કાલ્પનિક વાસ્તવિકતા - ૨૩ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૩

કાલ્પનિક વાસ્તવિકતા – ૨૩

ભાર્ગવ પટેલ

“જી સાહેબ”, ખબરીએ જાડેજાનો ફોન ઉઠાવતાવેંત કહ્યું.

“એક કામ હતું”, જાડેજાએ કહ્યું.

“કોની કુંડળી જોઈએ છે સાહેબ”, એ લોકો સંદિગ્ધ અને સામાન્ય નાગરિકોને ખ્યાલ ના આવે એવી અટપટી ભાષામાં જ વાત કરે જેથી કોઈ માહિતી લીક થવાનો ભય રહે નહિ.

“કુંડળી નહિ, દિનચર્યા મેળવવાની છે. કોઈ ઓપઝીટ પાર્ટીનો કોન્ટેક્ટ થયો લાગે છે. આપણને હાથા તરીકે તો નથી વાપરતા ને? એમ જોવાનું છે”, જાડેજાએ સાઇન લેન્ગવેજમાં કોઈ ખાનગી જાસુસ હાયર થયો હોવાની વાત કહી.

“તમે બાયોડેટા મોકલી આપો, કામ થઇ જશે”, પેલો સમજી ગયો.

“અહી ગલ્લે આવી જા”, જાડેજા સાંકેતિક ભાષામાં પોલીસ સ્ટેશનને ગલ્લો કહેતા.

“આયો સાહેબ”, કહીને ફોન મુકાયો.

ખબરી તત્કાલ પોલીસ સ્ટેશન પહોચ્યો અને સંકેત તથા અમીની તમામ માહિતી લીધી.

***

દિવ્યાએ મેઈલના વળતા જવાબમાં જેનીશની હોશિયારીની તારીફ કરતા શબ્દો લખ્યા અને પોતાના પોર્ટલમાં ખામીઓ શોધવા બદલ અમુક રકમનો ચેક કયા નામથી બનાવવામાં આવે એ વિષે માહિતી આપવાની દરખાસ્ત મૂકી.

જેનિશને એ દરખાસ્ત પોષાય એમ નહતી કારણ કે તે વખતે એ પોતાની પ્રાઈવેટ જાસુસ તરીકેની કારકિર્દી શરુ કરવાના તાગમાં હતો અને એટલા માટે એને ઓફીસ કહી શકાય એવું એક ઠેકાણું જોઈતું હતું. મકાન ભલે ભાડાનું હતું પણ જેનિશ ઓફીસ નાની તો નાની પણ પોતાની લેવા માંગતો હતો. વળી એ અરસામાં એક પાર્ટી સાથે ડીલ ચાલતી હતી અને બેંગ્લોરના ઊંચા રીયલ એસ્ટેટના ભાવોના લીધે આનાથી સારો બીજો સોદો મળી શકે એમ નહતો. ટોકન પેટે એકાવન હજારની રકમ આપવાની હતી. દસેક હજારની મદદ એના બેંગ્લોરના એક મિત્રએ કરી હતી અને બાકીના ત્રીસ હજાર એની પોતાની સેવિંગ્સના હતા. રહ્યા માત્ર અગિયાર હજાર! અને જે પોતાના આ કામથી મળશે એવો એને વિશ્વાસ તો હતો જ.

દિવ્યાના આવેલા જવાબનો વળતો રીપ્લાય કરતા જેનિશે આ કામ માટેની રકમ કેશમાં આપવાની માંગણી કરી. દિવ્યાએ પોર્ટલ પર પોતાના વિષે કશી માહિતી આપી નહતી કે ન તો મેઈલના સિગ્નેચરમાં પોતાનું નામ આપ્યું હતું! માત્ર કંપનીનું નામ અને પોતાની ડેસ્ક પરના ઇન્ટરકોમનો નંબર એટલે સમા પક્ષે કોણ છે એની જેનિશને જાણ જ નહતી. તેણે અંગ્રેજીમાં પોતાના ફક્કડ અંદાજમાં અને હેકારોને શોભે તેવી ભાષામાં લખ્યું,

‘ડીયર કેર ટેકર,

હું ચેક માટે બેંકનો ધક્કો ખાઉ અને પેટ્રોલ બાળુ, પ્લસ ક્લીયર થવા માટે બે દિવસની રાહ જોઉં, પ્લસ ના થાય તો ફોલો અપ કરું, રખેને કોઈ કારણસર ચેક રીટર્ન થાય તો ફરી એની એ પ્રોસેસ! ઉફ્ફ! આના કરતા બેટર છે કે તમે મને અને મારી આળસને બહાલી આપીને એ રકમ હું તમારી ઓફીસથી કેશમાં જ લઇ જાઉં તો સારું રહેશે.

આશા છે કે તમને મારી કદર હશે’

જેનિશનો મેઈલ આવ્યો ત્યારે દિવ્યા પોતાના ડેસ્ક પર જ હતી એટલે એણે તરત એ મેઈલ વાંચ્યો અને જેનિશના આવા ગાંડપણ અને શાણપણભર્યા શબ્દો વાંચીને બે પળ માટે જેનિશના વ્યક્તિત્વના પ્રેમમાં પડી ગઈ. એના હૃદયમાં કશીક લાગણી સળવળાટ કરીને શમી ગઈ. એણે જેનિશને આ માટે એપ્રુવલ આપ્યું અને બીજા દિવસે પોતાની બક્ષિશ લેવા માટે કંપની પર જ આવવા કહ્યું.

***

“હા બોલ સંકેત, મળ્યો જાડેજાને? શું કહ્યું એમણે?”, જેનિશે એ જ રાત્રે લગભગ આઠ વાગ્યાના સુમારે સંકેતનો ફોન ઉપાડીને તરત પૂછ્યું.

“મને લાગે છે કે કોઈ મોટી ગરબડ છે”, સંકેતે કહ્યું.

“જાડેજાએ શું કહ્યું એનું વર્ણન કરશો સાહેબ?”, જેનિશ મુદ્દાસર વાત કરવામાં માનતો હતો.

“એક્ચ્યુલી અમે પૂછપરછ કરી તો ખબર પડી કે અમારા જેવા બીજા પણ અમુક કંપનીના માલિકોએ પોતાના જેવા જ પણ નકલી પાર્ટ્સ બજારમાં ફરતા થયા હોવાની ફરિયાદો નંધાવી છે. એક સાથે આવું કેવી રીતે થઇ શકે?”, સંકેત જરા ગૂંચવાયો.

“હિડન ક્રીમીનલ્સ આ રીતે જ પોતાનો સકંજો કસતા હોય છે સંકેત! પગપેસારો કરીને ક્યારે પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે એની ગંધ સુધ્ધા આપણા પોલીસ તંત્રને હોતી નથી”

“અને જેને જાણ હોય છે એ લોકો......”, સંકેતે ભ્રષ્ટાચાર તરફ ઈશારો કર્યો.

“ના ના! આ કેસમાં એવું હોય એમ મને લાગતું નથી. હા, હજી બાઈક ચોરી કરતી ગેંગ કે પછી ચોરોની ટોળકી હોય, હપ્તાવસુલીની વાત હોય કે ટ્રાફિક નિયમનના નામે ધાંધિયા થાય તો સમજી શકાય કે એમાં પોલીસના અમુક બેઈમાન તત્વો ઇન્વોલ્વ હોઇ શકે. પણ આ કેસ થોડો અટપટો લાગે છે. મને લાગે છે કે કદાચ નકલી ચલણી નોટની જેમ અલગ અલગ રાજ્યમાં નકલી ચીજોનું પણ વિસ્તૃત નેટવર્ક હોવાનું પણ સંભવ છે”

“પણ એનાથી એ લોકોને રૂપિયા સિવાય બીજો શું લાભ થવાનો હતો?”

“આતંકવાદીઓને હાથમાં મોત લઈને ફરવાનો શું ફાયદો થતો હશે? એમની જેમ જ આ એક પ્રકારના આધુનિક આતંકીઓ જ ગણી લે કે જેઓ જે તે રાજ્યના લોકોની આવક ઘટાડી દેશને આર્થિક રીતે ખોખલો કરવાનું કાવતરું પણ હોઈ શકે છે”

“અરે ભાઈ! આટલી મોટી મોટી બીક ના ભરાવ ખોટી!”, સંકેત જરાક અસ્વસ્થ થયો.

“મારા જુના અનુભવ પરથી મને પ્રારંભિક તબક્કે જે લાગે છે એ જ કહું છું હું! આઈ થીંક મારે નીકળવું પડશે વડોદરા આવવા માટે. ત્યાં આવીને નજીકથી આ કેસ સ્ટડી કરવો પડશે”

“હા તો વાંધો નહિ, તારો અનુભવ તને આવું વિચારવાની દિશા આપે જ છે તો બેટર છે કે તું અહી આવી જાય. જો આ કેસ એટલો જ ગંભીર હશે તો આપણને ફરિયાદ કરવાથી અને તારા દ્વારા મેળવાયેલા પુરાવાઓના આધારે લોકલ પોલીસની પણ મદદ મળી રહેશે.”

“બરાબર”

“તો ક્યારે નીકળીશ?”

“હું લગભગ બે દિવસમાં મારા અહીના બે ત્રણ પેન્ડીંગ કામો પતાવી લઉં એટલે પરમ દિવસેસાંજે નીકળી શકું એમ છું. વડોદરામાં સારી હોટેલ કઈ છે? બૂક કરાવવી પડશે ને?”

“તને શરમ ના આવી આવું પૂછતાં પહેલા? મેં મારું આટલું મોટું મકાન મારા શોખ માટે નથી બનાવ્યું ભાઈ! તારે આવવું હોય તો અહી મારા ઘરે જ રહેવું પડશે નહીતર સોરી પણ તારે ત્યાંથી જ કેસ હેન્ડલ કરવો પડશે”

“ઓકે ઓકે, વાંધો નહિ! પણ તારા મોમ ડેડને આ વાતની ખબર નથી અને હું તારા ઘરે આવું તો એમને શું કહીશું?”, જેનિશે પૂછ્યું.

“ઉમ્મ્મ! એ હું વિચારી લઈશ! તું બસ આવીને આ બધું સોલ્વ કરી આપ”, સંકેતે કહ્યું.

“હા સ્યોર, ચલ એનો ફોન આવે છે, કાલે વાત કરું”

“અચ્છા હવે પ્રોફેશનલ લાઈફ પૂરી અને પર્સનલ ચાલુ એમ ને?”,સંકેતે કહ્યું, “અમને તો મળાવો કોઈ વાર ભાભીજાન સાથે!”, એણે કહ્યું.

“હજી મને તો એના મમ્મી પપ્પાને મળવા દે પછી તને મળાવું ને!, હા હા હા”, જેનિશ હસ્યો પણ એના હસવા પાછળ કેટલી ઉદાસીનતા હતી એની તો એને પોતાને જ ખબર હતી.

“થઇ જશે બધું ડોન્ટ વરી”, ડોન્ટ વરી કહેતા સાથે પોતે દિવ્યાથી છુટા પડ્યાની ક્ષણ સંકેતને યાદ આવી

“સારું ચલ મળીએ પરમ દિવસે”

“ઓકે, બાય”

“બાય”

દિવ્યાએ જેનિશ સાથે પોતાના ભૂતકાળની ચર્ચા નહતી કરી. ઇન ફેક્ટ એ કરવા જ નહતી માંગતી, કારણ કે એ સંકેતને પુરેપુરો ભુલાવી ચુકી હતી. સંકેત પણ દિવ્યાથી છુટા પડ્યા બાદ યામિની સાથે એની વાત થઇ ત્યાં સુધી કે એ પછી દિવ્યા વિષે ક્યારેય વિચારતો નહતો. એ બંને ના મળ્યા એ નિયતિની ઈચ્છા સમજીને બંનેએ એમના મનને સારી રીતે મનાવી લીધું હતું. પણ નિયતિ જેનિશની સંકેતને પડેલી જરૂરથી પોતાના કંઈક જુદા જ રાગ આલાપતી હતી.

***

બંદો બીજા જ દિવસે બાઈક લઈને દિવ્યાની ઓફિસે પોતાની ઓફીસ ખોલવાના અભરખા સાથે પહોચ્યો. સિક્યોરીટી કેબીન પર દિવ્યાના માત્ર ડીપાર્ટમેન્ટની જાણકારી હોઈ એણે ગાર્ડને પેલો નંબર લગાવી આપવા કહ્યું.

“યે તો દિવ્યા મેડમ કા નંબર હૈ! આપકો ઉનસે કામ હૈ ક્યા?”

“અરે ભાઈ! તુમ ફોન કરકે સિર્ફ ઉતના હી કહો કી જેનિશ મેકવાન મિલને આયે હૈ, બસ”

“મેડમ કો પતા હૈ કી આપ આનેવાલે હો?”, ગાર્ડે પોતાને મળેલી ટ્રેનીંગ ઉજાગર કરી.

“ઉનકો સબ પતા હૈ, મેં પહેલી બાર આયા હું યહાં પે, બાત કરો ના તુમ પેહલે. અગર મના કરેંગે તો મેં ચલા જાઉંગા યાર!”

“ઠીક હૈ લગા દેતે હૈ”, યાદવી લહેકામાં ગાર્ડે કહ્યું.

“હાંજી દિવ્યા મેડમ?”, ફોન લગાવીને એણે કહ્યું, “મેઈન ગેટ સે બાત કર રહા હું યે કોઈ જેનિશ મેકવાન કરકે આયે હૈ, આપસે મિલના હૈ બોલ રહે હૈ. ભેજું ક્યાં?”

“અરે હા હા! ઉનકો ભેજ દો મેરી કેબીન મેં”

“ઠીઈઈક હૈ”, કહીને ફોન મુક્યો અને ગાર્ડે ગેટ પાસ બનાવવાનું રજીસ્ટર કાઢ્યું. ગેટ પાસ બન્યો અને જેનિશ દિવ્યા સાથેની પહેલી મુલાકાત કરવા એની કેબીન તરફ રવાના થયો.

“મે આઈ.....”, દિવ્યાને જોઇને જેનિશ આનાથી આગળ બોલતા અચકાયો. એ લગભગ આંચકાયો હતો, દિવ્યાથી જ કદાચ.

“કમ ઇન?”, આખું વાક્ય એ તુટક તુટક બોલ્યો.

“યેસ મિસ્ટર મેકવાન, મોસ્ટ વેલકમ”, દિવ્યાએ મધુર આવકાર આપ્યો.

“હમારી કલ મેઈલ પે બાત હુઈ થી ઉસકે રીગાર્ડીંગ..”, જેનિશે સ્વસ્થ થઈને વાત આગળ ધપાવી.

“હા મુજે પતા હૈ, આપકા કેશ ભી રેડી હી હૈ, બિલ એકાઉન્ટ્સ સે ક્લીયર હો ગયા હૈ, બીસ પચીસ મિનટ મેં ગૌતમ કેશ લેકે આ હી રહા હૈ”

“આપ ગુજરાત સે હૈ વેસે?”, દિવ્યાની નામની તકતી જોઇ, એની અટક જોતા જેનિશને ખ્યાલ આવ્યો.

“હા, આપકો કેસે પતા?”

“તમારી નેમપ્લેટ આમ બુમો પાડી પાડીને કહે છે”, જેનિશે પોતાના પણ ગુજરાતી હોવાનો પુરાવો આપ્યો.

“અચ્છા, તો તમે પણ...?”, દિવ્યાએ પૂછ્યું.

“હા”

“એક જ જગ્યાના લોકો અલગ જ જગ્યાએ આમ મળી જાય તો કેટલું સારું લાગે નહિ?”, દિવ્યાએ પોતાની લટ તર્જનીથી લઇને કાન પર ભરાવતા કહ્યું.

“એક્ચ્યુલી. એવી જ રીતે જેમ કેરાલાના પ્રવાસ દરમિયાન કોઈ દુકાનમાં રકઝક કરતો ગુજ્જુ ટુરિસ્ટ મળી જાય”

“હા હા હા! એકઝેટલી લાઈક ધેટ”

“બાય ધ વે,અહિયાં ક્યાંથી? તમારા મમ્મી પપ્પા ગુજરાતમાં હશે ને? તમને એમની ખુબ યાદ આવતી લાગે છે”, જેનિશે કહ્યું.

“હા. પણ તમને કેવી રીતે ખબર?”, જેનિશને પહેલી વાર મળેલી દિવ્યા એના જાસુસી સ્વભાવથી સાવ અજાણ જ હતી.

“તમારી બિલકુલ ઉપર માથે એમનો ફોટો અને તમારી લોક સ્ક્રીન પર પણ એમનો જ ફોટો છે એટલે ગેસ કર્યું”

“ઓહ! આઈ એમ ઈમ્પ્રેસ્ડ! ઓબ્ઝર્વેશન ખુબ સારું છે તમારું”

“એટલે જ તો ત્રણ ખામી શોધી યુ નો, હા હા હા”, જેનિશે કહ્યું.

“ઓહ! રાઈટ. થેક્સ અ લોટ ફોર ધેટ”

“નો નીડ ઓફ થેન્ક્સ! તમે મને એના માટે પૈસા આપવાના જ છો”

“તમારું આ સ્પષ્ટવકતા ટાઈપનું વર્તન મને ખુબ ગમ્યું. મેઈલમાં પણ તમે ‘લાઈક અ બોસ’ વાળી સ્ટાઈલથી જવાબ આપો છો”

“એ મારું કામ છે, આઈ એમ અ પ્રોફેશનલ પ્રાઇવેટ ડીટેકટીવ”

“ઓહ! વેરી ગુડ હા? નો ડાઉટ અબાઉટ ધેટ, તમે હશો જ!”

“છું તો ખરો પણ આ ગૌતમભાઈ જે કેશ લઇ આવશે એનાથી ઓફીશીયલ થઈશ”

“એટલે? હું સમજી નહિ”

(ક્રમશઃ)