Shantnu - 10 books and stories free download online pdf in Gujarati

શાંતનુ - પ્રકરણ - 10

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


દસ

‘પણ આમ અચાનક? કેમ? તમે મને કીધું પણ નહીં?’ અક્ષયના અવાજમાં ફરિયાદ હતી.

‘એ હું અંદર જઇને આવું પછી નીચે કીટલી પર વાત કરીએ?’ અક્ષય સામે સ્મીત શાંતનનુ રોજની જેમ એનાં સ્ટાફની ‘સેલ્સ મીટ’ શરૂ થાય એ પહેલાં જ મુખોપાધ્યાયની કેબીનમાં ઘુસી ગયો.

શાંતનુનાં આમ અચાનક રાજીનામું ધરી દેવાથી મુખોપાધ્યાય પણ ચોંકી ઊઠ્યો, એકચ્યુલી તો એને લગભગ આઘાત જ લાગ્યો. શાંતનુ એના બ્રાંચનો સહુથી મોટો ‘કમાઉ’ દીકરો હતો. પોતાનાં કડક સ્વભાવ વિરુદ્ધ એણે શાંતનુને ખુબ સમજાવ્યો. અહીં રાજીનામું આપ્યાં પછી જે જગ્યાએ જવાનો છે ત્યાં કરતાં પણ વધુ પગાર આપવાની બાબતે એ પોતે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે એની ખાત્રી પણ આપી. શાંતનુને જો આરામ જોઇતો હોય તો યર એન્ડીંગ પછી તાત્કાલિક મહીનાની રજા મંજુર કરવાનું પણ કહ્યું. પણ શાંતનુ ને આ નોકરી છોડવાનાં કારણો કશાં બીજાં જ હતાં એટલે એ ટસ નો મસ ન થયો. પણ એનાંથી આ જ કંપનીના ફ્રીલાન્સ સલાહકાર બનવાની મુખોપાધ્યાયની વિનંતીનો અસ્વીકાર ન કરી શક્યો.

રાજીનામું આપીને એણે આપબળે કામ કરવાનું તો નક્કી કરી જ લીધું હતું પણ એ શું કરશે એ નક્કી નહોતો કરી શક્યો એટલે મુખોપાધ્યાયનું આ સૂચન એણે ત્યાંજ વધાવી લીધું અને પહેલી એપ્રિલથી ફ્રીલાન્સર તરીકે કંપની સાથે ફરી જોડાઇ જશે એમ પણ કહ્યું. મુખોપાધ્યાયનું એ મહિનાનાં કોઇપણ રવિવારેે કોઇ મોટી હોટેલમાં કંપનીના એનાં તમામ સહ-કર્મચારી દ્ધારા વિદાયમાન આપવાનું સૂચન પણ શાંતનુએ સ્વીકારી લીધું. પોતે અત્યારે કલાક માટે અક્ષયને બહાર લઇ જાય છે એ મંજુરી પણ શાંતનુએ મુખોપાધ્યાય પાસેથી લઇ લીધી. શાંતનુ મુખોપાધ્યાયને “થેન્ક્સ” કહી ને એની ચેમ્બર માંથી બહાર નીકળી ગયો.

જેવો એ મુખોપાધ્યાયની ચેમ્બરમાં થી બહાર આવ્યો ત્યાં જ એનાં બધાંય સહકર્મીઓએ એને ઘેરી લીધો. સત્યા પણ પોતાની સીટ ઉપર થી ઉભો થઇ ને એ ટોળામાં ભળ્યો. અક્ષય હજીપણ પોતાની જગ્યાએ જ બેઠો હતો. દરેકને યોગ્ય જવાબ આપીને શાંતનુ અક્ષય પાસે આવ્યો.

‘ચલ નીચે.’ શાંતનુ અક્ષયનો હાથ પકડી ને બોલ્યો.

‘શ્યોર બ્રો, પણ તમે તમારી વસ્તુઓ લઇ લીધી કે નહી?’ અક્ષયે શાંતનુને યાદ દેવડાવ્યું.

‘હા એતો સવારે વહેલાં આવી ને લઇ લીધી હતી.’ શાંતનુએ જવાબ આપ્યો.

‘ગ્રેટ, ચલો જઇએ?’ અક્ષય બોલ્યો અને બન્ને ઓફીસની બહાર નીકળી ગયાં.

નીચે ઉતરીને શાંતનુએ આ ખબર માતાદીનને આપ્યાં એ રીતસરનો રડવા જેવો થઇ ગયો.

‘ઇ કા કીયા સાંતનુ બાબા? આપ હમકા છોડ કે જા રહે હો? આપ હમકા રોજ અપના બીટવા યાદ દીલાતે રહીલ..અબ હમાર કા હોગા?’ માતાદીન નાં આંખમાં આંસુ હતાં.

‘માતાદીન મુજે પતા હૈ કી કોઇ ઐસે હી, બગૈર કહે ચલા જાયે તો કૈસા લાગતા હૈ, પર જીંદગી તો રુકતી નહી હૈ નાં? મુજે ઇસ ભીડસે આગે જાના હૈ ઔર ઇસી કારણ મેં યે નોકરી છોડ રહા હું.’ શાંતનુએ માતાદીનનાં ખભે હાથ મુકીને કહ્યું.

વાત કરતાં કરતાં એ ત્રણેય ચા ની કીટલી પર ગયાં. શાંતનુએ કદાચ છેલ્લીવાર માતાદીનને બીડીનું પાકીટ અપાવ્યું અને ચા પણ પીવડાવી. માતાદીનનાં ગયાં પછી શાંતનુ એ હવે કદાચ અક્ષય નાં ગુસ્સાનો સામનો કરવાનો હતો.

‘જો મેં ખુબ કોશિશ કરી પણ ઓફીસમાં આવું એટલે મને એ ખુબ યાદ આવે છે. ત્રણ મહિના મેં રાહ જોઇ પણ કાલે રાત્રે મેં નક્કી કરી જ નાખ્યું કે ઇનફ ઇઝ ઇનફ...એટલે બીજો કોઇ વિચાર આવે એ પહેલાં જ મેં રેઝીગનેશન લેટર લખી નાખ્યો અને કોઇને કહ્યાં વીના આજે બોસને આપી પણ દીધો.’ શાંતનુએ દેખાતી રીતે દુભાયેલાં અક્ષયને પોતાનાં રાજીનામું આપવાનું કારણ આપતાં કહ્યું.

‘કોઇ? હું કોઇ છું? ભાઇ?’ અક્ષય ગુસ્સે ન હતો પણ દુઃખી જરૂર હતો.

‘મેં પપ્પાને પણ હજી નથી કીધું. અહિયા થી ઘેરે જઇશ પછી જ એમને વાત કરવાનો છું.’ શાંતનુ બોલ્યો.

‘મને તમારાં ડીસીઝન પ્રત્યે કોઇજ વાંધો નથી ભાઇ પણ એટલીસ્ટ સવારે મને એક કૉલ કરીને કે મેસેજ કરીને કીધું હોત તો...’ અક્ષય હજી બોલી જ રહ્યો હતો.

‘તો તું મને સમજાવવા લાગી જાત રાઇટ? અક્ષય હું તારી વાત કદાચ ટાળી ન શક્યો હોત પણ મારે હવે એની હુંફ માંથી બહાર આવવું છે. એનાં સંપર્કમાં જે જે વસ્તુઓ છે એ બધી જ હું દુર કરી દેવા માંગું છું.’

‘એટલે તમે હવે સિરુને પણ નહી મળોને?’ અક્ષયે સવાલ કર્યો.

‘મેં વસ્તુઓ ની વાત કરી છે અક્ષુ, સિરુ મને ભાઇ ગણે છે, પ્લીઝ અન્ડર સ્ટેન્ડ મી.’ શાંતનુ અક્ષયને વિનંતી કરતાં બોલ્યો.

‘હવે તમે રીઝાઇન કરી જી દીધું છે તો હું બીજું તો શું કહી શકું? તમે કદાચ તમારી જગ્યાએ સાચાં છો મોટાભાઇ, પણ જો તમે મને કહ્યું હોત તો હું પણ આજે જ રીઝાઇન કરી દેત ને? તમે અનુની યાદ આવતાં આ નોકરી છોડી રહ્યાં છો તો શું મને તમારી યાદ નહી આવે ? હું હવે કેવીરીતે અહિયા રહીશ?’ અક્ષયને અવાજ ભારે થઇ ગયો.

‘તું એવું ગાંડપણ ન કરતો, તારે સિરુ સાથે જિંદગી શરુ કરવાનીછે તું મારાં વાદે ન ચડતો, ખબરદાર છે!’ શાંતનુએ અક્ષયને ચેતવણી આપી.

‘તો તમે પણ કોઈ સાથે જિંદગી શરુ કરવાનાં જ છો ને’ હમણાં નહી તો પછી.’ અક્ષયે સામી દલીલ કરી.

‘એટલે? ક્યાંક બીજે અપોઇન્ટમેન્ટ લેટર છપાઇ રહ્યો છે કે શું?’ નીચે આવ્યાં પછી અક્ષય પહેલીવાર હસ્યો.

‘ના જો એવું હોત તો એ વાત તો હું તને સહુથી પહેલાં કહેત. હમણાં મહિનો તો જલ્સા કરવા છે. પછી બોસે મને આપણી જ કંપનીના ફ્રીલાન્સ એજન્ટ તરીકે એજન્સી લેવાની સલાહ આપી છે. મને આ પ્રપોઝલ ગમી છે. અમસ્તુંય મારે હવે નોકરી નથી કરવી એટલે નવ્વાણું ટકા તો હું બોસ ની ઓફર એક્સેપ્ટ કરી જ લઇશ.’ શાંતનુ બોલ્યો.

‘હાશ...એટલે આપણે એટલીસ્ટ ફિલ્ડમાં તો સાથે રહી શકશું ને? થેંક ગોડ!’ અક્ષયે રાહતનો શ્વાસ ખેંચ્યો.

‘અફકોર્સ આપણે સાથે જ રહીશું.’ શાંતનુ બોલ્યો.

‘તો એક મહીનો શું કરશો? કોઇ પ્લાન?’ અક્ષયે શાંતનુને પૂછ્યું.

‘આજે તો ઘરે જઇ જમી ને ત્રણ-ચાર કલાક સુઇ જવું છે, પછી સાંજે વિચારીશ. મોસ્ટ પ્રોબેબ્લી હું પપ્પા ને લઇને ક્યાંક ઉપડી જઇશ. એમને પણ ચેન્જ ની જરૂર છે.’ શાંતનુએ જવાબ આપ્યો.

‘ધેટ્‌સ ગુડ આઇડીયા, એમ જ કરજો મોટાભાઇ.’ અક્ષયે ‘થમ્સઅપ’ ની નીશાની કરતાં કહ્યું.

‘ચલ તું હવે કામે વળગ હું ઘેરે જઉં?’ શાંતનુ ઉભાં થતાં બોલ્યો.

‘ટચ..આજે કામ કોણ કરે? આજે તો મૂડ ઓફ થઇ ગયો, હું પણ કૉલ માં જાઉં છું એમ કહીને કોઇ મુવી-બુવી જોઇ આવું કદાચ મારો

મૂડ સુધરી જાય.’ અક્ષય નિરાશ ચહેરે બોલ્યો.

‘અરે ઓ ઇમોશનલ અત્યાચારી..આજે મહિનાનો પહેલો દિવસ છે ને? એટલે આજે એક મીનીમમ એક પોલીસી ક્લોઝ કર્યા વીના ઘેરે નથી જવાનું. આપણો ફર્સ્ટ ડે ફર્સ્ટ પોલીસી નો નિયમ છે ને? હું જાઉં એટલે એ નિયમ ભુલાવો ન જ જોઇએ. એક ચેક નો ફોટો તું મને જ્યાં સુધી વ્હોટ્‌સ એપ્પા પર નહી મોકલે ત્યાં સુધી તારે આજે ઘેરે નથી જવાનું ઓકે?’ શાંતનુએ અક્ષયને લગભગ ઓર્ડર કરતાં કહ્યું.

‘તમારો યાર ત્રાસ છે હો?’ અક્ષય હસતાંહસતાં પણ મોઢું બગાડતા બોલ્યો.

‘બસ આ છેલ્લી વાર પછી કાયમનાં જલસા.’ શાંતનુ પણ હસ્યો.

એકબીજાને ભેટીને એ બન્ને છુટ્ટા પડ્યા. અક્ષય ઓફીસ તરફ ગયો અને શાંતનુ બાઇકને કીક મારીને ઘર તરફ.

‘અરે? શું શાંતનુ? તમે આજે સાડા અગિયારમાં? તમેતો હવે રેકોર્ડ તોડી રહ્યાં છો, ઠીક છો ને?’ દરવાજો ખોલતાં જ જ્વલંતભાઇ બોલ્યાં.

‘હા હા આઇ એમ ઓલરાઇટ પપ્પા. મેં રીઝાઇન કરી દીધું છે.’ શાંતનુનો જવાબ સાંભળીને જ્વલંતભાઇ અવાક થઇ ગયાં.

‘અરે કેમ? આટલા વર્ષોથી મને ઘરમાં જલ્સા કરતાં જોઇને તમને જેલસી થઇ લાગે છે.’ જ્વલંતભાઇ એ કાયમની જેમ અચાનક આવી ચડેલાં આ ધક્કા ને પણ હળવાશથી લીધો.

‘હા હા હા..હાસ્તો તમે આમ એકલાં એકલાં જલ્સા કરો એ મારાંથી થોડું સહન થાય?’ શાંતનુ ખડખડાટ હસી પડ્યો.

‘ચાલો હવે મસ્તી બહુ થઇ બોલો કેમ આવું કર્યું?’ જ્વલંતભાઇ શાંતનુની બાજુમાં બેઠાં.

‘પપ્પા મને એ જગ્યા સતત અનુની યાદ અપાવતી હતી. બે-ત્રણ મહીના સુધી મેં ખુબ સ્ટ્રગલ કરી પણ પછી નક્કી કરી નાખ્યું કે એ જગ્યાએ થી દુર થઇ જવું જે મને સતત એની યાદ અપાવે છે.’ શાંતનુએ ખુલાસો કર્યો.

‘હમમ...ઠીક છે પણ હવે?’ જ્વલંતભાઇ ને શાંતનુનાં ભવિષ્યની ચિંતા થઇ રહી હતી જે એમનાં ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું.

‘ડોન્ટ વરી પપ્પા. મને એક લાંબા બ્રેક ની જરૂર છે. એક મહિના પછી મારે આજ કંપની સાથે કામ કરવાનું છે પણ ફ્રીલાન્સ એટલે આવતે મહીનેથી ફરીથી દોડાદોડ શરુ પણ ફર્ક એટલો જ કે ઘર જ મારી ઓફીસ રહેશે.’ શાંતનુ એ જ્વલંતભાઇ ની ચિંતા લગભગ ઓછી કરી નાખી.

‘વાહ એ તો ઘણું સારું કહેવાય. તમે તમારી સમર્થતા નો યોગ્ય ઉપયોગ કરશો અને એપણ પોતાનાં માટે, એનાં જેવી રૂડી વાત બીજી કઇ હોઇ શકે?’ જ્વલંતભાઇ નાં ચહેરા પર હવે શાંતિ હતી.

‘હા પપ્પા હવે મારે પોતાનાં માટે જ જીવવું છે, હું જ મારો બોસ પછી એ પર્સનલ લાઇફ હોય કે પ્રોફેશનલ.’ શાંતનુનાં ચહેરા પર વિશ્વાસ છલકતો હતો.

‘સરસ મને વિશ્વાસ છે કે તમે આમાં પણ સફળ થશો. ઓલ ધ બેસ્ટ!’ જ્વલંતભાઇ શાંતનુનો ખભો થાબડતાં બોલ્યાં.

‘થેન્ક્સ પપ્પા. મેં બીજા બે ડીસીઝન પણ લીધાં છે.’ શાંતનુ જ્વલંતભાઇ તરફ જોઇને બોલ્યો.

‘બોલો ને?’ જ્વલંતભાઇએ ઉત્કંઠા દેખાડી.

‘એક તો આપણે બહુ જલ્દી થી અઠવાડિયા-દસ દિવસ માટે ક્યાંક ફરવા જઇશું. ક્યાં જઇશું એ જગ્યા તમારે નક્કી કરવાની.’ શાંતનુએ જ્વલંતભાઇ ને ફરવા જવા માટે પહેલે થી જ બાંધી લીધાં જેથી એ ના ન પાડી શકે. અમસ્તાય જ્વલંતભાઇ શાંતનુની કોઇ વાત લગભગ ટાળતાં ન હતાં.

‘ઓકે ડન! હું પણ ક્યાંક જવાનું વિચારતો જ હતો. મને પણ તમારી જેમ ચેન્જ જોઇએ છીએ. હું તમને બે દિવસમાં ગુગલ કરીને કોઇ સરસ ડેસ્ટીનેશન જણાવી દઉં તો ચાલે?’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘ગ્રેટ પપ્પા, બે નહી ત્રણ દિવસ લ્યો.’ શાંતનુ ખુશ થતાં બોલ્યો.

‘સરસ અને બીજું?’ જ્વલંતભાઇ સ્વાભાવિકપણે શાંતનુનો બીજો નિર્ણય પણ જાણવા માંગતા હતાં.

‘શું બીજું?’ શાંતનુ ભૂલી ગયો હતો કે એણે બીજો કયો નિર્ણય જ્વલંતભાઇને કહેવાનો હતો.

‘અરે તમેજ તો મને હમણાં કીધું ને તમે બે ડીસીઝન લીધાં છે?’ જ્વલંતભાઇ એ શાંતનુને પોતાનો નિર્ણય યાદ દેવડાવ્યો.

શાંતનુ સોફા પરથી ઉભો થયો અને થોડું ચાલી ને રૂમની બારી પાસે ગયો અને બહારની તરફ જોવા લાગ્યો.

‘બીજું ડીસીઝન એ છે પપ્પા...કે...હું ક્યારેય લગ્ન નહી કરું.’ શાંતનુએ પોતાનો બીજો નિર્ણય જ્વલંતભાઇ ને જણાવ્યો.

જ્વલંતભાઇ માટે આ નિર્ણય એક બહુ મોટાં ધક્કાથી ઓછો ન હતો પણ એ શાંતનુને બહુ સારી રીતે જાણતાં હતાં અને એમને વિશ્વાસ હતો કે શાંતનુ કોઇપણ નિર્ણય ઉતાવળમમાં નથી લેતો. એ શાંતનુ પાસે ગયાં અને એને ખભે હાથ મુક્યો.

‘કોઇ બીજો બાપ હોત તો એ તમને તમારાં આ નિર્ણય ને બદલવા માટે તમને ફોર્સ જરૂર કરત પણ હું એવો નથી. મારાં અને ધરિત્રીનાં લગ્ન કોઇ લવ મેરેજ ન હતાં પણ પ્રેમ શું છે અને એની અસર કેટલી હ્ય્દય સોંસરવી હોય છે એનો મને બહુ સારી રીતે ખ્યાલ છે. મેં મારો પ્રેમ ગુમાવી ને એ સઘળો પ્રેમ ધરિત્રી પર વરસાવી દેવાનું નક્કી કર્યું હતું. કદાચ તમે એવું ન વિચારતાં હોવું એવું બની શકે છે અને એટલે જ અનુશ્રીનાં ના પાડ્યા પછી કોઇ બીજી છોકરીને તમારી જિંદગીમાં ન લાવવી એ નિર્ણય તમારો પોતાનો છે. જો તમને એમ લાગતું હોય કે તમારાં હ્ય્દયમાં અનુશ્રીએ ખાલી કરેલી જગ્યા કોઇ બીજી વ્યક્તિ ભરી નહી શકે તો તમને આખું જીવન અપરણિત રહેવાનો પુરેપુરો અધિકાર છે. કારણકે બે જિંદગી કરતાં એક જિંદગી જ આ પ્રેમભંગ નો ભાર સહન કરે એ જ યોગ્ય છે.’ જ્વલંતભાઇએ શાંતનુના આ નિર્ણયને પણ લીલી ઝંડી આપી દીધી.

શાંતનુનાં મન નો મોટો ભાર હળવો થઇ ગયો અને જ્વલંતભાઇ પર એનું માન હતું એનાંથી ખુબ વધી ગયું.

‘પપ્પા હવે તો મમ્મી નથી, તો તમારે મને તમારી પ્રેમ કહાણી કહેવી પડશે હોં?’ શાંતનુ મજાકના સ્વરમાં બોલ્યો.

‘ચોક્કસ અને મને તમારી સાથે એ શેર કરવાનું પણ ગમશે પણ જ્યારે આપણે સફરે જઇશું ત્યારે. ટ્રેઇનમાં, પેન્ટ્રીમાં થી મંગાવેલી કોઇ ગરમાગરમ ડીશ ખાતાખાતા.’ જ્વલંતભાઇ પણ હસી રહ્યાં હતાં.

‘ચોક્કસ પપ્પા.’ શાંતનુએ કહ્યું.

‘બાય ધ વે જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન ધરિત્રીને મારાં પ્રેમની ખબર હતી એટલે એની સામે પણ તમને કહેતાં મને જરાય બીક ન લાગત.’ જ્વલંતભાઇ શાંતનુ સામે આંખ મારતાં બોલ્યાં.

‘ના હોય પપ્પા, તમે તો યાર છુપા રુસ્તમ નીકળ્યાં હવેે તમે મને કહી જ દયો.’ શાંતનુ એ જ્વલંતભાઇને દબાણ કરતાં કહ્યું.

‘ના..ટ્રેઇનમાં કહીશ..અત્યારે નહી. તમારાં બે નિર્ણયો મેં માથે ચડાવ્યાં છે એટલે તમારે મારો આ એક નિર્ણય તો માનવો જ પડે શાંતનુ.’ જ્વલંતભાઇ આટલું કહી ને રસોડામાં જતાં રહ્યાં.

તે દિવસે આખો દિવસ શાંતનુએ ખુબ આરામ કર્યોે. સાંજે એ અક્ષય અને સિરતદીપ સાથે બહાર ડીનર લેવા પણ ગયો, અફકોર્સ અક્ષયે નવી ક્લોઝ કરેલી પોલીસી નો ફોટો વ્હોટ્‌સ એપ્પ પર જોયાં પછી જ. બેત્રણ દિવસ પછી શાંતનુ અને જ્વલંતભાઇએ દાર્જીલિંગ અને સિક્કિમ નાં પ્રવાસે જવાનું નક્કી કર્યું અને પછીનાં અઠવાડીએ તો એલોકો એ તરફ નીકળી પણ ગયાં. જતી વખતે ટ્રેઇનમાં જ્વલંતભાઇએ પ્રોમિસ કર્યા મુજબ શાંતનુને પોતાની પ્રેમકથા કહી.

શાંતનુનાં આશ્ચર્ય વચ્ચે જ્વલંતભાઇની પ્રેમિકા એ એનાં મોટાં માસી નીકળ્યાં. જ્વલંતભાઇ એમનેે મનોમન પ્રેમ કરતાં હતાં અદ્દલ શાંતનુ જેમ અનુશ્રીને કરતો હતો એમ જ પણ આ કથામાં ટ્‌વીસ્ટ એવો હતો કે ધરિત્રીબેન પણ જ્વલંતભાઇને મનોમન પ્રેમ કરતાં હતાં અને એમને જ્વલંતભાઇની ઇચ્છા વિષે ખબર હતી એટલે એ મૂંગા રહ્યાં હતાં. એકવાર હિંમત કરીને જ્વલંતભાઇએ શાંતનુનાં હાલનાં માસીને પ્રપોઝ કર્યું અને માસીએ જ્વલંતભાઇને ના પાડી, તદ્દન અનુશ્રીની જેમજ, પછીજ ધરિત્રીબેને જ્વલંતભાઇને સામેથી પ્રપોઝ કર્યું અને જ્વલંતભાઇએ એમને ના પાડવામાં જરાપણ રાહ જોઇ નહી.

બન્નેની ઇશાન ભારતની સફર ખુબ જ યાદગાર રહી. આ પંદર દિવસ શાંતનુ અને જ્વલંતભાઇ બન્ને માટે કાયમી ધોરણે જિંદગીભરનો એક યાદગાર સમય બની ગયો. એ પછીનાં રવિવારે સવારે શાંતનુની કંપનીનાં એનાં સહકર્મીઓએ એને એક સ્ટાર હોટેલમાં એક યાદગાર વિદાય આપી. આ વિદાય સમારંભમાં જ્વલંતભાઇ પણ હાજર રહ્યાં અને શાંતનુના દરેક પૂર્વ સહકર્મી નાં શાંતનુ વિષેના વિચારોથી સતત શાંતનુ પ્રત્યે અભિમાન કરતાં રહ્યાં.

જોકે સફર પતાવીને શાંતનુએ તરત જ પોતાની પ્રોફેશનલ લાઇફ શરુ કરી દેવાનું નક્કી કરી જ દીધું હતું. પ્રવાસેથી પાછાં આવ્યાંના બીજાં જ દિવસે એ મુખોપાધ્યાયને મળીને જરૂર વિધી પતાવીને પોતાનીજ કંપનીનો ફ્રીલાન્સ કોર્પોરેટ ઇન્શ્યોરન્સ એજન્ટ બની ગયો. એની પાસે કૌશલ્ય તો હતું જ એટલે એને પોતાનો ધંધો વિકસાવવામાં પણ જાજી મહેનત કે વાર પણ ન લાગી.

આમનેઆમ સમય વીતતો ચાલ્યો અને બીજાં વર્ષની ચોથી ઓક્ટોબર પણ આવી ગઇ. અનુશ્રીનાં લગ્ન ની પહેલી વર્ષગાંઠ. શાંતનુને આગલે વર્ષે ઘટેલી તમામ ઘટનાઓ એક પછી એક યાદ આવવા માંડી પણ આ આખાયે વર્ષ દરમ્યાન એણે પોતાનું મન મજબુત કરી લીધું હતું. જો કે આ આખાયે વર્ષમાં એ વારંવાર ફેસબુક પર ‘અનુશ્રી પાંડે’ લખીને એને શોધવાનો પ્રયત્ન તો કાયમ કરતો જ હતો પણ અત્યારસુધી એ નિષ્ફળ ગયો હતો. સમયને જતાં વાર પણ ક્યાં લાગે છે. આ દરમ્યાન અક્ષય અને સિરતદીપે બન્ને કુટુંબોની રાજીખુશીથી લગ્ન પણ કરી લીધાં હતાં અને એ પણ ‘વેલેન્ટાઇન્સ ડે’ પર. શાંતનુ એ દિવસે એટલોતો ખુશ હતો જાણે એનાં પોતાનાં લગ્ન હોય. આ આખાયે સમય દરમ્યાન પહેલાં અક્ષય અને પછી અક્ષય અને સિરતદીપ બન્ને ની શાંતનુનાં ઘેરે કાયમની આવ-જા રહેતી.

અનુશ્રીના લગ્નને લગભગ દોઢ વર્ષ વીતી ગયું હતું. આ આખાયે દોઢ વર્ષમાં એકપણ દિવસ શાંતનુએ અનુશ્રીને યાદ ન કરી હોય એવું નહોતું બન્યું. એ સતત એવું વિચારે રાખતો હતો અને પોતાનાં ‘શંભુ’ ને પ્રાર્થના પણ કરકતો રહેતો હતો કે જીવનમાં એક વાર ફક્ત એક જ વાર એ અનુશ્રીને ફરીવાર મળે. અનુશ્રીને સાચાં હ્ય્દયથી પ્રેમ કરતાં શાંતનુની પ્રાર્થના પણ એણે સાચાં દિલે જ કરી હોય એમાં કોઇ શંકા હોય જ નહી અને સાચાં દિલે કરેલી પ્રાર્થના તો ભગવાન સાંભળે જ છે.

એક દિવસ સવારે ૭ઃ૩૦ વાગે અલાર્મ વાગતાં ની સાથે જ જ્યારે શાંતનુ જાગ્યો અને રોજની જેમ પથારીમાં બેઠાં બેઠાં પોતાનો મોબાઇલ ઉપાડ્યો ત્યારે એમાં વ્હોટ્‌સ એપ્પ પર એક અજાણ્યા નંબર પર થી ‘હાઇ’ લખેલો મેસેજ હતો. પ્રોફાઇલ માં કોઇ ફોટો ન હતો એટલે કોણ છે એ શાંતનુને ખ્યાલ ન આવ્યો પણ નંબર ‘+૧’ થી શરુ થતો હતો એટલે એ અમેરિકાનો જ નંબર છે એટલો તો એને ખ્યાલ આવી જ ગયો. મેસેજ આવવાનો સમય પણ હજી પાંચેક મિનીટ પહેલાંનો જ હતો.

શાંતનુનું હ્ય્દય જોરથી ધબકવા લાગ્યું. ‘અનુ?’ એણે પોતાની જાતને જ સવાલ કર્યો. નંબર તો અમેરિકાનો હતો જ અને શાંતનુનું કોઇ સગું કે ખાસ મિત્ર પણ અમેરિકા નહોતું રહેતું એટલે એનુ સીવાય તો કોણ હોય?

‘અનુ?’ અમુક સેકન્ડો અગાઉ કે સવાલ એનાં મનમાં હતો એજ એણે સીધે સીધો મેસેજ પણ કરી દીધો અને તરત જ સામે થી કોઇ ‘ટાઇપીંગ’ કરે છે એમ પણ એણે જોયું હ્ય્દય લગભગ એનાં ગળામાં આવી ગયું.

‘માન ગયે ઉસ્તાદ! ઇટ્‌સ બીન નાઇનટીન મન્થ્સ શાંતુ અને હું તને હજીપણ યાદ છું? યા ઇટ્‌સ મી અનુ..યોર અનુ, માય બી.એફ.એફ!’ સામે થી મેસેજ આવ્યો અને એ અનુ જ છે એ કન્ફર્મ થઇ ગયું.

‘માય ગોડ, આઇ જસ્ટ કાંટ બીલીવ ધીસ અનુ કે આ તમે છો. હું તમને કૉલ કરું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ?’ શાંતનુ અચાનક મળેલાં આ સરપ્રાઇઝથી અનુશ્રીની સાથે વાત કરવા માટે અધીરો થઇ ગયો.

‘અરે ઓ અમદાવાદી...તું ખરેખર અમદાવાદી જ છો ને?’ અનુશ્રી એ મેસેજ કર્યો.

‘કેમ શું થયું? હું સમજ્યો નહી.’ શાંતનુ એકદમ કન્ફ્યુઝ થઇ ગયો.

‘અરે તારા સેલમાં સ્કાઇપ છે ને? તો આપણે એમાં જ વાત કરીએ ને ફ્રી માં!’ અનુશ્રીએ ઉપાય બતાવ્યો.

‘સેલમાં નથી પણ લેપ્પી માં છે ઉભા રહો હું ત્યાં લોગ-ઇન થાઉં છું. અને લીસન મારું આઇડી છે ટોકવિથશાંતુ’ શાંતનુએ મેસેજમાં કહ્યું.

‘વાઉ, શાંતુ? તે મેં આપેલું પેટ નેઇમ જ રાખ્યું છે? ગ્રેટ.’ અનુશ્રી એ વળતો જવાબ આપ્યો.

‘હા જસ્ટ ટુ મિનીટ્‌સ ઓકે? હું લોગ-ઇન કરું ત્યાં સુધી તમે મને એડ કરો.’ શાંતનુએ પોતાનો સેલફોન બાજુમાં મુક્યો અને ઉતાવળે પોતાનું લેપટોપ ઓન કર્યું અને બેટરી ઓછી હોવાથી ઇલેક્ટ્રિકનો વાયર પણ જોઇન કર્યો. ડોન્ગલ જોડીને એ સ્કાઇપ માં લોગ-ઇન થયો.

‘પપ્પા...પપ્પા જલ્દી...’ શાંતુએ જ્વલંતભાઇને બુમ પાડી.

‘શું થયું દીકરા? સવાર સવારમાં? બધું ઠીક તો છે ને?’ જ્વલંતભાઇ છાપું વાંચતા શાંતનુનાં રૂમ તરફ રીતસર દોડ્યા.

‘પપ્પા, અનુ...અનુ નો પત્તો મળી ગયો એ મારી સાથે હમણાં સ્કાઇપ પર વાત કરશે.’ શાંતનુનો આનંદ સમાતો ન હતો એનો ચહેરો એ બાબતની ચાડી ખાઇ રહ્યો હતો.

‘અરે વાહ! પણ બ્રશ તો કરો ત્યાં હું ચા બનાવી દઉં.’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘ના પપ્પા આ છોકરી મને છેક દોઢ વર્ષે મળી છે અને બ્રશ તો હું રોજ કરું છું ને?’ જ્વલંતભાઇને આંખ મારતાં શાંતનુ બોલ્યો.

‘હા હા હા..ચાલો ત્યારે તમે શાંતિથી એની સાથે વાત કરો અને એને મારી યાદી પણ આપજો. હું છાપું વાંચું છું.’ કહીને જ્વલંતભાઇ લીવીંગ રૂમમાં પાછાં જતાં રહ્યાં.

શાંતનુ સ્કાઇપમાં લોગ-ઇન થયો ત્યાં જ ‘અનુરેન્દ્ર’ નામનાં આઇડી ની એડ રીક્વેસ્ટ પડી હતી. શાંતનુને સમજતાં વાર ન લાગી કે અનુશ્રીએ પોતાનાં નામમાંથી ‘અનુ’ અને અમરેન્દ્રનાં નામમાં થી ‘રેન્દ્ર’ લઇને આ ‘અનુરેન્દ્ર’ નામનું આઇ-ડી બનાવ્યું હતું. શાંતનુને અમરેન્દ્રની સાહજીક ઇર્ષા થઇ પણ મનમાં મુસ્કુરાઇ ને એ આઇ-ડી ને એણે એડ કરી લીધું. અ હજી અનુશ્રીનો તાજો ફોટો એ પ્રોફાઇલમાં જોવે ત્યાં જ અનુશ્રીએ એને કૉલ કર્યો. શાંતનુએ પોતાનું હેડફોન પ્લગઇન કર્યું અને કૉલ અને કૉલ રીસીવ કર્યો.

‘હેય શાંતુ. આઇ જસ્ટ કાંટ બીલીવ કે આપણે બન્ને ફરીથી એક બીજા સાથે વાતો કરી રહ્યાં છીએ યાર..’ અનુશ્રીનો અવાજ પહેલાં જેવો જ હતો અને એ હજીપણ એજ પ્રમાણે ઉત્સાહવાળાં ટોનમાં જ બોલી રહી હતી જેવી એને દોઢેક વર્ષ પહેલાં ટેવ હતી.

‘મેં આશા નહોતી છોડી અનુ. મને ઊંડે સુધી વિશ્વાસ હતો કે એક દિવસ તમે મને જરૂર મળશો, કોઇપણ રીતે અને જુઓ તમે સામેથી મારો કોન્ટેક્ટ કર્યો.’ શાંતનુ બોલ્યો.

‘તું હજી પણ એવોને એવો જ છે શાંતુ, ઓલ્વેઝ પોઝીટીવ હેં ને?’ અનુશ્રીએ પૂછ્યું.

‘એ વગર આ દોઢ વર્ષ કેમ નીકળત?’ શાંતનુ મુસ્કુરાઇને બોલ્યો.

‘અને એટલે જ આઇ લવ યુ...ઓયે પેલું આઇ લવ યુ નહી હોં? યાદ છે ને?’ અનુશ્રી ખડખડાટ હસતાં બોલી.

‘હા હા..એ આઇ લવ યુ સાંભળવા માટે મારે આવતાં જન્મ ની રાહ જોવાની છે એ પણ મને યાદ છે અનુ.’ શાંતનુ બોલ્યો.

‘ગજબ છે તું હોં શાંતનુ. તું જરા પણ બદલાયો નથી..સચ્ચી... પણ બી ફોર વી સ્ટાર્ટ એનીથિંગ મારે તને બીગ સોરી કહેવું છે અને યુ નો ધ રીઝન એઝ વેલ.’ અનુશ્રી બોલી.

‘મારે તમારાં કોઇ જ સોરી નથી સાંભળવા અનુ. તમે જે કર્યું એ ભૂતકાળ છે અને તમે જે કાઇ કર્યું એ તમારી લાઇફ વિષે હતું એટલે એ તમે વિચારીને જ કર્યું હશે ને?’ આટલાં વખતે અનુશ્રીને મળતાં જ શાંતનુએ એનાં ઉપર જે જરા અમથો સંદેહ હતો એને પણ જવા દીધો.

‘ના શાંતનુ એ ડીસીઝન મારું ન હતું. એ અમરનું હતું. એણે બધાંયને, ઇન્ક્લ્યુડીંગ મી, અંધારામાં રાખીને ભાગવું હતું. ફોર અ સેફ્ટીઝ સેક યુ નો?’ અનુશ્રીએ પોતાનાં અચાનક ભાગી જવાની વાત શરુ કરતાં કહ્યું.

‘હમમ.. મને હતું જ અનુ કે તમે તો આમ ન જ કરો’ શાંતનુને હવે અનુશ્રીનું વર્ઝન સાંભળવું હતું જેનાં માટે એ કાયમ અક્ષય અને સિરતદીપ સામે ભાર મુકતો હતો.

‘બીફોર વી રીસ્ટાર્ટ અવર રિલેશન મને મારાં દિલનો ભાર હળવો કરી લેવા દે શાંતુ. આ ભાર હું છેલ્લાં દોઢ વર્ષથી મારાં દિલ પર લઇને ફરું છું.’ અનુશ્રી બોલી.

‘તો આજે હળવો કરી દયો તમારાં દિલનો ભાર અનુ, આઇ એમ ઓલ ઇયર્સ.’ શાંતનુ એ અનુશ્રીને પોતાનો પક્ષ સંભળાવવા કહ્યું.

‘એક્ચ્યુલી અમ્રેન્દ્રનો એક ફ્રેન્ડ અમદાવાદનો જ છે. મને ફિફ્થ ઓક્ટોબરનો પ્લાન કીધા પહેલાં જ એણે એનાં ફ્રેન્ડ સાથે મળીને એક દિવસ અગાઉ જ આ રીતે ભાગી જવાનું અને પછી લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. મને તો એણે વકીલ ને મળવાનું જ કહ્યું હતું. હું જ્યારે તે આપેલાં લેટરમાં લખેલી જગ્યાએ પહોંચી ત્યારે જ મારો સેલ અમરેન્દ્રને લઇને એને ઓફ કરી દીધો અને પોતાનાં પઝેશનમાં લઇને મને કહ્યું કે અમારે તે દિવસે જ મેરેજ કરવાનાં છે. આઇ વોઝ ટોટલી શોક્ડ શાંતુ. વાત કરતાં કરતાં અનુશ્રી થોડીવાર માટો રોકાઇ.

‘અફકોર્સ આમ અચાનક અને સ્પેશ્યલી જ્યારે તમે માનસિક રીતે કોઇ ઘટના મારે તૈયાર ન હોવ ત્યારે આમ જ થાય ને? શાંતનુએ અનુશ્રીની વાતમાં સુર પુરાવ્યો.

‘અને સ્પેશિયલી જ્યારે એ તમારાં મેરેજ ની વાત હોય શાંતુ. એની વેઝ પછી અમર મને એનાં ફ્રેન્ડ ને ઘેરે પતાસાની પોળમાં લઇ ગયો જ્યાં એનાં વાઇફે મને તૈયાર કરી. સાચું કહું શાંતુ મને તે વખતે જરાય ખુશી નહોતી થઇ રહી ડિસ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે મારાં લગ્ન મેં પસંદ કરેલા છોકરા સાથે થઇ રહ્યાં છે. અફકોર્સ હું બીજે દિવસે ભાગવા માટે મેન્ટલી પ્રીપેર્ડ હતી જ પણ તે દિવસે તો નહી જ. મને તો ઉલટું રડવું આવતું હતું અને મને સતત તું યાદ આવતો હતો. ત્યારે જો તું સામે હોત ને તો હું રડી જ પડત શાંતુ.’ અનુશ્રી ફરી રોકાઇ.

‘હમમ..’ શાંતનુ ફક્ત એટલું જ બોલ્યો મનમાં તો એને અનુશ્રીએ પોતાનો ગણ્યો એ પણ એનાં પોતાનાં લગ્નનાં સમયે એ જાણીને જ પોતાનાં પર ખુબ ગર્વ થયો.

‘પછી અમે આર્યસમાજ ગયાં જ્યાં અમરના ફ્રેન્ડે ઓલરેડી અમારાં મેરેજનું બુકિંગ કરી દીધું હતું અને એ પણ તું જ્યારે મારાં કહેવાથી ગયો હતો એજ દિવસે સાંજે જ. એણે તારું બુકિંગ કેન્સલ કરી દીધું અને આગલા દિવસનું બુકિંગ કરાવી દીધું હતું. ફોર એવરી સેકન્ડ આઇ વોઝ ફીલિંગ ગિલ્ટી ફોર યુ. મને એમ લાગતું હતું કે મેં એવરી સ્ટેપ તને ચીટ કર્યો છે.’ અનુશ્રીનો અવાજ હવે ભારે થઇ રહ્યો હતો.

‘અરે...એવું ક્યાં કશું હતું.’ શાંતનુએ અનુશ્રીને થોડો માનસિક ટેકો આપતાં કહ્યું.

‘મને બોલી લેવા દે શાંતુ મારે આજે આ ભાર કાયમ માટે હળવો કરવો છે.’ અનુશ્રી બોલી.

‘ઓકે અનુ, બોલતાં રહો.’ શાંતનુએ અનુશ્રીને કહ્યું.

‘મેરેજ પછી તરત જ અમર એનાં ફ્રેન્ડ સાથે આર્યસમાજની ઓફીસમાં કોઇ કામ માટે અંદર ગયો એટલે મેં તરત જ એની બેગમાં થી મારો સેલ કાઢીને તને અને સિરુને મેસેજ કરવા માટે ઓન કર્યો. વ્હોટ્‌સ, એપ્પ પર ફર્સ્ટ મેસેજ સિરુનો હતો એટલે એને મેં “જસ્ટ ગોટ મેરીડ વિથ અમર જસ્ટ ગોટ મેરીડ વિથ અમર ફ્યુ મિનીટ્‌સ બેક”, એમ લખ્યું ત્યાં જ મેં અમરને ઓફિસમાંથી બહાર આવતો જોયો. એને પૂછ્યા વગર મેં સેલ ઓન કર્યો છે એ જોઇને એ કદાચ મારાં પર ગુસ્સે થશે એમ માનીને મેં તરત જ સિરુનાં મેસેજમાં જ “વીલ ક્લેરીફાય સુન” લખીને સેન્ડ કરી દીધો અને ફોન ઓફ કરીને અમરની બેગમાં રીતસર ફેંકી દીધો. બીલીવમી આઇ વોન્ટેડ ટુ કન્વે ધ સેમ થિંગ ટુ યુ ટુ બટ...’ અનુશ્રીએ પોતાનો પક્ષ અડધો અડધ કહી દીધો.

‘હમમ...કશો જ વાંધો નહી, આઇ કેન અન્ડરસ્ટેન્ડ.. પછી?’ શાંતનુ સાંત્વનાનાં સ્વરમાં બોલ્યો.

‘મેં જેમ તને કીધું હતું એમ મને તો છેક સુધી એમજ હતું કે અમારે બેંગ્લોર જવાનું છે પણ જ્યારે એમ એરપોર્ટ આવ્યાં અને ચેક-ઇન કર્યું ત્યારે મને ખબર પડી કે અમે મુંબઇ જઇએ છીએ. અમરે ઓલરેડી મારાં વિઝા ની પ્રોસીજર ચાલુ કરી દીધી હતી. અમારાં મેરેજનું સર્ટીફીકેટ અને ફોટોઝ અમરના પેલા અમદાવાદનાં ફ્રેન્ડે મોકલ્યા ને તરત જ અમને એમ્બેસીમાં થી વિઝા કૉલ આવ્યો અને મને એચ-૪ ડીપેન્ડેન્ટ વિઝા તરત જ મળી ગયાં અને પછીનાં વિક માં તો અમે અહી એલ.એ આવી ગયાં. અમરની કડક ઇન્સટ્રકશન હતી કે કે એલ.એ પહોંચ્યા પહેલાં મારે ઘેરે પણ ફોન ન કરવો. એ મને એક મિનીટ પણ છોડતો ન હતો. હનીમુન પીરીયડ હતો એટલે એમ પણ સમજી શકાય એવી વાત પણ હતી. પણ મને સતત ગીલ્ટ ફીલ થઇ રહી હતી, તારે માટે. મેં તને પુરેપુરો અંધારામાં રાખ્યો શાંતુ.’ બોલતાં બોલતાં અનુશ્રી રોકાઇ.

‘અમરેન્દ્રની જગ્યાએ હું હોત તો આમ જ કરત અનુ. મને સુવાસભાઇ વિષે વધુ ખબર નથી પણ છોકરો કે છોકરીનાં સગાં, આ બન્ને માંથી કોઇપણ એક પાર્ટી જો આવાં મેરેજથી ખુબ ગુસ્સે હોય તો એ ગુસ્સામાં આવીને ગમેતે કરી શકે છે.’ શાંતનુને અનુશ્રીનો પક્ષ પુરેપુરો ખબર પડી ગયો હતો અને એને એ બાબતનો આનંદ હતો કે આ દોઢ વર્ષનાં આખાયે સમય દરમ્યાન એણે અનુશ્રી નો વાંક નથી એમ વિચાર્યું હતું એ સાચું જ હતું.

‘આઇ નો.નાઉ આઇ એમ ફીલિંગ બેટર શાંતુ...મારે તને મારી સાઇડ ક્લીયર કરવી જ હતી પણ મોકો જ ન મળ્યો.’ અનુશ્રીના અવાજે શાંતનુને એનાં વિચારોમાં થી બહાર આવવા મજબુર કર્યો.

‘મને પહેલેથી જ વિશ્વાસ હતો કે અનુ મને ચીટ ન જ કરે.’ શાંતનુને અનુશ્રી પાસે પોતાનો વિશ્વાસ દોહરાવ્યો.

‘થેન્ક્સ!!’ અનુશ્રી બોલી.

‘પછી સુવાસભાઇ અને મમ્મા?’ શાંતનુએ અનુશ્રીને ફરીથી એ દિવસોમાં પાછો લઇ ગયો.

‘એલ.એ આવીને પછી બીજે જ દિવસે મેં ઇન્ડિયા ઘેરે કૉલ કર્યો. સુવાસબાઇએ કૉલ રીસીવ કર્યો મારો અવાજ સાંભળીને તરત જ એમણે કૉલ કટ કરી નાખ્યો.’ અનુશ્રીએ કહ્યું.

‘ઓહ..પછી?’ શાંતનુ ને ઉત્કંઠા જાગી.

‘પછી ઇશિતા નાં આવ્યાં પછી મેં સુવાસભાઇને મેઇલ કરીને એનાં ફોટોઝ મોકલ્યાં અને એ તરતજ પીગળી ગયાં. મમ્મા તો મારાં મેરજ પછી તરત જ એનો ગુસ્સો ગળી ગયાં હતાં.’ અનુશ્રી બોલી.

‘ઇશિતા? એ કોણ?’ શાંતનુ આ નામ પહેલીવાર સાંભળી રહ્યો હતો.

‘સ્ટુપીડ, ઇશિતા...મારી પરી..મારી ડોટર..નાલાયક આટલું પણ સમજી નથી શકતો ઉલ્લુ..!!’ અનુશ્રી હવે એનાં ઓરીજીનલ મુડમાં આવી ગઇ હતી.

‘ઓહ માય ગોડ!! વ્હોટ અ સરપ્રાઇઝ..!! ક્યારે...આ.આ.આ ક્યારે બન્યું?’ શાંતનુને અત્યંત નવાઇ લાગી.

‘હા હા હા... કહું છું કહું છું. બધુંજ ડીટેઇલમાં કહું છું. મને થોડુંક પાણીતો પી લેવાં દે?.’ અનુશ્રી હસી રહી હતી.

થોડાં વિરામ બાદ પછી અનુશ્રીએ ફરીથી બોલવાનું શરુ કર્યું.

‘અમર પુરેપુરો કામદેવ છે યુ નો. મુંબઇ, માથેરાન અને પછી એલ.એ...બધે જ અમેે ચોવીસે કલાક હનીમુન એન્જોય કરાં યુ નો?’ અનુશ્રીનો બિન્દાસ સ્વભાવ એનાં અસલી રંગમાં આવી રહ્યો હતો.

‘હમમ..’ આ વાત સાંભળતા જ શાંતનુને અંદરથી ફરીથી અમરેન્દ્ર તરફે ઇર્ષ્યા ઉભી થઇ રહી હતી અને એપણ ખુબ જ પ્રબળ પણ એણે બીજું કોઇજ રી-એકશન ન આપ્યું અને અનુશ્રીની વાત સાંભળતો જ રહ્યો.

‘મેરેજના બીજે જ મહીને આઇ મિસ્ડ માય પીરીડ્‌સ. મને ડાઉટ તો આવી જ ગયો અને ચેક કરાવતાં ખ્યાલ આવ્યો કે આઇ એમ પ્રેગ્ઝ.’ અનુશ્રીના અંગ્રેજી ઉચ્ચારો માં અમેરિકીપણું સ્પષ્ટ સંભળાઇ રહ્યું હતું.

‘પછી?’ શાંતનુએ પૂછ્યું.

‘લાસ્ટ યર ફિફ્ટીન્થ ઓગસ્ટે સવારે ચાર વાગે ઇશિતા ટુક બર્થ.’ અનુશ્રી બોલી એનો અવાજ એકદમ આનંદથી ભરેલો હતો.

‘વાઉ ધેટ્‌સ ગ્રેટ... તો તો હવે આઠેક મહિનાની થઇ ગઇ હશે હેં ને? કોના જેવી લાગે છે? હૈં?’ શાંતનુથી પણ હવે રેહવાતું ન હતું.

‘હા..યુ વોન્ના સી હર? ઉભો રે, હું કેમ ઓન કરું છું. એ અહી બાજુમાં જ રમે છે.’ અનુશ્રી બોલી.

બે-એક મિનીટ પછી અનુશ્રીએ કેમ ઓન કર્યો. દોઢ વર્ષ પછી પહેલીવાર શાંતનુ એ અનુશ્રીનો ચહેરો જોયો અને ફરીથી એનું હ્ય્દય જોરથી ધબકવા માંડ્યું. એનાં ફુલેલા ચહેરા પરથી લાગ્યું કે પ્રેગનન્સી પછી એણે સારુએવું શરીર જમાવ્યું હશે.

‘અનુ તમે બરોબરનું વધાર્યું છે હોં? સાસરે સુખી છો એની નિશાની છે.’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘હા હા...આ પ્રેગનન્સી પછી હું જાડી બમ થઇ ગઇ છું પણ આવતીકાલથી જ હું જીમ જોઇન કરું છું એટલે બહુ જલ્દીથી પાછી શેઇપ માં આવી જઇશ...વેઇટ ઇશિતા ને મારા ખોળામાં લઉં?’ શાંતનુની કમેન્ટ સાંભળી કેમેરા પર ખડખડાટ હસતી અનુશ્રી ની હલચલ શાંતનુ જોઇ રહ્યો હતો.

થોડીવાર પછી અનુશ્રીએ એની દીકરી ઇશિતાને પોતાનાં ખોળામાં લીધી.

‘અરે આ તો તમારી કોપી જ છે અનુ.’ ઇશિતાનો ચહેરો મહોરો અનુશ્રીને મળતો આવે છે અને અમરેન્દ્રને નહી એ જોઇને શાંતનુને ખુબ સંતુષ્ટ થયો અને આ હકીકતથી એને ખુબ જ આનંદ પણ થઇ રહ્યો હતો.

‘સે હાઇ..સે હાઇ...સે હાઇ શાંતુ!’ અનુશ્રીએ ઇશિતાનો હાથ પોતાનાં હાથમાં લઇને કેમેરા સામે હલાવ્યો.

‘હાઇ ઇશી!’ શાંતનુ પણ પોતાનો હાથ હલાવતાં બોલ્યો.

ઇશિતા કેમેરા સામે જોઇને હસી રહી હતી એનાં માટે આ કૌતુક થી વધારે બીજું કશું જ ન હતું.

‘હેય યુ જસ્ટ કોલ્ડ હર ઇશી રાઇટ?’ અચાનક જ અનુશ્રી બોલી.

‘હા કેમ?’ શાંતનુ ને નવાઇ લાગી.

‘કારણકે હું પણ એને ઇશી જ કહું છું. અમર એને ઇશુ કહે છે પણ મને તો ઇશી જ ગમે છે.’ અનુશ્રી બોલી.

‘હમમ આપણા વિચારો તો પહેલેથી જ મળતાં આવે છે ને અનુ?’ શાંતનુએ અનુશ્રીને ભૂતકાળ યાદ દેવડાવી ને ફરીથી પોતે એને કેટલો પ્રેમ કરે છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો.

‘આઇ નો શાંતુ.’ અનુશ્રી કેમેરા સામે હસીને બોલી.

શાંતનુ સતત અનુશ્રી સામે ટગર ટગર જોઇ જ રહ્યો હતો કારણકે અહીં તો એને પકડાઇ જવાનો પણ ડર ન હતો. દોઢ વર્ષે અનુશ્રીને ફરીથી મળવાની ઉત્તેજનાએ હવે ફરીથી શાંતનુને એનાં જૂનાં દિવસોમાં પાછો ધકેલી દીધો હતો. એ દિવસો જ્યારે એ અનુશ્રીને સતત જોયાં કરતો અને એને એવી રીતે સતત પ્રેમ પણ કર્યા કરતો. અનુશ્રીએ પોતાનાં વાળ ટૂંકા કરાવી દીધાં હતાં પણ હજીપણ એની પેલી પોતાની લટ કાન પાછળ સરકાવવાની આદત છોડી ન હતી.

‘વાહ, ધણી એક્ટીવ છે.’ ઇશિતાએ અનુશ્રી જે લેપટોપમાં થી વાતો કરી રહી હતી એ લેપટોપના કેમેરામાં આગળીઓ ભરાવીને એને કેંચવાની કોશિશ કરી એ શાંતનુએ જોયું.

‘અરે ધણી જ યાર. મને એક મિનીટ પણ શાંતિથી બેસવા નથી દેતી. ખબર નહી હાઉ આઇ વીલ મેનેજ આફ્ટર આઇ ટેક સમ જોબ.’ અનુશ્રી બોલી.

‘ઓહ તો તમે જોબ કરવાનાં છો? ક્યારથી?’ શાંતનુએ પૂછ્યું.

‘બસ વેરી સુન, એકવાત તો કે શાંતુ?’ અનુશ્રી બોલી.

‘પૂછો...’ શાંતુુનુ એ અનુશ્રીના ચહેરા પરથી જરાપણ નજર હટાવી ન હતી.

‘ઇશી તને શું કહીને બોલાવે?’ અનુશ્રીના મોઢાં પર શૈતાની હાસ્ય હતું એ તો શાંતનુએ કળી લીધું પણ એ ખરેખર શું કહેવા માંગે છે એ સમજી શક્યો નહી.

‘એટલે?’ શાંતનુ એ કુતુહલતા દેખાડી.

‘એટલે કે એ તને શાંતુમામા કહીને બોલાવે તો તને વાંધો તો નથી ને?’ આટલું બોલતાં જ અનુશ્રી નું હાસ્ય ફરીથી ખળખળ વહેવા માંડ્યું.

‘શટ અપ અનુશ્રી, હું ચેટ બંધ કરી દઇશ જો ઇશીને તમે એવું કશું શીખવાડ્યું છે તો.’ શાંતનુએ નકલી ગુસ્સો દેખાડ્યો પણ ખરેખર તો એ પણ હસી રહ્યો હતો.

‘હા હા હા... મને ખબર જ હતી શાંતુ તો આવું જ કોઇક રીએકશન આપીશ..’ અનુશ્રી હજીપણ ખુબ હસી રહી હતી. જો કે હવે એણે ઇશિયાને પોતાની બાજુમાં રમવા માટે મૂકી દીધી હતી.

‘એક કામ કરો ને? એને તમે મમ્માઝ એક્સ બોયફ્રેન્ડ કહેવાનું શીખવાડો.’ હવે મજાક કરવાનો શાંતનુનો વારો હતો.

‘નાલાયક...સુધરી જા.’ અનુશ્રી એનાં ચિતપરિચિત અંદાજમાં શાંતનુને વઢી પણ એ હજુપણ હસી તો રહી જ હતી.

‘હા હા હા જોયું? જબ અપને પર આતી હૈ તો કૈસા લાગતાં હૈ અનુજી?’ શાંતનુએ અનુશ્રીને હસતાંહસતાં કહ્યું.

‘ઓહ માય ગોડ.. આઇ જસ્ટ કાન્ટ બીલીવ શાંતુ...વી આર બેક એન્ડ રોકિંગ અગેઇન!’ અનુશ્રીનું હસવું હવે રોકાઇ ગયું હતું. અને એ સ્મીત કરી હતી હતી.

‘યેસ વી આર!’ શાંતનુ ફક્ત એટલું જ બોલ્યો.

‘હેય મેં તો મારી વાત કરી પણ તું કશું બોલ્યો નહી?’ અનુશ્રીએ સવાલ કર્યો.

‘શું? મારે શું બોલવાનું છે મેડમજી?’

‘એ જ કે હાઉ ઇઝ યોર લાઇફ?’ તેં કોની સાથે મેરેજ કર્યા અને તારી વાઇફ? કીડ્‌ઝ? એ બધું.” અનુશ્રી એ પૂછ્યું.

‘મેં લગ્ન નથી કર્યા અનુ.’ શાંતનુએ વળતો સવાલ કર્યો.

‘ડોન્ટ ટેલ મી શાંતુ..પણ કેમ? તું બહુ ચૂઝી તો નથી જ આઇ નો.’ અનુશ્રી બોલી.

‘ચૂઝી તો ત્યારે થવાય ને જ્યારે લગ્ન કરવાની ઇચ્છા હોય.’ શાંતનુ એ સ્મીત સાથે જવાબ આપ્યો.

‘વ્હોટ? તું ક્યારેય મેરેજ નથી કરવાનો? પણ કેમ?’ કેમેરામાં ચિંતાતુર અનુશ્રીના હાવભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં.

‘બસ એમ જ..ઇચ્છા નથી.’ શાંતનુ એ સપાટ ચહેરા સાથે જવાબ આપ્યો.

‘ડોન્ટ ટેલ મી કે મેં ના પાડી એટલે તું...’ અનુશ્રીએ પોતાનું વાક્ય અડધે જ છોડી દીધું.

‘એટલે જ અનુ. અનુની જગ્યાએ હું કોઇને પણ મારાં હ્ય્દયની પાસે નથી જોઇ શકતો અને જોવા માંગતો પણ નથી. લગ્ન કરવા ખાતર કરીને કોઇ બીજી છોકરીની લાઇફ બગાડવાનો મને કોઇજ અધિકાર નથી અનુ.’ શાંતનુએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો.

શાંતનુનાં જવાબ પછી અનુશ્રી અને શાંતનુ બન્ને સારીએવી મીનીટો શાંત રહ્યાં. બન્ને એકબીજા ને કેમેરાથી જોઇ રહ્યાં હતાં. થોડીવાર પછી અનુશ્રીની બન્ને આંખોના ખૂણા માંથી આંસુઓની એક નાનકડી લીટી બહાર નીકળી જે એણે તરત જ લુછી નાખી. પણ શાંતનુ તો સતત અનુશ્રીને જોઇ જ રહ્યો હતો એટલે એમે અનુશ્રીને પકડી પાડી.

‘હેય અનુ, પ્લીઝ ડોન્ટ ટેઇક ધ બ્લેમ ઓન યોરસેલ્ફ. આ ડીસીઝન સો એ સો ટકા મારું છે, સો પ્લીઝ તમે દુઃખી ન થાવ.’ શાંતનુ એ અણુશ્રીને શાંત પાડવાની ટ્રાય કરી.

‘બટ હાઉ આઇ કેન રન અવે ફ્રોમ ધીસ અનધર ગીલ્ટ. હજી હમણાજ તો મેં માંડમાંડ એક ગીલ્ટ થી છુટકારો મેળવ્યો ત્યાં આ બીજો... શાંતુ આઇ લવ અમર સો મચ...જો એમ ન હોત તો હું તને ના પાડત જ...’ આટલું બોલીને અનુશ્રી ફરીથી રોકાઇ ગઇ. કદાચ એને ડૂમો ભરાઇ આવ્યો હતો.

‘એટલે જ તો કહું છું અનુ. તમે અમરેન્દ્રને અતિશય પ્રેમ કરો છો અને હું તમને...તમે ઓલરેડી એનાં પ્રેમમાં હતાં જ્યારે મેં તમને પ્રપોઝ કર્યું હતું એટલે આમાં તમારો કોઇ વાંક ક્યાંથી હોઇ શકે? લીવ ઇટ અનુ, તમે મારાં પ્રેમનું હજીપણ સન્માન કરો છો, મારા માટે એ મહત્વનું છે અને પુરતું છે. જે થવાનું હતું એ થઇ ગયું ઓલરેડી આપણે એકબીજાનાં બી. એફ. છીએ લેટ્‌સ મુવ ફોરવર્ડ રાઇટ?’ શાંતનુ અનુશ્રીને સમજાવી રહ્યો હતો.

‘રાઇટ..અને બીલીવમી હવે નો મોર ચીટીંગ ફ્રોમ માઇ સાઇડ. હવે હું આ ફ્રેન્ડશીપ ખુબ બ્યુટીફુલી નિભાવીશ, આઇ પ્રોમીસ યુ શાંતુ.’ અનુશ્રી એ કેમેરા સામે થમ્સઅપ ની સાઇન કરી. હવે એનાં મોઢાં પર સ્મીત હતું.

‘ફ્રેન્ડશીપ ટેકન ફોર ગ્રાન્ટેડ હોય છે અનુ એમાં પ્રોમીસ ને કોઇ જ સ્થાન નથી.’ શાંતનુ પણ અનુશ્રીનું સ્મીત પાછું આવેલું જોઇને થોડો હળવો થયો.

‘રાઇટો’ અનુશ્રી હસીને બોલી.

‘તો તમે જોબ કરશો?’ શાંતનુએ અનુશ્રીનું ધ્યાન બીજે ટાળવા નવો સવાલ ઉભો કર્યો.

‘હા યાર ઇશી મોટી થઇ રહી છે એટલે હવે મારે જોબ કરવી છે. તું શું કરે છે આજકાલ? ત્યાં જ? અને હાઉ ઇઝ અક્ષય? સિરુને તો હું હમણાં તારી સાથે ચેટ પૂરી કરીને કૉલ કરું જ છું.’ અનુશ્રીએ એક સાથે ઘણાં સવાલ કરી દીધાં.

‘હું હવે ત્યાં નથી જતો પણ હું હવે એ જ કંપની નો ફ્રીલાન્સ અડવાઇઝર છું એટલે ઘેરે થી જ મારું કામ ઓપરેટ કરું છું.’ શાંતનુ એ કહ્યું.

‘અરે વાહ! મારો શાંતુ તો બીઝનેસમેન થઇ ગયો હેં કે?’અનુશ્રી ફરી હસી રહી હતી. જો કે ‘મારો શાંતુ’ શબ્દ શાંતનુને ખુબ ગમ્યો.

‘હા હા..અક્ષય પણ મજામાં છે એણે લાસ્ટ મન્થ જ મારી જેમ ફ્રીલાન્સીંગ શરુ કર્યું છે. બાય ધ વે આઇ ગોટ અ ન્યુઝ ફોર યુ, પણ હું તને આપું એનાં કરતાં સિરુ તને આપે એ વધુ યોગ્ય રહેશે.’ શાંતનુ બોલ્યો.

‘વ્હોટ ન્યુઝ? આટલું સાંભળીને તને લાગે છે કે મારાં થી રહેેવાશે? બોલ ને શાંતુ. તુજે મેરી કસમ.’ અનુશ્રીનાં મોઢાં પર તોફાની હાસ્ય હતું.

‘તમે તો યાર અમેરિકા જઇનેે બ્લેક મેઇલીંગ શીખી ગયાં છો.’ શાંતનુ પણ હસી રહ્યો હતો.

‘હા હા હા... ચલ હવે બોલ મારાં થી નથી રહેવાતું.’ અનુશ્રી બોલી.

‘હમમ... અક્ષય અને સિરુ ગોટ મેરીડ. લાસ્ટ વેલેન્ટાઇન્સ ડે પર.’ શાંતનુએ ન્યુઝ બ્રેક કર્યા.

‘ઓહ માય ગોડ! મારી સિરુ આટલી મોટી થઇ ગઇ?? હા હા હા...આઇ એમ સો હેપ્પી ફોર હર. હમણાં જ એને કૉલ કરીને એની ખબર લઉં.’ અનુશ્રી બોલી.

‘શ્યોર..એક વાત કહો. જો તમે જોબ કરશો તો ઇશી ને કોણ રાખશે? પ્લે હાઉસ માટે હજી થોડી નાની ન કહેવાય?’ શાંતનુએ ચિંતા વ્યક્ત કરી.

‘અરે મારી સાસુ છે ને? એ એનું ધ્યાન રાખશે.’ અનુશ્રી બોલી.

‘અરે હા એ તો હું ભૂલી જ ગયો હતો.’ શાંતનુ એ જવાબ આપ્યો.

‘એક્ચ્યુલી પ્રેગનન્સી વખતે હજી મમ્મા સાથે બોલવાનું શરુ નહોતું થયું એટલે અમરે મારાં સાસુને બોલાવી લીધાં.’ અનુશ્રીએ સ્પષ્ટતા કરી.

‘હમમમ.. એ તો છે જ. તો ક્યારથી ઇરાદો છે જોબ કરવાનો?’ શાંતનુએ પૂછ્યું.

‘આજે સવારે જ ઓનલાઇન જોબ સાઇટ પર બે ત્રણ જગ્યાએ અપ્લાય કર્યું છે લેટ્‌સ સી એલોકો ઇન્ટરવ્યુ માટે ક્યારે બોલાવે છે પણ જોબ તો અમર અને મારાં સાસુ ઇન્ડિયાથી પાછાં આવે પછી જ શરુ કરી શકીશ.’ અનુશ્રી એ કહ્યું.

‘ઓહ તો એલોકો અહીંજ છે.’ શાંતનુ ને નવાઇ લાગી.

‘હા પટના પાસે અમારી કોઇ જૂની પ્રોપર્ટી છે. હવે મારાં સાસુ પણ અહિયા રહેવાનાં છે એટલે અમર કહે છે કે એને રાખીને શું કામ છે? એટલે એલોકો એ પ્રોપર્ટી ને સેલ કરવા ત્યાં જ છે. દસેક દિવસમાં પાછાં આવી જશે.’ અનુશ્રી બોલી.

‘ગુડ...અને સુવાસભાઇ ને મમ્મા કેમ છે? એમની સાથે કોન્ટેક્ટ એસ્ટાબ્લીશ થઇ ગયો એ સારું થયું.’ શાંતનુ બોલી.

‘હા યાર, ઇશીનાં ફોટા સુવાસભાઇને મેઇલ કર્યા એનાં એક કલાકમાં જ મમ્મા નો કૉલ આવી ગયો હતો. એમનાં વિઝાની અમે બહુ કોશિશ કરી પણ પોસીબલ ન થયું. સુવાસભાઇનાં મેરેજ અને પછી અને પટનાની પ્રોપર્ટી તો વેંચવાની હતી જ એટલે અમે બધાં લાસ્ટ મંથ અમદાવાદ આવ્યાં હતાં. હું અને ઇશી કાલે જ અહિયા પાછાં આવ્યાં અને અમર અને મારાં સાસુ પટના ગયાં.’ અનુશ્રી બોલી.

‘શું? તમે પરમદિવસ સુધી અમદાવાદમાં જ હતાં?!!’ આટલું કહીને શાંતનુ મૂંગો થઇ ગયો.

-ઃ પ્રકરણ દસ સમાપ્ત :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED