Kalpnik Vaastvikta - 10 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૦

કાલ્પનિક વાસ્તવિકતા – ૧૦

ભાર્ગવ પટેલ

સૃજલ અને અમી એ એકાદ બે મીનીટમાં આખો ભૂતકાળ, એમનો ઝઘડો અને બ્રેક અપ બધું જ યાદ કરી ગયા. જાણે કે એક ફ્લેશબેક એમના માનસફલક પરથી પસાર થઇ ગયો. બંનેને એમના બ્રેકઅપ પછી ફરીથી મળવાની દુર સુદૂર સુધી કોઈ પરિયોજના નહતી અને કુદરતે બંનેને ફરી એક મુકામે ભેગા કર્યા હતા. પણ પ્રેમી તરીકે નહિ, એક બોસ અને એમ્પ્લોયીના સંબંધે! સૃજલ અમીને આમ અચાનક સામે આટલા સમય પછી જોઇને કેવી રીતે રિએકશન આપવું એ વિચારી રહ્યો હતો. અમી પણ આ જ મૂંઝવણમાં હતી. પણ અમી જાણતી હતી કે હવે એ એનો બોસ હતો, એટલે એણે માત્ર એક એમ્પ્લોયી તરીકે વાતની શરૂઆત કરી,

“હેલ્લો સર! માય નેમ ઈઝ અમી એન્ડ આઈ એમ ન્યુ સી.આર.ઈ. ઇન યોર કંપની”, બોલતા બોલતા અમી સૃજલની સામેની ખુરશી આગળ આવીને ઉભી રહી.

અમીના અવાજમાં હજીયે એ મીઠાશ બરકરાર હતી. આ અવાજે સૃજલના મનમાં રહેલી અમી સાથેની અંતરંગ પળોની યાદ પર તાજા પાણીનો છંટકાવ કર્યા જેવું થયું. અમી આજે પણ એટલી જ ખુબસુરત અને મોહક લાગી રહી હતી કે જ્યારે એ બંનેની રીલેશનશીપ ચાલતી હતી. એનું વ્હાઈટ ટોપ શરીરાંગોને ચપોચપ ચોંટેલું રહીને વળાંકોને ઉજાગર કરતુ હતું. એનું બ્લ્યુ જીન્સ એક પાતળા કમરબંધ (બેલ્ટ) જાણે કે શણગારેલું હતું. ગળાનું મંગળસૂત્ર અને સેથાનું સિંદુર હટાવી દેવાય તો એ અમી એવી જ અમી થઇ જાય કે જે આજથી થોડા સમય પહેલા સૃજલની હતી.

સૃજલ હજી અપરિણીત હતો. અમી સાથે પોતાના ખરાબ વર્તનના લીધે બ્રેકઅપ થયા બાદ એ પછતાતો હતો, કારણ કે એ જાણતો હતો કે અમી જેવી છોકરી હવે એના જીવનમાં કદાચ ભાગ્યે જ આવે! એટલે એણે પોતાની બધી જ આવડત એક દિશામાં વાપરી અને પૈસે ટકે સુખી થયા પછી અમી સાથે સરખામણી થઇ શકે એવી કોઈ છોકરી શોધી લેવાનું નક્કી કર્યું હતું. એ બોસ તો બની ગયો પણ હજીયે એના જીવનમાં, એના સાથી તરીકે અમી જેવા એક સ્ત્રી વ્યક્તિત્વની ખોટ સાલતી હતી. એટલે અમીને આજે એની જ કંપનીમાં એમ્પ્લોયી તરીકે જોઇને સૃજલ મનોમન ખુશ હતો. વળી એ બોસ હતો એટલે એ પદનો ફાયદો ઉઠાવવાનું એના મનમાં થાય એ સ્વાભાવિક હતું, કારણ કે પોતે અમીને ધારે એટલો સમય વધારે કામ કરાવીને પોતાની નજર સમક્ષ રાખી શકતો હતો. એના તો સ્વભાવમાં જ હતું, બીજાની લાચારી, લાલચ અને પોતાની તાકાતનો ફાયદો ઉઠાવવાનું.

“હેલ્લો મિસિસ સંકેત”, એણે પ્રોફેશનાલિઝમ અનુસર્યું અને સંકેત શબ્દ પર ભાર આપ્યો પણ અમીએ એ અવગણીને પૂછ્યું,

“સર, તમે મને આજે મારી ટેરેટરી અને એ બધું કહેવાના હતા?”, અમી માંડ એને સર કહી શકતી હતી એ સૃજલે નોંધ્યું અને કહ્યું,

“તું મને સર નહિ કહે તો વાંધો નથી. માત્ર સૃજલ કહીશ તોય ચાલશે, જેમ પહેલા કહેતી હતી”, સૃજલે નફ્ફટાઈ પર ઉતરવાનું શરુ કર્યું.

“જો સૃજલ”, હવે અમીએ સરની મર્યાદા છોડી, “આપણી વચ્ચે જે હતું એણે એક અરસો વીતી જવા આવ્યો, હવે તું તારી લાઈફમાં સેટ છે અને હું મારી લાઈફમાં! એટલે મહેરબાની કરીને એ બધાનો ફરીથી ભવાડો ના કરીશ”

“શું? હું સેટ છું એમ? તને શું લાગે છે કે આ બોસની ખુરશી પર બેસીને હું સેટ છું?”

“તારે આગળ વધવું જોઈએ, આપણે બંને એકબીજા માટે બન્યા જ નહતા એની કદાચ તને ખબર પડી જ હશે, અને હા એક વાત કહી દઉં કે હું સંકેત સાથે ખુબ જ ખુશ છું. તારી સાથે હતી એના કરતા ક્યાય વધારે”

“તું ભલે ખુશ હોય પણ મારી ખુશીનું શું? આપણી સાથે વિતાવેલી એ સાંજો અને આપણી વચ્ચે થયેલું...”

“બસ કહ્યું ને? એ વાત પર મારે સહેજ પણ ચર્ચા કરવી નથી, હું અહિયાં એક એમ્પ્લોયી છું અને તું મારો બોસ છે! એનાથી વિશેષ આપણો કોઈ સંબંધ નથી”, અમી હવે સૃજલ સામે ગુસ્સે થઇ શકતી હતી.

સૃજલ કંઈ બોલ્યો નહિ. કદાચ અમી હવે એના દબાણમાં નહતી આવતી એ વાત એ સમજી ચુક્યો હતો.

“અને મને મારું કામ અને ટેરેટરી એ બધું સમજાવી દે, જેથી કરીને હું મારું કામ શક્ય એટલું જલ્દીથી શરુ કરી શકું”, અમી માટે સૃજલ હવે બોસ મટીને એક દીવાલ બની ગયો હતો કે જેને પાર કરીને પોતે પોતાની ખુદ્દારી સલામત રાખવાની હતી.

“મારી સેક્રેટરી નેત્રી પાસે બધા ડોક્યુમેન્ટ અને લેટર્સ ફાઈલ કરેલા જ છે, એ તને બધું સમજાવી દેશે”, સૃજલ ઢીલો પડ્યો અને સેક્રેટરી પાસે જવાનું કહી અમીને હલકું ફિલ કરાવ્યું.

“ઓકે”, અમીને જાણે આનાથી કોઈ વાંધો નહતો.

અમીએ નેત્રી પાસે જઈને પોતાના કામની બધી માહિતી લીધી અને ફાળવાયેલા ડેસ્ક પર જઈને બેઠી. એ વિચારમગ્ન હતી કે ‘આ બધું અચાનક મારા જીવનમાં શું ઘટી રહ્યું છે? પહેલા સંકેતનો અકસ્માત અને પછી બોસ તરીકે સૃજલનું મળવું’. વિચારોના બંને કાંઠાઓ વચ્ચે અમી નામની ધારા વહી રહી હતી. પણ હવે કશું થઇ શકે એમ નહતું એટલે અમીએ આ આવી પડેલી પરિસ્થિતિ સ્વીકારી લેવાનું નક્કી કર્યું. અમી આ બધા વિચારોના વમળમાં તણાયેલી હતી અને એટલામાં એની બાજુના ડેસ્ક પર કામ કરતી એક યુવતીએ પૂછ્યું,

“તમે ઓફીસમાં નવા આવેલા લાગો છો મેડમ”

“હં?”

“આજે જ જોઈન કર્યું કે શું તમે?”

“હા આજે જ!, તમે ક્યારથી અહી છો?”, અમી સ્વસ્થ થઈને વાત કરવા લાગી.

“હું લાસ્ટ યર આવી હતી અહિયાં”

“બરાબર”

“કઈ પોસ્ટ પર છો? જનરલી આ ડેસ્ક પર એકાઉન્ટવાળા બેસે છે? તમે કદાચ એકાઉન્ટ્સમાં જ છો”

“ના! મેં અહી એઝ અ સી.આર.એમ. જોઈન કર્યું છે”, અમી જરા ગૂંચવાઈ

“એવું છે?”

“હા! તમે બોસ સાથે બેસીને કન્ફોર્મ કરી લો તો સારું”

“ઓકે”, ફરીથી સૃજલને મળવાના વિચારમાત્રથી અમીને ગુસ્સો આવ્યો, પણ જવું જરૂરી હતું. પોસ્ટ અને ડેસ્ક બદલાઈ કેવી રીતે શકે?

“મેં આઈ કમ ઇન?”, અમીએ સર કહેવાનું રહેવા દીધું.

“યેસ અમી, કમ ઇન”

“મને એકાઉન્ટ્સનું ડેસ્ક કેવી રીતે મળી શકે જ્યારે હું અહી સી.આર.ઈ. તરીકે જોઈન થઇ હતી ને?”

“હા! તારી વાત તો બરાબર છે. પણ હવે તું એકાઉન્ટ્સનું સંભાળીશ એ મારું ડીસીઝન છે. કારણ કે જ્યાં સુધી હું તને ઓળખું છું, તું એકાઉન્ટ્સમાં રહીને કંપનીને વધુ ફાયદો કરાવી શકીશ. સી.આર.ઈ.ની પોસ્ટ તારા માટે લાયક નથી. એમાં કંપનીએ કંપનીએ જઈને આપણા કસ્ટમરને મળવું પડે એ બધું તને નહિ પોસાય”

“સીધેસીધું કહે ને કે હું તારી સામે, ઓફીસમાં જ રહું એટલા માટે તું આમ કરે છે”

“એનું એક કારણ એ પણ ગણી જ શકાય”, અમી પરણી ગઈ હોવા છતાં સૃજલને એમ હતું કે હજીયે એ એની પોતાની જ છે.

“યુ આર સો ડીસ્ગસ્ટીંગ સૃજલ, મને લાગ્યું હતું કે તું આપણા પાસ્ટની કદર કરીશ અને મારો ફ્રેન્ડ બનીને રહીશ, પણ હું ખોટી હતી”

“પણ આમાં ફાયદો તને જ છે, તને તારી ગમતી પોસ્ટ તો મળે છે, એનાથી વધારે શું જોઈએ છે?”

“દયા-દાનમાં નથી જોઈતી”, અમી ગુસ્સામાં બોલી.

“તો અહી હું દયા-દાનમાં નથી આપતો, તું ડીઝર્વિંગ છે એટલે જ આપું છું”

અમીને પણ મનોમન હતું જ કે સી.આર.ઈ.ની પોસ્ટ એના માટે બરાબર નહતી જ્યારે એકાઉન્ટ્સ એનો મનગમતો વિષય હતો. વળી, સંકેતની જોબ હમણાં બંધ હતી અને બીજો કોઈ સૃજલની ઓફીસમાં કામ કરવા સિવાય અન્ય કોઈ ઓપ્શન પણ એની પાસે નહતો એટલે એણે છેલ્લે એ સ્વીકારવી જ પડી. એના અને સૃજલ વચ્ચેના ભૂતકાળના સંબંધોની ઓફીસમાં કોઈને નહતી અને એવું થાય એ અમી ઈચ્છતી પણ નહતી એટલે સૃજલથી નિશ્ચિત અંતર રાખવાના નિર્ણય સાથે અમીએ જોબ જોઈન કરી.

જોબનો પહેલો દિવસ પૂરો થયો અને એ સાંજે એ ઘરે પહોચી. સંકેત બેડ પર ટેકો લઈને બેઠો એની રાહ જોતો હતો.

“કોઈના આવવાની રાહ જોવી એ કેટલો સુંદર અનુભવ છે નહિ?”, અમીના આવતાવેંત સંકેતે કહ્યું, “તું ઘણા સમયથી નસીબદાર હતી અને હવે આ નસીબ મને સાંપડ્યું છે”

“હમ્મ્મ્મ”, અમીએ માત્ર આટલો જ પ્રત્યુત્તર આપ્યો.

“કેવો રહ્યો પહેલો દિવસ?”

“ફ્રેશ થઈને મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે”

“અગત્યની એટલે કેવી?”

“એટલે અગત્યની!”

“અચ્છા એટલે અગત્યની એમ ને?”, ઓફીસમાં જે બન્યું હતું એનાથી અજાણ સંકેત મજાકના મૂડમાં હતો.

“પ્લીઝ, મજાક ના કરીશ અત્યારે”, અમીના અવાજમાં લાચારી સાફ જણાઈ આવતી હતી એટલે સંકેતે થોડા ગંભીર થઈને પૂછ્યું, “શું વાત છે?”

“કહ્યું તો ખરું, ફ્રેશ થઈને કહું છું”

“હા વાંધો નથી”

થોડી વારમાં અમી આવીને બેડમાં સંકેત સાથે બેઠી.

“કેવું છે હવે તને? ડ્રેસિંગ બરાબર કર્યું આજે નર્સે?”

“હા! એ આમ તો ટાઈમ પર આવી જ જાય છે અને ડ્રેસિંગ પણ સારી રીતે કરી આપે છે, વાગ્યાને હજી થોડો જ સમય થયો છે, એટલે રિકવરીનો કોઈ ખ્યાલ નથી”

“બરાબર, સરસ”

“હા તો બોલ હવે શું કહેવાની હતી?”

“જે વસ્તુ ભૂલીને આગળ વધી ગયા હોઈએ એ વસ્તુ અચાનક આમ સામે આવીને ઉભી રહે ત્યારે નસીબ પર પહેલા કદીયે ના આવેલો ગુસ્સો આવે યાર!”

“કેમ શું થયું છે? જરા વિસ્તારથી કહીશ?”

“મારો બોસ સૃજલ છે”, અમીએ વાત લંબાવ્યા વિના કહી દીધું.

થોડી વાર માટે બંનેમાંથી એકેય કાંઈ બોલ્યા નહિ કે પછી એકેયથી બોલાયું જ નહિ. માત્ર પંખાનો ધીમો ધીમો અવાજ સંભળાતો હતો.

“ઉપરથી એણે હું ઓફિસમાં જ એની નજર સામે રહું એટલે સી.આર.ઈ. માંથી મને એકાઉન્ટ્સમાં પહેલા જ દિવસે ટ્રાન્સફર કરી દીધી.”, અમીએ ચુપ્પી તોડી.

“હમ્મ્મ્મ”, સંકેતે ટુંકાવ્યું.

“એક તરફ મારી આપબળે જીવન જીવવાની મથામણ અને એક બાજુ નસીબની આવી હેરાન કરી મુકતી અટકચાળી.. હું કંટાળી હવે સંકેત”, કહીને અમીએ સંકેતની છાતી પર માથું મુક્યું. સંકેતને ભીનાશ મહેસુસ થઇ પણ એ કશું બોલ્યો નહિ કારણ કે એ અમીનું દુખ સારી રીતે સમજી શકતો હતો. એટલે એની ખારાશને વહી જવા દેવા માંગતો હતો.

“આવું બધું આપણી સાથે જ કેમ થાય છે?”,અમીએ રડતા રડતા જ કહ્યું.

“કદાચ આપણે એના હકદાર હોઈશું એટલા માટે સ્તો”

“હદ હોય યાર! બધું હવે લીમીટ બહાર જાય છે”

“શાંતિ રાખ, બધું જ એના ટાઈમે થઇ સારું થઇ જશે”

“હવે હું શું કરું યાર? જોબ કરું કે ના કરું એ જ મોટો સવાલ છે હવે”

“તારે જોબ ના કરવી જોઈએ, કારણ કહું તો કરવામાં વાંધો નથી. પણ, માત્ર તું જ સૃજલને બોસ તરીકે જુએ છે, એ તને એની એમ્પ્લોયી તરીકે નથી જોતો એ વાત ચોક્કસ છે”, સંકેતે કહ્યું.

“હમ્મ્મ્મ”

“તું નિષ્ઠાથી કામ કરવા જઈશ તો પણ કનડગત કરીને એ તને હેરાન કરવાનો જ છે એ વાત નક્કી છે”

“હા એ તો છે જ! આજે એના રંગ જોઇને હું એટલું તો ચોક્કસ કહી જ શકું છું”

“બસ, તો આ જ વાક્યમાં તારા સવાલનો જવાબ છે. તારે જોબ ના જ કરવી જોઈએ”

“પણ પછી શું? ઘરમાં પૈસા ક્યાંથી અને કેવી રીતે આવશે? મારે હવે બીજી જોબ શોધતા દિવસો લાગશે, અને એક વાતે હું મક્કમ છું કે તારા કે મારા બંનેમાંથી એકના પણ ઘરેથી પૈસા ના આવવા જોઈએ, બસ”

“મેં હજી જોબ છોડી નથી કે મને કંપની તરફથી રાજીનામું મુકવાનો કોઈ મેસેજ નથી આવ્યો, કદાચ એ લોકો મેડીકલ અલાઉન્સ આપે પણ ખરા”

“તારી વાત થઇ?”

“મેં આજે બપોરે વાત કરી”

“શું કહ્યું?”

“એપ્લીકેશન આપવા માટે કહ્યું છે, જે મેં બપોરે મોકલી દીધી છે, રીપ્લાય હમણાં જ આવ્યો છે, મેં હજી વાંચ્યો નથી”

“તો વાંચ જલ્દી”

“સંકેતે મેઈલ ખોલ્યો, જેમાં અંગ્રેજીમાં કંઈક આવું લખેલું હતું”

‘ડીયર સંકેત,

તમે રેગ્યુલર કંપનીની ટ્રાન્સપોર્ટ બસમાં આવ-જા કરતા હતા. આથી જો બસમાં કોઈ અકસ્માત થયો હોત તો કંપની તમારી ઈજા માટે જવાબદાર હોત, પરંતુ તમે પ્રાઈવેટ બાઈક પર હતા અને અકસ્માત થવા પામ્યો હોઈ એની કોઈ જ જવાબદારી મલ્ટીકેમ કંપનીની બનતી નથી. ઉપરાંત તમે કંપનીમાં ટ્રેનીંગ બેઝ પર છો એટલે મેડીક્લેમની રકમ મળવાપાત્ર નથી. તમે ચાહો તો સીક લીવ લઇ શકો છો. પણ સીક લીવની લીમીટ પૂરી થયા બાદ વધારાની રજાઓનો પગાર તમને મળવાપાત્ર થશે નહિ, જેની નોંધ લેવી.

ગેટ વેલ સૂન

લી. કોર્પોરેટ ડીપાર્ટમેન્ટ,

મલ્ટીકેમ પ્રાઈવેટ લીમીટેડ’

આટલા લાગણીવિહીન રીપ્લાય બાદ છેલ્લે લખેલું ‘ગેટ વેલ સૂન’ સાવ ગુસ્સો ઉપજાવે એવું હતું. અમી તો ગુસ્સે હતી તો હતી જ, સંકેત પણ ગુસ્સાથી લાલ હતો.

“કંપનીના પરમેનેન્ટ એમ્પ્લોયી નથી તો શું થયું? કમ સે કમ રજાઓનો તો પગાર આપવો હતો! જાણીજોઈને થોડો એક્સીડેન્ટ કર્યો હતો અમે? હાલ કામ નથી કરી શકતો એનો એવો મતલબ થોડો છે કે ભવિષ્યમાં હું સાજો જ નથી થવાનો? સાલા પ્રાઈવેટ વાળાને કોઈનીય દયા નથી, આના કરતા નાનો તો નાનો પોતાનો ધંધો હોય તો સારું! ગવર્મેન્ટમાં તો આમેય ઓળખાણો અને રૂપિયા જ ચાલે છે. આવડતની કોઈ કદર જ નથી”, આટલું બોલતા એના જમણા હાથમાં ઈજાવાળા ભાગે ઝટકો લાગ્યો અને એના મોઢામાંથી સિસકારો નીકળી ગયો.

“અરે સંભાળ જરા”, અમીએ સંકેતને કહ્યું અને ફરીથી એને બેડનો ટેકો લેવામાં મદદ કરી.

“શાંતિથી વાત કર”

“મારે કોઈ શાંતિ રાખવી નથી યાર! કાલે જ રીઝાઈન આપી દઉં છું! નથી રહેવું એવી કંપનીમાં કે જેને મારી કે મારી હાલતની કોઈ કદર કે દયા ના હોય”, સંકેતે નિર્ણયાત્મક થઈને કહ્યું.

આ વાક્ય પછી અમી અને સંકેત બંને નોકરી જાણે કે છોડી ચુક્યા હતા. બંને ધારતા તો આવતીકાલથી જોબ પર જઈ શકતા હતા પણ નહતા જઈ શકતા. નસીબના એવા વળાંક પર આવીને બંને ઉભા હતા કે જ્યાં એક તરફ ખાડો તો બીજી તરફ ખાઈ જેવી સ્થિતિ હતી. રહેવા લીધેલું ભાડાનું મકાન જાણે કે એની ખામોશીમાં હવે પછીને મહીને ઘરમાલિકને રૂપિયા કેમ કેમ ચૂકવવાના છે એવો સવાલ પૂછી રહ્યું હતું. જો સંકેતને એક ક્ષણ માટે અલૌકિક શક્તિ મળી શકી હોત તો એ પોતાના બંને ઘાવને મિટાવી દેવા સિવાય બીજું કશું વિચારતો પણ નહિ.

આ બધું એક જ સમયે ઘટી રહ્યું હતું અને અમી પોતાના કપડા મુકેલા રહેતા એ અલમારી પાસે ગઈ. અલમારી ખોલી અને એમાંથી કશુક બોક્સ જેવું બહાર કાઢ્યું. સંકેતની પાસે બેસીને એણે એ બોક્સ મુક્યું.

“આમાં શું છે?”, સંકેતે પૂછ્યું.

“ખોલીને જોઈ લે, જે છે તે આ જ છે હવે....”....

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED