કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર - ભાગ 1 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર - ભાગ 1

કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર.

કર્મ એ એક જટિલ વિષય છે, એટલે તો આપણે કહીએ છીએ ને ‘ કર્મની ગતિ બહુ ન્યારી છે ‘. ન્યારી મતલબ સમજાય ના એવી. અટપટી. રોજબરોજની જિંદગીમાં આપણે આપણાં કામમાં એટલા બધા વ્યસ્ત રહીએ છીએ કે આપણે ક્યારેય કર્મ વિશે વિચાર કરતાં જ નથી. તકલીફ આવે ત્યારે જ મોઢે ‘કર્મ’ શબ્દ આવતો હોય છે. આજે આ લેખમાં કર્મ વિષય ઉપર જ ચર્ચા કરવાની છે, તો ચાલો એક સીન બનાવી એના પરથી લેખને માંડીએ.

માની લો કે કોઈ વ્યક્તિ સ્વભાવે સરસ અને બધાનું હિત ઈચ્છે એવો છે. અચાનક એના સાથે કોઈ એવો શારીરિક અકસ્માત બને છે કે એનું જીવન તહેસનહેસ થઈ જાય છે, સાથે એના પરિવારની પણ હાલત કફોડી થઈ જાય છે. થોડાક દિવસો બાદ હોસ્પિટલમાં એના મિત્રો ને સગા-વહાલા મળવા આવે ત્યારે એકબીજાને કહે કે ‘ બિચારા ભાઈ ઉપર કેવી ભયંકર તકલીફ આવી પડી નઇ, એકદમ જેન્ટલ માણસ છે. ભગવાનેય સારા વ્યક્તિઓને જ દુ:ખ આપે છે બળ્યું ! ‘

હોસ્પીટલમાં પથારીવશ પડેલો ભાઈ દુ:ખને લીધે થતી અસહ્ય વેદના બહાર કાઢવા અંગત મિત્ર સામે ઊભરો કાઢતા કહ્યું “ એવું તો મેં શું કર્યું હતું કે મારા ઉપર આટલું મોટું દુ:ખ આવી પડ્યું ? મેં તો કોઈનું કશું પણ બગાડયું નહતું. મારા પરિવારનું શું થશે કદાચ હું મ...“ ત્યારે બાજુમાં બેઠેલો મિત્ર એને આગળ બોલતો અટકાવી એના હાથ ઉપર હાથ ફેરવી સાંત્વના આપતા બોલ્યો “ ચિંતા ના કર યાર.., બધુ સારું થઈ જશે. આપણાં નસીબમાં ભગવાને જેટલું ભોગવાનું લખ્યું હશે એને તો કોણ ટાળી શકે? ભગવાને આમાં પણ કઈક સારું થવાનું લખ્યું હશે તો કોને ખબર !. તું બસ પોઝિટિવ વિચાર બધુ સરસ થઈ જશે, બિલકુલ ચિંતા ના કર તું. હું છું ને ! “ આટલા શબ્દો કહેતા તેને એની વિકટ પરિસ્થિતીમાં ઝઝુમવા બળ અને પોતીકાઓની હૂંફ આપી.

આ સીનમાં મિત્રએ હૂંફાળા શબ્દો બોલી એ ભાઈને સાંત્વના તો આપી, પણ એ ભાઈના મોઢા માંથી જે પહેલા શબ્દો નિકડ્યા એની મુંઝવણ હજી છે. એમના શબ્દો પરથી લાગતું કે ભગવાન ક્યાક એની સાથે અન્યાય કરી રહ્યા છે. ભગવાનમાં મોટાભાગે તો દરેકને વિશ્વાસ હોય જ છે, પણ જ્યારે કલ્પના પણ ન કરી હોય એવી કોલાહાલ પરિસ્થિતી આવે ત્યારે એ ક્ષણે ભલભલાના પગ નીચેથી જમીન સરકી જાય. અમુક દિવસો સુધી મનમાં વિશ્વાસ ના બેસે કે એ ઘટના આપણી જોડે બની છે?. પણ હકીકત સામે જ હોય છે. એવા સમયે ઘણા પ્રશ્નો મનમાં ઘોળાયે જતાં હોય છે, એ સમયે કર્મ અને ભગવાન કઈ રીતે કામ કરે છે? કઈ પ્રોગ્રામિંગ લેન્ગ્વેજથી નશીબનું કોડિંગ થયું છે ! આવા જટિલ પ્રશ્નોની એરરો આવે. કર્મ વિશે જાણવું અને એ કઈ રીતે કામ કરે છે એને સમજવું અત્યંત જરૂરી છે.

જ્યારે આપણે કોઈ નવી ઇલોટ્રોનિક્સ વસ્તુ લાવીએ છીએ ત્યારે એની સાથે ખોખામાં એક બૂકલેટ આવતી હોય છે. એમાં દર્શાવેલું હોય છે કે આ ડિવાઇસને કેવી રીતે વાપરવું, પણ આપણે શું કરીએ છીએ? બૂકલેટને બાજુમાં મૂકી ડિવાઇસને ચાલુ કરવા મચેડવા લાગીએ છીએ, કેટલીકવાર કશુક બીજું દબાઈ જાય તો બગડી પણ જાય અને પછી ગૂંચવાઇ જઈએ કે, સાલી કઈ સ્વિચ દબાઈ ગઈ કે આ બધા ગોટાળા થયા !. આતો જોકે સમાન્ય વાત થઈ. પણ આવી જ રીતે આપણે અહીં આવ્યા ત્યારે આપણને પણ એક બૂકલેટ આપવામાં આવી હતી, અને એ બૂકલેટનું નામ છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. એને વાંચ્યા વગર જ આપણે આડેધડ આપણાં સ્વાર્થ માટે ખરાબ કર્મો પણ કરી નાખીએ છીએ. પછી દુ:ખી થઈએ છીએ કે સાલું એવું તો મેં શું કર્યું હતું કે આવી તકલીફ આવી પડી !. મોટાભાગે લોકો કંટાળી વધુ પડતી ભેજામારી કર્યા વગર કર્મ અને ભગવાનને જેવી રીતે કામ કરવું હોય એવી રીતે કરે. આમ કહી ને એની પાછળ પૂર્ણવિરામ મૂકી દઈ સંસારના કામમાં પરોવાઈ જાય છીએ.

આજે આ લેખમાં એ પૂર્ણવિરામ દૂર કરી દઈ કર્મની જટિલતાને મારી જેટલી ક્ષમતા અને સમજ હશે એટલું સ્પસ્ટ સમજાવાની જરૂર કોશિશ કરીશ, અને ઉદારહણો આપી વધુ સ્પસ્ટ ઘેડ પાડીશ. ( આ લેખ એ માત્ર મારો અંગત વિચાર છે. તમે મારા વિચાર સાથે ખળાઈને પૂરેપૂરા હકથી અસહમત થઈ શકો છો. No hard feelings.

લોકોએ કર્મ વિશે ઘણું વાંચ્યું-વિચાર્યું હશે પણ અહીં આજે તમને તમારી એક-બે માન્યતાઓ વર્ષોથી સાચી માની બેઠા છો એને તોડી નવી હકીકત તર્કસંગત દલીલો સાથે જડબેસલાક સ્થાપીશ.

કર્મ વિશેની બેઝિક વાત ક્લિયર કરી લઈએ.

કર્મ આપણે વાણી, વિચાર અને વર્તન એમ ત્રણ રીતે કરી શકીએ છીએ, અને એના ફળો ત્રણ પ્રકારે અલગ-અલગ રીતે રિટર્નમાં મળે છે. એટલે એને સમજાવવા ત્રણ પ્રકાર પાડ્યા છે. ક્રિયામણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ.

ક્રિયામણ કર્મમાં :-- આ કર્મનું ફળ તરત જ મળે. ધારોકે તમે કોઈને એક લાફો માર્યો, અને એ વ્યક્તિએ તરત જ તમને લાફો માર્યો. કરેલું કર્મ તરત જ શાંત. હિસાબ ચૂકતે !.

સંચિત કર્મમાં :-- આમાં કર્મનું ફળ મળતા વાર લાગે, પણ આ જન્મમાં જ મળે.

દશરથ રાજા હરણનો શિકાર કરવા જતાં અજાણતાથી શ્રવણનો જીવ હણાઈ ગયો. ત્યારે એના માતા-પિતાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો કે ‘ જા તારું મૃત્યુ તારા પુત્ર વિરહના દૂ:ખમાં થશે. ‘. જ્યારે રામ વનવાસ જવા નિકડ્યા ત્યારે દશરથ રાજાને શ્રાપ આપ્યો હતો એમ એમનું પુત્ર વિરહના દૂ:ખથી મૃત્યુ થયું. એજ જન્મમાં કર્મનું ફળ મળ્યું..., હિસાબ ચૂકતે !.

પ્રારબ્ધ કર્મમાં :-- આમાં કર્મનું ફળ બીજા જન્મારામાં મળે.

ધુતરાષ્ટના એકસો પુત્રો કરુક્ષેત્રના યુધ્ધમાં હણાઈ ગયા એના દૂ:ખમાં ડૂબેલા ધુતરાષ્ટે યુધ્ધ પતી ગયું પછી શ્રીક્રુષ્ણને મહેલમાં બોલાવ્યા. ધુતરાષ્ટે એમના દૂ:ખનો જવાબ જાણવા પૂછ્યું “ મેં એવું તો કયું દુષ્ટ કર્મ કર્યું છે કે મારા ઉપર આવું ભયંકર દૂ:ખ તૂટી પડ્યું ? “

પછી શ્રીક્રુષ્ણે ધુતરાષ્ટને એણે જે જન્મમાં દુષ્ટ કર્મ આચરેલું એ જોવા માટેની દ્રષ્ટિ આપી.

ધુતરાષ્ટ એ જન્મમાં પારધી હતો. એટલે એણે વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓનો શિકાર કરવા સળગતી જાળ વૃક્ષ ઉપર ફેંકી. અમુક પક્ષીઓ જાળ માંથી છટકીને ઊડી ગયા, કેટલાક પક્ષીઓ આંધળા થઈ ગયા અને એકસો પક્ષીઓ સળગતી જાળીમાં ફસાઈ જતાં તરફડી બળીને ખાખ થઈ ગયા.

જેના ફળ સ્વરૂપે ધુતરાષ્ટ જન્મથી જ આંધળો જન્મ્યો અને એના એકસો પુત્રોનું યુધ્ધમાં એકસાથે મૃત્યુ થયું.

આ કર્મ પાછલા ઘણા જન્મોથી બંધાઈને પડી રહ્યું હતું. જે આ જન્મમાં મળીને શાંત થયું...,હિસાબ ચૂકતે !

આમતો ત્રણેય કર્મો સરખા જેવા જ છે. પણ ફળ મળવાનો સમય અલગ-અલગ હોવાથી એના ત્રણ પ્રકાર પાડ્યા છે. કર્મનું ફળ તરત જ મળે તો ક્રિયામણ કર્મ થઈ જાય, જો વર્ષો પછી પણ આ જન્મમાં મળે તો સંચિત કર્મ અને બીજા જન્મમાં મળે તો પ્રારબ્ધ કર્મ.

 • કર્મ જટિલ કેમ લાગે છે?
 • કર્મ જટિલ થવાનું કારણ છે. આપણને પાછલા અનેક જન્મો લીધા એમાનું કશું પણ આપણને આ જન્મમાં યાદ નથી. અને એના કારણે આપણને આ જન્મમાં મળતા નાના-મોટા દુ:ખો પાછળ પ્રશ્નો ઊભા થાય છે, અને ત્યારે કેટલાક ભગવાન ઉપર ગુસ્સે ભરાઈ દાંત ભીંસી કહે કે “ મેં તારું શું બગડયું હતું કે તે મને આટલું મોટું દુ:ખ આપ્યું. ”

  વેલ, આ ગુસ્સો એક દ્રષ્ટિએ બિલકુલ ઝાયાદ છે. કારણકે પાછલા જન્મમાં આપડે જ કરેલી મોટી ભયંકર ભૂલો અત્યારે આ જન્મમાં બિલકુલ યાદ નથી. અને એનું ફળ હવે આ જન્મમાં મળે ત્યારે અચંબો તો લાગે ને ! અને પાછી આપણને ખબર હોય કે અત્યાર સુધી મેં એવું તો કોઈ ખૂંખાર કર્મ કર્યું તો નથી જ, કે આવું ભયંકર કર્મફળ ભોગવું પડી રહ્યું છે. પણ આપણે મૃત્યુ બાદ બધુ ભુલી જઈએ છીએ, અને બીજા જન્મમાં કોરી સ્લેટ જેવી સ્મૃતિ લઈને જ્ન્મીએ છીએ. પણ એના ઉપર પાછલા જૂના કર્મોના એજ સારા-ખોટા લીટોડાં લઈ આવીએ છીએ.

  જો એ દરેક જન્મારાનું આપણને યાદ હોય તો આ જન્મા જે કોઈ દુ:ખ કે સુખ મળે છે એના વિશે ક્યારેય ભગવાનને એક પ્રશ્ન કે ફરિયાદ પણ ના કરત. કારણકે આપણને યાદ હોય જ કે ગયા જન્મમાં ખોટી રીતે દસ લાખ લાંચ લીધી હતી અને હવે આ જન્મમાં કોઈ બીમારીમાં એ દસ લાખ ગરકાવ થઈ ગયા, ને કર્મનો હિસાબ ચૂકતે !. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો ગમેતે જન્મમાં, પણ કર્મ કોઈને છોડતું નથી. અરે ! ખુદ ભગવાન શ્રીકૃષ્ણને પણ નહતું છોડયુને !. મહાભારતનું યુધ્ધ પતી ગયું ત્યારે શ્રીકૃષ્ણ વૃક્ષ નીચે આરામ કરતાં હતા ત્યારે પારધીએ હરણનો શિકાર કરવા બાણ છોડ્યું ને શ્રીકૃષ્ણના અંગુઠે બાણ વાગતા એમને જીવ છોડ્યો હતો. કર્મ તો કોઇપણને સપાટામાં લઈ જ લે ભાઈ ! ત્યાં તમારી લાગવગ કે ઓળખાણો ના ચાલે ! ટાર્ગેટ નક્કી કરેલી મિસાઈલ્સ કદાચ ટાર્ગેટ ચૂકી જાય, but you can not hide from karma. It will catch you wherever you are.

  કર્મ જોડે સંતાકૂકડી નો રમાય ભઇલા ! તમે એનો થપ્પો કરો એના પેલા એ તમારો થપ્પો કરી રફુચક્કર થઈ ગઈ હોય.

  *

  “ મૃત્યુ એ મોટી ઊંઘ છે, જ્યારે ઊંઘ એ નાનું મૃત્યુ છે. “

 • વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે શું એ રૂપિયા લઈને જાય છે?
 • મોટા ભાગે લોકોનો જવાબ હશે “ના”. જો સાંસારિક દ્રષ્ટિએથી જોવા જઈએ તો દેખીતી વાત છે કે વ્યક્તિ મૃત્યુ પછી રૂપિયા લઈને નથી જતો. પણ અધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો? વ્યક્તિ મૃત્યુ પછી પણ રૂપિયા લઈને જાય છે. એને જીવનકાળ દરમ્યાન જે કઈ ધન પ્રમાણિક્તાથી કમાયો હોય એ બધુ અદ્રશ્ય રીતે પુણ્યનાં સેક્શન ઉમેરાઈ જાય છે. અને જો અનૈતિકતાથી, કોઇને દુ:ખી કરી કમાયો હોય તો એ પાપના સેક્શનમાં જમા થઈ જાય. (ટૂંકમાં પાંચ ઇન્દ્રિયોથી થતાં બધા જ કર્મો મૃત્યુ પછી પણ કેરીફોરવર્ડ થાય છે.)

  પાપ અને પુણ્યનું ક્યારેય સરવાળો કે બાદબાકી થતી નથી. દસ પુણ્ય કર્યા હોય અને પાંચ પાપ કર્યા હોય તો પાંચ પાપ બાદ થઈ ને પાંચ પુણ્ય ભોગવવા મળશે એવું કર્મમાં થતું નથી. પાપ અને પુણ્ય બન્ને ભોગવવા પડે સાહેબ !.

  એક ઉદારહણ,

  માની લો કે, હસમુખલાલ નામવાળા મોટા ધંધાદારી પ્રમાણિક માણસ છે. જે ત્રીસ વર્ષથી જબરદસ્ત ધંધો કરે છે, અને એમા કરોડો રૂપિયા કમાણા. એક રાત્રે એમને હાર્ટ એટેક આવ્યો ને તરત જ ત્યાંજ ટપકી ગયા. સવારે ઘરના વ્યક્તિઓને ખબર પડી. પછી જે બીજી બધી વિધિઓ કરવાની હોય એ પતાવી અગ્નિસંસ્કાર માટે લઈ ગયા.

  ત્યાં ઘણા બધા લોકો હસમુખલાલ કેટલો સરસ માણસ હતો એવી બધી વાતો કરતાં હતા, અને એમાં કોઈ બીજો ભાઈ બોલ્યો કે ‘ કેટલો રૂપિયાવાળો માણસ હતો જોયું, કશું લીધા વગર ગયો ને ! ગમે એટલું ભેગું કરો છેવટ જતાં તો બધુ અહીં જ મૂકીને જવાનું છે. કશુંયે સાથે આવવાનું નથી. ‘

  આવી સમાન્યપણે લગભગ વાતો થતી હોય છે. પણ શું આ બીજા ભાઈએ વાત કરી એ સાચી છે?

  આમ તો સાંભળવામાં સાચી જ લાગે છે, અને હસમુખલાલે ત્રીસ વર્ષમાં જેટલું કમાયેલું એ બધુ અહીં મૂકી ને ગયા એ તો આંખો સામે હયાત છે.’

  વેલ, મેં પણ લોકો અને સાધુ-સંતો પાસેથી આવું જ સાંભળ્યુ હતું, અને વર્ષોથી માનતો આવ્યો હતો કે, વ્યક્તિ મરે પછી કશું પણ સાથે લઈ જતો નથી. મેં આના વિશે ઘણું વિચાર્યું પછી અંતિમ તારણ ઉપર આવ્યો કે, વ્યક્તિ મરે ત્યાર પછી પણ એ રૂપિયા લઈને જ જાય છે, અને એ પણ પૂરેપૂરા અધેલીનો હિસાબ પણ સાથે લઈને જાય છે. આ વાંચીને તમને કદાચ એવું લાગતું હશે કે, હું બાજુમાં બાટલીનો ઘૂંટ ભરીને તો નથી લખતો ને !. ના ના ભાઈ ! હું પી કલાસ નથી. મેં જે તારણ કાઢ્યું એની ઘેડ પાડવા સમજ પડે એવું ઉદારહણ આપીશ.

  ચંદુ એમ માને છે કે, ‘ વ્યક્તિ મરી જાય પછી એ રૂપિયા લઈને નથી જતો. ’ હવે મારૂ તારણ એને સમજાવવા હું એને બેન્કની સામેની ખૂલી જગ્યાએ લઈ જઈ ઊભો રાખ્યો, અને મેં એને કહ્યું “ એક કલાકની અંદર આ બેન્કમાં મારા બે મિત્રો બ્લૂ ટી-શર્ટ પહેરી અંદર એક કરોડ રૂપિયા લેવા જશે, અને બહાર નિકડે ત્યારે તારે જોવાનું કે એ શું લઇને નિકડ્યા. બરોબર ! “

  “ બરોબર “

  હું બાજુમાં બાંકડા ઉપર બેઠો અને એ ઊભો રહી બ્લૂ શર્ટ વાળાને શોધવા નજર ફેરવતો રહ્યો. પાંચ મિનિટમાં બ્લૂ ટી-શર્ટ પહેરેલો પહેલો મિત્ર બેંકમાં ગયો. વીસ મિનિટ પછી વિમલના થેલામાં એક કરોડ ભરી બહાર નિકડ્યો. આ ઘટના અમે બન્ને જોઈ. દસ મિનિટ પછી બીજો મિત્ર (ભાવેશ) એવી જ ટી-શર્ટ પહેરી બેંકમાં અંદર ગયો, અને દસ મિનિટમાં બહાર આવતો જોઈ ચંદુએ મને કહ્યું “ આતો કશું લીધા વગર બહાર નિકડ્યો ! “

  “ અરે! એ કરોડો રૂપિયા લઈને જાય છે જો ! “ મેં કહ્યું.

  “ પણ એના હાથમાં કશું છે જ નહિઁ ! ક્યાંથી કરોડો રૂપિયા લઈ જાય? “

  મિત્રને ઊભો રાખી ચંદુને એની પાસે લઈ જઈ પૂછ્યું “ એ ભાવેશ ઊભો રે ! આને કશુક પૂછવું છે “

  ચંદુ બોલ્યો “ આ ભાઈ કહે છે કે તમે બેન્ક માંથી કરોડો રૂપિયા લઈને નિકડ્યા છો ! પણ મને તો તમે કશું પણ લીધા વગર બહાર નિક્ડયા હોવ એવું દેખાય છે “

  “ હા, એ ભાઈ બરોબર કહે છે. હું અંદરથી દસ કરોડ લઈને નિકડ્યો છું. “ ભાવેશ બોલ્યો.

  “ પણ તમારા હાથમાં તો કશું નથી “

  ભાવેશે પાકીટ માંથી ક્રેડિટ કાર્ડ કાઢી બતાવ્યુ ને બોલ્યો “ આમાં ટ્રાન્સફર કર્યા છે દસ કરોડ “

  ચંદુ ભૂલો પડ્યો. મેં એને સમજાવતા કહ્યું “ જો હવે મૂળવાત ઉપર આવીએ. દેખીતી વાત છે કે, વ્યક્તિ મરી જાય પછી રુપિયાઓની થોકડીઓ લઈને તો ના જાય, પણ એને મહેનત કરી જે ધન ભેગું છે એ કર્મમાં કન્વર્ટ થઈ પુણ્ય વાળા ભાગમાં ટ્રાન્સફર થઈ જાય છે, અને ગેરનીતિથી કમાયા હોય તો પાપના ભાગમાં ટ્રાન્સફર થઈ જાય. જેમ કરોડો રૂપિયાની થોકડીઓ એક પાતળા કાર્ડમાં ટ્રાન્સફર થઈ જાય છે, એમ વ્યક્તિએ મહેનતથી કમાયેલું ધન જીવતો હોય ત્યારે તો એની પાસે હોય જ છે થોકડીઓ સ્વરૂપે (હાર્ડ કોપી), અને મૃત્યુ બાદ પણ એની આત્મા સાથે એના ધનનું સુખ એની સાથે જ અદ્રશ્ય રૂપે (સોફ્ટ કોપી) જોડાયેલુ જ હોય છે.

  બીજું ઉદરહણ,

  બે બાળકો એક જ સમયે જન્મે છે. એક કરોડપતિને ત્યાં, અને બીજું ફૂટપાથ પર રઝળતા દરિદ્ર પરિવારમાં. કરોડપતિને ત્યાં જન્મેલા બાળકને બધી જ સગવડો મળી રહેશે જ્યારે ફૂટપાથ પર જન્મેલા બાળકને ?

  કેમ બિલકુલ વિપરીત પરિસ્થિતી?

  પેલા બિચારા દરિદ્ર પરિવારમાં જન્મેલા બાળકનો શું વાંક છે? આમ તો જોવા જઈએ તો એ નિર્દોષ જીવે હજુ કોઈ કર્મ કરવાની શરૂઆત પણ કરી નથી ને અત્યારથી રોડ પર આવી ગયો !

  ભગવાન આવો ભેદભાવ કેમ રાખે છે?

  ભાઈ! કોઈ ભેદભાવ એમને રાખ્યો નથી. બન્ને બાળકોએ જ્યાં જન્મ લીધો એ એમના કર્મના મેરીટ પ્રમાણે જ મળ્યો છે.

  હવે પેલા ઉપર જતાં રહેલા હસમુખલાલની વાત કરીએ. એમને પંચાવન વરસના જીવનકાળ દરમ્યાન જેટલા કર્મ કર્યા એની હિસ્ટ્રી બે ભાગમાં વહેંચાશે. પાપ અને પુણ્ય. પછી આત્મા હસમુખલાલના કર્મોના કુલ મેરીટ પ્રમાણે નક્કી કરશે કે એમને કયા ઘરમાં જન્મ લેવાનો છે. કરોડપતિને ત્યાં કે ફૂટપાથ પર.

  જેમ બારમાં ધોરણનું પરિણામ આવે પછી એના મેરીટ મુજબ જેમ વિધ્યાર્થીને કોલેજ મળે, તેમ વ્યક્તિના મૃત્યુ પછી આત્મા સાથે પાપ અને પુણ્ય બન્નેનું મેરીટ જો 35% ઉપર હોય, મતલબ મનુષ્ય યોનિમાં જવા માટે યોગ્ય (eligible) હોય તો જ મનુષ્ય યોનિમાં એડ્મિશન મળે. જો 35% થી ઓછા હોય તો બાકીની જે ચોર્યાસી લાખ યોનીઓમાં ભટક્યા કરે. હવે 35% કેવી રીતે નક્કી થાય એ તો આત્મા (સુપરવાઇઝર) કર્મોના અનુસાર નક્કી કરે. 35% તો જસ્ટ સમજ પાડવા માટે ઉદારહણ તરીકે લીધું છે સાહેબ !.

  હવે કયા વ્યક્તિના કર્મનું મેરીટ કેવું છે એ પરિક્ષાના પરિણામ પત્રક ઉપર જેમ લખેલું વંચાય છે એમ એવું કર્મનું હોતું નથી. અધ્યાત્મિક જગતમાં બધુ અદ્રશ્ય હોય છે. ફક્ત સમજમાં આવે. આમ તરત ટપ્પો ના પડે.

  તમે જોયું હશે કે કેટલાક બાળકો નાનપણથી જ કોઈ પ્રવુતી કે વિષયમાં બાકીના બાળકો કરતાં ઘણા આગળ હોય છે. અમુક બાળકોને ‘ગીતા’ નાની ઉમરે કંઠસ્થ હોય છે. આ બધુ એ ગયા જન્મોનું ભાથું લઈને આવ્યા હોય છે. શંકરાચાર્ય પાંચ-છ વર્ષના હતા ત્યારે બધા ભાષ્યો લખી દીધા હતા, અને આપડે અહી એકડી બારખડી શીખવા ટ્યૂશન બંધાવા પડે છે. કહેવાનો મૂળ ભાવાર્થ એ છે કે વ્યક્તિ મરે ત્યારે સારા-નરસા બધા જ પ્રકારના કર્મો કેરીફોરવર્ડ કરી બીજે એના મેરીટ મુજબ જન્મ લે છે.

  ત્રીજું ઉદારહણ,

  મનીલો કે તમે અત્યારે બે વર્ષ જૂનો ફોન વાપરો છો. એક દિવસ ભૂલથી હાથ માંથી છટકી નીચે પટકાઈને તૂટીને જુદો ગયો. હવે ફોન ચાલતો નથી. પછી શું કરશો તમે ? એ ફોન માંથી તમારું મેમરી કાર્ડ લઈને નવા ફોનમાં લગાવી દેશો ને !. પછી મેમરી કાર્ડના બધા ડેટા (કોનટેક્ટસ) નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જશે. બસ આવું જ મૃત્યુ પછી થાય છે. જૂના ખોળિયાનું આયુષ પતી જાય પછી આત્મા નવા ખોળિયામાં મેરીટ મુજબ દાખલ (insert) થાય છે જેમાં સારા-ખરાબ કર્મોની ફાઈલો પડેલી જ હોય છે. જે સમય પાકતા જીવન દરમ્યાન પરિસ્થિતી સ્વરૂપે ગમે ત્યારે બહાર દેખાડો દેતી હોય છે.

  ઉદારહણ આપી સમજાવ્યા પછી હવે તમને શું લાગે છે? વ્યક્તિ મૃત્યુ પછી રૂપિયા લઈને જાય છે કે રૂપિયા વગર?

  રૂપિયા લઈને જાય છે....સાહેબ ! (હું તો દ્રઢપણે માનું છું)

  તો, પછી સાધુ-સંતો-મહાત્માઓ અને બ્રામણોએ એવું કેમ કહ્યું ? કે, ’ વ્યક્તિ મૃત્યુ પછી રૂપિયા લઈને નથી જતો. ખાલી હાથે જ જાય છે ‘

  વેલ, આના પાછળ પણ સરસ લૉજિક છે.

  આ લૉજિકને જાણવા તથા નીચેના કેટલાક પ્રશ્નોના જડબેસલાક જવાબો માટે આ લેખનો બીજો ભાગ અચૂક વાંચવો.

 • મનુષ્ય મૃત્યુ પામે ત્યારે એને બીજો જન્મ શાનો મળશે એ કેવી રીતે નક્કી થાય?
 • કયું કર્મ સારું કહેવાય, અને કયું કર્મ ખરાબ કહેવાય? એ કેવી રીતે શાના આધાર ઉપર નિર્ધારિત થાય?
 • શું ચોર્યાસી લાખ યોનીઓ હોય?
 • ધાર્મિકતા અને આધ્યાત્મિકમાં શું ફરક છે?
 • શું ગુરુઓ હોવા જોઈએ? ( આનો તો જોરદાર જવાબ છે બોસ...)
 • સાંસારિક અને આધ્યાત્મિકને જીવન વચ્ચે કેવી રીતે સુમેળ સાધવો?
 • ***