કવિતા - 1 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કવિતા - 1

"કવિતા - 1"

મોલમાંથી મેં શેવિંગ ક્રીમ લીધું ને આમતેમ ફરવા લાગ્યો. આંખ ઠારી શકાય એવી કોઈ આન્ટી-છોકરી મને જોવાઈ નહિ. જોકે હું ખોટા, બપોરના સમયે આવ્યો હતો, સાંજે આવવા જેવું હતું. હું કેશ- કાઉન્ટર પર આવ્યો, મારી પહેલા એક છોકરી ટ્રોલી ભરીને વસ્તુઓ લઈને કાઉન્ટર પર પહોંચી ગઈ હતી. હું તેની પાછળ જઈને બોલ્યો "એક્સક્યુઝ મી, મારી પાસે એક જ વસ્તુ છે, એટલે પહેલા મને જવા દેશો?"

અને તેણે પાછળ ફરીને મને જોયો, ને બોલી "ઓહો...તમે છો.. કેમ એટલી ઉતાવળ છે?"

તે અમારી બાજુના મકાનમાં ચારેક મહિનાથી રહેવા આવેલા નવા પાડોશીની દીકરી હતી. હું તેનું નામ જાણતો નથી, પણ અલપ-ઝલપ જોયેલી હતી. હુંય હસ્યો, ને બોલ્યો "સોરી, પાછળથી તમે ઓળખાયા જ નહિ, ઉતાવળ તો કશી નથી, ભલે તમે પહેલા..."

તે ટ્રોલીની વસ્તુઓ કાઉન્ટર પર મુકતી જતી હતી ને કેશિયર છોકરી બાર કોડ સ્કેન કરીને સરકાવતી જતી હતી. તે બોલી "ઘેર જ જશો ને?"

"હા"

"તો પહેલા તમે પેમેન્ટ કરો કે હું, શું ફરક પડશે? સાથે રિક્ષામાં જઈશું તો અડધા ભાડામાં પતી જશે, શું કહો છો?"

"ના, હું તો બસમાં જઈશ, હું એટલો પૈસાદાર નથી કે એક શેવિંગ ક્રીમ લેવા માટે રીક્ષા કરીને આવું..." કહીને હું હસ્યો.

"હું પણ બસમાં જ ફરું છું, પણ આજે શોપિંગ એટલી બધી થઇ ગઈ છે કે રિક્ષામાં જ જવું પડશે, વાંધો નહિ, હું તમને લિફ્ટ આપીશ. બદલામાં તમે મારી થેલીઓ ઊંચકી લેજો." કહીને તે હસી પડી.

ચાલો સારું થયું.. આજે મોલમાં રખડવાનો ફાયદો થયો...એક ખુબસુરત છોકરી સાથે ઓળખાણ તો થઇ... તે મારી પાડોશણ હતી, પણ આજે જ તેને નજીકથી જોવાનો અને વાતો કરવાનો મોકો મળ્યો હતો. હા, તે ખુબસુરત જ હતી... કે મને બધી છોકરીઓ સુંદર લાગે છે? તેના વાળ ટૂંકા હતા, ખુલ્લા જ રાખવા પડે તેવા...નાક પાતળું અને હોંઠ પણ પાતળા હતા. તેના ગાલના બંને હાડકાં સહેજ બહાર હતા, શરીર પર છોકરીઓને જ્યાં ચરબી હોવી જોઈએ તેટલી ચરબી તેને પણ હતી, મજા આવે એવી હતી. તેણે પંજાબી પહેર્યો હતો અને હાઈ હિલની સેન્ડલ પહેરી હતી. તેણે કોલેજીઅન અને ટીનેજર છોકરીઓમાં આજ-કલ જેનું ચલણ છે તેવા મેટ ફિનિશના ભડક ગુલાબી રંગથી નેઇલ પોલિશ કર્યા હતા. તેના પગના નખ સફાઈથી ફ્લેટ કાપેલા હતા, જે મને ગમતા હતા, પગના સહેજ પણ લાંબા નખવાળી છોકરીને જોઉં તો મને જાણે કેમ પણ તેનાથી અણગમો થઇ જાય છે. ડાબા હાથના નેઇલ્સ સહેજ લાંબા હતા. ગોગલ્સ માથે ચડાવ્યા હતા, જે તેના ટૂંકા અને ખુલ્લા વાળ માટે હેર-બેન્ડની ગરજ સારતા હતા.

તે ખુબ જ બોલતી હતી, રિક્ષામાં તેણે મને સેંકડો સવાલ કર્યા, નામ થી લઈને કામ સુધીના.. તે કોલેજના ત્રીજા વર્ષમાં હતી અને તેનું નામ કવિતા હતું, પણ તે બોલી કે મને ગમતું નથી, એટલે હું બધાને કાવ્યા જ કહું છું. તેના પરફ્યૂમની ગંધ મને અકળાવી રહી હતી.

હું નોકરીએ જતો કે આવતો ત્યારે તેના ઘર પાસેથી પસાર થતા મારી ઝડપ ઓછી થઇ જતી, કાવ્યા ને જોવા માટે.. અને તે મને જોતી કે તરત જ સ્માઈલ આપતી, હું ખુશ થઇ જતો. બસ સ્ટોપ પર પણ તે ઘણીવાર મને મળી જતી ત્યારે તે ખુબ વાતો કરતી. મને ગમતું હતું, મારે કાંઈ ખાસ બોલવાનો મોકો મળતો નહિ, પણ ગમે-તેમ, કાવ્યા મારી સાથે વાતો કરતી તો મને સારું લાગતું, તેની વાતો સાંભળ્યા કરવી મને ગમતી.

"હવે સ્કૂટર પર પાપડ લઈને વેચવા નથી જતા? ઘણા દિવસથી જતા જોયા નથી, એટલે..."

"જાઉં છું ને... પાપડ અને અથાણાં મમ્મી તૈયાર કરે તો જાઉં ને..."

"તમે દુકાનો પર વેચો છો?"

"ના, ઘેર ઘેર..."

તે આશ્ચર્યથી મારી સામે તાકી રહી, ને થોડીવારે બોલી "શરમ ન લાગે? હું તો કરી શકું જ નહિ. અને તમારી તો નોકરી પણ છે જ ને..."

"હા, નોકરી તો છે પણ આ તો વધારાનો બિઝનેસ કહી શકો."

તેને જોવા અને તેની સાથે વાતો કરવા મળશે એવું વિચારીને હું મારી બસ આવતી તો પણ જવા દેતો ને કાવ્યાની વાટ જોતો.

હવે હું તેને પૂછ્યા વગર જ 'તું' કહીને બોલાવતો હતો, તેને કશો વાંધો લીધો નહિ, પણ તે મને 'તમે' કહીને જ બોલાવતી હતી.

ચાર દિવસ થયા, તે જોવાતી કેમ નથી? રોજ હું તેના ઘર પાસે ફાંફા મારતો, બસ સ્ટોપ પર પણ તેને શોધતો, કેમ નથી આવતી? બહાર ગઈ હશે? અમારા એવા કોઈ સબંધ કે દોસ્તી પણ નહોતી કે હું તેને ઘેર જઈને પૂછી શકું. બે બસ તો ગઈ, ભલે.. પણ આજે તો કાવ્યા નહિ આવે ત્યાં સુધી કામ પાર જવું જ નથી, એમ નક્કી કરીને જ હું આવ્યો હતો. બે બસ ગઈ, હું અધીરો થયો, અને મને ધીરજનું ફળ મળ્યું... તે આવી, મને જોઈને હસી અને મારી બાજુમાં ઉભી રહી ગઈ. "કશે બહાર ગઈ હતી? ચાર દિવસથી જોવાતી કેમ નહોતી?"

"ના રે.. કશે નહિ, કેમ તમે મારી વાટ જોતા હતા?"

"એવું કશું નહિ....."

"મારી બસ આવી ગઈ..."

"સાંજે મળીશ ને?"

"ના, આજે તો મહેમાન આવવાના છે, હું તમને ફોન કરીશ."

"મારો નંબર છે?"

"ના."

"તો? કેવી રીતે કરીશ? કહીને મેં મારો નંબર કહ્યો, તે જતા જતા બોલી "મારો નથી જોઈતો?"

"ના, ફોન તું કરવાની છે ને? ત્યારે તારો નંબર આવી જ જશે ને.. હું વેઇટ કરીશ."

સાંજે તેનો ફોન આવ્યો નહિ. સાંજથી કે મોડી રાત સુધી હું તેના ફોનની રાહ જોતો રહ્યો. રિંગ વાગતી તો મને એવું જ લાગતું કે કાવ્યા જ હશે.... હું બેવકૂફ છું, તે સામે ચાલીને નંબર આપતી હતી, ને મેં હોશિયારી મારીને લીધો નહિ. પણ લેતો તોયે કોઈ ફાયદો નહોતો, કારણકે હું તેને ફોન કરતો જ નહિ, હું ઓળખું છું મને... દોસ્તો અને મને જાણવાવાળાઓ કહે છે તેમ મારા કરતા તો મારો ઈગો મોટો છે. અને આ ઈગોને કારણે જ મેં ઘણા સબંધો, દોસ્તી ગુમાવી છે.

હું સવારે કામ પર જવાની તૈયારી કરતો હતો ને કાવ્યાનો ફોન આવ્યો "નીકળી ગયા કામ પર?"

"ના, કેમ? બસ નીકળું જ છું."

"હું બસ સ્ટોપ પર ઉભી છું."

હું ઝડપથી બસ સ્ટોપ પર આવ્યો. વિચારવા લાગ્યો કે આજે તેની બસ જ ન આવે તો કેવું સારું... મને વધારે સમય કાવ્યાની કંપની મળે...

મને જોતા જ તેણે સ્માઈલ કર્યું. "તું તો કાલે ફોન કરવાની હતી ને?

"ના કર્યો.. કેમ કોઈ જબરદસ્તી છે?"

"ના રે... આ તો તેં કહ્યું હતું એટલે પૂછું છું, મહેમાનો ગયા?"

"હા, ગયા." કહીને તે રેલિંગ પર બેસી ગઈ, જીન્સમાં તેની માંસલ જાંઘો માદક લગતી હતી, અને તેના પગ પણ શેપમાં હતા. રેલિંગ પર બેસવાને કારણે તેના નિતંબો હતા તેના કરતા મોટા લગતા હતા, મેં હાથ ફેરવવાની ઈચ્છાને માંડ રોકી... શું બોલવું? કે શું વાતો કરું? આમ તો તે જ બોલ બોલ કરે છે, અને મારે તો એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપવાનો જ હોય છે, પણ આજે તે કશું બોલતી જ નહોતી ને ફોનમાં ગેમ રમી રહી હતી. મને કઈ ન સૂઝતા અને કઈંક વાત કરવાના આશયથી બોલ્યો "કોણ મહેમાન હતા? તારા સગાઓ ગામથી આવ્યા હતા?"

"ના, સગાઓ નહોતા."

"તો?"

"મને જોવા આવ્યા હતા, છોકરો અને તેના મમ્મી-પપ્પા."

મને આંચકો લાગ્યો, આ વાત મને બિલકુલ ગમી નહિ, થૂંક મુશ્કેલીથી ગળે ઉતાર્યું, ને બોલ્યો "પછી? શું થયું?"

"ખબર નથી.. આમ તો બધું નક્કી જેવું જ હતું, પણ પછી કહેવડાવીશું એમ કહી ગયા છે."

"એટલે તારી તો હા જ છે, અને તને ગમે છે, હવે બસ તેઓ હા કહેવડાવે તેટલી જ વાર છે, બરાબર?"

"હા, બે-પાંચ મિનિટ વાતો કરીને કે ચીલા-ચાલુ સવાલો પૂછીને શું ગમવાનું કે જાણી લેવાનું હોય? બધું સારું જ હશે તો જ મારા મમ્મી-પપ્પાએ વાત આગળ ચલાવી હશે ને? તેઓએ બધું જોયું, વિચાર્યું જ હશે ને.. મને તેમના પર વિશ્વાસ છે, કોઈ માં-બાપ પોતાની દીકરીનું ખરાબ તો વિચારે જ નહિ ને..."

"મને આ બધું એબ્સર્ડ લાગે છે, અને મારી સમજ બહાર છે, એનીવે, બેસ્ટ ઓફ લક.."

કાવ્યાની બસ આવી, તે રેલિંગ પરથી કૂદીને ઉભી થઇ અને બસમાં ચઢી ગઈ, હું તેને જોતા ઉભો જ રહી ગયો હતો. મને અંદર કઈંક ખૂંચતું હતું. શું? અને કેમ? મને કઈ સમજાતું નહોતું. મારો મૂડ બગડી ગયો.. વિચિત્ર કહેવાય.. તેની કોઈ પસંદગી જ નથી? માં-બાપે કહ્યું એટલે આંખ મીંચીને...? તે તેનો વિષય છે, પણ હું કેમ ડિસ્ટર્બ થયો હતો? થાઉં જ ને, કાવ્યા મને ગમતી હતી.... એક વાત હું સમજી ગયો હતો કે કાવ્યાને મેળવવી હોય તો તેના માં-બાપને ગમવો જરૂરી હતો..... અને હું મોડો પડ્યો હતો. કાવ્યા દેખાવથી તો બિલકુલ એવી લાગતી જ નથી કે તે માં-બાપ કહે ત્યાં આંખ મીંચીને પરણી જાય... હવે મને એક વાત સમજાતી હતી કે દેખાવથી વ્યક્તિ વિષે બાંધેલ ધારણા ખોટી પડી શકે છે.

બીજા બે દિવસ નીકળી ગયા, તે મને મળતી નહોતી, કે ફોન પણ કરતી નહોતી. અમારો સબંધ એટલો ગાઢ નહોતો કે હું તેને સગાઇ કરતા રોકી શકું. થોડો સમય મળ્યો હોત તો જરૂર હું તેને મેળવી શકું એમ હતો, પણ? હવે કશું થઇ શકે એમ નહોતું, સામેવાળા ના કહેવડાવે તો? હા, તેમની ના પર જ મારી આશા જીવંત રહે તેમ હતું, પણ કાવ્યા એવી નહોતી કે કોઈ સાજો-સમો અને નોર્મલ છોકરો તેને રિજેક્ટ કરી શકે... ભલે, કાવ્યા મારી સાથે બોલ-ચાલ અને દોસ્તી તો રાખશેને? એટલાથી જ હું સંતોષ કરી લઈશ..

રોજની જેમ હું બસ સ્ટોપ પર આવ્યો તો કાવ્યા આજે પણ જીન્સ પહેરીને રેલિંગ પર બેઠી હતી, મને જોઈને હસીને બોલી "બે બસ તો જવા દીધી, હવે ન આવતા તો ત્રીજી બસમાં જતી જ રહેતી."

"કેમ? કશું કામ હતું?"

"ના રે.. આ તો ત્રણ દિવસથી જોવાયા નહિ કે ફોન પણ કર્યો નહિ, એટલે મને લાગ્યું કે જરૂર તમે બીમાર હશો...હમણાં ન આવતા તો સાંજે હું તમારે ઘેર જોવા આવતી."

"એ બધું છોડ, પાર્ટી ક્યારે આપે છે?"

"પાર્ટી? શેની?"

"કેમ શેની? તારા લગન નક્કી થયા તેની...."

તે ગંભીર થઈને બોલી "ના, કશું નક્કી નથી થયું, તેઓએ વચેટિયા મારફતે ના કહેવડાવી દીધી છે."

"શું? ના કહેવડાવી છે? જરૂર તે બેવકુફ છે. ચાલ હું પાર્ટી આપું.."

"તમને કેવી રીતે ખબર કે તે બેવકૂફ છે? અને તમે કેમ પાર્ટી આપો છો?"

"તારા જેવીને ના કહેવાવાળો બેવકૂફ ન હોય તો શું હોય? છોડ, કેમ ના પાડી? કઈ કારણ બતાવ્યું?"

"મારા જેવી એટલે? અને તમે શેની પાર્ટી આપો છો?"

"તારા જેવી એટલે ખુબસુરત અને બક-બકીયન... જરૂર તે તારી બક બકથી ત્રાસી ગયો હશે.." કહીને હું હસ્યો, અને બોલ્યો "કહે ને... ના પાડવાનું કારણ બતાવ્યું?"

હા, છોકરાનું કહેવું છે કે હું જરા વધારે પડતી મોડર્ન છું."

"મોડર્ન? અને તું? તું કહેતીને કે હું ફક્ત બોયકટ વાળ રાખવા જેટલી જ મોડર્ન છું, બાકી વિચારો અને માન્યતાઓથી તો હું પાક્કી મણીબેન છું." કહીને હું ખડખડાટ હસ્યો.

"તમને મજાક સૂઝે છે, અને બે દિવસથી મારુ મગજ ફરી ગયું છે."

"કેમ?"

"કેમ શું? કોઈ તમને રિજેક્ટ કરે તો ખોટું ન લાગે? અહમ ન ઘવાય?

"જરૂર ખોટું લાગે, પણ એરેન્જ મેરેજમાં તો આ બધું સામાન્ય કહેવાય.. એક-બીજાને હા પાડવા કે ના પાડવા માટે જ મુલાકાત કરાવવામાં આવે છે ને...તું પણ તેને રિજેક્ટ કરી શકતી હતી ને? ચાલ આઈસ્ક્રીમ ખાઈએ."

"ના,ફરીવાર, જાવ તમારી બસ આવી."

ફરી હું કાવ્યા માટે ઉત્સાહિત થયો હતો. આશા મરી પરવારી નહોતી. મને તે ગમતી હતી, તેની બક બક પણ ગમતી હતી. તે સાથે ફરવા, લડવા કે બધું શેર કરવું ગમે તેવી હતી. પણ તે તેના માં-બાપ કહે ત્યાંજ જ લગન કરશે.. તે પ્રેમમાં પડે કે પ્રેમ માટે ઘરમાં બળવો કે બંડ કરે તેવી બિલકુલ નહોતી. હું તેના પ્રેમમાં પડ્યો હતો, અને તેને પણ મારી સાથે પ્રેમ થાય ત્યાં સુધી હું રોકાઈ શકું એમ નથી, ફરી તેના ઘરવાળા તેનું કશે ગોઠવી કાઢે તો? અને કાવ્યા તેમની વાત ટાળે તેવી નથી. મને તે જોઈએ, તેને ખોવી નથી, મારે જ કશું કરવું પડશે..

રાત્રે ઘેર અમે બધા જમતા હતા, હું મમ્મી તરફ જોઈને બોલ્યો "તમારે લોકોને મારા લગન-વગન ની કોઈ ચિંતા છે કે નહિ?"

માં બોલી "છે જ ને.. બધાને કહી રાખ્યું છે, જોઈ, તપાસ કરી જ રહ્યા છે, કોઈ સારું તારે લાયક મળવું તો જોઈએ ને... જોકે ગમે તેમ કરીને પણ આ વર્ષે તો તારો મેળ પાડી જ દેવો છે."

તરત જ મારી બહેન બોલી "મમ્મી, તું સમજી નહિ, ભાઈ કઈંક બીજું કહેવા માંગે છે." અને મને જોઈને કહ્યું "હા, બોલ, કોણ છે?"

મમ્મી પણ બોલી પડી "હા, હું ગાંડી સમજી જ નહિ.. બોલ બોલ કોણ છે?"

"કાવ્યા."

"એ કોણ? બાજુમાં રહેવા આવ્યા છે તે તો નહિ?"

"હા તે જ..."

"ક્યારથી તમારું ચક્કર ચાલે છે?" અને મારી બહેનને સંબોધીને બોલી "તને ય કઈ ખબર પડી નહિ? ભાઈનું ધ્યાન નથી રાખતી?"

મેં બોલ્યો "માં, તું સમજે છે એવું કશું નથી, આ તો ફક્ત હાઈ-હલ્લો નો સબંધ છે, સારી છે ને મને ગમે છે...બસ."

"એટલે તને જ ગમે છે, પણ તેને ખબર નથી? તો અમે શું કરીએ? તું જાણે ને એ જાણે...."

"શું કરીએ શું? જેમ બીજે કહેણ મોકલે છે તેમ તેના ઘેર પણ મોકલ.... હા પાડશે તો તો બહુ સારું અને ના પાડશે તો કશું નહિ..." માં વિચારમાં પડી, મારુ કામ પૂરું થયું હતું, હવે માં-બહેન કશું કરશે.

***

બસ સ્ટોપ પર કાવ્યા રેલિંગ પર બેસીને મારી વેઇટ કરી રહી હતી. મને જોતા જ તે ભડકી "શું સમજો છો? તમે મારે ઘેર માંગુ મોકલ્યું?"

"હા, તો?"

"કારણ?"

હું હસ્યો, "માંગુ કેમ મોકલે? લગન કરવા..."

"પણ તમારે મને જાણ તો કરવી જોઈએ, મને પૂછ્યા વગર જ??"

"તને પૂછવાનો ફાયદો ખરો? તારા મમ્મી-પપ્પાને ગમશે અને તેઓ હા પાડશે તો તું પણ હા જ પાડવાની છે ને...."

"કેમ હું? કારણ?"

"કારણકે.. કારણકે.. મને ગમે છે તું... આઈ લવ યુ..."

તે મારી આંખમાં જ જોઈ રહી હતી, થોડીવારે તે નીચું જોઈને ફોનમાં ગેમ રમવા લાગી, મેં પૂછ્યું "કાવ્યા, જવાબ આપ ને...."

"શું?"

"તું, તું... ઓકે, તને સમજાય એમ પૂછું છું, તારા મમ્મી-પપ્પાને સંતોષ થશે અને છેલ્લે તને પૂછશે ત્યારે તું શું જવાબ આપીશ??"

તેણે કશો જવાબ આપ્યો નહિ, ને ઉભી થઇ અને રિક્ષા રોકી ને બેસીને જતી રહી.

ઘેર આવીને મેં બહેનને બધી વાત કરી. ચાર દિવસથી કાવ્યાને જોઈ નથી. ફોન કરવાનું વિચાર્યું પણ પછી હિમ્મત થઇ નહિ. મેં ઉતાવળ તો નહોતી કરી? જે કઈ દોસ્તી હતી તે પણ ગઈ? શું કરવું તે વિચારોમાં બસ સ્ટોપ પર આવ્યો તો કાવ્યા ત્યાં બેઠી હતી. હું તેની પાસે ગયો ને બોલ્યો "હાઈ!"

પણ તેણે જવાબ આપ્યો નહિ કે મારી સામે પણ જોયું નહિ ને ગેમ રમતી રહી, મને થયું કે તેનો ફોન ઝુંટવીને તોડી નાખું... ફરી મેં કહ્યું "કાવ્યા, સોરી.." તેણે આંખ ઉઠાવીને મારી સામે જોયું ને ગેમ રમવા લાગી.

મારી બસ આવી, હું બસમાં ચઢતા ફરી બોલ્યો "સોરી કાવ્યા..."

સાંજે ઘેર આવ્યો તો મમ્મી બોલી "બાજુવાળાએ કશો જવાબ કહેવડાવ્યો નહિ, મારો વિચાર છે કે કાલે કોઈને મોકલીને પુછાવડાવી લઈએ."

"જરૂર નથી, જવાબ નથી આપતા તેનો સીધો અર્થ થાય છે કે તેમની મરજી નથી, એટલે પૂછવાની જરૂર નથી." કહીને હું મારા રૂમમાં જતો રહ્યો.

કાવ્યાને ખોટું લાગ્યું છે, મેં તેને કશું કહ્યા વગર જ કે પૂછ્યા વગર જ તેને ઘેર કહેવડાવ્યું તેથી ગુસ્સામાં છે, કે પછી?? ગમે-તેમ, હું કાવ્યાને ચાહવા લાગ્યો હતો, તે ચોવીસે કલાક મારા દિમાગ પર છવાયેલી જ રહેતી હતી. હશે.. જવા દો.... અમારી દોસ્તી ઔપચારિકતાથી આગળ વધી જ નહોતી.. મને દુઃખ ફક્ત તેણે મારાથી બોલવાનું બંધ કર્યું તેટલું જ હતું.

રાત્રે અજાણ્યા નંબરથી ફોન આવ્યો, કાવ્યાના પપ્પા હતા. અને કહ્યું કે સમય હોય તો તમે એકલા અમારે ઘેર આવો. મને કઈ સમજાયું નહિ, કેમ મને એકલાને બોલાવ્યો? કાવ્યાએ મારી કોઈ ફરિયાદ કરી હશે? મમ્મી અને બધાએ કહ્યું કે જા, સાંભળ શું કહે છે.. અને આકળો થઈને કશું આડું-અવળું બોલી આવીશ નહિ.

----- બાકી છે.