Why Me God books and stories free download online pdf in Gujarati

વ્હાય મી ગોડ...

વ્હાય મી ગોડ...?

અલ્ઝાયમરના દર્દીની વાર્તા.

આ પૃથ્વી પર જે કોઈ જીવ જન્મ લે છે એ દરેકે દરેક પોતાની સ્ક્રીપ્ટ લખીને જ આવે છે. સ્ક્રીપ્ટ એટલે કર્મના લેખાં-જોખાં. અંગ્રેજીમાં કહીએ તો ‘કાર્મીક અકાઉન્ટ’. આ સ્ક્રીપ્ટ આપણે પોતે જ લખેલી હોય છે. પૃથ્વી નામના રંગમંચ ઉપર ભજવવા. એ સ્ક્રિપ્ટમાં ઉપરવાળો (ભગવાન) એમાં કશું પણ છેકછાક કરીને કે ભૂંસીને કોઈ જાતના સુધારા-વધારા ક્યારેય કરતો નથી. ઈચ્છા થાય તો પણ નહિઁ. અને જો કરે તો એ બીજા બધા માટે ‘ચિંટિંગ’ કરી કહેવાય. આ કર્મની સ્ક્રીપ્ટ એ પેનથી કાગળ ઉપર કે કી-બોર્ડથી કમ્પ્યુટર સ્ક્રીન પર નથી લખાતી. આપણી કર્મની સ્ક્રીપ્ટ વિચાર, વાણી અને વર્તન આ ત્રણ કલમોથી રીતે ચોવીસે કલાક સદંતર લખાતી જ રહે છે. આ સ્ક્રીપ્ટ એકવાર લખાઈ, દરેક ક્ષણરૂપી સમયના કાગળ પર છપાઈ ગઈ પછી એમાં કોઈ ફેરફાર ન થાય. જે કર્મનું તીર એકવાર કમાનમાંથી છૂટી ગયું એ છૂટી ગયું. એ વળતું એના યોગ્ય સમયે દુ:ખના ઘા સ્વરૂપે કે સુખના મીઠા ઝરણાં સ્વરૂપે ખળખળ વહેતું આવશે જ. એને રોકી ન શકાય. એક વાત ચોક્કસ છે કે જો દૂ:ખ હોય તો એના વળતા ઘાનું પ્રમાણ ઘટાડી શકાય. પણ એને સંપૂર્ણ નાબૂદ ન કરી શકાય. જ્યાં સુધી કર્મને એનું ફળ નહીં મળે ત્યાં સુધી એ વેઇટિંગ લિસ્ટમાં ત્રાટક્વા ટાંપીને જ બેઠું હશે. ક્યારે સમય અને સંજોગો લાગમાં ગોઠવાય અને એ કર્મનું સુદર્શન ટાર્ગેટને નિશાન બનાવી ઠાર પાડે. પછી જ કર્મ શાંત થશે.

તો આ વળતાં ઘાનું (Attack) પ્રમાણ ઘટે કેવી રીતે ?

અધ્યાત્મિક માર્ગમાં જો વ્યક્તિની સાચ્ચી ભક્તિ હશે તો એ કર્મનું પ્રમાણ ઘટશે. એક કહેવત છે ને, ‘તલવારનો ઘા સોયથી સરે’ જો વ્યક્તિનું કોઈ ભયંકર અકસ્માતમાં મૃત્યુ થવાનું હોય કે કોઈ મોટી ઘાત હોય તો એ ભક્તિના પ્રભાવથી એ કર્મનો કરંટ ઘટી શકે છે. જે અકસ્માતમાં વ્યક્તિ મૃત્યુ પામવાનો હતો એમાં એ સામાન્ય ઇજાઓમાં પરિવર્તિત થઈ જશે. અકસ્માતમાં નજીવી ખરચો વાગીને પણ કર્મ શાંત પડશે. તલવારથી વ્યક્તિનું ગળું ઘડથી જુદું પડવાનું હોય એમાં એ વ્યક્તિ જો નરસિંહ મહેતા જેવી ભોળાભાવની ભક્તિવાળો હશે, તો એનું કર્મ સોયની અણી ઘોંચીને પણ લોહીનો મોતિયો તો ફોડશે જ... ત્યાં સુધી કર્મ શાંત નહીં પડે. જે કર્મ આપણે વર્ષો પહેલા કે ગયા જન્મમાં કર્યું છે એનું રિટર્ન ફળ કોઈ પણ સ્વરૂપમાં બહાનું બનાવીને પણ સળી કરીને જતું રહેશે. અને આ એ યુનિવર્સલ નિયમ છે. દરેક પ્રાણી માત્રને લાગુ પડે છે. એમાં ભગવાન સુધ્ધાં આવી ગયા. પારધીએ હરણના શિકાર માટે તીર છોડ્યું હતું, અને એ તીર વાગવાના બહાના સ્વરૂપે શ્રીકૃષ્ણે દેહ છોડ્યો હતો. બાકી શ્રીક્રુષ્ણ સામે એ તીરની વળી શું વિસાત !

કેટલાક લોકોના જીવનમાં કોઈ મોટી અણધારી તકલીફ આવી પડતી હોય છે ત્યારે ભગવાનને દોષ દેતા હોઈએ છીએ કે ‘હે ભગવાન મેં એવું તો કયું મોટું પાપ કર્યું કે તે મને આટલું મોટું દૂ:ખ આપ્યું....’ આવા રોદણા ચારેય બાજુથી ભરાઈ પડ્યા હોય એવા અજ્ઞાની લોકો ગાતા હોય છે. એમના દુ:ખના કારણ માટે ભગવાનને જવાબદાર ઠેરવી દાંત ભીંસીને ઊભરો ભગવાન પર ઠાલવશે. એ વ્યક્તિ એનું ઓપીનિયન આ જન્મમાં એણે જે સારું-ખોટું કર્યું હોય એના આધારિત કહેતો હોય છે. એ આમ તો સાચો જ હોય છે. કેમકે એણે આ જન્મમાં તો એવું કોઈ ભયંકર કર્મ કર્યું જ નથી કે એ આટલા મોટા દૂ:ખમાં સપડાઇ પડ્યો છે. પણ કર્મ માત્ર આ જન્મનું જ રિટર્ન ફંડ થોડું ચૂકવવા આવે છે. એતો ગયા જેટલા જન્મોમાં ઉધાર પાસું હતું એનો હિસાબ ચૂકતે કરવા આવે છે. આ દૂ:ખમાં ભરાયેલા લોકો જ્યારે ઉપર જોઈને જ્યારે ભગવાનને દાંત કચકચાવી કહેતા હોય છે કે વ્હાય મી….??? ત્યારે મને અલ્ઝાયમરના દર્દીની બીમારી યાદ આવે છે. અલ્ઝાયમરના દર્દીના બ્રેઇનમાં જે મેમરી (યાદદાસ્ત) માટેના કોષો હોય છે એનું ધીરે-ધીરે મૃત્યુ થવા લાગે છે. એટલે એ વ્યક્તિની જે સંગ્રાયેલી યાદદાસ્ત હોય છે એ ભૂંસાઈ-ભુલાઈ જાય છે. એને કશું જ યાદ રહેતું નથી. બહુ અલ્પજીવીત યાદદાસ્ત થઈ જાય છે. એણે ગઇકાલે શું કર્યું હતું...! એ ક્યાં ગયો હતો...! અને ધીરે ધીરે તો એ પોતાના ઘરે આવવાનો રસ્તો પણ ભૂલવા લાગે. કલાક પહેલા પેટ ભરીને ખાધું હોય તો પણ એને ખબર ન રહે કે એણે હમણાં જ તો દાબ્યું હતું. અરીસા આગળ ઊભો હોય તો એનું જ પ્રતિબિંબ એ ન ઓળખે. એને નવાઈ લાગે કે આ વળી કોણ ઊભું છે...! આ વ્યક્તિને તો મેં પહેલી-વહેલીવાર જોઈ...! આવી કઇંક પરિસ્થિતિથીમાંથી અલ્ઝાયમરના દર્દીઓ પીડાતા હોય છે. અલ્ઝાયમરની વાત સાંભળીને તમને થોડુક એબ્સર્ડ જરૂર લાગશે. ચલો, એની ચોખવટ એક ખૂંખાર વ્યક્તિની વાર્તાથી કરીએ.

જ્હોની નામનો એક ગરમ સ્વભાવ વાળો શોર્ટ ટેમ્પર્ડ વ્યક્તિ છે. એ અલ્ઝાયમરની બીમારીથી પીડાય છે. એક દિવસ એ કોફી શોપમાં કોફી પીવા જાય છે. વેઇટ્રેસને કોફીનો ઓર્ડર આપે છે. વેઇટ્રેસ ગરમાગરમ કોફીનો મગ આપી જાય છે. કોફી પીને કોફીનો મગ સહેજ આઘો ખસેડે છે. જ્હોની થોડીકવાર ત્યાં જ બેસી રહીને કાચની બહાર ચાલતી લોકોની અવર-જવર જોવે છે. થોડીક વારમાં કોફી શોપની વેઇટ્રેસ બિલ આપવા આવે છે. બિલ ટેબલ પર મૂકી મીઠા અવાજે વેઇટ્રેસ કહે છે, ‘સર... કોફીનું બિલ...’

બહાર લોકોની ચહેલ-પહેલ જોવામાં વ્યસ્ત જ્હોનીની શૂન્યમનસ્ક અવસ્થા તૂટે છે. વેઇટ્રેસ દોઢશો રૂપિયાની બિલની પરચી ટેબલ પર મૂકી હુંફાળું સ્મિત વેરે છે. જ્હોની બે ક્ષણ માટે તો વિચારમાં પડી જાય છે કે એ ક્યાં બેઠો છે...! અહીં શું કરવા આવ્યો...! એ કેવી રીતે અને ક્યારે અહીં આવી પહોંચ્યો...! જ્હોની વેઇટ્રેસના મુસ્કુરાતા ચહેરા સામે અને ટેબલ પર પડેલી બિલની પરચી સામે થોડીકવાર તો પ્રશ્નાર્થભાવે તાકી રહે છે. જાણે બંને વસ્તુઓ એણે પહેલીવાર જોઈ હોય !

‘સર ! આપનું કોફી બિલ...’ વેઇટ્રેસ એજ મીઠું સ્મિત ફરકાવતી ઊભી રહી. જ્હોનીના દિમાગમાં એણે કોફી પીધી કે નહિઁ એ વિચારોનું તુમુલયુધ્ધ ચાલે છે. કશું યાદ ન આવે એવા અવઢવના સમુદ્રમાં વિચારોનું તણખલું પકડવા તરફડિયાં મારે છે. એ વિચારોની શૂન્યતામાં ડૂબી જાય છે. વેઇટ્રેસ જ્હોનીના ખભા પર હાથ મૂકી નમ્ર અવાજે કહે છે, ‘હેલ્લો... ક્યુઝમી સર...’ જ્હોની શૂન્ય વિચારોની કોરીકટ યાદદાસ્ત સાથે ઝબકી જાગે છે. સામે મીઠું સ્મિત વેરતી વેઇટ્રેસ બિલ ચૂકવવા માટે વિનવે છે, ‘સર... આપનું કોફી બિલ...’ જ્હોની સામે પડેલા કોફીના મગમાં જુએ છે. કોફીનો મગ ખાલી છે. જ્હોની દોઢસોનું કોફી બિલને જોઈને ચહેરાના હાવભાવ એના સ્વભાવગત તંગ થવા લાગે છે. આંખ ઉપરની બન્ને કાળી ભ્રમરો કપાળ વચ્ચે ખેંચાઇ બુલ ફાઇટમાં ઝઘડતા બે આખલાની જેમ એકબીજા સાથે ભીંસાય છે.

‘કોફી..? પણ પીધી જ કોને છે...? અને આ શું છે...? દોઢશો નું બિલ...!!! કોફી કોઈ બીજું મંગાવે અને એનું બિલ મારે ભરવાનું...?!! હં....!!!’ જ્હોનીના અવાજમાં ઉગ્રતાની આગ વળગી, ‘મને લૂંટવાના આ ધંધા માંડ્યા છે...! હં...!’

‘સર... પ્લીઝ કામ ડાઉન...’ વેઇટ્રેસે નમ્ર અવાજમાં જ્હોનીના ઉગ્ર સ્વરૂપને શાંત કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘સર... હમણાં ત્રીસ મિનિટ પહેલા તમે જ તો આ કોફીનો ઓર્ડર કર્યો હતો.’

‘લિસન લેડી... મેં કોઈ કોફી-બોફીનો ઓર્ડર નથી કર્યો, મારી સામે કોઈ બેઠું હશે એનો ઓર્ડર હશે... એ તારી સડેલી કોફી પીને નિકડી ગયો હશે. અને એ બાસ્ટર્ડનું બિલ હું ભરું...!!! યુ બ્લડી લાયર...!’ જ્હોનીએ વેઇટ્રેસને ત્યાં ઊભી ઊભી જ તતડાવી નાખી. કઠોર શબ્દોનું અપમાન લાગી આવતા એ રડુંરડું થઈ ગઈ. અવાજમાં સ્વસ્થતા ઢાળી નમ્રતાનો રણકો ભેળવી કહ્યું, ‘સર...આ... આઈ મસ્ટ આપોલાઈઝ ઇફ આઈ લાઈડ... હું..હું મારા બોસ જોડે વાત કરી એમને મોકલું છું...’ વેઇટ્રેસ ધડકતા હ્રદયે બોસને બોલવા ભાગી...

‘યસ સર...’ બોસે આવીને જ્હોની જોડે વાતચીતનો દોર હાથમાં લીધો, જ્હોની પાછો પ્રશ્નાર્થ ભાવે બોસના અલમસ્ત હાથી જેવા જાડા શરીરને ઉપરથી નીચે નીરખી રહ્યો, ‘સર… વી આર શ્યોર કે, તમે જ હમણાં આ કોફીનો ઓર્ડર કરેલો હતો...’

‘વ્હોટટ...!!! મેં કોઈ જ ઓર્ડર નથી કર્યો…’ જ્હોનીના અવાજમાં શમેલી ઉગ્રતાએ પાછો પગપેસારો કર્યો. સ્વભાવમાં તણખા ઝરવાના શરૂ થઈ ગયા. ગુસ્સાથી નસકોરાં ફૂલવા લાગ્યા.

‘સર...આ એક પ્રખ્યાત કોફી શોપ છે... અમે અહીં કોઈ કસ્ટમરને ખોટું બિલ પકડાવી અમારી કોફી શોપની ફેમ ઓછી થાય એવું નથી કરતાં. અને અમારી કોફીમાં તમને કોઈ તકલીફ કે નાપસંદ આવી હોય તો, યુ કેન ટેલ અસ, ઇટ્સ ઓલ ઓકે સર, એન્ડ વી આર વેરી સોરી ટુ ટેલ યુ, બટ યુ હેવ ટુ પે યોર બિલ સર...’

બિલ ભરવાના શબ્દો કાને પડ્યા ને જ્હોનીનું દિમાગ છટક્યું. જ્હોનીના હથોડા જેવા હાથમાં ખુન્નસ ભરાઈ આવ્યું. બંધ મુઠ્ઠીએ ટેબલ પર જોરથી હથોડાની જેમ પછાડી. ટેબલ પર મૂકેલો મગ અને ચમચી, ચાકુ વેરાઈને ઉંધા પડી ગયા. જ્હોની છ ફૂટના તાડ જેવા કદાવર સ્વરૂપમાં ભભૂકતા રોષભેર ઊભો થતાં બોલ્યો, ‘લિસન ફેટસો...’ જાડીયો કહીને જ્હોનીએ બોસનું ઘૃણાજનક સંબોધન કર્યું, છતાં બેઠી દડીનો ગોળમટોળ બોસ કોઈ જાતના ડર વિના રુઆબભેર પ્રતિકાર કરવા તૈયાર ઊભો રહ્યો. પેલી વેઇટ્રેસ કાઉન્ટર પર ફફડતા હ્રદયે ઊભી ઊભી જોઈ રહી હતી ને કસ્ટમરને કોફી-નાસ્તો સર્વ રહી હતી.

‘…મેં શું કહ્યું એ સાંભળ્યુ તે...! હં...!? મેં કોઈ જાતની તારી કોફી-બોફીનો ઓર્ડર કર્યો જ નથી તો પસંદ-નાપસંદની વાત ક્યાંથી વચ્ચે ગુસેડે છે, યુ ઓલ બ્લડી લાયર્સ...’

‘સર...પ્લીઝ કામ ડાઉન... ડોન્ટ ક્રિએટ સીન હિયર...’ બોસે જ્હોનીના ખભે હળવો હાથ મૂકી નીચે બેસાડવા ગયા ને જ્હોનીનો પિત્તો ગયો.

‘હાઉ ડેર યુ ટુ ટચ મી...યુ એસહૉલ...’ વાતવાતમાં ગાળો ભાંડતા જ્હોનીની નજર કશુંક શોધતો હોય એમ આમતેમ રઘવાયા કૂતરાની જેમ દોડાવી. ટેબલ પર વેરાયેલા ચાકુ ચમચી પર ક્રોધિત નજર સ્થિર થઈ. હાથમાં ચાકુ લઈને બોસની છાતીમાં રોષભેર ભોંકી માર્યું. લોહીના ફુવારા છૂટવા માંડ્યા. સામાન્ય વાતનો અંત આવો વિકરાળ આવશે એ બોસ માટે સાવ અકલ્પનીય હતું. છાતીમાં ભોંકાયેલા ચાકુંને લીધે હ્રદય ધબકારા લેવા તરફડિયાં મારતું રહ્યું. આંખોની કીકીઓમાં લોહીના લાલ દોરા ઉપસી આવ્યા. કીકીઓ જડવત સ્થિર થઈ ગઈ. ધબકવા લેવા જોર પડતું હ્રદય આખરી ધ્રાસકો ધડકાવી બંધ પડી ગયું. શરીરમાંથી શક્તિ ધીરે-ધીરે ઓસરવા લાગી. બોસનું ભારે શરીર જમીન પર કોથળાની જેમ ધબ્બ દઈને ઢળી પડ્યું. ફર્શ પર લોહીથી ભરેયેલું તરબતર તળાવ ઢાળ તરફ વહેવા લાગ્યું.

આ મર્ડરનો ઘાતકી નજારો નજર સમક્ષ રૂબરૂ બનેલો જોતાં કાઉન્ટર પર ઊભેલી વેઇટ્રેસના ડોળા ભયને માર્યાં ફાટી પડ્યા. ધબકતું હ્રદય ક્ષણેક પૂરતું ધબકારો લેવાનું ચુકી ગયું. મોઢામાંથી ભયની ચિત્કાર નિકડી પડે એ પહેલા તો મોઢા પર જોરથી બે હાથ દાબી દીધા. જો એ બોસની બાજુમાં ઊભી હોત તો એનું શું થાત...! એવા વિચારે એના તન-બદનમાં જાળ લગાવી મૂકી. ડરી ગયેલા પંખીની જેમ ગભરાઇને બોસની કેબિનમાં ભરાઈ ગઈ. દરવાજો તરત જ અંદરથી લોક કરી દીધો.

લોહીની ધારાઓથી લથપથ જ્હોનીએ કેવું અધમ કૃત્ય કર્યું એ એના અલ્પજીવી વિચારોમાં લપેટાયેલી યાદદાસ્તમાં વાગોળતો ઊભો રહ્યો. ખૂનની સંડોવણીમાં પોતે ન આવે એ પહેલા જ ત્યાંથી ભાગી છૂટ્યો. પણ ક્યાં જવું એની યાદદાસ્ત શોધે જડતી નહતી. પાકીટ શોધવા માટે એ ગજવા ફંફોસવા લાગ્યો. પાકીટ મલતા જ એણે ભૂલી ગયેલા ઘરનું સરનામું અને રસ્તો શોધતા એ ઘરે પહોંચ્યો. ઘરમાં જઈને દરવાજો લોક કરી વાખી દીધો. દોડીને થાકી ગયેલા જ્હોનીએ બાથરૂમમાં લોહીથી ખરડાયેલા કપડાં કાઢયા. શાવર લઈને ચોખ્ખા નવા કપડાં પહેરીને સોફામાં આરામ કરવા પડ્યો.

બીજે દિવસે પોલીસની ગાડીઓ જ્હોનીના ઘરની આગળ-પાછળથી ઘેરી વળી. પૉલિસે બધી બાજુથી ગિરફ્તારી કરી દીધી. પૉલિસે ઈન્સ્પેક્ટરે દરવાજો ખટખટવ્યો. બે જ મિનિટમાં જ્હોનીએ અડધો જ દરવાજો ખોલી બહાર ડોકયું કર્યું.

‘આર યુ મિસ્ટર જ્હોની ડીકીન્સ ?’

જ્હોનીએ જાણે પહેલીવાર નામ સાંભળ્યુ હોય એવા હાવભાવ ચહેરા પર વર્તાયા. એણે દરવાજો સહેજ વધારે ખોલી ડોકી થોડીક વધુ બહાર કાઢી. એના જ દરવાજા પર લખેલી એના જ નામની નેમ્પ્લેટ જાણે પહેલીવાર વાંચી. ‘મિસ્ટર જ્હોની ડીકીન્સ.’ ચહેરા પર થોડુક શંકાસ્પદ ભાવ સાથે અછડતું સ્મિત કરતાં બોલ્યો, ‘યસ...યસ... આઈ એમ મિસ્ટર ડીકીન્સ... કમ ઇન...કમ ઇન’ બોલતાની સાથે એણે આખો દરવાજો ખોલી અંદર આવવા આવકાર્યા. ઈન્સ્પેકટરના ચહેરા પર થોડીક આશ્ચર્યની રેખાઓ ઉપસી આવી. બીજા ત્રણ-ચાર હવાલદારને ઈશારો કરી અંદર બોલાવ્યા. ઇન્સપેક્ટરે અંદર બેઠક રૂમમાં પ્રવેશ કર્યો.

‘મિસ્ટર જ્હોની... તમારા ઉપર ખૂન કેસનો આરોપ છે. ગઇકાલે તમે કોફી શોપના માલીકનું ખૂન કર્યું એ માટે તમને એરેસ્ટ કરવામાં આવે છે...’ ઈન્સ્પેક્ટરે હાથકડી પહેરાવા હવાલદારને ઈશારો કર્યો. જ્હોનીમાં ગુસ્સો ભભૂકી ઊઠે એ પહેલા તો હવાલદારે જ્હોનીના બન્ને હાથ પાછળ ખેંચી હાથકડીમાં જકડી દીધા.

‘મેં તો એ કોફી શોપમાં ક્યારેય પગ પણ નથી મૂક્યો, તો પછી એના માલીકનું ખૂન ક્યાંથી કરું... હું નિર્દોષ છું...સર...’ હાથકડીમાંથી છૂટવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં એ બરાડી ઉઠ્યો, ‘મેં કોઈનું ખૂન નથી કર્યું...’ ઇન્સ્પેક્ટરે હવાલદારને ઈશારો કર્યો. હવાલદાર લેપટોપ લઈને સીસીટીવી ફૂટેજની ક્લિપ સ્ક્રીન પર પ્લે કરી. ઝુમ કરીને જ્હોનીનો ચહેરો વધુ સ્પષ્ટ કર્યો. જ્હોનીએ પોતાને જ એ વ્યક્તિનું ખૂન કરતાં જોઈને એની આંખો આશ્ચર્યને માર્યી પહોળી થઈ ગઈ. પોતાને ખૂન કરતાં જોઈને એની ખુદની આંખો ઠગારી નીકળી હોય એવું લાગ્યું.

‘તે ખૂન નથી કર્યું તો આ તારા જેવો જ હૂબહૂ દેખાતો ખૂની કોણ છે... બોલ સાલા હરામખોર... પોલીસ સામે જુઠ્ઠું બોલે છે... નાલાયક તને તો હવાલાતની હવા ખવડાવી ઢોર મારે મારીશું ત્યારે પોપટની જેમ સાલા બધુ કબુલી નાખશ... લઈ જાવ સાલા કંબખ્તને...’

ઘરની તપાસ કરતાં હવાલદારે બાથરૂમમાંથી મળેલા સબૂત બતાવતા કહ્યું, ‘સર... આ લોહીથી ખરડાયેલો શર્ટ બાથરૂમમાં પડેલો મલ્યો.’

‘સાલો હરામખોર... પાછો નિર્દોષ છે એમ બોલે છે...’ ઇન્સપેક્ટરે બે દંડા પછવાડા પર ફટકાર્યા. જ્હોનીના ચહેરા ઉપર હજુ આશ્ચર્યના ભાવ પથરાયેલા હતા. જાણે કોઈએ ખૂન કેસમાં એને ફસાવ્યો હોય.

‘…એ શર્ટને કોથળીમાં મૂકી ફોરેન્સિક લેબમાં તપાસાવા મોકલો.’

‘સર... મેં કોઈનું ખૂન નથી કર્યું... મને કોઇકે ફસાવ્યો છે...’ જ્હોની કગરી પડ્યો.

‘…એતો આ તારા શર્ટ પર કોનું બ્લડ ગ્રૂપ છે એ જ બધી સચ્ચાઈ ઉગલી દેશે... હરામખોર...’ પાછા બે દંડા ફટકાર્યા.

બધા જ સબૂત અને ગવાહ જ્હોનીના વિરુધ્ધ સાબિત થયા. જજે જ્હોનીને ફાંસીની સજા ફટકારી. જ્હોનીને ફાંસીના માંચડે ઊભો રાખી કાળો બુરખો માથે પહેરાવ્યો. બુરખામાં જ્હોનીના મનમાં એ પોતે ખરેખર નિર્દોષ છે, એણે કોઈનું ખૂન કર્યું હોય એવું યાદ જ નથી, તો આ ફાંસીની સજા કેમ એને થાય છે...? એને કયા ગંભીર ગુના સજા અત્યારે મળી રહી છે...? આ બધા વિચારો કાળા બુરખામાં લપેટાયેલા જ્હોનીના દિમાગમાં વાવાઝોડાની જેમ તોફાન મચાવી રહ્યા હતા. પોલીસના નિયમો અને અદાલતના કાયદાઓને એની છેલ્લી ઘડીઓમાં નફરતભરી નજરે ધિક્કારવા લાગ્યો. ભગવાનને એને અન્યાયના દોરડામાં સાવ નિર્દોષ રૂંધી નાખ્યો. આ વિચાર સાથે જ એના ગળામાં ફાંસીનો માંચડો બંધાઇ મજબૂત ભીંસાયો. જજે ઘડિયાળમાં સમય જોઈને જલ્લાદને ઈશારો કર્યો. ‘ભગવાન અન્યાયી છે, આંધળો છે, કપટી છે.’ આ છેલ્લાં વિચારો જ્હોનીની અલ્ઝાયર્મરથી પીડાતી ટૂંકી યાદદાસ્તમાં ગુમરાયા કર્યા. પગ નીચેથી લાકડાનું પાટિયું ખસ્યું અને જ્હોનીના ગળા પર દોરડાની સખ્ખ્ત ભીંસ પડી. એક જ ઝટકે કરોડરજૂજુનો મણકો ટક્ક... અવાજ સાથે બટકાઈ ગયો. શ્વાસ રૂંધાવા લાગ્યો. ક્ષણિક પુરતાં પગ હવામાં તરફડિયાં મારતાં ઉછળ-કુદ થયા. થોડીક ક્ષણોમાં નિશ્ચેતન દેહ શાંત પડી લબડવા લાગ્યો.

શું જ્હોની નિર્દોષ હતો કે દોષિત ???

ચાલો આ સ્ટોરીનું થોડુક વિસ્તૃતમાં પોસ્ટ-મોર્ટમ કરીએ.

આ સ્ટોરી પરથી એ તો કહી શકાય કે જ્હોની દોષિત હતો. ભલે એ અલ્ઝયમરની બીમારીથી પીડાતો હોય. કલાકો પહેલા કરેલી ક્રિયા જાણે સ્લેટ પર લખેલા અક્ષરો પર જેમ ડસ્ટર ફેરવીએ એમ એના દિમાગની મેમરીમાંથી ભૂંસાઈને ભુલાઈ જતી હોય. એ આવેશમાં આવીને ખૂન કરી નાખે છે. બીજે દિવસે એ બધુ જ ભૂલી જાય છે. કોરીકટ યાદદાસ્ત સાથે જાગે છે. પોતે ખૂની છે એનો એક નજીવો વિચાર કે અણસાર સુધ્ધાં નથી યાદ. છતાંયે જ્હોની એની દ્રષ્ટિએ ખૂની ભલે ન હોય. પણ દુનિયાની નજરમાં તો એ ખૂની છે જ. અને દુનિયાના કાયદા નિયમ મુજબ એને સજા થવી જ જોઈએ. ભલે એ છેલ્લાં શ્વાસ સુધી પોતાને ફાંસીની સજા થઈ એ બદલે દુનિયાને કે ભગવાનને દોષિત ઠેરવતો હોય.

જે લોકો પોતાના દૂ:ખ અને તકલીફો માટે ભગવાનને કે આજુબાજુના લોકોને દોષિત ઠેરવે છે. ભૂલ કર્યાની આંગળી પોતાના તરફ ચીંધવાને બદલે બીજા પર ઉઠાવે છે એ લોકો જ્હોનીની જેમ જ વિચારે છે અને વર્તે છે. જ્હોનીને માત્ર અમુક કલાકોની યાદદાસ્ત ગુમાવી દેવાની બીમારીથી પીડાય છે એટલે એ પોતાની ભૂલ માટે બહાર દોષ દે છે. બસ એજ રીતે આપણે આ જન્મ સિવાય બીજા અનેક જન્મો જે પહેલા લીધા છે એની યાદદાસ્ત ગુમાવી દીધી છે. આપણે એ બધા જન્મોમાં જે સારા-નરસા કર્મો કર્યા છે એ ભૂલી ગયા છીએ. પણ એ સારા-નરસા કર્મોની વળતી પ્રતિક્રિયા (કર્મ કર્યાનું વળતું ફળ) તો આવવાની જ છે. મૃત્યુ પામ્યા પછી પણ એ કર્મો તો એના પાકી ગયેલા સારા-નરસા ફળ સ્વરૂપે તો પાછા હિસાબ ચૂકતે કરવા આવવાના જ છે. અને એ જ્યારે આ જન્મમાં આવશે ત્યારે આપણને નવાઈ લાગશે. ખાસ કરીને દુ:ખ આવશે ત્યારે. સુખમાં તો વ્યક્તિ ખુશીથી ઝૂમી ઉઠશે. સુખમાં ભગવાન યાદ નહીં આવે. વ્હાય મી ગોડ… વ્હાય મી…? વ્હોટ આઈ હેવ ડન…? આ લાઇન્સ દૂ:ખમાં જ યાદ આવે.

બસ આટલો જ ફર્ક છે. જ્હોની માત્ર કલાકોની યાદદાસ્ત ગુમાવવાની બીમારીથી પીડાય છે. જ્યારે આપણે આ જન્મ સિવાય બીજા જન્મોમાં શું કર્યું એની યાદદાસ્તથી અજાણ છીએ. જોકે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ભગવાનના યૂનિવર્સલ નિયમ મુજબ બધા જ નવા જન્મેલા બાળકો આગલા જન્મની યાદદાસ્ત ફોર્મેટ મારીને જ જન્મે છે. આ કોડિંગ ભગવાને દરેક જીવ માત્રમાં ‘બાય ડિફોલ્ટ’ રાખેલુ છે.

તમને અને મને ખબર છે કે જ્હોની ખૂની છે. કારણકે આપણે એની સ્ટોરી એક ત્રીજા વ્યક્તિની જેમ નિર્લેપ થઈને દ્રષ્ટા ભાવે નિહાળી. માનીલો કે આપણી પાસે એક ચશ્મા જેવી હાઇ ટેકનૉલોજી ધરાવતું સાયન્ટીફિક ડિવાઇસ છે. એ ડિવાઇસ આપણને આપણાં અત્યાર સુધી જેટલા જન્મો લીધા એની ક્ષણેક્ષણની રજેરજ માહિતી આપે છે. આપણે એ ડિવાઇસને ચશ્માંની જેમ પહેરીએ છીએ. હવે આપણે અત્યારે વર્તમાનમાં જે કોલાહલ પરિસ્થિતિથી પીડાઈએ છીએ એનું કારણ જોઈએ છે. ચશ્માંના કાચ સામે સિનેમાના પડદાની જેમ એક મોટું ટેબ ખૂલે છે. જેમાં લાખો-કરોડો જન્મોની ફાઇસ લોડ થઈ આખી સ્ક્રીન ભરાઈ જાય છે. આપણે અત્યારે આ જન્મની આ વર્તમાનમાં જે દૂ:ખ ભોગવી રહ્યા છીએ એનો જવાબ શોધવા આ જન્મની ફાઇલ પર દ્રષ્ટિ કરી, ડબ્બલ ક્લિક સ્વરૂપે આંખની પાંપણો બે વાર પટપટાવી. ફાઇલ ખુલી ગઈ. વર્તમાનના દુ:ખનું ડૉક્યુમેન્ટ પહેલું જ દેખાય છે. નીચેના ડોક્યુમેન્ત્સ ભૂતકાળના છે. ભવિષ્યના હજુ એડ નથી થયા. વર્તમાનના દુ:ખના ડૉક્યુમેન્ટ પર ડબ્બ્લ ક્લિક કરતાં જ એક ટેબ ખૂલે છે. આપણે કીબોર્ડ પર “આ દૂ:ખનું કારણ...?” શોધવાનું ટાઈપ કરી એન્ટર પ્રેસ કરીએ છીએ. એ ડૉક્યુમેન્ટ અડધી ક્ષણમાં નવ જન્મ પહેલાનું ફોલ્ટર પર રીડાઇરેક્ટ થઈ 1774ના સાલની ફાઈલ ખૂલે છે. એક મેસેજ લાલ અક્ષરોમાં પોપ અપ થાય છે.

“આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ઓપન ધીસ ક્લિપ...?”

Click : Yes Or Close.

Yes. Enter….

ચશ્માં સામે દેખાતા પડદા ઉપર ક્લિપ ચાલુ થાય છે. ક્લિપમાં આપણે કરેલું દુષ્ટ કર્મની ફિલ્મ દેખાય છે. વર્તમાનની પરિસ્થિતિના દૂ:ખનો જવાબ એ ક્લિપમાંથી મળી જાય છે. નવ જન્મો પહેલાનું દૂ:ખ હવે વર્તમાનમાં પાક્યું. આમાં ભગવાને કશું વધાર્યું ચડાવ્યું નથી. જે કર્યું છે એ સામે જ છે. એ ક્લિપ જોતા મગજના બેકગ્રાઉંડમાં એક વિચાર પોપ અપ થાય છે. ‘જેસી કરણી વેસી ભરણી’. હવે આ સૂત્ર વધુ સત્યતાથી છલકાતું હોય એવું વર્તમાનમાં સમજાય છે. વર્તમાનમાં ભોગવી રહેલા દૂ:ખમાં ભગવાનનો કોઈ જ હાથ નથી એ સમજ વધુ સ્પષ્ટ થાય છે.

જો આવું ડિવાઇસ શોધાયું હોત તો ભગવાનની પાસે કોઈ ફરિયાદના ઇ-મેલ ક્યારેય સેન્ડ ના કરત. વર્તમાનમાં ભોગવી રહેલા દૂ:ખ પરથી વધુ સજાગ બની સારા કર્મો કરવા તરફ પ્રેરાત. ભગવાનના ટર્મ્સ એન્ડ કન્ડીસન પર વધુ વિશ્વાસ બેસત. એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ પાલન કરવા ટેવાત. પછી પેલા ‘વાય મી ગોડ…?’ ની રટણમાળા કરતાં સાવ ઘસાયેલા તથ્ય વગરના પ્રશ્નો આઉટ ડેટેડ થઈ જાત.

કાશ એવા સાયન્ટિફિક પાસ્ટ વિઝનવાળા ચશ્માં હોત !

લેખક – Parth Toroneel

(Article from Toroneel’s personal philosophical diary)

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED