Majana patangiya books and stories free download online pdf in Gujarati

મજાના પતંગિયા...

  • મજાના પતંગિયા....
  • અશ્ક રેશમિયા
  • દિલની વાત.....
  • મારુ માનવું છે કે બાળકોને બેરોકટોક ખુલ્લમખુલ્લા બાળપણતણા આનંદનો ઓચ્છવ માણવા દેવો એ બાળક માટે સાચું અને સુંદર સ્વર્ગ બનશે.બાળપણ એ ધરતી પરનું સાચું સ્વર્ગ છે.હું માનું છું કે પોતાની પ્યારી દુનિયાની મસ્તીમાં મસ્તાન બનીને માટીમાં,ઉકરડામાં કે કચરામાં કંઈક ગોતતા,રમકડાને ભાગતા-સાંધતા,કૂતુહલપુર્વક કંઈક નવીન કરતા બાળકોને રોકનાર કે ટોકનાર વ્યક્તિએ બાળદ્રોહ કર્યો કહેવાય અને એ બદલ એ વ્યક્તિને બે વર્ષ માટે બાળકોને સાંભળવાની-સંભાળવાની સજા આપવી જોઈએ.

    -અશ્ક રેશમિયા..

    1. પ્રાર્થના...

    ઓ રે ઓ દેવી...માં સરસ્વતી...

    તું ભગવતી માં...

    વિદ્યાની દેવી સૂણ લો મારો પોકાર..

    તું શબ્દ જનની ...

    તું સ્વર દેવી...

    તું જગતારણહાર.....

    વિદ્યાની દેવી સુણ લો મારો પોકાર...

    ધનના ભંડારા ભર્યા તારા ખોળે

    અમ લઈ ઝોળી ઊભા તારે દ્વારે...

    તું આપી દે વિદ્યાદાન...

    વિદ્યાની દેવી સુણ લો મારો પોકાર...

    મયુર પરે દેવી છે તાર આસન..

    કરમહી તારે કલમ ને કાગજ..

    અમ પર કૃપા તું કર...

    વિદ્યાની દેવી સુણ લો મારો પોકાર...

    સબ ધન ખૂટે ચોર આવી લૂંટે

    ખૂટે ન તારો ગ્નાન ભંડાર....

    વિદ્યાની દેવી સુણ લો મારો પોકાર....

    અમે અગ્નાની તારા જ બાળકો...

    કર જોડી ઊભા તારે દ્વારે...

    ઉરે પ્રગટા ગ્નાન તેજ...

    વિદ્યાની દેવી સુણ લો મારો પોકાર..

    ઓ રે ઓ દેવી...

    માં સરસ્વતી...

    તું ભગવતી માં...

    વિદ્યાની દેવી સુણ લો મારો પોકાર..

    ***

    2.

    હે...ફૂલડા ફાગણમાં રંગાણા

    કે એને હૈયે હરખ ન માયે...

    કે ફૂલડાં ફાગણમાં રંગાણા..

    ફાગણિયામાં આંબે મંજરી આવે...

    ફાગણિયામાં કેસુડો કળીઓ ખીલાવે..

    હે...એની ફોરમ મીઠી મીઠી..

  • કે ફૂલડાં ફાગણમાં રંગાણા..
  • હે...ઝાડવા રંગે ચંગે રંગાણા..

    મારા આંગણિમાં છોડવા મંડાણા ..

    એ તો ફોરમ ફેલાવે સારા જગમાં..

    કે ફૂલડાં ફાગણમાં રંગાણા..

    ફાગણિયામાં આવે હોળી-ધુળેટી..

    આંગણિયામાં આવે ઘરૈયાની ટોળી...

    ધુળેટી રંગભરી પીચકારી લાવે...

    કે ફૂલડાં ફાગણમાં રંગાણા...

    એને હૈયે હરખ ન માયે..

    કે ફૂલડાં ફાગણમાં રંગાણા રે...

    ***

    3. વસંત આવી..

    વસંત આવી..વસંત આવી..

    ભવને ભવને પરિમલ લાવી..

    રૂડી રૂપાળી વસંત આૃવી

    ઉરે ઊર્મિભર્યા ધમાલ લાવી..

    વસંત આવી...

    વસંત આવી...

    ખાખરે કેસરિયા કેસૂડા લાવી..

    આંબા ડાળે મ્હેંકતી મંજરી લાવી..

    વસંત આવી...

    વસંત આવી...

    કળીએ કળીએ રંગીલા પતંગિયા લાવી..

    વનઉપવને મધુકરના પુંજન લાવી..

    વસંત આવી..

    વસંત આવી...

    વસંત આવી વસંત આવી...

    રંગ અબીલ ને હોળી લાવી..

    ***

    4.મજાના પતંગિયા..

    તું અહીંયા રમવા આવ, મજાના પતંગિયા

    તારી ઉડવાની રૂડી રૂડી અદા,મજાના પતંગિયા.

    તું ઊંચે ઊડે ને ભૂલડે જઈ બેસે,મજાના પતંગિયા

    તું મ્હેંકે મ્હેંકે કેવું ડોલે, મજાના પતંગિયા.

    તું વનઉપવને જઈ ગીત ગાતું, મજાના પતંગિયા.

    તારી પાંખો સુંવાળી પ્યારી, મજાના પતંગિયા.

    તું આઘે ઊડતું ને ઝટ ઑરું આવતું,મજાના પતંગિયા.

    તારી નાચવાની ગજબની છટા, મજાના પતંગિયા.

    તું અહીંયા રમવા આવ, મજાના પતંગિયા

    તારી ઉડવાની સુંદર અદા, મજાના પતંગિયા.

    ***

    5.મારી ઢીંગલી.

    મારી ઢીંગલી નાની રે...

    નિશાળમાં ભણવા ગઈ'તી રે...

    મારી ઢીંગલીને નાના કાન રે..

    ગીત નવા સુણવા ગઈ'તી રે..

    મારી ઢીંગલીને નમણું એક નાક રે.

    મ્હેંક બાગમાં લેવા ગઈ'તી રે..

    મારી ઢીંગલીને બે હાથ રે..

    પતંગિયાને રમાડવા ગઈ'તી રે..

    મારી ઢીંગલીને લાલ લાલ જીભ રે..

    તગડે ત્રણ રૂડું બોલતી હતી રે..

    મારી ઢીંગલી ઘણી રૂપાળી રે..

    અંબોડામાં ચાર ચાર ફૂલો જી રે..

    મારી ઢીંગલી નાની રે..

    નિશાળમાં ભણવા ગઈ'તી રે..

    ***

    6.બાગમાં આવો..

    આવો પતંગિયા આવો મધુકર

    બાગમાં ફૂલો ખીલ્યા છે..

    ઉડાઉડ કરજો ને

    ગુંજન મહી ભરજો..

    બાગમાં ફૂલો ખીલ્યા છે..

    સમીર સંગ ડોલજો ને

    ઝૂલે જઈ ઝુલજો..

    બાગમાં ફૂલો ખીલ્યા છે.

    ઘડીક આકાશે ને

    ઘડીક કળી પર..

    કોમળ પાંખડી ફેલાવજો રે..

    બાગમાં ફૂલો ખીલ્યા છે.

    ***

    7. દરિયો રે લોલ..

    મારા ગામના કિનારે એક દરિયો રે લોલ..

    મને થાતું કોણે એને ભરિયો રે લોલ..

    મારા ગામને કિનારે..

    ઘુઘવાટ કરતો ને મોંજાઓ ઉછાળતો

    તીરે ટકરાતો ને ભેખડ જઈ ભાગતો..

    લાગે જાણે પાણી કેરો રાજીયો રે લોલ..

    મારા ગામને કિનારે ...

    હૈયે હરખ ભરી નીત હું એને નીરખતો

    મુજ સંગાથે ગાતો મને બુંદથી નવરાવતો

    મને જોઈને આનંદે નાચતો રે લોલ..

    મારા ગામને કિનારે..

    અમાસે ઑટ કરે ને પૂનમની ભરતી

    કર્યો કોણે આ કરિશ્મો રે લોલ..

    જુઓ માથા પર તરાવે કેવી હોડીઓ રે લોલ..

    હો મારા ગામના કિનાર..

    સરિતાના નીરને સૂંડલ-સૂંડલ પીતો

    તોય માતેલો ક્યાં એ ધરાય છે!

    મોંઘા રાખે પેટાળમાં મોતીઓ ર લોલ..

    મારા ગામના કિનારે એક દરિયો રે લોલ..

    ***

    8.આવને મેહુલા...

    આવને આવ ...આવને આવ....

    આવને મેહુલા તું ને આવ..

    પોકાર કરે તારી ધરતીના જીવ રે..

    ભેંકાર ભાસે છે તારી સીમના ઝરણા રે..

    આવને આવ...આવને આવ....

    આવને મેહુલા આવ આવને આવ..

    ટેંહુંકાર કરે તારી ઢેલડીને મોરલા રે..સ

    આવને મેહુલા તું આવને આવ...

    મૂર્છિ થઈ ગઈ તારી સરિતાયુ રે..

    કકળાટે કરે રૂદન તારા ડુંગરાઓ રે...

    આવને આવ...મેહુલા આવને આવ..

    આવને મેહુલા તું આવને આવ...

    ***

    9.સાંજ પડી...

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    સંધ્યા રાણી ખીલ્યા કેવા રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    સીમમાંથી ગોધણ ભાગ્યા કેવા રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    રવિરાજા જુઓ ઘેર હાલ્યા રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    મંદિરે ઝાલર શંખનાદ થયા રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    ગોંદરે બાળભેરૂઓ રમત માંડે રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    ભવને ભવને દીવડાં પ્રગટ્યા રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    નભમાં કેવો ચાંદ ઊગ્યો રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    સિતારાઓએ ઝબકજ્યોત માંડી રે

    સાંજ પડી ભાઈ, સાંજ પડી હો..

    ***

    10. વાંસળીવાળો...

    આવ્યો રે આવ્યો ભાઈ વાંસળીવાળો આવ્યો..

    વાંસળીવાળો આવ્યો અને ગીત નવા લાવ્યો..

    આવ્યો રે આવ્યો ભાઈ...

    વાસળીમાં હવા...

    હવા લાગી ધ્રજવા...

    લાગી એ તો લાગી ભાઈ ગીત ગાવા લાગી..

    આવ્યો રે આવ્યો ભાઈ...

    આવ્યો રે આવ્યો ભાઈ ફુગ્ગાવાળો આવ્યો..

    ફુગ્ગાવાળો આવ્યો અને ફુગ્ગા નવા લાવ્યો...

    આવ્યો રે આવ્યો ભાઈ....

    ફુગ્ગામાં હવા...

    હવા લાગી ધ્રુજવા...

    લાગી એ તો લાગી ભાઈ જગ્યા રોકવા લાગી..

    આવ્યો રે આવ્યો ભાઈ વાંસળીવાળો આવ્યો..

    ***

    11. નિશાળ છોડી નિશાળ છોડી જાશો નહી

    ભણતર ભૂલીને ગણતર ચુકીને..

    ભણતર છોડી જાશો પછી ઘણું ઘણું પસ્તાશો

    મૂરખ થઈ પૂજાશો,પછી નહી આવે આવા દિવસો

    નિશાળ છોડી....

    સાચું કહે છે દુનિયાદારી ભણતર વિનાનો છે ભીખારી

    ભણતર છે પીયુશ પ્યાલો એને ગળે લો ઊતારી

    નિશાળ છોડી...

    ભણતરથી ભવ સુધરશે સંસાર બનશે મીઠો

    જગત નમન કરશે નહી જડશે તમારો જોટો

    નિશાળ છોડી નિશાળ છોડી જાશો નહી..

    ભણતર ભૂલીને ગણતર મૂકીને..

    ***

    12. આંબલીના કાતરા...

    આંબલીના ઝાડવા ઊંચા મારા ભાઈબંધ

    આંબલીના ઝાડવા ઊંચ રે લોલ..

    આંબલીના કાતરા ગમતા મારા ભાઈબંધ

    આંબલીના કાતરા ગમતા રે લોલ..

    આંબલી વીણવા ગ્યા'તા મારા ભાઈબંધ

    આંબલી લેવા ગ્યા'તા રે લોલ.

    કાતરા હેઠા પાડ્યા મારા ભાઈબંધ

    કાતરા નીચે પાડ્યા રે લોલ..

    ખીસ્સા ભરી ભરી લીધા મારા ભાઈબંધ..

    ખીસ્સા ભરી ભરી લીધા રે લોલ..

    કાતરા દુકાને વેચ્યા મારા ભાઈબંધ

    કાતરા ગલ્લે જઈ વેચ્યા રે લોલ..

    રૂપિયાના દાળિયા લીધા મારા ભાઈબંધ

    રૂપિયાના દાળિયા લીધા રે લોલ...

    આંબલીના ઝાંડવા ઊંચ મારા ભાઈબંધ

    આંબલીના ઝાંડવા ઊંચા રે લોલ..

    ***

    13. ભારત ભૂમિ...

    ઓ ભારતદેવી તમોને વંદન હો

    તુ અમારી પૂજ્ય ભૂમિ છો..

    ઓ ભારત દેવી તમોને નમન હો

    તું અમારી પવિત્ર ભૂમિ છો..

    તુંજ ચરણોને વિશાળ સાગર પખાળે છે

    તુંજ મુગટમાં હિમાલય મણિ શોભાવે છે..

    રામકૃષણ બુધ્ધને તે પેદા કર્યા રે

    અમારા કર્મ ધર્મને ઊજાળ્યા રે..

    તુંજ ગોદથી સૃષ્ટિ સંચરી રે

    તું તીર્થોની મહાનગરી રે..

    ઓ ભાગ્યવિધાતા ઓ ભાગ્યની દેવી રે

    જુજવે રંગે વેશ ભાષાથી તું દીપે રે...

    ઓ ભારતદેવી તમોને વંદન હો

    તું અમારી પવિત્ર ભૂમિ રે..

    ***

    14. વાદળિયા રે..

    ઓલા આકાશે કેવા આવિયા રે

    આ રંગ રંગ વાદળિયા રે..

    કોઈ શ્યામ કોઈ ભૂરા આવિયા રે

    આ રંગ રંગ વાદળિયા રે

    નચાવી ઢેલડ ને મોરલા ગ્હેંકાવિયા રે

    આ રંગ રંગ વાદળિયા રે...

    આખુ ગગનમંડળ હેઠે લાવીયા રે

    આ રંગ રંગ વાદળિયા રે

    સારી સૃ્ષ્ટિને કેવી હરખાવિયા રે

    આ રંગ રંગ વાદળીયા રે

    મેઘ ગજવીને વીજળી ચમકાવીયા રે

    આ રંગ રંગ વાદળિયા રે

    ઓલ્યા આકાશે રૂડા આવીયા રે

    આ રંગ રંગ વાદળિયા રે..

    ***

    15. રમકુડી રે ઝમકુડી..

    હા રે અમે પાદરે જઈ રમતા'તા

    રમકુડી રે જમકુડી...

    હા રે અમે ફેરફુંદરડી ફરતા'તા

    રમકુડી રે જમકુડી...

    સૂરજને વળાવવા સંધ્યા રાણી આવતી

    ચાંદ સંગાથે શીળી ચાંદની રે આવતી

    હા રે અમે ગીત રૂડાં ગાતા'તા...

    રમકુડી રે જમકુડી....

    હા રે અમે પતંગિયા સંગ ઉડતા'તા

    રમકુડી રે જમકુડી...

    તમરાં આવે મચ્છર આવે,

    મધુકર આવે ગુંજન આવે,

    હા રે અમે ગામને ગજાવતા'તા...

    રમકુડી રે જમકુડી.....

    -અશ્ક રેશમિયા....

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED