Shantnu - 4 books and stories free download online pdf in Gujarati

શાંતનુ - પ્રકરણ - 4

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ચાર

‘વ્હોટ નેકસ્ટ અક્ષુ?’ શાંતનુ એ અક્ષય ને પૂછ્યું.

શાંતનુ અને અક્ષય આજે આખો દિવસ ફિલ્ડ પર રહ્યાં હતાં અને સાંજે લગભગ સાડા સાતે જ્યારે તેઓ ઓફિસે પાછાં વળ્યાં ત્યારે શાંતનુ એ જ્યારે અનુશ્રી નું સ્કુટી પોતાનાં બાઇકની જગ્યા પાસે પડેલું ન જોયું ત્યારે તેને ખ્યાલ આવી ગયો હતો કે અનુશ્રી ની ઓફીસ ઓલરેડી બંધ થઇ ચુકી હતી. મુંબઇ થી આવેલાં એનાં ટેમ્પરરી બોસ કુરુષ દાબુ ને રીપોર્ટ કરી અને બન્ને જ્યારે પગથીયા ઉતરી રહ્યાં હતાં ત્યારે શાંતનુ એ અક્ષય ને આ સવાલ કર્યો.

‘જસ્ટ વેઇટ એન્ડ વોચ બીગ બ્રો, ભાભીએ તમારો નંબર લીધો છે ને? અને કાલનાં ડીનર નું સિરતદીપે પણ કન્ફર્મ કર્યું છે એટલે જસ્ટ ચીલ્લ!’ અક્ષયે જવાબ આપ્યો.

‘અરે એમ નહી મારો મતલબ એમ છે કે કાલે શું કરીશું?’ શાંતનુ એ વળતો સવાલ કર્યો.

‘બસ આપણે નોર્મલ રહેવાનું અને તમે તો રહો છો જ નોર્મલ હા હવે થોડાં ગભરાવવાનું બંધ કરો ભૈય્યા તો સારું. બી કોન્ફિડન્ટ! અને કાલે તમારો બર્થડે છે. સહુથી અઘરું કામ અનુભાભી ની ઓળખાણ કરવાનું હતું એ તો ઉપરવાલે કી ક્રિપા સે એકદમ સહેલાઇ થી થઇ ગયું. કાલથી હવે થોડાં આત્મવિશ્વાસથી એમની સાથે વાત કરજો, આજે સવારે પણ ભાભી એ જ્યારે મોબાઇલ નંબર માંગ્યો ત્યારે પણ તમે સાવ ઢીલાં થઇ ગયાં હતાં. છોકરીને જો સારો છોકરો જોઇએ તો એને એમાં ભરપુર આત્મવિશ્વાસ હોય એવો છોકરો પણ જોઇએ.’ અક્ષય ની વાત પૂરી થતાં ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો.

‘હમમ. તું સાચું કહે છે. હું કાલે એમ જ કરીશ અને ભવિષ્યમાં પણ એમ જ વર્તીશ. બહુ બહુ તો ના પડશે ને? પણ સાચું કહું તો એને જોઇને જ મને કઇક થઇ જાય છે અને જે બોલવાનું હોય છે એને બદલે કંઇક બીજું જ બોલાઇ જાય છે.’ શાંતનુ એ પોતાની તકલીફ જણાવી.

‘આઇ કેમ અન્ડરસ્ટેન્ડ ભાઇ, પણ એ ઇમોશન્સ ને પણ કંટ્રોલ કરતાં તમને ધીમે ધીમે આવડી જશે. દાદા, હજી તો આજે બીજો જ દિવસ છે, હા તમારી રનરેટ મસ્ત છે પણ તેમ છતાં હજી ઘણી મંઝીલો કાપવાની છે અને આ વાત તમે જ મને કહી હતી...ગઇકાલે યાદ છે?’ અક્ષયે શાંતનુ ને યાદ દેવડાવ્યું.

‘યેસ, પણ તું મને એમ કહે જો એ મને પૂછે કે ડિનર પર ક્યાં જવું છે તો? અથવા તો એને કોઇ પ્લેસ ગમતું હોય અને ત્યાં નું સજેશન આપે તો?’ શાંતનુ એ પૂછ્યું. અત્યારે એ અક્ષયનો કહ્યાગરો વિદ્યાર્થી બની ગયો હતો.

‘એક કામ કરો ને, જો ભાભીનો ફોન આવે તો પહેલાં એમની ચોઇસ પુછજો એ ન કહે તો તમે તમારી ચોઇસ કહી દેજો, ઓકે?’ અક્ષયે ઉપાય બતાવ્યો.

‘હમમ ગુડ આઇડિયા એમ જ કરીશ, ચલ નીકળીએ હવે?’ શાંતનુ અને અક્ષય હવે પાર્કિંગ માં આવી ગયાં હતાં.

વાત પતાવી એકબીજા ને ‘આવજો’ કહી ને શાંતનુ અને અક્ષય છુટા પડ્યાં. આજે ઘણાં દિવસે બન્ને પોતપોતાનાં બાઇક્સ માં ઘેરે જવાનાં હતાં. શાંતનુ ઘરે પહોંચતા જ જ્વલંતભાઇ સાથે થોડી વાતો કરી ને ન્હાવા ગયો. ફ્રેશ થઇ બન્ને બાપ-દીકરો જમવા બેઠાં. મહારાજે આજે મસ્ત સેવ ઉસળ બનાવ્યાં હતાં જે શાંતનુ ને ખુબજ ભાવતાં એટલે અઠવાડીએ દસ દિવસે જ્વલંતભાઇ મહારાજ પાસે સેવ ઉસળ જરૂર બનાવડાવતા.

‘પપ્પા, મહારાજને કાલે મારાં વતી એક ડેઇરી મિલ્ક આપી દેજો પ્લીઝ...મસ્સ્ત બન્યાંં છે.’ શાંતનુ એ જ્વલંત ભાઇ ને કહ્યું અને ત્યાં જ શાંતનુ નાં મોબાઇલ માં એસ.એમ.એસ રણક્યો. કોઇ મહત્વની ‘સેલ્સ લીડ’ માટે એનો બોસ મુખોપાધ્યાય ઘણીવાર એનાં ઘર આવ્યાં પછી પણ એસ.એમ.એસ ઉપર હેરાન કરતો.

‘પણ એ તો કોલકાતા છે તો શું ત્યાં થી કોઇ ‘સેલ્સ લીડ’ મોકલી હશે કે શું? જબરો વર્કોહોલિક છે.’ એમ વિચારતાં વિચારતાં શાંતનુ પોતાનાં આંગળાં ચાટતાં ચાટતાં ઉભો થયો અને બેઠકમાં ટેબલ પર પડેલો સેલફોન ઉપાડ્યો અને પોતાની ખુરશી પર ફરી બેસી ગયો. મેસેજ કોઇ અજાણ્યાં નંબર પર થી હતો. એક હાથે સેવ ઉસળ ખાતાં ખાતાં શાંતનુએ મેસેજ ઓપન કર્યો જેમાં ફક્ત ‘હાઇ’ લખ્યું હતું. શાંતનુને નવાઇ લાગી અત્યારે રાત્રે ૯ વાગ્યે કોણ નવરું પડ્યું ‘હાઇ-હેલ્લો’ માટે અને એ પણ અજાણી વ્યક્તિ?

‘હાઇ, બટ વ્હૂ ઇઝ ધીસ પ્લીઝ?’ શાંતનુ એ વળતો મેસેજ કર્યો અને જમવા લાગ્યો. થોડીવાર પછી ફરીથી મેસેજ બ્લીંક થયો અને આ વખતે શાંતનુ એ તરત ફોન ઉપાડ્યો અને મેસેજ વાંચ્યો.

‘બસ આટલાં કલાકમાં જ ભૂલી ગયાં? નંબર સેવ નથી કર્યો કે શું? ધીસ ઇઝ અનુ.’ મેસેજમાં વાંચ્યું અને શાંતનુ સડક થઇ ગયો અને પોતાની જાતને જ ગાળ દઇ દીધી કે એણે સવારે જ અનુ નો નંબર સેવ કેમ ન કર્યોર્

‘ઓહ સોરી કામ માં ને કામ માં ભૂલી ગયો, હમણાં જ કરી દઉં.’ શાંતનુએ જવાબ આપી ને નંબર સેવ કરી લીધો અને ફટાફટ જમવા માંડ્યો.

જ્વલંતભાઇ ને શાંતનુમાં અચાનક આવી ગયેલી ત્વરિતતા થી નવાઇ લાગી.

‘દીકરા ઓફીસનું કોઇ ટેન્શન છે?’ જ્વલંતભાઇ એ પૂછ્યું

‘ના ના એક ફ્રેન્ડ છે.’ શાંતનુ એ જવાબ આપ્યો અને અનુશ્રી નાં આગલા મેસેજ ની રાહ જોવા લાગ્યો.

‘કેન આઇ કોલ યુ નાઉ ઇફ યુ આર નોટ બીઝી? કાલનું વેન્યુ નક્કી કરીએ?’ અનુશ્રી નો મેસેજ ઝળક્યો અને શાંતનુ ગળ્યો ગળ્યો થઇ ગયો.

‘વેઇટ હું કરું થોડીવારમાં જમું છું.’ શાંતનુએ જવાબ આપ્યો. પણ શાંતનુ થી જ ‘વેઇટ’ થવાની નહોતી એટલે એણે લુસલુસ જમી ને હાથ ધોઇ લીધાં.

જ્વલંતભાઇ ને આ ન ગમ્યુ. “દિવસમાં એક જ વાર શાંતિ થી જમવા મળે છે અને આ છોકરો આમ જમીને ઊભો થઇ ગયો?” એવો વીચાર પણ એમને આવ્યો પરંતુ એ મૂંગા રહ્યાં.

શાંતનુ પોતાના રૂમ માં ગયો અને અનુશ્રી નો નંબર ડાયલ કર્યો. પણ કોણ જાણે કેમ અનુશ્રી એ ફોન ઉપડવાને બદલે કાપી નાખ્યો. શાંતનુ ને નવાઇ લાગી. ત્યાં પાંચ મિનીટ પછી અનુશ્રી નો મેસેજ આવ્યો.

‘ડોન્ટ કોલ મી આપણે આમ જ વાત કરીએ.’ શાંતનુને વાંચી ને હાશ થઇ.

‘ઓકે તો કાલે ડીનર પર ક્યાં જઇશું? શાંતનુ એ મેસેજ કર્યો.

‘મારી કોઇ જ ચોઇસ નથી પણ તમે અને અક્ષય જે નક્કી કરો તે.’ અનુશ્રી નો જવાબ આવ્યો. શાંતનુ એ પોતાની મનપસંદ બે ત્રણ હોટલો વિચારી લીધી.

પહેલીવાર કોઇ છોકરી ને તે ડીનર પર લઇ જવાનો હતો એટલે એ હોટલ જેવી તેવી તો ન જ હોવી જોઇએ ને? વળી અનુશ્રી સાથે તો એણે ખુબ આગળ વધવાનું હતું એટલે ખુબ વિચાર્યા પછી એણે એક હોટલ નક્કી કરી.

‘વ્હોટ અબાઉટ ડીનર ચીમ? નવરંગ છ રસ્તા પાસે?’ શાંતનુએ મેસેજ મોકલ્યો.

આ હોટલમાં એ એનાં ઓફીસ નાં સ્ટાફ સાથે બે-ત્રણ વખત ગયો હતો અને એનું ફૂડ એને ખુબ ભાવતું હતું. હોટલ થોડીક મોંઘી હતી પણ શાંતનુ ને પણ બહુ વાંધો આવે એમ નહોતો.

‘પેલી ફાયર સ્ટેશન સામે છે એ જ ને? કૂલ તો કાલે જોબ પર થી ડાઇરેક્ટ ત્યાં જ જઇએ?’ અનુશ્રીએ વળતો જવાબ આપ્યો.

‘નો પ્રોબ્લેમ પણ તમારે કદાચ વેઇટ કરવી પડશે કારણકે અમારે રીપોર્ટીંગ કરતાં ૭ઃ૩૦ જેવું થઇ જાય છે તમને વાંધો તો નથી ને?’ અક્ષયે પૂછ્યું

‘અરે હું તો ભૂલી જ ગઇ કાલે તો સેટર ડે છે એટલે અમારે હાફ ડે છે એટલે હું અને સિરુ તો ઘરે થી જ આવીશું.’ અનુશ્રી એ શાંતનુ ની તકલીફ દુર કરી દીધી.

‘ઓકે તો કાલે મળીએ ડીનર ચીમ પર રાત્રે ૮ વાગ્યે?’ શાંતનુએ સમય કન્ફર્મ કરવા પૂછ્યું

‘શ્યોર, શાર્પ પાઠ વાગે ઓકે? પાછું મારે અને સિરુ ને ૧૦ વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવું પડશે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ.’ અનુશ્રી એ સમય કન્ફર્મ કર્યો.

‘ઓક્કે ડન વ્હોટ એલ્સ?’ શાંતનુ ને આ ચીટ-ચેટ હવે આગળ વધારવી હતી અને એને એ બહાને અનુશ્રી સાથે વધુ સમય ગાળતો હતો.’

‘નથીંગ, ગુડ નાઇટ.’ અચાનક અનુશ્રી એ પૂર્ણવિરામ મૂકી દીધું અને શાંતનુ બેચેન થઇ ગયો, એને આટલી બધી ચેટ પછી આવાં રુક્ષ જવાબની આશા નહોતી. પણ વિચાર્યું કે હવે કાલે તો દોઢ-બે કલાક અનુશ્રી ની સાથે જ રહેવાનું છે ને? એમ માની ને એણે પોતાનું મન માનવી લીધું અને અક્ષયનો નંબર ડાયલ કર્યો.

‘તો કાલે ક્યાં લઇ જાવ છો ભાભી ને?’ અક્ષયે હેલ્લો બોલ્યા વીના સીધો પોઇન્ટ ઉપર જ આવ્યો.

‘ડીનર ચીમ રાત્રે આઠ વાગે શાર્પ, બાય એન્ડ ગુડ નાઇટ..’ શાંતનુ અમસ્તો ય અનુશ્રી નાં રુક્ષ જવાબ થી થોડો નિરાશ હતો એમાં અક્ષયે હાઇ હેલ્લો સીવાય સીધાં પોઇન્ટ પર આવીને શાંતનુ નો રહ્યો સહ્યો ઉત્સાહ પણ મારી નાખ્યો. જોકે શાંતનુએ કૉલ કટ ન કર્યો.

‘અરે અરે અરે! શું થયું મોટાભાઇ?’ અક્ષય ને ખ્યાલ આવી ગયો કે શાંતનુ ને એની મજાક ગમી નથી.

‘નથીંગ જસ્ટ એમ જ મસ્તી કરતો હતો, શું તું એકલો જ મસ્તી કરી શકે?’ શાંતનુએ વાત વાળી દીધી. પણ હજી એને અનુશ્રી નો ‘નથીંગ, ગુડ નાઇટ’ વાળો મેસેજ ડંખ દઇ રહ્યો હતો.

‘શ્યોર બડે ભૈય્યા તમને તો મને ગાળ આપવાનો પણ અધિકાર છે ફિર યો મજાક ક્યા ચીજ હૈ ? પણ કાલે આપણે તમારે ઘેરે થોડાં વહેલાં આવી જઈશું. ઓફીસનાં કપડાંમાં યુ નો? સારું લાગે, થોડાં ફ્રેશ થઈ ને પછી જઈશું. શું કહો છો ?’ અક્ષયે પોતાનો અનુભવ કામે લગાડ્યો.

‘નોટ અ બેડ આઇડિયા અક્ષુ. એમ જ કરીએ. દાબુ સર ને કહી દઇશું કે આજે અમે અમારાં એરિયામાં છીએ એટલે ઓફીસ પાછાં નહી આવીએ. છ વાગ્યા સુધીમાં ઘેરે આવી ને ફ્રેશ થઇ ને ચેન્જ કરી ને પછી જ જઇશું. અમસ્તુંય પપ્પા ને તને મળે ઘણાં દિવસો થયાં છે અને એમણે કાલે જ મને કહ્યુ કે તને મળવું છે પ્લસ મારો બર્થડે પણ છે.’ શાંતનું માની ગયો.

‘યસ એક પંથ ને દો કાજ!’ અક્ષયે વળતો જવાબ આપ્યો અને બન્ને એકબીજાને “ગુડ નાઇટ” કહી ને કૉલ કટ કર્યો.

બીજા દિવસે અક્ષયે સહુથી પહેલાં એને બર્થડે વિશ કર્યા અને ત્યાર પછી અનુશ્રીએ એને એસએમએસ કરીને પેસેજમાં બોલાવી ને વિશ કર્યા. શાંતનુ અને અક્ષય બન્ને અડધો દિવસ ઓફિસે રહ્યાં અને લંચ પછી કુરુશ સર ને ગઇકાલ નાં પ્લાન પ્રમાણે સાંજે ન આવવાનું કહી ને બન્ને લગભગ અઢી વાગે ઓફિસે થી નીકળી ગયાં. આમપણ બન્ને પોતાનાં ટાર્ગેટ આરામ થી પુરા કરી ચુક્યા હતાં એટલે એમને રોકવાનું કોઇ જ કારણ મિસ્ટર કુરુશ દાબુ પાસે નહોતું.

‘ક્યાં જઇશું?’ લીફ્ટમાં ઘૂસતાં જ શાંતનુ એ અક્ષયને પૂછ્યું.

‘ઘેરે જ જઇએ, મેચ છે ને?’ અક્ષયે સૂચન કર્યું.

‘અરે હા યાર, ચલ ઘરે જ જઇએ, પપ્પા ને પણ ગમશે અને સાંજે ઓફીસ નું ડીનર છે એમ કહી ને વહેલાં નીકળી જઇશું.’ શાંતનુ એ અક્ષયનું સૂચન વધાવી લીધું.

પાર્કિંગ માં પોતાનું બાઇક લેતાં બાજુ ની ખાલી જગ્યા જોઇ અને શાંતનુ નાં ચહેરા પર સ્માઇલ આવી ગયું. અક્ષય પણ શાંતનુ ને સ્મિત કરતાં જોઇ રહ્યો અને એનાં ચહેરા પર પણ સ્મિત આવી ગયું. બન્ને પોતાની બાઇક્સ લઇ ને શાંતનુ ને ઘેર ગયાં.

‘અરે આવો આવો અક્ષય ભાઇ મારે તો બધે વહેંચવી પડશે વધાઇ!’ બારણું ખોલતાં શાંતનુ સાથે અક્ષય ને જોતાં જ જ્વલંતભાઇ બોલ્યાં.

‘ખાલી નહી ચાલે વધાઇ અંકલ, મારે તો જોઇએ મીઠાઇ’ ઘરમાં ઘૂસતાં ઘૂસતાં અક્ષય બોલ્યો. શાંતનુ ફરીથી સ્માઇલ કરવા લાગ્યો.

‘કેમ નહી અક્ષય મીઠાઇ સાથે નાસ્તાનો પણ નહી થાય ક્ષય.’ જ્વલંતભાઇ એ ફરીથી પ્રાસ બેસાડ્યો.

‘નાસ્તો કરીએ હમણાં... પહેલાં કરીએ વાતો નાં વડા?’ અક્ષય બોલ્યો.

‘વાતો કરીએ નોર્મલ ટોન માં પ્લીઝ, બધાં વથી મારું સાંજ સુધીનું ટાઇમ પ્લીઝ.’ શાંતનુ એ રીક્વેસ્ટ કરી જે સર્વાનુમતે સ્વીકાર થઇ ગઇ.

અક્ષય અને શાંતનુ એકબીજાનાં ઘરમાં, કુટુંબ નાં સભ્ય ની જેમ જ ભળી ગયાં હતાં. જ્વલંત ભાઇ પણ અક્ષયને શાંતનુ ની જેમ જ પોતાનો દીકરો માનતા હતાં.

આ ત્રણેય વચ્ચે બે-ત્રણ કલાક વાતોનાં વડા કરતાં, મેચ જોતાં અને પછી નાસ્તો કરતાં એમ જ વીતી ગયાં. ઘડિયાળમાં સાડા છ વાગી રહ્યાં હતાં. ‘શાંતનુ નું ધ્યાન ઘડિયાળ તરફ અને પોતાનાં સેલફોન તરફ જ હતું. ઘડિયાળ તરફ એ માટે કે સમય ઝડપ થી આગળ નહોતો વધી રહ્યો અને સેલફોન તરફ એટલા માટે કે ક્યાંક અનુશ્રીનો કૉલ કે મેસેજ ન આવી જાય કે ‘આજ નો પ્રોગ્રામ કેન્સલ’! પણ સાડા છ વાગ્યાં ત્યાં જ અક્ષય નો ફોન રણક્યો.

‘ઓહ હાઇ! કેમ છો? હા હા અમે પહોંચી જઇશું શ્યોર, ઓકે હા ત્યાં જ ઉભા રહેજો અમે ટાઇમસર પહોંચી જઇશું.’ શાંતનુ અક્ષયને ફોન પર વાત કરતાં જોઇ રહ્યો એને ખ્યાલ આવી ગયો કે કૉલ સિરતદીપ નો જ હતો એટલે એને હાશ થઇ કે ચાલો પ્રોગ્રામ તો ચાલુ જ છે.

ત્રણ કલાક ની વાતોમાં એણે જ્વલંતભાઇ ને ઓફીસ નાં ડીનર ની વાત કરી જ દીધી હતી. અક્ષય શાંતનુનાં ઘરની સામેની કેક શોપ માંથી કેક લઇ આવ્યો અને શાંતનુએ કેક કાપી. એક કલાકમાં બન્ને ફેશ થઇ ગયાં અને નવાં કપડાં પહેરી ને અને જ્વલંતભાઇ ને ‘ડીનર ચીમ’ હોટેલ તરફ રવાના થયાં.

‘શું કહ્યું સિરતદીપે?’ બાઇક ચલાવતાં અક્ષયને પાછળ બેસેલા શાંતનુ એ પૂછ્યું.

‘એ લોકો પોણા આઠ ની આસપાસ હોટેલનાં બહાર વાળાં પાર્કિંગ માં આપણી રાહ જોશે.’ અક્ષયે એ ટૂંકાણમાં જવાબ આપ્યો.

પંદરેક મીનીટમાં એ બન્ને ‘ડીનર ચીમ’ નાં પાર્કિંગમાં પહોંચી ગયાં. એકબાજુ અક્ષય એની બાઇક પાર્ક કરી રહ્યો હતો અને બીજી બાજુ શાંતનુ આખાય પાર્કિંગમાં અનુશ્રીને શોધી રહ્યો હતો પણ એલોકો બન્ને હજી આવ્યાં ન હતાં.

‘હજી આવ્યાં નથી લાગતાં.’ શાંતનુ હજી એકવાર પાર્કિંગ ને પોતાની આંખોથી સ્કેન કરતો બોલ્યો.

‘ચીલ્લ ભાઇ આવી જશે.’ અક્ષયે પોતાની હેલ્મેટ બાઇક માં લોક કરતાં કહ્યું.

‘પણ આઠ માં દસ થવા આવી યાર.’ શાંતનુ ની નજર હજીપણ પાર્કિંગ માં અનુશ્રી ને શોધી રહી હતી.

‘હોતા હૈ હોતા હૈ ભાઇ હોતા હૈ! તમારો આ પહેલો અનુભવ છે.’ અક્ષય આંખ મીંચકારી ને બોલ્યો જવાબમાં શાંતનુ પણ થોડુંક હસ્યો.

જેમ જેમ આઠ વાગતાં જતાં હતાં એમ ‘ડીનર ચીમ’ માં લોકો ની આવન શરુ થઇ ચુકી હતી. થોડીવાર પાર્કિંગ માં આમતેમ આંટા માર્યા પછી એ કોમ્પ્લેક્સ નાં એક ખૂણામાં જ રીક્ષા આવીને ઉભી રહી. શાંતનુએ પહેલાં એમાં થી સિરતદીપ ને ઉતરતાં જોઇ એને એની પાછળ જ અનુશ્રી પણ ઉતરી અને એને હાથ થઇ. સિરતદીપે અક્ષય અને શાંતનુ સામે હાથ હલાવ્યો અને એ બન્ને એ પણ હાથ હલાવીને એને જવાબ આપ્યો. અનુશ્રી રિક્ષાવાળાને પૈસા ચૂકવી રહી હતી એની પીઠ આ બન્ને તરફ હતી.

સિરતદીપે આછાં ભૂરા રંગનું ટાઇટ જીન્સ અને સફેદ રંગ નું શર્ટ પહેર્યું હતું. અક્ષય એને ટીકી ટીકી ને જોઇ રહ્યો હતો. અનુશ્રી એ રિક્ષાવાળાનને પૈસા આપ્યાં અને તે શાંતનુ અને અક્ષય તરફ વળી અને શાંતનુ નું હ્ય્દય એક ધબકારો ચુકી ગયું. બે દિવસ શાંતનુએ અનુશ્રીને ફક્ત એનાં ઓફીસના ડ્રેસમાં જ જોઇ હતી પણ આજે તે લાઇટ ઓરેન્જ કલરનાંં પંજાબી સ્યુટમાં આવી હતી. શોર્ટ સ્લીવ વાળાં આ ડ્રેસમાં અનુશ્રી અતિસુંદર લાગી રહી હતી. એનાં ડ્રેસની ઝાલર ઉપર અને લીલી ઓઢણી ની કોર પર અને બાંય ઉપર ચમકતાં હીરા અને નાની ઘૂઘરી જેવાં જેવાં લટકણીયા લટકી રહ્યાં હતાં. શાંતનુને લાગ્યું કે અનુશ્રીએ તૈયાર થવામાં આજે પૂરો સમય લીધો હતો અને જે દસેક મિનીટ એણે શાંતનુને જોવડાવી હતી એનું પૂરું વળતર વળતર એને અત્યારે મળવાનું શરુ થઇ ચુક્યું હતું.

‘હાઇ શાંતનુ ઓફિશિયલી હેપ્પી બર્થડે ટુ યુ!’ અનુશ્રીએ પાસે આવીને તરતજ શાંતનુ સામે પોતાનો હાથ લંબાવ્યો.

‘હાઇ, થેંક્સ... કેમ છો?’ અનુશ્રી નાં રૂપથી સંપૂર્ણ અંજાઇ ગયેલાં શાંતનુ એ એનો હાથ પકડ્યો અને બે-ત્રણ વાર હલાવ્યો.

અનુશ્રી ને હાથ છોડાવવો હતો પણ શાંતનુ છોડી નહોતો રહ્યો. સિરતદીપ સાથે વાતે વળગેલાં અક્ષયનું ધ્યાન અચાનક આ બાબત પર ગયું.

‘ચલો આપણે ઉપર જઇશું?’ અક્ષયે શાંતનુ સામે જરાક જોર થી કહ્યું.

શાંતનુને ખ્યાલ આવી ગયો અને એણે તરત અનુશ્રી નો હાથ છોડી દીધો. ત્યારપછી સિરતદીપે પણ શાંતનુને બર્થડે વિશ કર્યા.

‘હા ચોક્કસ.’ શાંતનુ થોડો ભોંઠો પડતાં બોલ્યો.

ચારેય જોડીમાં જ સીડીઓ ચડવા માંડ્યા. શાંતનુ અને અનુશ્રી અને સિરતદીપ સાથે અક્ષય. અક્ષયે બારણું ખોલી ને બન્ને ‘લેડીઝ’ ને અંદર જવાનો આદરપૂર્ણ ઇશારો કર્યો. આ જોતાં જ શાંતનુ ને લાગ્યું કે એણે અક્ષય પાસે હજી ઘણું બધું શીખવાનું બાકી છે. રાબેતા મુજબ હોટલમાં ઘૂસતાં જ ફ્લોર મેનેજર કેટલાં વ્યક્તિઓ છે એની પૂછપરછ કરી ને બહારના ‘વ્યુ સાઇડ’ નું ટેબલ એ ચારેય માટે ગોઠવી આપ્યું. અનુશ્રી અને સિરતદીપ સામસામે એક સોફામાં બેઠાં અને શાંતનુ અને અક્ષય એ બન્ને ની સામે. હોટલમાં બેઠેલાં ઘણાં પુરુષોનું ધ્યાન અનુશ્રી તરફ વળ્યું હતું જે શાંતનુએ નોટીસ કર્યું અને એને એ ન ગમ્યું. પણ એનાં થી કશું જ થઇ શકે એમ ન હતું અત્યારે અનુશ્રી લાગતી હતી જ એટલી સુંદર કે કોઇપણ નું ધ્યાન એનાં તરફ ખેંચાય જ.

‘આપણે વાતોનાં વડાં શરુ કરીએ એ પહેલાં ઓર્ડર નક્કી કરી લઇએ?’ અક્ષય બોલ્યો.

‘હા એ બરોબર રહેશે પછી શાંતિથી વાતો થશે.’ સિરતદીપે અક્ષયના સૂરમાં સુર પુરાવ્યો.

‘ગ્રેટ! તો સૂપ?’ અક્ષયે બાકીની ત્રણ વ્યક્તિઓ સામે જોઇને પ્રશ્ન કર્યો.

‘વેજીટેબલ!!’ શાંતનુ અને અનુશ્રી બન્ને સાથે જ એકસ્વરમાં જ બોલ્યાં અને પછી એકબીજા સામે જોઇને હસ્યાં.

‘વાહ શું વાત છે?’ અક્ષયે શાંતનુ સામે ધીરેકથી આંખ મારી અને શાંતનુ એ એને ઇગ્નોર કર્યો...જાણીજોઇને.

‘સબ્જી ફક્ત બે.. કોઇપણ એઝ પર યોર ચોઇસ.’ અનુશ્રી બોલી.

‘નો નો લેડીઝ ફર્સ્ટ પ્લીઝ જરા અમને પણ તમારી ચોઇસ ની ખબર પડે.’ આ વખતે અક્ષય સિરતદીપ સામે જોઇને બોલી રહ્યો હતો.

‘ફેયર ઇનફ, એક હું ચોઇસ કરીશ અને એક અનુુશ્રી.’ સિરતદીપ બોલી.

‘હમમ..બરોબર છે.’ શાંતનું એ પણ ઝુકાવ્યું એને અનુશ્રીની ચોઇસ જાણવી હતી.

‘હું કોઇપણ રેસ્ટોરાં માં પહેલીવાર જાઉં ત્યારે ત્યાની સ્પેશીયલ સબ્જી જરૂર ટ્રાય કરું, સો ઇફ યુ ગાય્ઝ ડોન્ટ માઇન્ડ, આપણે ડીનર ચીમ

સ્પેશીયલ મંગાવીએ?’ સિરતદીપ મેન્યુ માં જોતાં જોતાં બોલી.

‘હા હા શ્યોર એ જ મંગાવીએ.’ અક્ષયે તરત જ સિરતદીપની ચોઇસ એક્સેપ્ટ કરી લીધી.

‘સિરુ તને તીખું ભાવે છે આ ડીશ તીખી હશે તો? મને તો તીખું એટલે ભાવતું નથી અને આમને પણ તીખું નહીં ભાવતું હોય તો?’ અનુશ્રીએ પોતાની લટ કાન પાછળ ખસેડતાં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો.

‘તો તમે તમારી ચોઇસ ની સબ્જી થોડી ઓછી તીખી મંગાવજો ને?’ શાંતનુ એ અનુશ્રી સામે જોતાં જોતાં કહ્યું. એક્ચ્યુલી એનું ધ્યાન અનુશ્રી સામેથી અત્યારે હટતું નહોતુ

‘હા એ બરોબર રહેશે, ભાઇ નો પોઇન્ટ એકદમ બરોબર છે. બેલેન્સ થઇ જાય ને? બાકી હું પણ તીખું ખાઇ શકું છું.’ અક્ષયે શાંતનુ ને ટેકો આપતાં આપતાં સિરતદીપ સામે પણ દાણા ફેંક્યા.

‘ઓક્કે તો પછી ડીનર ચીમ સ્પેશીયલ, મારી ચોઇસ ફાયનલ.’ સિરતદીપે પોતાની ચોઇસ કહી દીધી.

હવે વારો અનુશ્રી નો હતો એ સતત મેન્યુ નાં પાનાં ઉથલાવી રહી હતી અને સાથ સાથે પોતાની લટ પણ કાન પાછળસરકાવી રહી હતી. શાંતનુ અનુશ્રીની ચોઇસ જાણવા ઉતાવળો થઇ રહ્યો હતો પણ અનુશ્રી ની આ અદા એને સતત ઘાયલ કરી રહી હતી અને એ વધુને વધુ અનુશ્રી તરફ આકર્ષિત થઇ રહ્યો હતો.

‘નવરત્ન કોરમા, મારી ચોઇસ, સોરી થોડી ગળી ડીશ પસંદ કરી છે પણ મને ખુબ ભાવે છે અને હું કાયમ એ જ પ્રીફર કરું છું જો સાથે કોઇ તીખી ડીશ હોય તો.’ અનુશ્રી શાંતનુ સામે જોતાં બોલી.

શાંતનુ અવાક થઇ ને અનુશ્રી સામે જોઇ રહ્યો કારણકે નવરત્ન કોરમાં એ શાંતનુની પણ ‘એવરગ્રીન’ પસંદીદા ડીશ હતી અને એ પણ જ્યારે પણ કોઇ હોટેલ કે રેસ્ટોરાં માં જાય ત્યારે આ ડીશ જરૂર મંગાવતો. અક્ષયને તો આ વાતનો ખ્યાલ હોય જ એટલે એપણ એકદમ આશ્ચર્યચકિત થઇ ને શાંતનુ સામે જોઇ રહ્યો.

‘શું યાર અનુ, તું કાયમ આ એકની એક જ ડીશ મંગાવે છે, વેરી બોરિંગ હાં!’ સિરતદીપે થોડાં ગુસ્સા સાથે કહ્યું.

‘ના ના ઇટ્‌સ ફાઇન, મને પણ ખુબ ભાવે છે, નવરત્ન કોરમા, એજ મંગાવીએ.’ સિરતદીપનાં ગુસ્સાથી અનુશ્રી ક્યાંક એનું મન બદલી ન નાખે એટલે તરત જ એણે પોતાની હા કહી દીધી.

‘હા ભાઇ મીઠ્ઠા લોકો ને તો મીઠ્ઠું જ ભાવે.’ અક્ષય શાંતનુ સામે હસતાં હસતાં દાઢમાં બોલ્યો.

આ બાજુ શાંતનુ ની હા પાડવી એ અનુશ્રી ને પણ ગમી હોય એવું લાગ્યું એ શાંતનુ સામે સ્મિત સાથે જોઇ રહી હતી.

‘બાકી દાલ તડકા?’ અક્ષયે બધાં ને પૂછ્યું અને ત્રણેયે પોતાનાં ડોકાં ધુણાવી ને હા પાડી.

‘રોટી, નાન કે પરાઠા?’ શાંતનુ બોલ્યો

‘હું પ્લેઇન રોટી લઇશ.’ અનુશ્રી બોલી

‘હું નાન લઇશ’ સિરતદીપે પોતાની પસંદગી જાહેર કરી.

‘હું પણ નાન.’ અક્ષયે શાંંતનુ સામે આંખ મારી

‘અને હું પણ પ્લેઇન રોટી જ.’ કાયમ બટર રોટી જ મંગાવતા શાંતનુ એ અનુશ્રી ની ચોઇસ ને પસંદ કરી. શાંતનુ નાં પડછાયા જેવાં અક્ષયને આ ફર્ક તરત જણાઇ આવ્યો એટલે એ શાંતનુ સામે મસ્તી થી હસ્યો. શાંતનુએ એને અવોઇડ કર્યો...ફરીથી...

શાંતનુએ બધાંની ચોઇસ યાદ રાખી ને વેઇટરને ઓર્ડર આપ્યો. સાથે સાથે ચાર મસાલા પાપડ અને છેલ્લે છાશ નો ઓર્ડર પોતાનાં તરફથી ઉમેર્યો.

‘ગ્રેટ તમે આ મસાલા પાપડ અને છાશ મંગાવી એ સારું કર્યું શાંતનુ. હું પણ મંગાવવાની જ હતી.’ અનુશ્રી એ શાંતનુ ને કીધું. શાંતનુને ફરીથી પોતાનું નામ ખુબ ગમ્યું અને એમાં પણ ‘તમે’ કીધું એટલે તો એ અત્યંત ખુશ થઇ ગયો. પણ આ ખુશી એણે એનાં ચહેરા પર દેખાડવાની ન હતી એટલે એણે પણ ફ્કત સ્માઇલથી જ જવાબ આપ્યો.

ઓર્ડર અપાઇ ગયો હતો એટલે હવે હવે ફ્કત જમવાનું પીરસાય એની જ રાહ જોવાની હતી. અક્ષયને લાગ્યું કે શાંતનુ તો કોઇ વાત શરુ નહી કરી શકે એટલે એણે જ સિરતદીપ સામે જોઇને વાત શરુ કરી.

‘કોણ કોણ છે તમારાં ઘરમાં?’ અક્ષયે વાત શરુ કરતાં પૂછ્યું.

‘મમ્મી છે, એક ભાઇ છે નાનો અને હું.’ સિરતદીપે જવાબ આપ્યો.

‘અને તમારાં?’ અક્ષયે પહેલાં અનુશ્રી અને પછી શાંતનુ સામે જોઇને અનુશ્રીને સવાલ કર્યો.

‘મમ્મી અને એક ભાઇ, મારાંથી મોટાં છે,’ અનુશ્રીએ પણ ટૂંકમાં જ પતાવ્યું

‘મારાં ઘરમાં પપ્પા છે, મમ્મી છે બે બહેનો છે, એક પરણી ગઇ છે બીજી નાં લગ્ન ડીસેમ્બરમાં છે અને હું પણ મારાં ઘરમાં જ રહું છું.’ અક્ષયે હંમેશ ની જેમ તોફાની જવાબ આપ્યો અને બધાં હસી પડ્યાં.

‘હા એ વાત તો અમે ભૂલી જ ગયાં અક્ષય કે અમારાં ઘરમાં અમે પણ રહીએ છીએ.’ સિરતદીપ હસતાં હસતાં બોલી.

‘વ્હોટ અબાઉટ યુ શાંતનુ?’ અનુશ્રી એ ફરી થી શાંતનુ નું નામ લીધું.

‘હું અને પપ્પા બસ અમે બન્ને જ.’ શાંતનુએ પણ ટૂંકમાં જ જવાબ આપ્યો અને એ બહાને ફરીથી મનભરી ને અનુશ્રી ને જોઇ લીધી.

ત્યાં જ વેઇટર દરેકને એમની ચોઇસ પ્રમાણે જોઇતાં સૂપ આપી ગયો અને એની સાથે સાથે મસાલા પાપડ પણ પીરસી ગયો.

‘મને એક વાત નથી સમજાતી કે આ મસાલા પાપડ કાયમ સૂપ ની જોડે જ કેમ આવે છે? આઇ મીન પાપડ તો મેઇન કોર્સ ની આઇટમ ન કહેવાય?’ અક્ષયે ફરીથી ચર્ચા શરુ કરવાની કોશિશ કરી.

‘હવે એમાં શું વિચારવાનું?’ પહેલેથી જ આવું છે.’ સિરતદીપ પાસે કોઇ દલીલ ન હોય એમ લાગ્યું.

‘પણ મેડમ વિચારવું તો પડે જ ને? કોઇ પણ પ્રથા એમનેય તો ચાલુ ન જ થઇ હોય? એની પાછળ કોઇક તો લોજીક હોય જ.’ અક્ષયે સિરતદીપને જવાબ આપ્યો.

‘આઇથીંક કે સૂપ સાથે પાપડ ખાવાની મજા આવે છે એટલે એમ હશે.’ અનુશ્રીએ સૂપ પીતાં પીતાં પોતાનો મત જાહેર કર્યો.

‘સૂપ સાથે પાપડ ખાવાથી પેટ લગભગ વીસ ટકા જેટલું ભરાઇ જાય છે એટલે બાકીનો ઓર્ડર આપી દેવા છતાં વ્યક્તિ થોડુંક ઓછું ખાઇ શકે છે એટલે સરવાળે રેસ્ટોરન્ટ કે હોટેલ વાળાને જ ફાયદો થતો હોય છે.’ શાંતનુનો રહી રહી ને વારો આવ્યો.

‘હમમ આઇ થીંક યુ ગોટ અ પોઇન્ટ શાંતનુ, મને પણ એમ જ લાગે છે કારણકે પાપડ એવી વસ્તુ છે કે આપણે એને જોતાં જ એનાં પર તૂટી પડીએ છીએ અને ઘણાં તો એકવાર મંગાવ્યાં પછી પણ બીજાં બે-ત્રણ મસાલા પાપડ પણ મંગાવતાં હોય છે.’ અનુશ્રી શાંતનુ નાં મુદ્દા સાથે અગ્રી થઇ એ તો શાંતનુ ને ગમ્યું જ પણ એનું નામ એ હવે વારંવાર ઉચ્ચારી રહી હતી એનો આનંદ એને વિશેષ હતો.

‘રાઇટ અનુશ્રી, તમે જુઓ ફિક્સ લંચ પછી ખાસ કરીને પંજાબી ફિક્સ લંચ, એમાં આવાં મસાલા પાપડ નથી સર્વ કરતાં કેમ? કારણકે એમાં પૈસા ગુમાવવા પડે.’ શાંતનુએ પોતાનો મુદ્દો વધુ સ્પષ્ટ કર્યો. એ હવે અનુશ્રી સાથે વાત કરવામાં વધુ ને વધુ ખુલી રહ્યો હતો. અક્ષયે આ મુદ્દો પણ નોંધ્યો.

‘વાહ ગ્રેટ માઇન્ડઝ થીંક અલાઇક બરોબર ને અનુશ્રી મેડમ? શાંતનુ ભાઇ?’ અક્ષયે અનુશ્રીએ અક્ષયને કહ્યું.

‘અરે આ મેડમ શું છે? વી આર અનુશ્રી એન્ડ સિરતદીપ કેમ સિરુ બરોબર ને?’ અનુશ્રીએ અક્ષયને કહ્યું.

‘ઓકે ઓકે ઓકે, હવે થી અનુશ્રી અને સિરતદીપ, પોઇન્ટ નોટેડા!’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

આમને આમ હસતાં હસતાં અને વાતો કરતાં કરતાં એ સાંજ સંપૂર્ણ થઇ. શાંતનુ માટે એનાં અત્યારસુધીના જન્મદિવસોમાંની આ એક યાદગાર સાંજ હતી પણ એ એવી પહેલી સાંજ ન હતી હજી તો કેટલીય આવી અથવાતો એનાં થી પણ વધુ યાદગાર સાંજ એનાં જીવનમાં આવવાની હતી.

શાંતનુ અને અનુશ્રી હવે રવિવાર અને રજા નાં દિવસ સીવાય રોજ મળતાં અલબત્ત એમની ઓફીસ નાં બિલ્ડીંગ માં જ. આ ઉપરાંત હવે ધીમે ધીમે એસ.એમ.એસ થી પણ સંબધ મજબુત થઇ રહ્યો હતો અને અનુશ્રી ને કોઇ બાબતે શાંતનુ ની સલાહ જોઇતી હોય તો એ એની પાસે સીધી રીતે અથવા તો કૉલ કરી ને એની પાસે લઇ લેતી. અનુશ્રી ને શાંતનુ એક મેચ્યોર અને ઇન્ટેલીજન્ટ છોકરો હોય એવું ફીલ થવાં લાગ્યું હતું અને એ બાબતે એ જરાપણ ખોટી ન હતી. ઘણીવાર બન્ને જણા પાસે સમય હોય તો એ સામે આવેલાં કેફે માં જઇને કોફી અચૂક પીતાં. શાંતનુ શરમાળ જરૂર હતો પણ એની પાસે સામાન્ય જ્ઞાન અને દુનિયાદારીનું ખુબ ભાન પણ હતું. થોડાં સમય બાદ આ બન્ને વચ્ચે હવે ‘દોસ્તી’ નાં નામ હેઠળ એક પાક્કો સંબંધ બંધાઇ ચુક્યો હતો. આ બાજુ અક્ષય પણ સિરતદીપ તરફે સીરીયસ થઇ ચુક્યો હતો અને સિરતદીપ પણ અક્ષયથી આકર્ષાઇ હતી એવું શાંતનું અને અનુશ્રીને પણ લાાગતું હતું પણ હજી આ છુપાયેલા પ્રેમ ને બહાર લાવવા એનાં એકરાર કરવાની વિધી હજી બાકી હતી. અક્ષયને હવે ધીમે ધીમે પોતાની પોલીસી ‘ક્લોઝ’ કરવામાં શાંતનુ ની ઓછી જરૂર પાડવા માંડી હતી અને એ બચેલાં સમયનો ‘સદુપયોગ’ એ સિરતદીપ સાથે વધુ રહી ને કરતો હતો.

આમનેઆમ દિવસો વીતતાં ચાલ્યાં અને લગભગ બે-એક મહિના નો સમય પણ નીકળી ગયો. શરૂઆતમાં જે ઝડપથી શાંતનુ અને અનુશ્રી મળ્યાં નાં લગભગ અડતાલીસ કલાકમાં તો સારી એવી ઓળખાણ પણ થઇ ગઇ હતી એનાં પ્રમાણમાં અક્ષયના હિસાબે ઝડપ હવે ઓછી થઇ ગઇ હતી. વળી અક્ષય નાં હિસાબે હવે શાંતનુ એ ‘દોસ્તી’ થી આગળ વધવાની જરૂર હતી વળી શાંતનુ કે અનુશ્રીના ઘરમાં તો હજી કોઇ એ બન્ને ને ઓળખતું પણ ન હતું. શાંતનુ ને કે પછી અક્ષયને જ્વલંતભાઇ ની તો ફિકર ન હતી કારણકે એમને મન તો શાંતનુની પસંદ જ પોતાની પસંદ બની રહેવાની હતી. આ બે મહિનામાં અનુશ્રીએ શાંતનુને પોતાનાં પરિવારમાં મમ્મી અને એક ભાઇ સીવાય અન્ય કોઇજ વાત કરી ન હતી. શાંતનુને પણ અનુશ્રી વિષે હજી વધુ જાણવું હતું અને એટલે જ એક રવિવાર ની સવારે શાંતનુ અને અક્ષય આઇ.આઇ.એમ ની વિખ્યાત ચા ની કીટલી પર મળ્યાં.

‘બોલો ભાઇ શું કરીશું? ભાભી ને ઘેેરે જઇએ? સૂર્ય સંજય માં જ રહે છે એ તો આપણને ખબર જ છે.’ અક્ષયે ચા નો પહેલો ઘૂંટ પીતાં શાંતનુ ને પૂછ્યું.

‘પણ એમનેમ તો ન જવાય ને? આઇ મીન કોઇક બહાનું તો હોવું જોઇએ ને?’ શાંતનુ બોલ્યો

‘એટલે જ તો તમને રોજનાં ડ્રેસમાં બોલાવ્યા છે. ભાભી ને ઘેર જવાનું ને કહેવાનું કે સામે જ સંજયભાઇ ને ત્યાં આવ્યાં હતાં તો થયું કે તમને પણ મળી લઇએ?’ અક્ષયે આઇડીયા બતાવ્યો.

‘હા કારણકે મારાં મોટાભાઇને રોજ ની મુલાકાતો થી પણ હવે પેટ નથી ભરાતું અને રવિવારે પણ તમને મળ્યાં વીના સખણા રહી શકતા નથી એમપણ કહી દેજે ઓકે?’ શાંતનુ એ અક્ષયના આઇડિયા ની નબળાઇ છતી કરી.

‘પોઇન્ટ’ અક્ષયે શાંતનુની દલીલ સ્વીકારી લીધી અને બીજો કોઇ આઇડિયા વિચારવા લાગ્યો. થોડીવાર વિચાર કર્યા પછી અચાનક બોલ્યો.

‘આઇડિયા..આપણે એમ તો કહી શકીએ ને કે અમે ક્લાયન્ટ ને મળવા આવ્યાં હતાં અને ત્યાં જ મને એટલે કે અક્ષયને પેટમાં ખુબ દુઃખવા માંડ્યું અને અમને અચાનક યાદ આવ્યું કે અહિયા જ ક્યાંક તમારું ઘર છે અને જુવો ને આજે દુકાનો પણ બંધ છે એટલે...એમ કહી ને આપણે એમની પાસેથી કોઇપણ પેટનાં દુઃખાવા ની ગોળી લઇ લઇશું અને એ બહાને એમનાં ઘરનાં લોકોથી પણ થોડાક પરિચિત થઇ જશું. થોડીક તેલ ની ધાર તો એટલીસ્ટ મપાઇ જ જશે.’ અક્ષયનાં શૈતાની દિમાગમાં એક વિચાર સ્ફૂર્યો.

‘હમમમમ...આઇડિયા ખોટો નથી પણ તું કેમ? મને પેટમાં ન દુઃખે?’ શાંતનુ એ વળતો સવાલ કર્યો.

‘કારણકે ભાઇસાહેબ જો તમારું પેટ દુઃખે તો ભાભી સાથે વાતો કોણ કરશે?’ અક્ષયે શાંતનુને તરતજ ગળે ઉતરી જાય એવો જવાબ આપ્યો.

‘તો જઇએ?’ શાંતનુ બોલ્યો.

‘ચલો, શુભ કામ મેં દેરી કૈસી?’ અક્ષયે ચા વાળાં ને પૈસા ચૂકવ્યાં, હેલ્મેટ પહેરી અને બાઇક ને કીક મારી. શાંતનુ એની પાછળ બેસી ગયો.

‘પેટ માં દુઃખ્યું ને અનુ તમે યાદ આવ્યાં!!’ અક્ષયને પાછળ બેસીને શાંતનુએ એક લોકપ્રિય ગુજરાતી ગઝલ ની પેરોડી કરી અને પછી બન્ને ખડખડાટ હસી પડ્યાં.

લગભગ વીસેક મીનીટમાં એ બન્ને બોપલ વિસ્તારમાં આવેલાં ‘સૂર્ય સંજય હાઇટ્‌સ’ નામનાં અતિધનિક લોકોનાં રો હાઉસ નાં કમાન જેવાં દરવાજે પહોંચી ગયાં. વોચમેન ની કેબીન ખાલી હતી એટલે અક્ષય અને શાંતનુએ પછીથી કોઇ તકલીફ ન પડે એટલે થોડીવાર રાહ જોવાનું નક્કી કર્યું પણ દસ મિનીટ સુધી પણ વોચમેન ન દેખાતાં એલોકો એ રો હાઉસ માં દાખલ થવાનું નક્કી કર્યું. રો હાઉસ ની પાંચ ગલીઓ હતી અને દરેક ગલીમાં ડાબી અને જમણી બાજુ દસ-દસ એકસરખાં મકાનો હતાં જે ખરેખર લક્ઝુરીયસ કહી શકાય એવાં હતાં.

‘ભાઇ, હું બાઇક ધીરે ધીરે વન બાય વન એક એક ગલીમાં લઉં છું જ્યાં સુધી ભાભી ની કોઇ ઝલક કે કોઇ એક્સ, વાય, ઝેડ મહેતા નાં નામની નેઇમ પ્લેટ ન દેખાય ત્યં સુધી પહેલાં ડાબી બાજુ અને પછી જમણી બાજુ જોતાં રહેજો, જેવો જરાપણ ડાઉટ પડે મને કહેજો હું બાઇક ઉભી રાખીશ. આપણે કોઇને ભાભીનું નામ લઇ ને એમનું ઘર નથી પૂછવું ઓકે?’ અક્ષયે પ્લાન સમજાવ્યો.

‘હમમ..હમમ...’ શાંતનુએ ફક્ત આટલો જ જવાબ આપ્યો. એની આંખો અત્યારથી જ છેક છેલ્લાં ઘર સુધી અનુશ્રીને શોધી રહી હતી.

અક્ષયે બાઇક હંકારવી શરુ કરી અને પહેલી ગલી આખી ફરી વળ્યાં પણ અનુશ્રી ની કોઇજ ભાળ મળી નહી. બીજી ગલીમાં પણ એવું જ થયું. ત્રીજી ગલીમાં ડાબી બાજુ માં પણ એવું જ થયું અને જમણી બાજુએ પણ છેક છેલ્લાં ઘર સુધી એમ જ રહ્યું. ચોથી ગલી બાકી હતી એટલે શાંતનુ હજી નિરાશ નહોતો થયો અને ત્યાં જ ત્રીજી ગલીનાં જમણી બાજુનાં છેક છેલ્લાં ઘરની વિશાળ લોનમાં હીંચકા પર બેઠી એક છોકરી ટ્‌વાલથી પોતાનાં વાળ ઝાટકતા જોઇ. એ કમરેથી નીચે વળેલી હતી અને એનાં ભીના અને વાળ એનાં ચહેરાને ઢાંકી રહ્યાં હતાં. શાંતનુ ની નજર ત્યાં જ સ્થિર થઇ ગઇ.

‘એક મિનીટ... એક મિનીટ... એક મિનીટ.’ શાંતનુએ ધીમેથી બોલી ને અને અક્ષય નો ખભો દબાવી ને બાઇક રોકવાનો ઇશારો કર્યો. એનું ધ્યાન એ રો-હાઉસનાં ભવ્ય દરવાજા પર ચોંટાડેલી નેઇમ પ્લેટ પર ગયું જેનાં પર લખ્યું હતું... ‘૬૦-સુવાસ મહેતા’.

‘લાગે છે આ જ ઘર છે. સુવાસ મહેતા’ શાંતનુએ ‘મહેતા’ શબ્દ પર ભાર મૂક્યો અને ઇશારા થી પેલી વાળ સુકવતી છોકરી તરફ અક્ષયનું ધ્યાન દોર્યું.

અક્ષયે બાઇક ગલીનાં ખૂણે લઇ લીધું શાંતનુ ને નવાઇ લાગી.

‘કેમ ઉભી ન રાખી?’ શાંતનુ એ પૂછ્યું.

‘સરજી, ભાભીકે એમનાં ઘરનાં કોઇપણ સભ્યને જરાપણ ડાઉટ ન જવો જોઇએ. હજી એક બીજું ચક્કર મારી ને પછી જ જઇએ. એ ભાભીનું જ ઘર છે એ વાત તો કન્ફર્મ છે.’ અક્ષય બોલ્યો અને એણે ફરીથી એ જ ગલીમાં ડાબી બાજુએ થી શરૂઆત કરી અનુશ્રી નાં રો-હાઇસ પાસે ધીમી પાડી ને ફરીથી બહાર લઇ ગયો અને ચોથી ગલીમાં પણ એમ જ ફેરવી અને ફરીથી ત્રીજી ગલીમાં લાવ્યો અને આ વખતે બાઇક સીધી જ અનુશ્રી નાં ઘર પાસે જ ઉભી રાખી.

શાંતનુ અને અનુશ્રી એ એકબીજાં ને જોયાં અને અનુશ્રી એને જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગઇ...

‘હેય વાઉ! વ્હોટ અ સરપ્રાઇઝ, શાંતનુ તમે અહિયા?’ અનુશ્રી નાં હાવભાવ એની ખુશી બતાવી રહ્યાં હતાં. સફેદ કુર્તા અને લાલ પાયજામાં માં ભીના વાળ માથામાં છેક ઉપર સુધી ટુવાલમાં બાંધી ને ઉભેલી અનુશ્રી ખુબ રૂપાળી લાગી રહી હતી પણ હવે શાંંતનુ એ પોતાનાં પર કંટ્રોલ કરતાં શીખી લીધું હતું.

‘હા..હા...થોડી ઇમરજન્સી હતી’ શાંતનુ બોલ્યો

‘હેય વ્હોટ હેપન્ડ આર યુ ઓલરાઇટ?’ અનુશ્રી એ ઘરનો દરવાજો ખોલતાં પૂછ્યું

‘હા હું તો ઓલરાઇટ છું પણ અક્ષુ ને જરા પેટમાં દુઃખાવો છે.’ શાંતનુ સીધો પોઇન્ટ પર આવ્યો.

‘ઓહ માય ગોડ, અંદર આવો ને પ્લીઝ.’ અનુશ્રી બોલી. એનાં ચહેરા પર ચિંતાના ભાવ સ્પષ્ટ દેખાતાં હતાં એણે અક્ષય સામે જોયું. અક્ષય પણ મંજેલા કલાકારની જેમ પોતાનું પેટ થોડી થોડી વારે દબાવી ને ચેહરા પર દર્દભર્યા હાવભાવ લાવી રહ્યો હતો.

આગળ અનુશ્રી અને પાછળ શાંતનુ અને અક્ષય એનાં ઘરમાં ઘુસ્યા. બન્ને એ પોતાનાં શુઝ બહાર પડેલા ઘોડામાં પાર્ક કર્યા. શાંતનુ એ પોતાનાં શુઝ અનુશ્રી નાં સેન્ડલ ની બાજુ માં પાર્ક થાય એની કાળજી લીધી. આ જોઇને અક્ષય ને હસવું આવ્યું પણ પરિસ્થિતિનું ધ્યાન રાખીને એણે પોતાનું હાસ્ય દબાવી રાખ્યું. બન્ને એક વિશાળ રૂમમાં દાખલ થયાં. એકદમ પોશ રાચરચીલા સામાનથી ભરપુર એ લીવીંગ રૂમની એક દીવાલ પર એક વિશાળકાય એલ.સી.ડી ટેલીવિઝન ચોંટેલું હતું અને એનાં પર કોઇ મ્યુઝીક ચેનલ ચાલી રહી હતી. એક મોટાં સોફા પર એક વ્યક્તિ બેઠો હતો જે કદાચ અનુશ્રી નો ભાઇ હોય એવું એનાં ચહેરા પરથી લાગતું હતું. એણે પોતાનું ડોકું છાપામાંથી બહાર કાઢ્યું હતું અને આ અચાનક આવી ચડેલાં મહેમાનો ને જોઇ રહ્યો હતો.

‘મતે બન્ને પ્લીઝ અહી બેસો.’ અનુશ્રી નાં ચહેરા પર અને અવાજ માં ચિંતા સ્પષ્ટ દેખાઇ રહી હતી. બે મિનીટ માટે શાંતનુને આ નાટક

કરીને અનુશ્રીને મુર્ખ બનાવવાનું ગમ્યું નહી.

‘એક્ચ્યુલી અમે સામે જ અમારાં ક્લાયન્ટ ને મળવા આવ્યાં હતાં અને ત્યાં જ અક્ષયને પેઇન ચાલુ થઇ ગયું. થોડું અનબેરેબલ પણ છે. મેં આસપાસ ટ્રાય કરી પણ કોઇપણ મેડીકલ સ્ટોર મને મળ્યો નહી. ત્યાં જ સામે તમારાં ‘રો-હાઉસ’ ની કમાન જોઇ. આપણે વાત થઇ હતીને કે તમે અહી રહો છો એટલે મને થયું કે એક ચાન્સ લઇએ જો તમારી પાસેથી કોઇ પેઇન કિલર મળી જાય તો..પછી એને થોડું સારું લાગે તો એને ઘેરે મુકી આવું.’ શાંતનુએ પૂરી વાર્તા એક શ્વાસે કહી દીધી.

અક્ષય પણ જાણે કે ખુબ દુઃખતું હોય એવાં હાવભાવ દેખાડે જતો હતો. સોફા પર બેઠેલો પેલો વ્યક્તિ આ બધી વાતોથી જરાપણ વિચલિત થોય હોય એમ ન લાગ્યું. એણે જોકે વાતમાં રસ જરૂર લીધો.

‘શ્યોર મારી પાસે છે દવા, હું હમણાં જ લઇ આવું.’ અનુશ્રી બોલી અને એ ઘરની અંદર એક રૂમ તરફ રીતસર ની દોડી.

થોડીવાર પછી એ પાણી નો ગ્લાસ અને એક ગોળી લઇને આવી.

‘આ લ્યો અક્ષય આનાંથી તમને પાંચ મીનીટમાં જ રાહત થઇ જશે.’ અનુશ્રી એ અક્ષયને ગોળી અને પાણીનો ગ્લાસ પકડાવતાં કહ્યું.

અક્ષયે તરત ગોળી પોતાનાં ગળામાં નાખી ને ઉપર પાણીનાં બેત્રણ ઘૂંટડા લઇ લીધાં. અનુશ્રીએ અક્ષયનાં હાથમાં થી ગ્લાસ લઇ લીધો અને નજીક પડેલા ટેબલ પર મૂકી દીધો અને શાંતનુ ની નજીકનાં સોફા પર બેસી ગઇ.

‘ફેર પડે એટલે કે’જે અક્ષય, પછી આપણે નીકળીએ.’ શાંતનુએ અક્ષયને કહ્યું.

‘જરાય જલ્દી ન કરતાં અક્ષય ટેક યોર ઓન ટાઇમ, ફીલ એટ હોમ.’ અનુશ્રીએ અક્ષયને સાંત્વના આપતાં કહ્યું.

આ આખીય ચર્ચા દરમ્યાન પેલો વ્યક્તિ એક શબ્દ પણ ન બોલ્યો પણ હા જેવી અક્ષયે ગોળી લઇ લીધી એણે ફરીથી પોતાનું ડોકું છાપામાં ઘુસાડી દીધું.

‘તમારી ઓળખાણ કરાવું? સુવાસભાઇ, આ મારાં મિત્ર શાંતનુ અને આ અક્ષય છે. મારી સામે જ ઇન્શ્યોરન્સ ની ઓફિસમાં જોબ કરે છે અને આ મારાં મોટાભાઇ સુવાસભાઇ. તમે આશ્રમ રોડ પર એસ. ડી. એમ ઇલેક્ટ્રોનીક્સ નો શો રૂમ જાણતાં જ હશો, એ અમારો છે, સુવાસ ભાઇ એને હેન્ડલ કરે છે.’ બે-ત્રણ મિનીટ ની શાંતિ પછી અનુશ્રી એ દરેક પાત્રોની ઓળખાણ કરાવી.

શાંતનુ એ આગળ વાળીને સુવાસ સાથે હાથ મેળવ્યાં, સુવાસ પણ પહેલીવાર એ લોકોની સામે હસ્યો.

‘મમ્મા..જરા નીચે આવતો?’ અનુશ્રી એ બુમ પાડી

અક્ષય હવે ધીરેધીરે નોર્મલ થઇ રહ્યાં હોવાનો ડોળ કર્યો. ઉપર થી અનુશ્રીના માતા નીચે આવ્યાં.

‘આ મારાં મમ્મા છે.’ અનુશ્રી બોલી.

શાંતનુ તરત ઉભો થઇ ને એમને પગે લાગ્યો. એનું જોઇને અક્ષય પણ પગે લાગ્યો. અનુશ્રીએ એની મમ્મા ને આ બન્ને ની ઓળખાણ આપી અને અહી આવવાનું કારણ પણ જણાવ્યું.

‘અરે અક્ષય તમે બેસી રહો, તમને તકલીફ થશે.’ અનુશ્રી બોલી

‘ના આઇ એમ ઓલરાઇટ નાઉ, થેન્કસ પેલી ગોળીથી મને ખુબ રાહત થઇ ગઇ.’ અક્ષય બોલ્યો.

‘હા અમે આવી ઇમરજન્સી માટે પિલ્સ રાખીએ જ છીએ.’ અનુશ્રી બોલી

‘તો ઉપડીએ?’ શાંતનુ ને હવે કોઇ તકલીફભર્યા સવાલો એની સામે આવે એ પહેલાં અહીંથી નીકળવું હતું.

‘અરે એમ કાઇ હોય? આઇ થીંક એક-એક કપ કોફી સારી રહેશે, રાઇટ મમ્મા?’ અનુશ્રી બોલી.

‘હા થોડીક કડક બનાવજે પેટ માટે કડક કોફી સારી.’ અનુશ્રી નાં મમ્મા બોલ્યાં.

‘મારી ન બનાવતી અનુ મારે હજી ન્હાવાનું બાકી છે.’ સુવાસ બોલ્યો

‘ઓકે ભાઇ...’ આટલું બોલીને અનુશ્રી દાદરની નીચે આવેલા રસોડામાં જતી રહી.

થોડીવાર પછી એક ટ્રે માં કોફીના ચાર કપ લઇ ને જ્યારે અનુશ્રી બહાર આવી ત્યારે શાંતનુ એને જોઇને દંગ થઇ ગયો. અનુશ્રીના વાળ હજી પુરા સુકાયા ન હતા પણ એણે માથેથી ટુવાલ કાઢીને પોતાનું માથું ઢીલું ઢીલું બાંધી દીધું હતું. ટેબલ પર કપ મુકીને એણે દરેકને એક એક કપ આપ્યાં. સુવાસ હવેે ઉપર કદાચ પોતાનાં રૂમમાં નહાવા જતો રહ્યો હતો. શાંતનુ વારેવારે અનુશ્રીના મમ્મા તરફ જોઇ રહ્યો હતો. એને અનુશ્રી નાં ઘરમાં આવવું ખુબ ગમ્યું હતું. કોફી પી અને થોડીવાર વધુ વાતો કરીને શાંતનુ અને અક્ષયે વિદાય લીધી. અનુશ્રી અને એનાં મમ્મા એ એ બન્ને પાસે થી ફરીવાર આવવાનો વાયદો લઇને એમને હસીને વિદાય આપી. રો-હાઉસ ની બહાર નીકળી, થોડી દુર જઇ ને અક્ષયે બાઇક રોકી.

‘ભાઇ, પેલી ગોળી...લોપમાઇડ હતી’ બસ અક્ષય એટલું જ બોલ્યો અને બન્ને ફરીથી ખડખડાટ હસ્યાં.

-ઃ પ્રકરણ ચાર સમાપ્ત :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED