કાલ્પનિક વાસ્તવિકતા - ૨૨ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૨

કાલ્પનિક વાસ્તવિકતા – ૨૨

ભાર્ગવ પટેલ

“હેલ્લો, લહેરીપુરા પોલીસ સ્ટેશન, ઇન્સ્પેકટર જાડેજા હિયર”, ફોન ઉપાડતા જ જાડેજાએ અભિવાદન કર્યું.

“હેલ્લો જાડેજા સાહેબ, હું અમી બોલું છું, સંકેતની વાઈફ, અલકાપુરીથી”, અમીએ એક વાક્યમાં પોતાનો પરિચય આપ્યો.

“ઓહ! મિસિસ અમી, બોલો શું વાત છે?”, જાડેજા અમીને તરત ઓળખી ગયા અને એની સાથે થયેલી વાતચીતનો સારાંશ પણ એમના માનસપટ પરથી ફ્લેશની જેમ પસાર થઇ ગયો.

“બાઈક ચોરી કરતી ગેંગના કે મારો પીછો કરેલો એ વ્યક્તિ વિષે કશી માહિતી મળી સર?”, અમીએ સાહજિક રીતે પૂછ્યું.

“બાઈકના માલિક મિસ્ટર મહેમુદ સાથે વાત થઇ એ જ, ત્યાર પછી અમને હજી સુધી કશો કલુ મળ્યો નથી”

“મહેમુદ?”, વિશાલે કહેલી બધી જ વાતમાં અને જાડેજાની વાતમાં એક કોમન નામ સાંભળતા અમી ચમકી ઉઠી.

“હા! મહેમુદ અલી પઠાણ, એ બાઈક કે જેનાથી તમારો પીછો કરવામાં આવ્યો હતો એનો માલિક!”, જાડેજાએ ખુલાસો કર્યો.

“તો તમે એને પકડી લીધો?”, અમીએ હાશકારા સાથે પૂછ્યું.

“ના મેડમ, કારણ કે એનું બાઈક આ ઘટનાના થોડા સમય પહેલા જ કોઈ પાર્કિંગમાંથી ચોરાઈ ગયું હતું, એટલે એ શખ્સ કે જેણે તમારો પીછો કર્યો હતો તે મહેમુદ અલી પઠાણ નહતો”, જાડેજાએ કહ્યું.

“ઓહ નો! એનો મતલબ કે..”, અમીએ નિસાસો નાખ્યો.

“હા! મનેય લાગે જ છે કે કશુક તો મોટી ગરબડ છે, કારણ કે બાઈક ચોરી કરતી બધી જ ગેંગના સભ્યોની પૂછપરછ અમે અંદરખાને કરી ચુક્યા છીએ, પણ મહેમુદ અલી પઠાણની બાઈકનો એમાં કોઈ પત્તો લાગ્યો નથી”

“હમ્મ્મ્મ!”, અમી વિચારી રહી હતી કે જેનિશે જે માહિતી કઢાવવા માટે જાડેજાની મદદ લેવાનું કહ્યું હતું એ વાત પોતે કેવી રીતે અને ક્યાંથી શરુ કરે.!

“ફોન કરવાનું બીજું કોઈ ખાસ કારણ મિસિસ અમી?”, જાડેજા પણ કદાચ સમજી રહ્યા હતા કે વાત કંઈક જુદી જ છે.

“એક્ચ્યુલી હા સર, હું અને મારા હસબંડ આજે તમને મળવા આવી શકીએ? સાંજે?”, અમીએ છેવટે પૂછ્યું.

“કશું સીરીયસ છે? કારણ કે જ્યાં સુધી તમે બધું જ નહિ જણાવો ત્યાં સુધી અમે અમારી પુરતી મદદ તમને નહિ આપી શકીએ. યુ નો વ્હોટ આઈ મીન મિસિસ અમી”

“યેસ સર, આઈ નો ઈટ વેરી વેલ અને એટલે જ અમે બંને તમને મળવા માંગીએ છીએ”

“સારું તો આજે સાંજે આપણે ત્રણેય અહી લહેરીપુરા પોલીસ સ્ટેશન પર જ મળીએ. હું ફોન કરું એટલે પંદર વીસ મિનીટમાં તમે આવી જજો કારણ કે મારા કામનું ક્યારેય નક્કી નથી હોતું એટલે”

“સ્યોર સર, તમે એક ફોન કરી દેજો અમે આવી જઈશું”

“ઓકે, જય હિન્દ”

“જય હિન્દ”, અમીએ કહ્યું અને ફોન મુકાયો.

સંકેત બાજુમાં જ બેઠો હતો.

“સારું તો હું હવે ઓફીસ જાઉં છું, સાંજે થોડો વહેલો આવી જઈશ”

“ઠીક છે, પણ મમ્મી પપ્પાને બધું કહેવું નથી? આપણે બધા એમની જાણ બહાર આટલું બધું...”, અમી આગળ બોલી નહિ, પણ સંકેત સમજી ગયો કે એ શું કહેવા માંગે છે.

“એમને ક્યાં હેરાન કરીએ યાર, તું જાણે જ છે કે પપ્પા મમ્મી કેટલા સીધા સરળ છે, આ બધા ચક્કારોથી એમને દુર રાખીએ એ જ સારું રહેશે.

“હમ્મ્મ્મ! તો મારા ઘરે પણ..”

“નથી જ કહેવાનું કશું જ”, સંકેતે અમીનું વાક્ય પૂરું કર્યું, અને પૂછ્યું, “,વિશાલે તો કોઈને કશું કીધું નથી ને આ વિષે?”

“ના ના! મેં એને ના જ પાડી છે આ વિષે કોઈને કશું પણ કહેવાની”

“હમ્મ્મ્મ! તો બરાબર”, સંકેતે કહ્યું, “સારું ચલ તો સાંજે મળીએ અને પછી જઈએ ત્યાં, બાય”

“બાય”

સંકેત ઓફીસ જવા રવાના થયો અને રસ્તામાં સાંજે જાડેજાને મળવાનું છે એ વાત જેનિશને ફોન કરીને જણાવી.

***

બેંગ્લોરમાં જોબ ચાલુ કર્યા પછી દિવ્યાનો કામ કરવાનો ઉત્સાહ બમણો થઇ ગયો હતો. અહી ન તો ઘરના કામકાજનું ટેન્શન રહેતું કે ન તો આવવા જવા માટે રીક્ષા કે બીઆરટીએસની રાહ જોવી પડતી. બધું જ કંપની હસ્તક રહેતું એટલે મનમાં સોફ્ટવેર સિવાય બીજા કશા જ કામની ગણતરી રહેતી નહિ. આ સમયગાળા દરમિયાન દિવ્યાએ જાણ્યું કે મોટી મોટી કંપનીઓ પોતાના વિશ્વાસુ એમ્પ્લોયીને ફ્લેટથી માંડીને બધી જ સુવિધાઓ કેમ આપતા હશે?! એનું કારણ એટલું જ કે જેથી કરીને એમ્પ્લોયી માત્ર કંપનીનું કામકાજ જ મગજમાં લઈને ફરે, બાકીની રોજીંદા જીવનની કશી જ મગજમારી ના કરે.

દિવ્યાએ ઓફીસમાં આવતાની સાથે જ થોડાક સમયમાં ત્યાં કામ કરતા તમામ સાથે સારા એવા રીલેશન બનાવી લીધા હતા. દિવ્યાનો સ્વભાવ પણ સૌમ્ય અને મદદરૂપ થવાનો હોવાના લીધે ઝડપથી સારા રીલેશન બની જતા હતા. દિવ્યાને પ્રમોશન આપીને રીસર્ચ અને ડેવલોપમેન્ટ વિભાગમાં મુકવામાં આવી હતી. એમાં તેનું કામ એમની કંપનીના પહેલા બનાવેલા સોફ્ટવેરમાં યથાયોગ્ય અપડેટ કરવા અને નવા તેમજ જુના સોફ્ટવેર્સમાં ખામીઓ શોધી એ ખામીઓ અને બગ દુર કરવાનું રહેતું. ખરેખર આ કામ કોઈપણ સોફ્ટવેર કંપની માટે અગત્યનું હોય છે. પોતાના સોફ્વેર્સ કે વેબસાઇટમાં રહેલી લુપ હોલ્સ (ગુજરાતીમાં જેને છીંડા કહેવાય) શોધીને એનું નિરાકરણ ના લવાય તો કોઈ સ્માર્ટ હેકર ગમે તે સમયે કંપનીની તમામ ગોપનીય માહિતી પોતાના હસ્તક કરી લે તેની નવાઈ નહિ.

ખરેખર આ કામમાં માત્ર પોતાનું એક જ દિમાગ કામ કરે એ વાત દિવ્યાને જરા માન્ય નહતું, કારણ કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી અને દિવ્યા પણ આ વાત જાણતી હતી તેથી અગ્રવાલ સરના માર્ગદર્શન હેઠળ એણે એક ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું હતું જેના પર ભારતના એથીકલ હેકર્સ (એટલે કે જેઓ સારા ઉદ્દેશ્ય માટે હેકિંગ શીખે છે) એમની કંપનીની સાઈટ કે સોફ્ટવેરમાં પોતે શોધેલી ખામીઓ રજુ કરી શકે અને એ ખામીઓ શોધી આપવા માટે એમને પ્રોત્સાહનરૂપે ઇનામી રાશી આપવામાં આવતી હતી. પોર્ટલ પર આવેલા તમામ મેઈલ્સ અને મેસેજીસનું સંચાલન દિવ્યા પોતે કરતી હતી.

જેનિશે એક પ્રાઈવેટ જાસુસ તરીકે પોતાની નવીસવી ઓફીસ બેંગ્લોરમાં ખોલી એ પહેલા એથીકલ હેકિંગનો વર્ષનો કોર્સ કરી ચુક્યો હતો. એક્ચ્યુલી ફોરેન્સિક સાયન્સ શીખવા માટે જેનિશને જે પૈસાની જરૂર રહેતી એ પૈસા એથીકલ હેકિંગથી મળતી ધનરાશીમાંથી એ ભરતો હતો જેથી ઘરેથી મળેલી પોકેટ મની પોતાના હોલીવુડના શેરલોક હોમ્સ જેવા જાસુસી મુવીઝ જોવાના અને સસ્પેન્સ નવલકથાઓની સીરીઝની મોંઘીદાટ ચોપડીઓ ખરીદવાના શોખ પાછળ ખર્ચી શકે.

એણે દિવ્યાની સોફ્ટવેર કંપની દ્વારા એથીકલ હેકર્સ માટે બનાવાયેલા વેબ પોર્ટલમાં જ બગ શોધ્યા હોવાનો દાવો કરતો મેઈલ દિવ્યાને કર્યો જેમાં એણે પોતાના સ્વભાવ મુજબ અંગ્રેજીમાં કંઈક નીચે મુજબ લખ્યું હતું,

‘ડીયર કેર ટેકર,

જો તમારા સોફ્ટવેર અને વેબસાઈટ્સમાં મળી આવેલી ખામીઓ શોધીને આ જ વેબ પોર્ટલ પર રજુ કરવાની હોય તો વેબ પોર્ટલ ખુદ ખામીઓથી ભરેલું ના હોય એનું ધ્યાન કોઈકે તો રાખવું પડશે ને?! ચાલો એ જવાબદારી હું મારા ખભાઓ પર લઉં છું.’

એણે પોતાની આદત મુજબ આ મેઈલ રાત્રે જ કર્યો હતો. બીજા દિવસે સવારે દિવ્યાએ પોતાના લેપટોપમાં વેબ પોર્ટલ ઓપન કર્યું અને જેમાં રહેલી ત્રણ ખામીઓ સૂચવતો જેનિશનો મેઈલ વાંચ્યો. મેઈલ વાંચીને એના મોં પર વગરપ્રયત્ને એક સ્માઈલ આવી ગઈ. કદાચ એ જ સ્માઈલ જેનિશ માટે દિવ્યાના હૃદય સુધી જતા રસ્તાનું પ્રવેશદ્વાર સાબિત થઇ હતી.

***

અમી ઘરેથી અને સંકેત ઓફિસેથી સમય સેટ કરીને લહેરીપુરા પોલીસ સ્ટેશન જવા નીકળ્યા. અમીને હવે મુકેશભાઈ અને અસ્મિતાબેન સામે ખોટું બોલવું ખટકતું હતું, પણ સંકેત ઈચ્છતો હતો કે તેઓ નચિંત રહે એટલે નાછૂટકે એણે આ કામ માટે બહાર જાય ત્યારે ‘માર્કેટમાં જવું છે, શાકભાજી લેવા જવાનું છે, ગ્રોસરી શોપ જવું છે કે ડી-માર્ટ જવું છે’ જેવા બહાના બનાવવા પડતા. ઘણી વાર તો એ કહ્યા વગર જ ઘરમાંથી નીકળી જતી જેથી ખોટું બોલવું ના પડે.

નિર્ધારિત કરેલા સમયે જાડેજા સાહેબના જણાવ્યા મુજબ સંકેત અને અમી બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા. હવાલદારે એમને આવકાર્યા અને જાડેજા સાહેબની ખુરશી સામે બેસવા માટે કહ્યું.

“કેમ છો મિસ્ટર એન્ડ મિસિસ સંકેત?”, થોડીવાર બાદ આવેલા જાડેજા સાહેબ પોતાની ખુરશીમાં બેસતા બેસતા બોલ્યા.

“બસ મજામાં”, સંકેતે કહ્યું, “તમે બોલો સાહેબ”

“પોલીસ સ્ટેશનમાં આવીને પણ મજામાં છો? હા હા હા”, જાડેજા થોડા હળવા મૂડમાં હતા.

“ગુનેગાર સિવાય અહી કોણ મજામાં ના હોય સર!”, સંકેતે કહ્યું.

“હા, બરાબર છે”, જાડેજાએ સમર્થન આપ્યું.

“હા તો બોલો મિસિસ અમી, કેમ મળવાનું થયું? છેવટે તમે બધું તમારા મિસ્ટરને બધું કહી દીધું રાઈટ?”

“હા સર, એક્ચ્યુલી એ સંદર્ભે જ વાત કરવા માટે અમે આજે આવ્યા છીએ”

“હા,બોલો શું વાત છે?”

“અમારે થોડી માહિતી જોઈતી હતી તમારી પાસેથી!”, અમી અસમંજસભર્યા અવાજે બોલી.

“પોલીસ પાસેથી માહિતી? પોલીસવાળા તો માહિતી માંગતા હોય છે, આ ઉંધી ગંગા ક્યારથી વહેવા લાગી”, જાડેજા સાહેબ થોડા કટાક્ષમાં બોલ્યા.

“ના એમ નહિ સર! પેલા નકલી પોલીસનો કોઈ પત્તો મળ્યો છે તમને?”

“એ બધી તપાસ ચાલુ છે હજી, મકવાણા મને હમણાં જ એ વિષે કોઈ ખાસ પગેરું મળ્યાની વાત કરતો હતો એટલે કાલે એની તપાસ માટે જવાનું વિચારીએ છીએ, પણ એ કેસ અત્યારે ગૌણ બાબત છે, બીજા બે ચાર મહત્વના કેસીસ છે જેની તપાસ થવી ખુબ જ જરૂરી છે”, મકવાણાએ ચિડાઈને કહ્યું.

“બીજા કેસીસ? એટલે?”, સંકેતથી અમસ્તાં જ પુછાઈ ગયું.

“એટલે એવા કેસીસ કે જેની અમારા સરકારી ચોપડે કમ્પ્લેઇન દર્જ કરાયેલી છે”, જાડેજાએ અમીને યાદ દેવડાવ્યું કે એણે હજી કોઈ ઓફિસિયલ ફરિયાદ નોંધાવી નથી.

“આઈ નો સર, પણ તમે જાણો છો કે...”, અમી આ કેસને છાપે ચઢવા દેવા નહતી માંગતી.

“હા બધી ખબર છે મેડમ, હું પણ સમજી જ શકું છું. તમે પણ મારી મજબૂરી સમજી શકો એમ છો. મારાથી નોંધાયા વગરની ફરિયાદ માટે વધારે સમય ન ફાળવી શકાય ને?”, જાડેજાએ કહ્યું.

“જી સર, પણ શું તમે અમને માત્ર એક જ માહિતી આપી શકો?”

“બોલો”

“બનાવટી પોલીસની સાથે સાથે બનાવટી ચીજવસ્તુઓ કે કોપીરાઈટ ભંગ જેવી કોઈ ફરીયાદો તમારા ચોપડે નોંધાઈ છે હમણાંથી??”

આ સંભાળીને જાડેજાની આંખોમાં ચમક આવી. ક્યારના ચોપડામાં નજર નાખતા નાખતા જ જવાબ આપતા જાડેજા સાહેબે ચોપડો બંધ કરીને અચાનક જ સંકેત સામે જોયું.

“તમને કેવી રીતે ખબર?”

“હું સમજ્યો નહિ સર”, સંકેત જાડેજાના આવા સવાલથી મૂંઝાયો.

“હું એ જ કેસીસની વાત કરતો હતો ક્યારનો!, છેલ્લા બે ચાર મહિનાથી ઘણા ફેકટરી માલિકોએ અને બ્રાન્ડેડ કંપનીઓના ડીલર્સે પોતાના મશીનોની ડીઝાઇન ચોરી થઇ હોવાના દાવા કરેલા છે”, જાડેજાએ ખુલાસો કર્યો, “પણ તમારું આવો સવાલ પૂછવા પાછળનું કોઈ ખાસ કારણ?”

જાડેજાના આ સવાલનો શું જવાબ આપવો એ સંકેત વિચારી રહ્યો હતો. જો પ્રાઈવેટ ડીટેક્ટીવની વાત જાડેજાને ખબર પડે તો શું થાય? આમેય પોલીસ અને પ્રાઈવેટ ડીટેક્ટીવને છત્રીસનો આંકડો હોય છે. ઘટેલી આખી ઘટના જાડેજાને કહેવી કે ના કહેવી? આ બધું સંકેતના મગજમાં બે ત્રણ સેકંડમાં જ આવી ગયું અને અંતે એણે કહ્યું,

“એક્ચ્યુલી મારા એક મિત્રની સાથે પણ આવું જ થયું છે એટલે પૂછ્યું”

“એમણે કોઈ લીગલ સ્ટેપ લીધા છે?”

“જી ના! એ વિચારી રહ્યા છે કદાચ, કોઈ પુરાવો મળે એની જ રાહમાં છે”

“બરાબર”

“સારું તો સર અમે નીકળીએ હવે અને પ્લીઝ પેલા બાઈકવાળાની કે બનાવટી પોલીસ વિષે કશી માહિતી મળે તો કહેજો સર”, અમીએ કહ્યું.

“મળશે તો એ તો હું જરૂરથી આપીશ જ, પણ તમે તમારા પ્રયત્નો પણ ચાલુ રાખજો અને સાવધ રહેજો”, જાડેજાએ ફરી ચોપડામાં નજર નાખી.

“હા”, કહીને ઉતાવળા પગે અમી અને સંકેત ત્યાંથી નીકળ્યા.

‘મને લાગે છે કશીક મોટી વાત આ લોકો મારાથી છુપાવી રહ્યા છે, ખબરીને કામે લગાડવો પડશે એમ લાગે છે’, વિચારીને જાડેજાએ પોતાના એક ખબરીને ફોન લગાવ્યો.

(ક્રમશઃ)