શાયર--પ્રકરણ ૧૨. Rekha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાયર--પ્રકરણ ૧૨.

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૨.

આશા અને કવિ

લગભગ એક વરસ પહેલાંથી ગૌતમ અને મૂળભારથીનો પરિચય શરૂ થયો હતો. અનાયાસે થયેલી પિછાન સમાન આપત્તિની હૂંફ નીચે અનાયાસ પરિચયમાં પરિણમી હતી. વહેવારુ માણસોમાં ગમાર ગણાતા કવિને ફરવા માટે સંધ્યા સમેનો તાપીનો કિનારો રળિયામણો લાગતો હતો. પૂર્વ પશ્ચિમ વહેતા નદીના પટ ઉપર જ્યારે આથમતા સૂર્યનાં કિરણો સંતાકૂકડીની રમત રમતાં, ત્યારે કોઈ વાર નદીનાં પાણી ગુલાબી હાસ્યથી રાચી ઊઠતાં ને નદીનો રેતાળ તટ સંધ્યાના કિરણોની રમતિયાળ દોડાદોડથી જાણે ખીલી ઊઠતો. વાળુ વેળાએ રમતિયાળ બાળકોને જેમ એની માતા હાથ ઝાલીને ઘરમાં ખેંચી જાય, એમ સંધ્યા એ કિરણોને જાણે પોતાના ઘરમાં ખેંચી જતી, ને

ઘડીભર બાળક્ની રમત તૂટતાં એના વદન ઉપર કજિયાળી વાદળી ચડી જાય છે. એમ નદીનાં પાણી ને નદીનો તટ શ્યામગુલાલ રંગનો બની જાય છે. કિરણો જાણે માનો હાથ છટકાવીને હમણાં પાછાં રમવાને દોડતાં આવશે એમ થોડીવાર જાણે નદીનો તટ રાહ જોઈ રહે છે. ધીમે ધીમે એને પણ જાણે ખાતરી થઈ ચૂકી હોય કે હવે કોઈ કરતાં કોઈ આજે તો આવવાનુંજ નથી. એમ નદીનો તટ પોતાની આતુરત સંકેલી લ્યે છે ને પોતે પણ જાણે રમવાનાં વસ્ત્રો બદલીને રાતના સાજ સજવા માંડે છે. ધીમે ધીમે કોઈ દેવમંદિરમાં એક પછી એક દીપકની વાટ પ્રગટતી હોય એમ આકાશમાં તારા ઝબકવા માંડે છે. વિયોગિની વનિતા જેમ દિવસભરની તમામ આતુરતાને શમાવી તે નિરાશાના નિશ્વાસ નાંખે છે, તેમ નદીના પાણીના ઉરમાંથી જાણે શ્યામ્ધેરા નિશ્વાસ નીકળે

છે. દૂર અને નજીક દેવમંદિરોમાંથી આરતીઓની ઝાલરના અવાજો સંભળાય છે.

આ સમય અને આ સ્થાન ગૌતમને સ્વૈરવિહારને માટે ભારે અનુકૂળ હતાં. એને અને બાવાજીને ક્યાંય કરતાં ક્યાંય વિચારસ્પર્શ સરખો પણ થવાનો કોઈ જોગ જ ન હતો. ગૌતમ પોતાની કવિતામાં મસ્ત હતો. બાવો પોતાના અગ્નાનમાં એટલો જ મસ્ત હતો. ગૌતમ જેમ પોતાની ધૂનમાં રંગાઓ હતો તેમ બાવો પણ પોતાની ધૂનની ધૂણી જાગતી રાખી બેઠો હતો. એની અસાધારણ તાકાત એનું અભિમાન હતી. એ અભિમાન હજી એ જાળવી રાખી બેઠો હતો. વતનના સમાચાર મેળવવામાં પોતાને જોખમ હતું ને બાવાની ગેરહાજરીમાં એના ગામગરાસ એના છોકરા ભોગવતા હતા એની બાવાને

ગેરહાજરીમાં એના ગામગરાસ એના છોકરા ભોગવતા હતા એની બાવાને ખબર હતી. પોતે પાછો જાય તો એ ગામગરાસ જોખમમાં મુકાય એમ હતું. સરકાર હજી બળવાને ભૂલી નહોતી. ને બળવાના આગેવાનો એમના ભાઈબંધો ઉપરનો એનો કિન્નો હજી દશ વર્ષ પછી પણ શમ્યો ન હતો. બળવામાં ભાગ લેવાને કારણે હજી સુરતની સદર

અદાલતમાં તપાસો ચાલતી ને ફાંસીઓ થતી. એટલે બાવો મૂળભારથી તાપીને તટે હરમાનના

સિંદુર રંગ્યા પથરા સામે પલાંઠી વાળી બેઠો હતો. તંબૂરો વગાડતો. ભજન ગાતો. ગામમાં

માગવા જતો ઃ ને પ્રસંગ આવ્યે એની તાકાતનો પરચો આપતો.

આમ ગ્યાન અને અગ્યાન, બુધ્ધિ અને અબુધ્ધિને બેઠક-ઉઠક્નો સંબંધ હતો. બાવા પાસેથી પોતાને કાંઈ શીખવાનું હોય એમ ગૌતમને લાગતું ન હતું, ને આ ભણેલા કવિ પાસેથી પોતાના

કામનું પોતાને કાંઈ મળે એમ બાવાને કદી લાગ્યું ન હતું એટલે બે વચ્ચેનો સંબંધ સ્વાર્થ વગરનો

હતો. સમાનકાળે સમાન આપત્તિમાંથી ઉપસ્થિત થયેલો પરિચય જાળવી રાખવા પૂરતો

હતો. આ બાવો સારો માણસ હતો. દેશદાઝ જાણનારો હતો. મરદાનગીને પારખનારો હતો. બાકી તો આવા વેશધારીઓ જ આ દેશના પતન માટે મોટે ભાગે જવાબદાર છે, એવો ગૌતમનો

મત હતો. ને આ ભણેલો માણસ તો સારો હતો. છાતીએ જોરવાળો લાગતો હતો. વટનો સમજનારો ને જાળવનારો હતો બાકી તો આવા ભણેલાઓએ જ આ દેશમાંથી ધરમ, કરમ, જપતપની ભારી

બરબાદી કરી છે એવો બાવા મૂળભારથીનો મત હતો. ને એ પરસ્પર વિરોધી મતોના તાણાવાણા વણવામાં, વધારવામાં બેયનો સંધ્યાનો સમય ક્યાં ચાલ્યો જતો એની એ બેને ખબર

નહોતી પડતી. એક સારો બાવો ને બીજા ખરાબ બાવાઓ માટે ગૌતમ પાસે દ્રષ્ટાંતોની કમીના ના હતી ઃ ને એક સારા ભણેલા ને બીજા વેદિયાઓ માટે બાવાજી પાસે દાખલાઓની ઊણપ

ન હતી. એમ એક વરસ વહી ગયું હતું. ને એ વરસ દરમિયાન બેમાંથી એકેયે પોતાની અંગત વાતો કરી નહોતી.

એટલે બાવાજીની થેલી ગૌતમના ખિસ્સામાં મોટો ભાર કરનારી થઈ. પણ એથીએ મોટો ભાર એના હૈયા ઉપર કરવા લાગી.

આજસુધી પોતાના ઘરની સ્થિતિનો એણે વિચાર જ નહોતો કર્યો એમ ન હતું. પરંતુ નિત્યપ્રસન્ન આશા એને એવી વાતોમાં રસ લેવા દેતી નહોતી. આશા એને એક જ નિશાન રાખવાને કહેતી કે,

પુસ્તકો છપાવવાની બધી પૂર્વવિધિઓ ચાલે છે. એ વિધિ પૂરી થાય ત્યારે એની પાસે છપાવા જોગ સાહિત્ય તૈયાર હોવું જોઈએ. બીજું બધું હું સંભાળી લઈશ ! રાતે કે બપોરે તેઓ સાથે બેસી

ને કવિતાઓ વાંચતાં. ચર્ચતાં... આવા વાતાવરણમાં ગૌતમને એ પ્રશ્નની ગંભીરતા સમજાઈ નહોતી.આજે આ બાવા મૂળભારથીએ એક કોથળી આપી. કોથળીમાં રૂપિયા હતા. ને એ રૂપિયા ભોળા

ભક્તોએ, એક માણસે પોતાની જાત છુપાવવાને માટે માંડી દીધેલા હનુમાનને ધરેલા પાઈ

પૈસામાંથી થયા હતા. બાવાજી પોતાની સક્ષ્મ નજર માટે તો જાણીતા ન હતા. ને ગૌતમે કદી બાવાજી આગળ અંગત વાતો વિગતે કરી ન હ્તી ઃ તો બાવાજીને આ શું સૂઝ્યું ?

ગૌતમના હોઠ દાંતમાં ભિડાયા, છેક બાવાજી સુધી પહોંચે એટલી હાલત ખરાબ હશે ? આશાએ શા માટે એને અંધારામાં રાખ્યો હશે ? એક તોલડી તેર વાનાં માંગે. ને દરેક વાનાંના કાંઈ ને

કાંઈ દામ દેવા પડે. પુરાણોની વાતો બાજુએ રાખીએ, લોકકથા બાજુએ મૂકીએ. આ ઓગણસમી સદીમાં કોઈ કરતાં કોઈ હાટવાળો એક ભજન સાંભળીને ધીની તાંબડી ભરી નથી આપતો.

કે એક શ્લોક વાંચીને લાખ સોનામહોર દેતો નથી. તેમ આકાશમાંથી દેવ ઊતરીને પણ કોઈ સોનાનો શંખ કે કોઈ નાગમણિ કે પારસમણિ આપતા નથી. આવા ચમત્કારો કોઈ દિવસ થયા

હશે કે નહિ એ વાત બાજુએ રાખીએ તો ય ઓગણીસમી સદીમાં તો હરગિજ થવાના નથી જ, એની ગૌતમને ખાતરી હતી. કેટલાયને દાટેલા ધન મળે છે, અણધાર્યા વારસા મળે છે. પરંતુ

પોતાને માટે આવો ચમત્કાર કે ઉપકાર કોઈ કરવાનું નથી એ વિષે પણ ગૌતમને શંકા ન હતી.

...... તો આશા શું કરતી હશે ? જ્યાં રવિ ન પહોંચે ત્યાં કવિ પહોંચે. પણ આ તો જ્યાં કવિ પણ ન પહોંચે એવો વાણિયાના હાટનો સવાલ હતો.

પોતે ધૂનમાં મસ્ત રહ્યો. તે પોતાની મસ્તીનું ગુમાન ધારી રહ્યો. ખાવાપીવા, શાક , અનાજ, ધી, તેલ, મસાલા જેવી કવિત્વના રસથી સદંતર વંચિત એવી વસ્તુઓથી પોતે પર છે એવી એની

આજ સુધીની સ્પૄશ્યતા વાજબી હતી ખરી ?

એ ધીમે ધીમે ચાલતો હતો. જાણે એના માથા ઉપર કોઈ ભારે મહાબોજ હોય એમ. એક એક પગલે એના હૈયામાંથી કેટલાંક જોયેલાં પણ આજ સુધી સમજવાની બિલકુલ તકલીફ નહોતી

લીધી એવા દ્ર્શ્યો, એની આંખ સામે તરતાં, ચિત્રની જેમ, વર્ષાની વાદળીની જેમ તડકો છાંયો રમવા લાગ્યાં. મોડી રાતે છાનોમાનો આવતો ગવરો--ગવરીશંકર.... કેટલીએ વાર માંથું કે

પેટમાં દુઃખવાનું કહીને ખેંચી કાઢતી આશા....

શું પોતે મયારામની મદદનો અસ્વીકાર કરવામાં આશા ઉપર ગજા ઉપરનો બોજો નાખવાનો ગુનેગાર નહોતો ? પોતે આજ સુધી ક્યાંય કામ નહિ શોધવામાં આશા તરફ નઠોરતાનો અપરાધી તો નહોતો ? એ ઘર આગળ આવ્યો. ઘરમાં આશા અને ગવરો વાત કરતાં હ્તાં. રાત પડી ગઈ હતી. થોડી વાર આડીઅવળી વાત કરીને ગવરો ઊઠ્યો ઃ ' લ્યો. ભાઈ ગૌતમ ! હું જાઉં છું. આશાબહેન

વાત કરશે. '

' શી વાત ? '

' આશાબહેનને મોઢેથી સારી લાગશે તમને. ' કહીને ગવરો ઘર બહાર નીકળતાં બોલ્યો ઃ ' ભાઈ, મોટા માણસ થાઓ ત્યારે આ ગવરાને યાદ કરજો હો. '

' તમને ભૂલું, કાકા ! ' ગૌતમના અવાજમાં આજ વધારે અર્થ ભરેલો આશાને લાગ્યો ને એ ગૌતમ સામે તાકી રહી.

ગવરીશંકર ગયા પછી ગૌતમે કહ્યું ઃ 'આશા ! આમ આવ. મારી પાસે ખાટે બેસ. મારે તારી સાથે આજ ગંભીર વાતો કરવી છે. '

ગૌતમને આશાનો ચહેરો કાંઈક વ્યગ્ર લાગ્યો. એ ધીમે ધીમે આવીને બેઠી. ગૌતમે ધીમે ધીમે ખાટ હીંચકવા માંડી.

' આશા, મારાથી કાંઈ દિલચોરી રાખીશ નહિ. સાચી વાત કરી દેજે. '

આશાએ ચમકીને ગૌતમની સામે જોયું. એના અવાજમાં કાંઈક નવો રણકો એને લાગ્યો. એની આંખમાં આજ એને કોઈ નવી વાદળી દેખાઇ. ખાટ ઉપરથી એ એકદમ ઊભી થઈ ગઈ.

' તમને સૂઝ્યું ? ઘણું મજાનું. '

' હા. મને સૂઝ્યું. સુઝતું તો કેટલાક વખતથી હતું, પણ આજ બાવાજીનો વ્યવહાર જોઈને હૈયે વસી ગયું. '

' વાહ. મજાનું. બસ હવે માંડો લખવા. હવે તમને જંપવા દઉં તો આશા મારું નામ નહિ. '

' તું શેની વાત કરે છે ? '

' વાહ. આ ઘરમાં બીજી કોઈ વાત થાય છે ખરી કે તમારે મને પૂછવું પડે ? તમારા મહા કાવ્યની જ હું વાત કરું છું. બસ હવે તમને સૂઝી ગયું. હવે વાર શેની ? માંડો લખવા. એવું લખો કે

જાણે ધરતી ઉપર દાવાનળ જાગ્યો લાગે. એવું લખો કે જાણે આ શહેરમાં ભારે ભયંકર આગ લાગિ હોય, માણસો બહાવરાં થઇને જીવવાના વલખાં મારતાં હોય, મા-બાપ ને એના બાળકો, ભાઈ અને ભાઈ, બહેન અને ભાઈ, પતિ અને પત્ની--એક માત્ર જીવવાનાં ઝાવાં નાંખતાં માણસની કાયરતા કેટલી બધી થઈ છે. એનાં નીતિનાં, સદાચારનાં, સ્વમાનનાં, સંસ્કારનાં, સંબંધનાં બંધાનો કેમ જાણે ખાક થઈ ગયાં છે.

જાણે માણસ બળતા ઘરમાંથી પોતાના બુઢ્ઢા બાપને છોડીને, પોતાની અંધ જનેતાને છોડીને, પોતાની વ્હાલસોયી પત્નીને તરછોડીને, પોતાનાં અસહાય બાળકોને તજીને કેવળ ધનનાં પોટલાં માથે લઈને બહાર આંધળી દોટા મૂકે છે.... મારા ગૌતમ ! આજ આખા દેશમાં આવો દાવાનલ લાગ્યો છે, આજ નીતિનાં બંધન નબળાં બન્યાં છે. આજ માણસને ન્યાય, નિયમ, નીતિ તમામ

ચૂકીને કેવળ પૈસા મેળવવાનું ગાંડપણ વળગ્યું છે..... પાદેશી આક્રમણનો દવ લાગ્યો છે, ........એ બધુંયે તમે ચીતરો ! આ દેશના લોકોની પડતી કેમ થઈ એનો હૂબહુ ચિતાર ખડો કરો.

કેવી પડતી થઈ છે, આજ દેશનાં સ્ત્રીધનનો, બાલધનનો, યૌવનધનનો કેવો ઉઘાડો વ્યભિચાર ખેલાઈ રહ્યો છે, લોકોની એ સર્વમુખી અંધતાનો આજે શાસ્ત્રને નામે, સમાજને નામે, રૂઢિને

નામે, રિવાજને નામે, ધર્મ ને નામે, કેવો ગેરલાભ લેવાય છે અને ભભૂત ચોળતા બાવાથી માંડીને કાયદાની ઓથ નીચે રાજ કરતા સાહેબ સુધીનાં માનવીઓ જળો બનીને સમાજનું, પ્રજાનું

લોહી કેમ ચૂસે છે...... એ બધું બતાવો, નિર્દય થઈને બતાવો, શબ્દોમાં વીંછીના ડંખ ભરીને બતાવો, વાણીમાં સૂસવતા સાપના સૂસવાટા ભરીને બતાવો..... અને પછી જાણે એ તમામ

આગ ઉપર, પીડા ઉપર, આપદાઓ ઉપર જાણે ધીમે ધીમે ગંગાનો પાવનકર પ્રવાહ રેલાતો હોય એમ સ્વમાન, સ્વાભિમાન, સ્વદેશાભિમાન......... પ્રેમ...શહૂર... ની ભાવનાઓ વહાવો. '

આશાનો લાલ લાલ ચહેરો જાણે ઉષાના રંગથી રંગાયો. પ્રાતઃસંધ્યા જાણે અવનિ ઉપર સદેહે અવતરી આવી. હજારો વર્ષની સંસ્કૄતિની જિજીવિષા જાણે મૂર્તિમંત આવી ઊભી. ક્ષણભર

ગૌતમ એ દ્ર્શ્ય જોઈ રહ્યો. ક્ષણભર એ આ સ્વપ્નને જાણે આંખોથી પી રહ્યો.

પછી એણે દીર્ધ નિશ્વાસ નાંખ્યો.

' એ બધું ગયું આશા ! હવે હું કવિતા લખવાનો નથી. '

ઝડપથી નીતરેલા ગુઅલબ ઉપર જાણે એકાએક સૂર્યનાં ઉગ્ર કિરણો પડ્યાં. ' તમે....તમે ....કવિતા લખશો જ નહિ ? '

' ના. મને એજ સૂઝ્યું હતું અને હું તને આજ વાત કરતો હતો. ' ધીમે પગલે આશા ગૌતમ પાસે આવી ખાટ ઉપર બેઠી. ' એમ કેમ ? '

' કવિતાઓ લખવી એ બેવકૂફીનું કામ છે એમ મને સમજાઈ ગયું. આ મુલકમાં સ્વદેશાભિમાન, પ્રેમ ને શૌર્યનાં સ્વપ્નાંઓ જોવાં એ નર્યું નીતર્યું વેદિયાપણું છે. આ મુલક, આ પ્રજા કદી

ઊભાં થવાનાં નથી, ને એના મરેલા બોલાને મારે માથે વહોરીને હું દટાવાનો નથી, --- ને તને દટાઈ જવા દેવાનો નથી. અજગર જેવો આ ખાઉંધરો ને તોતીંગ દેશ આજે કેવળ ભસ્મના

પૂંજ સમો બન્યો છે. એનાં મૂર્દામાં પ્રાણ પૂરવાનો શોખ રાખવો એ કેવળ કાં અમીર કે કાં ફકીરનું કામ છે. એમને એ શોખ પાલવે. હું અમીર પણ નથી. ફકીર પણ નથી. મે આવતી કાલ

સવારથી નોકરી શોધવાનું નક્કી કર્યું છે. '

' કોણ આ મારો ગૌતમ બોલે છે ? '

' હા. તારો ગૌતમ બોલે છે. સમજી. એ ગૌતમ તારો છે માટે બોલે છે. એ ગૌતમે એના બાપને મરવા દીધો પરંતુ તને એ મરવા દેવા માંગતો નથી, માટે એમ બોલે છે. આશા ! બેવકૂફી

નીયે હદ હોય છે ને મારી હદ આવી ગઈ છે. શું તારી આંખો રોજરોજ આવતી કાલની ચિન્તાથી ઝાંખી થવાને સરજાયેલી છે ? શું તારા હાથ ઘરનાં એઠાં વાસણકૂસણુ માંજવાને સરજાયાં છે?

શું તારો દેહ ફાટ્યાતૂટ્યા થીગડાં દીધેલાં ગાભા પહેરવા માટે સરજાયો છે ? શું તારા કેશ પૈસાના તેલ વગર રૂક્ષ થવાને માટે સરજાયાં છે ? નહિ બને. આશા, એ કદી બનશે નહિ. મારે

ઘેર અપ્સરા આવી છે. એને હું ભૂખડી મજૂરણ બનાવવા માંગતો નથી. મારે ઘેર બુલબુલ આવ્યું છે, એને હું કોયલા જેવી બનાવવા માંગતો નથી. મારે ઘેર કંચનની મૂર્તિ આવી છે. એને

હું કથીરનું પૂતળું બનાવવા માગતો નથી. મૂકી દે બધા કાગળો. ઉંચા મૂકી દે. ભૂલી જા કાવ્યો ને મહાકાવ્યોની વાતો ! ભૂલી જા. આવતી કાલે તારા ગૌતમ નોકરી શોધવા જવાનો છે. '

' મેં કદી પણ તમને કહ્યું છે ગૌતમ કે હું જરાયે દુઃખી છું ? મેં કદીયે તમને કહ્યું ચે કે હું જરાયે અસંતુષ્ટ છું. મે કદીય તમને કહ્યું છે કે મારે મારો સ્વપ્નઘેલો ગૌતમ બદલાવીને ધી, તેલ

ને મસાલાની જડતાથી સ્થૂળ થયેલા ચહેરાવાળો ગૌતમ મારે જોઈએ છે? મેં તને કદી કહ્યું છે કે મારે વ્યોમવિહારી ગૌતમ બદલાવીને ધરતી ઉપર પેટ ઘસડીને ચાલતો મનુષ્યજંતુ

જોઈએ છે ? તમને આજે થયું છે શું ? 'ગૌતમે પોતાના કોટના ગજવામાંથી કોથળી કાઢી. એનું મોઢું છોડીને એ ઊંધી વાળી. એમાંથી પાઇ પૈસા આના પાવલાંનો વરસાદ નીચે ખણખણી રહ્યો.

' મને થયું છે આ. જેની બુધ્ધિ માટે કદી માન ન હતું એવા માણસે મારા ઘરની હાલત ઉપર દયા ખાઈને મને આ ભેટ આપી છે. '

' કોણે ?'

' બાવા મૂળભારથીએ. એ રાજપૂતે પોતાની જાત છુપાવવાને બાવાનો વેશ લીધો છે. એક પથરો સિંદુરથી રંગીને એના હડમાન કર્યા છે. એ હડમાન આગળ અંધશ્રધ્ધાળુ ભાવિકોએ ધરેલી

આ ભેટ છે. એ ભેટ એ આજે મને આપે છે. સમજી ! '

આશા હસી ઃ ' એક બિચારા ભોળા માણસે પોતાની રીતે તમારા તરફ માયા બતાવી, એમાં આટલો બધો રોષ ? પણ ગૌતમ ! આ કોથળીમાંની એકએક પાઈ, એનો એકએક પૈસો કહી

રહ્યાં છે કે તમારે માટે હવે બે જ માર્ગ છે ઃ કાં તો તમે હનુમાન જયંતિયે ઊંચે ચડો. ને કાંતો પથ્થર આગળ એક પાઈ મૂકીને પોતાની તમામ આપદાઓ દૂર થશે એમ માનનારા

અંધશ્રધ્ધાળુ જડભરતથીયે નીચા ઊતરો. ' આશાએ નીચે વેરાયેલું પરચૂરણ એકઠું કરીને કોથળીમાં ભરવા માંડ્યું. પછી ઉમેર્યું કે ઃ ' બાવાજીની આ ભેટથી તમારું માથું આટલું ભમી

ગયું. તો પછી મારે તમને સમાચાર આપવાના છે એનાથી તો કોણ જાણે શું થશે ? '

' તારે મને સમાચાર આપવાના છે? શેના ? શું ? '

'ધીરા પડો. કવિરાજ ! મગજનો પારો જરા નીચે ઊતરવા દો. '

' બોલ તો ખરી. '

'બોલું છું. ' આશાએ કોથળીનું મોં બાંધી ઊંચે મૂકી પાછી એ ખાટ ઉપર આવીને બેઠી ઃ ' ગવરીશંકર આવ્યો હતો. એનાં ઉપર મયારામ કાકાનો કાગળ આવ્યો છે. '

' હા. શું ? '

' કાકા લખે છે કે છાપખાનું સુરતમાં નંખાઈ ગયું છે. કાગળ વગેરે માટે તેઓ પૈસા મોકલે છે. માટે તમે છાપખાનાવાળા સાથે તમારાં પુસ્તકો છપાવવાની તજવીજ શરૂ કરો. 'ગૌતમ ખાટ ઉપરથી કૂદકો મારીને ઊભો થયો. ' આશા, આશા, આપણી મજલ પૂરી થઈ આખરે. મારી ને તારી. હવે જોઈ લે

ઝપાટો મારો. મુલક સળગાવી ના મૂકું તો જાણજે મારું નામ ગૌતમ નહિ. '

આશાએ પૂછ્યું ઃ ' તો પછી કવિતા તો લખવી છે ને ? '

' હા. લખવી છે. લખવી છે. એકાદ ક્ષણ તો રાજા રામને યુધિષ્ઠિરને ય નબળાઈ આવી ગઈ હશે. બાકી..... બાકી તો..... '

' બાકી તો ? '

' અરે મૂળભારથી જેવાને પથ્થર ઉપરની શ્રધ્ધામાંથી આજીવિકા મળી રહે છે તો મારી શ્રધ્ધા તો સરસ્વતી ઉપર છે ને. '

' હવે મારો ગૌતમ બોલે છે. મને તો એવી બીક લાગી કે આને આજ શું ભૂત ભરાયું ? '

' ચાલ એ વાત રહેવા દે. નબળાઇની ઘડી આવે એટલા આપણે માણસ છીએ, દેવ નથી. હવે મને એ વાત જ યાદ ના કરાવતી હો. લે ખાવાનું આપ હવે. '

' આજ તો મારું માથું સખત દુઃખતું હતું ને , તે ધરમાં કાંઇ નથી કર્યું. થોડા પૌઆ છે. બીજું અત્યારે તો કાંઇ નથી. '

' પૌઆ ચાલશે. માનશું કે આજ શરદ પૂનમ છે. આજ આનંદ છે. ઉમંગ છે. આશા છે..... ને પૌઆ છે. માણસને એથી વધારે જોઈએ પણ શું ? '

(ક્રમશઃ)