ક્રિશા - 1 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિશા - 1

ક્રિશા – 1

ઘરનું લોક ખોલી, ના ઘર નહિ, મારા ફ્લેટનું લોક ખોલી ને અંદર આવ્યો, ને સોફા પર ફસડાઈ પડ્યો. રિમોટથી એસી ચાલુ કરીને 20 ડિગ્રી પર મૂક્યું. ફોન ખિસ્સામાંથી કાઢીને સોફા પર બાજુમાં ફેંક્યો, 27 મિસકોલ..ક્રિશાના....

બ્લેક લેબલની પોણી ભરેલી બોટલ સેન્ટર ટેબલ પર જ હતી, કિચનમાં જઈને બરફ, ગ્લાસ અને પ્લેટમાં નટ્સ લઇ આવ્યો. આજે મારે બેહોશ થઇ જવાય એટલું પીવું હતું, બસ ફોનની રિંગ ના સંભળાવી જોઈએ.. છેલ્લા ચોવીસ કલાકથી હું ક્રિશાના ફોન થી પરેશાન હતો. ચોવીસ કલાકમાં જે કઈ થયું તે ના થયું ન થઇ શકે? ક્રિશા હવે ફોન તો નહિ કરેને? બ્લોક કરું?

નશો નહિ ચઢે, ઉભો થયો ને બારી બહાર જોવા લાગ્યો,

મને થોડો સમય જોઈતો હતો, ઘણું વિચારવું હતું, ને આ ક્રિશા મારો છાલ છોડતી નથી.. ગઈકાલે એકવાર કહી દીધું હતું કે હવે આપણો કોઈ સબંધ નથી, ફોન કરીશ નહિ, કરીશ તો હું જવાબ નહિ આપું, પણ તે સમજતી કેમ નથી?

રોજ રાતે રંગીન લાગતું દુબઇ આજે મને રંગ વગરનું લાગતું હતું. ટ્રાફિક સ્મૂથલી વહેતો હતો, જરાય અવાજ વગર.. કે દસમા માળે સંભળાતો નથી?

ફોન વાગ્યો, મારુ દિલ ધબકારો ચુકી ગયું, ફરી ક્રિશા? ના, અંજન હતો, "બોલ.."

"શું બોલ? ગધેડા પેલી ક્રિશલી નો ફોન કેમ ઉપાડતો નથી? અહીં આવી હતી, ખુબ ગુસ્સામાં હતી, ને તને ઘણી ગાળો બોલી ગઈ.."

મારા દિલમાં કઇંક વિચિત્ર શાંતિ થઇ, ને સ્મિત આવ્યું "મારે કઈ બીજું કામ હોય કે નહિ? નવરો બેઠો છું?"

"પાંચ-પાંચ વરસથી કલાકો સુધી ફોન પર અને ઉપરના રૂમમાં બેસીને વેવલાવેડા કર્યા હતા, તેનો મતલબ કે ત્યારે તું નવરો હતો? હવે જ કામકાજી બન્યો છે?"

"ના, હવે મારી આંખો ખુલી છે."

" ફાલતુ વાતો ના કર, ઝઘડતા રહેવું જોઈએ, પણ ઝઘડવાની પણ એક હદ હોય છે, એટલું ના ખેંચીએ કે તૂટી જાય.."

"ભલે તૂટી જાય..સાચું કહું તો મને હવે જરાય રસ રહ્યો નથી...એ પણ સમજી જાય તો સારું, નહિ તો તું સમજાવી દેજે. બસ, હવે તેનાથી મારુ દિલ ભરાઈ ગયું છે. "

"કેટલા પેગ માર્યા છે? અને તારું દિલ ક્યાં છે, તેની જગ્યાએ કે બે પગની વચ્ચે? ગમે ત્યાં હોય તો પણ ક્રિશા એવી નથી કે દિલ ભરાઈ જાય..."

"હું ગંભીર છું, કંટાળી ગયો છું..નવીનતા જોઈએ...એને કહી દેજે કે આ મેં કહ્યું છે. અને એ પણ કહી દેજે કે જે દર ત્રણ-ચાર મહિને હું ઇન્ડિયા આવતો હતો, તે પણ હવે નહિ આવું. અહીં દુનિયાભરના રમકડાંઓ છે, તું સમજે છે ને, હું શું કહું છું? આ બધી વાત ક્રિશાને કહી દેજે, ને કહેજે કે એના જેવી દસ અહીં મારા પગમાં પડે છે, કહીશ ને??"

ફોન પર સન્નાટો હતો, અંજન કશું બોલતો નહોતો. થોડીવારે તે બોલ્યો "સાચું કહે શું થયું છે? સાલા તું નસીબદાર છે કે તને ક્રિશા મળી છે, મને કઇંક....તું કઈ મુશ્કેલીમાં તો નથીને? હું આવું દુબઇ?"

"ના." કહીને મેં ફોન કાપી નાખ્યો.

દસ વાગ્યા છે, ઇન્ડિયામાં રાતનાં બાર થયા હશે, ક્રિશા સુઈ ગઈ હશે? હમણાં જ કે સવારે અંજન તેને કહેશે? બધું સાંભળીને ક્રિશા મને ફોન કરશે? પણ હવે હું જરાય ડગીશ નહિ, મક્કમ બનવું જ પડશે...મને તેને છોડવી જ પડશે... ચોવીસ કલાકમાં તો આખી બાજી જ પલટાઈ ગઈ...જો બે દિવસ પહેલા મને ક્રિશા કહેતી કે મને તું અહીં જોઈએ, જલ્દી આવ..તો કસમથી મેં કશું ય વિચાર્યા વગર પહેલી ફલાઇટ પકડી હોત...

સોફા પર જ લાંબો થઇ ગયો, જાગતો હતો કે તંદ્રાવસ્થામાં હતો, ખબર નથી પણ હું એરપોર્ટ પર બધાથી વિદાઈ લઇ રહ્યો હતો, ને ક્રિશા કોઈનીયે પરવા કર્યા વગર દોડતી આવી ને મને વળગી પડી હતી, તેના એક હાથે મારી કમર સખત પકડી હતી, ને બીજો હાથ મારા વાળમાં ફરતો હતો. તેની આંખમાં પાણી હતું, પણ મોં પર સ્મિત હતું, "ખુબ મજા કરજે, હું તો છું જ..કશે જવાની નથી..."

"તું જાણે છે કે બહાર ખાવાનો હું શોખીન છું, પણ તોયે ઘેર આવીને એક કોળિયો પણ જમું, તો જ જમ્યો હોઉં તેવું લાગે...અને સારી વસ્તુને વખાણવા માટે પણ ખરાબ વસ્તુ તો ચાખવી જ પડેને?? શું કહે છે, જાડી?"

કંપનીએ મને દુબઈનો પ્રોજેક્ટ સંભાળવાનું કહ્યું, જે મારા રખડતા સ્વભાવને અનુરૂપ અને મને માફક આવે તેવું હતું. અને બીજી રીતે જોઈએ તો તે મારા માટે બહુમાન, પ્રમોશન જેવું પણ હતું. પણ મારી એકલા, ક્રિશા વગર જવાની ઈચ્છા નહોતી. તેણીએ જ મને સમજાવ્યો કે હું જાઉં, થોડો સમય સેટ થાઉં, ને ફરી ઇન્ડિયા આવીને ક્રિશાને લગન કરીને લઇ જાઉં.

***

મારી આંખ ખુલી ગઈ, સવાર થઇ ગઈ હતી, ને મને સખત ઠંડી લાગી રહી હતી, માથું પણ દુખતું હતું. બેઠો થઇ ગયો. ઓહ..પુરી રાત હું સોફા પર જ અને કપડાં કે બુટ-મોજા કાઢ્યા વગર જ સૂતો હતો, ના, બેભાન હતો, ના ના ભૂતકાળમાં હતો...ખાલી બોટલ અને ગ્લાસ પડ્યા હતા. કશું જ બચ્યું નહોતું.... એસી બંધ કર્યું ને શાવર નીચે ઉભો રહ્યો. બાથરૂમથી બહાર આવીને, ઘેર માં ને ફોન કર્યો "મને ક્રિશા સાથેની સગાઇ તોડવી છે, બલ્કે તોડી જ નાખી છે."

"લગ્ન તોડવા કરતા સગાઇ તોડવી સારી.. અને સહેલી પણ... અને સગાઇ તો તોડવા માટે જ કરાતી હોય છે ને, નહિ?? નહાવા જા, કડક કોફી પી અને રાત ના હેંગઓવર થી બહાર આવે પછી ફોન કરજે."

"ડોહી, હું મજાક નથી કરતો, કે નશામાં પણ નથી, હવે જ તો હું પુરેપુરો હોશમાં છું."

"તમારી જ પસંદ હતી, અમે તો તમને ફક્ત સાથ આપ્યો હતો, હવે પણ તું જે કઈ કરીશ, હું તારી સાથે જ છું. પણ મારી સલાહ મુજબ ક્રિશા તારે માટે બિલકુલ બરાબર જ છે, હા થોડી જાડી છે, પણ લગન પછી મહિનામાં ચાર-છ વાર રડાવતો રહીશ તો વાંધો નહિ આવે. મારી વાત માને તો થોડા દિવસ વિચાર, પછી નિર્ણય લેજે..."

"મેં તારી સલાહ નથી માંગી, તને જણાવી રહ્યો છું, અને આજ વાત હવે તું ક્રિશા અને તેના ઘરવાળાઓને પણ જણાવી દેજે, ને વિધિસર સગાઇ ફોક કરી નાખજે."

"એમાં શું વિધિ? ને હું કોઈને કશું કહેવાની નથી, તું જ ક્રિશા સાથે વાત કરી લેજે..."

ઓફિસ આવ્યો, લગન પછી ક્રિશા અહીં આવે પછી આ નિસ્સાન મેક્સિમા વેચીને નવી કાર લેવાનું વિચાર્યું હતું. પણ હવે જરૂર નથી, આ જ ચાલશે.. આજે કામ નથી કરવું, બીચ પર જાઉં? કે કોઈ બારમા? કે અલ-હત્તા જઈને બેસું? કે દુબઇ અને બુર દુબઇ વચ્ચે બોટમાં આંટા માર્યા કરું?

મને આ શહેર છોડવું નથી.બસ, હવે અહીં જ રહી જવું છે. થોડું કામ જોયું, સૂચનાઓ આપી, એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને લીલીને કહીને નીકળી ગયો. લીલી મારી પીએ છે, 40ની હશે. આમતો સ્ત્રીઓની બાબતમાં હું મારી જાતને એક્સપર્ટ સમજતો હતો, પણ ફિલિપિનો છોકરીઓને જોઈને તમને તેની ઉંમરનો અંદાજ જ ના આવે, ઠીંગણી, પાતળી, ખુબસુરત અને નાજુક...લીલી પણ એવી જ હતી. ચીબુ નાક, ગોરી અને ચાઇનીસ કે જાપાનીઓ જેવો ચહેરો. ભાષા વિચિત્ર છે, મને લાગે છે કે ફિલિપિનો ભાષા સ્ત્રીઓની જ છે, મર્દોની નથી...તેના ઉચ્ચારો એવા છે કે બે પુરુષો પણ વાત કરતા હોય તો બાયલા લાગે...

ખૈર, પાછો ઘેર આવ્યો. ફોન શાંત હતો. હવે વાંધો નથી, મમ્મી અને અંજન ને સાફ કહી દીધું છે, એટલે ક્રિશા ને પણ ખબર પડી જ હશે. તે આમતો સ્વમાની છે, એટલે ફોન નહિ કરે... ને કરશે તો? કરશે જ.. તેને હક, અધિકાર છે, મારો જવાબ લેવાનો... તેણે પોતાનું બધું જ મને આપી દીધું છે. મેં માંગ્યું હતું? ના, પણ તેણે મારા પર વિશ્વાસ મુક્યો હતો...સિમ બદલી નાખું? ના, ના, નંબર તો મારાથી બદલી શકાય એમ જ નથી.

ફોન કરીને જમવાનું મંગાવ્યું, ને નવી બ્લેક લેબલ ખોલી. એકલા એકલા પીવાથી મન વધારે ઉદાસ થઇ જાય છે. ફોન કરીને નાડા ને બોલાવવાનું મન થયું..ના, એની સામે રોદણાં રોવાથી શું મળશે? અશફાક મારો ફ્રેન્ડ છે, અને અહીં બધા પાકિસ્તાનીઓને અમે એટલે કે ઇન્ડિયનો નાડા થી જ ઓળખીએ છીએ, અલબત્ત, તેમની પીઠ પાછળ.

ફોન વાગ્યો, હું ચમકી ગયો ને ગ્લાસ છલકાયો. ક્રિશા જ હતી... સાલી ને કઈ આત્મસમ્માન જેવું છે કે નહિ? સમજતી કેમ નથી? મેં ફોન કાપી નાખ્યો. તરત જ અંજનનો ફોન આવ્યો, હું સમજી ગયો કે તે ક્રિશાની સાથે જ હશે, અને ક્રિશાને ખોટું લગાડવા માટે જ મેં તરત જ અંજનનો ફોન ઉપાડ્યો "બોલ..."

"અરે મારા બાપ, તને થયું છે શું? અને તે બચારીને કારણ જાણવાનો પણ હક નથી?"

"તે એને કહી દીધું ને?? બસ, તો હવે શું છે?"

"મેં તો કહ્યું, પણ તું જાતે જે કહેવું હોય તે કહેતો કેમ નથી? અને એક વાત સાંભળી લે, તું ખૂબ જ પસ્તાવાનો છે, ક્રિશા જેવી બહુ ઓછી બચી છે, આ દુનિયામાં...હું અંદર જઈને તેને ફોન આપું છું. જો તું તેની સાથે હમણાં વાત નહિ કરે તો પછી હું પણ હવેથી કોઈવાર વાત નહિ કરું, તારી સાથે...

અંજન... મારો દોસ્ત, જીગરી... તેણે છેલ્લી કક્ષા ની ધમકી આપી દીધી હતી.

ક્રિશાએ ફોન લીધો, તે કશું બોલી નહિ, પણ તેનો શ્વાશ મને સંભળાતો હતો, મેં બોલ્યો "સાલી વાંદરી, કઈ સેલ્ફ રિસ્પેક્ટ જેવું છે કે નહિ? તને કહ્યું, મમ્મીને કહ્યું, અંજનને કહ્યું, તારા ફોન નથી ઉપાડતો, હજુ બીજું શું કરું? મારો પીછો છોડ, મને તારામાં બિલકુલ રસ નથી રહ્યો, સમજી?""કોણ છે, તે?"

"હા, બીજી છે, ને તારા કરતા દસગણી સારી પણ છે, અને હવે મને ખબર પડી છે કે પરફેક્ટ પાર્ટનર કેવી હોય... પથારીમાં તો તું બિલકુલ કામની જ નથી. પણ ચિંતા ના કરીશ, તને પણ કોઈ ને કોઈ બુડથલ મળી જ જશે."

મને લાગ્યું કે મારો અવાજ તરડાઈ રહ્યો હતો, ગ્લાસ ખાલી કર્યો ને બોલ્યો "પાંચ વર્ષ, પાંચ વરસમાં હું ઉબાઈ ગયો છું તારાથી, તારો ફોટો જોઉં છું તો પણ મને ઉબકા આવે છે, એટલે જ બધા ડીલીટ કરી નાખ્યા, તું પણ પાંચ વરસ ને ડીલીટ કરી નાખજે, આપણે મળ્યાં જ નહોતા.. આજ થી જ નવી શરૂઆત કર...બધું ભૂલી જા, તારી સામે પુરી જિંદગી પડી છે, કરીશ ને??" કહીને મેં રડી પડાય તે પહેલા ફોન કાપી નાખ્યો.

તરત જ ફરી તેનો ફોન આવ્યો, મેં બોટલ ઉઠાવીને મોટો ઘૂંટ ભર્યો, ને બોલ્યો "બોલ હવે કશું બાકી છે?"

"હા, મને નાની કીકલી સમજે છે? હું મારુ બધું જ તને આપી ચુકી છું. ફાલતુ વાતો ના કર, ને શું પેટમાં દુખે છે, તે બોલ."

"હવે તું ખુલી રહી છે, મને ગમ્યું... બોલ શું જોઈએ છે, તારા કહેવાતા "બધું" જ માટે?"

"તું."

"તારી ઔકાત જેટલું માંગ.. એ તો પોસિબલ નથી, નથી જ."

"ઈશુ, આ જ બધી વાત તું વિડિઓ કોલ પર કરીશ? મારે તારી આંખમાં જોવું છે. ઈશુ, ઈશુ, તું મને શું સમજે છે? તું કહીશ કે જતી રહે, તો હું એક સેકન્ડ પણ ના ઉભી રહુ...પણ મને કઈંક ખોટું લાગી રહ્યું છે, મને તારી ચિંતા થઇ રહી છે.. તું સાજો-સલામત અને ખુશ રહેતો હોય કે ખાતરી આપતો હોય તો તું કહે તે કરવા હું તૈયાર છું. તું બધું છોડ, અને કાલે ને કાલે જ ઇન્ડિયા આવી જ... મને જાણે કેમ પણ ખુબ જ ડર લાગી રહ્યો છે. તું એકવાર અહીંયા, અમારી સામે રહે, બસ પછી તું જેમ કહીશ તેમ કરીશ, અને તું કહીશ એમ જ થશે."

"ઇન્ડિયા તો હું હવે નહિ આવું, અને તને ખાતરી આપું છું કે તું મારો છાલ છોડીશ પછી હું ખુબ જ ખુશ રહી શકીશ, અને તું પણ... તું દૂર થા.. "

ક્રિશા રડતી હશે? તે રડે છે ત્યારે બિલકુલ સારી નથી લગતી. તે રડે એવી નથી.. તે હવે શું કરશે? તે અનપ્રિડિક્ટેબલ છે, ઘણીવાર તે વિચાર્યું પણ ન હોય તેવું કરી નાખતી.. ઘણીવાર તે દોડી ને આવતી ને મારુ માથું પોતાની વિશાલ છાતીઓ વચ્ચે દબાવી રાખતી, તે બે-ચાર મિનિટમાં હું અલૌકિક દુનિયાની સફરે ઉપડી જતો... તેનું શરીર ઘાટીલું અને સહેજ ભરાવદાર છે, તેને જાડી તો બિલકુલ જ ના કહી શકાય, હું તો બસ તેને ચીડવવા જ ખાલી ખાલી કહેતો રહેતો હતો. અને સાચું કહું તો મને એવી જ છોકરીઓ ગમે છે, તેના પહોળા નિતંબો.. ઓહ માય ગોડ.....

હું તેને પ્યાર કરતો હતો, અને તેમાં કોઈ નવાઈ નથી, તે છે જ એવી...ઘણા એને મનોમન ચાહતા હશે, પણ તે પણ મને ચાહતી હતી તે મારા માટે ગર્વની વાત હતી. આ બધો ભૂતકાળ છે, આજની હકીકત એ છે કે હું તેને છોડવા, નહિ તે મને છોડી જાય તે માટે ઉતાવળો થયો છું.

હવે મને શાંતિ લગતી હતી, દિલ પરથી વજન ઉતરી ગયું હોય એમ લાગતું હતું...હવે તે મને પડતો મુકશે, આગળ વધશે કે કોશિશ કરશે, મને એ જ જોઈએ છે.

ડોરબેલ વાગી, કોણ હશે? રાજુ હતો, મારો પાડોશી. '' લો સાહબ, અલ-એઇન ગયા થા, તો સોચા કે આપકે લિયે ભી લે લું." કહીને મને બે બ્લેક લેબલની બોટલ આપી. મેં આભાર માનીને લીધી, ને પૈસા નું કહ્યું તો પછી લઇ લઈશ કહીને જતો રહ્યો. દુબઈમાં બાર છે, પણ દુકાનો માં વેચી શકાતું નથી, જયારે અલ-એઇન માં દુકાનોમાં પણ મળે છે. UAE માં જ છે, પણ દેશ અલગ છે અને કોમન અને પોતાના કાયદાઓ પણ અલગ છે. છૂટથી તમે દરેક દેશમાં ફરી શકો પણ કામ જે દેશની વીસા હોય ત્યાં જ કરી શકો. ખુબ વિચિત્ર અને ગૂંચવાળા કાયદાઓ છે, ગમે તેમ દુબઇ મને ગમે છે, અને હવે પોતીકું લાગે છે.

રાજુ ત્રણ વરસથી મારો પાડોશી છે. આંધ્ર પ્રદેશનો છે. તેનું નામ તો લાબું અને બોલતા ન ફાવે એવું છે, પણ છેલ્લે રાજુ આવે છે, એટલે હું તેને રાજુ કહી ને જ બોલાવું છું. કાળો, પાતળો, જાડા કાચના ચશ્માવાળો, તેની જાડી મૂછો ને કારણે તેનો ઉપલો હોંઠ તો જોવાતો જ નથી. ટૂંકમાં કદરૂપો કહી શકાય. આમતો કોઈ કોઈ સાથે બોલતું નથી, પણ ઘણીવાર લિફ્ટમાં કે આવતા-જતા તેની સાથે હાઈ-હેલો કરી લેતો. તેની સાથે એક ખુબજ ખુબસુરત શ્રીલંકન છોકરી રહેતી હતી, મને તેની ઈર્ષ્યા થતી, કે સાલા આવા ને પણ??

એકવાર રાતે ફ્રીઝમાં જોયું તો બરફ નહોતો, બહાર જવાનો મૂડ નહોતો, એટલે પાડોશીના હકથી રાજુનો ડોરબેલ વગાડ્યો, ને બરફ માંગ્યો. પણ તેણે આગ્રહ કરીને મને તેની સાથે જ પીવા બેસાડી દીધો. શ્રીલંકન ઘરમાં નહોતી. ખૂણામાં ટેબલ પર રાજુનો ફેમિલી સાથેનો ફોટો હતો, મેં તેની તરફ ઈશારો કરીને પૂછ્યું, તો કહ્યું કે મારા બે દીકરા અને વાઈફ છે. તો શ્રીલંકન? તો હસીને અને આંખ મારીને બોલ્યો "શી ઇસ માય પ્રેઝન્ટ વાઈફ.." બસ, તે દિવસથી અમારી દોસ્તી છે.

ઘણીવાર અમે તેના કે મારા ફ્લેટમાં સાથે બેસીને પીતા. મારે ઘેર એક દિવસ ચાર પેગ અંદર ગયા પછી મારામાં હિંમત આવી, ને પૂછી જ લીધું "તું ક્યાં અને શ્રીલંકન શશી ક્યાં? કઈ રીતે પટાવી? મને પણ આવી એક પટાવી આપ ને ..."

તે હસ્યો, ને કહ્યું "પટાવી? અરે તે સામે ચાલીને આવી છે, તમે દુબઈમાં નવા છો એટલે કશું જાણતા નથી. તમારે જોઈએ તો આનાથી ઘણી સારી છોકરી કાલે જ મેળવી શકો એમ છો."

"એમ? કેવી રીતે?"

" આ કઈ પ્યાર કે દોસ્તી કે એવું કશું નથી, આ તો પરસ્પર ગરજનો સબંધ છે, તમને જે જોઈએ તે મળે છે અને તેને જે જોઈએ તે મળે છે."

"મને કઈ સમજાતું નથી, બરાબર બોલ."

"દુબઈમાં રૂમ કે ફ્લેટના ભાડા ખૂબ જ મોંઘા છે. અને તે ઉપરાંત વરસનું ભાડું સામટું એડવાન્સમાં આપવાનો કાયદો છે. થર્ડ ક્લાસ ફ્લેટ પણ પચીસ હજાર દિરહામથી ઓછામાં ના મળે. અને આ બધી છોકરીઓ દુનિયાભરમાંથી કામની લાલચે અને ઝાકઝમાળથી લલચાઈને અહીં આવી તો ગઈ છે, ને દરેકને નાનું-મોટું કામ પણ મળી રહે છે. પણ તેમનો પગાર કેટલો? આઠસો, નવસો, કે બારસો?? ચાર કે છ જણ શેર કરીને રૂમ લે તો પણ તેમને ન પોષાય, અને પોસાતો હોય તો પણ વરસ નું ભાડું એડવાન્સ ક્યાંથી આપે?"

કહીને રાજુ એ મારી સામે ન્યુઝ પેપર ખોલી ને એક પેજ જેવું આપણા ન્યુઝ પેપરમાં ટચુકડી જાહેરાત નું આવે છે તે પ્રકારની જાહેરાતનું આખું પેજ બતાવીને કહ્યું "જુઓ, તમે જોતા નથી? રૂમ શેર કરવો છે, રૂમ પાર્ટનર જોઈએ છે, વગેરે જાહેરાતો શેની છે? તમે પણ જાહેરાત આપો કે રૂમ શેર કરવો છે, પછી જુઓ કાલે જ કેટલા ફોન આવે છે... તમને પસંદ આવે તેને રાખજો, તે તેની નોકરી, કામ કરશે, તમે તમારું કામ કરજો. રૂમનું ભાડું તમારું અને ખાવાનો ખર્ચ પણ તમારો.. બદલામાં તે રાતે તમારી સાથે સુઈ જશે...મારા મતે તમારે માટે આફ્રિકન કે રશિયન સારી રહેશે."

મને હજુ આ શહેર, દેશને ઘણો સમજવો-જોવો બાકી હતો. ધીરે ધીરે જોઈ, સમજી રહ્યો હતો. દરેક શહેરનો એક અલગ મિજાજ હોય છે, ને તે સમજવા માટે તેની કાળી બાજુથી શરૂઆત કરવી જોઈએ, મેં કરી હતી તેમ... દુનિયાભરના અને દરેક સંસ્કૃતિના લોકો અહીં એક જ જગ્યાએ ભેગા થયા છે, દુનિયામાં રખડીને અને વિસ વર્ષ બગાડીને તમે જેટલા લોકોને મળી શકો કે સમજી શકો, તે દુબઈમાં બે વર્ષમાં જ કરી શકાય..

અને મેં એ જ કર્યું, દોસ્તીઓ કરી, સબંધો બનાવ્યા, રાતે ડેઇરા ની ગલીઓમાં રખડતો, ને ત્યાં લાગતા ગેર કાયદેસર વેશ્યા બજારમાં ફરતો. પણ મને તો કાયદેસરનું લાગ્યું, આટલા વિશાલ પ્રમાણમાં અને ખુલ્લેઆમ..કઈ રીતે? બધા બધું જાણે છે, પણ પોલીસ, સરકાર, આંખ આડા કાન કરતા હોય એવું લાગ્યું, ચાલવા દો.. જરૂરી પણ છે.

ઇન્ટરનેશનલ બજાર કહી શકો... દરેક દેશની, રંગની, સાઈઝની છોકરીઓ છે. તેમાં રશિયન અને આફ્રિકન છોકરીઓ એટલે જ આ કામ કરે છે કે, રાતે કમાઈને દિવસે ઉડાવી શકાય...દુબઇ એટલું લુચ્ચું છે કે તે તમને કમાઈને બહાર લઇ જવાનો મોકો જ નથી આપતું, ત્યાંના બજારો તમને પૈસા ઉડાવવા માટે મજબુર કરી નાખે છે

મને અમુક સવાલોના જવાબ આજ સુધી મળ્યા નથી કે મોટાભાગના દલાલો બંગાળી જ કેમ હોય છે? આપણી આ ધંધામાં રહેલી ઇન્ડિયન છોકરીઓ મોટા ભાગની આંધ્રપ્રદેશ અને ખાસ કરીને કડપ્પા જિલ્લાની જ કેમ હોય છે? હું ત્રણ વરસથી દુબઈના વેશ્યા બજારોમાં ગુજરાતી બોલતી છોકરી શોધી રહ્યો છું, જે મળી નથી..

દરેક ગલી અને બજારના અને જોઈંટ્સના રિવાજ, કાયદાઓ અલગ હોય છે. સર્વિસ ની રીત પણ અલગ-અલગ હોય છે, હા, એક વાત કોમન છે ને વણલખ્યો નિયમ છે કે કોન્ડોમ રાખવાની જવાબદારી છોકરીની જ હોય છે.

અને નિયમથી યાદ આવ્યું, હું અને અંજન એક ચીપ જોઈંટમાં બેઠા હતા. વર્ષ પહેલા અંજન દુબઇ ફરવા આવ્યો હતો, મેં બોલાવ્યો હતો. તેની સાથે ક્રિશા પણ આવવાની હતી પણ તેની માં બીમાર પડી જવાને કારણે તે આવી શકી નહોતી.

જોઈંટમાં ખાસ ભીડ નહોતી, અમારી બાજુના ટેબલ પર એક અલમસ્ત આફ્રિકન છોકરી સિગરેટ પીતી હતી.અંજન તેને જ જોઈ રહ્યો હતો, તે બોલ્યો "મજા આવે.. નહિ?"

"હા, ટ્રાય કરી જો..." કહી ને મેં તે છોકરીને સ્માઈલ આપ્યું ને હાથ હલાવ્યો. તે ઉઠીને અમારા ટેબલ પર આવીને બેઠી, થોડી આડી-અવળી વાતો કરી અને તેને બિયર પીવડાવ્યું. તે કેન્યાની હતી, અને અહીં તે રોજ બેસતી હતી.

મેં કહ્યું કે "આ મારા દોસ્તને તારો રૂમ જોવો છે, લઇ જઈશ?"તે હસીને બોલી "રૂમ જોવાની કિંમત સો છે." મેં તેને સો દિરહામ આપ્યા, તે અંજનને લઈને જતી રહી. ત્યાં ઉપર જ નાની નાની રૂમ બનાવેલી છે. હું અંજનની વાટ જોતો બેઠો. અંજન આવ્યો, તેના મોં પર પસીનો અને ગુસ્સામાં લાગતો હતો, મને પૂછ્યું વોશરૂમ ક્યાં છે? મેં ઈશારો કર્યો, તે અંદર ગયો. વોશરૂમમાંથી તે પાછો આવ્યો તો ફ્રેશ લાગતો હતો, ખુરશી પર બેસતા જ હસતા હસતા બોલ્યો "સાલા...બાથરૂમમાં જઈને માસ્ટરબેશન કરવાના સો દિરહામ આપ્યા??"

"કેમ?"

"કેમ શું, હું તો હજુ અડધે પણ પહોંચ્યો નહોતો ને ગેટ લોસ્ટ મેંએએએએએન કહીને ઉભી થઇ ગઈ."

હું ખડખડાટ હસતા હસતા બોલ્યો "સોરી, હું તને કહેતા જ ભૂલી ગયો..અહીં એ જ નિયમ છે, તું સહેજ પણ અટકે તો તેને પૂરું થયેલું માની લેવામાં આવે છે. સાલા બીજા પચાસ ફેંકીને પૂરું જ કરતો ને..."

***

આજે ક્રિશાથી વાત કર્યાને ત્રીજો દિવસ છે. તે દિવસ પછીની શાંતિ છે. હવે હું પણ કામમાં ધ્યાન આપી શકું છું. હું મનોમન ઈચ્છતો હતો કે ક્રિશા મને ખુબ ગાળો બોલે, નફરત કરે મારાથી... પણ બસ રડે નહિ. તે રડતી હોય ત્યારે સારી નથી લાગતી. અને તે જયારે જયારે મારી સામે રડતી કે દુઃખી થતી ત્યારે ત્યારે મને મારી મર્દાનગી પર શંકા થતી... ખેર, તે સમય અને દિવસો જ અલગ હતા...

હવે મને વિશ્વાસ થઇ ગયો હતો કે ક્રિશા મને ભૂલી ગઈ છે, સ્વીકારી લીધું છે કે હું ખરેખર તેને લાયક નહોતો. મને એ જ જોઈતું હતું. મારુ શું છે? મારી તો દિશા નક્કી થઇ જ ચુકી છે, સમય થોડો આમ-તેમ થાય, એ જ.. બીજું કશું નહિ.

હું રોજ મમ્મીને પહેલાની જેમ જ ફોન કરતો, તે પણ આ વાત છેડતી નહિ ને હું પણ આડી-અવળી વાત કરીને ફોન મૂકી દેતો.

*****

-- બાકી છે...