Shayar - 11 books and stories free download online pdf in Gujarati

શાયર - 11

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૧.

હૈયાની લગન

બાવાજી મૂળભારથીએ કહ્યું ઃ ' કવિ, તમે કવિતાઓ લખો એટલે કવિ કેહવાઓ છો કેમ ? '

' હા બાવાજી. એ ભૂત મને વળગ્યું છે ખરું. '

' એમાં કાંઈ દમ ખરો કે ?'

' તમારો સવાલ હું ન સમજ્યો. '

' વાહ સીધો સાદો સવાલ છે. ને તમે ન સમજ્યા. અગમનિગમની વાત જાણે એ કવિ ને તમે સીધી વાત પણ ન સમજ્યા ? '

' સમજ્યો તો ખરો. પણ ન સમજ્યા જેવું. તમારા સવાલનો મતલબ મને નથી સમજાતો. '

' અમારી બાજુ તો ગઢવી કવિતા બોલે તો મડાં બેઠાં થાય. એક બોલમાં તો એ હૈયાની વાત કરી નાંખે. ગઢવી જ્યાં જાય ત્યાં એનાં માન થાય. એને સહુ બોલાવે. ભાવથી જમાડે. ડાયરો જામે

ને ગઢવી ડાયરામાં મોરલાની જેમ ગહેકે ત્યારે સાંભળનારની કસના કડાકા થાય. તમારું આવું કાંઇ દેખાતું નથી, એટલે પૂછ્યું. ખોટું ન લગાડશો. '

' ખોટું તો શું કામ લગાડું ? કેમકે જે તમે કહો છો એ મારે કરવું છે. મારા હૈયામાં એજ અગન છે. એજ લગન છે. એજ ધૂન છે. પરંતુ તમારા ગઢવીમાં ને મારામાં એક મોટો ફેર છે. '

' શું ?'

'તમારા ગઢવીને તો એક મોટી સગવડ છે. એની પાછળ ઇતિહાસ છે. એની પાછળ ભાવના છે. એની પાછળ ખરી કદર કરવાનું પીઠબળ છે. '

' આ તમારી વાત મને ન સમજાણી. '

' કેમ સમજવું ? તમે ગઢવીની કવિતા સાંભળવા બેસો છો ત્યારે તમને તમારી વિદ્વતાનો અહંકાર નથી હોતો. ગઢવી કરતાં તમે વધારે જાણો છો એવો તમારો દાવો નથી હોતો. વળી ગઢવીની વાત તમને ન ગમે તો ગઢવી ઉપર તમે હાથ નથી ઊંચકતા તમને મર્યાદા નડે છે, સરસ્વતિની આણ નડે છે. ભોળાં લોકો, ભલાં લોકો, નમણાં લોકોની વચમાં ગઢવીને પોતાનાં કવિત ગાવાનાં હોય છે. ' ' ને તમારે ? '

' મારે મારાં ગીત જેઓ પોતાને મારા કરતાં વધારે ડાહ્યા માને છે એની પાસે ગાવાનાં છે. મારે મારી વાત, જેઓ પોતાને મારા કરતાં વધારે સમજુ માને છે એની પાસે કરવાની છે. '

' તો એવાને મૂકો ને તડકે, મારાભાઈ ! જેને કવિતની કદર ન હોય, જેને મરમની સમજ ન હોય, એવાની પાસે તે વળી ગાવાનું હોય કે ? અમારે ગઢવી તો કોઈક વાર ટાઢા ડામ મારે તે

એવા કે કાળજે ચમચમી જાય, પણ તોય કવિતની કદર તે કદર જ. ને ગઢવી તે ગઢવી. લ્યોને મારી વાત કરું. અમારે હતા એક ગઢવી, મારા ગામે એક ગામ સખપર. સખપરનો ઠાકર

હમીર. હમીરને ગરાસ તો ગામે બેનો. સખપર અને ફુકડનો પણ મારા વ્હાલાનો રૂઆબ જોયો હોય તો મોટા ચમરબંધીનો. એ વળી એક દી ક્યાંથી હાથી ઉપાડી આવ્યો. '

' એ ગામનો ઠાકોર ને હાથી ઉપર સવારી ? ' ગૌતમ સહાસ બોલ્યો.

' ત્યારે ? એવો હતો એ હમીર. પછી મેં ગઢવીને કહ્યું કે આ હમીર આમ ને આમ ચડી રહેવો છે. તે કાંઈક એની સાન ઠેકાણે આવે એવું કરોને ? ગઢવી તો ઊપડ્યા સખપર. ને હમીરને

બિરદાવ્યો એણે ભર ડાયરામાં '

' ગઢવી ખરાને ? ચડાવ્યો હશે એને ? '

' હવે સાંભળો તો ખરા. ગઢવી જો સાચો સરસ્વતીપૂતર હોય તો કોઈની ખોટી ખુશામત ના કરે. કોથળામાં વીંટીને પાંચ શેરી જ મારે સમજ્યા. ગઢવીએ દૂહો ગાયો ઃ

' સખપર દ્લ્લી સરીખડું, કૂકડ તે કાશ્મીર .

હમીર અકબર સરીખડો માત્ર ફોજુમાં ફેર. '

' માત્ર ફોજુમાં ફેર, એમને ? ગૌતમ ખડખડાટ હસી પડ્યો ઃ' માત્ર ફોજુમાં ફેર.' વાહ ગઢવી વાહ. ' માત્ર ફોજુમાં ફેર.... ગઢવીએ તો હમીરનો મોરો ઉતારી લીધો આ તો. '


' ત્યારે. સરસ્વતીપૂતર કોને કહે ? હમીરે એ ઘડીએ હાથી હવેલીમાં મોકલાવી દીધો. ને ગઢવીને પસાવ આપ્યો એ જુદો. '

' પસાવ '

' હા, પસાવ એટલે એની કદર કરી. ઇનામ આપે તે. પાઘડી બંધાવે, કોરીઓ આપે. એક ખોબો ભરીને કોરી આપે તો એક પસાવ આપ્યો કહેવાય. '

' કોણ ચડે ? ગઢવી કે હમીર ? '

' કોઈ ન ચડે.' બાવાજીએ કહ્યું ઃ ' બેય એક બીજાના મોભામાં રહ્યા. ગઢવીને સાચું લાગ્યું એ એણે મર્મવેણમાં કહી નાખ્યું, ને હમીરને સત્ય સમજાઈ ગયું ઃ પણ વેણમાં તે એણે કબૂલ કરી

લીધું. તમારે ભણેલામાં આવું કાંઈ નહિ. '

' અમારો પંથ ન્યારો છે બાવાજી ? ' ગૌતમે જરા નિશ્વાસ લીધો ઃ ' સૌથી પહેલાં તો અમારે ત્યાં આજ તડ ને ફડ કહેનાર નીકળે તો સાંભળનાર નીકળે નહિ. બીજું અમારો બધો મદ્દાર રહ્યો

પરદેશી ઉપર. સાહેબને ન ગમે તો ? '

' સાહેબ ગયો પૂછડામાં. એને ન ગમે તો ભલે એ રહ્યો એના ઘરમાં.'

' દુઃખ જ એ છે બાવાજી ! સાહેબ ઘરમાં રહેતો નથી. ભણેલા માત્ર કપડામાં એ વસે છે. ભણેલા માત્રનિ ચોપડીમાં એ વસે છે. ભણેલા માત્રના રોટલામાં એ વસે છે. ભણેલા માત્રના મનમાં

એ વસે છે. ભણેલા માત્રના સ્વપ્નમાં વસે છે. ભગવાન જેમ એના મંદિરમાં બેઠો હોવા છતાં જગતમાં સર્વવ્યાપી છે તેમ સાહેબ એના ઘરમાં છતા ભણેલાના રોમરોમમાં વસે છે. '

' એ જ આપદા છે.'

' શહેર માતર આમ વંઠી ગયા છે ? '

' માત્ર વંઠી નથી ગયાં, વંઠાવવા બેઠાં છે. ગામડાંને એ વંઠાડવા બેઠાં છે. એને સ્વદેશની પડી નથી. સ્વદેશના અભિમાનની પડી નથી. એને પ્રેમ શું ચીજ છે, શહેર શું ચીજ છે એની પડી નથી ?

આજે મુલકમાં શાંતિ છે, સ્મશાનની શાંતિ છે, મંડાની શાંતિ છે. પણ એ શાંતિમાં એ વેપાર કરી શકે છે, ધન કમાઈ શકે છે એની જ એને પડી છે. એને સાહેબ ગમે છે. સાહેબની હકૂમત ગમે છે.

સાહેબની કોટવાલી ગમે છે. એની તુરંગો ગમે છે. એને ડુંગરા જોડે કોઈ પ્રીતિ નથી રહી. એને જંગલ જોડે માયા નથી રહી. એનામાં મુકાબલાની હોંસ નથી રહી. '

' સહુ પોતાના બાપદાદાનો ધંધો કરે તો પછી એને સાહેબની ખુશામત શું કામ કરવી પડે ? '

'સુરત શહેર છે ને આ ! એ તો જહાંગીર બાદશાહના એક અમલદારની રખાત હતી સૂરજ નામે, એના ઉપરથી એનું નામ પડ્યું છે. વેશ્યાના નામ ઉપર સ્થપાયેલું શહેર. ને એમાં વાણિયાને

ય ભૂલાવે એવા ગોરાનું રાજ. બધાયનો ધંધો દલાલીનો. આંહીનો વેપારી વેપાર કરે પણ બધા ય દલાલીનો. એના બાપના જ સમ એ જો જાતે કાંઈ પેદા કરતો હોય તો. ને સાહેબ રાજ કરે

એય પોતાની દલાલી જાળવવા. તમારા ગઢવી કવિત ગાય છે પણ રજપૂત પાસે, ખેડૂત પાસે. એક પોતાનાં માથાં સાટે પોતાનો ગરાસ જાળવે છે, ને બીજો પોતાના પરસેવાથી ધરતીમાંથી

ધાન પેદા કરે છે. પણ તમારા ગઢવીએ કોઈ વાણિયા પાસે કવિત ગાયાં છે ખરાં ? '

' ના ભેંસ આગળ તે કોઈ ભાગવત ગાતું હશે ? '

' તો મારે તો ભેંસ આગળ ભાગવત ગાવું છે સમજ્યા ? '

' એ તો આકરું ખરું. તો તમે લખી લખીને પછી કરો છો શું ? '

' બસ હમણાં તો લખી લખીને ઘરમાં પસ્તી ભેગી કરું છું. એક કોથળો ભર્યો છે આખો, ને બીજો ભરાવાની તૈયારીમાં છે. '

' કદર કરનાર ન હોય ત્યાં દોસ્ત, રંગ કેમ આવે ? અમારે ગઢવી ગાય ને ' વાહ ! વાહ ! ' ન કરીએ તો ગઢવીનો રંગ ઊતરી જાય ! બીજીવાર ગામમાં પગ ન મૂકે એ તો ! '

' એ પણ એક તપ છે ને ! કે કોઈને સાંભળવું નથી. ને છતાં એમને સંભળાવવાની મારી તમન્ના પણ ઓછી નથી. હું લખીશ. ફરી લખીશ. પેટે પાટા બાંધીને લખીશ. પણ એક્વાર મારી કવિતાને હું આ મુલકમાં ગાજતી કરીશ. મસાણમાંથી મસા બેઠા કરીશ. હાટમાંથી દલાલોને બેઠા કરીશ. કચેરીના કારકૂનને બેઠા કરીશ. ' ગૌતમ પોતાના ઉશ્કેરાટની બાવાજી ઉપર અસર થતી જોઈ જરા છોભીલો બન્યો ઃ ' ભૂલ્યો બાવાજી, તમને આ બધું કહેવાઈ ગયું. જાણે તમારી સાથે

બાઝવા ઊઠતો હોઉં એમ. પણ મારા હૈયામાં આગ લાગે છે, ને આજકાલ બુઝાવા ઠેકાણું તમે એક છો. ' ' અરે મારી ગામડિયાની મશ્કરી કાં કરે ? તમે સરસ્વતીપૂતર. સરસ્વતી જેવી સતી મળી છે તમને. બે ઘડી વાતો કરીએ ને વખત કાઢીએ, તો આ અમારા ને તમારા ઢંગ સાવ નોખા એટલે

પૂછ્યું. બાકી મને ખબર હોત કે તમને આમ વસમું લાગશે તો હું પૂછું યે ખરો કે ? '

' ના. પૂછો બાવાજી. રોજ પૂછો. રોજ પૂછો. કેમકે તમે મારી શ્રધ્ધા કેટલી ટકાવી રાખો છો એ હું નથી જાણતો ? સાચું કહું છું તમે મારી શ્રધ્ધા ટકાવી છે. મારી હામ ટકાવી છે. મારું વ્રત

ટકાવ્યું છે. '

' મેં ? '

' હા, તમે. તમને ખબર છે કાલે શું થયું ? '

' આ અંગ્રેજો આંહી આપણા લોકો ઉપર કેવો જુલમ કરે છે ને ગરીબ, અભણ ને ભોળા ઉપર પોતાનો કોરડો કેમ ફેરવે છે એ બતાવતું એક નાટક મેં લખ્યું ઃ ' નીલ દર્પણ'

' તે તમે નાટક પણ લખો છો એમને ? '

' આ એક લખ્યું. પણ ભજવાય કેમ ? નાટક ભજવવું હોય આંહી તોય અમારે આંહીના સાહેબની પરવાનગી લેવી જોઈએ. '

' નાટક લખો તમે, ભજવે તરગાળા. જુએ ગાંઠને ખરચે લોક. એમાં વળી સાહેબનું લફરું કાં ? '

' એમાં કાંઇ અંગરેજ વિરૂધ્ધ વાત નથી આવતીને એ જોવા. એમાં એની રાજરીતના ભેદ ભરમ નથી ફૂટતાને એ જોવા. '

' હા. એ બાપડો પરદેશથી---ઠેઠ વિલાયતથી આવ્યો છે તે પોતાનું તો જાળવે જ ને. હં. પણ પછી શું થયું ? '

' સાહેબે મને બોલાવ્યો !'

' કાં ?'

' સાહેબની ઓફિસમાં ગયો. ત્યાં એમના મેજ ઉપર મારુમ નાટક પડ્યું હતું. સાહેબ મને કહે કે તમે લખો છો સારુ.

અલબત્ત કેટલીક વાતમાં મતભેદ હોય. તમારે તમારો મત છે. અમારે અમારો મત છે. અમે આંહી આવ્યા છીએ. અમે આંહી શાંતિ સ્થાપી. ચોરલૂંટારાઓને જેર કર્યા. અંદ્ર અંદરના ટંટાફિસાદ

દૂર કર્યા. શહેરો વસાવ્યાં, ધંધા આબાદ કર્યા. લોકોને સુખસગવડો આપી. તમારા

કોઈ રાજાએ હજાર વર્ષમાં નથી કરી બતાવ્યું, એટલે અમે દશ બાર વર્ષમાં

કરી બતાવ્યું. આ આખા મુલક ઉપર અમે શાંતિની સલામતી સ્થાપી છે.

એમાં તમારા લોકોને ફાયદો છે કે ગેરલાભ ? એમ કરવામાં અમને પણ ગેરલાભ નથી. એમ સાચું, પણ એ વાત તો આપણે

કોઈક વાર નિરાંતે તમને તો મેં ખાસ બોલાવ્યા છે, એટલા માટે કે અમારે એક સારો

વિધ્વાન લેખક જોઈએ છે. સરકાર શાંતિ સ્થાપ્યા પછી હવે આ મુલકનાં સાહિત્યનો, ભાષાનો વિકાસ કરવા ઇરાદો કરે છે. એ માટે સરકાર કેટલાક ધનવાનો પાસેથી ફાળો એકઠો કરીને એક સાહિત્ય સભા કાઢવા માગે છે.

ને તમને એના પગારદાર મંત્રી નીમવા જોઈએ એવી મારી ભલામણ છે.'

' તમે કવિતાઓ લખો ને સરકાર તમને પૈસા આપે પસાવ આપે, એ તો મજાનું થાય. તમારે માથેથી નિર્વાહનો બોજો ઊતરી જાય, ને તમે મસ્તીમાં લખ્યા કરો. એમાં તો સોનું ને સુગંધ મળ્યા જેવી વાત થઈ. '

' મેં તો સાહેબને ના પાડી. '

' ના પાડી ? '

' હા. સાહેબ મારા ઉપર નારાજ થયા. એમણે મને કહ્યું કે તમારી આ રીતભાત સરકારને પસંદ નથી. પછી હું તો ચાલ્યો આવ્યો. '

' પગાર લેવો ન લેવો તમારી મરજીની વાત છે. એમાં સરકારને શું લાગે વળગે ?'

'આપણે સરકારનો પગાર ખાઈએ એટલે સરકારી કવિ કહેવાઈએ પછી આપણાથી ' નીલદર્પણ ' જેવું નાટક ન લખાય.'

' ખરી વાત, કવિ ! પછી શું થયું તમારા નાટકનું ? '

' સાહેબે મારી દેખતાં ફાડી નાખ્યું. મને કહે કે આજે તો હું ખાલી નાટક ફાડી નાંખુ છું. પરંતુ હવે પછી તમે આવાં નાટક લખશો તો તમને રાજદ્રોહને માટે સજા કરવામાં

આવશે. '

'આજકાલ મારા બાપ સાહેબલોકનું રાજ છે. એ કહે એ કાયદો અને ના કહે એ રાજદ્રોહ ! '

ગૌતમે પોતાના કોટના ગજવામાંથી કાગળનું બંડલ કાઢ્યું ઃ ' આ રહ્યું એ નાટક, સાહેબે ફાડી નાંખી એ તો અસલ ઉપરથી સુધારેલી પ્રત હતી, પણ આ મૂળ પ્રત છે, ને આશાના અક્ષરોમાં છે.

આને તમે ક્યાંય સાચવી રાખો, મારે ઘેર મને ડર લાગે છે. '

' ડર લાગે છે શેનો ? '

' સાહેબ છે તંતીલો, મારે ને એને અંટસ બંધાઈ ગયો છે. એ મારા ઘરની જડતી લ્યે તો ? એટલે હું સીધો આ કાગળો લઈને આંહી આવ્યો. '

' ને આંહી મારા ધૄણાની જડતી ન લ્યે ? એના ડાંડિયા ને ચાડિયાં ચારેકોર ફરતા હોય. એ મારા ને તમારા મેળાપની વાત કરશે ને સાહેબને એક ને એક બેની ગંધ આવશે તો ? '

' તો થયું. સાહેબ ફાડી નાંખે એના કરતાં હું જ મારે હાથે ફાડી નાખું તો કેમ ? '

' એમ નહિ. મને એક મારગ સૂઝે છે. લાવો એ બંડલ. આ હરમાન દાદાના પથરાની નીચે દાટી મૂકીએ. ત્યાં કોઈ ન જુએ, ને જુએ તો થયું .* ' બાવા મૂળભારથીએ પોતાના હાથમાં કાગળો

લીધા. તમે કવિ નચિંત રહો. જાવાનું જ છે એમ માનવું, રહી જાય તો હરમાન દાદાની કૄપા સમજવી. '

***

* આમાં નીલદર્પણ નાટકનો જે ઇશારો છે તે અક્ષરશઃ બનેલો છે.શ્રી. દીનબંધુ મિત્ર નામના એક જુવાન બંગાલી લેખકે ' નીલદર્પણ ' નામનું નાટક લખ્યું હતું, એ નાટક જેસોર અને નદિયાના

ગળીના બગીચાઓના ગોરા માલેકોની રીતિ ઉપર રચાયું હતું. એ નાટકની એક નકલ ગોરા જિલ્લા કલેક્ટરે ફાડી નાખી હતી. ને બીજી નકલ હનુમાનજીના પથ્થર નીચે છુપાવી દેવામાં આવી હતી. ઇ.સ. ૧૬૮૧માં. આવા નાટકો કે લખાણો લખાય એને

સજા કરવાનો પ્રબંધ ન હતો. ને હિન્દ તાજેતરમાં પાર્લામેન્ટની દેખરેખ નીચે ( ઇ.સ. ૧૮૮૫ માં ) ગયું હોવાથી કંપની સરકારની મૌખિક રસમ ચાલે એમ નહોતી. એટલે તરત જ ઇન્ડિયન પીનલકોડને નામે રાજ્દ્રાહને લગતી કલમો કાયદા તરીકે જાહેર કરવામાં આવી હતી. આજનો આખો પીનલકોડ ત્યાર પછી એક વર્ષે થયો.

ગૌતમ ઊભો થયો. ' લ્યો બાવાજી, ત્યારે રજા લઉં ? '

' કવિ, તમે ભણેલ છો. હું અબુધ છું. પણ મારી એક વાત સાંભળશો ? '

' કહોને. '

' માનવી ન માનવી તમારી મત. હું તો તમને સંભળાવું. કવિ આ કવિતાઓ લખવી, નાટકો લખવાં, ને લખીને કોઈ જોઈ ન જાય એમ છુપાવવાં એ વાત સારી છે. અમારા મુલકમાં બહારવટાં

ઘણાં ચાલે. એટલે આ પણ એક બહારવટું ગણાય. પણ આમાં તમને ક્યાંય બે પૈસા મળતા તો દેખાતા નથી ! '

' હજી એ દિશામાં સરસ્વતીની કૄપા નથી ઊતરી. હજી સરસ્વતી પોતે જ મારા પ્રયાસથી રાજી નહિ થયાં હોય એટલે પોતાની બહેન લક્ષ્મીજીને મનાવવાની એમણે તકલીફ લીધી લાગતી

નથી; પન તમારે કેમ પૂછવું પડ્યું ? '

' તમારા બાપુજીએ મરી ગયે આજ કાંઇ નહિ તો વરસ થયું હશે. બાપુજી પાસે કાંઇ જીવ તો નહોતો. તમારી સ્ત્રીના બાપ હજી અતડા રહે છે. તમારી સ્ત્રીના બાપા તમારું બધું છપાવી દેવાના

હતા પણ પછી એનુંય કાંઇ સાંભળાતું નથી તો પછી તમારું ચાલે છે કેમ ? '

' ભગવાન જેવડો ઘણી છે. આશા કહે છે કે તમતમારે લખ્યા કરો, બાકી બધું મારા ઉપર છોડી દો. પછી હું તો પૂછતો નથી ને પૂછું તો એ હસે છે. પ્રભુરામકાકાની મને કોઈ ખેવના નથી. મને કોઈની ખેવના નથી. મારું તો એમ છે કે મને કોઈ મદદ કરવા

માગતું હોય તો મારી ચોપડી વેચાતી લે. '

' પણ ક્યાંથી લ્યે ? '

' એ દિન હવે દૂર નથી. બાવાજી ! મયારામકાકાએ ખાસ કારીગરો મારફત બીબાંઓના ઢાળા તૈયાર કરાવી રાખ્યા છે. છાપખાનાના સાંચા પણ મંગાવ્યા છે. હવે તો અહીંના કોઈ ભાઈ સાથે

છાપકામ વગેર ગોઠવવા ને કરવા- કરાવવાની મારે ગોઠવણ કરવાની છે. બસ એ થઈ રહે, એટલે પછી ગંગા નાહ્યા. પછી હું મારા હૈયાની અગન, મારી લગન ને મારો જગન છૂટ મેદાન

માં, મસાણમાંથી મડાં બેઠા કરું. બળવામાં આપણે કેમ હાર્યા એ લોકોને બતાવી આપું. જૂના તમામ ધારા- કુધારા, રૂઢિ-કરૂઢિ લોકોને બંધનમાં જકડી રાખે છે એની સામે છે એની સામે

જેહાદ ઉપાડું. દેશ પરદેશના ઇતિહાસથી લોકોને વાકેફ કરું. સ્વદેશાભિમાન જાગ્રત કરું. લોકોને મરવા કે મારવાનો બોધપાઠ શીખવું. '

' કવિનું એજ કામ છે ને ભાઈ ? પણ તોય એને હજી વાર લાગશે ને ? '

' વાર તો ખરી. પણ કેટલી ? છ મહિના વધારેમાં વધારે. '

' કવિ, તમારું કામ મેં કર્યું ને તમારી થાપણ મેં સાચવી . મારી થાપણ હવે તમે સાચવો. '

' તમારી થાપણ ?'

' ભાઈ, આ પથરો માંડ્યો છે સિંદુર ચોપડીને, તે દૂઝણી ગાયની જેમ કાંઇ કાઈક રળી દે છે. મારી પાસે સો સવાસો રૂપિયા ભેગા થયા છે. મારાવતી તમે સાચવો. '

ગૌતમ થોડીવાર ચૂપ રહ્યો. બાવાજી એની સામે પોતાની પહોળી આંખો નોંધી બેઠા હતા. નીચે મોઢે એ રેતના પટમાં આંગળાથી આડાઅવળા લીટા દોરતો હતો. બાવાજીએ હસીને ઉમેર્યું ઃ

' આ તો તમારે સાચવવાના છે. ભાઈ ! ઘણાય જગ્યાધારી બાવાઓ વાણિયાને ત્યાં થાપણ મૂકે છે ને વ્યાજ ખાય, હું બ્રાહ્મણને ત્યાં મૂકું છું , ને તમારી ચોપડી મલકમાં વેચાય ત્યારે મને

પાછા આપવાના તમારે. '

' બાવાજી ! તમારી વાત હું નથી સમજતો એથી ભરુ નમતા મન. નથી સમજ્તો એમ નથી, પણ મને કોઈની પાસે હાથ લાંબો કરવો ગમતો નથી, મારું ગાડું ચાલ્યું જાય છે.'

' બાપલા ! ગાડું તો નરસી મહેતા જેવાનુમ ય ક્યાં નહોતું ચાલતું ? ' ને આમાં હાથ લાંબો કરવાની વાત ક્યાં છે ? તમે તો ભરાઈ જેવા છો. ને ભાઈની થાપણ રાખવી એ શું હાથ લાંબો કર્યો

ગણાય કે ? મારે ઉપયોગ નથી, ને તમને.... તમને રાખવામાં જાય છે શું ? તમારાં કાગળિયાં રાખવાની મેં ના પાડી ? તો પછી તમે મને ના કેમ પાડો ? આવી ભાઈબંધી સારી નહિ, ભાઈ!'

' લાવો બાવાજી , હું રાખીશ. તમારું મન કચવાય એમ મારે નથી કરવું. '

' તો શું ? ' બાવાજીએ કહ્યું ઃ ' આપણે તો બેય બેવકૂફો છીએ ને ડાહ્યા માણસ તો બેવકૂફ પાસે ઊભા પણ ન રહી શકે, પણ શું બેવકૂફ પણ બેવકૂફ પાસે ઊભા ન રહે ? '

બાવાજી ઊઠ્યાં. ઝૂંપડીમાંથી એક કોથળી લઈ આવ્યા. કોથળી એમણે ગૌતમના હાથમાં મૂકી. ગૌતમ કોથળી લઈને એક શબ્દ બોલ્યા સિવાય પાછો ફરી ગયો.

( ક્રમશ ઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED