Shantnu - 13 books and stories free download online pdf in Gujarati

શાંતનુ - પ્રકરણ - 13

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


તેર

‘હા કેમ નહીં? તમે કહોને ક્યારે આવું?’ મુંજાયેલો શાંતનુ એ પુછ્યું.

‘અમમ..સાંજે છ વાગે? ઘરમાં ખાલી મમ્મા જ હશે, ભાભી પણ બહાર જવાનાં છે અને સુવાસભાઇ તો રાત્રે મોડાં આવશે તું ડાઇરેક્ટ ઉપર, મારાં રૂમમાં જ આવી જજે, હું એકલી જ હોઇશ, ધેન વી વિલ ડિસ્કસ એવરીથીંગ એટ લેન્થ ઓકે?’ અનુશ્રી એ કહ્યું.

‘ઓકે..હું આવી જઇશ.’ શાંતનુએ એની ટેવ મુજબ અનુશ્રીની કોઇપણ ઇચ્છાને ફરીથી હા પાડી દીધી પણ અનુશ્રી એને શું કામ એકલો મળવા માંગે છે એ પ્રશ્નએ એને બેચેન બનાવી દીધો.

‘ઠીક છે તો હું તારી વેઇટ કરીશ, બાય!!’ કહીને અનુશ્રીએ કૉલ કટ કરી દીધો.

અનુશ્રીનો કૉલ તો કટ થઇ ગયો પણ શાંતનુનાં મનનાં વિચારો ‘કટ’ ન થયાં. હજીતો બપોરના અઢી વાગ્યાં હતાં અને અનુશ્રીને ઘેરે પોતાની આદત મુજબ જો એણે દસેક મિનીટ પણ વહેલાં પહોંચવું હોય તો પણ શાંતનુને ઘેરેથી નીકળવા માટે હજીપણ ત્રણેક કલાક જેવો સમય બાકી હતો.

હવે મળવાનાં કારણ બાબતે અનુશ્રીએ જે રીતે પૂર્વભૂમિકા બાંધી હતી એ સાંભળ્યાં પછી આ ત્રણ કલાક શાંતનુ એકલો તો કાઢી શકે એવું શક્ય નહોતું જ એટલે ‘સંકટમાં જેમ શ્યામ સાંભરે...’ એમ શાંતનુએ તરત જ અક્ષયને સીધો જ મુદ્દાનો સવાલ કર્યો.

‘ક્યાં છે?’ કાયમની જેમ “હાઇ હેલ્લો” કે પછી “કેમ છે?” વગેરે પૂછવાને કારણે આશ્ચર્ય થયું.

‘બધું ઠીક તો છે ને ભાઇ?’ અક્ષય ને પણ શાંતનુનાં આમ તરત

જ સવાલ પૂછવાને કારણે આશ્ચર્ય થયું.

‘હા બધું ઠીક છે...ઇનફેક્ટ ગુડ ન્યુઝ છે..અનુને ડિવોર્સ મળી ગયાં. હમણાં જ એનો કૉલ હતો.’ શાંતનુએ કહ્યું.

‘વાહ ધેટ્‌સ ગ્રેટ ભાઇ..પણ તો તમે આટલા ચિંતામાં કેમ લાગો છો?’ અક્ષયે શાંતનુને સવાલ કર્યો.

‘એ હું તને મળી ને કહીશ, ચિંતા ન કર એવું કશું જ સીરીયસ નથી. પણ તું ક્યાં છે એ તો કે ?’ શાંતનુની ધીરજ ખૂટી રહી હતી એકદમ એનાં સ્વભાવથી સાવ વિરુદ્ધ.

‘હમમ..હું એસ.જી હાઇ-વે, ગુરુદ્ધારા સામે છું અને એક્ચ્યુલી ઘરે જવા જ નીકળતો હતો.’ અક્ષયે કહ્યું.

‘ગુડ તો પછી થલતેજ ચોકડી થી સહેજ આગળ તારી રોંગસાઇડમાં ‘બીગ કોફી મગ’ છે ને? ત્યાં બહાર મારી રાહ જો હું પંદર જ મીનીટમાં આવું છું.’ શાંતનુએ પોતાનો કબાટ ખોલીને હેંગર માં થી પોતાનાં કપડાં કાઢતાં કહ્યું.

‘ઓકે બોસ, પણ બહુ સીરીયસ મેટર તો નથી ને? મને ચિંતા થાય છે.’ અક્ષય બોલ્યો.

‘અરે ના ના, મારે તારી અડવાઇઝ જોઇએ છીએ પણ થોડી અરજન્ટ એટલે આમ અચાનક તને કૉલ કરીને બોલાવું છું.’ શાંતનુ એ કહ્યું.

‘ઓક્કે ગુરુ, પણ શાંતીથી આવજો હું નવરો જ છું.’ અક્ષયે શાંતનુની પરીસ્થિતી સમજીને બહુ ઉતાવળ કરીને ન આવવાની સલાહ આપી.

‘હા તું ચિતાં ન કર...મળીએ.’ કહીને શાંતનુએ કૉલ કટ કર્યો.

ખુબ ઝડપથી તૈયાર થઇને શાંતનુ પોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યો અને સોફા પર બેસીને પોતાનાં શુઝ પહેરવા લાગ્યો.

‘ચા પી ને જ જાજો શાંતનુ, હું હમણાંજ બનાવી દઉં છું.’ શાંતનુ જવા માટે તૈયાર જ હતો ત્યાં જ રસોડામાંથી જ્વલંતભાઇ નો અવાજ આવ્યો.

‘ના પપ્પા ટાઇમ નથી અને મારી ચા ન બનાવતાં પ્લીઝ.’ શાંતનનુ શુ લેસ બાંધતા બોલ્યો.

‘ઠીક છે પણ એક મિનીટ ઉભાં રયો, હું હમણાં જ આવું છું.’ જ્વલંતભાઇએ અંદરથી જ કહ્યું.

‘પપ્પા પણ જલ્દી, અક્ષુ મારી રહા જોવે છે.’ શાંતનુ હવે સોફા પરથી ઉભો થઇ ગયો હતો.

‘લો આવી ગયો, આમાં થી એક ઘૂંટડો પાણી પી લ્યો પછી જાવ.’ જ્વલંતભાઇ રસોડામાં થી પાણીનો પ્યાલો લઇને આવ્યાં.

ખાવા-પીવાનું નામ લીધા પછી એટલીસ્ટ પાણી પીધાં વીના ન નીકળાય એવો ધરિત્રીબેન નો નિયમ જ્વલંતભાઇ એ હજી સુધી જાળવી રાખ્યો હતો. શાંતનુએ હસીને એકની બદલે બે ઘૂંટડા પીધાં અને જ્વલંતભાઇને પ્યાલો પાછો આપ્યો.

‘હવે આરામથી જાવ.’ શાંતનુ નો ડાબો ગાલ થપથપાવતાં જ્વલંતભાઇ બોલ્યાં. આમ પણ એ શાંતનુ ક્યાં જાય છે શું કામ જાય છે ની જાજી રકઝક ક્યારેય ન કરતાં.

‘થેંક્સ...અને હા પપ્પા, અનુને ડિવોર્સ મળી ગયાં, હમણાં જ એનો કૉલ હતો. સાંજે હું એને મળીને આવીશ એટલે તમને ડીટેઇલમાં કહીશ. અને હા થોડું મોડું થશે તો તમે જમી લેજો ઓકે?’ શાંતનુએ જ્વલંતભાઇને સમાચાર આપ્યાં.

‘હાશ, છોકરી છૂટી અંતે...ઠીક છે તમે જાવ એને મળવા પણ જો સાડાઆઠથી વધુ મોડું થવાનું હોય તો મને જરાક રીંગ કહી દેજો ઓકે?’

જ્વલંતભાઇ બોલ્યાં.

‘શ્યોર પપ્પા..હું જાઉં?’ શાંતનુએ હસીને મંજુરી લીધી.

‘હા ચોક્કસ...આવજો.. અને સંભાળજો.’ જ્વલંતભાઇ શાંતનુની દોરવાયા અને શાંતનુનાં દાદરા ઉતર્યા બાદ દરવાજો બંધ કર્યો.

ઝડપથી દાદરો ઉતરીને શાંતનુએ પાર્કિંગ માંથી બાઇક ચાલુ કરી ને થોડી જ વારમાં એણે અને અક્ષયે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો. અક્ષય ઓલરેડી ‘બીગ કોફી મગ’ ની બહાર એની રાહ જોઇને ઉભો રહ્યો. શાંતનુએ આદત મુજબ પોતાનું બાઇક વ્યવસ્થિત પાર્ક કર્યું અને અક્ષય પાસે ગયો.

‘હાઇ, અંદર જઇએ?’ અક્ષય સાથે હાથ મેેળવતાં શાંતનુ બોલ્યો.

‘હમમ...ચાલો...’ કહીને અક્ષય પણ શાંતનુ પાછળ દોરવાયો.

બપોરનો સમય હોવાથી કોફીશોપમાં નહીવત લોકો જ હતાં તેમ છતાં ખૂણાનાં ટેબલની એક વ્યવસ્થીત જગ્યા શોધીને બન્ને બેઠાં.

‘હવે બોલો શું થયું છે ભાઇ? તમે ફોન ઉપર થોડાંક ટેન્સ લાગતાં હતાં.’ બેસતાંની સાથે જ અક્ષયે શાંતનુને પૂછી લીધું કારણકે એનાંથી હવે વાત જાણ્યાં વગર રહી શકાતું ન હતું.

‘અનુનો બપોરે કૉલ હતો કે એને ડિવોર્સ મળી ગયાં છે.’ શાંતનુએ વાત શરુ કરી.

‘હમમ...પછી?’ અક્ષયે ફરી પોતાની આતુરતા જાહેર કરી.

‘એ ખુબ ખુશ હતી, આ ત્રણ મહીનામાં કદાચ પહેલીવાર. એટલી ખુશ કે મને એમાં લગ્ન પહેલાંની અનુ દેખાઇ.’ શાંતનુ થોડુક અટક્યો.

‘ઓકે..સરસ...પછી?’ અક્ષય ને જો કે મૂળ વાત સાંભળવામાં વધુ રસ હતો.

‘અક્ષુ જેવી આ ડિવોર્સની વાત એણે કરી કે પછી તરતજ એણે મને અત્યારે સાંજે એકલો મળવા બોલાવ્યો અને એ એમપણ બોલી કે ઘરે ફક્ત એનાં મમ્મા જ હશે એટલે હું સીધો જ એનાં રૂમ માં, ઉપર આવી જાઉં.’ શાંતનુ મુદ્દા પર આવ્યો.

‘ઓહ, તો પ્રોબ્લેમ શું છે ભાઇ?’ અક્ષયને શાંતનુની વાત કદાચ સરખી રીતે ન સમજાઇ.

‘પ્રોબ્લેમ આમ જુવો તો કશોજ નથી,. પણ તું તો મને જાણેજ છે. જ્યારે અનુને લગતી કોઇ વાત હોય ત્યારે હું ગમેતે વિચારે ચડી જાઉં છું અને જ્યારથી એણે મને એકલો બોલાવ્યો છે ત્યારથી મને જાતજાતનાં વિચારો આવે છે.’ શાંતનુએ અક્ષયની દ્ધિધા દુર કરવાનો પ્રયાસ કર્યો.

‘હમમ... જાતજાતનાં એટલે એક્ઝેક્ટલી કેવાં વિચારો મોટાભાઇ?’ અક્ષયે પૂછ્યું.

‘એમજ કે આમ અચાનક એનો મૂડ બદલાઇ ગયો એતો કદાચ સમજી શકાય એમ છે પણ મને આમ તરતજ એકલો અને આજે જ શું કામ બોલાવ્યો? અને એણે એમ પણ કીધું કે એ મારી સાથે ખુબ જ ઇમ્પોર્ટન્ટ વાત ડિસ્કસ કરવા માંગે છે જે એની લાઇફ સાથે કનેક્ટેડ છે. એવું તો શું હોઇ શકે? ક્યાંક એ...’ શાંતનુ બોલતાં બોલતાં અટકી ગયો.

‘ગો ઓન બડે ભાઇ...ક્યાંક એ...શું?’ અક્ષયે પૂછ્યું.

‘ક્યાંક એ લગ્નની વાત તો નહી કરવા માંગતી હોય ને? જો કે આવું માનવું પણ પ્રીમેચ્યોર છે પણ જો કરે તો?’ શાંતનુએ અક્ષયને સીધો સવાલ કર્યો.

‘નહીં કરે બીગ બી. તમે જ તે દિવસે મને કહ્યું હતું જ્યારે તમે અનુને એનાં યુએસથી આવ્યાં પછી બીજે જ દિવસે મળવા માટે એને ઘરે ગયાં હતાં. ત્યારેજ એમણે તમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે છૂટાછેડા થયાં પછી તમારે એની સાથે રી-મેરેજની કોઇજ વાત ન કરવી. ભલે એ

વખતે કદાચ એમનાં મનમાં તમે નહી હોવ પણ તેમ છતાંય...’ અક્ષયે

શાંતનુને સલાહ આપતાં કહ્યું.

‘હમમ...તારી વાત સાચી છે અક્ષુ પણ હવે એની લાઇફમાં એટલી ઇમ્પોર્ટન્ટ વાત કઇ હોઇ શકે છે કે જે મારી સાથે એકાંતમાં ડિસ્કસ કરવા માંગે છે? એ મને નથી સમજાતું.’ શાંતનુએ ફરીથી પોતાની દ્ધિધા રજુ કરી.

‘એનીથિંગ ઇઝ પોસીબલ. જે રીતે તમે અને સિરુએ મને અનુ વિષે વાત કરી છે એ મુજબ એ વધુ દુઃખી રહીને બેસી રહેવાં નહી માંગતી હોય અને લાઇફને નવેસર થી ચાલુ કરવા માંગતી હોય ને એટલે કદાચ એને કોઇ નવી જોબ સ્ટાર્ટ કરવી હશે કે કાં તો ઇશિતાનાં ફ્યુચર વિષે, આઇ મીન સ્કુલ વિષે પણ કદાચ વાત કરવી હશે. અને સાચી સલાહ તો તમારાં સિવાય બીજે ક્યાં મળે? હું પણ નથી દોડતો દોડતો આવી જતો ત્યારે હું પણ ફૂલ કન્ફ્યુઝન માં હોઉં છું ત્યારે?’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘હમમ, પણ પ્રેમનાં મામલામાં આ એડવાઇઝર સાવ ઝીરો છે અને એટલે જ અક્ષય પરમાર જેવા સિદ્ધહસ્ત લવગુરુની સલાહ લેવાં હું અહીંયા આવ્યો છું.’ અક્ષય સાથે વાત કર્યા પછી શાંતનુ પણ હવે હળવો થઇ ગયો હતો.

‘સિદ્ધહસ્ત? અને હું? હા હા લગ્નનાં અઢીવર્ષે બધીજ સિદ્ધહસ્તતા જતી રહી છે બડે ભાઇ.’ અક્ષય ની વાત પર બન્ને હસી પડ્યા.

‘પણ એક મિનીટ આપણે એવું વિચારીએ, જસ્ટ હાઇપોથેટીકલી કે એ મારી પાસે લગ્નની વાત કરે તો? જસ્ટ એમ જ પૂછું છું.’ શાંતનુ વળી એ જ વાત પર આવ્યો.

‘કોની સાથે લગ્ન કરશે અનુ?’ અક્ષયે વળતો સવાલ કર્યો.

‘અમમમ...’ શાંતનુ હવે ગૂંચવાયો.

‘ભાઇ તમે આટલું વિચારો છો તો તમે એમ એમ વિચારી લીધું કે અનુ કદાચ તમારી સાથે એનાં લગ્નની વાત કરે તો એ તમારી સાથે જ કેમ? કોઇ બીજું કેમ નહીં? આ પહેલાં પણ તમને આવુંજ કઇક લાગ્યું હતું ને?’ અક્ષયે એકદમ કોમનસેન્સ વાપરીને વાત કરી.

‘એક સાચો મિત્ર જ આટલી સ્પષ્ટ અને સાચી વાત કરી શકે. થેંક્સ અક્ષુ, તે મારો મોટો ભાર હળવો કરી દીધો. ખબર નહીં કેમ પણ હું અચાનક આટલો વિચલિત કેમ થઇ ગયો?’ શાંતનુએ અક્ષયનો આભાર માન્યો.

‘આ બધું હું તમારી પાસેથી જ શીખ્યો છું ભાઇ, એમાં થેંક્સ શેનાં?’ અક્ષયે વળતો વિવેક કર્યો.

એકબીજાંનાં વખાણ કરતાં કરતાં બન્ને એ ઘણાં ગપ્પાં માર્યાં. શાંતનુ હવે સાવ હળવો થઇ ગયો હતો અને અનુશ્રીનાં સરપ્રાઇઝ માટે માનસિક રીતે તૈયાર પણ થઇ ગયો. હા પેલી ઉત્તેજના જરૂર હતી કે અનુશ્રી આખરે એની સાથે એની જિંદગી બાબતે કઇ વાત ડિસ્કસ કરવા માંગે છે.

‘ચલ ગુરુ, સાડા પાંચ થઇ ગયાં, વાતોમાં ટાઇમ ક્યાં જતો રહ્યો ખ્યાલ પણ ન આવ્યો.’ પોતાાં સેલફોનની ઘડિયાળ જોતાંજોતાં શાંતનુ બોલ્યો.

‘અરે હા યાર, સિરુને હું કલાકનું કહીને આવ્યો હતો પણ લગભગ બે કલાક ઉપર થઇ ગયાં.’ અક્ષય પણ ચોંક્યો.

‘તો તો આજે જનાબની ધોલાઇ પાક્કી એમ ને?’ અક્ષયને આંખ મારતાં શાંતનુ બોલ્યો.

‘હા હા... હાસ્તો વળી. આ તો સારું છે કે મુવીનો પ્લાન નહોતો નહીં તો સિરુનાં પ્રકોપથી બચવા માટે મારે તમારી શરણમાં જ આવવું પડ્યું હોત ભાઇ.’ ખડખડાટ હસતાં અક્ષય બોલ્યો.

‘ચલ ચલ તું ઘેર જા અને હું અનુને ઘેર જઉં.’ શાંતનુનાં ચહેરા પર સ્મીત હતું.

‘વાહ વાહ મોટાભાઇ, યુ આ બ્લશિંગ...’ અક્ષયે આંખ મારી.

‘ચલ ચલ હવે ઘેર જા.. બાય.’ શાંતનુ હસતાંહસતાં ટેબલ પરથી ઉભો થયો અને બન્ને છુટા પડ્યાં.

બહાર નીકળીને શાંતનુ અને અક્ષય લગભગ વિરુદ્ધ દિશાઓમાં પોતપોતાનાં બાઇક્સ હંકારી ગયાં. લગભગ દસેક મિનીટ પછી શાંતનુ અનુશ્રીને ઘેરે પહોંચી ગયો. ફોનકૉલમાં અનુશ્રીએ કહ્યાં મુજબ જ ઘરમાં સપૂર્ણ શાંતી હતી. અનુશ્રીનાં મમ્મા એમની રાબેતા મુજબ ની આદત પ્રમાણે ટીવી પર ચાલી રહેલી કોઇક સીરીયલ જોઇ રહ્યાં હતાં. આમ તો અનુશ્રીએ શાંતનુને સીધો ઉપર એના રૂમમાં જ આવી જવાનું કહ્યું હતું પણ શાંતનુને એમ કરવું યોગ્ય ન લાગ્યું.

‘કેમ છો મમ્મી?’ શાંતનુએ અનુશ્રીના મમ્મા ને નમસ્તે નાં પોઝ માં પૂછ્યું.

‘અરે આવ બેટા. અનુ તારી જ રાહ જુવે છે. જા ઉપર જા.’ અનુશ્રીનાં મમ્મા એ કહ્યું.

‘હા...’ અનુશ્રીનાં મમ્માની મંજુરી મળી જતાં, વધુ સમય ન બગાડતાં શાંતનુ તરત જ દાદરા ચડવા લાગ્યો અને અનુશ્રીનાં રૂમમાં દરવાજે ટકોરા માર્યાં.

‘યેસ શાંતુ..આવી જા’ અનુશ્રીએ તરતજ જવાબ આપ્યો.

‘અરે! તમને કેવી રીતે ખબર પડી કે હું જ છું?’ દરવાજો ખોલીને અંદર ઘૂસતાંજ શાંતનુએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘તારી ત્રણ ટકોરાની આદત મેં નોટ કરી છે શાંતુ. ટક..ટક..ટક.’ અનુશ્રીએ શાંતનુ ને કેમ ઓળખી લીધો એતો કહ્યું જ પણ સાથે સાથે એનાં ત્રણ ટકોરાનો ચોક્કસ સ્વર પણ પોતે કાઢી ને બતાવ્યો. શાંતનુ આ જાણીને ખુબ શુશ થઇ ગયો.

‘હમમમ...ફર્સ્ટ ઓફ ઓલ, કોન્ગ્રેચ્યુલેશન્સ અનુ. જો કે ડિવોર્સ મળવાં એ કોઇ સારી ઘટના નથી પણ તમારાં કેસમાં આઇ થીંક કે હું તમને કોન્ગ્રેચ્યુલેટ કરી શકું છું.’ શાંતનુએ પોતાનો હાથ એનાંથી થોડેજ દુર ઉભેલી અનુશ્રી સામે લંબાવ્યો.

‘અફકોર્સ તું મને કોન્ગ્રુેચ્યુલેટ કરી શકે છે શાંતુ અને હું પણ તને રીટર્ન કોન્ગ્રેટ્‌સ આપીશ, કારણકે મારી સાથે તે પણ સહન કર્યું છે. હું બધું જ જાણું છું. આજે હું એકલી નહીં પણ તું પણ એ રાક્ષસની ગ્રીપ માંથી ઓફિશિયલી છૂટ્યો છે એટલે તને પણ કોન્ગ્રેટ્‌સ!’ અનુશ્રીએ શાંતનુએ લંબાવેલો હાથ પકડી લીધો.

શાંતનુને આ ત્રણ મહીનામાં પહેલીવાર અનુશ્રીનાં સ્પર્શમાં કોઇ લાગણી દેખાઇ.

‘થેંક્સ અનુ.’ શાંતનુ ફક્ત એટલું જ બોલી શક્યો.

‘તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે શાંતુ અને આપણે મારાં મેરેજ પહેલાં પણ એકબીજાંની ઇમોશન્સ ને વગર કહે સમજી જતાં હતાં, રાઇટ?’ અનુશ્રી આજે એકદમ અચાનક જ એનાં લગ્ન પહેલાનાં મુડમાં દેખાઇ રહી હતી.

‘યસ, અફકોર્સ મને યાદ છે અનુ.’ આમ કહેતાં જ શાંતનુને પેલો વરસાદી રવિવાર યાદ આવી ગયો અને તે પછી જ્યારે એ અનુશ્રી પાસે પોતાની મુંજવણ રજુ કરવા ગયો હતો ત્યારે અનુશ્રીએ સામેથી જ એની એ લાગણી પકડીને એને એકદમ હળવો બનાવી દીધો હતો.

‘બસ એટલે જ મેં આજે તને બોલાવ્યો છે શાંતુ. એક્ચ્યુલી આઇ વોઝ વેઇટીંગ ફોર માય ડિવોર્સ ટુ બી ઓફિશિયલી કન્ફર્મડ...બેસ.’ અનુશ્રીએ શાંતનુને સોફા પર બેસવા માટે કહ્યું.

‘અરે હા, તમે જ્યારથી કીધું છે તમે તમારી લાઇફ વિષે કશું શેર કરવા માંગો છો ત્યારથી જ મને મનમાં થોડીક ખદખદ થઇ રહી છે એટલે હવે તમે મને પ્લીઝ કહો.’ શાંતનુએ આખરે પોતાની મનની વાત અનુશ્રીને કહી જ દીધી.

જો કે એને હજીપણ એ બાબત ની વધુ અપેક્ષા હતી કે અનુશ્રી કદાચ એના લગ્ન વિષે કશુંક કહેશે એટલે એને થોડીક ગભરામણ ફક્ત એની એ ઉત્તેજના ને કારણે પણ થઇ રહી હતી.

‘હમમ..તે દિવસે આપણે જ્યારે વિનયભાઇની ઓફિસે થી ઘેરે આવ્યાં ત્યારે જ મેં એમ નક્કી કર્યું હતું કે હું જલ્દીથી જ કોઇ જોબ શોધીશ, પણ પછી વિચાર્યું કે ઇથી એમતો હજી નાની છે. મમ્મા તો છે જ અને દીપ્તિ ભાભી સારાં જ છે બટ એમ તો ઇશીને હું એમને ભરોસે આખો દિવસ બહાર ન રહી શકું ને?’ આમ બોલતાં બોલતાં અનુશ્રી એ બાજુમાં પડેલું એક ટેબલ લીધું અને દરવાજા પાસે મુક્યું અને પછી એ એનાં પર ચડવા ગઇ પણ એને ફાવ્યું નહીં.

‘અરે... અરે... મને કહોને શું ઉતારવું છે માળિયા માંથી?’ શાંતનુએ સોફા પરથી ઉભા થઇને પોતાનું બેલેન્સ જાળવવાની કોશીશ કરી રહેલી અનુશ્રી તરફ એકદમ દોડ્યો અને એની પીઠ ને ટેકો આપ્યો.

‘થેંક્સ..આઇ વિલ મેનેજ, બસ હું પડું તો મને સાંભળી લેજે... લાઇફમાં... બીજી વાર.’ ટેબલ પર સરખી ચડીને અને શાંતનુ તરફ જોઇને અનુશ્રી સ્મીત સાથે બોલી.

અનુશ્રીનાં ચહેરા પર સ્મીત હતું. આટલાં મહીને પહેલીવાર શાંતનુએ અનુશ્રીનું એવું સ્મીત જોયું હતું કે જે એની કાયમની ઓળખ હતી અને જેનાં પર શાંતનુ કુરબાન હતો.

‘બીજીવાર તો શું? હું કાયમ તમને સાંભળી લઇશ અનુ. આખરે તમારો બેસ્ટ ફ્રેન્ડ છું ને?’ શાંતનને પોતે અનુશ્રીનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ હોવાનો ખુબ ગર્વ હતો અને તેથી જ જો અનુશ્રીએ જો ફરી લગ્ન ન કરવા હોય

તો પણ એ એની સાથે ફક્ત મિત્ર બનીને રહે તો પણ એ ખુશ જ

રહેવાનો હતો.

‘હેય, શાંતુ, હોલ્ડ ધીસ...’ અનુશ્રીએ માળીયા માંથી લાકડાની એક મોટી ફ્રેમ જે છાપામાં વીંટાળેલી હતી એ ઉતારતાં કહ્યું. શાંતનુએ હળવેક થી એને અનુશ્રીનાં હાથમાંથી લઇ લીધી અને બાજુની દીવાલ ને અડાડીને ટેકવી દીધી.

અનુશ્રી શાંતનુનો હાથ પકડીને નીચે ઉતરી. બન્ને ની નજરો મળી અને બન્નેએ કુદરતી રીતે જ એકબીજાંને સ્મીત આપ્યું. શાંતનુ અનુશ્રીનો હાથ છોડવાનું લગભગ ભૂલી જ ગયો હતો પણ અનુશ્રીને તો યાદ હતું જ એટલે એણે પોતાનો હાથ શાંતનુની હથેળીમાં પકડમાં થી હળવેકથી છોડાવી લીધો.

‘તું સોફા પર બેસ હું તને મારી બપોરની ફોનકૉલની વાત રીવીલ કરું.’ અનુશ્રીએ દરવાજાને ટેકવી ને પડેલી પેલી ફ્રેમ ઉપાડી ને સોફા તરફ જતાં કહ્યું. શાંતનુ પણ યંત્રવત જ એની પાછળ ચાલ્યો.

‘ઓકે, શ્યોર!’ આટલું કહીને શાંતનુ સોફા પર બેસી ગયો અને અનુશ્રીની પ્રવૃત્તી જોવાં લાગ્યો.

અનુશ્રીએ સંભાળીને ફ્રેમ પર બાંધેલી સુતળી ખોલી અને એનાં પરનું છાપાનું આવરણ પણ ખોલ્યું અને શાંતનુ સામે એક સુંદર પેઇન્ટીંગ અનાવૃત થયું.

પેઇન્ટીંગમાં એક સ્ત્રી ઘુમટો તાણીને બેઠી હતી અને એની ઉપર લાલ સૂર્યનો પ્રખર તાપ વરસતો હતો અને સામેથી કાળાં વાદળાં આવી રહ્યાં હતાં. સ્ત્રી નો રંગ શ્વેત-શ્યામ હતો. શાંતનુને વધુતો ખબર ન પડી એને એ પેઇન્ટીંગ માં રહેલાં રંગોનું સંયોજન ખુબ ગમ્યું.

‘આ મારાં ત્રણ મહીનાની મહેનતનું પરિણામ શાંતુ. જોઇ લે.’ અનુશ્રીનાં મોઢાં પર સ્મીત હતું અને પોતે કશુંક મહત્વનું કર્યાનો ગર્વ પણ છલકતો હતો.

‘વાહ...એક્સલેન્ટ...આ તમે ...?’ શાંતનુ ફક્ત આટલું જ બોલી શક્યો.

‘યસ શાંતુ, તે દિવસે હમણાં જોબ ન કરવાનું નક્કી કર્યું પછી મેં વિચાર્યું કે એમને જો બેઠી રહીશ તો આઇ વીલ ગો ક્રેઝી. મને પહેલેથી જ પેઇન્ટીંગ ની હોબી હતી પણ ટાઇમ ન હતો. મેં યુએસમાં પણ આ જ પેઇન્ટીંગ શરું કર્યું હતું પણ યુ નો કે ત્યાંથી મારે અચાનક જ આવવું પડ્યું પ્લસ બેગેજ પણ વધી જતો હતો એટલે એને હું ત્યાં જ છોડી ને આવી ગઇ.’ અનુશ્રી એની પહેલાંની આદત મુજબ ન અસ્ખલિત બોલી રહી હતી.

‘હમમ... અફકોર્સ, પછી?’ શાંતનુને અનુશ્રીની વાતમાં સંપૂર્ણપણે પરોવાઇ ગયો હતો. જોકે આ કોઇ નવી વાત ન હતી.

‘એટલે પછી જ્યારે હમણાં જોબ ન કરવાનું નક્કી કર્યુંક ત્યારે તરત જ વિચાર્યું કે હું હવે મારી હોબી પૂરી કરીશ. હું હવે મારાં અને ઇશી માટે જીવીશ. પણ આઇ વિલ નોટ ડુ ધીસ જસ્ટ ફોર ધ સેઇક ઓફ હોબી મારે આને કરિયર બનાવી છે અને મારે આ માટે તારી અડવાઇઝ જોઇએ છીએ.’ અનુશ્રી બોલી.

‘ઓકે આઇ એમ ઓલ્વેઝ ધેર ફોર યુ, પણ પેઇન્ટીંગ ની બાબતમાં હું ઔરંગઝેબ છું.’ શાંતનુ હસ્યો.

‘ઔરંગઝેબ? ડીડન્ટ ગેટ યા શાંતુ!’ અનુશ્રીને આશ્ચર્ય થયું.

‘એટલે કે મને મ્યુઝીક માં ખબર પડે, શેર-ઓ-શાયરી હો તો હજીપણ થોડીક ખબર પડે, પણ પેઇન્ટીંગ માં આઇ એમ ઝીરો, એટલે તમે પહેલાં તો મને સમજાવો કે તમે આ પેઇન્ટીંગમાં શું સમજાવવા માંગો છો.’ શાંતનુએ સ્પષ્ટતા કરી.

‘ઓહ ઓક્કે... હા હા હા... ઔરંગઝેબ...આઇ લાઇક ઇટ!’ અનુશ્રી ખડખડાટ હસી પડી અને શાંતનુ એને જોતો જ રહ્યો.

‘તો પછી સમજાવો મને આ પેઇન્ટીંગ નો થીમ.’ શાંતનુ બોલ્યો એ પણ મંદમંદ હસી રહ્યો હતો.

‘જો આ લેડી છે એની ઉપર સૂરજનો તાપ છે, મીન્સ કે એનાં પર અત્યારે ખુબ ત્રાસ થઇ રહ્યો છે સુરજની ગરમી થી અને એટલે જ એણે ઘુમટો ઓઢી લીધો છે પણ એ એનાં માટે ઇનફ નથી.’ આટલું બોલતાં અનુશ્રી રોકાઇ અને એણે શાંતનુ સામે જોયું. કદાચ એ જોવાં માંગતી હતી કે શાંતનુને એની વાત સમજાઇ હતી કે નહીં?

‘ઓક્કે અને આ કાળાં વાદળાં?’ પેઇન્ટીંગ જોવામાં તન્મય થઇ ગયેલાં શાંતનુનાં આ સવાલે અનુશ્રીની શંકા પણ દુર કરી દીધી.

‘ધ બ્લેક ક્લાઉડઝ શોઝ કે આ લેડીને જે તાપ પડી રહ્યો છે એને એમાંથી રાહત આપવા દુરથી આ કાળાં વાદળો આવી જ રહ્યાં છે.’ અનુશ્રીએ સ્પષ્ટતા કરી અને એને ગમ્યું પણ ખરું કે શાંતનુ એનાં પેઇન્ટીંગમાં રસ લઇ રહ્યો હતો.

‘વાઉ ધેટ્‌સ રીયલી પોઝીટીવ થોટ અનુ. તકલીફ તો છે જ પણ સામે સોલ્યુશન પણ છે. બસ આપણે રાઇટ ટાઇમ ની રાહ જોવાની છે.’ શાંતનુએ અનુશ્રી સામે જોયું એ જાણવા માટે એ સાચું સમજ્યો છે કે નહીં.

‘ધીસ ઇઝ સિમ્પલી અમેઝિંગ શાંતુ...યુ ગોટ ધ વેરી સોલ (આત્મા) ઓફ ધીસ ક્રિએશન. હું પણ આમ જ કહેવા માંગું છું. તને કોણે કીધું કે તને પેઇન્ટીંગ માં કશી ખબર નથી પડતી?’ અનુશ્રીનાં ચહેરા પર સંતોષની લાગણી હતી.

‘મને ખરેખર ખબર નથી પડતી અનુ, પણ તમે જે રીતે સમજાવવાની શરૂઆત કરી એનાં પરથી મેં ક્લ્યુ લીધો કે કદાચ આમ જ હોઇ શકે.’ શાંતનુએ અનુશ્રીને જવાબ આપ્યો.

‘હમમ..ગ્રેટ, આમાં બીજો પણ મેસેજ છે, કેન યુ સી ધેટ?’ અનુશ્રીએ શાંતનુને મુંજવતો સવાલ કર્યો.

શાંતનુએ પેઇન્ટીંગ વિષે માંડમાંડ પોતાનો વિચાર કહ્યો હતો અને અનુશ્રીને ખુશ જોઇને એને થયું કે એ આ પેઇન્ટીંગને પુરેપુરો સમજી શક્યો છે પણ અનુશ્રીના આ સવાલે એને મૂંજવી નાખ્યો.

‘બીજો મેસેજ?’ શાંતનુએ પોતાની દ્ધિધા જરાપણ છુપાવ્યા વગર રજુ કરી જ દીધી.

‘ઓકે હું તને હિન્ટ આપું? ઇટ્‌સ અબાઉટ માય લાઇફ..બસ હવે વધુ ન પૂછતો.’ અનુશ્રી બોલી.

‘હમમમ...’ શાંતનુ વિચારવા લાગ્યો.

‘જલ્દી બોલ, આઇ નો યુ આર વેરી ઇન્ટેલીજન્ટ.’ બે ત્રણ મિનીટ સુધી શાંતનુનો જવાબ ન આવતાં અનુશ્રીની ધીરજ ખૂટી ગઇ.

‘આ લેડી એટલે કે અનુ?’ શાંતનુએ સવાલ કર્યો.

‘યેસ અને...?’ અનુશ્રીની અધીરાઇ વધી રહી હતી.

‘અને? ...અને અત્યારસુધી તમે જે સહન કર્યું છે એને ભૂલી જઇને હવે પોઝીટીવ થવા માંગો છો રાઇટ?’ શાંતનુ ખરેખર તો આવુંજ કશુંક પહેલાં પણ કહી જ ચુક્યો હતો પણ આ પેઇન્ટીંગથી અનુશ્રી બીજું શું કહેવા માંગતી હતી એ એને ખ્યાલ ન આવ્યો એટલે એણે આવડે એવો જવાબ આપ્યો.

‘તું સ્ટુપીડ નો સ્ટુપીડ જ રહ્યો શાંતુ.’ અનુશ્રી ખોટો ગુસ્સો કરતાં બોલી.

‘પણ હમણાં તો મને ઇન્ટેલીજન્ટ કીધો હતો ને?’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘હા હવે ભૂલ થઇ ગઇ મારાથી.’ અનુશ્રી પણ હસી પડી.

‘તો અનુજી, હવે તમે જ સમજાવો.’ શાંતનુએ અનુશ્રીને ખુબજ પ્રેમથી અને લગભગ વિનંતીનાં સ્વરમાં કહ્યું.

‘આ લેડી એટલે હું, ધીસ ઇઝ વ્હેર યુ આર રાઇટ. જો આ સૂરજનો તાપ એટલે મને પેલા રાક્ષસે જે વખતે મને અને ઇશીને ભૂખી મરવા માટે છોડી દીધી હતી એ દિવસની વાત છે અને આ...દુર થી આવતાં કાળાં વરસાદી વાદળાં એટલે...’ બોલતાં બોલતાં અનુશ્રી રોકાઇ ગઇ એનાં ગળે કદાચ ડૂમો બાજી ગયો હતો.

‘એટલે?’ શાંતનુની અધીરાઇ વધી ગઇ.

‘એટલે તું સ્ટુપીડ, માય બેસ્ટ બડી શાંતનુ, જેમે મને અહીંયા, ઇન્ડિયામાં, આટલાં દુર બેસીને એ તાપ માંથી છોડાવી. મારાં માટે યુ આર નો લેસ ધેન અ કુલ કુલ શાવર, શાંતુ. તે જ્યારે મને આ ત્રાસમાં થી બચાવી ત્યારે તો મને આ પોઝીટીવ સાઇડ નો ખ્યાલ જ ન હતો આવ્યો, પણ રહી રહીને પછીથી મને આ બાબતનો ખ્યાલ આવ્યો એટલે હું બાય ધીસ પેઇન્ટીંગ એવનો મેસેજ કન્વે કરવા માંગુ છું કે માણસને જ્યારે પણ કોઇ તકલીફ હોય તો તમને એમાંથી બચાવવા કોઇને કોઇ આવશે જ. બસ તમારે સાચા સમયની રાહ જોઇને તમારે પોતે મસ્ટ કીપ ઓન ફાઇટીંગ. એ બચાવનાર પછી ગમે તે હોય, તમારો રીલેટીવ કે તમારો બેસ્ટ ફ્રેન્ડ!’ પોતાનો ડૂમ દુર કરીને આ રીતે અનુશ્રીએ એનાં પેઇન્ટીંગની એક અન્ય સમજણ પણ શાંતનુને આપી.

પણ શાંતનુ તો અનુશ્રી માં જ ખોવાઇ ગયો હતો. અનુશ્રીનું બોલવું, એનાં ચહેરા પરનાં હાવભાવ અને એની મોટીમોટી આંગળીઓ થી જે રીતે એ પોતાનાં ચિત્રનું વર્ણન કરી રહી હતી આ બધી જ વસ્તુઓ શાંતનુ માટેે અનુશ્રીમાં ખોવાઇ જવા માટે પુરતી હતી. અને અનુશ્રી જે રીતે એનાં વખાણ કરી રહી હતી એ સાંભળીને એનાં ગાલ પર લાલ થઇ રહ્યાં હતાં. ખાસ કરીને જ્યારે જ્યારે અનુશ્રી વારંવાર એને પોતાનો ‘બેસ્ટ બડી.’ કહીને સંબોધી રહી હતી ત્યારે ત્યારે એને એ સંબોધન ખુબ જ ગમી રહ્યું હતું.

‘મેં જે કર્યું એ મેં મારી ફરજ ગણીને નહોતું કર્યું અનુ. મન જેન્યુઇનલી તમારી ખુબજ ચિંતા થઇ રહી હતી.’ શાતંનુએ પહેલીવાર અનુશ્રીને પોતાની સાચી લાગણી જણાવી કારણકે અત્યારસુધી એ આ બાબત એટલે યાદ નહોતો કરતો કારણકે એને ડર હતો કે ક્યાંક અનુશ્રી દુઃખી ન થાય અને અનુશ્રીને કોઇ તકલીફ પડે તો શાંતનુને પણ પીડા થાય જ એ સ્વભાવિક હતું.

પણ અત્યારે એને એમ પણ થયું કે અનુશ્રીને એ આમ કહીને ફરીથી યાદ દેવડાવે કે ખરેખર તો એ અનુશ્રીને પહેલેથી જ અત્યંત પ્રેમ કરતો હતો અને આજે પણ કરે જ છે અને એટલે જ પણ શાંતનુએ અનુશ્રીને આ હકીકત સ્પષ્ટ શબ્દોમાં ન કહેતાં દબાયેલાં સ્વરે જરૂર કહી દીધી.

‘આઇ નો શાંતુ.’ અનુશ્રીનો ચહેરો સ્મીત છલકાવી રહ્યો હતો અને આંખ આંસુ... શાંતનુને ખ્યાલ આવી ગયો કે અનુશ્રીનાં હ્ય્દય નાં કોક ખૂણે હજીપણ એ યાતનાનું દુઃખ એમનું એમ જ છે.

‘જુવો અનુ મેં તમને કીધું એમ પેઇન્ટીંગ મારો સબ્જેક્ટ નથી એટલે હું વધુ તો કાઇ નહી કહું પણ મને તો તમારાં આ પેઇન્ટીંગે ખુબ જ ઇમ્પ્રેસ કર્યો છે. આઇ મીન જેટલું હું સમજી શક્યો છું એ મુજબ ઇટ્‌સ રોકિંગ!’ શાંતનુ એ અનુશ્રી સામે થમ્સઅપ ની સાઇન કરી.

‘થેંક્સ શાંતુ. ઇટ ડઝન્ટ મેટર કે તને પેઇન્ટીંગમાં બહુ ખબર નથી પડતી, બટ આઇ નો તું ખુબ ઇમોશનલ છે અને તું મ્યુઝીકનો શોખીન પણ છે એટલે કે ઇન અ વે, તને આર્ટ માં ખબર પડેજ છે, એટલે તને થોડોક ખ્યાલ તો આવી જ જાય. પણ મેં તને ફક્ત આ પેઇન્ટીંગ દેખાડવા માટે નથી બોલાવ્યો.’ અનુશ્રી એની બેડ નાં ખૂણે બેઠી અને શાંતનુ સામે રહેલાં સોફા પર.

‘તમે કશું કહો એ પહેલાં મારે કશુંક કહેવું છે નહીંતો હું પાછો ભૂલી જઇશ.’ શાંતનુ સોફા પર બેસતાં જ બોલ્યો.

‘હમમ બોલ ને?’ અનુશ્રી બોલી.

‘તમે આટલું સરસ પેઇન્ટીંગ કરો છો તો વ્હાય ડોન્ટ યુ ગો પ્રોફેશનલ? આઇ મીન હજી બીજાં દસેક પેઇન્ટીંગ્ઝ બનાવો અને પછી એક એકઝીબીશન ગોઠવીએ તો? આઇ નો એમાં ખુબ ટાઇમ લાગશે બટ સ્ટીલ...’ શાંતનુ એ અનુશ્રીને સૂચન કર્યું.

‘વાઉ શાંતુ, યુ વોન્ટ બીલીવ!! મને પણ આજ વિચાર આવ્યો હતો એ એટલે જ મેં તને આ આઇડીયા શેર કરવા જ બોલાવ્યો હતો. હાઉ ફૂડ યુ રીડ માય માઇન્ડ સો વેલ? મારું આ પેઇન્ટ તો લાસ્ટ વિક જ ફીનીશ થઇ ગયું હતું પણ આઇ વોઝ વેેઇટીંગ ફોર ડિવોર્સ પેપર્સ ઓન્લી.’ અનુશ્રીનાં ચહેરા પર આનંદ છલકાઇ રહ્યો હતો.

‘હમમ...યુએસ થી આવીને તમારો સ્વભાવ અચાનક જ બદલાઇ ગયો હતો મેં એ નોટીસ કર્યું હતું પણ તમને પૂછી પૂછી ને હેરાન કરવા નહોતો માંગતો પણ મને લાગે છે કે આજસુધી તમે આ પેઇન્ટીંગ બનાવવામાં જ રચ્યાપચ્યા રહીને પોતાની જાતને કંટ્રોલ કરી શક્યાં છો.’ શાંતનુએ ત્રણેક મહીના બાદ એનાં હ્ય્દયની વાત અનુશ્રીને કહી.

‘મને ખબર છે શાંતુ, તું જ્યારે જ્યારે મને મળ્યો ત્યારે તું પણ તારાં મનમાં ખુબ જ ઘૂંટાતો હતો પણ હું પણ શું કરું? મને તો જાણેકે હ્ય્દય પર કોઇએ મોટો પથ્થર મૂકી દીધો હોય એવું લાગતું હતું. મને સતત એમ જ લાગતું હતું કે ડિવોર્સ જલ્દીથી થાય તો જ હું આ બોજ માંથી છૂટીશ, એન્ડ સી ટુડે આઇ ફિલ સો રીલીવ્ઠ. કાન્ટ યુ નોટીસ અ સડન ચેન્જ ઇન મી ટુડે?’ અનુશ્રી સતત સ્મીત વેરી રહી હતી.

‘ચલો જે થઇ ગયું એ થઇ ગયું, આઇ એમ હેપ્પી ટું સી યોર સ્માઇલ બેક અનુ. તો હવે બોલે શું પ્લાન છે?’ શાંતનુએ જાણીજોઇને વાત નો વિષય બદલતાં કહ્યું.

‘હા, હવે આઇ નીડ યોર હેલ્પ, એઝ યુઝવલ.’ અનુશ્રી હસતાંહસતાં બોલી. શાંતનુ એને જોતો જ રહ્યો કારણકે અનુશ્રીનાં ચહેરા પર આવું હાસ્ય તો એણે કદાચ ત્રણ વર્ષ થી જોયું જ ન હતું.

‘એટ યોર સર્વિસ મેમ.’ શાંતનુ પણ હસતાંહસતાં બોલ્યો અને આજે ખરેખર ખુશ હતો.

‘હમમ..મને દસેક પેઇન્ટીંગ્ઝ બનાવતાં કદાચ છ મહીના થી વધુ લાગશે બટ તારે, એક તો મને આઇડીયાઝ આપવામાં હેલ્પ કરવી પડશે અને સેકન્ડ કે જ્યારે આઇ એમ રેડી વિથ માય ટેન પેઇન્ટ્‌સ મને તારે એક આર્ટ ગેલેરી શોધી આપવી પડશે. ઓકે?’ અનુશ્રીએ લગભગ હુકમ જ કર્યો કારણકે એને ખબર હતી કે શાંતનુ તરફથી એને ના નહી સાંભળવા મળે.

‘શ્યોર, કેમ નહીં?’ શાંતનુએ પણ પળવારનાં વિલંબ વગર અનુશ્રીએ ધારેલો જવાબ જ આપ્યો.

‘આઇ ન્યુ કે તું હા જ પાડીશ. આઇ એમ સો હેપ્પી. ટુડે ઇઝ વન ઓફ માય બેસ્ટ ડેઝ. થેંક્સ શાંતુ.’ કહીને અનુશ્રી ઉભી થઇ ગઇ અને શાંતનુ સામે પોતાનો હાથ ધર્યો.

શાંતનુએ પણ અનુશ્રીનો હાથ પકડી લીધો એને એમ કે અનુશ્રી એને થેંક્સ કહેવા માટે હાથ લંબાવ્યો છે. પણ અનુશ્રી પોતાનો હાથ પાછો ખેંચીને શાંતનુને ભેટી પડી. શાંતનુ માટે આ એક અણધારી ઘટના હતી લગભગ એવીજ રીતે જ્યારે યુએસ થી અમદાવાદ આવ્યાં બાદ અનુશ્રીએ એરપોર્ટ પર સુવાસ અને એનાં મમ્મા ને ચાતરીને શાંતનુને દોડી ને સીધી જ ભેટી પડી હતી.

જો કે અનુશ્રીનું એ ભેટવું અને આ ભેટવા વચ્ચે ઘણો ફેર હતો.

તે દિવસે એ ખુબ જ દુઃખી હતી અને શાંતનુએ એને ઉગારવા માટે કરેલી મદદ માટે શાંતનુનો આભાર માનવા માટે ભેટી હતી જ્યારે આજે એ ખુબ ખુશ હતી અને શાંતનુએ એનાં મનની વાત સમજી લીધી હતી અને એની ખુશી એ શાંતનુને વ્યક્ત કરવા માટે માટે એને ભેટી હતી. થોડી ક્ષણો બાદ થોડી ક્ષણો બાદ શાંતનુએ પણ અનુશ્રીની પીઠ પર પોતાનાં બન્ને હાથ મૂકી દીધાં. થોડી સેકન્ડ્‌સ બાદ બન્ને છુટા પડ્યાં અને થોડી વધુ વાતો કરી અને નીચે લીવીંગરૂમમાં અનુશ્રીનાં મમ્મા એ બનાવેલી ચા પી ને શાંતનુ ઘેરે જવા રવાના થયો.

આજે અનુશ્રીને આટલીબધી ખુશ જોઇને શાંતનુ પણ અત્યંત ખુશ હતો અને જે રીતે અનુશ્રી આજે એનાં મૂળ મૂડમાં વર્તી હતી એમ જ શાંતનુ પણ આજે ઘણાં દિવસે ફરીવાર પોતાને ગમતાં ગીતો માંથી એક ગીત “મેરે સંગસંગ આયા તેરી યાદોં કા મેલા” ગણગણતો બાઇક ચલાવી રહ્યો હતો.

આવનારાં છ મહીના શાંતનુ અને અનુશ્રી માટે અત્યંત મહત્વના હતાં. અનુશ્રી પોતાનાં ચિત્રકારીનાં શોખને વ્યાવસાયિક રૂપ આપવા માંગતી હતી અને શાંતનુ એને રોજ સેલફોન પર કે રૂબરૂમાં મળીને એનાં પેઇન્ટીંગ્ઝ માટે નવાં નવાં આઇડીયાઝ આપતો હતો અને પછી અનુશ્રી એમાં પોતાનાં વિચારો ઉમેરી ને પેઇન્ટીંગ બનાવતી. અનુશ્રી કાયમ પોતાની પોતાની નજીક રહે એ શાંતનુને ખુબ જ ગમતું હતું એટલે જ્યારે પણ અનુશ્રીને એને ગમે ત્યારે અને ગમે તે સમયે મળવું હોય ત્યારે એક કૉલ કરવાથી તરતજ એની પાસે પહોંચી જતો. ફક્ત અનુશ્રી જ નહીં પણ ઇશિતા પણ શાંતનુ સાથે ખુબ હળી ગઇ હતી. ક્યારેક તેઓ ત્રણેય સાથે લંચ કે ડીનર લેવાં પણ જતાં. જ્વલંતભાઇ ને તો આ બાબતનો કોઇ વાંધો જ ન શકે પણ અનુશ્રીનાં મમ્મા અને સુવાસને પણ આ બાબતનો કોઇ જ વાંધો ન હતો. વાંધો હતો તો ફક્ત અનુશ્રીની ભાભી દીપ્તિ ને.

કદાચ એટલે કે આ તમામ વ્યક્તિઓમાં ફક્ત એને જ શાંતનુ અને અનુશ્રીની ગાઢ દોસ્તી વિષે અછડતો અનુભવ પણ ન હતો. એને મન એક ડિવોર્સી સ્ત્રી એનાં કોઇ હમઉમ્ર એને એમાં પણ અપરણિત છોકરા સાથે ગમે ત્યારે ફરવા ઉપડી જાય એ એને મળેલાં સંસ્કારો ની વિરુદ્ધ હતું અને એ આ બાબતને મુદ્દો બનાવીને સુવાસની સાથે કાયમ ચર્ચા કરવાની કોશીશ કરતી પણ સુવાસ શાંતનુ અને અનુશ્રી બન્ને ને સારી રીતે જાણતો હતો એટલે એ કાયમ આ ચર્ચાને શરુ થતાં જ કોઇ બહાનું આગળ ધરીને બંધ કરી દેતો અને દીપ્તિ મનમાં ને મનમાં બળતી રહેતી.

અનુશ્રીનાં મમ્મા દીપ્તિની વાતને એટલે મહત્વ નહોતાં આપતાં કારણકે એતો એવું ઇચ્છતાં જ હતાં કે એમની દીકરી મોડી વહેલી શાંતનુ જેવા અત્યંત લાયક છોકરા સાથે પરણી જાય અને એની બાકીની જિંદગી સુખરૂપ પસાર થાય. પણ આ બાબત એમને અનુશ્રીને સીધીરીતે કહેવાની હિમંત નહોતી એટલે એ આ મુલાકાતો થી આનંદિત થતાં રહેતાં અને મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં કે એ બન્ને નાં મન જલ્દીથી મળી જાય અને બન્ને લગ્ન કરી લે.

આ બાજુ અનુશ્રીને આ બાબતની કોઇ પરવા જ ન હતી એ આખો દિવસ ઇશિતા અને એનાં પેઇન્ટીંગ્સ પાછળ જ ડૂબેલી રહેતી અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શાંતનુને ઘેરે બોલાવી લેતી અને પોતે બનાવેલાં પેઇન્ટ પર એનું મંતવ્ય લેતી. શાંતનુ પણ કાયમ એને સાચું જ મંતવ્ય આપતો નહીં કે એની હા માં હા મેળવતો અને એને કારણે અનુશ્રી ને ફક્ત સારું પેઇન્ટીંગ બનાવવા માં તો મદદ મળતી જ પણ શાંતનુ પ્રત્યેનો એનો આદર અને વિશ્વાસ પણ વધતો જતો હતો. શાંતનુ પણ સમજી રહ્યો હતો કે અનુશ્રી એની વધુને વધુ નજીક આવી રહી છે પણ...

... પણ શાંતનુને એ હકીકતની પણ જાણ હતી જ કે અનુશ્રી હજીપણ એને પોતાનો સાચો અને ખાસ મિત્ર જ માનતી હતી અને એનાંથી વધુ કશું જ નહી પણ એમાં પણ એને ક્યાં કોઇ વાંધો હતો?

ધીમેધીમે સમય પસાર થતો ગયો અને લગભગ સાતેક મહીનાની મહેનત પછી અનુશ્રીને જુદાજુદા વિષયો પર લગભગ દસેક ખુબ સુંદર પેઇન્ટીંગ્સ બનાવ્યાં. શાંતનુ ઉપરાંત સિરતદીપ, અક્ષય અને સુવાસે આ તમામ પેઇન્ટીંગ્ઝ નાં ભરપુર વખાણ કર્યા, આમ થવાથી અનુશ્રીનો આત્મવિશ્વાસ પણ ખુબ જ વધી ગયો. હવે સમય આવ્યો હતો અનુશ્રીનાં આ પેઇન્ટીંગ્ઝ નું એક્ઝીબીશન યોજવાનું અને અનુશ્રીને એક સાંજે આ બાબતે ચર્ચા કરવા શાંતનુને એમનાં કાયમના મીટીંગ પ્લેસ, ‘બીગ કોફી મગ’ નાં સીજી રોડ વાળાં આઉટલેટ પર બોલાવ્યો.

‘આઇ એમ રેડી વિથ માય ટેન પેઇન્ટ્‌સ, હવે તારે મને આર્ટ ગેલેરી શોધી આપવી પડશે.’ કોફીની એક ચુસ્કી લેતાં અનુશ્રી બોલી. એ કાયમની જેમ હક્ક દર્શાવતાં સ્વરમાં જ બોલી રહી હતી કારણકે એને ખ્યાલ હતો કે શાંતનુ એને ક્યારેય એની કોઇપણ વાતની ના નહી પાડે.

‘ઓકે થઇ જશે.’ જવાબમાં શાંતનુ ફક્ત આટલું જ બોલ્યો એનાં ચહેરા પર સ્મીત હતું.

‘વ્હોટ ડુ યુ મીન બાય, ઓકે થઇ જશે શાંતુ? આઇનો કે તું કાયમ કુલ હોય છે બટ હવે તારે એક આર્ટ ગેલેરી અરેંજ કરવાની છે. લોકોલેજ ની આર્ટ ગેલેરી તો કાયમ બુકડ હોય છે. હું તો બહુ ચિંતા માં છું, હું શું કરીશું? શું કરીશું એમ વિચારી રહી છું અને તું? થઇ જશે? થઇ જશે?’ અનુશ્રીને શાંતનુ નાં વિશ્વાસ પર આશ્ચર્ય થઇ રહ્યું હતું.

‘તમે મને તારીખ કહો અનુ, બાકીનું બધુંય થઇ જશે.’ શાંંતનુ હજીપણ શાંતિથી, આત્મવિશ્વાસ થી અને સસ્મિત બોલી રહ્યો હતો.

‘જો ફરીથી પાછું થઇ જશે? આઇ એમ નોટ જોકિંગ શાંતુ.’ અનુશ્રી થોડીક ગુસ્સે થઇ.

‘મને ખબર છે અનુ, એન્ડ આઇ એમ સીરીયસ. તમે મને તારીખ તો ક્યો? પછી હું તમને બધી વાત કરું.’ શાંતનુએ અનુશ્રીને ધરપત આપતાં કહ્યું.

‘હમમ..લાભ પાંચમ પછી તરતજ. એક મહિનો છે તારી પાસે. હવે બોલને કે ઓકે, થઇ જશે!’ છેલ્લું “ઓકે થઇ જશે” અનુશ્રી મોઢું બગાડીને બોલી પણ પછી તરતજ હસી પડી.

‘હા, થઇ જશે. એક મિનીટ.’ શાંતનુ હસ્યો અને પોતાનાં ખિસ્સામાંથી પોતાનો સેલફોન કાઢ્યો.

‘હમમ...ઓનલાઇન બુકિંગ?’ અનુશ્રીને ઇન્તેજારી થઇ. શાંતનુએ કોઇનો ફોન નંબર શોધીને ડાયલ કર્યો અને પોતાનાં હોઠે આંગળી મૂકી ને અનુશ્રીને ચુપ રહેવા જણાવ્યું.

‘હલ્લો...મુસ્કાન?’ કહીને શાંતનુએ વાત કરી.

અનુશ્રી એકીટસે શાંતનુને જોઇ જ રહી હતી અને સાથે સાથે શાંતનુ જે કોઇક મુસ્કાન સાથે વાત કરી રહ્યો હતો એને ધ્યાનથી સાંભળી પણ રહી હતી. લગભગ દસેક મિનીટ વાત કર્યા પછી શાંતનુની મુસ્કાન સાથેની વાત પૂરી થઇ અને એણે પોતાનો સેલફોન પોતાનાં ખિસ્સામાં મુક્યો.

‘પાંચ, છ અને સાત નવેમ્બર એટલે કે સાતમ, આઠમ અને નોમ આ ત્રણ માંથી એક દિવસે પસંદ કરો અને તમારું એક્ઝીબીશન આર્ટ એન્ડ કલ્ચર ગેલેરી જે મીઠાખળી છ રસ્તા પાસે છે એનાં સ્મોલ હોલમાં ગોઠવાઇ જશે.’

‘યુ આર સિમ્પલી અનબીલીવેબલ શાંતુ. હું ઘરેથી નીકળી ત્યારે એટલી ટેન્સ હતી કે આર્ટ ગેલેરી બુક કરવામાં જ કદાચ ત્રણેક મહીના નીકળી ન જાય અને તેં ફક્ત પાંચ મીનીટમાં... વાઉ. થેંક્સ બડી.’ અનુશ્રીએ શાંતનુનો હાથ પકડી લીધો. શાંતનુ રાબેતામુજબ અનુશ્રીની મોટી મોટી આંખોમાં ખોવાઇ ગયો પણ પછી તરત જ પોતાને સાંભળી પણ લીધો.

‘એમાં મેં કશું જ અનબીલીવેબલ નથી કર્યં અનુ. મુસ્કાન મારી બહુ જૂની ક્લાયન્ટ છે. ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે અને આ ગેલરી એની જ છે. તમે જે દિવસે અને તમારાં આ પેઇન્ટીંગનાં શોખને પ્રોફેશનલ બનાવવાની વાત કરી તે જ દિવસે ઘેરે જઇને મેં એને કૉલ કરીને એની પાસે છ મહીનાં પછીની અપ્રોક્સીમેટ ડેટ્‌સ લઇ લીધી હતી.’ શાંતનુ એનાં ટ્રેડમાર્ક સ્મીત સાથે બોલ્યો.

‘વાઉ, ધેટ્‌સ રીયલી ગ્રેટ શાંતુ. તારું પ્લાનીંગ એટલે જબરદસ્ત! પેલું બધાં બોલે છે ને એમ...કહેવું પડે હોં?!’ અનુશ્રી હસી રહી હતી અને મનોમન શાંતનુ પણ ખુબ ખુશ થઇ રહ્યો હતો કારણકે “અનુશ્રી ખુશ એટલે શાંતનુ પણ ખુશ” બસ એ જ એનો જીવનમંત્ર હતો.

‘કશું જ પ્લાનીંગ નથી અનુ, ફક્ત કોન્ટેક્ટસ નો ઉપયોગ કર્યો. પણ તમે હવે તૈયારીમાં લાગી જાવ. કોને કોને ઇન્વાઇટ કરવાં છે? પ્રેસનોટ કેટલાં દિવસ પહેલાં આપવાની છે? પ્રેસમાં થી કોને કોને બોલાવવાનાં છે? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપનીંગ કોણ કરશે? એ વ્યક્તિની અપોઇન્ટમેન્ટ તો કામે જ લઇ લેવી પડશે.’ શાંતનુ એ અનુશ્રીને પોતાનાં એક્ઝીબીશન માટે કામે લાગી જવા કહ્યું.

‘પ્રેસ નું કામ સુવાસભાઇ વિલ હેન્ડલ. એમણે સામેથી જ મને વાત કરી છે. એમનાં સારાં કોન્ટેક્ટસ છે. આઇ ફિલ ઇન્વીટેશન કાર્ડસ પણ સુવાસભાઇ જ જોઇ લેશે. કોને કોને, કેવીરીતે ઇન્વાઇટ કરવા, આઇ મીન બાય પોસ્ટ ઓર વન ઓન વન એનું લીસ્ટ હું બનાવી દઇશ એટલે બહુ મોટી ચિંતા નથી. એક્ઝીબીશન હોલ બુક થઇ ગયો એટલે આઇ એમ સો રીલીવ્ઠ!’ અનુશ્રી એની આદત પ્રમાણે અસ્ખલીત બોલી રહી હતી.

‘ઓકે ગ્રેટ, પણ ઓપનીંગ કોણ કરશે? એનું નામ તમે નક્કી કર્યું કે નહીં? કોઇ મોટા માણસની તો અપોઇન્ટમેન્ટ તો અત્યારે જ લેવી પડશે જ લેવી પડશે ને મેડમજી?’ શાંતનુ હસીને બોલ્યો.

‘હમમમ... એ નામતો મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું. જેમ તે મુસ્કાનને છ મહીના પહેલાં જ હોલ બુક કરવાની વાત કરી લીધી હતી એમ મેં પણ લગભગ એજ દીવસોમાં એ મોટા માણસનું નામ નક્કી કરી લીધું હતું હું ઇઝ ગોઇંગ ટુ ઇનોગ્યુરેટ માય ફર્સ્ટ એક્ઝીબીશન.’ અનુશ્રી આમ બોલતાં બોલતાં સતત શાંતનુ સામે જોઇ રહી હતી.

‘ગ્રેટ તો પછી એ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને કાલે જ કૉલ કરી દે જો ઓકે? આ લોકોને છેલ્લાં દિવસોમાં કહીએ તો પછી લોચા પડી શકે છે. ધ્યાન રાખજો.’ શાંતનુએ અનુશ્રીને સલાહ આપી.

‘કાલે શું કામ? ઇનફેક્ટ અત્યારે જ એની સાથે વાત કરી લઉં?’ પોતાનો સેલફોન હાથમાં લેતાલેતાં અનુશ્રી બોલી.

‘વાહુ, તો તો બહુ જ સારું.’ શાંતનુ એ સ્મીત કર્યું.

‘હમમ’ કહીને અનુશ્રી શાંંતનુ સામે જોવા લાગી.

‘શું થયું? કૉલ કરો? મારી સામે કેમ જુવો છો અનુ?’ બે-ત્રણ મિનીટ વીત જતાં શાંતનુને અનુશ્રી ની નિષ્ક્રિયતા ડંખવા લાગી.

‘કૉલ શું કરવા કરું? જ્યારે એ મોટો માણસ મારી સામે જ બેઠો છે તો ખોટો ખર્ચો શું કરવા કરું? હું તો પાક્કી અમદાવાદી છું હોં?’ અનુશ્રી એ પોતાનો સેલફોન ટેબલ પર મૂકી દીધો અને પોતાનાં જમણા હાથની કોણી ટેબલ પર મૂકી અને પોતાની દાઢી પોતાની લાંબી આંગળીઓને વાળીને મુઠ્ઠી પર મૂકી ને બોલી.

‘એટલે? હું સમજ્યો નહી.’ શાંતનુ ખરેખર સમજી નહોતો રહ્યો કે અનુશ્રી હમણાં જે બોલી એની પાછળ એનો મતલબ શું હતો.

‘ઓહ શાંતુ તું કેમ આટલો સ્ટુપીડ છે? એ મોટો માણસ એટલે તું શાંતુ તું!! તું જ મારાં એક્ઝીબીશન નું ઓપનીંગ કરીશ. યુ વીલ બી ધ ચીફ ગેસ્ટ!’ અનુશ્રી શાંતનુ સામે જોઇ રહી હતી અને શાંતનુને પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો પડી રહ્યો હતો કે એ આ શું સાભળી રહ્યો છે!?’

-ઃ પ્રકરણ તેર સમાપ્ત :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED