કાલ્પનિક વાસ્તવિકતા - 5 Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - 5

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૫

ભાર્ગવ પટેલ bhargav.mech98@gmail.com

નોવેલ વિષે...

ગતાંકમાં તમે સંકેતના પોતાના ડ્રીમ સીટી એવા વડોદરામાં નોકરી મેળવવાના સપનાની પૂર્તિના સાક્ષી બન્યા. એક મધ્યમ વર્ગના યુવકે પોતાની ધગશ અને આત્મવિશ્વાસથી એના વિશ લીસ્ટમાંના સપનાઓ પુરા કરવાની શરૂઆત કરી દીધી. હવે એની એ પછીની સફરમાં કેટલા અને કેવા વળાંકો આવવાના હતા એનાથી એકદમ અજાણ પણ સંઘર્ષ કરવાની ભરપુર ખેવના એના મનમાં રોજ પનપતી રહેતી હતી. અમી અને સંકેતની ગાથાનો પાંચમો અધ્યાય તમારી સમક્ષ અહી રજુ કરતાં આનંદ થાય છે. વાંચીને રીવ્યુ આપવાનું ચૂકશો નહી. સલાહ સૂચનો આવકાર્ય........

સંકેત ગામના બસ સ્ટેશને ઉતર્યો. ગામના પાદરેથી એના ઘર સુધી જતી વખતે એના પગમાંઅદ્વિતીય જોર અને મનમાં અનોખો આનંદ હતો. સામે મળતા દરેક ગ્રામજનને “કેમ છો?” કહીને મનોમન હરખાતો એના ઘર તરફ જઈ રહ્યો હતો. એટલામાં સામેથી એક દાદા લાકડીના ટેકે ચાલ્યા આવતા હતા. એમણે સંકેતને આવતો જોઇને કહ્યું,

“એલા સંકેત! તારા બાપા મલ્યા અવડે સીમમાં, તું નોકરીએ સડી જવાનો ઈમ કે’તા! હારું હારું હીંડો! ગોમનો જવોનીયો છેક વડોદરે પૂગ્યો તે ગોમનું ને બધોયનું નોમ થઇ જાહે”

“હા દાદા! તમારા આશિર્વાદ બીજું શું?”

“ઈ તો સે જ! પણ હારે તારી મે’નતેય ખરી ને? એટલે સ્તો હજી છેલી પરીક્સા બાકી સે ને આ નોકરી મલી ગઈ”

ગામડાની આ જ વાત એને શહેરથી જુદું પાડે. ગામના કોઈ એક માણસની સફળતા આખું ગામ ઉજવે, અને એ પણ કોઈ ઇર્ષ્યા કે સ્વાર્થની લાગણી વગર. શહેરમાં સફળતાની ઉજવણી કરવા માટે રેસ્ટોરાં/બેન્ક્વેટ હોલ જેવા સહારા શોધવા પડે છે.

સંકેત ઘરે પહોચ્યો. અસ્મિતાબેન ઘરના મુખ્ય દરવાજે ઉભા એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આવતાવેંત એમણે એના ખભેથી બેગ ઉતારી લીધું. સંકેતે શુઝ કાઢીને એની જગ્યા પર મુક્યા, ત્યાં ઘણા પગરખાં જોઇને એણે પૂછ્યું,

“કેમ મમ્મી? કોઈ આવ્યું છે ઘરમાં?”

“હા! તારા સાસુ સસરા, અમી અને એનો ભાઈ બધા આવ્યા છે”

“ઓહ! સરસ”

“ચલ ફટાફટ હાથ પગ ધોઈ લે, એક કામ કર હાથ પગ રહેવા દે, નાહી જ લે. પછી હું ચા-નાસ્તો બનાવું”, આમ વાતો કરતા કરતા મા-દીકરો ઘરમાં પ્રવેશ્યા.

“આવો પપ્પા, આવો મમ્મી”, સંકેત કનુભાઈ અને સુમિત્રાબેનને પગે લાગ્યો,“કેમ છેવિશાલ?”, કહીને સાળાને આવકાર આપ્યો.

“બસ મજામાં જીજુ! કોન્ગ્રેચ્યુલેશન્સ!”

“થેંક યુ”

“કઈ કંપની છે? હું નામ ભૂલી ગયો”, વિશાલે પૂછ્યું.

“મલ્ટીકેમ પ્રાઈવેટ લીમીટેડ”

“અચ્છા!”

“કેટલા પગારની વાત થઇ?”, સુમિત્રાબેને સ્વભાવવશ પૂછ્યું.

“અરે! પુરુષને એની સેલેરી અને સ્ત્રીને એની ઉંમર ના પુછવાની હોય સુમિત્રા”, કનુભાઈએ કહ્યું.

“અરે હું તો એમ જ પૂછતી હતી”, સુમિત્રાબેન થોડા ભોંઠા પડ્યા.

“ના બરાબર છે. પૂછવું જ જોઈએ! પંદર હજારની વાત થઇ છે, અને પી.એફ. કપાતા બાર હજાર જેવું હાથમાં આવશે”

“સરસ”,એમને શાતા વળી.

અમી રસોડામાં અસ્મિતાબેનને મદદ કરતી હતી. સંકેત ત્યાં ગયો અને અમીએ એની સામે જોયું અને અંગુઠો બતાવી અભિનંદનનો ઈશારો કર્યો. સંકેતે બંને હાથ જોડી આભાર વ્યક્ત કરતો હોય એમ માથું હલાવ્યું. અસ્મિતાબેન તીરછી નજરે બધું જોતા હતા એટલે એમણે સંકેતને પૂછ્યું,

“એવું હોય તો હું જાઉં? તમારે એકલામાં વાત કરવી હોય તો!”, એમના અવાજમાં મજાકિયા અંદાજ ઝલકતો હતો.

આ સંભાળીને અમીએ તરત શરમાઈને સંકેત બાજુથી મોં ફેરવી લીધું અને કામમાં લાગી. સંકેત પણ જલ્દી રૂમાલ લઈને નાવણીયા બાજુ ગયો.

“હવે શું વિચારે છે આગળ સંકેતકુમાર?”, કનુભાઈએ મુકેશભાઈને પૂછ્યું.

“બસ હવે આ છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા પતે એટલે ત્યાં સુધીમાં વડોદરામાં રહેવાની વ્યવસ્થા કરી લેશે અને પછી નોકરી ચાલુ”

“બરાબર. અમીના મામા પણ વડોદરામાં જ છે, એમને વાત કરીએ રહેવાની વ્યવસ્થા માટે એવું હોય તો!”, કનુભાઈએ કહ્યું.

“ના ના વેવાઈ! એના બે ચાર મિત્રો ત્યાં છે જ એટલે એમની સાથે ગોઠવાઈ જશે રહેવાનું”

“તો તો બહુ સરસ”

“હમ્મ્મ!”

સંકેત આવીને બધા સાથે સોફામાં બેઠો.

“પરીક્ષા ક્યારથી છે?”, કનુભાઈએ જમાઈને પૂછ્યું.

“પરીક્ષા દસ દિવસ પછી છે”

“કેવી છે તૈયારી?”

“સરસ છે! બસ આ પતે એટલે શાંતિ”

“બરાબર! બધું સારું જ થશે, ઠાકર બધું ઠીક જ કરશે”

“હમ્મ્મ”

એટલામાં અમી અને અસ્મિતાબેન ચા-નાસ્તો લઈને આવ્યા.

“આજે સોડમ કંઈક અલગ લાગે છે”, મુકેશભાઈએ કહ્યું.

“હા! કારણ કે આજે નાસ્તો અમીએ બનાવ્યો છે”

“જો જો વેવાઈ! આજે અમારી વહુ તમને પીરસી રહી છે, કોઈ ભૂલચૂક હોય તો કે’જો”, અસ્મિતાબેને કહ્યું.

કનુભાઈ અને સુમિત્રાબેનની આંખોના ખૂણા ભીના થયા. મુકેશભાઈ આ પરિસ્થિતિ પામી ગયા એટલે તરત જ બોલ્યા,

“ચિંતા ના કરશો! અમે અમીને અમારી દીકરીની જેમ જ રાખીશું, આમેય અમારે ક્યાં દીકરી છે? દીકરી ગણો કે વહુ ગણો, અમી જ છે”

“મને ખાતરી છે કે તમે રાખશો જ એમ”

બધાએ ચા પીધી. નાસ્તો કર્યો અને કનુભાઈ પરિવારસહીત ઘરે જવાની પરવાનગી લેવા ઉભા થયા,

“ચાલો ત્યારે મુકેશભાઈ અમે નીકળીએ છીએ, જય શ્રી કૃષ્ણ”

“રોકાયા હોત તો જમીને જતા પણ મને તમારો સ્વભાવ ખબર છે, તમે લગ્ન પહેલા છોકરીની સાસરીમાં જમવા નહી બેસો”

“ઠીક સમજ્યા તમે”, કનુભાઈએ કહ્યું, “ચાલો નીકળીએ અમે”

“આવજો બધા”

“અંકલ હવે તમે આવો સંકેત જીજુ સાથે”, વિશાલે કહ્યું.

“હા ચોક્કસ”.

એ લોકો વિદાય થયા. સંકેત પરીક્ષાની તૈયારીમાં લાગ્યો. અસ્મિતાબેન અને મુકેશભાઈ પોતપોતાના કામમાં વ્યસ્ત થયા. આમ ને આમ દસ દિવસ ક્યાં વીત્યા એ ખબર જ ના રહી. આજે સંકેતની પરીક્ષા આવીને ઉભી હતી. એ ભરૂચમાં એના કાકાને ત્યાં હતો. પહેલું પેપર પૂરું થયું. જેવો એ ઘરે પહોચ્યો કે તરત અમીનો ફોન આવ્યો,

“કેવું ગયું પેપર?”

“સારું રહ્યું! મસ્ત લખાયું!”

“બરાબર, કાલ માટે બેસ્ટ ઓફ લક”

“થેન્ક્સ”

સંકેતની પરીક્ષાના લીધે રોજ આટલાથી વધારે વાત થતી નહતી. એક બે ત્રણ એમ કરતા સાતેય પેપર પુરા થયા અને સંકેત ચોપડીથી છૂટો પડ્યો. બધા પેપર સારા ગયા હતા એટલે સંકેત ખુશ હતો. પોતાનો બધો સમાન એણે પેક કર્યો. પહેલા ધોરણથી કાકાનું ઘર જ પોતાનું ઘર હતું એટલે એ છોડતીવેળાનું દુઃખ એના અને એના કાકા-કાકીની આંખોમાંથી નીતરતું હતું. એના કાકાને પોતીકું સંતાન ન હોવાની વેદના સાફ ઝલકતી હતી. સંકેતને નાનપણથી એમણે અને એમની પત્નીએ જતન અને લાડકોડથી પોતાના દીકરાની જેમ જ ઉછેર્યો હતો. મુકેશભાઈ અને અસ્મિતાબેન આજે સંકેતને લેવા આવ્યા હતા, કહો કે એમના પરિવારનું એક અંગ જુદું કરવા આવ્યા હતા. પણ શું થાય? સમયનું કામ છે વહેવાનું અને એના વહેણની દિશામાં જવું એ માનવીની કિસ્મત કહો કે મજબૂરી, બંને એક જ!!

“કાકા તમે ચિંતા ના કરશો! હું સમય મળે ત્યારે જરૂર આવતો જતો રહીશ, અને આમેય હવે તો અહી નજીકમાં વડોદરા જ છું”

“સારું”,એ બસ આટલું જ બોલી શક્યા.

સંકેત, મુકેશભાઈ અને અસ્મિતાબેન એમના ઘરેથી નીકળ્યા અને ગામડે પહોચ્યા. હવે સેમેસ્ટરની પરીક્ષા પૂરી થઇ ગઈ હોવાથી સંકેતને કંપની જોઈન કરવાની હતી. રહેવાની વ્યવસ્થા એના મિત્રો સાથે થઇ ગઈ હતી. સંકેત બેગ પેક કરીને રવાના થયો, અને ડગ માંડ્યા પોતાના સપનાઓના શહેર વડોદરા તરફ!! એના બધા મિત્રો છાણી જકાતનાકા પાસે જ રહેતા હતા. અમીનના કોન્ટેક્ટથી આવતીકાલે સવારે કંપનીની બસ કેટલા વાગે નજીકના સ્ટેશન પર આવશે એની બધી માહિતી મળી ચુકી હતી. હવે આવતી કાલ સંકેતના નવા સફરની મંઝીલ તરફનો રસ્તો લઈને આવશે.

સવાર પડી. સંકેત બેગ લઈને કંપનીની બસની રાહ જોતો સ્ટોપ પર ઉભો હતો. બસ આવી. સંકેત બસમાં બેઠો અને બારી પાસેની ખાલી સીટ લીધી. બીજા સ્ટોપ પરથી એક યુવતી આવીને એની બાજુમાં બેઠી. મોઢા પર દુપટ્ટો હોવાના લીધે સંકેત એનો ચહેરો જોઈ ના શક્યો. એણે તરત પૂછ્યું,

“યુ આર મિસ્ટર સંકેત રાઈટ?”

“હા! તમને કેવી રીતે ખબર પડી?”

“હું દીપ્તિ!”, એણે દુપટ્ટો છોડ્યો.

“ઓહ! હા! દીપ્તિ! કેમ છે મજામાં?”

“બસ, મજામાં! તમારો આજે પહેલો દિવસ છે ને?”

“હા! હમણાં જ એક્ઝામ પૂરી થઇ એટલે આજથી જોઈનીંગ હતું”

“બરાબર. બેસ્ટ ઓફ લક”

“થેંક યુ”

“રહેવાની વ્યવસ્થા થઇ ગઈ?”

“હા! અહી છાણી પાસે જ થઇ ગઈ મારા ફ્રેન્ડ્સ સાથે”

“સરસ”

એની સાથે વાતો કરતા કરતા કંપનીના મેઈન ગેટ પર આવીને બસ ઉભી રહી. બધા ફટાફટ ઉતર્યા. સંકેત પણ ઉતરીને સિક્યોરીટી ગેટ પાસે ગયો અને ગાર્ડને કહ્યું,

“સર! હું સંકેત! આજે મારું જોઈનીંગ છે”

“હા! સંકેત સર! બોસે તમારું આઈ કાર્ડ અને ઓફર લેટર મને ગઈ કાલે જ આપી દીધો હતો. આ લો!”, સિક્યોરીટીએ કહ્યું.

નામની પાછળ ‘સર’નું સંબોધન સંકેતને અંદરખાને ખુશ કરી ગયું. અત્યાર સુધી માત્ર સંકેત મટીને હવે સંકેત સર થઇ ગયો હતો. જીવનમાં બસ આવા જ સંબોધનો મેળવવા પાછળ આપણે સતત દોડીએ છીએ. કોઈ આપણને માનથી બોલાવે, ચાર પૈસા કમાતા હોય, ચાર માણસોમાં આપણી આગવી પ્રતિભા અને ઈજ્જત હોય, ચાર જગ્યાએ ફરેલા હોય, બસ આ ચારની ગણતરીમાં જ તમે માનો કે ના માનો પણ આખું આયખું વીતતું જાય છે.

“થેંક યુ મિસ્ટર..?”, સંકેતે આભારવશ એમનું નામ પૂછ્યું.

“પર્વતસિંહ”

“ઓકે! થેંક્યુ પર્વતભાઈ, અને મારે ક્યાં બેસવાનું છે?”

“પહેલા તમારી ટ્રેનીંગ છે સાત દિવસ, એમાં પ્લાન્ટની માહિતી અને તમાર કામની માહિતી તમેન આપવામાં આવશે અને પછીથી તમારે ચાર્જ સંભાળવાનો થશે”, કહીને પર્વતસિંહે પ્લાન્ટમાં ફોન લગાવ્યો.

“હેલો દિનેશ સર! પર્વત બોલું મેઈન ગેટ પરથી”

“હા! બોલો”

“સંકેત સરને ક્યાં મોકલવાના છે? આજે એમનું જોઈનીંગ છે”

“એમને મારી ઓફીસમાં મોકલો. મારે જ એમનું ટ્રેનીંગ સેશન લેવાનું છે”

“ઠીક છે સર, મોકલું”

સંકેત પ્લાન્ટમાં પ્રવેશ્યો. એની પણ અન્ય એન્જીનીયર્સની જેમ ફિલ્ડમાં જઈને નોલેજ મેળવવાનીઅદમ્ય ઈચ્છા પહેલેથી જ હતી. ચોપડીઓમાની થીયેરીને પ્રાયોગિક ધોરણે અજમાવી જોવાની જીજ્ઞાસા એનામાં છલોછલ ભરેલી હતી. જાણે કે લેખકને કોરી ડાયરી અને કલમ મળ્યા જેવું!

સંકેત દિનેશભાઈને મળ્યો. દિનેશભાઈ ત્યાંના સીનીયર હતા અને એ જ કંપનીમાં લગભગ દસેક વર્ષથી કાર્યરત હતા. પ્લાન્ટની રજેરજથી વાકેફ અને એક જગ્યાએ બેઠા બેઠા જ આખા પ્લાન્ટમાં કઈ જગ્યાએ શું ખામી હોઈ શકે એ કહી શકતા. નવા આવતા એન્જીનીયર્સને એ જ ટ્રેનીંગ આપતા હતા.

સંકેતને એમણે આખો પ્લાન્ટ બતાવ્યો. મોટા મોટા મશીનો અને એમની કાર્યપદ્ધતિ સમજાવી. સંકેતે સારો એવો રસ દાખવ્યો. દિનેશભાઈને પણ સંકેતના જ્ઞાનનો પરચો મળ્યો. બધું પતાવ્યા પછી એ બંને દિનેશભાઈની ઓફીસમાં બેઠા.

“તમારે આવતીકાલથી આ મારી બાજુની ઓફીસમાં બેસવાનું થશે”

“જી સર! મારો રોલ શું રહેશે?”

“તમારે અને મારે બંનેએ મેન્ટેનન્સ ડીપાર્ટમેન્ટ સંભાળવાનો રહેશે”

“ઠીક છે સર”

“પણ તમારે હજી છેલ્લી એક્ઝામનું રીઝલ્ટ બાકી હશે ને?”

“હા સર! પણ એનાથી મારા રોલને શું ફરક પડશે?”

“તમને બોસે કઈ કહ્યું નથી?”

“શેના વિષે?”

“કે તમારે છેલ્લા સેમેસ્ટરના રીઝલ્ટમાં કોઈ વિષયમાં બેકલોગ આવે તો તમે કંપનીમાં એ પછી આગળ કામ ના કરી શકો”

“એનો કોઈ ચાન્સ જ નથી સર! બધા પેપર સારા જ ગયા છે”, સંકેતે ગર્વ સાથે કહ્યું.

“તો તો કંઈ વાંધો નથી, પણ રીઝલ્ટ આવતા સુધી તમને કંપનીની અમુક સર્વિસ નહી મળે”

“જેવી કે?”, સંકેતે મુઝવણભર્યો સવાલ કર્યો.

“જેવી કે કંપનીનું લેપટોપ, ડેટા કાર્ડ, મીટીંગમાં હાજર રહેવા માટેનું એમ્પ્લોયી કાર્ડ, પંચ કાર્ડ એ બધું!”

“તો આ કાર્ડ?”, સંકેતે આઈ કાર્ડ તરફ આંગળી કરીને કહ્યું.

“આ તો ખાલી આઇડેન્ટીટી પ્રૂફ જેવું છે કે તમે હાલમાં કંપનીમાં કામ કરો છો”

“બરાબર”

સંકેત જરા વિચારમાં પડ્યો. પણ પછી તરત સ્વસ્થ થયો અને બેગ લઈને મેઈન ગેટ તરફ જવા રવાના થયો.

રોજના રૂટીનમાં મહિનો વીતી ગયો. આજે રીઝલ્ટ હતું. સંકેતે આજે કંપનીમાં રજા મૂકી હતી. રીઝલ્ટથી હંમેશા આપણે ગભરાતા હોઈએ છીએ, ભલે આપણને ખ્યાલ હોય જ કે શું આવવાનું છે છતાય આપણે એનું ટેન્શન લેતા જ હોઈએ છીએ. પરિણામની ચિંતા આપણને એટલા માટે થતી હોય છે કારણ કે રખેને કંઈક લોચો વાગી જાય તો ગમે તેટલી મહેનત કરી હોય, પેલા ‘ચાર’ લોકો એ મહેનતને નહી માત્ર પરિણામને જોતા હોય છે.પરિણામને આપણી મહેનતનું ઝાંખું પ્રતિબિંબ કહી શકાય કે જે ચાર લોકો જોવાના છે, અને એમને એ જ દેખાવાનું છે.

સંકેત આજે ઘરે હતો. યુનીવર્સીટીની વેબ્સાઈટ પર પરિણામની સત્તાવાર જાહેરાત થઇ. સંકેતના મનમાં દર વખતની જેમ આ વખતે પણ સીટ નંબર નાખતી વખતે એક અજાણ્યો ઉચાટ હતો.

“જે હશે એ હશે બેટા! ભોળાનાથ પર ભરોસો રાખ”

સંકેતે નંબર નાખ્યો અને “સબમિટ” બટન પર ક્લિક કર્યું. એક પછી એક બધા વિષયોના ગ્રેડ જોતા જોતા ગર્વિત સ્મિત વેરતું એનું મુખકમળ, છેલ્લા વિષયના ગ્રેડ જોઇ ઉદાસીનતાના અંધારા તરફ જતું હતું. એ જોઇને મુકેશભાઈએ સચિંત અવાજે પૂછ્યું,

“શું થયું સંકેત?”

“મેં આ પેપરમાં બધું જ લખ્યું હતું પપ્પા!”

“પણ થયું છે શું એમ તો કહે”

“આ તો છેલ્લું પેપર હતું અને બધાથી સરસ ગયું હતું”

“પણ શું થયું છે?”, ચુપ બેઠેલા અસ્મિતાબેનના અંતરમાં ફાળ પડી.

“આ સબ્જેક્ટમાં બેકલોગ કેવી રીતે આવી શકે?”

“શું? બેકલોગ એટલે?”, અસ્મિતાબેને પૂછ્યું.

“હા મમ્મી! હવે મારે આ વિષયની પરીક્ષા ફરીથી આપવી પડશે અને એ પણ છ મહિના પછી!!”, સંકેત રડમસ અવાજે બોલ્યો, “નોકરી, વડોદરા, મારા સપના બધું છ મહિના પાછળ ઠેલાઈ જશે! અને છ મહિના પછી આવું બધું ફરી પણ થશે કે કેમ એવું કોને ખબર?”, સંકેતથી રડવાનું રોકાયું નહી.

મુકેશભાઈનો ચહેરો થોડો ઉદાસ થઇ ગયો. સામાન્ય રીતે તેઓ પોતાની ભાવનાઓ પ્રદર્શિત ના કરે પણ આજે વાત કંઈક અલગ હતી. એમણે ઉદાસીનતાથી ઘેરાયેલા ચહેરે ઘરના નાનકડા મંદિરમાં રહેલી ભોળાનાથની પ્રતિમા પર નજર નાખી. કદાચ એમના મનમાં એક જ સવાલ હતો,

‘અત્યાર સુધી નહી ને સપના પુરા થવાની સાંત્વના આપ્યા પછી જ કેમ આવું કર્યું?’

સંકેતના સપના તૂટવાની અણી પર હતા. કદાચ સપના તૂટવાનો અવાજ નથી આવતો એ વાત આવી પરિસ્થિતિઓ માટે જ લખાઈ હશે કોને ખબર?

“સંકેત! બેટા તને વિશ્વાસ છે કે તે આ વિષયમાં સારું જ લખ્યું હતું?”, અચાનક મુકેશભાઈના અવાજમાં હિંમત આવી.

“હા પપ્પા!”

“તો શું એવું કૈક ના થાય કે આપણે તારું તપાસેલું પેપર જોઈ શકીએ?”

“એનો કોઈ મતલબ નથી પપ્પા! કારણ કે અત્યાર સુધી મારા જેટલા મિત્રોએ રીચેકિંગ કરાવ્યું છે એમના રીઝલ્ટમાં કોઈ સુધારો થયો નથી”

એક આશાનું કિરણ ઝબકીને ઝાંખું પડ્યાની ઉદાસી મુકેશભાઈના ચહેરા પર સાફ દેખાઈ આવતી હતી. પણ એમના મનમાં એ ઝાંખપ ધરબાયેલી જ રહી અને મનોમન એમણે કંઈક નક્કી કર્યું.......

(ક્રમશઃ)