કાલ્પનિક વાસ્તવિકતા - ૮ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૮

કાલ્પનિક વાસ્તવિકતા - ૮

ભાર્ગવ પટેલ

નોવેલ વિષે...

સમય અને નસીબની કસોટીમાંથી બહાર આવેલો સંકેત હવે જીવનમાં સેટલ થઇ રહ્યો છે, બધું આયોજન પ્રમાણે થવાનો અંદાજ એના મનમાં આવી રહ્યો છે. આ ભાગમાં અચાનક એ આયોજનથી વિપરીત એક ઘટનાનું આલેખન છે જે કદાચ ૨૧મી સદીના અરેંજ મેરેજીસમાં સામાન્ય રીતે બનતી હોય છે. વધારે ના કહેતા તમે વાંચીને જ મને કહો એ વધારે સારું રહેશે...

બધું થયાને બે મહિના જેવું વીતી ગયું. સંકેત વડોદરામાં સેટ થવા તરફ જઈ રહ્યો હતો. જોબના રૂટીનમાં એણે પોતાની જાતને ઢાળી દીધી હતી. ઘરે લગ્નની તૈયારીઓ ચાલતી હતી. જો કે શનિ-રવિમાં સમય કાઢીને ઘરે થોડી ઘણી મદદ કરવા આવી જતો હતો. કામની ભાગદોડ અને લગ્નની તૈયારીઓમાં ગુચવાયેલા સંકેતથી અમી સાથે રાત્રે માત્ર કલ્લાક બે કલ્લાક જ વાત કરી શકતો હતો અને મળવાનું લગભગ નહીવત થઇ ગયું હતું. કનુભાઈ અને સુમિત્રાબેન પણ કંકોત્રીના લીસ્ટથી માંડીને રસોઈ સુધીની તમામ જવાબદારી કોને સોંપવી? ક્યાં ક્યાં પોતે જઈને આમંત્રણ આપવું અને ક્યાં કંકોત્રી પોસ્ટથી મોકલાવવી વગેરે કામોમાં જોતરાઈ ગયા હતા. આ બાજુ અસ્મિતાબેન અને મુકેશભાઈ પણ લગ્નમાં કોઈ જાતની ઉણપ ન રહી જાય એટલે બધું સાચવી સંભાળીને આયોજન કરી રહ્યા હતા.

સંકેત આજે આખો દિવસ સતત ફિલ્ડ વર્કમાં વ્યસ્ત હોઈ થાકેલો એના રૂમ પર પહોચ્યો. બેગ રૂમના એક ખૂણામાં નાખ્યું. કમરને જકડી રાખતો બેલ્ટ ઉતાર્યો. એની કંપનીમાં હોવાની સાબીતીસમું આઈ કાર્ડ કાઢીને બેગની ઉપર ઘા કર્યો અને ખુરશીમાં લંબાવ્યું. પરસેવાથી ભીનું થઇ ગયેલું શર્ટ ટેકો લેતાવેંત ખુરશી સાથે ચોંટી ગયું હતું પણ એને એની પરવાહ નહતી. ખુરશી પર જ બે ત્રણ મીનીટમાં એ ઊંઘમાં સરી પડ્યો. અડધો કલાક થયો અને ફોનની રીંગટોને ઊંઘને જગાડી. આંખો મસળીને સંકેતે સ્ક્રીન પર જોયું તો અમીનો ફોન હતો.

“હા બોલ”, એણે બગાસું ખાતાં ખાતાં રીસીવ કર્યો.

“ઊંઘે છે કે શું?”

“હા! તારા ફોને ઉઠાડ્યો”

“ઓહ! મને લાગ્યું તું જાગતો હોઈશ, કારણ કે તું ક્યાં ઊંઘે જ છે સાંજે?”

“પણ આજે થાકી ગયો છું કામમાં એટલે વગરપ્રયત્ને ઊંઘ આવી ગઈ”

“બરાબર”

“કેમ અત્યારે ફોન કર્યો અચાનક?”

“કેમ? ના થાય?”

“થાય જ ને એમાં શું? મને લાગ્યું કશુક અરજન્ટ હશે”

“આમેય તારી પાસે તો ટાઈમ જ નહિ હોય હે ને?”, અમીએ ટોન્ટ માર્યો.

“ના ના! એવું કશું જ નથી. આ તો મેં જસ્ટ પૂછ્યું”

“મળવાનું તો દુર, જોબ ચાલુ થયા પછી સરખી વાત પણ કરતો નથી. મને લાગે છે કે તારા મારી પ્રત્યેના પ્રેમમાં ઝાંખપ આવી ગઈ છે”

“એટલે કે હું તારી સાથે કલાકો સુધી વાત કરું એ જ મારા તારા તરફના પ્રેમની સાબિતી છે એમ કહેવા માંગે છે?”

“ના! એમ નહિ”

“તો કેમ કેમ?”

“તને ખબર તો છે કે હું શું કહેવા માંગુ છું”

“ના! મને જરાય ખબર નથી”

“હું તારા વગર કે તારી સાથે વાત કર્યા વગર રહી જ શકતી નથી. તું સરખી વાત નથી કરતો ત્યારે મનમાં અજીબ બેચેની ઘર કરી જાય છે. તારા પર સતત શંકા થાય છે જાણે કે તારો મારામાંથી રસ ઓસરી રહ્યો છે”

“રસ? મતલબ કે તારામાં હું રસ શોધવા પુરતો તને પ્રેમ કરું છું એમ તું માને છે? એવું હોત તો તને ખબર છે ને આપણે આટલા સુધી પહોચી જ ના રહ્યા હોત”, આ વાક્ય પછી બંનેના મનમાં સૃજલ અને અમીના સંબંધની વાત તાજી થઇ ગઈ.

“હા આઈ નો! પણ હવે હું માત્ર તને પ્રેમ કરું છું. એ મારો ભૂતકાળ હતો. હવે પછીથી હું તારા વગર જીવી નહિ શકું”

“તું મારી સાથે જીવવાની ઇચ્છા રાખે છે એ વાત બરાબર છે પણ તું મારા વગર જીવી જ નહિ શકે એ એક વાહિયાત વાત છે અને આ બાબતે હું ઘણો પ્રેક્ટીકલ છું, કારણ કે કોઈના વગર કોઈ જીવી ના શકે એ વાત શક્ય નથી. દુનિયા તમારા વગર અધુરી નથી રહેતી”

“કોઈ વાતનો ગુસ્સો છે?”

“ના! મને કોઈ વાતનો ગુસ્સો નથી પણ તારી વાત એવી છે એટલે મેં કહ્યું, તું મને પ્રેમ કરે છે અને હું તને, એ પણ એટલો કે કદાચ ભાગ્યે જ અરેંજ મેરેજના કેસમાં જોવા મળે અને આમ કરીને આપણે એકબીજા પર કોઈ ઉપકાર પણ નથી કરતા. પણ વાત એમ છે કે મારી સ્થિતિ તારે અને તારી સ્થિતિ મારે સમજવી જોઈએ. વાત સરખી રીતે ના થાય એના ઘણા બધા કારણો હોઈ શકે એટલે શંકા કરતા પહેલા એ કારણો જાણવાની ઇચ્છાનું નામ પ્રેમ છે”

થોડી વાર સુધી બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહિ.

“સોરી કદાચ મારી વાત તને માઠી લાગી હોય પણ મેં જે છે એ જ કહ્યું છે, અને જે હોવું જોઈએ એની તારી પાસે આશા રાખી છે, બીજું કંઈ નહિ”

“અરે ના! મને સહેજ પણ એવું લાગ્યું નથી, હવે મને સમજાયું કે તું ખરેખર બધાથી અલગ છે. બધા પ્રેમ પ્રેમ કરીને ચાંદ તારા તોડવા સુધીની કાલ્પનિક વાતોમાં રાચ્યા કરે છે જ્યારે તું મને વાસ્તવિક પ્રેમ કરે છે, આઈ લવ યુ સો મચ”, અમીના મનમાં સંકેત માટે એક પ્રેમમોજાંની ભરતી આવી ગઈ.

“આઈ લવ યુ ટુ”, સંકેત પણ એટલી જ લાગણીથી બોલ્યો.

“મને ખાતરી છે કે આપણે બંને એક બેહતરીન કપલનું ઉદાહરણ બનીશું”

“પહેલા કપલ તો બનીએ”

“એ તો છીએ જ ને”

“હા પણ ઓફિસીયલી”

“કોર્પોરેટમાં ગયા પછી તારે બધું જ ઓફિસિયલ જોઈએ નહિ?”

“હા હા હા! એવું નથી, પણ ખરેખર તો મેરેજ પછી જ કપલનું સર્ટીફીકેટ મળે એટલે કીધું”

“બરાબર! હાશ! હવે થોડો જ સમય છે! પછી હું તારી સાથે ફરીથી મારા વડોદરામાં, સો એક્સાઈટેડ”

“એક મિનીટ, વડોદરા કેમ?”

“હા તો બીજે ક્યાં?”

“મને લાગ્ત્યું તું મારા ઘરે રહીશ મમ્મી પપ્પા સાથે, અને પછી જયારે હું અહી પોતાનું ઘર લઈશ ત્યારેતમે બધા મારી સાથે રહેવા આવશો”

“શું મજાક કરે છે! લગ્ન થયા પછી થોડા પતિ પત્ની એકમેકથી દુર રહે? પાગલ”

“ના હું મજાક નથી કરતો! મને ખરેખર લાગ્યું કે તું મારા મમ્મી પપ્પા સાથે રહીશ અને એમના કામમાં મદદ કરીશ, શનિ રવિ હું આવું તો છું જ ને ઘરે”

“એવું તો કંઈ હોતું હશે? હું તો એ જ આશામાં છું કે લગ્ન પછી તારી સાથે વડોદરામાં રહીશ અને ત્યાં મારા લાયક સારી શાંતિની એક જોબ શોધી લઈશ”, અમીના અવાજમાં અસમંજસ સાફ ઝળકી રહી હતી.

“હું જોબ કરું છું પછી ખાલીખોટી તારે જોબ કરવાની કોઈ જરૂર આ તબક્કે મને લાગતી નથી. હા, ભવિષ્યમાં કદાચ એવી જરૂર ઉભી થશે તો એ વિષે વિચારીશું”

“મતલબ?”

“મતલબ એ જ કે હવે મમ્મીને આટલી ઉંમરે થોડા આરામની જરૂર છે, એટલે રોજીંદા કામમાં કોઈ ભાગીદાર મળે તો એનો ભાર હળવો થાય”

“એટલે હું કામવાળી બનીને તારા ઘરમાં આવું એમ તું ઈચ્છે છે?”

“કામવાળી શબ્દનો પ્રયોગ તારે નહોતો કરવા જેવો! મારા મમ્મી પપ્પા એટલું તો ઈચ્છે ને કે વહુ આવ્યા પછી એમને જરા ઓછું કામ કરવું પડે, બસ એ જ હિસાબે કહું છું, તને કામવાળી બનાવીને ઘરમાં લાવવાનો વિચારસુધ્ધા નથી આવ્યો આજ સુધી”

“તો મારી ઈચ્છાઓનું શું? કે મારા મમ્મી પપ્પાની ઈચ્છાઓનું શું? એની કશી વેલ્યુ નથી?”, અમી ચિડાઈને બોલી.

“મેં ક્યાં એવું કહ્યું છે કે તારે આખું જીવન ઘરે જ રહેવાનું છે, બસ હું ઘર લઉં ત્યાં સુધીની જ તો વાત છે”

“પણ આપણે બંને જોબ કરતા હોઈએ ઘર જલ્દી લઇ શકીએ છીએ અને પછી મમ્મી પપ્પાને આપણી સાથે બોલાવી લઈએ તો શું વાંધો?”

“એમાં વાંધો કશો નથી, પણ હું તને જોબ કરાવવાનું નથી વિચારતો બસ એટલું જ”

“કેમ? હું કેમ જોબ ના કરું? તો આટલું બધું ભણવાનો શું મતલબ? મારા પણ સપના તો હોય જ ને?”

“તારા પણ સપના હોય જ, હું ક્યાં ના પાડું છું?”

“તો પછી લગ્ન પછી તરત મારા તારી સાથે આવવામાં શું વાંધો છે?”

સંકેત પાસે આ સવાલનો જવાબ નહતો.

“અને મારા મમ્મી પપ્પા પણ એમ જ ઈચ્છે છે કે લગ્ન પછી આપણે બંને વડોદરામાં જ સેટલ થઈએ”, અમી બોલતી જતી હતી.

“ઠીક છે! આ વિષે હું વાત કરીશ પપ્પાને”

“જો તને ખોટું લાગ્યું હોય તો સોરી પણ હું અને મારો પરિવાર બંને આવું જ વિચારતા હતા પહેલેથી, અને એ જ મેં તને કહ્યું.”, અમીએ નિર્દોષતાથી કહ્યું.

“કોઈ વાંધો નથી”, સંકેત આનાથી વધારે બોલી શક્યો નહિ.

“ઓકે તો ચલ જમી લઈએ હવે, પછી વાત કરીએ, બાય”

“ઓકે બાય”, ફોન બંધ થયો અને સંકેતના મનમાં વિચારો ચાલુ થયા.

મમ્મીને મદદ કરવા અમીને લગ્ન પછી ઘરે રાખવી કે પછી બંનેએ સાથે જોબ કરીને વહેલી તકે મમ્મી પપ્પાને વડોદરા બોલાવી લેવા આ બંને વિચારોમાં અટવાયેલો સંકેત કોઈ નિર્ણય નહોતો લઇ શકતો. એટલે એણે જમીને નિરાંતે મુકેશભાઈ સાથે આ વિષે વાત કરવાનું વિચાર્યું,

આજે ટીફીનમાં પણ સંકેતને ગમતું શાક નહોતું, એટલે માત્ર દાળ-ભાત અને રોટલી જ ખાઈને જલ્દીથી ઉભો થઇ ગયો.

“કેમ લ્યા આજે ઓછું ખાધું?”, એના એક મિત્રે પૂછ્યું.

“શાકમાં મજા ના લાગી ભાઈ! હવે સવારે નાસ્તામાં જ પેટ ભરી લઈશું”

“તું પણ ખરો છે! કીધું હોત તો બહાર જતા ને જમવા”

“ચાલશે ભાઈ, આજે આમેય ઈચ્છા નહતી જમવાની”

“ઠીક છે, વાંધો નહિ”

સંકેત અગાસી પર ગયો અને પપ્પાને ફોન કર્યો.

“હલો”

“હા બોલ બેટા! શું કરે છે? ખાઈ લીધું?”

“હા પપ્પા! હમણાં જ જમ્યો! તમે?”

“હા, અમેય થોડી વાર પેલાં જ ખાધું”

“શું કરે મમ્મી?”

“આ એ વાસણ ઘસીને અબ્બી જ આવી ઘરમાં”

“હમ્મ, પછી રસોઈયાનું શું નક્કી કર્યું?”

“કરિયાણું આપણે લઇ આપવાનું, વાસણો અને મજુરી બધું એનું એમ નક્કી કરવાનું છે”, હરખમાં એમણે કહ્યું.

“સરસ, આ બરાબર કર્યું. એ પોતે કરિયાણું લાવે તો શું ખબર આપણને કે કેવી ક્વોલીટીનું લાવે અને ક્યાંથી લાવે? એના કરતા બરાબર છે કે આપણે લઇ આપીએ”

“મેં એ જ વિચાર્યું બેટા, અને આમેય આપડા ગાંધીકાકાની દુકાન છે જ એટલે સારું અને વ્યાજબી ભાવવાળું કરિયાણું મળી જ રહેશે”

“હા બરાબર”

“બોલ બીજું! કેવો રહ્યો દિવસ?”

“આજે જરા ફિલ્ડ પર હતો આખો દિવસ એટલે થાક લાગ્યો છે, બાકી તો બધું સરખું ને સરખું જ”

“હમ્મ બરાબર”

“પપ્પા હું શું કહેતો હતો...”

“હા બોલ”

“હમણાં મારી અમી સાથે વાત થઇ, એ લગ્ન પછી તરત અહી મારી સાથે વડોદરા આવીને જોબ કરવાની વાત કરતી હતી, એટલા માટે મેં તમને ખાસ ફોન કર્યો હતો કે એ વિષે શું નિર્ણય લેવો જોઈએ?”

“એ નિર્ણય તમારે બંનેએ લેવાનો હોય બેટા, વહુને નોકરી કરવી હોય તો એ એની મરજીની વાત છે, એના માટે આપણે એને ના તો ન જ પાડી શકીએ ને!”, મુકેશભાઈએ ઠાવકાઈથી જવાબ આપ્યો.

“પણ મમ્મી હજી કેટલો સમય કામ કરશે બધું?”

“એવું નથી બેટા, મમ્મી અને હું બંને આ બધા કામથી ટેવાઈ ગયા છીએ, અમે હજી ઘણા વર્ષો સુધી આ સમયપત્રક અનુસરી શકીએ છીએ એટલે અમારા કામના ભારણની તું ચિંતા ના કરીશ, કારણ કે અમને એનું ભારણ નથી લાગતું, એના થાકી અમે ભરપુર જીવીએ છીએ એમ કહીએ તો પણ ચાલે”

“તો લગ્ન પછી તરત અમે બંને વડોદરા રહી શકીએ એમ કહો છો તમે?”

“હા તો મારા કહેવાનો બીજો કયો મતલબ નીકળી શકે?”

“પણ..”

“જો એક વાત કહું સંકેત! એ છોકરી એના ઘરની દીકરીમાંથી આપણા ઘરની વહુ બનવા જઈ રહી છે એનો એવો મતલબ નથી કે એ દીકરી મટી જવાની છે, એના અને એના માબાપને પણ આપણા તરફથી ઘણી અપેક્ષાઓ હશે. અને એટલે જ એના પપ્પા એમના હૃદયનો એક ભાગ આપણને સોંપી રહ્યા હશે. આપણે એની કદર કરવી જોઈએ અને એના માટે આપણા ધારેલામાં કોઈ બદલાવો આવે એ ખુશીથી સ્વીકારવા પણ પડે. લગ્ન એ તમારા બંનેનું જ નહિ, આપણા બંને પરિવારોનું છે”

“તમારી વાત સાચી છે પપ્પા! હવે મને અમીના નિર્ણયને અમલમાં મુકતાં સહેજ પણ ગ્લાની નહિ અનુભવાય”

“બરાબર, સારું ત્યારે ચાલો મુકું છું”

“ઠીક છે, જય શ્રી કૃષ્ણ”

“જય શ્રી કૃષ્ણ”

સંકેતના વૈચારિક વમળો એક તાલબદ્ધ વહેણમાં ફેરવાયા. આખા દિવસનો થાક એ થોકબંધ ખુશીની લાગણી તળે દબાઈ ગયો. એટલા માટે નહિ કે અમી તેની સાથે વડોદરામાં જ રહેશે, પણ એટલા માટે કે એના પપ્પા આ સમયે વિશ્વના શ્રેષ્ઠ પિતા હતા. અમી સાથે રાત્રે જ વાત કરવાનું એણે ટાળ્યું અને સવારે જોબ પર જતા પહેલા આ વાત કહેવાનું નક્કી કરી એ નિંદ્રાધીન થતો.

સવારનો સુરજ ઊગે એ પહેલા સંકેત રોજની જેમ ઉઠી ગયો અને નિત્યક્રમ પતાવી સવારના નાસ્તા પર ગઈકાલ રાતની ભૂખનો બદલો લીધો. આજે સ્ટાફ બસના સ્ટેશન પર એ રોજ કરતા વહેલો પહોચી ગયો હતો જેથી અમી સાથે શાંતિથી વાત થઇ શકે. એણે ત્યાંથી જ અમીને ફોન લગાવ્યો.

“હા બોલ”, અમીએ ફોન ઉપાડીને તરત કહ્યું.

“શું કરે છે?”

“બસ આ પોતું કરવાની તૈયારી, મદદ કરવી હોય તો મોસ્ટ વેલકમ”

“હું પોતું કરીશ, મને વાંધો નથી, પણ એનાથી તમારા જમાઈની વેલ્યુ ડાઉન ના થવાની હોય તો જ”

“અરે યાર! આવા જવાબો ક્યાંથી લઇ આવે છે!”

“એ બધું છોડ, એક મસ્ત ન્યુઝ છે, કહીશ તો શું આપીશ?”

“હવે હું મારી આખી જાત તને ગીફ્ટ આપવા જઈ રહી છું એનાથી વધારે તારે બીજું શું જોઈએ?”

“શીખી ગઈ હોં”

“હાહાહા, બાય ધ વે, શું વાત હતી?”

“વાત એ જ કે મારા મમ્મી પપ્પાને આપણે લગ્ન પછી તરત વડોદરા રહીએ એ વાતથી કોઈ વાંધો નથી”

“ઓહ! શું વાત છે? આ બધું ક્યારે કર્યું તે?”

“બસ કાલે રાત્રે જ, અને મેં કશું નથી કર્યું, પપ્પાએ જ સામેથી કહ્યું”

“થેંક ગોડ! આઈ લવ યુ પપ્પા”

“સારું ત્યારે તૈયારી કરવા માંડો હવે થોડા ટાઈમ પછી વડોદરામાં બિસ્તરાં બાંધીને આવવા માટે”

“બંદી હાજીર હૈ હુઝુર”

“ચલ ચલ ચલ હવે હુઝુરની માસી થતી! મુકું છું ફોન, બસ આવી ગઈ”

“ઓકે ઓકે, બાય ડીયર, લવ યુ સો મચ”

“લવ યુ ટુ”

(ક્રમશઃ)