Kalpnik Vaastvikta - 7 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિક વાસ્તવિકતા - ૭

કાલ્પનિક વાસ્તવિકતા- ૭

ભાર્ગવ પટેલ

નોવેલ વિષે....

સંકેત અને અમી બંને જાણતા હતા કે મુકેશભાઈ સંકેતની કોલેજમાં ગયા હતા, કેવી રીતે? અને એનું પરિણામ શું આવે છે એ વિશેના રહસ્યો ખોલતો મારી નોવેલનો આ સાતમો ભાગ છે. વાસ્તવિકતાની જમીન પર પગ રાખીને સપના કઈ રીતે જોવા? એ પુરા ના થવાથી જન્મ લેતી હતાશા અને ‘જે થાય એ સારા માટે જ થાય છે’ એવી આશા જ્યારે જીત પામે ત્યારે શું થાય? એ તમામ લાગણી અહી જીવંત થતી જોવા મળશે...

એ દિવસે જયારે મુકેશભાઈ સંકેતની કોલેજ જવા માટે રવાના થયા ત્યારે કંઈક આવું બન્યું હતું :

સંકેત સવારે ઉઠીને નીચે આવ્યો. અસ્મિતાબેન સાથે મુકેશભાઈના સંદર્ભમાં પૂછ્યું ત્યારે એમણે કામથી બહાર ગયા હોવાનું કહીને વાત ટાળી દીધી હતી અને જો કે સંકેત એ વાત માની પણ ગયો હતો. સંકેત જ્યારે નાહીને બહાર આવ્યો એ સમયે મુકેશભાઈ એની કોલેજમાં પહોચી ગયા હતા. જ્યારે વર્તમાનમાં આપણી સાથે આપણે જે ધાર્યું ના હોય એ ઘટી રહ્યું હોય ત્યારે ભૂતકાળમાં આપણે જે ધાર્યું અને થયું હોય એવી વાતો આપણને ખાસી રાહત આપે. આ વાત દરેક વ્યક્તિની પ્રકૃતિમાં વણાયેલી હોય છે. ભૂતકાળ જો ખુશી આપી શકે અને ઉદાસીની ભરતીમાં થોડી ઓટ લાવી શકે તો એણે યાદ કરીને વાગોળવો એ ખોટી વાત નથી. એટલા જ માટે સંકેતને પ્રકૃતિગત એના જુના રીઝલ્ટ જોવાનું મન થઇ આવ્યું.સંકેત એ વખતે થયેલી અનુભૂતિના લેપ વડે અત્યારના દુઃખને ઢાંકી દેવા માગતો હતો, એટલે એણે એની ફાઈલ ખોલી. એમાં પહેલા સેમેસ્ટરથી માંડીને પાંચમાં સેમેસ્ટર સુધીના તમામ રીઝલ્ટ હતા. ક્રમ મુજબ જોઈ જોઈને એના મનમાં હાશ થતું હતું. એણે છટ્ઠા અને સાતમાં સેમેસ્ટરના રીઝલ્ટની શોધ કરી, પણ ન જડ્યા. એણે આખી ફાઈલ ફંફોસી નાખી અને એની બેગ પણ, છતાય છેલ્લા બે સેમેસ્ટરના રીઝલ્ટ ના મળ્યા. એણે એ વાત પણ નોંધી કે બેગમાં હંમેશા નિશ્ચિત જગ્યા પર રહેતું એનું આઈ-કાર્ડ પણ એની જગ્યાએ નહતું.પણ એ બધું એણે ઇગ્નોર કર્યું કારણ કે અત્યારે એ વાત કોલેજ દરમિયાન હતી એટલી ચિંતાજનક નહતી. સવારની બપોર થવા આવી.

છટ્ઠા અને સાતમા સેમેસ્ટરનું રીઝલ્ટ જોવા માટે એણે પોતાની યુનિવર્સીટીની વેબ સાઈટ ખોલી. જેમાં એનરોલ્મેન્ટ નંબર નાખ્યા બાદ એણે એક પછી એક છટ્ઠા અને સાતમા સેમેસ્ટરનું રીઝલ્ટ જોયું. પણ એનું મન આઠમાં અને છેલ્લા સેમેસ્ટરનું રીઝલ્ટ જોતા એની જાતને રોકી શક્યું નહી. આખું રીઝલ્ટ એણે ફરીથી જોયું અને સાથે જ જોયો પેલો વિષય, જેમાં એ અવ્વલ આવવાની સંપૂર્ણ ખાતરી હોવા છતાય પોતે નબળું પરિણામ ભોગવવું પડ્યું હતું. એકીટશે એ વિષયનું નામ એણે જોયા કર્યું.

‘આટલું બધું શું વિચારે છે?’ એના જ ભીતરથી એક સવાલ પડઘાયો.

“હું વિચારું છું કે....”, એણે કહ્યું.

‘કે રીચેકિંગનું ફોર્મ ભરી દેવું જોઈએ, અને તારે ભરવું જ જોઈએ! તારા પપ્પાએ શું કહ્યું હતું કાલે? કે એક ચાન્સ લેવામાં શું જાય છે?’

“હા, તમને કેવી રીતે ખબર?”, એણે કુતુહલવશ પૂછ્યું.

‘તું જે છે એ હું જ તો છું’, અકળ ભાષામાં જવાબ મળ્યો.

“મતલબ?”

‘તારું ચિત્ત, તારો આત્મા’

“ના હોય”, સંકેત જરા મોટેથી બોલ્યો. પેલો ભીતરનો અવાજ આવતો બંધ થયો.

“શું ના હોય સંકેત?”, અસ્મિતાબેને કપડા ધોવાની ચોકડીમાં રહીને ત્યાંથી જ પૂછ્યું.

“કશું નહી મમ્મી!”, સંકેતને ભાન આવ્યું કે તે કદાચ દિવાસ્વપ્ન જોતો હશે. પણ બીજી જ ક્ષણે ભાસ થયો કે કદાચ આ એક શુકન હતા, એક સંકેત કે જે મને એક પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપીને ઓઝલ થઇ ગયો. એટલે એણે કશું જ વિચાર્યા વગર વેબસાઈટ પર રીઝલ્ટના કોલમની નીચે આપેલા “એપ્લાય ફોર રીચેક” પર ક્લિક કર્યું. નવું પેજ ખુલ્યું જેમાં રીચેકિંગ માટેના વિષયને લગતી માહિતી ભરવાની હતી. સંકેતે બધી માહિતી ભરી અને અંતે જ્યારે ‘સબમિટ’ બટન પર ક્લિક કર્યું ત્યારે એક ડાયલોગ બોક્સ ખુલ્યું, જે દર્શાવતું હતું કે “તમે ઓલરેડી એપ્લાય કરી ચુક્યા છો”!

‘મેં વળી ક્યારે એપ્લાય કર્યું?’, સંકેત મૂંઝાયો.

એણે ફોન લીધો અને કોલેજમાં ફોન કર્યો, એ વખતે કોલેજમાં મુકેશભાઈ ફોર્મ ભરીને નીકળ્યા હતા.

“હલ્લો! ગવર્મેન્ટ કોલેજ ભરૂચ?”

“જી, તમારી શું મદદ કરી શકું?”

“મારું રીચેકિંગનું ફોર્મ......”

“તમારો કોલ એ ડીવીઝનમાં ટ્રાન્સફર કરું છું વેઇટ”, એની વાત પૂરી થતા પહેલા જ સામેવાળાએ કહ્યું.

“ઠીક છે”

“હેલ્લો, રીચેકિંગ ફોર્મ ડીવીઝન”

“હા સર હું સંકેત વાત કરું છું, આ જ કોલેજનો સ્ટુડેંટ!”

“જી બોલો”

“મારું રીચેકિંગનું ફોર્મ મેં ભર્યું નથી છતાય વેબ્સાઈટ પર ભર્યું છે એવું બતાવે છે! શું પ્રોબ્લેમ હોઈ શકે?”

“પ્રોબ્લેમ કઈ જ નથી, સાઈટ તો બરાબર જ ચાલે છે”

“તો પછી આવું કેમ થયું?”

“તમારી ડીટેઈલ્સ આપો હું જોઈ લઉં”

સંકેતે એનું નામ, અટક, એનરોલમેંટ નંબર વગેરે આપ્યું. પેલા સાહેબે ચેક કર્યું અને કહ્યું,

“હા ભાઈ તારું ફોર્મ તો ખરેખર ભરાઈ જ ગયું છે”

“પણ હું તો કોલેજ આવ્યો નથી તો ફોર્મ કઈ રીતે ભરાઈ શકે?”

“હા હા યાદ આવ્યું”

“શું?”

“કોઈ મુકેશભાઈ કરીને આવ્યા હતા તારું ફોર્મ ભરવા, એમણે પ્રિન્સીપાલ સાહેબ સાથે વાત કરીને તારી સાઈન પણ જાતે જ હતી”, એ સાહેબને મુકેશભાઈ અને સંકેતનો નાતો ખબર નહતો, કારણ કે એણે તો માત્ર પ્રિન્સીપાલ સાહેબના આદેશનું પાલન જ કર્યું હતું. મુકેશભાઈને મનમાં એમ જ હતું કે સંકેત જાતે તો કદીયે ફોર્મ ભરવાનો જ નથી.

“સારું, થેંક યુ સર”

“ઓકે” ફોન કટ થયો. સંકેતની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. એ અસ્મિતાબેનને બોલાવીને કહેવા/પૂછવા જતો હતો પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો. એના મનમાં એક જ ચિંતા હતી,

‘કદાચ પૂછી લઈશ અને પરિણામ સારું નહિ આવે તો એ એના વહાલસોયા મમ્મી-પપ્પાની એકમાત્ર આશાને નિરાશામાં પરિણમતી નહિ જોઈ શકે, કદાચ એ બંને આ વાત મારાથી મને દુખ ન થાય એટલે જ છુપાવતા હશે, હવે તો પરિણામની રાહ જોવી વધારે યોગ્ય છે’

*****

“આવો આવો કનુભાઈ! પધારો સુમિત્રાબેન”, દસેક દિવસ પછી એક ઢળતી બપોરે કનુભાઈ અને સુમિત્રાબેન સંકેતના ઘરે આવ્યા એટલે અસ્મિતાબેને આવકાર આપ્યો.

“હા”, કહીને બંને ઘરમાં પ્રવેશ્યા. અસ્મિતાબેને પાણી આપ્યું અને સંકેતને અગાસી ઉપરથી નીચે આવવા કહ્યું.

“આવો પપ્પા, મમ્મી”, સંકેતે કહ્યું.

“કેમ છો તમે?”, કનુભાઈએ પૂછ્યું.

“બસ મજામાં”

“કેમ આજે ઓચિંતા, કાંઈ કીધા વગર આવી ગયા? કહ્યું હોત તો જમવાનું બનાવી દેત”, અસ્મિતાબેને ચા મૂકતાં મૂકતાં રસોડામાંથી જ કહ્યું.

“અરે ના ના! દીકરીના ઘરનું થોડું ખવાય?”, કનુભાઈએ કહ્યું.

“એવું કાંઈ ન હોય પપ્પા”, સંકેતે કહ્યું.

“ક્યાં છે મુકેશભાઈ જણાતા નથી!”, સુમિત્રાબેને પૂછ્યું, કારણ કે તેઓ કામથી કામ રાખવામાં માનતા હતા અને જે કામ માટે આજે અહી આવ્યા હતા તે માટે ઘરમાં મુકેશભાઈની હાજરી જરૂરી હતી અને જે એમના માટે વધારે મહત્વનું હતું.

“પપ્પા ખેતરમાં ગયા છે, એ આવતા જ હશે ચા પીવા માટે”, સંકેતે કહ્યું.

“બરાબર”

“લ્યો, એ આવે ત્યાં લગી ચા-નાસ્તો કરો”, અસ્મિતાબેને ત્રીપાઈ પર ચા ભરેલી કીટલી અને નમકીનની બે ડીશ મૂકતાં કહ્યું.

“અરે! ઉતાવળ શું છે વેવાણ? વેવાઈ આવે પછી સાથે જ કરીશું”

“એમના આવવાનો વખત કાંઈ નક્કી ના કે’વાય”

“ઠીક છે”, કહીને બંનેએ ચા લીધી.

“અસ્મિતાબેન અમે આજે અહી એક કામથી આવ્યા છીએ, કામથી કરીને એક વાત માટે”

“બોલો ને! શું વાત છે?”

“મુકેશભાઈ આવે પછી તમને સાથે જ કહું”

“સારું, હું સંકેતને લેવા મોકલું છું એમને”

સંકેત ઉભો થયો અને બાઈકની ચાવી લઈને ખેતર તરફ ગયો ત્યાં મુકેશભાઈ એને રસ્તામાં જ મળી ગયા, એટલે એમને લઈને એ ઘરે પાછો ફર્યો.

ઘરમાં આવતાવેંત મુકેશભાઈએ બંનેના હાલચાલ પૂછ્યા અને બધી ઔપચારિકતા પૂરી થઇ.

“સંકેત અને અમીના લગ્નની વાત કરવા અમે આજે આવ્યા હતા”, સુમિત્રાબેન સીધા મુદ્દા પર આવ્યા.

“એટલે?”, અચાનક લગ્નની વાત આવતા મુકેશભાઈને થોડું આશ્ચર્ય થયું.

“એટલે એમ, કે અમારે આમને દીકરીને વળાવવાની મારા કરતા વધારે ઉતાવળ છે”, કનુભાઈએ હળવા મૂડમાં કહ્યું.

“હમ્મ્મ્મ, બરાબર, ખરેખર તો આ વાત માટે મારે પણ તમને મળવું જ હતું પણ મેં વિચાર્યું કે આ વખતની લણણી પૂરી થાય પછી નિરાંતે મળીને નક્કી કરીશું એમ”, મુકેશભાઈએ કહ્યું.

“શું છે કે થોડું જલ્દી જ બધું નક્કી કરી લઈએ તો સારું, કેટલું? શું? કોણે આપવું? કોને આપવું? એ બધા વહેવારની સમજણ માટે વખત મળી રહે. ઉપરથી હવે દેવ પોઢી જાય પછી મુરત કઢાવવાની પણ રામાયણ થશે, એના કરતા અત્યારે મુરત ને તારીખ નીકળી જાય તો સારું”, સુમિત્રાબેને કહ્યું.

“બિલકુલ સાચી વાત છે તમારી”, અસ્મિતાબેને કહ્યું.

સંકેત આ બધી વાત ચાલુ થઇ એટલે પાછો અગાસી પર જતો રહ્યો. એના મન કંઈક અલગ જ રાગ આલાપી રહ્યું હતું. લગ્ન વખતે અને પછી એની પાસે જોબ નહિ હોય એવી પરિસ્થિતિની કલ્પના કરી. પણ મમ્મી પપ્પાના નિર્ણયને આખર ગણવાનો હતો તેથી એણે એ બધી જ ચિંતા છોડી અને અમીને ફોન કર્યો.

આ તરફ બધા એ લગ્નની તારીખ કઢાવવા માટે ગોર મહારાજને આમંત્રી ચુક્યા હતા. લગ્નની તારીખ ત્રણ મહિના પછીની હતી,જે આમ જોતા ખાસો સમયગાળો કહેવાય એટલે બંને પરિવારોએ એ તારીખ માન્ય રાખી. ગોર મહારાજને દક્ષિણા અપાઈ અને અમી-સંકેતના વિવાહતિથીની જાહેરાત થઇ.

“સંકેત”, મુકેશભાઈએ બૂમ પાડી.

“ચલ પપ્પા બોલાવે છે, હું પછી ફોન કરું”, કહીને સંકેતે ફોન મુક્યો.

“હા પપ્પા”, સીડીઓ ઉતરતા ઉતરતા સંકેતે કહ્યું.

“અહી બેસ”, એમણે સોફા તરફ હાથ કરીને કહ્યું.

“બોલો”, સંકેત બેઠો.

“અમે ત્રણ મહિના પછીની તિથી નક્કી કરી છે તમારા લગ્ન માટે, તને કોઈ વાંધો હોય તો બોલ”

“લગ્ન? આટલા જલ્દી? ત્રણ મહિના પછી?”, સંકેત એક પછી એક સવાલ પૂછી ગયો.

“હા! બેટા! અને આમાં કશું આશ્ચર્ય જેવું નથી, આટલી ઉંમર લગ્ન કરવા માટે સૌથી સારી છે, તારી મમ્મીના અને મારા લગ્ન પણ આ જ ઉંમરમાં થયા હતા, અને તારા ઘણા બધા સમાજના મિત્રો પણ આટલી જ ઉંમરે પરણ્યા છે”

“પણ હજી તો અમે બંને સેટલ પણ નથી થયા, જોબના પણ કોઈ ઠેકાણા નથી, એક હતી તે પણ હવે નથી રહી”

“એકબીજાના સાથથી સંઘર્ષ અડધો થઇ જાય છે”, કનુભાઈએ કહ્યું “અને છતાંય જો તમને વાંધો હોય તો આપણે તારીખ આઘાપાછી કરી શકીએ છીએ, તમારા ઉમંગ વગર લગ્ન નહિ થાય એ વાત નક્કી”

સંકેત દ્વિધામાં હતો. શું કરવું અને શું ન કરવું એ એના મનમાં ઝટ આવતું નહતું. એનું મન અસમંજસના ઊંડા ગર્તમાં હતું.

‘કોની ખુશી તારા માટે મહત્વની છે?’, પેલો અવાજ ફરી સંભળાયો.

“અહી બેઠેલા તમામની”

‘બસ તો પછી, એમની ખુશી માટે તું તારાથી બનતું બધું કર’

“એટલે ત્રણ મહિનામાં લગ્ન કરી લઉં એમ? અને જોબનું શું? મારા સેટલ થવાના સપનાનું શું?”

‘બધું લખાયેલું જ છે! તારું પરિણામ, તારી નિયતિ, તારા સપનાની પૂર્તિ કે અપૂર્તિ બધું જ’

“ક્યાં લખાયેલું છે?”

‘એક અલૌકિક શક્તિના સાનિધ્યમાં! એ જ છે જે બધું તારી પાસે કરાવડાવે છે એણે એ જ છે જે તારી નિયતિ ઘડે છે’

“પણ..”

‘અન્યોને ખુશ રાખનાર પર ઈશ્વરીય શક્તિ ખુશ રહે છે. અને તારાથી જો એ પરમ તત્વ ખુશ રહેતું હોય તો તને કોઈ વાતની ચિંતા ન જ હોવી જોઈએ’

“ઠીક છે! હું તૈયાર છું, મને કોઈ વાંધો નથી”, આ જ શબ્દો ત્યાં ઉપસ્થિત બધાએ સાંભળ્યા અને મનોમન ખુશ થયા.

“ચાલો ત્યારે અમે નીકળીએ, હવે અંધારું થવા આવ્યું છે. તમતમારે શરુ કરી દ્યો તૈયારી”, કનુભાઈએ હરખમાં કહ્યું.

“સારું, આવજો, જય શ્રી કૃષ્ણ”

“જય શ્રી કૃષ્ણ”

“આવજો સંકેતકુમાર”, સુમિત્રાબેને કહ્યું, પણ સંકેત હજીયે ચિંતાતુર હતો કે બધું કેમ કેમ થશે?

*****

દિવસો વીત્યા.બંને મધ્યમવર્ગના પરિવારો લગ્નની તૈયારીમાં ગળાડૂબ હતા. રીચેકિંગના પરિણામનો દિવસ માત્ર સંકેત જાણતો હતો. મુકેશભાઈને યાદ હતું પણ ખેતર અને ઘરમાં લગ્ન પહેલા બધું સમુસુતરું કરવામાં એમનું ચિત્ત પરોવાયેલું હોવાના લીધે તેઓ આજે જ એ દિવસ હતો એ વાતથી અજાણ હતા, આમેય તેઓ પરિણામ જાણવા માટે કાં તો ભરૂચ જવાના હતા કાં તો પ્રિન્સીપાલ સાહેબને ફોન કરીને જોવા માટે અરજ કરવાના હતા, કારણ એટલું જ કે ખેતીના ઓજારો હાથમાં ઝાલ્યા પછી એમનો ટેકનોલોજી સાથેનો નાતો ચીરકાળ માટે ખોરવાઈ ગયો હતો. આ જ કારણના લીધે એમનામાં એટલી ઉત્કંઠા નહતી જેટલી સંકેતને હતી.

સાંજે પાંચેક વાગ્યાના સુમારે સંકેતને ખબર પડી કે રીચેકિંગનું પરિણામ જાહેર થયું છે એટલે તરત એ મોબાઈલ લઈને અગાસીએ જતો રહ્યો. અગાસી જાણે કે એની ઉદાસી અને એકલતાની સાથી હતી. દરેક સેમેસ્ટરનું રીઝલ્ટ જોતી વખતે જે લાગણીનું મોજું ફરી વળતું હતું એ આજે ફરી હતું. આંગળીઓમાં જે ફફડાટ ત્યારે હતો એ આજે પણ એટલો જ થઇ રહ્યો હતો કારણ કે આજે એ માત્ર રીઝલ્ટ જ નહિ પણ એના મમ્મી અને પપ્પાએ રાખેલી આશાઓની કસોટીનું લેખુજોખું હતું. એનરોલ્મેન્ટ નંબર ટાઈપ થયો, સબમિટ બટન પર ક્લિક થયું અને તરત એણે પોતાની બંને આંખો બંધ કરી લીધી.

થોડી વાર થઇ, એણે પરમ તત્વને યાદ કરીને આંખો ખોલી, અને મોબાઈલની સ્ક્રીન પર લખેલું જોયું ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. રીચેકિંગ બાદ થયેલા સુધારામાં બરાબર એ જ ગ્રેડ ફ્લેશ થઇ રહ્યો હતો કે જે એણે આ વિષય માટે ધાર્યો હતો, “અવ્વલ”! એ લાગણીઓને વહેતી રોકી ના શક્યો, ચોંધાર આંસુઓથી એની આંખો છલકાઈ ઉઠી, જાણે કે સાક્ષાત લાગણીઓનો ઉદધિ ઝરણારૂપે વહેતો હોય. પગથીયા ઉતરતો ઉતરતો સંકેત નીચેના ઓરડામાં ગયો, ત્યાં મુકેશભાઈ અને અસ્મિતાબેન સાથે મળીને કોઠીમાં ઘઉં ભરી રહ્યા હતા. મુકેશભાઈની પીઠ સીડી તરફ હતી એટલે સંકેતને આવતો જોઈ શક્યા નહિ, પણ અસ્મિતાબેનના હાથમાં રહેલા વાડકામાંથી ઘઉં કોઠીને બદલે જમીન પર ઢોળાયા તેથી મુકેશભાઈએ એમની સામું જોયું અને એમની નજર જ્યાં હતી ત્યાં એમણે પણ નજર ફેરવી. તેઓ અચાનક ઉભા થયા અને સંકેતને પગથીયું ચુકી જઈને પડી જવાથી બચાવી લીધો.

“શું થયું બેટા? પગથીયું તો જો! પડી જઈશ”

“પપ્પા! મમ્મી!”, ડૂમો ભરાયો હોવા છતાં સંકેત દબાતા અવાજે બોલી રહ્યો હતો.

“અરે પણ વાત શું છે?”, અસ્મિતાબેને પૂછ્યું.

“જો મમ્મી! મારા સપના હવે ચોક્કસ પુરા થશે, મારા વિશ્વાસે મને દગો ના આપ્યો”, મોબાઈલની સ્ક્રીન બતાવીને સંકેતે કહ્યું.

“મને ભોળાનાથ પર અપાર વિશ્વાસ હતો જ કે આમ જ થશે! એણે મારી લાજ રાખી”, સંકેતના મોબાઈલમાં જોયા વિના જ જાણે મુકેશભાઈ જાણી ચુક્યા હતા કે એ શું હતું.

સંકેતને ક્યાંથી ખબર પડી? એણે કેમ કેમ જાણ્યું? કોણે કહ્યું? એ બધા સવાલો અત્યારે આ પતિ-પત્ની માટે નહીવત મહત્વના હતા. મહત્વનું હતું તો માત્ર એમની શ્રદ્ધા અને દીકરાનું એટલે કે એમનું પોતાનું પૂરું થવા જઈ રહેલું એક ‘સપનું’!!

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED