અકળ મન Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકળ મન

અકળ મન

નાની અમથી વાત વધતી ગઈ, ને સોફી ઘર છોડીને પિયર જવા લાગી.

''તારા જેવા જડ, અચર અને ભેજાગેપ ને હું જ નિભાવું છું, ગયા જનમના પાપ આડે આવ્યા, બીજું શું.... ''

'' હા, ભેજાગેપ છું એટલે જ છંટાયેલો ને બચેલો માલ લાવવો પડ્યો ને......

''મને તારી સાથે માથા નથી ફોડવા, બસ.. હવે ઘણું થયું...જાઉં છું..''

'' એ આવજે...''

''ચાર દા'ડામાં તારી અકડ ઠેકાણે આવી જશે, હાથ-પગ જોડીશ, માફી માંગીશ ને કરગરતો, રડતો આવીશ મારી પાસે. ''

''રડીશ? કરગરીશ? હું? રાહ જ જોયા કરજે... હવે તો તું માફી માંગીશ અને તે પણ લેખિતમાં, અને તારા બાપનું જે દહેજ બચ્યું છે તે પણ વ્યાજ સાથે લઇ ને આવીશ, તો જ કદાચ મેળ પડે….''

''દહેજ? એ પણ તને? મોઢું જોયું છે કાચમાં? એ તો હું આંધળી થઇ ગઈ હતી...મમ્મી તો લગનના કલાક પહેલા સુધી મને કહેતી હતી કે હજુ વિચારી લે....''

સોફીએ સ્કૂલ-રિક્ષાવાળા ને ફોન કર્યો ને છોકરાને પોતાની માં ને ઘેર ઉતારવાનું કહ્યું.

ને ખરેખર જતી જ રહી... એમ કહો કે જવા દીધી, ધારતો તો હું રોકી શકતો હતો, પણ....

છટ્ટ… ફૂટ અહીંથી……દર વખતે મારે જ નમવાનું??

જેમ જેમ પંપાળીએ એમ છાપરે ચઢતી જાય છે....સાલ્લીને પડી રહેવા દે પિયરમાં...અઠવાડિયામાં સાન ઠેકાણે આવી જશે ને મારી કિંમત સમજાશે.... છ-છ વરસથી તેને ચાહું છું, ને દરેક ઝઘડા પછી હું જ મનાવું છું ને માફી માંગુ છું. એટલે તો તે ચડી વાગી છે, હવે પણ હું મનાવી લાવીશ તો આવશે, ને તેને ખાતરી જ હશે કે હું પગે પડતો આવવાનો જ છું. પણ તે ભલે રાહ જોયા કરે...હું જવાનો નથી.

હું કામ પર ગયો ને કામ કરવાની કોશિશ કરવા લાગ્યો. મારુ મગજ સોફીને જવા દીધી, તે વાતને જસ્ટીફાઈ કરવા માટે દલીલો કરતુ રહ્યું, ને મને મનાવતુ રહ્યું કે મેં કશું જ ખોટું નથી કર્યું....

મેં ફોનમાં આબુના ફોટાઓ જોવા લાગ્યો. દરેકમાં તે હતી. તેનો ફેસ ફોટો-જેનિક છે, આમ પણ સારી જ છે, 30 ની છે છતાં ફિટ અને 25 ની જ લાગે છે, પણ ફોટામાં વધારે સારી લાગે છે.

ખાસ તો તેની આંખો..ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે બંને આંખો એલાઇમેન્ટમાં નથી, અને આ જ વસ્તુ તેને ખાસ બનાવે છે.

થોડીવાર થઇ હશે ને મારી સાથે કામ કરતો પપ્પુ સામે આવીને ઉભો. હું સમજી ગયો કે તે કેમ આવ્યો છે...''આવ આવ ભિખારી, બોલ કેટલા માંગવા આવ્યો છે?''

તે હસી પડ્યો ને હસતા-હસતા બોલ્યો '' બે હજાર''

"તારી બાયડીને મારે મળવું પડશે, સાલો કઈ ઊંધા રવાડે તો નથી ચઢ્યોને?"

"ના, હું તો નિર્દોષ, તમારા જેવો જ છું..."

"એટલે?" કહીને મેં વોલેટ કાઢી ને જોયું, અને બોલ્યો ''હમણાં તો પૈસા નથી, બપોર પછી લેતો આવીશ, ઉતાવળ તો નથી ને?''

''ના, મને સોંફીભાભીને જ આપવાના છે, તમે બહાર ગામ હતા ત્યારે હું એમની પાસેથી લાવ્યો હતો.''

''હું તેને આપી દઈશ, તું કાકાને કહી ને તારા ખાતામાં બે હજાર લખાવી લે.''

તે સારું કહીને જતો રહ્યો, ને બે મિનિટમાં જ પાછો આવ્યો, ને બોલ્યો

''ના, ના, તમે મને રોકડા જ આપજો''

''કેમ? સોફીને આપવાના છે ને? હું આપી દઈશ ને...''

''ના, હું મારા હાથે જ એમને પાછા આપીશ, તે પૈસા તેમના પોતાના છે, ને મને ખબર છે તમે તેને નહિ આપો.''

સાલું, મારા નોકરો પણ મારો વિશ્વાસ કરતા નથી.....

એક તો પહેલેથી જ દિમાગ ખરાબ હતું, ને વધારે કરી ગયો. આજે કામનો જરાય મૂડ નથી, અકારણ કોઈ સાથે ઝગડી બેસું તે કરતા બહાર રખડવું સારું.. બાઈક લઈને નીકળી ગયો.

બેમતલબ ભટકતો રહ્યો. દોસ્તને ફોન કરીને કહ્યું કે લંચ માટે બહાર કશે જઈશું, તો તે બોલ્યો કે ''ભાઈ, અમે તો બાલ-બચ્ચા ને પરિવારવાળા છીએ.''

હું અનાથ હતો...આજે જ અનાથ થયેલો હોઉં એવો, નવો...સમય જોયો, અરે હજુ તો ભુતનીને જવાને બે કલાક પણ થયા નહોતા. વિચાર્યું માં અને ભાભીને ફોન કરીને કહેવું જોઈએ, કે સોફી ઘર છોડીને જતી રહી છે. પણ ફાયદો?? મારો જ વાંક કાઢવાના છે, સોફીનો તો વાંક હોતો જ નથી, હોય જ નહિ... જાણે શું ભૂરકી છાંટી છે, કે મારા ઘરના બધાને એનો વાંક કે ખોડ જોવાતી જ નથી. એકવાર તો મારી માએ મને ચોખ્ખું કહી દીધું હતું કે ઘર છોડીને જવું હોય તો તું જઈ શકે છે, સોફી તો અહીં જ રહેશે...

ને ખરેખર મારા મકાનને સોફીએ જ ઘર બનાવ્યું છે, આ ઘર પર તેનો હક જ નહિ, પણ તેનું જ છે. જો કશો મેળ નહિ પડે તો છેલ્લે હું સોફીને મારા ઘરે બોલાવી લઈશ, ને હું ઘર છોડીને જતો રહીશ...

બહુ આડા-અવળા વિચારો કરી રહ્યો હતો, રસ્તાની બાજુએ બાઈક ઉભી રાખી દીધી, ને આવતા-જતા લોકોને જોવા લાગ્યો, બધા જ ખુશ હતા, મારા સિવાય..બે-ત્રણ વાર ફોન કરવાનો અને જઈને લઇ આવવાનું વિચાર્યું પણ મારો ઈગો વચ્ચે આવ્યો. હું ફોન નહિ કરું... તે કરશે તો? તો થોડું નાટક કરીશ ને પછી માંડવાળી કરી દઈશ.

પણ હજુ સુધી ચુડેલ નો ફોન કેમ આવ્યો નહિ? વ્હોટ્સ-એપ પર પણ નહોતી, મેં મારુ સ્ટેટસ બદલ્યું, ''who cares?''

વારેઘડીએ ખિસ્સા માંથી ફોન કાઢીને ચેક કરતો રહ્યો કે બેટરી તો છેને? નેટવર્ક છે? સાયલન્ટ મોડ પર તો નથી ને? રિંગ વાગતી તો હું સ્ક્રીન પર સોફીનો ફોટો જોવાની આશાએ ફોન ખિસ્સા માંથી કાઢતો.

ઘણા સમયથી મારી દિલી તમન્ના હતી કે સોફી પિયર જાય અને હું એકાંતની મજા માણું... દોસ્તો ને ઘેર બોલાવીને પાર્ટી કરું, મોડી રાત સુધી રખડુ, અલગ-અલગ રેસ્ટોરાં માં જમું, અને ખાસ તો પુરા બેડ પર એકલા સુવાની મજા માણું.... અને આ જ વાત હું તેને મોઘમ ઘણીવાર કહી ચુક્યો પણ છું.

તે કામ હોય તો માં ને ઘેર જાય છે ને કલાક-બે કલાક્માં પાછી આવી જાય છે, હવે અનુભવ થી એક વાત શીખ્યો છું, ને હું સજ્જડપણે માનું છું કે લગન કરવા તો બીજું બધું પછી જોવું પણ પહેલા એ કન્ફર્મ કરી લેવું કે સાસરું ગામમાં ના હોય... જાય તો કમસે કમ અઠવાડિયું તો રહીને આવે....

પણ આજે તે ઝઘડીને ગઈ હતી, આ રીતનું એકાંત હું ચાહતો નહોતો કે હું માણી શકતો નહોતો. પહેલા પણ અમે ઝઘડતા, ઘર માંજ.. કોઈ વખત તે ઘર છોડીને ગઈ નહોતી.

બપોરે તળાવની પાળે જઈને બેઠો, રડ્યા-ખડયા ભિખારીઓ અને ગંજેરીઓ ઝાડ નીચે સુતા -બેઠા હતા, મને લાગ્યું કે તે બધા મને તાકી રહ્યા હતા, ના, મને જોઈને હસી રહ્યા હતા...

એક ખાલી બેન્ચ પર બેઠો. તળાવ માંથી વિચિત્ર ને ગંદી વાસ આવી રહી હતી, અગાઉ સેંકડોવાર અમે અહીં આવ્યા છે, પણ આવી વાસ હું પહેલીવાર અનુભવી રહ્યો હતો.

પ્રેમ એકતરફી હોય? થઇ શકે?

મહાપુરુષો(?) કહે છે કે પ્રેમ નિસ્વાર્થ હોય છે, પ્રેમ માં ફક્ત આપવાનું જ હોય છે કશી અપેક્ષા વગર, અને કશું લીધા વગર પ્રેમ કરવામાં આવે છે.

બુલશીટ ! હું એવું માનતો નથી. નિસ્વાર્થ પ્રેમ હોઈ શકે જ નહિ, કમ સે કમ હું એવું માનું છું.

તમે પ્રેમ કરો છો, કારણ કે તમને પોતાને પ્રેમ ની જરૂર છે. તો તે નિસ્વાર્થ કઈ રીતે કહેવાય?

હા, વધતો-ઓછો ચાલી શકે. હું દસ આપું તો ઓછામાં ઓછા પાંચની અપેક્ષા તો રાખું જ... જો એટલો પણ ના મળે તો તેને પ્રેમ નહિ પણ ભક્તિ કહેવાય...અને ભક્તિ તો હું ભગવાન ની પણ નથી કરતો....જોકે ભક્તિ પણ ક્યાં નિસ્વાર્થ હોય છે? તેમાં પણ આપણે આજીજી અને ભીખ જ માંગતા હોઈએ છીએ.

જો લગ્ન-જીવન ટકી જવાનું કારણ ફક્ત પ્રેમ જ હોત તો હમણાં સુધી મારા પચાસવાર છુટા-છેડા થઇ ચુક્યા હોત....કારણ એજ કે પ્રેમ સાપેક્ષ હોય છે, પરોક્ષ હોતો નથી. આઇન્સ્ટાઇને સમય માટે જે થિયરી આપી તે જ પ્રેમને પણ લાગુ પડે છે. પ્રેમ નિરંતર કે એકધારો હોતો નથી.

સમય, સંજોગો, મૂડ, મુજબ તે વધતો-ઘટતો રહે છે. સંકોચાય છે, સુકાય છે, મરોડાય છે, ખેંચાય છે, ફરી પાંગરે છે.....

ટકી જવા માટે ફરજો, જવાબદારીઓની મજબૂત રસ્સીની જરૂર પડે છે. જે નિરંતર અને એકધારી હોય છે. તેને પ્રેમ સાથે કશું લાગતું-વળગતું નથી.

ખૈર, આવી બધી વાતો જયારે જયારે સોફી થી ઝગડો થાય છે, ત્યારે જ યાદ આવે છે. બાકી તો હું આજ માં જીવવાવાળો ને માણવાવાળો છું.....ખૈર, દિવસ તો ગમે તેમ રખડીને અને ગમે તે ખાઈ ને પૂરો કરી દીધો. રાતે ઘેર આવ્યો,

ભેંકાર… સુમસામ… ખાલીખમ્મ...

પહેલીવાર મને લાગ્યું કે મારું ઘર કેટલું મોટું છે.....

જેમ જેમ રાત જવા લાગી તેમ તેમ મારી માન્યતાઓ બદલાવા લાગી. ફરજો, જવાબદારીઓ ને લીધે ભલે લગ્નજીવન ટકી જતું હશે, પણ મારા માટે સોફી તેના કરતાંયે વધારે જરૂરી છે. તેને ભલે મારી જરૂર ના હોય, પણ મને મારી સોફી મારા ઘરમાં જ જોઈએ... તે મારી આદત બની ચુકી છે. આજે તો ગમે તે થાય, હાથ-પગ જોડીશ, કરગરીશ, રડીશ, માફી માંગીશ, પણ સોફીને મનાવી જ લાવીશ...તેની સામે આ બધાની કોઈ વિસાત નથી. તેના વગર હું રહી શકતો જ નથી કે તેના વગરના મારા ઘર ની હું કલ્પના પણ નથી કરી શકતો. ગમે તેમ, મારા માટે તો તે સર્વસ્વ છે. ભલે સાસરીમાં મારી હાંસી થાય, તે ભલે મને ગમે તે સમજે...આજે તો ખબર પડી જ જશે કે તેના માટે હું કેટલો નીચે ઉતરી શકું છું? તે મને કેટલો નીચે ઉતરવા દે છે? મારો ઈગો નીચે આવતો ગયો, ને સવાર પડતામાં તો પૂરો લેન્ડ થઇ ગયો.

તેના દિલમાં પણ મારા જેવી જ લાગણી હોય તે ખુબ જ સારી વાત કહેવાય, પણ જો ના હોય કે ઓછી હોય તેમાં તેનો વાંક નથી, કોઈ મને એટલી ઉત્કટતાથી નથી ચાહતું તેનું કારણ મારા માંજ હોઈ શકે. ખૈર, મનાવી લાવવાનો નિર્ણય લીધા પછી હવે મને સારું લાગતું હતું, ને ઊંઘ પણ આવી ગઈ.

સવારે ચા બનાવવા માટે પાંચ-સાત ડબ્બા ખોલ્યા ત્યારે ચા ને ખાંડ મળી. પણ બિસ્કિટ કે ટોસ્ટ કે બ્રેડ ઘણું શોધવા છતાં મળ્યા નહિ, સાળી... ખજાનો હોય એમ જાણે ક્યાં ક્યાં દાટી રાખે છે.....

આજે પહેલીવાર ટૉઈલેટમાંથી હું મારી મરજી થી બહાર આવ્યો, બાકી રોજ તો મને શાંતિથી બેસવા જ નથી દેતી. હું જાઉં ને બે મિનિટ પછી જ તેને લાગે છે કે છોકરાને લાગે છે.

અન્ડરવેર, મોજા, રૂમાલ શોધવા માટે પણ કબાટ ફેંદી નાખ્યું, છેવટે એજ પહેરીને ઓફિસ ગયો, ને કામ માં મન લગાવ્યું. સાંજે જઈને મનાવી લાવીશ, પણ સાંજ તો પડવી જોઈએ ને??? આજનો દિવસ ખુબ લાંબો છે, જલ્દી સાંજ પણ પડતી નહોતી.

અમારા સંબંધને લગભગ નવ વરસ થયા, સેંકડો વાર લડ્યા હોઈશું...શાદી પહેલા અમે દોસ્ત હતા, ત્યારથી જ અમે બંને એક-બીજાને તુંકારે જ બોલાવીએ છીએ. આમ તો તેનું નામ સોફિયા છે પણ ઘરમાં અમે સોફી જ કહીએ છે.

નવ વરસ પછીયે મને લાગે છે કે હું તેને પુરી ઓળખી શક્યો નથી. તે પોતાની લાગણીઓ પર કાબુ રાખી શકે છે. જયારે હું કશું જ છુપાવી શકતો નથી.

હું તેને ચાહું છું, પ્રેમ કરું છું, પણ આજે તે ઝઘડીને ઘર છોડી ગઈ ત્યારે જ ખબર પડી કે સાલ્લી ચુડેલએ મારા દિલ-દિમાગ પર કેવો કબ્જો કર્યો છે....તેના જવાના ચોવીસ કલાકમાં તો હું વેર-વિખેર થઇ ગયો... મારા અહમના ચીંથરા ઉડી ગયા....

પપ્પુ કેબીન માં આવ્યો, ગઈકાલનો મને એના પર ગુસ્સો હતો, મેં તેની સામે પણ જોયું નહિ. તે બોલ્યો ''સોંફીભાભીને પૈસા આપી આવ્યો છું. ''

મેં કહ્યું '' વાહ, બહુ મોટી ધાડ મારી.. કોન્ગ્રેચ્યુલેશન.... પણ તે તો ઘેર નથી..''

''ખબર છે, તેમની માને ઘેર જઈને આપી આવ્યો''

''એમ? શું કરતી હતી? મતલબ શું વાતો કરી?''

''કશી ખાસ નહિ, કેમ?''

''ના ના એમ નહિ, કશું તો બોલી હશેને?''

''કહ્યું કે ગમે ત્યારે પૈસા જોઈએ તો લઇ જજે, ને તે મારી વાઇફને લગનમાં પહેરવા ઘરેણાં પણ ....''

'' એ બધું છોડ, મારા વિષે શું બોલી?''

''તમારે વિષે? તમારે વિષે શું બોલવાનું હોય? પ્લીસ, તમે માથા ના ચઢાવો યાર.. ''

''અરે ટોપા સીધો જવાબ આપ ને......મારે માટે કશું કહેવડાવ્યું છે?''

તે બોલ્યો નહિ ને કશું બબડતો બબડતો બહાર ગયો. મને ગુસ્સો આવ્યો ને બોલ્યો '' એ ઈ, અહીં આવ, અહીં આવ, ગાળો બોલે છે??''

''ના, તારીફ કરું છું… સોંફીભાભીની....ખરેખર ખુબ જ સહનશીલ છે.''

સાલો, સિક્સર મારી ગયો......

ને છેવટે સાંજ પડી. હું ઘેર આવ્યો ને સાસરે જવા તૈયાર થવા લાગ્યો. હજુયે મારો મૃતપાય થયેલો અહમ મને સળવળીને ખૂંચતો હતો...તું? તું?? મર્દાનગીનો ફાંકો રાખીને ફરવાવાળો તું?? રડવા ને કરગરવા જાય છે??? થોભ, રાહ જો...આટલી બધી ગરજ ના બતાવ... આત્મસમ્માન જેવું કશું છે કે નહિ?? તેના અવાજને દબાવી દેવા માટે ફ્રીઝ ખોલ્યું, ને મારા નસીબ જોગે બિઅર કેન મળી ગયું. આમ તો આ બધું સોફી છુપાવીને રાખે છે. હું માંગુ ત્યારે તે તેની મરજી હોય તો જ અને એને જે આપવું હોય તે જ આપે છે. ક્વોન્ટિટી પણ તે જ નક્કી કરે છે.

ભૂલી ગઈ હશે છુપાડતા, કે પોતાના માટે ઠંડી કરવા મૂકી હશે, ગમે તેમ મને હમણાં તેની સખત જરૂર હતી... એક જ શ્વાસે કેન ખોલીને 500ml પેટમાં ઉતારી ગયો... સાલો વિજય માલ્યા, ભલે દેશના કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને ભાગી ગયો હોય, તેને કશી જ આંચ નહિ આવે, તેની સાથે અમારા જેવા લાખો લોકોની દુઆઓ છે કે તેણે અમને અમારા દુઃખદ સમયમાં સધિયારો આપ્યો....

જો કે મને બિઅર કરતા પણ કશુંક વધારે સ્ટ્રોંગની જરૂર હતી, પણ જે મળ્યું તે.... થોડી તો હિમ્મત આવી.... પોતાના ઝમીરને, આત્મસમ્માનને બાજુ પર મૂકીને કરગરવા માટે ખુબ હિમ્મત જોઈએ... ફરીથી મારુ મન ડગમગવા લાગ્યું - કરગરવાથી પ્યાર મળે?? કે ભીખ?? મેં જોર જોર થી માથું ધુણાવીને આવા વિચારો બહાર હડસેલી દીધા, સોફી માટે હું ભિખારી બનવા પણ તૈયાર હતો.

આમ તો હું કોઈ દિવસ સાસુને ઘેર જતો નથી. ઘણીવાર કશું આપવું-લેવું હોય કે છોકરા ને લેવા જવાનો હોય તો ફોન કરીને જ નીકળું છું, જેથી ઘરમાં જવું પડે નહિ, ને બહાર થી જ કામ પતી જાય. આજે પહેલીવાર હું વગર આમંત્રણે તેમને ઘેર જઈ રહ્યો હતો, બીજો કોઈ જ રસ્તો નહોતો. આમ તો અમારા સબંધ નોર્મલ છે, પણ હું કામ વગર તેમની સાથે બોલતો કે હળતો-ભળતો નથી.

સાસુ અને સાળાની બાયડી શાક સમારતાં ટીવી જોતા હતા, સાસુ એ આવકાર આપીને સોફા પર બેસાડ્યો. સોફી અમારા દીકરાને હોમવર્ક કરાવતી હતી. મારો દીકરો દોડીને મારી પાસે આવ્યો, ને આજે સ્કૂલમાં શું શું સ્કૂલમાં શું કર્યું તે કહેવા લાગ્યો. સોફીએ તેને ધમકાવીને પાછો બોલાવ્યો -''જલ્દી અહીં આવ ને હોમવર્ક પૂરું કર...હું કઈ તમારે માટે નવરી નથી, પછી વેવલાવેડા કર્યા કરજો.''

સોફીએ ફક્ત એકવાર મારા તરફ ઊડતી નજર નાખી ને તરત આંખ ફેરવી લીધી. સાળાની બાયડી પાણી લાવી. સાસુ એ ટીવીનું રિમોટ મારી તરફ ફેંક્યું, ને પોતાના કામે લાગ્યા. હું ચેનલ ફેરવતો રહ્યો.

જેવું હોમવર્ક પત્યું ને સોફી બધું સમેટવા લાગી તો હું બોલ્યો કે મને તારી સાથે વાત કરવી છે.....તે સાંભળીને સાસુ ને સાળાની બાયડી ઉઠીને બીજા રૂમમાં જવા લાગ્યા તો સોફી તેમને સંબોધીને બોલી કે '' બેસો તમ તમારે, મોટો આવ્યો વાત કરવાવાળો... તેના જેવી જ તેની વાતો...મારી પાસે તેની ફાલતું વાતો માટે ટાઈમ નથી, કેટલું કામ છે, હજુ તો ખાવા કરવાનું છે ને ઘર વ્યવસ્થિત કરવું પડશે, ચોવીસ કલાકમાં તો ઘરને ઉકરડા જેવું કરી નાખ્યું હશે.''

ને ટિપોઈ પર થી પર્સ ઉઠાવીને બોલી ''ચાલ, રસ્તામાં દાબેલી ખાવા ઉભા રહીએ ત્યારે જે વાત કરવી હોય તે કરજે.''

હું આશ્ચર્યચકિત થઈને બબુચકની જેમ ઉભો હતો.

''ચાલને, ભૂતની જેમ તાક્યા શું કરે છે? પી ને આવ્યો છે?''

'' હેં…… હા ચાલ ચાલ, પણ છોરો?''

''રાતે જમીને મામા સાથે આવશે.''

દાબેલી ખાવા ઉભા રહ્યા તો સોફી બોલી કે ''બોલ શું કહેતો હતો? ''

'' તું જીતી, મને થોડો રડવા કે કરગરવા નો મોકો તો આપતી....''

'' તું સહેજ વહેલો આવ્યો, હું તો સવારથી જ મમ્મીને કહી દીધું હતું કે સાંજે હું જતી રહીશ, નીકળવાની જ હતી ને તું આવ્યો. રહી વાત રડવાની, તો તું રડે છે ત્યારે જોકર જેવો લાગે છે, એટલે પહેલા બરાબર મર્દની જેમ રડતા શીખી લે પછી હું તને એનો પણ મોકો આપીશ.''.........

સમાપ્ત