોકરો આમ બોલવામાં કશું જ પાજીપણું નહોતો કરતો તેની તો દાદાને ખાતરી હતી. પણ ભોળો છોકરો એવી ભ્રમણામાં પડયો હતો કે પોતે જ કેમ જાણે આ નવીન સત્ય શોધી કાઢ્‌યું હોય ! દેવુની દાનત દાદાએ કહેલા સત્યને તફડાવી કાઢીને પોતાના ડહાપણરૂપે બરાડા મારવાની નહોતી, પણ દાદાના એ વાક્યે દેવુમાં એટલું તાદાત્મ્ય કરી નાખ્યું હતું કે એ વાક્ય દાદાએ કહ્યું છે એની જ દેવુને આત્મવિસ્મૃતિ થઈ હતી. પોતાની જ એ સ્વતંત્ર માન્યતા બની ગઈ હતી. આ માન્યતાએ દેવુને રંગી નાખ્યો હતો. એપૂરૂં સમજ્યા વિના જ માનતો થઈ ગયો હતો કે "કોને ખબર કોના પ્રારબ્ધનું ખાતા હશું."

ભદ્રા

આ છોકરાની દ્વારા એની માતા જ ફરીથી બોલતી લાગે છે." એવા એક મનોદ્‌ગાર સાથે ડોસા પોતાના આંગણાની કૂઈ પર નહાવા ગયા; દેવુ પણ સાથે નહાવામાં શામિલ થયો. નહાતાં નહાતાં ઠંડીનું ભાન ભુલાવી દેતા શ્લોકોનું રટણ ચાલતું હતું. દાદાના કંઠમાં હિન્દની તમામ જીવનદાત્રી નદીઓનાં એક પછી એક નામો છંદધારે વહેતાં હતાં. નાનો દેવુ એ શ્લોક-રટણમાં પોતાના કિશોર કંઠનો પંચમ સૂર મિલાવીને ઠંડી ઉરાડાતો હતો. સંગીતનો આસવ ગળામાં ઘૂંટાતો હતો, સાથોસાથ પોતે અનાયાસે ભૂગોળ પણ ભણતો હતો. દાદાની ડોલમાંથી પોતાનાં મસ્તક પર રેડાંતા એ ઘર આંગણની કૂઈનાં નીરને ને આ રાષ્ટ્રવ્યાપી નદનદીઓનાં જળને કોઈક પ્રાણસંબંધ છે, કોઈક રહસ્યમય મિલનભોમ છે, કશીક ગુપ્ત એકાત્મતા છે, તેવા ધ્વનિ એના મગજમાં ઘૂમતા.

ઘરમાં હજુ દીવો નહોતો થયો. રસોડામાં બળતો ચૂલાનો તાપ બાજુના ઓરડામાં જ થોડું ઘણું અજવાળું ફેંકતો હતો તેનાથી સંતોષ માનતાં વિધવા ભદ્રા વહુ અનસૂયાના બરડામાં થતી વેદના પર હાથ પસારતાં એક પ્રભુપદ ગાન ગાઈ અનસૂના કાન વાટે વ્યાધિશમનની એ દિવ્ય દવા રેડતાં હતાં.

(૧૪) ને પાછલી પરશાળે સોમેશ્વર માસ્તરના સાળા એટલે કે પ્રો. વીરસુતના આંધળા મામા જ્યેષ્ઠરામ હાથના હળવા હળવા તાળોટા પાડીને ’રઘુપતિ રામ રૂદેમાં રે’જો રે’ એ પદ ગાતા હતા. એમ કરવામાં કોઈને પ્રકાશની જરૂર નહોતી.

પહેલો દીવો હમેશાં ઘરમાં તુલસીના રોપ પાસે જ પેટાતો. સોમેશ્વર માસ્તર અથવા દેવુ જ સાંજનું સ્નાન કરીને પછી એ પેટાવતા. આજે જરા અસૂર થયું હતું તે તો યમુનાના આવવાને કારણે. પરંતુ ઘરમાં યમુનાના માર ખાઈને ભાગી આવવાથી કશો જ મોટો અકસ્માત બન્યો નહોતો. કોઈને ન લાગ્યું કે નવી કશી મૂંઝવણ આવી પડી છે. નાનાં મોટાં સૌ પોતપોતાનાં ઠરેલા કામકાજમાં મગ્ન હતાં. મોટા ફળીની બે ચાર પાડોશણો કુતૂહલવૃત્તિને દબાવી ન શકાયાથી ક્યારની આંટો મારી ગઈ હતી. એમને તમામને વિધવા ભદ્રાએ મીઠો પણ ટૂંકો જવાબ વાળી દીધો હતો કે, સારૂં થયું કે યમુનાબેન હેમખેમ પાછાં ઘેર આવ્યાં. મને તો નિરાંત વળી ગઈ. મારૂં તો કાળજું ફફડી હાલતું.’

’પણ ત્યારે મૂઈ’ ફળીની પડોશણ કહેતી, ’તમારે જ આવડી બધી શી પડી છે જમનીની? એની બેન્યુંને ત્યાં મોકલી દોને.’

’મારા સસરા ના પાડે છે.’

’સોમેશર ભઈજીને તો પારકી પળોજણ કરવાના હેવા જ છે બાઈ!’ સરસ્વતી ડોસીએ કહ્યું.

’ના મા, સંજ્યાટાણું છે. મારા સસરાનું વાંકું લગીરે બોલતાં ના, તમારે હાથે પગે લાગું શરશતી બૈજી !’ એમ હસતે મોંયે બોલતી બોલતી વિધવા ભદ્રા પાડોશણનો પગ પકડી લઈને ચુપકિદી પળાવી શકેલી.

(૧૫) ’મારી શોગાન, થોડી વાર ઊંભાં રે’જો હો શરશતી બૈજી !’ એમ બોલતી વિધવા ભદ્રા ઘરમાં દોડી જઈ, મગજની એક લાડુડી લાવીને એમને દેતી દેતી બોલી : ’લો, ઝટ તમારી વસુને ખવરાવો. હું તો મૂઈ હૈયાફૂટી, તે વીશરી જ જાત. પણ મારા સસરાએ સવારે ખરાવી ખરાવીને કીધેલું કે ’વહુ, શરશતી ભાભીની વસુને ચોકસ દેજો હોંકે?’

સસરાની નિંદાને નાનકડી એક લાડુડીથી દબાવરાવી લેવાની ફોગટ આશા સેવતી વિધવા ભદ્રા તે વખતે તો "શરશતી બૈજી"ને વળામણાં દઈ દેતી, પણ કૂતરાની પૂછડી જેવી શરશતી બૈજીની જીભ વળતા દિવસના પ્રભાતે જ પાછા વાંકાં વેણ લઈને હાજર થતી. અરે પોતાની વસુને લાડુડી ખવરાવતાં ખવરાવતાં પણ એ બોલતાં કે ’ગાંડીને અમસ્થી કંઈ નથી સાચવી. એના દરદાગીના દબાવેલા છે. હં-અં માડી !’

સવાર પડતું ત્યાં પાછાં એ જ સરસ્વતી ડોશી અર્ધો પૈસો લાવીને સોમેશ્વર માસ્તરને આપતાં : ’લ્યો ભૈ ! શાક લેતા આવજો. જોડે બે તીરખી કોથમરીની ય લવજો હો ભૈ ! અને એકાદ મરચું ય લાવજો.’

ફળી મોટું હતું. ઘણીખરી વિધવાઓ રહેતી. ઘણીખરી સાસરિયામાંથી રૂખ્સદ પામેલી હોઈ કાલાં ફોલીને નભતી. તે બધીને શાકપાંદડું લાવી દેનાર સોમશ્વર જ હતા. અને સરસ્વતી ડોશીની હંમેશની ફરિયાદ હતી કે સોમેશ્વર રોયો પોતાના ઘરનું શાક તો પરબારૂં અમારામાંથી જ કાધતો હશે!

આવા કચવાટની સોમેશ્વર માસ્તરને ખબર હતી, પણ પોતે એનું દુઃખ રાખતા નહોતા. કેમ કે એને લાગ્યા જ કરતું હતું કે, કોણ જાણે આ ફળીવાળાંમાંથી જ કોઈકના નસીબનું આપણે ખાતા હશું તો !’

(૧૬) આમ સોમેશ્વર માસ્તરના સંસારનું ગાડું ચાલ્યા કરતું. ભાણા ખડખડ ઘરમાં બિલકુલ નહોતી થતી એમ પણ નહિ. ગાંડી યમુના અને પાછલી પરશાળે બેસી રહેતા મામા, એ બેઉ વચ્ચે ઘણીવાર ચકમક ઝરતો ત્યારે મામા કહી નાખતા કે ’આવી છે મારાં ભાણેજડાંનો જીવ લેવા, તે ભરખી કરીને જ જશે.’

અર્ધ સમજમાં ને અર્ધ બેભાનમાં યમુના પણ ઘર ગજાવી મૂકતી કે ’મારી મૂડીમાયા લઈ લેવા સૌ ભેગાં થયાં છો કાં ને? હું તો નાગણી છું નાગણી !’ ને પછી બિભત્સ ગાળો.

વિધવા વહુ ભદ્રા ઉપર વારંવાર એક જુદી જ ફરજ આવી પડતી. અમદાવાદ રહેતા પ્રો. વીરસુતનાં નવાં પત્નીને જ્યારે જ્યારે થોડી કે ઝાઝી માંદગી થઈ આવતી ત્યારે તાબડતોબ ભદ્રા ભાભીને મોકલવાનો તાર પિતા પર પહોંચતો. સોમેશ્વર માસ્તર ઘણું ય લખતા કે ભાઈ, નવી વહુને આંહી મોકલ, તો એમનું સચવાય તે સાથે સૌનું સચવાય. આ ગાંડીનું કાંઈ ઠેકાણું નહિ; રોટલા કરી આપે કે ન કરી આપે. મોટી વહુ વગર મુશ્કેલી પડેઃ મને તો કાંઈ નથી. હું તો હાથે રાંધી લઉં, પણ ઘરની સાચવણ વીંખાઈ જાય છે, નવી વહુ આંહી આવીને રહે તો હું ચીવટ રાખીને દવા કરાવી શકું, તેમ એને ઘરકામ કરવાનો થોડો વ્યાયામ પણ મળે. ઘર એનું છે, એટલે પોતે ઘરની સાચવણ પણ કરતાં થાય.

પણ વીરસુત જવાબ વાળતો કે ’મારે નવીને પણ ત્યાં મૂકીને સંસ્કારહીન નથી બનાવવી. મારે એને એ ઘરની ધૂળ ઝાડવા-ઝાપટવાનું ભળાવવું નથી. એકને ગુમાવી છે તે ઘણું બધું છે. માટે મોકલવવાં હોય તો ભદ્રાને મોકલજો, નહિતર ઈસ્પિતાલે જ મૂકીશ.’

પિતા લખતા કે ’મારો જીવ સહેજ સંકોડાય છે, કેમ કે ભદ્રા

(૧૭) આખરે તો વિધવા છે. આંહી પગ ઢાંકીને બેસી રહી શકે, ત્યાં મોકળા સંસારમાં એના જીવનો મેળ ન મળે. વગેરે વગેરે.’

પુત્રનો ફળફળતો ઉત્તર આવતો :

’ફિકર રાખશો મા, હું નહિ એને પુનર્લગ્ન કરાવી દઉં. એ બ્હીક હોય તો ન મોકલતા.’

આખરે તો ભદ્રાને જ બે વાર જવું પડેલું. બે વાર જવાનું ખાસ કારણ એ હતું કે નવી વહુને ઉપરાઉપરી બે કસુવાવઓ થઈ હતી.

ત્રીજી વાર ભદ્રાને જવાનું તેડું આવ્યું ત્યારે લખ્યું હતું કે ’અનસુ માંદીને ત્યાં જો રાખી શકાય તો રાખીને એકલાં જ મોકલવાં. ભદ્રાના હાથ બે માંદાંની માવજત કરી શકે નહિ. ઊંલટાનું બન્નેનું બગડે.’

સસરો

પ્રોફેસર પુત્રના આ કાગળની વાત ઘરમાં કોઈને કર્યા વગર માસ્તર સાહેબે ચુપચાપ માંદી અનસુને પોતાની સાથે હેળવવા માંડી. બધાંજ છોકરાં દાળીઆ રેવડી જેવા ખાદ્ય પદાર્થથી જ રીઝી જાય છે એ વાત માંદલી અનસુએ ખોટી પાડી. દાદાજી પાસેથી ખાઉ ખાઉ લઈ કરીને એ પાછી માની સોડમાં જ ભરાઈ બેસતી. દાદાને મૂંઝવણ થતી હતી કે માથી દીકરીને નોખી પાડવાનો કયો કીમિયો કરવો? ધીરે ધીરે એને યાદ આવ્યું. બહુ જ નાનેથી મા વગરના થયેલા દેવુને તો દાદા સાથે પ્રીત બંધાતાં મુશ્કેલી નહોતી પડી, પણ પોતાના જ પુત્ર વીરસુતની બાલ્યાવસ્થા એને યાદ આવી. પોતે ’રાધે ગોવીંદ રાધે, શેરા પૂરી ખાધે !’ ગાતા, તાળોટા વગાડતા, વીરસુતની સન્મુખ નાચતા ને કુદતા હતા. અનસુ પાસે પણ એણે નાચ ગાન અને તાળોટા આદર્યા. મિઠાઈએ ન કરેલું કામ નૃત્યગીતે કર્યું. અનસુ માંદી માંદી પણ દાદાની સાથે નાચતી ને ગાતી થઈ, દાદાની સાથે જ સુવા લાગી. દાદા અનસુના સંપુર્ણ કેદી બન્યા તે પછી જ તેણે ભદ્રા વહુને પોતની પાસે બોલાવી મગાવ્યાં. બારણાની સ્હેજ આડશ લઈને ભદ્રા ઊંભી રહી. સસરાની આંખો ભદ્રાને ભાળતી ત્યારે ત્યારે અચુક

(૧૯) હમેંશા એક જ ઠેકાણે ચોંટી રહેતી. આજે પણ એ આંખો ત્યાં જ ચોંટી-ભદ્રાના માથા ઉપર. ત્યાં એ આંખોને શું જોવાનું હતું?

મુંડાએલા માથા પરના નવા ઉગેલા કેશના સફેદ ઓઢણાની આરપાર અણીઓ કાઢતા હતા તેને જાણે કે સસરાની આંખો ગણતી હતી. એ કણીઓ સસરાની આંખોમાં ઘોંચાતી હતી. પુત્રવધુના વૈધવ્યનો વધુમાં વધુ કરૂણ એને એ કેશવિહોણો વેશ લાગતો હતો. તે સિવાય પોતે તપાસ લેતા ને સંતોષ પામતા કે વહુનો દેહ દૂબળો નથી પડયો : ને વહુના થોડા થોડા દેખાતાં હાથનાં આંગળાં એમને ખાત્રી કરાવતાં કે ભદ્રાને નખમાંય રોગ નથી.

એમણે વાત ઉચ્ચારી :-

’જુઓ છો ને, છોકરાં સાચવી જાણું છું કે નહિ હેં બેટા ! જુવો, અનસુને મેં તમારી આગળથી પડાવી લીધી છે ને?’

જવાબમાં ભદ્રા ઘૂમટાની આડશે મંદ મંદ હસતી હસતી, એ ઘૂમટામાં છુપાએલા પોતાના ચહેરા સામે તાકી ઊંભેલા દેવુને કહેતી હતી-

’દેવ ! દાદાજીને કહે કે તમે એકલા સસરા જ ક્યાં છો ? તમે તો સાક્ષાત સાસુજી પણ છો ને ! અનસુને મારો હેડો છૂટ્‌યો એટલે હું તો શાંતિ પામી છું.’

તો પછી બચ્ચા, થોડા દિ’ નાનુભાઈને ત્યાં એકલાં અમદાવાદ જઈ આવશો ? નાની વહુ બિચારી મુંઝાતી લાગે છે. ભાઈનો તો કાગળ આવેલ કે ચિંતા કરશો મા, પણ મારો જીવ કેમ રહે ? હું

(૨૦) પંડે જ જાઉં એમ થયું, પણ મારા જવાથી વહુને શી સહાય મળે ? એ કરતાં તો તમે જ જઈ આવો.’ ભદ્રાએ કશો ઉત્તર ન આપ્યો. દેવ તો ભદ્રા બાના ચહેરા સામે જ જોઈ રહેલો હતો. ભદ્રાની આંખોમાં સ્હેજ ચમકાટ ને ગાલો પર લાલ લાલ થોડો ધગધગાટ એણે જોયો ખરો, પણ એવા રંગભાવોનો અર્થ સમજવા જેટલી ઉમ્મરે હજુ દેવુ નહોતો પહોંચ્યો.

’તમને તમારી મરજી વિરૂદ્ધ મારે લેશમાત્ર નથી મોકલવાં હો કે! વળી પાછાં કહેશો કે કીધું નહિ!’ ડોસા ગર્વિષ્ઠ અવાજે બોલ્યા. વિધવા પુત્રવધુની માનસિક સ્વતંત્રતાનું પાલન કરવાનો પોરસ એ અવાજમાં રણકી રહ્યો.

’દાદાજી કહેતા હોય તો મને શો વાંધો છે?’

ભદ્રાએ દેવુને આમ કહ્યું ત્યારે એના બોલમાં યે આવો સન્માનદાયક સસરો હોવાનો પોરસ ગુંજ્યો.

’ના, એમ ન બોલો બચ્ચા. તમને ન ગમે ત્યારે સાઈ ઝાટકીને ના પાડી દેવાની તમને છૂટ છે. મારે કાંઈ તમે વધારાના નથી. ન જવાનું કાંઈ ખાસ કારણ હોય તો કહો તમ તમારે. બેલાશક કહો. હા, બેલાશક !"

ડોસાના મોંમાં જ્યારે ’બેલાશક’ શબ્દ બોલાતો ત્યારે એની ડોક ઘૂમતા પારેવાની જેમ ફૂલાતી.

’કહેને દેવ, મારૂં મન હોય ન હોય એવો તો વિચાર જ દાદાજીએ નથી કરવાનો. મારૂં તો મન જ છે, જે દાદાજી કહે તે કરવાનું.’

’તો જઈ આવો દીકરા, પણ આમ જોવો, એક શર્તે. ઘરની દરદાગીનાની પેટીઓની ચાવી હું આંહી નથી સાચવવાનો. એ જોખમ

(૨૧) મારી કેડયે ન રહે. માથાક્ટ કરાવવી નહિ આ વખતે. બધી જ ચાવીઓ ભેગાં લઈને જાવું હોય તો જાઓ. ને ઘી ગોળ ખાંડ પણ એકાદ મહિનો હાલે એટલાં કાઢી દઈને બાકીનાંને કબાટમાં મૂકી ચાવી સાથે લેતા જાવ. મારાથી એ બધી પંચાતમાં નહિ પહોંચાય. પોતાનું છે તેની સાચવણ પોતે જ રાખવી પડશે. ચાવીઓનો જૂડો મારાથી નહિ વેઠાય. હા, સાથે લઈને જાઓ, બેલાશક !’

દાદાને બોલે બોલે ભદ્રાબાના મુખ ઉપર ઊંર્મિઓનાં જે મંડલો પુરાતાં હતાં, ભાવનાનાં કણેકણની જે ઢગલીઓ પડતી હતી, તેનું તો દેવુને એ ટાણે જંગી કોઈ પ્રદર્શન સાંપડી ગયું હતું. એની ડોક ઊંંચે જોઈ જોઈ દુઃખવા આવી હતી તો પણ એની જીજ્જ્ઞાસા ખૂટતી નહોતી.

ભદ્રાના રંડવાળ ચહેરા ઉપર ભાવોની ભરતી આવજા કરતી હતી. તેનું એક કારણ હતું. ત્રણેક વર્ષો પર ન્યુમોનીઆએ એકાએક સમળી ઝડપે તેમ ઝડપી લીધેલા સ્વામીની સાથે એનો મેળ બહુ મધુર હતો. સ્વામીની હયાતીમાં જે પ્રેમ અને સન્માન એ આ ઘરમાં પામી હતી તે કરતાં તો અદકેરાં સન્માન સસરાએ એને માટે કુટુંબમાં જમાવી દીધાં હતાં. ઘરેણાં તો માસ્તર સાહેબના ઘરમાં અલ્પ હતાં, પોતાના લગ્નટાણાનાં દાગીના જ વારંવાર ભંગાવી તેના રૂપાંતરમાંથી જ એમણે બે દીકરાનાં લગ્ન કર્યાં હતાં. તેમાં દેવુની બાએ ઘર ખર્ચમાં કોશીર (કરકસર) કરી કરી સસરાની આમદનીમાંથી જે બચત નીચોવેલી તેનું પણ થોડું સોનું રૂપું ઉમેરાયું હતું. દેવુની બાના પિયરના થોડા દરદાગીના તેમજ આણાંના વસ્ત્રોની જુદી પેટી રાખી હતી તેને તો માસ્તર સાહેબે વીરસૂતનો સ્પર્શ સુદ્ધાં થવા દીધો નહોતો, છતાં તે પેટીની ચાવી એમણે ભળાવી હતી ભદ્રા વહુને. ભળાવતી વેળા ભદ્રાની આનાકાનીની એમણે આ શબ્દોમાં ખબર લીધી હતી કે-

(૨૨) "બેલાશક, તમારે જ ચાવી સાચવવી પડશે. ના કહેવા જેટલું અભિમાન ક્યાંથી કાઢ્‌યું ? દેવુ શું તમારો નથી ? દેવુનું છે તે શું તમારે લૂંટાવાને પીંખાવા દેવું છે!"

’પણ એમાંથી કાંઈ હેરફેર થાય તો-’

’એ પેટી કોક દિવસ ખાલીખમ માલૂમ પડશે તો પણ મારે કબૂલ છે. ચાવી તો તમારે જ સાચવવાની છે; બેલાશક તમારે.’

તે પછી સસરાની ને વિધવા પુત્રવધુનીની ખરી કસોટી તો વીરસુતના બીજા લગ્ન પછી થઈ હતી. લગ્ન તો પોતે અમદાવાદમાં જ પતાવ્યાં હતાં, પણ તે પછી એકાદ બે વાર એ નવી નવી પત્ની કંચનને લઈને પિતાને ઘેર આવ્યો હતો.

ચાવીઓનો પ્રશ્ન તે વખતે ઊંગ્ર બન્યો હતો. પોતે કુટુંબનો એકનો એક રળનાર છતાં ઘરની ચાવીઓ પોતાની પત્નીને ન મળી શકે, નાની મોટી પ્રત્યેક ચીજ માટે વિધવા ભદ્રાભાભીને જ વિનંતિ કરવી પડે, એ વાત અસહ્ય હતી. એમાં વીરસુત પોતાનું ને પોતાનાં નવાં સુશિક્ષિત પત્નીનું અપમાન માનતો હતો. ખરેખર અવિશ્વાસ સમું કોઈ બીજું અપમાન નથી. પણ વરવધુ બન્ને આવા કોઈ અસંતોષે ધુંધવાતા હતાં તેની ભદ્રાને તો સરત જ નહોતી રહી. એ તો ઊંલટાની દેર દેરાણી ધેર આવ્યા બાદ બે ચાર જ દહાડે સસરાની પાસે કમાડની અરધ આડશે હાથ જોડયા જેવા કરીને ઊંભી ઊંભી દેવુની મારફત પરવાનગી માગતી હતી કે દે’વ, દાદાજીને કહે, જો મારા પર ક્રોધ ન કરે તો એક વાત માગવા આવી છું.’

’વાહવા ! મઝાની વાત.’ દાદાજીએ હાંસી કરી : ’ હું પણ ઘરમાં વાઘ દીપડો જ છું ખરોને, ઓટલે બેઠો બેઠો કેમ જાણે સૌના ઉપર ઘે-ઘે-ઘે-ઘે જ કરતો હોઉં ! હું જ તમને પૂછું છું બાપ ! કે ક્યે દહાડે મેં તમારા પર ક્રોધ કર્યો છે?’

(૨૩) ’દેવ, દાદાજીને કહે, એવું કેમ પૂછો છો?’

’બેલાશક પૂછું છું વળી. બેલાશક ! નહિતર તો પછી સીધું પૂછતાં શું ભાલાં વાગે છે?’

’તો કંચનગૌરીને મારે દાગીના પહેરાવવા છે.’

’કોના તમારા? ખબરદાર...’

’ના, મારા તો જુનવાણી ઘાટના છે. એમના ગળામાં નહિ ઓપે.’

’ત્યારે શું દેવુની બાના ?’

’હા જ તો.’

’દેવની વહુ સિવાય કોઈથી એ પહેરાય કે?’

દાદાના આ એકદમ અજાણ્‌યા બોલથી ચમકેલો દેવુ ભદ્રાબાની સામે જોતો જોતો એવો તો ખસીઆણો પડેલો કે તે પછી જ્યારે જ્યારે દાદાજી જોડે ભદ્રાબાને વાતો કરાવવી હોય ત્યારે ત્યારે એ પહેલાં જ શર્ત ભદ્રાબા સાથે એ કરતો કે ’વહુ ફહુ વાળું કશું ન બોલો તો હું આવું.’

ભદ્રાએ તૂર્ત જ સસરાને દબાવ્યા : ’પણ કંચન ગૌરી દેવની બા જ છે ને!’

’છે છે, હું ક્યાં ના કહું છું? પણ-પણ-એમ કાંઈ...’

ચતુર સસરો તે દિવસ ગેંગેં ફેંફેં થઈ ગએલો. કારણ કે પોતાને આવતી વહુ પ્રત્યે છૂપો કશોક અણગમો છે એવો એને પોતાના અંતઃકરણ માટે અંદેશો પડેલો. એને બ્હીક જ લાગી ગયેલી કે આ વાત જો ક્યાંક

(૨૪) કંચનગૌરીને કાને જશે તો અત્યારથી જ ઝેરી ઝાડનાં મૂળ ઘાલી જશે. એણે તૂર્ત જ ભદ્રાને કહ્યું : ’ તો પછી એમાં પૂછવાની શું વાટ જોતાં હતાં ? તમે સ્વતંત્ર છો, તમારી બાબતનાં તમે કુલમુખત્યાર છો. બેલાશક પહેરવા આપો. બેલાશક.’

જ્યારે ભદ્રાએ દેવનાં મુવેલાં બાની પેતી ઉઘાડી, તેમાંથી નાની મોટી દાબડીઓ ખુલ્લી કરી, દેરાણી કંચનને એ ઓરડામાં બોલાવ્યાં ને કહ્યું કે ’બેસો, દેવને એની અડવી બા ગમતી નથી. આજથી બાને શણગારવી છે, બેસો જોઉં!’

પણ એ ઝીણા મોટા દાગીના ભદ્રાના હાથમાં ઠઠ્‌યા રહ્યા, દાબડીઓ ઉઘડતી હતી તે બંધ કરવાનું ય ભાન ભુલાયું, ભદ્રાને દેવ ત્યાં ને ત્યાંજ થીજી ગયાં, ચિત્રામણમાં આલેખાઈ ગયાં. કેમ કે કંચન ગૌરી આટલું જ બોલીને ચાલતાં થયાં હતાં -

’મારૂં આ ઘરમાં શું છે? મારે દાન નથી લેવું. અડવી લાગીશ તો મઢાવશે જેને દાઝશે તે.’

આ તો એક આગલો પ્રસંગ અમને યાદ આવી ગયો એટલે કહી દીધો. મૂળ મુદ્દો તો ભદ્રાને અમદાવાદ મોકલવાની સસરાની આવડતનો હતો.

દેરાણી

બે ત્રણ વખત દાદા અનસુને લઈને એક બે રાત બહાર ગામ પણ જઈ આવ્યા. અનસૂયા દાદા સાત્જે અને દેવ સાથે એકરસ થઈ ગઈ, ત્યારે દાદાએ ભદ્રા વહુને બોલાવી કહ્યું ; ’ મને તો આ ઈંતડી જેવી વળગી છે. મારૂં તો લોહી પી જાય છે.’

’તો અમારૂં કેટલું પીતી હશે?’

’તો હવે મારૂં જ ભલે પીવે ને તમે અમદાવાદ એકલાં આંટો મારી આવો દીકરા.’

અનસુને છોડીને અમદાવાદ જતાં ભદ્રાને ઝાઝી વ્યાકુલતા નડી નહિ. અને દેવે જઈ અમદાવાદની ટિકિટ કઢાવી આપી. દાદા અનસુને લઈને નાચ કરતા ઘેરે રહ્યા.

’તું યે હાલને દેવ?’ ભદાબાએ દેવુની સામે દૃષ્ટિ કરી તેમાં એક મા સિવાય બીજું કોઈ ન સમજી શકે તેવો, બાળકની એકલતા અનુભવતો ભાવ હતો.

’ત્યાં આવીને શું કરૂં?’ દેવ પ્લેટફોર્મ પર જોડાની એડી દબાવીને લસરકો લઈ બીજી બાજુ ફરી ગયો.

ચ૨૬) ’કાં તારા બા જોડે જરી જીવ તો મેળવતો થા.’ દેવ વળી પાછો ફૂદડી ફરી ફરીને મોં સ્ટેશન બાજુ કરી ગયો ને બોલ્યો, ’એ તેડાવે તો ને?’ ’માવતરના તેડાની તે વાટ જોવાય ગાંડા? સામેથી જઈને ખોળામાં પડીએ ને?’

’એક વાર ગયેલો, પણ...’

’પણ શું?’

’એમને ગમતું નો’તું’

’એમને એટલે કોને?’

’મારા બાપુને.’

હવે તો દેવ બૂટની એડી ઉપર ફૂદડી ફરતો હતો તે નકામું હતું. જવાબો જ એના રૂંધાતાં કંઠની જાણ દેતા હતા.

’મને જવા દે. હું એમને કહીને તને તેડવાનો તરત જ તાર કરાવીશ. કરાવ્યે જ રહું. જાણછ ગાંડા ? એમ તો એકબીજાના જીવ જુદા પડી જાય.’

ગાડીની વ્હીસલ વાગી. ભદ્રાબાએ ભલામણ દીધી : ’અનસુને સાચવજે હો ભૈલા ! એ એના પગમાં સાંકળ છે તે ક્યાંય એકલી રઝળવા જવા દેતો નહિ. ને બાફોઈનાં લૂગડાંને રસોઈ કરતાં કરતાં ક્યાંય ઝાળ ન લાગે તેની સરત રાખજે હો ભૈલા ! ને દાદાજીની પૂજાનો પૂજાપો રોજ તૈયાર કરવાનું ના ભૂલીશ હો ભૈલા ! ને મોટા મામા ને બાફોઈ લડે નહિ તે જોજે હો ભૈલા !’

(૨૭) ગાડી યાર્ડની બહાર નીકળી ગઈ ત્યાં સુધી રાડો પાડી પાડીને ભલામણો કર્યે જતું ભદ્રાબાનું મોં બીજા ઉતારૂઓને તમજ પ્લેટફોર્મ પરનાં માણસોને પણ જોવા જેવું લાગ્યું. મુંડન કરાવેલી એ મુખાકૃતિ એના હજુ ય ન કરમાએલા યૌવનની ચાડી ખાતી હતી.

નાની અનસુ આખી વાટે યાદ આવતી હતી, પોતે જ પોતાના દિલને ઠપકો દેતી આવતી હતી, ને એટલેથી દિલ દબાતું નહોતું તેથી સાથેની સ્ત્રીઓ જોડે પણ મોટે સાદે વાતો કરી કરી મનનએ શરમાવતી હતીઃ ’સાચું કે’જો બા, છોકરીને ફૂલ પેઠે સાચવનાર સાસરો ઘેર બેઠો હોય પછી વળી મનને વળગણ શાની? છોકરી છોકરી કરી ક્યાંક લગી મરી રે’વું ! એવો અભાગીઓ જીવ તે શા ખપનો ! દૈવ જાણે, ઓંચીતા ક્યાંક જમનું તેડું આવે તો બહુ હેળવેલી છોકરીને કેવી વપત્ય પડે!’

અમદાવાદ સ્ટેશને સાંજના ચાર વાગે જ્યારે ગાડી પહોંચી ત્યારે એણે તો માનેલું કે હરવખતની માફક પ્રોફેસર દિયરના ઘરનો હિસાબ કિતાબ રાખનારો ને માલ થાલ લઈ આવનારો મહેતો જ તેડવા આવેલો હશે. તેને બદલે તો પ્લેટફોર્મ પરથી એક વાદળી રંગની સોનેરી કોર વાળી સાડી પહેરેલી, અને તે ઉપર ચડાવેલા સ્વેટરના ખિસ્સામાં હાથ નાખી ઉભેલી એક સ્ત્રીએ હાથ ઊંંચો કર્યો. ભદ્રાએ એને થોડી મહેનતે જ ઓળખી. એ તો દેરાણી કંચનગૌરી જ છે ને શું !

હૈયામાં ઉમળકો આવ્યો.

આખા દિવસનું તલખેલું હૈયું પોતાની દેરાણીની ખુદની હાજરી જોઈ પ્રફુલ્લિત બન્યું.

પોતે જલદી જલદી નીચે ઊંતરીને નાની ટ્રંક પણ ખેંચી લીધી.

(૨૮) ’તમે રહેવા દો. આ મજૂર છે ને.’ કંચનગૌરીએ કહ્યું.

’ના રે ના, શો ભાર છે? હું ક્યાં દુબળી પડી જાઉં છું!’

’ચાલો ત્યારે.’ કંચનગૌરી આગળ ચાલી. એનાં ચંપલ સ્ટેશનના પ્લેટફોર્મના પથ્થરો સાથે ચટાકા કર્યે જતાં હતાં. એના હાથ બન્ને ગજવામાં હતાં. માથેથી સરીને ખભે પડેલી મથરાવટીની સોનેરી કોર, સ્વેટરના કોલર ઉપર સરસ લાગતી હતી.

પાછળ પાછળ ચાલી આવતી ભદ્રા અજાયબીનો લહાવ લેતી હતી. કંચનગૌરી તો જબરાં થઈ ગયા લાગે છે ને શું ? કેવાં ઠરેલાં ડગલાં ભરતાં હીંડયાં જાય છે! આ જુવાન છોકરાઓ તો જો ! કંચનગૌરીને ’સાહેબજી ! સાહેબજી !’ કરતા ઊંભા છે. ’કોને લેવા?’ એમ પૂછે છે ને હું કેવી ભોંઠી પડું છું ! સારૂં છે કે કંચનગૌરી ફક્ત ટૂંકો જ જવાબ આપે છે -

’મહેમાનને.’

’હલ્લો ! ગુડ એફ્ટરનૂન !’ કરતી એક પારસી સ્ત્રી આવીને દેરાણીના હાથમાં હાથ મિલાવી હલાવે છે, અને માડી રે ! એની જોડેનો પારસી ધણી પણ દેરાનીના હાથે હાથમાં દબાવી ધુણાવે છે. પરસ્પર કેવાં અંગ્રેજીમાં વાતો કરે છે ! કંચનગૌરીને અંગ્રેજી પણ આવડી ગયું. દેરાણી મારી, જબરી થઈ ગઈ જણાય છે. અરેરે ઈશ્વર ! એક જ ખોટ ને! એકે ય જણું જીવે નૈ ને.’

આવા ભાવો ભાવતી ભદ્રા જ્યારે કંચનગૌરીની પાછળ પાછળ સ્ટેશનની બહાર નીકળી ત્યારે તેણે જોયું કે શોફર એક બેબી-કાર હાંકીને પગથિયા નજીક લઈ અવ્યો. શોફર ઉતરી ગયો. હાંકવાની જગ્યાએ કંચનગૌરી ગોઠવાઈ ગયાં ને તેમણે હાથમાં ’વ્હીલ’ (મોટર-હાંકવાનું ચક્ર) લીધું. શોફર પાસે પાછલું બારણું બારણું ઊંઘડાવી, જેઠાણીને

(૨૯) અંદર બેસારી લીધાં ને પોતે આગલી બેઠક પર કંચનની બાજુમાં સંકોડાયા વગર બેસી ગયો, ત્યારે કંચનગૌરીએ મોટર હંકારી.

ભદ્રાને માટે તો આ આશ્ચર્યની ટોચ હતી. પોતાની દેરાણી આટલી પાવરધી થઈ ગઈ તેથી એને કોણ જાને કેમ પણ ઈર્ષ્યા કે દ્વેષ ઉપજવાને બદલે પોરસ અને વિસ્મય જ જન્મ્યાં. ’આઠ દસ મહિનામાં આટલું બધું શી રીતે શીખી લીધું હશે ! આવડત ને હોંશીઆરી હોયા વિના આટલું બધું થઈ શકે જ નહિને. ન જ થઈ શકે. આ હું ગમે તેટલી મરી મથું તોય મને રાંડીમુંડીને મોટર હાંકતાં કે’દિ યે આવડે!’

આ બધો ભદ્રાનો માનસિક વાર્તાલાપ હતો. ગામની બજાર ચીરીને મોટરને રમાડતી જતી કંચન અને વધુ ને વધુ અજબ લાગતી હતી.

બંગલામાં આવીને તૂર્ત જ ભદ્રાએ પોતાની ટ્રંક રસોડાની પાસેની એક ઓરડીમાં મૂકી દીધી. ને પોતે કંઈક શરમીંદુ કૃત્ય કરતી હોય તેવી ઉતાવળથી એણે ટાઢે પાણીએ નહાઈ લીધું. નહાઈ કરીને એ રસોડામાં પેઠી. એણે રાંધવું શરૂ કરી દીધું.

કંચનગૌરીએ આવીને એક આંટો માર્યો. એણે પૂછ્‌યું ’તમે ઉતાવળ શા માટે કરો છો ? તમારે માટે ચહા બનાવીને પીધી કે નહિ?’

’હવે અત્યારે કાંઈ નહિ બાપુ ! સાંજ પડી ગઈ છે.’

’ના એમ નહિ ચાલે. પહેલી ચા કરી લો.’

’તમે મારી જોડે પીવો તો બે કપ બનાવું. લો, છે કબૂલ?’

આખા દિ’નની ભૂખી ભદ્રાને ચહા પીવાની તલબ તો ઘણી સારી પેઠે લાગેલી, પણ એ ઘરની અંદર ચોર તરીકે કે નોકર તરીકે ચહા પીવા નહોતી ઈચ્છતી.

(૩૦) ’પણ એવો આગ્રહ શું કરાવો છો?’

કંચનના આ શબ્દોમાં સ્હેજ કંટાળો હતો. આગ્રહને એ દંભી અથવા બનાવટી બિનજરૂરિયાત માનતી હશે? આગ્રહ કરીને, ખેંચતાણ કરી કરીને ખવરાવવું, પીવરાવવું, આકર્ષણ વધારવું, ઉપકાર કરવો ને ઉપકાર લેવો, એમાં ભદ્રાનું મન મઝા માનતું. એણે કહ્યું, ’લે બાઈ, આગ્રહ ન કરૂં તો મને એકલીને ચા કેમ ભાવે?’

’મને લપ છપ નથી ગમતી ભાભીજી !’

’બસ, હવે તો મને ભાભીજી કહી દીધીને, એટલે તો મારા હાથની ચા પીવી જ પડશે. એકાદ રકાબી જ પીજોને ! હું ક્યાં થોડા ઝાઝાની વાત કરૂં છું ! લો, તમે તમારે બહાર મારા દેર પાસે બેસો. હું તમને તૈયાર કરીને બોલાવીશ.’

ભારી કાળજીથી એણે ચા તૈયાર કરી. એના હ્ય્દયમાં એક જ વાર બોલાયેલા ’ભાભીજી’ શબ્દે આશા અને હિંમત રેડયાં.

ભાસ્કર

ચહા તૈયાર કરી ભદ્રા જ્યારે કંચનગૌરીને બોલાવવા ચાલી ત્યારે એણે દિયરના બેઠકખાનામાં પ્રવેશ કરતાં સંકોચ અનુભવ્યો. પોતે ગમે તેમ તોય વિધવા હતી, જેઠાણી હતી, ઈશ્વર જાણે દેર દેરાણી કેવીય છૂટથી ભેળાં બેઠાં હોય, ના બૈ ! ના જઈએ. એ ભોંઠા પડે, ને મારૂં રાંડીરાંડનું ભુષણ શું !’

પણ દેર દેરાણી જ્યાં બેઠા હતાં તે પાછલા બેઠકખાનામાં એક ત્રીજોય અવાજ ઉઠતો હતો. અવાજ અજાણ્‌યો હતો, તેમાં સત્તાવાહી સ્વરો હતો. અવાજ કહેતો હતો ઃ ’ મેં કદી નહોતું ધાર્યું કે તું કંચનને આ રીતે મૂંઝવીશ. નહિતર...’

પછી શબ્દો ત્રુટક બન્યા. પછી પાછા સંધાયા ઃ ’હું હજુય તને કહું છું, કે એને લઈને ચાલ્યો જઈશ.’

માડી રે ! ! ! કોને લઈને !

ભદ્રાનો શ્વાસ ઊંંચો ચડયો. એને બ્હીક લાગી કે કોઈક જોઈ જશે તો માનશે કે રાંડીરાંડ કોણ જાણે ક્યારૂકની ઊંભી ઊંભી પારકી ગુપ્ત વાત સાંભળતી હશે !

(૩૨) ને કંચન પણ જે કહેતી હતી તે ય ભદ્રાએ પગ ઊંંચા કરીને સાંભળ્યુંઃ ’હું ય તે તમારે જ વિશ્વાસે આંહી ફસાઈ પડીને ! નહિતર...’

શાની વાત? શામાં ફસાઈ પડવાની? કોના વિશ્વાસે ? કોણ જાણે શી યે વાત થતી હશે. એમ વિચારીને એ ફક્ત અંગૂઠા ઉપર ચાલતી ચાલતી બેઠકખાનાથી દૂર ખસી ગઈ. ને છેકે રસોડાને બારણે ઊંભી ઊંભી બોલવા લાગી ઃ ’કંચનગૌરી ! ચાલજો. ચા થઈ ગઈ છે.’

’શું છે? નથી જવું. કોણ બોલાવે છે?’ બેઠકખાનામાં આ શબ્દો પણ, પોતાના દિયરનો અવાજ નહિ પણ પેલો સત્તાવાહી અવાજ જ ઉચ્ચરતો હતો એમ ભદ્રાને ભાસી ગયું.

કંચનના ભાઈ કે બાપા તો છે નહિ. ત્યારે એને કોઈ પણ વાતમાં ’નથી જવું’ કહેવાનો હક્ક તો મારા દિયરને હોય ને કાં તો મારા સસરાને. ત્યારે આ ત્રીજું માણસ કોણ હશે?

ગામડાંની રાંડીરાંડો સાંભળવે બહુ સરવી હોય છે. ભદ્રાએ કાન માંડી જ રાખ્યા હતા. કંચન જાણે કે એ સત્તાવાહી અવાજને કાલાવાલા કરી સમજાવતી હતીઃ ’હમણાં જ જઈને ચાલી આવું. મારાં જેઠાણી આવેલ છે. એકલાં ચા પીતાં નથી. નહિ જાઉં તો પાછી હજાર વાતો આ નામદારના પિતાજી પાસે પહોંચશે.’

’આ નામદાર’ શબ્દથી સૂચવાએલ તો પોતાના દેર જ હશે ને?

ભદ્રાને તો અમદાવાદની આ ગુજરાતી ભાષા જ વિસ્મયકારી ભાસવા લાગી.

’મેં ક્યારેય કશું કાન પર લીધું છે? પૂછો તમે તમારે, આ રહી કંચન.’ એ સુર તો દિયરના જ પરખાયા. દિયર પણ શું પેલા ત્રીજા માણસથી કશી બીક રાખી રહ્યા હતા?

(૩૩) માણસ પણ લાગે છે કોઈક જબરો !

’પણ તને કોણ લાકડી લઈને મારવા આવેલ છે, વીરસુત ! તે તું આટલો બધો નિર્દોષ બનવા પ્રયત્ન કરી રહેલ છે?’

એ અવાજ પેલા કોઈ સત્તાવાહીનો ! તલવારની ધાર ફરતી હોય તેવો અવાજ. ભદ્રાનું હૃદય બોલ્યું -

’સારી વાત માડી ! દેરદેરાણીને માથે પારકા પ્રદેશમાં કોકનો અંકુશ તો જોવે જ ના? આવો કોઈક ખખડાવનાર હોય તેજ સારૂં.’

આવી રીતે મન વાળતી ભદ્રા, કંચનના પગની ચંપલો બેઠકખાનામાંથી ઉપડયાનો ખખડાટ થયો કે તત્કાળ પાછી રસોડામાં પેસી ગઈ. એના મનને એણે ફરીવાર ટપાર્યું ઃ ’ના રે બૈ ! રંડવાળ્ય બૈરૂં કોકની વાતો સાંભળવા ઊંભું રે’ એમાં કાંઈ આબરૂ ? ભાળશે તો કહેશે, રાંડી કોણ જાણે ક્યારથી ઊંભી ઊંભી સાંભળતી હશે !’

’લાવોને બાપુ ! લાવો હવે, છૂટકો પતાવો.’ એવા બોલ બોલતી કંચન મોં પર થોડો આદર ઉલ્લાસને હળવોફૂલ ભાવ બતાવવા મથતી મથતી જેઠાણી પાસે આવીને ઊંભી ઊંભી જ ચહાનો પ્યાલો મોંયે લગાડવા ગઈ.

’બેશીને પીઓ ને! પેટમાં આંકડી પડે બૈ ! લો આ પાટલો દઉં.’

કંચને ડોકું હલાવીને ના કહી.

’નૈ?’ ભદ્રાએ ઓશિયાળું મોં કર્યું.

’મોડું થશે.’

’શાનું?’

(૩૪) ’હાં લો, તમને કહેતાં તો હું ભૂલી ગઈ. રસોઈ તમારા એકના માટે જ કરજો. અમે બેઉ તો બહાર જમવાનાં છીએ.’

’ભલે હાં ! જજોને બાપુ, ખુશીથી જજો. - મારી ચંત્યામાત્ર કરશો મા. મારોં તો આ ઘર છે. મારી સાટુ થઈને કોઈનાં રાંધ્યા રઝળાવશો મા બૈ !’

’આહાહા !’ ચહાને પહેલે જ ઘૂંટડે કંચને ઉદ્‌ગાર કાઢ્‌યો.

’કેમ? ખરાબ થઈ છે?’

’અરે આ તો બહુ સરસ. વધુ છે?’

’આ મારો પવાલો ભર્યો છે ને ! લઈ જાવ, મારા દેરને પાવી છે ને? અણ અરેરે મુઈ હું તો ! કોઈક મેમાન બેઠા છે ને? હવે? શું થાય ? જરીક રહો, હું નવી કરી આપું. અબસાત. વાર નૈ લાગે.’

’ના, એમને નહિ, મહેમાનને જ દેવી છે. એમને તો ચાલશે. કાલે બનાવી દેજો. એ તો ઘેર જ છે ને?’

કંચન જેઠાણીનો કપ લઈને ગઈ બેઠકખાનામાં, ને ત્યાં પહોંચીને એણે હર્ષનો લલકાર કર્યો, ’ભાસ્કરભાઈ, તમારે તો આ ચહા પીવી જ પડશે. છો તમે પાંચ વાર પી ચૂક્યા હો. આ ચહા પીધા વગર છૂટકો જ નથી.’

’પીઉં રે પીઉં, હું ક્યાં ના કહું છું ? તને ક્યારે ના કહી છે?’

’ઘણી સરસ છે.’

’દેવો હોય તો કદડો ય કાં નથી દેતી? પણ આ નામદારને માટે?’ ભાસ્કર નામના એ સત્તાવાહી પુરૂષે વીરસુત વિષે પૂછ્‌યું.

(૩૫) ’એને હું મારામાંથી દઉં છું.’

’ના, મને તારામાંથી આપ. એને આ આખો કપ દે.’ ભાસ્કરે ભદ્રાનો કપ પકડયો.

’પણ મારો કપ મેં બોટેલો છે.’

’માટે તો વિશેષ ચાલશે, ડાહીલી નહિ તો!’

શું તાલ મચેલ છે, પોતાની ચહા ઉપર કેવી ટીકા થાય છે, તે જાણવા ઉત્સુક વિધવા ભદ્રા અંગૂઠાભર બહાર નીકળી. ત્રીજી વાર એ પોતાના હૈયાને ટપારી ચૂકી હતી. એટલે હવે તો સાંભળવાનું સાંભળી લઈ પછી મનને ઠપકો દઈ દેવો, એ જ એને ગમી ગયું હતું.’

એણે કાનોકાન સાંભળ્યું કે કંચનની બોટેલી ચહાની કશી સુગ ન રાખનાર એ અવાજ પેલા એના એજ માનવીનો હતો. બાઈ માણસનું, અરે મુઈ, પોતાની નહિ ને પારકી બાઈ માણસનું બોટેલું તે કોઈ પીતું હશે ! પોતાની સ્ત્રીનું બોટેલ તો કોઈક કોઈકને વળી મીઠું લાગતું ય હોય. આ મારા પંડના જ (પતિ) નો’તા એવા શોખીન ! મારા મોંમાંથી મારૂં ચાવેલું પાન પરભારૂં પોતાના મોંમાં જ લેતા ખરા ને ! એ તો ઠીક, છાનાંછપનાં અમે ગમે તે કરતાં ત્રીજાની નજરે થોડું ચડાવતા!’

એ મીઠી સાંભરણનાં જૂનાં દ્વાર ઊંઘડું ઊંઘડું થઈ રહ્યાં હતાં. અંદરથી જાણે કોઈક જોર કરી ધકેલી રહેલ છે. ભદ્રાએ પોતાનું તમામ જોર તેની સામે વાપરીને એ સુહાગી સંસારની સ્મૃતિઓ પર બારણ બંધ કરી દીધાં. બંધ કરવાનું તાળું માત્ર એનું એ જ જૂનું જ હતું. ’ના રે બૈ! રંડવાળ્યથી કંઈ એવું યાદ કરાતું હશે!’

’કેવી લાગે છે ભાસ્કરભાઈ?’ બેઠકખાનામાં કંચન પૂછતી હતી.

(૩૬) લાગે છે તો સારી,’ એ સત્તાધારી પુરૂષ કહેતો હતો; ’પણ...’ ’પણ શું?’

’હું મૂંઝવણ અનુભવી રહ્યો છું ઃ કે ચહા સારી લાગે છે તે ખરેખરે જ સારીતૈયાર થઈ છે તેથી, કે તારી એઠી થઈ છે તેથી?’

ભદ્રાના સરવા કાન પર આ વાક્ય ઝીલાયું ભલે, પણ એ બોલાતી વેળાના બોલનારના હાવભાવ આ ઉદ્‌ગાર બાબતમાં વધુ મહત્ત્વના હતા. એ હાવભાવ કશા જ હાવભાવથી રહિત હતા. ભાસ્કરભાઈ નામના એ સત્તાધારી પુરૂષે ચહાના પ્યાલા ઉપર જ પોતાની દૃષ્ટિ આ વાક્ય બોલતી વખતે સ્થિર રાખી હતી.

કંચનની આંખો ભાસ્કરના બોલતાં મોં સામે તેમજ બોલી લીધા પછીના મોં સામે બે મિનિટ સુધી ચોંટી રહી. ભાસ્કરે એની સામે પોતાની દૃષ્ટિ ઉચકી જ નહિ. એણે તો વધુ કશું જ લક્ષ કંચન તરફ આપ્યા વગર વીરસુતની સાથે જ વાતનો ત્રાગ સાંધી દીધોઃ

’તારાથી માંદા પડાય જ કેમ ? તારૂં શરીર તંદુરસ્ત રાખવાની જવાબદારી ફક્ત તારી પોતાની જાત પ્રત્યે જ નથી. કંચન પ્રત્યે એ જવાબદારી મુખ્ય છે. એ આવીને મારી પાસે રડે છે. તું બિમાર પડે છે એટલે એની પ્રગતિ પર છીણી જ મૂકાઈ જાય છે કે બીજું કંઈ ? તારી સાથે એ પણ ઘરની કેદી ને એ પણ મનથી માંદી ઃ રો રો જ કર્યા કરે. ઘરમાં તને તાવ ભર્યો ભાળે એટલે પોતે રાંધીને ય ન ખાય. બહાર વળી મને જ્યારે ખબર પડે ત્યારે હું થાળી પહોંચાડું.’

’ને એને પૂછો તો ખરા.’ કંચન બોલી ઊંઠી, ’એની ઊંલટી કેવી ગંધાય છે? પાસે ઊંભું ય રહી શકાય છે?’ બોલતે બોલતે એ ગદ્‌ગદ્‌ થતી હતી. ’જેને ઉપાડવી પડે એને કેવું થતું હશે?’

(૩૭) ’તું ઉપાડે છે?’ ’ત્યારે કોણ ઉપાડે? કામવાળી બાઈ તો એકવાર ઉપાડવી પડી એટલે પગાર પણ લેવા ન રોકાઈ. ’કામ જાય ચૂલામાં’ એમ બીજી જોડે કહી મોકલાવ્યું.

’એ તો જુલમ.’ ભાસ્કર ઊંંડા વિચારમાં પડી ગયો.

’મેં બીજી કામવાળી બોલાવી આપી.’ વીરસુતે વચ્ચે ફક્ત આટલું જ સ્પષ્ટીકરણ કર્યું; ’પછી શો જુલમ?’

’કામવાળી ન હોય તેને હું જુલમ નથી કહેતો વીરસુત ! તું સમજી શકતો નથી એમ તો હું ન માનું, પણ મને એમ જ થયા કરે છે કે તું સમજવા માગતો નથી. મારા મત પ્રમાણે જુલમ તો તારી ઊંલટી કંચનને ઉપાડાવી પડે તે છે.’

’તો પછી કોણ...’ વીરસુત થોથરાયો. ભાસ્કરની નજર એને વીંધી રહી.

’આ તારો સંસ્કાર કે!’ આટલું બોલ્યા પછી ભાસ્કરનાં ભવાં નીચાં ઢળી ગયાં. બીજાઓ ઉશ્કેરાય ત્યારે ભવાં ચઢાવે છે. ભાસ્કરનો ઉશ્કેરાટ ભવાં નીચે ઢાળતો. ’તું તારા મનથી શું ખરેખર એમ માને છે કે કંચન ચાકરડીથી પણ બેદ ગુલામડી છે?’

’પણ હું ક્યાં એમ કહું છું?’

’તારી ઊંલટી કંચને ચાટી જવી જોઈએ એટલું તું નથી કહેતો તે જ ઘણું છે!’

એમ બોલીને ભાસ્કર ખડાખડાટ હસ્યો. આવું સખ્ત હાસ્ય એ કોઈક જ વાર, જ્યારે ઘણો મોટો માનસિક આઘાત લાગે ત્યારે જ કરતો.

(૩૮) ’ત્યારે શું કરવું?’ એટલો નાનો પ્રશ્ન પૂછતાં ય વીરસુતને બે વાર ખાંસી આવી. ’ભલો થઈને હવે એ પ્રશ્ન જ છોડ ને ભાઈ ! તું મારી વાત નહિ જ સમજે.’

પોતે આ કોયડાનો ઉકેલ નથી આપી શકતા માટે વીરસુતને આમ ચુપ કરવાની ભાસ્કારની આવડત હતી, એમ તો કોઈક બહુ વિચક્ષણ માણસ હોય તો જ કહી શકે. સામાન્યોને તો ભાસ્કરની મનોવેદનાનું જ આ મંથન ભાસે.

’ના, હું કાંઈ એમ નથી કહેતી કે મારે ઊંલટી ઉપાડવી પડે છે તેનું મને દુઃખ છે.’ તૂર્ત કંચન ભાસ્કરની વ્હાર કરવા દોડી આવતી લાગી ઃ ’હું તો એમની જ માંદા પડવાની બેપરવાઈની વાત કરતી હતી. તમે નાહક આ પોંઈન્ટ કાઢ્‌યો ભાસ્કરભાઈ, કેમકે એમને તો મારા પરજ ઓછું આવશે. મારૂં ભાગ્ય જ આવું છે, મને યશ જ નથી, કોઈ દિવસ નથી.’

’પણ મેં ક્યારે...’ વીરસુતે વળી ફરીવાર એ વાક્ય કાઢ્‌યું કે તૂર્ત ભાસ્કર બોલી ઉઠ્‌યોઃ

’બ...સ! જોયું ના ! તું સાદી એવી વાતમાં પણ કેટલો છેડાઈ પડે છે ! પેલી સીધું કહેવા લાગી, તો પણ તને વાંકું જ પડે છે.’

વળી ફરીવાર ભાસ્કરનું વ્યંગભર્યું હાસ્ય ખખડયું. ને એણે ટોપી હાથમાં લેતે લેતે કહ્યું, ’ઠીક ચાલશું ત્યારે, માફ કરજે ભાઈ, કંઈ વધુ ઘટુ કહેવાયું હોય તો.’

’પણ હું ક્યાં કહું છું......’ વીરસુત લગભગ ચીસ પાડી ઊંઠ્‌યો.

(૩૯) ’જો, જો, જો, જોયું ને ? -હા-હા-હા-હા-’ કરતો ભાસ્કર ઘર બહાર નીકળતો નીકળતો, ઊંભા થવા જતા વીરસુતને કહી ગયોઃ ’ તારે લેવાય તેટલો આરામ જ લેવો. વિવેક શિષ્ટાચારનો ક્યાં આ સંબંધ છે? પોતે એવી ઝાઝી જંજાળો રાખીએ જ નહિ. પડે બધો શિષ્ટાચાર સાબરમતીમાં. તેમ છતાં ય એ બધું સંભાળનારી તો આ છે ને !’ ’એમ કહીને વિદાય દેવા મારે આવવું એમ માગી લો છો ને?’ કંચન હસીને એની પાછળ પાછળ ચાલી ગઈ.

વીરસુત બેસી રહ્યો.

જુગલ-જીવન

ભાસ્કરભાઈને તો કંચન ઘણે દૂર સુધી વળાવવા માટે પૂર્ણિમાની વહેલી ઊંગેલી ચાંદનીમાં ને ચાંદનીમાં ચાલી ગઈ. પાછળથી વીરસુતે પોતાના ઓરડામાં સૂતે સૂતે સાદ કર્યાઃ ’કંચન ! કંચન ! ગૌરી ! ઓ ગૌરી !’

ભદ્રાએ તે વખતે એકલું ધોતિયું જ ઓઢીને રસોડું માંડયું હતું. તેવા સ્વરૂપે એણે અંદર ન જતાં બહાર ઊંભે ઊંભે જ દિયરને જવાબ દીધોઃ ’એ હાલ ઘડી એમને સાકરૂં છું હો ભૈ !’

’ક્યાં છે?’

’અહીં બહાર જ ગયાં હશે ભૈ, લો જલદી બોલાવી લાવું.’

’તમારી પાસે રસોડામાં નથી?’

’ન-હા-છે-હતાં-હજુ હમણાંજ-લ્યો સાકરૂં ભૈ!’ એવા ગોટા ભદ્રાએ ઝપાટાબંધ વાળી નાખ્યા.

’ભાભી, જરા ગરમ પાણી કરીને કોથળી ભરી આપજો તો!’

(૪૧) ’એ લો ભૈ, હાલઘડી કરી આપું હો ભૈ. લો મારી દેરાણીને ય સાકરી લાવું છું હો ભૈ ! વાર નહિ કરૂં હો ભૈ !’ ભદ્રાએ જલદી જલદી બહાર જઈને આઘે નજર નાખી, પણ દેરાણી દીઠામાં આવી નહિ. છતાં એણે ધીરા સાદ દીધા ઃ ’ઓ કંચનગૌરી!’

વળી પોતે રસોડા તરફ દોડી ગઈ ને ઉકળતી ખીચડી એકદમ ઉતારી એણે પાણીની તપેલી મૂકી દીધી. પણ રબરની કોથળી ક્યાં હશે ! કંચનગૌરી તો હજુ આવતાં નથી. દેરને પૂછીશ તો પાછા પૂછશે કે કંચનગૌરી ક્યાં ગયાં? આવી મૂંઝવણમાં ને મૂંઝવણમાં પડેલી એ બે ત્રણ વાર દરવાજા સુધી જઈ આવી.

કંચન પાછી આવી ત્યારે ભદ્રા પરભારી એને રસોડે લઈ ગઈ ને ત્યાંથી પાણીની તપેલી એના જ હાથમાં પકડાવીને કહ્યું ઃ ’જાવ બાપુ, જલદી શેકની કોથળી મારા દેરને આપો. એને કશીક પીડા થતી લાગે છે. એ કણકણે છે. એને કહેજો હો, કે તમે પોતે જ રસોડે બેસી પાણી ગરમ કરતાં હતાં. કહેજો કે હું નહાવા બેસી ગઈ હતી. તમે બહાર ગયાં હતાં ઈમ ના કે’તાં હો ભૈશાબ ! મારી શોગન.’

જેઠાણીનો કશોક વાંક થયો લાગે છે, ને મારે હાથે એ વાંક ઢંકાવવા માગે છે, એવા પ્રકારની માન્યતા લઈને કંચન ગરમ પાણી ઉપાડી ચાલી. એ અંદર દાખલ થઈ ત્યારે વીરસુત પડખું ફેરવી જઈને પેટ દબાવી રાખી સૂતો હતો. કંચને કોથળી ઉતારી, ભરી , પછી પલંગે જઈ કહ્યું ઃ’લો જોઉં, આ તરફ ફરો જોઉં ! ક્યાં મૂકું ? એકાએક પાછું શાથી દુઃખવા આવ્યું?’

મૂકતાં મૂકતાં કોથળીનું ગરમ પાણી વીરસુતના શરીર પર ઢોળાયું.

(૪૨) એણે ’અરરર...’ સીસકારો કર્યો. શું થયું તે ન સમજતી ઃ કંચન પણ ચમકી ઊંઠી.

"ઢાંકણું તો બરાબર બંધ કરવું’તું!’ વીરસુતથી વેદનાના માર્યા આટાલું બોલાઈ ગયું.

’પણ મને શી ખબર!’ એટલું બોલતાં બોલતાં કંચન રડું રડું થઈ પડી. ’મેં તો બરાબર બંધ કર્યું હતું.’

’તો પછી કોણે મેં ઊંઘાડી નાખ્યું?’ વીરસુત મોટે અવાજે બોલી ઊંઠ્‌યો. ’તારે તો જવાબ જ આપી દેવો સહેલ છે.’

’લો ત્યારે મૂંગી મરી રહું. અભાગ્ય છે મારી.’

કોથળી તો વીરસુતે જ પેટ પર ગોઠવી લીધી, દસેક મિનિટ એની આંખ મળી ગઈ પછી એ જાગ્યો ત્યારે કંચન ડરેસીંગ ટેબલ પર જઈ અરીસા સામે બેઠી બેઠી રડવું રોકવાનો પ્રયત્ન કરતી હોય એવો ભાસ વીરસુતને થયો.

ખરી રીતે તો એ રડવાનો પ્રયત્ન કરતી હતી.

વીરસુતે તૂર્ત એને બોલાવી ’આંહીં આવ, ગાંડી!’

જવાબમાં ડુસકું સંભળાયું.

’મારા સમ જો ન આવે તો.’

’સમ શા માટે દો છો? તમે મને ક્યાં વહાલા છો?’ રડતી રડતી કંચને આ જવાબ વાળ્યો.

’એવું તે હું કદી માનું? આંહીં આવને બાપુ ! ભલી થઈને આવને ! જે બોલી જવાયું તે ભુલી જાને. જો મને દુઃખાવો પણ

(૪૩) ઓછો થવા લાગ્યો છે. આંહી આવીને તું હાથ ફેરવે તો હમણાં જ મને મટી જાય.’

કંચને આંસુ લુછ્‌યાં, પતિ પાસે ગઈ. વીરસુતે એને પલંગ પર પોતાની નજીક બેસાડીને પંપાળતે પંપાળતે કહ્યું ઃ ’હું શું એટલો બધો અબુધ છું કે તને મારા પર કેટલો પ્રેમ છે તે પણ ન સમજી શકું ? તું મારે માટે કેટલું કેટલું કરે છે તે શું હું નથી જાણતો ? મારે ભાસ્કર ભાઈનો ઠપકો સાંભળવો પડયો.’

’તમને તો પાછા એમ જ લાગવાનું કે આ બધું ભાસ્કરભાઈને મેં જ કહી દીધું હશે.’ કંચનનું ગળું હજી ગદ્‌ગદિત હતું.

’મને એવું કશું લાગ્યું જ નથી. તારા સોગંદ ખાઈને કહું છું.’

’ચાલો, છોડો હવે એ વાત. તમને દુઃખવું તો બંધ પડી ગયું ને?’

’હવે તો કેમ ન પડે ? તું મારા પ્રત્યે રાજી હો તો દુઃખાવો ટકે નહિ. કોથળીના શેકે એ થોડો મટે છે ? એ તો મટ્‌યો તારા સ્નેહની વરાળે.’

’હાય મા ! ! હું તો ફાળ ખાઈ ગઈ હતી.’

’કેમ?’

’આપણે ભાસ્કરભાઈની જોડે પેલા પૂર્ણિમા-ઉત્સવમાં જવાનું છે એ રઝળી પડતને !’

’ઓ હો ! એ તો હું પણ સાવ ભુલી જ ગયેલો. આપણે જવું જ પડશે?’

’હા, મેં તો બધું નક્કી કરી નાખેલું છે. હમણાં ય પાછા ભાસ્કરભાઈ સાથે પાકું કર્યું. તેઓ બધા તો આપણી વાટ પણ જોવાનાં છે.’

(૪૪) ’તેં મને પૂછ્‌યું ય નહિ ભલા?’

’પરમ દિવસે જ નક્કી કરેલું ને?’

’અત્યારે મને પેટમઆં દુઃખતું સ્હેજ મટ્‌યું છે. ત્યાં જઈએ ને વધી પડશે તો?’

’તો આપણે રસ્તામાં ડોક્ટરને ત્યાં થતા જઈએ. તમે એક ડોઝ પી લો. બીજા ડોઝ સાથે રાખીએ ને ગરમ પાણીની કોથળી પણ હું સાથે લઈ લઉં છું.’

આ બધું કંચન છેક સ્વાભાવિક રીતે જ બોલી ગઈ. પોતે જે બોલી તેનો શબ્દેશબ્દ એ સાચો જ માનતી હતી. પતિના પેટનો દુઃખાવો એ સત્ય વાત હતી ઃ મિત્રોમાં જમવા જવું, એ પણ એટલી જ સત્ય વાત હતી ઃ પેટના દુઃખાવા માટે ’ડોઝ’ લેવાનો હજુ વખત છે એ પણ સત્ય વાત હતી. ન જઈએ તો કેટલા બધાં માણસો નિરાશ થાય, એ પણ સત્ય હતું.

’એ બધી માથાકૂટ કરવા કરતાં, મને તો એમ થાય છે કંચન, કે તું એકલી જ ન જઈ આવે?’

’ તો પછી એમ જ કહો ને, કે તમને મારી સાથે આવવું આજે ગમતું નથી !’ એમ કહીને કંચન પોતે કપડાં ઘરેણાં પહેરવા માટે જે કબાટ ઉઘાડી રહી હતી તે પાછો બીડવા લાગી.

’નહિ નહિ, તને એમ લાગતું હોય તો ચાલ, હું દુઃખતે પેટે પણ આવીશ.’

’મટી ગયું કહો છો, ને પાછા કહો છો કે દુઃખતે પેટે આવીશ ! કેટલું જુદું જુદું બોલો છો તમે પણ !’

’ચાલ, એ પણ નહિ બોલું. હવે તું ભલી થઈને કપડાં પહેરી લે.’

(૪૫) તે પછી અરધાક કલાક સુધીની ઝીણી ઝીણી ફુલખરણીએ ઓરડામાં જલતી જ રહી. પ્રત્યેક નાની મોટી વાત પર બેઉ જણાં વચ્ચે વાદાવાદી ચાલતી હતી. થોડી થોડી ઉગ્રતા સામસામાં ’અલ્ટીમેટમ’ઃ પછી પાછા ’વ્હાલી’ ’વ્હાલા’ ’દુઃખ લાગી ગયું!’ ’હવે નહિ લગાડું’ એવા ફુલદડા શા ઉદ્‌ગારો ગુંથાયે જતા હતા.

રસોડામાં એક નાનકડી તપેલીમાં ખીચડી રાંધતી બેઠેલી ભદ્રાએ આવું જુગલ-જીવન અગાઉ કદી જોયું કે સાંભળ્યું નહોતું. અગાઉ પોતે જ્યારે આવેલી ત્યારે આ ધમરોળ અદીઠા હતા. અને આ ભાસ્કર અહીં નહોતો. ત્યારે આ નવી નવાઈ શાથી થઈ? ચૂલે બેઠી બેઠી એ કાનની સરવાણીઓ આ દેર-દેરાણીના ઓરડા સાથે જ જોડી રહી હતી ને એનું મન પોતાની જાણે જ બોલતું હતું કે ’માડી રે ! આ કરતાં તો ધણી-ધણીઆણી વચ્ચે મોટા ધડાકા બોલી જાય એ શું ખોટું ! તેનું દુઃખ આ ઝીણી ઝીણી ખાખાવીંખી કરતાં તો ઓછું હો બઈ ! આ રોજનું તો નહિ હોય ને!

’કાં ભાભીજી !’ એમ બોલતી કંચન રસોડા તરફ આવતી હતી ત્યારે તેનો સ્વર એકદમ બદલી જઈ મધુરી ઘંટડી જેવો બન્યો હતો. એ રસોડે પહોંચે તે પૂર્વે તો એના વસ્ત્રોની અત્તર-સુગંધ ને એની વેણીનો પુષ્પપરિમલ ભદ્રા પાસે પહોંચી ગયાં. પુષ્પો અને અત્તરોએ ભદ્રાના કાનમાં ઉન્માદ મચાવી દીધો. ને એક પલમાં તો કંચન ત્યાં આવી ઊંભી રહી ત્યારે ભદ્રાને સંભ્રમ થયો. વિસ્મય લાધ્યું, અહોભાવ ઉપજ્યો ઃ અહોહો ! આ તો રૂપરૂપની પૂતળી ઃ આ તો આનંદની નિર્ઝરણી ઃ આ ખરડાએલા ગાલ કેવા લીસા લપટ ને ગોરા ગોરા થઈ ગયા ઃ આ કપડાંની છટા ઃ આ ચોટલાનો ચાબુક ઃ આ લળક લળક હીરા ને મોતી ઃ આ ભરત ભરેલી પગની ચંપલ !

(૪૬) ’વાહ ભૈ વાહ ! વાહ રે બૈ !’ એમ એ બોલી ઊંઠી. એટલું જ નહિ પણ એણે તો કંચનના હાથના પંજા પોતાના પંજામાં લેવા હાથ લંબાવ્યા.

’ભાભીજી, અમે જઈએ?’ કંચન દૂર હટી જઈને ચાલતી ચાલતી કહેવા લાગી.

આ તો જો મુઈ ! મને આ સોત થઈને ત્રીજી વાર ભર્યે મોંયે ’ભાભીજી’ કહી બોલાવી ઃ આમ તો જો મુઈ ! આ મારી જોડે કેવી વ્હાલભરી હસે છે ઃ ને પાછી મને મોટેરી કરે છે, રજા માગે છે કે ’જઈએ ?’ વાહ રે વાહ !

એવી હર્ષોર્‌મિના કટોરા પર કટોરા પીતી ભદ્રાએ ઊંભા થઈને કંચનના માથા પર હાથ પસવારતે પસવારતે કહ્યું. ’જાવ માડી ! ખુશીથી જાવ. એય તમ તમારે રંગે ચંગે જમી કરીને ફરી હરીને આવજો. આજ પુનેમ છે એટલે ઉતાવળાં થઈને ઘેર ન આવતાં રે’જો. મારી કશી જ ચિંતા ન કરજો. હું કાંઈ મેમાન થોડી છું બૈ! જાવ, એઈ ને ઈશ્વર વાસુદેવ તમારૂં જોડું સદા સુખી રાખે. ને ઘરડાં બુઢ્‌ઢાં થાવ માડી ! જાવ !’

માણી આવ્યાં

અનસુ યાદ આવતી હતી, એટલે ઊંંઘ આવતી નહોતી. પણ ભદ્રાએ મનને મનાવી લીંધું કે ઘરમાં એકલી છું તેથી ઊંંઘ નથી આવતી. એકલી વિધવા બધાં બારણાં બંધ કરીને અંદરના ઉંબર પાસે બેઠી હતી, દેર અને દેરાણી બહાર ગયા પછી એ વિમાસી રહી હતીઃ કે બેય જણાં ઘડીક દુઃખી દેખાય છે ને ઘડીકમાં પાછા સુખની કેવી લહેરે લહેરાઈ રહ્યાં હતાં ! પન બહાર નીકળીને મોટરમાં બેઠાં ત્યારે બાજુ બાજુએ બેસવા માટે કેટલી મીઠી ધમાચકડ મચાવી’તી માડી!

વીરસુત કહે, કંચન, તું જ આગલી સીટ પર એકલી બેસીને હાંક, હું અહીં પાછળ પડયો છું.’ કંચન કહે કે ’નહિ, મારી પાસે જ બેસવું પડશે. હું એકલી કાંઈ શોભું?’

દેર કહે ’કંચન, તું બાજુમાં શોફરને બેસારીને તારા હાંકવામાં જે કચાશ રહી છે તે કાઢી નાખ.’

દેરાણી કહે ’ એને માટે પૂર્ણિમા નહિ બગાડું. પૂર્ણિમાનો પ્રકાશ તો કોઈ બીજું જ ભણતર ભણવા માટે પેટાય છે, ને એ ભણતર તો તમે મને અને હું તમને ભણાવી શકીએ. આવી જાઓ આગળ, ડાહ્યા ડમરા થઈને ચાલ્યા આવો, પેટ દુઃખવાનો પાઠ ભજવો ના, નહિતર હું ઉપાડીને આગળ આણીશ.’

(૪૮) ’આવું તો સ્વપ્નેય માણ્‌યું નહિ બૈ ! સાચુકલાં માણે તેની તો બલિહારી!’ એવો વિચાર કરતી ભદ્રા બેઠી હતી ત્યારે બહારની ચાંદનીમાં એક મોટર કશો અવાજ કર્યા વગર દરવાજે આવી અટકી. ને અંદર જે હાંકનાર એક જ માણસ બેઠો હતો તેની હાક સંભળાઈઃ

’કાં કંચન ! વીરસુત !’

આ સ્વરો સાંભળનારી ભદ્રા એકદમ તો જવાબ ન દઈ શકી. એ લગાર હેબત ખાઈ ગઈ. આ સ્વરો એને અજાણ્‌યા છતાં તાજેતરના જ પરિચિત લાગ્યા. એ તો ગામડાની વિધવા ખરીને, એટલે દીવાબત્તી બુઝાવી કરીને જ બેઠેલી.

’ એ બહેરાંઓ !’ બૂમ ફરીવાર આવી ત્યારે ભદ્રાએ વિજળીનો ફક્ત એક જ દીવો ચેતવ્યો ને શાંતિથી જવાબ દીધો કે ’બહાર ગયા છે ભૈ ! ઘેરે નથી.’

’ઓહો ! ગયાં ને. તો તો સારૂં થયું. હું એમને તેડવા જ આવેલો. બધા એમની વાટ જોઈ રહેલ છે.’

થોડીવાર એ બોલતો અટક્યો. પણ સામે કશો જવાબ કે હોંકારો ન જડયો એટલે એ ફરીવાર બોલ્યો-

’ એ બેઉ એના ઓવરકોટ તો સાથે લઈ ગયાં છે ને! ન લઈ ગયાં હોય તો હું લેતો જાઉં.’

સામેથી કશો હોંકારો ન આવ્યો. વચગાળાની મિનિટો ફક્ત બગીચાનાં બગલાંની તી-તી-તી સ્વરોએ જ ભરી દીધાં. ભદ્રાએ જવાબ ન દીધો એટલે એણે ફરીથી ફોડ પાડયો.

’એ તો હું છું, ભાસ્કર. હું સાંજે આવેલો ને, તે જ.’

(૪૯) ભદ્રાને યાદ આવ્યું કે ભાસ્કરભાઈ તો ઘરના આત્મજન જેવા છે. તેણે ઊંઠીને દરવાજો ઉઘડયો. ઉઘાડીને પોતે ઉતાવળે પગલે પાછી આવી રસોડામાં લપાઈ ગઈ. ને ભાસ્કર ચટાક ચટાક એક પછી એક ઓરડાની બત્તીઓ ચેતવતો, કંચન-વીરસુતના ઓરડામાં જઈ, બે ઓવરકોટ સાથે બહાર નીકળ્યો; એની પાછળ એક પછી એક બત્તી બંધ થતી આવી. એણે સીધા સડેડાટ બહાર ચાલ્યાં જતાં જતાં ફક્ત એટલું જ કહ્યું કે ’બેવકૂફ ! બેઉ એકીસાથે બેવકૂફ ! પોતાની તબિયત નાજૂક છે એમ બેઉ જણ જાણે છે. હવામાં શરદી છે એ પણ જાણે છે છતાં પોતાની સંભાળ રાખવાનું બેમાંથી એકેયને સૂઝતું નથી. એ પણ મારે કરી દેવું.

પોતે જાણે કોઈને સંભળાવવા માટે નહિ પણ પોતાના જ મનની ઊંર્મિ ઠાલવવા માટે આ બબડાટ કરતો ગયો હોય તેવી અદાથી સીધોસટ બહાર નીકળી મોટરનું બારણું રોષમાં ને રોષમાં પછાડી, મોટર પાછી હંકારી ગયો. મોટર એક સ્ત્રીમિત્રની હતી.

રસોડામાં ઊંભી ઊંભી ભદ્રા તો થર થર ધ્રૂજતી હતી. શા માટે ધ્રૂજતી હતી તે જો કોઈએ એને પૂછ્‌યું હોત તો પોતે જવાબ ન આપી શકત. વિધવા યુવતી, અમદાવાદ શહેર, સોસાયટીનું મકાન, પાડોશ વગરનું એકલવાયું ઘર, ચાંદની રાત, ને તેમાં એક એવા પુરૂષનો ગૃહપ્રવેશ કે જેનું આ ઘર જ નહિ પણ ઘરના મનુષ્યો પર પણ પૂર્ણ સ્વામીત્વ છેઃ તે વખતે કમ્પારી સહજ છૂટે. માડી રે ! કેટલી બ્હી ગઈ હતી ? આ ગાલે ને કપાળે ને ગળે પરસેવાના ઢગલા તો જો મુઈ ! પરસેવે આખું અંગ નહાઈ રહ્યું છે, અરરર ! મેં પણ મુઈએ કેવી કલ્પનાઓ કરી નાખી ! એટલી વારમાં તો મેં એને આંહી ધસી આવતો ને કંઈનું કંઈ જ કરતો કલ્પ્યો... એને વિષે આટલું માઠું, આટલું બધું હીણું ધારી બેસવામાં કેટલું બધું પાપ લાગ્યું હશે ! એ

(૫૦) તો બાપડો સેધેસીધો દેર દેરાનીની સાચવણ સાટુ થઈને જ આવ્યો ને ચાલ્યો ગયો. મંછા ભૂત ને શંકા ડાકણ ! કહેતી કાંઈ ખોટી છે !

એમ વિચારતે વિચારતે, બેઠાં બેઠાં જ એ ઝોલે ચડી ગઊં, ને ઘડીક ભાસ્કર, તો ઘડીક અનસુનાં સ્વપ્નાં જોતી જોતી પોતે લાદી ઉપર જ ઢળી ગઈ. તે પછી છેક રાતના એક વાગે મોટરના ધમધમાટ થયા ત્યારે ભદ્રાએ દીવો પેટાવ્યો, દ્વાર ઉઘાડયાં, દ્વારની પાછળ લપાઈને પોતે ઉભી રહી પહેલા દિયર દાખલ થયા, તે પછી દેરાણી અંદર આવી; ને ત્રીજો માણસ મોટરમાં જ બેસી રહ્યો. પાછળ રહેલી કંચને કહ્યું, ’અંદર નહિ આવો ભાસ્કરભાઈ ?’

’ના હવે નહિ. સૂઈ જાઓ નિરાંત કરીને. નીકર માંદા પડશો.’

એટલું કહી ભાસ્કરે ગાડી હંકારી મૂકી. ત્યારે ભદ્રા બારણાં આડે લપાઈને ભાસ્કરને જ જોતી હતી.

કંચન અંદર આવી ત્યારે ભદ્રાએ એને એક જ પ્રશ્ન પૂછ્‌યોઃ ’કેટલા, ઘણાં સાદ પાડવા પડેલા, હેં?’

’ના, ના, અમે સાદ પાડયા જ નથી.’

એટલું જ ફક્ત બોલીને કંચન અંદર ચાલી ગઈ. એ એટલું પણ કાં ન બોલી કે ’ભાભીજી, તમારે સૂતાં જાગવું પડયું ને ! તમારે તે ઊંંઘ કેટલી હળવી ! મોટરના અવાજે જ જાગી ઊંઠ્‌યાં ! કે પછી તમે અમારી વાટમાં ને વાટમાં પૂરૂં સૂતાં યે શાનાં હશો?’

આવું કશું ય કહ્યા વગર ચાલી ગયેલી કંચન ઘરમાંથી બહાર નીકળતી વેળાની કંચન કરતાં છેક જ જુદી પ્રકૃતિનું માનવી લાગી. તોછડી દેખાઈ. મિજાજી માલુમ પડી. શહેરી અને ભણેલ ગણેલ માણસનો કાંઈ ધડો છે બૈ? એમ વિચાર કરતી દિલમાં જરી

(૫૧) દુભાતી ભદ્રાએ પોતાના ઓરડાની બત્તી ઓલવી. ત્યાં તો ભદ્રાને કાને ફરી પાછા પેલાં બે જણ વચ્ચેની કશીક વાદાવાદીના, કશીક શબ્દ-ટપાટપીના તીખા સ્વરો આવી અફળાયા.

અધરાત પછીનો સમય પ્રણય-કલહનો નથી હોતો ને પ્રણય કલહના સ્વરો આટલા કર્કશ પણ નથી હોતા. આ બેઉ તો દાંત કચકચાવીને બોલતાં હતાં.

’તો પછી મને લઈ નહોતો જવો.’

’શો ગુન્હો કર્યો !’

’મને એકલો બેસારીને જુદી બેઠક કેમ જમાવી ત્યારે?’

’પોતાને જ એકલા પડાવું હતું. પેલી લલિતા માટે. એમ કેમ નથી બોલી શકાતું.’

’હેવાન !’

’જીભ સંભાળજો હો !’

’નહિતર શું ખેંચી કાઢીશ ? આ લે ખેંચ, ખેંચ, ખેંચ, હે-વા-ન!’

’હેવાન તમે-તું-તું-’

’ગદ્ધી !’

’તું-તું-ગદ્ધો’

તે પછી થોડા તમાચાના સ્વરો પણસંભળાયા ને ભદ્રા હવામાં બફારો હોવા છતાં , ગોદડું ઓઢી, લપાઈ, હેબતાઈ, ’ઈશ્વર !ઈશ્વર ! ઈશ્વર!’ એવું રટણ કરતી સૂનમૂન પડી રહી. પોતાના કાને આ

(૫૨) બધા શબ્દો પડયા તે બહુ ખોટું થયું હતું. જે માણસો બોલી રહ્યાં હતાં તેની હીનતાનો તો ભદ્રાએ વિચાર જ છોડી દીધો હતો. સાંભળનાર તરીકે પોતાની જ શરમભરી સ્થિતિ તેને સાલી રહી. પોતે કંચનનાં હીબકાં સાંભળ્યાં, વીરસુતની આહ, નિઃશ્વાસ, અને ’શું કરૂં જીભ કરડી મરૂં, ઝેર પીને સૂઈ જાઉં !’ એવા વીરસુતના શબ્દો સાંભળ્યા. ભદ્રા ભયભીત બની ગઈ. ઘરની આખી ઈમારત ઓગળતી, નીચે ધસતી આવતી, અજગરની માફક સૌને ગળી જતી લાગી. બિછાનું ભમરડાની પેઠે ફરતું હતું. પૃથ્વીનું પડ જાણે ઊંંધું વળતું હતું.

આ બેમાંથી કોઈક પોતાના મન પરથી કાબૂ ખોઈ બેસી કદાચ કાંઈનું કાંઈ કરી બેસશે તો ! એ બીકે ભદ્રા મોડી રાત સુધી જાગ્રતાવસ્થામાં જ પડી રહી. ને જાગ્રત હોવાં છતાં એને સૂતેલી હોવાનો ડોળ ચાલુ રાખવો પડયો. કારણકે પોતાની લડાઈ કોઈ ત્રીજાએ સાંભળી છે એવું આ બેઉને જો લાગી જશે તો સવારે એ પાછાં મોઢું શી રીતે દેખાડી શકશે? આ હતી ભદ્રાની એક માત્ર ચિંતા.

મોડે મોડે ત્રણેક વાગે જ્યારે બે પરિણિત શિક્ષિતોનું તપ્ત શયનગાર ટાઢું પડી ગયું, ને બેઉ જણાં ઉંઘી ગયાં છે એવી ભદ્રાને ખાત્રી થઈ ત્યારે જ ભદ્રાએ આંખો મીંચી.

ભાસ્કરની શક્તિ

સૂર્યોદયનું વર્ણન કરી શકાય છે. સૂર્યાસ્તને પણ શબ્દચિત્રમાં ઉતારી શકાય છે. પણ માથા પર આવેલા મધ્યાહ્‌નના સૂર્યનું તેજ તેમ તેનો પ્રતાપ પ્રચંડ હોવા છતાં તેનું સ્વરૂપ આલેખવું વિકટ છે.

એવું જ કઠણ કામ ભાસ્કરની ઓળખાણ આપવાનું છે. ભાસ્કર કોલેજમાં નહોતો છતાં કોલેજના પ્રોફેસર વીરસુતનો પ્રાણસંબંધી બની શક્યો હતો. ભાસ્કર સ્ત્રી-શિક્ષણમાં ઊંતર્યો નહોતો છતાં કન્યાઓનાં એકોએક છાત્રાલયોની ભોંય ભાસ્કરભાઈના પગતળિયાંથી ઘસાઈ ગઈ હતી. ભાસ્કરભાઈને બેંકમાં ખાતું નહોતું, મિલની મજૂરની પ્રવૃત્તિ નહોતી, સિનેમાની વાર્તા લખવાની નહોતી, છાપામાં લેખ પણ લખવાની આવડત નહોતી; છતાં ભાસ્કરભાઈને બેન્કના યુવાન નોકરો ઓળખતા, ને તેમના આવવાની અઠવાડિયામાં એક વાર તો રાહ જોતા. મિલ-પ્રવૃત્તિમાં પણ ભાસ્કરનો અનાદર, ભરચક કામ વચ્ચે ય કોઈથી થઈ શકતો નહિ. સિનેમાના ઉદ્યોગમાં જવાની ભલામણો જુવાનોને ભાસ્કરભાઈ પાસેથી જડતી.

ભાસ્કર ભાષણો કરતો નહિ, છાપામાં અહેવાલો મોકલતો નહિ, જાહેર ધમપછાડાની કોઈ પણ પ્રવૃત્તિમાં એ પગ મૂકતો નહો, છતાં એ

(૫૪) સચરાચરમાં સર્વવ્યાપક જેવો કેમ હતો તે કોઈ પૂછશે. એ વ્યાપક એટલા માટે હતો કે એ મોતીઓમાં થઈને પરોવાયે જતા સોયદોરા સમાન હતો. મોતીડાંને મુકાબલે દોરો બહુ મામુલી વસ્તુ છે. છતાં એ સર્વ મોતીને પોતાના ઉપર એક વાર અવલંબન લેવરાવી સદાને માટે અધીન બનાવી દેનાર શક્તિ છે. ભાસ્કર એ દોરાની માફક અનેક યુવાનોનું પ્રેરણાબિન્દુ એટલા માટે હતો કે એ છૂપી શક્તિઓને ચીંથરે વીંટ્‌યા રત્નો સમાન જુવાનોને હાઈસ્કુલો, કોલેજો કે મજૂર ગુમાસ્તાઓની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાંથી શોધી કાઢતો; ને ચીપીઆ વતી ઝવેરી હીરો ઉપાડે એમ પોતાની લાગવગના ચીપીઆમાં ઉપાડી લેતો.

કોઈને સ્કોલરશીપ અપાવી અટકેલો અભ્યાસ એ ફરી શરૂ કરાવતો, તો કોઈને નાહક બાપનાં નાણાં બરબાદ કરવાના ભણતરમાંથી ખેસવી લઈ છાપાંની અથવા મજૂરની ઓફિસમાં ગોઠવી દેતો. ગુમાસ્તાગીરી કરતો અમુક જુવાન તો ચિત્રકાર થવા લાયક છે એટલી ખબર એને કોણ જાણે ક્યાંથી પડી જતી, ને એ જાણ થયા પછી આઠ જ દિવસે એ જુવાન તમે કોઈક આર્ટીસ્ટની કલાશાળામાં રંગરેખાઓ દોરતો જોઈ લ્યો.

એટલું કરીને જ એ ન અટકી જતો. પોતાની નજરમાં બેસી ગયેલા યુવાનનો યોગ્ય માર્ગ કરાવી આપવા એ છેક ભાવનગર ને વડોદરાના મહારાજા સુધી, મહાસભાના પ્રધાનો સુધી, જાપાની અને અંગ્રેજ વેપારીઓની હિંદી પેઢીઓ સુધી પતવ્યવહારની ધારા ચલાવતો, જાતે મળવા જતો, કોઈ મિત્રની મોટર હડફેટે ચડી ગઈ તો ઠીક છે, નહિતર ખિસ્સામાં ટ્રામના પણ પૈસા ન હોય તેવી અનેક વારની સ્થિતિમાં અથાક પગલે ગાઉઓના અંતરો પગપાળો કાપતો, અમદાવાદ મુંબઈ અથવા વડોદરામાં ભટકતો, ગમે તેમ કરીને પણ પોતાના પ્રીતિપાત્ર યુવાનનો એ વિકાસનો માર્ગ ઉઘાડી દેતો.

(૫૫) એ જ એની સત્તા હતી ને એ જ એનું શાસન હતું. સંખ્યાબંધ યુવાનો એની અદબ કરતા, એનો ઠપકો સાંભળી રહેતા ને પોતાના સાંસારિક જીવનમાં એની ડખલ થતી તે સામે હરફ પણ ન ઉચ્ચારી શકતા તેવા પણ કેટલાક હતા.

વિશેષ પણ એક કારણ હતું.

યુવકો અને યુવતીઓ ઉપર ભાસ્કરની મજબૂત સત્તાનું સૌથી મોટું કારણ આ હતું : કુંવારાઓને એ પરણાવી આપતો. માબાપોએ કરી આપેલાં જૂનાં વેવિશાળોમાંથી એ જુવાનોને બહાર કઢાવી શકતો અને જૂના વખતનાં કજોડાં લગ્નથી ગળોગળ આવી રહેલા ત્રાસ ત્રાસ પોકારી ચૂકેલા ભાઈઓને એ વકીલો પાસે લઈ જઈ નવાં સંસ્કારી લગ્નો કરવાની કાયદેસર સલામતીઓ સૂઝાડતો.

સ્ત્રીઓની તેમ જ પુરૂષ વિદ્યાર્થીઓનાં છાત્રાલયોમાં એ એટલા ખાતર જ જતો આવતો. કઈ વ્યક્તિ કયા ગુપ્ત સિતમો ભોગવી રહેલ છે તેની જાણ એને જલદી આવી જતી. છૂપાં આંસુઓનાં પાતાળ-તળ પારખનારો એ પાણીકળો હતો.

’તારા દિલમાં કશુંક મોટું દુઃખ છે. તું ભલેને છુપાવી રાખે.’ એટલા એના બોલ સાંભળ્યા પછી અને એ બોલતી વેળાના એના મૃદુમધુર ને સહાનુભૂતિભરપૂર મુખભાવ નિહાળ્યા પછી એની પાસે અંતર ન ખોલી નાખે તેવાં જડ યુવક કે યુવતી કોઈ ન જડે. પોપટની પેઠે પ્રત્યેક જણ પોતાની ગુપ્ત મનોવેદના ભાસ્કરભાઈ પાસે ધરી દેતાં; ને ભાસ્કર એ બધું સાંભળ્યા પછી જરીકે ગદ્‌ગદિત નહોતો બની જતો; કહેનારની દયા ખાવાના શબ્દો બોલવા નહોતો માંડતો, પણ દિલસોજી ભરપૂર નેત્રે પોતાની શુભ્ર દંતાવળ દેખાડતું સહેજ હાસ્ય કરીને કહેતો, ’બસ, એમાં રડવાનું શું છે? રસ્તો જ કાઢવો જોઈએ.’

(૫૬) ને રસ્તો પોતે કાઢી આપ્યે જ જંપતો. કોઈ સુમનને એ કહેતો કે તારે માટે સુનીતા જ બંધ બેસતું પાત્ર છે; તો કોઈ ચંપકને એ કહેતો કે તું દેવયાની સાથે સુખી નહિ થઈ શકે, તારે માટે તો ચંદન જ લાયક છે. રમણને એ ચેતવતો કે તું પ્રમીલામાં શું મોહાયો છે? એ છોકરી તારા જેવા શાંત માણસને સાચવી નહિ શકે, તું હેરાન હેરાન થઈ જઈશઃ તારે લાયક તો લીલા જ છે.

ભાસ્કરની આ મેળવણી એની શેહમાં આવેલા બધા જ યુવાનોને બુદ્‌ધિમાં તેમ જ અંતરમાં ઊંતરતી કે કેમ તે તો નક્કી નથી કહી શકાતું; છતાં ભાસ્કરની પસંદગીનું ઉથાપન કોઈએ કર્યાનું અમને સાંભરતું નથી.

લગ્નની વાટાઘાટ ભાસ્કર જ કરી આવતો, તિથિ પણ બેઉની સગવડ વિચારીને ભાસ્કર જ નક્કી કરતો; ’સિવિલ મેરેજ’ નોંધાવવા માટેની બધી જ પત્રવ્યવહાર વિધિ ભાસ્કરને શિરે રહેતી. પરણનાર યુવાનને અને યુવતીને તો એ છેલ્લી ઘડી સુધી કનડગત કરતો નહિ. તેઓ ગામમાં હોય કે જુદાં જુદાં પરગામ હોય, બેઉ લગ્નતિથિની આગલી સાંજે એકાએક ટ્રેનમાં ઉતરી પડે. કેમ જાણે કશું જ ધાંધલ કે ધમાલ છે જ નહિ એવા પ્રશાંત રોજિંદા વાતાવરણમાં બેઉ જણાં હાજર થઈ જાય, ને વળતા દિવસે ચોકસ કલાકે સરકારી તેમ જ ધાર્મિક ક્રિયાઓ ટૂંકસર વિધિથી પતાવીને કશું જ જાણે કે બન્યું નથી એટલું હળવુંફૂલ હૈયું લઈને પરણનારાં સંસાર શરૂ કરી લે, કે પછી જરૂર પડે તો તે ને તે જ દિવસ રાતની ટ્રેનોમાં બેઉ પરણનારાં પોતપોતાનાં અલગ અલગ કાર્યસ્થાને પરગામ પહોંચી જઈ પૂર્વવત્ પ્રવૃત્તિ ચાલુ રાખે.

બનતું એવું કે ભાસ્કરે મેળવી આપેલાં આવાં યુવાન જોડાંમાં

(૫૭) નબળો હમેશાં સ્ત્રીનો પક્ષ ગણીને ભાસ્કર તે પ્રત્યેકની કાયમ સાચવણ રાખતો. આ લગ્નો નવયુગી ગણાતાં, ને લગ્ન કરનાર છોકરીઓ પણ ઘણે ભાગે રળતી કમાતી થઈ ગયેલી જ હતી, છતાં તેના સ્ત્રીધનની રકમ તો ભાસ્કર છોકરાઓ પાસેથી છોડાવતો ને બેન્કમાં મુકાવતો. આવાં લગ્નો બંડખોર ને ક્રાંતિકારી હોવાથી ઘણે ભાગે તો છોકરો છોકરી બેઉનાં માવતરો એમાં ભાગ લેવાં આવતાં નહોતાં, તેથી ભાસ્કરની જવાબદારી વધતી હતી. છોકરાઓ પોતાની પત્નીઓને એમની ઈચ્છા વિરૂદ્ધ પાછાં મા બાપને ઘેર ન મોકલી આપે, અથવા છોકરાઓ પોતાનાં ભાઈબહેનો વગેરે સગાંને તેડાવી પત્નીઓ પર એ સૌની રસોઈ ઈત્યાદિ સરભરાનો બોજો ન ખડકે, તેની ભાસ્કર સતત તકેદારી રાખતો.

પરિણામે પતિ-પત્નીઓ વચ્ચે અણબનાવ, અબોલા કે ચણભણ થતી ત્યારે (બેશક ક્રાંતિઅકરી લગ્નમાં વિશેષ થાય જ.) બેઉનું ફરિયાદ કરવા ઠેકાણું ભાસ્કરભાઈ હતા; બેઉનો ન્યાય તોળનાર પણ ભાસ્કરભાઈ હતા. બેઉને સજા ભોગવાવનાર જેલર પણ ભાસ્કરભાઈ હતા.

આ બધું કરવામાં કેટલાક ઉપલક દૃષ્ટિથી જોનારાઓને વહેમ આવતો કે ભાસ્કર મેલો હતો, દંભી ને ઢોંગી હતો, પક્કો ને પ્રપંચી હતો. પણ એ ખરૂં નહોતું. ભાસ્કર પૂરેપૂરો પ્રમાણિક અને સહૃદયી હતો.

ભાસ્કરને અમદાવાદમાં આવ્યે છએક વર્ષો થયાં હતાં. પણ એનું ત્યાં કોઈ સગું નહોતું. એ ક્યાંઈક પરપ્રાંતોમાં રહીને આવ્યો હતો. વળી ધૂમકેતુ શી પ્રકૃતિનો હોઈ, વારંવાર બહાર ઊંપડી જતો, મહિનાઓ સુધી એનો પત્તો ન લાગતો. એના કુટુંબસંસાર વિષેનો ભેદ કોઈ જાણતું નહિ; કોઈ પૂછતું પણ નહિ.

લગ્ન : જૂનું ને નવું

ભાસ્કરની આવી લગ્નદૃષ્ટિમાંથી જ ઊંભો થયો હતો વીરસુત અને કંચનનો લગ્નસંસાર.

વીરસુતની પહેલી પત્ની ગામડિયણ હતી, અને લગ્ન પણ હાઈસ્કુલના ભણતર દરમિયાન થયેલાં. એક તો પત્ની ગામડાના સંસ્કારવાળી, તેમાં પાછુંં તેણે વીરસુતને લગ્ન પછી વહેલામાં વહેલી તકે બાળક આપ્યું. વીરસુત અમદાવાદ કોલેજમાં ભણતો, સ્ત્રી અને બાળક પિતાને ઘેર સચવાતાં. રજાઓમાં વીરસુત ઘેર આવતાં ડરતો હતો. બીજું બાળક- ત્રીજું બાળક- માથે પડવાની ફાળ ખાતો એ થોડા દિવસ મુંબઈ, થોડા દિવસ છૂટક છૂટક મિત્રોને ગામ અને થોડા દિવસ પોતાને પિતૃગામ ગાળતો.

પિતાને ઘેર જતાં પહેલાં એ હંમેશાં એક શર્ત કરતો કે પિતાએ સ્ત્રીને બાળક સહિત એના પિયરમાં મોકલી દેવી, નહિ તો નહિ આવી શકાય. પિત પોતે ભણેલા ગણેલા એટલે પુત્રનો ભય સમજી ગયા હતા. સમજીને પુત્રની ઈચ્છાને અનુસરતા, બેશક વીરસુત પોતાની પત્ની પાસે સાસરે એકાદ આંટો જઈ આવતો. જૂની રૂઢિનાં સાસરાં જમાઈ-દીકરીને જુદું શયનગૃહ ન દઈ શકતાં એ પણ વીરસુતને માટે સલામતીની વાત હતી.

(૫૯) વીરસુતની આ પહેલી પત્ની એટલે આપણા દેવેન્દ્ર-દેવ-ની બા. ગામડાંની હાડલોહી લઈને આવેલી એવી નવયૌવનભરી સ્ત્રી ત્રણજ વર્ષોમાં કેમ મરી ગઈ તેનું એક કારણ દેવેન્દ્રના દાદાજીના મોંમાંથી સહેજ સરી પડેલું આપણે સાંભળ્યું છે. વ્રતો ઉપવાસો પર એ જુવાન પુત્રવધૂ અતિશય ચાલી ગઈ હતી. આટલાં વ્રતો ઉપવાસો કરીને કંચન સરીખી કાયા ઘસતી એ દેરાણી ફક્ત એક ભદ્રાની પાસે જ એક દિવસ માંડ માંડ મોં ખોલી શકી હતીઃ એણે કહ્યું હતું કે’જરાક વધુ ખવાઈ જાય છે, જરીક પેટ ભરાઈ જાય છે કે તુરત મને, ભાભીજી, કોણ જાણે શાથી શરીરે અતિશય લોહી ચડવા લાગે છે ઃ ને પછી તમારા દેર રાત ને દા’ડો એવા યાદ આવ્યા કરે છે, કે ક્યાંય ગોઠતું નથી. ઊંંઘું છું તો સ્વપ્નાંનો પાર રહેતો નથી. સ્વપ્નાં તો ભાભીજી, સારાં ય હોય ને માઠાંય હોય. તમારા દેર પણ, ભાભીજી મને મુઈને પીલપાડા જેવી જોઈ ઝાંખાઝપટ થઈ ગયા’તા. એમણે તો કોણ જાણે કાંઈ સમજાય નહિ એ રીતે મને કહ્યું ય હતું કે હું ભણું છું ત્યાં સુધી તો શરીર કાબૂમાં રાખ ! આ તે દા’ડાથી મને મુઈને વ્રત રહેવાં બહુ જ ગમી ગયાં છે.’

આમ ભૂખી રહેવાનું બહાનું ઊંભું કરીને દેવની બા વીરસુતને વળતી જ વેકેશનમાં પોતાના શરીર પરનો કાબુ બતાવી ચિંતામુક્ત કરી શકેલી. તે પછીની વેકેશનમાં તો વીરસુતે એનાં વધુ ગળી ગયેલાં ગાત્રો તરફ જોઈ પોતે કોલેજમાં વિક્રમોર્વશીય નાટક ભણતો હતો તેમાંથી પુરૂરવા રાજાની તપસ્વિની પત્નીવાળો શ્લોક પણ સંભળાવ્યો. ચોથી વેકેશને એ જાણે પેલી હૃષ્ટપુષ્ટ ગામડિયણ પત્નીનો દેહ જ ન રહ્યો; ને કોલેજ-કાળ પૂરો થવાને વાર નહોતી ત્યાંજ દેવની બાના એ ક્ષીણ શરીરનો કાળ પૂરો થઈ ચૂક્યો.

દરમિયાન તો વીરસુતની છાત્રાલયની ઓરડીમાં ભાસ્કરભાઈની આવજા

(૬૦) ચાલુ થઈ ચૂકી હતી. વીરસુતની આંતરવેદનાના જાણભેદુ ભાસ્કરે જ વીરસુતને ભવિષ્યના હ્લેેંિી ર્ઝ્રદ્બઙ્મૈષ્ઠટ્ઠર્ૈંહજ-ના નવા ગૂંચવાડા ન ઉમેરવા માટે માટે બ્રહ્‌મચર્ય પાળવાની ગાંઠ બંધાવેલી. ભાસ્કરે વીરસુતને ચેતાવી પણ રાખેલો, કે "ભાઈ, તારો ’કરીઅર’-તારી ઉજ્જવલ કારકીર્દી જો ચૂંથી ન નાખવી હોય તો આ જૂંનાં ઢીંગલાં ઢીંગલીનાં લગ્નને તારે કોઈક દિવસ- જેમ બને તેમ જલદી- તિલાંજલિ આપવી જ જોશે; હું સમજું છું કે તારે હ્ય્દયને વજ્રનું કરવું પડશે. તારાથી જો બની શકે તો તારી ગ્રામ્ય પત્નીને પણ પોતાના મનફાવતા અન્ય સ્થાને પરણવા તૈયાર કરવી પડશે. અને એ કામ તો પાછું સૌથી વધુ કઠિન છે. જૂના સંસ્કારની સ્ત્રીઓ, તેમાં પણ પાછી વાણિયા બ્રાહ્‌મણની પરજીવી-પરાશ્રયી-પોતે ન રળી શકતી પત્નીઓ એટલી બધી તો ગુલામ લાગણીવાળી બની ગઈ હોય છે, કે પતિ નવી સ્ત્રી લાવશે તેય સહી નહિ શકે, પતિ ઘરનો આશરો પણ છોડી નહિ શકે, નહિ પતિ સામે અદાલતમાં તકરાર કરી જીવાઈ મેળવી શકે, અને છેલ્લામાં છેલ્લું, નહિ પોતાના બાળકથી છૂટી પડી શકે. બીજી બાજુ એ આપઘાત સાવ સહેલાઈથી કરી શકશે, ને તું એને ફરી પરણવાની વાત કરીશ તો તો વાઘણ બની ઘૂરકશે- પણ ગામડાંમાં છૂપા સંબંધો રાખતાં નહિ અચકાય.’

ભણી ઊંતરવા આવેલા વીરસુતને ભાસ્કરનો આ એકેએક શબ્દ સચોટ કલેજે ચોંટેલો. પોતે પત્નીના મદમસ્ત શરીર પર ટકોર કરેલી તે પણ આ છેલ્લી શંકાને લીધે જ. ને એણે પત્ની પાસે જઈ આ તમામ ચોખવટ કરી નાખવા બીસ્તર પણ બાંધી રાખેલું. મનમાં કડીબંધ દલીલો પણ ગોઠવી રાખેલી. સ્ત્રીએ શા માટે પોતાનો બગડેલો ભવ સુધારી લેવા પુરૂષના જેટલી જ સ્વતંત્ર, નવી લગ્ન-પસંદગી કરવી, એ મુદ્દા પર પત્નીને એકાએક આઘાત

(૬૧) ન લાગે તેવી સિફ્તથી સમજાવવા પોતે સુસજ્જ બનેલો. ત્યાં તો એને સ્ત્રીના અવસાનના ખબર મળ્યા, ને તેને તે બાપડીના સદ્‌ગુણો યાદ આવ્યા. ગામડિયણ છતાં કહ્યું માનનારી હતી એ વાત એણે સ્નેહી મંડળમાં વારંવાર કહી. બ્રહ્‌મચર્ય પાળવાના મુદ્દા પર એણે જે સંસ્કાર બતાવ્યો તે તો ક્રાંતિકારી હતો એમ પણ એણે જે જેને કહી શકાય તેમને કહ્યું, અને એકદમ ખરખરો પતાવીને જેને વળતી જ ટ્રેનમાં પાછા ચાલ્યા જવું હોય તેવા માણસની માફક એણે ટૂંક સમયમાં જ સ્ત્રીના ગુણોનું સ્મરણ પતાવી દઈ નવા સંસ્કારી લગ્નસંસારની વાટ મોકળી નિહાળી હતી.

’હવે પતી ગયા પછી મને તાર કરીને તેડાવવાની શી જરૂર હતી?’ આવો પ્રશ્ન વીરસુતે પોતાની પત્નીના અવસાન બાદ ઘેર પહોંચીને પિતાને કર્યો હતો.

’બીજું તો શું, આપણે સૌ સાથે હોઈએ તો દુઃખ વીસરીએ, તને અણધાર્યો આઘાત ન લાગે; ને આ દેવ નજર સામે રમતો હોય તો તારા મનને ખાલી ખાલી ન લાગે, તેટલા ખાતર.’ માસ્તર સાહેબે માળાનો બેરખો ફેરવતે ફેરવતે સામે રમતાં પાંચ-છ વર્ષના દેવુની ઓશિયાળી આકૃતિ બતાવીને જવાબ દીધો હતો. પણ વીરસુત તો દેવુને પોતાની પ્રેમહીન, વ્યભિચારરૂપી લગ્નનું પાપ-ફળ માનતો એટલે એની સામે ય જોયું નહિ.

થોડે જ દિવસે અમદાવાદથી ભાસ્કરનો તાર આવ્યો હતો ઃ ’ફસાઈ જતાં પહેલાં અહીં ચાલ્યો આવ.’

પણ પિતાએ વીરસુતને છોડયો નહિ. ’હું એકલો પડીશ તો મારૂં દિલ મુંઝાશે’ એમ કહીને રોક્યો હતો. પછી બારમો દિવસ થયો ત્યારે પિતાએ વીરસુતને પાસે બેસારી એકાંતે વાત કરી ઃ ’જો ભાઈ, વહુ ગઈ તેનું દુઃખ તને ય હશે, મને ય છે. મારૂં તો સ્વાર્થનું દુઃખ છે કેમ કે

(૬૨) એ મારા ઘરની લાજાઆબરૂ સાચવતી હતી, સુલક્ષણી હતી, પણ તારૂં તો અંતઃકરણ જ સુનકાર થયું હશે એ હું સમજું છું. હવે એ સ્થિતિ કાંઈ કાયમ તો રાખી શકાવાની નથી. વહેલો કે મોડો એનો નિવેડો તો લાવવો જ પડશે.’

’એમ કેમ માની લ્યો છો તમે?’ વીરસુત વચ્ચે બોલી પડયો હતો.

’નથી રહી શકાતું એ હું અનુભવે કહું છું. ભાન ભૂલી જવાય છે, કામકાજ સૂઝતાં નથી. પુરૂષની એ પામરમાં પામર સ્થિતિ છે. માટે ગયેલાંને યાદ કરવા ખરાં, પણ તેની વળગણ મનમાં રાખી મૂકી પુરૂષાર્થને હણાવી ન નાખવો બેટા ! વહેલું ને મોડું...’

’હજી એની ચિતા ઠરી નથી ત્યાં જ તમે એ તજવીજ કરવા લાગ્યા બાપુ?’

વીરસુત આ બોલ્યો ત્યારે એને યાદ જ હતું કે અમદાવાદના છાત્રાલયમાં કેટલીએક કુમારીઓ સાથે પોતે તો પત્ની જીવતી હતી ત્યારથી જ તજવીજમાં પડયો હતો.

’મુશ્કેલી એ છે ભાઈ !’ પિતાએ માળા ફેરવતે જ કહ્યું, ’કે સારી કન્યાઓનાં માવતર આપણી રાહ જોઈને ક્યાં સુધી ટટળે? ને વિવાહમાં તો સહેજ ટાણું ચૂક્યા પછી હંમેશને માટે પત્તો જ લાગવો મુશ્કેલ પડે છે. રહી જાય તે રહી જાય છે. આપણે સૌ મધ્યમ વર્ગના છીએ. ધંધાર્થીઓ છીએ, વ્યવસાયપરાયણ છીએ. માટે ભાઈ, જીવનની બાજી જેમ બને તેમ જલદી ગોઠવીને આગળ ચાલવા વગર આરોવારો નથી. બીજું તો પછી ગમે ત્યારે થાય, તું ફક્ત ઠેકાણાં નજરે જોઈ રાખ.’

’મારી વાતમાં તમે ચોળાચોળ કરશો નહિ!’

એમ કહીને વીરસુતે પોતાને માટે આવતાં બે પાંચ બહુ સારી

(૬૩) કન્યાઓનાં કહેણ તરછોડયાં હતાં, ને પોતે અમદાવાદ ચાલ્યો ગયો હતો. ત્યાં એને જે આશ્વાસન જોતું હતું તે મળ્યું હતું. ત્યાં એણે હોસ્ટેલમાંથી નીકળી જઈ એમ. એ. નો અભ્યાસ જુદું મકાન રાખીને જ કરવા માંડયો. અભ્યાસમાં સોબત આપવા માટે બે ચાર યુવતીઓ અવારનવાર આવી જતી, પોતે પણ તેમના છાત્રાલયમાં અથવા જેઓ ગામમાં જ રહેતાં તેમનાં માતાપિતાને ઘેર જતો આવતો થયો હતો. કોઈ કુમારી તેને પોતાની ન્યાતનાં સ્ત્રીમંડળોમાં ભાષણ દેવા નોતરી જતી તો કોઈ વળી મજૂર-લતામાં પોતે જે બાળવર્ગ ચલાવતી તેમાં ઈનામ વહેંચવા લઈ જતી.

તે સૌમાં કંચનનું સુવર્ણ વધુ ઝગારા મારતું. કંચનતો હરિજનવાસનાં બૈરાંને ભણવવાનો વર્ગ ચલાવતી. કંચનને આ સેવા જીવનમાં લગાવનાર ભાસ્કરભાઈ હતા. કંચનના માબાપ આફ્રિકાના જંગબારમાં રહેતાં અને દીકરીને અહીં રાખી ભણાવતાં રહેતાં. એનું વેવિશાળ તો નાનપણથી થયું હતું. પણએનાં માબાપ નવા વિચારમાં ભળ્યાં, દીકરીને એમણે ભણાવવા માંડી, સાસરિયાંને એ ગમ્યું નહિ. ઉપરાઉપરી કહેવરાવ્યું કે પરણ્‌યા પછી ભલે ફાવે તેટલું ભણે, અત્યારે નહિ ભણવા દઈએ. પણ માવતરે હિંમત કરીને કંચનને મેટ્રીક કરાવી પછી અમદાવાદ ભણવા બેધડક મોકલી દીધી હતી. આને પરિણામે જૂનું સગપણ તૂટ્‌યું હતું. દરમ્યાન માબાપનું ત્યાં જંગબારમાં મૃત્યુ થયું એટલે કંચન સ્વતંત્ર બની હતી.

સગપણ તોડાવવામાં ભાસ્કરભાઈનો મોટો પાડ હતો. એણે કંચનની તેજસ્વી બુદ્‌ધિશક્તિ પારખી લીધી હતી. તે પછી એક વાર બસ-ખટારાના સ્ટેન્ડ પર ઊંભાં ઊંભાં બેઉ જણને ઠીક ઠીક એકાંત મળી ગયેલ. વાતનો પહેલો તાંતનો ખેંચતાં તો ભાસ્કરભાઈને સરસ આવડતું હતું. ને તાંતણો ખેંચ્યા પછી મુસાફરી પણ બેઉએ સાથે કરવા

(૬૪) માંડી. પછી તો એજ મોટર-બસ જ્યાં જ્યાં લઈ ગઈ ત્યાં ત્યાં બેઉ જોડે જ ગયેલાં ને આખી વાત જાણ્‌યા પછી ભાસ્કરે એનાં મા બાપ સાથે તેમ જ સાસરિયાં સાથે પત્રવ્યવહાર માંડી દીધો હતો. છ જ મહિનામાં વેવિશાળ ફોક થયું હતું.

પછી કંચનને માટે ભાસ્કરે ત્રણ ચાર જુવાનોને ચકાસ્યા હતા. એક પછી એક એ ત્રણે સાથે કંચન ઘાટા ઘાટા સંબંધમાં આવી ગઈ હતી, એક પછી એક એ ત્રણેની સાથે કંચનને વિચ્છેદ પણ ભાસ્કરે જ પડાવ્યો હતો. મનના ઠીક ઠીક મેળ મળી ગયા પછી આ ઉપરાઉપરી ત્રણ ઠેકાણેથી કંચનને હ્ય્દય ઊંતરડવું પડયું હતું કારણકે ભાસ્કરે એ પ્રત્યેક સંબંધ તોડયાનાં જોરદાર કારણો આપ્યાં હતાં-

’સુમન તને બેવફા છે, એ પેલી મનોરમા પાછળ દોડે છે.’

’જયંતિ તારા ને મારા સંબંધની ઈર્ષ્યા કરે છે કંચન ! એ તો એક ઠેકાણે એટલે સુધી બોલી ગયો છે કે પરણી લીધા પછી જોઈ લઈશ, કે કેમ સંબંધ રાખે છેઃ ઘરમાં પૂરીને મારીશ !’

મઝમુદાર વિષે પણ કશીક એવી જ વાત કરેલી ઃ ’એ છોકરો દારૂડિયો નીવડશે તો હું નવાઈ નહિ પામું કંચન.’

આ ત્રણેક સંબંધો ચૂંથાઈ રહ્યાં, ત્યાં વીરસુત પણ વિજ્જ્ઞાનમાં પહેલો વર્ગ મેળાવીને અમદાવાદની કોલેજમાં પ્રોફેસર નિમાઈ ચૂક્યો. એટલે ભાસ્કરે કંચનના તોપખાનાને એ દિશામાં નિશાન લેવરાવ્યું. ને એ નિશાન પડતાં ઝાઝી વાર ન લાગી.

લગ્નની સાંજે ભાસ્કર વીરસુતને દૂર દૂર ફરવા તેડી ગયો હતો. કાંકરીઆ તળાવની પાળે બેઉ ફરી ફરી એક ઠેકાણે બેઠા હતા. ભાસ્કરે કહ્યું હતું ’તું જાણે છે વીરસુત, કે મારા જીવનમાં હું કેવો વિનાશ

(૬૫) કરીને તારા જીવનનો ફૂલબાગ રોપાવું છું? તું કેમ કરીને જાણી શકીશ ? બીજું તો શું ભાઈ ! પણ એને જતન કરીને જાળવજે. કોઈકના જ તકદીરમાં તેજ લખાયું હોય છે. સમજી લેજે કે તારા સંસારમાં એક શક્તિ પ્રવેશ કરે છે.’

વીરસુત કશું બોલી શક્યો નહોતો, એણે તો ભાસ્કરના પગ જ પકડી લીધા હતા.

જેનાં જેનાં લગ્ન-ચોગઠાં ભાસ્કરે ઘડી દીધાં હતાં, તે પ્રત્યેક પાસે લગ્નને ટાંકણે ભાસ્કર કાંઈક આજ ભાવનું બોલેલ. એવું બોલવામાં એ જુઠો પણ નહોતો. પોતે પર સાથે પરણાવેલી પ્રત્યેક કન્યાને પોતાના માટે જ વારંવાર ઝંખેલી. પોતાની સહચારી રૂપે કલ્પેલી, પણ પોતાની ઉમર પ્રમાણમાં મોટી થઈ ગઈ હતી એ કારણે એણે એ કન્યાઓ સાથે બાંધવા માંડેલો સ્નેહ પ્રણયનું રૂપ પામી શકતો નહોતો. છોકરીઓ એને વડીલ તરીકે સન્માનતી ખરી, પ્રેમી તરીકે કલ્પી ન શકતી; એટલું સમજી લઈ એ બીજા જુવાનોને લાભ અપાવતો. એટલે પોતે પ્રત્યેક જુવાનને જે કહેલું તે જુઠું નહોતું. પોતાનું જીવન વેરાન બનાવીને જ એ બીજાના સંસારમાં ફૂલબાગ રોપતો હતો.

દેવુનો કાગળ

(બે વર્ષથી ઊંગતો આવતો આ વીરસુત-કંચનનો જીવનબાગ કેવોક મ્હેકતો હતો તેની તો સુગંધ લઈને જ તે દિવસની રાતે ભદ્રા સુતી હતી.

કજિયાની રાત પૂરી થઈ હતી, પણ કજિયો શું હજી ચાલુ હતો? કજિયાનાં લાંબા મનામણાં એ પણ શું કજિયાનું જ બીજું સ્વરૂપ નથી? વહેલી ઊંઠીને ન્હાઈ પરવારી દૂધ પાણી તૈયાર કરીને ભદ્રા ક્યારની બેઠી હતી. દેરદેરાણી બહાર આવીને તૂર્ત દાતણ-પાણીથી પરવારી લ્યે એટલા માટે આસનીઆં પથારી બે લોટા અને બે લીલાંછમ સીધાં દાતણ પણ તૈયાર રાખેલાં. દાતણ કરવા બેસે કે તૂર્ત ચહા પલાળવા પાણી ક્યારનું ચૂલે ખદખદતું રાખ્યું હતું.

દા’ડો ચડયો તોયે બેઉ સળવળતાં નથી. ઓરડો કેમ સુનકાર છે ? માડી રે, કાંઈ સાહસનું કર્મ તો નહિ કરી બેઠા હોય ને બેઉ જણ?

ભદ્રાનો ધ્રાશકો વધતો ગયો. એનાં કલ્પના-ચક્ષુઓ સામે શબો દેખાયાં. એણે ધીરે ધીરે એક બે અવાજ કરી જોયા, પણ ઓરડાની શાન્તિ તૂટી નહિ. બ્હી ગયેલી ભદ્રાએ થોડીવાર વિચાર કર્યા પછી બંધ બારણાં તરફ પગલાં માંડયાં ને કાન પણ માંડયા. એટલેથી પણ પાકી

(૬૭) ખબર ન પડી તેથી તેણે અંતરિક્ષમાં હાથ જોડયા ને કહ્યું ઃ ’હે ઈશ્વર ! રંડવાળ્યનો અપરાધ માફ કરજો’ એટલું કહીને એણે તરડમાં આંખો માંડી.

’હાશ ! મારા બાપ ! હવે શાંતિ થઈ.’ એમ રટતી એ વળતી જ મિનિટે ઊંંચા પગે ઓરડા બહાર નીકળી ગઈ ને કહેવા લાગીઃ ’રાતે ભયંકર લડાઈ લડેલાં અત્યારે પાછાં ગુલતાન છે, એકબીજાને મનાવી રહેલ છે. ઈશ્વર એને ક્ષેમકુશળ રાખો. મહાદેવ એમની સૌ આશા પૂરી કરો.’

પછી તો ભદ્રાએ ઈશ્વરની વિશેષ ક્ષમા માગવાની જરૂર ન જોઈ. વારંવાર એણે તરડમાંથી જોયું અને પ્રત્યેક વાર જોઈ કરી, પાછી હસતી હસતી એ રસોડામાં પેસી ગઈ.

સારી એવી વાર થઈ ત્યારે ભદ્રા કંટાળી ઃ બાપ રે, આ મનામણાં તે કેટલાંક લાંબા ચાલતાં હશે ! આ મનામણાં તો કજિયા કરતાં ય સવાયાં ! અમને તો એક ધોલ લગાવી દેતા, અમે રડી લેતાં, ને વળાતી જ ટંકે પાછું જાણે માફામાફી કરવા જેવું કશું સાંભરતું ય નહોતું.

આઠેક બજે પતિ પત્ની બહાર નીકળ્યાં. જેમતેમ દાતણ પતાવ્યું, લુછ લુછ ચહા પીધી. પ્રોફેસરે હાથમાં રેકેટ લીધું ને પ્રોફેસરની પત્નીએ બહાર જવા મોટર કઢાવી. ત્યાં ટપાલીએ આવીને કાગળો દીધા. એક કવર પર કાચી હથોટીવાળા અક્ષરો હતા. ફોડીને કંચન વાંચવા લાગી. વાંચીને એને ભદ્રાને કહ્યું, ’ ભાભીજી, આ તો તમારે ઘેરથી કાગળ છે. ઓહો ! તમે તો અનસુને ઘેર મૂકીને આવેલ છો એ તો મને યાદ જ નહિ રહેલું. આ લ્યો કાગળ.’

’તમે જ વાંચી સંભળાવો ને મારી બેન કરૂં ! મારા હાથ અજીઠા છે.’ ભદ્રારે રોટલીનો કણક બાંધતે બાંધતે કહ્યું.

(૬૮) કંચન મનમાં મનમાં તો કાગાળ પૂરેપૂરો વાંચી ગઈ. પણ છેવટે એણે કહ્યું ઃ ’ આટલું લાંબુ લપસીંદર શું લખ્યું છે છોકરાએ ? મારૂં તો માથું દુઃખવા આવ્યું. લ્યો, તમે જ વાંચી લેજો ભૈસાબ. મને એના અક્ષરો ઉકલતા નથી.’

એમ કહી કાગળને ઉઘાડો ને ઉઘાડો રસોડામાં ફેંક્યા જેવું કરીને કંચન મોટરમાં બહાર ચાલી ગઈ. તે પછી ભદ્રાએ રસોઈ પતાવીને કાગળ હાથમાં લીધો. પહેલાં તો એ ચોળાઈ ગયો હતો તેની સરખી ઘડી વાળી. પછી કવરમાં નાખ્યો. ને પછી પોતે કવર ખોલીને અંદરથી પહેલી જ વાર કાઢતી હોય એવા ભાવથી એણે કાગળ ઉઘાડી વાંચવા માંડયુંઃ-

’ગંગા સ્વરૂપ ભદ્રા ભાભુના ચરણમાં છોરૂ દેવુના સાષ્ટાંગ દંડવતઃ તમે ચાલ્યા તે પછી અનસુ આખો દિવસ રમી છે. ફક્ત એક જ વાર બા બા કરેલ છે. એને બર દામાં દુઃખાવો થતો હતો ત્યારે દાદા તેલ ચોળી દીધું છે. એનું માથું બા ફોઈએ મીંડલા લઈને ગૂંથી દીધું છે. તમે ઘેર નથી તેથી બા ફોઈ ડાહ્યાં થઈ ગયાં છે. અનસુ તમને યાદ કરે કે તુરત હું અનસુને ખાઉ ખાઉ આપું છું. દાદાજીએ કહ્યું કે દેવુ, આજે જ ભાભુ ગયાં તો પણ આજ ને આજ કાગળ લખી નાખ, કેમ કે ભાભુને ચિંતા થાય. ચિંતા કરશો નહિ, ને બા માંદા છે તે સાજાં થાય ત્યાં સુધી નિરાંતે રહેજો. બાને કાગળ લખવા કહેજો. ને ભાભુ, અનસુ મારી પાસે જ બેઠી છે. એણે આ કાગળમાં બાને કાગળ લખ્યો છે, આ લીટા એણે કર્યા છે. આ ડાઘા એના હાથના છે. દાદાજી આજે પાંચ વાર અનસુના ઘોડા થયા હતા. કાલે પાછો બીજો કાગળ લખશું. રોજે રોજ અનસુના ખબર લખશું. જીવ ઉચક રાખશો નહિ. દાદા ફરી ફરી લખાવે છે કે બાનું શરીર સારૂં થાય ત્યાં સુધી રોકાજો, બાને

(૬૯) વાયડી ચીજ ખાવા દેશો નહિ, બાને ભજીઆં ખાવાં હોય તો મગની વાટી દાળનાં કરી દેજો, ચણાની દાળનાં નહિ. બાને શું થાય છે તે બાપુ નહિ લખે, શરમાશે, માટે તમે લખજો, દાદા દવા મોકલશે. બાને દાદાએ આશીર્વાદ લખાવ્યા છે, બાને બાફોઈએ સાંભર્યાં છે. અનસુ ઉંઘી ગઈ છે. ત્યાં બાપુજી શું કરે છે? ઘી ચોખ્ખું જોતું હોય તો દાદા મોકલે.

લી. દેવ

ભદ્રા જ્યારે આ કાગળનો અક્કેક અક્ષર બેસારતી હતી, ત્યારે મોટરમાં બેસીને ભાસ્કરને ઘેર જતી કંચન પણ આ કાગળનો અક્ષરે અક્ષર યાદ કરતી જતી હતી. એ જુઠ્‌ઠું બોલી હતી. એને એકેય અક્ષર ઉકેલ્યા વગરનો રહ્યો નહોતો. (કેમકે જૂના જમાનાની માસ્તરગીરી કરનાર દાદાજીએ દેવુને મોન્ટેસોરી પદ્ધતિની દયા પર છોડી ન મૂકતાં કોપીબુક વગેરે સારા અક્ષરો કઢાવવાની જૂની ગણાતી પદ્ધતિથી પૂરી તાલીમ આપી હતી.)

અને કાગળ વાંચ્યે કંચનનું માથું દુઃખવા આવ્યું હતું તે વાત પણ જુઠી હતી. એક નાનકડા કાગળની વાતમાં પોતે બે જુઠાંણાં શામાટે બોલી હતી તે વિચાર એને અચાનક આવ્યો. એ કરતાંય વધુ ગંભીર જુઠાણાં તો પોતે કેટલી યે વાર બોલતી હતી. પણ બોલ્યા પછી બીજી જ પળે એનો વિચાર-દોર પોતે કાપી નાખતી. દેવુના કાગળની બાબતમાં આમ ન થઈ શક્યું. પ્રથમ તો પોતે છૂપો ગર્વ અનુભવ્યો કે મારા માટે આટલાં બધાં લોકો કેવાં લટ્ટુ થઈ રહ્યાં છે. થાય તો ખરાં જ ને ! ન થાય તો જાય ક્યાં ? ભૂંડી ગરીબીમાં સબડતાં હતાં તેમાંથી બહાર તો મારા ધણીએ કાઢ્‌યાં છે ને !

ધણીની કમાઈનું એ ગુમાન, એક પલમાં તો મગર પૂછડું મારીને પાણીમાં પેસી જાય તેમ કંચનના મન પર એક પ્રહાર લગાવીને શમી ગયું.

(૭૦) કોની કમાઈ ? ધણીની ? ધણી કોનો ? મારો ગર્વ કેટલો કંગાલ ! એણે મને રાતમાં લપાટો મારી છે. એણે મને પ્રભાતે મનાવી પટાવી છે તે તો ભાસ્કરભાઈના ડરથી.

પતિની કમાણીનું અભિમાન ઊંતરી ગયું, તેને સ્થાને જાગ્યું બીજું ગુમાન ઃ એ બધાં લટ્ટુ બને છે તે તો કેળવાએલી વહુ દીકરાને વગર મહેનતે મળી ગઈ છે તેને લીધે. તેમને સૌને મારા શિક્ષિતપણાની શોભા જોઈએ છે. આગલી સ્ત્રીને કેમ હડધૂત કરી કરી મારી નાખી !

ને આ દેવુ તો સૌથી વધુ પક્કો લાગે છે. સદ વાર બા-બા-બા- લખ્યું છે. દુત્તો જણાય છે!

જેમ જેમ પોતે કાગળના આવા ઊંલટા સુરો બેસારતી ગઈ તેમ તેમ કાગળ એના મન પર વધુ ને વધુ ચોંટતો ગયો. ભદ્રા સગી છોકરીને છોડીને આવી છે તે કાંઈ સ્વાર્થ વગર નથી આવી ! જશે ત્યારે પાંચ સાડલા તો લેતી જ જશે ને ! - એ રીતે જેઠાનીના ઉપકારને ધોઈ નાખવા પણ પોતે પ્રયત્ન કરી જોયો. છતાં તે સૌ જાણે પોતાની પાછળ પડયાં હતાં. સૌથી વધુ જોરાવર તો બનતો જતો હતો બા-બા-બા-બા- એ દેવુ નો બોલ.

નિર્વિકાર !

ભાસ્કરની મેડી નીચે ગાડી ઊંભી રાખીને કંચને હોર્ન વગાડયું, ઉપરાઉપરી વગાડયું. બારીએ કોઈ ડોકાયું નહિ.

મોટરને ચાવી લગાવીને એ ઉપર ગઈ. તેટલામાં તો એને કૈંક વિચારો આવી ગયા; ઘરમાં નહિ હોય ? ક્યાં ગયાં હશે ? લલિતાને ઘેર ? કે માલતીને ઘેર ? એ બેઉ તરફ મારાં કરતાં વિશેષ લક્ષ કેમ આપે છે ? એ બેઉ જણીઓ તો અત્યારે ઘરમાં એકલી હોય છે. જઈને કોણ જાણે શીયે વાતો કરતા હશે ! મારી પણ વાતો કરતા હશે ?

એ એક બે મિનિટોએ તો આ ભણેલી ગણેલી યુવતીના કલ્પના-ચકડોળને કેટલાંય ચક્કર ફેરવી એનાં અંતરમાં નાની શી એક નરક રચી આપી. અને એટલે સુધી મનને ઊંકળાવી મૂક્યું કે ભાસ્કર ઘરમાં ન હોય તો એકદમ મારંમાર મોટરે લલિતાને ને માલતીને ઘેર જઈ પહોંચવા મન કુદાકુદ કરી રહ્યું.

પણ ભાસ્કર તો ઘરમાં જ ટેલતો હતો. એને દેખીને કંચને શ્વાસ હેઠો મુક્યો ઃ

’હા......ય !’

(૭૨) ’કેમ, હોર્ન બહુ વગાડવું પડયું?’

’સાંભળતા હતા ત્યારે કેમ મોં ન બતાવ્યું?’ કંચને સ્વરમાંથી આક્રંદ કાઢ્‌યું.

’જાણી બુઝીને.’

’કાંઈ દોષ?’

’હા જ તો, તારામાં મોટાઈ ન આવી જાય તે માટે જ જાણી બુઝીને.

’કેટલા ક્રુર છો તમે !’

’તમારી સૌની વધુ પડતી કોમલતાને કાબૂમાં રાખવા જ તો.’

’કેમ અત્યાર સુધી ઘેર ન આવ્યા? ક્યાંઈ રખડવા ગયા હતા?’

’ તારા ઘર સિવાયના ઘેરે જવું એટલે રખડવું એમ ને?’

’ના પણ મારા સોગંદ, સાચું ન કહો તો, ક્યાં ગયા હતા અત્યારમાં?’

ભાસ્કર ચપળ હતો. કંચનના અને બીજી છોકરીઓના અંતરમાં બળતા ઈર્ષ્યાગ્નિને ઓળખતો હતો. એણે જવાબ વાળ્યો ઃ ’તને કહેવા હું બંધાએલો નથી, વીરસુત બંધાએલો છે.’

’એનું નામ ક્યાં લો છો પ્રભાતમાં ?’

’કાં ? અપશુકનિયાળ નામ છે ?’

કંચને રાતની કથા રડતે રડતે વર્ણવવા માંડી. આખી વાતનો સાર આ હતો કે ’પરણવું હતું ત્યારે તો બણગાં ફુંક્યાં કે તને તરતાં શીખવા લઈ જઈશ, તારે સાઈકલ અને

(૭૩) ઘોડેસવારી શીખવી હોય તો શીખજે, તારે પુરૂષ-પોશાક પહેરવો હોય તો મને શો વાંધો છે, તારા જીવનના મિત્રો, સ્ત્રી હોય કે પુરૂષો, જે હો તે હો, તેની સાથે તારાં સંબંધો તું તારે જેમ ઠીક પડે તેમ રાખી શકશે, હું કદી પણ વ્હેમ નહિ લાવું, ઈર્ષ્યા નહિ કરૂં; આવા બણગાં આજે ક્યાંય અલોપ થઈ ગયાં છે. ને એ તો વાતવાતમાં વહેમાય છે. હું ક્યાં બોલું છું ને કોની સાથે કેમ બોલું છું એ તો ઠીક પણ સ્નેહીની સામે ક્યા પ્રકારને નજરે જોઉં છું તેનો પણ એ તો તુર્ત હિસાબ માગે છે.’

’તો પછી તું પણ સામે એવા જ સવાલો કાં નથી પૂછતી?’

’પૂછું છું જ તો.’

’બસ. એના માથાના થઈને રહેવું. થોડા નફ્ફટ થયા વગર કંઈ સંસાર નહિ ચાલે. તમારે સ્ત્રીઓએ શક્તિ બતાવવી જ જોઈએ.’

એમ કહેતો કહેતો ભાસ્કર પોતાનાં લમણાં દબાવ દબાવ કરતો હતો.

’કેમ એમ કરો છો?’ કંચને પૂછ્‌યું.

’માથું દુઃખે છે. રાતે ઊંંઘ સારી ન આવી, ને સવારે જરા વહેલો ઊંઠી બહાર ગયો એટલે શરદી લાગી ગઈ છે.’

’તમે બેસો, ને કાં સુવો, લો હું કપાળે બામ અને માથે તેલ ઘસી દઉં.’

પોતાની સંબંધી સ્ત્રીઓ આગળ આવું કામ કરાવવાનો ભાસ્કરને કશો સંકોચ નહોતો તેમ ખાસ શોખ પણ નહોતો. એ સોફા પર બેઠો, ને કંચન એનાં લમણાં ને લલાટ પર માલીસ કરવા લાગી.

(૭૪) ’બારણું બંધ કરી દઉં?’ દાદર પાસેથી કોઈ જતાં આવતાં જોવે તો સુગાય તેમ ધારી કંચને કહ્યું.

’ના, બિલકુલ જરૂર નથી.’ ભાસ્કરનો એ જવાબ ચોખ્ખોચટ હતો. પોતે જે આચરણ કરે છે તે સ્વાભાવિક સરલતાપૂર્વક જ કરે છે એવું સૌ લોકોને સ્પષ્ટ કરવાની એની ચીવટ હતી. વસ્તીવાળા મકાનમાં પોતે કોઈના વ્હેમ સંશયને પાત્ર બન્યા વગર એકલો રહી શકતો તેમાં આ કળા જ કારણભૂત હતી. માથું દબાવતો ને તેલ ઘસાવતો ભાસ્કર જરીકે વિહ્‌વળ નહોતો. એ સોફા પર સૂતો તેમાં પણ સ્વાભાવિકતા હતી. એનું લલાટ ઘસતી કંચન એના ઉપર ઝુકી રહી હતી ત્યારે પણ ભાસ્કરની સ્થિતિ સ્વાભાવિક જ હતી. પછી કંચન સોફાની કોર પર બેસી ગઈ, ને એણે ભાસ્કરનું માથું સગવડને ખાર ખોળામાં લીધું તો પણ ભાસ્કરની સમતામાં ફેર નહોતો પડયો. સૂતો સૂતો એ કંચનને એના પ્રશ્નોના જવાબ દેતો જતો હતો. એક જવાબ આ હતો-

’તને ન જ ફાવતું હોય તો છુટાછેડા લઈ લે. તમારૂં તો સીવીલ મેરેજ છે.’

’પછી ક્યાં જાઉં !’

’આવડી દુનિયા પડી છે. તું ભણેલી ગણેલી છે. નોકરી કરજે, ઈચ્છિત જીવન સ્વતંત્રપણે ગાળજે.’

કંચનને ગળે ઝટ ઝટ ઉતરી જાય તેવો આ શેરો નહોતો. નોકરી કરવાની કડાકૂટ, છેક આટલાં વર્ષે, પારકા રળનારના ખર્ચે મોજમજા માણવાની લાંબી ટેવ પડી ગયા પછી, થઈ જ શી રીતે શકે? સ્વતંત્ર જીવન જીવવા બેસું તો પછી મારૂં ઢાંકણ કોણ ? આજે પરણીને બેઠી છું તો ફાવે ત્યાં ફરૂં છું, કોઈ ઊંઘાડું નામ લઈ શકે છે? ને પછી તો સૌ આબરૂ ઉપર પાણા જ ફેંકે ને?

(૭૫) એકાએક વિચાર-ત્રાગડો તૂટી ગયો. અધખુલ્લું બારણું ઊંઘડયું ને વીરસુત દાખલ થયો. હાથમાં રેકેટ હતું, અને પગમાં ટેનીસ-જૂતા હતા તેથી જ દાદર પર અવાજ થયો નહોતો.

વીરસુતને જોતાં ભાસ્કરે તો જેમની તેમ સ્થિતિમાં પડયાં પડયાં જરીકે હાલ્યા ચાલ્યા વગર આંખો માંડીને કહ્યું ’આવો.’ એણે તો પોતાના હાથ કંચનનાં ઘૂંટણ ઉપર ઢળેલો હતો તે પણ હટાવ્યો નહિ.

એ સમતા કંચનમાં નહોતી. એણે સફાળા જ ભાસ્કરનું માથું નીચે સેરવી નાખ્યું. ભાસ્કરનાં લમણાં અને માથું ચોળવાની એની છૂટ સંકોચાઈ ગઈ. એણે દાબવું બંધ કર્યું નહિ છતાં પોતે કશું ક અનુચિત કામ કરી રહી હતી એવો ક્ષોભ અનુભવ્યો. એના હાથ ધીમા પડયા.

વીરસુત તો ખમચાઈ જ ગયો. એને પાછા દાદર ઊંતરી જવા દિલ થયું. પોતે આવ્યો તે ન આવ્યો થઈ શકત તો રાજી થાત. એ ભાસ્કરના ’આવો’ શબ્દનો ઉત્તર ન આપી શક્યો. ન તો એ ખુરશી પર બેસી શક્યો. બરી પાસે જઈને એ ઊંભો રહ્યો. બારી વાટે બહાર જોઈ રહ્યો. જોતાં જોતાં એ વિચારતો હતો ઃ મારૂં માથું કે મારૂં કપાળ તો આણે કદી જ દાબ્યું કે ચોળ્યું નથી. કહ્યા કરે કે હજુ ય પુરૂષોને અમારી પાસેથી ગુલામી જ ખપે છે. કાં તો કહે કે મારા હાથની ગરમી તમને લાગી જશે !

ત્યારે આંહી આ સ્વસ્થતા ને આ સેવાપરાયણતા કેમ ?

કદાચ એ શરીરસેવા જ હશે. નર્સો ડોક્ટરો શું નથી કરતા?

પણ તો મારાથી ચોરી કેમ રાખી ? મને દેખીને જ કાં માથું હેઠે ઉતાર્યું ? એ ચોરી નહિ ? નર્સો ડોક્ટરોના જેવી સ્વાભાવિકતા એમાં ક્યાં રહી?

(૭૬) આટલું એ પૂરૂં વિચારી રહ્યો નથી ત્યાં તો ભાસ્કરે કહ્યું ઃ- ’લે ત્યારે કંચન, ભેગાભેગી મારા હાથનાં કાંડા પણ ચોળી દે. મને બધો જ થાક ઊંતરી જશે. તું આટલું સરસ ચોળી જાણે છે ત્યારે તો શું ! વીરસુત બડો ભાગ્યશાળી છે.’

વીરસુત કશું બોલી શક્યો નહિ. કંચન પણ એની સામે જોયા વગર જ તેલ લઈ ભાસ્કરના હાથ ચોળવા મંડી.

વીરસુતને એકાએક આ ક્રિયાથી ખટક લાગી હતી તે શું ભાસ્કર પામી ગયો હતો? ને તેથી જ શું એ ક્રિયાને સ્વાભાવિક નિર્વિકારી ક્રિયા તરીકે દેખાડવા આ ચાલાકી કરી રહ્યો હતો ? કે ખરે જ શું ભાસ્કરનું મન આ માલેસી, આ ચંપી તેમ જ આ ખોળામાં માથું લેવાની ક્રિયામાં વિકારદૃષ્ટિએ જોતું જ નહોતું?

જાણવું કઠિન હતું. કળાનો અર્થ જ એ કે પોતાના કાર્યને કુદરતી, સ્વાભાવિક, નૈસગ્ર્િાક કરી બતાવે. સાચી કલા જ એનું નામ કે જે કાગળ પર ચિતરેલા ઝાડને સરોવરને ધરતી પરનું જ ઝાડ કે સરોવર હોવા જેવી ભ્રાંતિ કરાવે. એમ જો ભાસ્કર કુશલ કલાકાર હોય તો એ આખી જ ક્રિયાને કુદરતી સારવારનું સ્વરૂપ કેમ ન આપી શકે?

વીરસુતની તાકાત નહોતી કે એ માલીસી અટકાવી શકે.

માલીસ પૂરૂં થઈ રહ્યું ત્યારે એણે કંચનને કહ્યું ઃ ’ચાલો જઈએ.’

’તું તારે ગાડી લઈ જા, એને હું હમણાં મુકી જાઉં છું.’ ભાસ્કરે સૂતે સૂતે ઠંડે કલેજે જવાબ વાળ્યો.

’ના, અમે જોડે જ જઈશું.’ વીરસુત માંડ માંડ બોલી શક્યો.

(૭૭) ’જાણ્‌યું એ તો તું હિંદુ નારીનો પતિ છે તે !’ ભાસ્કરે ટાઢા ડામ ચાંપવા માંડયાઃ ’પણ એનું કંઈ હાલતાં ને ચાલતાં પ્રદર્શન હોય?’

’નહિ, ચાલ કંચન.’ એમ કહી વીરસુતે કંચનનું કાંડું પકડયું. કંચન છોડાવવા ગઈ, પણ વીરસુતે દાબ વધાર્યો. કંચને ’ઓ મા !’ કહી ભાસ્કર સામે જોયું. ભાસ્કરે હજુ પણ સૂતે સૂતે કહ્યું ઃ ’હવે છોડે છે કે નહિ, બેવકૂફ?’

તમારે શું છે વચ્ચે આવવાનું?’ વીરસુતે કાંડુ છોડયા વગર કહ્યું ને એણે કંચનનો હાથ ખેંચવો શરૂ રાખ્યો.

જાણે સ્નાન કરવા ઊંઠતો હોય એવી શાંતિ ધરીને ભાસ્કર ઊંભો થયો. એણે સીધા જઈને પહેલું તો બહાર જવાનું બારણું બંધ કરી દીધું ને પછી એ વીરસુત તરફ વળ્યો. એ રોષ કરતો ત્યારે ડોળા ન ફાડતો, પણ આંખો પર પોપચાં સવિશેષ ઢાંકી વાળતો. જાડાં જાડાં ભવાંવાળી અર્ધમીંચેલ આંખો સાથે, બે હાથ સ્હેજ પહોળાવી, ધીમા પ્રમાણબદ્ધ પગલે ચાલ્યા આવતા ભાસ્કરનો સીનો આસુરી બન્યો. એનાં મોંમાંથી હાં-હાં-હાં-હાં એવા ગાનનાં જે તાન નીકળતાં હતાં તેણે એની આકૃતિને વધુ ભયાનકતા પહેરાવી. એણે એટલો તો જલદીથી ધસારો કરી નાખ્યો કે વીરસુતને દૂર થવાની તક જ ન મળી.

એના હાથના તમાચા ને પગની પાટુઓ વીરસુત ઉપર જરીકે ઊંંચો અવાજ થયા વગર જ વરસી રહી. ’લઈ જા-લે લઈ જા - હું જોઉં છું તું કેમ લઈ જાછ!’ હાં-હાં-હાં-હાં-’ એ સંગીત સ્વરો પણ સાથોસાથ ચાલતા હતા. કેમ જાણે માણસ નહાતો હોય !

વીરસુત પહેલી હારનો વિદ્વાન હોઈ શરીરે કમજોર હતો.

’તું શા માટે ગભરાય છે હવે?’ એ વીરસ્તુરને મારતો મારતો હેબતાઈ ગએલી કંચનને હિંમત આપતો હતો. કંચન કહેતી હતી ’હવે રહેવા દો, હવે બસ કરો ને ! હવે નહિ-ભૈ નહિ.’

(૭૮) ’તું આંહી જ રહેજે કંચન.’ એમ કહી ભાસ્કર લડથડતા વીરસુતને હાથ ઝાલી નીચે ઉતારી મોટરમાં નાખી મોટર સહિત ઘેરે મૂકી આવ્યો, ને પાછા આવી એણે કંચનને કહ્યું; ચાલ’

’ક્યાં?’

’પહેલાં દાક્તરની પાસે, ને પછી પોલીસ-કચેરીએ.’

’કેમ?’

’એ ફરિયાદ કરે તે પૂર્વે જ આપણે પાણીઆડે પાળ બાંધીએ.’

કંચનને તો વિચાર કરવાનો સમય નહોતો. સમય હોત તો પણ શક્તિ ક્યાંથી કાઢે? બાવીસ વર્ષની છોકરી, ભણવામાં પ્રકાશેલી ને સેવામાં ઝળકી ઊંઠેલી, એટલે વિવેકબુદ્‌ધિને તો એ બધા ઝળકાટમાં વિકસવાનો અવકાશ જ ક્યાં હતો? એ ઊંઠી.

’તારી બંગડીઓના કટકા નીચે પડેલા છે તે લઈ લે. ને જોઉં તારૂં કાંડું?’

એમ કહી એણે કંચનનો હાથ ઝાલી કાંડા પર નજર કરી, ’હાં, આ રહ્યા ચોખ્ખા આંગળાના આંકા. ને આ સોનાની બંગડી પણ વળી ગઈ છે ને શું ! બસ પુરાવો ચોક્કસ છે. ચાલો.’

’પણ-’ કંચન સહેજ આંચકો ખાતી હતી.

’તું સમજી નહિ, કંચન.’ ભાસ્કરે આંખો ચમકાવીને કહ્યું ઃ ’ભણેલા પતિઓની જુલ્મગારી ઉઘાડી પાડવાનો આ અવસર છે. તેઓનાં આ જંગલીપણાં તો ઘેર ચાલી રહેલ છે. તેનો ભવાડો કરવામાં પાપ નથી, ધર્મ છે, સેવા છે.’

એમ બોલી, એણે કંચનનું કાંડું કોમળ હાથે ઝાલ્યું, બેઉ બહર નીકળ્યાં.

તુલસી કરમાયાં

કાં દેવુ, તારા દાદા છે ને ઘરમાં?’ સવારમાં જ એક જ્જ્ઞાતિભાઈ આવે છે, ને દેવુને પૂછે છે.’

’ઠીક નથી, સૂઈ ગયા છે.’ દેવુ જવાબ વાળતો વાળતો જુવે છે કે આ જ્જ્ઞાતિભાઈ વરસને વચલે દા’ડે પણ ઘેર કદી ડોકાતા નથી હોતા!

’આ શું આવેલ છે અમદાવાદના છાપાંમાં-’ લાકડી હલાવતા એ જ્જ્ઞાતિજન સંજવારી કાઢતા દેવુને એની મરજી વિરૂદ્ધ વાતોમાં ખેંચે છે.

’આ શું તારી બા ને તારા બાપુ વચ્ચે કોર્ટમાં કાંઈ કેસ ગયો છે?’

’મને ખબર નથી.’ દેવુને બા, બાપુ અને કોર્ટમાં કજીયો, એટલા શબ્દો બિલાડીના નહોર જેવા લાગ્યા.

’તારા દાદાને કહે કહે, કે ઊંંઘ શે આવે છે?’

એમ કહી એ એક જણ ચાલ્યો ગયો, બીજો આવ્યો, ત્રણ ચાર આવ્યા, પાછા ચાલ્યા ગયા. દાદાને તાવ હતો.

(૮૦) ’તાવ તો ચડે ને ભાઈ !’ આવનારાઓ તાવનું કારણ સમજતા હતા તેટલું બસ નહોતું. તેમને એથી વિશેસ સંતોષ લેવો હતો. તેઓ પણ છત્રીઓ, લાકડીઓ અને શાકની ઝોળીઓ હલાવતા હલાવતા પાછા ગયા.

અંદરને ઓરડે સૂતેલા સોમેશ્વર માસ્તરની પથારી પાસે નીચે સવારનું છાપું દબાવેલું પડયું છે. બારણું બંધ કરીને એણે માથા પર ઓઢી લીધું છે. બીજી બાજુ ફરીને એ નવું છાપું વાંચે છે, બીજી વાર વાંચે છે, ત્રીજી વાર વાંચે છે. ચોખ્ખું અને મોટા અક્ષરે છપાએલું છે

બંગડીઓના ટુકડે ટુકડા !

પ્રોફેસરે ઉઠીને મારેલો સુશિક્ષિતા

પત્નીને માર

અમદાવાદનાં પ્રજાજનોમાં ફાટી

નીકળેલો પુણ્‌યપ્રકોપ.

નીચે ઝીણા અક્ષરોમાં વિગતો હતી. નામ, ઠામ ને ઠેકાણું હતાં. કંચનગૌરી નામનાં એ પતિપીડિત બહેનની વહારે વખતસર ધાનાર ’જાણીતા નારીરક્ષક શ્રી ભાસ્કર ઠાકોર’નું પણ નામ હતું.

સોમેશ્વર માસ્તર ફરી ફરી વાંચતા હતા. માથું ચક્કર ચક્કર ફરતું હતું તો પણ વાંચવું પૂરૂં થતું નહોતું, મારા જ પુત્ર વીરસુતની આ વાત છે કે બીજા કોઈ વીરસુતની? આ કંચનગૌરી નામ તો મારી પુત્રવધુનું. હે શિવ ! આ છાપાંનું લખાણ કોઈએ સ્વપ્નમાં તો નથી લખ્યું ને ? આ કોઈ જોડી કાઢેલી વાર્તા તો નથીને?

ગાત્રોમાંથી લોહી જાણે પાણી પાણી બનીને નીતરી જતું હતું. પ્રભારે કોઈક એમને લાલ નિશાની કરીને છાપું આપી ગયું હતું, તેનાં મથાળાં વાંચીને જ પોતે ઓરડામાં પેસી ગયા હતા. ઓઢીને સૂઈ

(૮૧) ગયા હતા. ઘડીક શરીર ગરમ થઈ ધગધગી જતું હતું ને ઘડીક સ્વેદ વળતાં હતાં. ’કોઈને મળવા બેસારીશ નહિ દેવુ,’ એમ કહીને પોતે પુરાઈ ગયા હતા. વાંચી વાંચીને એ બનાવ સાથેના પોતાના સંબંધને ભૂંસી નાખવા કલ્પનામાં ઘણી મથામણ કરતા રહ્યા. પણ બનાવ એની ખોપરીમાં બાંકોરૂં પાડીને જાણે પાછળની બોચીમાંથી પેસતો હતો.

ઘરમાં એક ગાંડી હતી, એક યુવાન વિધવા હતી, એક અર્ધ આંધળો, અર્ધ અનાથ ને અર્ધલુચ્ચો સાળો હતો. ઉપરાંત એક નાની અપંગ પૌત્રી અત્યારે માબાપ વગરની થઈને જીવતી હતીએ. માથે સદાનો વિચ્છિન્ન અને બાપે લગભગ તિરસ્કારી ત્યજેલો એક પૌત્ર હતો. છતાં જે ડોસાને તુલસીનો એક લીલો ક્યારો સદાય મસ્તાન રાખતો હતો, તે ડોસાએ છાપામાં વાંચેલ બનાવ પછી તુલસી-ક્યારો કરમાઈ જતો કલ્પ્યો. પોતાનું મોં એને જગતમાં ન બતાવવા જેવું લાગ્યું. એણે કામળો વધુ ને વધુ લપેટી, કામળાની ચારે બાજુની કોર વધુ દબાવી લજ્જાના અંધકારને પોતાની આસપાસ વધુ ને વધુ ઘાટો બનાવ્યો.

સોમેશ્વર માસ્તરનાં ઘરમાં આ બનાવ એટલો તો નવીન હતો કે તુલસી-કયારાની મંજરીઓને પણ ખબર પડી જાય. પ્રભાતે રોજ મોં ધોઈને બે પાંદ મોંમાં મૂકવા ડોસા આવ્યા નહોતા. નવા કૂંડામાં વાવેલ અજમાના છોડને અને અરડૂશીના રોપને નવાં પાંદ ક્યાં ક્યાં ફૂટ્‌યાં છે તે દેવુને દેખાડવા ડોસા દાતણ કરતા કરતા ફરતા નહોતા તેથી આંગણાની માટી પણ જાણે કંઈક અમંગળ બનાવને કળી ગઈ હતી.

દેવુ તો કળી જ બેઠો હતો, છતાં તે પણ આ રોપાઓ અને આ માટી જેટલો જ મૂંગો બન્યો હતો. પણ મૂંગી નહોતી રહી શકી એક નાની અપંગ અનસુ. દેવુ એને દૂર લઈ જતો હતો

(૮૨) પણ એ દાદાના ઓરડાના દ્વાર પર પગ ઘસડતી આવતી હતી, બારણું ભભડાવતી હતી, ધીમા રૂદનભરપૂર અવાજે બોલાવતી હતી, ’દાદા, ચાલો લમવા, દાદા છું થયું છે? દાદા માલી ચોપલવાની દવા પીઓને ! છાલું થઈ જછે.’

અનસુને ખબર નહોતી કે ચોપડવાની દવામાં ઝેર હોય.

અનસુના આ શબ્દોએ દાદાને ચમકાવ્યા. અંધકારમાં ઊંતરી ગયેલા માસ્તર તરફ નાની અનસુએ જાણે કે ખીણને ઊંંચે કિનારે ઊંભા રહી એક ઊંગરવાનું દોરડું ફગાવ્યું : અનસુને ચોળવાની દવા ! હા, હા, એ દવા જ ઠીક છે. આંહીં ઓરડામાં જ છે એ શીશી. એ પી લઉં તો આ નફ્ફટ, નિર્લજ્જ અને કલંકિત સ્થિતિમાંથી ઊંગરી જઈશ. આ સ્થિતિ અસહ્ય છે. મારા પુત્રનું નામ ને મારી પુત્રવધૂનું નામ છાપામાં ! એથી તો યમના ચોપડામાં બહેતર છે. મારા ઘરનાં બે જણાંનો કલહ સરકારી અદાલતમાં ! એથી તો મારે માટે ઈશ્વરનો દરબાર જ ભલેરો છે. અનસુ રસ્તો બતાવે છે.

’દાદા ! ઉઘાલો : દાદા, હું નહિ લોઉં : દાદા, અનછુ દવા પી જછે : દાદા, અનછુ તમાલી ડાઈ દીકલી છે : દાદા ન લીછાવઃ’ એ અવાજો ઓરડાના દ્વાર પર વધુ ને વધુ કરૂણ બનતા ચાલ્યા.

’અનસુ!’ દેવુ વારે વારે આવીને આ નાની બાલિકાને બારણા પરથી દૂર હટાવી જતો હતો. અને અનસુને કહેતો હતો : ’અનસુ, તું બાફોઈ પાસે ડાહી થઈને બેસી રહીશ? તો હું બા ને તેડી આવું હાં કે? હું અમદાવાદ જઈ બાને લઈ આવું.’

’બા નૈ, દાદા જોઈએ : બા ને છું કલવી છે ? દાદાને ઘોલા કલવા છે. દાદા આપો....’ અનસુનું આક્રંદ ઓરડાની અંદર દાદાની અને ઝેરી દવાની શીશી વચ્ચે જાણે કે સ્વરોનો સેતુ બાંધતું

(૮૩) હતું ને આ દેવ શું કહી રહ્યો છે? અમદાવાદ જઈ બાને લઈ આવવાનું? કોની બાને? અનસુની બાને ? કે પોતાની સાવકી બાને? એને બા કહી શકાય? એ કોઈની બા થઈ શકે ? એ સગા બાળકની બા નથી થઈ હજુ, તો એ દેવની બા શી રીતે બની શકશે? એ આંહીં આવશે ? આ ઘરમાં પગ મૂકવા દેવાય એને ?

કાન માંડીને માસ્તર બહાર થતી વાત સાંભળવા લાગ્યાઃ દેવ શું કહી રહ્યો છે? એ તો ગાંડીને કહે છે : ’બાફોઈ, તમે ઘર સાચવશો? અનસુને રાખશો ? તમે રસોઈ કરતાં કરતાં કપડું નહિ બાળોને ? તો હું અમદાવાદ જઈને બાને તેડી આવું હો બાફોઈ? જુવો બા ફોઈ, ગાડી હમણાં જ જાય છે.’

ડોસાએ આ શબ્દો સાંભળ્યા, એના શરીરમાં સ્ફૂર્ત્િા આવી. એણે કામળો દૂર કર્યો. ઊંઠીને એણે બારણું ખોલ્યું. એના મોં ઉપર છેલ્લા એક જ પહોરમાં તો જાણે કાળ હળ ખેડી ગયો હતો !

અનસુની આંખોમાંથી આંસુ તો હજુ દડ દડ વહેતાં હતાં ત્યાં જ અનસુ દાદાજીના સામે પોતાના હાથ લંબાવતી હસી પડી. એને તેડીને દાદાએ દેવુને ઓરડામાં લીધો. પૂછ્‌યું, ’તું શું કહેતો હતો ?’ એના ગળામાં ડૂમો હતો.

’હું અમદાવાઅદ જઉં દાદા, મારે મારાં બાને મળવું છે.’

’તેં વાંચ્યું દેવ?’

’હા દાદા, મારે બાને મળવું છે. એક વાર મળવું છે.’ બોલતો બોલતો એ પોતાનાં આંસુ અણછતાં રાખવા માટે ઊંંચે છાપરા તરફ જોતો હતો.

’મળીને...?’

(૮૪)

’કહીશ,’

’શું કહીશ?’

’કે ચાલો ઘેરે. દાદા બોલાવે છે.’

’મેં તો બોલાવેલ નથી. દેવલા, મેં તો તને તેડવા જવા કહ્યું નથી.’

’તો પણ-હું જૂઠું બોલીશ. મેં તુલસી-ક્યારે પગે લાગી જૂઠું બોલવાની રજા લીધી છે.’

’દેવુ !’ દાદા ગુસ્સે થતા હતા કે રૂદન કરતા હતા તે નક્કી કરવું કઠિન હતું; ’તારે ત્યાં નથી જવું, ના, નહિ જવા દઉં. એ તને અપમાનશે. એ આપણી કોણ, કઈ સગી ! એણે કોરટમાં.... મારાં આ પળીઆં તો જો દેવુ ! એણે મારા આ પળીઆં તરફ પણ ન જોયું. એણે તારા બાપને... એને તું બા કહેવા જઈશ?’

’હા દાદા, મને એક વાર જવા દો, હું એમને કહીશ.’ દેવુ બોલી શકતો નહોતો.

’પણ તું શું કહીશ?’

’કંઈક કહીશ, અત્યારે શું કહું કે શું કહીશ? જે કહેવાનું મોં પર આવશે તે કહીશ.’

’મારો દીકરો ! શાબાસ ! પણ નહિ, તને ક્યાંઈક... તને એ ક્યાંઈક...’

ડોસા કંઈક ભયંકર વાત કહેતા કહેતા રહી ગયા. પછી ’દેવ, મને જવા દે. તું ઘર સાચવ.’

’ના, મને જવા દો દાદા.’

’એકલો કેમ જવા દઉં?’

(૮૫) ત્યાં તો પાછળની પરશાળેથી એક સ્વર આવ્યો : ’હું જ દેવુ જોડે જાઉં તો !’

એ સ્વર જાડો ન ભરડાયેલો હતો. બોલનાર પાછલી પરશાળમાં ઊંભા ઊંભા બારીમાં ડોકાતા હતા.

એ હતા અર્ધાઆંધળા જ્યેષ્ઠારામ : એણે આ ઘરની પરશાળમાં આસન જમાવ્યાને આજે બેક વર્ષ થઈ ગયાં હતાં. પણ કોઈ દિવસ એણે ઘરની કશી વાતમાં રસ લીધો નહોતો. એણે બેટંક થાળી ભરીને ભોજન, અને બાકીના વખતમાં બને તેટલી નીંદર વગર કશું જાણે કે જીવવા જેવું આ જગતમાં જાણ્‌યું નહોતું. એણે પાણીનો એક પ્યાલો પણ ઉપાડીને દૂર મૂક્યો નહોતો. ઘરનો ધરાર-ધણી બનીને બેઠેલો એ દગડો, આંધળો, અને વખત આવ્યે કાળઝાળ વઢકણો માણસ આજ એકાએક જાણે મસાણમાંથી ઊંઠીને બોલ્યો ’હું જાઉં!’

એ ઘાંટો બિહામણો લાગ્યો. બુઢ્‌ઢા સોમેશ્વરને ચીડ ચડી. કોઈ દિવસ નહિ ને આજે જ એમનાથી જવાબ અપાઈ ગયો કે, ’બેઓ, બેસો, સમજ્યા વગર શું કહો છો કે હું જાઉં.’

’ના; સમજીને પછી જ કહું છું. મને ખબર ન પડે ભલા? આ ઘરનું બે ટંક અનાજ ખાઉં છું તે શું હરામનું ખાઉં છું?’

સોમેશ્વરને આ જવાબે વિશેષ ચીડવ્યા. એણે ફરીથી કહ્યું : ’બેસો બેસો છાનામાના.’

’તો ભલે.’ એટલું કહીને જ એ પોતાના આસને બેસી ગયો. ને દાદાએ દેવને કહ્યું ’ના દેવુ, તારે નથી જવું. તાર કરવા દે.’

તાર મોકલીને ફરી વાર ડોસાએ હ્ય્દયમાં શૂળા ભોંકાતા અનુભવ્યા. એણે ફરી વાર કામળાની સોડ તાણી, એણે સારા સમચાર ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ નિરધાર્યો.

(૮૬) દરમિયાન દેવુ એ પાછલી પરશાળના નિવાસી આંધળા મામાને (પિતાના મામાને) દોરતો બહાર રવાના થઈ ગયો હતો. બેઉ જણા સ્ટેશન તરફ જતા હતા. પોતાને દોરવા પ્રયત્ન કરતા દેવુને મામા દૂર ગયા પછી કહેવા લાગ્યા, ’તું મારી ફિકર ન કર. હું ક્યાંય નહિ અથડાઈ પડું.’

’તમને દેખાતું નથી ને!’

’દેખવું હોય ત્યારે બધું જ દેખાય - જો પરોવવાં હોયને, તો મોતી યે પરોવી શકું, એવો મારો અંધાપો છે હો દેવુ ! એ પણ અંધાપાનો એક પ્રકાર છે હો દેવુ ! હે-હે-હે-હે-’ એમ હસતો હસતો એ ’અંધ’ એક નાના પથ્થરને પણ પોતાની ઠેશે ન આવવા દેતો સડેડાટ ચાલ્યે જતો હતો.

’અંધાપાનો એ પ્રકાર’ દેવુને તો સાચો લાગ્યો.

’અરે પણ ટિકિટના પૈસા!’ દેવુએ એકાએક સ્ટેશને પહોંચી ધ્રાશકો અનુભવ્યો.

’ફિકર કર મા ભાઈ, તું તારે આ લે’ એમ કહી એ ’અંધ’ મામાએ પોતાની કમ્મરે હાથ નાખ્યો. બહાર આવેલ એ હાથમાં સફેદ ચાંદીના પતીકાં હતાં.

સ્ટેશનેથી દેવુએ દાદાને સંદેશો મોકલ્યો : અમે અમદાવાદ જઈએ છીએ. ફિકર કરશો નહિ. કપડાં મેં લીધાં નથી, ભાભુને કહીશ, કરાવી આપશે.

બારણાં ઉધાડયાં

આંધળા મામાજીએ સ્ટેશનની ટિકિટ-બારી પર ટિકિટો કઢાવી, તે અમદાવાદની નહોતી, નજીકના જ સ્ટેશનની હતી. એણે રૂપિયો વટાવી પૈસા પાછા ગણી લીધા ત્યારે એના અંધાપાએ દેવુને ચક્તિ કર્યો. એણે ગાડી-ડબાની ભીડાભીડ ભેદી બેઠક લીધી ત્યારે એની આંખો બે હોવાને બદલે જાણે ચાર બની ગઈ. એણે મીંચેલી આંખે જ બધું કામ લીધું. એના હાથ જ્યાં બૈરીઓ બેઠી હતી ત્યાં જ લાંબા થયા, અને ’મેર રે મેર મ’રા રોયા આંધળા !’ એવું બોલતી સ્ત્રીઓ છેટે ખસી ગઈ. ’હશે બાપા ! આંધળો મુવો છું બેન !’ એમ બોલી બોલી એણે સલામતીથી બેઠક મેળવી.

માર્ગમાં ટિકિટ તપાસનારો મળ્યો. આંધળા મામાજીએ ચડાપ ચડાપ ટિકિટો બતાવી. ’તમારે ક્યાં જવું છે સુરદાસજી ?’ એવું પૂછનાર ટિકિટ-એક્ઝામીનરને એણે તડાક તડાક જવાબ દીધો ’અમદાવાદ જ તો.’

’આટિકિટ અમદાવાદની નથી.’

’ન હોય કેમ સાહેબ ? મેં રૂ. ચાર રોકડા આપ્યા છે.’

’એ તમે જાણો ને તમારા ગામનો ટિકિટ-માસ્તર જાણે. આ ટિકિટો તો ક્યારની પૂરી થઈ ગઈ.’

(૮૮) રેલવે-નોકરના એટલા જ કહેવા સામે આંધળા મામાજીએ આખો ડબો ગજાવ્યો. એણે ભેંકડા તાણી તાણીને રડવા માંડયું. તેના આક્રંદે આખા ડબાની અનુકમ્પા જગાવી-

’મારા આંધળાના પૈસા ખાઈ ગયો ! હું હવે ક્યાં જઈશ? હું ગરીબ બામણ છું. બેય આંખે અધારૂં ઘોર છે. મેં પંદર દા’ડા સુધી ભીખી ભીખીને પૈસો પૈસો ભેગો કર્યો હતો. આ મા વગરનો નાનો છોકરો.... હે પ્રભુ ! જેણે મારા પૈસા ખાધા તેનું ભલું કરજે ! હું ગરીબ બરામણ ! હું શરાપ દેતો નથી. એનું સારૂં થજો. મારો જુવાન દીકરો અમદાવાદ મરણપથારીએ છે. હવે હું શું કરીશ ? ક્યાં જઈશ ?

એ વિલાપથી તો દેવુ પણ રડવા જેવો થઈ ગયો. મામાજીને આવો વિલાપ કરી દયા જગાડવાની આવડત હતી તે તો દેવુ પણ જાણતો હતો. ઘરમાં કોઈ કોઈ આવા પ્રસંગો બની જતા, ત્યારે મામજી ગળું અને આંખો વહેતાં મૂકતા. એ વિલાપ કરવાની કળાએ જ મામાજીને માટે દેવુના ઘરમાં કાયમી સ્થાન કરાવેલું. એ જ વિલાપે આ મુસાફરોની અમદાવાદ સુધીની મફતીઆ મુસાફરી મોકળી કરી આપી.

’હોશિયારીથી કામ લેવું જોઈએ દેવુ ! અ તો પારકો પરદેશ કહેવાય.’ મામાજીએ દેવુના ડંખતા હ્ય્દયને દિલાસો દીધો.

દેવુ મામાજીની આંખો સામે તાકી રહેતો. એ આંખો અધબિડાયેલી જ રહી હતી. છતાં અમદાવાદની બજારમાં જાણે મામાજીને કપાળે નવી આંખો ઊંઘડી હતી.

’છતે અંધાપે હું તારી સાથે શા માટે આવ્યો છું દેવુ, તું જાણે છે?’ મામાજીએ વાત ચલાવી ઃ ’તારા બાપને તું એક જ બચાવી શકશે એટલા માટે. અમે કોઈ આમાંથી રસ્તો નથી કાઢી શકવાના.’

(૮૯) દેવુનું હૈયું અંદરથી હોંકારો કરી ઊંઠ્‌યું. પોતે કઈ રીતે બાપના સત્યાનાશ પામતા જીવતરને ઉગારી શકશે તેની એને ગમ નહોતી પણ પોતે આવ્યો હતો તો કાંઈક કરી જ બતાવવા એટલી એને સાન હતી.

અંધા મામાજીએ દેવુના શરીરે હાથ ફેરવતાં દેવુના ગજવા પર એનો હાથ ગયો.

’અલ્યા, આ શું ભર્યું છે ગજવામાં ?’ એણે ચોંકીને દેવુને પૂછ્‌યું.

’પથરા’ દેવુના અવાજમાં દબાયેલો મિજાજ હતો.

’શા માટે?’

દેવુએ જવાબ ન દીધો. પણ એની ઈચ્છા એના મનમાં વધુ વધુ ઘૂંટાતી હતી. એ મનમાં મનમાં કહેતો હતો ઃ એ દુષ્ટા નવી બાને દૂરથી દેખું એટલી જ વાર છે. આ પથ્થરે પથ્થરે એનું કપાળ ફોડી નાખું. ને એને કાનોકાન ગાળો સંભળાવું કે ’તું દુષ્ટા છે, તું નઠારી છે, તું મારી મુવેલી બાની જગ્યાએ કદી જ ન આવી શકે તેવી છે. અમારા દાદાજીના તુલસી-ક્યારાનાં પાંદ સૂકાય છે તેનું કારણ કે તું દુષ્ટા છે.’ આટલી ગાળો દઈને હું દોડી જઈશ. એ મને પકડવા આવશે તે પહેલાં તો હું ઘરમાં પહોંચી જઈશ. અમારા ઘરનાં તુલસી કંઈ અમસ્થાં કરમાતાં હશે ! દાદાએ જ છેલ્લા ચાર દિવસથી કહેલું કે દેવુ, તુલસીમા દુભાયાં છે. એ કાંઈ ખોટું ના હોય.

દેવુ અને અંધા મામાજી જ્યારે વીરસુતને ઘેર પહોંચ્યા ત્યારે ભદ્રાબા રસોડામાં બેસી માળા ફેરવતાં હતાં. એના મોં પર દુર્બળતા હતી. એણે ચાર દિવસથી અન્ન લીધું નહોતું. એ ફક્ત બેટંક ચહા પીને જ જીવતી હતી, એણે ઘરમાં ઘીનો દીવો અખંડ બળતો જ રાખ્યો હતો.

(૯૦) પિતાના ઘરમાં દેવુ ચોરની જેમ પેઠો. અંધ મામાજી બહાર જ ઊંભા રહ્યા. ભણેલો ગણેલો ભાણેજ, કોલેજનો મોટો પ્રોફેસર, પોતાના જૂના, અંધા અને પરોપજીવી સગાને કેવાં આદરમાન દેશે તેની એને ધાસ્તી હતી. એણે દેવુને કહ્યું હતું કે તારા બાપુને પૂછી જોજે, મામા અંદર આવે? જો ના કહેશે તો હું કોઈ ધર્મશાળામાં ચાલ્યો જઈશ.

દેવુ એકલો પણ બીતો બીતો જ અંદર પેઠો. ભદ્રાબા એને દેખી દડ દડ આંસુડે રડવા લાગ્યાં. દેવ જાણે દસ બાર વર્ષે દેશાવરથી ઘેર પાછો વળતો હોય એવા ભાવથી એણે દુઃખડા લીધાં.

’દાદાજીને કેમ છે?’ ભદ્રાએ પહેલા ખબર પોતાની પુત્રી અનસુના નહિ પણ સસરાના પૂછ્‌યા.

’ઠીક છે. ને અનસુ પણ સારી પેઠે છે. એ ક્યાં છે?’ દેવુ એટલું પણ ન બોલી શક્યો કે ’મારા પિતા ક્યાં છે.’

’તારા બાપુ આ અંદર સૂતા. તારાં બા આંહી નથી. એ તો એમના પિયરના કોઈ સગાંને ગામ ગયાં છે. હું આવી છું એટલે બે પાંચ દા’ડા વિસામો ખાવા મેં જ આગ્રહ કરીને મોકલેલ છે.’

ભદ્રાને ખબર નહોતી કે છાપાંનાં કાગળીઆં, એના જેવી ગામડિયણ બાઈની જેમ મોટાં નાનાં વચ્ચે ભેદ પાડયા વગર, અને નિસ્બત ધરવતાં ન ધરાવતાં લોકોની વચ્ચે કશો વિવેક કર્યા વગર, સૌને, સરખા નિખાલસ જે નિઃસંકોચ ભાવે જ અલક મલકના સમાચારો આપી વળે છે.

’ભદ્રા બા !’ દેવુએ કહ્યું ઃ ’દીવા આગળ બેસીને જૂઠું બોલો છો? મને જલદી કહો, એ નઠારી નવી બા ક્યાં છે? હું અને મામાજી બેઉ એને જોઈ લઈશું.’

(૯૧) ’મામાજી ?’

’હા, ઓ બહાર ઊંભા. મારી સંગાથે આવેલ છે.’

થોડી ઘણી લાજ કાઢીને ભદ્રા બહાર ગઈ. એણે આ અંધ ડોસાને એક લાકડીભર ઊંભેલો જોયો. એની બંધ આંખો આકાશ તરફ હતી. એ તો પગલાં પારખી ગયો. એણે ભદ્રાની બાજુએ જોયા વગર જ તૂર્ત પૂછ્‌યું ઃ ’ કેમ છો બેટા ? દેવુએ કજિયો કર્યો કે અમદાવાદ જોવા જવું છે. એટલે હું સાથે આવેલ છું.’

’દેવુ, કહે મામાજીને, અંદર આવે.’

ભદ્રા પોતાના દિયરની પ્રકૃતિથી બીતી બીતી પણ એ અંધ ડોસાને અંદર લઈ આવી. ડોસો એક પાછલો ખૂણો શોધીને લપાઈ બેસી ગયો. પૃથ્વીમાં પોતાને કૂતરાને લપાવા જેટલી પણ જગ્યા જડી જાય તો યે પૃથ્વીનો હરદમ ઉપકાર ગાયા કરે એવા પ્રકારના માનવીઓ આ વિશ્વમાં ઘણા છે. અંધા મામાજી અંદરખાનેથી એવો આભારભાવ અનુભવતા બેઠા. પોતે જોઈએ તેથી વિશેષ તો એક તસુ પણ જગ્યા નથી રોકતો ને, તેની તેણે સંકોડાઈને ખાતરી કરી લીધી.

પિતાના ઓરડામાં પ્રવેશવાની હિંમત દેવુ ન કરી શક્યો. બાપ પોતાને કોઈ છે જ નહિ, પુત્ર તરીકેનો એનો દાવો કુદરતે જ જાણે રદ્દ કરેલ છે, પોતાની મૂવેલી બા કશોક એવો ગુનો કરીને ચાલી ગઈ છે કે જેની શિક્ષા પોતાને પિતૃહીન બનીને ભોગવવાની છે, આવી આવી લાગણીએ દેવુના અણસમજુ હૃદયમાં પણ વાસ કરી લીધો હતો.

’આ લે દેવુ,’ ભદ્રાએ કહ્યું ઃ ’તારા બાપુને જો તું આ ચાનો પ્યાલો પાઈ આવે ને, તો હું તને બહાદુર કહું.’ ભદ્રાબાએ દેવુને ચહા કરીને દીધી.

(૯૨) ’બાપુજી !’ વીરસુતના ખંડને બંધ બારણે દેવુનો સ્વર સંભળાયો.

વીરસુત તે વખતે થોકબંધ કાગળોમાંથી ઉતારા કરી રહ્યો હતો. એ કાગળો કંચનના લખેલા, જૂના વખતના હતા. એમાં કંચને જે પ્રેમના ઊંભરા ઢોળ્યા હતા તે બે ઉપરાંત ત્રીજા કોઈ માનવીની આંખે ન પડી શકે તેટલા પવિત્ર ગણાય. પણ એ જ કાગળો આવતી કાલે અદાલતમાં રજૂ થઈ અખબારોમાં પિરસાવાના હતા. પ્રેમના અનવધિ ઉમળકાના ઘૂંટડા ભરતે ભરતે વાંચેલા એના એ જ પ્રેમપત્રોની અંદરથી વીરસુત અત્યારે વૈર વાળવાના પુરાવા વીણતો હતો. એ વીણવામાં પોતે એટલો મશગૂલ હતો કે એના ખંડની બારીના વાછટીઆ પર બેસીએને ગાતા એક નાના પક્ષીને પણ એ દાંત ભીંસી ભીંસી વારંવાર ઉડાડતો હતો.

આ ’બાપુજી!’ જેવો નવો બોલ પ્રથમ તો એને અસહ્ય લાગ્યો. ’બાપુજી’ શબ્દ એણે પારખ્યો જ નહિ. ફક્ત કોઈક બોલે છે, ને એ બોલનાર જો ભદ્રા હોય તો એને સાંજની ગાડીમાં ઘેર ચાલ્યા જવા કહી દેવું જોઈએ, ને નોકર હોય તો કાલથી ન આવવા કહી દેવું જોઈએ, એમ વિચારી એણે ભડોભડ, ગુસ્સાના આવેશમાં બારણા ઉઘાડયાં.

’ સુકાઈ ગયા છો!’

’શા માટે પણ મારો જીવ...’

એટલું બોલતે વીરસુતે જ્યારે ભડોભડ બારણાં ખોલ્યા ત્યારે એણે દસ વર્ષના દેવુને દીઠો. કેમ જાણે રોજની વેળાએ આવ્યો હોય તેમ દેવુ બોલ્યો, ’બાપુજી, ચહા પી લો.’

પ્રોફેસર વીરસુતે પોતાની દૃષ્ટિ સામે દીઠું - પોતનું બાળક નહિ, પણ જાણે પોતાનું પાપ ઃ કુદરતનો જાણે પોતાની ઉપર કટાક્ષ ઃ પોતાની ગત પત્નીએ જાણે પકડાવેલો પત્થર સમો બોજો ઃ કોઈક ત્રાહિત સત્તા જાણે પોતાના યૌવન પર આ અત્યાચાર કરી નાસી ગઈ છે!

જેને પોતે કદી ચાહી નહોતો શક્યો તે સ્ત્રીએ કેમ જાણે પોતાની આશાભરી યુવાવસ્થાનાં કિરણો શોષી લઈને એક અંગાર સળગાવી પોતાના જીવનમાં આપી દીધો હોય ! આવડું બાળક મારે હોઈ જ કેમ શકે? હું અભ્યાસ કરતો હતો ત્યારે આ શિશુને આતારવા હક્ક જ શો હતો? હું શું આવડા છોકરાનો બાપ હોઈ શકું ! દેવુની હાજરીનો એને સર્પદંશ લાગ્યો, મૂવેલી પત્ની એના જોબન સાથે કશીક છલભરી રમત કરી ગઈ હતી. એને

(૯૪) પોતે કોઈ દિવસ ખોળામાં બેસાર્યો નહોતો, રમાડયો નહોતો, એક રમકડું પણ આણી દીધું નહોતું, વેકેશનમાં પિતા આવશે ને એકાદ ઝબલાનું કપડું, એકાદ ફૂટબોલ, એકાદ નાનું એરોપ્લેન લેતો આવશે એવી આશા સેવતી બેઠેલી પત્નીને મળતી વખતે વીરસુત યાદ કરી આપવાનું ચૂકતો નહિ કે ’આ તારી દેહલોલૂપતાનું પાપી વિષફળ છે વગેરે વગેરે.’

આવો છોકરો આવડો મોટો કેમ કરતાં થઈ ગયો ! હજુ ય મોટો ને મોટો થતો કેમ જાય છે! જેમ જેમ એ વયમાં ને ઊંંચાઈમાં વધે છે તેમ તેમ એ જાણે કે જગતની સમીપ મારી નાલાયકી અને મારી વધતી જતી ઉમ્મર પોકારી રહે છે. હું ક્યાં આનો બાપ બનવા જેવડો ઉમ્મરવાન આધેડ બની ગયો છું ! હું તો હજુ યૌવનના ઊંંબરમાં પગ મૂકી રહ્યો છું. મારી જોડીના જુવાનો તો હજુ પ્રણય કરી રહેલ છે!

ચહાનો પ્યાલો દેવુના હાથમાં થંભી રહ્યો છે ત્યાં તો આવા આવા વિચારોની, એના માથાના પોલાણમાં, કૈંક સૂસવાટીઓ બોલી ગઈ. એ ઉતાવળી જીભે કહેવા જતો હતો કે ’આંહીં મારી ચેષ્ટા જોવા આવેલ છો ને ! તારી બાની શિખવણી મુજબ મારા પર વેર લેવા આવેલ છો ને!’ પરંતુ એટલું બોલતા પહેલાં એની જીભને ઝાલી રાખનારૂં કોણ જાણે કેવું યે રાંકપણું એણે દેવુના ગોળ નાના ચહેરામાં દીઠું. એણે પ્યાલો દેવુના હાથમાંથી લીધો. કે તૂર્ત દેવુએ કહ્યું, ’બાપુ, અમે હમણાં જ આવ્યા, પણ હું તો દાદાજીથી નાસીને આવ્યો છું.’

’કેમ?’

’તમારી પાસે જલદી આવવાનું મન થયું. ને મામાજી મૂકવા આવ્યા.’

(૯૫) ’ક્યાં છે?’

’ઓ રહ્યા, ગ્યાસલેટના ડબાવાળી ઓરડીમાં બેઠા છે. એ તમારાથી ડરે છે બાપુ ! કોણ જાણે કેમ પણ એ ડરે છે.’

’તું નથી ડરતો?’

’હું ડરતો હતો. હવે નથી ડરતો.’

’કેમ?’

’કેમ કે તમે મારો ચહાનો પ્યાલો લીધો.’

દેવુનું બોલવું બાપને બીકથી ભરેલું જ ભાસ્યું. આ છોકરો હજુ ય ડરી રહ્યો છે, ડરે છે તેથી જ મને ફોસલાવે છે, ને મારી ખુશામત કરે છે. જે જુવાનને પત્નીએ તિરસ્કારી તરછોડી ધુતકરી પારકાને હાથે માર ખવરાવ્યો હતો, જે પ્રોફેસરને મિત્ર ગણાતા માનવીએ પોતાના જીવનના આંતર્ગરત સંસારમાં પણ તાબેદાર ગુલામ બનાવ્યો હતો, તેના તેજોવેધ ઉપર જાને આ છોકરાની ખુશામતે ટાઢા જળની ધારા રેડી.

પિતાએ ચહા પી લીધી ત્યાં સુધી બાળક નોકર જેવો બની ઊંભો રહ્યો. પિતાના ઘરમાં પેસનાર બાળકને પિતાની ગૃહસામગ્રી ફેંદવાનો, દીવાલ પરની તસ્વીરો પલંગ પર ચડી ચડીને જોવાનો, તોડવાનો, ફોડવાનો ને શાહી કે ગુંદર ઢોળવાનો જન્મસિદ્ધ હક્ક હોય છે, એવા એક પણ હક્કનો ઉપયોગ કર્યા વગર દેવુ ઊંભો રહ્યો એ પિતાને સારૂં લાગ્યું.

ચહાનો ખાલી પ્યાલો ઉઠાવીને દેવુ પિતાના મોં પર તાકતો જ ઊંભો હતો.

(૯૬) ’શું જોવે છે?’ પિતાએ કડકાઈ બતાવવાનો દુર્લભ મોકો પોતાના સતત અપમાનિત જીવનમાં અત્યારે મેળવ્યો.

’તમે સુકાઈ ગયા છો. દાદાજી દેખે તો શું કહે?’ એમ કહી બાળક બીજી બાજુ જોઈ ગયો.

’તમે સુકાઈ ગયા છો’ એટલું જ વાક્યઃ વીરસુતની ખોપરીની કોઈ એક અંધારી અવાવરૂ ગુફાનાં દ્વારને ધકેલીને અંદરની રજ ઉરાડતો, ઘણાં વર્ષો પૂર્વે મગજનાં ભોંયરામાં સુષુપ્ત પડેલો આ સુર કોનો સળવળી ઊંઠ્‌યો? આ જ વાક્ય મને કોણ કહેતું હતું? કોઈક વારંવાર કહેતું ને એ સાંભળતી વારે સખત કંટાળો છૂટતો. સામો હું જવાબ વાળતો, ’તારી તેની શી પડી છે!’ - હા, હા, યાદ આવ્યું. દેવુની પરલોકે પળેલી બા જ એ બોલ બોલતી. રજાઓમાં જ્યારે જ્યારે નછૂટકે મળવા જવું પડતું, ત્યારે ત્યારે આ નાના છોકરાને મારા ખોળામાં મૂકવા પ્રયત્ન કરતી એ સ્ત્રીના હાથને અને હાથમાંના બાળકને હું તરછોડી નાખતો ને એ તરછોડવું ગળી જતી, કોઈને ખબર પણ ન પડી જાય તે આવડતથી એ અપમાનને પી જતી. પોતે જાણે પોતાની જાતને જ એ અપમાનનું ભાન ન થવા માટે બોલી ઊંઠતી કે ’તમે સુકાઈ ગયા છો!’

આ છોકરોય શું એ દિવસોની અભાન સ્થિતિમાં સાંભળેલો પોતાની બાનો એ બોલ યાદદાસ્તમાં મઢી રાખી આજે ઉચ્ચારતો હતો!

પ્રોફેસરને આ બધું નહોતું ગમતું. દીકરો બોલે તે તો ગમતું હતું. પણ એના બોલવા પરથી જે ભૂતકાળ યાદ આવતો હતો તેની અકળામણ થતી હતી.

પણ આ છોકરો મારા પર શું શું વીતકો વીતી રહેલ છે તે જાણતો હશે ! જાણતો ન હોય એમ બને નહિ. ભદ્રાભાભી. બધું જ જાણીને બેઠાં છે, એમણે પણ કહ્યું જ હશે ને.’

(૯૭) ’ભદ્રાબાએ તને કાંઈ કહ્યું?’ એણે પૂછ્‌યું.

’કહ્યું કે મારાં બા થોડા દિવસ માટે મારા મામાને ઘેર ગયાં છે.’

એટલું બોલી દેવુએ ફરી વાર મોં ફેરવી લીધું એના અનુચ્ચારણમાંથી જ બધી માહિતી બોલી રહી હતી. વીરસુતના મન પર તો એક જ અસર ઘુંટાયે ગઈ. ભદ્રા આટલા દિવસથી ઘરમાં હતી ને આટલી આટલી આબરૂહાનિની પરંપરાની તલેતલ સાક્ષી હતી છતાં એક પણ વાર એકાદ શબ્દ પણ એ સંબંધે એણે ઉચ્ચાર્યો નહોતો. છોકરો સર્વ વીતકોની જાણ લઈને આવેલ છે પણ એક ઈસારોયે કરતો નથી. આ લોકો મને મેંણાં ટોંણાં કેમ મારતાં નથી? મારો ત્યાગ કરીને કેમ ચાલ્યા જતાં નથી? એવું કાંઈક અવળું વેણ બોલત તો તો એમને ખખડાવી નાખી આંહીંથી હાંકી કાઢવાનું પણ એક કારણ મળી જાત ! પણ વીરસુતના હાથમાં આ સ્વજનોએ એકેય હથિયાર આપ્યું નહિ.

એણે દેવુને કહ્યું, ’ભદ્રાબાએ ચહા પીધી?’

’ના.’

’તું પાજે. અને સાથે કશુંક ખવરાવજે. એમણે ત્રણ દિવસથી ઉપવાસો કર્યા છે.’

બોલાઈ તો ગયું, પણ પછી બીક લાગી, કે કદાચ દેવુ ઉપવાસનું કારણ પૂછશે. એવું કશું પૂછ્‌યા વગર દેવુ બહાર નીકળી ગયો.

એના ગયા પછી વીરસુત ફરી ટેબલ પર બેઠો. પણ એનું ચિત્ત ટેબલપરથી ચાલી નીકળ્યું હતું તે પાછું આવતું નહોતું.

’આવતી કાલે તો કેસ ચાલવાનો છે. એ દુષ્ટાનો અને એના રક્ષક ભાસ્કરનો પૂરેપૂરો ભવાડો કરવાનો છે. શહેરનો એક પક્ષ પોતાને

(૯૮) પક્ષે પણ ઊંભો રહેનાર છે. ત્રણચાર દંપતી-જીવન પર ભાસ્કરે શિરજોરી ચલાવી હતી તેઓ પોતપોતાની દાઝ એકઠી કરીને વીરસુતની સહાયે ઊંભવાના છે. વકીલો પણ પોતની વહારે ધાનાર છે. અને કેટલાક ખાટસવાદીઆ લોકો પણ આ તમાશામાં રોનક પૂરવા વીરસુતના પક્ષે ઢોલકી વગાડવા લાગ્યા હતા. વીરસુતનો પુરાવો મજબૂત કરવા માટે એક વ્યક્તિ તો ઘરમાં જ બેઠી હતી, એ હતી ભદ્રા. ભદ્રાને અદાલતમાં તેડી જવાનું કાર્ય જરા કઠિન હતું. પણ દેવુ આવ્યો છે એટલે એમાં સરલતા થવાની આશા હતી.

આવી કડીઓ અંતરમાં ગોઠવતો વીરસુત પોતાના કટ્ટર નિશ્ચયની વધુ વધુ કદર કરી રહ્યો હતો, ત્યાં દેવુએ પાછા આવીને ખબર દીધા. ’બાપુ, ભદ્રાબાએ ચહા સાથે દશમી પણ ખાધી છે. તમે ચહા પીધી એટલે એણે પણ પીધી છે. એ કહે છે કે તમે ખાશો પીશો તો એ પણ ખાશે પીશે.’

’વારૂ.’ એમ કહી વીરસુત ભદ્રાની પાસે અદાલતમાં આવવાની વાત મૂકવાનો સમય વિચારી રહ્યો.

સાંજનો સમય હતો. દેવુ બહાર નીકળી પડયો. એને વીણી વીણીને થોડા વધુ પથ્થરો-ગોળાકાર સુંદર પથ્થરો, ઘાટીલા, વજનદાર અને ઘા કરવામાં ફાવે તેવા સરખા પથ્થરો પોતાનાં બીજા ખિસ્સામાં પણ ભર્યા. પોતાનો ઘા કેટલે દૂર જઈ શકે છે ને પોતાની તાક કેવીક ચોક્કસ છે એ નક્કી કરવા એણે ઝાડનાં પાંદડાં પર પથ્થરો ફેંકી પણ જોયા. ફેંકતો ફેંકતો એ વિશેષ દૂર ગયો. સારી પેઠે એકાંત મળતી ગઈ. આવી નિર્જનતામાં જો પેલી નઠારી નવી બા મળી જાયને, તો તો મારૂં કામ પાકી જાય. એવી એવી કલ્પના એના નાનકડા માથાને ધગાવી રહી.

(૯૯) એવામાં એણે એક સ્ત્રીઓનું ટોળું દીઠું. બીજી સ્ત્રીઓ એમાંની એક સ્ત્રીને પકડીને હાથ ખેંચી રહી હતી. સાથેબે ત્રણ પુરૂષો પણ હતા. જે સ્ત્રીનો હાથ ખેંચાઈ રહ્યો હતો તે જાણે કે આગળ વધવા આનાકાની કરતી હતી. દેવુ જેમ નજીક પહોંચ્યો તેમ તો તેણે પેલી હાથ ખેંચનારીઓના સ્વર પણ સાંભળ્યા.

’ચાલ તું તારે. રસ્તો કાંઈ કોઈના બાપનો નથી, આ તો જાહેર રસ્તો, હિંમત કરીને નીકળ. શું કરી નાખવાનું છે કોઈ?’

’કરી તો શું નાખશે કોઈ !’ પેલી સ્ત્રી જવાબ દેતી હતી. ’પણ મને એ જગ્યા, એ ઘર, એ બધું જ હવે ખાવા ધાય છે.’

’ચાલ ચાલ, એની આંખોને ચગદતાં જ ચાલ્યાં જઈએ. એની છાતી પર થઈને ચાલીએ. અમસ્થાં કંઈ આપણે ઊંંચા નહિ આવી શકવાનાં !’

બીજીએ કહ્યું, ’અમે તો એને શેમ શેમ પોકારવાનાં, ચાલ.’

એમ બોલતી સ્ત્રીઓ પેલી અચકાતી સ્ત્રીને લેતી આગળ વધી ને દેવુ એ અચકાતી સ્ત્રીને ઓળખી. એ જ નવી બા ! એના હાથ ચળવળી ઊંઠ્‌યા.

સસરાને દીઠા

નવી બાને ઓળખી-અને દેવુનો હાથ ઢીલો પડયો. પથ્થર એની હથેળીઆ પરસેવામાં રેબઝેબ બન્યો. ને પછી ધીરે ધીરે એ પથ્થર હાથમાંથી સરી પડી, પૃથ્વીને ખોળે ચાલ્યો ગયો.

આમ કેમ બન્યું ? ખુન્નસ ક્યાં ગયું ? દાઝ કેમ ટક્કર ઝીલી ન શકી?

દેવુએ દીઠી, પોતે કલ્પી હતી તેનાથી સાવ જુદી જ એ સ્ત્રીની મુખાકૃતિ ઃ કલ્પી હતી, બહેકેલી, ફાટેલી, બેશરમ અને નફટાઈના રંગો ઉછાળતી મુખાકૃતિ; પ્રત્યક્ષ દીઠી વેદનાભરી, લજ્જાભરી, શોકાંત અને પરવશ નારી-પ્રતિમા; જાણે એ તો આકુલ અને દિશાશૂન્ય બની ગઈ હતી. સાથીદાર સ્ત્રીઓ એને આમ તેમ ખેંચતી હતી. સાથીદાર પુરૂષો પણ એને આગળ થવા ધકાવી રહ્યા હતા. એની અનિચ્છાને સાથીદારો જોરદાર શબ્દોના ચાબુકો લગાવી ઉત્તેજીત કરતા હતા. એની દશા તળાવમાં માછલાંના ઠેલા ખાતા કોઈ નિર્જીવ લાકડાના ટુકડા જેવી, પવનની ઘુમરીમાં ચક્કર ચક્કર ચકડોળે ચડેલા અજીઠ પડીઆ જેવી દેખાઈ.

(૧૦૧) સાથીઓમાંથી એક પુરૂષ ટોંણો મારી રહ્યો ઃ ’ભણી ગણી, બંડખોરીનાં ભાષણો પણ કરતી હતી, આજે કોણ જાણે એ બધું ક્યાં ગયું?’

’સ્ત્રીઓ તો બસ બોલવે જ શૂરી હોય છે, કરી દેખાડવાનો મોકો મળે છે ત્યારે તો છાતી બેસી જ જાય છે. કાલે કોર્ટમાં ઊંભીશ ત્યરે તારૂં શું થશે, હેં કંચન? યાદ રાખ, જો ત્યાં તારી જીભ થોથરાઈ છે ને તો...’

એ પુરૂષે બાકી રહેલું વાક્ય શબ્દોથી નહિ પણ આંખોના ડોળાના ઘુરકાટ વડે જ પૂરૂં કર્યું. એના ડોળા આખા ટોળા પર પથરાઈ વળ્યા.

’એ તો ભાસ્કરભાઈ! એક બીજી સ્ત્રીએ કહ્યું ઃ ’કોર્ટમાં તમારે એની જુબાની થાય ત્યારે સામે જ જોઈ ઊંભવું પડશે. નહિતર એ કાંઈકને બદલે કાંઈક ભરડી મારશે.’

ટોળાની પાછળ પાછળ થોડે અંતરે ચાલ્યો જતો દેવુ આ વાર્તાલાપ સાંભળતો ઊંકળતો હતો, કંપતો હતો, ફાળ ખાતો હતો, જાણે કોઈ રાક્ષસી માયાના ઓળા તળે પોતે ચાલ્યો જતો હતો.

ને એણે ઓળખ્યો-નવી બાના મદદગાર ને રક્ષણહાર એ સ્ત્રી-સન્માનના આદર્શધારી ભાસ્કરને. એ ભાસ્કરે પેલી સૂચના આપનાર સ્ત્રીનો બરડો થાબડયો તે પણ દેવુએ જોયું. પોતે આ દૃશ્યને અને આ વર્તનને જોવા ટેવાયેલો નહોતો. દેવુની અશક્ત લાગણીઓ જાણે કે તાતી તીણી સોટીઓ બનવા તલસી ઊંઠી.

પિતાનું ઘર નજીક આવતું હતું. ટોળું ’શેમ શેમ’ના શોર ધીરે ધીરે ઉઠાવતું હતું. એની વચ્ચે નવી બા અકળાતી અકળાતી નીચે

(૧૦૨) જોઈ મ્લાન વદને ચાલતી હતી, ને એને પીથ થાબળતો ભાસ્કર કહેતો હતો, "હિંમત રાખ, બહાદુર બન."

મકાન નજીક આવ્યું. કંચનએ મહામહેનતે ઊંંચું માથું કરી મકાન તરફ જોયું. જોતાંની વાર એ ઝબકી. સૂર્યાસ્ત થઈ ગયો હતો. વીજળીના દીવા ઝળહળતા હતા. દીવાના એ ઝળહળાટમાં પતિના ઘરના બગીચાનાં ફૂલઝાડ વચ્ચે એણે એક પુરૂષને ઊંભેલ દીઠો. ઉંચી દેહ-કાઠી, ઉઘાડે શરીર જનોઈના સફેદ ત્રાગડા ઝૂલતા હતા. કપાળ પર ચાંદલો હતો. હાજ જોડી, પ્રશાંત મને ઊંભો ઊંભો, એ સાઠેક વર્ષનો પુરૂષ ગંભીર સંધ્યાના કોઈ નિગૂઢ આત્માને નમતો હતો. ’શેમ શેમ’ શબ્દોથી ચમક્યા કે ઝબક્યા વગર એનું મોં પ્રાર્થનામાં ભીંજાતું હતું.

એને દેખતાં જ કંચન થંભી. ટોળામાંથી પાછી ફરી. ઊંતાવળે પગે એ નાસી છૂટી, એને શું થયું તેની સમજ ન પડતાં સૌ થોડી વાર થોભ્યાં, પછી બધાં પાંછાં કંચનને પકડવા દોડયાં, બૂમો પડતી હતી ઃ ’બીકણ ! બાયલી ! નિર્માલ્ય!’

બધાં એ બોલતાં રહ્યાં, અને કંચને દોટ કાઢી. એ કઈ ગલી તરફ દોડી ગઈ તેની કોઈને જાણ નહોતી. બધાં ધીમાં પડયાં, ફક્ત ભાસ્કર ઉતાવળે કંચનની શોધમાં ચાલ્યો.

અરધી દોડતી ને અડધી ચાલતી એ નારી પાછળ પાછળ જોતી હતી. એને દોડતી દેખી દેવુ પણ ગલીમાં આગળ દોડયો ગયો હતો. ગલીને ખૂણે એક આસોપાલવના ઝાડ હેઠળ એ છાંયામાં ઊંભો હતો. આસોપાલવની બાજુએ જ કોઈકના બંગલાના ચોગાનમાંથી ’રાતની રાણી’નાં પુષ્પો છૂપી સુગંધ છોડી રહ્યાં હતાં.

દેવુએ બાને દોડતી આવતી દીઠી. સીધે માર્ગે એ દોડી જશે ત્યારે પથ્થર લગાવવાનો લાગ મળશે એવી એને આશા હતી.

(૧૦૩) ત્યાં તો કંચન પણ સીધો માર્ગ છોડી આસોપાલવની છાયા હેઠળ થાક ખાવા ઊંભી રહી. દેવુ અને કંચન લગોલગ થઈ ગયાં. દેવુએ કંચનની છાતીને હાંફે હાંફે સ્પષ્ટ શબ્દો સાંભળ્યા ઃ ’હાશ ! હાશ ! હે ભગવાન ! આમાંથી છોડાવો !’

શામાંથી છૂટવા માગતી હતી આ યુવતી ? પોતાને પ્રાપ્ત થયેલી સ્વતંત્રતામાંથી ! પોતાને સાંપડેલી નૂતન યુગનાં પૂજકોની સહાનુભૂતિમાંથી ! પુરૂષના જુલ્મો ઉઘાડા પાડવાની પોતાને આવતી કાલે જ મળવાની તકમાંથી? શામાંથી?

હાંફતી હાંફતી એ ફરી વાર બોલી ઃ ’ઓ મા !’

અને કોણ જાણે કેમ પણ દેવુના હાથમાંથી બીજો પથ્થર પણ નીચે પડી ગયો, ને એની જીભેથી શબ્દ છૂટી ગયોઃ

’બા!’

’બા !’ એવા ઉચ્ચારણને ન ટેવાયેલી હોવા છતાં કંચન કોણ જાણે ક્યા ભાવથી, કયા કુતૂહલથી, કઈ દિલસોજીથી એ ઉચ્ચારણ કરનાર તરફ ફરી. ઘાટી વૃક્ષ-છાંયા જાણે કે કોઈ બારેક વર્ષના બાળકને ખોળામાં લપેટી રહી હતી. બેઉની વચ્ચે એક દૃષ્ટિ થઈ શકી નહિ, ને કંચન ’કોણ છો અલ્યા !’ એટલું પૂછવા જાય છે, ત્યાં તો એની પાછળ એના ખભા પર ભાસ્કરનો પહોળો પંજો જરા જોશથી પડયો. ’બા’ શબ્દ બોલનાર બાળકને કંચન પૂરો પારખે તે પૂર્વે તો એને આ પંજાના મૂંગા પછડાટથી ચોંકી પાછળ જોવું પડયું.

’અરે ! અરે !’ ભાસ્કરે માર્દવભીની વાણી કરી ઃ ’આટલી ચમકે છે શાને વારૂ?’

બોલતે બોલતે ભાસ્કરનો હાથ કંચનના ખભા પરથી ચડીને

(૧૦૪) એના માથા પર ફરવા લાગ્યો. એણ કહ્યું ઃ ’તું ચમક ના. હું તારી સાથે જ છું. ચાલ આપણે ફરીને જઈએ.’

’ના પણ...’ કહેતે કંચને ભાસ્કરનો હાથ પોતાના શરીર પરથી હળવેથી દૂર કર્યો.

’વારૂ ! કંઈ નહિ ! કાંઈ નહિ કરૂં. નિર્ભય રહે. પણ મને કહે તો ખરી, તું કેમ પાછી નાઠી?’ ભાસ્કર પાસે તો મૃદુતાનો પણ અખૂટ ખજાનો હતો.

’મારા-મારા-સસરા જેવા મેં દીઠા કોઈક.’ કંચને સાડી સંકોરતે સંકોરતે કહ્યું.

’ક્યાં દીઠા ? કોણ તારા સસરા !’

’બગીચામાં સંધ્યા કરતા ઊંભેલા દીઠા.’

’ઓળખી કાઢ્‌યો?’

’ઓળખાઈ જાય તેવા છે. મને એની લજ્જા આવે છે, એ કાલે કોર્ટમાં હાજર રહેવાના હશે, શું થશે?’

’તો શું છે?’

’હું એમની સામે કેમ કરી ઊંભી શકીશ?’

’ઘેલી ! વેવલી ! શી લાગણીવશતા ! એ બાપડાની શી તાકાત છે કે કોર્ટમાં ઊંભો ય રહી શકે ? હું એના કાનમાં કીડા ખરે તેવો મામલો મચાવીશ, જોજે તો ખરી ! ચાલ હવે.’

એમ કહેતે કહેતે એણે ફરીથી કંચનના દેહ પર હાથ થાબડવા પ્રયત્ન કર્યો. પણ કંચન જાણે ત્યાં ઊંભેલા આસોપાલવ

(૧૦૫) ની છાંયાની જનશૂન્યતાથી પણ શરમાતી હોય તેમ એ હાથને દૂર્ ઠેલી ચાલી.

’આ શા ચાળા માંડયા છે?’ અપમાન પામ્યા જેવો ભાસ્કર પોતાના સત્તાવાહી અવાજ પર ફરી પાછો આવતો થયો.

’પગે લાગું ભાઈસાબ, અત્યારે નહિ.’ કંચન રગરગતી હતી.

’પણ આ તે શા લાગણીવેડા ! હવે છેક આજે ઊંઠીને ! આટલા દિવસ તો...’

’છોડો મને બાપુ ! પગે લાગું.’ કહેતી કંચન જેમ જેમ, પેલા ’બા’શબ્દોચ્ચાર તરફ ચમકતી નજર નાખતી નાખતી દૂર નાસતી હતી, તેમ તેમ ભાસ્કર વધુ ને વધુ આક્રમણકારી બની રહ્યો હતો.

’હું તને કાંઈ નથી કરતો, જરાય સતાવવા નથી માગતો, આ તો સુંદર આસોપાલવની છાંયા છે, ને રાતની રાણી ક્યાંકથી મહેકે છે ને, એટલે તને બીધેલીને જરા શાંતિ મળે માટે...’

પણ એના શબ્દોમાં કે ઝાડની છાંયામાં કે રજનીગંધાની સૌરભમાં કંચનને ન જંપવા આપે તોવો એ ઉચ્ચાર જાણે કે પૃથ્વીના દુઃખિત હૃદયમાં બાકોરૂં પાડીને નીકળી ચૂક્યો હતો ઃ ’બા’

’બા’ શબ્દ બોલનાર એ અજાણ્‌યું બાળક ત્યાંથી છેટે સરી ગયું હતું. બે દીવાલો જ્યાં મળતી હતી તેના ખૂણાને આઢેલીને લપાઈને ઊંભું હતું જાણે એ કોઈ માતૃહીન ભિખારી બાળક હતું.

’તું ત્યાં શું જોઈ રહી છે?’ ભાસ્કર કંચનને ઠપકો દેવા લાગ્યો.

’ચાલો હવે મારે જલદી ’આશ્રય-ધામ’માં પહોંચી જવું જોઈએ.’ કંચને ઉતાવળ માંડી.

(૧૦૬) પતિગૃહ ત્યજાવીને ભાસ્કરે કંચનને તે જ દિવસથી શહેરના ’આશ્રય-ધામ’માં મૂકી દીધી હતી. બંડ કરનારી, જુલ્મોમાં સપડાયેલી, અન્યાય સામે શિર ઊંંચકીને નાસી છૂટનારી સ્ત્રીઓને માટે ’આશ્રય-ધામ’ શરણાગતિનું સ્થાન હતું.

’આપણે થોડું ફરીને જઈએ.’

’મોડું થાય. નાહક ત્યાં સૌ વહેમાય.’

’ન જ વહેમાય. તું ક્યાં બીજા કોઈની સાથે છે? મારી સાથે છે ને ! મારી સાથે આવનાર ઉપર જે વહેમાય તેની ખબર કેમ લેવી તે હું જાણું છું. ચાલ તું તારે.’

એમ કહીને કંચનના બરડા પર ફરી હાથ થાબડનાર ભાસ્ક્સર હસ્યો. એ હાસ્યથી આસોપાલવના પાંદડા જાણે હલી ઊંઠ્‌યાં, ને એ હાસ્યથી પેલો ખૂણામાં લપાયેલો છોકરો દેવુ સવિશેષ સંકોડાયો.

સમાધાન

બેઉ જણા ત્યાંથી સારી પેઠે દૂર નીકળી ગયાં ત્યારે ખૂણામાંથી નીકળીને દેવુ નાઠો. પાછળ કદાચ પેલો માણસ આવશે ને પકડી પાડશે એવી બીકે ફડક ફડક થતો એ માંડમાંડ રસ્તો પૂરો કરી શક્યો. આખે માર્ગે એના અંતરમાં ઊંર્મિઓની ધુમાધુમ ચાલી. પણ બીજી બધી વાતોને વિસરાવે તેવો ભય એના અંતરમાં ઊંઠ્‌યો. આ નવી બા શું કહેતી હતી ? શું દાદા આવી પહોંચ્યા હશે? તો તો એ મને મારશે. એ તો ઠીક, પણ દાદા કાલે આ નવી બાને નફટાઈથી કોર્ટમાં ઊંભેલી જોશે તો એને શું થશે? આ ભાસ્કર એની કેવી દશા કરશે? આ માણસ કોણ છે ? એ નવી બા સાથે આમ કેમ વર્તન કરે છે? ને નવી બા શું દાદાને દેખી શરમાઈને નાઠાં? દાદા પ્રત્યે એને શું વહાલ છે? અદબ અને માન છે? હું જલદી જઈ દાદાને વાત તો કરૂં.

દેવુ ઘર પહોંચ્યો ત્યારે સાચોસાસ એણે દાદાને આવેલા દીઠા. પોતે જે ટ્રેનમાં આવ્યો તે પછીની બીજી જ ગાડીમાં દાદા રવાના થઈને ઉપવાસી મુખે મુસાફરી કરી આવ્યા હતા.

દેવુએ જઈને દાદા કશું બોલે તે પહેલાં જ કહ્યું, ’દાદાજી ! મને હમણાં ન વઢતા. હમણાં મને એક વાત કરી લેવા દો. નહિ તો

(૧૦૮) પછી એ વાત હું કરી નહિ શકું. દાદાજી ! એ વાત મારે તમને એકલાને જ કહેવી છે.’

બાગમાં બેઠેલા એકલવાયા દાદાને દેવુ પર રોષ કરવાના હોશ જ નહોતા રહ્યા. એણે પોતાની સંધ્યા-પૂજામાં ’શેમ ! શેમ !’ના તિરસ્કાર-સ્વરો સાંભળ્યા હતા. એનું મન પુત્રવધૂને એક વાર એકાંતે મળવાનું હતું. એના ઉપર તો એ આવીને ઊંભા રહ્યા કે તૂર્ત વીરસુતનો રોષ તૂટી પડયો હતો. એ સૂનમૂન એકલા બેઠેલા પુરૂષને દેવુએ પહેલો જ બોલ આ કહ્યોઃ ’દાદાજી, બાને ખબર પડી છે કે તમે આવેલ છો. બા શરમાયાં લાગે છે.’

દેવુની એ આખી અનુભવ કથા સાંભળતાં જ વૃદ્ધની આંખો ચાંદનીનાં કિરણોને ઝીલતી ચમકી ઊંઠી.

ઝળકી ઊંઠેલી આંખોને આ વૃદ્ધ બ્રાહ્‌મણે થોડી ઘણી મીંચી રાખી. એના મનમાંથી આર્તનાદ ઊંઠ્‌યો. ’નિરબલ કે બલ રામ !’ બિડાયેલી આંખોમાંથી અશ્રૂધાર વહી.

દેવુએ પોતાના દાદાજીને રડતા એક જ વાર દીઠા હતા ઃ પોતાની મુવેલી બાને યાદ કરતી વખત. આ પુરૂષને વારંવાર આંસુ બગાડવાની આદત નહોતી. દુઃખોની આગથી એ નહોતા ઓગળતા. એને પિગળાવનાર એકજ તત્ત્વ હતું ઃ પોતાની દીકરા-વહુઓના પોતા પ્રત્યે પ્રેમભાવ.

આખી રાત એને નીંદર ન આવી. પાછલા પહોરના અજવાળીઆને લીધે કાગડા બોલ બોલ કરતા અને એ કાગારવ એને સવાર પડી ગયાનો વારંવાર વિભ્રમ કરાવતો. પોતાની પાસે સૂતેલા દેવુના શરીર પર એ વારંવાર હાથ ફેરવતા હતા અને બીજા ઓરડામાં સૂતેલી મોટી વહુ ભદ્રા ઊંંઘમાં કશું ક લવતી હતી તે તરફ એ કાન માંડતો હતો. એ સ્વપ્ન-લવારીમાં ભદ્રા બોલતી હતીઃ

(૧૦૯) ’કંચન ! મારી બેન ! તમને શી ખબર , બાપુજીએ તો એક વાર તમરા જેઠના બરડામાં સીસમની લાકડીનો સોટો ખેંચી કાઢેલો. શા માટે, કહું? તમારા જેઠે મને મારા બાપ સમાણી ગાળ દીધેલી એ બાપુજીને કાને પડી ગઈ હતી તેથી. બાપુજી તો બાપુજી છે બેન ! ચાલ પાછી ઘેરે. તારે તે શું મોટું દુઃખ છે. મને જોતી નથી? મારા માથાને મૂંડવાનો પહેલવેલો દા’ડો આવ્યો તે દિ’ બાપુજીએ અન્નજળ નહોતાં લીધાં. નાની બાળ ઉમ્મરનું રાંડીરાંડપણું હું રમતાં રમતાં વેઠું છું તે તો બાપુજીના પ્રેમને બળે. નીકર તો બાઈ, હું તારા કરતાં ય વધુ પોચી છું - ગાભા જેવી છું.’

થોડી વાર લવતી રહી ગયેલી ભદ્રાએ ફરી પછા લવવા માંડયું. ’ફડા...ક ! ફડા...ક ! ફડા...ક ! હા-હા-હા-સીસમની ત્રણ લાકડીઓ ખેંચી કાઢી’તી બાપુજીએ તમારા બરડામાં ઃ કેમ, યાદ છે ને વા’લા ! ભૂલી શકો જ કેમ? હેં, ખરૂં કહો તો, મારી સોગન... ફરી વાર દઈ તો જુઓ મને ગાળ.’

વૃદ્ધ સસરો વધુ ન સાંભળી શક્યો. વિધવા પોતાના વિદેહી સ્વામીની સાથે સ્વપ્નમાં વાતો કરી રહી હતી. એ વાતો સાંભળવામાં પોતાને પોરસ ચડતો હતો. છાતી ગજ ગજ ફુલાતી હતી. છતાં એ વાતો પતિ પત્ની વચ્ચેની ખાનગી હતી. એ સાંભળ્યે પાતક લાગે. આવા નીતિશાસ્ત્રને જીવનમાં અનુસરતો સસરો પોતાની પથારી છોડીને બગીચામાં ટહેલી રહ્યો.

સૌ સૂતાં હતાં તે વખતની આકાશી એકાંતમાં ચાંદો જાણે ચુપકીદીથી રૂપાની પાટો ને પાટો ગાળતો હતો. ગાળી ગાળીને નભોમંડળમાં અઢળક ઢોળતો હતો. કૃપણને દિલાવર બનવા પ્રેરે તેવી ચાંદની હતી. ઘુમાઘુમ કરતી કાળી વાદળીઓ આ વૃદ્ધને ચંદ્રના ઘરની વિધવા અને ત્યક્તા પુત્રવધૂઓ શી દેખાતી હતી. સસરાને નેહે નીતરતી એ સૌ

(૧૧૦) જાણે ઘરકામ કરી રહી હતી. આવડા પ્રબલ આકાશી દૃશ્યે આ વૃદ્ધની નસોમાં નવું બળ પૂર્યું. એણે સ્નાન પતાવી, દેવુને જગાડી, પોતાની સાથે લઈ, વહેલા પ્રભાતે આશ્રય-ધામ શોધી કાઢ્‌યું. થોડા થોડા ભળભાંખળામાં બેઉ જણાએ આશ્રય-ધામને ચાર પાંચ ચક્કર લગાવ્યાં. પણ હજુ અંદર કશો અવર જવર નહોતો.

દાદા અને દેવુ બેઉ આશ્રય-ધામની દીવાલ પાસેની એક પીપર નીચે બેઠા બેઠા રાહ જોવા લાગ્યા.

’જોજે હો દેવુ !’ દાદાએ ભલામણ કરી ’બા નીકળે કે તૂર્ત તું મને બતાવજે હો. હું નહિ ઓળકહી શકું. મેં તો એ બાપડીને પૂરી જોઈ પણ ક્યાં છે?’

પ્રભાત થયું ત્યારે પહેલવહેલો જ જે પુરૂષ આશ્રય-ધામના દરવાજા પર આવી સાંકળ ખખડાવતો ઊંભો તેને દૂરથી દેખીને દેવુનો દેહ ભયની કમ્પારી અનુભવતો અનુભવતો દાદાની નજીક સંકોડાયો.

’કેમ દેવુ ? કેમ બીનો ?’ દાદાએ પૂછ્‌યું.

ત્યાં તો દરવાજો ઊંઘડયો ને એ માણસ અંદર દાખલ થયો, તે દેખીને હિંમત અનુભવતા દેવુએ જવાબ દીધો ઃ ’એ જ મેં કહ્યો હતો તે-પેલો.’

’કોણ પેલો?’

’જેને ભાસ્કર ભાસ્કર કહે છે તે.’

ભાસ્કરનું નામ સાંભળવું અને ભાસ્કરને નજરોનજર નિહાળવો, એ દેવુના દાદાને માટે સહેલું કામ નહોતું. પુત્રને કન્યા શોધી આપનાર અને પુત્રના સર્વ હિતના રક્ષક બનનાર આ માનવીનું નામ એનાથી અજાણ્‌યું નહોતું. પુત્રનો ઘર સંસાર પણ કોઈક ભાસ્કરભાઈ

(૧૧૧) ચલાવી આપે છે, પુત્ર અને વહુ વચ્ચેના કજિયાટંટા ને વાંધા તકરારો પણ કોઈક ભાસ્કરભાઈ પતાવી આપે છે, એ સાંભળવાના અનેક પ્રસંગો પોતાને ગામ આવતા હતા. પુત્રને કોલેકજમાં પ્રોફેસરપદ અપાવવા માટે પણ કૈંક રાત્રિઓના ઉજાગરા વેઠીને મુંબઈ વડોદરાની દોડાદોડી ભાસ્કરભાઈએ કરી હતી તે સાંભળ્યું હતું. પણ પુત્રના પિતાને એ બધા સમાચારો અતિ-અતિ વધુ પડતા સારા લાગ્યા હતા.

પુત્રના સંસારમાં લેવાઈ રહેલો આ રસ એ જૂના જમાનાના બાપુને વધુ પડતો લાગતો હતો. કોઈ અમદાવાદ જઈ આવેલું સ્વજન ઘણી વાર જ્યારે જ્યારે એને આવીને જાણ કરતું કે ’ભાઈબંધીની તો બલિહારી છે ભાઈ! દુનિયામાં ભાઈબંધ શું નથી કરતો?’ ત્યારે ત્યારે બુઢ્‌ઢા બાપને નાકે કશીક ન કળાય ને ન પરખાય તેવી ખાટી સોડમ આવતી હતી.

બેટા કે બેટીને, ભાઈને કે ભાઈબંધને ફક્ત પરણાવી ઘર ચાલુ કરાવી દેવા સુધીની જ વાતને સ્વધર્મની છેલ્લી સીમા સમજનાર આ જૂના જમાનાનો ભણેલો બ્રાહ્‌મણ તે પછીની તમામ વાતને પેશકદમી જ માનતો હતો. ભાસ્કર નામથી એણે પોતાની સન્મુખ બીજો એક બ્રાહ્‌મણ જોયો ઃ બ્રાહ્‌મણ જ હોવો જોઈએ ઃ એને પૂછવું જોઈએ, અલ્યા કહે તો વારૂ, તારા મિત્રધર્મની સરહદ ક્યાં સુધી જઈને થંભે છે?

એટલો વિચાર કરે છે ત્યાં તો દરવાજાની બારી ફરી વાર ઊંઘડી. પહેલી એક યુવતી નીકળી ને તેની પીઠે મજબૂત હાથનો ધક્કો દેતો એનો એ જ પુરૂષ પાછો નીકળ્યો. દેવુ પોતાના દાદાને ’ એ જ મારી બા’ એટલું કહી શકે તે પૂર્વે તો એ આનાકાની કરતી યુવતીને ધકેલવા જેવી સ્થિતિ કરતો પુરૂષ સામે ઊંભેલી મોટર-કાર સુધી લઈ ગયો, બેઉને લઈને કાર ઉપડી અને માત્ર ઊંપડતી મોટરે એ સ્ત્રી, હજુય

(૧૧૨) પ્રભાતના સહેજ સંક્રાંતિકાળમાં અર્ધઅદૃશ્ય રહેલા એવા બે જણાને પીપરની ઘટા હેઠે જોતી ગઈ.

તે પછી પાકી ખાતરી કરવા માટે પિતા બાળકને લઈ આશ્રય-ધામની ઓફિસે ગયા. પૂછ્‌યું ઃ ’અમારે કંચનગૌરી મળવું છે.’

’શું થાય તમારે?’

’સગાંની દીકરી થાય.’

’બહાર ગયેલ છે.’

ઘણી લાંબી વેળા ત્યાં બેઠા પછી. પ્રભાતનાં અનેકવિધ ગૃહકાર્યોમાં મચી જવાના એ સમયે ત્યાં આશરો લઈ રહેલી પચાસેક નાની મોટી સ્ત્રીઓની પરસ્પર વાદાવાદ અને રીસ બબડાટ કરતી જોય પછી નિરાશ દાદા દસ વાગે બહાર નીકળ્યા અને ઘેર ગયા વગર બારોબાર અદાલતમાં પહોંચ્યા. ત્યાં એણે સાંભળ્યું કે ફરિયાદી બાઈ કંચનગૌરીના વકીલે, પોતાની અસીલની તબિયત એકાએક ગંભીર થઈ જવાથી ને તે કારણે તેને બહારગામ ચાલ્યા જવું પડેલું હોવાથી, અચોકસ મુદ્દતને માટે મુકર્દમો મુલતવી રાખવાની અરજી ન્યાયાધીશને કરી છે.

આ રસગંભીર મુકર્દમામાં હાજરી આપવા આવેલાં બસોક સ્ત્રીપુરૂષ શ્રોતાઓ પાછાં વિખરાતાં હતાં. તેમનાં વદનો પર નિરાશા ને ખિન્નતા જ નહિ, પણ ચીડ અને ઠપકો પણ હતો. તેઓ અંદર અંદર વાતો કરતા હતાં કે-

’એકાએક તબિયત શાની લથડી ગઈ? વખતસર કોઈ દાક્તરને તો બતાવવું હતું !’

’આમાં તો નબળાઈ જ ગણવાની.’

(૧૧૩) ’ભાસ્કરભાઈ કોઈને પૂછે નહિ, ગાછે નહિ, ને એને બહારગામ ઉપાડી જાય, એ તે કેવી વાત !’

આ સૌ માણસોની વાતો કરવાની છટામાંથી એક ભાવ તો સ્પષ્ટપણે ઉપસી આવતો હતો ઃ કે સૌ કંચનના જીવનને પોતાનું આત્મીય માનતાં હતાં. સૌને કંચને આજે જાણે ફરેબ દીધો હતો. સૌએ પોતાના સમયની તેમજ સજાવટની બરબાદી બદ્દલ કંચનને જ દોષ્િાત ગણી. સૌથી વધુ કષ્ટ તો જે જે નવી પ્રેક્ટીસ માંડનારા જુવાન ધારાશાસ્ત્રીઓ આ મુકર્દમામાં કંચનપક્ષે લડવા થનગની રહ્યા હતા તેમને થતું હતું.

એમ પણ વાત થઈ કે ’એનો સસરો આવેલો છે એવું જાણ્‌યા પછી એ હિંમત હારી ગઈ. ભાસ્કરભાઈએ તો એને ઉત્તેજિત કરવાની ઘણી મહેનત કરી, પણ એને હોશ આવ્યા જ નહિ.’

કોઈ બોલ્યું ’એબ્સર્ડ.’ કોઈએ કહ્યું ’ચાઈલ્ડીશ.’

અદાલતના એ તમાશબીનોને ચીડવતી, વીરસુતની ગળોગળ દાઝને ધૂળ મેળવતી, અને એક વૃદ્ધ તેમ જ એક બાળકને અમદાવાદના ફુટપાથ પર બાઘોલાં જેવી બનાવી મૂકતી, કંચન અને ભાસ્કર વાળી આગગાડી આગળ ને આગળ વધતી હતી. ગુજરાતનાં જોવા લાયક ગામો ઘૂમતી હતી.

’તને ભોળીને શી ખબર પડે?’ ભાસ્કર એને સમજ આપતો હતો; ’ એ લોકો તારૂં અપહરણ કરીને તને પોતાના ગામની રજવાડી હદમાં ઘસડી જવા આવ્યા હતા, ને કાવત્રું ગોઠવતા હતા. તું ભલી અને નિર્દોષ છે એટલે તેમના વિષે ભલા વિચારો ધરાવે છે.’

આ શબ્દોથી કંચનને પોતાના અપરાધનો ભાર હળવો થયો હોય એવું લાગ્યું. પોતે ભલી અને નિર્દોષ હોવાનો ઠપકો કઈ સ્ત્રીને નથી ગમ્તો?

’તને ખબર છે?’ ભાસ્કરે કહ્યું ઃ ’હું ન આવી પહોંચ્યો હોત તો તને ઉપાડી જવ માટે એ ટોળી ત્યાં જ બેઠી હતી!’

(૧૧૪) સવારે આશ્રય-ધામેથી નીકળતી વેળા કંચને જે બે આકારો દીઠા હતા તેમને હવે તેણે ઓળખી પાડયા. એ બેઉ-એ સસરો ને એ પુત્ર- પોતાને ઉઠાવી અથવા ભોળવી જવા જ આવેલા હોવા જોઈએ.

’તેં તો ક્યાં નથી વાંચ્યા એ કિસ્સાઓ? જેમાં પોતાની ઈચ્છાથી આડે હાલનાર વહુવારૂઓનાં તો આ ગામડાંના સાસરૈયાં ખૂનો પણ કરાવી નાખે છે.’

એમ કહીને ભાસ્કરે પોતાની યાદદાસ્તમાંથી એક પછી એક બનાવો વર્ણવવા માંડયા. એ વર્ણન કોઈ પણ સ્ત્રીને કમ્પાયમાન કરી મૂકે તેવું હતું.

’આવી તમામ સિતમગીરીને તોડવા તું સાચી નારી બની જા. તારૂં સિંહણનું-સ્વરૂપ પ્રકાશ. તું વાઘેશ્વરી દેવી છે. તું સેંકડો કંગાલ સ્ત્રીઓની પ્રેરણામૂર્ત્િા બન. અબળાઓનાં બેડીબંધનો તૂટીને એનો એક સામટો ઢગલો એક દિવસે તારા ચરણો પાસે થશે. એવો દિવસ નિહાળવા મારાં નેત્રો તલસે છે. હું તો ફક્ત શિલ્પી છું. તારામાંથી આ ઘાટ ઘડવાના મારા કોડ છે.’

એમ બોલી બોલીને એણે એ સેકન્ડ ક્લાસના પ્રવસીશૂન્ય ડબામાં કંચનગૌરીની પીઠ પર થબડાટા કર્યા. થબડાટે થબડાટે કંચનનું ફરી પાછું ફુલાવું શરૂ થયું હતું. પોતે કાંઈક પરાક્રમ કરી દેખાડવાનું મંગળ નિર્માણ લઈને આવી છે એવું એને વારંવાર લાગવા માંડયું ને પોતાને ભાસ્કરભાઈ અપહરણ તેમ જ ગુપ્ત હત્યામાંથી બચાવી લાવેલ છે તેવી તેની ખાત્રી થઈ. પરંતુ વારંવાર પોતાના દિલને વિષે સસરાનો દુષ્ટ સંકલ્પ ઠસાવવા મથતી કંચન વારંવાર ફક્ત ચોંકી ઊંઠતી હતી એક જ શબ્દના સ્વર-ભણકારાને લીધે ઃ હજુ ય જાણે રેલગાડીનાં પૈડાંને બાઝી પડીને કોઈક બાળ બોલાવતું હતું ’બા!’

એ ક્ષીણ શિશુ-બોલની સુંવાળી ગર્દનને ચીપતો ભાસ્કરનો સૂર ગાજતો હતો ’વીરાંગના!’

પુત્રવધૂની શોધમાં

થોડા દિવસે તમાશાની વૃત્તિ વિરમી ગઈ, શહેરી ઊંભરો શમ્યો, મુકર્દમાની લડત માંડી વાળવામાં આવી, વીરસુત એની સ્ત્રીને ખોરાકી પોશાકી પૂરી પાડી ફાવે તે પ્રવૃત્તિમાં પડી જવા દેવા કબૂલ થઈ ગયો. પોતાને તો કંચન હવે ઘરમાં ધોળા ધર્મેય ન ખપે, પણ છૂટાછેડા મેળવવા માટે એણે પ્રયત્ન ન કરવો એ શર્તે જ એના પરનો મુકર્દમો પાછો ખેંચાયો.

પિતા, પુત્ર અને મામા થોડાક દિવસ રોકાયા, પણ વીરસુત તેમની હાજરીને સહી શકતો નહોતો. કેમ જાણે તેમને એહાજરી વીરસુતના છિન્નભિન્ન સંસાર પર દિવસરાત કોઈ છૂપો કટાક્ષ કરી રહી હોય ! તેઓ વીરસુતથી ડરી સંકોડાઈને રહેતા, વીરસુત ઘરમાં આવે કે તૂર્ત ચૂપ થઈ બેસતા, પણ તેમના સવળા આચરણની યે અવળી અસર પડતી,

’હેં દેવુ !’ દાદાએ એક દિવસ વીરસુત કોલેજમાં ચાલ્યો ગયો તે પછી ઈચ્છા દર્શાવી : ’ બાપુ ભણાવે છે તે કોલેજ તો જોઈએ ! બધા એનું શિક્ષણ બહુ બહુ વખાણે છે, તો આપણે એના ક્લાસની બહાર કમ્પાઉન્ડમાં ઊંભા ઊંભા સાંભળીશું ? હેં, જશું?’

(૧૧૬) દેવુએ હા કહી. પિતાની ઈચ્છા સાંજે ઘેર આવી પુત્રને વખાણથી રીઝવવાની હતી.

દાદા ને દેવુ બેઉ જમ્યા પછી (વીરસુત જમી લેતો પછી જ તેઓ બેસતા) અંધ મામાથી ગુપ્તપણે રચેલા કાર્યક્રમ પ્રમાણે તૈયાર થઈને ચાલ્યા.

’ત્યારે જાનીજી ! હું તો સૂઉં છું મારી ઓરડીમાં !’ એમ બોલીને જ્યેષ્ઠારામ તો પોતાને સ્થાને (ગ્યાસલેટ અને પરચુરણ જૂના સામાનવાળી ઓરડીમાં) ચાલ્યો ગયો હતો.

દાદા ને દેવુ બહાર નીકળીને સડક પર પહોંચે છે ત્યાં તો જ્યેષ્ઠારામ તૈયાર થઈને હાથમાં લાકડી લઈ ઊંભો છે!

’કાં ! દવે ! ક્યાં જાછ અત્યારે?’ દાદાએ પૂછ્‌યું.

’આ... ઉંઘ તો આવી નહિ, એટલે એમ થયું કે લાવને ભાઈ ભણાવે છે એ શાળામાં જઈ આવું! તમે શીદ ભણી?’

’હવે રાખ રાખ પાજી!’ સોમેશ્વર હસી પડયા. ’લે હાલ હવે હાલ.

’ના તમે તમારે જ્યાં જતા હો ત્યાં જજોને ! નાહકનો હું સાથે હઈશ તો શરમાવું પડશે!’

’હવે માબાપ ! મૂંગો મરછ કોઈ રીતે?’

ત્રણે જણ ચાલ્યા. બીતા બીતા કોલેજની ચોમેર મેદાનને આંટો મારી લીધો. પછી ચોર જેવે મીનીપગલે અંદર પેઠા, ને વીરસુત જ્યાં વર્ગ લેતો હતો તે જ ખંડની સામે આવીને ઊંભા રહ્યા. ’ભાઈ’ની મધુર અધ્યાપનવાણી સાંભળીને બાપનો આત્મા કકળ્યો : આહા હા ! આવા

(૧૧૭) સરસ્વતી સંપન્નને શિરે આ દુઃખ ! મારા પુત્રના મોંમાંથી વાગ્દેવી કેવી પ્રસન્નતાથી વહી રહી છે ! આને માથે...!

પણ વીરસુતના અંતરમાં આ કુટુંબીજનોના દૃશ્યે ઊંલટી જ લાગણી સળગાવી. એની વાગ્ધારા ખંડિત બની. એનો ચહેરો પડી ગયો. એની જ્જ્ઞાનસમાધિમાં ભંગ પડયો.

આનું એક વધુ કારણ હતું : પોતાનાં આ કોલેજનાં વ્યાખ્યાનો સાંભળવા બે વર્ષ પૂર્વે કંચન આવતી તે દિવસો યાદ આવતાં કારમો તફાવત કલ્પના પર ચડી બેઠો. કંચન અહીં બેસતી ત્યારે પોતે સોળે કળાએ ખીલી રહેતો. કંચનના સ્થાને આજે આ ત્રણ સગાં સાંભળે છે ! વિડમ્બનાની અવધિ વળી ગઈ.

ઘેર આવીને એણે પિતાને કહ્યું, ’માર દાઝેલા હ્ય્દય પર શાને ડામ દઈ રહ્યા છો ! આથી તો ઘેર જાઓને !’

’ભલે ભાઈ !’ વૃદ્ધ પુત્રની ઈચ્છા ઝીલી લીધી. એણે પોતાની તૈયારી કરીને પછી પૂછ્‌યું : ’ભદ્રાને લેતો જાઉં કે અહીં રાખું?’

’લેતા જાઓ, ને આ ઘરને પણ દીવાસળી મૂકતા જાઓ ! હું પણ મારો છૂટકારો ગોતી લઈશ. પછી તમને નિરાંત થશે.’

પિતાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેની નજર સામે બે વીરસુત તરવરતા હતા. એક તો કોલેજમાં બોલતો સરસ્વતીનો વરદાનધારીઃ ને બીજો આ બકવાદ કરનારો : બેમાંથી કયો સાચો? બેઉ સાચાઃ એક જ ખોળીઆમાં બેઉ વસનારા : બકવાદી વીરસુતનો કોઈક દિવસ વિલય થઈ જશે, શારદાનો વરદાનધારી પ્રક્ટ થશે : એ આશાએ એણે કહ્યું : ’તો ભલે ભદ્રા આંહી રહેતી ભાઈ!’

એટલું જ કહીને વૃદ્ધે રજા લીધી.

(૧૧૮) એને બીક લાગેલી કે મુંઝાએલો ’ભાઈ’ કદાચ આપઘાત કરી બેસશે.

સ્ટેશને ગયા પછી સોમેશ્વરે અંધ સાળાને જુદો એકાંતે બોલાવી પૂછ્‌યું :

’જ્યેષ્ઠારામ ! ઘેર જઈ શું મોં બતાવું !’

’જાત્રા કરતા જવું છે?’ જ્યેષ્ઠારામે આંખો બીડી રાખીને કહ્યું : ’ તમારૂં મન જરા હળવું થશે. ને અંજળ હશે તો વહુને પણ ગોતી કઢાશે.’

’તારી મદદ છે?’ વૃદ્ધનો કંઠ લાગણીવશ બન્યો. જવાબમાં જ્યેષ્ઠારામે પૂરેપુરી આંખો ખોલી. એ આંખોમાં અંધાપો નહોતો. પણ આંખનો, દુષ્ટ લાગે તેવો મિચકારો હતો.

’હે માળા દુષ્ટ !’ ડોસા દેખીને હસી પડયા.

’લેવા દેવા વગરનું આંખોનું તેજ હું બગાડતો નથી. તેમાં દુષ્ટ શાનો?’

’ઠીક, ચાલ, દેવુને સાથે લેશું ને?’

’હા. હા.’

ત્રણે જણા ડાકોર વગેરે સ્થળોમાં થોડું ભટકી પછી એક ગામમાં આવ્યા. જ્યાં કંચનનો, આશ્રયધામની એક સંચાલિકા લેખે ભાસ્કરની સાથે પડાવ હતો.

ડોળાયેલાં મન

મુક્ત બનેલી કંચનને સમાજપીડિત બહેનોની ઉદ્ધારક અને પ્રેરણામૂર્ત્િા બનાવવા-વીરાંગના બનાવવા માટે ભાસ્કર ગુજરાતનો પ્રવાસ કરાવતો હતો, ઠેકઠેકાણે ભાષણો અપાવતો હતો, સમારંભો વડે સ્વાગત ગોઠવાવતો હતો. ભાસ્કર અને કંચન જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં ઊંગતા જુવાનો અને કવિતા કરતા કિશોરો એમની ફરતા વીંટળાતા રહ્યા.

પ્રત્યેક શહેરમાં યુવાનોના સમૂહ પૈકી પાંચ પંદર તો એવા હોય જ છે, કે જેઓ ઘરની માતાઓ; ભાભીઓ ને બહેનોમાંથી જીવનની અદ્‌ભૂતતાનો સ્પર્શ મેળવી શકતા નથી. એંશી વર્ષના બેવડ વળી ગએલા બરડા પર સાંઠીઓનો તોતીંગ ભારો ઉપાડી બજારમાં તેના વેચાણની અચોક્કસ મુદ્દત સુધી રાહ જોઈ ઊંભતી ડોશીના પુરૂષાર્થમાંથી તે યુવકોને રોમાંચક તત્ત્વ જડતું નથી; મરકીએ કેવળ દવાના અભાવે કોળીઓ કરી લીધેલા જુવાન ધણીને હાથે સ્મશાને દેન પાડી પાછળ રહેલાં પાંચ બાળકોની જીવાદોરી બનનારી-ત્રીશ વર્ષોનો અણિશુદ્ધ રંડાપો ખેંચનારી ગ્રામ્ય બામણીના માથાના મુંડામાંથી આ યુવકોને અલૌકિક વીરત્વની આસમાની સાંપડતી નથી. એવા પાંચ દસ કે પંદર વીશ યુવાન કિશોરો, પોતપોતાની કવિતાપોથી,

(૧૨૦) ઓટોગ્રાફ પોથી અને કેમેરાની ડબીઓ લઈ પ્રત્યેક ગામે આ વીરાંગના કંચનનો વિદ્યુતમય સહવાસ મેળવવા હાજર રહ્યા. તેમણે સભા સંમેલનો ગોઠવ્યાં, તેમણે કંચનના અંબોડા માટેની વેણી કે ચોટલા માટેનું ફૂમકું મેળવી આવવા શહેરોનાં સર્વ ચૌટં પગ તળે ખૂંદ્યાં. તેમને દોડી દોડીને કંચનની તબિયત દરેક વાતે ઊંઠાવી. કંચન તેમના પર ખીજાતી ત્યારે તેમણે આત્મવિસર્જનની જ ઊંણપ કલ્પી હતી. કંચન ખુશાલીમાં આવી જઈ તેમની પીઠ પર ધબો લગાવતી ત્યારે તેઓ બડભાગીપણું અનુભવતા. કંચન કોઈ પહાડ ચડવા કે ઝરણાને ટપી જવા તેમનો ટેકો લેતી તો તેઓ સાફલ્યનાં શિખર સર થયાં સમજતા. તેઓ આ ક્રાંતિકારી નારીને પોતાને ઘેર તેડી જતા ત્યારે એને મહેમાન ગણીને ચહા નાસ્તાની જહેમત ઉઠાવનારી અભણ ગૃહનારીઓ પ્રત્યે કંચન ’તમે લોકો’ એવું વારંવાર સંબોધન કરી ભાતભાતની ’ક્રાંતિકારી’ સલાહો આપવા મંડી જતી. કોઈ કોઈ ઘેરે એને ઘરનાં બૈરાં જોડે બેસવું પડતું તો એ થોડી જ વાર બેસી પાછી પુરૂષોની બેઠકમાં ચાલી જતી ને કચવાતા સ્વરે બોલી ઊંઠતી-

’એ લોકોની પાસે બેસીને તો કંટાળી જવાય છે. એ લોકો તો સાદી વાતોમાં પણ પૂછાપૂછ જ કરે છે. એ લોકો કદી સમજવાનાં જ નથી ને! એ લોકો સાથે વાત જ શા વિષયની કરવી!’

આમ પરિભ્રમણ ચાલવા લાગ્યું. પણ એ લાંબા પરિભ્રમણમાં ભાસ્કરને ન રૂચે તેવી કેટલીક વાતો પણ બનતી ગઈ. ભાસ્કર વિસ્મય પામતો હતો કે કંચન આ નવા નવા મળી જતા જુવાનો કિશોરો જોડે વધુ ને વધુ આનંદ કેમ અનુભવતી હતી, ભાસ્કરને આગળ અથવા પાછળ અન્ય લોકો સાથે વાતો કરતો રાખી પોતે આ જુવાનો કિશોરો જોડે કેમ ચાલતી હતી, એટલું જ નહિ પણ ભાસ્કરને ’અમે જરીક જઈ આવીએ’ એટલું જ ફક્ત કહીને, અથવા

(૧૨૧) કશું જ કહ્યા વગર છાનીમાની કંચન આ સ્થાનિક જુવાનો જોડે ફરવા જોવા કેમ નીકળી પડતી હતી; પોતાથી દૂર બેસતા યુવકોને ખુરસી સહિત પોતાની નજીક ખેંચી કેમ બેસારતી હતી; પોતે જે સોફા પર બેઠી હોય તે પર પોતાની બાજુમાં આ યુવકોને ખેંચી લેતી અથવા એ લોકો જે હીંડોળે બેઠા હોય તેની બાજુમાં જઈ પૂર્ણ બેપરવાઈથી કેમ બેસી જતી. આવે આવે તમામ પ્રસંગે ભાસ્કરને ઝંખવાણા પડી જઈ જુદા બેસવું પડતું.

પ્રથમ પ્રથમ તો ભાસ્કરે તકેદારી અને ચાલાકી રાખી રાખી આવા કઢંગા દેખાવો થતા અટકાવવા યત્ન કર્યો. પોતે ચોક્કસ અનુમાન બાંધીને કંચનનો આવો વર્તાવ રોકવા લાગ્યો; પણ પછી તો વાત પોતાના કાબૂ બહાર ચાલી જતી જોઈ પોતે મોંયે ચડી સલાહ સૂચના દેવા લાગ્યો. એના જવાબમાં કંચન ફક્ત એટલું જ પૂછતી કે ’પણ એમાં શું થઈ ગયું? એમાં શો વાંધો છે?’

ભાસ્કર કક્ત એટલો જ ખુલાસો કરી શકતો કે ’તું એમાં શું સમજે? એથી અસર ખરાબ થાય. જુવાનોનાં મન નબળાં પડે.’

’પણ મને તો એ સાવ સ્વાભાવિક લાગે છે!’

’તારી વાત જુદી છે. હું તો બીજાઓની વાત કરૂં છું’

થોડા દિવસ ગયા બાદ ’તારી વાત જુદી છે’ એ વાક્ય પર છેકો લાગી ગયો ને ભાસ્કરે સૂચક તેમજ ગર્ભિત શૈલીએ કહેવા માંડયું , ’માનસિક અધોગતિ ક્યારે થાય તે કોણ કહી શકે છે?’

’પણ તમે જ કહેતા હતા કે એવા લાગણીવેડા વળી શા?’

’તે તો હું મારા સંબંધમાં કહેતો હતો. બધાં કાંઈ એટલા મનોનિગ્રહવાળા હોતા નથી.’

(૧૨૨) અને આ ડહોળાએલા વાતાવરણનું એક પરિણામ એ આવ્યું કે ભાસ્કર અને કંચનને વીરનારી, ક્રાંતિકાર, બહાદુર ઈત્યાદિ જે બિરદો વડે જાહેરમાં બિરદાવતો હતો તે કરવાનું તેણ બંધ પાડયું ને પ્રવાસમાં બેઉ વચ્ચે ઠંડાશ જન્મતી ગઈ. બીજાઓને મોંયે ભાસ્કર કંચનના સંસ્કારોની ખામીઓ પણ કથતો થયો.

એક દિવસ એક ગામે કંચન એને ઊંંઘતો મૂકી ચાણોદ-કરનાળીના રેવા-ઘાટ પર રાત્રિની ચાંદનીમાં લટાર ખેલવા અન્ય નારીપૂજક યુવકો સાથે નીકળી પડેલી. પાછળથી ભાસ્કર જાગી ગએલો. કંચન પાછી આવી ત્યારે એણે પોતાનો ઊંંડો કચવાટ જાહેર કર્યો ને એણે સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે ’આવું વર્તન મારાથી નહિ સાંખી શકાય. તું તો હદ બહાર સ્વતંત્રતા લેવા લાગી છે.’

થોડી વાર કંચન સ્તબ્ધ બની ઊંભી. એ ખસીઆણી પડી ગઈ. સ્વતંત્રતા લેવી એટલે શું ! હદ બહાર એટલે શું ! આવું નહિ સાંખી શ્કાય એટલે શું ! ત્યારે પોતે સ્વતંત્ર છે ને ભાસ્કર પોતાની સ્વાતંત્ર્‌યભાવનાનો પૂજક છે એ શું ભ્રમણા હતી!

’આમ હોય તો પછી મારે તને તારા કાકા પાસે જંગબાર મોકલી દેવી પડશે.’

ભાસ્કરનાં ભવાં આ બોલતી વખતે ભયંકર રીતે એની આંખોનો આકાર ફેરવી રહ્યા હતાં. આવી આંખો અગાઉ ક્યારે થઈ હતી? ક્યારે જોઈ હતી? કંચન યાદ કરવા લાગી : બે જ પલમાં એને યાદ આવ્યું. પોતાના પતિ વીરસુતને માર મારતી વેળા બસ આવી જ આંખો ભાસ્કરે ધારણ કરી હતી. યાદ આવતા વેંતે એ ધાક ખાઈ ગઈ. એનાથી ભાસ્કરની આંખો સામે ન જોઈ શકાયું. એ બીજીબાજુ જોઈ ગઈ.

જગરબિલાડો

એ શું જોતી હતી?

આફ્રિકાનો કિનારો ઃ અગાધ અને અનંત, કાળાં ભમ્મર સાગરજળને સામે પાર એનાં માબાપ બેઠાં નથી.

બનાવટી બહાદૂરી અને ચાવી ચડાવેલી બંડખોરી પર એ વિદેશવાસી મુવેલાં માવતરની સાંભરણે મોટો ઘા માર્યો. બનાવટી બહાદુરીના કોટ કાંગરા ખરવા લાગ્યા.

’આમ મારી સામે જો!’ ભાસ્કર બોલ્યો કે તત્કાળ એ ચોંકી , હેબતાઈ, અને જૂની કહેતીમાં કહ્યું છે કે જગરબિલાડો ઊંંદરના દર પર જઈને ચીસ નાખે ને જેમ ઊંંદર આપોઆપ બહાર નીકળી પડે તે રીતે આ હાક ભેળા તો કંચને અનિચ્છાએ પણ આપોઆપ ભાસ્કરની સામે નેત્રો માંડયાં.

માંડતાં જ એનો ભય વધ્યો. જાણે આજ સુધીના પ્રેમાળ ભગ્િાનીબાંધવ, સજાગ રક્ષપાલ, ઉદાર લાલનકાર અને સચિંત શિક્ષાદાતા ભાસ્કરભાઈનું આખું ખોળીઉં જ બદલાઈ જઈને તેને સ્થાને કોઈ બીજું જ ભીષણ માનવી આવી બેસી ગયું.

(૧૨૪) ’સાંભળ !’ એ વિકૃતિ પામેલો ભાસ્કર ઊંંડી ખાઈમાં ઊંતરીને જાણે બોલતો હતો ઃ ’કાં તો તારે કાકા પાસે જવું પડશે, ને કાં હું બતાવું તેમ વર્તવું પડશે.’

’કાકા પાસે મોકલી આપો.’ કંચન બીતી બીતી માંડ આટલું બોલી શકી.

’એમ કાંઈ એકદમ મોકલાશે ? ત્યાં લખું, ત્યાંથી જવાબ આવે, અને મારૂં મન ખાત્રી પામે, ત્યારે મોકલીશ.’

બોલતો બોલતો ભાસ્કર હસતો હતો. એવું હાસ્ય પણ આ બીજીવારનું હતું. જ્યારે એ વીરસુતને માર મારી મોટરમાં ઘાલી લઈ ગયો હતો ત્યારે આમ હસ્યો હતો.

આ મુખાકૃતિ જે દિવસે પતિની સામે ખેંચાઈ હતી તે દિવસ વધુ ને વધુ યાદ આવ્યો. તે દિવસ પોતે ભયભીત થઈ હતી છતાં અંદરથી પ્રસન્નતા પામી હતી. તે દિવસનું સ્મરણ ન સહેવાયું. ફરી વાર એ આ મેડીની બારી તરફ નજર ફેરવી ગઈ.

એકાએક એ નજરમાં નવી લાગણી છવાઈ ગઈ. આફ્રિકાના અફાટ અનંત દરિયાવ-પટની કલ્પના ન આવી, પન જ્યાં પોતે એ કલ્પના-દૃશ્ય ખડું કરતી જતી હતી તેજ સ્થાને, તળાવની પાળે વડલાની છાંયે, એણે ત્રણ જણા બેઠેલા દીઠા. એક વૃદ્ધ, એક અંધ અને એક કિશોર.

ત્રણેને પોતે ક્યાંઈક જોયા હતાં શું ? તાજેતરમાં જ જોયા હતા કે વર્ષો પૂર્વે જોયા હતા ! જરીક ઝાંખી થઈ હતી, વિશેષ કાંઈ યાદ આવતું નહોતું. પણ તેઓ બન્ને બેઠા બેઠા આંહી આ બારી તરફ કેમ જોઈ રહ્યા હતા ! ને હવે નજર પાછી કેમ સંકેલી લે છે?

(૧૨૫) નીચે કેમ જોઈ જાય છે ? ગુસપુસ ગુસપુસ કેમ કરતા દેખાય છે ? પાછા છૂપી રીતે કાં બારી સામે તાકે છે?

તળાવનો આરો દૂર હતો. વડલાની છાંય વિશેષ આવરતી હતી. ત્રણે આકૃતિઓનાં મોઢાં સ્પષ્ટ ઉકેલી શકાતાં નહોતાં. પણ ત્યાં જોઈ રહેવાનું કૂતુહલ વધતું હતું. ત્યાં જોવું ગમતું હતું. આ મેડીના ઓરડામાં જે ઊંકળાટ અને અગ્નિરસનો ધગધગાટ ચાલુ થયો હતો તેમાંથી બચાવનારૂં એ બારી વાટેનું, તળાવ-આરા પરનું દૃશ્ય હતું.

’આમ તો જો જરા!’ ભાસ્કરનો સ્વર સહેજ નરમ પડયો હતો ઃ ’તને મારામાંથી સર્વ સંતુષ્ટતા કેમ મળી રહેતી નથી ? હું કાંઈ તને સતાવતો નથી. હું તો તને મારાથી શક્ય તેટલી યશસ્વિની ને મોટી બનાવી રહ્યો છું. બદલામાં હું તારી લાગણીની મીઠાશ ને ભીનાશ માગું છું - ને તું તો મને તરછોડે છે.’

’તમે મારા વડીલ છો, મારા રક્ષક છો.’ કંચન મહામહેનતે બોલી.

’પણ હું તારો સમવયસ્ક નથી શું ? હું શું ઉમ્મરમાં એટલો બધો ઘરડો થઈ ગયો છું ?’

આવું બોલનાર ભાસ્કરને પોતાની ઉમ્મરનું ભાન નહોતું રહ્યું. એ પૂરાં ચાલીસ-બેતાલીસ વર્ષો ખાઈ ગયો હતો ને યુવાન સ્ત્રીઓનો એ રક્ષક બની શક્યો હતો તે પણ એની પાકટ અને પીઢ વયને કારણે.

આજે જુવાનો અને કિશોરોનો મધપૂડો બની રહેલી કંચને એને એક બાજુ તારવ્યો એટલે જ એકાએક એને પોતાની ઉમ્મરનું ભાન થયું, ભાન થયું કે પોતે આકર્ષક કે મોહક નહોતો. યાદ આવ્યું કે પોતે તો મુરબ્બી વડીલ મોટાભાઈનું સ્થાન અને માન ભોગવતો હતો. ધિક્કાર છૂટ્‌યો એ માનનીય સ્થિતિ પર. વ્હેમ આવ્યો કે

(૧૨૬) પોતાના મુરબ્બીપણાની ઓથ લઈને આ તો દગલબાજી ખેલાતી હતી ને નમૂછીઆ છોકરા એના રક્ષણનો મુલાયમ લહાવો લેતા હતા.

કેમકે ભાસ્કરની એક આબરૂ તો આ હતી ઃ પોતાને સોંપાયેલ સ્ત્રીનો એ શુદ્ધ બાંધવ હતો. એની આંખોમાં કદી મેલ હોઈ શકે નહિ. અરે એટલી હદ સુધી એની સહાય ને સોબત સહીસલામત ગણાતી, કે ભાસ્કર જાણે પુરૂષ ખોળિયું પહેરીને દુનિયામાં આવેલ સ્ત્રી જ છે. ઘણા એને ભાસ્કર બહેન કહીને પણ બોલાવતા, તેમાં મશ્કરી નહોતી, સાચી માન્યતા હતી. ચાહે તેટલી એકાંતમાં પણ ભાસ્કર સાથેની સ્ત્રી સુરક્ષિત મનાતી.

એવી પ્રતિષ્ઠાના કોચલામાંથી ભાસ્કરનો પ્રાણ, ઈયળનાં ખોખામાંથી પાંખો ફફડાવીને પતંગ્િાયું ઊંડે તેમ ફફડાટ કરતો બહાર આવ્યો. વીરસુતના પંજામાંથી કંચનગૌરીને પોતે જે બહાદુરીથી છોડાવી લાવ્યો, તે બહાદુરીનો મર્મસ્વર છેક આજે બોલ્યો ઃ-

કંચન મારી બને તે માટે.

સાંજ પડી હતી. ગામના કુમારો ને યુવકો કંચનને ફેરવવા લઈ જવા આવ્યા. ફરવા આવવા કજિયા કરતી ઘરની બહેનોને આ યુવકોએ હમેશાં કહેલું કે ’વગડામાં ને ડુંગરામાં શું જોવાનું ને ફરવાનું બળ્યું છે!’ કંચનને માટે તેમણે ગામની સીમમાં પચીસેક ’બ્યુટી સ્પોટ્‌સ’ - સુંરતાનાં સ્થાનો નક્કી કરી રાખ્યાં હતાં. ભાંગેલી દેરી અને દટાયેલી તળાવડી પણ કંચનને બતાવવા માટે મહત્ત્વના બન્યાં હતાં.

કંચન પ્રાચીન સ્થાનોમાં જરીકે સમજ નહોતી ધરાવતી. મીનલદેવીએ બંધાવેલી વાવ વિષે જુવાનો વાત કરતા હતા ત્યારે મીનલ કર્ણદેવની

(૧૨૭) રાણી કે સિદ્ધરાજની, એટલું કંચનને યાદ નહોતું. અમૂક તલાવડી મીનલદેવીએ કયા સંજોગોમાં બંધાવી એની વાતને કંચન પાસે કોણ વધુ રસભરી રીતે મૂકી શકે છે તેની આ યુવાનો વચ્ચે સરસાઈ ચાલી રહેતી ત્યારે કંચન એ વાતના દોરને, પોતાની પડી ગએલી ’હેર-પીન’ની શોધે જવાની વાત વડે તોડી નાખતી.

એવી કંચનને કદમે ઝૂકવા આવેલા આ જુવાનોને ભાસ્કરે બહાર આવી તે દિવસે મક્કમ સ્વરે કહી દીધું ઃ ’આજે એનું શરીર સારૂં નથી, ચક્કર આવે છે. નહિ આવી શકે.’

અંદર આવી તેણે કંચનને કહ્યું, ’બારીમાંથી જોવાનું નથી. ને શણગાર ઉતારી નાખ.’

માથામાં ગુલાબના મોટા ફૂલ જેવડા પહોળા બબે અંબોડા લઈને તેની અંદર જે વીશ-પચીશ ઝીણાં મોટાં વાનાં-ચગદાં, ચીપીઆ, વેણી, ફૂમકું વગેરે- કંચને ઘાલેલ હતાં તે તમામ એક પછી એક બહાર નીકળીને ભોંય પર ઢગલો થયાં હતાં, ને ભાસ્કર ખુરસી પર બેઠો બેઠો એનાં જાડાં ભવાંની છાજલી હલાવતો હલાવતો, આ શણગારની પોતે મેળવેલી ખુવારીને કોણ જાણે કેવા યે આનંદે જોતો હતો.

’આંહી જ રહેવાનું. હું આવું છું.’ જાડાં ભવાંને ઝીણી આંખો ઉપર વધુ ઢળતાં મૂકીને ભાસ્કરએ, શણગાર ઉતારી રહેલી કંચનને કહ્યું.

કંચનના મનમાં ’ના, નહિ રહું’ એવો ધગધગતો જવાબ હતો. પણ એ શબ્દો હોઠે આવીને બદલી ગયા, ટૂંકું ને ટચ રૂપાન્તર પામ્યા ઃ ’હો’

ભાસ્કરનાં ચંપલો એ સંધ્યાનાં અંધારામાં ચટાક ચટાક દૂર ગયાં, વિલય પામ્યાં, તે પછી કંચને દાંત ભીંસ્યા, દિલની કમજોરીને ભીંસી

(૧૨૮) ઢંઢોળી મનને પૂછી જોયું ઃ ’કેમ એટલું ય ન બોલી શકી ! ભાષણો તો ઘણાં કરે છે!’

અરધા જ કલાકે ભાસ્કર પાછો આવ્યો ત્યારે તેના હાથમાં એક લીલા પાંદડાનો પડીઓ હતો. ખોલીને એણે અંદરથી એક સુંદર ફૂલવેણી કાઢી, ને પ્રસન્ન સ્વરે કંચનને કહ્યું ઃ ’હું બાંધી આપું? કે તું તારી જાણે જ બાંધીશ? કહે જોઉં દીકરી!’

એ શબ્દોમાં ને એ મોં ઉપર, એક જ ભાવની રાગ્િાણી હતી. ભાસ્કરના ચહેરામાં કશી ભયાનક વિકલતા નહોતી. એ દયામણી દૃષ્ટિએ જોતોજોતો, વેણીને કંચન સામે લટકાવી ઊંભો.

કંચને વેણી લઈને પોતાના અંબોડા ફરતી વીંટાળી.

’ચાલો હવે, ચંદ્ર ઉગ્યો છે. થોડું ફરીએ. તળાવની પાળે પાળે જ આંટો મારીએ.’

તળાવની પાળ એટલે એ ગામનાં નરનારીઓ ને બાળકોનું રોજ સાંજનું મેળાસ્થાન. કંચન એટલું તો સમજી જ શકી કે ભાસ્કર પોતાને કોઈ એકાંત-સ્થાને લઈ જવા નહોતો માગતો. એને દિલ નહોતુ, એને પેલા છોકરાઓ સાથે ન જવા દીધી તે અપમાન સાલતું હતું, છતાં એની જીભ પર ’ના’ જેટલો એકાદ અક્ષર પણ ન ચડી શક્યો. પાળેલા પશું જેવી એ ભાસ્કરની પાછળ પાછળ ચાલી. બન્ને ઉતારાની બહાર પહોંચ્યાં ત્યારે ભાસ્કરે એક વાર પાછળ જોયું.

’તો તો પછી મારી આણેલી વેણીની શી મહત્તા!’ આ શબ્દો ભાસ્કર પાછળ જોયા વગર જ બોલ્યો. કંચન સમજી ગઈ. એણે માથે સાડી ઓઢી હતી. ભાસ્કરની ઉમેદ સાડીને એવી તરેહથી ગોઠવવાની હતી કે માથું ઢંકાયેલું પણ કહેવાય ને વેણી પણ સાને દેખાય.

(૧૨૯) સાડીની કોર અંબોડા ઉપર સરી ગઈ ને ચાંદની રાતમાં ફરતાં ગામલોકો વચ્ચે થઈને આવી સુંદર, સુગંધીમય, સલુકાઈભરી ને ભાર્યા સમી આજ્જ્ઞાંકિત સ્ત્રીની સાથે લટારો લેવાનો ભાસ્કરે લહાવ લીધો. એ કહું બોલતો નહોતો, કશી આછલકાઈ કરતો નહોતો, કંચનની સાથે પણ વાતો કરતો નહોતો. એ જાણે કે સમાધિસ્થ હતો, અધમીંચી એની આંખોની પાંપણો નીચે જો કોઈ જોઈ શક્યું હોત, તો કહી શકત કે ભાસ્કર અત્યારે કશોક ઉદ્રેક અનુભવી રહ્યો છે; સંસાર-વનની કોઈક અણફળી આરઝૂની સંતૃપ્તિમાં લહેરાયો જાય છે; એની ગરદન પોતાની જમણી બાજુએ ચાલી વાતી કંચન તરફ સહેજ ઝૂકેલી છે, એની આંખોનાં અધબીડયાં પોપચાં જરી જરી ઊંંચાં થઈને બાજુએ ચાલતી કંચનનો વેણી-વીંટ્‌યો અંબોડો જોઈ વળે છે.

તળાવને ફરતાં ચક્કર પછી ચક્કર લાગે જતાં હતાં. ભાસ્કરના મોંમાં વાચા નહોતી. કંચનને અડકી, ઘસાઈને ચાલવાનો પણ એનો ભાવ નહોતો. જગતની આંખને એ ફક્ત એટલું જ બતાવવા માગતો હતો, કે જોઈલે, મને પણ સ્ત્રી સ્નેહ જડયો છે. હું સ્ત્રીઓનો રક્ષણહાર, શાણો બાંધવજન, પીઢ સલાહકાર અને વડીલ જ માત્ર નથી. હું તેમનો સખા પણ થઈ શકું છું, હું એને શણગારી શકું છું. મને મદનીનું મૂલ્ય કરતાં આવડે છે, ચાંદનીને હું પુષ્પે ને પ્રેમે મઢી શકું છું.

ચક્કર મારતાં મારતાં એક ઠેકાણે કંચન ઝબકી. એણે શરીર કોડી, એકદમ માથા પર ઓઢી લીધું. ને એ સહેજ ભાસ્કરની પછવાડે રહી ગઈ.

ભાસ્કરની આંખોએ પાંપણોની છાજલી નીચે જોયું કે પડખે ચાલી આવતી વેણી અદ્રશ્ય બની છે. એણે પાછા ઉતારા તરફ જવાનો રસ્તો લીધો. કંચને છેક ઉતારે આવ્યા પછી પૂછ્‌યું ઃ વેણીને કેમ ઢાંકી દેવી પડી? કોનાથી ચમકી ? પેલા છોકરાઓથી?’

(૧૩૦) ’ના, સહેજ અમસ્થું.’

તે પછી રાત્રિ કેવી જશે તેના ગભરાટમાં કંચને કપડાં બદલવાનું ને ખાવાપીવાનું પતાવ્યું. પણ ભાસ્કરની એકેય ચેષ્ટામાં વિકલતા દીઠી નહિ. પોતાને સ્થાને એ જ્યારે રોજના કરતાં વિશેષ શીતળ સ્વસ્થતાથી સૂવા જતો હતો, ત્યારે એણે કંચનને એટલું જ કહ્યું ઃ

’વેણીને અંદર રાખતી નહિ. બહાર ફેંકી જ દેજે ! લોકો કહે છે આંહીં સાપનો ભારી ડર છે. ફૂલો પર એ ન હોય ત્યાંથી આવી ચડે છે.’

કોણ કાવતરાખોર?

ધર્મશાળાના શિવાલયને ઓટલે એ બે જણા બેઠા હતા, દેવુના દાદા સોમેશ્વર માસ્તર અને અંધ મામો જ્યેષ્ટારામ. બાજુમાં દેવુ ઊંંઘતો હતો. એ ઊંંઘતા દેહ ઉપર, પાસે ઊંભેલો ઊંંચો તુલસી-છોડ પોતાની મંજરીઓનો વીંઝણો ઢોળતો હતો.

’જ્યેષ્ટારામ !’ સોમેશ્વર પોતાના સાળાને પૂછતા હતા ઃ ’કેમ લાગે છે? તને શું સૂઝે છે? આ તલમાં તે તેલ હોઈ શકે ? સળી ગયા છે આ તલ તો.’

’સળ્યું ધાન ફેંકી દેવાય, કેમ કે એ કામ ન આવે. સળ્યાં માનવીને કાંઈ ફેંકી દેવાય બાપા?’ અંધો ડોસે બફારામાં બફાઈ ગયેલ બરડાને ઉઘાડો કરી, ચાંદનીમાં છબછબાવી , જનોઈ ને બે હાથે બરડા પર ઘસી ખજવાળતો ખજવાળતો કહેતો હતો.

’પણ ભાઈ,’ સોમેશ્વર માસ્તર પણ ઉઘાડે શરીરે, ફક્ત એક ફાળીઆભેર, તુલસી છોડનાં પાંદ તોડી તોડી મોંમાં મૂકતાં કહેતા હતા ઃ ’આ તો મદોન્મત્ત ! ફરતી’તી કેવી ઉઘાડે માથે ! ને પડખે ઓલ્યો દારૂડીઓ.’

’તમે પૂરેપૂરૂં જોયું નથી લાગતું.’

(૧૩૨) ’હવે તું આંધળો મને શું કહેતો’તો.’

જે દેખતા હોયને, એ જરૂર હોય તેથી વધારે જોવા મંડે. એટલે મુદ્દાની વાત જોવી રહી જાય ને ન જોવાનાં જોયા કરે. અમે આંધળાં, એટલે જોવા જોગું જ જોઈએ.’

’શું જોયું?’

’એણે આપણને દેખી અદબ કરી. ને એ ઝબકી ગઈ.’

’બી ગઈ હશે?’

’ના, એળખીને શરમાઈ ગઈ હશે. મારી વાત એક જ છે. ઉપરનું ફોતરૂં સળ્યું છે, દાણો હજી આબાદ છે.’

’એટલે શું?’

’એ આપણું માણસ છે, ને આપણે પાછું હાથ કરવું છે. ગોવાળ એક ગાડરનાં બચ્ચાંની પણ ગોત કરવી છોડતો નથી. તો આ તો જીવતું માનવી છે.’

બોલતો બોલતો એ અંધ જ્યેષ્ટારામ જનોઈને બરડા પર વધુ ને વધુ લજ્જતથી ઘસી રહ્યો હતો. ખજવાળ આવતી હતી. જનોઈના ત્રાગડા જોરથી ઘસાતા તે મીઠું લાગતું હતું.

તુલસીનો છોડ વાયુમાં હલતો હલતો, દેવુના દેહ પર સૂકી મંજરીઓનો છંટકાવ કરી રહ્યો હતો. નિર્મળ જલ અને વગડાઉ ફૂલ, એ બેઉના મિશ્રણમાંથી નીપજતી જે એક અનિવાર્ય અને નિર્ભેળ ખુશબો એકલા ફક્ત શિવ-મંદિરમાંથી જ ઊંઠે છે, તે આ રાત્રિ-પ્રહરની વિકટ વાતોમાં કશુંક સરલપણું પૂરતી હતી.

’આપણે આ મુરખાઈ શીદ કરવી જ્યેષ્ઠારામ?’

(૧૩૩) ’કાં?’

’તને ખબર નથી, પણ મારા ઉપર પાંચ છ કાગળો આવી પડયા છે. બ્રાહ્‌મણોના ઘરમાં દીકરીઓ ઊંભરાઈ રહી છે, કોઈને પોતાની ભત્રીજી તો કોઈને પોતાની ભાણેજ, તો વળી કોઈને પોતાની સાળીની છોકરી ઠેકાણે પાડવી છે, એક માથે બીજી દેવા દસ જણા તૈયાર છે. મને ઘેર તેડાવે છે.’

’મન થાય છે?’

’મન તો આ ઊંખડેલને દેખીદેખી એમ થાય છે કે-’

’કે?’

’એને દેખાડી દઉં કે મારા દીકરાનું ભર્યું ભાદર્યું ઘર મસાણ નહિ બની શકે.’

’હં’

’કેમ હં કહીને જ અટકી ગયો ? તારી બેન પ્રેતલોકમાંથી મને શું કહેતી હશે ! કે એકના એક પુત્રનું ય ઘર ન બંધાવી શક્યા?’

’સોમેશ્વરજી, મારી મરેલી બેનને યાદ કરો છો પણ તમારા ઘરની જીવતી ’ગાંડી’ને કેમ ભૂલી જાઓ છો? ઠેઠ સીંગાપુરથી એ રઝળતી પાછી આવી, કેમ કે એના ધણીએ એક માથે બીજી આણી.’

’આ ઊંખડેલ ક્યાં એમ પાછી આવવાની હતી?’

’પાછી આવશે. પાછી આવ્યા વગર છૂટકો નથી. સોમેશ્વરજી, મારૂં વેણ છે. મારી આંધળી આંખો ભવિષ્યમાં ભાળે છે ઃ કે આ કંચન, એક દિ’ પાછી આવશે ઃ તે દિ’ તમારે વેઠ્‌યા વગર છૂટકો નથી.’

’મારૂં પગરખે. કાઢું ખડકી બહાર.’

(૧૩૪) ’નહિ કાઢી શકો. ને તે દિ’ એક નહિ પણ બેનાં આંસુ લૂછવાં પડશે.’

’કેમ ભાઈ?’

’ત્યારે શું આ બબ્બે સંસારનું સત્યાનાશ કરનારો હીજડો...’

’હં...હં’

’સચું કહું છું ઃ હીજડો ઃ વીરસુત મારો ભાણેજ છે છતાં સાત વાર હીજડો. એના સંસારને તો પારકા જ માણવાના છે. ભણેલી ને સુધરેલી પોતાને કબજે ન રાખી શક્યા એટલે હવે પાછી એને ગામડાની ગાય ઘેરે આણવી છે.’

’હોય. ભાઈ જ્યેષ્ટારામ ! આપણે તો માવતર ઃ જીવવું ત્યાં લગી છોકરાંના વ્યવહાર ખેંચવા જ રહ્યા ને.’

’પણ આનો વિચાર કર્યો?’ જ્યેષ્ઠારામે ઊંંઘતા દેવુ તરફ આંગળી ચીંધી.

’કાં?’

’એ તે કેટલીકને ’બા’ ’બા’ કહેતો ફરશે?’

વાત પૂરી તો નહોતી થઈ, પણ અધૂરા મુકાયેલા ત્રાગ જેવીએ એ જાણે કે હવામાં ઊંડતી રહી. ને બેઉ ડોસા સૂતેલા દેવુને જગડીને અંદર પોતાના ઉતારામાં લઈ ગયા.

ડોસાઓને સરત નહોતી કે ગઈ રાત્રિના વાર્તાલાપનો ઉત્તરાર્ધ જ્યારે ચાલતો હતો ત્યારે દેવુ જાગી જઈને સાંભળી ગયો હતો. જ્યેષ્ટારામ મામાના છેલ્લા બોલ એને કાને રમતા હતા કે ’આ દેવુ તે કેટલીકને ’બા’ ’બા’ કહેતો ફરશે?’ એ એક જ વિચારને દેવુએ

(૧૩૫) ભૂખ્યા પ્રાણીની પેઠે ઝડપી લીધો. ને એણે આજે તો કંચન બાને મોઢામોઢ જઈ મળવા નિશ્વય કર્યો. એણે નવી બા જેમાં રહેતી હતી તે ઉતરામાં એકદમ પ્રવેશવાની તો, પેલા વિકરાળ માણસની હાજરીને કારણે હિંમત ન કરી. એ કલાકો સુધી નવી બાના મુકામની બહાર છુપાઈ રહ્યો. પણ એ કલાકો એળે ગયા. આજે કંચન બા પણ બહાર ન નીકળી. પેલો વિકરાળ માણસ પણ મુકામમાંથી બહાર ન ખસ્યો.

થાકેલા દેવુએ છેક સાંજે પોતાનું જીગર મજબૂત કરીને જીભને ટેરવે આણી મૂક્યું. પછી પોતે એ મુકામની અંદર ધસી ગયો. એણે કંચન બાને એક ખાટલા પર પડેલી જોઈ. પેલો પણ એની સામે ખુરસી પર બેઠો બેઠો કશું ક વાંચતો હતો. દેવુએ ઊંંબરમાં ઊંભા રહીને પોતાની કશી જ પિછાન આપ્યા વગર, ધ્યાન છે ક નહિ તે જોયા તપાસ્યા વગર એકીશ્વાસે મોટા અવાજે કહી નાખ્યુંઃ-

’જ્યેષ્ઠારામ મામા જૂઠું નથી કહેતા ઃ દેવુએ હજુ કેટલીકને ’બા’ ’બા’ કરતા રહેવાનું છે?’

એટલા બોલને અંતે આવતાં તો દેવુનો શ્વાસ ગદ્‌ગદિત બની ફાટી ગયો, અને એક જ ક્ષણને માટે એની આંખો કંચનની જોડે એક નજર થઈ શકી. પેલો વિકરાળ માણસ ભાસ્કર ચોપડીમાંથી માથું ઊંંચકીને પૂરૂં જુએ સમજે તે પૂર્વે તો દેવુ પાછો નાસી ગયો.

નાસી જતા છોકરા દેવુને પકડવા ભાસ્કર જે ચપળતાથી ઊંઠ્‌યો ને દોડયો, તે એના અખાડેબાજ પૂર્વજીવનનો પુરાવો હતો. નજરે જોનાર ભાસ્કર ઠંડો અને મંદગતિ લાગતો. ઉતાવળ એનાં રૂંવાડામાં જ જાણે નહોતી. પણ એ ઠંડાશ અને મંદતાની અંદર ઝંઝાવાતના જેવો વેગ હતો, નિશ્ચય હતો. એક કંચન જ આ વાત બરાબર જાણતી

(૧૩૬) હતી. એનાથી ભાસ્કરની પાછળ બૂમ પડાઈ ગઈ કે ’ ન જાઓ ! ન દોડો ! એને મારશો નહિ, બીવરાવશો નહિ!’

હાંફળી ફાંફળી એ બારીએ ડોકાઈ ઊંભી રહી ત્યારે લાંબે માર્ગેથી નીચે ઊંતરવા દોડેલા દેવુને ભાસ્કરે દીવાલ પરથી ઊંતરી જઈ ઝાલી લીધો હતોઃ ’ચાલ ચાલ ઉપર.’ એમ એ દેવુને કહેતો હતો ઃ ’ડર ના, હું તને નહિ મારૂં. ખાવાનું આપીશ.’

ઊંંચી બારીએથી કંચને આખરે દેવુને ઓળખ્યોઃ પોતાનો સાવકો પુત્ર ઃ તે દિવસ રાતે અમદાવાદમાં જેણે ’બા’ કહી બોલાવેલી હતી તે જ આ.

થોડી વાર થયું કે ભાસ્કર એને ન મારે, ન ડરાવે તો ભાસ્કરના ચરણોમાં પડું. થોડી વારે થયું કે આ છોકરો પોતાનો કાળ હતો, શત્રુ હતો.

ભાસ્કર એને ઉપર તેડી લાવતો હતો ત્યારે કંચન સામે જ ઊંભી હતી. દેવુ કંચનની સામે મીટ માંડી શકતો નહોતો. એણે જાણે કે આ સ્ત્રીને ’બા’ કહી બોલાવવાનો મહાપરાધ કર્યો હતો. એ નીચું ઘાલી ઉપર ચડતો હતો. ભસ્કરે એનું કાંડું દેખીતી રીતે તો સાદું સીધું ઝાલ્યું હતું, પણ એ કાંડાને મરડીને જે વળ ચડાવેલા હતા તે અદૃશ્ય હતા.

’બેસ’ ભાસ્કરે એને પોતાની પાસે બેસાડીને પૂછ્‌યું, ’કોણ છો તું?’

’દેવુ.’

’ કોનો દીકરો?’

’દેવુએ ન કહ્યું કે વીરસુતનોઃ ન કહ્યું કે દાદાનો ઃ એણે તો સામે બેઠેલી કંચન તરફ બેઉ નેત્રો માંડીને બોલ્યા વગર જ જાણે કે પાંપણના પલકારા રૂપી શબ્દો સંભળાવ્યા ઃ ’આનો.’

(૧૩૭) ’આંહીં કોની સાથે આવેલ છો?’

એ બધા પ્રશ્નોના જવાબમાં દેવુએ ડળક ડળક થતે ડોળે આખી કથા કહી દીધી ઃ દાદાજી મારી આ બાને ઘેરે લઈ જવા આવેલ છે. મારા પિતા ફરી લગ્ન કરવા માગે છે. દાદાજી કહે છે કે બા જો ઘેરે આવે તો નહિ સતાવીએ. અમારી જોડે સાચવશું. અમદાવાદ ન રહેવું હોય તો ન રહે.

આ બધું કહેતે કહેતે દેવુ કોઈની સામે જોવાની હિંમત નહોતો કરી શકતો. ફક્ત એ પીઠ ફેરવીને બેઠેલી કંચન સામે તિરછી ને ભયગ્રસ્ત નજર કરી રહ્યો હતો. મોં જેનું નહોતું દેખાતું તેનો ફક્ત બરડો જ દેખી વધુ વાકર્ષણ થતું હતું. સ્ત્રીના ચહેરા કરતાં સ્ત્રીનો પીઠ-ભાગ વધુ ભાવભરપુર હોય છે તેમ દેવુની આંખો કહેતી હતી. ચહેરા ચહેરામાં જુદાપણું હોય હે, બરડો સમાનતાનું પ્રતીક છે. નાના બાળકને નિશાળમાં લસરવાનું જે પાટિયું હોય છે તેની સૌ પહેલી કલ્પના કોઈક બાલપ્રેમી શિક્ષણકારને જનેતાના બરડા પરથી જ ઊંપજી હોવી જોઈએ. લાખો કરોડો શિશુઓને લસરવાનું સ્થાન બરડો ઃ માના બરડા ઉપર ચડીને ખભા પર થઈ ગલોટિયું ખાવાની નીસરણી બરડો ઃ માનો બરડો !

શહેરની એક વ્યાયામ-સંસ્થાના ઉત્સવમાં પ્રમુખપદ શોભાવવા જવાની તૈયારી કરી બેઠેલી એ કંચનબાના અબરડા પર ઢંકાયેલો આછો સાળુ દેવુની ભયભરી તિરછી આંખોને શું શું બતાવી રહ્યો હતો? અધઢાંકી ફૂલવેણીઃ પાતળી ગર્દન ફરતી સાદી હાથીદાંતના પારાની માળા ઃ કાનની બૂટે લળક લળક ઝૂલતા એરીંગ ઃ આછા રંગનું પોલકું ઃ ને પોલકા ઉપર અંબોડાની નીચેથી સીધી નિર્ઝરતી કોઈ રંગ-ત્રિવેણી સમી, પેલી હાથીદાંતની માળાની પાછલી રેશમી

(૧૩૮) દોરી ઃ દોરીને છેડે ય ફૂમકું. ને ઓહ ! તે પછી નજર નીચે ઊંતરી ને નિહાળી રહી સ્ત્રીદેહનો ભર્યો ભર્યો પાછલો કટિપ્રદેશ.

આવી જો બા ઘરમાં હોય ! આવી ભલેને નવી બા હોય, છતાં ’દેવુ, તારે ખાવું છે ભાઈ?’ એમ કહીને સુકો રોટલો અને છાશ પણ પીરસતી હોય, તો ખાવાનું કેવું ભાવે? અવી બાને ખોળે તો ખેલવા જેવડો હું નથી રહ્યો, છતાં એને ખોળે રમનારૂં એક નાનું ભાંડું હોય તો એને ’મોટાભાઈ ! મોટાભાઈ!’ કહેતાં તો શીખવી શકાયને. આવી બા ભલે ને નવી હોય તો પણ મારી માંદગીને વખતે પથારી પાસે બેસવાની કાંઈ ના પાડે? પાણીનો ઘૂંટડો ભરાવવાની કાંઈ ના પાડે?

આવા ભવો- અમે મૂકેલ છે તેટલા સ્પષ્ટ હશે કે કેમ તે અમે નથીકહી શકતા - એ દેવુના દિલની ડાળે ડાળે વાંદરાની જેમ કુદાકુદ કરતા હતા, અને દેવુની પાસેથી બધી વાત કઢાવી લઈ ને ભાસ્કર એને કહેતો હતોઃ’વારૂ છોકરા ! જા હવે. ને તારા દાદાને તેડીને અત્યારે વ્યાયામમંદિરની સભામાં આવજો ત્યાં તમને તમારી બાનો મેળાપ કરાવી દઈશ હાં કે? જા.’

દેવુ જવા ઊંઠ્‌યો. ત્યારે ભાસ્કરના આંખોના રંગોની ઘુમાઘુમ એને ભાસ્કરના શબ્દોની અંદર રહેલી મૃદુતાથી જુદેરા પ્રકારની જ લાગી; એ આંખો દેખી દેવુ વધુ ભયભીત બન્યો, પણ શબ્દોનું માર્દવ એને વિભ્રમ કરાવતું રહ્યું.

મૂંગી મૂંગી નજરે એણે નવી બા પ્રત્યે એક વાર જોવાની કાકલૂદી કરી. પણ કંચને પીઠ ફેરવી નહિ. ’જા બાપુ જા હવે.’ એ ભાસ્કરનો બોલ ફરી સંભળાયો.

(૧૩૯) દેવુના પગની પડઘીઓ વિરમી ગઈ ત્યાં સુધી એ ઓરડામઆં બોલાસ બંધ રહ્યો. પહેલો ધ્વનિ એ ખંડમાં પીઠ ફેરવીને બેઠેલી કંચનના ઊંંડા એક નિઃશ્વાસનો હતો ઃ બીજા સુર એ મેડીની બારી સામે જ ઊંભેલા જાંબુડાના ઝાડની એક કૂણામાં કૂણી ડાળખીએ બેસી ઝૂલતી ટચૂકડી ફૂલચકલીના ચીંચકારાનો હતો. ને ત્રીજો સૂર ભાસ્કરનો હતો. ભાસ્કરે કહ્યુંઃ-

’કેટલા બડા કાવતરાખોર લોકો?’

એટલું સાંભળતાં જ કંચનનો સ્થિર બની રહેલો દેહ સળવળ્યો. કોઈએ જાણે કે ઊંંડા વેદના-કૂપમાં પડી ગયેલીને માટે ઉપરથી સીડી સરતી મૂકી.

’હા-હા-હા-’ ભાસ્કર બોલતો જ ગયોઃ ’પેલાને-તારાને ફરી પરણવું છે. એને ખબર છે કે એનું ને તારૂં સિવિલ મેરેજ છે. એક હયાત છતાં બીજી કરીશકાય નહિ. ને કોર્ટૅ ચડી લગ્ન રદ્દ કરાવી શકાય નહિ; આ મૂંઝવણમાંથી માર્ગ કાઢવા બાપને બહાર કાઢેલ છે, બાપડા બુઢ્‌ઢા બાપને.’

’શો માર્ગ?’ કંચન કુતૂહલથી તેની સામે ફરી.

’તું જ વિચારને, કયો માર્ગ કાઢે તો ફરી પરણી શકાય તારા વીરસુતથી? તું મારૂં કહેવું નહોતી માનતી, ખરૂં? પણ મને તો ખાતરી હતી કે પાતાળમાંથી પણ તારો પીછો લેવા એ લોકો આવશે.’

’પણ મને લઈ જવાથી શું મારી સંમતિ મેળાવ્યે ફરી વાર પરણી શકે?’

(૧૪૦) ’સિવિલ મેરેજમાં સ્ત્રીની સંમતિ પણ ન ચાલે કંચન.’

’ત્યારે?’

’હમણાં નહિ કહું. હમણાં તો ચાલ. જો આ લોકો ગાડી લઈ તેડવા પણ આવી પહોંચ્યા. ત્યાં સભામાં હું સ્ફોટ કરીશ. અત્યારે તો ચાલ બચ્ચા!’

એમ કહીને એણે ઊંભા થઈ કંચનના મોંયે કપાળે વહાલભેર પંજો ફેરવી લીધો.

જનતા ને જોગમાયા

એટલામાં તો ગામના વ્યાયામ-મંદિરના ઉત્સાહી સંચાલકે પોતાના મંદિરના મેળાવડાની અધિષ્ઠાત્રી ’દેવીજી’ને સભાસ્થાને તેડી જવા હાજર થયા. ને તેમણે આવીને પહેલું જ આ કહ્યું ઃ ’અમારા વાષ્ર્િાક ઉત્સવનાં પહેલાં જ સ્ત્રીઅધ્યક્ષ તમે હોવાથી, ગામલોકોનાં તો ટોળાં વળ્યાં છે. સ્ત્રીઓ તો ક્યાંય માતી નથી. જાગૃતિનું અદ્‌ભૂત મોજું આજે શહેરમાં આવી ગયું છે. આ ગામ પચીસ વર્ષ પછાત હતું તે આજે સૌ ગામોની જોડાજોડ આવી ગયું છે,’

આવા આવા ઉત્સાહભરપુર શબ્દો શ્વાસપુર ફેંકી રહેલા ગામના અખાડા-સંચાલકો કંચનના નારીદેહની જાણે કે મનોજ-પુષ્પોથી પૂજા કરતા હતા.

’બહેન પણ આવા મેળાવડાનું જ પ્રમુખ સ્થાન લે છે.’ ભાસ્કર બોલ્યો ઃ ’કેમ કે એને તો મર્દાનગીનો આદર્શ ઊંભો કરવો છે.’

ભાસ્કરના આ શબ્દો કંચનના લેબાસ, પોષાક અને સૌંદર્ય ફરતી ફ્રેમ રૂપ હતા, પણ તેડવા આવેલાઓ ફ્રેમની પરવા કર્યા વગર, હજુ તો ભૂખ્યા ડાંસ જેવા, મૂળ તસ્વીરને, કંચનની દેહ-છટાને જ જોવામાંથી નવરા નહોતા થતા. તેઓને કંચનના દર્શનમાત્રથી મેળાવડાની સોળ આના ફતેહની ખાતરી થઈ ચૂકી હતી.

(૧૪૨) ’અમારે પણ આ પછાત ગામના લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને સ્વાધીન નારીનો આદર્શ બતાવવો હતો, તે ઉમેદ આજે પૂરી થશે.’ તેડવા આવેલાઓ પૈકીનો બીજો અંદરખાનેથી પાણી પાણી બનીને બોલી રહ્યો.

પછી સૌ ગાડીમાં બેઠા ત્યારે કંચનની સામેની બેઠક પર બેસવા માટે સંચાલકો પૈકીના બે જણાઓમાં ઘડીભર તો ગુપ્ત એક બાજી રમાઈ ગઈ. પેલો કહે, હું નહિ. બીજો કહે, નહિ , હું નહિ.

’અરે શું હું નહિ હું નહિ કરો છો?’ એમ બોલીને કંચને એ બેમાંથી એક બડભાગીને હાથ ઝાલી પોતાની સામે ખેંચી લીધો. પછી સાફળા જ તેને કાંઈક યાદ આવતાં બાજુમાં બેઠેલ ભાસ્કર સામે જોયું. પણ ભાસ્કર જાણે જાણતો જ ન હોય તેમ બીજી દિશામાં જોઈ બેઠો હતો.

ગાડી સભાસ્થાન પર આવી પહોંચી ત્યારે ’ઢરરર...ઢમ! ઢમઃ ઢમઃ ઢમઃ ટી-કી ટી-કી ટી-કી-ઢમઃ’ એવા સ્વરે વ્યાયામ-બેન્ડે સલામી આપી. પ્રવેશ-દ્વારથી મંચ સુધી યુવાનોએ લાઠીઓની કમાનવાળો માર્ગ રચી દીધોઃ ને શ્રોતાઓમાં અગાઉ જઈ કોઈએ કહ્યું ઃ’દેવીજી આવે છેઃ શાંતિ રાખો.’

લાઠીઓની કમાનો વચ્ચે થઈ ને કંચન ગૌરવયુક્ત ગતિએ રંગમંચ તરફ ચાલી ત્યારે પ્રેક્ષકો એને તાકી તાકીને જોઈ રહ્યા. ’આહાહા ! એની તાકાત તો જુઓ.’

’દુઃખી બહુ થઈ લાગે છે બાપડી!’

’સિંહણ જેવી છે ને?’

’જુઓ ક્યાં આ શક્તિ ભવાની, ને ક્યાં આપણાં કચકી ગયેલાં સડેલાં બૈરાં! જુઓને બધી ભાવઠ્‌યો આ બેઠી.’

(૧૪૩) ’મારી સાળીયું વરસોવરસ છોકરાં જણવા સિવાય બીજો ધંધો જાણતી નથી.’

એવા ચિત્રવિચિત્ર ગણગણાટ વિરમી ગયા, અને રંગમંચ પર ફૂલોના ઢગલે ઢગલા ખડક્યા હોય એવા એક અગ્રણી-વૃંદ વચ્ચીથી સંસ્થાના ’મંત્રીજી’ ઊંઠ્‌યા, તેમણે પોતાની કાવ્યમય બાનીમાં ’નૂતન ભારતનાં યુગપૂજક સંતાનો!’ એવા શબ્દો વડે શ્રોતાઓ પ્રત્યે સંબોધન કરીને ઓળખાણ આપી ઃ ’આજ પધારેલાં આ દેવીશ્રીનો પરિચય તો હું આપને શું આપું? એ એક વીર-નારી છે. સ્વાધીનતાની મૂર્ત્િા છે વગેરે વગેરે.’

તાં તો એક ગામના ગૃહસ્થ, નૂતન યુગના સંસ્કારમૂર્ત્િા બનવા પ્રયત્ન કરતા કરતા વચ્ચે બોલી ઊંઠ્‌યાઃ

’આપણાં ગામની બાયડીઓને કહીએ કે જુઓ આમ જુઓ આંખ્યો ઊંઘાડો!’

એ શબ્દોએ સભાને હાસ્યરસની એક જબરી લહરી પૂરી પાડી, ને કંચન પણ ગાફલ બનીને ખડખડ હસવા લાગી, ત્યાં તો એની નજીક બેઠેલા ભાસ્કરે એની સામે ડોળા ફાડી એને એના સ્થાને યોગ્ય ગૌરવમાં પુનઃપ્રતિષ્ઠિત કરી દીધી.

પછી વ્યાયામ વીરોના ખેલો થવા લાગ્યા, ને દરેક વ્યાયામ-વીર આગળ આવીને શરૂમાં તેમ જ અંતમાં કંચન તરફ જે ’નમસ્તે’નો અભિનય કરતો હતો તેનો ઉન્માદ કંચનના ફાટફાટ થતા કલેજાને ફુલાવી ઢોલ કરતો હતો.

ને એ વખતે સભામંડપની છેલ્લી બે ચાર હારોમાંથી બે ડોસાઓ ને એક બાલક ઊંંચા થઈ આ દૃશ્ય જોતા હતા. એક ડોસો હસતો

(૧૪૪) હતો, બીજો ડોસો કોણ જાણે લજ્જાની કે પછી કોણ જાણે આનંદની ઊંર્મિથી વારંવાર ડુસ્કાં ખાતો હતો ને છોકરો તો ગોઠણભેર થઈ થઈ આભા જેવો આ તમાશાને જોતો હતો.

કોઈ ન સાંભળે, અથવા સાંભળે. તો પણ ન સમજે, તેવી આવડતથી બેઉ ડોસા પરસ્પર વાતો કરી લેતા હતાઃ

’હા, હા, જ્યેષ્ઠારામ, હવે આશા નથી. આપણા ઘરમાં હવે શે સમાય?’

’જોઈ ને તો ન્યાલ થઈ લો.’

’પણ હું શું જોઉં ? અરે દીકરી-દીકરી-દીકરી-’

’જોજો સાદ ન ફાટી જાય.’

’આ હા હા ! હજારો લોકોની દેવી, મારા ઘરમાં શે સામે?’

એવી વાતોના ક્ષુદ્ર ગણગણાટ પર મેઘ-ગર્જના છવરાઈ જાય તેવો ભાસ્કરનો ભાષણરવ ગૂંજી ઊંઠ્‌યોઃ

’શ્રોતાજનો, તમે જાણો છો, તમારી સૌની માતાઓ બહેનોની સ્વાધીનતા પ્રાપ્ત કરવા આ ’દેવી’એ શું શું સહ્યું છે? એના ચહેરા પર દુઃખના હળ હાલેલાં છે, એના આ ચાસ જુઓ છો? ને હું તમને કહું છું ત્યારે ધ્રાશકો પડશે, તમારી છાતી બેસી જશે કે આજે, અત્યારે, આ જ ક્ષણે, આ સભામંડપની અંદર જ એક સ્થળે આ તમારી ’દેવી’નું કાસળ કાઢી નાખવાનું કાવતરૂં ચાલી રહ્યું છે.’

એ થંભ્યો, સભાવૃંદ ખળભળ્યું, ખુદ ’દેવી’નો ચહેરો પણ ચોંકી ઊંઠ્‌યો, ચહેરે ચહેરા એકબીજાની સામે ફર્યા, આંખે આંખને પગ આવ્યા, પ્રત્યેક આંખ શોધવા લાગી કાવતરાંખોરોની જમાતને.

(૧૪૫) ’એ કાસળ કાઢી નાખરાઓ,’ ભાસ્કરનો અવાજ એરણ પર ધણના પ્રહાર સમો પડયો, ’ચેતી જાય, આંહીંથી ચાલ્યા જાય, નહિતર આખું કાવતરૂં બહાર પડી જશે ને તેમના હાથમાં હાથકડીઓ પડશે.’

થોડી ઘણી ખામોશ ધરીને પછી એ બીજા મુદ્દાઓની ચર્ચામાં આગળ વધ્યો; થોડી વાર ઊંંચા નીચા થઈ ને જોવા માંડેલા શ્રોતાઓ ભાસ્કરના શબ્દ પ્રભાવમાં ફરી લુપ્ત થયા. અને શ્રોતા સમૂહને એક છેવાડે ખૂણેથી બે બુઢ્‌ઢાઓ, એક બાળકને હાથ વડે લપેટતા, ધ્રૂજતા, વિમાસતા, ધીરે ધીરે સરી જઈને બહાર નીકળી ગયા.

ભાસ્કરની ધમકી તેમને ઉદ્દેશીને હતી એ તો સમજી શક્યા હતા. તમ્નો સૌથી મોટો ભય દેવુનો જીવ જોખમાઈ જવાનો હતો. ઉતારે જઈને દેવુને પૂછતાં તેણે પોતાની તે સાંજની, ભાસ્કરસાથેની મુલાકાતનું પૂરૂં વર્ણન કર્યું. તે સાંભળીબેઉ બુઢ્‌ઢાના શ્વાસ હાંફી ગયા. છોકરો કોઈ રાક્ષસની ગુફામાંથી હેમખેમ પાછો આવ્યો લાગ્યો. તેમણે બેઉએ મસલત કરી. ભય લાગ્યો કે વહુને લેવા આવતાં ક્યાંઈક છોકરો ખોઈ બેસશું. તેઓએ રાતની ગાડીમાં લાગુ પડી આ ખુવારીનો માર્ગ છોડયો.

રસ્તામાં દેવુના દાદા સુનકારની સાક્ષાત્ મૂર્ત્િા બનીને બેસી રહ્યા. ’પહેલી જ વાર હું હાર્યો આ જીંદગીમાં, જ્યેષ્ઠારામ ! પહેલી વાર - અને છેલ્લી વાર !’ એટલું જ એકાદ વાર બોલ્યા. એ એક જ ઉદ્‌ગાર અંતરમાં ભારી કરીને પોતે પાછા પોતાના વતનમાં સમાઈ ગયા. ગામના સ્ટેશને ધોળા દિવસની ટ્રેનમાં ન ઊંતરવું પડે તે માટે રસ્તે એક ગાડી છોડી દીધી, ને મધરાતે પોતાને ગામ ઊંતરી ઘરમાં પેસી ગયા. ને જ્યેષ્ઠારામે પણ પાછો પોતાનો અસલી અંધાપો ધારણ કરી લઈ પછવાડેની પરશાળમાં પોતાનું એકલ સ્થાન સંભાળી લીધું.

(૧૪૬) દાદા પોતાનો થીગડાં મારેલો જૂનો કામળો ઓઢીને વહેલી પરોડે બેઠા છે, ત્યાં કોઈકના શબ્દો સંભળાયાઃ ’અનસુ રડતી નથીઃ અનસુ ઊંંઘે છેઃ ને તુલસી-ક્યારો લીલો છે-લીલો છમ છે, રોજ દીવો કરતી’તી-કરતી’તી.’

ઓરડાની બહાર ઊંભી રહીને બોલતી એ ગાંડી ભત્રિજી યમુના હતી. ઘણા દિવસે ઘેર આવતા ડોસા, વહુને ગુમાવી બેઠાના વલોપાતમાં એ ગાંડીને ભૂલી ગયા હતા. છોકરી અનસુ જાણે એના જગતમાંથી જ ભૂંસાઈ ગઈ હતી. યમુનાએ અનસુને ચૂલામાં બાળી હશે કે ક્યાંક કૂવામાં ફેંકી દીધી હશે, એવી બીક વચ્ચે વચ્ચે લાગેલી, પણ પછી તો વહુને હાથ કરવા જતાં યમુના, અનસુ અને ઘરબારનું ભાન રહ્યું નહોતું.

વહેલી પરોડનાં પંખીના ચિંચિંકાર વચ્ચે ગાંડીનો અવાજ કાને પડયો. તુલસી-ક્યારો લીલો છે એ સમાચાર ગાંડીએ શા સારૂ આપ્યા? તુલસી-ક્યારો સુકાયો નથી એટલે શું નવી વહુ પાછી મળવાની આશા રહી છે એમ સમજવું? વહેમી અને શ્રદ્ધાળુ દિલનો કુટુંબપતિ આવા સાદા સમાચારને પણ સાંકેતિક વાણીમાં ઘટાવતો બેસી રહ્યો.

’બેટા !’ એણે કામળામાં લપેટાયેલું મોં સહેજ ઊંંચું કરીને કહ્યું, ’તુળસી-ક્યારો તેં લીલો રાખ્યો એ જ બતાવે છે કે તારૂં ડહાપણ લીલું છે, તું ગાંડી નથી.’

’હું ગાંડી નથી. પૂછી જોજો અનસુને. ગાંડી નથી. ગાંડી તો કંચનભાભી. ગાંડી ! ગાંડી ! ખબર છે. તુલસી-ક્યારે આવી નથી. અનસુને રમાડી નથી. ગાંડી ! બાપા, ગાંડી થઈ ગઈ ભાભી.’ એમ બોલતી બોલતી યમુના રડી પડી; ’ગાંડી ભાભી.’

ઘરમાં પુરાઈને બેઠેલી આ ગાંડી આશ્રિતાના રૂદનમાં કૌટુમ્બિક જીવનની ભૂખના સ્વરો હતો.કંચનને એ આજે ક્યાંય જુએ તો

(૧૪૭) ઓળખી પણ ન શકે; એક વાર લગ્ન પછી કંચન જ્યારે ઘેર આવેલી ત્યારે જ એણે સહેજ જોયેલી; ત્યારે તો યમુના પૂર્ણ ગાંડપણના સપાટામાં પડેલી હતી; તે છતાં જરીક જોયેલી નવી ભાભી કંચનને એણે આજે પોતાના અશ્રૂજળના પરદાની આરપાર ઊંભેલી નિહાળી; રડતી રડતી ગાંડી એને ઠપકો આપતી હતી કે ’ ગાંડી ભાભી ! ભાભી ગાંડી!!’

’તું ના રડતી બાઈ !’ થીગડાં મારેલ કામળામાં પોતાનું મોં ફરી વાર લઈ જઈને વૃદ્ધ માંડ માંડ બોલ્યા ઃ’ તું શાંતિ ધર.’

’તુલસી-ક્યારે એક વાર પણ ન આવી ગાંડી ભાભી ! તુલસી મા સુખદુઃખ સાંભળત. તુલસી મા ધીરજ આપત.’ કહી કહીને યમુના વિશેષ ધ્રૂશકાં ભરવા લાગી.

’ચાલ બચ્ચા, આપણે તુલસી-ક્યારે જઈએ; ચાલ, દીવામાં ઘી ને વાટ લેતી આવ.’

પ્રભાતના તેજતિમિરના સંધિકાળે, નાના એવા તુલસી છોડને નમન કરતો, મોટા દેહવાળો ડોસો ઊંભો રહ્યો, ગાંડી યમુના ઘીના ચેતાવેલા દીવાને પોતાના બે હાથની છાજલી વચ્ચે ઢાંકીને લઈ આવતી હતી ત્યારે ડોસો નિહાળતો રહ્યો- એ છાજલીમાંથી યમુનાના મોં પર લીંપાતું દીવાનું કંકુવરણું તેજ. યમુનાની આંખોમાં ભરેલી સજળતા પણ સ્પષ્ટ દેખાતી હતી. યમુનાના તાજા રોયેલા મોં પર એક ગુપ્ત ગર્વ તરવરતો હતો કે પોતે તુલસી-ક્યારાને સુકાવા નથી દીધો, અને અનસુને રડવા નથી દીધી.

’તુલસી-મા!’ વૃદ્ધે હાથ જોડયા. ’તમે મારી યમુનાને ડાહી કરી પણ મને તો ક્યાંક ગાંડો નહિ કરી મૂકો ને!’

તુલસી મા એવું નહિ કરે, કદી ન કરે.’ યમુના હસીને બોલતી હતી.

(૧૪૮) ’તું મારા માટે પ્રાર્થના કરીશ યમુના?’

’સૌને માટે - ગાંડી ભાભીને માટે ય.’

ને પછી એ તુલસી-વૃક્ષની સામે હાથ જોડી ઘણું ઘણું બબડી.

અનસુ ઊંઠીને બહાર આવી. હવે એ ચાલી પણ શકતી હતી. એણે દાદાને દીઠા ઃ ’દાદા, ઘોલો ઘોલો !’ એ એક જ એની માગણી હતી. વૃદ્ધ માસ્તરે બેના ચાર પગ કરી જૂનું પશુત્વ ધારણ કર્યું ત્યારે પછી અનસુને પરવા જ ન રહી કે કંચન કાકી કોણ છે, એનું શું થયું છે, ને પોતાની સગી બા ભદ્રા પણ કેમ ગેરહાજર છે.

દિયરની દુઃખભાગી

ભદ્રા હજુ દિયર પાસે અમદાવાદ જ હતી. એની એક આંખમાં અનસુ તરવરતી હતી, બીજી આંખમાં દિયરજીની દુઃખમૂર્ત્િા હતી. જણ્‌યું તો જીવશે જીવવું હશે તો, પણ આ કુટુંબની રોટલી રળનાર પુરૂષ જો ભાંગી પડશે તો અમને જ ખોટ બેસશે, એવું ચિંતવતી ભદ્રા વીરસુતને સાચવીને બેઠી હતી. એને રોજ રોજ ફેરવી ફેરવીને ફરસાણ ઈત્યાદિ ખવરાવતી . એને પૂછ્‌યા વગર જ પોતે એની ખાવા પીવાની ઈચ્છા કળી લેતી, સારૂં સારૂં કાંઈક શાકપાંદડું અને ઢોકળું પત્રવેલીઉં પોતે કરતી ત્યારે નાની અનસુ યાદ આવી જતી, આંખો ભરાઈ જતી, પણ બીજી જ ક્ષણે આંખો લૂછીને એકલી એકલી બોલી લેતીઃ

’ઈમાં શું રોઈ પડાવાનું હતું બૈ? આ બાપડા દેરને બાયડી જેવી બાયડી ચાલી ગઈ તેના જોવો તો તારો દુઃખ-ડુંગરો નથી ને રાંડી? રાંડેલી અસ્ત્રી તો બધું જ વેઠે, એ તો જોરદાર જાત વદે, પણ રાંડયો નર સહી શકે બૈ! ઈ તો ધન છે સસરાજીને, કે રાંડયા કેડે એકલે હાથે અડીખમ જેવા રહી છોકરા બે મોટા કર્યા, પરણાવ્યા પશટાવ્યા, ને વળી મારા જેવી મૂંડીને પણ પાળે છે. બાકી આ બાપડા દેરની કાંઈ

(૧૫૦) તાગાદ છે, બૈ? રાત બધી પથારીમાં લોચે છે, નિસાપા નાખે છે, સ્વપ્નમાં લવે છે, હું કાંઈ નૈ સાંભળતી હોઉં એ બધું? મને થોડી ઊંંઘ આવે બૈ ! એકલવાયાં એકલવાયાં અસ્ત્રી વગરના ઘરમાં રેવું ને રાતે ઊંંઘવું એ થોડું થીક કહેવાય ? કોને ખબર છે બૈ, બેમાંથી કોનું હૈયું વહેલું હારી બેસે ને કોણ ખોટ ખાઈ બેસે. પછી આ આને દોષ દે ને આ આને માથે આળ ચડાવે એ કંઈ ચાલે? માટે ચેતતા રે’વું બૈ ! બૈરાવિહોણું ઘર છે. ને પોચા હૈયાનો પુરૂષ છે. કોઈનો દોષ ના કાઢીએ, આપણે પંડયે જ આપણાં વસ્તર સંકોડીને રહીએ બૈ.’

પત્નીને હારી બેઠેલો વીરસુત પોતાની ભોજાઈનો આ છૂપો ભય થોડેક અંશે તો પારખી શક્યો હતો. શરૂ શરૂમાં તો કેટલાક દિવસ એ પોતાના સંસારના આ સત્યાનાશ ઉપર ટટ્ટાર ને પડકાર કરતો રહ્યો. રેશમનાં સૂટ, ઊંંચાં ચામડાંના બૂટ, જુદી જુદી જાતની હેટ, ટોપી, સાફા વગેરે શોખની માત્રા ઊંંચી ચડી. ને કંચન ગઈ તો તેના નામ પર ઝાડુ મારવાનો તોર તેણે થોડા દિવસ બતાવ્યો ખરો. એના સ્નેહીજનો હતા તેઓ તેમ જ ભાસ્કરના વિરોધીઓ હતા તેઓ, એને ઘેર આવતા જતા પણ રહ્યા. ને એ સર્વને ભોજાઈના અથાક શ્રમને જોરે પોતે ચહા પૂરી ને ભજિયાં મુરબ્બો ખવરાવતો પણ રહ્યો. પાણ રફતે રફતે સ્નેહીજનોનો અવરજવર ઓછો થયો, કેમ કે એક તો વીરસુત આખો સમય પોતાનો ને કંચનનો જ વિષય લઈ પીંજણ કરવા બેસતો , ને બીજું એ સૌને પૂછતો, ફરી લગ્નનું પાત્ર શોધી આપશો?

વકીલ મિત્રોએ એને ચેતાવ્યો; ’તારૂં તો સીવીલ મેરેજ હતું. એક સ્ત્રી હયાત છે ત્યાં સુધી ફરી પરણાય જ નહિ. મીસ્ટ્રેસ રાખવી હોય તો રાખી લે. પણ ચેતજે, પેલાં લોકોના હાથમાં પુરાવો ન પડી જાય.’ (૧૫૧) આ માહિતી કાંઈ નવી નહોતી, છતાં પોતે કોણ જાણે શાથી આત્મવિસ્તૃત થઈ ગયો હતો, એ વિસ્મૃતિ પર આ ખબર એક વજ્રપાત શા નીવડયા અને તે પછી તો એને કંચનનું કોઈ અકસ્માતથી મૃત્યુ જ સતત વાંછ્‌યા કર્યું.

’કંઈ પરવા નહિ.’ એ થોડીક કળ વળી ગયા પછી વિચારતોઃ ’સ્વતંત્ર જીવનમાંથી ઊંલટાનું વધુ સુખ મળી રહેશે.’

એવું સુખ મેળવવાના માર્ગો પોતાને મળતા રહે છે એવું પોતે માનતો હતો. મિત્રો પોતાની પત્નીઓ સાથે એની જોડે એને ખર્ચે સિનેમામાં આવતા થયા, ને ત્યાં મિત્રપત્નીઓ તેમ જ પતિના આ મિત્રની વચ્ચે બેસતી થઈ. થોડા દિવસોમાં જ આ વાતની જાહેર વગોવણી ચાલુ થઈ એટલે મિત્રો ને મિત્રપત્નીઓ એને આવો સમાગમ લાભ આપતા અટકી પડયા. પ્રણય કરવાના પરાક્રમ માટે એ ઘણીવાર નીકળતો થયો, પણ એ પરાક્રમ માટે ખપતું જીગર એની પાસે કદી જ સંઘરાયું. નફટાઈ એનામાં ન જ આવી શકી. છતાં પોતે નાહકનો એવો દેખાવો કરી સારા વર્ગમાં પણ અળખામણો બન્યો.

નહિ પૂરા નફ્ફટ, ને નહિ પૂરા સંયમી એવા પુરૂષની જે દશા થાય છે તે વીરસુતની બની.

બહારના જગતનાં આવાં બધાં જ સાહસોમાં એના હાથ હેઠા પડયા ત્યારે એ ઘેર આવીને વિચાર કરવા બેઠો. સ્ત્રી મળવી દુર્લભ છે. મિત્રપત્નીઓનાં મલકાતાં મોઢાં અને એ મોઢાંમાંથી ટપકતી દિલસોજી મારી સ્ત્રી બાબતની ભૂખને ભુલાવવાને બદલે વધુ પ્રદીપ્ત કરે છે. ને હું જો વધુ અગ્રસર બનું તો તેનાથી સૌ ભડકે છે. આટલા બધા પવિત્ર રહી ગયેલા જગત પર એને તિરસ્કાર છૂટ્‌યો.

એક વાર મોટર લઈને સીમમાં ફરવા ગયેલો. ઘાસની ભારી

(૧૫૨) લઈ શહેર તરફ વળતી મજૂર સ્ત્રીને એણે કહી જોયું કે ’બાઈ બેસી જાઓ આ મોટરમાં, ને ભારી પણ અંદર ગોઠવી દ્યો. તમને શહેર સુધી પહોંચાડી દઉં.’

’ના રે મારા ભાઈ! તું તારે મોટર ફેરવ્ય ને ! ઠેકડી શીદ કરછ?’

એમ કહેતો એ ભારાવાળી છોકરી પોતાની પાછળ ચાલ્યા આવતા મેલાદાટ મજૂરની રાહ જોઈ થંભી જતી, ને વીરસુત પાછળ ફરી ફરી જોઈ શકેલો કે બેઉ જણાં ગુલતાનમાં ચાલ્યાં આવતાં હતાં, છોકરી પોતાના ચીંથરેહાલ સાથીની અસભ્ય ચેષ્ઠાઓમાંથી પણ રોનક ખેંચતી જંગલ ગજાવતી આવતી હતી.

એકલવાયાપણાની અવધિ આવી રહી. વીરસુત ઘેર આવ્યો. ભાભી વાટ જોઈ ઊંંબરમાં બેઠી બેઠી કામવાળી બાઈ સાથે વાતો કરતી હતી.

એનો કંઠસ્વર દિયરની ગેરહાજરીમાં વણદબાયો ને લહેરકાદાર રહેલા. વાતો કરતાં એ જાંણે ધરાતી જ નહિ. કામવાળી બાઈ જોડે પણ એ અલકમલકની અને ખાસ કરીને પોતાના સસરાની વાતો હાંક્યે જતી.

ભાભીનો સ્વર જાને પહેલી જ વાર પોતે શ્રવણે ધર્યો એવું ધીમેધીમે મોટર લઈ આવતા વીરસુતને લાગ્યું. એ સ્વર આટલો બધો કંઠભરપૂર અને નિરોગી હતો શું ? ભાભીને પોતે અગાઉ કદી બોલતી કેમ સાંભળી નહોતી? ભાભી કોઈ કોઈ વાર રસોડામાં બેઠી બેઠી પૂછતી : ’ભાઈ તમને મારી રસોઈ ભાવે તો છે ને બાપા?’ ત્યારે એણે જવાબો વાળેલા કે ’બધું જ ભાવે; લાવોને બાપુ.’ આ જવાબો કઠોર હતા તેની વીરસુતને અત્યારે સાન આવી. ભદ્રા

(૧૫૩) ભાભીનો કંઠ પોતે કાન દઈને સાંભળ્યો નહિ હોય, નહિતર કંઈ નહિ તો એ કંઠસ્વરોનું ફરી ફરી શ્રવણપાન કરવા માટે ય પોતે કાંઈક બોલ્યો હોત ને!

જમવા બેઠો ત્યારે ’ચાલો ભાભી ! આજ તો હું બહુ જ ભૂખ્યો છું. પીરસો તો !; એવા મીઠા કંઠે પોતે બોલ્યો.

એને એકાએક ભાન થયું કે પોતે જેને શોધી રહેલ છે તે તો આંહી ઘરમાં જ છે.

વીરસુતનો ચડેલો ચહેરો તે સાંજથી ગોળ હસમુખો બની ગયો, જમતાં જમતાં એણે રસોઈના વખાણ કરવા માંડયા, પોતાના ઓરડામાં ટેબલ પર ખાવાનું મગાવી લેનારો પ્રોફેસર રસોડાની સામે પરસાળમાં જ પાટલો ઢળાવતો થયો. ને ભાભે પોતાને જમતા પહેલાં નહાઈ લેવાનું કહી જાય તેનો સ્વીકાર કરી લઈ, પોતે બપોર પછી નહાવાની પોતાની વર્ષોની આદત બદલાવી નાખી.

’ભાઈ!’ થોડા દિવસ પછી ભાભી એના ખંડ પાસે આવીને કપાળઢક સાડી રાખી કહેવા લાગ્યાં : ’તમારી ચાવીઓ મૂકતા જશો?’

ચાવીઓ ભાભી શામાટે માગે છે તેનું કારણ તો પૂછવાનું રહ્યું જ નહોતું; એની માગણી જ મીઠા ઉપકાર સમાન હતી. એ દઈને ગયો.

સાંજે આવીને વીરસુત જુએ છે તો એના તમામ ટ્રંકો બહાર તડકામાં ખુલ્લા તપતા હતા ને અંદર અવનવો ચળકાટ મારતા હતા. વીરસુત ઓરડામાં આવીને જુએ તો પલંગ ઉપર એનાં કપડાંની થપ્પીઓ સરખી ઘડ પાડીને ગોઠવાઈ હતી, ને બાજુના એક મેજ પર જે થપ્પી પડી હતી તેમાંના તમામ કપડાં કુથ્થો ખાધેલ, વાંદાએ બગાડેલ, જીવાતે ગંધવી મારેલાં હતાં, ટસરનાં ને ઊંનનાં સુંદર સૂટનો ઓટલો વળી ગયો હતો.

(૧૫૪) ’કેમ ભાભી ! આ બધું શુ?’ એમ બોલતો પોતે બાજુના ખંડમાં ધસી ગયો.

ભદ્રા બેઠી બેઠી એનાં ફાટેલાં ધોતીઆંને બારીક સાંધા કરતી હતી ને ઊંન ટસરનાં કપડામાં પડી ગયેલા કાણાંને તૂંની લઈ દુરસ્ત કરતી હતી.

દિયર આવતાં જ એણે પોતાનો પહોળો પાથરેલો ખોડો સંકોડી લીધો ને મોંમા ઝાલેલી સોય હાથમાં લઈ લીધી.

’કંઈ નહિ ભૈ!’ એણે ઊંભા થઈ જઈને એક બાજુએ સંકોડાઈ ર્હી કહ્યું : ’ઘણા દા’ડાથી કપડાંની ફેરવણી થવી રહી ગઈ હશે - તે એ તો કશું નહિ. હાથે સરખાં થાય એવાં તો મેં સાંધવા લીધાં છે, પણ બાકીનાં જે મેજ પર મેલેલ છે, તે સાંધવા કોઈક દરજીને બોલાવશો ને, તો હું એને સમજ પાડી દઈશ કે કેમ સાંધવા.’

’દરજીનેય તમારે સમજાવવો પડશે? વીરસુતે હાંસી કરી.

’સેજ અમસ્થું ભૈ ! એ તો મૂવાઓ ખોટા રંગના થીગડાં મારી વાળે ખરા ને? એટલે હું આમાંથી જ સાવ નકામાં બનેલાં લૂગડાંનું કાપડ, ભળતા રંગનું, ગોતી કાઢી દઈશ’

એમ બોલતી બોલતી ભદ્રા બે હાથની આંગળીઓ વચ્ચે ચમકતી નાની સોયને રમાડતી ઊંભી રહી.

થીગડાંની પણ રંગમિલાવટ હોય છે એ આ રસાયણિક દ્રવ્યોની રંગમિલાવટમાં પાવરધા પ્રોફેસરે પહેલી જ વાર સાંભળ્યું.

’ઠીક, દરજી બોલાવી આપીશ. તમને ઠીક પડે તેમ કજો.’

’આંહી બેસીને જે કોઈ કરી આપે તો વધારે સારૂં.’ ભદ્રાએ જરાક દેરની સામે જોતે જોતે કહ્યું.

(૧૫૫) ’આંહીં ક્યાં?’

’આપણો સંચો છે ને?’ એક નવો નકોર અણવાપર્યો સંચો, જે કંચને એક દિવસ બજારમાં ઊંભાં ઊંભાં કલહ કરીને ખરીદાવેલો તે દીવાનખાનાના ખૂણામાં ગોઠવેલો ભદ્રાએ બતાવ્યો.

આજ સુધી તો એ સંચો કોઠારમાં બીજા બધા ઓજીસાળાની સાથે પડયો હોઈ વીરસુતે કદી જોયેલો નહિ. અત્યારે એ ઠેકાણેસર ગોઠવાયેલો, ઘસીને લૂછેલો, હસું હસું કરતા જીવતા કુટુંબીજન જેવો લાગતો હતો. સંચા પાસે જઈ જીવતા જાનવરને પંપાળે તેમ પંપાળતા પંપાળતા વીરસુતે પૂછ્‌યુંઃ

’તમને નેથી આવડતું સીવતાં?’

’ના ભૈ! ક્યાંથી આવડે બાપ ! આપણા ઘરમાં તો......’

એ સહેજ હસીને બાકીનું વાક્ય હોઠેથી હૈયે ઊંતારી ગઈ. એને કહેવું તો હતું કે આપણા ઘરમાં તમારાં જેવાં આ રેશમી અને ગરમાઉ સૂટ કોણ પહેરતું હતું તે સંચાની જરૂર પડે? અથવા કદાચ એને એમ પણ કહેવું હશે કે અમારાં જેવાં અભણ ગામડિયાં બૈરાં સંચા ચલાવવા જેવાં સુધરેલાં દેખાવા લાગે તો આજુબાજુનાં બૈરાં મશ્કરી જ કરે ને !

ત્યાં ઊંભે ઊંભે વીરસુતની દૃષ્ટિ આ ઓરડાની બાજુના બીજા ઓરડામાં પડી, ને એક કશીક સુપરિચિત સુગંધ પણ આવી.

’આંહીં આ શું ટાંગ્યું છે બધું?’ એમ બોલતો બોલતો એ ત્યાં જઈને જુએ છે તો ત્રણ મોટા મોટા કબાટો ખુલ્લા પડેલા છે, ને તેની અંદર ટરપેન્ટાઈન ચોપડેલું છે. ઓરડાની અંદર લાંબી ને પહોળી વળગણીઓ બાંધેલી છે તે રંગબેરંગી કપડાંને ભારે લચી પડી છે. એ જાણે કપડાંની

(૧૫૬) હારો નહોતી પણ ફૂલોની બાગ હતી. સાડીઓ, પોલકાં, ચણીઆ, ગરાસણીવેશના ઘેરદાર પોશાક, કણબણ-વેશનાં આભલે જડયાં વસ્ત્રો, સાવ સફેદથી માંડી છેલ્લામાં છેલ્લી ફેશનની રંગીન સાડીઓ, ખોટા અંબોડા, ખોટી વેણીઓ, હીરની નાડીઓ, ચોટલાંના પારંપાર ફૂમતાં, રિબનના ઢગલાં........

જોનારનું કલેજું હલી જાય તેટલી એ પોશાકી રિયાસત કોની હતી? કંચનની. ક્યારે આ બધું ખરીદ કરેલું? પ્રત્યેક ખરીદી વખતે વીરસુત સાથે હતો છતાં એ અત્યારે આભો બન્યો. એની આંખે જાણે ચક્કર આવ્યાં.

ને એ વણગણીઓમાંની એક વણગણી ઊંંદરે ને જીવાતે ચૂંથી નાખેલાં ઘણાં કિંમતી અને ઊંભાઊંભ ખરીદાવેલાં વસ્ત્રોની હતી.

પોતે ટગર ટગર જોઈ રહ્યો. આ વસ્ત્રોની પહેરનારી ચાલી ગઈ હતી. પારકી થઈ હતી. ઘરમાં રહી ત્યાં સુધી પણ આ વસ્ત્રો પર એને પોતાપણું નહોતું. એ જેમ આવે તેમ પહેરતી, પહેરી પહેરીને ફગાવતી, ડૂચા વાળીને કબાટોમાં આ મહામોલાં લૂગડાં જ્યાં ત્યાં રઝળતાં; નહાવાની ઓરડીની ખીંતીઓ, દીવાનખાનાની ખુરસીઓ, અરે એકે ય ખંડની ખીંતીએ આ સ્ત્રીનાં રઝળતાં વસ્ત્રોથી મુક્ત નહોતી.

જોતાં જોતાં આંખોનો બોજ બેહદ વધ્યો. એ બોજ આંખોએ હૈયા ઉપર લાદ્યો, ને હૈયાએ કંઠમાંથી ’આહ!’ શબ્દે એ બોજો બહાર ફગાવ્યો.

’આહ!’ બોલી પોતે બહાર નીકળ્યો ત્યારે ભદ્રા પરશાળ સુધી આગળ ચાલી ગઈ હતી. જાણીબૂઝીને જ ભદ્રાએ એ કબાટોનાં વસ્ત્રાભરણો વિષે કશું પૂછ્‌યું નહિ. સાંધવા

(૧૫૭) તૂંનવાની વાત પણ ઉચ્ચારી નહિ. સમજતી હતી પોતે-કબાટો જ્યારે ખાલી કરતી હતી ત્યારે પ્રત્યેક કપડું વાતો કહી રહ્યું હતું એને - આ રંગભભકોના અંતસ્તલમાં વહેતી છેલ્લાં બે વર્ષોના લોહીઉકાળાની નદીઓની વાતો; રસિકતાનાં ઉપલાં પડો નીચે પડેલી શુષ્કતાની વાતો; આ સાડી પહેરવી નથી તે પહેરવી છે એવા નાના વાંધાઓ ઉપર મોટા કજિયા મચ્યા હતા તેની વાતો, અમુક ડીઝાઈન તો મદુરાથી પણ વળતી ટપાલે મગાવી આપવાની વાતો, અમુક સાડી તો મુંબઈથી આવ્યે આઠ જ દિવસ થઈ ગયા પછી ફેશન બહાર ચાલી ગયાની વાતો - અર્ધી અર્ધી ને કોઈ કોઈ તો આખી રાતો પર્યંત વરસતાં રહેલાં આંસુડે ભીંજાયેલી સાડીઓની વાતો.... સેંકડો કલેજાંફાડ વાતો !

પોતાના ખંડમાં જઈને વીરસુતે એક વાર તો દેહને સોફા પર ઢગલો કરી દીધો. એક અકથ્ય નિષ્ફળતા-ખરચાય તેટલા પૈસા ખરચીને છેલ્લાં બે વર્ષોના દાંપત્યમાં ’કસૂંબી’ પૂરવાના અને ઊંઠે તેટલી તમામ ઈચ્છાઓને સંતોષવાના પ્રયત્નોની એક અકથ્ય નિષ્ફળતા તેની રગેરગના તારોને ખેંચી રહી.

બે વર્ષથી ઘરમાં બેઠેલી સ્ત્રીને ઘર પોતાનું લાગ્યું જ નહિ ! ને આ હડધૂત, અપમાનિત, ભયધ્રૂજતી વિધવા ગામડિયણને આ ઘરની એકેય સાડી પહેરવી નથી, આ પોશાક પહેરનાર પુરૂષને નિહાળી એકેય રોમાંચ અનુભવવો નથી, છતાં એ કોણ જાણે કયા મમત્વભાવે સાફસુફી કરવા બેઠી હશે !

ઊંઠીને એ બહાર આવ્યો. ’ભાભી !’ એણે ભારી કોઈ પ્રયોજનપૂર્વક તડામાર વાક્ય ઉચ્ચારી નાખ્યું : ’ તમે એમાંથી શા માટે સાડીઓ ન પહેરો ? પહેરો તમે તમારે.’

(૧૫૮) ’ના ભૈ ! હું તે શું પે’રૂં ભૈ? એમ બોલીને ભદ્રાએ જે હાસ્ય કર્યું તે હવામાં ઊંડતા આકોલિયાના રૂના તાંતણાં જેવું હળવું હતું.’

’કેમ શો વાંધો છે? તમને રંગીન ન ફાવે તો સફેદ પહેરો.’

આટલં વર્ષોનો કડકો ને ખિજાળ દિયર પોતાની નાસી ગયેલી પત્નીનાં હીરચીર મને મૂઈ કાળમુખી રાંડીને પહેરવા કહે છે ! કેવી વિસ્મે વાત ! બાપડાને વે’વારની ગતાગમ નથી, પણ ભોજાઈની દયા આવે છે. હવે વાંધો નહિ, હવે તો સસરાનું આખું માથું દુઃખે તોય શી ફિકર છે ! ઘરના મોભીની દૃષ્ટિ અમિયલ બન્યા પછી હવે વાંધો નહિ.

ભદ્રાનું દિલ આવા ભાવે ભીંજાયું. એણે જવાબ વાળ્યો કે ’ભાઈ ! મારે તો માદરપાટની આ બે સાડીઓ પોગે છે. નહિ હોય ત્યારે પે’રીશ ભાઈ! એમાં શું ! એક તમને ભોળો શંભુ હીમખીમ રાખે એટલે હાંઉ, લૂગડાં જ છે ને ભૈ !’ ને પછી ઈસારારૂપે સહેજ ઉમેર્યુંઃ ’કાંઈ વલોપાત ના કરશો ભૈ ! એઈને સદૈવ આણંદ ઉછાહમાં રહીએ ને સૌનું ભોળાદેવ જ્યાં હોય ત્યાં કલ્યાણ કરો એવું માગીએ હોં ભૈ! સૌની વાંછા ફળો, ભૈ ! બાકી સંસાર તો તરવો દોયલો જ છે તો ભૈ!’

સંધ્યા થઈ ગઈ. ટ્રંકો ઘરમાં ગોઠવાઈ ગયા, તેની અંદર કપડાં પણ અકબંધ ઘડી પાડીને ભદ્રાએ ગોઠવ્યાં. જે કોટ પાટલૂનના પોશાકની રચનાને પોતે જાણતી નહોતી તેનો પણ સાદી અક્ક્લ પ્રમાણે ઉકેલ કરીને ભદ્રાએ સૂટ પછી સૂટ ગોઠવ્યાં. એ ગોઠવણીમાં દોષ નહોતો.

વળતા દિવસે વીરસુતની ગેરહાજરીમાં એણે પ્રત્યેક ટ્રંક અને બેગ ઉપર ગુંદર વતી ચિઠ્‌ઠીએ ચોડી, જેના ઉપર પોતાને આવડયા તેવા અક્ષરે ’ગરમ પોશાક’ ’સૂતરાઉ’ ’રેશમી’ ’અંગરેચી પોશાક’ ’દેશી પોશાક’ એવાં લેબલ લગાવ્યાં. બપોરે વીરસુતે આવીને એ

(૧૫૯) દીઠું ને એની દૃષ્ટિ ભાભીના હસ્તાક્ષરો પર ઠરી. અક્ષરો બાયડીશાહી હોવા છતાં તેની જોડણી જરીકે ખંડિત નહોતી.

’ઓહો ભાભી ! આ તો બહુ ઠીક કર્યું.’ એ પાટલૂનનાં સસ્પેન્ડરને ખભેથી ઉતારતો ઉતારતો બીજા ઓરડામાં દોડતો જઈને અભિનંદી ઊંઠ્‌યોઃ ’પણ આ તમને સૂજ્યું શાથી?’

ભદ્રા મોં મલકાવીને શરમીંદી બની નીચે જોઈ ગઈ, જવાબ ન વાળ્યો; વીરસુતે ફરી વાર પૂછ્‌યું : ’ત્યાં બાપુજીને આવું કરી આપો છો?’

’એટલા બધા ટ્રંકો ને લૂગડાં ત્યાં ક્યાં છે ભૈ?’ ભદ્રાએ જવાબ દીધો, પણ ઊંંચે જોયા વિના.

’ત્યારે?’

’અનાજના ડબાને અને અથાણાં મરચાંની બરણીઓને...’

એટલા જ જવાબથી એણે સસરા-ઘરના કોઠારમાં રહેતી સુવ્યવસ્થાનો ખ્યાલ આપ્યો. વીરસુત તરત પોતાન કોઠારમાં ગયો. જુએ તો પ્રત્યેક ડબાડૂબી પર લેબલ હતાં.

માતા સમી મધુર

સ્ત્રી ઘરમાં હતી ત્યારનાં બે વર્ષો દરમિયાન એકેય દિવસ પતિને ઘરના ઓરડા જોવા મન થયું નહોતું. દીવાનખાનું અને શયન-ખંડ એ બે વચ્ચે એના સર્વ ગૃહસ્થજીવનને એને ઠાંસી દીધું. હવે તો એને રોજ રોજ જ નહિ, પણ દિવસમાં પોતે જેટલી વાર ઘરમાં આવે તેટલી વાર પ્રત્યેક ઓરડાઓરડી, ઓસરી, એકઢાળિયાં વગેરેમાં ફરવાની આદત પડી ગઈ, પ્રત્યેક વાર એ કંઈક ને કંઈક નવું નિહાળતો, પ્રત્યેક વાર એને પુનઃરચના જ લાગ્યા કરતી. ગમે ત્યાં રઝળતી પડેલી વેરણ છેરણ તસ્વીરો પણ ધીમે ધીમે દીવાલ ઉપર ચડતી થઈ ગઈ. બાપુજીની જૂની તસ્વીર, બાની, બહેનની, મામાની, કોઈ ગામડિયા પ્રવાસી ફોટોગ્રાફર પાસે ઈસ્વીસન પૂર્વે જેટલા જૂના કાળમાં પડાવેલી એ તસ્વીરો વીરસુતના સામાન ભેગી પિતાજીએ બે વર્ષ પર મોકલેલી. ને એક વાર એ દીવાલો પર ચડેલી પણ ખરી. પરંતુ કંચને તે ઉતારી નાખેલી.

આજે એ તસ્વીરો, બેશક દીવાનખાનામાં નહિ પણ ભદ્રા બેસતી સૂતી તે ઓરડામાં મંડાઈ ગઈ. એ સૌ તસ્વીરો પર ભદ્રાએ રોજેરોજ કરેલા કંકુના ચાંદલા પણ વીરસુતે જોયા.

(૧૬૧) આ તસ્વીરો ભાળીને વીરસુતથી એટલું બોલી જવાયું કે, પેલી એક... પેલી... એ ક્યાંઈ જડે છે?’

પણ ભદ્રાએ એનો જવાબ ન વાળ્યો. સાંજે જ્યારે વીરસુત ઘેર આવીને પોતાના ઓરડામાં બેઠો ત્યારે એને પોતાના ડરેસીંગ ટેબલ પર પોતાની ને કંચનની જે સહછબી ઉતારી દૂર ઊંંધી મૂકી દીધેલી હતી તે જ છબીની હાથીદાંતની ફ્રેમમાં એક ઘણી જૂનવાણી, ઝાંખી પડી ગયેલી છબીને મઢાઈને મુકાયેલી દીઠી. છબીની બાજુમાં એક કાળી અગરબત્તી બળતી હતી.

પાસે જઈને એને છબી જોઈ : પહેલી વાર પોતે પરણેલો તે પછી તાજેતર દેવુની બા સાથે પડાવેલી એ છબી હતી. પોતે તેમાં અણઘડ અને અસંસ્કારી બાળક જેવો કઢંગો કઢંગો બેઠો છેઃ હાથમાં સોટી રહી ગઈ છેઃ ગજવામાંથી પોણો ભાગ બહાર દેખાતો ગુલાબી રૂમાલ છેઃ મૂછો હજી ફૂટી નથીઃ ધોતિયું પહેરતાં પણ આવડયું નથીઃ અંદરનું જાકીટ દેખાય તે માટે કોટ ઉઘાડો રાખેલ છે. એટલે ધોતિયાનો ગોડાયો આગળ ધસી પડેલો છેઃ ને માથે તેલ નાખ્યું હોવાથી વાળ સફેદ ઊંઠ્‌યા છે.

એવા પોતાના વિચિત્ર સ્વરૂપની બાજુએ બેઠી છે દેવુની બા; તાજી પરણીને આવેલી નાની શી કિશોરી, સુકુમારી , છોભીલી, શરણાગતા : છતાં હસમુખી, ઓપતિની સમોવડ દેખાવા ઊંંચી ટટ્ટાર કાયા રાખીને બેઠેલી, સહેજ નીચે ઢળેલ પોપચે વધુ રૂડી લાગતી.

આ પત્નીને આજે વીરસુતે ઓળખી, પોતાને પણ ઓળખ્યો. છબીની સામે બેસીને એ અનિમેષ નયને જોઈ રહ્યો.

’બરાબર દેવુનું જ મોં.’ એનાથી બોલાઈ ગયું.

(૧૬૨) ’આજે આ હોત તો ઘરને કુચ્ચે મેળવત કે ભાભીની જેમ સાચવત?’

અંતરનું આકાશ ખાલી હતું. એમાં દેવુની બાનાં સાંભરણાંનાં સ્વચ્છ ચાંદરણાં ચમક્યાં. એટલી છબીની મદદથી વીરસુતનું મન બગાડો પામતું બચતું હતું. જે શૂન્યતા એને પાપ તરફ ધકેલતી જતી હતી તે તો આ બધી ધમાલ થકી પુરાઈ જવા માંડી હતી.

’ભાભી, ભાભી !’ એ દોડતો ગયો : સસ્પેન્ડર અર્ધ ઊંતરેલાં : એક મોજું કાઢેલું. એક હજુ જેમનું તેમ ! ’ભાભી ! હું નહોતો પૂછતો કાલે, તે જ આ છબી. જોયુંને અમારૂં જોડું ભાભી?’

એટલું બોલીને એ પાછો ખંડમાં પેસી જતો હતો, ત્યારે ભદ્રા પછવાડેથી બોલી, ’જૂનાં દેરાણીએ જ મને લખતાં શીખવ્યું’તું.’

એવી કઢંગી છબીને મેજ પર કોઈ દેખે તેમ મૂકવાની એની હિંમત ચાલી નહિ. દિવસો સુધી એ સન્મુખને બદલે વાંકી, આડી અને ટેડી રાખતો હતો. પણ ભદ્રાના આ નાના પગલાંએ એને પોતાના ઘરની અંદર રહેલી ભાવનાસમૃદ્‌ધિ પ્રત્યે જોતો જર્યો. એ પરિવર્તન ધીરે ધીરે પણ ચોક્કસપણે થઈ રહ્યું હતું.

’આશું, આ તો મારી જૂની પીતાંબરીનું પ્રદર્શન!’ પોતાના ખંડની એક ખીંતીએ રેશમી મુગટો જોઈને એ એક દિવસ હસ્યો.

જમવા તેડવા આવેલ ભદ્રાએ કહ્યું, ’ભૈ ! એ જરીક પેરી લેશો?’

’શું વળી?’

’પીતાંબરી.’

’શા માટે?’

(૧૬૩) ’ધોતિયે કોઈ કોઈ છાંટો પડી જાય છે ને ભૈ ! તેનો પાકો ડાગ જતો નથી. આ રેશમ છે, પે’રવું ફાવશે, ને એને હું મારે હાથે જ ધોતી રહીશ ભૈ ! ગંદુ નહિ થવા દઉં’

’તમે પણ ઠીક મને દીપડો બનાવવા માંડયો છે હો ભાભી!’

આ શબ્દોમાં નવા જીવન-રસની સોડમ હતી.

ભાભી ઘરની રીતભાતમાં જે કાંઈ ફેરફારો કરાવતી હતી તે દેરને ગમતા ગયા. દેર એ કરતો ગયો તેમ તેમ ભાભીની પ્રસન્નતા વધુ વધુ કળા પાથરતી ગઈ. કંચનને રીઝવવા એણે જે જે કર્યું હતું તેના પ્રમાણમાં આ તો તુચ્છ હતું. કંચન પ્રત્યેક પ્રયત્ને વહુ અસંતુષ્ટ બનતી ત્યારે ભદ્રા તો થોડા પ્રયત્ને રીઝતી. પીતાંબરી પહેરવાથી જો ભાભી આટલાં પરિતૃપ્ત રહે તો મારા બાપનું શું ગયું! એમ વીરસુતની વિફલતાના અસીમ વેરાન ઉપર ભદ્રાની પ્રસન્નતાની હરિયાળી ક્યારીઓ જેવી ઊંગી નીકળી. વીરસુત જો બેપરવા, તમ વગરનો લોખંડી પુરૂષ હોત તો એને ભોજાઈની આ પ્રસન્નતા બહુ મહત્ત્વની ન ભાસત. પણ અરધો બાયડી જેવો એ પ્રોફેસર, બાયડીઓની પેઠે જ ભૂખ્યો હતો પોતાનાં સ્વજનોના સંતોષનો. માટે જ ભદ્રાને પોતે પીતાંબરી પહેરે રાજી કરી શક્યા પછી વળતા દિવસે જનોઈ પણ મંગાવી લીધી, ને સ્નાન કરી પાટલે જમવા બેસવા નીકળ્યો ત્યારે ભોજાઈએ પેટાવેલા પાણીઆરા પરના દીવાને પોતે પગે પણ લાગ્યો.

આટલું થયા પછી ભદ્રા એક મોટી હિંમતનું પગલું ભરી શકી. જમતા દેરની એણે શરમાતે પૂછ્‌યું, ’ભૈ, તમારી રજા હોય તો એક હજામને બોલાવવો છે. કોઈ આપણો ઓળખીતો, પાકટ માણસ હોય તો સારૂં ભૈ ! ને તમે હાજર હો ત્યારે બોલાવીએ.’

જમતાં જમતાં વીરસુતે વિચિત્રતા અનુભવીને ભોજાઈ સામે જોયું. નીચે જોઈ ગયેલી ભદ્રાની સાડીની મથરાવટીની નીચે એક સફેદ માથા-

(૧૬૪) બંધણું હતું. વીરસુતને ભાન થયું કે આટલા વખતથી આવેલી વિધવાનું કેશ-મૂંડન થઈ શક્યું નથી.

’શી જરૂર છે?’ વીરસુતથી વગર વિચારે બોલી જવાયું.

ભાભીનું મોં ભોંય તરફ હતું તે ચૂલા તરફ ફરી ગયું, ને એની પીઠને જાણે કે વીંધીને શબ્દો આવ્યા, ’ તો મને રજા આપો ભૈ, હું બાપુજી કને જઈને આ પતાવી પાછી આવીશ.’

’આંહીં ક્યાં આપણે કુટુમ્બ કે ન્યાતનો લોકાચાર રાખવાની જરૂર છે ભાભી? શા માટે તમારૂં માથું...’ વીરસુત બધુ બોલતાં વળી કાંઈક ભૂલ ખાઈ બેસશે એવો ડર ખાઈ થોથરાતો હતો.

’લોકાચાર હું નથી કરતી ભાઈ!’ ભદ્રાએ આ કહેતી વખતે, આટલા દિવસમાં પહેલી જ વાર દેરની સામે પૂરેપૂરો ચહેરો ધરી રાખ્યો. એનો ગભરાટ, એનો સંક્ષોભ, એનો થરથરાટ, બધાં કોણ જાણે ક્યાં ચાલ્યાં ગયાં હતાં; એ એકેય શબ્દનું ઉચ્ચારણ અસ્પષ્ટ રહેવા દીધા વગર બોલતી હતીઃ ’મારે માથે ભાર થયો છે. મને એ ગમતું નથી. આજે સાંજે હજામ જોશે ભૈ, વિસરી ના જતા.’

આ શબ્દો જરા પણ ઉગ્રતા વગર બોલાયા, છતાં તેની અંદર આજ્જ્ઞાના ધ્વનિ હતા. ભદ્રા વીરસુતથી એકાદ વર્ષે નાની કે સમવયસ્ક હશે, પણ આ શબ્દો અને આ મોરો જોઈ વીરસુતે વિભ્રમ અનુભવ્યો, કે ભદ્રાનું વય પોતે ધારે છે તેથી ઘણું વધારે છે.

આજ સુધી એક વાક્ય પણ પૂરા અવાજથી ન બોલેલી ભદ્રા અત્યારે આ બે ચાર વાક્યોની આખી સાંકળ એકધારી સ્પષ્ટતાથી બોલી ગઈ તે આશ્ચર્યજનક હતું. એને ભાન થયું કે બધી જ બાબતો આ

(૧૬૫) જગતમાં વિવાદ કરીને ગુણદોષ તોળવાને પાત્ર નથી હોઈ શકતી. શરીરની ચામડી કાળી હોય તો ઉતરડી નાખી નથી શકાતી. ચામડી સિવાય બીજી યે કેટલીક એવી બાબતો છે જીવનમાં, કે જેને ઉતરડવું ચામડીને ઉતરડવા કરતાં વધુ કઠિન છે.

તે ને તે જ સાંજે ઓરડામાં બેઠેલી ભદ્રાનું મસ્તક એક બુઢ્‌ઢા હજામના અસ્તરા સામે નીચે નમ્યું હતું. અસ્તરો ઝરડ ઝરાડ ફરતો બે તસુ જેટલા ઊંગી નીકળેલા કાળા ભમ્મર વળનો ઢગલો નીચે ઢાળવા લાગ્યો. ઉઝરડા પાડતો અસ્તરો સ્વચ્છ મૂંડા ઉપર લોહીના ટશીઆ ટાંકતો હતો. અને ભદ્રા ફક્ત સહજપણે હજામને એટલું જ કહેતી કે ’અમારે વાઘા બાપા છે ને તેનો હાથ પણ તમારી જેવો જ હળવોફૂલ હો કાકા !’ અને દેરે એ નજરોનજર નીરખ્યું ત્યારે એના હૃદયમાં ભદ્રા ભોજાઈ ન રહી, બહેન બની ગઈ, માતા સમી મધુર દેખાણી.

’હવે શું વાંધો છે?’

સાંકડી શેરીમાં અંધારી રાતે ચાલ્યા જતાં બે નાનાં છોકરાં જેવી આ દેરભોજાઈની સ્થિતિ બની ગઈ. બેઉના પેટમાં બીક હતી, છતાં બેઉ એક બીજાની ઓથે હિંમતવાન બની રહ્યાં. ભદ્રા પોતાના હૃદયના સુંવાળા સળવળાટોને દેરના ચારિત્ર્‌યનો ડર દેખાડી ડારતી ગઈ, ને વીરસુતના અંતરની ભૂતાવળોને વીરસુત હાકલ્યે ગયો કે શુદ્ધ સાત્વિક રંડાપો પાળનારી આવી ભગવતી ભોજાઈને જો આંહીં જરીકે પોતાનું અપમાન થયાનો વહેમ આવશે તો એ પાણી પીવા પણ ઊંભી નહિ રહે. ને એ જશે તો આ સંસારની અધારગલ્લીમાં મારો એકનો એક સાથ તૂટી જશે.

નિર્ભય બનતી જતી ભદ્રા પરોડિયાની પૂજામાં પહેલાં જે શ્લોકો મનમાં મનમાં બોલી લેતી તે હવે સુંદર રાગ કાઢીને મોટેથી ગાવા લાગી. એના પ્રભાતી સૂરો વીરસૂતનાં લોચનો ઉપર મીઠી પ્રભાત - નિદ્રાનાં મશરૂ પાથરતા થયા.

મૂંડાયેલા મસ્તક પર ભાભીના વાળના નવા કોંટા, ચારેક દિવસના ’જવેરા’ જેવડા દેખાયા ત્યારે અષાઢ મહિનો ચાલતો હતો. એવા એક દિવસે વીરસુત ઉદાસીભર્યો ઘેર આવ્યો. નમતા બપોર હતા.

(૧૬૭) આકાશની વાદળીઓમાં કોઈક ઢેઢગરોળી જેવી જાણે નાની વાદળીઓ રૂપી જીવડાંને ગળતી હતી, તો કોઈક પાડો ને ભેંસ જેવી ભાગાભાગ કરી સૂર્યનાં કનકવરણાં ખેતરો ખૂંદી નાખતી હતી.

આવીને એણે ઓરડામાં જતાં જતાં ભાભીના સાંધણ સીવણના ઢગલા ઉપર એક ટપાલનું કવર ફેંક્યું ને એના ચઢેલા મોંમાંથી ફક્ત ત્રૂટક જ વાક્ય પડયું કે : બાપુજીનો કાગળ...’

તે પછી કોણ જાણે શા યે બબડાટ વીરસુતને ઓરડે ચાલુ રહ્યા.

કાગળ વાંચીને ભદ્રાએ પાછી એની ઘડી કરી. ઘડી કરવામાં વીરસુતે ભૂલ કરી હતી તેથી મૂળ ઘડીઓ ને નવી ઘડીઓ વચ્ચે અડાબડ થઈ હતી. પરબીડીઆમાં કાગળ બરાબર સમાયો નહિ એથી ભદ્રાએ કગળ ફરી બહાર કાઢી એની અસલ ઘડીઓ મુજબ એને સંકેલ્યો, ને પછી કવરમાં મૂક્યો. સાંધણાં સાંધી રહી ત્યાં સુધી ઊંઠી નહિ. વીરસુતના બબડાટો ચાલતા હતા તે તરફ કાન માંડી રહેલી ભદ્રાનું મોં ઘડીક મલકાટ કરતું હતું ને ઘડીક ઝાંખું બનતું હતું.

ચહાનો વખત થયે ચહા બનાવીને પોતે અંદર આપવા ગઈ ત્યારે એ ત્યાં ઊંભી રહી. વીરસુતનું મોં મધમાખોએ ચટકા ભર્યા જેવું જાણે સોઝી ગયું હતું. ને એવા મોંએ વીરસુતની શકલ આખી બદલાવી નાખી હતી. એ મુખમુદ્રા કોઈ કૉલેજ ભણાવતા પ્રૌઢ પ્રોફેસરની કે કોઈ જીવનભગ્ન, હતાશ કટુતાભર્યા માનવીની નહિ, પણ રિસાઈને બેઠેલા કોઈ એક કિશોર બાળકની હતી. ચહા પી લીધા સુધી યે એ કશું ન બોલ્યો ત્યારે ટ્રે ઉપાડતી ભદ્રાએ જ વાતનો પ્રારંભ કર્યો ’બાપુજીનો કાગળ મેં વાંચ્યો ભૈ!’

’ઠીક.’ વીરસુત એટલું બોલી પોતે ઉતારી નાખેલાં ચશ્માં ચઢાવવા લાગ્યો, જાણે એનું કશુંક વાંચન ખોટી થતું હતું. પણ

(૧૬૮) ભદ્રાના ધ્યાનમાં હતું કે એની નજીક એકે ય ચોપડી, છાપું કે પરીક્ષાનો જવાબપત્ર પડયો નહોતો.

’જવાબ કશો લખ્યો ભૈ?’ ભદ્રાએ બોલતે બોલતે ચહાની ટ્રે બે હાથમાં ઝાલી હતી તેને, પૂજાનો થાળ કે પીરસણાનો ખૂમચો ઉપાડે એ રીતે પોતાના ડાબા હાથની હથેળીમાં ખભાને ટેકે ઉપાડી લીધો.

’જવાબ શું લખવો છે? તમે કહો તે દિવસની ગાડીમાં...’

એથી વધુ આગળ ન વધી શકેલું વીરસુતનું વાક્ય, માર્ગમાં રોદો આવે ને જેમ ભાર ભરેલ ગાડું ઊંથલી પડે તેમ અટકી ગયું.

’મને લાગે છે ભૈ, કે અનસુ સંતાપતી હશે ને યમુના બેનનું બાપડીનું પાછું ઠેકાણું નહિ રહ્યું હોય. એ જ ખરૂં કારણ હશે. બાપુજીએ નીચે જે ટાંક મારી છે તેનું કશું ય એવું...’

ભદ્રા પણ વાક્ય પૂરૂં કરી ન શકી. એને લાગ્યું કે દેરનો અત્યારનો ગુસ્સો સસરાજીએ કાગળમાં નીચે મારેલી ટાંકને આભારી હશે. એ નીચે મારેલી ટાંક આ હતી કે ’ગામલોકોને મોંએ પણ કાંઈ હાથ દેવાતો નથી ભાઈ ! ભદ્રા તારા ઘરમાં એકલાં રહે તેની આપણાં જ્જ્ઞાતિજનોને આંહીં બેઠે પણ ચિંતા થાય છે. આપણી ફરજ લોકાપવાદને વધુ કારણ ન આપવું તે છે.’

’મને કારણનું કાંઈ નથી.’ મોં પર તો તોબારો ચડયો હતો તેને જ સુસંગત એવા અવાજે આ શબ્દો વીરસુતે ઉચ્ચાર્યા; ને ચોપડી લેવા એના હાથ ત્યાં બેઠે બેઠે આંબી શકે એવું ન હોવાથી એણે પોતાની હથેળીની રેખાઓ વાંચવી શરૂ કરી દીધી.

’એ તો હું બાપુજીને કહીશ ભૈ ! કે તમે મારી પ્રતમ્યા જે રીતે સાચવી છે તે તો સગી માના જણ્‌યા જેવી... તમે... તો... મને આંહી

(૧૬૯) કશી ફાળ ફડક ઓછી હતી ભૈ! પણ મારા પિયરિયાનાં પિત્રાઈઓ ત્યાં આપણે ગામ રહેવા આવેલ છે ખરાં ને ભૈ, એમનો મૂવાનો એવો સ્વભાવ છે વાંકું જોયાનો. એ વગર બીજું કોઈ બોલે તો નહિ. શરશતી કાકી વાતવાતમાં બોલ્યા હોય તો કોણ જાણે. બાકી રેવતી મામી કે લક્ષ્મી ભાભુ તો મને બરાબર જાણે છે, એ તો પોતાની જીભ કચરી નાખે તેવાં છે; હશે ભૈ, કોક બોલે તેનું તો કશું નહિ, પણ મારા માવતરને કેવાં ફફડાવ્યાં હશે ! સારૂં થજો બોલનારનું. બીજું શું?’

બોલતી બોલતી ભદ્રાની આંખો ઊંંચે સીલીંગની અંદર જાણે કે આંકા પાડતી હતી.

’પણ મેં કહ્યું ખરૂં ને ભૈ, ખરૂં કારણ એ નહિ જ હોય. એ તો બાપુજીને મારી અનસુએ ને કાં યમુના બેને અકળાવ્યાં હશે. મેં અનસુને પોરની સાલ જવેરા વાવી દીધાં હતા ને, તે આ વખતે પણ મેં અહીં એક વાટકી વાવ્યા ત્યારે જ મને થતું’તું કે અનસુ બાપુજીને રંઝાડી રહી હશે. એને મા તો શું સાંભરે બૈ! નાનું બાળક તો જેની જોડે હળે તે એની મા; પણ એને બરડામાં હાડકું વધે છે ને, તેની પીડા જ ઊંપડી હશે. હાડકા માથે ચોળતી તો હું પોતે જ ખરીને, એટલે બાપુજીને બાપડાને ક્યાંથી ખબર કે ક્યાં કેટલું દબાવીને કઈ રગ ઉપર ચોળવું ! ચોળવાનું તેલ પણ ખૂટી ગયું હશે, ને હું મૂઈ કોઈને કહી યે નથી આવી કે તેલમાં શી શી જણશ કકડાવવાનું મારી બાએ મને કહેલું. એટલે સૌ મૂંઝાયા હશે.’

આટલા લંબાણથી વાતની વિગતમાં ઊંતરવાની ભદ્રાએ કોઈ કોઈ વાર વૃત્તિ થઈ આવતી. પણ એ જ્યારે કોઈ વાતની વિગતમાં ઊંતરી પડે ત્યારે એનો સ્વભાવ જાણનારાં નિકટનાં સંબંધી શ્રોતાઓ સમજી (૧૭૦) જતાં કે વાતની વિગતે ચડવાનો એ પ્રયત્ન ગવૈયા પોતાના ગળાના તંગ બનેલા સ્વરતંતુઓને ઠેકાણે લાવવા જે રાગડા કાઢવાનું મંથન કરે છે તેને મળતો હતો. ભદ્રાને અનસુ એવી તો સાંભરી આવી હતી કે જો આટલી વિગતથી વાત કરવામાં એ ન ચડી ગઈ હોત તો અધરાત સુધી એનું રૂદન વિરમત નહિ.

આ રહસ્યના અણજાણ વીરસુતે ધારાબંધી વાત કહ્યે જતી ભદ્રાને હોંકારો તો દીધો નહિ, પણ સામું સરખું ય ન જોયું. વાત પૂર થઈ એટલે એણે પૂછ્‌યું, ’બોલો, કયા દિવસનું લખી નાખું?’

’પરમ દિવસનું લખો ભૈ ! ના રહો, પરમે તો બુધવાર આવે છે. આપણે દેર ભોજાઈ દેખી પેખીને બુધવારે જુદા નહિ પડીએ. વળતે દા’ડે ગુરૂવારે નહિ ને શુકરવારે...’

’આજે રાતે શો વાંધો છે?’ વીરસુત કેમ જાણે ભદ્રાને કાઢી મૂકવા માગતો હોય તેવા તોછડા સુરે બોલી ઊંઠ્‌યો.

’એમ કંઈ ઘર રેઢું મેલીને ચાલી નીકળાય છે ભૈ ! હજુ બધું ઢાંકવું ઢૂંબવું છે, હજી સાંધવાન તૂંનવાના કપડાં બાકી છે, હજુ મેં નવાં મગાવેલાં અનાજને સાફ કરાવી વાળ્યાં નથી, ચૂલા તૂટી ગયા છે. તે નવા નખાવવા મેં એક ઠાકરડીને તેડાવી છે તે હજુ આવી નથી, હજુ રસોયાની તજવીજ કરવાની છે; એમ કાંઈ ઘરને રઝળતું મૂકીને ચાલી નીકળાય છે ભાઈ! ઘર છે, ધરમશાળા થોડી છે?’

કહીને ભદ્રાએ ચહાની ટ્રે પોતાના થાકેલા ડાબા હાથ પરથી જમણા હાથની હથેળી પર જમણાં ખભે ચડાવી.

’ઘર છે, ધર્મશાળા નથી,’ એ શબ્દો પર આવતાં વીરસુતનાં મોંમાંથી રહ્યા સહ્યા કર્કશ શબ્દો પણ વિલય પામી ગયા. જાણે કે

(૧૭૧) નદીમાં ઓચીંતુ પૂર આવ્યું ને વેકુરીમાં ઊંભેલાં છોકરાં નાસી ગયાં. એણે ચશ્માંને નાક ઉપર સરખાં કરવાને બહાને બેઉ કાચ આડે હાથ છાવરી લીધા. પણ ભદ્રા વિધવા હતી ખરીને, એટલે સર્વને ભોટ લાગે તેવી અદાથી ચાતુરી ને સમયવર્તી સાવધાની તેણે કેળવી લીધી અહ્‌તી. એણે દેરની હથેળી પાછળનાં ચશ્માંના કાચ ને તેની યે પાછળ રહેલી આંખોમાંથી દડ દડ વહેતી અશ્રૂધારા કળી લીધી.

એણે દેરનાં આંસુનું કારણ સસરાના કાગળની નીચે ટાંક મારેલા વાક્યમાં કલ્પી લીધું, પણ એ વિષયને રોળી ટોળી નાખવા મથતો એનો સ્વર આ ઘરમાં પહેલી જ વાર ઉગ્ર બન્યો :-

’રસોયાને તો ખોળી કાઢો ! એ મૂવાને શું ખબર હશે કે તમને તુવેરદાળમાં કોકમ નથી ભાવતું ને લીંબુ જ ભાવે છે. એ તો મૂવો એની જીભના સ્વાદ સામે જોઈને રાંધણું કરશે, ને તમે મોં ફાડીને બોલશો ય નહિ કે તમારે શાક દાળમાં મીઠું વધુ જોવે છે ! એ મૂવો ખાખરા બનાવી જાણતો હશે કે નહિ. મારે એને બતાવવું તો પડશે ને!’

’મારે રસોયો રાખવો જ નથી. રસોડાની બધી ચીજો ઠેકાણે કરી જજો.’

’ત્યારે ?’

’ફળ દૂધથી ચલાવી લઈશ.’

’ચલાવ્યાં એ ઓ ! એવા છંદ કરવાના નથી. કહી રાખું છું.’

’તમારે શા માટે કહેવું જોવે?’

’ચૂલા માટે!’

એટલું બોલી ભદ્રા ત્યાંથી જરાક બહાર ખસી; ત્યારે વીરસુતનો સ્વર ઊંઠ્‌યો, ’આંહી કોઈની જરૂર જ ક્યાં હતી ? શા માટે આટલા

(૧૭૨) દિવસ રહીને મને બધી વાતે પરવશતા શીખવી ? હું મારૂં ગમે તેમ ફોડી લેતાં શીખી ગયો હોત ને ! ફાવે ત્યાં જઈને ખાઈ પી લેત, ફાવે ત્યાં સૂઈ રહેત, ફાવે તે રીતે આનંદ મેળવી લેતે.’

ભદ્રાના ધીરાં ધીરાં પગલાં ખંડની સુંવાળી ફરસબંધીને જોરથી દબાવતાં દબાવતાં ચાલ્યાં ગયાં ને એ પોતાના ખંડમાં પગના અંગુઠા ઉપર ઊંભી ઊંભી કાન માંડી રહી. વીરસુતના ખંડમાં રૂદન નીચોવાતું હતું.

એકાદ કલાક પછી ધબધબ પગલે વીરસુત એકાએક રસોડાના દ્વાર પર આવ્યો, અને રાંધણું ચડાવતી ભદ્રા એનું આક્રમણકારી સ્વરૂપ જોઈ શકે તે પહેલાં તો એનાં મોંના શબ્દો સંભળાયાઃ

’તો પછી એમને બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે!’

ભદ્રાએ એ શબ્દો સાંભળ્યાં પછી જ દેરના મોં સામે જોવાની હીંમત કરી. એ મોં પર ગુસ્સો નહોતો; ભય, ચિંતા ને કચવાટ હતાં. એ મોં વીરસુતનું નહોતું રહ્યું, જાણે નાનો દેવુ વીરસુતની મુખમુદ્રામાં પ્રવેશીને અણુએ અણુએ વ્યાપી ગયો હતો.

એટલું બોલી એ ઊંભો રહ્યો. એના ચહેરાની નસોમાંથી લાલ લાલ રંગજાને નીંગળતો હતો.

ભદ્રા આભી બની ગઈ હતી તે બદલાઈ જઈને હસું હસું થઈ રહી. ’બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે!’ એ વાક્યની ખૂબી તો જો મૂઈ! એક મારી નાનકી અનસુને પણ આંહી ન લાવવા દેનારો આ દેર શું ઘરના બધાંને માટે આંહીં રહેવાની વાત મશ્કરીમાં કરે છે? કે ગંભીરપણે ? કેમ જાણે પોતે સૌને તેડાવી તેડાવી ઊંંધો વળી ગયો હોય!

(૧૭૩) મૂંઝાયેલી ભોજાઈ તરફથી કશો હોંકારો ન મળ્યો, ફક્ત ભદ્રાના હાથમાં જે ચીપિયો હતો તે જમીન પર હળવે હળવે પછડાઈને કોઈ વાજિંત્રના તાર પેઠે ધ્રૂજતો રહ્યો. એ ચીપિયો પછાડતી પછાડતી ભદ્રા વારંવાર ઊંંચેથી નીચે ને નીચેથી ઊંંચે દેરના મોં સામે જોઈ રહી.

"આંહીં કંઈ હવે તો જગ્યાનો સંકોચ નથી.’ પોતાની જાણે જ બોલવું ચાલુ રાખતા વીરસુતે ’હવે’ શબ્દ પર સહેજ મચરક દઈને આગળ ચલાવ્યુંઃ ’જ્યેષ્ટારામ મામાને રાખવા માટે ઓ પેલું આઉટહાઉસ રહ્યું ઘર પછવાડે. ને બાપુજીને તમારી ખબર રાખતા બેસવું હશે તો દીવાનખાનું ય હવે તો ખાલી છે.’ ફરી પાછો ’હવે’ શબ્દ, કથરોટમાં બાજરાના લોટનો લૂવો મસળાય તેમ મસળાયો; ’મારે કંઈ દીવાનખાનામાં કોઈ મહેમાનને ખાવા પીવા બોલાવવો નથી. ને આવશે તો પાછલી પરશાળમાં બેસશું ને હવે તો કોણ આવવાનો હતો ! સૌ આવનારાઓને આકર્ષણ જોઈતું હતું.’

એ છેલ્લા શબ્દો બોલતો હતો ત્યારે વીરસુત ભદ્રા સામે નહિ પણ બાજુના પાણીઆરા પર નવી જ ચમક મારતા માટીના ગોળા તરફ ને એ ગોળા ઉપર ઢાંકેલા પીતળનાં માંજેલાં બુઝારાં તરફ જોતો હતો. પાણીઆરાને એનું પોતાનું અનોખું રૂપ મળ્યું હતું. અગાઉ કંચનના સમયમાં પાણીઆરા પર અજીઠાં ટૂથબ્રશ અને ત્રણદિવસનાં કોહેલાં દાતણ પડયાં રહેતાં ને લીલના પોપડા બાઝ્‌યા રહેતા.

’ને દેવુને ત્યાં શા સારૂ સડતો રાખ્યો છે ભૈ !’ પાણીઆરાના બુઝારાં પર પોતાનું પતિબિંબ જોવા પ્રયત્ન કરતો કરતો એ બોલતો રહ્યોઃ ’મારૂં બગડયું છે તો ઠીક, પણ એ છોકરાનું ભાવિ શું કામ બગાડો છો બધાં?’

’બધાં નો ઉલ્લેખ કરનારો વીરસુત ભદ્રામાં વધુ ને વધુ હાસ્યની લાગણી ઉપજાવતો હતો.

(૧૭૪) છોકરો આંહી આવ્યો હતો ત્યારે જ મને તો સાચોસાચ ખબર પડી, કેટલો બીકણ, કેટલો બધો દબાયેલો, ને કેટલો રાંક થઈ ગયો છે! આંહીં અમદાવાદમાં ભણે તો કાંઈક પાણીવાળો તો થાય. બાપની સાથે કાંઈક જીવ પણ મળે. અત્યારે તો હું એને દુશમન જેવો જ લાગું ને!’

એટલું કહીને એ પાછો ચાલ્યો, ચોગાનમાં જઈ ઊંભો રહ્યો, ને વળી પાછો બોલ્યો, ’અનસૂને ય કોઈક વૌદ્ય દાક્તર પાસે આંહીં જ તપાસાવી શકાયને ! ત્યાં બેઠાં બેઠાં અનસૂથી કંટાળતા હોય તેમાં હું શું કરૂં ? આંહીં બાલમંદિર પણ બંગલાથી દૂર નથી.

એટલું કહીને એણે માળીને બોલાવ્યો, આજ્જ્ઞા કરી, ’જા તું પાછળનું આઉટ-હાઉસ ઉઘાડીને ભાભીને બતાવ. જોઈ લેજો ને પછી કહેજો, મામા ત્યાં રહી શકે કે કેમ?’

પછી પોતે આખા બંગલામાં તેમ જ બંગલા ફરતું ચક્કર લગાવ્યું, પાછો આવ્યો ને કમ્પાઉન્ડમાં ઊંભો ઊંભો જ બબડવા લાગ્યો;

’આંહીં તો જગ્યા ઘણી પડી છે. દેવુને ભણવાની પણ ઓરડી ઓ રહી! છતાં જો જવાનું બહાનું જ જોતું હોય તો ખુશીથી જાઓ. કોઈ રોકતું નથી - રોકી કોણ શકે? એ તો હું રહીશ એકલો, પડયો રહીશ આ ભૂતખાનામાં.’

’ભૂતખાનામાં’ એ છેલ્લો શબ્દ જ્યારે ઉચ્ચારાયો ત્યારે વીરસુત પોતાના ખંડમાં પહોંચી ગયો હતો. દીવાનખાનાની બાંધણી બીજા ખંડો કરતાં વિશેષ પડઘાદાર હોવાથી ’ભૂતખાનું’ શબ્દ હજુ એ ખંડમાં જાણે ઘૂમરીઓ ખાઈ રહ્યો હતો.

(૧૭૫) ભદ્રા રસોડે બેઠી બેઠી, ચૂલા તરફ જોઈને ખૂબ હસતી હતી, અષાઢના ઘેરાયેલ દિવસે રસોડામાં અંધારૂં પાડયું હતું, એ અંધારે ભદ્રાના મૂંડેલા ચહેરા પર ચૂલાનો તાપ એવો તો ઉઠાવ પામી રહ્યો હતો કે એ લાલિમા કોઈ સીનેમાનો ઉદ્યોગપતિ ન જોઈ જાય એવું આપણાથી ઈચ્છી જવાય.

અણધાર્યું પ્રયાણ

તે પછી વળતા દિવસે વીરસુતને એકલાને લઈને એક ભાડુતી ગાડી પિતાના ગામમાં ઘરને બારણે આવી ઊંભી રહી. દ્વારમાં પેસતાં જ એણે પોતાનું અતડાપણું તોડવાનો યત્ન કર્યો. ભદ્રા ભાભીએ કરેલી છેલ્લી ભલામણ એ જ હતી કે ’જોજો હો ભૈ ! રૂડું આનંદભર્યું મોં રાખીને સૌને મળીએં હો ભૈ !’

કોઈ પણ ઈલાજે મોં હસતું રાખવું જ હતું. ગાંડી યમુના જ બારણું ઉઘાડવા આવી. યમુનાએ પોતાના નાનાભાઈ દીઠા, ઓચીંતા દીઠાં, ને મોં પર મલકાટ ધારણ કરતા દીઠા, એટલે કે યમુનાએ કદી ન કલ્પેલું વિચિત્ર દૃશ્ય દીઠું. અને એણે ’એ-હે-હે-હે ! નાનાભાઈ ! એ-હે-હે-હે આવ્યા છે-એ-હે-હે-હે-હસે છે,’ એવા ઉન્મુક્ત ગળાના ગેહકાટ કાઢ્‌યા, બોલતી બોલતી એ અંદર ગઈ, ને એણે એક નાના બાળકની રીતે આનંદ-ધ્વનિથી ઘર ગજાવી મૂક્યું, જાણે કોઈ ઉત્સવનો ઘંટ બજ્યો. ને નાનાભાઈ યમુનાના મામા પાસે, એટલે કે સોમેશ્વર માસ્તર પાસે જઈ બેઠા ત્યારે યમુનાએ પહેલું કામ ઝટ ઝટ વાટ વણીને દીવો પેટાવી તુલસીમાને ક્યારે મૂકવાનું કર્યું; દીવો મૂકતાં મૂકતાં બોલી : ’હાશ ! માડી ! નાનાભાઈ હસ્યા, મને જોઈને હસ્યા,

(૧૭૭) સૌને જોઈને હસે એમ કરજો હો મા ! હો મા ! હો-હો-હો ?’ કહેતે કહેતે એણે તુલસીની ડાળખી ઝાલીને ધુણાવી. કેમ જાણે માતાનો કાન ન આમળતી હોય !

વર્ષો પછી પહેલી જ વાર વીરસુતે પિતાને હસતા ને મોકળા કંઠના હોંકારા દીધા. વર્ષો પછી એણે ઘરના ખૂણા ને છાપરાના ખપેડા જોયા. વર્ષો પછી એણે રસોડા સુધી જઈ યમુના પાસે માગ્યું : ’હું ભૂખ્યો છું, કંઈક ખવરાવ તો ખરી ગાંડી!’

’ગાંડી-હી-હી-હી-ગાંડી!’ એવું હાસ્યભર બોલતી યમુના પોતાના મોં આડે સાડીનો પાલવ ઢાંકતી હતી. અને ’ગાંડી’ એ તો જાણે વીરસુતભાઈના મોંમાંથી પડેલો કોઈ ઈલકાબ હોય એવી લહેરથી નાસ્તો કાઢવા લાગી.

નાની અનસુ યમુનાની સાડીમાં લપેટાઈને ઊંભી હતી, તેને ભાળી ત્યારે વીરસુતને એકદમ તો ભાન ન થયું કે આટલા સમયથી પોતાને ઘેર રહેલી ભદ્રા ભાભીએ કલેજું કેવી રીતે લોઢાનું કરી રાખ્યું હોવું જોઈએ. પણ યમુનાએ અનસુને કહ્યું : ’કાકા છે, બા પાસેથી આવ્યા છે.’ ત્યારે અનસુએ પૂછ્‌યું,’ બા કાં થે? બા થું કલે થે? બા અનછુ અનછુ કહી લલે છે?’ ત્યારે વીરસુતના હૃદયના સખત બંધો તૂટવા લાગ્યા. તોયે એને તેડી લેવાનું તો એકદમ મન થયું નહિ. દેવુ નાનો હતો ને પોતે કોક વાર પત્નીને મળવા માટે જતો ત્યારે એ લાંબા હાથ કરી કરી ઘોડિયામાંથી કરગરી રહેલા બાળકને જેણે એકેય વાર તેડયો નહોતો, તે જ વીરસુત એકાએક તો અનસુને એનાં શેરીમાં રમી રમી રજોટાયેલાં અંગો સાથે છાતીએ કેમ કરી લઈ શકે ! પણ એને યાદ આવ્યું-અમદાવાદથી નીકળ્યો ત્યારે ભદ્રા ભાભીએ કહેલું વાક્ય કે ’અને ભૈ ! મોં ઓશિયાળું ન રાખજો હાં કે ? મોં તો હસતું રાખીએ. હસવું ન આવે તો યે હસીએં હો ભૈ !’

(૧૭૮) એ વાક્ય મુજબ જ પોતે બારણા ઉપર પહેલવહેલો ઊંભેલો, ત્યારે હાસ્ય પ્રયત્નપૂર્વકનું હતું પણ એકાદ કલાકમાં એ હાસ્ય પરથી પ્રયત્નનો બોજો ઊંતરી ગયો હતો. તે રીતે અનસુને તેડવાનો પ્રારંભ પણ એણે વહાલથી નહિ, પ્રયત્નથી કર્યો. પહેલાં એને ધૂળે ભરેલીને બે હાથે અદ્ધર ઉપાડી, છિ-છિ-છિ-છિ કર્યું, પછી તેડી, ને કહ્યું, ’બા પાસે તને લઈ જવા જ આવ્યો છું અનસુ.’

’નહિ જવા દઉં.’ યમુના બી ઊંથી.

’તને પણ યમુના.’

’દેવુના બાપાને, મામાને, બધાને?’

’હા બધાને.’

’જૂઠું.’ ગાંડી પણ વીરસુતનું આટલું પરિવર્તન કબૂલવા તૈયાર ન થઈ.

* * *

’એ કાંઈ નહિ. એ કાંઈ મારે સાંભળવું નથી. મને જીવતો જોવો હોય તો ચાલો બધાં.’ એવા મક્કમ સ્વરે વીરસુતે પોતાના પિતાના તમામ વાંધાને કાપી નાખ્યા. પુત્રનું મોં એને ઓશિયાળું લાગ્યું. પુત્રના સ્વરમાં ધ્રૂજતું એકલતાનું આક્રંદ પિતાના તંબૂર-તાર ધ્રૂજાવી રહ્યું હતું.

’આ આખી વેજા છે ભાઈ ! તને સુખે નહિ રહેવા આપે.’

પિતાના આ શબ્દો નકામા ગયા. વીરસુતનું પરિવર્તન એટલું બધું કષ્ટમય હતું કે પિતાની દલીલોના જવાબો દેવાને બદલે તો એ વડછકાં જ ભરવા મંડી પડયો : ’હું તમારો એકનો એક પુત્ર છું. કંઈક ભાન તો રાખો?’

(૧૭૯) પછી તો રાત્રિએ બચકાં બંધાવા લાગ્યાં. દેવુ વસ્તુઓ લેવા માટે બહાર દોડાદોડ કરવા લાગ્યો, ત્યારે આંગણામાં, પાડોશની શેરીમાં ને બજારમાં ચણભણાટ ચાલ્યોઃ ’રાંડીરાંડ દીકરાવહુ ઘેર પાછી ન આવી ને દેર કેમ આવી ઊંભો રહ્યો ?’

’કેમ બધાં સામટાં અમદાવાદ ઊંપડે છે?’

’અમદાવાદથી કદાચ આગળ તો જાત્રા નીકળવાની નહિ હોય ને?’

’હોય પણ ખરી.’

’એટલે પછી ભદ્રાને એવા ભાર ભરેલા શરીરે આંહીં શા સારૂ આંટો ખવરાવે !’

ખુદ પિતાનું અંતર પણ વહેમાયું હતું. વીરસુતનું આ પગલું વિસ્મયકારી હતું. કુટુંબના શંભુમેળા પર એકાએક વહાલ આવી જવાનું કારણ કલ્પી શકાતું નહોતું. એણે ગામલોકોની ગ્િાલાને જાણ્‌યા પછી પણ પોતાના મનને કહ્યું : મારા પોતાને બદલે કોઈ બીજા બ્રાહ્‌મણની વિધવા પૂત્રવધૂ અને પરિત્યક્ત પુત્ર વિષેનું આ પ્રકરણ હોત તો? તો હું પણ ગામલોકોની માફક જ એ બીજાંઓ વિષે વાતો કરત ના ? વાતો ન કરત કદાચ, તો યે વહેમ તો હૈયામાં સંઘરત ને? શું હશે? ભદ્રાની જ કોઈ આપત્તિ હશે?

ઘરને તાળું દેતા પહેલાં દાદાજીએ તુલસી-રોપ બહાર લીધો, ને એ પોતે પોતાની સંબંધી સરસ્વતી બાઈને દેવા ગયા, કહ્યું, ’રોજ લોટી પાણી રેડજો ભાભી.’

’સારૂં ભૈ ! વેલાસર આવજો. ને હેં ભૈ !’ એણે ફાળભર્યાં હેતાળ સ્વરે નજીક જઈને પૂછ્‌યું : ’ભદ્રા વહુને શરીરે તો સારૂં છે ના? અંબાજી મા એને નરવ્યાં રાખે ભૈ ! મારી તો બાપડી દીકરી

(૧૮૦) જેવી છે. લોકોનાં વગોણાં સામે ના જોશો ભૈ ! ને તુળસી માની કશી ચંત્યા કરશો નૈ.’

’ઝાડવું, તોય જીવતો જીવ છે ને ભાભી !’ ડોસા સહેજ ગળગળા થયા; ’એણે જ અમને આજ સુધી સાચવેલ છે. દીવો-બની શકે તો-કરતાં રે’જો ભાભી.’

’કરીશ જ તો ભાઈ! શા સારૂં નૈ કરૂં ! આંગળીક ઘી પેટમાં નહિ ખાઉં તો ક્યાં દૂબળી પડી જવાની છું ભૈ !’

એનો અર્થ એ હતો કે ઘીનો દીવો કરવો ને ઘી રોટલા પર ખાવું એ બેઉ વાતો સાથે બની શકે તેવી આ વિધવાની સ્થિતિ નહોતી. એવાં નિરાધાર પાડોશીઓની સેવા કરવાનું છોડવું પડયું તેની વ્યથા સોમેશ્વર માસ્તરના મોં પર તરવરતી હતી. ભારી હૈયે એ સ્ટેશને ચાલ્યા.

આગળ ’અંધા’ જ્યેષ્ટારામ મામાને દોરી દેવુ ચાલતો હતો.

સ્ટેશને આખે રસ્તે અનેક આંખો ચોંટી રહી; એક જણે ઊંભા રહીને કહ્યું, ’આમ કેમ અણધાર્યું પ્રયાણ ! નાશક-પંઢરપુર સુધી તો થતા આવશોને જાનીજી?’

કહેનાર થોડી વાર જવાબની રાહ જોતો ઊંભો રહ્યો, કે તરત અંધા જ્યેષ્ટારામે દેવુનો હાથ છોડાવી, ચાર ડગલાં પાછાં ફરી, એ બોલનાર જ્જ્ઞાતિબંધુની લગોલગ ઊંભો રહી પોતાની આંખોનાં પોપચાં ઊંંચાં કર્યાં ને ઉચ્ચાર્યું, ’ઓળખ્યા ! કોણ ભવાનીશંકર ને ? જાત્રાએથી આવીને તમને ગોદાવરીનું તીર્થોદક ચખાડશું હો કે ? નહિ ભૂલીએ ! ઓળખ્યા ! નહિ ભૂલીએ હો કે !’

જ્જ્ઞાતિબંધુ ભવાનીશંકર ત્યાં ને ત્યાં થંભની માફક ખોડાઈ ગયો. એણે દીઠું-અંધની દેખતી બનેલ આંખોમાં પોતાના મુર્દાનું પ્રતિબિંબ.

(૧૮૧) અમદાવાદના બંગલામાં ડોસાનો ફફડાટ આઠ દિવસે માંડ માંડ શમ્યો. દાતણ કરવાને ટાણે ભદ્રાની એક ઊંલટીનો પણ અવાજ એણે સાંભળ્યો નહિ. વીરસુત એક પણ ગુપ્ત વાત કહેવા આવ્યો નહિ. દેવુને મોકલી મોકલી દાદાએ ભદ્રાએ વીરસુતની ગેરહાજરીમાં ચોગાનમાં બોલાવી પુછાવી જોયું : ’કેમ રહે છે? કાંઈ નડરત તો નથી થઈ ને? શરીરે તો નરવાં છોને મોટાં વહુ ? મને કહેતાં અચકાશો નહિ હો બેટા!’

લાજ કાઢીને ઊંભેલી ભદ્રાના દેહે જ પોતાની સંપૂર્ણ સ્વસ્થતાનો જવાબ, ભદ્રાની જીભ આપે તે પૂર્વે આપી દીધો. ભદ્રાનાં શીલ અને ભદ્રાની ચેષ્ઠાઓ, અરે ભદ્રાની ચાલી જતી આકૃતિના પગલાંની પાની પણ ડોસાએ વાંચી લીધી. તો પણ ખરાવી ખરાવીને પૂછી જોયું, ’ભાઈ તો ઓચીંતો તેડવા આવ્યો એટલે મારે હૈયે ફાળ પડી’તી બેટા ! કે તમને શરીરે નરવાઈ નહિ હોય કે શું ! નજરે જોઈને રાજી થયો કે કશું જ નથી.’

’દાદાને કહે દેવુ ! કે ઈશ્વર સૌની લાજ રાખે છે. કશી જ ચિંતા કરશો મા.’

એ ભાષામાં વહુ ને સસરો બેઉ પરસ્પર સમજી ગયાં.

યમુના ગાંડીનો તો એક જ ધંધો થઈ પડયો : અનસુને લઈને તેણે બંગલાના ચોગાનમાં ફૂલો જ વીણવા માંડયાં. યમુનાને ઉઘાડું આંગણું, દિવસે ફૂલફૂલના ઢગલા ને રાત્રિએ સૂતેલાં ફૂલોની મહેક મહેક સુવાસ સાથે આભની ભરપૂર ફૂલવેલીઓ મળી. આટલું સ્વચ્છ આકાશ એણે ઉઘાડે માથે ઊંભા રહીને અગાઉ કોઈ દિવસ ક્યાં જોયું હતું ! ફૂલફૂલ પર ઊંડતાં પતંગીઆંને ચુપકીદીથી જોઈ લેવા આટલી દોડાદોડ એ ગાંડીને અગાઉ કોણે કરવા દીધી હતી? ને

(૧૮૨) આટલાં બહોળાં પાણીએ કપડાં ધોવાનું પણ એને કેયે દહાડે મળ્યું હતું? નાની અનસુએ ડુબાડું ડુબાડુ કરએએ એ નળ પાસેના પાણી ભર્યા પીપમાં ડબકાવતી હતી. ને આખો દિવસ બસ કપડાં જ ધો ધો કરતી, વાસણ જ માંજ માંજ કરતી. એનો પુરસ્કાર મોકળું ક્રીંડાંગણ હતું અને રોજ ત્રણ વાર નજીક થઈને જ પાવા વગાડતી સુસવાટ માર્યે જતી આગગાડી હતી.