Jivanma Vanchvanu Mahatv - 2 books and stories free download online pdf in Gujarati

જીવનમાં વાંચનનું મહત્વ - 2

કેટલાક પ્રશ્નોનો ખુલાસો કરી નાખીયે...

  • મુખ્ય લેખ : ‘જીવનમાં વાંચનનું મહત્વ.’
  • બે પ્રકારના વાંચકો હોય – પુસ્તકિયો કીડો (Book worm) અને પુસ્તક પ્રેમી (Book lover).
  • બે પ્રકારનું વાંચન હોય.
  • પુસ્તકો વાંચવાનો રસ કેવી રીતે જગાવવો....?
  • હું વાંચક કેવી રીતે બન્યો...? [Motivational Story]
  • પુસ્તક પર આધારિત મુવી કરતાં પુસ્તક વધુ કેમ ગમતું હોય છે...?
  • નામચીન વ્યક્તિઓએ પુસ્તકોની અગત્યતા વિષે કહેલા પ્રેરણાદાયક અવતરણો.
  • ચકો ચડ્યો કોટ પર...! [Thought provoking story with image]
  • ગયા લેખમાં તમે ‘જીવનમાં વાંચનનું મહત્વ’ મુખ્ય લેખ વાંચ્યો. જે વાંચક મિત્રોએ ન વાંચ્યો હોય એ જરૂર વાંચી લે.

    2. બે પ્રકારના વાંચકો હોય –પુસ્તકિયો કીડો (Book worm) અને પુસ્તક પ્રેમી (Book lover).

    Book worms :

    કયા વિષય પર હું વાંચું તો મારે માટે ઉપયોગી હોય એ જાણવા મળે...? પુસ્તક વાંચ્યા પછી કશુંયે શીખે નહિઁ, શું important છે એની priority આપ્યા વગર એમને જે આપો એ ઊંધું ઘાલીને વાંચ વાંચ જ કરે. આ પ્રકારના વાંચકોને ‘પુસ્તકિયા કીડા’ કહેવાય. એમને બધુ જ વાંચવા જોઈએ. પણ એ પુસ્તક વાંચ્યા પછી જો એમ કહેવામાં આવે કે, ‘તને પુસ્તક કેવું લાગ્યું એનો જરા શોર્ટમાં રિવ્યુ આપજે !’. તો મગજ બ્લેન્ક થઈ જાય. અને અઠવાડીયા પછી તો એમાનું કશુએ એમનું યાદ જ ના હોય. Book worms હોય એ પુસ્તક વાંચ્યા પછી એના પર પરિશીલન (મનન) નથી કરતાં. બસ, વાંચી નાખે. એમને ‘Book worms’ કહેવાય.

    (Book worms હોવું એ ખરાબ છે એવું કહેવાનો ભાવાર્થ જરાય નથી. જે લોકો પુસ્તકો વાંચતા જ નથી એમના કરતાં તો ઘણું સારું છે. Book worms હશો તો ગમે ત્યારેય તમે Book lovers તો બની જ જશો. પાણી જે પથ્થરો પરથી સતત વહેતું હોય એ પથ્થર લીસો અને ચોખ્ખો જ હોય. એમ જેટલું વાંચન થતું રહેશે એમાંથી ધીરે ધીરે સ્પષ્ટતા અને સમજ વધતી જ જાય. અને પછી Book loves ની કેટેગરીમાં... )

    Book lovers :

    જે પુસ્તકોનું વાંચન કરતો હોય પ્લસ પુસ્તકમાંથી એને જે ઉપયોગી હોય એનો ક્યાસ કાઢી લેતો હોય.

    પુસ્તક વાંચ્યું હોય એનો ખરો અર્થ ક્યારે સરે? જ્યારે પુસ્તકમાં વાંચેલું કોઈ એક પત્તું કે નવલકથાનું કોઈ પાત્ર આપણે નીરસ (ડિપ્રેસ્સ) ફીલ કરતાં હોઈએ, કોઈ મહત્વનો નિર્ણય કે રિસ્ક લેવા જતાં હોઈએ ત્યારે ઢચુપચુની (hesitate) લાગણીઓ ઘેરી વળી હોય એ સમયે તમે વાંચેલા કોઈ પુસ્તકની એક લાઇન કે પાત્રનું વલણ, કે સંવાદ (ડાઈલોગ) અંદર ઝબકી જાગે અને હિંમ્મત આપે પ્રેરિત કરે ત્યારે સમજી લેવાનું કે તમે પુસ્તક વાંચ્યું એ ખરા અર્થમાં સાર્થક થઈ ગયું. 400 પેજનું આખું પુસ્તક ગોખીને લેવાની જરૂર નથી. માત્ર સમજવાની જરૂર છે.

    બાકી પુસ્તક મજા માટે (for entertainment) વાંચો એ પણ સરસ જ છે. પણ આપણને જીવનમાં ઉપયોગી થાય, મદદરૂપ થાય તો તો એ... THE BEST કહેવાય. આ પ્રકારના વાંચકને હું પુસ્તક પ્રેમી (Book lover) કહું છું. જે પુસ્તકને વાંચીને એના પર પરિશીલન કરે છે –સમજી-વિચારી એમાંથી ક્યાસ કાઢી લે છે.

    પુસ્તક વાંચી લેવું જોઈએ, વાંચી નાખવું નહીં.

    [ કઈ કેટેગરીમાં આવવું અથવા કયા પ્રકારના વાંચક બનવું એ નક્કી કરી લો... ]

    (By the way, It’s just a personal opinion... so keep this in mind. Don’t judge main article by reading this answer.)

    ***

    3. બે પ્રકારનું વાંચન હોય.

    એક હોય છે ‘ફરજિયાત’ અને બીજું ‘મરજિયાત’.

    ફરજિયાતમાં ભણવાના પુસ્તકો હોય. જે વાંચવા જ પડે નહીંતર માર્કસ ના આવે. માર્કસ ના આવે તો સારી નોકરી ન મળે. અને સારી નોકરી ન મળે તો કદાચ સારી છોક...

    ખેર, મરજિયાતમાં કોઈ restriction જ ના હોય. બાકી બિંન્દાસ... જેમાં રસ પડે એ ઉઠાવાનું. ના પડે તો બીજું ઉઠાવાનું.

    ભણવાના પુસ્તકોમાં મોટેભાગે માત્ર પૈસા કમાવા માટેનું, ધંધાકીય જ્ઞાન હોય છે (વેલ, એ પણ જરૂરી જ છે). પણ બાકીના પુસ્તકોમાંથી જીવન વિષે વધુ જાણી શકાય છે. જીવનમાં નિષ્ફળતા આવે તો શું કરવું એ ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ભૂગોળ, કે મેથ્સની કોઈ થિયેરી કે સૂત્રોમાં ના આવે કે કેવી સોલ્યુસન લાવવું. એતો મહાન લોકોની જીવનકથામાં આવે, જીવનના કડવા સત્યો વિષેના પુસ્તકોમાં આવે, બોધ-કથાઓમાં આવે. ઈતર પુસ્તકો વાંચેલા હોય એ કામમાં આવે. માનસિક ભાંગી પડ્યા હોવ તો એ પુસ્તકો વ્યક્તિને ઊભો કરે. વાંચેલી કોઈ વાર્તા કે નવલકથામાંનું કોઈ પાત્ર માનસપટ પર ઝબકી ઊઠે, એનો કોઈ સંવાદ (ડાઈલોગ) યાદ આવે, જે આપણને ઊભા કરવા આંતરિક ધક્કો મારે. પ્રેરણા આપે. આ ઈતર પુસ્તકોમાં હોય. મરજિયાત વાંચનમાં હોય.

    ***

    4. પુસ્તકો વાંચવાનો રસ કેવી રીતે જગાવવો....?

    બે જવાબ છે.

    એક - જેમણે અત્યાર સુધી ભણવા સિવાય બીજા કોઈ પુસ્તકો વાંચ્યા જ ન હોય એમના માટે.

    બીજો - બાળકો માટે. જે હજુ ભણે છે. ઘડો ઘડાય છે એટલે કાઠલાને જેવો શેપ આપશો એવો તૈયાર થશે.

    એક – પહેલા તો તમને જે વિષય પર વાંચવું ગમતું હોય અથવા જેમાં વધુ સારો ટપ્પો પડતો હોય એ શોધી પાડો. અધ્યાત્મિક, ધાર્મિક, ટૂંકી વાર્તા, આર્ટિક્લ્સ, રમૂજીક વાર્તા, નિબંધ, નોવેલ્સ, સાયન્સ રિલેટેડ… કે કોઈપણ સાહિત્ય હોય એની પાતળી પુસ્તિકાથી શરૂઆત કરો. બોરિંગ લાગે તો મૂકી દેવાની ને બીજી ઉપાડવાની. રસ પડે એજ વાંચવાનું. ધીરે ધીરે રસને વધારવાનો. દિવસમાં થોડોક નવરાશનો સમય મળે થોડુક વાંચી લેવાનું. જાડા દળદાર કે ફિલોસોફી દાબી-દાબીને ઠોકી હોય એવા પુસ્તકો નહિઁ વાંચવાના –ભમી જશે. એક તો ટપ્પો પડે નઇ, ને લાંબું ડાચું ખેંચાઇ જાય એવડા મોટા તો બગસા આવે. એટલે શોર્ટ અને ઇન્ટરેસ્ટિંગ હોય એવું વાંચન કરવું. અમુક સમય પછી લાગે તો રીડિંગ ડોઝ વધારવો. અપખ ના પડે એ ખાસ જોવાનું. Reading should be easy and enjoyable, shouldn’t be a burden.

    પેલી વાર્તા છે ને ; એક હોશિયાર માણસ પાસે એક ગધેડો હતો. એ માણસને વીસ કિલોના ભારની ગુણી ગધેડા ઉપર મૂકીને બીજા ઠેકાણે લઈ જવાનો હતો. એટલે એણે ગધેડા પર એકી સામટું વીસ કિલો વજન મૂકી દીધું. એટલું વજન ગધેડાની ક્ષમતા બહાર થઈ પડતું એટલે એના ટાંટિયા ફસડાઈ પડતાં. અને નીચે બેસી જતું.

    એ માણસ હતો ચબરાક. એટલે એણે વીસ કિલોની ગુણી બાજુમાં મૂકી. ગધેડા પર હાથ ફેરવી પંપાળીને ઊભું કર્યું. પછી ગધેડા ઉપર એ માણસે એક એક કિલોનો ભાર ધીરે-ધીરે મૂકતો ગયો. જેમ જેમ એનો માલિક વજન વધારતો ગયો એમ એમ ગધેડો પગ આગાપાછા કરીને એની રીતે અડજસ્ટમેંટ કરતો ગયો. ગધેડા પર વજન વધતું ગયું. છેલ્લે એક કિલોનું વજન મૂકીને વીસ કિલોનું નેટ વજન ગધેડા પર મૂકી દીધું. ગધેડો ત્યારે પણ એના પગ સીધા મજબૂત બનાવી ઊભો હતો.

    હવે વિચારો કે, શરૂઆતમાં ગધેડા ઉપર જે એકી સામટું વીસ કિલો વજન મૂકી દીધું તો એ નીચે ફસડાઈ પડ્યો. જ્યારે એના માલિકે એટલુ જ વજન ધીરે ધીરેથી વધારતો ગયો અને આખરે એટલું જ વીસ કિલો વજન મૂકી દીધું છતાંયે ગધેડો બિંન્દાસ ઊભો જ હતો.

    કહેવાનો ભાવાર્થ એ છે કે, આપણું મન પણ એક રીતે ગધેડા જેવો જ ગુણ ધરાવે છે. એને ધીરે-ધીરે ટેવડાવું પડે (get use to કરવું પડે). ગધેડો...!!! એમનમ જ થોડો કહેવાય છે એને !

    સારી ટેવ પડે નહિઁ, પાડવી પડે. એટલે જ તો કહું છું –વાંચવા માટે સમય મળે નહિઁ, કાઢવો પડે. આ ડિજિટલ સમયમાં તો સ્માર્ટફોન હાથમાં લો એટલે મોટેભાગે આપણો અંગુઠો સીધો જ Whatsapp કે facebook પર જ જતો રે છે. જોવે કે ; ‘કોઈએ કશું નવું પોસ્ટ કર્યું કે નઇ !, પેલાનો રિપ્લાઇ આયો કે નઇ !’. અરે ભઈ...! થોડોક સંયમ કેળવો. પુસ્તક હાથમાં લઈને થોડુક મનગમતું વાંચન કરી લો. સારી ટેવ પાડવા થોડાક સજાગ થવું જ પડે. એમનમ જ ના પડી જાય. We must work on it.

    બીજો – બાળકોમાં જેવી ટેવ પાડો એવી પડે. ‘કોરી સ્લેટ’ જેવા કહેવાય. એટલે નાનપણથી ભણવાના પુસ્તકો સાથે સાથે બાળવાર્તાઓ વંચાવાની ટેવ પડાવો. એ માટે પહેલા તો માતા-પિતાએ પોતે વાંચનની ટેવ પાડવી પડે. બાળકોને તમે કહેશો એના બદલે તમે શું કરો છો એનું અનુકરણ એ પહેલું કરશે. કારણકે તમે જે કરો છો એ પ્રેક્ટિકલ લાગશે એને. એ ફોલો વહેલું કરશે. બાકી તો, તમે પોતે ગોળ ખાતા હોવ ને બીજાને કહેતા હોવ કે ; ‘ અલ્યા ! ગોળ ના ખવાય, હળવળિયા પડે’ આવી શિખમણો આપો તો ક્યાંથી મેળ ખાય !

    આપણાં ગુજરાતી સાહિત્યમાં કેટલાયે સુંદર પુસ્તકો છે વાંચવા જેવા. પંચતંત્ર, અળુક્યો ઢળુક્યો, અકબર બિરબલ, ઈશપની વાર્તા. ખ્યાતનામ વિદેશી કેટલીયે બાળવાર્તા ગુજરાતીમાં ભાષાંતરીત કરી છે – શેરલોક હોમ્સ, પોલિએના. અને અંગ્રેજી સાહિત્યમાં તો અઢળક પુસ્તકો છે...

    એકવાર એને ભણવા સિવાયના પુસ્તકો વાંચવાનો રસ પડવાનો શરૂ થયો એટલે એ વાંચક બની ગયો સમજો. અમેરિકામાં એક રિસર્ચ પરથી માલુમ પડ્યું કે ; સ્કૂલમાં ભણતા અમેરિકાના બાળકો શરીરીક રીતે ખૂબ સ્વસ્થ હતા, પણ માનસિક રીતે ઉદાસ અને નીરસ રહેતા. બાળકોની એ શૂન્ય માનસિકતા પુસ્તકો ભરી દે છે. Only reading and knowledge can fill that vacuum.

    આલબર્ટ આઇનસ્ટાઇને કહેલું એક સરસ ક્વોટ યાદ આવે છે :

    “If you want to be your children intelligent, read them fairy tales. If you want your children to be more intelligent, read them more fairy tales.”

    આવું એમણે કેમ કહ્યું...?

    કારણકે fairy tales એ ફેન્ટસી છે. (ફેન્ટસી એટલે વાસ્તવિક દુનિયામાં જે શક્ય નથી તે, પણ કાલ્પનિક દુનિયામાં બિલકુલ શક્ય છે...) જ્યારે તમે બાળકને fairy tales વાંચવા આપો ત્યારે એ અશક્યને એની ઈમેજીનેશનમાં સર્જવાનો, વિચારવાનો પ્રયત્ન કરશે. જેટલી સરસ વાર્તા અને એનું વર્ણન એટલું સરસ બાળક ઈમેજિન કરશે. ધીરે-ધીરે એની ઈમેજીનેશનની પાંખો ફૂટી નીકળશે. ઈમેજીનેશન ખીલવા લાગશે.

    આઇનસ્ટાઇને કહ્યું છે કે : “Imagination is more important than knowledge.” ઈમેજીનેશન એ જ્ઞાન કરતાં પણ વધુ અગત્યની છે. આ ઈમેજીનેશન અગત્યની છે તો વધારવી ક્યાંથી...?

    આઇનસ્ટાઇન દાદાએ કીધું એમ : બાળકોને fairy tales વંચાવો.... વધુ બુધ્દ્ધિશાળી કરવા છે…? તો વધુ fairy tales વંચાવો.

    ***

    5. હું વાંચક કેવી રીતે બન્યો...?

    આ વાત છે દસમા ધોરણની. હું અને મારા દાદા બન્ને ખાસ પાક્કા મિત્રો. પહેલેથી જ. મારા દાદા બાકી એકદમ બિંન્દાસ માણસ છે. દિલમાં હોય એ જીભ પર હોય. કોઈ વ્યક્તિ કે ગેસ્ટ ઘરે આવે તો એમની જોડે પતે ના એટલી બધી વાતો હોય. અને ધાર્મિક વિષય પર તો અખુટ દ્રષ્ટાંતો તૈયાર જ પડ્યા હોય. બસ એને લગતી વાત આવે એટલી જ વાર.

    દરરોજ હું સ્કૂલ કે ટ્યુસનથી જતો-આવતો હોવ ત્યારે હું નિરીક્ષણ કરું કે એ દાદા કશુંક તો વાંચતાં જ હોય. મેં એકવાર પૂછ્યું એમને કે : દાદા, તમે આટલું બધુ શું વાંચ વાંચ કરો છો....! કંટાળો નથી આવતો આટલું બધું વાંચતાં...?

    દાદા સહેજ હસીને બોલ્યા : ‘કંટાળો તો બેહ્ય બેહ્ય આવ... વોચત તો મજા આવ..લ્યા, ટેમ જાય ક.’

    ‘ ટાઈમ જાય એ બરોબર...દાદા, પણ આટલું બધું વાંચતાં મળે શું...? ભૂલી ના જાવ તમે...! ’

    ‘ ચમ હું મળ તે...? કોકે જોણ્યું હોય, અનુભવ્યું હોય એ જોણવા મળ. ઇનો વિચાર ખબર પળ ’

    ‘ બીજાનો વિચાર જાણીને શું કરવાનું...! તમારે તો ખાઈ-પીન હેયન બાકી ઊંઘી જવાનું હોય... બિંન્દાસ... ’

    ‘ ઇમનમ ખઈ-પીન તો કુતરો-બલ્યાળ્યોયે પળ્યો જ રઈ’સ ન...! ’ એમના જવાબથી હું જરા ભોંઠો પડ્યો. ‘ પસ તો આપળામો ન ઈમન વચ્ચે હુ ફરક ’ર્યો...? એયે ખઈ-પીન જમીન પર આળોટીન ઊંઘ સ, ન હું ઓય ખાટલા મઇ... ’ હું ચુપ રહ્યો એટલે એમણે વાત આગળ વધારી.

    ‘ જો, પળ્યું રેલું લોઢું હોયન, એ ઇના કાટથી જ ખવાઇ જાય... પણ લોઢું વપરાતું રેન તો ઇન કોયે નો થાય. ઇમ વોચતા રઇયે તો કો’ક જોણવા મળ. હારા હારા વિચારો વોચીયે તો ઓય...’ એમણે માથા પર બે-એકવાર ટપલી મારી ‘....ઓય કોક વિચારોમો ફળદ્રુપતા આવ. ઇમનમ તો પળ્યા રઈન તો ઢેખાળો જોણવા મળ...!!! હમજ્યો ક નઇ...? ’ એમણે એમની મોટી સફેદ ભ્રમરો ઊંચી કરી સહેજ હસીને બોલ્યા. એમના વિચારોમાં મને તથ્ય લાગ્યું હોય એવું વિચારતા મેં ‘હા’ કહીન માથું હલાવ્યું.

    ‘ તમે કો’ક વોચ્યું હોય તો કોક્ન કશુંક કૈ હકો, વોચ્યા વિના હુ કો...? શકોરું...!!! ’ એમનો છેલ્લો શબ્દ સાંભળી હું હસી પડ્યો. અને પછી એ પણ હસતાં હસતાં બોલ્યા ‘ ખોટી વાત સ કોય...? ’

    મેં હસતાં હસતાં નકારમાં માથું ધુણાવ્યું.

    ‘ તો પસ... આ ધર્મલોકમો તો મોય મોય એવા હારા હારા દાખલા (દ્રષ્ટાંતો) આવ સન ક તમન ઓમ હુની ઘેડ પડી જાય... ’ હજુ થોડુક હાસ્ય મારા ચહેરા પર ફરકતું હતું.

    ‘ જેમો તમન રસ પડતો હોય એ વોચોન તમે... એ કદીયે નો ભૂલાય... ઓઈકણ્યો... ’ ફરીથી માથા પર બેત્રણ વાર ટપલી મારી બોલ્યા ‘....ઓઈકણ્યો ભેજામાં ગમતે ખૂણા મોયે પડ્યું જ ર્યું હોય. કોકના જોડ સત્સંગ કરીયે તો મારું બેટું શી ખર ચોયથીયે યાદ આઈ જાય. આ...આ... વોચ્યું હોય તો યાદ આવ, વોચ્યું નો હોય તો કોય શકોરુંયે યાદ નો આવ. દિવેલ પીધેલા હોય એમ ઊભા રઈન હોભળે જવાનું... હાચું ક ખોટું... કુણ ભા ન ખબર પળ...! ખોટી વાત સ..કોય? ’ ફરીથી અમે બન્ને ખિલખિલાટ હસ્યા.

    ‘ સાચી વાત દાદા... ’ એમની વાત સાથે સંમત થતાં બોલ્યો.

    ‘ મોણસ એ ખોટા વિચારો કરી કરીન ભોંગીયે પડ –આપઘાતે કર, અન એજ મોણસ પાહ હારા ઊંચા વિચારો હોય એ વિચારીન મહાનેય બન –દુનિયાન કોક નવુંયે આલીન જાય. બધો ખેલ વિચારોનો જ સ પાર્થ... મહત્વ હમજ્યા એજ કોક નવું કરી જોણ. ’ પછી એમણે બાજુમાં પડેલું છાપું લઈને કશું શોધતા હોય એમ પત્તાં ફેરવી એક લેખ કાઢીને મને વાંચવા આપ્યો. કૃષ્ણકાંત ઉનડ્કટનો એ લેખ હતો. એ લેખ વાંચતાં વાંચતાં એવો રસ પડ્યો કે ઘરમાં જેટલા છાપા હતા એ બધામાં એમના લેખો શોધી શોધીને વાંચી લીધા.

    એ દિવસથી દાદાએ મને વંચનના દરિયામાં જ્ઞાનરૂપી ડુબકી લગાવતો કરી દીધો. જ્યારે હું સ્કૂલ કે ટ્યુસનથી ઘરે આવું એટલે હાથ-પગ ધોઈને, ફ્રેસ થઈને પહેલા દાદા જોડે ખાટલામાં બેસી જઉં. દાદાએ આખા દિવસમાં છાપાના ખૂણે ખૂણા વાંચી લઈને મારા માટે શીખવા-જાણવા જેવા લેખ હોય એ લેખોને ગળી વાળીને તૈયાર રાખી મુક્તા. પછી હું શાંતિથી એક-એક લેખ વાંચું. કોઈ શબ્દનો ગૂઢ અર્થ હોય તો એમને પૂછી લેતો. એમના શબ્દભંડોળથી મારી મૂંઝવણ ઉલેચી દેતા.

    અગિયાર-બાર સાયન્સમાં પણ હું ભણવા સિવાયનું વાંચન કરતો. દાદા આખા દિવસમાં છાપામાંથી ખાસ મારા માટે ચૂંટેલા લેખ એમની ટેવ મુજબ જેમ ગળી વાળીને તૈયાર જ મૂક્યા હોય. અને હું એ લેખો વાંચીને ઇન્સપાયર થઈ જતો. ધીરે ધીરે જીવન વિષે, આધ્યાત્મ વિષે વધુ જાણતો થયો. નવું નવું વાંચવાની, જાણવાની જિજ્ઞાસા વધતી ગઈ. સ્કૂલ-ટ્યુસનથી આવીને ભણવા સિવાયનું વાંચતો એટલે મૂડ ફ્રેસ થઈ જતું. બધા જ રસપ્રદ લેખ વાંચી લઉં પછી દાદાન ‘થેંક્યું’ કહીને રૂમમાં ભણવા...

    બસ એ દસમાં ધોરણથી દાદાએ જે વાંચનનો નશો કરાવ્યો છે એ આજદિન સુધી અકબંધ (intact) રહ્યો છે. દાદાએ મને જે રીતે વાંચતો કર્યો એ હંમેશા યાદ રહેશે. જીવનને જાણવા-સમજવા માટે સાહિત્યરૂપી ડેમનો દરવાજો ખોલી જ્ઞાનરૂપી અમુલ્ય વિચારોનો ધોધ વરસાવ્યો...

    મારા દાદા તો મારા જ દાદા છે... ઘરમાં હું એમને ‘બચ્ચન’ કહીને જ બોલાવું છું. છ ફૂટ હાઇટ છે એમની એટ્લે...

    ‘આઠેય પોહોર હેયન...બાકી... બિંન્દાસ રેવાનું...’ આ એમનો જીવન મંત્ર છે. એટલે જ તો 84 વર્ષે અડીખમ છે. IPL અને ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રાત્રેય મોડા સુધી જાગીને આખી જોવાની... અમે બન્ને શરતો પણ મારીયે પાછી...હા...

    હારે એ પાન ખવડાવે...

    ***

    6. પુસ્તક પર આધારિત મૂવી કરતાં પુસ્તક વધુ કેમ ગમતું હોય છે...?

    વેલ, આ પ્રશ્નનો કોઈ એક તરફી સાચો જવાબ આપી શકાય એવો નથી. તો પણ બે બાજુએથી તટસ્થ રહીને મારો દ્રષ્ટિકોણ રજૂ કરીશ.

    પહેલો પોઈન્ટ –

    આપણે પુસ્તક વાંચીએ ત્યારે એમાં લખેલુ ઝીણવટભર્યું છટાદાર વર્ણન આપણને વાર્તામય કરી અંદર ઉતારી દે છે. જેમ જેમ વાંચતાં જઈએ તેમ તેમ આપણાં મનમાં એ મનોચિત્ર રચાતું જાય.

    સમાન્ય રીતે, જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણી પાસે વિચારવા માટે ઘણો સમય હોય છે. વાંચન એ આપણને વિચારવા અને સમજવા એક pause-reveres નું button આપે છે. ખ્યાલ ન આવે તો આપણે ફરથી એ ફકરો વાંચી શકીએ છીએ. કોઈ રોમેન્ટીક કે ઇમોશનલ સીન તમને વાંચવાની મજા આવી જાય એવો હોય અથવા તમારા ટેસ્ટને મળતો આવતો હોય, તમારા ખ્યાલોમાં મમળાવો ગમતો હોય તો તમે એ વર્ણન ફરીથી વાંચીને વધુ ઘૂંટી ઘૂંટીને મજા લૂંટવાની ઈચ્છા થાય.

    – જ્યારે થિયેટરમાં મુવી જોઈએ છીએ ત્યારે આપણી પાસે pause-reverse નું button હોતું નથી. મુવી જેમ ચાલે જતું હોય એમ જોઈએ જવાનું –નજર બાજુમાંથી પોપકોન ખાવા જતી રે તો સીન મિસ થઈ જાય. અને એ રિવસ કરવાનુંયે ના કહેવાય પાછું.

    પુસ્તક વાંચતાં આપણે વર્ણન મુજબ ઈમેજીનેશનથી ચિત્ર ખડું કરીએ છીએ, જ્યારે મુવીમાં એ already તૈયાર જ હોય છે. એમાં મગજ ન વાપરો તો પણ ચાલે. બસ આંખો ખોલીને નિહાળવાનું હોય છે.

    –જ્યારે પુસ્તક વાંચતાં હોઈએ ત્યારે વધુ સજાગતા જોઈએ.

    બીજો પોઈન્ટ – પુસ્તકમાં હોય એ બધીજ માહિતી, સંવાદ, સીન, મૂવીમાં રજૂ કરવા અશક્ય હોય છે. મુવીમાં બે કે અઢી કલાકમાં 300 પેજ કે વધુ પેજની બૂકમાં હોય એ બધુ પડદા પર બતાવવું પ્રેક્ટિકલી શક્ય નથી. અમુક ઘટના કે સંવાદોમાં કાપકૂપ કરવી જ પડે.

    [હૈરી પોટરના સાતેય સાત દરેક પુસ્તકોના સરેરાશ 500 અથવા એનાથી પણ વધુ પેજ છે. એના પરથી જે મુવીઝ બન્યા છે. એ લગભગ અઢી કલાક જેટલા લાંબા છે. પુસ્તકમાં ઘણીબધી સરસ ઘટનાઓ જે વાંચવાની મજા પડી જાય એવી છે. જો એ મુવીમાં બતાવવી હોય તો મૂવી બહુ લાંબુ થઈ જાય.]

    મુવીની અને પુસ્તકની સ્ટોરીટેલિંગ ટેક્નિક પોતપોતાની રીતેમાં આખી અલગ શૈલી છે. કોઈ એકને Judge કરીને એની ‘સ્ટોરીટેલિંગ’ સૌથી વધુ મોહનીય છે એમ કહીને એનું પલ્લું ભારે કરી શકાય એવું નથી.

    ‘Cinema and Books both are greatest storytelling medium by itself. can not be judge by the way its tell, but only by how the presenter manifest towards the world.’

    – Parth Toroneel.

    અમુક વખતે મુવીમાં જે પાત્ર જોઈએ–જાણીએ એના કરતાં પુસ્તકમાં વર્ણવેલા પાત્રમાં વધુ આત્મીયતા લાગતી હોય છે.

    પુસ્તકમાં તો લેખક પોતે જ બધા કેરેક્ટર જીવતો હોય, એજ ડિરેક્ટર, એક્ટર્સ, એડિટર, cinematographer, લોકેસન સિલેક્ટર, શબ્દોથી વિઝુયલ ઇફેક્ટ રચતો હોય છે. કોઈ પાત્રના મનમાં exactly શું ચાલી રહ્યું છે એને સવિસ્તર વર્ણવી શકે, લાગણીઓને અભિવ્યક્ત કરી શકે, અને એ વાંચીને વાંચક એ પાત્રની મનોસ્થિતિ કેવી છે એ અનુભવી શકે, મહેસુસ કરી શકે.

    પુસ્તક વાંચતાં આપણે જે રીતનું ઈમેજિન કર્યું હોય એ મુજબની સામ્યતા મુવીમાં ન અનુભવાય તો પણ મુવી એટલું ટચ ન કરે.

    ડાઇરેક્ટરે પુસ્તકને જેવું ઈમેજિન કર્યું હોય, એવું કેમેરામાં કેદ કરી વાર્તા રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અમુક વખત એમાં ઍક્ટિંગ જોઈએ એવી અસરકારક ન હોય, ડાઇરેક્શન યોગ્ય ન કર્યું હોય, સ્ક્રીનપ્લેમાં કમજોર હોય એટલે પુસ્તકનો જે જાદુ હોય, એનો આત્મા હોય એને કેટલીકવાર ન્યાય ન પણ મળે.

    [હોરર અને થ્રિલર નોવલનો બાદશાહ સ્ટીફન કિંગ જેની બેસ્ટ સેલિંગ નોવેલ ‘The Shining’ પરથી એજ નામનું મુવી સ્ટેંન્ડલી ક્રુબિકે બનાવ્યું. મુવી જોયા પછી સ્ટીફન કિંગ કહે છે કે ; સ્ટેંન્ડલી ક્રુબિક હજુ પુસ્તકને સમજ્યા જ નથી કે પુસ્તકનો ભાવાર્થ શું છે !. એ વસવસો હજુ એમને રહી ગયો છે. જોકે આ વાતનો ફોડ એમણે સ્ટેંન્ડલી ક્રુબિકના મૃત્યુ પછી પડ્યો હતો. ]

    મુવીની મજા :–

    મુવીમાં જે 3D experience થાય એ બૂક વાંચતી વખતે ન જ થાય. [agreed]

    મુવીમાં જે એક્શન સિન્સ કે આપણી દુનિયાથી બિલકુલ અલગ જ દુનિયા બતાવવી હોય તો એ વિઝ્યુયલ ઇફેક્ટ દ્વારા મુવીમાં ડગળી ચસકી જાય એવા સીન-સિનેરી જોવા મળે. [Avatar (2009), Gravity (2013), interstellar (2014), Arrival (2016)… બીજી કેટલીયે મુવી છે એનેય ધ્યાનમાં રાખીને agreed…]

    અમુક પુસ્તકો વાંચતાં આપણી ઈમેજીનેશન પૂરેપુરું એ દ્રશ્ય ખડું કરવા જેટલી સક્ષમ હોતી નથી એટલે એ પુસ્તક પર આધારિત કોઈ મુવી બને ત્યારે પુસ્તક કરતાં મુવી વધુ ગમે. કારણકે અમુક જોનરા (genre) ફેન્ટસી, સાયન્સ ફ્રિકસન પુસ્તકોમાં વર્ણવેલું હોય એ એટલું સ્પષ્ટ ઈમેજિન અમુક વાંચકો (lack of imagination વાળા) ન કરી શકે, પણ સિનેમા એ બખૂબી તરીકે રજૂ કરી શકે છે. એટલે મુવી જોવાનો જલસો પડી જાય.

    Never judge a book by its movie. – J.W. Eagan

    ***

  • નામચીન વ્યક્તિઓએ પુસ્તકોની અગત્યતા વિષે કહેલા પ્રેરણાદાયક અવતરણો
  • (inspiring quotation).
  • સુપ્રસિધ્ધ ગુજરાતી લેખક ગુણવંત શાહે કહે છે કે : ‘જેના ઘરે પુસ્તક નહિઁ, એના ઘરે દીકરી આપવી નહિઁ.’

    ‘મને ટેલિવિજન ઘણું શૈક્ષણિક લાગે છે. દર વખતે કોઈ ચાલુ કરે ત્યારે હું ઊભો થઈને બીજા રૂમમાં પુસ્તક વાંચવા જતો રહું છું.’

    – Groucho Marx

    ‘જેમ તલવારને ધાર કાઢવા નિસાણો (ધાર કાઢવાનો પથ્થર) જોઈએ એમ જ મનના વિચારોને ધારદાર રાખવા પુસ્તકો જરૂરી છે.’

    – George R.R. Martin ( ‘ગેમ ઓફ થ્રોન’ ટીવી સિરીજ જે પુસ્તક પર આધારિત છે એના લેખક)

    ‘વાંચક મૃત્યુ પામે એ પહેલા હજાર જિંદગીઓ જીવી ચૂક્યો હોય છે, જે નથી વાંચતાં એ માત્ર એક જ વાર જીવે છે’

    – George R.R. Martin.

    ‘પુસ્તક વગરનો રૂમ એ આત્મા વગરના શરીર જેવો છે.’ – Marcus Tullius Cicero

    ‘ખાલીપણા અને નિષ્ક્રિયતાનો એન્ટિડોડ (ઈલાજ) પુસ્તકો છે.’ – George Steiner

    ‘પુસ્તકોએ એકદમ શાંત અને હંમેશા સાથે રહેવાવાળા મિત્રો છે. સૌથી વધુ બુધ્ધિશાળી અને આસાનીથી ઉપલબ્ધ થાય એવા ધીર-ગંભીર સલાહકારો છે.’

    – Charles William Eliot

    ‘પુસ્તકો આપણને એના આત્મામાં છેક ઊંડે લઈ જાય છે અને આપણું પોતાનું જ છુપું રહસ્ય ખોલીને દે છે.’

    – William Hazlitt

    ‘વાંચન બહુ નિરશ (uninteresting) લાગશે તમને જો તમારી ઈમેજીનેશનશક્તિ કાચી હશે તો.’

    – unknown

    ‘ફ્રીક્સન નોવેલ જે ધૂંધળું સત્ય છે એનો ઉઘાડ ખુલ્લો પાડે છે.’ – Jessamyn West

    ‘સરસ મિત્રો, સરસ પુસ્તકો અને ટેસબંધ નીંદર : આ જ આદર્શ જીવન છે.’ – Mark Twain

    ‘જો તમે માત્ર બીજા લોકો જે પુસ્તકો વાંચે છે એજ પુસ્તકો વાંચશો, તો તમે પણ એજ વિચારશો જે બીજા લોકો વિચારે છે.’

    – Haruki Murakami

    ‘બધા જ વાંચકો આગેવાન (leader) નથી હોતા, પણ બધા આગેવાન વાંચક જરૂર હોય છે.’

    – Harry S. Truman

    ‘વાંચન આપણને આપણાં ઘરેથી દૂર લઈ જાય છે, પણ મજાની વાત એ છે કે, એ આપણાં માટે દરેક જગ્યાએ ઘર શોધી લે છે.’

    – Hazel Rochman

    ‘મનન કર્યા વગરનું વાંચન એ પાચન કર્યા વગર ખાધું કહેવાય.’ – Edmund Burke

    ‘કેટલાક પુસ્તકો માત્ર ટેસ્ટ (ચાખવા) માટે હોય છે, કેટલાક પુસ્તકો સીધા ગળી જવા માટે હોય છે, અને કેટલાક પુસ્તકો ચાવીને પચાવવા જેવા હોય છે.’

    – Francis Bacon

    ‘બુદ્ધિશાળી વ્યક્તિ એ જીવન અને પુસ્તક બન્નેને વાંચી જાણે છે.’ – Lin Yutang

    ‘આખી દુનિયા એ એક પુસ્તક જ છે, જે લોકો મોજથી મુસાફરી નથી કરતાં એ લોકો માત્ર પાના જ ફેરવે છે.’

    – Saint Augustine

    ‘એક વસ્તુ તો તમને પાક્કી ખબર હોવી જ જોઈએ ; એ છે પુસ્તકાલયનું લોકેશન

    – Albert Einstein

    ‘પુસ્તક જેવો વફાદાર કોઈ મિત્ર છે જ નહિઁ.’ – Ernest Hemingway

    ***

    8. ચકો ચડ્યો કોટ પર...

    આ ટેણિયાએ ચોપડીઓનો થક્કો કરી, ઉપર ચડી, કોટને પેલી પારની અદભુત દુનિયાનો નજારો જોવે છે...?? ના, ભઈ ના. આખો જરા ઝીણી કરી કોટની ભીંત પર શું લખ્યું છે એ વાંચી જોજો... હા. વાંચ્યુને !.

    ચિત્ર પરથી એવું લાગે છે કે, બકો વર્તમાનમાં બહુ હેરાન-પરેશાન છે. વાટ લાગેલી છે. એટલે પુસ્તકો દ્વારા બકાએ વર્તમાનમાંથી છટકબારી કરી છે. અને એ પુસ્તકોના ઢગલા ઉપર ઊભો છે મતલબ એ પુસ્તકોની અંદરની જે દુનિયા છે એ દુનિયા પુસ્તકોની થક્કી ઉપર ચડી, કોટની પેલી પાર દુનિયા કેવી જોવે છે એ આપણને દેખાડે છે. [ અર્થ થોડોક ગુઢ છે. સીધું સાદું ચિત્ર નથી. ]

    Hold on… હજુ થોડુક ધ્યાનથી ચકાને જુઓ... હા. જોયું ને... ચકો પુસ્તકોની થક્કી ઉપર ચડીને થક્કી ઉપર ઊભો નથી. ચકો કોટ પકડીને હવામાં લબડે છે જુઓ જુઓ... મતલબ ચકલો વાંચવામાં તલ્લીન થઈ ગયો છે અથવા એને વર્તમાનની રિયાલીટી કરતાં ત્યાંની દુનિયામાં રાચવું વધુ ગમે છે. એટલે એણે વર્તમાનમાંથી પણ પગ ઉપાડી લીધા છે. પગ વાળીન કોટ પર ચડી ચકો પેલી પાર ભૂસકો મારીને જતો ના રે...એટલે બસ. નકર ઇન મમ્મે ગોતા ગોત કરશે... કે ‘માર ચકલો ચો જ્યો... માર ચકલો ચો જ્યો...’

    બાકી આતો જસ્ટ વાત છે :-

    ‘પુસ્તક એ જીવતું-જાગતું રહસ્યમય જાદુઇ ડિવાઇસ છે, જે વર્ષો પહેલા મૃત્યુ પામેલા લોકો અને એ ગુજરેલા જમાનામાં લઈ જતો એકમાત્ર જાદુઇ દરવાજો છે.’ – Parth Toroneel

    ***

    રેટિંગ અને રિવ્યુ આપવાનું ભુલી ના જતાં યાર...

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED