Shantnu - 5 books and stories free download online pdf in Gujarati

શાંતનુ - પ્રકરણ - 5

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પાંચ

અનુશ્રીનાં ઘેરે જઇને એનાં ફેમીલી વિષે માહિતી લેવાનો આનંદ જેટલો શાંતનુને હતો એટલો અથવા તો એનાં થી પણ વધુ આનંદ તો અક્ષયને હતો પણ તેમ છતાં હજી એ એટલો ખુશ ન હતો. એને તો હવે અનુશ્રી અને જ્વલંતભાઇ ને સામસામે લાવવા હતાં અને એ વાત કોઇપણ રીતે શક્ય બની રહી ન હતી. અક્ષયનો મુદ્દો એ હતો કે એકવાર ફક્ત જ્વલંતભાઇ અનુશ્રીને જોવે કે મળે તો ભવિષ્યમાં એટલીસ્ટ જ્વલંતભાઇ તરફથી કોઇ વાંધો ન આવે અને અનુશ્રી પણ જ્વલંતભાઇ નાં નિર્મળ સ્વભાવ ને અનુભવે તો શાંતનુનો એક ઔર પ્લસ પોઇન્ટ વધી જાય. અક્ષય અને શાંતનુ અનુશ્રીના ઘેરેથી આવ્યાં પછી રોજ આ બાબતે કોઇને કોઇ પ્લાન બનાવતાં અને પછી એલોકો પોતે જ એને રદ્‌ કરી નાખતાં. પણ કહે છે ને કે ઉપરવાળાની મરજી વીના કોઇ પાંદડું પણ હલી શકતું નથી એવી જ રીતે એની મરજી હોય તો ગમે તેવી અશક્ય મુલાકાત પણ શક્ય બની જાય છે અને આવું જ કાઇક બન્યું એનાં પછીનાં મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં.

ચોમાસાની ઋતુ હોવાથી અને જો સવારે વરસાદ વરસતો હોય તો શાંતનુ સલામતી ખાતર ઘેરેથી થોડો વહેલો જ નીકળતો. આજે પણ મોડી રાત થી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી શાંંતનુ રેઇનકોટ પહેરી ને વહેલો નીકળ્યો અને લગભગ પોણા નવ ની આસપાસ તો પોતાની ઓફિસે પહોંચી ગયો. એણે થોડીવાર માતાદીન ની રાહ જોઇ પણ એ ન દેખાતાં એણે લીફ્ટ તરફ પ્રયાણ કર્યું. પોતાનાં ફ્લોર પર પહોંચતાવેત જ એણે પેસેજ ને છેવાડે બારી પાસે અનુશ્રીને સેલ ઉપર વાત કરતાં જોઇ. જો કે શાંતનુ ને હવે આ બાબતની કોઇ નવાઇ નહોતી. આટલાં મહિનાઓમાં ઘણીવાર એણે અનુશ્રી ને આટલી વહેલી આવીને આવી રીતે સેલફોન પર વાતો કરતાં જોઇ હતી. શાંતનુની ઓફીસ તો ખુલી ઘઇ હતી એટલે એણે પોતાની બેગ પોતાની ડેસ્ક ઉપર મૂકી અને રેઇનકોટ પેન્ટ્રી નાં દરવાજાની પાછળના હુકમાં ભરાવી દીધો અને અરીસામાં જોઇને પોતાનો ચહેરો સાફ કર્યો અને વાળ પણ ઓળીને સરખાં કરી દીધાં અને ફરી ઓફિસની બહાર આવ્યો. અનુશ્રી હજીપણ વાત કરી રહી હતી. એ ખુબ ખુશ દેખાતી હતી અને એનું ધ્યાન પણ પડ્યું. ફોન પર વાત કરતાં કરતાં એણે શાંતનુ ને હાથ ઉંચો કરી ને ‘હાઇ’ નો એનો કાયમ નો ઇશારો કર્યો. શાંતનુ એ પણ સામે થી એજ પ્રકારનો જવાબ આપ્યો. બન્ને વચ્ચે દોસ્તી હવે પાકી થઇ ગઇ હતી. થોડીવાર પછી અનુશ્રી નો કૉલ પૂરો થયો અને એ શાંતનુ તરફ આવી.

જનરલ વિષયો પર અને રોજિંદી લાઇફ ની ચર્ચા કરવી એમની આદત થઇ ગઇ હતી. આગલાં દિવસે શું ખાધું અને આખો દિવસ શું કર્યું એવી વાતો સુદ્ધાં એલોકો કરતાં. ઉપરાંત હવે તો પોતાનાં કુટુંબમાં અને મિત્રો સાથે પણ શું વાતો કરી અથવા તો એમની સાથે ક્યાં ક્યાં બહાર ગયાં એ બાબતો પણ શેર કરતાં. આમ આવી જ વાતો કરીને એ બન્ને છુટ્ટા પડ્યાં. શાંતનુ ભલે વહેલો આવી ગયો પણ મુખોપાધ્યાય ને ફરિયાદ નો કોઇ ચાન્સ ન રહે એટલે એ સમયસર ઓફિસમાં ઘુસી ગયો. અક્ષયે આજે રજા લીધી હતી કારણકે એને પોતાનાં પિતા સાથે વડોદરા કોઇ કારણસર જવાનું હતું. શાંતનુને આજે પોતાની ઓફીસમાં જ કામ હતું.

બપોરે લંચ પછી વરસાદે ખબર નહી કેમ પણ જબરો વણાંક લીધો અને એની સ્પીડ વધારી. લગભગ દોઢેક કલાક આ જ પ્રમાણે વરસાદ વરસતો રહ્યો અને બંધ થવાની કે ધીમાં થવાની કોઇ જ શક્યતા દુરદુર સુધી દેખાતી ન હતી. ચિંતાતુર જ્વલંતભાઇ નો ફોન પણ આવી ગયો અને શાંતનુને ઘરે આવી જવા માટે એમણે દબાણપૂર્વક આગ્રહ કર્યો. શાંતનુ નું કામ કાયમ ટકોરાબંધ જ હોય એટલે એને રજા મળવામાં પણ કોઇ વાંધો ન હતો. એનાં આશ્ચર્ય સાથે લગભગ સાડાત્રણ વાગે મુખોપાધ્યાયે પણ ઘેરે જવાનું નક્કી કર્યું અને આખાય સ્ટાફ ને પણ ઘેરે જવા કહ્યું. આખોય સ્ટાફ જતો રહ્યો પછી મુખોપાધ્યાય અને શાંતનુ એ બન્ને અને ઓફિસબોય ઓફીસ લોક કરી જ રહ્યા હતાં ત્યાં અનુશ્રી પોતાની ઓફિસમાં થી લગભગ દોડતીદોડતી બહાર આવી...

‘થેંક ગોડ તમે હજી અહીં જ છો શાંતનુ, હું તમને મેસેજ કરવાની જ હતી શાંતનુ.’ અનુશ્રી નાં ચહેરા પર ચિંતાના ભાવ સ્પષ્ટ જોઇ શકાતાં હતાં.

‘કેમ શું થયું?’ શાંતનુ એ પૂછ્યું. દરમ્યાન મુખોપાધ્યાય અને ઓફિસ બોય શાંતનુને આવજો કરી ને લીફ્ટ તરફ જતાં રહ્યાં.

‘આ વરસાદ..મારાં એરિયામાં ખુબ પાણી ભરાઇ જાય છે. સિરુ પણ આજે એની જોબ પરથી વહેલી છૂટી ગઇ છે. મને ખબર નથી પડતી હું શું કરું?’ અનુશ્રીના અવાજમાં ગભરાટ હતો

‘તમે ગભરાવ નહી, અનુ તમે મારી સાથે આવો હું તમને ઘેરે મૂકી દઇશ ઓકે? હું છું ને? ડોન્ટ વરી.’ શાંતનુએ અનુશ્રીને ધરપત આપતાં કહ્યું એનાં અવાજમાં એક અજબ રણકો હતો જેણે અનુશ્રીની પરેશાની લગભગ અડધી કરી નાખી.

બન્નેએ પોતપોતાનાં રેઇનકોટ પહેર્યા અને લીફ્ટમાં નીચે ગયાં. શાંતનુએ જ્વલંતભાઇને અને અનુશ્રી એ પોતાનાં મમ્માને કૉલ કરીને ઓફિસે થી નીકળી રહ્યાં હોવાનું અને હવે સેલફોન પલળે નહી એટલે એને ઓફ કરી ને પોતે પોતાની બેગ્ઝમાં મૂકી દેશે એવી માહિતી પણ આપી દીધી. અનુશ્રીની સ્કુટી શાંતનુએ ભોયરામાં પાર્ક કરી દીધી અને માતાદીનને જરૂરી સૂચનાઓ આપી. શાંતનુએ પોતાની બેગ ઓફિસમાં જ છોડી દીધી હતી. શાંતનુએ હેલ્મેટ પહેરી બાઇકને કીક મારી અને અનુશ્રીને ઇશારાથી પાછળ બેસવાનું કહ્યું.

જોરદાર વરસતા વરસાદમાં શાંતનુએ સંભાળીને બાઇક ચલાવવાનું શરુ કર્યું. એકબાજુ અનુશ્રીને સુખદુખ એને ઘેરે પહોંચાડવાની મોટી જવાબદારી હોવા છતાં એ આજે પહેલીવાર પોતાની બાઇક ઉપર બેસી એનો આનંદ શાંતનુ થી રોક્યો રોકાઇ નહોતો રહ્યો અને એ બાઇક ચલાવતાં મંદ મંદ મુસ્કુરાઇ રહ્યો હતો. અનુશ્રીએ પોતાની બન્ને હથેળીઓ શાંતનુના બન્ને ખભાઓ ઉપર મુકીને એને જોરથી પકડી દીધાં હતાં. શાંતનુ માટે તો આ એની જિંદગી ની ‘ફાઇનેસ્ટ મોમેન્ટ’ હતી. પણ એ ફાઇનેસ્ટ મોમેન્ટ વધુ સમય ટકી નહી...

... કારણકે ઇસ્કોન ચાર રસ્તા પર પાણી ખૂબ ભરાઇ ચુક્યા હતાં અને લગભગ આખાયે એસ.જી હાઇ-વે ની આજ હાલત હતી. લોકો ચાર રસ્તેથી યુ ટર્ન લઇને પાછાં વળી રહ્યાં હતાં.

‘શું કરીશું અનુ? આગળ તો બિલકુલ જવાય એમ જ નથી’ શાંતનુએ બાઇક ને એકબાજુ રાખીને અનુશ્રી ને પૂછ્યું.

‘ના ના ના મારે તો ઘરે જ જવું છે. અત્યારે જ...’ અનુશ્રી પુરેપુરી ગભરાયેલી હાલતમાં હતી.

‘હું સમજી શકું છું પણ તમે જ જુવો ને કેટલું રિસ્કી છે?’ શાંતનુએ અનુશ્રી ને પૂછ્યું.

‘તો મને સિરુ ને ઘેર મૂકી જાવ શાંતનુ.’ અનુશ્રી બોલી.

‘હા ધેટ્‌સ બેટર આઇડિયા પણ એનું ઘર પણ એસ.જી હાઇ-વે ની પેલી પાર જ છે ને? એકવાર એને જરા પૂછી લ્યો તો? શાંતનુ એ મુદ્દાની વાત કરી.

‘હમમ..હા એ વાત બરોબર’ અનુશ્રી ને તરત આ વાત ગળે ઉતરી ગઇ.

શાંતનુએ બાઇક નજીકનાં કોમ્પલેક્સ માં લીધું અને એક બંધ દુકાનની છાજલી નીચે એ અને અનુશ્રી બન્ને ઉભા રહ્યાં. બન્ને એ પોતપોતાનાં સેલફોન્સ બહાર કાઢ્યા અને અનુશ્રીએ સિરતદીપને કૉલ લગાડ્યો જ્યારે શાંતનુએ પોતાનાં ઘરનો ાંબર ડાયલ કરીને જ્વલંતભાઇ સાથે વાત કરવાની શરુ કરી. શાંતનુની વાત તો તરત પૂરી થઇ ગઇ પણ અનુશ્રી હજીપણ સિરતદીપ સાથે વાત કરી રહી હતી.

‘તો હું શું કરું સિરું? ... આણ એમ સો સ્કેર્ડ... ઠીક છે હું ભાઇ અને મમ્મા સાથે વાત કરીને તને કહું.’ અનુશ્રી હજીપણ ગભરાટમાં જ બોલી રહી હતી. થોડી ચર્ચા પછી એણે કૉલ કટ કરી ને શાંતનુ સામે જોયું અને પોતાનું ડોકું નકાર માં ધુણાવ્યું.

‘શું થયું અનુ?’ શાંતનુએ પૂછ્યું.

‘સિરુ નાં તો ઘરમાં પણ પાણી ઘુસી રહ્યાં છે એની હાલત તો વધુ ખરાબ છે.’ અનુશ્રીએ નિરાશાજનક સૂરમાં વાત કરી.

‘એક આઇડિયા આપું જો તમને વાંધો ન હોય તો?’ શાંતનુ બોલ્યો.

‘હમમ..’ અનુશ્રી પોતાનાં દાંત વચ્ચે પોતાનાં સેલફોન નો એક ખૂણો દબાવતાં બોલી.

‘જુવો મારું ઘર અહી પાછળ જ આશ્રમ છાવણી માં જ છે, તો...ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારે ઘેર ચાલો. જેવો વરસાદ ધીમો થશે એમ તરત જ હું તમને ઘરે મૂકી જઇશ અને હજી તો ફક્ત સાડાચાર જ થયાં છે.’ શાંતનુ બોલ્યો અનુશ્રી વિચારી રહી હતી.

‘હમમમ..બીજો કોઇ રસ્તો પણ નથી પણ મારે મારાં મમ્મા ને તો કહેવું જ પડશે.’ અનુશ્રી હવે લગભગ રોવુરોવું થઇ રહી હતી. એને તો પોતાને ઘેરે જ જવું હતું એ વાત સ્પષ્ટ હતી.

‘શ્યોર તમે એમની સાથે વાત કરો અને એમને પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરો એ જરૂર સમજી જશે. સેફ્ટી ફર્સ્ટ બરોબર ને?’ શાંતનુ એ અનુશ્રીને જેટલું સારું લગાડી શકાય એટલું સારું લગાડવા મોઢાં પર સ્મીત રાખીને એને ધરપત આપતાં બોલ્યો.

અનુશ્રીએ પોતાને ઘેર કૉલ કર્યો અને એનાં મમ્મા ને પરિસ્થિતિ થી અવગત કર્યા. કદાચ એનો ભાઇ સુવાસ પણ ઘરે જ પહોંચી ગયો હતો એવું એની વાત કરવાની રીત પરથી લાગ્યું. થોડીવાર પછી એણે પોતાનો સેલફોન શાંતનુને આપ્યો.

‘મમ્મા અને ભાઇને તમારી સાથે વાત કરવી છે.’ અનુશ્રી૪ સેલફોન આપતાં બોલી. શાંતનુ એ ફોન લીધો.

‘હેલ્લો...? હા આંટી તમે જરાપણ ચિંતા ન કરો...હું ઘરે જઇને પપ્પા સાથે પણ તમારી વાત કરાવીશ...હા અનુ મારાં ફ્રેન્ડ છે એની સેફ્ટી મારાં માટે...જી..જી... હા હેલ્લો સર...શ્યોર...જેવો વરસાદ રોકાય એવો તરત જ...એની ટાઇમ મને કૉલ કરી શકો. છો... હું મારો અને મારાં પપ્પા નો નંબર પણ તમને મેસેજ કરી આપું છું...યુ નીડ નોટ ટુ વરી...” આમ શાંતનુ એ અનુશ્રીના મમ્મા અને ભાઇ સુવાસ સાથે વાત કરી અને અનુશ્રીને પોતાને ઘેરે લઇ જવાની મંજુરી મેળવી લીધી.

અનુશ્રીને પણ ઘેરે થી શાંતનુ ને ઘેરે જવાની મંજુરી મળતાં જ થોડી રાહત થઇ હોય એવું લાગ્યું કારણકે એક સમયે હમણાં રોઇ કે રોશે એવી પરિસ્થિતિમાં થી અત્યારે એનાં ચહેરા પર ફિક્કું તો ફિક્કું પણ સ્મીત હતું...બન્ને ફરીથી બાઇક ઉપર બેઠાં અને ફક્ત ગણતરીની મીનીટોમાં જ શાંતનુ ને ઘરે પહોંચી ગયાં. શાંતનુ એ ડોરબેલ વગાડી અને જ્વલંતભાઇ એ મુસ્કુરાતા ચહેરાએ બારણું ખોલ્યું.

‘કહા થે શાંતનુભાઇ? કહાં ઇતની દેર લગાઇ? જ્વલંતભાઇએ એમનાં ચિતપરિચિત પ્રાસાનુપ્રાસ વાળાં લહેકામાં શાંતનુ ને આવકાર આપ્યો.

શાંતનુએ મોઢાં પર આંગળી રાખીને એમને પોતાની પાછળ જોવાનું કહ્યું. જ્વલંતભાઇને કાંઇજ ખબર ન પડી.

‘શું થયું આમ કેમ મોઢાં પર આંગળી? શું તમારી હાલત છે પાંગળી?’ જ્વલંતભાઇ એ ફરીથી પ્રાસ બેસાડ્યો.

‘પપ્પા આ અનુશ્રી છે મારાં ફ્રેન્ડ, મારી સામેની ઓફિસમાં જ

કામ કરે છે. એમનું ઘર બોપલમાં છે ત્યાં અત્યારે ખુબ પાણી ભરાઇ ગયાં છે એટલે એ મારી સાથે અહિયા આપણે ઘેર આવ્યાં છે.’ શાંતનુ એ હવે જાજી માથાકૂટ કર્યા સીવાય સીધેસીધી અનુશ્રી ને જ્વલંતભાઇ સામે ધરી લીધી.

જ્વલંતભાઇ પણ થોડાક આશ્ચર્યચકિત થયાં કારણકે ‘શાંતનુ? અને એ પણ કોઇ છોકરીને પોતાને ઘેર લઇ આવે?’ એ વાત કોઇને પણ પચે એવી ન હતી તો પછી જ્વલંતભાઇ કેવી રીતે બાકાત રહે. રેઇનકોટ માંં વીંટાયેલી અનુશ્રી ને એમણે જોઇ અને તરત જ પરિસ્થિતિ સમજી ગયાં.

‘પ્લીઝ, કમ ઇન બોથ ઓફ યુ.’ એમ કહીને એમણે બન્ને ને આવકાર આપ્યો. અનુશ્રીએ નમસ્તે કરીને જ્વલંતભાઇને નર્વસ સ્માઇલ આપ્યું.

શાંતનુએ બારણામાં જ પોતાનો રેઇનકોટ ઉતારવાનું શરુ કર્યું એનું જોઇને અનુશ્રી પણ પોતાનો રેઇનકોટ ઉતારવા લાગી.

‘અરે..તમે બન્ને સીધાં ગેલેરીમાં જ જતાં રહો ત્યાં જ રેઇનકોટ ઉતારી લ્યો અને રેલીંગ પર જ સુકાવી દયો.’ જ્વલંતભાઇએ બન્ને ને રેઇનકોટ બારણાં પાસે ઉતારતાં રોક્યા.

શાંતનુ અને અનુશ્રી જ્વલંતભાઇ નાં આદેશ મુજબ સીધાં જ શાંતનુના રૂમની ગેલેરીમાં ગયાં અને પોતપોતાનાં રેઇનકોટ ઉતાર્યા. જ્વલંતભાઇ પણ એમની પાછળ પાછળ જ આવ્યાં. રેઇનકોટ પહેર્યા હોવાં છતાં બન્ને સારી પેઠે ભીંજાઇ ગયાં હતાં.

‘શાંતનુ તમે તમારાં કપડાં લઇને મારાં બાથરૂમમાં ચેન્જ કરી લ્યો’ જ્વલંતભાઇ બોલ્યાં

‘ઓકે પપ્પા પણ અનુશ્રી? એનાં કપડાં?’ શાંતનુએ મુદ્દાનો સવાલ ઉઠાવ્યો.

‘નો નો આઇ એમ ફાઇન, સુકાઇ જશે અને હમણાં વરસાદ બંધ થઇ જાય પછી મારે ઘરે જ જવાનું છે ને?’ અનુશ્રી બોલી.

‘અનુશ્રી પણ ત્યાં સુધીમાં કદાચ તમને શરદી પણ થઇ જશે. શાંતનુ તમે એક કામ કરો તમારું કોઇ એક ટી-શર્ટ અને તમારાં ટ્રેક સ્યુટ નું પેન્ટ અનુશ્રી ને આપો. શી વીલ ફીલ કમ્ફર્ટેબલ અને હા તમે મારો ટોવેલ લઇ લેજો અનુશ્રીને તમારો એકસ્ટ્રા ટોવેલ આપજો.’ જ્વલંતભાઇ એ હુકમના સ્વરમાં સૂચન કર્યું.

‘હા અનુશ્રી એ જ બરોબર રહેશે. શરદી થઇ જાય એનાં કરતાં તમે જરા ફ્રેશ થઇ જાવ.’ શાંતનુ એ પણ જ્વલંતભાઇના સુર માં સુર પુરાવ્યો. અનુશ્રી પણ સમજી ગઇ અને વધુ કોઇ ચર્ચા કર્યા વિના સહમત થઇ ગઇ.

શાંતનુ એ એનું ફેવરીટ બ્લેક ટી-શર્ટ અને એનાં ટ્રેક સ્યુટનું એશ કલરનું પેન્ટ એને આપ્યું અને પોતાનાં બાથરૂમ ની લાઇટ કરી ને એની સામે સ્મીત આપ્યું. અનુશ્રી થોડીક અસ્વસ્થ લાગી પણ જ્વલંતભાઇની વાત પણ એને ખોટી ન લાગી એટલે એ બાથરૂમ માં ગઇઅને બારણું લોક કર્યું. શાંતનુ પણ જ્વલંતભાઇ નાં રૂમમાં ચેન્જ કરવા ગયો.

શાંતનુ જ્યારે જ્વલંતભાઇના રૂમ માં થી બહાર આવ્યો ત્યારે અનુશ્રી ઓલરેડી લીવીંગ રૂમમાં આવી ચુકી હતી. બ્લેક ટી-શર્ટ એશ કલરનાં ટ્રેક સ્યુટ નાં પેન્ટ અને ભીનાં વાળમાં અનુશ્રી ખુબ જ આકર્ષક લાગી રહી હતી. પોતાનાં સેલફોન પર એ કદાચ અત્યારે સિરતદીપ સાથે વાત કરી રહી હતી. થોડી જ વારમાં જ્વલંતભાઇ એક ટ્રે માં ત્રણ ચા નાં કપ અને થોડાંક બિસ્કીટસ લઇ ને આવ્યાં.

‘ચાલો બન્ને આ ગરમાગરમ મસાલાવાળી ચા અને થોડાક બિસ્કીટ લઇ લ્યો અને તાજામાજા થઇ જાવ. સોરી મહારાજ નથી આવ્યાં એટલે કોઇ ગરમ નાસ્તો નહી કરાવી શકું. જ્વલંતભાઇ ટેબલ ઉપર ટ્રે મુકતાં બોલ્યાં.

‘વેરી સોરી અંકલ મેં તમને તકલીફ આપી.’ અનુશ્રી બોલી.

‘અરે એમાં તકલીફ શેની મીસ્સ? તમે શાંતનુ નાં મિત્ર છો અને એટલે આ ઘર તમારું જ છે.’ જ્વલંતભાઇ બોલ્યાં.

શાંતનુ ને જ્વલંતભાઇ નું આ ‘આ ઘર તમારું જ છે’ બોલવું ખુબ ગમ્યું અને મનોમન ‘આમીન’ બોલ્યો જેથી જો ભગવાને આ સાંભળ્યું હોય તો ભવિષ્યમાં અનુશ્રી માટે કાયમ ખાતે આ ઘર એનું પોતાનું જ થઇ જાય. ત્રણેય જણા ચા-નાસ્તો કરતાં એકબીજા સાથે વાતોએ વળગ્યાં. અનુશ્રી થોડી થોડી વારે બારીની બહાર વરસાદ જોઇ રહી હતી પણ વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લેતો. જે સ્પીડે એણે બપોરે વરસવાનું શરુ કર્યું હતું એમાં જરાપણ ફેર પડ્યો ન હતો. શાંતનુ આ બધું જ ધ્યાનથી જોઇ રહ્યો હતો. અચાનક એને સુવાસ ને કરેલુ પ્રોમિસ યાદ આવ્યું...

‘અરે પપ્પા, તમે જરાક અનુશ્રી નાં મમ્મા અને ભાઇ સાથે વાત કરશો? એ લોકો અનુની ખુબ ચિંતા કરતાં હશે. ગમેતેમ પણ એમનાં માટે તો આપણે અજાણ્યાં લોકો જ છીએ ને?’ શાંતનુ બોલ્યો અને એ અનુશ્રીને પણ સારું લાગ્યું.

‘શ્યોર કેમ નહી? શાંતનુ આ કામ કરવાનું તમારે મને પહેલાં કહેવું જોઇતું હતું. એલોકો જરૂર આમની ચિંતા કરતાં હશે જ. લાવો મને જરા નંબર જોડી આપો.’ જ્વલંતભાઇ બોલ્યાં.

શાંતનુ એ અનુશ્રી પાસેથી સુવાસ નો નંબર લઇ ને ડાયલ કર્યો અને અનુશ્રી ને આપ્યો.

‘રીંગ જાય છે .. અનુ તમે જરાક વાત કરો પછી હું અને પપ્પા વાત કરીએ.’ શાંતનુ પોતાનો સેલફોન આપતાં બોલ્યો.

‘હાં, ભાઇ અનુ, હું સેફ છું અને શાંતનુ નાં ઘરે છું તમે અને

મમ્મા જરાપણ ચિંતા ન કરશો. શાંતનુના પપ્પા તમારી સાથે વાત કરવા માંગે છે...હા અને પછી મમ્મા ને આપજો મારે પણ વાત કરવી છે.’ અનુશ્રી એ જ્વલંતભાઇ તરફ સેલફોન લંબાવતાં કહ્યું.

આ દરમ્યાન શાંતનુએ જ્વલંતભાઇ ને અનુશ્રીના ભાઇનું નામ અને જેટલી વિગતો એ જાણતો હતો એ ઝડપથી એને આપી દીધી.

‘જી નમસ્તે સુવાસ ભાઇ, હું જ્વલંત બુચ, રીટાયર્ડ ચીફ સેક્રેટરી ટુ ધ મીનીસ્ટર ઓફ નર્મદા પ્રોજેક્ટ...’ જ્વલંતભાઇ એ વાત શરુ કરી. એમણે સુવાસ અને ત્યારપછી અનુશ્રીનાં મમ્મા સાથે લંબાણપૂર્વક વાત કરી અને પોતાનો અનુભવ વાપરીને એ બન્ને ને અનુશ્રી માટે ધરપત આપી અને એમની વાતે કમાલ કરી દીધી.

વરસાદનું જોર હજુ એટલું જ હોવાથી અનુશ્રીના મમ્મા એ એને રાત્રે શાંતનુને ઘરે જ રોકાઇ જવાનું કહ્યું કારણકે વરસાદ રોકાઇ જાય પછી પણ પાાણી ઉતરતાં કલાકો લાગવાનાં હતાં એટલે હવે રાત્રીનાં સમયમાં કોઇ જ રિસ્ક લેવાની મનાઇ અનુશ્રીના મમ્મા અને સુવાસ બન્ને એ કરી. જ્વલંતભાઇ ની એક એક વાત પર એમને જાણેકે વિશ્વાસ બેસી ગયો હતો. અનુશ્રી પણ થોડીક આનાકાની સાથે રાત શાંતનુને ઘેરે જ રોકાઇ જવા તૈયાર થઇ ગઇ.

શાંતનુ માટે તો આ બાબત કોઇ ચમત્કાર થી ઓછી ન હતી. એણે મનોમન વરુણદેવ નો આભાર માન્યો કારણકે જો એ મદદે ન આવ્યાં હોત તો અનુશ્રી કદાચ ક્યારેય પણ પોતાને ઘેરે રોકાવા તો શું મળવા પણ આટલી સરળતાથી ન આવત. અનુશ્રી હવે આખી રાત અહીંજ છે એટલે એની સાથે મોડી રાત સુધી વાતો કરવાનો મોકો પણ મળ્યો છે એ વિચારીને તો એ પોતે ગળ્યો ગળ્યો થઇ ગયો હતો પણ ફરીથી એણે પોતાનો ઉત્સાહ કંટ્રોલ કરી લીધો અને એને ચહેરા પરનાં હાવભાવમાં તસુભાર નો પણ ફેર આવવા ન દીધો. એણે અનુશ્રીનો મૂડ ચેન્જ કરવા ટીવી ચાલુ કર્યું અને અનુશ્રી ને બહુ ડીસ્ટર્બ ન કરવાનું નક્કી કર્યું. અનુશ્રી પણ ધીરેધીરે રીલેક્સ થવા લાગી હતી અને ટીવીનાં કોઇક પ્રોગ્રામ માં ઇન્વોલ્વ થઇને મુસ્કુરાઇ રહી હતી. શાંતનુ જ્વલંતભાઇ અને અનુશ્રીનું પુરતું ધ્યાન રાખીને એકીટસે અનુશ્રીને જ જોઇ રહ્યો હતો અને ત્યાં જ જ્વલંતભાઇનાં અવાજે એનું અને અનુશ્રીનું ધ્યાન ભંગ કર્યું.

‘ભાઇઓ અને બહેનો, મુસીબતની ઘડી છે આવી રહી, મહારાજે કહ્યું છે કે હું આજે આવીશ નહી’ જ્વલંતભાઇ પોતાનાં સેલફોન પર ચાલી રહેલો ફોન કટ કરતાં પોતાનાં અદ્દલ મુડમાં બોલ્યાં.

‘તો આપણે શું કરીશું? શું ઘરે પધારેલાં મહેમાન ને ભૂખે મારીશું?’ શાંતનુએ અનુશ્રી તરફ આંગળી કરી ને પ્રાસમાં જ જવાબ આપ્યો.

‘એમ મહેમાનને કેમ ભૂખે મરાય? આમ કરીને કાઇ શરમનાં ડબ્બા થોડાં ભરાય? જ્વલંતભાઇ બોલ્યાં.

‘તો પરિસ્થિતિ ને સમજીએ અને બહારથી જ કાઇક મંગાવીએ.’ શાંતનુ હવે ફૂલ ફોર્મમાં આવી ગયો હતો.

‘આવાં વરસાદમાં આપણે તો બહાર જવાય જ નહી એને કોઇ અહી આવી ને ભોજન આપી જશે એવું તો વિચારાય જ નહી!’ જ્વલંતભાઇ ની વાત સો ટકા સાચી હતી.

‘એમ કાઇ ફરીથી ચા-બિસ્કીટ થી પેટ ભરાય નહી અને મહેમાનને એમ હેરાન કરાય નહી.’ શાંતનુ ને આમ તો પ્રાસ મેળવવો કાયમ કંટાળાજનક લાગતું હતું પણ અત્યારે તો એ અનુશ્રીના પોતાનાં ઘેરે આવવાથી ખુશ હતો વત્તા એને અનુશ્રીને સતત ઇમ્પ્રેસ પણ કરવી હતી એટલે એ બરોબર પ્રાસ ઉપર પ્રાસ મેળવી રહ્યો હતો. અને સામે પક્ષે અનુશ્રી પણ ઇમ્પ્રેસ થઇ રહી એને આ બધું શું થઇ રહ્યું છે એનો પૂરો ખ્યાલ તો નહોતો આવ્યો પણ એ થોડુંથોડું સમજી રહી હતી.

‘તમે બન્ને કવિતા કરો છો?’ અનુશ્રીએ આશ્ચર્ય મિશ્રિત લહેકામાં ભોળેભાવે સસ્મિત પૂછ્યું.

‘ટાઇમ પ્લીઝ પપ્પા...સોરી, મારે અનુને એક્સ્પ્લેઇન કરવું પડશે.’ શાંતનુ એ સમયસર ટાઇમ પ્લીઝ કરી દીધું. આજે એનાંથી કોઇજ ભૂલ નહોતી થઇ રહી.

‘જરૂર એમને આ તકલીફમાં થી દુર તો કરવાં જ પડશે’ જ્વલંતભાઇ એ શાંતનુ નાં પ્રાસમાં પ્રાસ બેસાડ્યો.

અનુશ્રી બન્ને સામે અહોભાવથી જોઇ રહી હતી એને હવે આ પ્રાસાનુપ્રાસ નો આઇડિયા લગભગ સમજમાં આવી ગયો હતો એટલે શાંતનુ કાઇ સમજાવવાનું શરુ કરે એ પહેલાં જ એ બોલી ઉઠી...

‘રેગુલર વાતો કરવાથી થાય છે ત્રાસ એટલે જ તમે બન્ને વાતો કરો છો મેળવી ને પ્રાસ!’ અનુશ્રી હસતાંહસતાં બોલી...

‘વાહ વાહ શું વાત છે, તમારાં માં પણ પ્રાસ મેળવવાનું ટેલેન્ટ તો કઇક ખાસ છે.’ જ્વલંતભાઇ અનુશ્રીના વખાણ કરતા બોલ્યાં.

‘ટેલેન્ટ ની તો ખબર નથી પણ હવે મને લાગે છે કે આ બાબતમાં હું સાવ નવી નથી.’ અનુશ્રી લગભગ ખડખડાટ હસતાંહસતાં બોલી.

‘ખાલી પ્રાસ બેસાડવાથી પેટ નહી ભરાય, પેટપૂજા ની પણ કોઇ તૈયારી થાય?’ શાંતનુ બોલ્યો

‘આપણે બેય પ્રાસ બેસાડવામાં જ છીએ હોંશિયાર રાંધવાની વાત આવે ત્યારે આપણને આવી જાય છે ચક્કર ચાર.’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘રાંધવાની તમે ન કરો ફિકર વ્હેન અનુશ્રી ઇઝ હિયર.’ અનુશ્રી બોલી.

‘ટાઇમ પ્લીઝ... ટાઇમ પ્લીઝ... ટાઇમ પ્લીઝ... મારાં વતી બંધાય નું ટાઇમ પ્લીઝ.’ શાંતનુ એ વચ્ચે લંગસીયું નાખ્યું.

‘કેમ શું થયું?’ અનુશ્રી બોલી.

‘કમ ઓન અનુ, તમે તમારાં મહેમાન છો અને તમારી પાસે અમે રંધાવીએ?’ શાંતનુ એ પોતાનો વિરોધ નોંધાવ્યો.

‘હું પણ શાંતનુની વાત સાથે સહમત છું અનુ, તમારાંથી એમ રસોઇ કેમ બનાવાય? તમે તો ...’ જ્વલંતભાઇ એ શાંતનુ ને ટેકો આપ્યો.

‘કેમ તમને બન્ને ને બીક લાગે છે કે હું બોરિંગ ખાવાનું બનાવીશ? રોજ સાંજે અને સંડે બન્ને ટાઇમ ઘરે હું જ ખાવાનું બનવું છું. સુવાસભાઇ તો મારી રસોઇનાં દીવાના છે.’ અનુશ્રી બોલી

‘એ હું સમજું છું અનુ પણ તમે ઓલરેડી તકલીફમાં છો અને તમને આમ રાંધવાનું કેમ કહેવાય?’ શાંતનુ એ દલીલ કરી.

‘આમ કે તેમ, મને ખાત્રી છે કે તમારાં બન્ને કરતાં તો હું સરસ જ રાંધતી હોઇશ અને આમ પણ અત્યારે અંકલે કહ્યું એમ બહાર જઇ પણ નહી શકાય અને કોઇને બોલાવી પણ નહી શકાય અને જો હું શાંતનુની ફ્રેન્ડ છું અને અંકલે કીધું એમ મારે આ ઘર પોતાનું જ માનવાનું છે તો પછી એકબીજાને એકબીજા માટે શરમ શેની? ફોર્મલ થવાની કોઇ જરૂર ખરી અંંકલ?’ અનુશ્રી જ્વલંતભાઇ સામે જોઇને બોલી.

‘આપણે તો ધોળી ધજા દેખાડી દીધી શાંતનુ ભાઇ... યુદ્ધવિરામ..! અનુશ્રી ચાલો હું તમને મારાં રસોડા સાથે મુલાકાત કરાવી દઉં. જ્વલંતભાઇ ઉભાં થયાં.

જ્યારે જ્વલંતભાઇ માની ગયાં ત્યારે શાંતનુ પાસે એમની અને અનુશ્રી સાથે અગ્રી થવા સીવાય કોઇ જ રસ્તો ન હતો અને ત્રણેય જણા રસોડામાં ગયાં.

જ્યારે જ્વલંતભાઇ માની ગયાં ત્યારે શાંતનુ પાસે એમની અને અનુશ્રી સાથે અગ્રી થવા સીવાય કોઇ જ રસ્તો ન હતો અને ત્રણેય જણા રસોડામાં ગયાં.

‘ઘરમાં ક્યા ક્યા શાક છે?’ રસોડામાં ઘૂસતાં જ અનુશ્રી બોલી.

‘આજે તો ખાલી ભીંડા અને બટેટા જ છે પણ અમારાં શાંતનુભાઇ ને ભીંડા નથી ભાવતાં.’ જ્વલંતભાઇ હસતાંહસતાં બોલ્યાં. અનુશ્રી શાંતનુ સામે જોઇને હસી.

‘આજે ભાવશે, આઇ બેટ! અંકલ તમે ડુંગળી લસણ તો ખાવ છો ને?’ અનુશ્રી બોલી

‘અરે બિલકુલ ખાઉં છું. એ પડી પેલી બટેટાના ટોપલામાં એક નાની છાબડી છે એમાં.’ ટોપલા તરફ ઇશારો કરતાં જ્વલંતભાઇ બોલ્યાં.

‘ઓકે અને દાળ અને લોટ?’ અનુશ્રી આખાયે રસોડાનું સ્કેન કરતાં બોલી.

‘અરે એટલી ધમાલ નથી કરવી અનુ, શાક-ભાત પણ ચાલશે.’ શાંતનુ બોલ્યો

‘મારાં કામ માં કોઇ દખલ દે એ મને જરાપણ પસંદ નથી સમજ્યા

મી. જુનીયર બુચ’ અનુશ્રી હસતાંહસતાં બોલી.

‘આ જુનીયર બુચ તો મને જુનીયર બુશ જેવું લાગ્યું.’ લોટ અને દાળનાં ડબ્બાઓ દેખાડતાં જ્વલંતભાઇ બોલ્યાં અને ત્રણેય હસવા માંડ્યા.

‘ચાલો હવે તમે બન્ને બહાર જશો તો હું ડીસ્ટર્બ થયાં વીના કુકિંગ કરી શકું?’ અનુશ્રીએ અધિકાર નો અવાજ વાપર્યો.

‘ચોક્કસ, અનુશ્રી મસાલીયું ત્યાં સામે નાં કબાટ માં છે. ગરમ મસાલો અને બીજા મસાલા ફ્રીઝર માં છે અને કાઇ મળે નહી તો મને બોલાવજો.’ જ્વલંતભાઇ રસોડાની બહાર નીકળતાં બોલ્યાં.

‘ઓક્કે, અત્યારે સાડાસાત વાગ્યા છે અને મને ખબર છે અંકલ કે તમે બન્ને લગભગ સાડાઆઠ વાગે જમવા બેસો છો. તો સાડાઆઠે ડીનર ટેબલ પર સર્વ થઇ જશે!’ અનુશ્રી હસતાં મોઢે બોલી.

શાંતનુ પણ અનુશ્રી નાં આ નવાં રૂપ થી આશ્ચર્યચક્તિ થઇ ગો હતો અત્યારસુધી એને અનુશ્રીનાં નિખાલસ સ્વભાવ નો તો પરિચય હતો જ પણ આવી રીતે હક્કથી વાત કરતાં એને પહેલી વાર જોઇ હતી. અત્યારસુધી એને શાંત અને ઠરેલ સ્વભાવ વાળી અનુશ્રી નો ખ્યાલ હતો પણ આવી રમતિયાળ અનુશ્રી એણે પહેલીવાર જોઇ હતી અને એને આ બધું ખુબ ગમતું પણ હતું. શાંતનુ અને જ્વલંતભાઇ બેઠકમાં ગયાં. બન્ને જુદાજુદા સોફાઓનાં ખૂણે એવી રીતે બેઠાં કે બન્નેથી સાવ નજીક બેસાય.

‘ધરિત્રી નાં ગયાં પછી પહેલીવાર કોઇ સ્ત્રી આપણા રસોડામાં રસોઇ કરી રહી છે.’ જ્વલંતભાઇ થોડાંક લાગણીશીલ થયાં. શાંતનુ એ મુસ્કુરાઇ ને એમનો હાથ દબાવ્યો.

પછી બન્ને કોઇ જૂની ક્રિકેટ મેચ જોવામાં પરોવાઇ ગયાં. અચાનક શાંતનુને અક્ષયની યાદ આવી. આવાં જોરદાર વરસાદમાં એ અને એનાં પપ્પા તો વડોદરા ગયાં હતાં એમની શું હાલત થઇ હશે અને ચિંતા તો એણે હજીસુધી કરી જ ન હતી! વત્તા અનુશ્રી પોતાનાં ઘરમાં છે એ વાત પણ એણે અક્ષય ને કરવી હતી એટલે એણે પોતાનો સેલફોન ઉપાડ્યો અને પોતાનાં રૂમની ગેલેરીમાં ગયો જયાં એણે અક્ષયનો નંબર ડાયલ કર્યો.

‘અરે ક્યાંછે તું? ઠીક તો છે ને આખાં દિવસમાં એકવાર ફોન તો કરાય ને? તું અને પપ્પા સેફ તો છો ને?’ અક્ષય નો ફોન લાગતાં જ શાંતનુ પ્રશ્નો ની ઝડી લઇ ને વરસી પડ્યો.

‘હા મોટાભાઇ હા, અમે બન્ને ઠીક છીએ. કામ તો સવારે જ પતી ગયું હતું પણ બપોરે જમવા બેઠાં ને વરસાદ ખુબ વધી ગયો અને ત્યાં અમદાવાદમાં પણ જોરદાર વરસાદ છે એવો મમ્મી નો ફોન આવ્યો એટલે અમે અહીંજ ફૈબા ને ઘરે જ રોકાઇ ગયાં છીએ. તમે કહો તમે અને અંકલ બન્ને સેફ્ તો છો ને?’ અક્ષયે ડીટેઇલમાં જવાબ આપ્યો.

શાંતનુએ આખા દિવસનો ચિતાર અક્ષયને આપ્યો અને અત્યારે અનુશ્રી પોતાને ઘેરે છે એ વાત પણ એને કહી.

‘ક્યા બાત હૈ બડે ભૈય્યા, આપકી તો નીકલ પડી...ભાભી? આપણે ઘરે? અને એ પણ ડાઇરેક્ટ રસોડામાં? શું વાત છે બોસ્સ!’ અક્ષય ખુબ ખુશ થતાં બોલ્યો. શાંતનુ પણ અહીં અમદાવાદથી જ વડોદરામાં બેઠેલાં ચહેરાનાં હાવભાવ જોઇ શકતો હતો અને મંદમંદ મુસ્કુરાઇ રહ્યો હતો.

‘હા યાર અને તને ખ્યાલ પણ નહી આવે આજે મેં એનું એક અલગ જ રૂપ જોયું. આઇ રીયલી લાઇક હર!’ શાંતનુએ પોતાનાં દિલની વાત કરી નાખી.

‘દાદા, લાઇક માંથી લવ ઉપર ક્યારે આવશો? હવે લગભગ ત્રણ-ચાર મહિના થી તમે બન્ને મિત્રો છો અને આઇ એમ શ્યોર અનુભાભીને પણ તમે એ રીતે ગમતાં ન હોવ તો સારા તો લાગતાં જ હશો...આજે રાત્રે કરી નાખો તમારાં પ્રેમ નો ઇઝહાર!’ અક્ષય શાંતનુને સલાહ આપતાં બોલ્યો.

‘ના યાર મરાવીશ તું મને, આજે નહી ફરી ક્યારેક.’ શાંતનુના અવાજમાં અચાનક ગભરાહટ આવી ગઇ જાણેકે અક્ષય એની સામે જ ઉભો હોય અને એને અનુશ્રીને પ્રપોઝ કરવાનો ફોર્સ કરતો હોય.

‘અરે આજે નહી તો ક્યારે યાર?’ અક્ષય થોડો નિરાશ થયો

‘ફરી ક્યારેક મોકો જોઇને પણ આજે તો નહીં જ. અને મિત્ર અક્ષય તમે મને સલાહો આપો છો તો તમારું શું છે? તમે પણ સિરતદીપને ત્રણ-ચાર મહિના થી જ જાણો છો અને તમે બન્ને તો સાથે હરોફરો પણ છો એનું શું? તમે શરૂઆત કરો પછી મારો વારો’ શાંતનુ એ પાસો ફેંક્યો.

‘ઓકે તો આ વરસતા વરસાદનાં અને આજનાં આ ઐતિહાસિક દિવસનાં સમ જ્યારે ભાભી આપણા ઘરમાં રસોઇ બનાવી રહ્યાં છે ત્યારે હું અક્ષય વેલજીભાઇ પરમાર એવી જાહેરાત કરું છું કે આવનાર રવિવારે હું મીસ. સિરતદીપપાલકૌર બાજવાને અમારાં રેગ્યુલર મીટીંગ પ્લેસ એટલે કે પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા ‘મેક-ડી’ પર બોલાવીને એમની સમક્ષ મારાં પ્રેમ નો ઇઝહાર કરીશ હવે મિસ્ટર શાંતનુ જ્વલંતરાય બુચ તમે તમારું પ્રોમિસ કહો, આપ ક્યારે મીસ. અનુશ્રી મહેતા ને પ્રપોઝ કરશો?’ અક્ષય પોતાની સ્ટાઇલમાં બોલ્યો. હવે વારો શાંતનુ નો હતો આવું જ કઇક પ્રોમિસ કરવાનો.

‘તું કાલે આવીજા પછી વાત કરીએ.’ શાંતનુ ફરીથી વાત ટાળતાં બોલ્યો

‘આવી ગયાં ને લાઇન પર મોટાભાઇ? પણ હું આજે છોડવાનો નથી. તમારે આજે મને પ્રોમિસ કરવું જ પડશે કે તમે અનુભાભીને ક્યારે અને ક્યાં પ્રપોઝ કરશો. ક્યારેક તો કરવું જ પડશે ને? અને આજે તો તમે બન્ને એકબીજા ને વધુ જાણશો અને ફ્રેન્ડશીપ ની એક નવી ઉંચાઇ સર કરશો. તમને એ ખુબ ગમે છે એમ નહી તમે એમને દિલોજાન થી ચાહો છો તો ડર શેનો? એકવાર કહી દો ભાઇ.’ અક્ષય બોલ્યો.

‘પણ ક્યાંક એમ કરવાથી એ દોસ્તી પણ મૂકી દેશે તો?’ શાંતનુએ પોતાનો ડર દર્શાવ્યો.

‘દોસ્તી મુકશે પણ તમારો પ્રેમ લઇ ને જશે ને? દાદા, દુનિયામાં એવાં ઘણાં લોકો ભૂતની જેમ ફરી રહ્યાં છે જેણે પોતાનાં દિલની વાત પોતાનાં સનમ ને કરવામાં મોડું કર્યું અથવાતો કદાપી કરી જ નહી અને પછી આખી જિંદગી પસ્તાયા કર્યા, શું તમારે પણ એમ જ કરવું છે? અને વિચારો જો અનુભાભીએ હા પાડી દીધી તો? બી પોઝીટીવ ભાઇ.’ અક્ષય આજે શાંતનુને છોડવાનો ન હતો.

‘હમમ..વાત તો તારી સાચી છે, એકવાર આ દિલ પરનો ભાર ઉતરી તો જાય અને બહુ બહુ તો ના પાડશે ને?’ શાંતનુ બોલ્યો.

‘બી પોઝીટીવ ભાઇ, તમે આ વાક્ય સેલ્સમાં તો આત્મસાત કરી લીધું છે અને એને કારણે તમે આપણી કંપીનીને દર મહીને લાખોનો ફાયદો કરી આપો છો તો તમારાં પોતાનાં માટે એમ કેમ નહી? એ હા જ પાડશે, તમને ના પાડવા માટે એમની પાસે કોઇ રીઝન તો હોવું જોઇને ને?’ અક્ષય હવે શાંતનુ ને કોર્નર કરી રહ્યો હતો.

‘ઠીક છે તું કાલે આવીજા એટલે નક્કી કરીએ.’ શાંતનુ હજીપણ સમય માંગી રહ્યો હતો.

‘કાલે નહી આજે જ કહો, તારીખ, દિવસ અને સમય. ભલે તમારું બેલેન્સ ખતમ થઇ જાય પણ હું ફોન કટ નહી જ કરું.’ અક્ષયે શાંતનુને પૂરી રીતે કન્ટ્રોલ કરી લીધો હતો અને શાંતનુ પાસે હવે કોઇ જ રસ્તો બાકી ન હતો.

‘ઓકે તો આ રવિવારે હું પણ અનુને ‘ડીનર ચીમ’ માં લઇ જઇશ અને ...’ શાંતનુથી આગળ ન બોલી શકાયું.

‘ધેટ્‌સ લાઇક અ ગૂડ બોય! ઓલ ધ બેસ્ટ તો પછી કાલે મળીએ ત્યારે પુરેપુરો પ્લાન બનાવી નાખીએ?’ અક્ષય બોલ્યો.

‘ઓકે શ્યોર!’ શાંતનુએ જવાબ આપ્યો.

‘પણ હવે આ પ્રોગ્રામમાં કોઇજ ચેન્જ નહી. પછીનાં રવિવારે, ફરી ક્યારેક, મને ડર લાગે છે વગેરે વગેરે બહાનાઓ નહી જ ચાલે.’ અક્ષયે શાંતનુ ને બાંધવાની કોશિશ કરી.

‘હા યાર કોઇ જ બહાના નહી. હું પણ હવે એક નિર્ણય પર આવવા માંગું છું અને આજે હું અનુશ્રીને બને તેટલી ઇમ્પ્રેસ કરવા માંગુ છું એટલે રવિવારે થોડી સરળતા રહે.’ શાંતનુ એ અક્ષયને ધરપત આપતાં કહ્યું.

‘યે હુઇ ના બાત, ચાલો મારે જમવા નો સમય થયો છે, કાલે મળીએ અને તમે ભાભીનાં હાથની રસોઇ જમો અને કેવી હતી એે મને એસએમએસ કરી ને કહેજો ફોન ન કરતાં ઓકે?’ અક્ષયે શાંતનુને સલાહ આપતાં કહ્યું.

‘ઓકે બોસ્સ, એઝ યુ સે, બાય એન્ડ ટેક કેર.’ હસતાંહસતાં શાંતનુ બોલ્યો અને કૉલ કટ કર્યો.

આ આખી વાત કરતાં આઠ પચ્ચીસ થઇ ગઇ હતી અને શાંતનુને હવે ચટપટી થઇ રહી હતી કે આખરે અનુશ્રીએ શું રાંધ્યું હશે? એ લીવીંગ રૂમ માં આવ્યો અને જ્વલંતભાઇ સામે ઇશારો કર્યો કે શું થયું? જ્વલંતભાઇએ ડોકું હલાવી ને એમને પણ કાંઇજ ખબર નથી એમ કહ્યું. જો કે રસોડામાંથી ધમાકેદાર સુગંધ તો જરૂર એવી રહી હતી. ત્યાં જ રસોડામાં થી અનુશ્રી જુદાંજુદાં બાઉલ લઇને ડાઇનીંગ ટેબલ પર મુકવા લાગી. શાંતનુ એને એકીટસે જોઇજ રહ્યો હતો. ત્યાં જ્વલંતભાઇએ એનાં ખભા પર ટપલી મારીને અનુશ્રી ને મદદ કરવા માટે ફક્ત ઇશારાથી જ કહ્યું અને શાંતનુ અનુશ્રીને મદદ કરવા માટે આગળ વધ્યો.

‘આઇ વીલ મેનેજ શાંતનુ, તમે ફક્ત પાણી નો જગ અને ગ્લાસીસ લઇ લ્યો પ્લીઝ.’ અનુશ્રીને ખ્યાલ આવી ગયો એટલે એણે શાંતનુને રોકતાં કહ્યું એણે રાંધેલી બીજી અન્ય વસ્તુઓ રસોડામાંથી લેવાનું શરુ કર્યું.

શાંતનુ રસોડામાં જ ગોઠવેલાં ફ્રીઝ માંથી ઠંડા પાણીનાં બે જગ લીધાં અને એને ડાઇનીંગ ટેબલ પર મુક્યા પછી ફ્રીઝ ઉપર મુકેલા ગ્લાસના સ્ટેન્ડ માં થી ચારેક ગ્લાસ લીધાં અને ડાઇનીંગ ટેબલ પર મૂક્યાં.

‘સો જેન્ટલમેન જે પ્રમાણે મેં પ્રોમિસ કર્યું હતું સાડાઆઠ વાગે જમવાનું તૈયાર છે. હું જરા મોઢું જોઇ ને ફ્રેશ થઇ જઉં?’ અનુશ્રી કોઇક અનોખી જ સ્ટાઇલમાં બોલી અને શાંતનુ ફરીથી ગાંડો થયો.

‘શ્યોર મીસ્સ...તમે ફ્રેશ થાવ અને પછી જ આપણે ત્રણેય જમીએ.’ જ્વલંતભાઇ બોલ્યાં.

અનુશ્રી શાંતનુનાં બાથરૂમનાં વોશબેઝીનમાં ફ્રેશ થઇ ને આવી અને શાંતનુ અને જ્વલંતભાઇ બન્ને ને ટેબલ પર આમંત્રિત કર્યા. ત્રણેય ટેબલ પર ગોઠવાયાં. અનુશ્રીએ પહેલાં થાળીઓ અને પછી વાટકા પહેલાં શાંતનુ અને પછી જ્વલંતભાઇ ને આપ્યાં અને પછી પોતાની જગ્યાએ મુક્યા.

‘અરે અનુશ્રી અમેે લઇ લેશું. તમે કેમ તકલીફ કરો છો?’ જ્વલંતભાઇ એ અનુશ્રીને રોકતાં કહ્યું.

‘અંકલ આજનાં ડીનરનો પુરેપુરો ચાર્જ મારી પાસે છે એટલે તમારે બંનેએ કશુંજ બોલવાનું નથી ફક્ત હું કહું એમ જ કરવાનું છે.’ અનુશ્રી હસતાંહસતાં બોલી પણ એનાં અવાજમાં હુકમ નો રણકો હતો.

‘અમારે કેટલું જમવું એ પણ તમે જ નક્કી કરશો મેડમ કે અમારે ભૂખ લાગી હોય એ પ્રમાણે જમવાનું છે?’ શાંતનુ એ હળવી કમેન્ટ કરી.

‘વેલ જમવાનું ભાવે તો ભૂખ પ્રમાણે નહી તો મને ખોટું ન લાગે એ મુજબ.’ અનુશ્રી આ વખતે ખડખડાટ હસી અને શાંતનુ ફરી થી...

‘બટેટા ભીંડા નું શાક? શાંતનુભાઇ તમારાં પર મુસીબત હૈ આઇ’ એક બાઉલ નું ઢાંકણું ખોલતાં જ્લવંતભાઇ બોલ્યાં.

‘મુસીબત તો અબ જાને કો આઇ અંકલ, ક્યોંકી મૈને ભીંડી અલગ તરીકે સે હૈ બનાઇ.’ અનુશ્રીએ જ્વલંતભાઇ નાં પ્રાસમાં પ્રાસ બેસાડ્યો અને જ્વલંતભાઇ પણ હસ્યાં.

‘નો પ્રાસ પ્લીઝ..મને ચાખવા તો દયો કે શાક કેવું બન્યું છે?’ શાંતનુ એ બન્નેની મશ્કરી થી થોડાક અકળાયેલા પણ તેમ છતાં મોઢાં પર હાસ્ય રાખી ને બોલ્યો.

અનુશ્રી એ પછી દાળ, પરોઠાં અને કાકડી ડુંગળી નું મિક્સ સેલડ પણ પીરસ્યું. સુગંધ તો બહુ સરસ આવી રહી હતી અને ઘણાં વર્ષો પછી શાંતનુ અને જ્વલંતભાઇ બન્ને ને પ્રોફેશનલ રસોયાની નહી પણ ઘરની કોઇ વ્યક્તિ ની રસોઇ ખાવા મળવાની હતી. અનુશ્રી એ બન્ને ને પીરસી ને પોતાની થાળી માં પણ બધી વસ્તુઓ લીધી.

‘તો શરુ કરીએ?’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘શ્યોર અંકલ મને તો કકડીને ભૂખ લાગી છે.’ અનુશ્રી એ જવાબ આપ્યો અને શાંતનુ એ પણ હકારમાં ડોકું હલાવ્યું.

ત્રણેયે જમવાનું શરુ કર્યું...

‘વાહ વાહ વાહ અનુશ્રી અદ્રુત!! ઘણાં દિવસે બલકે વર્ષો પછી આટલું સરસ જમવાનું મળ્યું છે, એટલીસ્ટ આ ઘરમાં.’ જ્વલંતભાઇ રસોઇનાં વખાણ કરતાં બોલ્યાં પણ સાથેસાથે એમનાં દિલની વાત પણ એમનાં હોંઠો પર આવી ગઇ.

‘અનુ, ખરેખર ભીંડા બટેટા નું શાક પણ માઇન્ડબ્લોઇંગ છે’ શાંતનુ એ પોતાનો અંગુઠો ઉંચો કરી ને કહ્યું.

‘તમે બન્ને મને સારું લગાડવા તો આમ નથી કહેતાં ને?’ અનુશ્રી એ ચોખવટ પૂછી.

‘ના ના એવું હોય? હું તો સાચાં વખાણ કરી રહ્યો છું. બાકી ભીંડા વિરોધી વ્યક્તિઓ ની ખબર નહી.’ જ્વલંતભાઇ અનુશ્રી સામે આંખ મીંચકારતા બોલ્યાં. સામે અનુશ્રી પણ હસતી હતી.

‘શું યાર પપ્પા, મને ખરેખર શાક ભાવ્યું અને દાલ ફ્રાય તો જબરદસ્ત છે.’ શાંતનુ પોતાનાં પર લાગેલા આરોપનું ખંડન કરતાં થોડુંક જોરથી બોલ્યો.

‘દાલ ફ્રાય જબરદસ્ત છે એનો મતલબ તો એવો થયો અંકલ કે ભીંડા નું શાક એટલું જબરદસ્ત નથી રાઇટ?’ હવે અનુશ્રી એકદમ ફૂલ મજાકના મુડમાં આવી ગઇ હતી અને જ્વલંતભાઇ નો પક્ષ લઇ ને શાંતનુને બરોબર ચીડવી રહી હતી.

‘એકદમ રાઇટ અનુશ્રી.’ જ્વલંતભાઇ એ સામે બેઠેલી અનુશ્રી ને તાળી આપવા માટે હાથ ધર્યો અને અનુશ્રી એ તરત જ પોતાનાં ડાબે હાથે થી એમને તાળી પણ આપી.

શાંતનુ જરાપણ ચીડાયો ન હતો. એ મંદમંદ મુસ્કુરાઇ રહ્યો હતો બલ્કે એને તો અનુશ્રી અને જ્વલંતભાઇ નું સેટ થઇ ગયેલું ટ્યુનીંગ ખુબ ગમતું હતું અને વધુ માં અનુશ્રી પણ બપોરનાં રડમસ મૂડ માંથી હવે એકદમ ખુશખુશાલ લાગી રહી હતી એનો એને વધુ આનંદ હતો. ત્રણેય જણાએ આમ જ વાતો કરતાં કરતાં અને હસતાંહસતાં ડીનર પતાવ્યું. સવારે કામવાળી બાઇ વાસણ ઘસવા આવશે જ કારણકે એ બ્લીડીંગ નાં ભોંયરામાં જ રહે છે એ વાત કરીને જ્વલંતભાઇએ અનુશ્રી ને હવે અન્ય કોઇ પણ કામ કરતાં રોકી.

આ દરમ્યાન વરસાદનું જોર ઘણું ઓછું થઇ ચુક્યું હતું અને હવે ધીમેધીમે બંધ પણ થઇ જશે એવું લાગી રહ્યું હતું. જમ્યાં પછી ખબર આપ્યાં. આ બાજુ શાંતનુએ અક્ષયને ‘જમવાનું ટનાટન હતું’ એવો એસએમએસ કર્યો અને સામેથી અક્ષયનો પણ ‘મજા કરો મોટાભાઇ’ લખેલો જવાબ પણ આવી ગયો. હવે શાંતનુ અને જ્વલંતભાઇ ન્યુઝ ચેનલો જોવામાં બદલવામાં લાગ્યાં. ત્યાં અનુશ્રીને વધુ જોઇ રહ્યો હતો અને જ્યારે જ્યારે અનુશ્રી મેગેઝીન વાંચતા પોતાનાં વાળની લટ કાન પાછળ ગોઠવતી હતી ત્યારે એનાં હ્ય્દયનાં ધબકારા ની સ્પીડ વધી જતી હતી. એક કલાક દરમ્યાન એ ત્રણેય લગભગ મૂંગા રહ્યાં. દસ વાગતાં જ જ્વલંતભાઇ પોતાની જગ્યાએ થી ઉઠ્યાં...

‘અનુશ્રી, મારો સુવાનો સમય થઇ ગયો. તમે અને શાંતનુ ટીવી જુઓ, વાતો કરો હું રીટાયર થાઉં છું. તમે શાંતનુ નાં રૂમ માં સુઇ જજો, શાંતનુ મારાં રૂમમાં કે અહિયાં સોફા પર સુઇ જશે. સવારે તમને ફાવે એ ટાઇમે ઉઠી જાજો હું તો રોજ છ વાગે ઉઠી જાઉં છું. શાંતનુ તમને ઘેરે મૂકી જશે. થેંક ગોડ વરસાદ પણ લગભગ બંધ થવા આવ્યો છે.’ જ્વલંતભાઇ સોફા પરથી ઉઠીને બોલ્યાં.

‘શ્યોર અંકલ, હું લગભગ સાડાછ વાગ્યા નો એલાર્મ જ મુકીશ અને મોઢું ધોઇ, ફ્રેશ થઇ તમારાં હાથની ચા પી ને ઘેરે જતી રહીશ, ગુડ નાઇટ!’ અનુશ્રી સ્મીત સાથે બોલી.

‘ગુડ નાઇટ પપ્પા.’ શાંતનુ જ્વલંતભાઇ તરફ જોઇને બોલ્યો.

‘ગુડ નાઇટ શાંતનુ.’ જ્વલંતભાઇ પોતાનાં રૂમ તરફ વળ્યાં.’

જ્વલંતભાઇ નાં રૂમ માં ગયાં પછી અનુશ્રી અને શાંતનુ બન્ને એકબીજા સામે યંત્રવત હસ્યાં. શાંતનુ હવે એનાં ફેવરીટ જૂનાં ફિલ્મી ગીતો દેખાડતી ચેનલો તરફ વળ્યો. ત્રણેક મિનીટ તો ગીત જ વાગતું રહ્યું પણ પછી...

‘થેન્કસ શાંતનુ, થેન્કસ ફોર એવરી થિંગ.’ અનુશ્રી એ શાંતનુ સામે જોઇને બોલી. એનાં ચહેરા અને અવાજમાં આભાર ચોખ્ખો દેખાઇ રહ્યો હતો.

‘અરે એમાં થેન્ક્સ શેના અનુ? તમે મારાં ફ્રેન્ડ છો અને મારી જગ્યાએ તમારો કોઇપણ ફ્રેન્ડ આમ જ કરત.’ શાંતનુ બોલ્યો.

‘કરત... કદાચ, પણ મને એને ઘેર જવું એનાં ફેમીલી સાથે ઇન્વોલ્વ થવું કદાચ એટલું ન ગમત જેટલું મને આજે ગમ્યું છે.’ અનુશ્રી સતત શાંતનુ સામે જોઇ રહી હતી.

‘માય પ્લેઝર અનુ કે તમને અહીં ગમ્યું અને થેન્કસ ની જરાય જરૂર નથી એક ફ્રેન્ડ તરીકે મને એ સમયે જે યોગ્ય લાગ્યું એ જ મેં કર્યું. સારું થયું કે સુવાસભાઇ અને તમારાં મમ્મા મારી વાત માની ગયાં નહીં તો ખુબ રિસ્ક હતું. હવે કાલે તમને સુખરૂખ ઘેરે મૂકી આવું એટલે મને મારી મિત્ર તરીકે નની ફરજ બજાવ્યાનો સંતોષ થાય.’ શાંતનુ એ અનુશ્રી ને જવાબ આપ્યો.

‘યુ નો સમથીંગ? ફ્રોમ નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ’ અનુશ્રી બોલી.

‘એટલે? એની થિંગ રોંગ? મારાથી કોઇ ભૂલ થઇ? શાંતનુ થોડો ગભરાયો.

‘નો યુ કાન્ટ ડુ એની થિંગ રોંગ શાંતનુ, આજે જે કાઇપણ મારી સાથે થયું એ પછી તો મને આ બાબતનો પૂરો વિશ્વાસ છે.’ અનુશ્રી હસીને બોલી એ જોઇને શાંતનુ ને શાંતી થઇ.

‘તો આ ફ્રોમ નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ એ વળી શું છે?’ શાંતનુ એ સવાલ કર્યો.

‘યેસ ફ્રોન નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ એ વળી શું છે?’ શાંતનુ એ સવાલ કર્યો.

‘યેસ ફ્રોમ નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ ... બટ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ, વીલ યુ બી વન?’ અનુશ્રી એ સ્મીત સાથે શાંતનુ સામે હાથ લંબાવ્યો.

શાંતનુ પાસે તો બીજો કોઇ ઓપ્શન જ નહોતો એને તો ભાવતું’તું ને વૈદે કીધું એવું થયું એટલે એણે તરત જ અનુશ્રી નો હાથ પકડી લીધો એને મન તો અનુશ્રીનાં હ્ય્દય સુધી પહોંચવાનો માર્ગ આ ‘બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ’ થકી આસાન થતો લાગ્યો.

‘શ્યોર અનુ અને હું પણ પ્રોમિસ કરું છું કે આપણી દોસ્તી જિંદગીભર નિભાવીશ.’ શાંતનુએ અનુશ્રીને વચન આપતાં કહ્યું,

‘થેન્કસ અ લોટ શાંતનુ અને એક બીજી વાત જે મારે તમને ઘણાં દિવસો થી પૂછવી હતી.’ અનુશ્રી એ શાંતનુની ઉત્કંઠા વધારી નાખી અને એ વળી શું ય કહેશે એ વિચારી ને શાંતનુ નું હ્ય્દય જોરજોરથી ધબકવા લાગ્યું. ક્યાંક એ પોતાનાં પ્રેમનો ઉઝહાર સામે થી તો...? એવું પણ શાંતનુએ બે સેકન્ડ માં જ વિચારી પણ લીધું.

‘શ્યોર બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ સાથે કોઇ ફોર્માલીટી ન હોય અને કશું છુપાવવાનું પણ ન હોય.’ શાંતનુ બોલી ઉઠ્યો.

‘થેન્ક્સ, મારે તમને ઘણાં વખતથી બે વાત પૂછવી હતી...’ આટલું બોલતાં અનુશ્રી થોડીવાર રોકાઇ.

‘કઇ બે વાત? પૂછો ને?’ શાંતનુથી હવે રહેવાતું ન હતું. એનું હ્ય્દય જોરજોર થી એનું રક્ત પમ્પીંગ કરી રહ્યું હતું.

‘એક તો આ બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ બનવાની રીક્વેસ્ટ ની અને બીજી એ કે ...શું હું તમને શાંતનુની જગ્યાએ ખાલી ‘શાંતુ’ અને ‘તમે’ ની જગ્યા એ ‘તું’ કહી ને બોલાવું?’ અનુશ્રીએ શાંતનુ પાસે મંજુરી માંગી.

-ઃ પ્રકરણ પાંચ સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED